‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. 

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ ‘અગમ–નિગમ‘ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથી’ એનો અર્થ શું?

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

વાંચવું તો છે યુવાનોને…

નાની ભટલાવમાં યુવા સરપંચ અંકિતના પ્રયાસોથી  નિર્માણ પામ્યું  ‘શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય’

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

“મારું નામ અંકિત છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે. 

અમારા ગામમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ વ્યારા સુધી એક પુસ્તકાલય અથવા તો વાંચનાલય  માટે થઈને રોજ સવારે દોડીને બસ પકડે અને વ્યારા ઉતરીને દોડમદોડ પુસ્તકાલય સુધી ભાગે કારણ કે ત્યાંના   નાનકડા ખંડમાં સોએક વિદ્યાર્થીઓ સવારથી આવી ગયા હોય અને મોડી રાત સુધી ત્યાં વાંચતા હોય ! જો વહેલા દોડીને પહોંચે તો બેસવા માટે ખુરશી મળે, ટેબલ મળે નહિતર નીચે બેસીને વાંચવું પડે. મને વિચાર આવ્યો કે  મારા ગામમાં મારે આવું કૈંક કરવું જોઈએ કે જેથી કરીને મારા યુવાનો ત્યાં સુધી દોડે નહીં અને આજુબાજુમાં બીજા જે ગામ છે એના યુવાનો અહીંયા નાની ભટલાવમાં વાંચવા આવી શકે. 

કલાર્કની પરીક્ષામાં કે આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ આ ગામમાંથી ઘણા યુવાનો ગયા છે. આ બધાની એવી માંગણી હતી કે આપણા ગામમાં એક સારું પુસ્તકાલય થાય તો બહુ સારું. અમારા ગામમાં પ્રાથમિક શાળાનું એક નાનકડું સંકુલ જેવું છે કે જ્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ છે અને આંગણવાડી પણ ચાલે છે , વિદ્યાર્થીઓને નાસ્તો મળે છે. નાનું  પણ સારું એવું મેદાન છે. એટલે મને વિચાર આવ્યો કે એ મેદાન છે એમાં પુસ્તકાલય બાંધીએ. એ દરમિયાન મારો સંપર્ક બારડોલીના સ્વરાજ આશ્રમના એક ખૂણામાં રહીને સુંદર મજાની સરદાર પટેલ કન્યા વિદ્યાલય ચલાવતા નિરંજનાબેન કલાર્થી અને એમના દિકરી ડો. પ્રજ્ઞાબેન કલાર્થી સાથે થયો. મેં એની સામે વાત રજૂ કરી કે, ગામમાં એક પુસ્તકાલય થાય તો બહુ સારું કહેવાય. અને ફળ એ આવ્યું કે એમણે વ્યવસ્થા ગોઠવી. 

મને ખબર હતી કે સરકારની વતનપ્રેમી યોજના છે, જેમાં વતન છોડી ગયેલા લોકો જે વિદેશ ગયા છે એને પોતાના વતન માટે કાંઈ કરવું હોય તો એ ૬૦ % રકમ તેઓ આપે અને ૪૦ % રકમ સરકાર આપે, તો તમે વિકાસનું કોઈ કામ કરી શકો. જોગાનુજોગ પ્રજ્ઞાબેનની મદદથી મનીષાબેન પ્રતાપભાઈ પંડયા (પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની હયાતીમાં કેટલીય  બધી લાયબ્રેરીમાં પુસ્તકો અને કબાટ વગેરે  ડોનેટ કરેલા) એમના દીકરી પોતાના  પિતાશ્રીની સ્મૃતિમાં આવું કામ હજી પણ કરી રહ્યા છે, એમનો સંપર્ક થયો અને એમણે પોતે અમને કહ્યું કે, હું ૬૦% આપું,  ૪૦% તમે સરકાર પાસેથી મેળવો અને તમે સરસ પુસ્તકાલયનો એક ખંડ બનાવી  તેમાં કોમ્પિટિટિવ એક્ઝામના જેટલા પુસ્તકો જોઈએ એની લાયબ્રેરી બનાવો, એના કબાટ મુકો, વાંચવા માટેની ખુરશીઓ, ટેબલ, નક્શાઓ, ચિત્રો જે કાંઈ જોઈએ તે તમે વસાવો અને વિદ્યાર્થીઓ વાંચે એવું કરો. અહી સારા ટોયલેટ નહોતા. અમારે ત્યાં યુવાનોની સાથે યુવતીઓ પણ નિયમિતપણે વાંચવા વ્યારા જતી હતી અને હવે અહીંયા પણ આવે છે. એટલે એ યુવતીઓ માટે પણ વોશરૂમ વગેરે સારું હોય એ પણ જરૂરી હતું એટલે પ્રજ્ઞાબેનના મુકુલ ટ્રસ્ટ દ્વારા આ આખો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો. આપણને ખ્યાલ છે કે સરકારની યોજનાના નાણાં તો ઘણા વખત પછી આવતા હોય છે. પહેલાં તો તમારે કામ કરી નાખવું પડતું હોય છે એટલે એ બધી જવાબદારી મુકુલ ટ્રસ્ટે લીધી.  બહુ થોડા સમયમાં સુંદર મજાનો હોલ બન્યો, જેને પ્રતાપભાઈની સ્મૃતિમાં ‘શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું. મોટી બારી, હવા ઉજાશ અને પ્રકાશ સાથે મળી રહે, પાણી પીવાની સુંદર વ્યવસ્થા, ટોયલેટસ વગેરે વિદ્યાર્થીઓ રિલેક્સ થઈને પોતાનું વાચન  કરી શકે એવી ફેસેલિટી અહીં બનાવવામાં આવી.

હું પોતે હજી પણ ગામ માટે જે કોઈ સગવડતાની જરૂર હોય તે કરવા માટે પુરી ધગશ ધરાવું છું. હવે તો એવું બનશે કે, આજુબાજુના નાનાં ગામમાંથી યુવાનો અહીંયા આવશે આ સગવડ થઈ જવાથી કદાચ સવાસો જેટલા વિદ્યાર્થીઓ આવી શકશે અને સવારના વહેલા  છ  વાગ્યાથી આ ખુલી જશે. વિદ્યાર્થીઓ એની સફાઈ કરશે અને છેક રાતના ૧૧ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાંચતા રહે એવું ગોઠવાયું છે. મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન કલાર્થી ઉચી એસ્થેટિક સેન્સ ધરાવે છે એટલે એમણે અમારા આ પરિસરની દીવાલોને વર્લી પેન્ટિંગ થી સૌન્દર્ય બક્ષ્યું છે. એક દિવ્યાંગ યુવાને મળેલી સુચના પ્રમાણે ચોતરફ ચિત્રો કરીને સ્થાનને રમણીય બનાવ્યું છે કે જેથી અહીં આવવું ગમે તેવો માહોલ સર્જાયો છે. 

હું સમાજના દરેકે દરેક એવા ધનવાન લોકોને વિનંતી કરું કે, આ વતનપ્રેમી યોજનામાં આપ જોડાઓ અને આપણા વતનમાં, આપણા નજીકના ગામમાં ૬૦% જેટલી રકમ દાનમાં આપીને તમે પણ આવી વ્યવસ્થા કરો તો તમારા વતનમાંથી લોકો બહુ સારી રીતે આગળ વધશે અને એને નામે વતનનું નામ ઉજળું થશે.”

 

હ્યુમન રિસોર્સીસનો ભંડાર

હ્યુમન રિસોર્સીસનો ભંડાર : આત્મીય મોતીભાઈ

સમણું :: શ્રી મોતીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ વિશેષાંક :: સળંગ અંક: 191 અને 192 :: સમણુંનો અંતિમ અંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સદાબહાર વાચક અને અસીમ જીવનાર આત્મીય મોતીભાઈ !!

ક્યારે પહેલીવાર એમને મળ્યો તે જરાપણ યાદ નથી. એમની સાથે ક્યારથી સંબંધ છે,તેનું પણ કોઈ સ્મરણ નથી…અરે, એમને લઈને કેટકેટલાઓને પહેલીવાર મળ્યો હોઈશ, તેની કોઈ યાદી નથી. ખરેખર કહું છું કે, હું એમની પાસે ભણ્યો નથી, મેં  એમની પાસે ડોક્ટરેટ કર્યું નથી, એમના હાથ નીચે મેં કોઈ નોકરી કરી નથી, એમણે મને ક્યારેય કોઈ પદ ઉપર બેસવા માટેના ઈન્ટરવ્યુ લીધા નથી, એમણે  મારા માટે ક્યારેય કોઈને ભલામણ કરી નથી, એમની સાથે  ક્યારેય કોઈ આર્થિક કે વ્યાવસાયિક કે અન્ય કોઈ દુન્યવી વ્યવહાર કર્યો નથી, એમની સાથે ક્યારેય કોઈ ટ્રસ્ટમાં કે કોઈ કાયમી પ્રવૃત્તિમાં રહ્યો નથી,,,, આ યાદી હજુ લંબાવી શકાય  તેમ છે, તો પછી પ્રશ્ન એ છે કે, મારે અને મોતીભાઈને છેલ્લા પિસ્તાળીશ વર્ષોથી વધુનો આત્મીય નાતો કેમ હશે ?? મોતીભાઈ હજુ છે જ, એવું લાગ્યા કેમ કરે છે ?? શું અમારો કોઈ પરભવનો નાતો છે કે.. ?? 

હા, એવું બન્યું છે ખરું  કે,  શિક્ષણના રાજકારણીઓએ મને ‘મોતીભાઈનો માણસ’ ગણી લઈને ઘણો અન્યાય કર્યો છે, હું યુનિવર્સીટી કક્ષાએ ઘણો વહેલો પ્રવેશી શક્યો હોત  જો હું મોતીભાઈનો માણસ ન હોત તો  !! મને મોતીભાઈની સાથે સ્વૈર વિહાર કરતાં ભાળીને કેટલાય મિત્રો(!!)એ  મને બ્લેક લિસ્ટેડ કર્યો છે,,,આ યાદી પણ લાંબી થાય તેમ છે અને તો પણ મારો અને મારા કુટુંબનો આત્મીય નાતો મોતીભાઈ અને તેમના કુટુંબ સાથે અતૂટ રહ્યો તે ચમત્કાર સંબંધોની દુનિયાનો milestone ગણાય.

અરે, એક વખત તો ઉચ્ચ શિક્ષણનું ઉચ્ચતમ પદ મને  પ્રાપ્ત થવાનું નક્કી થઈ  ગયા પછી વગધારીઓએ કહ્યું કે, તમે મોતીભાઈ દ્વારા ગુણવંત શાહને કહો ને તે જો “મિસ્ટર અ” ને એક ફોન કરી દે તો તમારું પાક્કું જ પાક્કું… ત્યારે મેં મોતીભાઈને ન કહ્યું તે ન જ કહ્યું ! અને જયારે એ પદ પર અન્ય મહાનુભાવની નિમણૂંક થઈ ત્યારે મોતીભાઈએ પેલા  વગધારીને જવાબ આપ્યો કહ્યું કે, “ના રે ના, મને ખબર હતી કે હું ગુણવંતભાઈને કહું તો તે તરત ફોન ઉપાડે પણ અમારે તો ભદ્રાયુને મિત્ર તરીકે સાચવી રાખવો છે, એ ઉચ્ચ પદના રાજકારણમાં નાખીને અમારે મિત્ર ખોવો નથી !!” જો કે, વિદ્યાપીઠીય રાજકારણના એક કહેવાતા મહારથીએ મોતીભાઈની પાછળ પડી પોતાની ભલામણ પીઠપતિ બનવા માટે કરાવેલી, એ યાદ ન કરવા જેવી  વાત છે. 

શ્રી  ગુણવંત શાહ, મોતીભાઈ પટેલ અને ભદ્રાયુ વછરાજાની.. આ ત્રિદલની મૈત્રી  ગુજરાતના શિષ્ટ – શિક્ષણ – સાહિત્ય જગતમાં  સતત ચર્ચાનો વિષય રહ્યો  !! પરમ વડીલ મિત્ર શ્રી ગુણવંત શાહને જયારે ફોન પર મોતીભાઈ કાયમ માટે પ્રવાસમાં નીકળી ગયા છે તેવા સમાચાર આપ્યા ત્યારે તેઓ બોલ્યા કે, “ભદ્રાયુ, મારો સળંગ પચાસ વર્ષોનો દોસ્ત ગયો અને તું એનો સાક્ષી છો અને સાથી પણ..!”  ગુણવંતભાઈ પ્રવાસે નીકળે ત્યારે સુરેન્દ્રનગરમાં  ‘વૃંદાવન’ માં જ હોય  અને સૌરાષ્ટ્ર તરફ પ્રવાસે નીકળે ત્યારે ‘પ્રેમમંદિર’ માં જ હોય એ સૌ જાણે છે.ગુણવંતભાઈને સાચવવા એ અઘરો દાખલો પણ  મોતીભાઈની અને મારી એ છાપ કે, અમે  બંને તેઓને બરાબર પ્રસન્ન રાખી શકીએ…તે ત્યાં સુધી કે, હું અદાણી ફાઉન્ડેશન કાર્યાર્થે અમદાવાદ હતો અને ગુણવંતભાઈ અમારા ઘરે બે દિવસ આવવાના હતા તો અમે મોતીભાઈને અગાઉથી નોતરું આપી દીધેલું. યાદગાર વાત તો એ કે, જાન્યુઆરી 2010 ના ગુણવંત શાહની આગેવાનીમાં ગુજરાતમાં “માતૃભાષા વંદના યાત્રા” નીકળી ત્યારે બે દિવસ અગાઉ જ મોતીભાઈને અકસ્માત થયો અને તેમને અમદાવાદ હોસ્પિટલ ખસેડવા પડ્યા ત્યારે ગુણવંતભાઈના આગ્રહને માન આપીને સુરેન્દ્રનગરની સભા માટે અમે રાજકોટથી સીધા મોતીભાઈનાં ‘વૃંદાવન’ પર આવ્યા અને મોતીભાઈ અહીં જ છે તેવી ભાવક્રિયા કરીને ત્યાં બેસી ચા-ગાંઠિયા-જલેબીનો નાસ્તો કર્યો ! પછી યાત્રા આગળ ચાલીને સુરેન્દ્રનગરમાં સભા થઈ !! આવો  અવિસ્મરણીય નાતો આ ભવના પૂણ્યોથી નથી બંધાતો એ તો નક્કી. 

હું એમને ઘણીવાર લાડમાં ‘મોતીલાલ’ કહેતો અને ત્યારે તેઓ વ્યંગમાં કહેતા કે, ‘ડો. હરિભાઈ દેસાઈ પછી તું એક પાક્યો છો મને મોતીલાલ કહેનારો.’ મોતીભાઈની ત્રણ ઉપલબ્ધીઓ મને સ્પર્શી ગઈ તે … 

(1)  તેઓનું હ્યુમન રિસોર્સ.. . કોઈપણ ક્ષેત્રની કોઈપણ ટોચની વ્યક્તિ સાથે મોતીભાઈનો ગાઢ નાતો અને મોતીભાઈનો નાતો એટલે માડી-રમેશ-કનુ કુટુંબનો નાતો.  કેટકેટલા મહાનુભાવો-સાહિત્યકારો-શિક્ષકો સાથે મારો પરિચય થયો હોય તો તે મોતીભાઈને લીધે. કેટલી વિરલ વ્યક્તિઓ પ્રેમમંદિર આવતી થઈ  હોય તો તે  મોતીભાઈને લઈને…અરે, મને નઈ તાલીમનો પરિચય કરાવનાર મોતીભાઈ. મને દક્ષિણ ગુજરાતમાં રખડાવી રાખદાવીને મને ત્યાં વ્હાલો કરનાર મોતીભાઈ. એમ તો, સૌ. ઈલા મોતીભાઈને વારંવાર મ્હેણું  મારતાં કે એમણે મને ‘રોડપતિ’ બનાવ્યો અને એ વાતમાં ભારોભાર તથ્ય છે !! આપણે ઘરે બેઠા હોઈએ  અને કોઈનો ફોન આવે તો ઉમળકા સાથે તેને કહે કે, ‘હું પ્રેમમંદિરે છે, લ્યો, ભદ્રાયુ સાથે વાત કરો.’ .અને આપણને ફોન પકડાવી દે..અમારું કુટુંબ આખ્ખું મોતીભાઈ પરિવારને  બરાબર ઓળખે. મોતીભાઈ પોતાના ઘરે ન હોય તો પણ અમારો મુકામ પહેલા વૃંદાવન માં અને પછી નીલકંઠ ફ્લેટમાં જ ઉતારવાનું અને રોકાવાનું  અને માડી કે સુધાની મહેમાનગતિ માણવાની. એક વાત સ્વીકારું કે, સૌને પ્રેમ કરતા રહેવાય એવું અમને મોતીભાઈએ શીખવ્યું હો. છેલ્લા પાંચેક વર્ષને બાદ કરીએ તો, મોતીભાઈને સૌ ‘સારાં’ લાગતાં અને તેથી ‘મારાં’ લાગતાં. એમાંથી કેટલાક લોકોએ તેઓનો બહુ લાભ લીધો, જો કે, આ દિલેર માનવે  પ્રેમપૂર્વક લાભ લેવા પણ દીધો !! 

(2) તેઓની અદભુત વાચન ક્ષમતા…એટલું બધું વાંચે અને એટલું ઝડપથી વાંચે કે ન પૂછો વાત. સમણુ માં ત્રણ પુસ્તકો વિષે નોંધ લખવાની  હોય ત્યારે તેમણે  ત્રણ મહિનામાં ઓછામાં ઓછા નવ થી દસ પુસ્તકો તો વાંચ્યા જ હોય. પોતે જ ખરીદે અને પછી પોતે વાંચે. એમનાં રસ,  રુચિ અદભુત  અને તેમની વાચન ગતિ અવર્ણનીય. અમદાવાદ અને ભાવનગરના પુસ્તક વિક્રેતાઓને કાયમી સૂચના કે નવાં પુસ્તકો આવે એટલે મને મોકલી જ દેવાના. થોડો અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કરવાનો દોષ વહોરીને પણ કહું કે, ઓશો પછી વધુમાં વધુ પુસ્તકો મોતીલાલે વાંચ્યા હશે.!!

(3) તેઓની કુટુંબ વત્સલતા .. મોતીભાઈએ જે રીતે પોતાનું કુટુંબ ઘડયું અને કુટુંબની ચોથી પેઢી સુધીનાં સંતાનોમાં કુટુંબ વત્સલતા પ્રેરી તે  ન ભૂતો ન ભવિષ્યતિ !! કોઈને આ વાત અતિશયોક્તિ લાગે તો ભલે લાગે, પણ માડી થી લઈને ખુશ્બુના દીકરા સુધીનાને એક તાંતણે બંધાઈને જીવતા જોયા છે તે પરથી કહી શકું  કે મોતીભાઈ પાસેથી શીખવા જેવું આ છે. રમેશ અને કનુ કેવળ દીકરાઓ જ નહીં પરંતુ સૌ.સુધા અને સૌ.નીતા વહુઓને એટલાં  વિનમ્ર અને લાગણીસભર બનાવ્યા છે કે આજનાં સમયમાં તો આવા દીકરાઓ ને વહુઓ  દીવો લઈને શોધવા જઈએ તો ય ન જડે. સૌને મોતીભાઈ સાચવે અને સૌ મોતીભાઈનો પડ્યો બોલ ઝીલે. અને હા,  મોતીભાઈની વરણાગી પણ જબરી હો, એ જેટલું મુક્ત હસી શકે એટલો જ મુક્ત ગુસ્સો પણ કરી શકે અને તે પણ દીકરાઓ  પર… ક્યારેક એમની વાત માનવી મુશ્કેલ  પડે પરંતુ કનુ-નીતા કે રમેશ-સુધા  તો સતત ‘પપ્પા પપ્પા’ જ કર્યા કરે, એ નક્કી… આ તો થઈ  પોતાના કુટુંબની વાત પણ મોતીભાઈ જેની સાથે જોડાયા તેની સાથે રસોડા સુધીનો આત્મીય સંબંધ બંધાયો. તેઓને મન બધા આત્મીય અને પોતાના જ કુટુંબીજન..સુરેન્દ્રનગર કે અમદાવાદ કે સુરત કે વડોદરા કે મોડાસા કે ઈસરી કે ઈડર કે રાજકોટ જ્યાં રહ્યા ત્યાં ત્યાંના થઈને રહ્યા. એમનું કુટુંબ ક્યાં ન હતું તે જ પ્રશ્ન થાય. 

મેં મોતીભાઈ સાથે બે કલાકનો દીર્ઘ સંવાદ કરી તેમની જીવનયાત્રા તેમના મુખે સાંભળી ને તેને કચકડે સાચવી લીધી છે. જો કે, એનો કોઈ ઉલ્લેખ મેં જાણી જોઈને અહીં ટાળ્યો છે, કારણ કે મારે તો મારા હૃદયમાં કોતરાઈ ગયેલ મોતીભાઈની સ્મરણયાત્રામાં વહેવું હતું.  એમનાં પરના  એક દીર્ઘ લેખનું શીર્ષક મેં એવું આપ્યાનું મને સ્મરણ થાય છે કે, શિક્ષણ જગતનું જમણું  ખિસ્સું !   સામાન્ય પ્રણાલી પ્રમાણે આપણાં ખમીશમાં જમણું  ખિસ્સું કદી હોતું નથી,, એટલે જે ક્યાંય નથી હોતું તે જેનામાં હતું તે મોતીભાઈ મો. પટેલ.

ફાટફાટ અને અસીમ જીવનાર સટરપટર ના યાંત્રિક મોતીભાઈને સલામ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

ગ્રામસેતુ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

309 ભવન બાંધવાનો સંકલ્પ તેઓ લઇ ચુક્યા છે અને હજી તેઓનો જુસ્સો અપ્રતિમ છે.

આપણા ફકીર સંત શ્રી વિનોબાજીએ ભૂદાન યાત્રા માટે યાદગાર રહેશે…લગભગ લગભગ તેમ જ સુરતના એક ભગત સમ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી ભવનદાન યજ્ઞ માટે ખ્યાતનામ બની રહેશે, એ નક્કી.

આવો, આપણે શ્રી કેશુભાઈ ગોટી પાસેથી જ જાણીએ તેમની આ ભવનદાન યાત્રા વિશે….

# પહેલો વિચાર ક્યારે આવ્યો કે આપણે શિક્ષણના ભવનો બાંધવા ?

કેશુભાઈ : પહેલા તો હું રહ્યો મૂળ સ્વામિનારાયણ, પછી હું પાર્ષદ થવા ગયો ત્યારે મારા મેરેજ ની તૈયારીઓ ચાલતી હતી, મેરેજ ને બે-ત્રણ વરસ ની વાર હતી ત્યારે હું બે-ત્રણ હીરાની ઘંટી ચલાવતો. મેરેજ ને બે મહિનાની વાર હતી અને મને વૈરાગ આવ્યો. આમ તો વૈરાગ્ય મનમાં ઘૂસ્યો હતો લાંબા ટાઈમથી જ.

એક વડતાલવાળા સ્વામી હતા એમની સાથે બધો પત્ર-વ્યવહાર ચાલતો હતો.બધું નક્કી કર્યું. એટલે હું સવારે કારખાનું ચાલુ કરાવી સૂરતથી ભરુચ ની બસ પકડી, ભરુચથી એક ભક્તાણી નામની ગાડી વડતાલ જતી હતી, તે પકડી ને હું વડતાલ ગયો. ત્યાં ગયો પછી અઠવાડિયા પછી મને એવું થયું કે અહીંયા હું નહીં રહી શકું. પછી મને થયું કે આવી રીતે ગયા હોઈએ એટલે અહમ પણ હોય અને સ્વમાન પણ હોય એટલે કીધું હવે જીવન પસાર કરી નાખીએ. હું મારા અંતઃશત્રુ ની પીડા સહન ના કરી શકયો. ખાસ કરીને તો કામવાસનાની, એટલે હું બે વર્ષે પાછો આવ્યો.

પાછા આવ્યા પછી  સર્વોદય વિચારના મારા ગામના મોહનભાઈ વાણીયાની સાથે મારી મિત્રતા થઈ. કારણ કે  મને કોઈ બુદ્ધિશાળી કે વિચારશીલ માણસ સાથે  બેસવાની પહેલેથી નાનપણથી આદત હતી. તો એની સાથે રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી વિનોબાભાવે ની વાતુ સાંભળતો. મેગેઝિન “ભુમિપુત્ર”ના વધીને છ થી દશ અંક વાંચ્યા હશે.બીજું કાંઈ મેં વિનોબા ભાવેનું વિશેષ કોઈ સાહિત્ય વાંચ્યુ નથી. ખાસ મોહનભાઈ પાસેથી વાતો સાંભળેલી. આ વાત છે ૧૯૮૨ ની.

હવે ૧૯૮૨ ની સાલ માં દિવાળીએ સુરત થી સૌરાષ્ટ્રમાં બહુ બધાં લોકો આવતા હોય એટલે સરકારી બસ માં જગ્યા ના મળતી એટલે બધા ગામ-ગામની પોતાની બસ ભાડે બાંધતા. એમાં અમારી બસ ભાડે બાંધી હતી , સરકારી બસ પણ સ્પેશિયલ અમારા ગામની જ, એને અકસ્માત થયો, અકસ્માત થયો એમાં બે-ત્રણ છોકરાં ને વાગ્યું, એમાં બે ને સામાન્ય હતું. પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમાં હું, મોહનભાઈ વાણીયા અને એક બાબુ રાબડીયા, ત્રણ જણા રોકાણા હતા. એમાં બે ને જે પાટાપિંડી સામાન્ય હતી એ કરાવીને મોહનભાઈ વાણીયા બે છોકરા ને લઈને ગયા.અને એક ને એડમિટ કર્યા  “ચરોતરી આરોગ્ય મંડળ હોસ્પિટલ” માં… અને પ્રેમજી રાબડીયા નામનો છોકરો હતો એને વધુ વાગ્યું હતું, પણ મારા તાજેતાજા જ વિનોબા ભાવેના વિચારો મારા મગજ ઉપર અસર કરી ગયેલા હતા, તે સેવામાં હું એટલે રોકાયો હતો. પછી એ પ્રેમજી રાબડીયાને ટાંકા લીધાં અને ત્રણ દિવસ રાખ્યો ને પછી રજા આપી. મારી સાથે બાબુ રાબડીયા હતો, એ શરીરમાં થોડો હલકો હતો ને એ તેડે તો ઓલા છોકરાને દુઃખે, એટલે ઑલો પ્રેમજી મને એમ કહે કે, કેશુભાઈ, તમે તેડો એટલે ખંભે બેસાડીને છેક સુધી ચડાવવા-ઉતારવા બધું મેં કર્યું તો મને આનંદ બહુ આવ્યો.. જ્યારે હું પાર્ષદ હતો ને મંદિરે જતો કે પાર્ષદ હતો ત્યારે રોજ સાંજે સૂતાં પહેલાં ઘનશ્યામ મહારાજની પચાસ માળા ફેરવતો, તો મારું મન મને પરાણે જોડી રાખતું, મને કંઈ સુખ મળતું નહીં અને મારા મન સાથે માથાકૂટ જ કરવાની રહેતી. કંટાળો આવે ત્યારે પચાસ પુરી થાય…!! પણ આ છોકરાની સેવામાં  મને મજા બહુ આવી. એટલે ત્યાંથી પછી વિચારમાં પરિવર્તન આવ્યું.

# આપનો પહેલેથી સ્વભાવ આવું વિચારતા રહેવાનો ખરો કે ??

કેશુભાઈ: આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. તો એ યાત્રા આગળ વધતા-વધતા એક બાજુ બીઝનેસ, એક બાજુ આ યાત્રા, થોડું વાંચન સાઇડમાં ચાલુ હતું, થોડી ચર્ચાઓ જ્ઞાની માણસો સાથે ચાલુ હતી, એમ કરતાં કરતાં થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી જ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું.

એમાં એક કમળાપુર ગામ છે ત્યાં ગયા ત્યાં વસોકાકા કરીને સરપંચ ગામ ચલાવતા હતા. ત્યાં જઈને બાળક જેવો થઈ ને મારી કાલીઘેલી ભાષા ને મારી જે કાંઈ આવડત હોય એ પ્રમાણે બાળકોને ઉત્સાહ માં લાવવાનું કામ કરતો. અને કપડાં આપ્યા ને નાસ્તા-પાણી કરાવીને ત્યાંથી આવતા રહ્યા. એમાં  ઘણી ઘટના ઘટી, એમાંની એક ઘટના તમને કહું. એ કમળાપુરમાં અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરી ને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આવી ઘટનાઓ તો ઘણી ઘટી પણ આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નોહતા પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નોહતા ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને કે મિષ્ટાન નોહતું ભાળ્યું. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.

અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં કેશુભાઈ, એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે, એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મેં એવું વિચાર્યું કે, આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

# ..એટલે એનો અર્થ એવો થયો ને કે, આપે યજ્ઞની જેમ જ આ કામ ઉપાડ્યું ? 

કેશુભાઈ : ના, એની મને કાશી જ ખબર નથી પણ જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું. હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જુ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની  જેના નોહતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો.આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી, એમાં જેઓના નામ હતા તેઓને અહમ હતા મારા પરિવાર સહિત, અને જેઓના નોહતા તેઓને ઈર્ષા હતી. બીજું, સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે વેપાર તો ગણિત થી કરીએ પણ દાન પણ ગણિત થી જ કરવાનું ??! આપણો  લાભ હોય એની પાછળ જ કરવાનું ?! એટલે મારો આત્મા કોરી ખાતો હતો. એમાં  આત્મા માંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય એ પણ એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથા નું લોકાર્પણ હતું,  જુગતરામ કાકા ના કોઈ મિત્ર બ્રાહ્મણ જ હતા એમની દીકરીઓ સંભાળે  છે. તો ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે મારો અંદર નો અવાજ શું છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ, એટલે જીતુ મકવાણા અમારા સુરતનો એન્કર હતો એટલે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને એને કહી  આવ્યો કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા.

એમાં ગોકુલ આઠમ આવી, તો ગોવિંદ કાકા ધોળકિયાનો આઠમના દિવસે ફોન આવેલો. ‘કેશુભાઈ , કાલે મળવા આવોને થોડું કામ છે’,  તો હું તેમને મળવા ગયો બીજા દિવસે. એટલે મેં એમની સલાહ લીધી અને કીધું કે કાકા આવું છે. દાતા તો મળી જાય એવું છે. તો એણે મને પ્રોત્સાહિત કર્યો કે, કેશુભાઈ આપણા જ પૈસા, કોઈ મિડલ મેન નહીં, કોઈ વહિવટી ચાર્જ નહીં, સીધા જ ગરીબોના કામ માટે વપરાતા હોય ને  તમે એક રૂપિયો વાપરો તો સામે વાળો એક વાપરવાનો અને તમે નહીં વાપરો તો સામે વાળો વાપરવાનો જ નથી. એટલે મેં એકાવન નો સંકલ્પ કર્યો. હવે એકાવન નો સંકલ્પ કર્યો એમાં એક પ્રદિપસિંહજી છે. ચાર્ટર્ડ- એકાઉન્ટન્ટ છે, એમની મુંબઇ, સુરત ઓફિસ છે. પચાસ ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ એમને ત્યાં સર્વિસ કરે છે. અને મારા મિત્ર હતા તો એમને મેં આમંત્રણ આપ્યું. એક ભવનમાં તો તરત ભાગીદાર થઈ ગયા અને આવ્યા લોકાર્પણમાં… લોકાર્પણમાંથી આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો, “આપ ચાઇ પીને કે લિયે ઓફિસ આઈએ”. હું ગયો તો એમણે કહ્યું:  “મને આ તમારું કામ બહુ ગમ્યું , આનાથી સારું કોઈ કામ ન હોય” એટલે મારી તમને એક રિકવેસ્ટ છે બે હાથ જોડીને, તમે ૧૦૮ નો પ્રણ લ્યો. અને અત્યારે જ કોઈ ને કહી દો કે, મેં ૧૦૮નો સંકલ્પ લીધો છે. અને યદિ “આપકો પાર્ટનર ના મિલે તો પ્રદીપ સિંહ બેઠા હૈ.”

એ વાત પછી તો અમે અમારું મોડલ સુધાર્યું અને ભાવ પણ વધી ગયા હતા, પણ એમણે વાત કરી પછી મારે ૫૭ વધારવાના હોય તો મારા ભાગમાં નવ કરોડ રૂપિયા આવતા હતા. એટલે એ વિચાર્યું. ઈશ્વર અને તમારા બધાનાં માર્ગદર્શન અને સલાહથી જે કંઈ શીખ્યો છું કે, સલાહ દેવાવાળા ય ભાવમાં નથી, લાગણીમાં નથી, ક્યાંય કોઈ વડામાં બંધાયેલો નથી એ બધું પાંચ મિનિટ માં મેં એમને માપ્યા. પછી મેં અંદરવાળા ને પૂછ્યું, તો અંદરથી એક અવાજ આવ્યો કે તને સલાહ દેનારમાં માં ઈશ્વર આવીને બોલે છે. એટલે મેં તરત જ મથુરભાઈ ને ફોન કર્યો કે આપણે આજથી ૧૦૮નો સંકલ્પ લઈએ છીએ. પછી તો  ૧૦૮ સહયોગી દાતાઓ ક્રોસ કરી ગયા,  એટલે ૧૫૧ ભવનનો સંકલ્પ કર્યો.

હવે ૮૨-૮૩મું લોકાર્પણ હતું,  ત્યાં ૧૫૩ દાતાઓ થઈ ગયા. તેથી  ૧૭૫ નો સંકલ્પ કર્યો. પછીનાં  ભવન માં પાર્ટનર હતા અનુભાઈ તેજાણી. ચોમાસું હતું ને એના બે ય  લોકાર્પણ એક જ દિવસે હતાં. તો સવારે કશું  ના બોલ્યા પણ બપોર પછી સ્ટેજ ઉપર અમે બન્ને બાજુમાં બેઠા હતા તો મને કહે  કેશુભાઈ ૧૭૫નો આંકડો શું લેવો ?  મારી બીજી પાંચ લખો. એટલે મેં ૨૦૮નો સંકલ્પ કર્યો, ત્યારે તો ૨૦૮ પાર્ટનર નોહતા પણ ૨૦૮નો આંકડો પર કરી નાખ્યો. એમાં ગયા ઉનાળે હું અમેરિકા ગયો. “વિવેકાનંદ નેત્ર-મંદિર” માં  ભાવિન પટેલ છે.  એમણે  મને ચાર પુસ્તકો “સ્વામી વિવેકાનંદના” આપ્યા. હું સાથે બેગમાં લઇ ગયો. હવે લાલજીભાઈના ઘરે ન્યુયોર્ક રોકાણા હતાં, ત્યાં બધા રોજ શોપીંગ માં જાય ને  મને શોપીંગનો ટકોય શોખ નથી. એટલે મેં બેસીને એ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકો વાંચ્યા અને “સ્વામી વિવેકાનંદ” ના જે હું તમને અત્યારે વાત કરું ને , એનાં જે દર્દો ભારતની ગરીબી, ભારતની પરાધીનતા , એની માનસિક , આર્થિક ને શારીરિક બધી રીતની કંગાલીયત વાંચીને  એટલે હું દ્રવી ગયો. મારુ હૈયું વલોવાઈ ગયું ને મેં ત્યાં ન્યુયોર્ક બેઠા-બેઠા જ ૩૦૯ નોં સંકલ્પ કર્યો. બોલો લ્યો, આ મારી કહાની છે, ભદ્રાયુભાઈ…

*************************************

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ આપ સૌની જાણ માટે કે 309 માંથી 181 શિક્ષકન ભાવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે.

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નૃત્ય પારંગત બનતા પહેલાં

નૃત્ય પારંગત બનતા પહેલાં

જનકલ્યાણ : મે: 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

JKMay24 01
JK May02
JK May03

નૃત્યાંગના કુમુદિની લાખિયાના જીવનની યાદગાર વાતો 

“મેડમ,પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ??” ..તો મમ્મીએ કીધું,  “હું લાવી છું ને સાથે.!!”

કોઈ કૌશલ્યની ટોચ પર પહોંચી ગયું હોય તો એમ ન સમજવું કે તેમને શીર્ષસ્થ સ્થાન એમ ને એમ મળી ગયું છે. સફળતા ક્યારેય પ્રારંભિક સંઘર્ષ વગર મળતી નથી. એ સંઘર્ષ સમજપૂર્વકનો હોય કે પછી અણસમજમાં થયેલ હોય.

નૃત્યની દુનિયાનું  રાષ્ટ્રીય નામ તે કુમુદિની લાખિયા. કથ્થક નૃત્યમાં અનેક કલાકારોને પાયાનું શિક્ષણ આપી વિશ્વસ્તરે પહોંચાડનાર કુમુદિની  લાખિયા કે જેઓ આજે ચોરાણું વર્ષે પણ કદંબ ડાન્સ એન્ડ મ્યુઝિક એકેડમી સાથે પ્રવૃત્ત છે, તેઓ નૃત્ય માર્ગે કેટલી મથામણ  પછી પહોંચ્યા તે તેમના  જ શબ્દોમાં જાણવા જેવું છે.

“….. એક દિવસ  મારા પેરેન્ટ્સ સાથે હું  ફિલ્મ જોવા ગઈ. એ ટાઈમના બહુ મોટા અભિનેતા અશોક કુમાર અને દૈવીકા રાની. અને એ ફિલ્મમાં એક ડાન્સ હતો. અને ડાન્સર હતા મહેમુદના પિતા.  એ બહુ જ સરસ ડાન્સર હતા.  હજી પણ મને યાદ છે એ  ડાન્સ. ‘લે લો ચુડીયા લે લો… ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચુડીયા..’ .એ ડાન્સ કરતા  હતો. એમની સાથે ગ્રુપ હતું. હું છ વર્ષની હતી અને અમે ઘરે આવ્યા, ત્યારથી રોજ હું આ ડાન્સ કરું. હા, એક વખત જોઈને રોજ કરું. એટલે મારા મમ્મીને લાગે કે આને ડાન્સમાં ઈન્ટરેસ્ટ  છે અને એ સારું કરે છે. એમને એવું લાગ્યું  કે ડાન્સ તો  ગ્રેસફુલ છે એટલે  એને ડાન્સ શીખવાડીએ. પણ એમને ડાન્સ વિષે કશી ખબર ન હતી. શું ભરતનાટ્યમ? શું કથ્થક? કોઈ પણ ડાન્સ સ્કૂલનું  બોર્ડ જુએ  ને એટલે મને ત્યાં મોકલી દે.

હા, ગમે તે ડાન્સ હોય પછી,,,, પછી હું કહું કે મને અહીં નથી ગમતું. તો વળી સારું બીજું બોર્ડ જોવે એટલે ત્યાં મોકલી દે. ખાલી ડાન્સ સ્કૂલનું બોર્ડ જોવાનું,બસ…. એટલે હું ભરતનાટ્યમ શીખી, કથ્થક શીખી… ત્રણ ત્રણ મહિના, બે બે મહિના… પછી જરાક મોટી થઈ  ત્યારે કથ્થકનાં  ટીચર હતા એમણે કહ્યું કે,  આ કથ્થક સારું કરશે. એનો જે ડાન્સ અને બોડી છે એ કથ્થક માટે છે અને સમજણ પણ છે એને કથ્થક માં… તાલ ને બધું સારું શીખે છે. એટલે પછી કથ્થક નૃત્ય નક્કી થયું મારા માટે.

…એ વખતે મારા મમ્મી નરેન્દ્ર વ્યાસ પાસે શીખતાં હતાં. મને પણ લઇ ગયા ત્યાં. પછી હું ત્યાં બેસી રહું. પછી બહાર જાઉં રૂમની, અને રમુ ત્યાં કૈંક… એટલે એમના નીચે એમના એક ભાઈ રહેતા હતા શંકરલાલ વ્યાસ. તો એક દિવસ એ મને પકડીને ઉપર લઇ ગયા. કે આ બાળક એકલું એકલું રમે છે,  તો મારા મમ્મી એ કીધું, માફ કરજો તમને ડિસ્ટર્બ કર્યાં. એટલે કહે ના, ના, ડિસ્ટર્બ નથી  કર્યા, પણ આ થોડો ડાન્સ કરે છે ને થોડું રમે છે. તો એમના માટે ડાન્સ ટીચર રાખોને તમે… બસ, શંકરલાલ વ્યાસ મારા માટે ડાન્સ ટીચર લાવ્યા. એ બિકાનેરના હતા. અને એમણે  મને શીખવાડ્યું  થોડુંક… પછી મારા મમ્મીએ નૃત્ય છોડી દીધું એટલે મારું નૃત્ય  પણ છૂટી ગયું !! હવે શું? હવે ક્યાંથી ટીચર લાવવાના?

મારા ફાધર એન્જીનીયર હતા. તો એક વખત એ કોઈનું બિલ્ડીંગ બાંધતા હતા. તો કૈંક  વાતચીત એમની થઇ હશે તો મારા ફાધર કહે, મારી દીકરીને સંગીતમાં બહુ શોખ છે . બધા પ્રોગ્રામમાં પણ જાય છે,, તો એ ભાઈએ કીધું કે, ‘મારા એક ભાઈ છે એ સંગીત પણ કરે છે અને ડાન્સ પણ કરે છે.’ તરત મારા ફાધરે કહ્યું:  ઓહ, ડાન્સ પણ કરે છે. અમારી  દીકરીને શીખડાવશે?’  ‘હા, હા જરૂર.’ એટલે પછી એ અમારા ઘરે આવે. મોટી ગાડીમાં. એ ફિલ્મસ્ટાર હતા. મોટી ગાડી લઈને ચોકલેટ લઈને બપોરે અમારે ઘરે આવે. એટલે આજુબાજુમાં જે સ્ત્રીઓ હતી  એ વાત કરવા લાગી  કે એમને ત્યાં બપોરે ‘કોઈ’ આવે છે. ફૂલ લઈને, ચોકલેટ લઈને… તો મારા મમ્મી કહે કે, ‘આ ના ચાલે. આ કરો બંધ. એમને પણ બંધ કરી દીધા !.’

આજુબાજુના બૈરાઓની આ બધી પ્રવૃત્તિ હોય છે. એમને ટાઈમ બહુ હોય છે ને… એટલે એવી રીતે બે-બે, ત્રણ-ત્રણ મહિના કેટલા બધા ટીચર પાસે શીખી હું. પછી એવું થયું કે મારા ફાધરને દિલ્લી જવાનું થયું war was declared and India joined the war and my father was an engineer. એટલે એમને આ  વોર ટાઈમનું કામ મળ્યું …અમે દિલ્લી ગયા તે પહેલા તો મારા મમ્મીને ડાન્સનું જ ગાણું ચાલતું  હતું, તે ચાલુ જ રહ્યું.  એક  ગુરુ પાસે ગયા અને એમને કીધું કે, મને ડાન્સ ટીચર જોઈએ પણ મારી સાથે જે દિલ્લી આવે એવા ગુરુ  જોઈએ છે. તો  કહે,  મારા ભાઈનો એક દીકરો  છે, એને લઇ જાઓ. એટલે અમે જયારે દિલ્લી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો એક સર્વન્ટ, એક આયા, એક ડાન્સ ટીચર, એક તબલા ટીચર…

હવે ત્યાં ડાન્સ તો શરુ થયો પણ ભણવાનું શું ? સ્કૂલનું શું?  મારા ફાધરએ આખી ઇન્ડિયાની ટુર કરી અને એક સ્કૂલ શોઘી લાહોરમાં… કવીન  મેરીયેટ સ્કૂલ… જો કે, ત્યારે લાહોર ભારતમાં જ હતું. એમને સ્કૂલ બહુ ગમી. It was run by britishers actually and  50% teachers were britishers. બોર્ડિંગ સ્કૂલ. નવ વર્ષની હતી હું, અને મને ત્યાં બોર્ડિંગમાં મોકલી દીધી. પહેલા તો નહિ ગમ્યું, પણ પછી જરા ગમ્યું.

હવે એક-બે વર્ષ થયા પછી મને યાદ છે હિસ્ટ્રીનો ક્લાસ હતો. એક યુરોપિયન ટીચર હતા મિસિસ સીંગ્સ, એ હિસ્ટ્રી લેતા હતા. એટલામાં પ્યુન આવ્યો. મારી તરફ આંગળી ચીંધી ને કહે,  प्रिंसिपल साहब उस लड़कीको बुला रहे हे. મને થયું, અરે ! પ્રિન્સિપાલ બોલાવે એટલે પનિશમેન્ટ. હું જતાં-જતાં  વિચાર કરતી હતી કે,  પ્રિન્સિપાલ કેમ મને બોલાવે છે? હું પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ તો ત્યાં સામે જ મારા મધર બેઠા હતા.પછી મને પ્રિન્સિપાલ એ કહ્યું કે, Your Mother is here   and she wants you to learn Dance. પ્રિન્સિપાલે  કીધું કે, મેડમ, પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ?? ..તો મમ્મીએ કીધું,  હું લાવી છું ને સાથે. ‘ઓકે, પરફેક્ટ તમે તો કામ કરીને આવ્યાં છો.’

મારા મમ્મીએ મારા ડાન્સ ટીચર માટે એક રૂમ, એક કિચન એવું એક ઘર લીધું. ત્યાં એ રહેતા હતાં. અઠવાડિયામાં ત્રણ દિવસ મારી સાથે રહે. એમ કરતા કરતા લાહોર કથક કેન્દ્ર શરુ થઈ  ગયું અને મારી નૃત્ય યાત્રા વ્યવસ્થિત શરુ થઈ.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback