બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ?

આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ?

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(24)

શ્રીમદ ભગવદ ગીતાનો આઠમો અધ્યાય હકીકતમાં આપણને મૃત્યુ માટેની તૈયારી કરતા શીખવવા માટેનો અધ્યાય છે. એક અર્થમાં એ ભવ્ય મૃત્યુ માટેની જીવન સાધના પણ ગણી શકાય. આમ તો આ અધ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ છે. સમશ્લોકી ગીતા અનુવાદમાં શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા આઠમા અધ્યાયના શીર્ષકનો ભાવાનુવાદ કરે છે “યોગીનો દેહત્યાગ.”

ભગવાનને અર્જુન સતત પ્રશ્નો પૂછવા લાગ્યા છે. અને એ પ્રશ્નો પૂછવામાં તે દૈનંદિન બાબતોની સાથે ધર્મ, અધ્યાત્મ, કર્મ વગેરે સુધી પહોંચી ગયા છે. અર્જુન આઠમા અધ્યાયના આરંભમાં સીધો જ પ્રશ્ન પૂછે છે કે, બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? હે, પુરુષોત્તમ, તમે મને એ જણાવો કે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ એ વળી શું છે ? અંત વેળાએ યતિએ એટલે કે યોગીએ તમને જાણવા હોય તો કેમ જાણવા ? મને સ્પષ્ટ ભાષામાં તે જણાવો. અને આટલા બધા પ્રશ્નોના જવાબમાં શ્રી ભગવાન ટૂંકાને ટચ જવાબ આપે છે:

જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ છે,

પ્રાણીમાત્રને વિષે સ્વસત્તાથી જે રહે છે તે અધ્યાત્મ છે,

પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિ વ્યાપાર તે કર્મ કહેવાય છે.

અધિભૂત તે મારુ નાશવંત સ્વરૂપ છે.

અધિદૈવત તે તેને વિષે રહેલું મારું જીવસ્વરૂપ છે.

હે મનુષ્યમાં શ્રેષ્ઠ ! અધિયજ્ઞ આ દેહને વિષે રહેલું, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું, જીવસ્વરૂપ છે.

વાત જરા વિગતે જાણવા જેવી છે. માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું છે. આપણા દ્વારા અસંખ્ય ક્રિયાઓ થયા જ કરે છે. સ્થૂળ પ્રમાણમાં ગણતરી કરીએ તો ચોવીસ કલાકના દિવસમાં કેટલી ક્રિયાઓ થઇ આપણને જોવા મળે. આમ ઝડપથી ગણીએ તો પણ ખાવું, પીવું, બેસવું, બોલવું, ઊંઘવું, ફરવા જવું, લખવું, કામ કરવું, વાંચવું આમ બોલતા જ રહીએ. વળી ક્રિયાઓ કરતા રહીએ છીએ તે દરમિયાન તરહ તરહના સ્વપ્નાઓ, રાગ અને દ્વેષ, માન અને અપમાન, સુખ અને દુઃખ એમ ક્રિયાના અનેક પ્રકારોનો આપણને પરિચય થાય છે. એક નાનકડું ઉદાહરણ લઈએ ઊંઘી જવાનું, તો ઊંઘતી વખતે એક કલાક પછી મને ઉઠાડજો એવી સૂચના આપીને આપણે ઊંઘી જઈએ અને દોઢ બે કલાક સુધી કોઈ ઉઠાડે નહીં તો જેને ઉઠાડવાની જવાબદારી, એ જવાબદાર માણસ છે એમ માનીને આપણે પોતે સોંપી હતી એના પ્રત્યે તાત્કાલિક મનની અંદર રાગ દ્વેષની ભાવના ઉભી થશે. ક્રિયા ખુબ નાની છે. છતાં એક પ્રકારનો પ્રતિભાવ આપણા મનમાં રજીસ્ટર થાય છે. મન ઉપર આ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા જ કરે છે. એટલે કોઈ એમ પૂછે કે જીવન એટલે શું ? તો જીવન એટલે સંસ્કાર સંચય એવી વ્યાખ્યા શ્રી વિનોબાજી કરે છે.

વિચારનો મુદ્દો એ છે કે સંસ્કાર સારા પણ હોય અને નરસા પણ હોય અને બંનેની માણસના જીવન ઉપર અસર હોય. હવે જુઓ બાળપણની ક્રિયાઓ છે એનું તો બહુ સ્મરણ રહેતું નથી. પાટી ઉપર જેમ લખેલું ભૂંસી નાખ્યું હોય એવું બચપણનું થઇ જાય. માની લઈએ કે પૂર્વ જન્મ જેવું કશું છે તો પૂર્વ જન્મના સંસ્કારો તો સાવ ભુલાય ગયેલા હોય. તે એટલે સુધી કે આપણે શંકા કરવા લાગીએ કે ખરેખર પૂર્વ જન્મ હતો કે નહોતો. આ જન્મનું બાળપણ પણ યાદ ન આવતું હોય તો પૂર્વ જન્મની વાત કેવી રીતે કરવી ? આપણે જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઇ છે એવું નથી. કેટલીક ક્રિયાઓ અને કેટલાક જ્ઞાન એવા હોય છે કે જે આપોઆપ થયા જ કરે છે. એક પ્રયોગ કરીએ. રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાન બનેલી બધી જ ક્રિયાઓ યાદ કરવા જઈએ તો આપણને ખબર પડશે કે બધું યાદ હોતું નથી. જે જે નજર સામે દેખાય છે એવા કામ તાત્કાલિક યાદ આવી જશે, કોઈની સાથે ખુબ તકરાર થઇ હોય તો એ યાદ આવશે, તે દિવસની મબલક કમાણી થઇ હોય તો તે યાદ આવશે. જે બહાર તરી આવતી મોટી મોટી વાતો છે એના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઉતરી જાય છે. એટલે કે મુખ્ય ક્રિયા યાદ રહે છે અને બાકીની છે એ ધીમે ધીમે ઝાંખી થતી જાય છે.

જરા વિચારો તો કે આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ? છ મહિનાનું આપણને યાદ રહે, અથવા વર્ષનું યાદ રહે, અથવા પાંચ વર્ષનું યાદ રહે તો એ તારણ રૂપે બહુ થોડી મહત્વની વાતો આપણને ચિરસ્થાયી નોંધાય છે. અને આ નોંધાયેલી વાતો છે એના સંસ્કાર બને છે. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર સંપત્તિની છે. અનેક સંસ્કારોના સરવાળા બાદબાકી કરતા કરતા તદ્દન ચોખ્ખું અને માપસરનું કશું જમા રહે તો એ આપણા જીવનની સિલક કહેવાય. જીવનની છેલ્લી ક્ષણ આવે ત્યારે આપણો આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આ જન્મારામાં શું કર્યું ? કેમ કર્યું ? કેટલો નફો થયો ? કેટલી ખોટ થઇ ? આ બધી જ વાત એ સમયે યાદ આવે છે. અને ગીતાનો આઠમો અધ્યાય આપણને એવું સમજાવવા માંગે છે કે તમે મૃત્યુની પળે જે વિચાર લઈને બેસી ગયા છો અથવા તો તમારું મન જે વિચાર સાથે અનુબંધ બાંધીને બેસી ગયું છે એ વિચાર લઈને તમે આવતા જન્મમાં પણ આવવાના છો. ગીતા એને વાસના કહે છે. ખાવાની ચીજ ઉપર વાસના બેસી જાય, ઘરના કોઈ વ્યક્તિ પ્રત્યે આપણી વાસના બેસી ગઈ હોય. લાગણી હોય, પ્રેમ હોય પણ અધૂરપ હોય, પૂર્ણતા ન હોય અને એના પ્રત્યે જો આપણને અભાવ રહી ગયો હોય તો આ એ અભાવ સાથે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે ભવિષ્યમાં પણ અભાવ લઇને જન્મે છે. એટલે યાદ રાખવું એ પડે કે જીવનના છેલ્લા તબક્કામાં આપણા જીવનનો સાર મધુર હોવો જોઈએ.

જીવનની છેલ્લી ઘડી રુડી બનવી જોઈએ. અને એ બનાવવા માટે આપણે આખું જીવન મહેનત કરવી જોઈએ. આપણામાં કહેવત છે કે, ‘જેનો અંત રૂડો તેનું સઘળું રૂડું’. એટલે કે છેવટે શું આપણી પાસે રહેવાનું છે વિચારમાં, ક્રિયામાં અથવા રોજબરોજના વ્યવહારમાં એ યાદ રાખીને આજે વ્યવહાર કરવો જોઈએ. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રભાહ વહાવીએ. રાત દિવસ મનનું એવું વલણ બનાવીએ તો આપણા દેહનો ત્યાગ એક યોગીના દેહત્યાગ જેવો સફળ બને. (ક્રમશ:)

સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી.

દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે !

ભદ્રાયુ વછરાજાની                                            bhadrayu2@gmail.com 

(23) 

વિનોબાજી કહે છે કે, “એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો. પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, “મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નકામા પૈસા ફેંકી દે છે.” મેં તેમને કહ્યું, “તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બેચાર પૈસા ખરી કે નહીં? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારું દાન થાત. પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરુણા વહી રહી છે એમ માની એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન કરું કે ? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું, એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ.” દેશભક્તિ એટલે શું કેવળ રોટલો? દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે ! આવડો મોટો આ સૂર્ય ઊગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે ? પેલો અંગ્રેજ કવિ વડર્ઝવર્થ દુઃખી દિલથી ગાય છે, “પહેલાં હું મેઘધનુષ્ય જોતો ત્યારે નાચી ઊઠતો. મારા દિલમાં ઉમળકો આવતો. આજે હવે હું કેમ નાચી ઊઠતો નથી ? પહેલાંના જીવનની માધુરી ખોઈને હું જડ પથરો તો નથી બની ગયો?”

ટૂંકમાં, જીવ ગમે તે હોય અને ગમે તેવડો હોય પણ પરમેશ્વરના દરબારમાં એક વાર પેઠો એટલે તે માન્ય થઇ જાય છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તે જ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ આગળ વધે છે. 

હવે નિષ્કામ ભક્તિ કરનારની વાત જાણીએ. એમાં વળી એકાંગી અને પૂર્ણ એવા બે પ્રકાર છે, એકાંગીના  પાછા ત્રણ પ્રકાર છે, પહેલા આર્ત ભક્તો. આર્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, બેબાકળો થનારો જેમ કે નામદેવ. એમાં બીજો પ્રકાર છે જિજ્ઞાસુ એમાંના  કોઈને ગૌરીશંકર ફરી ફરીને ચડવો છે, તો કોઈને ઉત્તર ધ્રુવની  શોધમાં નીકળી પડવું છે, તો કોઈને વળી જ્વાળામુખીની અંદર ઉતરી પડવું છે જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે દરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદીમુખેથી સાગરને મળે છે તેમ જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળે છે. ત્રીજો પ્રકાર તે અર્થાર્થી. અર્થાર્થી એટલે દરેકે દરેકે વાતમાં અર્થ શોધનારો. યાદ રાખજો હો,  અહીંયા અર્થ એટલે પૈસો નહીં અર્થ એટલે હિત, કલ્યાણ. આનાથી સમાજનું કલ્યાણ થશે તે પ્રશ્ન તેનો કસોટી પ્રશ્ન છે, મારું લખાણ, મારું ભાષણ, મારું બધું કર્મ જગતના માંગલ્ય માટે છે કે નહીં એ વાત તે જોશે. બધી પ્રક્રિયાઓ તરફ પ્રેમની દ્રષ્ટિથી જોનારો હોય તે આર્ત છે, જ્ઞાનની દ્રષ્ટિથી જોનારો હોય તે જિજ્ઞાસુ છે અને સર્વના કલ્યાણની દ્રષ્ટિથી જોનારો હોય તો તે અર્થાર્થી છે. આ ત્રણેય ભક્તો નિષ્કામ ભક્ત ગણાય પણ એકાંગી…. એક કર્મ મારફતે, બીજો હૃદય મારફતે અને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો. આમ તો એને  જ્ઞાની ભક્ત કહી શકાય. ‘નર, નારી, બાળ બધાય નારાયણ છે એવું હે પ્રભુ મારું મન બનાવી દે..’. આવી સંત તુકારામ પ્રાર્થના કરતા . એને ગમે તે મળે કીડી, મંકોડી થી લઈને  ચંદ્ર સૂર્ય સુધી સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે ને તેનું દિલ આનંદથી ઉભરાય જાય છે. પછી તેને પાર  વગરનું સુખ મળે છે. આનંદથી તેના હૃદયનો સાગર હિલોળે ચડે છે. આમ એક પરમાત્મા જ સર્વત્ર રમી રહ્યો છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે, અને એવો અભ્યાસ કરતા કરતા એક દિવસ તે ઈશ્વરમાં મળી જાય છે. (ક્રમશ:)

રાજાશાહીમાં પણ લોકશાહી સરીખું શાસન ??

‘ભૂપ ભાનુ સમ હોઈ’ ચરિત્રાત્મક નાટક શાસકો માટે શાસન પ્રણાલીની આચારસંહિતા સમાન છે.

 ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

સંત શ્રી તુલસીદાસજીએ લખેલું : 

“બરષત-હરષત લોગ સબ, કરષત લખૈ ન કોઈ,

‘તુલસી’પ્રજા સુભગ તેં, ભૂપ ભાનુ સમ હોઈ.”

જ્યારે આ દેશમાં રજવાડાંઓ દ્વારા રાજવ્યવસ્થા ચાલતી હતી, ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતાં પણ ઉત્તમોત્તમ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા, તેમાં સર્વોચ્ચ સ્થાને ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી અને ભાવનગરનરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીને આવે.

એંસી વર્ષની ઉંમરે  પોતાના પિતાશ્રીની નાટ્યસંસ્થા ‘કલા નિકેતન’ દ્વારા  રંગદેવતાની ઉપાસના કરતા આકાશવાણીના શ્રોતાપ્રિય ઉદઘોષક શ્રી ભરત યાજ્ઞિકની કલમે લખાયેલું અને મલ્ટી  મીડિયા દ્વારા ભજવાયેલું  નાટક  ‘ભૂપ ભાનુ સમ હોઈ’ નું પુસ્તક સ્વરૂપ  લોકાર્પિત થયું. 

સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર શાસન કરતા શ્રી ભગવતસિંહજી વિલાયત જઈને આવ્યા હોવા છતાં તેમના જીવનમાં સંપૂર્ણ સ્વદેશી અપનાવતા હતા. તેઓ વિલાયતમાં સૂટ પહેરતા છતાં ભારતના બંદરે આવતાં જ પોતાનો કાઠિયાવાડી ચોરણો, અંગરખું, પાઘડી  પહેરી લેતા. અને  જ્યારે સામાન્ય ઑફિસર પણ સૂટ અને હેટ પહેરવામાં મહત્તા માનતા ત્યારે દીવાનથી માંડીને છેક પટ્ટાવાળા સુધી બધાનો દેશી પ્રકારનો એક જ સરખો પોષાક રાજવીએ  પ્રચલિત કર્યો હતો. 

તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું.  કન્યા કેળવણીમાં તો સવિશેષ રસ લીધો હતો. મેટ્રિક પાસ થના૨ કન્યાને રાજદરબારમાં બોલાવીને પ૦૦/- રૂપિયા આપીને સન્માન કરવામાં આવતું. એવું કહેવાતું કે ગોંડલ સ્ટેટની કન્યા હંમેશા ભણેલી જ હોય. રાજવી હોવા છતાં તેમણે ‘ભગવદગોમંડળ’ જેવો વિશાળ શબ્દકોશ ગુજરાતી સાહિત્યજગતને આપ્યો. લોકો સાથે – ખાસ કરીને ગામડાની પ્રજા સાથે – વાતચીત કરતાંકરતાં જે કોઈ નવો શબ્દ તેમને સાંભળવા મળતો તેની તરત જ નોંધ કરી લેતા. ઘણીવા૨ તો કાગળ ના હોય તો પોતાના સફેદ ડગલા ઉ૫૨ નોંધ કરી લે. આ રીતે તેમણે પોતે હજારો નવાનવા શબ્દો પ્રચલિત કર્યા. 

પોતાની પાસે મોટરકારો હોવા છતાં, તેઓ બે ઘોડાની બગીમાં હંમેશાં નિયમિત  ફરવા જતા. રાજાની આ જ બગી નિશ્ચિત ફી લઈને લોકોના લગ્નપ્રસંગે ભાડે પણ અપાતી !! એકવાર એક સાંકડા વળાંક ઉપર સામેથી આવતી એક ટ્રક સાથે બગી અથડાઈ ગઈ. ધક્કો એટલો જોરદાર હતો કે બન્ને ઘોડા મરી ગયા અને બગી ઊથલી પડી, રાજવી પોતે પણ ફંગોળાયા, છતાં  જરા પણ સ્વસ્થતા ખોયા વિના તેઓ ઊભા થયા, પાઘડી ફરીથી માથે મૂકી, ટ્રકનો મુસ્લિમ ડ્રાઇવર ધ્રૂજતો હતો. તેને વિદાય કર્યો અને બીજી બગી મંગાવી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જાણે કશું થયું જ નથી. અમલદારોએ ટ્રકના ડ્રાઇવરને પકડીને બીજા દિવસે હાજર કર્યો ત્યારે આ રાજવીએ કહ્યું કે, “તે તેની યોગ્ય સાઇડ ઉપર હતો. વાંક મારી બગીનો જ હતો. અમે રોંગ સાઇડે હતા એટલે ટ્રક – ડ્રાઇવરનો વાંક નથી. તેને છોડી મૂકો.” આને જ  સાચી લોકશાહી  કહેવાય ને ? 

રાજવીને મળવા માટે કોઈ પણ વ્યક્તિ જઈ શકતી. તેણે નીચેના કાર્યાલયમાંથી ‘સત્યં ચ સત્યં’ વાળી બે આનાવાળી ટિકિટ ચોંટાડીને અરજી કરવાની. રાજવી પોતે ખુરશી ઉપર બેઠા જ હોય. એક પોલીસ-કર્મચારીની વિધવા પોતાના નાના છોકરાને આંગળીએ વળગાડીને આવી. વિધવાનો પતિ રાજકર્તવ્ય બજાવતાં મરણ પામેલો. યુવાન વિધવાને આજીવિકાનું કશું સાધન ન હતું. તે પેન્શન માટે આવેલી. વિધવાની નાની ઉંમ૨ જોતાં સુધા૨ક રાજવીએ તેને પુનર્લગ્ન કરી લેવાની સલાહ આપી. આવી સલાહ સાંભળતાં જ વિધવા ઊકળી ઊઠી. તે બોલી, મારો ધણી તો મર્દ હતો, પૂરી મર્દાનગી બતાવતાં તે માર્યો ગયો, પણ મને ખબર ન હતી કે મારા ધણીનો ધણી આવો બાયલો હશે. જો પહેલેથી ખબર હોત તો હું અહીં આવત જ નહિ.” પોતાના નાના છોકરાને લક્ષ્ય  કરીને તે બોલી, “હેંડ … હેંડ… પાછાં ઘરે જઈએ. આપણે ખોટી જગ્યાએ આવી ગયાં છીએ.’’ બાઈ સડસડાટ ચાલતી થઈ. આવાં કઠોર વેણ સાંભળીને પણ રાજવી જરા પણ વિચલિત ન થયા. તેમણે તરત જ અરજી મંજૂર કરી દીધી. વાણી- સ્વાતંત્ર્ય આને કહેવાય ને ?

  રાજવીની મક્કમતા અને આત્મબળની વાત સાંભળીને અંગ્રેજ ગવર્નર જનરલને ગોંડલના અતિથિ થવાનું મન થયું. ત્રણ દિવસ માટે તેઓ રાજ્યના મહેમાન થયા. તેમને મહેમાનગતિ ગમી ગઈ, એટલે બે દિવસ વધારે રહ્યા. વિદાય થતાં પહેલાં રાજવીએ બે દિવસનું બિલ મોકલી આપ્યું અને જણાવ્યું કે ત્રણ દિવસ માટે તમે મારા મહેમાન હતા, પણ બાકીના બે દિવસનો ભાર મારું નાનું સ્ટેટ ઉપાડી ના શકે, માટે આ બિલ ભરતા જાઓ. બિલ ભરીને ગવર્નર જનરલ વિદાય થયા.!!

ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.

ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com

                                                                (22)

સકામ ભક્તિ કરનારો એટલે શું ? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો સકામ ભક્તિ કરનારો કહેવાય. આમ એવું લાગે કે આ ભક્તિ ઉતરતા પ્રકારની છે. પણ ઘણા લોકો માન આબરૂ મળે એટલા સારું સાર્વજનિક સેવામાં જોડાય છે. માન મળવું જોઈએ તેવું લાગે છે તેનો અર્થ શું હોઈ શકે ? એનો અર્થ એટલો જ કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારું છે એવી માન મળવાની ખાતરી જોઈએ છે. મા દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે. સકામ ભક્તિનું બસ આવું જ છે સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે, ‘આપ…’ 

ઈશ્વર પાસે જઈને બધું માંગવું એ વાત સામાન્ય નથી એ અસામાન્ય વાત છે. જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, ‘યાત્રાએ આવે છે ?’ નામદેવે પૂછ્યું, ‘યાત્રા ? શા સારું ?’ જ્ઞાનદેવે કહ્યું, ‘સાધુ સંતોને મળવાનું થશે.’ નામદેવે કહ્યું,  ‘દેવને પૂછીને આવું.’ નામદેવ મંદિરમાં જઈને દેવની સામે ઉભો રહ્યો.  તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.  દેવના બંને ચરણ તે તાકી રહ્યો. છેવટે રડતા રડતા એણે પૂછ્યું,  ‘દેવ,  હું જાઉં ?’ હવે જ્ઞાનદેવ તો પાસે જ હતા. આ નામદેવને આપણે શું કહેશું ? ગાંડો કહીશું ? પણ ઈશ્વરની પાસે જઈને રડનારો ભક્ત સકામ હશે તો પણ તે અસામાન્ય હશે. ખરેખર માંગવા જેવી વસ્તુ તે માંગતો નથી એ તેનું અજ્ઞાન છે. પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય છે એવું સાબિત થતું નથી. 

તુલસીદાસના કુળમાં રામતીર્થ જનમ્યા. રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, “તુલસીદાસના કુળમાંના તમે અને તમને સંસ્કૃત ન આવડે એ કેવું?” રામતીર્થના મન પર આ વચનની અસર થઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ભગવાન કહે છે, “મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દ્રઢ કરીશ. તેના મનમાં ગોટાળા પેદા નહીં કરું. હે ઈશ્વર ! મારો રોગ મટાડ, એવું તે તાલાવેલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે નિમિત્તે તે મારી પાસે આવશે તો તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ.” ધ્રુવની વાત યાદ કરો. બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે, “ઈશ્વર પાસે માગ.” તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તોયે શું થયું? માણસ કોની પાસે જાય છે, ને કોની પાસે માંગે છે, એ વાત મહત્ત્વની છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે.

આ સાતમા અધ્યાયને સ્ફટિક સ્પષ્ટતાથી સમજી લેવા જેવું છે અને તે માટે આપણે સંત શ્રી વિનોબાજીના વચનોનો સહારો લઈએ…

“ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ, અર્જુન બધા રસ્તામાં ગળી પડ્યા. સ્વર્ગને બારણે પહોંચતાં ધર્મને કહેવામાં આવ્યું, “તમને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાઈ છે.” મેં કહ્યું, “મારા કૂતરાને દાખવે થવાનું નહીં મળતું હોય તો મારે ય દાખલ થવું નથી.” અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય, પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતો છે. તે કૂતરો ભીમ ને અર્જુન કરતાં પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારું જીવડું કેમ ન હોય પણ ન જનારા ભલભલા મોટાઓ કરતાં પણ મોટું છે. મંદિરમાં પેસતાં જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠિયો હોય છે. તેમને સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી. તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તોયે તે ઈશ્વરનો છે એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાહ્યા કરતાં તે ચડિયાતો છે. ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.” (ક્રમશ:) 

બાળકો જે જીવે છે, તે જ શીખે છે ?

બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય છે તે જ શીખે છે !

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં. 

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે. ‘જો બાળક…. જીવશે તો બાળક…શીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે’ તો તે ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષપૂર્ણ  કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે. 

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. 

સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !! જેમ આપણે ભાષા શ્રુતિથી શીખીએ છીએ તેમ જ આપણું સંતાન પણ આપણે જે બોલીએ અને  જેમ બોલીએ તેનું સીધું અનુકરણ કરે છે અને તે શ્રુતિથી અને હાવભાવથી જ શીખે  છે. જેમ, ઉંચી કક્ષાનો શબ્દ ‘નિષ્ઠુર’ રામ સાંભળીને શીખ્યો એમ જ કોઈ અપશબ્દ કે અપમાનજનક  શબ્દ પણ બાળક સાંભળીને જ શીખે છે તે નક્કી. એનો અર્થ એ થયો કે સંતાનના ઉછેર માટે આપણે કુટુંબના સભ્યો કે પછી બાળકના સંપર્કમાં આવતા અન્ય પાત્રો જ જવાબદાર છે. આ વાતને જરા લંબાવીએ તો આપણે ‘સંસ્કાર’ સુધી જઈ  શકીએ. 

અત્યારની પેઢીના સંતાનો સમાજ માટે વધુ ને વધુ પ્રશ્નરૂપ બની રહ્યા છે તેનું કારણ માતા પિતાની રોજબરોજની વર્તણૂંક છે અને તેને ટેકો કરતી સોશિયલ  મીડિયાની રીલ્સ છે. કદાચ કોઈને આ વિધાનમાં અતિશયોક્તિ લાગે તો તે પણ આપણી અપુખ્તતા છે અથવા તો આંખ આડા કાન  કરવાની મનોવૃત્તિ છે. ‘જે છે તે અને જે બની રહ્યું છે તેનો’ સ્વીકાર નહીં કરીએ તો તેના ઉકેલ સુધી નહીં પહોંચી શકીએ.  મહાત્મા ગાંધીએ તેના  પુત્રો અને પુત્રવધૂઓને લખેલા  પત્ર સંગ્રહનું એક વિધાન બહુ સૂચક છે : ‘અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’