by Bhadrayu Vachhrajani | Oct 4, 2024 | Uncategorized |


કસ્તુરબા અને ભક્તિબા :: સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
સૌરાષ્ટ્ર એટલે ‘સુરાષ્ટ્ર’ , પ્રાગ્-ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં એ સુરાષ્ટ્ર કહેવાતું હતું. મૈત્રક રાજાઓની રાજધાની વલભી સુરાષ્ટ્રમાં હતી. સોલંકી કાલમાં ‘સુરાષ્ટ્રમંડલ’ એવો પ્રયોગ થયો છે. સિદ્ધરાજ જયસિંહના 1209–1210ના દાહોદ અભિલેખમાં ‘સુરાષ્ટ્રામાલવેશ્વરૌ’ તથા કુમારપાલના સમયમાં માંગરોળ–સોરઠમાં સચવાયેલા ઈ. સ. 1146ના અભિલેખમાં મુલૂક ગૂહિલને ‘સુરાષ્ટ્રનાયક’ કહ્યો છે.
કોઈએ તેને ‘સુરાષ્ટ્ર એટલે સારો દેશ, તો કોઈએ તેને ‘સુરરાષ્ટ્ર’ એટલે દેવોનો દેશ કહ્યો છે. અંગ્રેજ ગ્રંથકારોએ તેને ‘સૌર રાષ્ટ્ર’ એટલે સૂર્યપૂજક લોકોનો દેશ કહ્યો છે. ‘સૌરાષ્ટ્ર’નો ‘સુરાષ્ટ્ર’ તરીકે ઉલ્લેખ ગિરનારના શિલાલેખમાં પણ જોવા મળે છે.
મુસ્લિમ અમલ દરમિયાન આ પ્રદેશનું નામ અપભ્રંશ થઈને ‘સોરઠ’ થયું. ..તો જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન ‘સોરઠ સરકાર’ તરીકે ઓળખાતું હતું. જોકે તેમની રાજમુદ્રામાં તો નાગરી લિપિમાં ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂકવામાં આવ્યો હતો. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર આક્રમણો કર્યાં ત્યારે સૌપ્રથમ તેમને કાઠી નામની લડાયક પ્રજાનો સામનો કરવો પડેલો. તેથી તેમણે આ પ્રદેશને ‘કાઠિયાવાડ’ કહ્યો. પછી અંગ્રેજોએ પણ ‘સૌરાષ્ટ્ર’નું ‘કાઠિયાવાડ’ નામ છેક 1947માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રાખેલું. આઝાદી પછી ફરી તેનું પ્રાચીન નામ ‘સૌરાષ્ટ્ર’ સ્વીકારવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર તેનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે, જે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યાં છે.
सौराष्ट्रे पंचरत्नानि नदीनारीतुरंगमा: ।
चतुर्थ सौमनाथश्च, पंचमं हरिदर्शनम् ।।
પુરાણોમાં સૌરાષ્ટ્રને દેવભૂમિ, સર્વશ્રેષ્ઠ દેશ અને સુંદર પ્રદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી જ કવિ ન્હાનાલાલ તેને ‘પુરાણ–પ્રસિદ્ધ ઇતિહાસોજ્જ્વલ ભૂમિ’ અને કવિ બોટાદકાર તેને ‘સ્વર્ગકુંજ સમ અમ માતૃભૂમિ’ કહે છે.
સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળના મુખ્ય નેતાઓમાં મનસુખ રવજી મહેતા, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ન. ઢેબર, મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, ચીમનભાઈ વૈષ્ણવ, અંધ કવિ હંસ, વીરચંદભાઈ શેઠ, જેઠાલાલ જોશી વગેરે હતા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રમાં યુવક-મંડળોએ અને વિદ્યાર્થી-મંડળોએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પિકેટિંગ કરતા અને ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરતા. તેમાંથી મુખ્ય હતા – કનક દેસાઈ, ગુણવંત પુરોહિત, ગજાનન અને ઘનશ્યામ પુરોહિત, જશવંત મહેતા, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, જયંતિ માલધારી અને રતુભાઈ અદાણી.
15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી, ત્યારે સરદાર પટેલની કુનેહથી ભારતનાં મોટા ભાગનાં દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયાં હતાં; પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે ભારત સાથે ન જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. તેમાં પણ 82 ટકા હિન્દુ વસતિ ધરાવતા જૂનાગઢ જેવા નાનકડા રાજ્યે પાકિસ્તાન સાથે જોડાણ કરી સૌરાષ્ટ્રની પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જૂનાગઢના આ નવાબી શાસનને દૂર કરી ત્યાં પ્રજાકીય શાસન સ્થાપવા માટે જૂનાગઢની આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. તેના વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને મુંબઈના નીડર પત્રકાર શામળદાસ ગાંધી હતા અને રતુભાઈ અદાણી તેના સર સેનાપતિ હતા. તેમણે લોકસેના ઊભી કરી. લોકસેનાએ જૂનાગઢનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં. તેથી ભયભીત થયેલા નવાબ કરાંચી નાસી ગયા.
સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. આઝાદીની આ ચળવળમાં મહિલાઓએ પણ પુરૂષ સમોવડી બનીને ખભેખભા મિલાવીને મહત્વની ભૂમિકાઓ અદા કરી હતી. જેમાં આજે વાત કરવી છે, મૂળ સૌરાષ્ટ્રનાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહિલા સ્વાતંત્ર્ય સેનાની એવા, બાપુ જેમને આદરથી ‘બા’ કહેતા તે કસ્તુરબા ગાંધીની અને ભક્તિબા દેસાઈ ની … અને એમ આપણે સૌરાષ્ટ્રનાં સ્વતંત્રતાની લડતના બે નારી રત્નોની વંદના કરવી છે.
કસ્તુરબા ગાંધીનો જન્મ થયો 11 એપ્રિલ, 1869, પોરબંદર, ગુજરાતમાં..પિતા ગોકુલદાસ મકનજી. અને મોહનદાસ કરમચંદ ગાંધી :: બાપુ :: ગાંધીજી સાથે જીવન સંગિની બની રહ્યાં. સંતાનોમાં ચાર દીકરા હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.. બાપુને જીવનભર મનોદૈહિક ટેકો બની રહેવાનું કાર્ય એ કસ્તુરબાના જીવનને ચાર ચાંદ લગાવે છે. કસ્તુરબાએ બાપુના ખોળામાં 22 ફેબ્રુઆરી, 1944, આગાખાન મહેલ, પુના ખાતે દેહ છોડ્યો.
કસ્તુરબા તો ગાંધીજીનો પડછાયો બનીને જીવ્યાં એટલે જ્યાં ગાંધીજીની વાત આવે ત્યાં કસ્તુરબા પડદા પાછળ પ્રેરકબળ તરીકે હોય જ.ગાંધીજીના જીવનના પ્રસંગોમાં બાનું જીવન સમાઈ જ જાય. અને તેથી અહીં કસ્તુરબાના જીવનને કાવ્યાત્મક ભાવમાં પેશ કરવાનું પસંદ કરું છું. ભારતના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સી બી આઈ), દિલ્હીના અતિરિક્ત પોલીસ અધિક્ષક શ્રી મુકેશ મુકુંદ નાં હિન્દી પુસ્તક “સ્વતંત્રતા સંગ્રામ એવં 75 વીરાંગનાએં “ નો આધાર લીધો છે. આઝાદીના અમૃતકાળ દરમ્યાન ભારતની અજ્ઞાત વીરાંગનાઓમાંથી પંચોતેર પસંદ કરી તેમની જીવનીને પદ્ય શૈલીમાં મુકુન્દજીએ મુકેલ છે. કસ્તુરબા ગાંધીને તેઓ આ રીતે ચરિતાર્થ કરી આપે છે.
કસ્તુરબા ગાંધી (બા)
શુભ સંકલ્પ, દૃઢ ઇચ્છા, સ્વતંત્ર નિર્ણયમાં દૃઢ,
સાહસ, સ્નેહ, જનહિત, ચિત્તમાં કરુણાનો સ્વર.
બાપુએ લીધું: સમગ્ર રાષ્ટ્ર સેવાનું મહાવ્રત,
પત્નીના રૂપમાં મન–વચન–કર્મથી એ જ રાહ પર સફર.
અહિંસા, સત્યાગ્રહ, ગાંધીજીની આઝાદીના અફસાના
ગાંધીને બાનાં તપ–ત્યાગ– સાંનિધ્યની છાયા.
જ્યારે જ્યારે ગાંધીને મળી જેલની ચાર દીવાલ,
દેશહિતમાં બાની અગ્રિમ ભૂમિકા પર સૌની સલામ.
દક્ષિણ આફ્રિકામાં જ્યારે, ખ્રિસ્તી સિવાયનાં લગ્ન થયાં અમાન્ય,
બાએ લીધો સત્યાગ્રહનો ટેકો ને કર્યો એ કાયદાનો વિરોધ ભરપૂર.
પછી ચંપારણ સત્યાગ્રહ હોય કે પછી હોય ખેડાનું આંદોલન,
બાની કાયમ સાર્થક ભાગીદારી, મહિલા ઉત્થાન પર દીધું જોર.
ગાંધીને થઈ જેલ, જ્યારે થયું અસહયોગ આંદોલન,
બાએ ગાંધીજીના સંદેશાઓનો કર્યો દેશમાં પ્રચાર.
મીઠાં સત્યાગ્રહ વખતે પણ ગાંઘીજીને ફરી મળી જેલ,
પોલીસની જોરજુલ્મી માટે બાએ સરકાર પર કર્યો પ્રહાર.
રાજકોટ ઠાકોર સાહેબ, જ્યારે ભૂલી બેઠા પોતાના બધા વાયદાઓ,
વિરોધમાં જનમાનસ ગયું ને થયું સત્યાગ્રહનું આહ્વાહન.
બા પણ પ્રતિરોધમાં ઉતયાઁ, લઈને બુલંદ ઈરાદા,
બાને કર્યા નજરબંધ જ્યાં કેવળ એકાંત અને જગ્યા સૂમસામ !
ભારત છોડો સંગ્રામ, ગાંધી સહિત બધા નેતાઓને જેલ,
શિવાજી પાર્કમાં બા એ કર્યો ભાષણનો વિચાર.
બાની ધરપકડ કરીને તેમને રાખ્યાં આગાખાં મહેલમાં બંધ,
જ્યાં બાપુને બા સાથેના છેલ્લાં મિલનનો હતો ઈંતઝાર
નિયતિની વ્યવસ્થા અનોખી, જેલમાં બાનું નિધન,
તપ–ત્યાગ– સંઘર્ષથી આલોકિત હતું એમનું જીવન.
કૃતજ્ઞ રાષ્ટ્રની સ્મૃતિ, બાનું રહેશે અમર નામ,
આઝાદીનો અમૃત મહોત્સવ, વારંવાર કરીએ પ્રણામ.
ભક્તિબાનો જન્મ ૧૬ ઓગષ્ટ, ઈ.સ.૧૮૯૯માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. “નામ એવા જ ગુણ” રાજદરબારમાં ઉછરેલ હોવા છતાં બાળપણથી જ આધ્યાત્મિક એવા ભક્તિબાના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું મૂલ્યવાન પ્રદાન હતું. ઈ.સ.૧૯૧૩માં ઢસા-રાયસાંકળી-વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનારા ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે લગ્ન થયા. દરબાર ગાંધીજીની લડતમાં જોડાયા.
ભક્તિબા પણ રાજરાણીનો શણગાર ત્યજીને રાષ્ટ્રીય સ્વયંસેવિકા બની ગયા. ઈ.સ.૧૯૨૧થી ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમજ બોરસદની લડતમાં જોડાયા. તે દરમ્યાન રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ.૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં ભક્તિબાએ ભાગ લીધો. ઈ.સ.૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમ અનુભવતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પિટીટ સાથે મળીને સ્ત્રીઓને આગળ આવવા પ્રેરણા આપી. ધીમે ધીમે આગળ જતા સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં પણ વધી ગઈ. બોરસદની છાવણીનું સફળ સંચાલન કર્યું. ઈ.સ.૧૯૩૦ની મીઠાની લડત વખતે દારૂ તેમજ વિદેશી માલ વેંચનારી દુકાનો ઉપર પિકેટિંગ કરતાં પકડાયા અને જેલવાસ ભોગવવો પડ્યો. ઈ.સ.૧૯૪૨માં “હિન્દ છોડો” લડતમાં જોડાતાં તેમને ૧૧ વર્ષની જેલ પણ થઈ હતી. ભક્તિબાએ જુદી-જુદી લડતોમાં ભાગ લેતા કુલ સાડા ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો.
ભક્તિબા સેવા, નીડરતા અને ત્યાગનો ત્રિવેણી સંગમ હતા. દેશસેવામાં કુટુંબની તેમ જ પોતાના નાના બાળકોની પણ ચિંતા નહોતી કરી. ભક્તિબા હરહંમેશ દરેકને મદદ કરવા તત્પર રહેતાં. રાયસાંકળીના દરબારગઢને એન્જસીએ સીલ મારેલા ત્યારે નીડર અને બાહોશ ભક્તિબાએ કોશ લઈને સીલ તોડીને એકલા રહીને બહાદુર વીરાંગનાનો પરિચય કરાવ્યો હતો. લીંબડીની લડત વખતે રાજ્ય તરફથી સિતમોની ઝડી વરસતી હતી ત્યારે રાજ્યે ઉભી કરેલ ગુંડા ટોળીઓનો સામનો કરવા તેમની વચ્ચે જઈને ઉભા રહ્યા હતા. જે લીંબડી રાજ્યમાં તેઓ મોટા થયા હતા તે જ રાજ્યમાં અન્યાયો સામે લડવામાં પણ પાછી પાની કરી નહોતી. ચૂંટણી સમયે પોતાના વડીલ બંધુ કોંગ્રેસની સામે ઉભા હતા ત્યારે તેમની સામે પણ પ્રચાર કરતાં તેઓ ખચકાયા નહિ. તેઓ સત્યનિષ્ઠ, ર્નિભય અને તપસ્વી પ્રેરણામૂર્તિ બની રહ્યાં.
ઈ.સ.૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શન હેઠળ પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર (રાજકોટ) અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) સહિતની ગુજરાતભરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાં. ઈ.સ.૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં. ઈ.સ.૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજસેવા માટે એકત્ર કર્યું.
ઉછરંગરાય નવલશંકર ઢેબર – ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાં. પિતૃગૃહે તથા શ્વસુરગૃહે ગર્ભ શ્રીમંત હોવા છતાં વૈભવવિલાસ છોડી સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને સાર્થક કરી બતાવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરીને સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા અને સામાજિક સુધારણાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નવસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ગુજરાતના આ નારી રત્નનું સમાજસુધારણા ક્ષેત્રે અથાગ પુરૂષાર્થ અને સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ખેડાણ કરનાર ભક્તિબા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે દુઃખદ અવસાન પામ્યાં. ભક્તિબાની સેવાઓને બિરદાવતા ભારત સરકારે રાજકોટના એક રેલ્વે સ્ટેશનનું નામકરણ “ભક્તિનગર” રાખ્યું હતું. ત્યાગ-તપશ્ચર્યાને કારણે તેઓ “ભક્તિબા”નું બિરૂદ પામ્યાં હતા. ભક્તિબાનું જીવનસૂત્ર હતું, “આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આંખમાં મૃત્યુ જોવાની તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – “કોમલ હૈં, કમજોર નહીં તું. શક્તિ કા નામ હી નારી હૈ” શબ્દો તાદૃશ કરે છે.
આમ સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંથી મહત્વનું ઈશ્વર સર્જિત માનવીય રત્ન તે નારી અને એ નારી સમાજના પ્રતિનિધિરૂપ બે રત્નો એટલે કસ્તુરબા ગાંધી અને ભક્તિબા દેસાઈને આપણે શબ્દાંજલિ આપી કૃતકૃત્ય થઈએ.
by Bhadrayu Vachhrajani | Sep 30, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

રાજકોટમાં બોતેર કલાકમાં ચાલીશ ઇંચ વરસાદ પડ્યો, તે પાણી ગયું ક્યાં ??… અમેરિકાથી એક રાજકોટીયનનો પત્ર !!
શિકાગો, અમેરિકાથી રાજકોટના એક નિવૃત્ત અધ્યાપક શ્રી વિનોદ માંગુકિયાનો દીર્ઘ મેસેજ આવ્યો, તા. 28, ઓગસ્ટ, 2024 ના રોજ..જયારે રાજકોટ ધમધોકાર વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું અને તે ટનબંધ પાણી રસ્તા અને ગટરોમાં વેડફાઈ જઈ રહ્યું હતું !! એક સંનિષ્ટ અધ્યાપક દંપતી તરીકે રાજકોટમાં સાત્વિક જીવન જીવનાર વિનોદભાઈ અને શ્રીમતી સુદર્શન મંગુકિયા પોતાના હાર્ટ સર્જન તરીકે માતબર ખ્યાતિ પ્રાપ્ત દીકરાના ઘરે હાલ શિકાગો છે.
આવો, તેમના જ શબ્દો વાંચીએ…
“રાજકોટમાં પાંચ દિવસમાં અધધ–32 ઈંચ વરસાદ ! પાણી ક્યાં ગયું ? ગટરમાં ?
આ તો પાંચ દિવસમાં આટલો વરસાદ પડયો પણ આખી સીઝનનો જો 50 ઈંચ ગણીએ તો 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલાં રાજકોટ સીટી ઉપર પડેલા અધધધ વરસાદનું પાણી આખરે ગયું ક્યાં ? ગટરમાં ? રાજકોટની ગંધારી ગોબરી આજી નદીમાં ગયું ?
આકાશેથી વરસેલું અમૃત આખરે ગટરોમાં વહી ગયું ? આજી નદીમાં ભેગી થયેલી રાજકોટની ગંદી ગટરોની તમામ ગંદકી લઈને નદીને સાફ કરીને એ પાણી ક્યાં ગયું ? એ ગયું આજી ડેમ નંબર 2 માં. પણ આજીડેમ 2 નું પાણી તો પીવા લાયક નથી રહ્યું. તો એ પાણીનું શું થાય છે ? જે પાણી પીવાલાયક નથી તે પાછું ખેતીમાં વપરાય છે ?એ ઝેરી કેમિકલ સાથેનું અનેક પ્રકારનું પ્રદૂષિત પાણી પાછું શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને એ શાકભાજી પાછા રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે ! તે પાણીમાં ઊંધિયું બનાવીને ખાય છે,બોલો !
આટલો બધો વરસાદ થયો પણ પછી ઉનાળામાં પાણીના ટાંકા મગાવવાના ! ઘેર બેઠાં ગંગા જેવું અમૃત સમાન પાણી આપણે ગટરોમાં જવા દીધું અને હવે આજી,ભાદર અને ન્યારી ડેમનાં પાણી ફીલ્ટર કરી કરીને પીવાનાં. આજી,ભાદર અને ન્યારી ડેમમાં ભેગું થતું પાણી શુદ્ધ હોય છે, તેવું જો માનતા હો તો એ એક ભ્રમ છે.ગામેગામના ઉકરડાઓ, ગામેગામની ગટરો, ખેતરોમાં નાખેલાં રાસાયણિક ખાતરો અને પાકમાં છાંટેલી જંતુંનાશક દવાઓ, મરેલાં પ્રાણીઓ, પ્રાણીઓનાં છાણમૂતર અને બીજી અનેક ગંદકીઓ આવાં ડેમોમાં ભેગી થાય છે, તેથી હું આવા ડેમોને એક પ્રકારની કચરો સંગ્રહ કરતી કચરાપેટી કહું છું. કોઈ એમ કહે કે “ડેમનું પાણી એ વરસાદનું પાલર પાણી કહેવાય.તેમાં પ્રદૂષણ ન હોય.” તો તેમની એ માન્યતા ભૂલભરેલી છે. જો પાલિકાઓ ડેમનું પાણી ફીલ્ટર કરીને ન આપતી હોત તો તેવું પાણી આપણે પી શકતા હોત ? તેમ છતાં પાલિકાના નળનું ફીલ્ટર થયેલું પાણી આપણે જે ટાંકામાં ભરીએ છીએ તે ટાંકો છ મહિને એક વાર સાફ કરો ત્યારે તળિયેથી કેવો કદડો નીકળે છે ? કેટલી ધૂળ પાણીમાં મળેલી જોવા મળે છે ? આપણે હવે ઘરેઘરમાં R.O.પ્લાન્ટ એટલે જ ફીટ કરવા પડે છે. RO ની કેન્ડલ કેટલી ખરાબ થઈ જાય છે ? નહિતર પાલિકા તો ફીલ્ટર કરીને જ આપણને પાણી આપે છે, છતાં તે 100% શુદ્ધ થતું નથી.
હવે ROની મર્યાદા પણ જાણી લો.પશ્ચિમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે RO નાં પાણીમાંથી શરીરને ઉપયોગી એવા બે તત્વો મેગ્નેશ્યમ અને કેલ્શયમ બંને નીકળી જાય છે, જેથી ROનું પાણી પણ 100% પીવા લાયક ન ગણી શકાય.તો હવે પીવાનું શુદ્ધ પાણી મેળવવા શું કરવું જોઈએ ? શુદ્ધ પાણી મેળવવાનો રામબાણ ઈલાજ એક માત્ર વરસાદી પાણીનો સંગ્રહ છે.એ જ અમૃત છે અને એ જ ગંગાજળ છે એમ માનજો.
તમારી પાસે તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો તમે ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી લો.આખું વરસ અમૃત પીઓ અને આર.ઓ.ની જરૂર જ નહીં રહે ! મારાં જૂનાગઢનાં ઘરે 25000 લીટર અને રાજકોટનાં કરણ પાર્કમાં આવેલાં મકાનમાં 10,000 લીટરના વરસાદી પાણીના ટાંકા અમે બનાવ્યા હતા.
તમારી 10 બાય 10 ની નાની ટેરેસ હોય અને જો તમારા ગામમાં 12 ઈંચ વરસાદ પડે તો તમારી ટેરેસમાં કેટલું પાણી પડે ? તમારી ટેરેસ કુલ 100 ચોરસ ફૂટ થાય છે તો તેમાં એક ચોરસ ફૂટમાં 27 લીટર પાણી મળે અને 100 ચોરસફૂટે 27,00લીટર પાણી મળે જે પાંચ છ વ્યક્તિના એક પરિવારને માટે આખું વરસ પીવા માટે પૂરતું થાય છે. પણ કોઈ પણ મકાન ઉપર ફક્ત 100 ફૂટની ટેરેસ ન હોય. નાનું મકાન હોય તો પણ 500 ફૂટ ટેરેસ હોય તો ફક્ત 12 ઈંચ વરસાદે તમારા ભૂગર્ભ ટાંકામાં 13,500 લીટર પાણી હિલોળા લેતું થઇ જાય. તમે તો આખું વરસ પીવો અને બીજાને પણ પાવ તોય નહીં ખૂટે.
બીમાર માટે અમારા ઘરેથી વરસાદી પાણી લેવા ઘણા લોકો આવતા ત્યારે અમને પરબ માંડી હોય તેવો આનંદ થતો… હવે જુઓ ! રાજકોટમાં કેટલાં મકાનો હશે ? એ બધાં મકાનો ઉપર 50 ઈંચ લેખે કેટલું પાણી પડયું હશે ? એ પાણી ક્યાં ગયું ? ભારત દેશમાં સેંકડો નાનાં મોટાં નગરો અને લાખો ગામડાઓમાં કુદરત ઘેર બેઠાં ટેરેસ ઉપર સીધી અમૃતધારા વરસાવે છે, જેથી એ પાણી પ્રદૂષિત થયા વિના શુદ્ધ સ્વરૂપે જ આપણને મળે, પણ આપણે દેશભરના લોકો વરસાદનું અબજો અબજો લીટર પાણી ગટરોમાં વહેતું જોઈએ છીએ ! અને તાળીઓ પાડીએ છીએ !! મોટાં નગરોમાં ઘરઘરનું પાણી રોડ ઉપર આવી જાય છે અને ગટરો ચોકઅપ થઇ જાય છે. ગાડીઓ અને બાઈક ડૂબી જાય છે અને બસ અંડર બ્રીજમાં સલવાઇ જાય છે !! જો દેશનાં તમામ મકાનોના ટેરેસનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ઉતારી દેવામાં આવે તો રોડ ઉપર થતા જળભરાવની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ વિનામૂલ્યે થઇ જાય, પણ આવો વિચાર કરવો જ નથી, એટલે પ્રદૂષિત પાણી પીધાં વિના છૂટકો જ નથી.
આ વખતે તો કચ્છમાં પણ ધોધમાર પડયો છે.ત્યાં પણ વરસાદનું પાણી ઝીલીને ભૂગર્ભ ટાંકીઓમાં ભરી લેવાય તો દૂરદૂર સુધી પાણી ભરવાં બેડાં લઈને જવું ન પડે. બજારમાં 20 રૂપિયાની એક બોટલ મળે છે, જે એક લીટર હોય છે. તમારા ઘરે 10,000 લીટર વરસાદી પાણી ભરી લો તો તે 2,00,000 (બે લાખ રૂપિયા)નું થાય.એક જ ચોમાસે તમને કુદરત 20 લાખ રૂપિયાનું શુદ્ધ અમૃત જેવું પાણી સાવ મફત આપે છે અને પછી દર વર્ષે તમને 20 લાખનું શુદ્ધ પાણી સાવ મફતમાં મળશે અને તે પણ 50થી લઈને 100 વરસ સુધી ! ત્રણ ત્રણ પેઢી આ અમૃત પીશે, પણ કમનશીબી કે આપણે તેવું અમૃત નથી લેવું. વેચાતું લઈને પીવું છે !પૈસા હોય એટલે વેચાતું લઈશું.પણ વેચાતા ટેન્કરનું પાણી ક્યાંથી ભરી લાવે છે તે ક્યારેય તમે જોયું છે?
વરસાદી પાણીને પણ ટાંકા ઉપર કપડું મૂકીને ગાળીને ભરો. ઢાંકણું એરટાઈટ રાખશો તો પાણી બગડશે નહીં.અંદર કોઈ ટીકડીઓ નાખવાની જરૂર નથી, તેમ છતાં તમને એવું લાગે તો કપડાના એક ટૂકડામાં 50 ગ્રામ ચૂનો બાંધીને પોટલીને ટાંકાના તળિયે મૂકી દો.કોઈ જીવાત નહીં થાય. રાજકોટના મારા વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાનો એક લેખ લોકલ ન્યુઝ પેપરમાં વાંચીને તત્કાલીન મ્યુ.કમિશનર શ્રી વિજયકુમાર નેહરાએ મારા ઘરે મહાનગર પાલિકાના ત્રણ સીવીલ એન્જીનીયર્સને રૂબરૂ સીસ્ટમ જોવા મોકલ્યા હતા. તેઓએ સીસ્ટમના ફોટા પાડયા અને એક લીટર પાણીની બોટલ ભરી ગયા.એક સપ્તાહ પછી મને એક એન્જીયર રૂબરૂ આવીને લેબોરેટરીનો રીપોર્ટ આપી ગયા, જેમાં લખ્યું હતું કે, “100% શુદ્ધ પીવા લાયક પાણી “ મારી પાસે હજી એ લેટર છે.
આ તો અહીં અમેરિકામાં બેઠા બેઠા હું જોઉં છું કે રાજકોટ અને બીજા નાનાં મોટાં કેટલાં શહેરોનું અધધધ અબજો અબજો લીટર પાણી ગટરોમાં ચાલ્યું જાય છે, પછી ઉનાળામાં એક એક બેડાં માટે આપણે કેવાં હવાતિયાં મારીએ છીએ? અમે તો ઘણાં વરસ વરસાદનું પાણી પીધું છે, જેનો અમને ખૂબ સારો અનુભવ છે, પણ મારા જેવા નાના માણસની આ અતિ ઉપયોગી વાત સમજીને લોકો અપનાવે તો તો દેશની પ્રજા સુખી ન થઇ જાય ?
તેનાં બદલે જેમ સાલે (ચાલે ) એમ જ સાલશે (ચાલશે )! માતાજી સૌને સુખી રાખે !!
મારી આ લઘુલેખ જેવી વિગતો વાંચીને જો ફક્ત એક વ્યક્તિ પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવશે, તો મારી મહેનત લેખે લાગશે…”
કહે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે ત્યારે, આપણી સરકારો અને જળક્રાંતિ માટે જોર પૂર્વક લાગી પડેલા કાર્યકરો વિનોદભાઈની આ વાતને કાને ધરશે તો ‘મેરા ભારત મહાન’ તે વખતે આપણે કહી શકીને બચી જઈશું.
by Bhadrayu Vachhrajani | Sep 22, 2024 | અખંડ આનંદ |

ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્વ સંસ્થા UNO સુધી લઇ જનાર પ્રિય મોરારીબાપુની ત્યાંની માર્મિક વાતો સાંભળીને વિશ્વની વિજ્ઞાન સંસ્થા નાસા નું સ્મરણ થયું.
નાસાને વૈજ્ઞાનિક સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં અને વિજ્ઞાનની જટિલ પ્રક્રિયાઓમાં સંશોધન સતત કરી રહેલી સંસ્થા છે. નાસાને પોતાનું શિવ વિજ્ઞાન હોઈ શકે એમ કોઈ કહે તો તમને આશ્ચર્ય થાય ને ! પણ નાસાની ઘણી બધી શોધમાં શિવના અસ્તિત્વની ચર્ચા થઈ છે. જો કે આ અંગે નાસા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ થયેલ નથી. પરંતુ નાસાના ન્યુસ્ટાર નામના ન્યુક્લિયર સ્પ્રેક્ટોસ્કોપીક ટેલિસ્કોપે ૨૦૧૪ માં પૃથ્વીથી 17000 પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાનો એક ફોટો ઝડપેલો. વિજ્ઞાનની ભાષામાં આ નેબ્યુલા પલસર વિન્ટેજ નેબ્યુલા તરીકે ઓળખાય છે. પણ નાસાએ તેનું નામ the squad રાખ્યું. લોકોએ આ નેબ્યુલાની તસ્વીર નિહાળી તો તેમને આ નેબ્યુલા શિવના હાથના આકાર જેવું દેખાયું.!!
કહે છે કે ૨૦૧૭ માં હબલ ટેલિસ્કોપની મદદથી નાસાએ અલગ અલગ ફોટા પાડયા તેમાં તેમને વાદળોના તરેહતરેહના અસંખ્ય સમૂહો જણાયા. પરંતુ નાસા દ્વારા પ્રકાશિત થયેલી તસ્વીર ભગવાન શંકરના ત્રિશુલ તરીકે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ. ૨૦૧૭ માં જ નાસાએ હબલ ટેલિસ્કોપની મદદથી પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો ખુબ બધા ગેસોનો વિશાલ સમૂહ જોયો. નવજાત તારાઓના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા વિવિધ ગેસોને કારણે બનેલા આ નેબ્યુલાને નાસાએ ખેરીનાં નેબ્યુલા તરીકે ઓળખ્યો. પરંતુ નાસાએ બહાર પાડેલી તસ્વીરોમાં લોકોને જટાધારી શિવના દર્શન થયા. આજે પણ આ તસ્વીર સોશિયલ મીડિયામાં પ્રચલિત થઈ રહી છે. ખૂબી તો એ છે કે નાસાએ એક પ્રયોગમાં એવું તારવ્યું છે કે, પૃથ્વી પર રહેલું DNA શિવલિંગ સાથે હલાસ્કા ખાતે પ્રાપ્ત થયું. આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડ સાથે પૃથ્વી પર આવ્યું હશે તેવું સંસ્થાનું માનવું છે. આમ, નાસા જેવી વિજ્ઞાન સંશોધન સંસ્થાના પ્રયોગો સાથે લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા સંકળાયેલી છે. સત્ય તારવવું આવશ્યક છે.
સ્વીટરઝરલેન્ડના જિનીવા શહેર ( જ્યાં UNO નું એક મથક પણ છે.) પાસે CERL એવું ટૂંકાક્ષરી નામનું કુલ છ પાર્ટિકલ એક્સેલરેટર્સનું ગંજાવર સંકુલ છે. લીગ્સ બોઝોન પાર્ટિકલ માટેનો સફળ પ્રયોગ જ્યાં યોજાયો અને બ્રહ્માંડના જન્મ વખતના અન્ય કણો એટલે કે પાર્ટિકલ્સનો તાગ મેળવવાના અમુક પ્રયાસો જ્યાં સફળ થયા તે large hadron collider (LHC ) એક્સલેટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌ જાણે છે તેમ દસ અબજ ડોલરના ખર્ચે બનેલું LHC કાંઈ જેવું તેવું પાર્ટિકલ એક્સલરેટર નથી. પુરા ૨૭ કિમી ના પરિઘમાં ફેલાયેલું છે. સંકુલના મુખ્ય બે મકાનોની વચ્ચે તાંડવમુદ્રા દર્શાવતા નટરાજની બે મીટર ઊંચી પ્રતિમા છે. અહીં તેની હાજર સૂચક લાગે છે. ૧૮ જૂન, ૨૦૦૪ માં ભારત સરકારે CERN સંસ્થાને ભારત દેશ સાથેના વર્ષો જુના જોડાણની ખુશીમાં ભગવાન શંકરનું કોસ્મિક નૃત્ય દર્શાવતી નટરાજની આ આકર્ષક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ભારતીય સરકાર દ્વારા ભેટ સ્વરુપે આ દેવતાને એક રૂપક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે નટરાજનું નૃત્ય એ સબએથોમિક પાર્ટિકલ્સના કોસ્મિક નૃત્યના આધુનિક અભ્યાસ સાથે સુમેળ સાધે છે.
વિશ્વભરના ૮૫ દેશોના ૮૦૦૦ વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સૌ વૈજ્ઞાનિકો નટરાજના પ્રભાવ નીચે રહેલા બ્રહ્માંડના આદિ તથા અંત વિષે સંશોધન ચલાવી રહ્યા છે.યાદ રહે સંશોધન ૧૯૫૪ થી ચાલતું રહ્યું છે. પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી સેબ્રાએ નટરાજ સ્વરૂપના તાંડવ નૃત્યને પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે જોડેલ છે. આને લગતી વિસ્તૃત ચર્ચા તેમણે ૧૯૭૨ માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક “મેઈન કરન્ટ્સ ઓફ મોર્ડન થોટ” માં ‘ડાન્સ ઓફ શિવા’ જેવા શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણમાં કરી છે. આ સેબ્રાએ CERN ખાતે સ્થપાયેલ નટરાજની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. CERN ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એ લોકો જે પ્રયોગો કરી રહ્યા છે એ ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જેમ કે પહેલા સંહાર કરો, પછી નિર્માણ કરો. તે જ પ્રમાણે નાસા દ્વારા થતા પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર રાખવામાં આવ્યું છે. “The shiva project – સ્પેસ ફ્લાઈટ, હોલોગ્રાફી ઈન અ વર્ચ્યુઅલ એપેરેટ્સ.’ પ્રાચીન ભારતે પીરસેલી આધ્યાત્મિક જ્ઞાનની આ પ્રસાદી રમ્ય ઘોષા નદીની માફક ખળખળ વહે છે તે આનંદનો વિષય છે.
ભગવાન શિવને વિજ્ઞાન અને વિજ્ઞાનના સંશોઘનો સાથે બેશક જોડી આપવાની વાત એક અભ્યાસપૂર્ણ પુસ્તકમાં થઈ છે. શ્રીમતી હિમા વિપુલ યાજ્ઞિક વડોદરા ખાતેથી ગુજરાતી સાહિત્યમાં છાનુંછપનું પ્રદાન કરી રહ્યા છે. એમનું પ્રદાન સાહિત્યનું ગણવું કે સંશોધનાત્મક ગણવું કે પછી ધર્મ અને અધ્યાત્મને સ્પર્શતું ગણવું એ વિવેચકોનો વિષય છે પણ જ્યાં સુધી હિમા યાજ્ઞિકને સબંધ છે ત્યાં સુધી તેઓ આ સમગ્ર કાર્ય પોતાના હૃદયમાં જે ભાવ ઊગે છે તે ભાવને વાચા આપવા માટે કલમ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમના દ્વારા ભારતના ઋષિઓ ઉપરનું પણ એક સુંદર પુસ્તક પણ આપણને હમણાં જ મળ્યું છે. શ્રીમતી હિમા યાજ્ઞિક ગૃહિણી છે એમ કહેવાય છે પણ એવું લાગે છે તેઓ જેટલો સમય પોતાના ઘરના રસોડામાં વિતાવતા હશે તેનાથી વધુ સમય તેઓ પોતાના ઘરના એક અલગ ખૂણામાં રહેલા લેખન-મંદિર પાસે પણ વિતાવતા હોવા જોઈએ.
by Bhadrayu Vachhrajani | Sep 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.
ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે કે ?
મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો, આજે થોડી ગડમથલ કરીએ.
ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે, આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.
હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે જીવનભર એની શોધ કરીએ છીએ. એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.
આપણે પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે, કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે, ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.
એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .
મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’. બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.
હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.
જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.
પોતાની જાતને અલગ માનવી એ આપણાં જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને ગણતરીમાં લેતા નહીં.
એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’ પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે, હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી. એ વૃદ્ધને પ્રસ્યેનજીતે કહ્યું કે, ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’
બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના ચાલીસ સાલ સાગરની જેમ જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.
by Bhadrayu Vachhrajani | Sep 18, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

જે દાન આપે તેને આપણે ‘દાનવીર’ કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ છે ‘હા‘.
”માણસ તું તારા શુદ્ધાત્માને ઓળખ, પામ, તું તારા કર્મ અંગે જાગૃત થા, તું તારા વિચાર અંગે, તારા ચૈતન્ય સાથે સંવાદ કરી જરૂરી મેલને દૂર કર, તું તારા મૈત્રી ભાવનો વિસ્તાર કર, તું તારી પ્રમોદ ભાવના બળવાન કર, તારી કરુણામાં શંકા ભેળવી એને મલિન ના કર. એ માણસ, તું સર્વ શક્તિમાન છે, તને જગતના નાથે સર્વસ્વ આપ્યું છે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેને તું સતત ચિંતન કર”.
આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ અને સંઘ દ્વારા પ્રકાશિત ‘પ્રબુદ્ધ જીવન’ના દાન ધર્મ વિશેષાંક વિષે ભૂમિકા ગત લેખમાં બાંધી છે. આજે તે અંકની મદદ લઈને દાન મહિમાનું ગાન કરીએ.
અનુકંપા, દાન, સહકાર, સાથ અને હાથ લંબાવવાની ભાવના આપણામાં ઉઘડે એવી આ વાત આપણને સ્પર્શી જાય છે. એક સરસ મજાના ઉદ્યાનમાં હજારો કમળ ખીલતા હોય ત્યારે એ સુંદર દેખાય એ તો સ્વાભાવિક છે. પણ અમુક કમળ ખીલે અને અમુક ન ખીલે ત્યારે એનું પાલનપોષણ કરનારના મનમાં વિશાદ થાય. વિશાદ છવાઈ જાય અને મનુષ્યને ઘેરી વડે. અને એને સતત એવી ઈચ્છા થાય કે હું પણ કોઈ એવું કામ કરું કે મારી બાજુવાળું કમળ ખીલે. આ અન્યનો વિચાર કરવાની વૃત્તિ સાથે જ્યારે કરુણા ભળે છે ત્યારે દાન નો જન્મ થાય છે.
વીતરાગ જિનેશ્વર માનવના ઉદ્ધાર કરનાર જે ધર્મ કહે છે તેમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર છે. દાન અને તપ, શીલ અને ભાવની શ્રેણીમાં પહેલા સ્થાને મુકેલ છે. दान, शीलो, तपो, भवये. ખરેખર દાન વિશેના આપણા વિચારો વ્યક્તિએ વ્યક્તિએ જુદા છે. અને આ જુદા વિચારોને લઈને દાન કરતી વખતે આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ. સંસ્થાના પરિચય મેળવ્યા પછી કંઈક કરવું એવો નિર્ણય લેતા હોઈએ છીએ. વ્યક્તિને આજે દાન આપીશું અને કાલે એ યોગ્ય નહિ નીકળે તો ? એવો વિચાર કરીને આપણે અટકી જતા હોઈએ છીએ.
કહ્યું છે એવું કે, દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે. આપણે ત્યાં કહેવતોમાં વર્ષોથી કહેવામાં આવ્યું તે છે કે, જમણો હાથ આપે તેની ડાબા હાથને ખબર ન પડે. આપણને મનમાં ચોંટી ગયેલું આ વાક્ય છે. જગતના સર્વ ધર્મોમાં દાનની હુંફ વિશે લખ્યું છે. આપણા ગ્રંથોમાં દાનનો ઉદેશ્ય છે અને એના લક્ષણો પણ છે. આપણો સ્વાર્થ એટલે ‘મારે શું, અને મારું શું ?’ આ સ્વાર્થમાંથી મુક્તિ મળે એને દાન કહેવાય. આપણે ‘હું’ માટે જીવીએ છીએ. ‘મારું’, ‘મારા’ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા ‘હું’ ના કેન્દ્રને થોડું વિસ્તૃત કરવું અને વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવનામાં પ્રવૃત થવું એ દાન છે.
દાનનો હેતુ સદગતિનો છે. સદગતિના મૂળ વિચારમાં સદવિચાર, સદવર્તન, અને સદ હેતુ રહેલા છે. હેતુ પહેલા, પછી વિચાર, અને પછી વર્તન. ‘મારા થકી કોઈનું સારું કરવું,’ એવું નહીં પણ ‘મારા સુખમાં સૌને સમાવવું,’ એમ જ્યારે કહેવાય ત્યારે દાન દાન બને છે’. સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, શાસન પ્રત્યે મારી ફરજ છે. અને મને એ ફરજમાંથી ઋણ મુક્તિનો અવસર કોઈ આપતું હોય તો એ વહેંચતા રહેવાની, આપતા રહેવાની આવડત મને બધું આપે છે.
એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, દાનમાં મૌન ભાવનું આગવું મહત્વ છે. આપણને સૌને વ્હાલી એવી એક કથા આપણે વારંવાર સાંભળીએ છીએ અને કોઈને કહીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રીની એ અપ્રતિમ ઘટના છે. સુદામા અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવે, પરંતુ તેની ઈશ્વર સાથેની મૈત્રી અતૂટ. એ કોઈ દિવસ કશું માંગે નહિ. અને મિત્ર પાસે પોતાની જે સ્થિતિ છે એને છતી ન થવા દે. પણ પત્નીનાં આગ્રહથી દ્વારકા જવા માટે નીકળેલા સુદામા પત્નીએ આપેલા તાંદુલ લઈને સંતાડતા-સંતાડતા દ્વારકા પહોંચ્યા. સુદામા માંગી નથી શકતા અને શ્રી કૃષ્ણ એમને ભેટ સોગાદો આપી નથી શકતા !! સતત ભય રહે છે માંગનારને કે, માંગવું કે નહિ. અને સતત ભય રહે છે આપનારને કે, આપું ને મિત્રને ઓછું આવી જાય તો ? પરિણામે કૃષ્ણ એમને મુલાકાત દરમિયાન કશું આપતા નથી. પરંતુ ઘરે પહોંચે છે ત્યારે ઝૂંપડાની જગ્યાએ સમૃદ્ધિ ભરાઈ ગઇ છે. મિત્રપ્રેમ અને ખુમારીનાં સન્માનનું આ કેટલું અદ્ભૂત રૂપ છે !! પણ આપી દેવાનો તણખલા જેટલો ભાર મિત્રનાં ખભ્ભે ન લાગે તેની કેવી કાળજી છે !!
કહેવાય છે કે જે આપે છે તેને ચિંતામુક્ત અને રોગનાશક વરદાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપવાથી અન્યના ચહેરા ઉપર સુખ, સંતોષ જોઈને જે મળે છે તે અમૂલ્ય છે. જે માણસ પરોપકાર નથી કરી શકતો તેના હૃદયનું કરુણાનું ઝરણું સુકાઈ જાય છે અને તે જળ બની જાય છે. યાદ રાખવા જેવું છે કે માત્ર ધન એ દાન નથી. પરંતુ વિચાર, જ્ઞાન, સમય, સ્થાવર મિલકત, અન્ન, એમ અનેકાનેક રીતે દાન આપી શકાય. શાસ્ત્રોમાં આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન એવા ચાર પ્રકાર છે.
‘પ્રબુદ્ધ જીવન’ ના અંકમાં પોતાના વિચાર વ્યક્ત કરતાં માનદ તંત્રી શ્રી સેજલ શાહ કહે છે કે, આ સર્વેમાં ઉત્તમોત્તમ જ્ઞાન દાન છે.કારણ કે એ અજર, અમર અને ક્ષુધાથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. જ્ઞાન દાનથી આત્મ વિકાસ થાય છે અને આત્માના ગુણ ખીલવવાનું શક્ય બને છે. જ્ઞાન જીવનનું એક અત્યંત મહત્વનું સત્ય સમજાવે છે કે ‘જે છે તે સદાકાળ નથી. પોતે નષ્ટ થાય એ પહેલા તું સર્વમાં વહેંચીને સફળ બન. જે નથી તે તારું નથી એટલે તેના મોહમાં વ્યર્થ સમય બગાડવાને બદલે તે નથી તેના અભાવથી તું મુક્ત બન.‘ આ અભય દાનનું ઉદાહરણ છે
લક્ષ્મીની ત્રણ અવસ્થા છે : દાન, ભોગ, અને નાશ. એમાં છેલ્લી બે દુઃખદાયી છે. જયારે દાન એ ઉત્તમ અવસ્થા છે. એક પ્રશ્ન વિચારવા જેવો છે કે, જે દાન આપે તેને આપણે દાનવીર કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ ‘હા’ છે. આપણી પોતાની કમાયેલી સંપત્તિને આપવા માટે હૃદયની ઉદારતા જોઈએ, વૈશ્વિક વિસ્તૃતતા જોઈએ અને મનની તત્પરતા જોઈએ. જે મમત્વ, આસક્તિ, લોભ, લાલચ આદિ છોડીને નિર્લેપ બનીને પ્રસન્ન રહી જીવી શકે છે, આપ્યાના ભાર વગર આપી શકે છે, તે વીર છે. અને એ દ્રષ્ટિએ દાન આપનારો વીર કહેવાયો છે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ ભગવતગીતામાં દૈવી સંપત્તિ અને આંસુરી સંપત્તિની યાદી ભગવાને ગણાવી છે. અને એમાં દાનને પણ સ્થાન છે. સાત્વિક, રાજસિક, અને તામસિક, એવા દાનના ત્રણ પ્રકાર પડે છે. (1) ઉપકારનો બદલો વાળવા, અથવા ફળની આશાએ જો દાન આપો તો એને રાજસ દાન કહેવાય. (2) જ્યારે મનના ભાવ વિના પરાણે અપાતું દાન એને તામસ દાન કહેવાય. પરંતુ (3) કશું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશે વિચારીને અપાતું દાન એ સાત્વિક દાન ગણાય. આપણે કોઈનો ઉપકારનો બદલો નથી વાળવો, આપણે કોઈ ઉપર અહેસાન નથી કરતા, પરંતુ હકીકતમાં તો આપણી ઉપર લેનારો અહેસાન કરી રહ્યો છે કે ઈશ્વરે એને આપણી પાસે મોકલ્યો છે અને એ મોકલવામાંથી આપણે એને આપવા માટે યોગ્ય બન્યા છીએ.
પ્રબુદ્ધ જીવનનાં દાન વિશેષાંકમાં શ્રીમતી ભારતી દિપક મહેતાએ આપણો પરિચય એક સુપેરા દાનવીર શ્રેષ્ઠી સાથે કરાવ્યો છે. એ સુપેરા દાનવીર કે જેમણે પિતાની વિદાય પછી નવ જ વર્ષની વયે પેનની નિબ, ચોપડા વગેરે નાની-નાની વસ્તુ વેંચીને પોતાના ભણવાની ફી ભરી અને વીસમે વર્ષે એ ‘સોનેરૂ સપનું જોનાર યુવાન ઉદ્યોગપતિ’ બની ગયા. 45મે વર્ષે કેમિકલની દુનિયાનાં બેતાજ બાદશાહ બન્યા. પરંતુ ગુરુના પરિચયમાં આવ્યા. અને ગુરુના પરિચયમાં આવ્યા પછી મંગલ કાર્યો કરતા-કરતા એવા સ્થાન ઉપર તેઓ પહોંચ્યા કે એમણે ‘अहं करोमि’ એવું કહેવાને બદલે ‘मया क्रियते’ એવું હંમેશા કહેવાનું પસંદ કર્યું. ‘હું કરતો નથી, મારા વડે કરાય છે’ એવી વિભાવના મનમાં બેસે ત્યારે આપણને ગુરુદેવ તરફથી આશીર્વાદ મળે ‘करिष्ये वचनं तव’. એમણે એક વખત ગુરુદેવને પ્રશ્ન પૂછેલો. સાહેબજી, મુંબઈમાં સિગ્નલ આવે ત્યાં ભિક્ષુકોનો હાથ લંબાય. તો નાણું આપીને ભીખની એ ટેવને પોષવી જોઈએ કે નહિ? ગુરુ મહારાજે ઉત્તર આપેલો, ‘સી કે, (સી. કે. મહેતા) કોઈ હાથ લાંબો થાય ત્યારે તે ક્યારેય ખાલી પાછો જવા ન દેવો. એમ વિચાર કરવો કે, એક તો દાન દેવા મળે છે અને બીજું આપણો કરુણાભાવ પોષાય છે. વળી દાન દેતી વખતે યાદ રાખવું કે, આપણો હાથ ઊંધો રાખવો કે જેથી યાદ ન રહે કે, કેટલું આપ્યું છે.’ કદાચ એટલા માટે જ કહેવાય છે કે, દાન દેનારનો ચહેરો ન જોશો, દાન દેનારની સ્થિતિ જોશો.
આપણા શ્રી રામચરિત માનસને વિશ્વભરમાં ખૂણે-ખૂણે લઈ જનાર શ્રી મોરારીબાપુ જયારે સાંધ્ય ગોષ્ઠિમાં બેઠા હોય અને હિંડોળે હિંચકતા હોય ત્યારે કેટલાક આત્મીય લોકો સી.કે. મહેતાની જેમ જ એમને ઉદ્દભવતા પ્રશ્નો બાપુને પૂછી લેતા હોય છે. એક વખત આ સમયે હાજર રહેવાનો મને લ્હાવો મળ્યો ત્યારે, એક નિમિત્ત માત્ર યજમાને પૂછ્યું કે, ‘બાપુ અવિવેક ન થાય તો એક વાત આપને કહેવી છે.’ તરત જ સામેથી હકારાત્મક ઈશારો થયો અને એમણે કહ્યું કે, ‘બાપુ, આપ અહીંયા જે આપની પાસે આવે છે, એવા કેટલાક લોકોને એમની સ્થિતિને જોઈને કંઈકને કંઈક હાથમાં મૂકો છો, કોઈ ને કોઈ રકમ એના હાથમાં આપો છો, કોઈ ને કોઈ વસ્તુ એને પકડાવો છો, પણ બાપુ આપને ખ્યાલ છે કે એવા લોકો બહાર જઈને આપે આપેલા પૈસાથી નશો કરે છે ? વસ્તુ કે રકમનો સાચો ઉપયોગ નથી કરતા.’ થોડીવાર સુધી આકાશ સામું જોઈ રહેલા મોરારીબાપુએ જે જવાબ આપ્યો એ આજના લેખનું સમાપન કરવા માટે યથાયોગ્ય છે. ‘સાંભળો, તમારી વાત સાચી છે. એવું નથી કે, આની મને ખબર નથી. પણ એવું હું ધ્યાનમાં રાખીને આપતો નથી. જુઓ ભાઈ, આપણે તો કુદરત સામું જોવાનું. પ્રકૃતિ નક્કી કરીને હેત વરસાવે છે ?? એક વાદલડી વરસે ત્યારે એ જોવે છે કે નીચે મારું પાણી ખાબોચીયામાં જાય છે કે સરોવરમાં જાય છે? વાદલડીનું કામ વરસવાનું છે. જેવી જેની પાત્રતા તેવો તેનો ઉપયોગ.’