જ્યોતિભટ્ટ નું પહેલું ચિત્ર

 

ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંધા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે નીરખતાં? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણ વાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કેનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.

બાલમંદિરથી ધો૨ણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘ૨શાળા. દસ વર્ષના હતા ત્યા૨થી જ્યોતિભાઈને ન. પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની, પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વેલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પોસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું તોતોચાન.’ એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હ૨ભાઈ- માધવજીભાઈ પટેલ-જગુભાઈ શાહ. શિન-રિવ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહ્લાદ પારેખ ઘરશાળામાં, એટલે વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘ગુભાઈ સારા ચિત્રકાર – સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કૅમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…. જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે. પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હિરજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. જુગુપ્સા.’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે : ‘આ ચિત્ર ગંદું અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’

ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન. એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે

જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો ક૨વા મળતાં ભીંત પર. ધ્રાંગધ્રા કોંગેરા ભરાયેલી. તેની રાજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આતિભાસ પાક્કો બંધાવ્યો, વાતાવ૨ણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠ્યપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહ્લાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો ક૨વાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી.. ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે

એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ. એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન. એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે. પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું,’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયા૨ નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે. ૧૯૫૪માં નેહરુએ પાર્લામેન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશાં કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ’ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે. જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લૅન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ / ફેલોશિપ તથા વચ્ચે ટ્રાવેલ ગ્રાન્ટ. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયૉર્કમાં બેસી ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ એકૅડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.

ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એક વાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમા૨’, મનીષા’, ‘ક્ષિતિજમાં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની બિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમેજ ક્રિએટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફોટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંત૨૨ાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો એ.

જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : “આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપ ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્કાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટનાં સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શે૨ ક૨વામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?’·

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે

ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!

ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!

વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,

અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’

માનવતાની મિશાલ દાન ધર્મ:: ‘પ્રબુદ્ધ જીવન’નો દાન વિશેષાંક

 

શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ પણ વક્તવ્ય આપી ચુક્યા છે !!

શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ્ઞાન પ્રદાન કરવામાં અને ધર્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસારમાં મોખરે કામ કરતી લગભગ શતાબ્દીના આરે ઉભેલી સંસ્થા છે.

‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના 1929માં થઈ. પણ એનું પ્રદાન નોંધવા જેવું રહ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રતિમાસ ‘પ્રબુદ્ધ  જીવન‘ નામથી એક અતિ ચીવટ પૂર્વક સંપાદિત થયેલ માસિક કે  જેને  ગ્રંથ કહીએ એટલી ઊંચાઈ ધરાવતું હોય, તેનું પ્રકાશન થાય છે. છેલ્લા 97 વર્ષથી ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નું માસિક ‘પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થઈ રહ્યું છે.

પ્રબુદ્ધ જીવનની સમૃદ્ધ ધારા સાથે જોડાયેલા વિદ્વાનોમાં પંડિત સુખલાલજી, મણિલાલ મૂકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનભાઈ ચકુભાઇ શાહ, ડો. રમણલાલ શાહ અને ડો. ધનવંત શાહને આપણે યાદ કરવા પડે. આ 97 વર્ષથી પ્રકાશિત થઈ રહેલા પ્રબુદ્ધ જીવનમાં અત્યાર સુધીમાં લગભગ દસ  તંત્રી મહાશયો સેવા આપી ચુક્યા છે.  અને હાલ 2016થી ‘પ્રબુદ્ધ જીવન’ નાં માનદ તંત્રી તરીકે મુંબઈના ગુજરાતીના અધ્યાપિકા, જૈન શાસ્ત્રનાં ઊંડા અભ્યાસી અને અનેક લોકો સાથે સહજતાથી અને મિઠાશથી નાતો બાંધનાર ડો. સેજલ શાહ છે. તેમણે હવે અધ્યાપકની કારકિર્દી માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી છે. એટલે એવું માની શકાય કે ‘પ્રબુદ્ધ જીવન’ ને એક લાંબા ગાળાના તંત્રી હવે મળી ગયા છે. દીર્ઘ દ્રષ્ટિવાન આ તંત્રીએ અનેક કર્યો કર્યા છે પણ એની વાત કરીએ તો એમને ગમશે નહિ. એટલે આપણે વાત કરીએ જૈન યુવક સંઘનાં પર્યુષણ વ્યાખ્યાન માળાની.

1929 માં સંઘની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૈચારિક પ્રવૃત્તિ થાય એવું આપણે કશું કરવું. અને એ ત્યારનાં સ્થાપક મહાનુભાવોનો વિચાર હતો. પરંતુ ધીમે ધીમે કરતાં આ વિચારને નક્કર આકાર આપવામાં આવ્યો 1931થી. જ્યારથી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાન માળનો પ્રારંભ થયો. એમાં એક પછી એક અનેક ક્ષેત્રના વક્તાઓ, મુનિશ્રીઓ, સંતો, મહંતો, ડિપ્લોમેટ્સ વગેરે આવતા રહ્યા અને પર્યુષણ વ્યાખ્યાન દરમિયાન  જૈન અને જૈન શાસ્ત્રોની તથા  જીવન અને કૌશલ્યને સ્પર્શતા અનેક વિષયો ઉપર પોતાની છણાવટ કરતાં રહ્યાં. આચાર્ય રજનીશ પણ અહીં વ્યાખ્યાન આપી ગયા છે. 1931થી આજે 2024 સુધી આ પર્યુષણ વ્યાખ્યાન માળા અવિરત ચાલે છે. એમાં એક સરસ મજાનું મોરપીંછ ઉમેરાયું.

સંઘને વિચાર આવ્યો અને એમણે અનુકંપા પ્રોજેક્ટ શરુ કર્યો. છેલ્લા 39 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘ ગુજરાત રાજ્યના પછાત વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને દર વર્ષે  દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. બનતું હોય છે એવું કે, પર્યુષણ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ ઠેર-ઠેર દાન કરતા હોય છે. પણ એનું સારી રીતે વિતરણ ન થાય તો એ દાનનો ઉપયોગ યથાર્થ ન થાય તેની બદલે ‘શ્રી મુંબઈ જૈન યુવક મંડળ’  મધ્યસ્થી બન્યું અને એમણે આ છેલ્લા 39 વર્ષમાં દર વર્ષે એક-એક સંસ્થાની મુલાકાત લઈ, તેની સ્થિતિ જાણી, તેની આવશ્યકતાઓની નોંધ કરી, અને યથાર્થ  વિગત પર્યુષણ વ્યાખ્યાન માળા પહેલા અને દરમ્યાન જૈનો સુધી પહોંચાડી અને તેમને વિનંતી કરી કે, આ વર્ષનું પર્યુષણ પર્વ દરમિયાનનું આપનું દાન આ અનુકંપા પ્રોજેક્ટમાં આપો. એની બહુ ધારી અસર થઈ. ઘણીવાર એવું બને છે કે,  દાન આપવું હોય પણ ક્યાં આપવું, દાન પાત્ર કોણ છે, એ જાણવું મુશ્કેલ હોય છે. સહજતાથી જેણે જાજી પિષ્ટપિંજણમાં પડ્યા વગર દાન આપવું છે તેને કોઈ આંગળી ચીંધે કે આ રહી એ સંસ્થા,  તો એ દાતાનો માર્ગ સરળ બની જાય છે. એમાં અનુકંપા પ્રોજેક્ટ બહુ જ ઉપયોગી નીવડ્યો.  દર વર્ષે સંઘ દ્વારા આશરે 40 લાખ જેટલી માતબર રકમ સંસ્થાઓને પહોંચાડવામાં આવી. આજ સુધીમાં અંદાજ ગણીએ તો લગભગ  37 જેટલી સંસ્થાઓને આ સંઘ દ્વારા સાડા સાત  કરોડની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે.

પ્રબુદ્ધ જીવન માનવીય જીવનનો સંવાદ છે, એવી એની ટેગ લાઈન કહે છે.  એનો અર્થ એવો  છે કે,  એ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાં આ માસિકનો ઉદેશ્ય માનવ જીવનને સ્પર્શવાનો છે. માનવ જીવનનનાં ઉત્તમ પાસાઓને ઉજાગર કરવાનો છે. તો માનવ જીવનના તામસિક પાસાઓ તરફ આંગળી ચીંધીને તેને ધીમે-ધીમે ઘટાડવાનો છે. અને તેથી જ એની ટેગલાઈન ‘માનવીય જીવનનો સંવાદ‘ એવું આપવામાં આવ્યું છે. બહુ સહજ છે કે,  તે અંકને કોઈ ને કોઈ જૈન અગ્રણી સૌજન્ય પૂરું પાડે છે અને પરિણામે આ પ્રબુદ્ધ જીવન દ્વારા અનેક વિશેષાંકો પણ  થયા છે. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે, આજે જયારે દૈનિક પત્રો ચલાવવામાં પણ કસોટીનો સમય આવ્યો છે અને  સામયિકો બંધ કરવા પડે અથવા સમાજની મદદ માંગવી પડે એવો સમય આવ્યો છે ત્યારે પ્રબુદ્ધ જીવન છેલ્લા 97 વર્ષથી અણનમ આપણી વચ્ચે આવી રહ્યું છે એ એક બહુ મોટી સિદ્ધિ છે અને સિદ્ધિની સમગ્ર સમાજે નોંધ લેવા જેવું છે.

આપણે ઘણીવાર ફરિયાદ કરતાં હોઈએ છીએ કે સાત્વિકતા ક્યાંય બચી નથી. મને એમ લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણા સૌ માં સાત્વિક્તાનાં ઝીણા-ઝીણા બીજ રોપવાની એક પ્રક્રિયા છે. પ્રબુદ્ધ જીવનનો દાન વિશેષાંક એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સંયુક્ત અંક છે અને એ પ્રબુદ્ધ જીવનનાં આ અંકનું ટાઇટલ છે, ‘માનવતાની મિશાલ દાન–ધર્મ‘. દાન એકત્ર કરીને અનુકંપા પ્રોજેક્ટ ચલાવ્યા પછી સેજલ અને તેની ટીમને એવો વિચાર આવ્યો કે,  આ દાન વિશેની ગ્રંથસ્થ અને વ્યવહારસ્થ સ્પષ્ટતા લોકો સુધી પહોંચે તો ઘણું સારું  અને એમાંથી જન્મ થયો આ ‘માનવતાની મિશાલ દાન-ધર્મનો’. આપણી પાસે આ અંક આવ્યો તે શ્રવણ સુદ 11 અને વીર સંવત 2550નો અંક, આપણને દાન ઉપરનાં એકદમ તળથી લઈને શીર્ષ સુધીના વિચારોને પ્રસ્તુત કરી આપે છે. ભગવતગીતા શું કહે છે, ઇસ્લામ ધર્મમાં દાન શું છે, ખ્રિસ્તી ધર્મમાં દાનની ભૂમિકા શું છે, ગૌતમ બુદ્ધનાં દાનના વિચારો ક્યા છે, આટલું જ નહિ પણ એવા કેટલાક માતબર દાનવીર લોકો કે જેણે પોતાનાં જીવનમાં આંખો મીંચીને દાન કર્યું છે એવા શ્રેષ્ઠીઓના જીવન વૃતાંતને નહિ પણ કર્તવ્યવૃતાંતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ એકસો પચાસ  પાનાંનો અંક આપણને દાન વિશેનું તલસ્પર્શી જ્ઞાન આપે છે એમ કહું તો અતિશયોક્તિ નથી.

જૈન મુનિઓ, જૈન સાધ્વીઓ, અને જૈન અભ્યાસના ધુરંધરો પોતાના લેખ દ્વારા અને કેટલાક દાન-ધર્મ સાથે સીધા વર્ષોથી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા લગભગ 60 લેખ આ દાન વિશેષાંકમાં આપણને મળે છે. હું માનું છું કે,  આ દાન વિશેષાંક ભલે પર્યુષણ પર્વમાં આપણી સામે આવ્યો પણ આપણા હિન્દુ  શાસ્ત્ર મુજબ આપણા મકર સંક્રાંતિ  કે દિવાળી કે કોઈ તહેવાર ઉપર દાન કરીએ છીએ તે દાનની ભૂમિકા શું છે અને દાન કોને, ક્યારે, કેટલું, કેવી રીતે આપવું જોઈએ તેની ખુબ જ ઊંડાણથી માહિતી જાણવી હોય તો આ અંક બહુ  ઉપયોગી નીવડશે. આપણે દાન વિશેના કેટલાક વિચારો પણ આ અંકમાંથી જાણવા છે પણ અત્યારે ઝડપથી પર્યુષણ પર્વ વીતી રહ્યું  છે ત્યારે અને વરસાદ આપણી ઉપર હેતનું દાન કરી રહ્યો છે ત્યારે આપણા હૃદયની અંદર તેવા કોઈ અંકુરણ ફૂટે અને આપણે પણ દાન આપવામાં કંજુસાઈ ન કરીએ પણ આભ ફાટે એટલું દાન આપણે આપતા થઈએ એવી શુભ ભાવનાથી આ પરિચય અહીં  મુક્યો છે.

ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉમંગ ગુરુ

આપણે જ આપણા ગુરુ છીએ. ગીતાજી કહે છે કે : મારું  શર, મારું  કુટુમ્બ અને સમગ્ર  અસ્તિત્વ મારા ગુરુઓ છે. 

આપણે આપણી જાતને એક સાદો પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ શા માટે થયો છે ?

શું ખાલી પીલી જીવવા માટે  ઈશ્વરે મોકલ્યા એટલે અહીં આવ્યા અને ઈશ્વર બોલાવશે એટલે પાછા ચાલ્યા જશો એટલું જ શું ? જીવવા માટે, ખાવા માટે, રળવા માટે, કુટુંબ માટે, પરણવા માટે,  whatsapp પર ચેટ કરવા માટે ??  કઈ બાબત માટે આપણો જન્મ થયો છે ?? આ પ્રશ્નાર્થ છે જેનો આપણને સીધો જવાબ મળતો નથી. સીધો જવાબ જોઈતો હોય તો એવું કહી શકાય કે, આપણે સૌ જન્મીએ  છીએ એટલે જીવીશું એટલે રોજબરોજની પ્રક્રિયામાંથી પસાર થઈશું, ઊંઘી જઈશું, સવારે ઉઠી જઈશું,  બ્રશ કરીશું , નાસ્તો કરીશું,  ભણવા જઈશું અથવા વાંચવા બેસીશું અથવા કોમ્પ્યુટર સામે બેસીશું અથવા 24 કલાક મોબાઈલ ઉપર બેઠા રહીશું !! અને બપોર પછીનો સમય ફરી એકવાર આખો દિવસ ઢળતો  હોય ત્યારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈશું. આટલું બધું કરવા માટે જ શું  આપણે જન્મ  લીધો છે ? આપણા જન્મનો ઉદ્દેશ ગણો તો ખરેખર આટલો જ છે કે આપણે આનંદ અને મોજ કરવા માટે જ જન્મ લીધો છે. આપણે ભણ્યા, આપણે નોકરીએ લાગ્યા, આપણે પરણ્યા, આપણે સંતાનો થયા, આપણા સંતાનો મોટા થયા, એ સંતાનોને પરણાવ્યા, આ બધી પ્રક્રિયા એ આપણા જીવનનો એક ભાગ છે અને એ એક ભાગ એટલે જીવનને આનંદપૂર્વક વિતાવવા માટેની આ બધી કસરતો, બીજું કશું જ નહીં ,  આટલું જાણી લઈએ તો ખાતરી થાય કે હકીકતમાં જીવનનો ઉદ્દેશ જીવવું છે. 

વિચારવા જેવો  મુદ્દો એ છે કે, મિત્રો,  આપણે લોકો જન્મ લઈએ છીએ પછી આપણને કોઈકે  ઉછેરવું પડે છે.  ગાયનું વાછરડું  જન્મે તો એ થોડીવારમાં ચાર પગ ઉપર ઉભું થઈ જાય ને ચાલવા લાગે,  પોતાની માતાને ચાટવા લાગે,  થોડોક  સરખો ચારો ખાવા લાગે છે ! પક્ષીનું કોઈ બચ્ચું હોય એ માળામાંથી નીકળે એક ડાળેથી બીજી ડાળે,  બીજી ડાળેથી ત્રીજી ડાળે એમ  ધીમે ધીમે આગળ વધતું જાય અને પછી એક દિવસ અનેક પક્ષીઓની જેમ આકાશમાં ઉડવા લાગે !!  માણસના કિસ્સામાં આવું બનતું નથી.  માણસની આજુબાજુ કશુંક  જોઈએ છીએ.  આપણે જન્મ લઈએ કે તરત જ આપણને ઈશ્વરે ચાલતા નથી કર્યા,  કારણ કે આપણને જન્મ આપવો એ આપણા માતા-પિતાના જીવનનું એક બહુ મોટું સપનું  હતું.  એમાં એમનો ઉત્સાહ  હતો. એમની સાંવેગિકતા  જોડાયેલી હતી. એમની આશા હતી,  અરમાન હતા કે,  અમારા ઘરમાં એક બાળક અવતરશે તેની સાથે અમે એના જેવડા થઈ જઈશું. અને  ફરીવાર અમને અમારું બાળપણ મળશે અને શક્ય છે કે અમારા બાળક દ્વારા  અમારા જેવા જ  એક માતા અથવા એક પિતાનું સર્જન થશે અને સૃષ્ટિનો ક્રમ જાળવવામાં અમારું પણ યોગદાન અમે આપી શકીશું… બસ, આ પ્રકૃતિમાંથી સર્જાયને અમારું સર્જન પણ ફરી એક સર્જન પ્રકૃતિને પરત કરશે અને પ્રકૃતિ ચક્ર ચાલતું  રહેશે.  આ જ તો જીવનનો ઉદેશ્ય છે અને એમાં જ તો આનંદ છે.  

આપણે આજે વાત કરવી છે ગુરુપૂર્ણિમાની. આ ગુરુ શબ્દ આપણે નાના હતા ત્યારે પહેલીવાર આપણા કાનમાં પડ્યો, સાત વારના એક અઠવાડિયામાં ગુરુવારથી, ‘આજે ગુરુવાર છે’, એમ જ્યારે કોઈએ કહ્યું ત્યારે આપણે અઠવાડિયાનો એક દિવસ અને એનું કોઈકે પાડેલું નામ એટલે ગુરુવાર, એવું જાણ્યું પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણને સમજાતું ગયું કે ગુરુવાર સપ્તાહનો એક દિવસ ખરો, પણ એમાં વપરાયેલો શબ્દ ગુરુ ઘણો મોટો અર્થ ધરાવે છે અને એનું ઘણું બધું મહત્વ છે.  એ આપણો પથદર્શક બની શકે એટલો શક્તિશાળી શબ્દ છે. આપણે શેરીમાં હતા, રમત રમતા હતા, એકબીજા મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા હતા, ત્યાં સુધી આપણને આ ગુરુ એ શબ્દથી કૈંક વધુ છે એવું સમજાયું, પણ જેવા આપણે ભણવા માટે બેઠા અને સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની વાત આવી અને એમાં સરસ્વતી માતાની છબી મૂકીને એમને આપણા ‘ગુરુ’ કહેવામાં આવ્યા ત્યારે આ ‘ગુરુ’ શબ્દ આપણને જરા વિશિષ્ટ લાગ્યો !

આમ જોઈએ તો જીવનના ચાર તબક્કાઓ છે અથવા તો એમ કહીએ કે, આપણે જીવનમાં ચાર વખત જન્મ લઈએ છીએ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ ચાર જન્મ ના આપણા ચાર ગુરુઓ હોઈ શકે. આમ તો ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ બહુ સીધોને  સાદો છે,  ગુ એટલે અંધારું અને રૂ એટલે દૂર કરે તે.. આપણા જીવનના કોઈપણ તબક્કે જ્યારે આપણે અંધારામાં ફસાઈ જઈએ ત્યારે, આપણને ત્યાંથી આંગળી પકડીને પ્રકાશ તરફ લઈ જાય તે આપણો ગુરુ છે. સીધી સાદી વાત તો આટલી જ, પરંતુ પ્રશ્ન એ થાય કે જે બાળક ધીમે ધીમે વિકાસના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યું હોય એમાં વળી એને અંધારું ક્યાં આવે ?? અને અંધારું આવે તો પ્રકાશ તરફ જવાની વાત આવે તેવી તેની સમાજ ક્યાં હોય ? આપણા ચાર જન્મમાંથી સૌથી પહેલો જન્મ એ ભરચક અંધારી કોટડી માંથી આપણે બહાર આવીએ એ પહેલા નો જન્મ છે. આપણે આપણી માતાના ગર્ભાશયની અંદર લગભગ લગભગ નવ  મહિના કાળ કોટડી  જેટલા અંધારામાં પડ્યા હોઈએ છીએ અને આપણી માના પોષણ દ્વારા આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ. એક નાનકડું ફલિત અંડ હતું અને તે વિકસતું વિકસતું  અઢી ત્રણ કિલોનું બાળક થઈ ગયું, જેને અંગ છે,  ઉપાંગો છે,  જેના શરીરની અંદર તંત્રો છે,  કોષો છે પેશીઓ છે,  એવું બાળક જે નવ મહિના માતાના ગર્ભમાં ગાળે છે એ જન્મને આપણે કોષીય જન્મ અથવા તો સેલ્યુલર બર્થ કહીએ છીએ. પરંતુ આ કાળકોટડી  કાયમની નથી રહેતી અને આપણને સમય થાય ત્યારે કોઈ બહારની  આ દુનિયાના  જીવન સાથે પરિચય કરાવે છે.  આ પ્રક્રિયાની અંદર આપણે ગર્ભમાં આવ્યા એ માટે આપણા માતા-પિતા આપણા પહેલા ગુરુ છે.  એમણે  ધાર્યું,  એમણે  મનમાં  એક સુંદર સર્જન માટે વિચાર્યું ત્યારે આપણે ગર્ભમાં જઈને સ્થિત થયા. આમ જીવનના પ્રથમ  ગુરુ ગણીએ તો આપણા માતા-પિતા છે.  ઉદાહરણ તરીકે આપણો કોષીય  જન્મ પૂરો થયો. અંદર થવો જોઈએ તેટલો વિકાસ થયો અને આપણે હવે ભૌતિક જન્મ લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને આપણી માતા બહુ મોટી પીડા ભોગવીને  પણ બહાર લઈ આવે છે અને એ સમયે ત્યાં આપણી સામે બે હાથ પહોળા કરીને સ્વાગત કરવા તત્પર બે સ્ત્રીઓ હાજર હોય છે. હકીકતમાં એ બે સ્ત્રીઓ આપણા ધરતી પરના અવતરણના પહેલા સાક્ષીઓ છે. એમણે  આપણને પ્રકાશમાં પહેલો શ્વાસ લેતા કાર્ય છે. આપણને ખબર નથી કે એ કોણ હતાં ? આપણે એને જીવનમાં ક્યારેય યાદ કરતા નથી,  સંભારતા નથી. મારી માતા એકલપંડે   મને જન્મ ના આપી શકી હોત !!  મારી માતાના અરમાનો ફળીભૂત  થયા છે એને પરિણામે મારી માતાની  આંખમાં એક તેજ પુંજ જોવા મળે છે.  મને જોવા માટે તત્પર એવા મારા પિતાશ્રી  બહુ મોટા અરમાનો સાથે મારું સ્વાગત કરે છે અને હવે મારો સાંવેગિક જન્મ  શરૂ થાય છે. અનેક પ્રકારના લોકો દ્વારા ટેકો મળે છે અને ઘોડિયામાં સૂતો હોઉં તો મારી ઘોડિયાની ઝોળીને નાની બેન અથવા તો આજુબાજુની કોઈ દીકરી અથવા તો મારા પપ્પા પણ હિંચોળે છે, આ સૌ મારા ગુરુ છે, કારણ તેઓ મને કશુંક શીખવી રહ્યા છે.   મને ધીમે ધીમે એવા લોકો મળતા જાય છે કે જે મને ઉછેરવામાં મદદ કરે  છે તે લોકો પણ મારા થોડા ઘણા અંશે ગુરુ છે.  હું રીખવા લાગું  છું, ધીમે ધીમે દોડવા લાગું  છું, ઘરમાંથી નીકળીને શેરીમાં જાઉં છું, શેરીમાં મિત્રોની વચ્ચે ભળી જાઉં છું અને  જઈને સૌ સાથે રમું છું,  આ દરેક વખતે કોઈ મારી  બાજુમાં હોય જ છે. કોઈ મને ધક્કો મારી જાય તો મને એ શીખવા મળે છે કે,  આપણને કોઈએ પછાડી દીધા હોય ત્યારે કોઈ બે ત્રણ જણા આપણને  ઊભા કરવા પણ હાજર હોય છે આ સાંકેતિક ભાષા જેણે મને સમજાવી અને એક સંવેગ  મારા મનમાં  ઉમેર્યો ,  એ હકીકતની અંદર મારો ગુરુ છે.

સાંવેગિક  જન્મમાં મારા સંવેગો અને મારી લાગણી ધીમે ધીમે ઘડાતી  જાય છે આ સમય દરમિયાન કેટકેટલા લોકોને  હું મળું છું  અને મારી વાત એમને કહું છું, એમની વાત સાંભળું છું આ બધા લોકો મારામાં કશુંક મને ખ્યાલ ન આવે તેમ ઉમેરતા જાય છે. મારી કેટલીક શંકાઓને દૂર કરતા જાય છે.  મને જગત અને જીવ હવે સમજાવવા લાગે છે. મારાં  આ દરેક પગલાં પર જે જે લોકોએ, ઘટનાએ કે પરિસ્થિતિએ મને સાથ આપ્યો તે  દરેકને મારે ગુરુ ગણવા જોઈએ.

મારો  એક સીધો અને સાદો મુદ્દો  છે કે,  આજે હું તમારી સાથે એક વિષય ઉપર વાત કરી શકવાને સમર્થ બન્યો છું,  એમાં હું એકલો જવાબદાર નથી.  મારા ભૌતિક જન્મથી લઈને આજે આપની સાથે વાત કરી રહ્યો છું તે સામાજિક જન્મ સુધી મને ગણ્યા ગણાય નહીં એટલા મારા કુટુંબીઓએ,  મારા શિક્ષકોએ,  મારા મિત્રોએ, મારા વિરોધીઓએ,  મને ઓળખનાર અને મને ન ઓળખનાર ઘણા બધા લોકોએ ટેકો કર્યો છે ત્યારે હું આજે અહીં ઉભો છું. આ બધા મારા ગુરુઓ છે. અને એ ગુરુઓને પ્રણામ કરવા માટે આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ છે.  આપને કદાચ એમ થશે કે આટલા બધા ગુરુ હોઈ શકે ?? ના, હકીકતમાં આપણે એને ગુરુ ગણતા નથી,  પણ ગણવાં  જોઈએ એવું  મનમાં બરાબર બેસે એટલા માટે મેં  આટલી લાંબી વાત કરી છે.   મારે જે જ્યારે કરવું જોઈએ ત્યારે તે કરવા માટે જેણે મને ટચલી આંગળીનો ટેકો દીધો હોય તે મારો ગુરુ છે, આવી મારી માન્યતા છે.  એમ કહેવાય છે કે,  ‘ચપટી ધૂળ જો આપણને મદદમાં આવી હોય તો આપણે તેનો આદર કરવો જોઈએ અને ક્યારેય પણ તેને વિસરવું ન જોઈએ’, કારણ કે એ ધૂળ  આપણને ફરી ક્યારેય ધૂળમાં મેળવી દે અથવા તો શિખર પર ચડાવી દે એ નક્કી નથી.  અસ્તિત્વની આખી યોજના એવી છે કે, આજે જે મળે છે એ કદાચ કાલે  નહીં મળે અને શક્યતા એવી છે કે,  જે નહીં મળે એવું ધારેલ હોય એ વ્યક્તિ સાથે તમારે આખું જીવન વિતાવવાનો વારો આવે. એકપણ વ્યક્તિને ભૂલી જવી એ  ખોટનો ધંધો છે. આપણી સમક્ષ ગુરુ દત્તાત્રેયનું ઉદાહરણ છે, જેણે  ચોવીસ  ગુરુઓ કરેલા! આપણને આજે આશ્ચર્ય થાય કે ચોવીસ ચોવીસ ગુરુ ??  આપણને ગુરુ દતાત્રયજી એ શીખવ્યું છે કે,  શિક્ષાગુરુ અનેક  હોઈ શકે.

હું જરા જુદી રીતે આખા વર્ગીકરણને મૂકવા માગું છું:

આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપનાર આપણા માતા-પિતાને અને અજ્ઞાત એવી અનેક વ્યક્તિઓને કે જેમણે આપણને ભૌતિક જન્મ સુધી સાથ આપ્યો છે તે સૌને આપણે   ‘ઉદ્ભવ ગુરુ’ કહીએ. આપણા  ભૌતિક જન્મ દરમ્યાન જેણે  આપણને અનેક રીતે ટચલી આંગળીનો ટેકો કર્યો છે અને આપણને તારૂણ્ય  સુધી ચાલતા કર્યા છે તેને આપણે ‘ઉછેર ગુરુ’ કહીએ.  જીવનના પ્રશ્નને સમજી તેમાંથી માર્ગ શોધતા જેમને આપણને કોઈએ શીખવ્યું.  આપણી લાગણી, આપણી ઊર્મિઓ,  આપણા ગમા અને અણગમા  વગેરે ઘડવામાં જેણે આપણને સાચો માર્ગ દેખાડયો  છે તેને આપણે ‘ઉદય  ગુરુ’ કહીએ. આપણને ભણાવી ગણાવીને સમાજમાં અથવા તો જીવનમાં કુટુંબના એક અગ્રણી તરીકે જેણે  સ્થાન આપ્યું છે એ પ્રત્યેકને આપણે આપણા ‘ઉમંગ ગુરુ’ ગણી શકીએ.

ઉદ્ભવ ગુરુ મને જન્મ આપે છે, ઉછેર ગુરુ મને પગ પર ઉભો થતા શીખવે છે,

ઉદય ગુરુ મારા જીવનના ઉદય માટે પરિશ્રમ કરે છે અને ઉમંગ ગુરુ મને સદાકાળ માનવ બની રહેવાનો ઉત્સાહ ભરી આપે છે.

શ્રીમદ ભગવત ગીતામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે, આપણે જન્મ લઈએ ત્યારે આપણી સાથે ત્રણ પ્રકારની સંસ્થાઓ જોડાયેલી હોય છે અને આ ત્રણ પ્રકારની સંસ્થાઓ માટે આપણે જીવીએ તેવી ભગવાન શ્રીકૃષ્ણની અપેક્ષા છે. પહેલી સંસ્થા એ શરીર છે. શરીરમાં વસેલા હાડકાઓ, સ્નાયુઓ, અંગ ઉપાંગો દરેકનું સંવર્ધન કરવું અને સુરક્ષા કરવી એ પહેલી આપણી ફરજ છે. બીજી સંસ્થા તરીકે શ્રીમદ્ ભગવત ગીતા આપણને કુટુંબની વાત કરે છે. અહીં કુટુંબ એટલે માત્ર મારું કુટુંબ નથી,  પણ હું જેની જેની સાથે સંપર્કમાં આવું છું,  મારા પાડોશી,  મારા શેરીના મિત્રો,  હું સ્કૂલે જાઉં ત્યારે મારા સ્કૂલના મિત્રો,  સ્કૂલના શિક્ષકો… આ બધું કુટુંબ છે.  કુટુંબ એટલે વસુધૈવ કુટુમ્બકમ એ સંકલ્પનાનું કુટુંબ છે.  હું જેની સાથે શ્વસી રહ્યો છું તે પ્રત્યેક જીવ મારા કુટુંબનો સભ્ય છે આ કુટુંબના સભ્યોને સાચવી રાખવા,   સંવર્ધિત કરવા  અને તેની સુરક્ષા કરવી એ મારી બીજી ફરજ છે. શ્રીમદ  ગીતા ત્રીજી સંસ્થા તરીકે સમગ્ર અસ્તિત્વને આપણી સાથે જોડી દે છે અને એવું કહે છે કે,  જે અસ્તિત્વએ  તમને ઘડયા  છે,  તમને મોટા કર્યા છે,  એ પંચમહાભૂતમાંથી તમે  ઘડાયા છો,  એ તમારી ત્રીજી સંસ્થા છે,  એને કોઈ પણ સંજોગોમાં નુકસાન ન થાય એ આપણી ફરજ છે. એને સાચવી રાખીને એને સંવર્ધિત  કરવાનું અને એમાંથી  આપણે જેટલું લીધું છે એના કરતાં અનેક ગણું પાછું આપવાનું કામ એ આપણી  ત્રીજી સંસ્થા માટેનો ધર્મ છે.  ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા  પ્રમાણે આપણે માનીએ તો,  આપણા ગુરુઓ ત્રણ પ્રકારના બની શકે.   મને ખબર છે કે મારાથી શું ખવાય,  શું ખાવાથી શું થાય, ન ખાવાથી  તો શું થાય,  કેટલું ચાલવું જોઈએ,  કેટલું સૂવું  જોઈએ ??  મારા શરીરની પૂરેપૂરી ઓળખ કેવળ  મને  છે એટલે મારું શરીર મારું ગુરુ છે. મારું કુટુંબના  માતા પિતા કે મારો મિત્રો કે સંબંધીઓ માંથી કોઈ નાદુરસ્ત થશે તો મને અસર થશે  અથવા તો હું નાદુરસ્ત હોઈશ તો આ બધા મળી કાળજી  લેશે એટલે આ કુટુંબ પ્રત્યે મારે મારો સદભાવ જાળવી રાખવો જોઈએ.  સદા એના માટે મારે મિત્રતાના ભાવથી તત્પર થવું જોઈએ.  મારે મારી ફરજ  વડીલો પ્રત્યે અદા કરવી જોઈએ, એ મારું  કુટુંબ મારો  ગુરુ છે.  અને અસ્તિત્વની અંદર જે પંચ મહાભૂત છે એ ના હોય તો આપણે જીવી શકીએ ખરા ?? વિચાર કરો કે કાલ સવારથી ચાર પાંચ છ દિવસ સુધી સૂર્યદેવ દર્શન ના આપે તો આપણી શી હાલત થાય ? ધરતી પર અતિશય પાણી વરસવા લાગે અને અનરાધાર વરસાદ મહિનાઓ સુધી ચાલતો રહે તો આપણી  શી  સ્થિતિ થાય ?  એ જ રીતે પવન થંભી  જાય તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ ? વૃક્ષો છે એ ઓક્સિજન બહાર કાઢવાનું ભૂલી જાય તો આપણે જીવતા  કેમ રહી શકીએ ? અસ્તિત્વના આ બધા ઘટકો સુપેરે કામ કરે છે એટલે આપણું  જીવન ટકેલું છે,  આમ અસ્તિત્વ આપણું સર્વોચ્ચ ગુરુ છે એવું આપણે માનવું જ પડે.

અનેક મહાપુરુષો ગુરુના જુદા જુદા પ્રકારો અને ગુરુ મહિમાને પ્રગટ કરવાની અનેક રીતો આપણી સમક્ષ રજુ કરતા હોય છે.  પણ આપણે નાના માણસો  છીએ એટલે બહુ ઊંડાણમાં જઈને આપણે ગહન રીતે વાતો નથી કરવી.  પૂજ્ય શ્રી મોરારીબાપુ કહે છે કે,  ગુરુના બે પ્રકાર છે :  એક  પૂર્ણ ગુરુ છે, અને  એક શૂન્ય ગુરુ છે.  આપણે જે વાત કરી તેમાં જે તબક્કે જેણે આપણને સાથ આપ્યો તે સ્વયં  પૂર્ણ ન હોત તો આપણે સફળ ન થયા હોત. જે કોઈ આપણને મળ્યા અને આપણને માર્ગ ચીંધી ગયા  તે પૂર્ણ હતા.. પણ એવું જરૂરી નથી કે દરેક ગુરુ પૂર્ણતાથી તમારી સાથે રહે.   કેટલાક એવા વ્યક્તિત્વ છે કે,  મારી તમારી નજર સામે નથી, કદાચ  આજે જીવંત પણ નથી છતાં એ આપણને માર્ગદર્શન કરી રહ્યા છે.  લોક ભારતી ની જ વાત કરીએ તો,  નાના દાદા, દર્શક દાદા, બુચ દાદા  અને મૂળશંકર દાદા ને આપણે ક્યાં કોઈએ જોયા છે ?? છતાં આપણને અને આપણી સંસ્થાને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે.  મોરારીબાપુ તો એમ કહે છે કે,  શક્ય બને ત્યાં સુધી વધુને વધુ શૂન્યતા તરફ જાવ,  મૌન તરફ જાવ,  કદાચ એવું બને કે મૌનમાં તમને આજે જ સામે નથી તે બધા જ ગુરુઓ સામે આવીને ઉભા  રહે.  એ સૌ એ સમયનું  કામ કરીને પછી આપણાથી વિમુક્ત થઈ જાય છે અને  આપણને કદાચ આખા જીવનમાં ક્યારેય  ફરી મળતા પણ નથી, એમણે  આપણને જે શીખવવું હતું એ શીખવીને પોતાના માર્ગ ઉપર આગળ ચાલતા  રહ્યા.  એટલે આપણા જીવનમાં એનો કોઈ ભાર નથી.

ગુરુ અને સદગુરુ – આ બે શબ્દો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આવા અનેક ઉદાહરણો આપણને શાસ્ત્રોમાંથી, વિશિષ્ટ બુદ્ધ પુરુષોના જીવનમાંથી જોવા મળ્યા છે. એ ઉદાહરણની મદદથી આપણે આ બે શબ્દોને હંમેશા સરખાવવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. પણ, કહેવાનું તો એટલું જ થાય કે ગુરુ તો ગુરુ છે, અને સદગુરુ તો સદગુરુ જ છે. શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી શ્રી વિવેકાનંદના જીવનમાં બનેલી એક ઘટના આપણને એ સ્પષ્ટ કરે છે કે, સદગુરુ પોતાના શિષ્ય દ્વારા, પરમ શિષ્ય દ્વારા જો નાની સરખી પણ ભૂલ થાય તો પુરા પ્રયત્નથી તેને એ માર્ગેથી પાછો વાળે છે. એમને એવું લાગે કે આ માર્ગે મારો આ પરમ પ્રિય શિષ્ય હવે આગળ નહીં વધી શકે, તો પૂર્ણ વિરામ મૂકવાનું કામ પણ એ સદગુરુ જ કરે છે. વિવેકાનંદજીના જીવનમાં એક નાનકડો અનુભવ સમાધિ અંગેનો થયેલો તેનો ઉલ્લેખ છે. રામકૃષ્ણદેવના આશ્રમમાં દક્ષિણેશ્વરમાં કાલુ નામનો એક  ગરીબ હતો, ગામડાનો હતો. પરંતુ એની ભક્તિ એવી હતી કે ભક્તિમાં અને ભક્તિમાં આખો દિવસ પસાર કરતો હતો. તેમણે પોતાના રૂમની અંદર લગભગ લગભગ બધા જ દેવ દેવતાઓની મૂર્તિઓ રાખી હતી. જ્યાંથી મૂર્તિ મળે એને સ્થાન આપે, અને દેવતાની મૂર્તિ રાખે. એનું પૂજન કરે.  પોતાના રૂમમાં પોતાને સુવાની જગ્યા નહોતી, એટલી મૂર્તિઓ હતી. પોતે બહાર સૂતો. બધાની  પૂજા કરે, ભાવથી પૂજા કરે. એવું ન હતું કે માત્ર વારો વદાડવા માટે પૂજા કરે, આરતી કરે, થાળ ઘરે અને આઠ દસ મિનિટમાં બધું આટોપી લે. ના, એમનો તો લગભગ આખો આખો દિવસ એમાં જતો. કારણ કે ભાવથી પૂજા કરતો હતો. એકે એક  મુર્તિની પૂજા કરતો હતો. ક્યારેક તો પૂજા કરવામાં સાંજ પડી જાય, તો જ્યારે પૂજા પૂરી થાય ત્યારે એ બિચારો ભોજન કરે. વિવેકાનંદજી આ વસ્તુ જોવે અને તેને હસવું આવે કે, આ માણસ કેવો મૂર્ખ છે. એમણે  ક્યારેક એને સમજાવ્યો પણ ખરો કે તારું આ પાગલપન છોડી દે, તો આ બધા પથ્થરોમાં કાંઈ નથી, પરંતુ કાલુની આંખમાં આ સાંભળીને આસું આવી જાય એટલે  વિવેકાનંદજી પોતાની વાત આટોપી લે.  પરંતુ એ કહે કે આ બધાને ગંગામા પધરાવી દે. તારી જાતને એકલીને બચાવી લે. પરંતુ કાલુને તો પ્રેમ હતો. એના રૂપને એ ગંગામાં ક્યાંથી ફેકે? સ્વામી શ્રી વિવેકાનંદજી ને રામકૃષ્ણ દેવે ધ્યાનની રીતિ આપી હતી કે જેથી કરીને સાક્ષી ભાવમાં તેઓ પોતાના વિચારો ને નિરખી શકે. તેઓ એક વખત આ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એવું બન્યું કે સાક્ષી ભાવમાં એને થોડી ઝલક દેખાણી અને વિચાર સમાપ્ત થઈ ગયો. પરંતુ નાનકડી એ ઝલકે જાણે પર્દાફાશ કર્યો. એક નવો ઝરૂખો ખોલી દીધો. એ કિરણ અંદર પ્રવેશી તત્ક્ષણ એને એવું લાગ્યું કે આ સમયે પોતે કાલુને જઈને વિચાર આપવો જોઈએ કે તારી બધી મૂર્તિઓ છે એને બાંધી પોટલીમાં અને ગંગા માં પધરાવી દે. એમને લાગ્યું કે સમાધિષ્ઠ વ્યક્તિનો વિચાર બહુ બલશાલી હોય છે. એટલે મારે અત્યારના મને જે દેખાયું તેને કહી દેવું જોઈએ. કાલુ તો ભક્ત હતો, પરમ ભક્ત હતો. એના અનુભવની એક દુનિયા હતી. એ ગદગદ હતો, આનંદિત હતો. રામકૃષ્ણદેવે  એ અગાઉ એક બે વખત વિવેકાનંદજીને કહેલું કે આ કાળુ ને તારે છંછેડવાની જરૂર નથી. એ સીધો સાદો આદમી છે, પોતાની મસ્તીમાં મસ્ત છે. એનો પોતાનો એક માર્ગ છે માટે તર્ક-વિતર્ક ન કરવો, એનું નુકશાન ન કરવું. પરંતુ સ્વામીજી ને પણ પહેલો જ અનુભવ થયો. જરાક દ્વાર ખુલ્યું સમાધિનું અને તત્ક્ષણ વિચાર આવ્યો અને એનો ઉપયોગ કર્યો. બહાર નીકળીને કહ્યું કે કાળુ બાંધ પોટલી અને બધા દેવી-દેવતાઓને ગંગામાં પધરાવી દે. શ્રી રામકૃષ્ણદેવ બહાર પંચવટી માં બેઠા હતા. તેમણે જોયું કે,  વિવેકાનંદ પોતાના રૂમમાંથી બહાર આવીને આવો વિચાર આપી રહ્યા છે. સહસા તેઓ ઉભા થયા અને ભાગ્યા. કાળુ પોતાના દેવદેવીઓની પોટલી બાંધીને ગંગા તરફ જતો હતો ત્યાં જઈને રોકી ને કહ્યું ક્યાં જાય છે? તેમણે  કહ્યું, બધું બેકાર છે, કોઈ સાર નથી. આજે મને વાત સમજાણી છે કે વિવેકાનંદજી કહે છે કે ઠીક છે, એટલે હું તેને ફેંકી દઉં છું. શ્રી રામકૃષ્ણદેવે  કહ્યું ઉભો રે, થોડી વાર ઉભો રે. આ તારો વિચાર નથી, આ તું નથી બોલી રહ્યો. તું ઉભો રે, હું તને હમણાં કહું છું. તેઓએ જઈને વિવેકાનંદજીના ખંડની બહાર દરવાજા ઉપર ટકોરા લગાવ્યા. દરવાજો ખુલ્યો અને વિવેકાનંદને કહ્યું કે આ તેં  શું કર્યું? તે શા માટે કાળુ ને આવો  વિચાર આપ્યો? સમાધિમાં આવેલો દરેક વિચાર સંપ્રેક્ષિત કરવાનો નથી. આ તો સમાધિનો ઉપયોગ થયો, દૂર-ઉપયોગ થયો. શ્રી રામકૃષ્ણદેવ નારાજ થયા અને એમણે  એમ પણ કહ્યું કે, “તારી સમાધિ આનાથી આગળ નહિ વધે. એની ચાવી હું મારી પાસે રાખી લઉં છું.” તરત જ કાળુને સમજમાં આવ્યું. તેમનો વિચાર પોતાનો ન હતો. એ પૂજા કરી રહ્યો હતો, સરળ ચરિત આદમી હતો. એ દેવ દેવતાઓને લઈને ભીતર ઉપડી ગયો હતો. અને એને જોઈને વિવેકાનંદજીને જે વિચાર આવ્યો, એ એમને કહ્યો. વિવેકાનંદ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા. સદગુરુ ની વાતથી જ સ્વામીજીએ કહ્યું, “હું કાળુની ક્ષમા માંગી લઉં.” અને તેમને દિલથી ક્ષમા માંગી. વિવેકાનંદને એ શબ્દો મનમાં બરાબર રહ્યા કે, હવે તારું ધ્યાન અહીંયા રહેશે, આગળ નહીં વધે, તેની ચાવી હું મારી પાસે રાખું છું. કહેવાય છે કે વિવેકાનંદનું ધ્યાન ત્યાં અટકી ગયું. પોતાના મરવાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં  એક પત્રમાં તેઓએ લખ્યું છે કે, ‘હે ભક્તો, હું સમાધિમાં અનુભવ નથી કરી શક્યો. આજ સુધી અનુભવ નથી કરી શક્યો. તે દિવસે રામકૃષ્ણ દેવે  ચાવી રાખી લીધી હતી, તે ફરી પાછી નથી મળી. પછી ક્યાં ખોવાઈ ગઈ, એ ચાવી મને ખબર નથી. પરંતુ મેં દુરુપયોગ કર્યો હતો, એટલે તેની સજા સદગુરુ એ મને આપી છે.’ આ ઘટનાથી  ગુરુ અને સદગુરુ વચ્ચેના નિકટમ આત્મીય દિવ્ય સંબંધોની પ્રસાદી આપણને મળે છે.

આપણને એકાદો નાનો  વિવેક જે શીખવી જાય છે તે શિક્ષા ગુરુ છે,  પરંતુ બધાના જીવન સરખી રીતે ચાલતા હોય એમાંથી કોઈ એક નવો માર્ગ પકડીને આપણે આગળ વધવું છે,  પ્રગતિ કરવી છે,  ત્યારે જે ગુરુ આપણને પ્રાપ્ત થાય છે દીક્ષા ગ્રુપ છે.  જે તમને વિશિષ્ટ કૌશલ્ય માટે સતત ઘડે છે અને તમને એ કૌશલ્યના માસ્ટર બનાવે છે તે તમારા દીક્ષા ગુરુ છે. આજે પણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દીક્ષા ગુરુની પરંપરા બરાબર ચાલે છે.  ખૂબી એ છે કે આરંભે  તમારું નામ  ગુરુ સાથે જોડાઈ જાય અને એક સમય એવો આવે કે જ્યારે તમારું નામ લેવાતું થાય અને ગુરુ નામ મૌન થતું થાય.

અને છેલ્લી વાત, બહુ ટૂંકમાં કે..

જીવનને જીવતાં શીખવે તે ગુરુ.

જીવનને માણતાં શીખવે તે ગુરુ.

જીવનને આંનદ ને મૌજથી છલકાવી દે ગુરુ. 

મને અને તમને કશુંક નવું શીખવે તે શિક્ષા ગુરુ, 

પણ 

મને અને તમને જીવનના કૌશલ્ય માટે કેળવે તે દીક્ષા ગુરુ.

(લોકભારતી, સણોસરા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે આપેલું વક્તવ્ય તા. 21-07-24)

 

 

 

હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ !!

મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય– સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

જયસિંહ સિધ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિધ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યા. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો ત્યાં જ  એમાં ભોજરાજ વિરચિત ‘સરસ્વતીકંઠાભરણ’ નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછ્યું કે આ ગ્રંથનું મહત્તમ કેટલું ? તો જાણવા મળ્યું કે,  પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજરાજનું આ વ્યાકરણ છે અને  તે એના રાજ્યમાં ભણાવાય છે. પંડિતોએ ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસા કરી અને તેથી જયસિંહ  સિધ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતાનું સ્મરણ થયું. એ સમર્થ રાજા હતા એટલે એમને થયું કે, રાજા ભોજ અને માળવા દેશ નથી, કિંતુ વિદવાનોના  હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ તો છે.!!

રાજા સિધ્ધરાજને મંથનના અંતે  વિચાર આવ્યો કે, તલવારથી મેળવેલા વિજય તો આજે છે અને કાલે ભૂંસાશે. પરંતુ  વિદ્વત્તા તો  વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. રાજાએ જાણ્યું કે,  જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. આ જાણીને તો બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ જાણે  ઝાંખો પડી ગયો. રાજાએ સંકલ્પ કર્યો કે,  સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેતાં કરવાં.

વિ. સં. ૧૧૯૩માં સિધ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું અને સકારણ માનભેર કાર્ય સોંપતાં કહ્યું કે, “હે મુનિનાયક ! મને થશ મળશે અને આપને પ્રસિધ્ધિ અને પુણ્ય — બંને મળશે, તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.” જયસિંહ સિધ્ધરાજે ઠેર ઠેરથી રાજચિહ્ન સાથે પત્રો પાઠવીને હસ્તપ્રતો મંગાવી. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલી  ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યા.

મહારાજ સિધ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. યુધ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા રાજાના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દૃષ્ટાંતો ગુંજવા લાગ્યાં. હવે રાજ્યોનો  વિસ્તાર નહીં પણ વિદ્યાવિસ્તાર અંગેનું  ચિંતન શરુ થયું. સમય મળે કે તરત  મહારાજ સિધ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસે  અને વિદ્યા- યજ્ઞમાં સામેલ થાય. સિધ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો.

હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિધ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે ‘સિધ્ધહેમશબ્દાનુશાસન‘ રાખવામાં આવ્યું. જયસિંહ સિધ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને “સિધ્ધહેમ’ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવાનું શરુ કર્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય– સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ  ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિધ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા… આ સમગ્ર પ્રસંગોનું નખશીખ વર્ણન જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન અને અભ્યાસુ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના લેખમાં સુપેરે કર્યું છે, તેની નોંધ સાદર લેતા ઉપકૃત છું.

અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિધ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતા  હતા. આજે પહેલીવાર હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન‘ ગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિધ્ધરાજ ચાલતા હતા. આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતા. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા  હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.

જુઓ, મહાન ગ્રંથની રચના કરીને સંતોષ ન માનનાર રાજાએ રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન કરાવ્યું અને પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. શ્રી કુમારપાળ લખે છે કે, ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.

શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે

કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.

ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.