“એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી પોઝિશન લીધી હોય.”

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા–નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે. 

આવો, શ્રી મલ્લિકા સારાભાઈના સચોટ જીવન અંશો સંવાદરૂપે માણીએ : 

“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા.  પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે,  તને શું દબાવ છે ?  તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે,  તું નૃત્ય જ કરજે,  તું સાયન્સ જ કરજે,  તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં. 

એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા  ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી,  અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો  પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા,  ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને  અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”

“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”

“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી  પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં  કરેલા. 

મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી  રહ્યું છે ??  એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ,  અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી  વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને  HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં  કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”

બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’

શ્રી ભદ્રાયુ વછરાજાની સાથે બેઠક

તારીખ ૬ ડિસેમ્બર-૨૦૨૪ના દિવસે શાળામાં સ્નેહી શ્રી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની અમારા આગ્રહને માન આપી સસ્નેહ મળવા આવ્યા. તેઓ સાથે અમારો એટલે કે શાળા સાથેનો સંબંધ એવો કે અમસ્તા પણ તેઓને મળવાનું મન થાય. આ વખતે પણ તેઓ આવ્યા અને શિક્ષકો સાથે બેઠક કરી, જેમાં તેમણે ખૂબ ઓછા સમયમાં પણ જીવનને વધુ સુંદર અને સ્વસ્થ બનાવતી અદ્ભૂત વાતો ખૂબ હળવાશથી કરી. તેમને પુછાયેલ ‘કેમ છો?’નો તેમણે આપેલ માર્મિક, વિચારપ્રેરક જવાબ સાંભળી સૌ ખુશ થઈ ગયાં.

શિક્ષણ તેમજ શિક્ષણ સિવાયની ઘણી જીવનોપયોગી વાતો તેમણે કરી. શિક્ષક હોવાનું ગૌરવ અને તેની ગરિમા જાળવવા અંગેની ઘણી સુંદર ઉપયોગી વાતો થઈ. બધાંને બહુ મજા આવી તેમને સાંભળવાની. આવી બેઠક પછી કોઈ પૂછે કે તમને શું મળ્યું આમાંથી!!? તો અમે કહીએ અપાર આનંદ, જીવનને વધુ સુંદર, ઉન્નત બનાવતા વિચારો અને નિઃસ્વાર્થ સંબંધો. જે શબ્દોમાં સમજાવી શકાય તેવા નથી હોતા. આવી સુંદર ક્ષણો આપવા માટે શ્રી ભદ્રાયુભાઈનો દિલથી આભાર.

બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે   પેરેન્ટીંગ’

– ભદ્રાયુ વછરાજાની

બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં જે કંઈ પણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઇટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યમાં અંદર તેને જ અનુસરવાનું. આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લાવજો’, આમ કહેવું તે અસ્થાને કહેવાય. બાળક બધુ બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે, પાણી લાવજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો-પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી… ઊભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે-ત્રણ મિનિટ એણે કીધું. પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી શકે. ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે ? અને આવે ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે બેય પીશું.’ જુઓ, પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી, એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે ? બેસને બાલ્કનીમાં.‘ બાળક આ વાત પણ ઓબ્ઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં સાચું શું ?

એક નાનકડી એક ટીપ, આપણે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખીએ જરા. આ આપણે તુંકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં ક્યારે તુંકારામાંથી તારો બાપ મારો બાપ’ ઉપર આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’ Thtat means it a tradition of the family. એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. જેના પપ્પા કહ્યાં વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઈને ક્યાં જવાનો હોય એ કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે, પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.

તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળીને ઝઘડવું, રેસકોર્સની પાળીએ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો, ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં, પછી પાછા હસતાં-૨મતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઊતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે.ઘર પછી કોનો આવે ? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું.

Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જે ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા, પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલે ચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે. બાર વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે ?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી, તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે. આપણે હજી બાકી છે.

બીજી એક વાત, દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો, દરેક કામની અંદ૨ તમારા બાળકને હસતાં-રમતાં ઈન્વોલ્વ કરવું જરૂર છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની, આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે. ત્રણ સીટી વગાડજે હો, કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit for- mation. તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય ? ગોળ સુધારાય કે લાંબા સુધારાય, ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય. આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો. ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’ અને તમે પોતે જરા પાણીની પાઈપ લઈને ઉભા રહો, તમે જો જો દીકરો તરત કહેશે કે, પપ્પા મને આપો ને, When you involve them, they are eager to work. જ્યારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’ આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું જોઈએ ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે, એ એને એકવાર ક૨વા માટે આપો. કરતાં-કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય.

કૈંક શ્રીમંતો ને સરદારો

ઊગ્યા, આથમિયા દરબારો;

ચક્રવર્તીઓ થયા ચાલતા બોલાવી ઘડીભર દેકારો; ને

એ સૌની મશ્કરી કરતી હસી રહી આજે યે ધરતી !

એ જ લહેરથી વિશ્વ વિહરતીઃ

કોની છે આ ધીંગી ધરતી ?

– કરસનદાસ માણેક

“ડોસો ચીમળાઈ ગયો છે…!!”

ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પ્રકાશિત થયેલ “બિલ નાઈટ” ના “પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન” નું સંપાદન ભાવ પ્રદેશમાં ખેંચી જાય છે..

“….આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકાસાહેબ કાલેલકર તો નેવું વર્ષ જીવ્યા હતા. ‘રખડવાનો આનંદ’ એમના જીવનનો   આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડયા હતા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડયાં છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું  સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે : કાકાસાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે, ‘કાલે અહીં હતા. આજે ક્યાં છે તેની ખબર નથી. વળી, બુઢાપો મૃત્યુ મારું  સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે.  ત્યાં લોકો કહે છે : હમણાં તો અહીં હતા. હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે ન તો મૃત્યુ મને પકડી શકે છે.  હું શું કરું?  એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે. કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટીશું………!

ઉપરની વાત ૫૨થી આપણને એટલું સમજાય છે કે, કાકાસાહેબે નચિંત બનીને જીવન વીતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળળ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળી થતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નિરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવતા હોય છે. ડોસા અને ડોસી બની નકામા અને નિરૂપદ્રવી બનતાં જીવનને આપણા કવિ વિપિન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢી લીધું છે :

ડોસો ચીમળાઈ ગયો છે. 

ડોસાઓ ચીમળાતા હોય છે તેમ જ 

ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે. 

પોતે જ સાંભળતો નથી.

અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે. 

ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ છે. 

ગઈકાલે પતિ અને આજે છોકરાં–વહુ 

ઘરમાં કોઈ એને સમજ્યું નહીં.

અને વાતવાતમાં આંખે મોતિયો આવી ગયો. 

તોય કોઈને ફરિયાદ ન કરી 

છોકરો આવ્યો તે ખૂબ નજર તાણી એ બોલી : 

બેટા આવ્યો? જમીને જજે.

દીકરો સાચવીને જૂઠું બોલતો : 

મા ભૂખ નથી. 

ડોસીએ આગ્રહ કર્યો નહીં. 

આંખે મોતિયો હતો, પણ 

હજુ આંખમાં થોડાંક આંસુ બચ્યાં હતાં 

એટલે કહ્યું: ભલે…

આપણાં વડીલો… વૃદ્ધો… ડોસા. ડોસીઓ. આપણાં પોતીકાં સ્વજન છે, માબાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવાનું નથી. એમની સંભાળ રાખવી—એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી, આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં માબાપને… વડીલોને પ્રભુ સાંનિધ્યમાં મૂકીને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’ એવી પ્રાર્થનામાં મઢ્યાં છે… અને છતાં અહીંના આપણા સમાજમાં માબાપને વૃદ્ધાશ્રમમાં, ધરડાઘરમાં, ઑલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાવા લાગ્યો છે તેની સામે લાલ બત્તી ધરવી જ રહી. એમની પાછલી અને નિ:સહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાવહુની લાગણી, હૂંફ અને સંભાળ ન જ આપી શકે, તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ  તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં.”

(સદ્દગત બળવંત નાયકનો આ લેખ ‘ઓપિનિયન’ ના સપ્ટેમ્બર, 1999ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેની સાદર નોંધ લઈએ.)

‘શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’ ના ગ્રંથમાં સાંપ્રત કાળ  માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ “આપણું આજનું અસ્તિત્વ માબાપને આભારી” ના માર્મિક અંશો વાંચીને આપણે તેઓને વાંચનાનજલિ  આપી.

યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે. જ્યારે તેનું  પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે.

બળવંતભાઈ ગાંડાભાઈ નાયક, “બિલ નાઈટ”

જીવનકાળ 15 મી ડિસેમ્બર 1920 થી 15 મી ફેબ્રુઆરી 2012.

ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતનાં એક અગ્રગણ્ય સાહિત્યકાર,

અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ ખરા.

વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે, ‘1972માં દેશના સરમુખત્યાર ઇદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલા એશિયાનો એ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુતર રૂપે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે  ‘ને ધરતીને ખોળે નરક વેરાયું‘ નવલકથા લખી. એમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભિકતાથી પડકારી. ભારતીય મીથને આ કથા બીજ સાથે પરોક્ષપણે સંયોજ્યું  અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો, અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયાક કથા બની રહી. આ નવલકથાનો “પેસેજ ફ્રોમ યુગાન્ડા” શીર્ષક  હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌપ્રથમ અશ્વેત મહિલા ટોની મોરીસને ગુલામોની યાતનાઓને વ્યંજીત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી. બળવંત નાયકે નવલકથાનું ‘લાડલી’ નામે ગુજરાતીમાં રૂપાંતર પણ કરી આપ્યું.

બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેણે અભ્યાસ પૂરો કરી તેઓ સહકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા તેમાંનું એક કુટુંબ બળવંતભાઈનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973ના ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથહોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા, અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે ‘નવનીત સમર્પણ’ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ‘ઓપિનિયન’ માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાનાં વિવિધ પ્રશ્નોને તેમણે સાથે જોડ્યા.

બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખુબ મહત્વનો તેમણે ભાગ ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનનાં ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્ર સ્થાને અંકાયેલું રહેશે. તેમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન અનોખું છે. યુનાઈટેડ કિંગ્ડમ ના ગુજરાતી સાહિત્ય અકાદમીએ સ્તુત્ય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કરીએ.

 

પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ને ૧૦૦ વર્ષ

   

#પ્રાણજીવન_ભવન_શતાયુ_થયું ! #ગુજરાત_વિદ્યાપીઠે #ગાંધી_વારસાને #વંદન_કર્યાં!

મહાત્મા ગાંધીને ખરે સમયે નાણાકીય મદદ કરીને મહાત્માજીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવામાં જેમણે બહુ જ મોટું યોગદાન આપ્યું છે તેવા શ્રી પ્રાણજીવન મહેતાના નામથી બાપુએ “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન” નું સર્જન કર્યું અને ત્યાંથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠને ૨૦૨૦ માં સો વર્ષ થયાં ત્યારે શતાબ્દી યોજવાનું ચૂકાઈ ગયું હતું,તો ૨૦૨૫ માં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનનો શતાબ્દી જાજરમાન રીતે ઉજવાયો.
જેને 100 વર્ષ થયા છે તે આ ભવન ને જેમનું નામ અપાયું છે તે પ્રાણજીવન મહેતા પોતે ડોક્ટર હતા અને બારીસ્ટાર પણ હતા અને તેઓ ઉદ્યોગપતિ પણ હતા. વર્ષો પહેલાં નો મલ્ટી ટાસ્કિંગનું ઉત્તમોત્તમ ઉદાહરણ તે પ્રાણજીવન મહેતા.
ગાંધીજીએ પોતે સ્વીકાર્યું અને લખ્યું કે, પ્રાણજીવન મહેતા મારા પરમ મિત્ર રહ્યા છે. બાપુ સાથેનાં એક વખતનાં મિલનમાંથી તેઓ મહાત્માજીના ચાહક બની ગયા.
પ્રાણજીવન મહેતા મૂળ રંગુનમાં બાપુને એ લગભગ 1909 માં મળ્યા..બાપુને ત્યારે વિનંતી કરી કે તમે આફ્રિકા નહીં પણ ભારત જાવ અને ભારત માટેની સ્વતંત્રતાની લડાઈ તમે લડો. એટલે સ્વતંત્રતાની લડાઈ નો વિચાર ટ્રેનના ડબ્બામાંથી ધક્કો માર્યો ત્યારે શરૂ નહોતો આવ્યો પણ પ્રાણજીવન મહેતાએ જ્યારે પોતાની આત્મસુઝ થી ગાંધીજીને વિનંતી કરી ત્યારથી શરૂ થયો છે.
આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી પણ તેની સ્થાપનામાં આર્થિક તંગી ઊભી થઈ એટલે ભાગ્યે જ કોઈની પાસે હાથ લંબાવનાર ગાંધીજીએ પ્રાણજીવન મહેતા ને એક હજાર પાઉન્ડ આપવા માટે વિનંતી કરી. સૌનાં આશ્ચર્ય વચ્ચે તેમણે ગાંધીજીની એ માગણીને દોઢી કરીને એટલે કે 1500 પાઉન્ડ આપીને પૂર્ણ કરી !!!
આ વાત આગળ ચાલે છે, વિદ્યાપીઠની જ્યારે સ્થાપના થઈ અને મહાત્મા ગાંધીએ જ્યારે 18મી ઓક્ટોબર 1920 ના રોજ ગુજરાત વિદ્યાપીઠનો પાયો નાખ્યો ત્યારે જ પહેલું ભવન બન્યું એ જ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં એવા શૂરવીરો, સાહિત્યકારો અને આધ્યાત્મ જગતના લોકો રહીને ભણી ગયા છે કે જેમના નામ ગુજરાતમાં અને રાષ્ટ્રમાં મોખરે છે. જાણીને ગૌરવ અને આનંદ થાય કે પૂજ્ય શ્રી મોટા, પૂજ્ય શ્રી રંગ અવધૂતજી, ઉમાશંકર જોશ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ અને નિરંજનાબેન કલાર્થી અહીં પ્રાણજીવનમાં રહીને વિદ્યાપીઠમાં ભણ્યા છે. આ બધી જ યાદદાસ્તોને શિક્ષણ ભવન, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મંચસ્થ કરવામાં આવ્યા. આ ભવનના ૧૦૦ વર્ષોની ઉજવણી સતત 21 દિવસ ચાલી અને તેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનો લ્હાવો કુલપતિ શ્રી હર્ષદ પટેલના પ્રેમાગ્રહ્ થી મને મળ્યો.
મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળ દરમિયાન કેટલીય વ્યક્તિઓ ઉપર પ્રભાવ ઊભો કર્યો છે અને એ દરેકની અંદર પ્રાણજીવન મહેતા એ વિશિષ્ટ વ્યક્તિત્વ હોય એવું લાગે છે અત્યાર સુધી એને કેમ કોઈએ યાદ નથી કર્યા એ મોટો પ્રશ્ન છે પ્રાણજીવન મહેતાએ 1,000 ની બદલે 1,500 પાઉન્ડ આપ્યા એની વાત તો આપણે જાણી પણ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી જ્યારે સરદાર સાહેબના વળપણ હેઠળ “વિદ્યાપીઠ ફંડ” ઊભું કરવાનું નક્કી થયું અને દસ લાખ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો ત્યારે પૂરા પ્રયાસો છતાં સાડા સાત લાખ ભેગા થયા. આ વાતની જાણે પ્રાણજીવન મહેતાને ખબર પડી ત્યારે બાકી રહેતા અઢી લાખ રૂપિયા તેમણે તેમાં ઉમેરી આપ્યા અને સરદાર સાહેબે લીધેલું એક કામ બરાબર પાર પાડ્યું.
આપણને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે, મહાત્મા ગાંધીને હિંદ સ્વરાજ લખતી વખતે અથવા લખવું જોઈએ એ વખતે એમને પ્રાણ જીવન મહેતાનો સહયોગ લીધેલો છે એટલે આમ જોઈએ તો બાપુના સ્વતંત્રતાના વિચારમાં, હિન્દ સ્વરાજ કે વિશ્વભરમાં સુખ્યાત પુસ્તક બાપુએ અર્પણ કર્યું તેના નિર્માણમાં, ગાંધી વિદ્યાપીઠ તરીકે ગુજરાત વિદ્યાપીઠ ને સધ્ધર બનાવવામાં શ્રી પ્રાણજીવન જીનું સિંહ પ્રદાન ગણાય. અહીં દાંડી યાત્રા જ્યારે બાપુએ કાઢી ત્યારે રંગૂનમાં પણ દાંડીયાત્રાની જેમ જ યાત્રા કરનાર આ પ્રાણજીવન મહેતાના નામથી સ્થપાયેલ “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન”ના પરિસરમાં આજે પણ 100 વર્ષ પહેલાંની ઇમારત સતત સાક્ષી પૂરે છે.
આ આખી ઈમારત એ સમયે એવા પ્રકારના ચણતરથી કરવામાં આવેલ છે કે, તેનાં પિલર્સ ઉપર આપણને રેંટીઓ, સ્વસ્તિક અને ૐ ના નિશાનો આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. વાત કરી એ પ્રમાણે આ ભવનના બાંધકામમાં જે જે ઈંટ વાપરવામાં આવી છે એ પ્રત્યેક ઇંટની ઉપર પણ સાથિયો અથવા તો ૐ કોતરવામાં આવેલ છે. આ ભવનને સો વર્ષે નવેસરથી રંગ રૂપથી શણગારતી વખતે સ્વસ્તિક, ૐ અથવા રેંટિયો ને કોઈપણ રીતે હાનિ ન પહોંચે અને કોઈ જગ્યાએ છિદ્ર ન થાય તેની પૂરી કાળજી જુના કાર્યકરોના કહેવાથી કુલપતિ શ્રી હર્ષદભાઈએ લીધી છે.
હું સ્પષ્ટ માનું છું કે ગાંધી અને ગાંધીના સ્મારકની આટલી ઉજવળ રીતે કોઈ કદર કરી શકે એવું વિદ્યાપીઠમાં આજે બન્યું છે. વિદ્યાપીઠ ના ટ્રસ્ટી આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાજીએ પોતાના વક્તવ્યમાં આ સાથીઓ અને ૐ ના પ્રતીકને પકડીને ખાસ કહ્યું કે આપણે આજે હિન્દુ મુસ્લિમના ભેદો ઊભા કરીએ છીએ અને સનાતન ધર્મ માટેની આપણી વિચારધારાનો વિરોધ થતો જોઈએ છીએ ત્યારે એ કહેવાનું મન થાય છે કે હવે આપણે ખુલીને સ્વીકારવું જોઈએ કે મહાત્મા ગાંધીએ પોતે આજથી સો વર્ષ પહેલાં स्वस्तिक અને ॐ અને रेटीयोને કેટલું બધું માન આપ્યું હતું ?
કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં કહ્યું કે, જેમ મહાત્મા ગાંધીને એક પ્રાણજીવન મળ્યા એમ હું પણ એક પ્રાણજીવનની શોધમાં છું કે જે દોઢ લાખ કે અઢી લાખ ના આપે પણ 100 કરોડ રૂપિયા આપે, જેથી કરીને ગુજરાત વિદ્યાપીઠના ભવનોનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને પણ આપણે એનો સુંદર રીતે નિર્ણોદ્ધાર કરી શકીએ અને વિદ્યાપીઠ નું નામ ફરી એકવાર વિશ્વમાં ઊંચું કરી શકીએ.
મને તો એવો વિચાર આવ્યો કે, ખરેખર તો આ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન “નેશનલ હેરિટેજ બિલ્ડીંગ” ડિક્લેર કરવું જોઈએ અને ગાંધી સર્કિટ જ્યારે સાબરમતી આશ્રમમાં ફેરફારો પછી સર્જાવાની છે ત્યારે એ સર્કિટમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનને ખાસ સ્થાન આપવું જોઈએ.
આ અવસરે એક સરસ મજાની સ્મરણિકા બહાર પડી. શિક્ષણ વિદ્યા શાખા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સુંદર રીતે બે પ્રસ્તુતિ કરી તેમાં પ્રાણજીવન મહેતાની જીવનની અને ગાંધીજીના સ્વાપર્ણોની વાત આવી અને રાષ્ટ્ર જ્યારે વિવિધતામાં એકતા વાળું છે ત્યારે ભારતના દરેક પ્રાંતના યુગલો મંચ પર આવ્યા અને પોતાની મૂળ ભાષામાં એમણે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનને શબ્દાંજલિ અર્પણ કરી વાતાવરણ એટલું સુંદર સર્જાયું કે કદાચ આ જોઈને ગાંધીનાં આત્માને ટાઢક વળી હશે.
…ગાંધીપ્રેમી … ભદ્રાયુ

શાળાઓ રાષ્ટ્ર નિર્માણના ચેતના કેન્દ્રો છે.

.             ‘મારી શાળા આચાર અને નવાચાર‘: પ્રવૃત્તિરત કર્મઠ શાળાઓની ભાળ કરી આપતું પુસ્તક 

એક વિચાર આવ્યો કે, લાવો ને, ગુજરાતની એવી શાળાઓને શોધીએ કે જ્યાં વિદ્યાર્થી, સમાજ અને  સમર્પણ આજે પણ મધ્યમાં હોય !

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના  કર્મઠ કાર્યકર્તાઓ ખૂબ નક્કર અને પાયાનું કામ ગુજરાતના શિક્ષણ જગતમાં કરી રહ્યા છે. તેથી તે સૌ સાથીઓને આવી શાળાઓ સુધી પહોંચવા આહ્વાન કર્યું અને કચ્છ જેવા સાવ ગુજરાતના પશ્ચિમ બાજુની માલીસરાવવાંઢ પ્રાથમિક શાળા મળી આવી, તો બીજી તરફ સાતપુડાની પર્વતમાળાની મધ્ય શોભાયમાન ગોરા પ્રાથમિક શાળા કે જે નર્મદાના પુનર્વસન નિર્માણથી શરૂ થઈ છે, તે પણ નજર સામે આવી. હા, આવી શાળાઓ ઝાકમઝોળ કે વિદ્યાર્થી આંકડામાં લડખડાતી લાગે પણ તેના એ શિક્ષણસાધકોને સલામ કરવી પડે કે તેઓ આવી અલ્પ સુવિધા કે વિદ્યાર્થીઓની વચ્ચે પણ હતોત્સાહિત થયાં વગર સતત એક પલાંઠી વાળીને ધૂણી ધખાવી છે. તેઓ ગુજરાતની આપણી ૩૨૦૦૦થી વધુ પ્રાથમિક શાળાઓને ‘મારું કામ એ જ મારો સંદેશ”ની પંચ લાઈન આપી રહ્યા છે. આ પુસ્તક દ્વારા શાળાશિક્ષણમાં જીવનના સાર્વત્રિક ક્ષેત્રે પિંડ ઘડતરમાં ચાકડાના ટપલાનું કામ કરતી સંસ્થાઓ પર અજવાળું રેખાંકિત કરી સૌને પથદર્શક બનાવવાનો લ્હાવો સંપાદક અને નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્ત રહેતા શ્રી તખુભાઇ સાંડસુરે આપણને આપ્યો છે.

શાળાઓ રાષ્ટ્ર નિર્માણના ચેતનાકેન્દ્ર છે તે વાત લગભગ આ તમામ સંસ્થાઓ પ્રતિપાદિત કરે છે. મહેસાણાની બાલસાસણ અને ભાન્ડુપરા અને દૂધાભાઈની અમીરગઢ તથા વિમલભાઈની જિગર ટુકડો એવી ભાડજ સરકારી શાળા શિક્ષણમાં આશાવાદને ઓક્સિજન આપે છે. તેમના પ્રયોગોની એક પછી એક ચર્ચા કરવા બેસીએ તો લેખ જરૂર કરતાં વધુ લંબાઈ જાય, પણ એટલું જરૂર કહીએ કે ત્યાં જે થાય છે તેને ગુજરાત અનુસરે તો જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષકો દેવદૂત છે.

અહીંની અનુક્રમણિકા જ શાળાની વિશેષતાને આગળ ધરે છે.

  1. સંસ્કાર તીર્થ : શિલ્પ અને શિલ્પકારો…
  2. જીવન અને પ્રકૃતિનું સાધનાતીર્થ : નારાયણ વિદ્યાવિહાર,…
  3. કડીરૂપ કાર્યમાં સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ, કડી…
  4. શિક્ષણ, ધર્મ અને સંસ્કૃતિનું ત્રિમંદિર : ઉ.બુ. વિદ્યાલય સાગોડિયા…
  5. પ્રવૃત્તિઓ અમારો પ્રાણ : ભાવિન વિદ્યાવિહાર…
  6. વિજ્ઞાન અને રમકડાં : બાલસાસણ શાળાની આગવી ઓળખ…
  7. કામથી ઊજળાં અમે : ભાડજ પ્રા.શાળા…
  8. ભાન્ડુપરા પ્રાથમિક શાળાની ‘અનુપમ’ વાત…
  9. મોડલ શાળા : શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા…
  10. ટ્વેન્ટી ફોર બાય સેવન છાત્ર સંગાથી : શ્રી ચારોડિયા પ્રાથમિક શાળા…
  11. નો પ્લાસ્ટિક પ્લીઝ : અમીરગઢ શાળા…
  12. શૂન્યથી સો સુધીની સફર : માલીસરાવાંઢ પ્રા. શાળા…
  13. છાપરાની દીકરીઓનો અવાજ: હમ ભી કહાઁ કમ હૈ…
  14. શ્રેષ્ઠતાના માર્ગે : સદનપુર પ્રાથમિક શાળા…
  15. રાઈનો દાણો નહીં, રોડમેપ ગોરા …

પુસ્તક મેળવીને પણ રસપૂર્વક વાંચી જવા જેવું છે. આપણે તો તેની કેવળ એક ઝલક મેળવી શકીશું.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના વરદ હસ્તે સ્થપાયેલ, શ્રી લાલેશ્વર મહાદેવના સાંનિધ્યમાં તેમજ પવિત્ર એવી સરસ્વતી નદીના તીરે વસેલા સાગોડીયા ગામનાં સીમાડે  બાવળિયાઓનું રાજ. ખારોપાટ એવી ધરા ઉપર સદ્ગુરુ શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબનાં પાવન ચરણો પડતાની સાથે જ આ છેવાડાની ભૂમિ જાણે નવપલ્લિત થઈ.  મહારાજ સાહેબશ્રીએ ઈ.સ.1966 વસંત પંચમીના પવિત્ર દિને આ ધરા  ઉપર એક આશ્રમની શરૂઆત કરી. આ આશ્રમ સ્થાપવા પાછળનો એકમાત્ર  હેતુ શિક્ષણના પ્રસાદ અને આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા છેવાડાના માનવીનો ઉદ્ધાર કરવાની હતી. મહારાજ સાહેબશ્રીના દ્વારા રોપાયેલા આ સંકલ્પ બીજને  હજાર જેટલા ગ્રામજન-સેવકોએ સિંચ્યું અને સર્વમંગલમ આશ્રમ નામે તેને વટવૃક્ષ બનાવ્યું. ગ્રામજનોએ ગુરુદેવના પવિત્ર સંકલ્પને સાકાર કરવા માટે માત્ર સમયનું યોગદાન જ નહીં, પરંતુ પોતાની પાસે રહેલી ભૂમિનો પણ મોટો હિસ્સો ગુરુજીનાં ચરણે ધરી આશ્રમને વિકસાવવામાં ફાળો આપ્યો. ઘણી અગવડો નાણાંની અછત, તેમજ વીજળી-પાણીની તંગી જેવાં અનેક વિઘ્નોને પાર કરતાં-કરતાં આશ્રમ વિકસિત થતો ગયો અને સમયાંતરે દાતાશ્રીઓ દ્વારા આશ્રમને મળેલ દાન દ્વારા ગૌશાળા, વૃદ્ધાશ્રમ, ધ્યાનકેન્દ્ર આત્મ આરાધના કેન્દ્ર શાળા તેમજ વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાજનક હોસ્ટેલનું નિર્માણ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૨૦૦૧માં આવેલા કારમા ભૂકંપ પછી અનાથ બનેલાં કેટલાંય બાળકોને ગુરુજીની સૂચનાથી કચ્છમાંથી સાગોડિયા આશ્રમમાં લાવવામાં આવ્યાં. વિનામૂલ્યે શિક્ષણ, રહેવા-જમવાની સુવિધા તેમજ અન્ય જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડી, ભૂકંપમાં અનાથ થયેલાં બાળકોને માતા-પિતાની છત્રછાયા આશ્રમે જ પૂરી પાડી.

“જીવનજ્યોત જ્ઞાનમંદિર”થી નામાભિધાન થયેલ આ શાળા શ્રીમતી લીલાવતી પોપટલાલ શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સર્વપ્રથમ સંવાહિકા તરીકે શ્રીમતી રમીલાબહેન ગાંધી નિમાયાં અને તેમણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ધાર્મિક કાર્યો તેમજ છાત્રાલયની પ્રવૃત્તિને એવી તે વેગવંતી બનાવી કે તેમનાં કાર્યોની સુવાસ પાટણ સુધી સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતમાં પહોંચી ગઈ. અત્યંત કોઠાસૂઝથી કામ લઈ તેમણે શાળા જ નહીં પરંતુ સર્વમંગલમ આશ્રમને ગૌરવરૂપ બનાવ્યું. સાવ વાડોલિયું કરેલી ત્રણ ચાર પતરાંવાળી ખીટડીમાં આશ્રમ છાત્રાલય અને શાળાનું કામકાજ ચાલે દુવિધા અને સુવિધા જેવાં શબ્દની મથામણમાં પડવાનું જ નહીં. “આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ એવી નેમવાળા તમામ કર્મચારીઓ દ્વારા શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી જ રહી.

શાળાના શિક્ષિકા શ્રી નયનાબહેન સુથાર દ્વારા “અનુપમ કોર્નર’ નામનો એક નવો જ કૉન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં સાત પ્રકારના અનુપમ નોર્મ્સને “ઑલ ઈન વન”  કહી શકાય તેવી રીતે “અનુપમ કોર્નર”માં સમાવિષ્ટ કર્યા છે. આ કોર્નરને ચારેબાજુ નીચે પૈડાં લગાવેલ હોવાથી જ્યાં લઈ જવો હોય ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ રહ્યા એ નોર્મ્સ…

આજનું ગુલાબ  ::જે બાળક ચોખ્ખું-સ્વચ્છ થઈને શાળાએ આવે છે તેને ‘આજનું ગુલાબ’  બનાવી, ગીત ગાઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આજનો દીપક  ::   જે બાળકનો જન્મદિવસ હોય તેને ગીત ગાઈને શુભકામના પાઠવવામાં આવે છે.

રામદુકાન  :: જેમાં શૈક્ષણિક સાધન-સામગ્રીની કિંમત લખેલી જ હોય છે. બાળક જાતે જ કિંમત વાંચી, વસ્તુ લઈ રામદુકાનમાં પૈસા નાખે છે.

ખોયા–પાયા  ::   બાળકને કોઈ પણ વસ્તુ જડે કે પછી જે વસ્તુ પોતાની ન હોય તે આમાં નાખે છે અને જો પોતાની વસ્તુ ખોવાઈ હોય તો  આમાંથી પાછી મેળવી લે છે.

અક્ષયપાત્ર  ::  દરેક ધોરણનાં બાળકો દરરોજ વારાફરતી માચીસની પેટીમાં સમાય તેટલા દાણા લાવી આમાં નાખે છે. પછી તે દાણા શાળામાં રહેલ ચબૂતરા પર નાખવામાં આવે છે.

વાર્તાથી વિચાર   ::  વાર્તાનાં પુસ્તકો મૂકેલાં હોય છે. બાળકને જે પુસ્તક વાંચવું હોય તે પુસ્તક જાતે જ લઈને તેનું વાંચન કરી શકે છે.

અક્ષય પોષણ  ::    જે બાળકનો જન્મદિવસ હોય છે તે બાળક ચોકલેટના બદલે પોતાની યથાશક્તિ મુજબ મગ લાવીને આ પાત્રમાં નાંખે છે. સમયાંતરે તેમાંથી ‘મગચાટ’ અને ‘મગ—ભાત’ બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. બાળકોનો શારીરિક વિકાસ સારો થાય  તે હેતુથી શાળામાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મહિને એકાદ વખત વારાફરતી શિક્ષકો દ્વારા ‘તિથિ ભોજન’ પણ  આપવામાં આવે છે.

( શાળાઓના વિકાસમાં પડતી તકલીફો અને તેને એક બાજુ મૂકીને કેમ એક સુંદર જ્ઞાનવર્ધક પરિસર બનાવી શકાય તેનો સર્વાંગી ચિતાર આપતું આ પુસ્તક મેળવવા માટે મોબાઈલ 9427560366 પર સંપર્ક કરી શકાશે .)