આદિવાસી નહીં , પણ “આદિ તીર્થ વાસીઓ”

અખંડાનંદ્દ :: મે 2024 :: શ્રી ભદ્રાયુ વછરાજાનીનો લેખ ::

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ ” 


સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!
ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 
આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.
આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.
કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.
કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.
આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com


Facebook


Youtube


WordPress


Instagram

Share your feedback


કામ કરે તે જીતે

બધાને સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દીવાળી નોકરીમાં જ જવું છે, તો શું કે આપણો વટ પડે !!

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com 

ચૂંટણીનો માહોલ હોય અને કોણ ચૂંટાયું કે કોણ હાર્યું ની ચર્ચાઓ હોય ત્યારે કોઈ સાત્વિક કે રાજસિક રાજકીય વ્યક્તિ મળી જાય ત્યારે બત્રીસે કોઠે દિવા થાય. 

“મારું નામ અંકિત છે. હું હકીકતમાં તો ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં દસ વર્ષ સુધી રહ્યો. મારું ગામ નાની ભટલાવ છે. અહીંયા જન્મ્યો છું, અહીંયા મોટો થયો છું, મા બાપ ખેતી વગેરેનું કામ કરે છે અને અમારું સામાન્ય કુટુંબ છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.

હું મારા માતાની સાથે રહું છું. મારા કૌટુંબિક કારણોને લઈને મારા પિતાશ્રી મારી સાથે રહેતા નથી. મેં દસેક વર્ષ સુધી ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો અને ટ્રાન્સપોર્ટના ધંધામાં બધું હું જ કરું છું. કોઈનો માલ ટ્રકમાં ભરવો, ટ્રક ચલાવવો, જ્યાં જઈએ ત્યાં એ માલને ઉતારીને જે તે જગ્યાએ ગોઠવી આપવો. બધું જ કામ પોતે જ કરવું,  પ્રામાણિકતાથી ને  ધીરજથી કરવું એ મારું મુખ્ય જીવન હતું. મારા કસ્ટમરમાં પણ મારા નામે વાત ફેલાયેલી હતી કે હું વ્યવસ્થિત કામ કરું છું, પુરી મહેનત કરું છું અને યોગ્ય રીતે વળતર માંગુ છું. એટલે મારો વ્યવસાય સારો ચાલ્યો.  આજે પણ એ કામ હું સાઈડમાં કરી જ રહ્યો છું.

મને એવું લાગ્યું કે હું તો ગ્રેજ્યુએટ સુધી ભણ્યો ત્યારે ખબર નહોતી કે શું ભણવું જોઈએ, છતાં બધા ભણતા હતા એવું મેં ભણી નાખ્યું. આ વખતની જે ચૂંટણી થઇ એમાં ગામે મને સરપંચ તરીકે ચૂંટી બતાવ્યો. મારું  નાનું ગામ છે,  ૧૨૦૦ ની વસ્તી છે. નાની ભટલાવ એ  બારડોલી તાલુકાનું ગામ છે. અહીંથી લગભગ ૧૮ – ૨૦ કિમિ વ્યારા છે, એ મોટું સેન્ટર છે. આ બાજુ બારડોલી  મોટું સેન્ટર છે એની વચ્ચે અમે અંદરના ભાગમાં આવેલા છીએ. અમારે ત્યાં ૧૨૦૦ ની વસ્તીમાં બધા બહુ સામાન્ય લોકો છે. જે યુવાનો છે એનામાં આગળ વધવાની પુરી ધગશ છે.

એક વાત હું સાહેબ આપને કહું કે, અમારે ત્યાં યુવાનોને એક જ વાતમાં રસ છે કે, અમને  વર્દીવાળી સરકારી નોકરી મળે. એટલે બધાને પોલીસ થવું છે, PSI થવું છે અથવા તો સિક્યુરિટીનું કોઈ હોય તો એમાં જવું છે પણ  સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દી એટલે કે ગણવેશવાળી નોકરીમાં જ જવું છે તો શું કે આપણો વટ પડે અને તો જ આપણે આગળ વધી શકીએ એવું બધાના મનની અંદર બરાબર ઘુસી ગયેલું છે. મને વિચાર આવ્યો કે આને તો હું બદલી નહીં શકું તો મારે મારા ગામના યુવાનો માટે કશું કરવું હોય તો શું કરવું ?

મને એવું પણ જાણવા મળ્યું કે મારે ત્યાંથી જે વિદ્યાર્થીઓ PSI કે PI ની પરીક્ષામાં જાય છે એ લોકો થિયરી પાસ કરી દે છે પણ પ્રેક્ટિકલમાં ઝળકી શકતા નથી. કારણ કે અહીંયા એને  ફિઝિકલ ટ્રેનિંગ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે મેં ગામની અંદર પંચાયતનું એક ખુલ્લું મોટું મેદાન હતું એને સારી રીતે  ડેવપલ કર્યું, દોડવા માટેના ટ્રેક બનાવ્યા, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ આ બધું જ એની અંદર ઉમેર્યું જેથી કરીને અહીંના યુવાનો અહીંયા જ પ્રેક્ટિસ કરી શકે. સવારના પહોરમાં ને ઢળતી સાંજે વિદ્યાર્થીઓ દોડીને પરસેવો પાડે ને ફિઝીકલી ફિટ થાય. આ મેદાન બનાવ્યા પછી અમને એવું ફળ મળ્યું કે અમારે ત્યાંથી ૧૦ – ૧૧ લોકો PSI માં પસંદ થયા. આ વખતે સરકારે પહેલાં પ્રેક્ટિકલ પરીક્ષા લીધી અને પછી થિયરી લીધી, એને પરિણામે અમને ખુબ સારું પરિણામ મળ્યું. આમ મને કહેવાનું નહીં ગમે પણ તમે પૂછ્યું એટલે હું કહું કે મને જયારે પેલું સ્પોર્ટ્સ ને ફિઝિકલ એક્સરસાઇઝ માટેનું મેદાન બનાવવું હતું ત્યારે મારી પાસે પૈસા નહોતા અને હું કઈ કરી શકું એમ નહોતો અને એવી કોઈ સહાય થાય એમ નહોતી એટલે હું જે બાઈક ફેરવતો હતો એ બાઈકને મેં લોનમાં  ગીરવે મૂક્યું અને એના ઉપર બેન્કની લોન લીધી અને બેન્કની લોનમાંથી એ મેદાન ડેવલપ કર્યું. મારી એક જ ઈચ્છા કે મારા નાનકડા ગામના યુવાનો પણ ખુબ મહેનત કરીને જિંદગીમાં આગળ વધે.”

 

વો ચાહે સો હોઈ !

‘અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કે ‘આજે તમે ન જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’ 

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !

દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને  એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો  ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી  નિહાળે  તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!

હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા  છ  સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય. 

          સંજય સ્વામી ને કમુ મા આગોતરા  પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ  માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના  ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો !  એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો  પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું ! 

          ‘હશે, જેવી  ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ  મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા  થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો  હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો  ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !!  ધ્યાનખંડે ભૂમિ પર  આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત  ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે  મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો  !! 

                   વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત  અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને  જાણે  કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’  

માટીમાંથી માનવ બન્યો ?

જેમણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે.

ભદ્રાયુ  વછરાજાની                                      bhadrayu2@gmail.com 

કહે છે કે આપણો દેહ એ પંચમહાભૂત નો બનેલો છે. એટલે કે તેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી એમ  બધા પાંચે-પાંચ તત્વો આવેલા છે. પણ એક કથા યાદ કરવા જેવી છે. 

પરમાત્માએ જ્યારે પ્રકૃતિ સર્જન કરવાની શરૂઆત કરી ત્યારે એમણે  બધું જ બનાવી લીધું અને કહેવાય છે કે, સૌથી છેલ્લે એમણે માણસને બનાવ્યો. માણસને એમણે માટી માંથી બનાવ્યો. પૂર્ણ પરિશ્રમથી માણસનો દેહ બની ગયો ત્યારે પરમાત્માએ બધા દેવતાઓને ભેગા કરીને કહ્યું કે, જુઓ મારી શ્રેષ્ઠતમ કૃતિ એ આ મનુષ્ય છે. મેં આનાથી વધુ સારું કશું બનાવ્યું નથી. મારા પ્રકૃતિના વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગરીમાશાળી આ કૃતિ છે. પરંતુ દેવતાઓમાં પણ શંકા કરનારા તો હોય જ. એક શંકાપ્રિય દેવતાએ કહ્યું કે, એટલી બધી પ્રિય કૃતિ છે તો પછી એને માટીમાંથી કેમ બનાવી ? નિમ્નતમ ચીજમાંથી તમે શ્રેષ્ઠતમ ચીજ બનાવી છે, એવું કહેવા માગો છો? આ વાત અમને સમજાતી નથી. તરત જ કેટલાક ટેકો દેનારા રાજકારણી દેવતાઓ બાજુમાં આવ્યા અને દેવતાઓએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાત તો સાચી છે, જો શ્રેષ્ઠતમ સર્જન કરવું હતું તો સોનામાંથી કરવું હતું અને સોનુ નહીં તો ચાંદી અને ચાંદી નહીં તો લોહ તત્ત્વમાંથી બનાવી શકાય ને. નિકૃષ્ઠમાંથી શ્રેષ્ઠ ??  આ વાત અમારા ગળે ઉતરતી નથી. 

પરમાત્મા જેનું નામ, જેના મુખ ઉપર કાયમ સ્મિત હોય, તે જરા વધુ હસી પડ્યા. તેમણે કહ્યું કે, જેણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની  વ્યાખ્યાથી  શરૂઆત કરવી પડે છે. જેમને સ્વર્ગમાં જવું હોય એમણે  નર્કમાં પહેલું પગલું મૂકવું પડે છે. જેને ઉપર ઉઠવું હોય, તેણે નિમ્નતમને સ્પર્શવું પડે છે. અને પછી પરમાત્માએ કહ્યું, તમે ક્યારેય સોનામાંથી કોઈ ચીજ ને ઉગતી જોઈ છે? ચાંદીમાંથી કોઈ નાનકડો છોડ ઉગતો ભાળ્યો છે? જાઓ, પ્રયોગ તો કરો. સોનામાં બીજ વાવી દ્યો, રાહ જુઓ કે કાંઈ ઉગે છે, નહીં  ઉગે. પરંતુ માટીમાં કશુંક ઉગે છે. મનુષ્ય એક સંભાવના છે, એક આશ્વાસન છે. હજી મનુષ્ય થવાનું છે, મનુષ્ય થયા નથી, થઈ શકે છે. મનુષ્ય એટલે કે માનવ થવાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, પરંતુ માનવ તો મારે અને તમારે થવું પડશે. એટલા માટે તો આપણને માટીમાંથી બનાવ્યા છે. કારણ કે, માટીમાં જ બીજ વાવી શકાય છે, માટીમાંથી જ અંકુર નીકળે છે, અંકુરમાંથી જ વૃક્ષ બને  છે, ફુલ આવે છે ને સુગંધ પ્રસરે છે, અરે, તેને ફળ પણ આવે છે. 

માટી એ માનવ થવાનો એક મહોત્સવ છે. માટીમાં સંભાવના છે, સોનામાં કોઈ સંભાવના નથી. સોનુ તો મડદું છે, ચાંદી નિર્જીવ છે, જીવતા લોકો માટીને પૂજે  છે, માણસ જેટલો વધુ મરેલો એટલો તે વધુ સોનાનો પૂજક. અને માણસ જેટલો વધુ જીવંત એટલો તેનો  માટી સાથે મોહ, માટી સાથે લગાવ, માટી સાથે પ્રેમ અને માટી સાથે જીવન જોડી રાખે છે. ઈશ્વરે કહ્યું કે, બીજ માટીમાં ફેંકી દ્યો  તો પણ ખીલે છે, ફળે છે, અને મોટું થાય છે. બસ, એમ જ મનુષ્ય એક સંભાવના છે. ઈશ્વરે મૂકેલી અપાર ક્ષમતાની સંભાવના છે. એમણે  સોના અને ચાંદીની પાછળ ઘેલા થઈને એ સંભાવનાને કોઈપણ સંજોગોમાં મારી નથી નાખવાની. 

ઓશો સરસ વાત કરે છે કે, ગીત તો તમે લઈને આવ્યા છો, પણ એ ગીત હજુ  ગાવાનું બાકી છે. વીણા તમને હાથમાં આપી છે, હજી તમારી આંગળીઓ એ વીણાના તારને સ્પર્શી નથી. તમને જ્યારે નામ મળ્યું છે, દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે તમને એક સંભાવના આપી છે. ઈશ્વરે આપણને માટીમાંથી  બનાવ્યા છે અને માટીમાં ભળી જવા માટે બનાવ્યા છે. આ વાતનો જ આનંદ છે, પ્રસન્નતા છે, ઉત્સવ છે, આપણે બેસવાનું નથી, આપણે ચાલવાનું નથી, આપણે દોડવાનું નથી, આપણે તો સતત નૃત્ય કરતા રહેવાનું  છે.

માર્ગ અનેક, ટોચ એક !!!

શ્રી રામકૃષ્ણદેવે  અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જ જતા હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

 શ્રી રામકૃષ્ણ મિશન અને શ્રી રામકૃષ્ણ મઠ, ભારતમાં સ્થપાયેલી આ સંસ્થાઓ વિશ્વની એવી એક માત્ર સંસ્થા છે કે જ્યાં સર્વ ધર્મોનો, જાહેરમાં, સમાન ભાવે, સ્વીકાર કરવામાં આવ્યો છે. આજની તારીખે દેશ અને વિશ્વ જ્યારે વિપથગામી પરિબળોના હાથમાં જકડાઈ રહ્યાં  છે, ત્યારે મિશન અને મઠ દ્વારા જે પ્રવૃત્તિઓ સ્થાપના કાળે થતી હતી તેના તર્કમાં કે તેના આયોજનમાં કશો જ ફેરફાર કર્યા વગર, જીવ માત્ર માટે થઈ રહી છે. 

‘મેન મેકિંગ એજ્યુકેશન’ ની વાત કરનાર સ્વામી શ્રી વિવેકાનંદ દ્વારા બહુ જ ચાયતથી સ્થાપવામાં આવેલી આ સંસ્થા વિશ્વની એવી સંસ્થા છે કે જેમાં વર્ષો પછી નાનકડા અક્ષરનો કે ઉદ્દેશનો કાગળ ઉપર કે વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદને એવા ગુરુ મળ્યા હતા કે, જે ગુરુએ ક્યારેય પોતે અનુભવ કર્યા સિવાયની વાત કરી ન હતી. શ્રી રામકૃષ્ણ ‘પરમહંસ’ એટલે કહેવાયા કે, તેઓ પોતાનું જીવન અનેક ધર્મોમાં ગાળીને પરત ‘રામકૃષ્ણ’ બન્યા હતા. 

રામકૃષ્ણદેવે બહુ નોખો પ્રયોગ કર્યો આ પૃથ્વી ઉપર. બધા જ ધર્મોનો એમણે ખુદે અનુભવ કર્યો. હિન્દુઓની જેમ સાધના કરી, મુસલમાન બનીને મુસ્લિમ ધર્મની સાધના કરી, બુદ્ધની જેમ બૌદ્ધ ધર્મની  સાધના કરી. આવું ક્યારેય કોઈએ કર્યું નોહ્તું. કારણ કે, જેઓ એક માર્ગથી જ ટોચે પહોંચી ગયા તેઓ સંતુષ્ટ થઇ ગયા એટલે તેઓ હવે બીજા માર્ગ વિશે કેમ કોઈ આગળ વાત કરી શકે? પરંતુ રામકૃષ્ણદેવ બહુ મોટી અનુકંપાના દેવ હતા. એક સ્થાને પહોંચ્યા પછી ફરી પાછા એ તળેટીમાં આવી જતા અને કોઈ બીજો માર્ગ પકડીને ત્યાંથી ઉપર ચડતા હતા. આવું એમણે અનેકવાર કર્યું હતું. કારણ કે દુનિયાને તેઓ કહી શકે કે, મારા અનુભવના આધાર ઉપરથી  હું સ્પષ્ટ કહું છું કે, બધા જ રસ્તાઓ એક જ શિખર ઉપર પહોંચાડે છે. 

રામકૃષ્ણદેવ અધિકારી પરમહંસ હતા. અહીંયા કોઈ બૌદ્ધિક સમન્વયની વાત નહોતી કે  વાંચેલી, વિચારેલી વાત નહોતી. પણ પોતે પોતાના જીવનમાં અમલમાં મૂકેલી હતી. અને તેમના આધારે એમણે કહ્યું હતું, બધા જ ધર્મમાં સત્ય છે, ઉદારતા છે, સહિષ્ણુતા છે. શ્રી રામકૃષ્ણદેવના આ નિજી અનુભવના આધારે તેઓએ પ્રસ્થાપિત કર્યું કે, બધા જ ધર્મો તો એક જ ટોચ પર પહોંચે છે. તેઓએ  પહોંચીને પ્રયોગ કર્યો અથવા પ્રયોગ કરીને પહોંચતા રહ્યા. 

આશ્ચર્યની વાત એ છે કે, બંગાળમાં એક પ્રચલિત સખી સંપ્રદાય છે, કે જ્યાં તેઓ સૌ પોતાની જાતને સખી માને છે, અને એના પરમાત્મા કૃષ્ણ છે તેવું સ્વીકારે છે. હદ તો ત્યાં થાય છે કે આ સંપ્રદાય રાત્રે જ્યારે સુવે ત્યારે સ્ત્રીઓના કપડા પહેરે છે, અને પોતાની નજીકમાં કૃષ્ણની મૂર્તિ રાખીને સુવે છે, જાણે કોઈ પત્ની પોતાના પતિને છાતી ઉપર ચાંપીને સૂઈ ગઈ હોય!! . રામકૃષ્ણદેવે આ પંથની પણ સાધના કરી. પણ આ સાધના દરમિયાન એક બહુ જ અનોખી ઘટના બની, અકલ્પનિય ઘટના બની. સખી  સંપ્રદાયના લોકો તો રાત પૂરતા પોતાની જાતને સ્ત્રી ગણાવતા હતા અને સ્ત્રીઓના કપડા પહેરતા હતા. પરંતુ કોઈ જોવે નહીં એની કાળજી લેતા હતા, અને ધર્મની ક્રિયા પૂરી કરતા હતા. પરંતુ રામકૃષ્ણદેવે તો જે કર્યું તે સમગ્ર જાતે કર્યું. તેઓ તો દિવસ દરમિયાન પણ સ્ત્રીઓના જ કપડાં પહેરવા લાગ્યા, પછી રાત શું અને દિવસ શું, એમાં ફર્ક શા માટે રાખવો ?? . દિવસના પણ કૃષ્ણની મૂર્તિ છાતી સાથે લગાવીને ફરતા રહ્યા. અને એક અનોખો ચમત્કાર થયો. જેનો સમર્થ લોકોએ અભ્યાસ પણ કર્યો. અંગ્રેજી ચિકિત્સકે પણ આવીને આ વાતનું અધ્યયન કર્યું. રામકૃષ્ણદેવની આ અવસ્થા દરમિયાન તેના સ્તન વધીને સ્ત્રીઓ જેવા થવા લાગ્યા. તેઓ સ્ત્રીની ભાવ દશામાં જ જીવવા લાગ્યા. કોઈ તો કહે છે કે, રામકૃષ્ણ દેવને માસિક ધર્મ પણ શરૂ થયો, એ બહુ જ અપૂર્વક ઘટના હતી. રામકૃષ્ણદેવ ચાલે તો પણ સ્ત્રીની  ચાલથી ચાલે. આ આસાન નથી, બહુ અભ્યાસ કરીએ તો પણ આપણને મુશ્કેલી પડે છે. પણ રામકૃષ્ણદેવે આ કરવું નહોતું પડતું, પરંતુ તેઓએ તો સાધના માર્ગ પકડ્યો હતો તેથી તેઓ સર્વાંગ સ્ત્રી બનીને પૂરો સમય જીવવા લાગ્યા. એની ચાલને ઓળખવી મુશ્કેલ પડી ગઈ. તેમનો અવાજ બદલવા લાગ્યો, પુરુષના અવાજમાંથી ભેદ થયો, સ્ત્રી જેવો અવાજ થવા લાગ્યો. તે નાજુક અને એકદમ ઝીણો અવાજ થયો. છ મહિના સુધી એમની  સાધના ચાલી અને છ મહિના પછી તેઓએ ઘોષણા કરી કે, આ માર્ગ પણ સત્ય છે. માર્ગ છોડી દીધો એના છ મહિના સુધી એના સ્તન વધેલા રહ્યા, ધીરે-ધીરે -ધીરે નાના થવા લાગ્યા, ધીરે-ધીરે એમની ચાલ બદલી, ધીમે-ધીમે એમનો અવાજ પાછો આવ્યો અને ધીમે-ધીમે તેમનો માસિક ધર્મ બંધ થયો. 

અનુભવ હું અને તમે કરી શકીએ, અનુભવ સખી સંપ્રદાય કરી શકે, અનુભવ સાદા ધર્મના લોકો કરી શકે, પણ એવો અનુભવ કે જેના આધારે તમારા દેહની રચનામાં ફેરફાર થવા લાગે તેને અનુભૂતિ કહેવાય છે. શ્રી રામકૃષ્ણદેવ પરમહંસનું સ્થાન એટલે પ્રાપ્ત કરી શક્યા કે તેમણે અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જ જતાં હોય છે.