“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. 

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર  શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું. 

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે. 

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે. 

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે. 

ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા  બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય  છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.  

આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક  નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી  શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં  આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી  હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે  એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું  જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા  અને છેલ્લા લગભગ છએક મહિનાથી  આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ  લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું  ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું. 

આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું  એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની  ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું,  એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ. 

આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય  છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી  અને તેની ટીમે આ કામ બહુ  જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ  પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી  નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)

 

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

જનકલ્યાણ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

April JK 01
April JK 02
April JK 03

“દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું, પછી રંજ કરવાની ક્યાં વાત રહી ??”

લોકસાહિત્યનું કોઈપણ સ્વરૂપ હોય લોકગીત કે લોકવાર્તા કે દુહા છંદ કે લોકઢાળની માર્મિક વાતો ગુજરાતમાંથી એક નામ જ સાંભળવા મળે  અને તે પદ્મશ્રી સન્માનિત શ્રી ભીખુદાન ગઢવી. 

ચારણ જ્ઞાતિમાંથી એટલે કે  ગઢવી સમાજમાંથી ભીખુદાનભાઈ આવે છે  એટલે એમણે તો  જીન્સમાં થોડું ગાવું-બોલવું એ બધું સહજ  મળેલું છે.  ભીખુદાનભાઈ ખુદ જ આ અંગે વાત કરતા ઉમેરે છે કે,  “ માનો કે અમે પાંચ-પચીસ માણસો જયારે ઘરનો પ્રસંગ હોય, સગાઇ હોય,  કોઈ લગ્ન હોય, ક્યાંક  ડાયરો બેઠો હોય એમાં કોઈ દુહા-છંદ ગાય, કોઈ ભજન ગાય, કોઈ લોકગીત ગાય, એવી અમારી પ્રાચીન એક પરંપરા ચાલી આવે છે, એમાંથી હું આવું છું. એટલે હું તો પહેલા મિત્રોની પાસે ગીત ગાતો, કોઈ દુહા ગાતો એવું મારું  બાળપણ જયારે હતું ત્યારે, પછી હું સ્કૂલમાં ગયો, તો સ્કૂલમાં બાળસભા હોય તો બાળસભામાં એમ કહે કે, ભાઈ, આ ગઢવી છે, એની પાસે આપણે  એકાદું ગીત ગવડાવીએ, તો હું એવી રીતે ગીત ગાતો.  વાત કરવાની ત્યારે મારી એવી શૈલી નોહતી. પણ હું ગીત ગાતો, ભજન ગાતો, લોકગીત ગાતો, એવું બધું કરતો મારી શરૂઆતમાં. અને પછી ધીરે-ધીરે પાંચ-પચીસ માણસોમાંથી પચાસ માણસો થયા, અને એવું મંડ્યું લાગવા કે, ભાઈ,  આ તો સારું ગાય છે, સારું બોલે છે, ધીરે-ધીરે બધા માણસોની વચ્ચે એમ થતા-થતા હું આગળ આવ્યો. જયારે હું  SSC  પાસ થયો પણ  H.S.C નાપાસ થયો ત્યારે પછી હું અમારે રામજીભાઈ કરકર એડવોકેટ હતાં એમને  ત્યાં હું કલાર્કની નોકરી કરતો અને મનોજભાઈ ખંઢેરીયા બહુ જ જાણીતા ગઝલકાર એ  ત્યાં એ વકીલાત શીખતાં, એટલે અમે બન્ને સંવાદ કરતા, એ ગઝલની વાતો કરતા ને  હું લોકસાહિત્યની વાતો કરતો.”

પણ આજે લોકસાહિત્યના ડાયરાઓમાં આવશ્યક ગણાતા ભીખુદાનભાઈ ક્ખારેખર ડાયરાસુધી ક્યારે પહોંચ્યા હશે ?? “ મારી વીસ  વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામિનારાયણ ચોકમાં, અમારે જૂનાગઢમાં એક લોકડાયરો હતો, એમાં પ્રાણલાલભાઈ વ્યાસ હતાં, દિવાળીબેન ભીલ હતાં, અને ત્રીજો હું હતો. એટલે મને વીસ  વર્ષની ઉંમરે મને સ્ટેજ મળ્યું અને મને થયું કે હું માઈકમાં બોલું છું અને પ્રોગ્રામ આપું છું… પણ એની પહેલા અમારે પ્રાણલાલભાઈ અને દિવાળીબેન ભીલ સાથે ગાયેલું ત્યારે   માઈકની વ્યવસ્થા નોહતી, ગામડામાં ચોરે ગાદલા પાથરી દે અને આખું ગામ ગોઠવાઈ જાય, ભાઈઓ, બહેનો, વડીલો બધા, પ્રાણભાઈ ભજન ગાય, હું વાતો કરું અને દિવાળીબેન લોકગીત ગાય, એવી પરિસ્થિતિમાંથી ધીરે-ધીરે-ધીરે આ માઈકની વ્યવસ્થા થઈ, અને માઈકની વ્યવસ્થા પછી અમે આમ પ્રોગ્રામ દેવા જઈએ તો અમને પ્રોગ્રામમાં બોલાવે એ જ અમારો પુરસ્કાર હતો, કારણ કે અમારે તે દિ તો કોઈ પુરસ્કાર હતો જ નહિ, માણસો પાસે પૈસા હતાં નહિ કે અમને આપે, પણ અમને બોલાવે એ અમારો પુરસ્કાર અને અમને સાંભળે એ બીજો મોટો પુરસ્કાર.”     

શ્રી ભીખુદાનભાઈને શાળા પ્રવેશ માટે પણ એનો કંઠ મદદે આવેલો તેની મઝાની વાત તેઓ કરે છે : 10માં ધોરણમાં મને એડમિશન મળ્યું એ પણ ગાયકીને લીધી. એલ.કે. હાઈસ્કૂલમાં હું ગયો તો મને ના પડી કે, અહીંયા જગ્યા નથી અમારે કેશોદમાં. શ્રી મહેન્દ્રભાઈ ધોળકિયા અમારા પ્રિન્સિપાલ સાહેબ. પછી મને કહે, જગ્યા તો છે નહિ એટલે અમારા  ગામનાં સરપંચે કીધું કે, ‘તો પછી શું કરવું આપણે?, કોને કહેવું?’ મને કીધું કાલે પાછો આવજે એટલે હું ગયો. પછી મને પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવો છો?’, એટલે મેં કીધું, માણેકવાડાથી. ‘કેવા જ્ઞાતિએ ?’ તો મેં કહ્યું, ગઢવી, અમે ચારણ ગઢવી છીએ. એટલે તરત કહે, ‘ઓહો! તો તો તમને ગાતાં આવડે?’ મેં કહ્યું, હા સાહેબ, ગાતાં આવડે, તો કહે, ‘કાલ બાલસભા છે હાઇસ્કૂલની, તો તમે આવોને કાલે,’  એટલે હું ગયો, મેં એ વખતે ચીન-ભારત યુધ્ધનો એક છંદ હતો, એ છંદ મેં ગાયો ને  તરત જ કીધું કે, ‘આમ તો જગ્યા નથી પણ તમારા માટે  પરાણે કરી દેશું,’ એમ  એક ધોરણ હું ત્યાં ભણ્યો કેશોદમાં.

પછી તેઓ જુનાગઢ આવ્યા અને  વ્યવસાયમાં ધ્યાન દીધું,  ગાવવામાં,બોલવામાં. કોઈપણ વ્યક્તિ વાર્તા કહે એટલે તેમને  આખી વાર્તા યાદ રહી જાય. એક કલાકમાં ફરી એ વાર્તા તેઓ કરી દે. “તમે કર્યું હોય એ જ વાર્તા હું કરી દઉં. એટલી મારી યાદદાસ્ત હતી. ભણવામાં યાદ ના રહેતું પણ લોકસાહિત્યમાં રુચિ હતી ને એટલે મને છંદ, દુહા, બીજું-ત્રીજું બહુ યાદ રહેતું. શિક્ષણનાં બધા જ મહાનુભાવો એમ કે છે કે,  જો રસ પડશે, તો શીખાશે. એ વાત બહુ સાચી છે એ વાત મારા જીવનમાં તો ચરિતાર્થ થઈ. નહી  તો યાદ રહેતું હોત  તો બધા વિષયો યાદ રહ્યાં હોય ને ! પણ એ યાદ ન રહ્યા. અને મને જેમાં રુચિ હતી એ યાદ રહ્યું. આપણને જેમાં રુચિ હોય ને  એ ઘટના  આપણમાં  કોતરાઈ જાય. જો કે, હું દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું પછી રંજ કરવાની ક્યાં વાત રહી ?? આવડતું હોયને આપણે ફેલ થયા હોઈએ, અથવા તો આપણને કોઈએ નાપાસ કર્યા હોય તો એનો રંજ હોય, આ તો આવડતું જ નથી એનો શું રંજ હોય.?!!

 …આમ જુઓ તો  જૂનાગઢ સાથેનો નાતો પાક્કો. જૂનાગઢ માં આપણી  જમીન છે, ત્યાં મકાન છે. પણ હું અમદાવાદ આવતો જતો રહું છે,  પણ જૂનાગઢની યાત્રા મારી ઘણી, અને એમાં અમે સંઘર્ષ બહુ કર્યો. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, હું, લાખાભાઈ ગઢવી, અમે બધાય.. લાખાભાઈ તો બહુ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા,પણ  પ્રાણલાલભાઈ, દિવાળીબેન, હું, તો બહુ સંઘર્ષ કરીને આવેલા. અમારે શું હતું કે, અમારા પ્રોગ્રામની મજા ઓર હોય, હું સમજાવું.  પ્રોગ્રામ નક્કી કરવાવાળા પાંચ જણા આવ્યા હોય ને.. એ નક્કી કરી જાય અને આપણે જે ગામમાં  પ્રોગ્રામ હોય  ત્યાં લેવા પાછા બીજા પાંચ જણા આવે અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા પાંચ જણા હોય એટલે આપણે કોની પાસેથી જે નક્કી કર્યું હોય એ લેવું ?? આપણે  કહીએ તો કહે, ‘ભાઈ અમે તો તમારી પાસે આવ્યા નોહતાં’ , ઓલો કહે, ‘અમે નોહતા આવ્યા’, એટલે પછી અમે અમારી મેળે-મેળે અમારા ઘરનાં ખર્ચે પ્રોગ્રામ આપીને ઘરે આવેલા છીએ.. પણ એમ છતાં  એનો અમને આનંદ એટલા માટે હતો કે,  પૈસો નથી મળ્યો પણ આપણને લોકોએ સાંભળ્યા, લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…આમ જ પાછું બીજે ગામે ય જવાનું..આવું થાય તો કોઈના કાંઠલા તો પકડાતા નથી, આ તો લોકસાહિત્યની વાતું છે, સંસ્કારની વાતું છે, તો એમાં ધીંગાણા તો થતા નથી.”

જીવનના સંઘર્ષથી જે થાકી કે હારી જતા નથી, તેઓ જ તો જીવનની સાર્થકતા પામે છે, તેનું જ્વલંત ઉદાહરણ શ્રીભીખુદાનભાઈ ગઢવી છે. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback