‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે.’

આપણે ખાતા રહીએ, પીતા રહીએ, સુંઘતા રહીએ, સાંભળતા રહીએ, જોતા રહીએ, સ્પર્શતા રહીએ એ બધું યજ્ઞની આહુતિરૂપ છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(26)
શ્રીમદ ભાગવત ગીતાના આઠમા અધ્યાયમાં આપણે ત્રણ વિશિષ્ટ શબ્દો વિષે જાણ્યું છે. અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ. આપણા ચિંતક, શાસ્ત્રોના ભાષ્યના માહિર કલમનવેશ શ્રી ગુણવંત શાહ આ ત્રણ શબ્દો માટે બહુ ટૂંકી વાત સમજાવે છે તે જોવાનું ગમશે.
અધિભૂત એટલે આ સૃષ્ટિમાં જે કંઈ નાશવંત છે તે અધિભૂત છે. જે નાશવંત હોય તેને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિયમ લાગુ પડે. એટલે કે આપણું શરીર ગમે તેટલું સારું હોય, ઘાટીલું હોય, રૂપાળું હોય તોય નાશવંત છે. એટલે એ ગઢપણ અને મરણથી મુક્ત નથી.
બીજો શબ્દ છે અધિદૈવ. પ્રકૃતિ અને પુરુષ એમ કહેવાયું છે, એમાં જે પુરુષ છે તે અધિદૈવ છે. અધિદૈવ એટલે પુરુષાર્થ. જીવાત્મા એ અધિદૈવ છે. આપણે એ યાદ રાખવું પડે કે આપણું શરીર હાડમાંસનો ઢગલો ન રહેતા એક સુસંવાદી તંત્ર બની રહે. અધિદૈવ એટલે આંખ પાછળની આંખ, કાન પાછળનો કાન અને નાક પાછળનું નાક. આ અધિદૈવ વિદાય લે કે તરત બધું ઠપ્પ થઇ જાય.
અધિયજ્ઞની ચર્ચા કરતા આપણને ગુણવંતભાઈ ત્રીજા અધ્યાયની યાદી આપે છે. યજ્ઞ એટલે વિષ્ણુ. વિષ્ણુ એટલે આ સૃષ્ટિને ધારણકર્તા. કર્મ યજ્ઞરૂપ છે. અને એ યજ્ઞનો અધિષ્ઠાતા વિષ્ણુ છે. એ અધિયજ્ઞ ‘હું’ પોતે એવું શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે. આ દેહની વેદી ઉપર આગળ સતત યજ્ઞ ચાલી રહ્યો છે. નિરંતર કશુંક હોમાતું જ રહે છે. શ્વાસ લઈએ તો એ આહુતિ ગણાય. ખાતા રહીએ, પીતા રહીએ, સુંઘતા રહીએ, સાંભળતા રહીએ, જોતા રહીએ, સ્પર્શતા રહીએ એ બધું આહુતિરૂપ છે. યજ્ઞમાં કેવું દ્રવ્ય હોમવું તે આપણે વિચારી લેવાનું છે. આ ત્રણ શબ્દોની વિશિષ્ટ પલાખ આપણે એટલા માટે ફરી કરી કારણ કે આ ત્રણ શબ્દોના અર્થમાં આ અધ્યાયનો અને પછીના અધ્યાયનો ભાર છે. આ ત્રણ શબ્દો જાણ્યા પછી આપણને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે મૃત્યુના મહોત્સવની તૈયારી કરો.
આપણા દૂર દૂરના કોઈ ઓળખીતાના ઘરે કોઈનું અવસાન થાય તો આપણને થોડી ક્ષણ માટે આંચકો લાગે છે, પણ એટલું બધું દુઃખ નથી થતું કે જેથી કરીને આપણે અવસાનના સમાચાર સાંભળીને રડવા લાગીએ. કારણ કે આમ જુઓ તો સીધી કોઈ લેવા દેવા આપણે એની સાથે નથી. પણ એ જ સ્થાને આપણા જ નજીકના કુટુંબી સગાનું અવસાન થયું જાણવા મળે તો તરત જ આપણી આંખમાંથી અશ્રુધારા વહે છે. નજીકનો જે સગો છે, કુટુંબી છે, સબંધી છે એ એક પ્રકારની આસક્તિ છે. એ આસક્તિ છે એટલે આપણને રડવું આવે છે. દૂરનાની આસક્તિ ન હોત એટલે રડવું આવતું નહોતું. કોઈકે બુદ્ધને કહ્યું, ‘અમને મૃત્યુનું રહસ્ય કહો’. બુદ્ધે ખુબ સરસ ટૂંકો છતાં ધારદાર જવાબ આપ્યો જવાબ આપ્યો. ‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે. જીવન અને મૃત્યુ પ્રતિપળ એકબીજામાં એવા તો ઓતપ્રોત છે કે એમને જુદા જુદા સમજી ન શકાય, સાથે જ સમજવા પડે.’ આત્માને દેહધારી કહ્યો છે એટલે કે આત્માએ જે દેહનું ધારણ કર્યું છે, જે દેહ ધર્યો છે તે ક્યારેક સુકાઈ પણ જશે. આપણે દિવસમાં કેટલી વખત શર્ટ બદલીએ છીએ કે સાડી બદલીએ છીએ ? જો છેક સૂક્ષ્મભાવે વિચારીએ તો જયારે જયારે શર્ટ બદલીએ છીએ ત્યારે ત્યારે નાનકડું મૃત્યુ છે. જયારે જયારે સાડી બદલાય છે ત્યારે પણ નાનું નાનું મૃત્યુ છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે, ‘રાત્રે સૂઓ છો તો એ મૃત્યુ છે અને સવારે ઉઠો તો એ જન્મ છે.’

આપણે લોકો જીવન જીવવામાં એટલા બધા મશગુલ થઇ જઈએ છીએ કે એમાં વચ્ચે થોડોક શ્વાસ લઈને પણ આપણે વિચારતા નથી કે મૃત્યુ મારી રાહ જોવે છે. આ જે જીવન જીવાઈ રહ્યું છે એમાં જ અંતે તાત્કાલિક એક ક્ષણ એવી આવશે કે જયારે મારો શ્વાસ બંધ થઇ જશે અને એ ક્ષણ પણ આવવાની છે એવી ખાતરી એવી યાદદાસ્ત મારે રાખવી પડે. તમે ચાલતી ગાડીમાં બેઠા હો અને તમારી ગાડી પુરપાટ દોડતી હોય ત્યારે તમે વિચારતા નથી પણ તમારે જ્યાં ઉતરવું છે તે સ્ટેશન નજીક આવવા લાગે છે કે તરત જ તમે ઉતરવાની તૈયારી કરવા લાગો છો. એનો અર્થ એવો છે કે તમારે ઉતારવાનું સ્ટેશન આવે એની ખબર પડે છે. જીવન અને મૃત્યુમાં ફરક એટલો છે કે એમાં સ્ટેશન ક્યારે આવશે તેની આપણને ખબર પડતી નથી એટલે સ્ટેશન આવ્યું અને તમે તૈયારી કરવા રોકાયા એવી તક આપણને મળતી નથી. (ક્રમશઃ)

શું જિંદગીનો સંતોષ અહીં જ છે ?

તમે ‘હા’ કહો તો, જગત હકારમાં સૂર પૂરાવશે જ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

જિંદગી એક યાત્રા છે. સામાન્ય રીતે યાત્રામાં સાથીદાર હોય તો વધુ મઝા આવે એવી આપણને ટેવ પડી ગઈ છે. અને તેથી જ એ ટેવને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હો છો. ઘણી બધી વાર એ સહયાત્રી યાત્રા શરૂ થાય ત્યારથી સાથે નથી જોડાતા, તમારી યાત્રા દરમિયાન એ અચાનક સાથે થઈ જાય છે. અને હા, કદાચ યાત્રાના આરંભથી એ સાથે હોય તો પણ તમને તેમનો પરિચય નથી હોતો. એ એમની અને તમે તમારી મસ્તીમાં યાત્રા શરૂ કરો છો. અપરિચિતોનો સંગાથ ક્યારે પરિચયની પગદંડીએ ચાલવા લાગે છે તે બેમાંથી કોઈને સમજાતું નથી. પણ આની જ તો મજા છે. ગણી બધી વાર તો એવું બને કે, નામ સાંભળ્યું હોય, આછી પાતળી ઓળખાણ પણ હોય… બંનેના ચહેરા અલગ અલગ બારીમાંથી જુદાં જુદાં આકાશ નિહાળતાં હોય… પરંતુ કોઈ એક પળે જરાક તરાક પરિચય થાય અને પછી આવી પળો કલાકો, દિવસો અને વર્ષોમાં પલટાતી જાય. થોડાક સમયમાં તો એમ જ લાગે કે જાણે આપણે સાથે જ આવેલા, સાથે જ જીવવા માટે. આરંભમાં દ્વિધા સાથે આ વાત મનમાં ડોકિયું કરે પણ પછી તો વ્હેમ પ્રેમમાં પલટાવા લાગે. ભાવ જાગે કે, આપણે તો ‘મેઈડ ફોર ઈચ અધર’ છીએ. આપણું આકાશ એક જ. આપણી હૂંફ પણ એક જ. આપણા શ્વાસ પણ જાણે એક જ. આશા બંધાવા લાગે. અપેક્ષા થવા લાગે. મારું તે તારું, તારું તે મારું, ની લાગણી પ્રબળ થતી જાય. એક જ ભાવના સર્વત્ર થવા લાગે કે : ‘જિંદગી અહીં છે, સંતોષ અહીં છે.’

અહીં જ યાદ રાખવાનું રહે કે જિંદગી એક યાત્રા છે, તેને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હતાં. સહયાત્રી અચાનક જ સાથે થઈ ગયાં છે. પણ એ ભળવું ન જોઈએ કે સહયાત્રીને પણ પોતાની એક યાત્રા છે. જેમ તમે યાત્રા શરૂ કરતાં પહેલાં તમારો યાત્રાચાર્ટ બનાવેલો તેમ એમણે પણ એક નીજી યાત્રાચાર્ટ બનાવેલો. એણે ક્યાં રોકાવું અને કેટલું રોકાવવું અને ક્યાં કેટલું માણવું તે વિચારી રાખેલું. યાદ રાખવું પડશે કે તમે તમારા સહયાત્રીના શિડ્યુલને ડિસ્ટર્બ કરશો તો તમારો સંગાથ જામશે નહીં. એને કશુંક પોતીકું લાગે છે, તો તમને કંઈક બીજું વ્હાલું લાગે છે. બંને મુક્ત હતાં નહીં, બંને હજુ પણ મુક્ત છો જ. તમે ‘હા’ કહેશો તો જગત હકારમાં સૂર પુરાવશે. તમારો નકાર જલ્દીથી પડઘાશે નહીં. એક સત્ય છે કે સકારાત્મકતાને તેના તરંગો છે અને નકારાત્મકતાને તો ધસમસતાં મોઝાં છે. તરંગો હળવા ફૂલ હોય છે, મોઝાં ખાનાખરાબી સર્જવા ટેવાયેલ છે. યાત્રાનો વણલખ્યો નિયમ એ છે કે : ‘તરંગો ઝાઝાં અને મોઝાં ઓછાં હોવાં જોઈએ.’ આ નિયમનું પાલન કરવાથી જ યાત્રા મોજીલી બને છે. જો કે, જવાબદારી બંનેની બને છે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાની.. અને સદાકાળ ન ભૂલવા જેવું સત્ય એ છે કે તમે બંને જેમ અચાનક સહયાત્રી બની ગયાં છો, એમ જ અચાનક તમારા યાત્રા માર્ગો અલગ પણ થઈ જવાના છે.

તમે આવ્યા હતાં એકલા. બસ એમ જ, તમે જવાના પણ એકલા. આ જીવન યાત્રામાં વચ્ચે કોઈ સહપંથી મળી જાય તો મજા મજા. પણ એ સંગાથને કાયમી ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જ જવાની છે. રસ્તા ફંટાશે જ, દુન્યવી નહીં તો પરલોકના. તમને વચ્ચે કોઈ મળી ગયું ને તમે તેને કાયમી સાથ માની બેઠા તે તમારી ભૂલ, નિયતિની નહીં. નિયતિ તો બધા સાથે આમ જ વર્તે છે. તમારી યાત્રામાં સહપંથી ન મળ્યો હોત તો તમે દુઃખી થવા થોડા આવ્યા હતાં ? તો હવે સહપંથીનો માર્ગ બદલાય ગયો તો તેમાં પણ દુઃખી થવાનું કારણ શું ? Life is a journey. Journey have many stations. From each station some may join, some may depart. જિંદગી એક યાત્રા છે. ચાલતી રહે તેને યાત્રા કહેવાય. આપણે અપરિચિતો હતાં અને આપણે અપરિચિત બની જવાનું છે. બસ, પરિચિતમાંથી અપરિચિત બની જવું એ જ તો જિંદગી છે. તમે એકલા છો એવું તમે માનવા નહીં, પણ માણવા લાગો તો સર્વત્ર સૌ તમને તમારા જ દેખાશે. ન કોઈ પારકું, કોઈ પોતાનું.

‘તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું. તું ચિંતા ન કરીશ.’

જે માણસ અંતકાળે ઈશ્વરનું સ્મરણ કરતો કરતો શરીર છોડીને જાય છે એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી, આવું ભગવાન કહે છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(25)
મૃત્યુનો ભય આપણને સૌને ઓછો કે વધુ પણ લાગે તો છે જ. હવે એ ડર સાચો છે કે ખોટો એનું કોઈ વિશ્લેષણ કરી આપે તેથી એમાં કશો ફર્ક ન પડે. પણ શ્રીમદ ગીતામાં શ્રી ભગવાને કાળજી લઈને આપણા ભયને ઘટાડવાના રસ્તા બતાવ્યા છે. ભગવાન આપણી મર્યાદા જાણે છે. તેથી મૃત્યુનો ભય ઓછો થાય એટલા માટે તેઓ આઠમા અધ્યાયમાં આપણને મૃત્યુ વિશેની વાતોમાં દોરી જાય છે.

એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે નાથને પૂછ્યું, “મહારાજ, તમારું જીવન કેટલું સાદું ને નિષ્પાપ ! અમારું એવું કેમ નથી? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો !” નાથે કહ્યું, “મારી વાત હમણાં રહેવા દે. તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે. તારું આજથી સાત દિવસ પછી મરણ છે.” નાથે કહેલી વાત ખોટી કોણ માને ? સાત દિવસ પછી મરવાનું ! ફક્ત એકસો ને અડસઠ કલાક બાકી ! અરેરે ! હવે શું થાય? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં. બધી આપ-લેની વાત, સોંપણનોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડ્યો. પથારીએ પડ્યો. છ દહાડા એમ ને એમ જતા રહ્યા. સાતમે દહાડે નાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. નાથે પૂછ્યું, “કેમ છે?” તેણે કહ્યું, “જાઉં છું હવે.” નાથે પૂછ્યું, “આ છ દિવસમાં કેટલું પાપ થયું? પાપના કેટલા વિચાર મનમાં ઊઠ્યા ?” તે મરણ પથારીએ પડેલા માણસે જવાબ આપ્યો, “નાથ ! પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો ? નજર સામે મરણ એકસરખું ઘૂમ્યા કરતું હતું.” નાથે કહ્યું “અમારુ જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો.” મરણનો વાઘ હમેશાં સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું. એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરશે?

આપણે રોજબરોજની વાતચીતમાં ધર્મ, અધ્યાત્મ, બ્રહ્મ આ બધા શબ્દોને આપણી રીતે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. શ્રી કૃષ્ણએ આઠમા અધ્યાયમાં આપણને સાચી વ્યાખ્યા કરી આપી છે.
જે પરમ અક્ષર છે તે બ્રહ્મ છે.
જે પોતાનું સ્વરૂપ એટલે કે જીવાત્મા છે તેને અધ્યાત્મ કહેવામાં આવે છે
અને
આ સમગ્ર જગત ઉપર પ્રાણીઓનો ઉદભવ થાય અને એના આધારે જે સૃષ્ટિની રચના અથવા ત્યાગ થાય એ કર્મ તરીકે ઓળખાય છે.
ત્રણ શબ્દો બીજા પણ આપણે સ્પ્ષ્ટ કરી લઈએ.
અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ એવા ત્રણ શબ્દો આ અધ્યાયની શરૂઆતના શ્લોકોમાં આપવામાં આવ્યા છે.
ઉત્પત્તિ અને વિનાશ જે બંનેના નક્કી છે એવો પ્રત્યેક પદાર્થ અધિભૂત કહેવાય છે.
જયારે જેને શાસ્ત્રમાં સૂત્રાત્મા, પ્રજાપતિ, બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ કહીને ઉચ્ચારવામાં આવે છે એ અધિદેવ છે.
તો પછી પ્રશ્ન થાય કે અધિયજ્ઞ શું છે ? એમનો જવાબ આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અર્જુનને ઉદ્દેશીને ભગવાન શ્રીકૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે આપે છે. એ અર્જુનને પણ સંબોધન કરે છે કે, હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામીરૂપે અધિયજ્ઞ છું. એટલે કે આપણને એ દેખાતા નથી એવા અંતર્યામી સ્વરૂપે તેઓ આપણામાં વસેલા છે.
કુલ ૨૮ શ્લોકોનો આ આઠમો અધ્યાય મૃત્યુ તરફની વિભાવનામાં આપણને લઇ જાય છે. કહેવાયું છે કે જે માણસ અંતકાળે ઈશ્વર સ્મરણ કરતો કરતો શરીર છોડી જાય છે એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકાને રાખવાની જરૂર નથી આવું ભગવાનના શબ્દોમાં કહેવાયું છે. એ ફરી એકવાર અર્જુનનું સંબોધન બદલીને છઠ્ઠા શ્લોકમાં અર્જુનને ‘હે કુંતીપુત્ર’ એવું સંબોધન કરે છે. માણસ અંતકાળે જે જે પ્રકારના ભાવને સ્મરણ કરતા કરતા શરીર ને છોડે છે તેને તે જ પામે છે. કારણકે સદા તેજ ભાવથી તે ભરપૂર રહ્યો છે. અહીં સમજવાનું એ થાય છે કે મૃત્યુ સમયે તમારા ચિત્તમાં જે ઈચ્છા, વાસના, અપેક્ષા, કામના રહેલી છે, દૃઢ થયેલી છે એ તમને હવે પછીના જન્મમાં પણ મળવાની છે. અને પરિણામે સમજાવ્યું છે કે, ‘હે અર્જુન, તું સર્વ કાળે નિરંતર મારું સ્મરણ કર્યા કર અને હું કહું તેમ યુદ્ધ પણ કર્યા કર. આમ કરવાથી તું ચોક્કસ મને જ પામવાનો છો. એટલે કે તારા યુદ્ધનું સંચાલન હું કરવાનો છું. તું ચિંતા ન કરીશ.’ આટલો ભરોસો આપ્યા પછી નિયમ રૂપે ત્રણ વાતો સમજાવે છે.
1) પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગ. યોગ એટલે ઠાલો યોગ નહીં, કસરત નહીં, હાથ પગ ઉછાળવા તે નહીં, પેટ અંદર બહાર લઇ જવું તે નહીં પણ પરમેશ્વરનું ધ્યાન ક્ષણે ક્ષણ હોય એવા અભ્યાસરૂપ યોગયુક્ત તારે રહેવું પડે.
2) બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતન ચિંતન કરતો માણસ બની રહેવાનું એ બીજું સ્વરૂપ છે.
3) અને પરિણામે પરમ પ્રકાશ જેવા દિવ્ય સ્વરૂપ પરમેશ્વરને માણસ પામી શકે છે.
તમે જો પહેલા બે પગલાંને બરાબર આત્મસાત કરીને એમની સાથે જીવતા રહેશો તો ઈશ્વર તમને પ્રાપ્ત થવાના છે.
જે માણસ સર્વજ્ઞ, અનાદિ, અંતર્યામી રૂપે સઘળા પ્રાણીઓના શુભ અને અશુભ કર્મોનું શાસન કરનાર છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, સૌનું ધારણ પોષણ કરનાર છે, અચિંત્ય સ્વરૂપ છે, સૂર્ય સમાન સદાય ચેતનરૂપી પ્રકાશ આપનાર છે અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ, સત ચિત્ત અને આનંદને વરેલ છે એવા પરમેશ્વરનું મારે અને તમારે સ્મરણ કરવાનું છે, સ્વીકારવું પડશે પહેલા મનમાં કે, હા આવું કોઈ સ્વરૂપ છે. આવો જે ભક્તિયુક્ત માણસ અંતકાળે પણ યોગબળથી બે ભમ્મરોની વચ્ચે મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચલ મનથી સ્મરણ કરતા કરતા દિવ્ય સ્વરૂપ પરમાત્માને જ પામે છે તેની ખાતરી અર્જુનને દસમાં શ્લોકમાં શ્રી ભગવાન આપે છે.(ક્રમશઃ )

આપણું શરીર જીવતું, જાગતું, બોલતું, ચાલતું, ખાતું,પીતું કમ્યુટર જ છે ??

આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણું શરીર ઈશ્વરની ઈચ્છાથી ભલે ઘડાયું પણ આપણાં શરીરનું વિજ્ઞાન સમજવા જેવું છે. ખુબ જ જટિલ યંત્ર છે, આપણાં કમ્પ્યુટર જેવું જ… આપણું શરીર ઈશ્વરે બનાવેલું જીવતું જાગતું, બોલતું, ચાલતું, ખાતું,પીતું કમ્યુટર જ છે !… જો માણસે બનાવેલા નિર્જીવ કમ્પ્યુટર પાસેથી ધારીએ તે કામ લઈ શકાય તો પછી જીવંત કમ્પ્યુટર જેવા આપણાં શરીરની રચનાને સમજીને ધારીએ તેવું કામ તેની પાસેથી લઈ શકીએ… વાત ગળે ઊતરે તેવી છે ને ?
માણસની બે જાતિ: નર અને માદા, એટલે કે પુરુષ અને સ્ત્રી. જાતિ નક્કી કરવા જાતીય લક્ષણો શરીરમાં મુકાયાં.. પુરુષનો અવાજ ઘાટો, ચહેરા પર મૂંછ, ખભ્ભા ચોરસ, સ્તનનો વિકાસ નહીં, તેનું ચાલવું, બોલવું, વર્તવું બધું અક્ક્ડ, કડક, પ્રભાવશાળી. સ્ત્રીનો અવાજ તીણો, ચહેરા પર મૂંછ નહીં , ખભ્ભા ગોળ, ઉંમરના વધવા સાથે સ્તનનો વિકાસ, તેનું ચાલવું, બોલવું, વર્તવું, બધું નરમ, મૃદુ, સૌંદર્યસભર. આ થયા પુરુષ અને સ્ત્રીના બાહ્ય જાતીય લક્ષણો…સ્ત્રી અને પુરુષમાં આંતરિક જાતીય લક્ષણો અને તેની અસરો અને તેના કાર્યો પણ જુદાં જુદાં… આ આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ખરેખર તો પાંચમા ધોરણથી આપણાં શરીરનું વિજ્ઞાન સમજવાનું શરૂ કરવું જોઈએ. ‘આપણાં શરીરમાં કોષોનો સરવાળો થાય તો પેશીઓ બને. અમુક કામ માટે પેશીઓ ભેગી થાય અને અંગો બને. અંગો ભેગા થાય તેમાંથી તંત્ર બને.. જેમ કે લોહીને શરીરમાં ફેરવનારા અંગોના સરવાળાથી રુધિરાભિસરણ તંત્ર બને…અને આવાં બધા તંત્રો ભેગા થાય અને એક સાથે પોતે પોતાનું કામ કરે ત્યારે શરીર બને…’ આ તો ટૂંકમાં સમજાવ્યું. પણ આપણાં સંતાનોએ તો તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરવા માટે વિજ્ઞાન અને તેમાં પણ જીવવિજ્ઞાન અને તેમાં પણ આપણાં માનવશરીર તંત્રો વિશે વિગતે જાણવું જોઈએ, વાંચવું જોઈએ, આપણાં વ્હાલાં ટીચરને પૂછવું જોઈએ. મમ્મી મૂડમાં હોય ત્યારે મમ્મીને પણ ન સમજાય તે પૂછી નાખવું જોઈએ… મમ્મી મોટી સ્ત્રી છે, એટલે ખબર છે કે છોકરીમાંથી સ્ત્રી કેમ થવાય…

…અને છેલ્લી વાત. આપણાં સંતાનને અનેક પ્રશ્નો થવા જોઈએ: આપણું પ્રજનનતંત્ર કેમ કામ કરે છે ? માસિક સ્ત્રાવ થવાના કારણો ક્યાં, તેની પાછળનું જીવવિજ્ઞાન કયું ? સ્તનગ્રંથીનો વિકાસ ક્યારે થાય છે, શા માટે થાય છે ? પુરુષનાં પ્રજનન અંગો અને સ્ત્રીનાં પ્રજનન અંગો ક્યાં છે અને તેમાં ભેદ શો છે ? મારો જન્મ કેવી રીતે થયો છે ? ભવિષ્યમાં મારાં દ્વારા બાળકનો જન્મ થવાની આખી પ્રક્રિયા ખરેખર શું છે ? બાળક જન્મે તે છોકરો હોય કે છોકરી, તેના માટે કોણ જવાબદાર, પતિ કે પત્ની ? દીકરો જન્મ્યો કે દીકરી જન્મી તેના માટે રંગસૂત્રોની ગોઠવણીનું વિજ્ઞાન શું છે ? આવાં અનેક મૂંઝવતા પ્રશ્નો જાણી લીધા બાદ જ ખરેખર વ્હાલી શાળા છોડવી જોઈએ. કારણ નિશાળ છોડ્યા પછી આ બધા પ્રશ્નોના જવાબો કોઈ આત્મીયતાથી આપે એવું ઓછું બનશે.

મિત્રો, તમારી ચિંતા કરવાનું કારણ સ્પષ્ટ છે. આપણી દીકરી ભવિષ્યની સ્ત્રી છે, ભાવિ માતા છે , આવતીકાલના કુટુંબને ઘડનારી નારી છે. અને એ જે છે તથા એ જે થશે તેમાં તેની તેનાં શરીર પ્રત્યેની જાણકારી ખૂબ જ આવશ્યક છે. શરીરનું વિજ્ઞાન જેટલું વધુ સમજૉયું હશે તેટલું જીવન સુખભર્યું હશે. તમને વિચાર આવશે કે, હું શરીરની જ ચિંતા કેમ કરું છું ? પણ (૧) શરીર વિશેની સમજ જેટલી પાક્કી હશે તેટલા મનમાં પ્રશ્નો ઓછા. (૨) મનમાં શરીર વિશેના પ્રશ્નો જો ઓછા તો બુદ્ધિને બીજું વિચારવાની છૂટ મળશે. (૩) બુદ્ધિ પ્રશ્નોથી મુક્ત થશે તો તે ચેતનાને ઉજાગર કરવા કામ કરી શકશે અને (૪) તમારી ચેતનાના પ્રદેશ સુધી તમે પહોંચી શકશો તો જ તમને જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થશે… યાદ રાખો : જ્યાં સુધી શરીર સંતોષાતું નથી ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહે છે. જ્યાં સુધી મન ઉદ્વેગપૂર્ણ હોય છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી. જ્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી ત્યાં સુધી તે ચેતનામાં પરોવાતી નથી અને ચેતના જાગૃત ન થાય તો જીવનનો આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય ? બોલો, પરમ આનંદ સિવાય જીવનમાંથી બીજું મેળવવા જેવું શું છે ? છે જવાબ ?

મને ‘માનવ’ હોવાનો અર્થ ખબર છે ?

પુરુષ અને સ્ત્રીમાં ક્યાં ભેદ છે ? પુરુષનાં અને સ્ત્રીના લક્ષણો ક્યાં ? પુરુષ ‘પુરુષ’ શા માટે અને સ્ત્રી ‘સ્ત્રી’ શા માટે? આ બધું ક્યાં કોઈ સમજાવે છે ?

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

મને ‘માનવ’ તરીકે અવતાર મળ્યો, તેનો ખરેખર અર્થ શો ? બીજા પ્રાણીમાં અને મારામાં તફાવત શો છે ? મને ‘માનવ’ હોવાનો ભેદ ખબર છે ?

માણસ પાસે એક વધારાનો ત્રીજો વિકલ્પ છે. પ્રાણી કોઈપણ બાબતમાં બે જ માર્ગ અપનાવી શકે : કાં તો હા, કાં તો ના… એટલે કે હકારાત્મક અથવા નકારાત્મક. જયારે માણસ પાસે હા અને ના ઉપરાંત વિકલ્પ સૂચવવાનો પસંદગીનો ત્રીજો માર્ગ પણ છે. ઉદાહરણથી સમજીએ : કૂતરાને રોટલી આપો તો કાં તો એ ખાઈ જશે અથવા તે રોટલી નહીં ખાય… જયારે કોઈ માણસને રોટલી આપશો તો તે (૧) ખાઇ જશે અથવા (૨) નહીં ખાય અથવા (૩) તે રોટલીના બદલે રોટલો કે ભાખરી કે થેપલું માંગશે… માણસ પાસે રહેલ આ વધારાનો ત્રીજા વિકલ્પ એ ઈશ્વરે માનવને આપેલી વિશિષ્ટ ભેટ છે.

હા કે ના ઉપરાંત કંઈ કહેવું હોય તો ઊંડાણથી વિચારવું પડે. વિચારવું એટલે ખાસ પ્રયાસપૂર્વક બુદ્ધિને કામે લગાડવી. વિચારવું એટલે મનને કસરત કરાવવી. આપણા શાસ્ત્રો તો કહે છે : | વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ | વિચારોનો પ્રવાહ એ જ મન છે. વિચારે જ નહીં, તેવું મન શા કામનું ? આપણને વિચાર આવવો જોઈએ કે મને ‘માનવ’ તરીકે અવતાર મળ્યો તેનો ખરેખર અર્થ શો ? સાદો જવાબ તો એવો મળે છે કે, મને જન્મ આપનાર પરમપિતાની ઈચ્છા છે કે હું માણસ થઈને જીવું. હું માનવી સાચો માનવ થાઉં તોમારો માણસ તરીકે જન્મ સાર્થક.

મનમાં વળી સળવળાટ થશે કે હું માણસ તો છું, તેમાં વળી હું પુરુષ હોઉં કે હું સ્ત્રી હોઉં તો તેનો અર્થ શો ? મને પુરુષનું શરીર આપ્યું, પુરુષ જેવાં લક્ષણો આપ્યા એટલે હું પુરુષ…? અથવા તો મને સ્ત્રીનું શરીર આપ્યું અને સ્ત્રી જેવા લક્ષણો આપ્યા એટલે હું સ્ત્રી….? હું પુરુષ હોઉં તો મારે પુરુષ થઈને જીવવું જોઈએ અને જો હું સ્ત્રી હોઉં તો મારે સ્ત્રી થઈને જીવવું જોઈએ. મને જન્મ આપી પૃથ્વી પર મોકલનારની ઈચ્છા જે છે તે મારે પરિપૂર્ણ કરવાની છે, એ નક્કી… હવે મોટો પ્રશ્ન : …. પણ મને ખબર છે ખરી કે પુરુષનાં લક્ષણો ક્યાં અને શા માટે છે ? અથવા સ્ત્રીના લક્ષણો ક્યાં અને શા માટે છે ? હું નાનેથી મોટો થાઉં એમાં મને આ બધું ક્યાં કોઈ સમજાવે છે ? ઘરમાં દીકરી મીનાક્ષી નાની હતી ત્યાં સુધી તેના સ્ત્રી હોવા વિશે કોઈને બહુ ચિંતા ન હતી, પરંતુ મીનાક્ષીના મમ્મી – પપ્પા એલર્ટ થયા મીનાક્ષી જરા વધુ મોટી થઈ કે તરત જ…. મીનાક્ષી પાંચમા છઠ્ઠા ધોરણમાં
આવી કે સૌ તેને કહેવા લાગ્યા : ‘હવે તું મોટી થઈ ગઈ છો, છોકરીની જાત છો, જરા ધ્યાન રાખજે. સંભાળજે. હવે તારે છોકરીઓની સાથે જ રમવું, છોકરાઓથી જરા આઘા રહેવું..’ મીનાક્ષી તો મૂંઝાઈ ગઈ. વિચારવા લાગી કે, ‘આમ અચાનક હું મોટી કેવી રીતે થઈ ગઈ ? મારા શરીરમાં એવું તે શું બન્યું કે હું સૌ માટે ચિંતાનો વિષય બની ગઈ ? હજુ ગઈકાલ સુધી તો રમેશ, કાર્તિક, રસિક, મંથન અને રસીલાની ટોળી સાથે ધીંગામસ્તી કરતી ત્યારે કોઈને કંઈ ચિંતા ન હતી, એ હવે કહેવા લાગ્યા કે તું છોકરી છો, છોકરાઓથી આઘી રહેજે ! મને તો કંઈ સમજાતું નથી… આ મોટા થવું એટલે શું ? પણ હું કોને પૂછું ? મમ્મી પપ્પાને પૂછું તો તેઓ ગુસ્સે થઈ જાય અને મારાં ટીચર તો જાજરમાન છે કે તેની નજીક જતાં મને ડર લાગે છે… શું કરું ? મારી જીગરી દોસ્ત રસિલાને પૂછું, પણ એને પણ મૂંઝવણ તો છે જ, એ વળી મને શો માર્ગ બતાવશે ? પેલો મંથન મારો પાક્કો દોસ્ત છે. તેને પૂછું ? ના રે બાપા ના., એ તો છોકરો છે એને તે વળી પૂછાય ?’ આ ઉંમરના અનેક જેવી મીનાક્ષી મૂંઝવણ અને તનાવના ચક્કરમાં ફસાઈ ગઈ કારણ તેને ખબર નથી કે, પુરુષ અને સ્ત્રીમાં ક્યાં ભેદ છે ? પુરુષનાં અને સ્ત્રીના લક્ષણો ક્યાં ? પુરુષ ‘પુરુષ’ શા માટે અને સ્ત્રી ‘સ્ત્રી’ શા માટે ? અમુક ઉંમરે પુરુષથી સ્ત્રી કેમ દૂર રહેવા લાગે છે ? (ક્રમશ:)