‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે’

“મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. આ સરસ્વતી દેવીએ મને સાચવી લીધો છે ત્યારે હવે મારાથી એનું અહિત ન કરાય.” પદ્મશ્રી લોકગાયક શ્રી ભીખુદાન ગઢવી.

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

જેમણે  જીંદગીમાં  સ્ટેજ ઉપર કાર્યક્રમો આપવા સિવાય બીજું કશું જ કર્યું ન હોય એટલે કે જે બહુ જ નાની ઉંમરથી આપણા લોક સાહિત્યને પીરસવા માટે જાહેર કાર્યક્રમો આપવાના સ્ટેજ ઉપર જ રહ્યા હોય, અને જેના પ્રસ્તુતિના અસંખ્ય ચાહકો હોય એવો કોઈ સિદ્ધ હસ્તકલાકાર જયારે  એવું જાહેર કરે કે, ‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે‘ ત્યારે આપણને સુખદ આંચકો લાગે છે.

આંચકો એટલા માટે કે આ કલાકારને ભારત સરકારે ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું, અને તેમની જીભેથી સરસ્વતી એવી રીતે વહે કે, લોકસાહિત્યના કોઈપણ સ્વરૂપો હોય તેમાં એમની એક પ્રકારની ઓળખ સમગ્ર સમાજમાં ભારતમાં અને ભારતની બહાર જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વ્યાપી ગઈ હોય ત્યારે એમ કહે કે,  હવે ઘણું થયું, હવે હું કોઈ કાર્યક્રમ નહીં કરું ત્યારે આંચકો ચોક્કસ લાગે,  પણ સુખદ એટલા માટે લાગે કે આવા કલાકારે જે વાત રજૂ કરીને પોતાની સ્ટેજ ઉપરથી નિવૃત્તિ ઘોષિત કરી હોય તે વાતને સમજીએ તો આપણને આંચકો સુખદ લાગે.

આ વ્યક્તિત્વ ગુજરાતનું, ગુજરાતીઓનું, સાહિત્યનું, લોકસાહિત્યનું, ભક્તિ સંગીતનું, બહુ મુઠ્ઠીઉંચેરૂં નામ છે. અને સૌ તેને ‘ભીખુદાન ગઢવી‘ કહીને ઓળખે છે. ભીખુદાન ગઢવીની એક મોટામાં મોટી ખાસિયત એ છે કે,  કોઈપણ લોકસાહિત્યનાં ડાયરામાં તમે એમને માઈક સોંપો એટલે ડાયરો સર્વાંગ સંપૂર્ણ થઈ જાય. કેવી રીતે?, એ ડાયરાના બધા જ સ્વરૂપો ઉપર એક સરખી પકડ ધરાવે છે. ભીખુદાનભાઈ લોકવાર્તા રજૂ કરે તો શૌર્ય આપણામાં રોપી  શકે અને ક્યારેક આપણી આંખમાંથી પાણી વરસતા કરી શકે. ભીખુદાનભાઈ દુહા-છંદ લલકારે ત્યારે લોક સાહિત્યનો સાચો પરિચય આપણને કરાવી શકે. ભીખુદાનભાઈ લોકગીત રજૂ કરે કે બીજી કશી વાત મંચ ઉપરથી કરે ત્યારે આપણને ભર્યા ભર્યા કરી દઈ શકે. લોક સાહિત્યનું એક પણ રૂપ એવું નથી કે જે રૂપ ભીખુદાન ગઢવી પોતે સિદ્ધ હસ્ત રીતે રજૂ ન કરી શકે. લગભગ-લગભગ 55-60 વર્ષથી તેઓ તખતા ઉપર છે, અને તેઓએ ડાયરો અથવા ભજન અથવા લોકગીત અથવા લોકવાર્તા વગેરે સિવાય કશું કર્યું જ સેવ્યું નથી. આપ કલ્પના કરી શકો કે,  કોઈ વ્યક્તિ ક્યારે આટલી ઉંચાઈ ઉપર પહોંચે,  જ્યારે એમની પ્રસ્તુતિ એ સાધના બની જાય. અને એ સાધના એ કલાકારને ખરેખર ઉપર લઈ આવે છે. ડાયરો છે એટલે ગાવું કે ડાયરો છે એટલે કશીક  રજૂઆત કરવી એમ નહીં, સામાન્ય સંવાદમાં પણ વાત કરતા-કરતા ભીખુદાનભાઈ તમને સરસ્વતીના એક એવા રૂપના દર્શન કરાવે કે,  જે આપણા માટે અદ્વિતીય હોય.

ભીખુદાનભાઈએ માતાજીના એક મંદિરમાં ડાયરો રજૂ કરતી વખતે માતાજીની હાજરીમાં એવું જાહેર કર્યું કે,  આ મારો છેલ્લો ડાયરો છે અને હવેથી હું કોઈ સ્ટેજના ડાયરાના પ્રોગ્રામ નહીં કરું. એમના સાથી કલાકારોની હાજરીમાં એમણે આ ઘોષણા કરી. તેમનો જે મૂડ છે અથવા એમનો જે ખ્યાલ છે એ આ ઘોષણા પાછળનો જાણવા જેવો છે. મારી સાથે ભીખુદાન ભાઈને 35 થી 40  વર્ષનો સંબંધ છે, સંબંધના કારણોમાં સાહિત્ય છે, સ્ટેજ ઉપરની પ્રસ્તુતિ છે, પ્રિય શ્રી મોરારીબાપુનો સેતુબંધ  છે, અને અનેક રીતે તેઓની સાથે સંવાદ કરવાનો મને લ્હાવો મળતો રહ્યો છે.

‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અમદાવાદમાં ‘અસ્મિતા વિશેષ’ સંવાદના શીર્ષક હેઠળ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એમના જીવનની યાત્રા અંગે મેં બે કલાકનો દીર્ઘ સંવાદ પણ કર્યો છે. તેમાં તેઓએ પોતાની જીવની  એટલી રસપ્રદ રીતે કહી છે કે, ન પૂછો વાત. “ડાયરો હવે નહીં કરું”,  એમ કહેનાર ભીખુદાનભાઈને અભિનંદન સાથે કારણ પૂછવાનું  મને મન થયું. હમણાં  જ નડિયાદની બાપુની કથા દરમ્યાન તેઓશ્રી સાથે નિરાંતની એકલી પળોમાં તેઓ સાથે અંગત ગોષ્ઠી કરી અને પુચ્છ્યું કે,  કઈ ક્ષણે એમ લાગ્યું કે,  ‘ચાલો હવે આપણે વિરામ લઈએ..’ ત્યારે જે વાત ભીખુદાનભાઈએ કહી તે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે કહ્યું, “ભદ્રાયુભાઈ 80 વર્ષની નજીક પહોંચ્યો છું. અને નહીં નહીંતો છેલ્લા છ, સાડા છ દસકાથી મને આ કલાએ સાચવી લીધો છે. મારી જીભ ઉપરથી સરસ્વતી દેવીએ જરૂરી શબ્દો વહેતા મૂક્યા છે. મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. અને એમણે મને આવડો મોટો બનાવ્યો છે. પણ હવે વધતી જતી ઉંમરે હું જોઈ રહ્યો છું કે ક્યારેક જોઈતો હોય તે શબ્દ મળતો નથી. ક્યારેક જે શબ્દ મૂકું છું તે મૂક્યા પછી લાગે છે કે આ બરાબર નહોતો, તો પછી હવે મારે મારી આ દેવીને વિરામ આપવો જોઈએ અને  આભાર સાથે વિરામ આપવો જોઈએ  કે  આટલા વર્ષો એણે  મને સાચવ્યો, હવે મારાથી એનું અહિત ન કરાય. મારે એનું ઋણ અદા કરવું પડે કે એકમાત્ર સ્ટેજનાં પ્રોગ્રામ ઉપર જેણે જીંદગી કાઢી હોય એવો હું કલાકાર એ વાણી દેવીને લઈને  થયો છે અને હવે જો હું ખેંચું તો હું મારી એ દેવીને વધુ તકલીફ આપી રહ્યો છું એવું મને લાગ્યું છે,  એટલે મેં આ નિર્ણય લીધો છે.”

ભીખુદાનભાઈને થોડા વર્ષો પહેલા પદ્મશ્રી પણ મળી ગયું છે, ગૌરવ પુરષ્કારો અને અનેક સન્માનો મળ્યાં  છે. વિશ્વનાં અનેક દેશોમાં ભીખુદાનભાઈ આજે પણ જાય તો લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અમે પ્રિય બાપુની સાથે વિદેશયાત્રામાં ભીખુદાનભાઈ સાથે રહ્યા છીએ અને એવું જોયું છે કે,   એરપોર્ટ ઉપર અમારી સાથે બે વ્યક્તિ હોય તો એની આજુબાજુ યુવાનો-યુવતીઓ, વૃદ્ધો, વડીલો બધા ઘેરો વળીને ઊભા રહે અને એમની સાથે ફોટો ખેંચાવે. એ બે વ્યક્તિમાં એક શ્રી શાહબુદ્દીન રાઠોડ અને બીજા શ્રી ભીખુદાનભાઈ ગઢવી !!  ભીખુદાનભાઈએ ખરે સમયે પોતાના કૌશલ્યની દેવીને પ્રણામ કરીને આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે તેને હું ભારત દેશ માટે અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ગણાવું છું. અને પ્રાર્થના પણ કરું છું કે તેઓની આ સૂચક નિર્ણયની વાતને ઘણા બધા લોકો અનુસરે. મને એ વાત હમણાં જ નડિયાદ ખાતેના સંવાદ દરમિયાન ભીખુદાનભાઈએ કહી કે,  “જ્યાં જવું હશે ત્યાં હું મળવા-હળવા જઈશ, પણ કાર્યક્રમ હવે નહીં કરું. સ્ટેજ ઉપર હવે લોક ડાયરો, લોકસાહિત્ય રજૂ નહીં કરું.”

આ કલાકારની ઊંચાઈ કેવી રીતે  આવી હશે તે જાણવા જેવું છે. એમની સાથેના દીર્ઘ સંવાદમાં એક વાત ખૂબ સરસ ભીખુદાન ભાઈએ મૂકી હતી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે,  ‘તમે વિવિધતામાં બહુ માનો છો, તમે એક ડાયરામાં રજૂ કર્યું હોય એ બીજા ડાયરામાં રીપીટ નથી કરતા. આવું કેવી રીતે શક્ય બને છે?’  ત્યારે એણે સુંદર વાત કરી. એમણે કહ્યું કે,  “ હું નાનપણથી જ્યારથી સ્ટેજ ઉપર ગયો ત્યારથી મેં એક  ટેવ રાખી છે કે,  જે ડાયરામાં જઈને આવું એને બીજે દિવસે ત્યાં જે પ્રસ્તુત કર્યું હોય તેની એક-એક લીટી લખી લઉં. કયું  લોકગીત ગાયું, કઈ લોકવાર્તા કહી, કઈ જોક કહી, આ બધું લખી લઉં અને એની ઉપર એ ગામનું નામ અને તારીખ લખી લઉં. પછી એ ગામમાં હું બે મહિને પાછો જાઉં કે વર્ષે પછી  જાઉં ત્યારે આગલું પાનું ખોલું અને જોઈ જાઉં કે,  આ વિગત આજે ફરી ન કહેવાવી જોઈએ.” આ કેટલી મોટી ચાયતનો વિષય છે, કેટલી મોટી કાળજી લેવાનો વિષય છે, એટલે મને એમ લાગે છે કે,  જેની પાસે ડિગ્રીઓ હોય  કે કોઈ ઉપાધિઓ હોય કે  યુનિવર્સિટીના મોટા-મોટા શિક્ષણ હોય એવું કશું જ નથી છતાં પણ જે માણસ આજે કલા  કૌશલ્યને કારણે નામ મોટું કરીને જીવતો હોય એ વ્યક્તિ બરાબર ખરા સમયે રંગમંચના પગથિયાં હસતા-હસતા આદર સાથે ઉતરી જાય તે એક વિરલ ઘટના છે. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી ભીખુદાનભાઈ ભદ્રાયુષ્ય મેળવે અને આપણી વચ્ચે અંગત એવી બેઠકોમાં આવીને પોતાના જીવનની વાતો આપણને કરીને રળિયાત બનાવે. ખમ્મા, બાપ, ખમ્મા. 

 

“સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે.”

‘પૂર્ણતાને પંથે’ પુસ્તકમાં  જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છે,  પણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ  પૂજ્ય રામદુલારે બાપુનું છે.

‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.

બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’  તેઓ બોલ્યા, “પણ મારું  દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા?, ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.

તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘ jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન  વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.

મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.

આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ,ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું  જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર એ પૂર્ણતાનો ઇન્કાર છે.

આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા  ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં  છે.

પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે.જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે.જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.

શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે,  તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ  શકે તેમ છે.

ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ  ખોજી શકે તેમ છે.

 

‘આને અંજલિ કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’

‘પૂર્ણતાને પંથે સંકેત‘…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન

સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે ‘પૂર્ણતાને પંથે સંકેત‘. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના  ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છે ‘વાત પૂર્ણતાના પંથેની‘. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું  હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમને જીવન વિતાવ્યું તે મહાન સાધક.

પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના, રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાયકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી  ગયા અને એકલા બાપુ રહી ગયા !!.

1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’  બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’  બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’

…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર  તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો  ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. રીવાઈલ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું ‘પૂર્ણતાને પંથે‘. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય  એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’  ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી  કંઈક લખતા જાઓ.લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી.  બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.

એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા.પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’  જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે, ‘આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું  અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)

 

મળી માતૃભાષા મને ગુજરાતી

   
વાતો બહુ કરી, ભાષણો બહુ કર્યાં, જથ્થાબંધ કાર્યક્રમો ઘણા કર્યા. હવે માતૃભાષાનું ગૌરવ થાય તેવાં અભિયાન ચલાવીએ.
પ્રિય મોરારીબાપુ કહે છે તેમ હવે, વિશ્વ માતૃભાષા દિવસને કેવળ વચનાત્મક ન રાખતાં રચનાત્મક બનાવીએ. એક વર્ષમાં,
સવા લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટ્યા છે !! ગુજરાતી માધ્યમની એકાદી ઉત્તમ શાળા સમ ખાવા પૂરતી ગુજરાતમાં નથી !!
આવો, નક્કર કામ કરીએ. માતૃભાષા અભિયાને જાહેર હિતની અરજી કરી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ધોરણ આઠ સુધી ગુજરાતી ફરજયાત ભણાવવું તેવી ફરજ પાડી. સ્વરસેતુ ના શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ ૩૫ શાળાઓના ૨૮૦૦૦ વિદ્યાર્થીઓ ને “વટ થી ગુજરાતી” ના વિશેષ કાર્યક્રમ દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો..
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદે અનેક યુનિ ઓનાં ભવનો કરતાં અનેકગણું ગુણ સભર જ્ઞાનાત્મક કાર્ય કર્યું છે. પણ ભાષાના ક્રિયાત્મક પાસાં ને અભિયાન કે મૂવમેન્ટ તરીકે ઉપાડી લેવાનો હવે સમય આવ્યો છે.
વડીલ શ્રી બોરીસાગરસાહેબ ની નિશ્રામાં નક્કર અને થઈ શકે તેવી વાતો કરવાનો આનંદ થયો.
ભદ્રાયુ

“….કોઈ નટુને મારશો નહીં….”

સુરેશ સોની ને હવે સૌ કોઈ ઓળખે  છે કારણ કે હમણાં છવીશ, જાન્યુઆરીએ ભારત સરકાર તરફથી તેઓને “પદ્મશ્રી” સન્માન આપવાની ઘોષણા થઈ  છે.  સુરેશ સોની એટલે સહયોગ કુષ્ટ યજ્ઞ નગર,  હિંમતનગર શામળાજી હાઈવે, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા-૩૮૩૨૩૬ ફોન : (૦૨૭૭૨) ૨૫૪૩૩૭

પણ આ સુરેશ સોનીનો અડીખમ ટેકો તે શ્રીમતી ઇન્દિરા સુરેશ સોની. પત્ની માટે વપરાતો એક ઉત્તમ શબ્દ તે “સહ ધર્મચારિણી”, આ શબ્દના અર્થને ચરિતાર્થ કરે છે શ્રીમતી ઈન્દિરા સોની. આપણે આ દંપતીનો પરિચય પછીથી મેળવીશું પણ આજે ઈન્દિરાબેન પાસેથી  એ જાણીએ કે, સેવાનો મારગ કેટલી કસોટીઓ કરે છે !!

સુરેશભાઈ સોનીનાં સહ ધર્મચારિણીની વાત એકાગ્ર થઈને જાણીએ…

“ઓગસ્ટ, ૧૯૯૫ થી અહીં વણાટનું કામ કરતા રક્તપિત્તગ્રસ્ત નટુ માંગલાએ સુરેશને કહ્યું કે ‘મહેનતાણું વધારો’, તેમણે કહ્યું કે, ‘ગણતરી કરીશું પછી સંસ્થા પ્રમુખશ્રી મુરબ્બી  ઈન્દુભાઈ સાથે ચર્ચા કરીશું,’ પણ તેને ધીરજ ન રહી. એક દિવસ  સવારે ઓફિસમાં, નીચે બેસી કામ કરતા સુરેશ પર, ચૂપચાપ આવી નટુએ એના પાકિટમાંથી પારિયું કાઢી કપાળ પર ઘા કર્યો, લોહીનો ફુવારો ઊડ્યો, ચશ્માં પડી ગયાં, કુદરતી રીતે સુરેશનો ડાબો હાથ ઊંચો થઈ ગયો. કોણી પર બીજો ફટકો મારી, પારિયું વીઝતો બહાર નીકળીને  બોલ્યો:  “સુરેશ સોની મરી ગયો.” આ સાંભળી બાજુની રૂમમાંથી સ્ટાફના મિત્રો દોડયા. નટુ તેઓને મારવા દોડયો. તેઓ ગભરાઈને ભાગ્યા. પટાવાળાએ ઘંટ વગાડવા માંડયો, લોકો પકડવા દોડયા, સ્ટાફના – મિત્રો ઓફિસમાં ગાદી પર પાથરેલી ચાદર કાઢી માથે હાથે લપેટવા માંડયા. ચાદર-કપડાં લોહીથી લથબથ હતાં.

એમ્બ્યુલન્સમાં સુરેશ જાતે બેઠા અને બધાને સ્પષ્ટ સૂચના આપી કે,  કોઈ તેને મારશો નહિ. ખેતરમાંથી નટુને પકડી લાવી રૂમમાં પૂરી દીધો, વડોદરા હોસ્પિટલમાં ઓળખીતા ડોક્ટર મળી ગયા. સુરેશને જોતાં જ સ્ટ્રેચર મંગાવી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા.

હું દીકરી પારૂલને મૂકવા વડોદરા સ્કૂલમાં ગઈ હતી. સુરેશે સ્ટાફનાં બહેનને કહ્યું, ઇન્દિરાને જણાવો. હું હોસ્પિટલમાં આવી. સ્ટ્રેચર પર સુરેશને સુવાડેલા – પાટા બાંધેલા જોયા, હું રડવા લાગી. “તમને કોણ માર્યા ?” તો હસીને કહે, “જો તને દાઢી નહોતી ગમતી ને ! માથાના – દાઢીના વાળ સફાચટ થઈ ગયા ને !”

સાંજના ૫ થી ૮ ઓપરેશન ચાલ્યું. લોહીના-ગ્લુકોઝના બોટલ ચાલુ હતા. કપાળમાં ૨૬ ટાંકા અને હાથમાં સળિયો નાખવો પડયો. ભાનમાં આવ્યા, એટલે સ્ટાફને શ્રમમંદિર મોકલી જાણ કરાવી કે,  ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. માટે સવારથી શરૂ કરેલી ધૂન બંધ કરાવી બધાને જમાડો, સવારથી કોઈએ કશું જ ખાધું નહોતું.

બીજા દિવસે સહયોગના દર્દીઓએ હઠ પકડી કે,  અમારે તો સુરેશભાઈને જોવા છે, જેથી વારાફરતી ટ્રેક્ટરમાં સમાય તેટલાને લાવવાનું શરૂ કર્યું. દરેક જણ પગે લાગી, માથે હાથ ફેરવી આંખમાં આંસુ સાથે આશીર્વાદ આપી વિદાય થતા. છાપામાં આ બનાવના સમાસાર વાંચીને કોઈ ફળા હાર, તો કોઈ નાળિયેર, કોઈ પૈસા લઈને આવતા જ ગયા, આવતા જ ગયા…ગામે ગામથી શુભેચ્છક મિત્રો, અનેકવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, ટેક્નોલોજી ફેકલ્ટીના ૧૨ વર્ષ દરમિયાન ભણાવેલ વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, આર્થિક મદદ માટે આગ્રહ કરતા હતા, હું બે હાથ જોડી સૌને કહેતી, “ટ્રસ્ટ બધો જ ખર્ચ કરે છે, જરૂર નથી.” જે પણ આવતા સૌની આંખમાંથી અમે અશ્રુરૂપે વહેતો પ્રેમ નિહાળ્યો છે. ખભે હાથ મૂકી આશ્વાસન, શુભેચ્છા પાઠવતા હતા.

અમારા ગુરુ પૂ. શ્રી સંતરામ મહારાજ, પૂ. શ્રી નારાયણદાસ મહારાજે પૈસા લઈને એમના ભક્તોને મોકલ્યા: વડોદરા સંતરામ મંદિરના પૂ. શ્રી ભરતદાસજી દરરોજ આવે. દૂધ, નાસ્તો, જમવાનું મોકલે. હું કહું કે “ટિફિન  સુરેશભાઈના ભાઈને ત્યાંથી આવે છે.” તો કહે, જે કોઈ પણ આવે, તેમને પ્રસાદરૂપે જમાડજો. નર્સો અને વોર્ડના દર્દીઓ પૂછે કે આ ભાઈ છે કોણ ? જે આવે તે એના  પગે પડે છે, રડે છે, પ્રાર્થના-ભજન-ધૂન ગાય છે. બધા અહોભાવથી જોતા રહે, નડિયાદ હરિ ૐ આશ્રમના પૂ. શ્રી નંદુભાઈએ પૈસા મોકલ્યા. સારા થયા પછી તેમને પગે લાગવા ગયા, પાછા આપ્યા, ત્યારે તેમની આંખમાંથી આંસુ આવ્યાં. “સુરેશભાઈ, તમે મારા પૈસા વાપર્યા નહિ ?” આ અમારા પ્રત્યેનો એમનો સ્નેહાદર. આ બનાવ ન બન્યો હોત તો આટલા બધા સંતો-સ્વજનો અમને લાગણીસભર હૃદયથી ચાહે છે તેની ખબર ન પડી હોત !

જીવનમાં જરાક છોડયું તો કેટલું બધું અમને મળ્યું ! સંતોના – ઈશ્વરના આશીવાઁદ સતત મળતા રહે છે. આજે પણ તે દિવસ યાદ કરું છું,  ત્યારે ભગવાન પરની શ્રદ્ધા વધતી જાય છે. દર્દીઓનો અઢળક પ્રેમ, તેમણે કરેલી સાચા હૃદયની પ્રાર્થનાએ જ સુરેશને નવું જીવન બક્ષ્યું છે.”

ખરો સમાજસેવક સમાજ માટે કામ કરતો હોવાથી વ્યક્તિગત સંપત્તિ ભેગી કરવા તરફ ધ્યાન આપતો નથી. બારડોલીની સુરુચિ સંસ્થાના સ્વ. મોહનભાઈ પરીખ કહેતા હતા કે,  “આપણે સમાજની એક વિશાળ બેંકમાં સેવા દ્વારા જે કંઈ ડિપોઝીટ કરીએ છીએ તેનું વળતર મળી જ રહેતું હોય છે. હા, તેટલી ધીરજ ધરવી પડે, શ્રદ્ધા રાખવી પડે.”