“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

“સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

અવસર: દોલપૂર્ણિમા  એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.

પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧

શીર્ષક : ગુરુની કેફિયત

સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.

આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો  બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે  આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા  મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો  મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની  યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે,  મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો  અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ  હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક  વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :

यमेवैष वृणुते तेन लम्यः

तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।

( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)

૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો  કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિને ‘સવિકલ્પ સમાધિ‘ કહી છે.

એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા  આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ  જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે  ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે  કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો  નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !

છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ

“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને  ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું  એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”

“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”

“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”

હવે તો ઈન્દિરા  સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !

જય રાધા  ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)

 

બંસી આજે પણ બજે છે…

‘તમે એના થાઓ, પછી એ તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો  થઈને જવાબ  દેશે.’

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com

ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :…બંસી આજે પણ બજે છે…

દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા  ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ  અઢિયા સ્મૃતિ પ્રકાશને.

પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે : ‘ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું એ સાંભળું  છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.

સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,

“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો  મંદિરમાં પ્રવેશ કર્યો.

મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર  ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ !  ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો !  થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’

પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!

હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’

એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે :   ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’

પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.

એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !

બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.

ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: ‘મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો  : ‘ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી એ તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો  થઈને જવાબ  દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)

લગ્ન પહેલાં સંતાન હોય તે અહીં બહુ સહજ છે.

 

તેઓના મનમાં ખટકો રહે છે કે, આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. 

એક એવું કુટુંબ પોતાનાં લગ્નની કંકોતરી આપવા આવ્યું  કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો એમ ત્રણ વ્યક્તિઓ હતી હતા!!!. આપણને તો ગજબનું આશ્ચર્ય થાય કારણ કે, આ ત્રણેય જણા સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. સ્વરાજ આશ્રમ, બારડોલીમાં સરદાર પટેલ કન્યા વિદ્યાધામના સંસ્થાપક શ્રી નિરંજનાબેન કલાર્થી બહુ આશ્ચર્ય ન થયું પણ હું તો ભારે વિસ્મય સાથે આ મા -બાપ-દીકરાની ત્રિપુટીને  જોઈએ જ રહ્યો. મારુ મન પૂછતું રહ્યું કે આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે મૌન  થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના  દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, નિરંજન બા ના  આશીર્વાદ મેળવે તો  તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમની  સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને  અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક  જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’  નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે મેં કહ્યું કે આ તો  દિલની બહુ મોટાઈ માંગે એવો મુદ્દો છે.

આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. ખુબ આનંદની વાત હતી કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર  માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર પણ કર્યો છે. આમ છાનું છપનું કશું જ નથી.

એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે વિધિવત પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ  સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

 

 

‘જય ભગવાન’ તો સહજતમ !!

આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો  છે, પ્રવાસ કર્યા  છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે. 

 

એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ  બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું,  એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો  હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી  શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે,  ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે. 

 

એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા  ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ  એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી  ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે,  કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા,  એને  વંદન કરી  અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી. 

 

ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!

એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’  ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ  કલાક છે.’  અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ  જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને  પી ને અમારી સાથે જ અંદર  ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા,  અમને પણ જરા જેવો ય  ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી. 

આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

“જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.” 

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.

આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.

મારે વાત કરવી છે ‘વૈદિક તપોવન વચ્છનાદ‘ જે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે.  મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.

વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ  મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ  વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા  કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ  નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.

પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે  જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.

ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે  ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું  બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે  વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. આ સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતા–પિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં  એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ  પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.

આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે  ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો  સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!

મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ  તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ  તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે  વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ  કરે.