“ઠાવકી સ્વસ્થતા એ ડો’કાકાનું ખાસ લક્ષણ હતું.”

“ડો’કાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં   અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા નહીં !!’ શ્રી યુ. એન. ઢેબર.

એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને  આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.

એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી,  પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી.  યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર  કરીને જણાવ્યું કે,  “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન  વિદ્યાશાખાનો જ વિષય છે,  છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”

વધુમાં તેમણે કહ્યું કે,  હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન  વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે,  વિગત આવી છે,  શું કરવું તે વિચારીને મને કહેજો .

અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી,  ‘ડોલરકાકા,  મેં બધી રીતે એ બાબત ચકાસી  જોઈ અને મને લાગે છે કે,  ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે,  જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય.  આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા  75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.

લોકભારતી વિદ્યાપીઠ,  સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી.  એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક  વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે.  આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે,  લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક  પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે,  આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ  થવાની જરૂર ન હોવી જોઈએ,  પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.

આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા  અન્યને તેના માટે સૂચના આપતા.  છાત્રાલય જીવન ઉપર તેમણે  અનેક પ્રયોગો કર્યા.  પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે,  ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે,  જમીને પોતાના વાસણ પોતે સાફ કરે,  કચરા કાઢે,  જાજરૂ અને મુતરડીઓ  સાફ  કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે.  ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું  ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા.  સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ  આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે,  “સંસ્થા શુદ્ધિ  માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)

એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા   રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ  ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે  છે::

“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :

એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો  Prejudice- પૂર્વગ્રહ.

શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.

૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.

ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.

એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એ એમનું ખાસ લક્ષણ હતું.”

સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ  આવશે કે,  આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!

“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ.  પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે,  હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું  પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.

સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ?  બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ?  કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!!  18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ  બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ  કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”

આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.

# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ  ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ…) 

 

ઉત્તમ સાહિત્ય અને ક્લાસિક ચિત્રોના સર્જક શ્રી ગુલામ મોહમ્મદ શેખ

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.

કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.

શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.

શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.

“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું  કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !

મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!

મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’

પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.

**

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

સારાભાઈ પરિવારનું બોલ્ડ, સુસ્પષ્ટ, પરંપરા સંરક્ષક વ્યક્તિત્વ

શ્રી મલ્લિકા સારાભાઈ : ભારતીય સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે પરંપરા જાળવીને વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે !

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતાં હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યાં છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યાં છે. શ્રી મલ્લિકા સારાભાઈ પોતાના જીવનનાં પરિમાણો વિશે કહે છે કે,

‘જિંદગીમાં ઉતારચડાવ બહુ આવ્યા. પહેલાં હંમેશાં લોકો પૂછતા કે, તને શું દબાવ છે ? તારાં મમ્મી-પપ્પા બંને જણાં તો એટલાં બધાં જાણીતાં છે, આટલાં મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય કે જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી… એવું કોઈ દિવસ હતું નહીં. એક બહુ જ સહજ પાર્ટનરશિપ હતી, અમારાં ચાર જણાંની. અમે જ્યારે મોટાં થયાં હતાં ત્યારે અને સામૂહિક કોઈ નિર્ણય લેવાનો હોય તો એમાં બાળકો ગમે તેટલાં નાનાં હોય પણ ઇન્વોલ્વ કરવાનાં, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતાં શિખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો…? ત્યાં સુધી ચર્ચા કરવાની એટ્લે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઊભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોઈ શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની થા ત્યાં સુધી જે પણ પ્રશ્ન હોય તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઇચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતાં તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કોઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે ના, પણ ના એટલે ના નહીં. બેસીને સમજાવે કે કેમ ના ?’

ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઈ જાય પછી તે સ્વીકારાઈ જાય સહજતાથી નહીં એવું નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખૂલે. તોપણ હું જો disagree કરતી હોઉં તો પાછું બેત્રણ વર્ષ પછી ફરીથી ખૂલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં ઍન્ટિ પૉઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું એ કે, અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ઘરમાં ટ્રીટ જ નહીં કરેલાં.

મારું પહેલું જો એકાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસ.એસ.સી. કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશાં છ ઓળખ્યાં છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ ઍક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલાં. અમે એકબીજાની સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકૉનૉમિક્સ લીધેલું અને નવું નવું મેં બૅડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કૉર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કૉર્ટ અને કૅન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શૉર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કૅન્ટીનમાં આવે.

અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે, મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખૂબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કૅન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડાં ખાવાં છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો.

પહેલી મિડ ટર્મ પતી એટલે અમારા હેડ. ઑફ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઇડ યુનિવર્સિટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું? ગાઇડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ડ્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવાં કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઈ, તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઈ ગયા તો રેસ્ટિકેટ કરી નાખી ત્રણ અઠવાડિયાં. તો બધા જોવા આવ્યાં કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું…

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

મારા ક્લાસમાં પરવીન બાબી, મારા એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એકસરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય. કિંતુ ધરતી-આભ જેટલો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર – હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.– કિસ્મત કુરેશી

એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે, આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે. ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું, ક્યાં અધૂરો તોયે મેં નિબંધ રાખ્યો છે !!– કિરીટ ગોસ્વામી

 

નહીં સમજાય એ બુદ્ધપુરુષો..

વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ડેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો.. ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાય એની જ મજા છે.

મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટિસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબ૨ છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઇશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઊભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table, you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health.અને પછી હળવાશથી કહ્યું : “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું ૨હેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.

અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝિટ૨ જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુ:ખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉ૫૨ એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયાં મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું : Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી  અને છેવટે બહા૨નું બારણું આવ્યું ત્યાં જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહીં, એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહા૨ નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા, Thank you very much for visiting the place. પેલાએ કહ્યું,   હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું : . “Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત ક૨વી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે.

મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે. સી. કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મૅસેજ આવ્યો એટલે હું આવી ગયો છું. એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે ને? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઊઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am

here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવ૨ણો મૂકી, મોઢા ઉ૫૨નો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલાને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, I would like to meet Gandhi.’ એટલે સામે જવાબ મળ્યો કે, Yes Welcome. Meet, I am Gandhi…’ મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકા૨વા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.

બાઇબલનું એક વિધાન છે કે, ખખડાવો અને ખૂલશે!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્થાપક કુલગુરુ શ્રી ડો’કાકાને સ્મરણ-વંદન

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું  અને  આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ 

સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી  ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક  હાઈસ્કૂલની  સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ  ઝીંક  જીલી અને  નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર  હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને  સાહિત્ય  ક્ષેત્રે પ્રદાન. આ  શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડો’કાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ  જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ  સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં  મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ  અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.

“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”

ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,

“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર  ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, “હું તો ગ્રામ–વિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.” 

આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા  પહેલેથી જ સ્પષ્ટ હતા, “એક–સૂત્રિત શિક્ષણયોજના” નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .

શિક્ષણક્રમની યોજના :

વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:

(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.

આ તબકકા માટે તેઓ લખે છે કે :

“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:

(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,

(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને

(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”

ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:

  1. જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
  2. જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.

શિક્ષણની ફિલસૂફી :

શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:

(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::

1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ

મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :

(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે,  જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.

આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી જ રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ,  એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”

શિક્ષણમાં કરૂણા  :

ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું  દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના  જ શબ્દમાં તે જોઈએ.

“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી.  માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.

  1. અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
  2. કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
  3. અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું.  (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
  4. અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.

અ)  દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.

બ)  દોષ માટે સામા માણસની માફી માગવી.

ક)  દોષ જાહેરમાં કબૂલ કરવો.

ડ)  દોષની જાહેરમાં માફી માગવી.

ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.

ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.

નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.

  1. થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે

એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા  ઊંચા સ્તર  સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ  વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.