અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.

મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !

આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.

એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.

૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !

૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..

મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.

‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !

મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

માનવસેવાથી જીવસેવા સુધી વિસ્તરેલું ‘સહયોગ’ પરિસર.

જેમણે પાંચ વર્ષ પહેલા પોતાને પંચોતેર વર્ષ થયા ત્યારે સહયોગ પરિસરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ લીધો છે તેવા પ્રાધ્યાપકની નોકરી છોડીને રક્તપિત્તિયાઓની સેવા કરવા ભેખ ધારણ કરનાર  શ્રી સુરેશ સોનીના પડછાયા સમાન ધર્મપત્ની ઈન્દિરાબેન વાત માંડે છે ::

“કોઈ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે, 

કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે.“

“રાત્રે બાર વાગે હોસ્પિટલનો કમ્પાઉન્ડર અમને ભર- ઊંઘમાંથી જગાડે છે. સાહેબ પરાગભાઈને બહુ દર્દ થાય છે. એમને ઇંજેકશન-દવા આપી દઉં ?

ભાવનગરની ઝુંપડપટ્ટીમાં રહેતા રક્તપિત્ત રોગને કારણે સમાજે તિરસ્તકૃત કર્યા છે, તે પરાગભાઈ વર્ષોથી એકલા ત્યાં રહેતા હતા. પગમાં ખૂબ મોટો ઝખમ થવાથી તેમાં કીડા પડયા હતા. જેથી દુર્ગંધ મારતી હતી. ત્યાંના એક ભાઈ એક વર્ષ પહેલા સહયોગમાં મૂકી ગયા હતા. બંને પગે ઝખમ, એક પગ તો સડી ગયેલા. ડ્રેસિંગ કરતા, પણ સારું ન થતા ડોક્ટરે પગ કાપી નાંખ્યો,

ધીમે ધીમે તેમની શારીરિક સ્થિતિ બગડવા માંડી. જેથી તેમને હિંમતનગરની હોસ્પિટલમાં મોકલ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેમને કેન્સર થયું છે. દવા શરૂ કરી. તેમને નવડાવવા પડે, ડ્રેસિંગ કરવાનું, કાને બિલકુલ સાંભળે નહિ. તેમને પુછું-કશું ખાવું છે ? ઈશારાથી સમજાવું, જવાબ આપે નહિ, સંસ્થા તરફથી લીલા નાળિયેર મંગાવીએ.

મને થાય છે કે,ખરેખર, આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ. માંદા પડીએ, હોસપિટલમાં દાખલ થઇએ ત્યારે આપણો સમગ્ર પરિવાર આપણી સેવામાં લાગી જાય છે. રાત-દિવસ એકાદ જણ આપણી પાસે રહે છે. જ્યારે આવા એકલા-અટૂલા પથારીમાં કણસતાં હોય, પાણી પીધું હોય, ટોયલેટ જવું હોય તો તેની મદદ માટે કોઈ ન હોય, વોર્ડબોય હોય તે હાજર ન હોય. એની બાજુના ખાટલામાં એના જેવો જ દર્દી હોય તે શું મદદ કરે. ક્યારેક એવું પણ બન્યું છે ઊંઘમાં દર્દીનું મૃત્યુ થયું હોય અને બાજુવાળાને ખબર પણ ન હોય. એ દર્દીને મરતી વખતે કશી જ વેદના નહીં થઈ હોય ?

શા માટે આ વેદના – આ એકલતા ? આ દર્દી અને આ પીડા ? શા માટે ઇશ્વરનો આવો ભયંકર શાપ ?”

‘અણસાર’માં વર્ષાબેન અડાલજા લખે છે :

“આ વેદના જોઈ લોકોનો અંતરઆત્મા જાગે અને આવા દુ:ખી લોકોને ટેકો કરવા માનવજાત આગળ આવે. વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એધાણી છે.”

“હજુ તો હું  ભગવાનને પ્રાર્થના કરું છું કે, ભગવાન પરાગભાઈને દુઃખમાંથી હવે મુક્તિ આપો. તેમના કર્મોની સજા પૂરી કરો. ત્યાં તો હોસ્પિટલમાંથી વોર્ડ બોય કહેવા આવ્યો. પરાગભાઈ મૃત્યુ પામ્યા છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી કે શું ?

થોડી જ વારમાં તેમની અંતિમ વિધિ માટેની તૈયારી કરાવવા લાગ્યા. તેમના સગાં-વહાલા જે ગણો તે અમારા આશ્રમવાસીઓ, છાત્રાલયના દિકરા-દીકરીઓ, મંદબુદ્ધિવાળા દિકરા-દિકરીઓ. તેમને વિદાય આપવા રામધૂન બોલાવતાં અને જયશ્રીકૃષ્ણ- પ્રણામ કહેતા અંતિમ ધામમાં પ્રયાણ કર્યું. આ લેખ પૂર્ણ કરતાં સ્વપ્ને પણ ખ્યાલ નહોતો પરાગભાઈ દુ:ખમાંથી મુક્તિ પામશે.

તેમની બાજુના ખાટલામાં ચાલીસ વર્ષથી અમારી સાથે રહેતા ફતેસિંહ હાથ-પગના આંગળા વળી ગયેલા, નાક બેસી ગયેલું. પાતળા બાંધાના ગાંધી કુટિરમાં રહેતા હતા. અચાનક કમરમાં અસહ્ય પીડા થતા તેમને હિંમતસર ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં મોકલ્યા. દવા શરૂ કરી. માનસિક-શારીરિક રીતે ભાંગી  પડેલા ફતેસિંહ કોઈ દવા ખાવા – કસરત કરવા તૈયાર નથી. કોણી પર મોટો ઝખમ થવાથી ખૂબ ગંધ મારે છે. પીડાને લીધે સ્નાન કરવાની ના પાડે છે. છતાં એ બે ચાર જણાએ પકડી રાખી નવડાવ્યા. કેટલાય દિવસ ન્હાયા ન્હોતા. મેં પુછ્યું, હવે કેવું લાગે છે તો કહે સારુ, પણ મારે જીવવું નથી. કુલા પર પણ મોટો ઝખમ પડયો છે.

આવા ભાઈ-બેનો મૃત્યુની રાહ જોઈ હોસ્પિટલના બિછાને પડેલા છે. કોઈને કીડનીની, કોઈ કેન્સર, તો કોઈ માનસિક તકલીફથી પીડાતા દર્દીઓની વેદના જોઈ મનમાં થાય છે ભગવાન આવું કોઈને પણ ન આપીશ. આ બધાને જોઈએ છીએ ત્યારે સુરેશને હું પૂછું છું કે આપણું મોત કેવું આવશે ? ત્યારે તે જવાબ આપે છે . પૂ. મોટા, પૂ. રામકૃષ્ણ પરમહંસને પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, તો આપણે કોણ ?”

સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ એટલે ભગવાનની કૃપા.

1988ની ગણેશ ચતુર્થી તા. ચૌદ, સપ્ટેમ્બર ના રોજ વિસ રક્તપીતીઓ અને છ બાળકો સાથે સહયોગ ટ્રસ્ટ શરુ થયું. સર્વોદય આશ્રમ, મઢીના શ્રી રામુભાઇ પટેલે પોતાની બત્રીસ એકર જમીન બિનશરતી દાનમાં આપેલી. સંસ્થામાં 60 સ્ટાફમિત્રો, 44 ગાયો (માંદી, ખોડખાપણ વાળી) વળી અહીં જે આશ્રમવકસીઓ છે તેમાં 285 રક્તપિત્તવાળા લોકો અને તેના કુટુંબીઓ, દિવ્યાંગ 22 લોકો અને તેના કુટુંબીઓ, સામાજિક પ્રશ્નોવાળા 08 લોકો, માનસિક તકલીફવાળા 251 પુરુષો,  માનસિક તકલીફવાળા 178 બહેનો અને 283 રક્તપિત્ત બાળકો થઈને કુલ 1027 આશ્રમવાસીઓનું આ સહયોગ નગર છે.

ગુજરાતમાં જ કેવળ નહીં પરંતુ ભારતભરમાં એક સૂત્ર ફરતું થઈ  ગયું છે કે, “જેનું કોઈ નથી તેનું સહયોગ છે .”

 

મુસ્લિમ દંપતીએ રક્તપિતના હિન્દુ દર્દીને ૨૦ વર્ષ પોતાના ઘેર રાખ્યો !!

માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને  જગાડવાનું ને ઢંઢોળવાનું કામ “સહયોગ” કરે છે.

ન માની શકાય તેવી આ વાત છે. ગમે તે જાતિ, ધર્મ હોય પણ માણસ આખરે તો માણસ છે. ભગવાને બધાને સરખા જ બનાવ્ય  છે, પણ માણસે જ ધર્મ ને જાતિનાં વાડા બનાવ્યા છે.

સાબરકાંઠાનું ઈલોલ ગામ. ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે. હિન્દુ-મુસલમાન પ્રેમથી હળીમળીને રહે છે. ઈલોલના મુસ્લિમ દંપતી નોખી માટીના છે. શ્રી હલીમાબેન અને શ્રી રહેમતુલા ઘણા વર્ષોથી ઈલોલમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ  દિકરી ને એક દિકરો છે.

તેમના ઘરે થોડા ઘણા મંદબુદ્ધિવાળા એક હિન્દુ માનાભાઈ કચરાભાઈ વણકર અવારનવાર આવતો. હલીમાબેન તેને ક્યારેક ચા-નાસ્તો આપતા. માનાભાઈના પરિવારમાં કોઈ હતું નહિ. માતા-પિતા મૃત્યુ પામેલા. એટલે માનાભાઈ હલીમાબેનનો પ્રેમ જોતા ચા માંગે, એમ કરતાં પતિ- પત્નીને તેમના તરફ માયા બંધાઈ. પછી તો તે દરરોજ આવે અને બે ટાઈમ તેમને જમવાનું મળે. આ દંપતીએ વિચાર્યુ કે કાયમ એમને આપણે ત્યાં જ રાખીએ તો કેવું ? અને બાજુના રૂમમાં ખાટલો, ગોદડુ આપી તેમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેઓ કુટુંબના સભ્ય બની ગયા. દિકરીઓ પણ તેમને સાચવતી.

થોડી બુદ્ધિ ઓછી અને ગુસ્સો બહુ. એટલે ક્યારેક સમયસર ચા  ન મળે તો ગુસ્સે થઈ ગાળો બોલે. રહેમતુલ્લાની ભત્રીજી કે બીજા સગા આવે તો કહે “તમે બધા અહીં  કેમ આવ્યા  છો ? ખાવા આવો છો ? જતા રહો.

એકવાર હલીમાબેન કામમાં હતા, જમવાનું આપવામાં મોડું થયું તો તેમને સાવરણી મારી. હલીમાબેન એટલા ભલા અને લાગણીશીલ કે ગુસ્સે થવાને બદલે પ્રેમથી ચા પીવડાવીને ઠંડા પાડયા. આજુબાજુ પાડોશીઓ આ જુવે અને રહેમભાઈ – હલીમાબેનને કહે “તમે શું કામ આ માણસને રાખો છો ? તમારા સગા તો છે નહિ”. ત્યારે તેઓ કહે, “એ બિચારાનું કોઈ નથી, આ તો પ્રેમનો સંબંધ છે, મારો દિકરો આવું  કરે તો હું એને કાઢી મૂકું, કાંઈ  ?”

એકવાર હલીમાબેનની નજર માનાભાઈના હાથ પર પડી. ફોલ્લા પડેલા. દવાખાને લઈ ગયાં. જલ્દી રૂઝાય નહિ. રહેમભાઈ તેમને નવડાવે, કપડા પહેરાવે. તેમણે ચામડીના ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે રક્તપિત્તને કારણે તેમને રૂઝ આવતી નથી. અમદાવાદમાં નારોલમાં રક્તપિત્તની હોસ્પિટલમાં દાખલ કર્યા. દવા શરૂ કરી. થોડા મહિના રહ્યાં. સારૂં થયું. એકલા ઘેર ભાગી આવ્યા. રક્તપિત્ત રોગને કારણે, કુટુંબ-સમાજ, સ્વજનો હડધૂત કરે છે, તિરસ્કૃત કરે છે ત્યારે આ દંપતી તેમને પ્રેમથી રાખે છે. કોઈ પણ જાતના સંબંધ વગર !!

એકવાર પગમાં જખમ થવાથી તેમાં કીડા પડયા. હલીમાબેનની મોટી દિકરીએ દવા નાખી કીડા જાતે કાઢી પાટો બાંધ્યો, અને તે પણ મોઢું  બગાડયા વગર, સૂગ ચડાવ્યા વગર. ચાર વર્ષ પહેલા ક્યાંકથી વૃદ્ધાશ્રમ શરૂ કરવા માનાભાઈને લેવા આવ્યા, આ ભાઈ ઘરડા થશે, તમારી પણ ઉંમર થશે, ત્યારે તમને તકલીફ પડશે, માટે અમે શરૂઆત માનાભાઈથી કરવા માંગીએ છીએ.

માનાભાઈને સમજાવી પટાવીને મોકલ્યા. સવારના ચાર વાગે બારણે ટકોરા સંભળાયા. જોયું તો માનાભાઈને મૂકવા આવનાર ભાઈ કહે, “માનાભાઈ તો એવું કહે છે, તમારા કરતા તો હલીમાબેન સારા, મને રાત્રે ૧૨ વાગે ચા માંગુ તો બનાવી આપે છે. મારે અહિં રહેવું નથી.” આવો નિસ્વાર્થ પ્રેમ આ દંપતી જ કરી શકે. આ માનાભાઈ પાસે કોઈ મિલકત નથી, છતાંય આ દંપતી પ્રેમથી તેમને રાખતા.

એકવાર ગામના મોભીઓએ રહેમતુલ્લાભાઈને કહ્યું, “આપણે મુસલમાન અને ભાઈ હિન્દુ છે. ક્યારેક તેમને કશું થશે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. માટે તમે ગમે ત્યાં મૂકી આવો.” આ સાંભળી દંપતી ગભરાઈ ગયું. જે વ્યક્તિને ૨૦ વર્ષથી પોતાના ઘેર પરિવારનો સભ્ય ગણી રાખ્યો, પ્રેમ આપ્યો, તેમને કોઈ ગુના વગર કાઢી મૂકતા જીવ નહોતો ચાલતો.

ન છૂટકે તેઓ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ચોકડી, હિંમતનગર માં શ્રી સુરેશ સોનીને મળ્યા અને કહ્યું, “માનાભાઈને અમે ૨૦ વર્ષ અમારે ત્યાં રાખ્યા હતા. હવે તમારી સંસ્થામાં કાયમ માટે મૂકવા આવ્યા છીએ. અમે મળવા આવતા રહીશું.” મૂકીને ભારે હૈયે વિદાય થયા. સંસ્થામાં બધાની સાથે રહે છે.

હલીમાબેનની દિકરીને રાજસ્થાન પરણાવી છે, તે રાજસ્થાન જતાં માનાકાકાને મળવા આવી. તેમને માટે નાસ્તો, સ્વેટર વગેરે લાવી, તેણીએ પૂછયું, “કાકા બીજું શું જોઈએ છે ?” તો કહે, મારે પાકિટ જોઈએ છે, “તમારે કેમ જોઈએ છે? તો માનાકાકા કહે, “મને દર મહિને સંસ્થામાંથી ૧૩૦ રૂ. વાપરવા આપે છે. જમવાનું, કપડાં, દવા તો મફત મળે છે. એટલે પૈસા મૂકવા પાકીટ જોઈએ ને ?”

દીકરીએ ફોનથી તેના પપ્પાને જણાવ્યું, “તમે  સહયોગમાં જઈ માનાકાકાને પાકીટ આપી આવજો.” હલીમાબેન- રહેમતુલ્લા તેમના મિત્રની ગાડીમાં આવી સુરેશભાઈને મળ્યા અને બધા માનાભાઈને મળવા ગયા. પાકીટ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપ્યું.

સુરેશભાઈએ તેમના ધર્મપત્ની ઈન્દિરાબેનને  બોલાવીને કહ્યું, “ઇંદિરા, આ કંપનીને મળ. અહિં રહેતા આપણા ઘણાં રક્તપિત્તગ્રસ્તી અને  મંદબુદ્ધિવાળાને કોઈ મળવા આવતું નથી, સગા વ્હાલા હોવા છતાં જ્યારે આ દંપતી લોહીનો સંબંધ ન હોવા છતાં માનવતાના સંબંધે લાગણીભર્યા દિલથી મળવા આવ્યા  છે.

તેમના મુખે આ વાતો સાંભળી હૈયું ગદ્ગદીત થઈ ગયું. આવી ઘટનાઓ માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને  જગાડવાનું, ઢંઢોળવાનું કામ કરે છે. આ દંપતીના હૃદયમાં વસેલા ખુદાને વંદન કરીને એટલું જ કહીએ કે  પરવરદિગાર તેમને સુખી કરે અને એંસી વર્ષની કગારે ઉભેલા સન્યાસી સુરેશ સોની દંપતીને અને  આખા ‘સહયોગ પરિસર’ ને સેવા કરવાનું બળ  આપે.

હિન્દુ યા મુસલમાન, શીખ હૈ  ઈસાઈ હૈ, યા પારસી હૈ  હમ, 

એતબારસે આજસે કહો ઈન્સાન હૈ હમ ઈન્સાન હૈ હમ…

 

પ્રેમ પરિવારના મહાકુંભમાં આનંદનું વાત – સ્નાન !! નીર્ઝરી અને ગૌરવ…

સુષ્મા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં સૌ. ઈલા સાથે શિક્ષિકા અને મારો “નાટક – મિત્ર” પરેશ સરકારમાં લીગલ એડવાઈઝર. સુષ્મા પરેશના પ્રેમ લગ્ન અમારાં ઘરે થયાં. કહો કે, સુષ્માએ અમને બન્નેને કન્યાદાન કરવાનો લ્હાવો આપ્યો.
સુષ્મા+પરેશ વડગામા દંપતીનું પહેલું સંતાન પ્રેમમંદિરે જન્મ્યું. તેને ગળથૂથી પાઈ સૌ. ઈલાએ…તે સંતાનનું પ્રેમમંદિરે નામ રાખ્યું : નીર્ઝરી.
નીર્ઝરી ખૂબ હોંશિયાર, શાંત, પર્યાવરણ પ્રેમી, ટાટા ની સ્કોલરશીપ પર જર્મની જઈ ભણી. પછી ભારત આવીને બેંગલુરુમાં સ્ટાર્ટ અપમાં જોડાઈ. ત્યાંથી ગૌરવ, જૈન પરિવારનો દીકરો મિત્ર બન્યો અને એકાદ વર્ષ પહેલાં જીવનસાથી બન્યો. ગૌરવ હિન્દી બોલે પણ ગુજરાતી ઘણું સમજે. એ બહુ સ્મિત સભર યુવાન. જર્મનીની કંપનીમાં ભારતથી જોબસ્થ છે. બન્ને બેંગલુરુમાં કાર્યરત ને જીવનમસ્ત છે.
હમણાં બન્ને રાજકોટ આવ્યાં અને આજે માઘ પૂર્ણિમા દિને પ્રેમમંદિર પધાર્યાં, સાથે સુષ્મા પરેશ તો હોય જ ને !! ખૂબ વાતો કરી,, વિચિત્ર ભેજાંધરી ટ્રમ્પ થી ભગવદ ગીતા થી ઓશો થી મહાકુંભ સુધીની,,અને પછી ફાફડા – ભાખરી – ચા ને ન્યાય આપ્યો.
યુવા દંપતી પહેલીવાર પ્રેમમંદિર આવ્યું એટલે પ્રેમ પ્રસાદી રૂપે “ૐ ખેસ”, શ્રી ગોવિંદકાકા (સુરત) ની જીવનકથાનું અંગ્રેજી પુસ્તક, લોક કલા ચિત્ર અને મુખવાસ.. દંપતીને અર્પણ કર્યાં. હા, પ્રેમમંદિરના પ્રતિનિધિ રૂપે સુષ્માનાં વરદ હસ્તે જ અર્પણ વિધિ કરી. સુષ્માનું પિયર તો પ્રેમમંદિર જ કહેવાય ને !!!
આજની પૂર્ણિમાની સવાર અમારી ગોષ્ઠિથી યાદગાર બની ગઈ. આમ અમે આજે “પ્રેમ પરિવાર કુંભમાં આનંદનું વાતસ્નાન” કર્યું. એટલે તમને સૌને પણ સહભાગી બનાવ્યા છે.
તો
બોલો, આજકે આનંદ કી જય.

શું કલ્પસર પ્રાંતીય રાજકારણનો ભોગ બનેલ છે ??

કલ્પસરનો વિભાગ સરકારમાં ચાલે છે, તાજેતરમાં જ અપડેટ થયેલ વેબસાઈટ છે, આર્થિક ફાળવણી છે તો પછી યોજના અટકે છે ક્યાં ??

કલ્પસર પરનો પ્રથમ લેખ વાંચીને ઘણા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બહાર આવ્યા, અલબત્ત એ સારી નિશાની છે, કારણ કે હવે ગુજરાતના સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો, સાંસદો, ધારાસભ્યો વગેરે સૌએ કલ્પસર યોજના માટે જાગવાનો  અને સરકારને જગાડવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે નક્કર યોજનાઓને પડતર રાખીશું અને પાણીની કારમી તંગી સહન  કર્યા  કરીશું ??

જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારમાં કલ્પસર વિભાગ ગાંધીનગરના સેક્ટર દસ માં આવેલ નવા સચિવાલયના બ્લોક નંબર આઠના સાતમા મળે  કલ્પસર વિભાગ કાર્યરત છે, તેની વેબ સાઈટ તા. ત્રણ, જાન્યુઆરી, 2025 સુધી અપડેટ થયેલ છે, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર  મોદીએ આ યોજનાનો હવાલો પોતાના પાસે રાખ્યો હતો અને તેઓએ ખુદ કહેલ છે કે રેકોર્ડ સમયમાં આ પ્રકલ્પ  પૂર્ણ કરી સૌરાષ્ટ્રની જળતંગી કાયમ માટે નિવારીશું. હજુ 2024ના સપ્ટેમ્બરની 11મી તારીખે  અમરેલીના પૂર્વ ધારાસભ્યે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી કલ્પસર યોજનાને સત્વરે આગળ  ધપાવવા અને તેમાં અમરેલીને સમાવિષ્ટ કરવા વિનંતી કરે છે. તેમના માટે કલ્પસર એ એક માત્ર બચાવ-આધાર છે કે જે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમ ઉકેલ આપી શકે.

એક વયોવૃદ્ધ જાગૃત વડીલ શ્રી વિનુભાઈ ગાંધીએ કલ્પસર સહયોગ સમિતિ રચીને અટકી પડેલ યોજણાને   યોગ્ય દિશા દેવાના અનેક પ્રયાસો કર્યા છે. અને તેના પરિણામે જ, આ કલ્પસર યોજના અંગે ચિંતા ઉપજાવે તેવા અભ્યાસ લેખ દ્વારા  ફરી શાસકોને ઢંઢોળવા નીકળનાર વયોવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધીની વાતને સમાજ સુધી હું એક શિક્ષક તરીકે પહોંચાડી રહ્યો છું.

એક વાત ઘણા મિત્રોએ ફોનથી કરી કે, સૌરાષ્ટ્રની નેતાગીરી દબાણ લાવવામાં કાચી પડે છે, કારણ તેઓ પોતાના જ ઝઘડામાં વ્યસ્ત છે અથવા કહો કે, તેઓને  અંદરોઅંદર ઝઘડવામાં જ વ્યસ્ત કરી દેવામાં આવેલ છે કે જેથી તેઓ લોકોની સમસ્યાને એક બાજુ મૂકી દે. !! એક અધ્યાપક મિત્રએ તો કટાક્ષ કરીને કહ્યું કે, અત્યારે આ ટ્રેન્ડ છે, પ્રોજેક્ટ મુકો, તેને મંજુર કરાવો, તેના માટે બાજેટ ફાળવો  અને પછી તે પ્રોજેક્ટને ભૂલી જઈને નવો પ્રોજેક્ટ મુકો !!! …પ્રતિભાવો સાંભળીને અને અહીં તેને લખીને બહુ દુઃખ અનુભવાય છે કે, આપણે એક ખોબા જેવડા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત એવા પ્રાંતો માં વહેંચાઈ ગયા છીએ અને તેમાં પ્રાંતવાદ ઉભો કરી રાજ્યની સમસ્યાઓના કાયમી ઉકેલ લાવવાનું ભૂલી જઈએ છીએ.

કલ્પસર યોજનાના મૂલ્યાંકન માટે પ્રત્યક્ષ આવકના સ્રોતની સાથોસાથ પરોક્ષ લાભોથી મળવાપાત્ર આવક પણ લક્ષમાં  લેવી ઘટે, તેવું સંશોધન પુસ્તિકામાં દર્શાવેલ છે.

  1. નવસાધ્ય થનાર ચારેક લાખ હેક્ટર જમીન,
  2. દસ થી બાર લાખ હેકટર જમીનને મળવાપાત્ર સિંચાઈની ફી/ ચાર્જ,
  3. રોજીંદા ૫૦ થી ૬૦ હજાર વાહનોની અવર-જવરનો ટોલ ટેક્સ,
  4. રેલ્વેની લાઈન તથા પાઈપ લાઈનનું ભાડું,
  5. પવન ઉર્જા/સૌરઉર્જાની વીજળી દ્વારા આવક,
  6. લાખો લોકોને રોજગાર/સ્વરોજગારની ઉપલબ્ધિ,
  7. કરોડો રૂપિયાનું વધવાપાત્ર ખેત ઉત્પાદન વગેરે રોકડ આવક તો થશે જ, પણ આ ઉપરાંત…
  8. ૬૬૦ કિલોમીટર લાંબી નહેરને લીધે સર્જાનાર પિયતના વિશિષ્ટ લાભો તેમજ પીવાલાયક પાણી મળવાથી સધાનાર જનઆરોગ્ય,
  9. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે માર્ગવ્યવહારનું ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરનું ઘટતા અંતરને કારણે બચવાપાત્ર ઈંધણ તથા પ્રદુષણ તથા સમય,
  10. દોઢેક કરોડની વસ્તી માટે રહેણાંક,
  11. થોકબંધ નવા ઉદ્યોગોનું નિર્માણ,
  12. મત્સ્યોદ્યોગ પર્યટન અને વહાણવટાનો વિકાસ,
  13. તાપમાનમાં ઘટાડો… જેવા અનેક પરોક્ષ લાભો સ્વરૂપ વળતર પણ મળવાનું જ છે.

આમ ગમે એટલુ મૂડીરોકાણ કરવામાં આવે તો પણ રોકડ આવકથી વ્યાજ અને હપ્તા ચૂકવી શકાશે, તેમજ સરકારની અને લોકોની આવક વધવાથી મળવાપાત્ર મૂડીથી સરવાળે ૧૨ થી ૧૫ વર્ષના ટૂંકા ગાળામાં સમુળગુ મૂડીરોકાણ પરત મેળવી શકાશે. ખાત્રીબંધ કહી શકાય કે કલ્પસર પ્રોજેકટ ક્યારેય એન.પી.એ.ના ઢગલામાં ઉમેરો નહી કરે. તેમજ કદાપી વિદેશગમન પણ નહી કરે. જેથી આ યોજના ઈકોનોમીકલી વાયેબલ તેમજ બેંકેબલ હોવા ઉપરાંત પાંચેક સદીની જળસુરક્ષા બક્ષે છે.

કેવળ ગુજરાતની જ વાત કરીએ તો કયા કયા ફાયદાઓ અહીં  ગણાવેલ  છે તે જોઈએ તો…

  • કલ્પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્તારને સ્પર્શે છે.
  • કોઈ આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તકરાર સર્જાય તેમ નથી.
  • કોઈની જમીન સંપાદન થતી નથી તેમજ કોઈનું સ્થળાંતર થતું નથી.
  • જળસંકટગ્રસ્ત વિસ્તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઈ તેમજ પીવા માટે દશ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે.
  • મધ્ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઈંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે.
  • બધી મળીને ચારેક લાખ હેક્ટર ખારાપાટની અને ડૂબવાળી જમીન વાપરવા લાયક બનશે.
  • સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્તા ઉપરાંત રેલ્વે, પાઈપ લાઈન, પવન ઉર્જા, સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
  • વહાણવટુ, પર્યટન, મત્સ્યોદ્યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે.
  • પશુધન માટે પૂરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થવાથી પશુપાલનને વેગ મળશે.
  • ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી – ઓટજન્ય વિજળી કાંઈ બળતણ વગર અપસાઈડ ડાઉન અંડરવોટર વીન્ડમીલની અદ્યતન ટેકનોલોજીથી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકાશે.
  • ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસ પ્લોટ તથા બિનદૂધાળ, વૃદ્ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્લાન્ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુક્ત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી. અને વિજળી મળતા થશે.
  • નદીઓમાં ભરતીનું ખારું પાણી ભરાતુ બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે. વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે.
  • ખંભાત ધોલેરા ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શક્ય બનશે.
  • કલ્પસર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્ય પણ ભાગીદાર હોવાથી રાજ્યની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્યે જતું જાહેર દેવું ભરવા માટે આ આવકનો ઉપયોગ શક્ય બનવાથી રાજ્ય ક્રમશઃ ઋણમુક્ત બની શકશે.
  • ચોમાસામાં સરોવરની મહત્તમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્છના સૂરજબારી થઈને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકૂળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઈ શકાશે.
  • ગુજરાત ભારતનું પૂરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્વનિર્ભર રાજ્ય બનશે. સમસ્ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલિત તેમજ સર્વાંગી વિકાસ શક્ય બનશે.

અંતરના ઘટાડાની અંદાજીત વિગતો જોઈએ તો..

  1. ભાવનગર થી સુરત::હાલનું અંતર કી.મી.478 ::આશરે ઘટાડો 343 કી.મી.::ઘટ્યા પછીનું અંતર 125
  2. રાજકોટ થી સુરત:: હાલનું અંતર કી.મી. 450:: આશરે ઘટાડો 175::ઘટ્યા પછીનું અંતર 275
  3. પોરબંદર થી સુરત:: હાલનું અંતર 650 કી.મી.::આશરે ઘટાડો 200 કિમિ :: ઘટ્યા પછીનું અંતર            450
  4. અમરેલી થી સુરત::હાલનું અંતર 550 કી.મી:: આશરે ઘટાડો 300:: ઘટ્યા પછીનું અંતર 250
  5. જામનગર થી સુરત::હાલનું અંતર કી.મી::550::આશરે ઘટાડો 150::ઘટ્યા પછીનું અંતર 400
  6. જૂનાગઢ થી સુરત:: હાલનું અંતર કી.મી 550:: આશરે ઘટાડો 200::ઘટ્યા પછીનું અંતર  350

હવે એ જાણીએ કે, કલ્પસર પ્રોજેક્ટને લગતી કામગીરી હાલ કેટલે પહોંચી છે ?

  1. મુખ્ય ૫૬ કામગીરીઓ પૈકી ૨૪ પૂર્ણ થવાના આખરી તબક્કામાં છે,
  2. ૧૩ કામગીરી શરૂ કરવાની મંજૂરીના છેલ્લા તબક્કામાં છે,
  3. ૧૦ કામગીરી આયોજનની કક્ષાએ છે અને
  4. ૯ કામગીરી નિતીવિષયક બાબતની છે. જેમાં ભાડભૂત બેરેજને લગતી તમામ કામગીરી ૨૦૧૨માં પૂર્ણ થઈ ગઈ છે.
  5. બેરેજની યોજના અલગ હોવાં છતાં દહેજ સુધીની ૩૨ કિલોમીટર લાંબી અને પૂરતી પહોળાઈની ઉંડાઈની કેનાલને લગતી કામગીરી ૨૦૧૮ સુધીમાં પણ શરૂ થઈ જણાતી નથી.
  6. ૨૦૧૮-૧૯ ના ગુજરાત રાજ્યના બજેટમાં પ્રથમ વખત જળસંપત્તિ કલ્પસર વિભાગને રૂા. ૧૪,૮૯૫ કરોડ જેટલી રકમ ફાળવેલ છે, જે તો છાંટણાં જેટલી જ હતી.

પ્રશ્ન એ રહે છે કે, આ યોજના અંગેનું ખરેખર શું આયોજન છે?.

વિશ્વરાષ્ટ્રસંઘ (યુનો)ની ચેતવણી અનુસાર ૨૦૫૦ના અરસામાં વિશ્વના ઘણાં વિસ્તારો જળસંકટની સમસ્યાનો સચોટ ઉકેલ નહીં કરે તો વિકટ જળકટોકટીનો ભોગ બનશે. જેથી કુદરતી બક્ષીસ સ્વરૂપ ખંભાતના અખાતનો સવેળા જળસંગ્રહ માટે ઉપયોગ કરીને જરૂર પડ્યે ભારત જળદાતા બનીને પોતે ઉગરે અને અન્યોને પણ ઉગારે તેવી ક્ષમતા ભારત ધરાવે છે.

(કલ્પસર સહયોગ સમિતિ દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શન સમાજના કોઈપણ રસ ધરાવનારને આપવા સમિતિ તત્પર છે::

સંપર્ક: વિનુભાઈ ગાંધી, ભાવનગર  0278 2427166 :: દિલીપભાઈ સખીયા, રાજકોટ 94272 07868:: સિદ્ધાંત વેકરીયા, સુરત 9377728822 )