સંસાર છોડીને ચાલ્યા જનાર તો જ્યાં જાય  ત્યાં સંસાર ઉભો કરે જ છે.!!

વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે. જો  કર્મ સહજતાથી થતું રહેશે તો તે અકર્મ બની જશે.

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com

(10)
ચોથા અધ્યાયનું શીર્ષક છે જ્ઞાનકર્મસન્યાસયોગ તો પાંચમા અધ્યાયનું શીર્ષક છે કર્મસન્યાસયોગ.
ભગવાનશ્રી કૃષ્ણ એક પરમ શિક્ષકની અદાથી એક પછી એક વિષયાંગ પર આગળ ધપીને આપણને
પાથીએ પાથીએ તેલ નાખતી મા ની જેમ વર્તે છે.  જુઓ, બીજા અધ્યાયમાં જ્ઞાનમાર્ગ ની સમજ
આપી તો ત્રીજા અધ્યાયમાં આપણને કર્મમાર્ગનું પગથિયું ચડાવ્યું. ચોથા અધ્યાયમાં જ્ઞાનના માર્ગે કર્મ
કરીને સન્યાસ તરફ વળવા કહ્યું તો હવે પાંચમા અધ્યાયમાં કર્મયોગના રસ્તેથી સન્યાસ કેમ પ્રાપ્ત થાય
તે સમજાવે છે. એટલે આમ જુઓ તો બીજા અધ્યાયના મર્મને  વિસ્તારતા વિસ્તારતા શ્રી કૃષ્ણ
પાંચમા અધ્યાય સુધી આવ્યા છે. આપણી દ્રષ્ટિએ અર્થ એવો થયો કે, જ્ઞાન માર્ગે કે કર્મ માર્ગે આપણે
જવાનું તો છે સન્યાસ તરફ.. ગુણવંત શાહના મતે : સન્યાસ એ જ્ઞાનરૂપી ગંગા અને કર્મરૂપી યમુનાનું
પ્રયાગ આગળનું મિલનસ્થળ છે.
સાંખ્ય (એટલે કે જ્ઞાન) અને યોગ અલગ નથી, બંને માર્ગના સાધકની પ્રાપ્તિ એક જ છે, એવું એક જ
નાના શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ એકદમ ચોખ્ખું કરી આપે છે :
એકં સાંખ્યમં ચ યોગં ચ ય: પશ્યતિ સ પશ્યતિ
(એક જ સાંખ્ય ને યોગ, દેખે જે, તે જ દેખતા)
સંસાર સમુદ્ર સમાન છે. સમુદ્રમાં ચોતરફ પાણી જ પાણી હોય તેમ જ આપણી ફરતે જ્યાં જુઓ
ત્યાં સંસાર જ છે. હું સંસાર છોડીને ચાલ્યો જાઉં તો હું જઈશ ક્યાં ?? જ્યાં જઈશ ત્યાં સંસાર તો
મને ઘેરી જ લેવાનો છે. કશુંક છોડ્યું એટલે સંસાર છૂટ્યો એમ માનવું ભૂલ ભરેલું છે. ઘરમાં બેસીએ
કે વનમાં બેસીએ આસક્તિ આપણને છોડતી નથી. પોતાના મસમોટા આશ્રમો ખોલી ‘સન્યાસ લીધો
છે’ એવું  કહેતા મહંતો ત્યાં એક બીજો સંસાર ઉભો કરી તેમાં અટવાય છે. એ ઘરનો વહીવટ કરીને
થાક્યા પણ હવે તેઓ આશ્રમનો વહીવટ કરવામાં પ્રવૃત્ત થઇ ગયા છે !! અનુભવ છે કે આપણે ઘરે
લોકો સાથે ઝાઝો વ્યવહાર કરીને થાકીએ ત્યારે તેઓથી દૂર થવા માટે આપણે હિલસ્ટેશન ભાગીએ
છીએ પણ ત્યાં જઈને પહેલું એ જાણીએ છીએ કે કોઈ આપણું પરિચિત છે ? પ્રવાસનું સુંદર સ્થળ
જોવાને બદલે ત્યાંથી સ્થળના ફોટા લઈને આપણે વોટ્સઅપના સ્ટેટસમાં શેર કરીએ છીએ કે જેથી
‘આપણા’ (જેને છોડીને આવ્યા છીએ તે) મિત્રોને ખ્યાલ આવે કે હું ક્યાં છું..!! જગ્યાની અને
પરિચિતોની ભીડથી ભાગ્યા પણ મનમાંથી એ જગ્યા કે પરિચિતો ગયાં  નથી !! સંસાર તો હવેલીમાં
ય હાજર હોય અને ઝુંપડીમાં પણ હાજર જ હોય. કર્મ કરતા કરતા જે દોષ થાય છે તેને દૂર કરવા
માટે વિકર્મને સાદ દેવો પડશે.

તાત્પર્ય એટલું છે કે મનના સહકાર વગર કોઈ વાતનો પાર આવતો નથી. રોજીંદુ કામ કરીએ કે સાધના
કરીએ માનસિક સહકાર અતિ આવશ્યક છે. સાધના તો બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનના
વિકર્મ બંનેથી શક્ય બને. બહાર જે કર્મો થાય છે તેમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે.  મનનું
અંત:સરોવર તો ઢગલાબંધ કચરો સાચવીને પડ્યું છે. જેવી કશીક બહાર ઘટના ઘટે કે તરત અંદરનો
કચરો બહાર નીકળી આવે, જેને આપણે ગુસ્સો-ક્રોધ-અજંપો એવા નામથી ઓળખીએ  છીએ.
અગાઉ કહેલું તે ફરી યાદ કરીએ કે, ચર્મચક્ષુ બંધ કરીને માળા  હાથમાં લઈને નામજપ કરવા બેસનાર
અચાનક કૂતરાને ડેલીમાં ઘૂસેલું સમજીને  બરાડા પાડી કોઈને કૂતરું હાંકવા કહે તો શું સમજવું ? અરે,
સાધુ કે વૈરાગી લોકો પણ ભિક્ષા માંગવા જાય ત્યાંની સ્થિતિ પોતાના મન-ખ્યાલોથી અલગ હોય તો
ગુસ્સે થઇ જાય છે ત્યારે પ્રતીતિ થાય કે સંસારને એમ છોડી શકાતો  નથી.
આમાંથી મુક્ત થવાના ઉપાય ખરા ?? હા, જરૂર. આપણે નિર્મળ  કર્મ કરવાના સતત સતત પ્રયાસો
કરતા જ રહેવા જોઈએ તો જ નિર્મળ  કર્મ સહજ રીતે થશે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે કે : રિપિટેડ
એક્શન બીકમ્સ હેબિટ. (વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે.) જયારે કર્મ સહજતાથી થતું રહેશે
ત્યારે તે અકર્મ બની જશે. નાનું બાળક પહેલીવાર ચાલતા શીખે ત્યારે તેને બહુ કષ્ટ પડે છે પણ તે
પછીથી સતત કર્યા જ કરશે તો કશી જ મુશ્કેલી વગર ચાલી શકશે. ઘરમાં દીકરીને માતા રોટલી વણતાં
શીખવે છે ત્યારે શરૂઆતમાં તો બહુ મુશ્કેલી પડે જ છે, પણ જો દીકરી રોજ રોટલી બનાવવામાં
લાગી પડે તો તેની હથોટી બંધાય જાય છે. વિનોબાજી સરસ વાત  કરે છે કે, ‘માણસ તરવાની
શરૂઆત કરે છે ત્યારે તેને બહુ થાક લાગે છે, પરંતુ પછીથી જયારે થાકે છે ત્યારે તરવા જાય છે.!!’ કર્મો
સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી અને તેથી કર્મ અકર્મ બનીને આનંદમય બને છે.
કર્મયોગની આ કૂંચી છે. કૂંચી જડી જાય એટલે એક જ ક્ષણમાં કામ હર્ષભેર પૂર્ણ … (ક્રમશઃ)

ગીતા ચાર વર્ણો અંગે જુદું જ કહે છે..

ચંડીદાસ કહે છે : ‘સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ’. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                            (09)

ચોથો અધ્યાય જ્ઞાન દ્વારા કર્મનું શરણ લેવા સૂચવે છે. શરણ એટલે સન્યાસ. ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ સન્યાસ છે. ન્યાસ એટલે ત્યાગ. સન્યાસ એટલે સંપૂર્ણ ત્યાગ !! જ્ઞાન મેળવીને કર્મ કરવાનું અને એ કર્મ મેં કર્યું છે તેવા ભાવમાંથી નીકળી જવાનું એ થયો જ્ઞાનકર્મસન્યાસયોગ. ગુણવન્ત શાહ બહુ મઝાની વ્યાખ્યા આપે છે : સન્યાસ એટલે મૃત્યુને મહોત્સવમાં ફેરવી નાખવા માટેની સાધનાની ચરમ  સીમા.

ચોથા અધ્યાયમાં તેરમો શ્લોક થોડી છણાવટ માંગે છે,  કારણ તે શ્લોકને ટાંકીને ઘણા ભ્રમ ફેલાવાઈ  રહયા છે. તેરમા શ્લોકમાં કહ્યું છે કે : 

‘ગુણ ને કર્મના ભેદે, સર્જયા મેં ચાર વર્ણને; 

હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તાય તેમનો.’

આપણા ચાર આશ્રમો : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ 

માનવના જન્મથી લઈને યુવાની સુધીનો ગાળો જ્ઞાન મેળવવાનો, સમજ કેળવવાનો અને પુખ્તતા પ્રાપ્ત કરતાં  વિકાર રહિત જીવન જીવવાનો ગણાયો છે. અને એ બ્રહ્મચર્યાશ્રમ કહેવાયો. 

માનવના બીજા જીવન ગાળામાં પોતાના દ્વારા કુટુંબ અને તેનું ગુજરાન ચલાવવા માટે,  ગૃહ નિર્માણ કરવા માટે અને કુટુંબ જીવનનો આનંદ લેવા માટે જે પ્રવૃતિઓ થાય છે તે ગૃહસ્થાશ્રમ છે. 

સામાન્ય રીતે પચાસમાં  વર્ષમાં પ્રવેશને વન-પ્રવેશ કહેવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જીવાયેલા જીવનને નિહાળી તેની સ્મૃતિઓને વાગોળી ધીરે ધીરે તેમાંથી મુક્ત થવા માટે વ્યાયામ થાય છે અને બાહ્ય યાત્રા સંપેટીને અંતરની યાત્રાનો આરંભ થાય છે, તે વાનપ્રસ્થાશ્રમ  કહેવાય છે. અહીં વનમાં જવાનું નથી,  પણ જીવનમાં સઘળી માયા છોડતા જવાનો આરંભ છે. 

આપણા ચાર વર્ણો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

આ વર્ણો અંગેની જુદા જ પ્રકારની ફિલસુફી જાણવા જેવી છે. 

જે જ્ઞાનશક્તિથી જીવન–પ્રવૃત્ત છે તે બ્રાહ્મણ છે.

જે દંડશક્તિથી સર્વોચ્ચતા મેળવવા જીવે છે તે ક્ષત્રિય છે. 

જે વિત્તશક્તિથી સભર રહી જીવન ગુજારે છે તે વૈશ્ય છે.

જે શ્રમશક્તિથી સમાજમાં વ્યાપ્ત છે તે શુદ્ર છે.

આપણે કમનશીબે આ સમજને ધર્મ સાથે ચોંટાડી દીધી અને તેના આધારે આપણે કોઈને ઉચ્ચ તો કોઈને નીચ ગણાવા લાગ્યા. શ્રમ  કરે તે પ્રસ્વેદ પાડે છે અને જ્ઞાન દ્વારા વ્યવહાર ચલાવે છે તે ન દેખાય તે રીતે બુદ્ધિ પ્રસ્વેદ પાડે છે અને એટલે શરીરથી શ્રમ કરી સમગ્ર સમાજને સ્વચ્છ અને સુઘડ રાખવા મથતો માણસ નીચો નથી જ નથી અને જેને બ્રાહ્મણ  ગણીએ તે ઊંચો જ, એવું પણ નથી. 

થોડું ઊંડાણથી વિચારીએ તો, પ્રત્યેક માણસ આ ચારેય વર્ણો સ્વયં જીવે છે. વિચારો તો કે જ્ઞાન વગર કોણ આગળ વધે છે ?? કોઈક ઘટનામાં કોણે  દંડશક્તિનો ઉપયોગ નથી કર્યો ? વિત્ત વગર તો જીવન વીતે જ કઈ રીતે ? અને શરીર શ્રમ તો આપણે રોજ એક યા બીજી રીતે કરીએ જ છીએ ને ? 

આથી ઉલટું, વિત્ત કે નાણું  મેળવવા કોઈપણ શરમજનક હોય  તેવું કામ કરનારો શુદ્ર  કેમ ન કહેવાય ? કર્તવ્ય આપણો  ધર્મ છે. હવે જે કર્તવ્યને ગૌણ  ગણીને કેવળ ધન માટે જ જીવે તે વૈશ્ય કેમ ન કહેવાય ? સામે પક્ષે કર્તવ્ય અને ધનલાભ બંનેમાંથી એકને પસંદ કરવાનું આવે ત્યારે જે કર્તવ્યને પ્રાધાન્ય આપે તે  ક્ષત્રિય કહેવાય કે નહિ ? તો જ્ઞાન સામે દ્રવ્યલાભને જતો કરનાર માનવ બ્રાહ્મણ કેમ ન કહેવાય ? ચંડીદાસ કહે છે : સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો આ તેરમો શ્લોક આપણે જો વર્ણો પાછળની મૂળભૂત શક્તિઓને આધારે મૂલવી ન શકીએ  તો ખાનાખરાબી જ થશે. 

ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં કહેલી ઉપયોગી વાતોની યાદી બનાવીએ તો…

# જ્ઞાનયજ્ઞ એ દ્રવ્યોના યજ્ઞથી રૂડો છે. 

# જ્ઞાન પામવા માટે નમન કરવું, પ્રશ્ન પૂછવો અને ફરી ફરીને પૂછતાં રહેવું.

# તત્ત્વના દ્રષ્ટાઓ સાથે સંવાદ કરતા રહેવો.

# જેમ ભભૂકતો અગ્નિ લાકડાને  ભસ્મ કરી નાખે છે તેમ જ પ્રગટેલ જ્ઞાનનો અગ્નિ કર્મને ભસ્મ કરી નાખે છે. 

# જે શ્રદ્ધાળુ જ્ઞાન મેળવે છે તે ઇન્દ્રિયોને જીતી લે છે અને તેથી તે પરમ શાંતિને પામે છે.

# જેમ યોગથી કર્મ છૂટે તેમ જ જ્ઞાનથી શંકાઓ દૂર થાય છે. આમ,  આત્મને વશ થયેલને કોઈ કર્મો બાંધી શકતા નથી.

# અજ્ઞાનથી હૃદયમાં સંશય થશે તેને જ્ઞાનથી જ હણી શકાશે. (ક્રમશઃ:)

શિક્ષણના દરિયામાં ‘ભરતી’ ક્યારે આવશે ?

સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ આ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે ? એમાં ભરતી કેમ આવતી નથી ? 

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com

થોડા સમય પહેલા ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે BRS માં એક કાર્યક્રમમાં  જવાનું થયું. વિદ્યાર્થીઓ લગભગ સવા બસોથી વધુ  હતા. ગાંધી સંસ્થાનું સુંદર  પરિસર હતું. રૂડું આયોજન હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને  એના સફેદ પોતે ધોયેલા વસ્ત્રો એ બધું આપણને ઉત્સાહ વધારે તેવું હતું. મારી બાજુમાં એ સંસ્થાના આચાર્ય બેઠા હતા. થોડીક એનાઉન્સમેન્ટ વિદ્યાર્થીઓએ કરી તરત જ આચાર્ય ઉભા થયા અને એક બાજુમાં જઈને હાર્મોનિયમ વગાડવા લાગ્યા  અને એમના હાર્મોનિયમના સાથમાં  સરસ પ્રાર્થના અને આવકાર ગીત ગવાયું, સૂરમાં, તાલમાં, આપણી સવાર સુધરી જાય એવું. ફરી પાછા એ મારી બાજુમાં આવીને બેસી ગયા. મેં એમને પૂછ્યું આપ ? તો એણે કહ્યું હું આચાર્ય છું. અને હું પણ હમણાં ડિસેમ્બરમાં  નિવૃત થાઉં છું, મેં પૂછ્યું પાછળ કોઈ બે ત્રણ યુવાનો બેઠા છે એ કોણ છે તો કહે એ તો ટ્રસ્ટે પોતાના ખર્ચે નીમેલા લોકો છે… ‘તો શું BRSમાં જગ્યા નથી ?’ જગ્યાઓ તો ઘણી  છે પણ કોઈ શિક્ષક કે વહીવટી વ્યક્તિ નિવૃત થાય તો  એમના સ્થાને એકપણ ભરતી નથી થતી. આવો જ અનુભવ બીલપુડીની એક સંસ્થામાં પણ થયો. આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં ખરેખર બહુ સારા શિક્ષણની આવશ્યકતા છે અને એટલા માટે શિક્ષકોની પણ આવશ્યકતા છે.

તાજેતરમાં રાજકોટની અંધ મહિલા વિકાસગૃહમાં જવાનું થયું. અંધ દીકરીઓ માટેની આ અદભુત સંસ્થા છે. એમનું વ્યવસ્થાપન,  એમના ભવનો એ બધું જ દાતાઓની સહાયથી થયું છે. ત્યાં મેં પુછપરછ કરી કે, ‘તમારે ત્યાં કેટલા શિક્ષકો છે ?’ જવાબ મળ્યો કે, ‘બાવીસ શિક્ષકોની જગ્યા છે જેમાંથી બે શિક્ષકો સરકારના છે અને બાકીના બધા ટ્રસ્ટના છે. લગભગ એક  કરોડ રૂપિયા જેવો ખર્ચ થાય છે,  જેમાંથી ત્રીસ લાખ રૂપિયા જેટલી જ ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે, બાકીનું બધું જ દાનના આધારે ચાલે છે. અમારો ઘણો ખરો સમય દાતાઓને સમજાવવામાં અને દાન આપે તે દાતાઓને આવકારવામાં જાય છે.’ 

સમજાતું નથી કે સરકાર પોતાની સિદ્ધિઓને ગણાવવામાં મસમોટો ખર્ચ કરી રહી છે એ સરકાર શિક્ષણમાં ભરતી કરવાનું કેમ નહીં વિચારતી હોય ? સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ આ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે ? એમાં ભરતી કેમ આવતી નથી ? 

કદાચ સરકારનો એક છાનો એજન્ડા એવો હોય શકે કે આ બધી ગ્રાન્ટેડ  સંસ્થાઓ ધીમે ધીમે બંધ થઇ જાય અને માત્ર સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ ચાલે, જેની કોઈ માથાકૂટ સરકાર ઉપર ન રહે. પણ આવું કરી નહીં શકાય. કારણકે રાષ્ટ્રીય શિક્ષણનીતિ જો સરકાર અમલમાં મુકતી હોય તો એનો અમલ કરવા માટે જે જરૂરિયાત છે એ સરકારે જ પુરી કરવી પડશે. આદર્શ સંસ્થાઓ તો સરકારની જ હોવી જોઈએ,  એ હશે તો રાજ્યના અને કેન્દ્રના શિક્ષણમંત્રીઓ કહી શકશે કે અહીં અમે જે કરી રહ્યા છીએ એવું અમે સેલ્ફ ફાયનાન્સમાં ઇચ્છીએ છીએ.  તમે પણ કરો અને ગુણવત્તાને આગળ વધારો.  

તમે દરિયા સામે ઉભા હો તો ભરતી આવે તો ઓટ પણ આવે. આ ભરતી અને ઓટ બે કુદરતી સર્જન રૂપે થતી  પ્રક્રિયા છે અને આ જ પ્રક્રિયાને આપણે આપણા જીવનમાં પણ અનુસરીએ છીએ. સુખ અને દુઃખની પણ ભરતી અને ઓટ હોય છે. આપણે પૈસાદાર થઈએ કે ગરીબ થઈએ એ પણ ભરતી અને ઓટ હોય છે. પ્રશ્ન એક જ છે કે સરકારી નોકરીઓ ખાલી હોવા છતાં પૂરેપૂરી ઓટની  એક મોટી  ખીણ  હોવા છતાં એમાં ક્યારેય ભરતી આવતી નથી. ખાલી શિક્ષણની જ વાત કરીએ તો  આપણને એમ લાગે કે સરકાર કદાચ શિક્ષણમાં ભરતી કરવાનું ઈચ્છતી જ નથી. આંકડાઓ તપાસવામાં આવે તો આંખો પહોળી થઇ જાય. આપણી પાસે TET અને  TAT વાળા ક્વોલિફાઈડ શિક્ષકો છે છે, પણ  આપણે એમની ભરતી કરતા નથી અથવા તો કરવા ઇચ્છતા જ નથી. સ્કૂલથી લઈને કોલેજો સુધી અનેક જગ્યાઓ લાયબ્રેરીયનની, ફિઝિકલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રકટર્સની, શાળાઓમાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે બે કે ચાર વર્ગો ભેગા બેસાડીને આપણે અત્યારના ગાડું ગબડાવી રાખીએ છીએ. જગ્યા ખાલી પડે તે ન ભરવી એ શિક્ષકની હોય કે વહીવટી કર્મચારીની હોય એવો સરકારનો રવૈયો સ્પષ્ટપણે દેખાય છે. કોઈ સમજદાર હૈ તો.. ઈશારા કાફી હૈ.

 

મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી જશે ??

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : કર્મ, વિકર્મ, અકર્મ 

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com 

                                              (08)

ગીતાજીના ત્રીજા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગનું વિશ્લેષણ થયું. કર્મફળની અપેક્ષા વગર થતું કર્મ એટલે નિષ્કામ કર્મ. ગાંધીજીની સરળ સમજ પણ આપણને  ટેકો કરી ગઈ કે, 

‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે પડે.” 

હું ધંધો કરું છું તો મારે નજદીકમાં કે મારે ત્યાં જે મળી રહે છે તે માલ વેંચવાનો ધંધો કરવો જોઈએ. એટલે કે મારે સ્વદેશી માલનો વેપાર કરવો જોઈએ. હવે તેની સામે હું જો દૂર-સુદૂરથી માલ મંગાવું અને તેને મંગાવવામાં પુષ્કળ નાણું  ખર્ચુ તો મને  ઝાઝો નફો રળવાની લાલચ રહે જ. આ દ્રષ્ટાંતથી સ્વધર્મ અને પરધર્મનો પણ ખ્યાલ આવી જશે. જો કે,  નિષ્કામ રહેવું એ મનનો ધર્મ છે. પણ તેને પ્રગટ કરવા માટે એકલું સ્વધર્મનું આચરણ પૂરતું નથી. મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી  જશે ?? જ્યોત વગર અંધારું કેમ મીટશે ? પ્રશ્ન અહીં જ છે કે એ જ્યોત પ્રગટાવવી કેવી રીતે ?? એ માટે તો મનનું નિરીક્ષણ કરવું પડે. આત્મપરીક્ષણ વગર ચિત્ત પરનો જામી ગયેલો મેલ ધોવાતો નથી. આ સૂચના આપીને પછી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ચોથા અધ્યાય તરફ દોરી જાય છે. શ્રી ભગવાન ત્રીજા અધ્યાયના  અંતમાં સુંદર વાત કરે છે, તે સમષ્લોકીમાં માણીએ :

“ધુમાડે અગ્નિ  ઢંકાય, રજે  ઢંકાય દર્પણ ,

ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કર્મથી.”

ગીતામાં કર્મ શબ્દ આપણા સ્વધર્મ ના અર્થ તરીકે જ વપરાયો છે. સ્વધર્માચરણરૂપી કર્મ કરતા કરતા આપણે કામ અને ક્રોધને જીતવાના છે. ચિત્ત ગંગાજળ જેવું નિર્મલ થવું જોઈએ, પ્રશાંત થવું જોઈએ, તો અને તો જ નિષ્કામતા કેળવી શકાય. આપણા ચિત્તનું સંશોધન કરવા માટે જે કર્મો કરીએ તેને ગીતાજી ‘વિકર્મ’ કહે છે. 

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : 

કર્મ, વિકર્મ, અકર્મ 

સાવ સહેલી રીતે સમજીએ તો…

બહારની સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા એટલે કર્મ. 

આ બહારની ક્રિયાઓમાં ચિત્ત રેડવું તે વિકર્મ. 

કર્મમાં વિકર્મ રેડવાથી તે  અકર્મ બની જાય.

કર્મ વગર તો આપણને ચેન જ નહિ પડે. કશું જ ન કરવું તે પણ કશુંક કરવા બરાબર  જ છે. સમર્થ ભાષ્યકાર શ્રી ગુણવંત શાહે પોતાના ગીતાભાષ્યમાં ચોથા અધ્યાયના  આરંભે એક વાત ટાંકી છે : 

એક માણસ મરી ગયો પછી સુન્દર જગ્યાએ પહોંચી ગયો. ત્યાં કોઈ સુખ-સગવડની કમી  ન હતી. સફેદ પોશાકમાં સજ્જ એવા માણસે એની પાસે આવીને કહ્યું : ‘ તમે જે જોઈએ તે માણી શકો-ખોરાક,મનોરંજન, ગમે તે. માણસને તો મજા પડી ગઈ. થોડા દિવસ પછી નોકરને બોલાવીને એણે કહ્યું : ‘મને હવે આ બધી વાતોનો કંટાળો આવે છે. આખો દિવસ શું કરવું તે સમજાતું નથી. તું મને કંઈ કામ આપ જેથી કંટાળો દૂર થાય.’ માણસે ડોકું હલાવી કહ્યું : ‘માફ કરજો, એ એક એવી ચીજ છે જે હું  ન આપી શકું.’ પેલા માણસે એને કહ્યું : ‘આના કરતાં તો નરકમાં રહેવું વધારે સારું.’

નોકરે કહ્યું: ‘તે સાહેબ ! તમે નરકમાં જ છો ને !’

કર્મ એટલે શિવજીના લિંગ પર યંત્રવત પાણી રેડી અભિષેક કરવો,,પણ પાણીની એ ધારની  સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી ન હોય તો એ અભિષેકની કિંમત જ શી ?? પછી તો સામેનું લિંગ પણ પથ્થર અને અભિષેક કરનારો હું પણ પથ્થર.  બહાર થઇ રહેલા કર્મની સાથે અંદરની ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ એ વિકર્મ  બને અને તો જ નિષ્કામ  ભક્તિયોગના દર્શન થાય. કર્મ અને કર્મની સાથે મનનો મેળ જયારે સધાય ત્યારે તેને ગીતાજી વિકર્મ કહે છે. બહાર થાય તે સાદું કર્મ. અંદર થાય તે વિશેષ કર્મ. આ ચોથા અધ્યાયમાં ભગવાને વિકર્મ ના અનેક ઉદાહરણો આપ્યા છે. 

આ ચોથા અધ્યાયના સોળ-સત્તર-અઢાર શ્લોકોનું સમશ્લોકી વાંચીએ એટલે મૂળ ગીતાભવ પ્રગટ થશે : 

‘પંડિતોએ મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું ;

તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી…(16)

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;

જાણવું જે અકર્મેય, ગૂઢ છે કર્મની ગતિ…(17)

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;

બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન…(18)   

મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવું આપણું ચાલતું હોય છે. શરીર બેઠું છે  ડાઇનિંગ ટેબલ પર અને શરીર કરે છે  ભોજન પણ મન તો ઓફિસમાં મૂકીને આવ્યા છીએ  !! આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોએ ભક્તિયોગમાં માર્ગ બતાવ્યો કે બહાર તપ ત્યારે અંદર જપ.. બહાર ઉપવાસ ભલે ચાલે,  પણ મન ત્યારે સતત નામસ્મરણમાં વ્યસ્ત હોવું જોઈએ. હોઠેથી નામસ્મરણ ચાલતું હોય અને ચિંતા કૂતરું ઘરમાં ઘુસી ગયાની થતી હોય તો તે  નિરર્થક છે. (ક્રમશ:)

મારી આશા એટલે શું હું પોતે જ ??

મારો કૃષ્ણ, મારો જાંબુવંત કે મારો સાન્ટા ક્લોઝ હું જ છું,, મને  આશાનું ગિફ્ટ બોક્સ આપવા કોઈ આવે તેની રાહ  હું કેમ જોઉં છું ? 

ભદ્રાયુ વછરાજાની                                            bhadrayu2@gmail.com 

કહે છે કે હનુમાનજી પોતે ખુદ અતિ બળવાન છે તે ખરે સમયે તેમને જાંબુવંતજીએ ઢંઢોળીને કહેલું. વિપત્તિનો સમય હતો અને શ્રી રામચંદ્રજી પણ નિરાશામાં ગરકાવ થઈને બેઠા હતા. સૌ હારી  ગયા હોય તેમ  લમણે  હાથ દઈને બેઠા હતાં, ત્યારે જાંમ્બુવંતને સ્મરણ થયું કે આ હનુમાનજી તો પરાક્રમી પવનપુત્ર છે. તેનામાં  અપાર શક્તિ છે અને તે ધારે તે હાંસલ કરી શકે તેમ છે,  તો પછી એ પોતાની શક્તિ વિષે કેમ કશું વિચારતા નથી ?  તેમણે હનુમાનજીને બરાબર ઉશ્કેર્યા અને શૂરાતન ચડાવી ‘ખુદનું  બળ’ એટલે કે ‘આત્મશક્તિ’ની યાદ અપાવી અને હનુમાનજીએ હતાશા ખંખેરીને ઉભા થઇ હવામાં છલાંગ લગાવી અને સીતા મૈયાને શોધવા ઉડી પડ્યા.  

આપણી પાસે શ્રીમદ ભગવદ્દ ગીતાજી છે જે પુરવાર કરે છે કે બલિષ્ટ ધનુર્ધારી અને અનેક યુદ્ધો એકલે હાથે જીતી લેનાર અર્જુન પોતાના હથિયાર નીચે મૂકીને કુરુક્ષેત્રના મેદાનમાં હારી જવા તત્પર થઇ યુદ્ધ રથમાં નીચે બેસી ગયો !! અર્જુનની આ દશા જોઈ શ્રી કૃષ્ણે ગીતાનું ગાન કરવું પડ્યું અને અર્જુન બહુ પરિશ્રમ પછી લડવા માટે તૈયાર થયો!! શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોઈને તેને સ્વધર્મનું ભાન થયું અને તે કુરૂક્ષેત્રના મેદાનમાં ભીષણ યુદ્ધ લડ્યો અને વિજયી થયો. 

આમ જુઓ તો આપણી હાલત પણ હનુમાનજી અને અર્જુન જેવી જ નથી શું ? શ્રી માતાજી કહે છે કે, ‘ Every soul is potentially divine.’ એનો અર્થ એવો કે મૂળભૂત ઉર્જા તો આપણા સૌમાં સરખી છે જ છે. અને જો એમ હોય તો નાની નાની  વાતોમાં નિરાશ થઈ  જનાર આપણે કોઈ આવીને આશા બંધાવે એવી રાહ કેમ જોઈએ છીએ ? મારો કૃષ્ણ, મારો જાંબુવંત કે મારો સાન્ટા ક્લોઝ હું જ છું,, મને  આશાનું ગિફ્ટ બોક્સ આપવા કોઈ આવે તેની રાહ  હું કેમ જોઉં છું ? 

આમ કૃષ્ણ કે રામ કે સાન્ટા ક્લોઝ આવેને આશાનું ઈન્જેકશન લગાવે અને આપણું એક વર્ષ આનંદથી ભરી દે. પણ જરા વિચારીએ તો ખરા કે  અવતારો કે સાન્ટાજી આપણી ક્લોઝ આવીને કરે છે શું ? આપણામાં પડેલી શક્તિને ફૂંક મારી ધૂળ ખંખેરી આપણને સ્મરણ અપાવે છે કે ચાલ મિત્ર, દોડવા લાગ કારણ તું તો અપાર ઉર્જાનો ભંડાર છે !! એ કંઈ આપણામાં શક્તિનું  પીપડું નથી ઠલવતા કે નથી આપણને ઉર્જાનો કોઈ બુસ્ટર ડોઝ દેતા પણ એ આપે છે આશાનું પોટલું,  જેને જીવંત કરવાની શક્તિ તો આપણે  જ સર્જવી પડે છે. …તો પછી મારી આશા એટલે હું પોતે જ ને ? 

ઘણા વર્ષો પહેલાની વાત છે. એ સમયે કેટલાક કાણાવાળા સિક્કા બહાર પડતા પરંતુ તે પ્રમાણમાં ઓછા ચલણમાં હતા તેથી કોઈકોઈને ક્યારેક જ કાણાવાળો સિક્કો હાથ લાગી જતો. તેનું મહત્ત્વ વધ્યું એટલે તેની સાથે એક માન્યતા જોડાઈ ગઈ કે જેમની પાસે કાણાવાળો સિક્કો હોય તે સમૃદ્ધ બને !! વાત ચાલી અને લોકોના મનમાં ઠસી ગઈ. એક ગરીબ માણસને એક કાણાવાળો સિક્કો મળી આવ્યો. તે રાજી થઇ ગયો.  તેણે નક્કી કર્યું કે હવે હું આ સિક્કો મારી સાથે જ કોટના ગજવામાં રાખીશ તેથી મારી  પ્રગતિ ચોક્કસ થશે. આ આશા એટલી પ્રબળ  બની કે તે હસતો-ઉછળતો ઉત્સાહ અને ધગશથી કામ કરવા લાગ્યો,,એટલે સૌ  તેને ચાહવા લાગ્યા  અને તેની પ્રગતિ થવા લાગી. તે ખરેખર ગરીબ મટીને અમીર જેવો સક્ષમ બન્યો. એક દિવસ તેને ઈચ્છા થઇ કે હું રોજ સિક્કાને નવા કોટમાં મુકું છું પણ આજે હું એ કાણાવાળા સિકકાનાં દર્શન કરીશ અને તેણે સિક્કો કાઢ્યો ને જોયો ત્યારે ખબર પડી કે એ સિક્કો તો કાણાવાળો ન હતો..તે તો અસ્વસ્થ અને બેબાકળો થઇ ગયો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે, સાંભળો, છ આઠ મહિના પહેલા તમારો કોટ ધોઈ ને ઊંચી છત પરથી સૂકવતી વખતે સિક્કો નીચે પડી ગયો. મેં બહુ શોધ કરી પણ તે ન મળ્યો એટલે મેં આ સાદો સિક્કો તમારા કોટના ખિસ્સામાં મૂકી દીધો. પેલો માણસ તો સમૃદ્ધ થઇ ચુક્યો હતો,  કારણ તેના ખિસ્સામાં આશાનો એક સિક્કો પડ્યો હતો. એ માણસ કાણાવાળો સિક્કો રાખ્યા પછી જે ઉત્સાહ અને ઉમંગથી કામ કરવા  લાગ્યો હતો તે શક્તિ તો તેની અંદર જ પડી હતી ને !!

 

શ્રીમદ્દ ભાગવતમાં પ્રત્યેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

                                                          (07) 

‘ગીતાઈ’  શીર્ષકથી ધૂળીયાની જેલમાં વિનોબાજીએ જે ગીતા પ્રવચનો આપ્યાં તેમાં ગીતાજીના ત્રીજા અધ્યાયમાં  ‘કર્મમાં ભાવના ભળે તો શું ફર્ક પડે’ તે  બહુ રસપ્રદ  રીતે સમજાવવામાં આવેલ છે. તેઓ કહે છે કે…ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે. “અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા!” બીજો કહે છે, “ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરના પુણ્યનાં કામ એને કાંઠે થયાં. ત્યારે જે અવતારી છે એઆ પવિત્ર ગંગામાં છે” આવી ભાવનાથી ભીંજાઈને તે સ્નાન કરે છે. પેલો ઑક્સિજન-હાઈડ્રોજનવાળો પણ સ્નાન તો કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ બીજા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગા-સ્નાનથી  શરીરનો મેલ ધોવાશે પણ મનનો મેલ ક્યાંથી ધોવાશે? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું, બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ પણ મળ્યું. 

કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં, એ નિયમમાં વનસ્પતિ-સૃષ્ટિ સાથે જોડાયેલા પ્રેમનો સંબંધ છે. તુલસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે, વૃક્ષ-વનસ્પતિ સાથે અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા છોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમનાં શરીરમાંના કાંટા વીણી કાઢતા. આ સેવામાં ભગવાનને એવો તો આનંદ આવતો ! પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ધોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે. અહીં હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ, આ ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરું દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી, કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી ચિત્તશુદ્ધિ થાય અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી. 

  1. સેનો નામનો હજામ. બીજા લોકોનાં માથામાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. “બીજાના માથા પરનો મેલ હું કાઢું છું. પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો ?” એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફૂરવા લાગી.
  2. ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હૃદયમાં પેદા થનારું વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે.
  3. માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ, એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, “માટલાં કાચાં કે પાકાં” એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે.

જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાં ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. તેમનાં એ કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં.

કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે, રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ વાસીદું કાઢે છે, વનમાં ગાયો ચારવા જાય છે., દ્વારકાનો રાજા ફરી કોઈવાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણાં થાપનારો કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. ખૂબી તો જુઓ કે એ  સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલા ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા. (ક્રમશ:)

પ્રભુ ચરણ કમળમાં રહેવાના માર્ગો ક્યા ??

આપણી વાણી, વિચારો અને ભાવોમાં કેટલીયે વસ્તુઓ એકદમ ઉતરતી કક્ષાની હોય છે, એ બધી પ્રભુના ચરણે ધરી દેવાય ખરી ??

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com 

પ્રભુની સાથે રહેવાના બે તબક્કા છે અને એ જ  સમર્પણની પહેલી અને આખરી અવસ્થા છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાની વાતમાં બિલાડીના બચ્ચાનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણોમાં જે વાત છે તે ઈશ્વરને સમર્પિત  થવાની અવસ્થાઓની વાત છે. મર્કટ ન્યાય અને માર્જર  ન્યાયના બે ઉદાહરણો બહુ રસપ્રદ છે. મર્કટ ન્યાય એટલે વાંદરીના બચ્ચાનું ઉદાહરણ.  વાંદરીનું બચ્ચું એની મા ને વળગેલું જ હોય છે, એની મા ને આશરે જ હોય છે. પણ એ બંને હાથે મા ને વળગી રહેવાનો  પુરુષાર્થ તો કરતું જ હોય છે. કાળજી લે છે કે હાથ છૂટી ન જાય કારણ કે જો મા ને વળગાળેલા હાથ છૂટી જશે તો તે માથી વિખૂટું પડી જશે અને તેનું પતન થશે. પ્રભુને આપણે કરવાના સમર્પણની આ પહેલી અવસ્થા છે. જેમાં પ્રભુને વળગી રહેવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. જે કરે તે પ્રભુ કરે આપણે એને વળગી રહેવું છે.

માર્જર ન્યાય એટલે કે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ. બિલાડી પોતાના બચ્ચાને મોં માં લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. બચ્ચું શું કરે છે ? કશું જ નહીં,  પૂરો શરણાગતિભાવ.  બચ્ચું મા તેને જ્યાં લઇ જાય ત્યાં જવા તૈયાર છે. જરા પણ વિરોધ વગર માની સાથે એ પોતાની જાતને ભેળવી દે છે. માએ બચ્ચાને પકડ્યું હોય છે એટલે તેની માટે પડી જવાની કોઈ સંભાવના હોતી નથી. આ અંદર ઉભો થયેલો ભાવ એ ભરોસો છે કે માએ મોઢામાં પકડ્યું છે એટલે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે સમર્પણની આ અંતિમ અવસ્થા છે જેમાં આપણે સંપૂર્ણપણે ભગવાનને આધિન થવાનું છે. ભગવાને આપણો પુરેપુરો કબ્જો લઇ લીધો હોય તો એ અંતિમ અવસ્થા કહેવાય.  જો કે, મહર્ષિ અરવિંદ જેવા સમર્થ યોગીઓ પણ કહે છે કે આ બીજા પ્રકારનું સમર્પણ બધા એકદમ કરી શકે એવું બનતું નથી. ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગે. જયારે વિચારોનું યુદ્ધ ચિત્તબુધ્ધિમાં શમી જાય અને ત્યાં નીરવ શાંતિ થઇ જાય અને કોઈપણ ઈચ્છાના તીવ્ર કે મૃદુ બધા ભાવો નામશેષ થઇ જાય ત્યારે એ ચિત્ત સમપર્ણનો વિકાસ સૌથી વધુ થવા દે છે. 

આંતરિક સમપર્ણ અઘરું છે. સીધું તે અવસ્થાએ પ્હોંચાય તેવું નથી પરંતુ મક્ક્મતાથી જો પ્રયાસ કરવામાં આવે તો મન અને પ્રાણ એ બંને આંતરિક સમર્પણ માટે તૈયાર થઇ શકે છે. અને હા, માત્ર આંતરિક સમર્પણ જ છે એવું નથી,  બાહ્ય સમર્પણ પણ છે. બાહ્ય સમર્પણ એટલે બહાર જે વસ્તુઓ છે તેને છોડી દેવી એવો જ અર્થ થતો નથી.  પણ તમે  ભગવાનને પામવા માટેની જે સાધના કરી રહ્યા છો એનું જે હાર્દ તત્વ હોય, એની જે જરૂરિયાત હોય તેના વિરુદ્ધમાં જે કંઈ જોવા મળે તેનો ત્યાગ કરવો એ બાહ્ય સમર્પણ છે. દા.ત. પ્રભુને ધરાવવું. કશુંક પ્રભુના ચરણમાં મુકુવુ. જેને આપણે ઓફરિંગ કહીએ છીએ. આ સાધનાની જરૂરિયાત ગણાય છે. શ્રી માતાજી કહે છે Remember and offer. ગીતામાં કૃષ્ણ પણ કહે છે कुरुष्य म दर्पणम – મને અર્પણ કર. હવે રોજિંદા જીવનમાં આપણું કર્મ, આપણી વાણી, આપણા વિચારો અને આપણા ભાવોમાં કેટલીયે એવી વસ્તુઓ હોય છે કે જે એકદમ નિમ્ન હોય છે. ઉતરતી કક્ષાની હોય છે. એ બધી વાતને પ્રભુના ચરણે ધરી દેવાનું તો આપણે વિચારી જ ન શકીએ એવી એ બાબતો છે. તો આ ઓફરિંગથી વિરુદ્ધમાં આવતી વસ્તુઓ છે. અથવા અર્પણને અટકાવનારી બાબતો છે. એને બાહ્ય સમર્પણના રૂપમાં છોડવી પડે. આપણે એક કામ સતત કરવાનું છે પરમાત્મા તરફથી આવતું માર્ગદર્શન અથવા તેના આદેશનું સતત અનુસરણ કરવાનું છે. અહીંયા સાવધાન રહેવાનું કે જેથી વિરોધી શક્તિઓ તરફથી કે બીજેથી આવતા અવાજોને આપણે ઈશ્વરીય અવાજ માનીને તેનું અનુસરણ કરવા ન લાગીએ. શ્રી માધવ પંડિત સરસ વાત કહેતા : Beware of voices અવાજોથી સાવધાન રહો. આ કેમ શક્ય બને ? ખુબ પ્રયત્નથી આંતરિક શુદ્ધિ થાય તો આ બધું શક્ય છે. ટૂંકમાં, બાહ્ય સમર્પણ એટલે બહારના આડંબરો, અહંકાર એ બધાને તો છોડવાનું જ છે. અહીંયા બાહ્ય સમર્પણ એટલે ઈશ્વર તરફ જતા માર્ગમાં અવરોધક બનનાર કોઈપણ વસ્તુ, ઘટના કે વ્યક્તિને છોડી દેવી એ આપણું બાહ્ય સમર્પણ છે.

કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

આપણે ગુરુને જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                       (06) 

“કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે.” 

મહાત્મા ગાંધીજીએ કહેલી આ વાત આપણને હવે સ્પષ્ટ થઈ ગઈ છે. શ્રીમદ્ ગીતાજીનો ત્રીજો અધ્યાય એક સવાલનો જવાબ આપે છે. તે સવાલ છે : કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો, પણ પછી ફળ મળે છે કે નહીં??’ સવાલ કર્યા પછી  આ જ ત્રીજો અધ્યાય જવાબ પણ આપે છે કે : ‘કર્મના ફળનો ત્યાગ કરનાર કર્મયોગીને અનંતગણું ફળ મળે છે.’ હા, આ જવાબની વિશદ છણાવટ એટલે ત્રીજો અધ્યાય.

વિનોબાજી  લક્ષ્મીજીની વાત યાદ અપાવે  છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. લક્ષ્મીજીએ પસંદગીની શરત જાહેર કરી નહોતી. સભામંડપમાં આવીને તેણે કહ્યું. “જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું.” ત્યાં  તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મીજી  ઈચ્છા વગરનો વર શોધતાં  શોધતાં  નીકળી પડયાં !! . શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેમણે જોઈ. લક્ષમીજીએ વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતાં બેઠા છે. એમ કહેવાય છે કે :  – ‘ન માંગે ન માગે  તેની રમા થાય દાસી,’  આ  જ તો ખરી ખૂબી છે નિષ્કામ કર્મ કરનારને મળનાર ફળની !! 

કર્મફળની ગતિ સમજીએ તો…  

૧) એક સામાન્ય માણસ કર્મ કરતાં પહેલાં તેનું કેવું અને કેટલું ફળ મળવું જોઈએ તેનો અંદાજ માંડીને એક રીતે સીમિત વાડો બાંધી લે છે. 

૨) સંસારી માણસ ગધ્ધા વૈતરું કરવા છતાં પણ સાવ નજીવું ફળ મેળવે છે.

૩) કર્મયોગી આમ જુઓ તો થોડું સરખું કર્મ કરીને અનંતગણું મેળવે છે.

આ ત્રણેયમાં ફર્ક તો કેવળ ભાવનાનો છે. સામાન્ય કે સંસારી માણસ માટે જેવી વાસના તેવું ફળ. મારી ચીજની કિંમત હું કરું તેનાથી વધુ જગતમાં બીજું કોણ કરે ??

હવે વિચારો..

સુદામા ભગવાનની પાસે તાંદુલ  લઈને ગયા. એ મૂઠીભર તાંદુલના પૌઆની કિંમત પૂરી એક પાઈ પણ નહી હોય. પણ સુદામાને મન તે અણમોલ હતા. તે પૌઆમાં ભક્તિભાવ હતો. તે અભિમંત્રિત હતા. તે પૌઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. 

ચલણી  નોટનું વજન કેટલું હોય છે? સળગાવીએ તો તેના તાપથી એક ટીપું પાણી યે ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે, એ છાપથી તેની કિંમત થાય છે. કર્મયોગમાં આ જ મુખ્ય ખૂબી છે. કર્મનું ચલણની નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની અને છાપની કિંમત થાય છે. 

આપણે ઇચ્છીએ તો  મૂર્તિપૂજાનો મર્મ પણ આ ઉદાહરણ પરથી સમજી શકીએ. મૂર્તિ પૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. મૂર્તિ પહેલાં તો એક પથ્થરનો ટુકડો જ હતો ને.આપણે  તેમાં પ્રાણ રેડ્યો, આપણી  ભાવના રેડી. એ ભાવનાના ટુકડા થાય ખરા ? ટુકડા તો પથ્થરના થાય!!  મૂર્તિમાં મૂર્તિ મહત્ત્વની નથી પણ તેમાં રેડાયેલ આપણી ઉદાત્ત ભાવના અને શ્રદ્ધા અગત્યની છે. 

એક સાદી વાત વિચારીએ… બહારગામ જવાનું થાય ત્યારે આપણી માએ પોતે બનાવેલી સુખડીનો ડબ્બો ભેગો આપ્યો હોય અને મિત્રએ કૂર્કુરેનાં મોંઘાં પડીકાં લઈ આપ્યાં હોય તો તે બેમાંથી કોનો સ્વાદ ચાખવાનું પહેલાં મન થાય ?? કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

બાર વરસ ગુરુને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો છે. હવે તેણે ગુરુને આપવું શું? પહેલાંના વખતમાં ભણાવવાને માટે આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ મહારાજ કહે છે. “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે.” આમ કેમ કહ્યું હશે ?  કારણ સીધું છે… જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. ફૂલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે. રૂક્ષ્મણીજીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા પણ  સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. ભાવભક્તિથી ભરેલું એક તુલસીપત્ર રૂક્ષ્મણીજીએ પલ્લામાં મૂક્તાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર અભિમંત્રિત હતું. તે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે. (ક્રમશ:) 

ઈશ્વરને અર્પણ કરવાની મૂળ ભાવનામાં કેટલા સ્પીડબ્રેકર નડે ?

ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષાથી ઈશ્વર પ્રાપ્ત ન થાય,  જીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com  

ઈશ્વરને અર્પણ કરવાની મૂળ ભાવનામાં કેટલાક અંતરાયો અથવા તો સ્પીડબ્રેકર આપણે સૌએ અનુભવ્યા હોય છે. આ પૂર્ણ સમર્પણની આડે સૌથી પહેલા આવીને ઉભો રહે છે આપણો અહંકાર,  જેને આપણે ઈગો કહીએ છીએ. એટલે કે ‘આ મારું, આ મારા, આ મારો’ એવો આપણો અહંકાર છે. હું…હું…અને હું એ આપણો અહંકાર છે. કશું અર્પણ કરવું હોય તો આપણી  ચેતનામાં પણ હું ની અનુભૂતિ ન રહે અને તે શૂન્ય બની જાય તો જ એ અર્પણ થયું કહેવાય. ‘જે કંઈ છે તે તું જ છે, એનાથી અલગ મારું કંઈ રહે જ નહીં’ તો આ અહંકારનો પહેલો અંતરાય ઘણે ખરે અંશે દૂર કરી શકાય. 

આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને માંગણીઓ બહુ મોટી હોય છે અને ઈશ્વરને કશું પણ અર્પણ કરવા જઈએ ત્યારે એ વચ્ચે નડે છે. કહેવાય છે કે ઈચ્છા એ નિમ્ન પ્રાણમાંથી આવે છે. અને નિમ્નપ્રાણ ઈચ્છા અને તેની જોડિયાબહેન જેવી આસક્તિના રૂપમાં હોય છે. ઈચ્છાને અભાવ સાથે સીધો સબંધ છે. ‘મારી પાસે આ નથી ને  મારે આ જોઈએ છે’, એ ઈચ્છાનું સ્વરૂપ છે. આ આંતરિક ઈચ્છા તીવ્ર થાય એટલે બહાર વાણીમાં પ્રગટે અને વાણીમાં પ્રગટે ત્યારે એ માંગણી બને. જ્યાં સુધી ઈચ્છા હોય છે ત્યાં સુધી માણસ ઇચ્છિત  વસ્તુ કે વ્યક્તિ માટે જીવતો હોય છે, ભગવાન માટે નહીં. અને એ રીતે ઈચ્છા એ ઈશ્વરાર્પણની આડેનું મોટું વિઘ્ન છે. 

અઘરું છે સર્વ ઈશ્વરને અર્પણ કરવાનું. પણ એમ કહેવાય છે કે,  ‘દીર્ઘકાલ સેવ્ય મનઃ’ એટલે કે લાંબા સમય સુધી સેવવામાં આવતા જે કોઈ વચનો હોય છે એ ફળદાયી નીવડે છે એવું યોગસૂત્રમાં કહ્યું છે. મહર્ષિ ઓરોબિંદો એના માટે  ‘સ્ટેડિલી’ શબ્દ વાપરે છે. એ એમ કહે છે કે યોગનો અભ્યાસ એકધારો કરવાનો,  તૂટક તૂટક નહીં. કર્યો અને છોડી દીધો, ફરી કર્યો અને ફરી છોડી દીધો એમ ન ચાલે. યોગસૂત્ર એમ કહે છે કે તમે કોઈપણ અંતર વગર, વચ્ચે કોઈ ખાડો પાડયા  વગર જો અભ્યાસ કરો તો એ ધીમે ધીમે સફળ થવા ટેવાયેલો છે. સંસ્કૃતમાં तैलधरावत  એવો શબ્દ છે. તેલની ધારા માફક એકધારી અને સઘન રીતે તમે કોઈ વાતના અભ્યાસમાં લાગી પડો ત્યારે એ સફળ થઈને રહે જ છે. આનો એક મોટો ફાયદો એ છે કે આમ લાગી પડવાથી આપણું ચિત્ત બીજે ક્યાંય ભટકતું નથી. ‘હે અનિષ્ઠ, હું તારો સ્વીકાર કરતો નથી,’ આવો લાંબા સમય સુધી મક્ક્મતાથી એકધારો ઈન્કાર ધીમે ધીમે કરવામાં આવે તો તેનું જોર તૂટતું જાય છે. અને શક્ય બને કે તે આપણી ચેતનાની બહાર પણ ક્યારેક  ફેંકાઈ જાય છે.

પરમાત્મા માટે આપણને શું છે ?? માત્ર ઈચ્છા કે માંગણી કે અપેક્ષા  કે પછી અભીપ્સા છે, એ જરા નક્કી કરવા જેવું છે. માત્ર ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષા થી ઈશ્વર પ્રાપ્ત ન થાય, મારા અને તમારા જીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ. ‘મારે કેવળ તું જ જોઈએ છે’.. એને અભીપ્સા કહેવાય. સમર્પિત થઇ જવાની મારી અંદર અભીપ્સા જાગે તો ભગવાન પોતે મારા  હૃદયનું શુદ્ધિકરણ હાથમાં લઇ લે. પણ એના માટે સૌથી પહેલી જરૂર છે આપણી ચેતનાનું શુદ્ધ હોવું. શુદ્ધિ વિના સિદ્ધિ નહીં. 

સાધકે સાધનાને સહાયક થાય એવું આચરણ કરવાની અભીપ્સા સતત રાખવાની છે અને તેના માટેનો યથાશક્તિ પુરુષાર્થ કરીને એ પ્રવૃત્તિને બળ આપવાનું છે. અનુભવો દ્વારા શ્રી અરવિંદને ફીલિંગ (એટલે કે આંતરિક અહેસાસ કે  પ્રતીતિ) અને રીઝન એટલે ચર્મચક્ષુથી નહીં પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી થતું દર્શન અભિપ્રેત થયું. શ્રી અરવિંદ મુખ્યત્વે આંતર પ્રતીતિના દર્શન આ પ્રમાણે  ગણાવે છે..(1) સર્વત્ર બ્રહ્મ છે. (2) સાધકમાં શક્તિનો પ્રવેશ થાય છે અને બહાર નીકળે છે. (3) અંદર અને બહાર આસપાસ સાકાર ઈશ્વર છે, દિવ્ય પ્રકાશ છે, શાંતિ છે અને આનંદનું અવતરણ છે. (4) ચેતનાનું વિશાળતા અને વ્યાપકતામાં વિસ્તરણ થયા કરે છે અને શરીર તે વ્યાપકતામાં એક નાનકડી વસ્તુની જેમ બેઠું છે. 

મહર્ષિ શ્રી અરવિંદ કહે છે કે જો સાધના કરનારને ભરોસો અને વિશ્વાસ (એટલે કે ટ્રસ્ટ અને કોન્ફિડન્સ) હોય અને સમર્પણની અભીપ્સા હોય તો શુદ્ધિકરણ માટે  સાધનાનો વિકાસ અને અનુભવોની પ્રક્રિયા અવશ્ય થયા કરે છે. 

શ્રી કૃષ્ણ આપણને પણ અંગો સંકોરવાનો ઈશારો કરે છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે. 

ભદ્રાયુ વછરાજાની                 (05)                         bhadrayu2@gmail.com 

આપણે શ્રીમદ્દ  ગીતાજીના બીજા અધ્યાયમાં કર્મ અને તેના ફળ વિષે સ્પષ્ટ વાત જાણી.

એમ કહેવાયું કે …

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે.

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે.

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?….

પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે

છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ અહીં વિનોબાજી તો એવું કહે છે કે,  ‘તમે કર્મ કરતી વખતે જે આનંદ પ્રાપ્ત કર્યો તે જ તો કર્મનું ફળ છે, તો બીજા ફળની અપેક્ષા શા માટે ?? ‘

શ્રી કિંશૉરલાલ ઘ. મશરૂવાળા એ 1946માં ‘ગીતાધ્વનિ’ શીર્ષકથી ગીતાજી સમગ્રને ગુજરાતીમાં સમ-શ્લોકી  અનુવાદ બહુત ચાયત રાખીને કર્યો છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે ગીતાજીના સંસ્કૃત શ્લોકો ને સમજાવ બહુ અઘરા પડે છે, તેમના માટે આ સમશ્લોકી બહુ જ સરળ ટેકો ઉભો કરે છે. આપણે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન…’ જાણીતા શ્લોકનું સમશ્લોકી વાંચીએ…

“કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દ્રષ્ટિ, મા હો રાગ અકર્મમાં”…(47)

“કર યોગે  રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા  માની, –સમતા  તે જ યોગ છે.”…(48) 

અને હા આપણે પુંડરિકના ‘પણ સિદ્ધાંત’ નું ઉદાહરણ પણ જાણ્યું.

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર શું તેમાં જ

હતો ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ શું ખાલી મડદું હતી ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.

એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “મોક્ષને માટે શું ઘરે છોડવું જ પડે ?” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે ? જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે ઘર છોડવાની જરૂર શી?” ત્યારબાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે, “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરું છે અને ઘર છોડવાની જરૂર છે એ પણ ખરું છે.” આનું નામ “પણ-સિદ્ધાંત” છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે.

# મનની કામનાઓને છોડવાની છે, તો જ આત્મ એટલે કે અંત:સ્વ તરફની યાત્રા  શરુ થશે. અને જે આત્માથી સંતુષ્ટ રહ્યો તેને સ્થિપ્રજ્ઞ  કહેવાય.

# દુઃખમાં ઉદ્વેગ નહીં , સુખોની ઝંખના નહીં, રાગ-ભય-ક્રોધ જતા રહે તેવી  વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

# જે ક્યાંય પણ આસક્ત નથી, શુભ કે અશુભ જે ઘટે તેનો ન તો એ હર્ષ કરે કે ન તો દ્વેષ કરે તે વ્યક્તિની પ્રજ્ઞા સ્થિર થઇ છે, તેમ માની  શકાય.

# શ્રી કૃષ્ણ ઉદાહરણ  આપતા કહે છે કે, કાચબો કોઈનો સ્પર્શ થાયને તરત જેમ પોતાના અંગોને સંકોરીને બેસી જાય છે તેમ, વિષય-ભોગ જેની નજદીક આવે ને જે પોતાની બધીજ ઇન્દ્રિયોને સંકોરી લે છે તે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

આપણામાં કહેવત છે કે ‘પાંથીએ પાંથીએ  તેલ નાખતા હોય તેમ સમજાવ્યું !’ બસ બરાબર એમ જ શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવીને કેવળ અર્જુનને જ નહી,  પરંતુ આપણને પણ અંગો સંકોરવાનો  ઈશારો કરે છે. (ક્રમશઃ)

આપણને ખબર છે કે ભરોસો અને વિશ્વાસ એટલે શું?

શ્રી માતાજી તો એમ કહે છે કે,  ‘તમે જેટલી ઈચ્છાઓ વધારે કરશો એટલો ઈશ્વરને મેળવવામાં તમને વિલંબ થશે.’

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

એક ઉપદેશ સતત અપાય છે કે,  ‘તમે જે કાંઈ કરો તે ઈશ્વરને અર્પણ કરો’. શ્રીમદ ભગવદ ગીતામાં પણ બે મુખ્ય ભાવ વ્યક્ત થયા છે. પહેલો:  સ્વધર્મનું આચરણ અને બીજો: સર્વે કર્મો  ઈશ્વરને અર્પણ. પ્રશ્ન એ થાય કે, આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય હોય છે ખરું ? અને એ અર્પણ કરવા યોગ્ય ન હોય તો સર્વ ઈશ્વરને અર્પણ એવું આપણે કેવી રીતે સ્વીકારી  શકીએ ? કેટલાક અકર્મપ્રેમીઓ મને છે કે,  ‘આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે હું કંઈ નહીં કરું.’ આ તો એક તામસિક અને નિષ્ક્રિય એવો આપણો ભાવ છે. પરંતુ વ્યક્તિએ પૂરો પુરુષાર્થ કરીને પુરુષાર્થ અને ભગવાનની કૃપાશક્તિનો સુભગ સમન્વય સાધવાનો છે તે વાત ભૂલવા જેવી તો નથી જ.

પ્રભુ સહાય કરશે જ,  એવી નિશ્ચિત અપેક્ષાના આધારે જીવવું એ હકીકતમાં  જીવન છે ખરું ? મોટા ભાગના સાધકોને બીજી કેટલીક વસ્તુઓ કે વ્યક્તિઓની  સાથે ભગવાનને જોડવાની ટેવ છે. ભગવાન તેમના માટે એકમાત્ર હોતા નથી અને તેથી તેમનો કોઈ નેનો અનુભવ  પણ થતો નથી. શ્રી માતાજી તો એમ કહે છે કે,  ‘તમે જેટલી ઈચ્છાઓ વધારે કરશો એટલો ઈશ્વરને મેળવવામાં તમને વિલંબ થશે.’ મારે મારી જાત સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરી દેવાની છે.  મારા આત્માને તે  જોઈએ છે તેથી ભગવાન મળશે જ. એ સિવાય વધુ  કંઈ ન થઇ શકે એવું સાધક માનતો હોય છે. આ માન્યતાના આધારે આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ અથવા તો ઈશ્વર આપણા સુધી પહોંચી શકે એમ માનીને જીવવું એ વધુ પડતું છે. જીવનની કેટલીયે બાબતો એવી છે કે જે ઈશ્વરને અર્પણ કરવા જેવી હોતી નથી. આવી બાબતો કઈ કઈ છે તેની આપણે ખાસ વિચારણા કરવા જેવી છે.

આજકાલની મોટી નબળાઈ એ છે કે અતિ ઉત્તમ શબ્દોને આપણે બહુ જ વારંવાર નીચા સ્તરે વાપરીને તેને ખુબ દરિદ્ર બનાવી દીધા છે. એમાંના બે શબ્દો એટલે ‘ભરોસો’ અને ‘વિશ્વાસ’ છે. આપણે લોકશાહીના પ્રચારમાં પણ ભરોસો શબ્દ વાપરવા લાગ્યા અને વાતે વાતે મારામાં ભરોસો રાખો એવું બોલવા લાગ્યા. એવું બોલનારને ખબર હોય કે હું ભરોસાપાત્ર નથી છતાં પણ બોલનાર ઢોલ પીટીને કહેતો હોય કે મારામાં વિશ્વાસ રાખો,  ત્યારે એ શબ્દનું અવમૂલ્યન કરવાનો હીન પ્રયાસ છે. ભરોસો છે શું ? સીધી ને સાદી વાત. ભરોસો એટલે મને જોઈએ ત્યારે જરૂર સહાય મળશે જ એવી  એક નિશ્ચિત અપેક્ષાનો ભાવ. ભરોસો પણ અપેક્ષા છે,  પણ નિશ્ચિત અપેક્ષા છે. એના વિષે શંકા આશંકા નથી જ  અને એ પણ મને સહાયની જરૂર હશે ત્યારે જ. જરૂર પુરી થયા પછી મળે તો એ ભરોસાપાત્ર નથી. વિશ્વાસ એની સાથે સાથે  ચાલતો શબ્દ છે. વિશ્વાસ એટલે આ ભરોસાની સાથે સાથે જતો સલામતીનો ભાવ. જે નિશ્ચિત અપેક્ષા મેં રાખી એ મને મળશે જ એવો ભરોસો હોય ત્યારે એ અપેક્ષા પૂર્ણ થયા પછી  મારી પરિસ્થિતિ હવે યથેચ્છ હશે,  એવી સલામતીનો ભાવ મારામાં ઉતરે એને વિશ્વાસ કહેવાય. 

હવે આ જ વાત ભગવાન વિચારે છે. ભગવાનને એમ થાય છે કે ચાલો,આ ભક્ત કે સાધકનું શુદ્ધિકરણ હું હાથમાં લઉં. પણ ત્યારે ભગવાનને પ્રશ્ન થાય છે કે, મારો ભક્ત  સાધના કરવાને બદલે પોતાના પ્રયત્નો ઉપર આધાર રાખતો થાય એ સાચું કે પોતાના પ્રયત્નો પર આધાર  રાખવાને બદલે પોતાની જાતને મારા  હાથમાં સોંપી દે એ સાચું ! અર્થ એવો નથી કે આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે ને હું તો  કંઈ નહીં કરું એ તો તામસિક નિષ્ક્રિય સમર્પણ કરીને બેસી જવા જેવી વાત છે, એવું આપણે જાણ્યું છે.  એમણે  પૂરો પુરુષાર્થ કરી લેવાનો છે. અને ‘પુરુષાર્થને અંતે ભગવત કૃપા મારામાં શક્તિ ઉમેરશે’ એવો ઘાટ ઘડવાનો છે.

મહર્ષિ અરવિંદ કહે છે કે મારી સાધનામાં મેં પોતે આ જ સિદ્ધાંતોનું અનુસરણ કર્યું હતું . હું જે યોગની કલ્પના કરું છું એની કેન્દ્રવર્તી પ્રક્રિયા આ જ આંતરિક સમપર્ણ છે. થોડું કઠિન બન્યું. આંતરિક સમર્પણ અને બાહ્ય સમર્પણ એવા ભાગ પડતા હશે ? તો શું વળી સમર્પણને પણ વધુ સમજવું પડશે ? હા, સમજવું તો પડશે પણ એ એટલું અઘરું નહીં લાગે. એક સુંદર મજાના  ઉદાહરણથી એ તરત સમજાય જશે. (ક્રમશ:)

‘તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું ‘પણ’ ઈશ્વર છે.’

ભક્તનો સ્વધર્મ ભક્તિ છે, ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

                                                       (04) 

ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંતો બતાવ્યા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી ચાલતું  નથી. આવા સિદ્ધાંતો તો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં પણ દર્શાવેલા છે. ગીતાએ એ ફરી રજૂ કર્યા છે અને એની સાથે આ સિદ્ધાંતો કેમ આચરણમાં મુકવા એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. 

આપણને થતો એક મહા પ્રશ્ન કે ‘કરવું છે પણ કરવું કેમ ?’,  એ ઉકેલવામાં ગીતા કાબેલ રહી છે. જીવનના સિદ્ધાંત અમલમાં મુકવાની હથોટી અથવા યુક્તિને જ યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર અને યોગ એટલે કળા. યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવું જ્ઞાનદેવ કહે છે. દેહને તુચ્છ ગણાવો અને  આત્માનું અમર-અખંડ પણું ધ્યાનમાં રાખી સ્વધર્મનું આચરણ કરવાની કળા કઈ છે તે આપણને બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે. 

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે. 

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?…. પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ કર્મ કરનારને ફળનો હક છે પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો,  એવું ગીતા કહે છે. આ જ વાત રજોગુણ કહેશે કે.. ‘લઈશ તો ફળની સાથે લઈશ.’  તમોગુણ કહેશે, ‘ફળ છોડી દઈશ, ફેંકી દઈશ તો ફળ સાથે સાથે કર્મને પણ ફેંકી દઈશ.’  શુદ્ધ સત્વજ્ઞાની કહેશે, ‘કર્મ કરીશ  અને તેનું ફળ છોડીશ.’ કર્મ કરતા પહેલાં કે તે પાર પડ્યા પછી ફળની આશા નહીં રાખીએ. પણ આવું  કહેતી વખતે ‘કર્મ સારામાં સારું થવું જ જોઈએ’ એવું ગીતા આપણને ઢોલ વગાડીને કહે છે. એટલે કે જે ફળ મળશે તેવી આશાથી કર્મ કરે છે તેના કરતા ફળ નહીં મળે તેવી આશાથી જે કર્મ કરે છે તે વધારે સારું હોવું જોઈએ. કારણકે ફળની આસક્તિવાળો તો ફળ બાબતના ચિંતનમાં તેનો થોડો સમય બગાડ્યા  વગર રહેતો નથી. પણ ફળની ઈચ્છા વગરનાની એકે એક ક્ષણ કર્મ પાર પાડવામાં રોકાશે. 

ક્યારેય વિચાર્યું છે કે નદીને, પવનને, સૂર્યને કોઈ દિવસ રજા હોય છે ? એ સતત કર્મ કરે છે એ નિષ્કામ કર્તાઓ છે. સતત સેવા કર્મ કરવાનું બીજી કોઈ ફિકર નહીં રાખવાની. ફળ ત્યાગના બે ઉદાહરણો સરસ રીતે વિનોબાજી પોતાના ગીતા પ્રવચનોમાં આપે છે.

  1. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી થતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાના સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, મારી ભક્તિનું આ ફળ? આને સારું હું ઈશ્વરની ભક્તિ કરું છું? તેમને થયું કે,  માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગો કરવા માગે છે. તેમણે કહ્યું, “મારું અંતર જાણવા છતાં તું મારી ઝંઝટ ટાળવાનો પ્રયાસ કરશે? હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લાલચ બતાવી મને કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારું ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ.” ભક્તનો સ્વધર્મ ભક્તિ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.
  1. પુંડરીકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે ઊંડો આદર્શ બતાવે છે. પુંડરીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેના માટે સાચી ઈશ્વરભક્તિ હતી.

કોઈક દીકરો બીજાને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે અથવા કોઈક દેશસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડરીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. 

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર તેમાં જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.(ક્રમશ:) 

ગુજરાતી ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકો સુધી પહોંચે ક્યાંથી?

ગુજરાતીમાં ઉત્તમ ફિલ્મો બની રહી છે, પણ થિયેટરના પ્રશ્નો ગુજરાતી દર્શકો સુધી ફિલ્મને પહોંચાડવાનું દુષ્કર બનાવે છે

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com

(સૌ માટે વાંચવો ખૂબ જરૂરી પણ છાપાંમાં ન છપાયેલો લેખ)

છેલ્લા ઘણા વખતથી ગુજરાત રાજ્યમાં ગુજરાતી ફિલ્મો માટેનો એક સરસ સમય શરૂ થયો છે. સરકાર પણ પ્રોત્સાહિત કરે છે. કોઈ ફિલ્મ સોશિયલ મેસેજ લઈને, તો કોઈ ક્રાંતિની વાત લઈને, તો કોઈ થ્રિલર પ્રાયોગિક ફિલ્મ પણ ગુજરાતીમાં હવે બની રહી છે. રોકાણની સગવડની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મો બનાવવી હવે સહેલી બની ગઈ છે. પરંતુ તેને પ્રેક્ષકો સુધી પહોંચાડવી ખાંડાના ખેલ જેવું કામ છે. કારણ કે ફોન કરો ત્યારે ખબર પડે કે આજનો શો તો રદ થયો છે.!! આ અનિશ્ચિતતામાંથી ગુજરાતી ચાહકને કોણ બચાવશે એ મોટો પ્રશ્ન છે. ફિલ્મકર્મીઓ આ કામ કરવામાં વ્યસ્ત છે, કારણ કે અંદરનું એક ઝુનુન ઉભું થયું છે કે ઉત્તમ ગુજરાતી ફિલ્મો ગુજરાતની પ્રજાને આપવી. પણ સાઉથની ફિલ્મો પાછળ દોડનારા આપણે સૌ ગુજરાતી ફિલ્મો માટે કેમ એટલા નિરસ છીએ ? આ મોટી નાકામિયાબી આપણા કળાક્ષેત્રની ગણાય. એ અંગે જે કોઈએ વિચારવું હોય તેણે સંગઠિત થઈને વિચારવું જોઈએ.
તાજેતરમાં એક યુવાગ્રુપની બીજી ફિલ્મ ‘પેન્ટાગોન’ જોવાનો લાભ મળ્યો. ઘણી સારી ગુજરાતી ફિલ્મો ચુકી જવાનો મનમાં રંજ હતો. ‘પેન્ટાગોન’ પણ ચૂકી જવાત કારણ કે કોઈ એકાદા રડ્યા ખડ્યા થિયેટરમાં એકાદો શો એમને મળતો હતો. રીતસર પાછળ પડીને આ ફિલ્મ જોઈ અને ફિલ્મ જોઈને એવું લાગ્યું કે આપણી પાસે કલાકારો, દિગ્દર્શકો અને કથાનક લખનારા લોકો બહુ બળુકા છે. એ સુંદર સ્ક્રિપ્ટ લખી શકે છે, અભિનય કરી શકે છે અને પ્રેક્ષકોના મનમાં બેસી જાય તેવી ફિલ્મ બનાવી પણ શકે.. પણ એ ફિલ્મને થિયેટર સુધી લઇ જવી અને થિયેટરના આકરા અને થોડા વિચિત્ર પ્રકારના નિયમોને આધીન થઈને એને દર્શનીય બનાવવી એ બહુ કપરું કામ બન્યું છે.
‘પેન્ટાગોન’ એક થ્રિલર ફિલ્મ છે. થોડી વધુ માવજત સાથે હિન્દીમાં બને તો હિટ જાય એવી હિન્દી ફિલ્મ જેવી આ ગુજરાતી ફિલ્મ છે, મર્ડર મિસ્ટ્રી છે. છેલ્લી દસેક મિનિટને બાદ કરતા ફિલ્મ સતત રહસ્યના ચકરાવામાં નાખે છે. રહસ્યમય ફિલ્મ બની અને હાઉસફુલ પ્રેક્ષકગૃહમાં બધાના શ્વાસ અઘ્ધર કરી ગઈ. છેલ્લી દસેક મિનિટમાં ફાસ્ટ ફોરવર્ડમાં ફિલ્મ દોડી એ ઘણા પ્રશ્નો છોડી ગઈ. છોડો એ વાત, આપણે એ વાત નથી કરવી. પણ એક બળુકી ફિલ્મ બની ‘પેન્ટાગોન : પ્ર-પંચકોણ’. નાના નાના કલાકારોએ, દિગ્દર્શકે પોતાની લાઈફની આ બીજી ફિલ્મ બનાવી. પણ ફિલ્મની ટીમ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, થિયેટરવાળા લોકો ગુજરાતી ફિલ્મને ચડાવવા માટે તૈયાર નથી હોતા !! એ કહે છે કે સાત દિવસના હાઉસફુલ શો જો તમે ખરીદતા હો તો અમે તમને થોડાક શો આપી શકીએ. અને જે ફિલ્મ નિહાળી શક્યો એ પણ એની આખી ટીમે પરચેઝ કરેલો શો હતો. પોતે પ્રચાર કર્યો અને પછી પોતે ટિકિટ વેંચી !! મોટા નામધારી થિયેટરો વતી જો આવું કામ કલાકારોની ટોળકીએ કરવું પડે તો ફિલ્મ બનાવવા કરતાં તેઓને ટિકિટબારી ખોલવાનું વધુ સહેલું પડે. એક વ્યથા પણ એમના દિગ્દર્શક અને મુખ્ય કલાકારે વ્યક્ત કરી કે, ‘ગુજરાતી ભાષા માટે ચિંતા કરનારા લોકો ક્યારેય આમાં કોઈ દિવસ મદદ કરતા નથી.’
કેટલા જોરદાર નાટકો આવે છે અમદાવાદની રંગભૂમિ ઉપર. બે પાત્રોનું ‘પત્ર મિત્રો’ નાટક કે જેમાં ખાલી પત્રો વંચાતા હોય. એ નાટકે કેટલો જોરદાર માહોલ ઉભો કર્યો !! ગુજરાત યુનિવર્સીટીના એમ્ફી થિયેટરમાં ‘બિજલી’ નાટ્ય પ્રયોગ અદભુત રીતે થયો. આ બંને નાટકોના જેટલા રીવ્યુ સોશિયલ મીડિયા ઉપર વાંચ્યા એ એક અવાજે એને બિરદાવતા હતા. આ બધા નાટકો ફિલ્મની બરોબરીના નાટકો છે, છતાં એમને સગવડો કે સહાયનો કોઈ ટેકો નથી. એ પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે એ પણ અમદાવાદ સુધી જ. તમે રાજકોટ,વડોદરા, સુરત કે અન્ય મેટ્રો જેવા શહેરોમાં એ જોવા માંગતા હો તો એ શક્ય બનતું નથી. કેમ આવી સ્થિતિ છે ?
ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી નાટકોને એટલે કે ગુજરાતની સંસ્કૃતિને જો પ્રમોટ કરવી હોય તો એના માટે પ્રેક્ષકો સુધી ફિલ્મ કે નાટક પહોંચે એવી બધી સગવડતાઓ થવી જોઈએ. સરકારના પોતાના જ ઓડિટોરીયમો છે, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરતમાં.. સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ ફિલ્મ કે નાટકોના શો થવા જોઈએ. એમ થશે તો ગુજરાતી પ્રજા દક્ષિણની જેમ પોતાની ફિલ્મો તરફ ચોક્કસ વળશે. ગુજરાતની જનતાને ગુજરાતી ફિલ્મો જોવા માટે સંસ્કારિત કરવાનો સમય આવી ગયો છે.

શ્રી ગીતાજીનો બીજો અધ્યાય આપણને જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપે છે.

આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

                                                   (03)

આપણે એવું જાણ્યું કે ગીતામાં દરેક શબ્દનો અર્થ આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલો છે. શબ્દનો અર્થ જાણીએ તો આપણને બહુ સ્પષ્ટ રીતે ગીતાનો સંદેશ પ્રાપ્ત થાય છે. જેમ ગીતામાં રહેલા શબ્દને વારંવાર વાંચવાથી અર્થ બદલાય છે એવું જ ગીતાના ખુદના કિસ્સામાં પણ છે. 

મહાભારતમાં ગીતા એક નથી અનેક છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને જેવો વિષાદ થયો એવો વિષાદ મહાભારતમાં અન્ય પાત્રોને પણ વારંવાર થયો છે. 

  1. યુદ્ધની પૂર્વ સંધ્યાએ રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચે જે સંવાદ થયો છે તેને ‘વિદુર ગીતા’ કહેવામાં આવે છે. 
  2. મહાયુદ્ધ પૂરું થયા પછી શાંતિકાળની એ ક્ષણે અર્જુને પરમ સખા શ્રી કૃષ્ણને કહ્યું : કૃષ્ણ, તમે કુરુક્ષેત્રમાં મને પ્રબોધેલા શબ્દો મારે ફરીથી સાંભળવા છે. આ પ્રશ્નના જવાબમાં એના એ શબ્દો પોતે ફરીવાર સંભળાવી શકે એ વિષે શ્રીકૃષ્ણે અસમર્થતા દાખવી. એ સમયે પોતે યોગયુક્ત થયેલા અને એવી યોગયુક્તતા હવે સ્વૈછિક ધોરણે પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી, એટલે કુરુક્ષેત્રની રણભૂમિમાં જે કહેવાયું હતું એ પુનઃ તો કહી શકાય એમ નથી. પણ પ્રાચીનકાળમાં બનેલી એક ઘટનાનો આશરો લઇને એવી જ બીજી થોડીક વાતો કૃષ્ણે અર્જુનને સંભળાવી અને આ સંવાદ ‘અનુગીતા’ના નામથી ઓળખવામાં આવ્યો. 
  3. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ દ્વારા જે ગોપી પ્રેમની અનુભૂતિ વિષે કહેવાયું તે ‘ઉદ્ધવ ગીતા’ના નામે પ્રચલિત છે.

એમ કહેવાય છે કે ગીતાની સંરચના એ વિશ્વ સાહિત્યમા બહુ અજોડ છે. આમ તો ગીતાના ૭૦૦ શ્લોક શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ તરીકે છે. એમની વચ્ચે જે સંવાદ થઇ રહ્યો છે એ સંવાદ રણભૂમિથી દૂર હસ્તિનાપુર રાજમહેલમાં બેઠેલો સંજય જોઈ અને સાંભળી શકે છે અને રાજા ધૃતરાષ્ટ્ર જે આજીવન અંધ છે એમની સમક્ષ સંજય પોતે જે જોવે છે અને સાંભળે છે એનું વર્ણન કરી રહ્યો છે. જે ગીતાનું જ્ઞાન કૃષ્ણે ગુહ્યતમ કહ્યું છે અને પૂર્વે તો માત્ર સૂર્ય મન અને ઈશ્વાકુ  જ જાણતા હતા એ જ્ઞાન ધૃતરાષ્ટ્ર જેવા મોહના  આવરણથી વ્યાપ્ત અને અંધના અંતઃકરણ સમક્ષ પણ વ્યક્ત થાય એ કેવો યોગાનુયોગ ? ગીતાની આ લાક્ષણિકતા સમજાવતા સાક્ષરવર્ય શ્રી દિનકર જોશી કહે છે કે,  આ ચાર વચ્ચે જે કંઈ બનતું રહ્યું એની સમગ્ર તસ્વીર મહર્ષિ વ્યાસે શબ્દબદ્ધ કરીને આપણને આપી. આમ ગીતાનું રચના કૌશલ્ય ભારે અભિભૂત કરે તેવું છે. ક્યાં અઢાર અક્ષૌણી વચ્ચે થઇ રહેલો સંવાદ, ક્યાં હસ્તિનાપુરના રાજમહેલમાં થતું એનું પુનરાવર્તન અને ક્યાં મહર્ષિ વ્યાસ દ્વારા શ્રી ગણેશની કલમે આલેખાઈને શબ્દબદ્ધ થયેલું કાવ્ય !!  આપણે જયારે કાવ્ય શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને સાહિત્યની વાત અવશ્ય યાદ આવે છે. શું ગીતા એ કાવ્ય હતું ? કાવ્ય પાસે હકીકતમાં રસ અને ચોક્કસ સંદેશની અપેક્ષા રાખવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ગીતાનો ગ્રંથ એ કાવ્ય છે. 

ગીતાના બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપણને આપવામાં આવ્યા છે. 

૧) આત્મા અમર છે અને અખંડ છે. 

૨) દેહ ક્ષુદ્ર છે, નાશવંત છે 

અને 

૩) સ્વધર્મ અબાધ્ય છે. 

આ ત્રણમાં સ્વધર્મનો સિદ્ધાંત એ કર્તવ્યરુપ છે એટલે કે એને અમલમાં કે આચરણમાં મુકવાનો છે,  જયારે બાકીના બે જાણવા માટેના છે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવીને મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતા ઊભા  થઇ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હતો, આપણા મા બાપ હતા, આપણા પાડોશી હતા. આ અસ્તિત્વના બધા જ તત્ત્વો હાજર હતા.  આમ આપણો જન્મ ચાલુ પ્રવાહમાં થયો છે એટલે જે મા બાપને પેટ મેં જન્મ લીધો તેની સેવા કરવાનો ધર્મ જન્મથી મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ અને પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવીને મળ્યો છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે. ક્યારેક તો એવું લાગે કે તે આપણા  જન્મની આગળથી આપણા માટે તૈયાર હોય છે. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. કોઈ નિયત હેતુ પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. વિનોબાજી સ્વધર્મને મા ની ઉપમા આપે છે. તેઓ કહે છે મારી મા ની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઇ ચુકી છે. સિદ્ધ છે. મા ગમે તેવી હોય મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે. (ક્રમશ:)

‘હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’

‘હું કંઈ નથી,જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જીવવું  જરૂરી છે.’

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે  જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા,  એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું.  જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે,  ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !!  એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક  મોટા ભવનમાં  લઇ આવ્યા.  ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો,  એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો,  આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને  એ તો રાજી થઈ ગયો કે, વાહ,  મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા  લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે  ફરીવાર ચાલવા લાગ્યો.. 

ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો,  ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ  ચડ્યો પણ ત્યાં એમણે  દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી,  જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.

સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે,  તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે,  શેનું ખોખું છે ? તો કહે,  અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ?  એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ  ટોલેએ એ માણસને કહ્યું કે,  ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ  કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.

વિષાદનું હોવું પણ એક યોગ જ છે ને ?

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે તો ગીતાનો જન્મ છે.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com                                                    

                                                   (02)

અર્જુનનો વિષાદયોગ એ એની નબળાઈ નથી તો પછી શું છે ? અર્જુને કહેલી વાત એ કોઈ એની ફિલસુફી ન હતી, કારણ એ અનેક યુદ્ધો ખેલી ચુક્યો હતો અને અનેકને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો. અત્યારની તેની દલીલો તો તેનો ‘કોરો પ્રજ્ઞાવાદ’ (વિનોબાજીનો પ્રયોગ)  હતો. શ્રી કૃષ્ણ આ વાત એકદમ જાણી ગયા હતા તેથી તેઓ આ વાતને ધ્યાનમાં જ લેતા નથી. અર્જુન તો યુદ્ધપ્રવૃત્ત જ હતો એટલે  અહિંસાવૃત્તિની કોઈ વાતને ધ્યાનમાં  લીધા વિના શ્રી કૃષ્ણ કહે છે કે : ‘અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી.’ ટૂંકમાં, ભગવદ ગીતાનું પ્રયોજન જ  સ્વધર્મવિરોધી મોહનું નિરસન કરવાનો છે. 

આ સ્વધર્મ શબ્દ એ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે. મારી નાનકડી  દ્રષ્ટિએ ગીતા એ બે વિચાર-શબ્દોનો સરવાળો છે : સ્વધર્મ આચરણ અને સર્વ ઈશ્વરાર્પણ . અન્યના ધર્મ વિષે મારે વિચારવાની જ જરૂર નથી, કારણ મને જન્મની સાથે જે મળેલ છે તે મારો સ્વધર્મ જ છે અને તેને મારે જીવનભર વફાદાર રહેવાનું છે. બીજાનો ધર્મ મને સારો લાગે તો પણ એ બીજાનો છે, મારો નથી, એટલે તેને અપનાવવાની જરૂર જ નથી. એમ કરવા જઈશ તો હું મારો ધર્મ ચુકી જઈશ. માછલીને કોઈ કહે કે, પાણીમાં રહે છે તેની બદલે તને હું દૂધનો હોજ ભરી દઉં તો ? માછલી એ વાત સ્વીકારશે ખરી ? ના જી, કારણ માછલી જેવો નાનો જીવ પણ સમજે છે કે પાણીમાં હું સલામત રહીશ અને દૂધમાં તો હું મરી જઈશ. 

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે એમ માનીને આગળ ચાલીએ તો અર્જુનનો વિષાદ ખરેખર તેનો મોહ છે, અને  તેમાં ન લડવાનું કોઈ લક્ષણ નથી એવું સ્પષ્ટ થશે.  પેલા ન્યાયાધીશ હવે મૂંઝાયા છે,  કારણ કે કેટલાયને ફાંસીની સજા કરી ત્યારે મોહનો પડદો ન હતો અને હવે પોતાના દીકરાની વાત આવી એટલે મામકાઃ થયું છે. આખી ગીતા સંભળાવ્યા પછી ભગવાન પૂછે છે કે, ‘અર્જુન, મોહ ગયો ?’ અર્જુન સરસ  જવાબ આપે છે કે,’ભગવાન, મને હવે સ્વધર્મનું ભાન થયું.’ આમ એનો વિષાદ એ નબળાઈ નથી પણ સ્વજન મોહ છે. 

આપણને સહેજે પ્રશ્ન થાય કે વિષાદ  તો બરાબર પણ એની સાથે ‘યોગ’ શબ્દ લગાડીને ભગવાન શું કહેવા માંગે છે ?? અહીં આપણને અર્જુન જ મદદ કરે છે. અર્જુન બહુ ઋજુ હતો અને સદા હરિશરણ હતો. આ બે ગુણ  હોય તો ગમે તેવો વિષાદ પણ યોગ બની જાય. અને જો આનંદ યોગ હોય, પુરુષોત્તમ યોગ  હોય તો વિષાદનું હોવું પણ એક યોગ જ છે. વિષાદ પછી જ આનંદનું મૂલ્ય સમજાય છે ને ?? સાચા માણસના હૃદયનું મંથન તો વિષાદથી જ થાય છે. વળી વિનોબાજી તો એવું માને છે કે અર્જુનને જ વિષાદ હોય એવું કેમ માની  લેવાય, માણસ માત્રને વિષાદ થાય છે, અર્જુનને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણ  આપણને  વિષાદની પાછળ છુપાયેલ મોહનું દર્શન કરાવે છે. 

ગીતાના બીજા અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત છેડીને ભગવાન સમત્વ બુદ્ધિ માટેના લક્ષણો ગણાવે છે. એમ કહો ને કે, ભગવાન આપણને જીવન જીવવાના સિધ્ધાંતો સમજાવે છે. આપણે ઇચ્છીએ તો આ સિદ્ધાંતો ઉપર આપણે જીવનની ઇમારત ચણી  લઇ શકીએ. આ અધ્યાયમાં  વપરાયેલ શબ્દ ‘સાંખ્યબુદ્ધિ’ એટલે જીવનના મૂળભૂત સિદ્ધાંત. ગીતામાં પ્રયોજાયેલ એકે એક શબ્દ આપણી સાથે કનેક્ટ થયેલ છે, તે યાદ રાખવા જેવું છે. પછી આપણે આપણી સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરીએ તે આપનો ગુણ  કે દોષ, જે ગણો તે. 

ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ, દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં “द” એટલો એક જ અક્ષર આપ્યો. તેનો અર્થ કરતાં દેવોએ કહ્યું, “અમે દેવો કામી રહ્યા, અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ “द” અક્ષરથી દમન કરો એમ શીખવ્યું.” દાનવોએ કહ્યું, “અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ “द” અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું.” માનવોએ કહ્યું, “અમે માનવો લોભી, અમે સંઘરો કરવા પાછળ પડેલા. “द” અક્ષરથી દાન કરો, એવું પ્રજાપતિએ અમને શીખવ્યુ.” પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમકે બધાયને તે પોતાના અનુભવમાંથી લાધ્યા હતા. અનુભવમાંથી લાધે તે અક્ષર  સાચો. (ક્રમશ:) 

 

આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ તે જૈનમુનિ કેમ કરી શકે છે ?

જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે.

શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી. આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.

અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી

મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

                                              (01)

મહાભારત આપણો રાષ્ટ્રીય ગ્રંથ છે. એમાં આવતી  વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. વિનોબાજી મહાભારતને ‘વ્યાપક  સમાજશાસ્ત્ર’ કહે છે. એક લાખ શ્લોકો છે મહાભારતમાં.. જેના દ્વારા વ્યાસજીએ કેટલાંય ચિત્રો, ચરિત્રો  અને ચારિત્ર્યો દોરી આપ્યા છે અને તે પણ આબેહૂબ. ભીષ્મ અને યુધિષ્ઠિરના દોષો બતાવેલા છે તો પછી કર્ણ  અને દુર્યોધનના ગુણો  પણ દર્શાવ્યા છે. આટલું મોટું મહાભારત છે  પણ તેમાં વ્યાસજીનો ઉપદેશ કે તેમનું ખુદનું કશુંક ક્યાં જોવા મળે છે, એવું કોઈ પૂછે તો સ્પષ્ટ જવાબ છે કે,  શ્રીમદ ભગવદ્દ ગીતા !!   સમગ્ર મહાભારતનું નવનીત તે ભગવદગીતા.

 સાતસો શ્લોકોમાં કહેવાયેલ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ,  તેના સખા અને શિષ્ય અર્જુનને કહી રહ્યા છે. અહીં એક નોંધવા જેવી ખૂબી છે કે વ્યાસજીએ આ ગીતાના ઉદ્ગાતાને જ મહાભારતનું એક મહત્વનું પાત્ર પણ બનાવેલ છે. શ્રીમદ ભાગવતના નાયકનું નામ શ્રી કૃષ્ણ છે. પ્રખર અભ્યાસુ સાક્ષર શ્રી દિનકર જોશી નોંધે છે કે,  ‘વિષ્ણુપુરાણ’, ‘અગ્નિપુરાણ’ અને ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં પણ કૃષ્ણ નામનો સતત ઉલ્લેખ થતો રહે છે. તો ‘છાન્દોગ્યઉપનિષદ’માં ઘોર આંગિરસના શિષ્ય તરીકે પણ દેવકીપુત્ર  કૃષ્ણનો  ઉલ્લેખ થયેલ છે અરે, છેક ઋગ્વેદકાળમાં સ્તુતિમંત્રોમાં પણ કૃષ્ણ  નામના ઋષિનું સ્મરણ છે. આમ છતાં એ સ્વીકારવું રહ્યું કે,  આપણે તો જે કૃષ્ણને ઓળખીએ છીએ તે તો ‘મહાભારતના કૃષ્ણ’ છે.  

ગીતાનું સ્થાન મહાભારતમાં બરાબર મધ્યમાં છે. સમગ્ર મહાભારત પર પ્રકાશ ફેલાવનાર દીવાદાંડી તે ગીતા છે. પાછી આ દીવાદાંડી તો કિનારે નથી, પણ મધ્યમાં છે. એક બાજુ મહાભારતના છ પર્વો છે તો બીજી બાજુ બાર પર્વ છે. એક તરફ સાત અક્ષૌહિણી સેનાઓ છે તો બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાઓ  છે અને તેના  મધ્ય ભાગે ગીતાનો ઉપદેશ થયો છે. મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

       ગીતાનો પહેલો જ અધ્યાય લાચારીની મનોદશાથી શરુ થાય છે જે ઉત્સાહવર્ધક નથી તેવું  ઘણાને લાગે છે. અર્જુન જેવો ખરો બાહુબલી નિરાશાના અને શરણાગતિનાં વચનો ઉચ્ચારે તે પણ ઝટ દઈને મનમાં બેસતું નથી. જેને આજે ‘મોટિવેશન’ નું રૂપાળું નામ અપાયું છે તે મોટીવેશનના ભંડાર જેવી ગીતાનો આરંભ આવો કેમ ?? શું અર્જુન નામર્દ અવસ્થામાં મુકાય શકે ? સેંકડો લડાઈઓ ખેલી ચુકેલો અર્જુન અચાનક બીકણ કેમ ભાસે છે ?? વિરાટની ગાયો છોડાવવા માટે એકલે હાથે ભીષ્મ, દ્રોણ  અને કર્ણને હરાવી તેનું બળ હરી  લેનાર અર્જુન આમ ઢીલો થઇ જાય ખરો ?? જેના રોમેરોમમાં વીરવૃત્તિ છે તે અર્જુન હાથિયાર હેઠા મૂકીને કેમ બેસી ગયો ?? આ અને આવા અનેક પ્રશ્નો એક સહજ માણસ તરીકે મને અને તમને થાય છે અને થાય તે સ્વાભાવિક પણ છે. અર્જુનનો વિષાદ આસક્તિજન્ય હતો તેમ તો કહેવા શ્રી કૃષ્ણ ઈચ્છે  છે. અને એટલે તો પહેલા અધ્યાયમાં અર્જુન જેવા વીરને પણ આસક્ત થતા વાર લાગતી નથી તેવું સમજાવીને શ્રી કૃષ્ણ અનાસક્તિયોગ તરફ આપણને લઇ જાય છે. અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી.

         એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનવીય છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી, માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી, ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેનું ઝનુન ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાધ લગાડનારું છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. પોતાનો છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસ ફાંસીની સજાઓ  ફટકારતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. “આ મારો દીકરો છે” એવા મમત્વમાંથી જન્મેલું એ કથન હતું…

           બસ, આ ન્યાયાધીશ તે ગીતાનો અર્જુન..અને ન્યાયાધીશનો વિલાપ તે અર્જુનનો વિષાદ… (ક્રમશઃ) 

“તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”

યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ, પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?” પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’  આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ 

પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી  અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે,  ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. 

યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો  સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા  વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’  

નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં  તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે?  તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ   વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.

એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

  • “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે, “મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.
  • “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.
  • “જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?” યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”
  • “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’
  • “આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે.

જીવનમાં બે વિસ્ફોટ થયા અને આપણને મળ્યા ‘સેવા’મૂર્તિ ઈલાબેન ભટ્ટ

‘શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઈન્ડ સેટ મને બહુ નડ્યો છે !’

‘મારા સાડલાની બોર્ડરનો રંગ કાલે કેવો હશે તેની ચર્ચા થવા લાગી કોર્ટમાં !’

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

સેવામૂર્તિ ડૉ. ઇલા ભટ્ટ. જેમના છેલ્લાં સાઠેક વર્ષોના જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’. હા, આ સેવા એટલે સાદી-સીધી કે નામ-દામ મેળવવાની સેવા નહીં. આ સેવા એટલે SEWA (Self Employed Women’s Association), સ્વાશ્રયી કામદાર મહિલા સંઘ.  સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં આમંત્રણથી યુનોની સંયુક્ત પરિષદને સંબોધનાર ડૉ. ઇલા ભટ્ટ આપણાં ગુજરાતના – અમદાવાદના – ખાડિયાના – દેસાઈની પોળના નિવાસી. બહુ યાદ કરે તેઓ ભાવથી એ દેસાઈની પોળનાં ગરબાને કે જ્યાં તેમના મા વનલીલાબહેન અને માસી તરુલતાબહેન લાંબા ઢાળના ગરબા ગવરાવતા અને આજુબાજુની પોળના લોકો એ સાંભળવા આવતા. “ભદ્રાયુભાઈ, આજે જ્યાં અખાનું પૂતળું મૂક્યું છે ને તે ઘર અમારું, ત્યાં કૂવો ઢાંકીને ચોક કર્યો છે,  બસ એ ગરબા ગાવાનો ચાંચરચોક અમારો.” અન્ય ગોઠવણને અંજામ આપવા જે વિદ્યાપીઠે ઉતાવળમાં કુલપતિ ઇલાબેનનું રાજીનામુ સ્વીકારી લીધું તે જ વિદ્યાપીઠમાં નિરાંત જીવે સંવાદ માંડેલો ત્યારે નિજી જિંદગીનાં કેટલાંય પૃષ્ઠો ખોલેલાં ઇલાબહેને.

સ્વાતંત્ર્યની ચળવળનો સમય હતો એ, જ્યારે ઇલા ભટ્ટનું તારુણ્ય અને યુવાની રંગે ચડ્યાં હતાં. શાળાના ગણિત શિક્ષક તલાટીસાહેબ પારસી હતી. ગણિત તો સરસ ભણાવે જ પણ હારોહાર જીવનનાં મૂલ્યોની વાતો પણ કરે. દેશને આઝાદ કરવાનો છે, દેશનું ચારિત્ર્ય ઘડવાનું છે. એવી વાતો થતી ત્યારે કૉલેજકાળમાં તો દેશનાં નવનિર્માણનાં સ્વપ્નો જોયાં હતાં. મહાત્માજીએ “શું કરવું” અને “કેમ કરવું” તે તો સ્પષ્ટ કરી આપેલું. ગામડામાં જાવ, ત્યાં કામ કરો, ગરીબો-પછાતો-વંચિતો માટે સમય આપો એવું કહેતા કૉલેજમાં અધ્યાપકો. મહાત્માજીની હત્યાનો સમય બરાબર યાદ ઇલાબહેનને. “સમાચાર મળ્યા કે બાપુની હત્યા થઈ છે ત્યારે મહોલ્લામાં ચર્ચા થયેલી કે જરૂર કોઈ મુસલમાને માર્યા હોવા જોઈએ  ગાંધીજીને, ત્યારે મારાં બા અને બાપુજીએ સૌને કહ્યું : ના, આપણા જ લોકોએ હત્યા કરી હશે. આપણો વિરોધ કરનારા જીવ લેવા સુધી ન જાય, એ કામ તો કોઈ અંદરના ને નજીકનાં જ કરી શકે… મારી બા બહુ રડી હતી. દાદાજીએ અઠવાડિયા સુધી મૌન રાખ્યું હતું. અમે પણ શુક્રવારે મૌન રાખતાં થયેલાં. શાળામાં શોકસભા થયેલી તેમાં મેં રચેલી જીવનની પહેલી કવિતા ૨જૂ કરી બાપુને અંજલિ આપેલી…’ 

ઇલાબહેન એગ્રેસિવ કે  ઍક્ટિવિસ્ટ પણ નહીં,  કારણ નાનપણમાં બીકણ, શરમાળ, હિંમત ન ચાલે એવાં. રમવા-કૂદવાનું ન મળ્યું કદી. જલ્દીથી મોટાં ને પીઢ થઈ જવાયું. ધ, સેન્સ ઑફ જસ્ટિસ ભારે. પોતે બેઠાં હોય તે જગ્યા પર પછી કોઈ બેસે તો તેને ઉઠાડે  અને ન ઊઠે તો તેને કહે : “ઊભા થાવ  નહીં તો હું કેસ કરીશ તમારા પર .’ આ વાત પિતાજી કહેતા. કશામાં ભાગ ન લેવો, ડિબેટમાં બોલવું નહીં, દલીલો મનમાં હોય પણ પહેલ કરીને કૂદી પડવું એવું કંઈ નહીં. એમાં એક ર્નિગ પોઈન્ટ આવ્યું . ૧૯૭૧ના સેન્સસની પ્રિ-ટેસ્ટનું કામ કૉલેજને સોંપાયું. કૉલેજ વતી આ કામમાં જોડાયાને નજીકના માછીવાસમાં પહેલીવાર જવાનું બન્યું. તેઓની બધી વિગતો પૂછવાની ને પછી લખવાની. ઘણો સમય માછીમારો વચ્ચે ગાળ્યો. ઘરે આવે ત્યારે કપડાંમાંથી માછીની વાસ આવે. ઘરના પૂછે તો શો જવાબ આપવો? ઇલાબહેન ધીમા અવાજે ભર્યા સાદે કહે : “આ સેન્સસે મારાં જીવનમાં મોટો વિસ્ફોટ કર્યો ! પહેલો અનુભવ હતો જિંદગીનો કે ગરીબોનાં ઝૂંપડાંમાં જવાનું ને જાણવાનું કે તે શું ખાય છે, કેમ જીવે છે, કેટલાં જન્મે છે, એમાંથી કેટલાં મરે છે, શું કરે છે, શું  કરતાં નથી? આપણા  ઘરથી આટલાક દૂર છે તે લોકો વિશે આપણને કશી ખબર નથી ?! આ તો બહુ સ્વાર્થી જીવન ગણાય. આ સમયમાં મારા વર્ગસાથી સાથે મૈત્રી થઈ ને એ પરિણયમાં પરિણમી.”

દાદા ધારાસણા મીઠા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના વડા. આમ ફિલ્મસર્જક, કુશળ અને સેવાભાવી. ગાંધીજીને વાંચતાં વાંચતાં બધું છોડી દીધું હતું ! ઇલાબહેનનો ઉછેર – ભણતર – વકીલાતનો આરંભ બધું સુરતમાં. પિતા અને કાકા બન્ને વકીલાત કરતા. દાદાએ કહ્યું કે બન્ને છોકરા એક જ કોર્ટમાં વકીલાત કરે તે બરાબર નહીં એટલે સુરત જવાનું થયું. મા વનલીલાબહેન બહુ ઉત્સાહી, ત્રણ ચોપડી ભણીને સાસરે આવેલાં પણ સાસરે આવીને આગ્રહપૂર્વક ભણ્યાં. દીકરી ઇલાએ જ્યારે બી.એ. કર્યું ત્યારે માએ મૅટ્રિક પાસ કર્યું! દીકરીને વકીલ બનાવવાનું શ્રેય માને જાય. પોતે અખિલ હિંદ મહિલા પરિષદમાં પણ કાર્ય કરે. “ભણવામાં રુચિ કેવી હતી, ઇલાબહેન ?” આ પ્રશ્ન પુછાતાં જ ઇલાબહેન ભટ્ટ તરત બોલી ઉઠેલાં  : “મને મારી રુચિ ન પૂછશો. મારાં માબાપની રુચિ પૂછો. તેઓનો ઉત્સાહ એટલો હતો કે મને ભણવા બેસાડી સીધાં ત્રીજા ધોરણમાં ! તેર વર્ષે મૅટ્રિક, સત્તર વર્ષે બી.એ., ૧૯ વર્ષે એલએલ.બી., વીસ વર્ષે મજૂર મહાજન સંઘમાં વકીલાત શરૂ, એકવીસ વર્ષે પહેલું બાળક, સત્તાવીશ વર્ષે બીજું બાળક અને પછી આઝાદ..’ તેઓની આઝાદીએ સમાજને કેટલું આપ્યું તેની કોઈ ગણતરી કે કોઈ ભાર વગરનાં  ઇલાબહેન હવે સદાકાળ આઝાદ થઇ ગયા. 

મજૂર મહાજન સંઘમાં જોડાયા ને ઇલાબહેને વકીલાત શરૂ કરી. તે સમયના સમર્થ વકીલ સોમનાથ દવેએ ગ્રેચ્યુટીના બિલનું પાયાનું કામ સોંપ્યું. મજૂરોના નાના નાના પ્રશ્નોના કેસોથી વકીલાતનો આરંભ થયો. બહુ નવું લાગતું ત્યારે કારણ બધા જ પુરુષો, કોર્ટમાં પણ અને મહાજનમાં પણ… “મારા સાડલાની બોર્ડરનો રંગ કયો હશે કાલે, તેની પણ ચર્ચા થવા લાગી. હું જરા કૉન્શિયસ બની ગઈ અને તેમાંથી ઘણું શીખી!” ૧૯૬૯માં હુલ્લડ થયાં તેમાં મિલકામદારો પહેલીવાર ભળ્યા એ ખેદજનક વાત હતી. શ્યામાપ્રસાદ વસાવડા જનરલ સેક્રેટરી. તેમની અને નાનાભાઈ શુક્લની સાથે હુલ્લડો દરમ્યાન બહુ કામ કર્યું. મડદાં ઊંચકી ટ્રકમાં ભર્યા ! મિલકામદારોનાં ધાડેધાડાં મદદ માટે મહાજનમાં આવવા લાગ્યાં. ઈલાબહેન ભટ્ટને કામ સોંપાયું કે ‘સર્વે કરી બહેનોને ક્યાં-કેવી ઈજા થઈ છે?” “આ લોકોનાં ઘર કેમ ચાલે છે?અને આ સર્વેએ ઇલા ભટ્ટના જીવનનો બીજો વિસ્ફોટ કર્યો ! જાણવા મળ્યું કે મિલકામદારોના – શ્રમિકોનાં ઘર તો બહેનોની કમાણીથી જ ચાલે છે. શાક વેચે છે, ખોળાં બનાવે છે, બાંધકામ મજૂરી કરે છે, લારી ખેંચે છે, ખેતમજૂરી કરે છે… અને આ લોકોને કોઈ રક્ષણ તો નથી, કારણ આ સ્વાશ્રયી વર્કર નથી,  માટે વર્કરનો કાયદો તેને લાગુ નથી પડતો. એ સમયે ૮૯% કામદારો એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય રક્ષણ તો હતું જ નહીં ! આ તે કેવું? ઇલાબહેન ભટ્ટે નક્કી કર્યું : “મારે વકીલાત નથી કરવી. અસંગઠિતોનું સંગઠન કેમ નહીં? જેના કોઈ માલિક નથી તેનું યુનિયન ન હોય તે કેમ ચલાવી લેવાય? જેમને કોઈ નામ જ નહોતું તેને અમે self Employed એવું નામ આપ્યું.” વર્કર અને યુનિયન શબ્દોને રીડિફાઈન કરનાર ઈલા ભટ્ટ ૧૯૭૨માં SEWA સ્થાપી, અરવિંદ બુચ પ્રમુખ અને ઇલા ભટ્ટ જનરલ સેક્રેટરી. ‘સેવા’નું રજિસ્ટ્રેશન કરાવવામાં નવ મહિના સંઘર્ષ કરવો પડ્યો. સોસાયટીનો માઇન્ડસેટ કારણભૂત હતો. ઇચ્છા એવી કે આ શ્રમજીવી અદૃશ્ય રહે તો અબોલ રહે અને તો જ શોષિત રહે! “ચૂલાની ડિઝાઈન બદલવી જોઈએ, લારીએ બ્રેક હોવી જોઈએ, લારી નીચે લટકીને સૂતાં શ્રમજીવીના બાળક માટે સગવડતા હોવી જોઈએ, માણસનો માણસ તરીકે સ્વીકાર થવો જોઈએ. વસાવડાસાહેબ, શંકરલાલ બૅન્કર, હંસાબહેન હજારે, ખંડુભાઈ દેસાઈ સૌની સાથે મળી ઘનિષ્ઠ કામ થયું. શનિવારે મહાજન સંઘમાં સ્વાધ્યાય થાય તેમાં ‘ગાંધી સિદ્ધાંતોની ચર્ચાથી કામનો પાયો નંખાય.” ઇઝરાયેલની લેબર ઍન્ડ કો-ઑપરેટિવ ઇન્સ્ટિટયૂટમાં નવ માસનો ડિપ્લોમા કોર્સ કરવા ઇલાબહેનને મોકલવામાં આવ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે, પણ તેનો નમૂનો ઈઝરાયેલે પૂરો  પાડ્યો છે. અહીંથી જીવનને સાર્થકતાનો રસ્તો મળ્યો. 

‘સેવા’ દ્વારા ત્રણ વાતો અમલમાં મુકાવી : (૧) “અમે છીએ તેની નોંધ લો”. (૨) ‘અમારે શું જોઈએ છે?” તે જાણો. (૩) “અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો.” પાથરણાવાળા પણ નેચરલ માર્કેટ છે, એવું સુપ્રિમ કોર્ટ સુધી લડી સેવાએ પ્રસ્થાપિત કર્યું. મજૂરી પણ સેવા છે તેવું સ્વીકૃત કરાવ્યું..” નાના શ્રમિકોને નાનું ધિરાણ આપનાર વચેટિયાને કાઢવા બૅન્ક શરૂ કરી. શ્રમિક રોજ એક રૂપિયો બૅન્કમાં મૂકી શકે, પચાસ રૂપિયા થાય એટલે બૅન્ક તેને ધિરાણ આપે. છ રાજ્યોમાં આ સેવા બૅન્ક આજે ધમધમે છે. સેવાએ યુનિયન, બેંકિંગ, વીમો, કાયદાકીય સલાહ, આવાસ યોજના અને હવે માઇક્રોફાઇનાન્સની યોજનાઓને અમલમાં મૂકી વિશ્વસ્તરે સૌને અચંબિત કર્યા છે. ‘સેવા’ના બાર લાખથી વધુ સભ્યો ! “સેવા’નાં વિધિવત્ પ્રધાનમંત્રીપદે ઈલાબેન ન હતા , છતાં તેની ખાસ કાળી ઑટોરિક્ષા જોઈને કોઈપણ અમદાવાદી કે ગુજરાતી સેવાના પર્યાય ઇલા ભટ્ટને ઓળખી જાય છે ! 

એકસોને પાંચ નાની સહકારી મંડળીઓમાં કાર્યવ્યસ્ત “સેવાના પુરસ્કર્તા ઈલાબેનની વાત કાને ધરવા જેવી છે : “આપણે ઊંચે જઈએ તેના બદલે વિરતારમાં ફેલાઈએ તે જરૂરી છે. ઘરકામ અને માતૃત્વ બહેનો માટે બોજો નથી, તે તો સ્ત્રીના પાવરના મોટા સૉર્સ છે.” છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પૂછેલો તે યાદ છે  : ‘તમને જિંદગીમાં સૌથી વધું શું નડયું  છે?’ જવાબ બેધડક અને સ્પષ્ટ હતો : “ શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઇન્ડસેટ બહુ નડયો છે ! આપણી માણસ પ્રત્યેની નિસ્બત ઘટતી જાય છે તેના બધા પ્રશ્નો છે!”

सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?

નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ?”

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે,  શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે,  મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને  કીધું કે,  ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં,  તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’  હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી.  જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે  ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક  આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ  સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે,  ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે,  એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું.  બીજી  વખત પણ એણે કંઈક વાત કરી છે કે,  ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’  અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં  ફેરવી નાખીને એનું નાનું હાટડુ  માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા  અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ બન્યો. એકવાર  ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું,  મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે,  આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી,  વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ 

આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ આત્મજ્ઞાન છે. 

આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ  નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને  સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા  નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે.  ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ”  (ક્રમશ:)  

..મંદબુદ્ધિના બાળકોએ ગંગા કાંઠે આરતી કરી ને દીવડા તરાવ્યા…

પાંચ બસ ભરીને અંકુર શાળાના બાળકો અને તેની મમ્મીઓ ઉપડી યાદગાર પ્રવાસે

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

“અંકુર સ્કૂલમાંથી યોજાયેલ પ્રવાસમાં મારો પૌત્ર મહમ્મ્દ રઝા અને તેમના મમ્મી યાસ્મીનબેન ગયા હતા. દસ દિવસનો પ્રવાસ પૂરો કરીને ગઈકાલે ઘરે આવીને પ્રવાસનું અને અનુભવોનું વર્ણન કર્યું છે અને તમામ મંદબુદ્ધિના બાળકોની જે સાર સંભાળ લીધી છે અને દરેક સ્થળે જે મજા કરાવી છે અને દરેક જગ્યાએ જે સગવડતાઓ પુરી પાડી છે તે સાંભળીને બહુ જ ખુશી થઈ છે. ખરેખર આવી કાબિલેદાદ સેવા તો ઘરના ધણી પણ આપી ન શકે. આ પ્રવાસ તેઓની જિંદગીનો ન ભૂલી શકાય તેવો યાદગાર પ્રવાસ બની ગયો છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો   તમો બધા કે જેઓએ તન મન ધનથી આવી નેક સેવા કરી છે અને આવું નેક શુભ કાર્ય કરીને માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા નેક કાર્યનો બદલો તો ઉપરવાળો જ આપી શકે. ફરી વખત ધન્યવાદ લિ. માસુમ અલી ભીમાણીના દુઆ સલામ.“

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામના માસુમ અલી ઈબ્રાહીમભાઈ ભીમાણીનો આ પત્ર સકારણ અહીં પેશ કરવામાં  આવ્યો છે. આપણને પત્ર વાંચીને થોડીવાર આશ્ચર્ય થાય કે આ રીતે કોણ પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યું હશે ? પણ આ વાત એક અવિસ્મરણીય મેગા ટુરના આયોજનની છે. અવિસ્મરણીય એટલા માટે કે આ પ્રવાસ ભાવનગરથી હરિદ્વાર સુધીનો નક્કી કરવામાં આવ્યો. આપણને આશ્ચર્ય થાય કે એક, બે કે ત્રણ નહીં પણ પાંચ બસ ભરીને કુલ ૩૧૦ લોકો સાથે મંદબુદ્ધિના બાળકો પ્રવાસે ઉપડે અને તેમને મનગમતા ભોજન અને ભજન સાથેની યાત્રા સુખરૂપ પરિપૂર્ણ થાય. આશ્ચર્ય તો એ છે કે આ પ્રવાસ દરમિયાન કોઈએ જીવનમાં પહેલીવાર પંજાબી સૂટ પહેર્યો તો કોઈએ જીવનમાં ત્રણ ટાઈમ રોજ પહેલીવાર ખાધું. કોઈ બસમાં પહેલીવાર બેઠા, તો કોઈ પોતાની મમ્મી સાથે આ રીતે ઘરની બહાર પહેલીવાર નીકળ્યા. ગંગાસ્નાનમા કોઈએ દીકરાનું,  તો કોઈએ પત્નીનું તો કોઈએ દીકરાની વહુનું તર્પણ કર્યું. કોઈની ત્રીજી પેઢીમાં કોઈ પહેલીવાર કોઈ ગંગા સ્નાન કરવા પામ્યું.

જીવન એક યાત્રા છે. કોઈની યાત્રા મજાની હોય, આરામદાયક સુવિધાયુક્ત પડકાર વગરની હોય, તો પણ થોડીક ફરિયાદ તો એમાં રહેતી જ હોય. પણ આ પ્રવાસ એવા સમાજનો હતો કે જેઓ હંમેશા પોતાના મંદબુદ્ધિના બાળકોના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ લઈને રાત્રે સુવે છે. કેટલાક મા બાપ ઈશ્વરે પોતાને શ્રાપ આપ્યો છે એટલે એવું બાળક જન્મ્યું છે એવું માને છે. તો કેટલાક એવું માને છે કે આના કરતા આત્મહત્યા કરી લઈએ તો સારું. આવા બધા વિચિત્ર મનોવલણો ધરાવતા મંદબુદ્ધિના મા બાપ પોતાના દેવના દીધેલને એક શાળામાં દાખલ કરે છે જે શાળાનું નામ ‘અંકુર સ્કૂલ ફોર મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રન’  એટલે ‘મંદબુદ્ધિવાળા બાળકોની શાળા અંકુર’  છે. આ શાળા છેલ્લા ૪૧ વર્ષથી એકધારો પુરુષાર્થમય પ્રવાસ કરી રહી છે. એમની બધી જ પ્રવૃતિઓ વિષે જાણીએ તો અવાચક રહી જવાય કે આ પ્રકારના બાળકોને કેવી રીતે દાખલ કરીને એમને જીવનનો આનંદ અપાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે.

દરેકે દરેક પર્વ અહીં ઉજવાય, દરેકે દરેક જીવનની નાની મોટી ઘટનાઓના સાક્ષી બનાવવાનું  થાય. અને એ દરેકની અંદર માતાપિતાને સાથે જોડવામાં આવે કારણકે માતા પિતાના સાથ વગર તો આ બાળક એક ડગલું ભરવા પણ શરૂઆતમાં તૈયાર નથી હોતું. નવાઈ લાગશે કે શાળામાં ત્રણ વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. શાળામાં સરકારમાન્ય કરીક્યુલમ એટલે કે અભ્યાસક્રમ અને મંદબુદ્ધિના બાળકો માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ એમ બંનેને સાથે જોડીને બાળકોના શારીરિક અને માનસિક સ્તરને ધ્યાનમાં રાખી ગ્રુપ પ્રમાણે ધોરણ ૧ થી ૬ વર્ગીકૃત કરી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. અહીં ભણાવવામાં આવતું નથી પણ  અહીં તો સાથે સાથે જીવવામાં આવે છે. શાળામાં આધુનિક ટેક્નોલોજી જેમાં કમ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટ ફોન, સ્માર્ટ બોર્ડ, ઈ લર્નિંગ તેમજ વર્ચ્યુઅલ તાલીમની સગવડતાઓ ઉભી કરવામાં આવી છે. આ શાળાના ઉત્સાહી શિક્ષકો આ બાળકો આનંદમાં રહે જીવનમાં ખુબ સારી એવી મજા માણતા રહે તેના માટે કટિબદ્ધ છે. વર્ષ દરમિયાન વારંવાર અનેક પ્રકારના કાર્યક્રમના આયોજનો થાય છે. અને તેમાં સૌને સામેલ કરવામાં આવે છે. 

માર્ચ ૨૦૨૨ ના ૧૯ મી તારીખથી લઈને ૩૦ મી માર્ચ ૨૦૨૨ સુધી એટલે કે ૧૧ દિવસનો એક અનોખો પ્રવાસ મંદબુદ્ધિનું બાળક અને તેની મમ્મી એમ સાથે યોજવામાં આવ્યો અને એમાં પાંચ બસ ભરીને ૩૧૦ લોકો સાથે તેઓ શ્રીનાથજી, ઉદયપુર, જયપુર, દિલ્હી, આગરા, હરિદ્વાર, મસૂરી, ઋષિકેશ અને વળતા અંબાજી થઈને ભાવનગર પરત આવ્યા. હા દાતાઓએ બહુ મોટો સહકાર આપ્યો અને પરિણામે આ મંદબુદ્ધિના બાળકોની માતાઓ કે જે ક્યારેય ઘરની બહાર નીકળી નથી,  કેટલીક ૪૫ વર્ષથી નથી નીકળી તો કેટલીક તો ૭૦ વર્ષે પણ બહાર નથી નીકળી એવી સ્ત્રીઓ અને બાળક સાથે હોય અને મા દીકરો બહાર નીક્ળ્યાનો અને ચોખ્ખી મજાની હવા મેળવ્યાનો,  ગંગા નદીનું પાણી માથા ઉપર ચડાવ્યાનો આનંદ લે ત્યારે અંકુરણ શિક્ષકો માટે આંખના ખૂણા ભીના થાય.

જયારે ૧૯ માર્ચ ના રોજ આ પ્રવાસનો આરંભ થયો ત્યારે ભાવનગરના ASP શ્રી શફી હસન અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બાબાભાઈ તથા શુભેચ્છકોની વિશાળ હાજરીમાં પ્રવાસને લીલી ઝંડી આપતા પ્રસન્ન બદને ઉભા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોમાં મંદબુદ્ધિના બાળકોને, તેમના મમ્મીઓએ હાથ પકડી પકડીને જોડ્યા છે. કેટલીક મમ્મીઓ એવી હતી કે જેણે ખુલ્લા બજારમાં જઈને પહેલીવાર ખરીદી કરી. અહીં તેમના હાથમાં ઘરની સાવરણી ન હતી અથવા તો મંદબુદ્ધિના બાળકોને બાંધીને જકડી રાખતા વાતાવરણની કોઈ પ્રકારની કેદ ન હતી. બાળકને શિક્ષકોએ સંભાળ્યા. આ યાત્રામાં ઈશ્વર જાણે સંભાળ લેતો હોય એવા અનેક અનુભવો થયા. હરિદ્વારમાં હરકીપેડી આરતીમાં જ્યાં માનવ મહેરામણનો વિસ્ફોટ થતો હોય તેવી જગ્યાએ આ ૩૧૦ લોકો એક સાથે માતા ગંગાની સાંધ્ય આરતીમાં જોડાયા આમ છતાં એક પણ બાળક કે એની માતા ગુમ થયા હોય કે તેને શોધવા નીકળવું પડ્યું હોય એવો એક પણ દાખલો બન્યો નહીં. 

આપણે માર્ચ મહિનામાં સરકારનો ટેક્સ ભરીએ છીએ.. પણ અહીં અનેક દાતા અને અંકુર સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, કાર્યકરોએ  માણસનો અવતાર લઈને તેનો ટેક્સ ભરી ઈશ્વરના ચોપડે બધું જ જાણે સરખું કરી દીધું. મજાની વાત એ છે  જયારે ૧૧ દિવસ પુરા કરીને વહેલી સવારે ૪ વાગ્યે પાંચ બસો ભાવનગરના અંકુર શાળાના પરિસરમાં પ્રવેશી ત્યારે અંકુર શાળાનો સ્ટાફ અને આ બાળકોના બાકીના ઘરના સદસ્યો ઢોલ અને નગારા સાથે આ બાળકોએ કરેલી યાત્રાને વધાવવા વાજતે ગાજતે હાજર હતા. અંકુરમાં ચાલતી ટ્રેનિંગ કોલેજ ના સૌ તાલીમાર્થીઓ કે જે આવતીકાલે આ જ પ્રકારના બાળકોની આંગળી પકડવાના છે એ તાલીમાર્થીઓએ સમગ્ર કેમ્પસને  લાઇટિંગ દ્વારા સુંદર રીતે સુશોભિત કરીને આ બાળકો અને  એની માતાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસને અંતે અનુભવ સંવાદ  પણ યોજાયો  અને  સંસ્થા દ્વારા સૌને  આકર્ષક સ્મૃતિ અર્પણ કરવામાં આવી.  શાળાના ટ્રસ્ટીઓ અને આ અંકુર શાળાનું સંચાલન કરનાર PNR સોસાયટીના હોદ્દેદારો દ્વારા સૌને સમૂહ ભોજન સાથે  ફરી આવતા વર્ષ માટે તૈયાર થવાનું ઈજન  આપવામાં આવ્યું.

સેવા કાર્ય માટે થઈને આજે બે શબ્દો વપરાય છે. સમાજસેવા અને સમાજકાર્ય કોઈએ તમારી પાસે આવીને કહ્યું કે જમ્યો નથી,  મારી પાસે પૈસા નથી અને અત્યારે જમવું છે,  તો તમે એને નજીકની નાનકડી હોટેલમાં લઇ જઈને જમાડી દ્યો છો એ સમાજસેવા છે પણ કોઈ તમને આવી કહે છે કે હું જમ્યો નથી ત્યારે તમે વિચારો છો, વધુ પૂછો છો, જાણો છો કે આની સ્થિતિ શું છે અને સ્થિતિને કાયમ દૂર કરવી હોય તો શું થઈ શકે ? એ માણસને કામે લગાડી એ રોજ રળતો થાય અને રોજ પોતાનો રોટલો પોતે ખાતો થાય એવું જો ગોઠવવામાં તમે સાથે ચાલો છો તો એને સમાજકાર્ય કહેવાય છે. અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળા સમાજકાર્ય કરનારી સંસ્થા છે. અંકુર એ પ્રચલિત નામ છે,  તેના એક શિક્ષિકા સોશિયલ મીડિયા ઉપર બહુ મોટું સ્થાન ધરાવે છે. તેઓ કશું કરતા નથી પણ પોતાને થતા મંદબુદ્ધિના બાળકો સાથેના જીવનને હચમચાવી નાખનાર પ્રસંગોનું તેઓ વર્ણન કરે છે. ઘણા તો એવું જ માને છે કે આ નેહલબેન ગઢવી જ જાણે મંદબુદ્ધિના બાળકોની આ સંસ્થાનું સંચાલન કરે છે. હકીકત એ છે કે તેમણે જ્યાં સરકારની એક સ્થાયી પગારવાળી નોકરી કરવાની છે એ નોકરીને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે અને પરિણામે એ જ્યાં જાય ત્યાં આ મંદબુદ્ધિના બાળકો વિષે વાત કરે છે અને  થોડી હમદર્દી લોકોમાં ઉત્પ્ન્ન કરાવે છે. એમના દ્વારા જે કોઈ સહાય મળે એ સહાય આ બાળકો સુધી પહોંચાડીને એ દેવના દીધેલને રાજી રાખે છે. ક્યારેક ભાવનગર જઈએ ત્યારે PNR સોસાયટી દ્વારા સંચાલિત આ અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળાએ પ્રત્યક્ષ જઈને તેઓના આ સેવાકર્મ યજ્ઞને નિહાળવાની જરૂર છે જેથી કરીને આજે નહીં તો કાલે આપણે થોડું નહીં તો ઘણું પણ પોતાનું યોગદાન આ કાર્યમાં આપી શકીએ.

બ્રહ્મને જાણવું હોય તો ??

‘હું કોણ છું ?’ એ જાણવામાં જો મને બહુ મુશ્કેલી પડે તો ‘તે કોણ છે ?’ એ જાણવું તો અતિ મુશ્કેલ જ હોય ને….

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી  છે. 

આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું  ? કારણ તેમાં  હું નો  કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે,  ‘હું તમને પૈસા આપીશ.’  આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે  ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’  હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું.  એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ  જાણી શકું એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’  એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.

એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના  નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં  હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે બહાર ગયું  હતું  તો એક બળદ મળ્યો.’  બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં  અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે,  ‘કેવડું પેટ હતું ?’  કહે,  ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે,  ‘આવડું હતું ?’  તો કહે,  ‘ના… આનાથી મોટું હતું.’  વધુ ફુલાવ્યું અને કહે,  ‘આવડતું હતું ?’  તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’  અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,,  પણ પેલું બાળક જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું….  આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું,  નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય. 

ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’  એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે,  એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું,  તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’  બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં  આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.

વિદ્યા અને અવિદ્યા બંનેની આવશ્યકતા છે.

જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

ઈશોપનિષદનો આ  અગિયારમોં  શ્લોક છે, તેમાં સમજાવ્યા મુજબ વિદ્યા બે પ્રકારની છે, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’.

‘વિદ્યા’ એટલે  જ્ઞાન, અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા…

’અવિદ્યા’ એટલે જીવનનિર્વાહ માટેની જરૂરી તમામ ભૌતિકવિદ્યાઓ અને કૌશલ્યો.

જે માણસ ‘અવિદ્યા’નું સેવન કરે છે તે ગૃહસ્થજીવનની જવાબદારીઓ અને સામાજિક ફરજો પૂર્ણ કરી સંસારસાગર સારી રીતે પાર કરી શકે છે. સાથોસાથ ‘વિદ્યા’નું પણ અભ્યાસપૂર્ણ આચરણ કરીને તે મૃત્યુ પછી અમૃતતત્ત્વ પ્રાપ્ત કરે છે.

આ અગિયારમો મંત્ર એ 1953માં ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલી દ્વારા સ્થપાયેલ લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો ધ્યાનમંત્ર છે. ‘લોકભારતી’નો મનોરથ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ના સમન્વિત અનુષ્ઠાન દ્વારા માનવીના આંતરિક તથા બાહ્ય જગતને ઉન્નત અને નિર્મળ  બનાવવાનો છે.

આ જ ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ ના ૯ માં મંત્રમાં ‘જે વિદ્યામાં રમમાણ છે તે જાણે, તેનાથીયે વધારે ગાઢ અંધકારમાં પેસે છે ‘, એમ કહ્યું છે. આ  વિધાન ઝટ સમજાતું નથી.

‘ઈશાવાસ્યવૃત્તિ’ નામની નાનકડી પણ સમૃદ્ધ પુસ્તિકામાં વિનોબાજી બહુ બધી સ્પષ્ટતાઓ કરે છે. તેઓ આરંભમાં જ કહે છે કે, ઈશાવાસ્ય એક નાની-શી ચીજ છે પણ તેના ચિંતનનો સાર ઓછામાં ઓછા શબ્દોમાં ‘ઈશાવાસ્યવૃત્તિ’માં આપવાની મેં કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ ઈશાવાસ્ય એ એક પૂર્ણ ઉપનિષદ છે એટલે કે પારમાર્થિક જીવનનો એક આખો નકશો તેમાં ટૂંકાણમાં દોરેલો છે. વેદોનો એ સાર છે અને ગીતાનું બીજ છે.  આપણા ગળે  આ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ શબ્દોને ઉતારવાનો સફળ પ્રયોગ અહીં કરે છે. તેઓ કહે છે કે, ઈશાવાસ્ય ઉપનિષદના વિદ્યા – અવિદ્યાવાળા મંત્રો કઠણ છે. ત્યાં ‘આત્મજ્ઞાન’ ને વિદ્યા નથી કહી. લોકો માને છે કે હર હાલતમાં વિદ્યા ઉત્તમ વસ્તુ છે. પરંતુ આત્મજ્ઞાન અને વિદ્યાને અલગ કરીએ તો વિદ્યા ઉત્તમ વસ્તુ સિદ્ધ નહીં થાય. એમ તો મનુષ્ય માટે વિદ્યા અને અવિદ્યા બંને  આવશ્યક છે. સમજવા જેવું છે કે દુનિયામાં હજારો પ્રકારનાં શાસ્ત્ર છે અને હજારો જાતનાં જ્ઞાન છે. એ બધું પ્રાપ્ત કરવામાં પડ્યા તો આપણાથી કોઈપણ કામ બનશે નહીં. એટલા માટે એ હજારો વિષયો  વિશે અજ્ઞાન જ જોઈએ. દરેક જ્ઞાન પ્રાપ્ત કરવું ઠીક નથી. જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ, એ બાબતમાં વિનોબાજી બહુ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે,  અવિદ્યાને અજ્ઞાન જ રહેવા દો .

અનાવશ્યક જ્ઞાન ન હોય તો ચિત્ત પર બોજ પડતો  નથી. એનાથી શરીરની પ્રાણશક્તિ ક્ષીણ થતી નથી અને એનો સદુપયોગ થાય છે. પરંતુ આવશ્યક જ્ઞાન પણ ન હોય તો મનુષ્ય અંધકારમાં ગરકાવ થઈ જશે. એથી ઊલટું જો  આપણે હજારો પ્રકારના જ્ઞાનમાં ગળાડૂબ રહીશું તો એથી અધિક ઘોર અંધકારમાં જઈશું. આજના શિક્ષિતોની આ જ હાલત છે. અર્જુનની આવી જ હાલત થઈ હતી. એથી ભગવાને એને કહ્યું : “તેં  શાસ્ત્રો બહુ વાંચી લીધાં છે. તું શ્રુતિ-વિપ્રતિપન્ન-મતિ થઈ ગયેલ છો. તેં  ઘણું સાંભળી લીધું. એ શ્રવણથી મુક્ત થઈશ ત્યારે પ્રજ્ઞા સ્થિર થશે.” આમ, સમજવાનું એ છે કે વિદ્યા અને અવિદ્યા બન્નેની જરૂર છે.

એક મનુષ્ય પાસે વિદ્યા છે, પણ આત્મજ્ઞાન નથી, તો એ વિદ્યાનો અહંકાર પેદા થશે અને તે મનુષ્ય ઘોર અંધકારમાં પ્રવેશ કરશે. દુનિયામાં ઘણા એવા લોકો જોવા મળે છે, જે વિદ્વાન છે અને વિદ્વત્તાનો અહંકાર પણ ધરાવે છે. અજ્ઞાની મનુષ્ય તો અંધકારમાં છે જ પણ આવા વિદ્વાનો  તો  અધિક ઘોર અંધકારમાં જાય છે. એક મનુષ્ય ઘણો ઊંચો ચડે અને ત્યાંથી પડે તો એને બહુ તકલીફ થશે. બીજો  મનુષ્ય એટલી ઊંચાઈએ ન ચડ્યો હોય અને પડે તો એને પેલાના જેટલી તકલીફ નહીં થાય. માટે વિદ્યા અને અવિદ્યા બંનેથી ભિન્ન જે આત્મજ્ઞાન છે એ તરફ મનુષ્યનું ધ્યાન રહેવું જોઈએ.

વિનોબાજીની નિખાલસ અને ખુલ્લી વાત જાણવા જેવી છે કે, આજ લગી મને એકેય ધર્મગ્રંથ એવો નથી મળ્યો કે  એકેય  માણસ એવો  નથી મળ્યો, જેણે કહ્યું હોય કે અજ્ઞાનની જરૂર છે. એક ઈશાવાસ્ય જ પહેલો ગ્રંથ છે, જે કહે છે કે જેટલી જ્ઞાનની જરૂર છે, તેટલી જ અજ્ઞાનની પણ છે. એકલું જ્ઞાન યા એકલું અજ્ઞાન, બંને  અંધકારમાં લઈ જાય છે. એટલા વાસ્તે થોડી જોઈએ વિદ્યા અને થોડી જઈએ અવિદ્યા. જો કે આત્મજ્ઞાન વિદ્યા અને અવિદ્યા બંનેથી પર છે. જરાયે ભ્રમ ન રહે એટલે આટલા ઊંડાણમાં ઈશાવાસ્ય આપણને લઈ જાય છે.’

આજકાલ હર કોઈ જ્ઞાનની પાછળ પડ્યું હોય એમ દેખાય છે. આ શીખે છે, પછી તે શીખે છે, એક પછી બીજુ એમ શીખતાં જ જાય છે. બધા જ્ઞાનને લીધે  ચિત્ત વહેતું રહે છે. પરિણામે ચિંતન-શક્તિ ક્ષીણ થઈ જાય છે. ગીતામાં કહ્યું છે કે,  તું “શ્રુતિવિપ્રતિપન્ન-મતિ” છે. અનેક વાત સાંભળી સાંભળીને તારી મતિ ગૂંચવાઈ ગઈ છે. અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરીને તું વિદ્વાન બન્યો, પંડિત બન્યો, પણ પરિણામ એ આવ્યું કે ચિત્તમાંથી નિર્ણયશક્તિ જતી રહી. ચિત્ત અનિર્ણયની અવસ્થામાં પડી ગયું.’ આપણે પણ  વાતવાતમાં કહીએ છીએ કે : Something can be said on both the sides–બંને  બાજુ કાંઈક કહી શકાય તેમ છે. “To be or not to be’ની હાલત થાય છે. સમસ્યા જ સમસ્યા નજરે પડે છે. સમસ્યાનું નિવારણ થતું જ નથી. અનંત સમસ્યાઓ ખડી દેખાય છે. બુદ્ધિ ચાલે છે, પણ વિપરીત ચાલે છે. એથી મનુષ્ય નિષ્પ્રાણ, નિર્વીર્ય અને ભ્રાંત બની જાય છે. એથી ઊલટું અજ્ઞાન હોય તે ચિત્ત પર કશો બોજો રહેતો નથી.

ઋષિ અત્યંત નમ્રતાથી કહી રહ્યા છે : “ હે પરમાત્મા, હું સત્ય દર્શન ચાહું છું, એને મેં મારો  ધર્મ માન્યો છે. હું સત્ય ધર્મનો ઉપાસક. મારા દર્શન માટે તું સત્યને ઉઘાડું કર. મારે સત્યનાં દર્શન કરવાં છે અને સુવર્ણમય પાત્ર વડે, સત્યનું મુખ ઢંકાયેલું છે. ‘  એક પાત્ર ખોલતાં બીજું પાત્ર દેખાય છે, બીજું ખોલતાં ત્રીજું. એ રીતે અંદર ને અંદર ખોલતાં જતાં સત્યનું દર્શન થાય છે. કોબીજના અનેક પડ હોય છે તેમ ચિત્તનાં પણ અનેક સ્તર હોય છે. સૌથી ઉપરના સ્તરમાં બધા મતભેદ, પક્ષભેદ વગેરે આવે છે. એ બધા સ્તરોને હટાવીને અંદર જતાં સત્ય દેખાશે. સંભવ છે, અંદરના કોઈક સ્તરને પણ વિકલ્પનો સ્પર્શ થયો હોય, તે તેને પણ હઠાવવો પડશે. ત્યારે અંદરના ભગવાન સત્યનારાયણનાં દર્શન થશે. એવું સ્મરણીય દર્શન આ ઉપનિષદમાં છે.

પોતાની કઠિન ભૂદાનયાત્રા દરમિયાન બાબા (વિનોબાજી) ઉપનિષદગોષ્ઠી નિયમિત કરતા. એવી જ એક ગોષ્ઠીમાં તેઓએ ઈશાવાસ્ય ઉપનિષદ વિષે રસપ્રદ વાતો કરેલી, તે આત્મસાત કરવા જેવી છે.

આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??

આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com  

દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’  જો નારદજીને પણ આવો  જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો  અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે. 

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત

વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !

અનંત બ્રહ્મ છે એટલે એનું  અનંત બ્રહ્મજ્ઞાન છે.

સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?”  બીજો પ્રશ્ન છે,  “તે કોણ છે ?”  જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે  જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’  એનો જવાબ એ  ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ?  એનો  જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’  કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’  ની યાત્રા જ્યાં મળે એ પળ  હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે  યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી,  તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી,  પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે. 

આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે  કે આ દેહ છે પણ  દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય  ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે  કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને  મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું  અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ  જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. 

રોજ જે કરીએ છીએ  એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું  અધ્યાત્મ છે.  

કોઈ દૂર-સુદૂરથી કહેતું હતું કે, ‘આ જ તો જીવન છે, દોસ્ત.’

દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

 શરદ પૂર્ણિમાની રાત્રી વીતી કે તરત જ, છેલ્લા પંદર દિવસથી તે  આજ સુધી જેમાં સવાર સાંજ દીવો કરી માતાજીની સ્તુતિ કરી તે ગરબો મારી  સામે  જોવા લાગ્યો હોય એવો મને ભાસ થયો !!

હું સતર્ક બની ગયો અને આ ગરબા દ્વારા થઇ રહેલ ઈશારા અંગે  વિચારવા લાગ્યો.

અંદરથી તરત જવાબ મળ્યો કે, દોસ્ત, હવે ગરબાનું વિસર્જન કરવાનું ટાણું થયું છે. એ તો સંકેત આપે છે કે ‘ચાલો, મને વળાવો હવે !!’ આ જવાબ સાંભળીને થોડી પળ  માટે તો મન ખિન્ન થઇ ગયું . બસ, જવા ટાણું થઇ ગયું ?? હવે આ ગરબાને વિસર્જિત કરી દેવાનો અને તે પણ આપણા જ હાથે ?? પંદર દિવસ જેનું તેજ અને હૂંફ દિન પ્રતિ દિન વધુ ને વધુ દેદિપ્યમાન થતા રહ્યા તેને હવે વળાવી દેવાની ઘડી આવી ગઈ ??!! મન માનતું ન હતું પણ હવનાષ્ટમી ના હવન પછી ગરબાના દીપકનું તેજ ઘટવા લાગ્યું હતું તે સાંભર્યું ! અને નૈવેદ્ય ધર્યા પછી તો સ્પષ્ટ એવું લાગતું હતું કે તેજ હવે સંકોરાઈ રહ્યું છે…પણ આપણું મમત કે શરદ પૂર્ણિમા સુધી તો રાસ-ગરબા લેવાતા હોય છે અને માતાજીની આરાધના ક્યાંક ક્યાંક તો થતી જ હોય છે ને એટલે આપણે પણ ગરબામાં દીપ પ્રગટાવીશું છે’ક પૂનમ સુધી.. પણ હવે બધું ડહાપણ મને આવ્યું હતું..ગઈકાલે પૂનમની રાત્રીએ દૂધ-પૌવા ખાધા પછી કોણ જાણે  કેમ મારું  ધ્યાન વધુ ને વધુ ગરબા તરફ દોરાતું હતું.. અને અંતે આજે સવારે છેલ્લીવાર ગરબામાં દીવો કરી તેને બે હાથે ઉઠાવીને ચાલ્યો પરિસરના ખુલ્લા ઉદ્યાન તરફ..સરસ ભીની જગ્યા જોઈને ગરબાને ત્યાં મૂકી દીધો અને  ખિન્ન હૃદયે સહેજ ભીની થતી આંખે પાછું ફરી ગયો મારી મઢુલી તરફ…પંદર દિવસ ચડતી ચંદ્રકલા દરમ્યાન મારી સાથે રહેલો ગરબો હવે માટી સાથે ભળી જવાનો હતો અને એક-બે દિવસમાં તો એ જે માટીમાંથી બન્યો હતો તે માટીમાં મળી જવાનો હતો !! જો કે, આ સત્ય સ્વીકારવામાં મને અને મારા મનને બહુ તકલીફ પડી રહી હતી કારણ હવે હું ઘરમાંથી કોઈને જતું જોઈ શકતો નથી..હા, એક  આત્મીય દેહને અમે આમ જ માટીમાં ભેળવી દેવા  નીકળ્યા હતા ને પછી ખાલ્લી હાથે પાછા ફર્યા હતા એ દિવસ હજુ મનમાંથી ખસતો નથી. 

હવે મને કોણ સમજાવે કે દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?? દેહમાં નવ દ્વાર અને એ નવ દ્વારની ફરતે હાડ માંસનો બનેલો દેહ. દીવો તો આપણા  આત્માનું પ્રતીક છે…ગરબો તો પ્રતીક થઇ આપણને યાદ અપાવે છે કે મારામાં પણ નવ છિદ્રો છે અને બરાબર મધ્યમાં  આતમદીપની જેમ  પ્રગટે છે. એકમ થી લઈને પૂર્ણિમા સુધીનું આપણું આયુષ્ય છે. એ ચડતી ભાંજણી આપણી વૃદ્ધિ અને વિકાસ. એ આયુષ્ય પૂરું થાય જ અને એની પૂર્ણતાએ એને અલવિદા કહેવું જ પડે. પૂર્ણિમા પછી અંધકાર તરફની ગતિ શરુ થાય અને પંદર દિવસે ફરી ઘર ઘર દીપ પ્રગટે એટલે કે ફરી પ્રકાશપૂંજનું સ્વાગત કરવાની તૈયારી થાય.. એક દીપક ગયો અને અનેક દીપક આવ્યા.. 

નાના હતા ત્યારે સાત તાળી રમતા ત્યારે તો કશી ગતાગમ ન હતી અને એટલે  કેવળ ગમ્મતમાં જ  રમમાણ રહેતાં. હવે મોટા થયા ત્યારે સમજાય છે કે સાત તાળીની રમત એ પણ આવનાર જીવનનું સત્ય સમજાવતી હતી…લુપાછુપીની આ રમતમાં  કોઈ મળે અને એ મળે મળે ત્યાં તો એ ગુમ  પણ થઇ જાય.. ઘણી બધી ગૂઢ વાતો એ રમતમાં હતી એ આજે ગરબાને વિદાય આપી પાછો ફર્યો ને સાંભરી…

મુંબઈની મોહમયી નગરીના કવિ શ્રી હરીશ દાસાણી મને મદદે આવ્યા અને એમણે  સ્પષ્ટ કરી આપ્યું કે નવરાત્રીના નવ દિવસ ગણો કે શરદ પૂર્ણિમા સુધીના પંદર દિવસ ગણો અંતે તો જીવન એ સાત તાળીની રમત છે, મારા ભાઈ !! ..

સાત તાળી પાડો ને તમે રમવા લાગો.

એક તાળીથી પકડો આકાશ મનજીભાઇ.

તાળી પાડીને તમે રમવા લાગો.

                                                                   નથી આકાશે સૂર્ય ચન્દ્ર, કોઈ નથી.

                                                                  નથી નક્ષત્ર નમણું, નિહારિકા નથી.

                                                             એક તાળીમાં પકડો આકાર મનજીભાઇ.

                                                                      તાળી પાડીને તમે રમવા આવો.

બીજી તાળીએ ચંચળ, પવનને પકડો.

પ્રાણ પાથરી પોતાનો, જકડી લેજો.

તમે તાળીએ સૂંઘો સુગંધ મનજીભાઇ.

તાળીએ તાળીએ રમવા લાગો.

                                                                  ત્રીજી તાળીમાં તેજનો ખોબો ભરો.

                                                           ઓગળી પીગળી અંદરનો ઓરડો ભરો.

                                                          આધિ વ્યાધિ ઉપાધિનો ધૂમાડો ઉડાડો.

                                                                    તમે તાળીએ આભમાં ઊંચે ઉડો.

ચોથી તાળીમાં ડુંગરથી નીચે આવો.

શિવજટામાંથી નીકળીને સીધા આવો.

સહુ યુગોને ધોઇ ધોઇને ઉજળાં કરો.

તમે તાળીથી સાગરમાં ડૂબકી ભરો.

                                                                  પાંચમી તાળીએ પ્રણામ મા ને કરો.

                                                                    માટી માથે ચડાવો ને વિશ્વમાં ફરો.

                                                                  બીજ થઈને દટાવ ડાળીઓ ફેલાવો.

                                                                   તમે તાળી દઇ માતાને ખોળે સરો 

છઠ્ઠી તાળીમાં હાથપગ

માથું ધરજો. શિર સાટે નટવર વરજો

ઉરમાં ઠરજો, ઇન્દ્રિયોથી જ ઇન્દ્રને ઓળખજો.

તમે તાળીએ ખેતર આ ખૂંદી વળજો.

                                                                  સાતમી તાળી પોતાને કાયમ દેજો.

                                                                 ઊંઘજો જાગજો અને રમતા રહેજો.

                                                               એક મતવાલા માધવનેઆજે મળજો.

                                                             તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.

સાત તાળી પાડો ને તમે રમવા લાગો.

  • કવિશ્રી હરીશ દાસાણી 

પણ આ સાત તાળીમાં પાંચ સૃષ્ટિ તત્ત્વોને આપણે પામવાના છે. અને આ પાંચે ય સૃષ્ટિ તત્ત્વોમાંથી જ આપણે ઘડાયા છીએ અને અંતે એ પાંચેય સૃષ્ટિ તત્વોમાં જ આપણે ભળી જવાનું છે….અરે, જેને વિદાય કરીને હું વિચારે ચડ્યો એ ગરબો પણ આ પાંચેય તત્ત્વોનો જ તો બનેલો છે ને !! એમાં માટી છે, તેમાં આકાશ છે, તેને બનાવવા  માટે જળ અને અગ્નિનો ઉપયોગ થયો  છે અને એ ગરબાના અવકાશમાં વાયુ પણ હાજર જ હોય છે ને !! 

કવિનો ઈશારો બહુ માર્મિક છે કે…. 

સાતમી તાળી પોતાને કાયમ દેજો 

તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.

જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે અને તે આપણે ખુદે જ કરવાનું છે…એટલે તો ગણપતિ પધારે છે અને આપણા જ હાથે વિસર્જિત થાય છે..માતાજીને  પણ આપણે જ પધરાવીએ છીએ  ને આપણે જ તેને વળાવી દઈએ છીએ..

કોઈ દૂર-સુદૂરથી કહેતું હતું કે, ‘આ જ તો જીવન છે, દોસ્ત.’  

અન્ય ઉપર વિજય એ શું જીત છે ??

આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ માટે કે આપણા આત્મન માટે જીવવાનું ચુકી જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે ઘણું ઊંડાણથી વિચારાયું છે.

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો હકીકતમાં એ જીતનારો છે અને એ જૈન છે.

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે. ઉપનિષદનું વાક્ય છે एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી.

ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે, જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના પહેલા ખંડમાંથી સંયમની, બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ, તો આ ચારનો સરવાળો આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં, જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે જેમાં માણસ જ આવે એવું નહીં, એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે.

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,
તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ
જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |
આપણું શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.

‘સ’ એટલે કમાલ… અક્ષર સાથે ‘સ’ સાક્ષર અને આંકડા સાથે ‘સ’ સાંકડા !!

‘સદ્’ અને ‘સત’ બંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

‘સ’ અક્ષર હકાર છે. 

‘સ’ અક્ષર સત્યનો દ્યોતક છે. 

સારપ, સકારાત્મક, સર્જનાત્મક અને કલ્યાણકારી હોય તે સત સથવા સદ. 

હૈયે વસે તે ભાવના. 

હાથથી ઉતરે તે કર્મ. 

આ હૈયા અને હાથની જુગલબંધીમાં મસ્તક વચ્ચે આવવાનું ટાળે ત્યારે સદભાવના અને સત્કર્મનો યોગ રચાય.

સદભાવના અને સત્કર્મ એ શબ્દો નથી, આપણી આંતરિક લાગણી છે, દિવ્ય ભેટ છે, કારણ એ જન્મ સાથે જ આપણી માટીમાં ભળેલ છે. 

ઉમાશંકર જોશીએ કહ્યું :

ત્રણ વાનાં  મુજને મળ્યાં, હૈયું – મસ્તક – હાથ

ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ !

પણ નાથ જબરો છે, એણે હૈયું અને હાથની વચ્ચે મસ્તક નામધારી મમરો મૂકી દીધો ! માનવ માત્ર આ મસ્તકના કારણે ધંધે લાગી ગયો. હૈયે જન્મેલી લાગણી હાથ દ્વારા પ્રકટ થાય એ પહેલાં મસ્તકમાંથી આંટો લગાવીને આવી હોય એટલે સદભાવનાની પ્રત્યેક અભિવ્યક્તિ સત્કર્મ જ હોય તેવું નક્કી નહીં ! બસ, અહીં થયો ગોટાળો. શરૂ થઇ ચડસાચડસી. મેં જે કર્યું તેને સત્કર્મ ગણવું કે નહીં તે સામેનાનું મસ્તક નક્કી કરે અને મેં જે વિચાર્યું તે સદભાવનાથી વિચાર્યું કે નહીં તે પણ કસોટીની એરણે ચડે !

સદભાવના અને સત્કર્મ : બે સારા શબ્દો, બે દિવ્ય ભાવો આ કળિયુગમાં રાજકારણીઓની હડફેટે ચડી ગયા. શાસ્ત્રાર્થના બે શબ્દો વાણીવિલાસ બની રહ્યા ! સદભાવનાના નામે તમાશો અને સત્કર્મના નામે ખેલ થવા લાગે તેને ઘોર કળિયુગ ગણવો, એવી વ્યાખ્યા કરવાનું મન થાય તેવો માહોલ જામ્યો છે… ત્યારે સદભાવના અને સત્કર્મ ખરેખર કેવાં હોય ? જવાબ ખોળતાં ખોળતાં એક પુસ્તકની આંગળી પકડાઈ ગઈ…

“એ દિવસોમાં હું શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીમાં રહેતો હતો. નિત્યના ક્રમ પ્રમાણે સાંજના ભોજન પછી સમુદ્રકિનારે ફરવા જતો. ટમટમતા તારાઓની વચ્ચે રાત્રીના પ્રારંભે મોજાઓનો ગંભીર નાદ સંભળાતો હતો. અચાનક મારી નજર એક બાળક પર પડી. તેણે લીલી ચડ્ડી પહેરી હતી હું સમજી ગયો કે આશ્રમની શાળાનો વિદ્યાર્થી છે. આશ્રમની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લીલી ચડ્ડી પહેરે છે, તેમનું ગ્રીન ગ્રુપ કહેવાય છે. બાળક હશે દસેક વર્ષનું. બાળક સમુદ્રના મોજાં સાથે રમવામાં મશગુલ છે. થોડી વાર સમુદ્રના પાણીની અંદર જાય છે. મોજું આવતા દોડીને બહાર નીકળે છે. ફરી અંદર જાય છે. બાળકની આ જોખમી રમત જોઈને મને ધ્રાસ્કો પડયો. પોન્ડિચેરીનો દરિયો તે જોખમી ગણાય છે, અંધારું છે, બાળક નાનું છે. મોજાં સાથે બલ્કે ધીંગામસ્તી ચાલુ રાખી, તેમાં એકાદ મોજાંથી તો તે માંડ બચ્યું. હું બૂમ પડી ઊઠયો : ‘અરે, બેટા ! આ તું શું કરી રહ્યો છે ? મોજું ખેંચી જશે તો ? બહાર નીકળી જા. એકલો દરિયાકિનારે ફરી આવીશ નહીં..’

બાળક ખસિયાણો પડી તુરત પાણીમાંથી બહાર નીકળી આવ્યો. તેના બંને પગ લગભગ આખા જ ભીના હતા. ચડ્ડી પણ થોડી ભીની થઇ ગયેલી. બાળકની નજીક જઈને હું ફરીથી બોલ્યો : ‘બેટા ! આ રીતે મોજાં સાથે રમત ન કરાય. મોજું અંદર ખેંચી જાય તો શું થાય ? રમવા માટે અહીં ક્યાં ઓછી રમતો છે ?  ફરી ક્યારેય દરિયાકિનારે એકલા નહીં આવવાનું હો…’ બાળક ચૂપચાપ છાત્રાલય તરફ ચાલવા લાગ્યો.. મને લાગ્યું કે પ્રકરણ અહીં પૂરું થયું. 

પણ પ્રકરણ હવે શરૂ થાય છે. બાળકના ગયા પછી તુરત અંધારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવી. તે આશ્રમની શાળાના શિક્ષક અને ગૃહપતિ હતા. શાંત અને સ્વસ્થ ભાવે મારી પાસે ઉભા રહ્યા. અંધારામાં પણ અમારી આંખો મળી. થોડા વધુ નજીક આવીને બોલ્યા : ‘આપે જે કર્યું તે ઠીક કર્યું છે અને સદભાવથી કર્યું છે, પણ આપ એવી છાપ લઈને ન જશો કે એ બાળકની સંભાળ લેનાર અહીં કોઈ નથી. હું એ બાળકનો શિક્ષક છું અને એ બાળકની રમત છુપાઈને જોઈ રહ્યો હતો. માત્ર સલામતીની દ્રષ્ટિએ જોઈએ તો તમારું વલણ બરાબર છે, પરંતુ જીવનમાં સલામતી જ સર્વસ્વ નથી. સલામતી જ જોઈએ તો પીંજરાનો પોપટ મુક્ત પંખી કરતા વધુ સલામત છે, પણ તેની પાસે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી અને લાંબે ગાળે તે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી ત્યાં વિકાસ ક્યાં છે ? અને વિકાસહીન જીવનમાં જીવન ક્યાં છે ? એ બાળક જે અનુભવી રહ્યો હતો તેનું પણ મૂલ્ય છે, જુઓ આ અંધકાર. આ આકાશ, આ તારાઓ, આ સમુદ્ર ! આ મોજાંઓ ! આ રેતી અને તેની સાથે બાળકની મુક્ત અને નિર્ભય રમત ! એક બાળક માટે આ અનેરો અનુભવ છે. બાળક આવા રોમાંચક અનુભવોમાંથી તૃપ્ત થઈને બહાર આવે તે એના જીવનવિકાસનો ભાગ છે. બૌદ્ધિક વિકાસ જ પર્યાપ્ત નથી, હ્ર્દયનો વિકાસ પણ થવો જોઈએ ને ?

બાળકને છાત્રાલયમાંથી સમુદ્ર તરફ દોડતો આવતો જોઈને તુરત જ હું એની પાછળ પાછળ આવ્યો છું. મેં તેને  રોક્યો નહીં  કારણ મારે એને આ અનુભવમાંથી પસાર થવા દેવો હતો. હું પોતે સારો તરવૈયો છું અને આ જોખમ વિશે જાગૃત છું. મુશ્કેલી ઊભી થાત તો જાનના જોખમે પણ હું તેને બચાવી લેત. મારી હાજરીને લીધે તે સલામત હતો. છાત્રાલયમાં ગયા પછી, હું તેને આ રીતે એકલા ન રમવા સમજાવીશ પણ ખરો, પણ આ વખતે તો મારે તેને આ મૂલ્યવાન અનુભવમાંથી પસાર થવા દેવો હતો અને એટલે મેં તેને રોક્યો નહીં આપનો સદભાવ અને મારુ સત્કર્મ, બંને ધન્ય થયાં…’ 

મારા ચિત્તમાં જાણે પ્રકાશ ફેલાઈ ગયો. મન ઘડીભર જાણે કે સ્તબ્ધ બની ગયું. મારું મસ્તક મનોમન એક સાચા  શિક્ષકના ચરણોમાં ઢળી પડયું. મનમાં ને મનમાં ‘ધન્ય, ધન્ય’ ના ઉદગારો નીકળી ગયા..’ ‘સદ્’ અને ‘સત’ બંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

એક અભૂતપૂર્વ શિક્ષક શ્રી ભાણદેવજીનું લખેલું એ પુસ્તક : શિક્ષકનું દર્શન. (પ્રવીણ પ્રકાશન, એસ. ટી. સામે, રાજકોટ – ૩૬૦૦૦૧) શ્રી ભાણદેવજી  તત્વજ્ઞાન સાથે M. A. , લોકભારતી સણોસરામાં છ વર્ષ અધ્યાપન અને છાત્રાલય – સંચાલન કર્યું. પછી યોગવિદ્યાનો શાસ્ત્રીય અભ્યાસ લોનાવાલા ખાતે સાત વર્ષ. હાલ જોધપર નદી, મોરબી પાસે પરમની શોધમાં ધૂણી ધખાવી બેઠા છે. ઉપરના પ્રસંગમાં બાળકને પાણીમાંથી બહાર લાવવા મથનાર અને અંતે ધન્ય થનાર તે શ્રી ભાણદેવજી  …! ‘સ’ એટલે કમાલ…  અક્ષર સાથે ‘સ’ સાક્ષર  અને  આંકડા સાથે ‘સ’ સાંકડા !!

આપણાથી આવું આજે જીવી શકાય ખરું ?

કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. 

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

આમ તો આ સમય ગાંધી કે ખાદી કે સર્વોદય કે જીવનમૂલ્યો એવા શબ્દો ઉચ્ચારવાનો નથી,,કારણ વિશ્વ અત્યારે ન્યુસન્સ વેલ્યુનું મહિમાગાન કરવાના મૂડમાં છે. તેમ છતાં સારાપના  રસ્તે ચાલી શકાય તેમ આજે પણ છે તેવો ભરોસો આપતી  વિગત નોંધવી છે. ગુજરાતના સર્વોદય જગતમાં જે કેટલાક મુઠ્ઠી ઉંચેરા આજીવન કાર્યકરોની નામાવલી બને તેમાં મોખરે આવે શ્રી કેશુભાઈ ભાવસાર. કેશુભાઈએ  ગૌશાળા, સ્વાવલંબી ખાદી અને શિક્ષણના પ્રયોગો કર્યા. આમ તો કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. કેશુભાઈ એટલે જાણે કે સાક્ષાત ગામડાના શ્રમજીવીનું મૂર્તરૂપ !! 

આજે ગાંધીજીને નીચા દેખાડવાની હિણપતભરી જે પ્રવૃતિઓ કરી રહ્યા  છે તે સૌએ હવેની  વાત ધ્યાનથી વાંચવા જેવી છે,. શ્રી કેશુભાઈનું વસિયત સમું કબૂલાત-નામું વાંચી જઈને સમજવા જેવું છે. 

ગાંધીજીનો એક સમર્પિત કાર્યકર કેટલું અર્થસભર જીવ્યો છે તેનો ક્યાસ આ અગિયાર મુદ્દા પરથી કાઢવા જેવો છે અને આપણે આપણી જાતને તેની સાથે સરખાવવાની જરૂર છે.   શ્રી કેશુભાઈ ભાવસાર શબ્દોના અલંકારો ઘડ્યા વગર કહે છે  કે : “હું બહુ મોટો ઉપાસક નથી. મારી ઉપાસના પણ ભવ્ય અને લોકનજરે ચડે તેવી નથી. ખરેખર તો મારી ઉપાસના અલ્પ છે, કાચી છે. બહુ સામાન્ય માણસ જેવું જ મારું જીવન છે. મારો જે દાવો છે તે પણ સામાન્ય માણસથી જે થઈ શકે તેટલું જ કરવાનો છે. અને જે હું કરી શક્યો છું. તે સૌ કરી શકે એમ હું માનું છું. અને તેટલા માત્રથી જીવનમાં કેટલું થઈ શકે છે તે જુઓ.

૧. મારે કોઈપણ કારણસર ક્યારેય એક પાઈનું દેવું કરવું પડયું નથી. તે જ રીતે ક્યારેય એકપણ પાઈ મેં બચાવી નથી. સહેજે સહેજે મળે તેનાથી ચલાવ્યું છે. સહેજે સહેજે વસાવી શકાય તે વસાવ્યું છે.

૨. જ્યારથી રેંટિયાનું સેવન શરૂ કર્યું ત્યારથી એટલે કે ૪૦ વર્ષથી હું કે મારા પરિવારમાંથી કોઈ લાંબી માંદગીમાં પડયું નથી. તેમજ દવા નિમિત્તે પાઈનો ખર્ચ થયો નથી.

૩. ઘરમાં સંપૂર્ણ ખાદી, ઘાણીનું શુદ્ધ તેલ, તેમજ ગ્રામોદ્યોગની ચીજો વિગેરે  નો મેં આગ્રહ રાખ્યો છે, અને તેમાંથી અપવાદ કરવાનો ક્યારેય પ્રસંગ આવ્યો નથી.

૪. મારી ટૂકી ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ મેં ક્યારેય કર્યો નથી. છતાં ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થતો  મેં જોયો છે.

૫. ગેસ પ્લાન્ટ, પવનચક્કી, હાથડંકી, ગાય વગેરે આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ મેં કર્યો છે. કમ્પોસ્ટ ખાતર માટે ગેસપ્લાન્ટ સાથે જાજરૂ વસાવી છાણનો અને કચરાનો ઉપયોગ કરીને તથા પવનચક્કીનો ઉપયોગ કરીને મેં નકામી અને અણવપરાતી કુદરતી શક્તિનો ઉપયોગ કરી ઓછા ખર્ચે ઉત્પાદન વધારવાના પ્રયોગો કર્યા છે.

૬. મારા બાળકોને મેં રાષ્ટ્રીય કેળવણી આપવાનો આગ્રહ રાખ્યો છે. અને ખેતી, ગોપાલન, વસ્ત્રવિદ્યા, અને શિક્ષણના કામ માટે તેઓ તૈયાર થાય તેવું સમજાવ્યું છે. તેમાં મને મુશ્કેલી પડી નથી.

૭. મારાં બે બાળકો મેં વરાવ્યાં છે. તેમાં પણ જૂના રિવાજોને તિલાંજલી આપી છે. તેમજ ઘરેણાં, જમણવાર વિગેરે  વિધિ અપનાવી નથી.

૮. ગામની બહાર ખુલ્લા ખેતરમાં મકાન બનાવી વગર તાળાં લગાવ્યે, છેલ્લા વીસ વર્ષથી લોકોની વચ્ચે હું રહું છું. લોકોનો પ્રેમ, ઈશ્વરની દયા, અને મારા કુટુંબમાં આવેલી આ જાતની નૈતિક હિંમત, મારા મનથી રેંટિયાની સાચી ઉપસનાનું જ ફળ છે, એમ હું માનું છું.

૯. કોઈની સાથે કદી અબોલા લેવા પડયા નથી. દુશ્મનાવટ થઈ નથી.

૧૦. કોઈ પક્ષના સભ્ય બનવાની ફરજ મને પડી નથી. કોઈ સંપ્રદાયમાં જોડાવવાનું મને ફાવ્યું નથી. કોઈ ગુરુ કે વડીલના માર્ગદર્શનમાં જ કામ કરવાની ટેવ પડી નથી.

૧૧. મારું વાંચન સદાયે નિયમિત ચાલુ રહ્યું છે અને જીવનમાં નિત્ય નવું કરવાની તાજગી આજે પણ અનુભવતો રહ્યો છું. કોર્ટ ભાળી નથી, લાંચ લેવાદેવાનો કે કાળાબજારમાંથી લેવડદેવડ કરવાનો પ્રસંગ પડયો નથી.

આ છે મારી ઉપાસનાનું ચરિતાર્થ. મને લાગે છે કે આજના નાજુક કાળમાં આવું જીવન ગાળીને હું ધન્ય બન્યો છું. તે રેંટિયાને આભારી છે.”

આટલું વાંચીને આશ્ચર્ય તો જરૂર થશે કે આમ જીવાય ખરું ? 

આવો, આપણે આપણી જાતને બે પ્રશ્નો પૂછીએ : 

(1) કેશુભાઈ જેટલા નિર્દમ્ભ ને પ્રામાણિક કોઈ ગાંધીજન આજે પણ  મળે ખરા ? 

(2) અને જો મળે તો આપણે તેને સ્વીકારીએ ખરા ? 

કટારલેખનને સાહિત્ય ગણી શકાય ??

કટાર  લેખનમાં તથ્ય આપી શકાય, પથ્ય આપી શકાય ને અકથ્ય પણ આપી શકાય ! !

ભદ્રાયુ વછરાજાની                                                         bhadrayu2@gmail.com   

  આમ જુઓ તો વર્ષોથી પૂછાતો અને જવાબ ન મેળવી શકાતો પ્રશ્ન છે “ શું કટાર લેખનને સાહિત્ય ગણી શકાય કે ??” સ્મરણ છે કે શ્રી ગુણવંત શાહને સાહિત્ય અંગેનો પ્રતિષ્ઠિત એવોર્ડ ઘણા વર્ષો સુધી અપાયો ન હતો, કારણ તેઓ પ્રસિદ્ધ કટારલેખક હતા તેથી એમને સાહિત્યકાર ગણવા નહીં એવો એક મત જોર કરી ગયો હતો. 

   આ પ્રશ્નની વાત કરતા પહેલા આપણે કટારલેખન અને સાહિત્ય બંનેને અલગ સમજવાં પડે. 

     ‘કટારલેખન’ એક શબ્દ તરીકે કે ‘કટાર લેખન’ એમ બે શબ્દો તરીકે ભગવદગોમંડળના ગુજરાતી શબ્દકોષમાં મળતા નથી. હા, કટાર (સ્ત્રી) એટલે ‘વર્તમાનપત્રનું કોલમ’ કે ‘પાનાના લખાણનો ઊભો ભાગ’ એવો અર્થ જડે છે. જો કે, અંગ્રેજી શબ્દકોષ column writing ને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. A column is a recurring piece or article in a newspaper, opinion in few columns allotted to them by the newspaper organization. વળી એક સ્પષ્ટતા બહુ સૂચક રીતે કરવામાં આવી છે કે : Columns are written by columnists અર્થ સ્પષ્ટ થયો કે કોલમ (કટાર) કટારલેખકો દ્વારા લખાય છે ! કોઈ સાહિત્યકારો કટારલેખન કરે, એવું અહીં અભિપ્રેત નથી ..! આમ જોઈએ તો કટારલેખન અને સાહિત્યને સીધો કોઈ નાતો નથી અથવા નાતો હોવો જરૂરી નહીં અથવા કટાર લખનારને સાહિત્યનો આછોપાતળો કે સઘન અભ્યાસ સાહિત્યનો હોય તો તે ગુણ ગણી આવકારપાત્ર ગણી શકાય ! સાદી વાત એ કે, “વર્તમાનપત્ર દ્વારા અપાયેલ નિયત જગ્યામાં પ્રતિ સપ્તાહ કટારલેખક પોતાની કોલમના મથાળાંને વફાદાર રહીને કોઈ વિષય પર પોતાના વિચારો / મંતવ્યો / અભિપ્રાયો વ્યક્ત કરે તે કટારલેખન થયું ક્હેવાય.” એ વાત અલગ છે કે ઘણા કટારલેખકોનાં લેખનના ફળસ્વરૂપે પુસ્તકો પ્રગટ થાય અને તે બહુ સ્વીકૃત બને અને તે ખ્યાત સાહિત્યકાર તરીકે સ્વીકારાય..

    હવે સાહિત્ય તો સમાજ સાથે સ-હિત સર્જાનાર કોઈ એક કે વધુ સ્વરૂપનું લેખન છે કે કહો, સર્જન છે. તેમાં નિયતકાલીન વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં  નિરૂપવામાં આવે છે.  તેમાં કેવળ નેરેશન એટલે કે કેવળ કથન હોતું નથી. અહીં સ્થળ-કાળ-સમયની મર્યાદાઓ નથી. સર્જક પોતાની મરજીનો માલિક છે, એટલે એ ખુલીને વ્યક્ત થઇ શકે છે. સાહિત્ય દીર્ઘકાલીન અસર છોડી જાય છે અને સમાજના એક કે વધુ વર્ગને ક્વચિત માર્ગદર્શન પણ આપી જાય છે તો કેટલાકને પોતીકી બાનીનો અનુભવ આપી જાય છે. 

    હવે પ્રશ્ન એ આવે કે કટારલેખનમાં સાહિત્ય આવે છે ને આવે છે તો કેવું – ક્યારે – કેટલું આવે છે ? એવું બની શકે કે આ દસ પાયાના પ્રશ્નો કટારલેખક સ્વયમને પૂછે અને તેના નિખાલસતા ઉત્તર મેળવે તો ઘણું  સ્પષ્ટ થાય.

(૧) તમે શા માટે કટાર લખો છો ? 

(૨) તમે તમારાં અભિપ્રાય લખો છો કે કોઈના વિચારો ટાંકો છો ? 

(૩) તમે પ્રમાણભૂત વિષયો પસંદ કરો છો ? 

(૪) તમે કોઈ વ્યક્તિવિશેષ અંગે કશું લખો છો ? 

(૫) તમે સ્થાનિક કે વ્યક્તિગત બાબતો વિષે લખો છો ? 

(૬) તમે તમારી થીમને વળગી રહીને કટાર લખો કે ના, સ્વૈવિહાર કરતાં કરતાં લખવા ટેવાયેલ છો ? 

(૭) તમે વ્યક્તિગત બાબતો વિષે અભિપ્રાય લખો છો કે સાહિત્યિક / સામાજિક / સાંવેગિક મુદ્દાને છેડો છો ? 

(૮) તમારે લખવું હોય તે જ લખે જાઓ છો કે તમારાં વાચકોને પણ નજર સમક્ષ રાખો છો ? 

(૯) તમને સતત નવાં શબ્દો, નવું પ્રારૂપ, નવું વિષયવસ્તુ, નવાં વિચારો ‘કોઈન’ કરવાં તત્પર હો છો કે એક ઘરેડબદ્ધ ઢાંચામાં ચાલ્યા જવાનું પસંદ કરો છો ? 

(૧૦) તમે પ્રતિ લેખ ઉમળકો જાળવીને કટાર લખો છો કે ટાઈમલાઈન જાળવવા માટે પણ લખો છો ?

કોઈ કટારને મારીમચકોડીને પણ સાહિત્યપ્રદ બનાવે એ તો અત્યાચારને આમંત્રણ આપ્યું ગણાય ! અહીં બે આયામો છે ખરા : 

(૧) સાહિત્યસર્જક પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય રચ્યા પછી કટારલેખક બને તો તેની કટારમાં સાહિત્યનો બહુ સહજતાથી પડઘો રહેવાનો 

(૨) કટારલેખનમાં જ સીધો હાથ અજમાવનાર, યાદ રાખીને સાહિત્યના છબછબિયાં રૂપે પોતાની કટારમાં સાહિત્યને ટચી લેવાનો પ્રયાસ કરતો રહેવાનો…. 

અને એમ બંને આયામોથી સાહિત્યનો નાતો કટારલેખન સાથે જોડાશે, એ નફામાં ખરું… જો કે, તેથી કરીને કટારલેખનમાં ઉચ્ચ કે મધ્યમ સાહિત્ય છાંટ હોવી જ જોઈએ એમ કહેવું અતિશયોક્તિ ગણાશે. અને તેથી ઉલ્ટું કે કટારમાં વળી સાહિત્ય છાંટ્યા કરવાની શી જરૂર ? એવો પ્રશ્ન પણ અસ્થાને ગણાશે.

કટારલેખન એ એક વિશેષ જવાબદારી છે, કારણ તમને નિયત જગ્યા મળી છે કે જેમાં  તમારાં વિચારો લઈને પ્રતિ સપ્તાહ તમે વાચકના ઘરે જાઓ છો. એટલે તમે (૧) તથ્ય આપો કે (૨) પથ્ય આપો કે (૩) અકથ્ય આપો તેથી થોડી વધુ અસર તો રહે જ છે. વાચક જો નિયમિત અમને વાંચવા ટેવાય જાય તો તે લેખકને પૂજવા સુધી પહોંચી જાય છે એટલે કટારલેખક વાંચનથી ને વિચારથી નિત્યવર્ધનશીલ બને તે અપેક્ષિત અને આવકાર્ય બંને છે. આમ પણ આપણો દેશ સ્પષ્ટ – રસાળ – ઉચ્ચ વિચારોને જ તો આવકારતો આવ્યો છે. ગૂગળ દેવના સહારે કટ – કોપી – પેસ્ટ કરીને થાય તેને ‘કાતરલેખન‘ ક્હેવાય. વાંચન – વિચાર – મનન પછી અભિવ્યક્તિ થાય તેને ‘કટારલેખન‘ ક્હેવાય અને એને સાહિત્ય સાથે દોસ્તી હોય ખરી…

 

શું આપણે બધા જ થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારીઓ છીએ ??

ચાલો, આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ?

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com  

શાસ્ત્રકાળથી અનીતિમય વ્યવહાર કરવાનું ચાલે છે, પણ આપણે તેને  ભ્રષ્ટ આચાર ગણેલ નથી. મૂળ છે શબ્દ : ‘ભ્રષ્ટાચાર’ એટલે કે ‘કરપ્શન ‘.  ભિખારીએ પણ શાંતિથી ભીખ માંગવા માટે હપ્તા દેવા પડે અને દેશી દારૂની કોથળી વેંચનારે પણ છેક સુધી હપ્તા ખવરાવવા પડે છે, એવું આ દેશમાં, હજી નહીં જન્મેલું બાળક પણ જાણે છે ! ‘Corrupt’ શબ્દનો શબ્દકોષીય અર્થ સ્પષ્ટ છે : બગડેલું, સડેલું, નીતિભ્રષ્ટ લાંચિયું… ભ્રષ્ટ કરવું તે ભ્રષ્ટાચાર.. હવે, વાત અહીં આવીને અટકે છે : ભ્રષ્ટાચાર એટલે શું માત્ર નાણાંની લેવડદેવડથી જ થતો આચાર ?? નીતિ – નિયમ મુજબ કરવાનું થતું કામ ન કરીને, નાણાં પડાવે અને પછી તે જ કામ કરે તેને આપણે ભ્રષ્ટાચાર કહીશું, ખરું ને ? નાણાં પડાવે તે corrupt ગણાય તો નાણાં આપે અને વચ્ચે રહી નાણાં આપવાનું ગોઠવી આપે તે corrupt ખરા કે નહીં ?

‘જે હોદ્દા પર હું બેઠો છું, તે હોદ્દા પરથી જે કામ કરવાની મારી ફરજ છે તેમાં હું લેશમાત્ર દગડાઈ કરું તો હું ભ્રષ્ટાચારી છું..’ આ વ્યાખ્યામાં નાણું વચ્ચે આવે તો જ હું ભ્રષ્ટાચારી ઠરું તેવું ભારત દેશમાં માનવામાં આવે છે, જે સરાસર ગલત છે.. અને જો સ્વીકારીએ તો આપણે સૌ થોડા ઘણા અંશે ભ્રષ્ટ લોકો છીએ… કડવું સત્ય ન ગમ્યું ? તો વાંચો આ યાદી…. હું કર્મચારી છું અને કર્મચારી છું તેથી મારે નોકરીના નીતિ નિયમોનું પાલન કરવાનું છે. હું નિયમિત રીતે અનિયમિત છું, સમયસર ફરજ પર જતો નથી, કોઈ નોંધ લેનાર ન હોય તો પૂરો સમય ફરજ પર હાજર રહેતો નથી, મારી પાસે કોઈ કામ લઈને આવે તો હું તેને આદરથી આવકારતો નથી – તેને લાંબો સમય બેસાડી રાખું છું – સરખો જવાબ આપતો નથી – તેને ધક્કા ખવરાવવાનું ચૂકતો નથી, મહિને ત્રણ – ચાર વખત સાંજ પડે ઉઠમણું / બેસણું / પ્રાર્થનાસભાનું બહાનું કાઢી વહેલો શાકભાજી લેવા જતો રહું છું, ચાલુ નોકરીએ પાંચ – છ વખત ચા પીવા કે નાસ્તો કરવાના બહાને આંટાફેટા કરું છું, ઓફિસના કાગળ – પેન – પેન્સિલ – સ્ટેશનરી ઘરના છોકરાવ માટે બિન્દાસ્ત પણે લઈ જઉં છું, નોકરીમાં હાજરી પૂરી મારા સંપ્રદાયના ધર્મસ્થાનની કે સમાજસેવાની કે મંડળ – કમંડળની સેવા પ્રવૃતિઓમાં સમય ગાળું છું, … કસ્ટમર સામે ઊભો હોય તેની દરકાર કર્યા વગર મોબાઈલ પર વાતો કરું છું કે ઓફિસના કોમ્યુટર પર પાનાં રમું છું કે પછી પાન માવાનો ડુચ્ચો ભરી ઓફિસની ડસ્ટબીનમાં થૂંક્યા કરું છું કે પછી કાર્યાલયની ગાદીઓ પાથરી આરામ ફરમાવું છું અથવા તો અર્ધી કલાકની જમવાની રિસેસની તૈયારી કરવામાં એક કલાક અને જમ્યા પછીની હળવાશની બીજી અર્ધી કલાક પ્રેમથી ભેળવી રોજ બે’ક કલાક ફરજમાંથી કાતરી લઉં છું !! યાદી બહુ લાંબી બને તેમ છે અને વિવિધતા સભર પણ બને છે આમાં ભલે ક્યાંય નાણું વચ્ચે ન આવ્યું છતાં આ બધું ભારોભાર ભ્રષ્ટાચાર છે. 

‘તમે કોઈ કામ સ્વીકારતી વખતે જાણે – અજાણ્યે જે નીતિ નિયમોથી બદ્ધ થયાં તેનાથી ચલિત થવું તે કરપ્શન કે ભ્રષ્ટાચાર છે…’ બોલો, આ વ્યાખ્યાને ભ્રષ્ટાચારની આપણી વ્યાખ્યા તરીકે સ્વીકારીશું ? અને જો સ્વીકારીએ તો, ચાલો આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ? આપણને જવાબ મળશે :

અપને આપકો જિન્દા રખના કિતના મુશ્કિલ હૈ,

પથ્થર બિચ આયના રખના કિતના મુશ્કિલ હૈ |

આપણને કોઠે પડી ગયું છે આ બધું. આપણી ગળથુંથીમાં પાવામાં આવી રહ્યું છે અનીતિમય હોવું… મારું ભૂલકું ગેરકાયદે ફીટ કરેલી ગેસકીટવાળી મારુતિવાનમાં  ઠાંસોઠાંસ ખડકાયને સ્કૂલે જાય છે. મારું બાળક કહે છે કે પોલીસ અંકલને રોક્યા.પછી અમારા ડ્રાયવર અંકલે સો રૂપિયા પોલીસ અંકલના ખિસ્સામાં મુક્યા એટલે અમારી વાન ઉપડી અને વાન ઉપડી એટલે અમે બધાએ ‘જય હો.. જય હો… નું ગીત જોશથી ગાયું…!! હમણાં દક્ષિણ ગુજરાતની એક બી.એડ. કોલેજ (ગ્રાંટેડ) નું સુવેનિર (વાર્ષિક અંક) માટે વધુમાં વધુ જાહેરખબરો ઉઘરાવી લાવનાર તાલીમાર્થીઓમાં મોખરે રહેનાર પાંચ તારલાઓના ફોટા છપાયા છે ! ? હવે, બોલો પેલું ભૂલકું કે બી.એડ. થઈ કાલે શિક્ષક થઈ જનાર ને ભ્રષ્ટાચાર શીખવવાની કોઈ અલગ વ્યવસ્થાની જરૂર છે આ દેશમાં  !!

 

‘કર્તવ્યની ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય છે.’.. પંડિત સુખલાલજી

‘જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

શીતળા માતાના પ્રકોપથી પંડિતજીએ દ્રષ્ટિ ગુમાવી પણ એનો એણે બહુ જ સારો લાભ લીધો. કોઈકને કહે કે હું તને ભણાવું,  તું મને વાંચી દે. પરીક્ષા આપવા લાગ્યા. પરીક્ષાવાળા પરીક્ષકોએ નક્કી કર્યું કે અમે મૌખિક પરીક્ષા લઈશું. મૌખિક પરીક્ષામાં ગાડું આગળ ચાલતું હતું પણ એક વખત કોઈ વિચિત્ર  પરીક્ષક હશે એને થોડી વાયડાઈ સૂઝી. એટલે મૌખિકમાં ન પૂછવાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. સુખલાલજી  તો સ્વમાની હતા એટલે ઉભા થઈ ગયા કે આવી અન્ચી કરવી હોય તો મારે હવે કોઈ દિવસ પરીક્ષા આપવી જ  નથી. ભણવાનું મૂક્યું પડતું પણ અભ્યાસ જિંદગીભર ચાલુ રાખ્યો. એટલા બધા ગ્રંથો એણે વાંચ્યા કે તેમાં  પારંગત થયા. 

જૈન દર્શન ઉપર એમનું મહાત્મ્ય વધ્યું કે જૈન ધર્મના સાધુઓને એ ભણાવવા જાય. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ કોઈ હાથ પકડીને લઇ જાય, બેસાડે અને સાધુઓ, મુનિઓને ધર્મજ્ઞાન આપે. પરંતુ એવું બન્યું કે એ ભણાવતા હતા ત્યારે વર્ગની બહાર કોઈ એક બહેન આવીને સાંભળવા બેસે. અને બેન બેસે છે એ તો પંડિત સુખલાલને ખબર ન પડે. પણ ધર્મચાર્યોએ ફરિયાદ કરી કે આ યોગ્ય ન કહેવાય.  તમે અમને ભણાવો ત્યારે કોઈ બેન અહીંયા આવવા ન જોઈએ. તો એણે મુનિઓનું  માન રાખ્યું કે,  કંઈ વાંધો નહીં,  હું એ બહેનને ઘરે જઈને ભણાવીશ, બસ. એટલે એમણે ઘરે જઈને ભણાવવાનું શરૂ કર્યું. એ જૈન ધર્માચાર્યોને ખબર પડી તો એનો પણ વિરોધ કર્યો કે,  ના અમને ભણાવવું હોય તો અમને જ ભણાવવાના,  બીજા કોઈને નહીં ભણાવવાના. એટલે કહ્યું કે,  ‘જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે એવું મને લાગશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’ વિચાર કરો કે એક વખત શીતળા માતાને હેરાન કરવા નીકળેલો માણસ એટલો બધો નિર્ભય બન્યો કે એણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ,  તમારું એવું કંઈ ચાલવાનું નથી.  તમારે ભણવું હોય તો ભણો,  બાકી તમે જેને નિમ્નમાં નિમ્ન માનો છો એને પણ હું ભણાવીશ. અને ભણાવીશ એટલું નહીં એને ઘરે જઈને ભણાવીશ.  પછી એમને એવું લાગ્યું કે આપણે શું કામ આવું કરવું ?  ખાલી જૈન ધર્મ ઉપર થોડો આધાર છે એટલે બધા જ ધર્મના દર્શન એમણે વાંચ્યા. આપણા રાષ્ટ્રપતિ પંડિત રાધાકૃષ્ણન જે ફિલોસોફી ઓફ ઇન્ડિયા ના ગુરુ ગણાય એ પણ પોતાના ફિલોસોફર તરીકે પંડિત સુખલાલજીને પોતાની વાતની અંદર ટાંકે છે. હિન્દી શીખ્યું, સંસ્કૃત શીખ્યું, પ્રાકૃત શીખ્યા બધી જ પ્રકારની વિદ્યાઓ કહેવાય એમાં  એમણે માસ્ટરી મેળવી લીધી. 

સોળ વર્ષ સુધી જયારે આંખ હતી ત્યાં સુધીમાં જેટલું જોયું હતું એ બધું યાદ કરી કરીને લખાવી નાખ્યું. અને એમ કહે છે કે પ્રવાસવર્ણનો તો એવા વર્ણનો છે કે કોઈ આંખે દેખતો માણસ જોઈને ન લખાવી શકે. એમના લેખનમાંથી  ધર્મના તુલનાત્મક અભ્યાસો અને એમણે કરેલા પ્રવાસવર્ણનો એ ઉત્તમ કહેવાય છે.

કહે છે કે ઈશ્વર સાથેનું અનુસંધાન ધૂન ભજનથી કરવાને બદલે નામસ્મરણથી કરે અને પથારીમાં પડે તો પણ એની ટચલી આંગળી વેઢા ઉપર ફરતી હોય, મૌન હોય તો પણ ફરતી હોય, એકબાજુ બેઠા હોય તો પણ આંગળી ફરતી હોય અને આપણને ખબર પડે કે એમનું નામ સ્મરણ સતત ચાલી રહ્યું છે. 

પંડિત સુખલાલજીને પૂછ્યું કે  કર્તવ્યની ભાવના એટલે શું ?? કહે, કર્તવ્યની ભાવના જુદા જુદા પ્રકારની હોય. ઉદાહરણ આપું ગાંધીજીનું. ગાંધીજીએ દેશ માટે જીવન અર્પણ કર્યું તે એની દેશ માટેની કર્તવ્ય ભાવના કહેવાય.ગઈકાલે જ છાપામાંથી વાંચ્યું  કે વિનોબાજીની પાસે આવીને એક ડાકુની મા રજપૂતાણી એમ કહે છે કે તમે માનો છો કે મારો દીકરો ડાકુ છે પણ એ તો બહારવટે ચડેલો છે એટલે તો બધાને મારવા કાપવાના જ હોય એમાં કંઈ એ ખોટું નથી કરતો. એ એને એમના નેતા દ્વારા સોંપાયેલું કામ જ છે..  સુખલાલજી કહે છે કે આ એમની વ્યક્તિગત કર્તવ્ય ભાવના છે.  કર્તવ્યભાવના ગાંધીજીની પણ સાચી અને કર્તવ્યભાવના પેલા ડાકુની પણ સાચી. બંને પોતાના કર્તવ્ય માટે અડગ છે. એકદમ અનિષ્ટ બન્યા વગર એ એવું ગણે છે કારણ કે એ ડાકુની મા છે. અને દીકરો ગમે  તે કરે તો એને ડાકુ લાગે નહીં. આ પ્રેમ છે. એટલે કર્તવ્યભાવના કોઈમાં તે  કુટુંબ સુધી વિકસે છે, કોઈમાં દેશ સુધી વિકસે છે, કોઈમાં વિશ્વ સુધી પણ વિકસે છે . પણ એક વાત ચોક્કસ કે કર્તવ્યની ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય છે. સુખલાલજીનું વાક્ય છે : એક વાત તો ચોક્કસ છે કે કર્તવ્યની ભાવના તો  સમુદાયમાં જ વિકસે છે. જંગલમાં કોણ કોના પ્રત્યે કર્તવ્ય અદા કરે ? તમે જાઓ જંગલમાં એકલા રહો. પછી તમે એમ કહો કે મારે તમારી સેવા કરવી છે,  કોઈ છે જ નહીં તો સેવા કોની કરો ?  જંગલમાં કોણ કોની કર્તવ્યભાવના અદા કરે. સમુદાયનું મોટામાં મોટું ઘટક વિશ્વ છે અને નાનામાં નાનું ઘટક કુટુંબ છે.

‘ત્યારે કરીશું શું ?’ લિઓ ટોલ્સટોયની વ્યથા આજે પણ અકબંધ જ છે ?

જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે.!!!

ભદ્રાયુ વછરાજાની                                                         bhadrayu2@gmail.com

બહુ જ ખ્યાત પુસ્તક છે : Then what shall we do ? આ પુસ્તકનો અનુવાદ અનેક ભાષાઓમાં થયેલો છે અને તેમની એક ભાષા ગુજરાતી પણ છે. “ત્યારે કરીશું શું ?” શીર્ષકથી દિવંગત અને પુસ્તક-અંગત શ્રી મહેન્દ્ર મેઘાણીએ તેનું સંક્ષિપ્ત પણ કરેલ છે.

રોજબરોજના જીવનમાં કોઈકના માટે કશુંક કરતા રહેનાર લોકોને જે આજે અનુભવ થાયછે તેવા અનુભવો પોતાના સેવા કાર્યો  દરમ્યાન પ્રસિદ્ધ ચિંતક લિઓ ટોલસ્ટોયને પણ થયેલા અને થોડાક નહીં પરંતુ ડગલે ને પગલે થયેલા. તેઓ તો સેવાભાવથી જ  પોતાનું ધન ગરીબોની વચ્ચે લૂંટાવી રહ્યા હતા ત્યારે તેમને પણ છેતરવાના પ્રયોગો તેમની સહાય મેળવતા લોકો દ્વારા જ થયેલા. તેનું દર્દીલું વર્ણન લિઓના એ પુસ્તકમાં છે. તમારું મન ઉઠી જાય તેવા અનુભવો થયા પછી તેનાથી પુછાય ગયું કે  આવું બને “ત્યારે કરીશું  શું ?” 

આજથી પાંત્રીસેક વર્ષ પહેલા જૂનાગઢ કોલેજમાં ભણાવવા જવા માટે અપ-ડાઉન કરતી વખતે વહેલી સવારે ફૂટપાથ પર ટૂંટિયું વાળીને સુતેલા  કેટલાક લોકોને રોજ જોતો હતો. તેમાંથી વિચાર આવ્યો અને તે ચાર પાંચ મિત્રો સાથે વહેંચ્યો. બધા મિત્રો નોકરીયાત હતા અને કોઈ મોટી સેવા કરવા નીકળી શકે તેવા ન  હતા, છતાં મિત્રોએ નક્કી કરીને ખાદી ભવનમાંથી જાડી ચાદરો  ખરીદી. વિતરણનું કામ મને સોંપાયું. રોજ સવારે સાડા ત્રણ-ચાર  વાગે બસ સ્ટેન્ડ જતી વખતે  ચાર-પાંચ ચાદર સ્કૂટર ઉપર લઈને નીકળું અને જ્યાં કોઈ એવી વ્યક્તિ દેખાય કે તે ટાઢે ઠરતી હોય તો તેને નજીક જઈ  ઓઢાડી દઉં. એક સપ્તાહમાં ત્રીસેક વ્યક્તિ સુધી ચાદર પહોંચાડી પણ પછી વિચિત્ર અનુભવ થયો. જેમને ચાદર ઓઢાડી હોય તે જ વ્યક્તિ પાછી  ટૂંટિયું વાળીને ઠરતી સૂતી જોવા મળે !! એ ટાણે  ‘ત્યારે કરીશું શું ?’યાદ આવેલું. એકવાર તો રેલવે સ્ટેશન પાસે એટલો ખરાબ અનુભવ થયેલો કે ન પૂછો વાત. સુતેલા લોકો હકીકતમાં સુતેલા ન હતા અને અમે જેવી એકને ચાદર ઓઢાડી કે તરત જ તેઓ એકસાથે ઉઠ્યા અને સ્કૂટર પરની ચાદરો રીતસર લૂંટી લીધી!!  બહુ નિરાશ થયેલા,  તે સમયે અમને ટેકો મળે તેવો  પત્ર જડી આવેલો..

આજકાલ આવા અનુભવો પ્રત્યેક સેવા કરનારને મૂંઝવે છે, ત્યારે 1994 માં લખાયેલ એક પત્ર જડી આવ્યો છે અને તે આપણને છેતરનાર પ્રત્યે પણ કેવી ઉદાર ભાવના સેવામય વ્યકિત રાખી શકે તેનું સુંદર ઉદાહરણ  પૂરું પાડે છે. આપણે જેમને એક અનોખા દિવ્ય દંપતી તરીકે ઓળખીએ છે તેવા સાંઈ મકરંદ અને કુન્દનિકા  કાપડિયાને થયેલ એક આવો જ અનુભવ અને તે અનુભવ પછીની તેઓની પ્રતિક્રિયા જાણવા જેવી છે, કારણ કે હકીકતમાં તો તે પ્રતિક્રિયા નથી,  પણ આત્મક્રિયા છે.  એ પત્ર આપણને ઘણું બધું કહી જાય છે.                                                                              

નંદીગ્રામ,

પો. વાંકલ, જિ. વલસાડ

તા. 24-12-1994

સ્નેહી ભાઈ,

નંદિગ્રામની પાયાની વિચારણામાં સાધના અને સેવાનો સમન્વય છે. વિનોબાજી કહેતા કે કાર્યકરોએ સ્વાધ્યાય, ચિંતન કરવાં જોઈએ માત્ર સેવાકાર્ય કરવાથી નહીં ચાલે.  આ સાથે અમારી પત્રિકા મોકલું છું તે પરથી અમારી વિચારધારાનો ખ્યાલ આવશે.

જે ઘટના બની તે શુદ્ધરૂપે ઢોર ચારનારાં થોડાક લોકોના સંબંધમાં હતી. અમે વર્કશોપ ચલાવીએ છીએ. એમાં તાલીમ લેવા માગતા દૂરદૂરનાં ગામોના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવાનું શરૂ કર્યું. હૉસ્ટેલના મકાન સિવાય બાકીની ઘણી ખુલ્લી જમીન છે, જ્યાં હજુ અમે વાડ બાંધી નથી. ત્યાં ઢોર ચરાવી શકાય તેમ છે. એમ છતાં એ લોકોને બાંધકામ કરીએ તે રુચ્યું નહિ, તેમાંથી વાત વધી પણ વધુ વણસાવી રાજકારણીઓ અને છાપાંવાળાએ. અમને થોડીક ચિંતા જરૂર થઈ, પણ છેવટ બધું સારું થઈ રહેશે એવી શ્રદ્ધા છે. અહીં જે પ્રવૃત્તિ થાય છે તેની જાણકારી પણ સાથે મોકલેલી પત્રિકામાં છે. સાદું શાંત સંવાદી જીવન જીવીએ છીએ. પ્રવૃત્તિનો લોભ કે મોહ નથી. જે જરૂરી છે તે કરીએ છીએ. બધાં કર્મો ઈશ્વરાર્પણ કરીએ છીએ. જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે. તેમના બાળકો અહીં શિબિરોમાં આવે છે. પોતાની મુશ્કેલીના સમયમાં સલાહ લેવા, કદીક પૈસા લેવા, દરદીને હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવા આવે છે. કોઈની ઉશ્કેરણીના ભોગ બનેલા આ લોકો અમને સાચે જ વહાલા છે. તોફાન તો શમી જશે. 

તમારાં આત્મીયતા અને ઉષ્માથી સભર પત્ર માટે આભાર માનું છું

– કુન્દનિકાબહેન

‘આ બધા શીતળા સાતમે ચૂલો શું કામ ઠારે છે.?”

‘અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો.’ પંડિતજીએ સમાધાન શોધી કાઢ્યું..!!

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે,  ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું,  ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’

સત્તર વર્ષની ઉંમરે માતાનો પ્રકોપ થયો શીતળા માતાનો. એ વખતની એક બહુ જ ઉંડાણવાળી વાત અથવા મજા આવે એવી વાત કરું. મિત્રો એવું ન માનશો કે મહાત્માઓ જે હોય કે બુદ્ધ પુરુષો જે હોય એ બધા ખામી વગરના જ હોય. એમાં પણ કંઈક ખોટખાંપણ હોય. સ્વભાવની હોય કે વ્યવહારની હોય. પણ મહાનપુરુષ એ  થાય કે જે ખામી હોય એને પોતે સ્વીકારે, સ્વીકારીને પછી એ ખામી દૂર થાય એના માટે સઘન પ્રયાસ કરે અને એ પ્રયાસ કરે એમાંથી જે કંઈ શીખે એ પોતાનામાં ઉમેરે,  એ મહાત્મા બને. શીતળા માતા નીકળ્યા તો સુખલાલજી વહેમમાં બહુ માનતા હતા. નાના હતા ત્યારે બહુ વહેમીલા હતા. અંધશ્રધ્ધાળુ હતા. આ વાત ઘણા લોકોને ખબર નથી પણ એમના દ્વારા જ પુસ્તકમાં નોંધાયેલી છે એટલે મને ખબર છે. જેની સાથે રહીને આ કારસ્તાન કર્યું એ બંનેએ  નક્કી કર્યું હતું કે આ વાત આપણે કોઈને કહેવી નહીં કારણકે હું અને તું બે જ જણા જાણીએ. એના એક મિત્ર હતા ચુનીલાલ.

મિત્ર સાથે રહી એને વિચાર આવ્યો કે આ બધા શીતળા સાતમે ચૂલો ઠારે છે તો શું કામ ઠારે છે.?? એટલે એણે ઘરમાં મા ને પૂછ્યું તો મા એ કહ્યું કે શીતળા માતા છે ને એ આગલી રાતે ચૂલામાં સુવા આવે.  એ ચૂલામાં સુવા આવતા હોય તો  આપણે ચૂલો ન પેટાવીએ નહિતર એ બળી મરે. હવે  આ વાત એના મનમાં બેઠી. પણ જુઓ જેમ મોજીલું શિક્ષણ છે એમ ખોજીલુ મન છે. મન તમને ખોજવા માટે પ્રેરે. તો એમને વિચાર આવ્યો એટલે એણે ભાઈબંધ ચુનીલાલ ને કીધું કે તને લાગે છે આ સાચી વાત હોય ?  તો કહે લાગતું તો નથી પણ હવે મા કહે છે તો સાચું હશે. તો કે ના એમ નહીં ચાલ આપણે પ્રયોગ કરીએ. એટલે એમણે પ્રયોગ કર્યો. જયારે શીતળામાતા થયા એના પહેલાના ત્રણ વર્ષ પહેલા ઘરના બારણાં બંધ કરી કોઈ નહોતું એનું ધ્યાન રાખી અને ચૂલો પેટાવી નાખ્યો. ભડકો કર્યો અને ભડકો કરીને બે જણા ત્યાં બેઠા એની ઉપર દૂધ મૂક્યું એમાં સાકાર નાખી, દૂધને ગરમ કર્યું એટલે સાકાર ઓગળીને એને ગ્લાસમાં કાઢીને બંને જણા પી ગયા. અને રાત્રે સુઈ ગયા કંઈ થયું નહોતું એટલે  કહે  જુઓ પેલી  વાત સાચી નથી ને કંઈ થતું નથી. અંધશ્રદ્ધાથી દૂર ભાગવું જોઈએ એનો પાયો ખરેખર આવા ખાપરા ખોડીયાંવેડા  માંથી થતો હોય છે. એમણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ તમે આમાં માનતા હો તો માનજો,  હું નહીં માનું.  જે જૈન ધર્માચાર્યોને એ પોતે ભણાવવા જતા એને પણ કહી દીધું. હવે થયું એવું કે એ વર્ષે તો સુખલાલ અને ચુનીલાલ બન્નેને  કંઈ ન થયું અને પછીના વર્ષે ય કંઈ ન થયું. ત્રીજે વર્ષે સુખલાલજીને શીતળા માતા નીકળ્યા અને શીતળા માતા નીકળ્યા એટલે અંદર બેઠેલો ભય હતો એ પાછો ઉંચકાણો અને એમ થયું કે ભારે કરી. આ ત્રણ વર્ષ પહેલા જે ચૂલામાં સુતેલા શીતળા માતાને આપણે સળગાવ્યા એણે આપણો દા કાઢયો. ચુનીલાલને વાત કરી  કે જોયું આ ત્રણ વર્ષ પહેલાનું પરિણામ મળ્યું….. આંખનો  ડોળો બહાર  આવી ગયેલો એવી પરિસ્થિતિ !! બધા દયાજનક રીતે જુએ પણ ચુનીલાલને સતત કહે કે કોઈને કહેતો નહીં આ વાત આપણે બે જ જણા જાણીએ છીએ

અને પછી પંડિત સુખલાલજીએ પોતે પોતાના જીવન વૃતાંન્તમાં લખ્યું છે કે,  “મેં નક્કી કર્યું કે શું આવી રીતે મેં આ કામ કર્યું માટે મને શીતળા નીકળ્યા ? તો તો મારા ભેગો ચુનીલાલ પણ હતો તો ચુનીલાલને કાં આવતા વર્ષે નીકળવા જોઈએ કાં પછીના વર્ષે નીકળવા જોઈએ. ચુનીલાલને કોઈ દિવસ નીકળ્યા નહીં. અરે, જેમણે વિરોધ નથી કર્યો એમને પણ માતાનો પ્રકોપ થાય છે તો એ લોકોનો શો દોષ ?? એટલે મેં નક્કી કર્યું કે અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો. ત્યારથી મારી અંધશ્રદ્ધા દૂર થઈ.” પોતાની  દ્રષ્ટિ ગુમાવીને સહન કરનાર પંડિતજીએ કેવું સમાધાન મેળવ્યું !!

આપણને ખબર છે મહાત્મા ગાંધીએ પણ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે નાનો હતો ત્યારે મને અંધારાથી બહુ ડર લાગતો અને ડર લાગતો ત્યારે એના આઈ મા એ કહેલું કે જયારે ડર લાગે અંધારું હોય ત્યારે રામ રામ બોલવું. હવે એ વખતે એ રામ રામ શબ્દ પકડાયો એ ત્રણ ગોળી વાગીને ત્યારે પણ રામ રામ શબ્દ બહાર આવ્યો. અંતર આત્મામાં ગયેલો હતો એ રામ એ વખતે પાછો આવ્યો. (ક્રમશઃ )

કોઈપણ એજન્ડા વગર તમે કેટલા લોકોને મળો છો ?

કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી’

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

વિચારની કેળવણી શક્ય છે. આપણે એટલું  જાણ્યું છે કે મનને આપણે  જે ઇનપુટ આપ્યો એ જ આઉટપુટ તરીકે બહાર આવશે. તમે કેટલા વિસ્તરો છો તેનો આધાર ઘણી બાબતો પર છે.  તમારા ઘરમાં કોણ કોણ આવે છે, એની સાથે તમે કેમ વાત કરો છો, તમે એને જાય ત્યારે દરવાજા  સુધી ‘આવજો, ફરી વાર મળીએ’ એવું કહો છો ??? આ બધી વાત તમારું સંતાન છાનેખૂણે નોંધે છે. અને એ એમાંથી શીખી રહ્યું છે. આપણે ક્યારેક અતિથિને વળાવવા ન જઈએ અને દીકરાને કહીએ  કે, ‘જા  તો  એને આવજો કહેતો આવ’, એટલે દીકરો સમજશે કે ‘આ બહુ મહત્વનો માણસ નથી. કારણ  બાપા કોઈકને મુકવા છેક ઝાંપા સુધી જાય છે.’  આવી વાત અંદર જાય છે અને એ નવો વિચાર બને છે. 

વિચારની કેળવણી માટે પુષ્કળ લોકોને મળવું જોઈએ અને  ખૂલવું જોઈએ,  એની સાથે સહજતાથી વાત કરવી જોઈએ. કોઈ એજન્ડા વગરની વાત. એજન્ડા વગરની વાતમાંથી જે બહાર આવે એ બહુ મજાની વાત હોય. ગોઠવેલી વાતમાંથી તો  બધું  સ્ટેટિક અને ગૂગલમાં હોય એ બધું તમને મળે. ગૂગલમાં ન હોય એવું મેળવવું હોય તો એજન્ડા વગરનું પૂછો. સહજ થઈને પૂછો, તમારા વિસ્મયથી પૂછો, તમારા શબ્દોમાં જીવ રેડીને પૂછો. અનેક લોકોને મળવું, અનેક લોકોને સાંભળવા, અનેક લોકોને પૂછ્યા કરવું, અનેક જગ્યાએ ફર્યા કરવું, નેચરની વચ્ચે વધુમાં વધુ રહેવું. પૂરેપૂરું એની સાથે ઓતપ્રોત થઈને રહેવું. એમાંથી જે આપણને  મળશે એ આપણા  વિચારોને ઘડશે. આ વિચારોની કેળવણી છે.       

       વિનોબાજી  ખુબ અભ્યાસુ. એટલી બધી ભાષાઓ જાણે. એકોએક ધર્મ વિષે એમણે વાંચ્યું. ઇસ્લામ ધર્મની વાત આવી તો એણે કુરાન વાંચ્યું. વાંચીને પછી અંદરથી મુખ્ય બાબતો હતી તે  તારવી ને પછી એમણે ઈસ્લામ  ધર્મસારનું પુસ્તક બહાર પાડયું. વિનોબાજીએ જૈનોના એટલા બધા ગ્રંથો વાંચ્યા અને પછી એ મહાપ્રજ્ઞજીથી લઈને દરેક જૈન સંતને મળ્યા અને સમજાવ્યા કે તમારા ગયા પછી એક ગ્રંથ તો એવો મૂકી જાઓ કે જે ગ્રંથને બધા ફિરકાઓ એક માનીને સ્વીકારે. એમાંથી ગ્રંથ બહાર પડયો એનું નામ ‘સમણસુત્તમ’   છે અને એની પ્રસ્તાવના  ખુદ વિનોબાજીએ લખી છે. આમ જ તમે જો તમારી જાતને enrich કરશો, uplift કરશો તો તમે કોઈપણ વિષયમાં રસપૂર્વક ઊંડા ઉતરી શકશો. તમે આનંદ સાથે આગળ વધતા જશો. તમે જયારે એન્જોય કરો કે બહુ મજા આવી ત્યારે એ વસ્તુ શ્રેષ્ઠ થશે. તો ‘મજા આવી’ એ  ઇનપુટ છે. 

જેટલા લોકોને મળો, જેટલા લોકોના વિચાર જાણો એટલા તમારા વિચારો વધુને વધુ મંજાતા જાય. માંજવું એટલે જેમ આપણે પહેલાના વખતમાં વાસણમાં કલાઈ  કરતાને એમ વિચારને કલાઈ કરી ઉજળા કરવાના..સાથે રહીએ અને નિયત શીડયુલ  સિવાયની ગોષ્ઠીઓ માંડીએ. શ્રી જે. કૃષ્ણમૂર્તિ બ્રેકફાસ્ટ ટેબલ પર દોઢ બે કલાકની ગોષ્ઠિ કરતા અને એમાં તેમના ઉત્તમ વિચારો પ્રગટ થતા. મનુભાઈ પંચોલી ‘દર્શક’ સરસ વાત કરતા કે, ‘સાથે રહેવાનો મહિમા પણ મહિમાગ્રહણ કરવાનો છે. કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી’ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ સોળ  વર્ષની ઉંમરે આંખનું તેજ ગુમાવ્યું. પરંતુ સોળ  વર્ષ સુધીમાં જે જોયું અને જે વાંચ્યું તેનું ચિંતન અને મનન એટલું કરેલું કે ચર્મચક્ષુ ગુમાવ્યા પછી પહેલાંનુ સઘળું તેઓએ શબ્દશઃ લખાવ્યું અને આપણને પંડિતજીના ઉત્તમ પ્રવાસ વર્ણનો મળ્યાં. 

આ રીતે મંજાયેલ જે વિચાર બહાર આવે એ કેળવાયેલ વિચાર હોય. વિચારોનું શિક્ષણ શક્ય નથી,  પણ વિચારોની કેળવણી શક્ય છે. કોણ કેળવે ? પોતે જ કેળવે.  કોઈ આપે કે કોઈ શીખવે તે શિક્ષણ, પણ હું મને અનુભવથી કેળવું તે કેળવણી. મોટા મોટા વિચારકો કે લેખકો કે ચિંતકો પ્રત્યેક વિચારને અનેક ચાયણીમાંથી ગાળે  છે અને તેમાંથી અર્ક તારવી તેનું ચિંતન મનન કરે છે ત્યારે તેનું વક્તવ્ય કે લેખ તૈયાર થાય છે. સફળતા તો આજે ચપટી વગાડતા મળે છે,  પણ તમારા વિચારની સાર્થકતા પુરવાર કરતાં વર્ષો  વીતે છે.  મારે ઉભા થવું પડે, મારે હાથ પગ હલાવવા પડે, મારે પુસ્તકો ભેગા કરવા પડે, મારે વાંચવા માટે એકાગ્ર થવું પડે, અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછવા પડે અને એ બધું નોંધવું પડે. આ બધું દિલથી મારે કરવું પડે તો મારા વિચારોની કેળવણી શક્ય છે,  અન્યથા નહીં. 

પંડિત સુખલાલજી એક વિરલ બહુશ્રુત વિદ્વતજન

‘સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.’ 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

વ્યક્તિને પારખવા માટે ગમે તેટલો સમય ઓછો જ  કહેવાય. પણ મનુભાઈ પંચોલી દર્શક સરસ વાત અહીં ઉમેરે છે કે …’સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.’ આપણે કોઈની સાથે રહીએ તો સાથે રહીને શું જોવાનું છે ? એને કોણ મળવા આવે છે ? મળવા આવે એ એનું  કેવી રીતે મૂલ્ય કરે છે ? પોતે એના પ્રત્યે કેમ પેશ થાય છે ?? આવે છે એ આપણી અજાણમાં હોય તો એના વિશે એ કેવી વાતો કરે છે ? આ મૂલ્ય ગ્રહણ છે. હું ગયો કોઈ વ્યક્તિ પાસે અને સાવ અજાણ્યો છું પણ એની પાસે જો અડધી કલાક બેસું તો એ વહેતી ગંગાના માણસ હોય તો એની પાસે લોકો આવ્યા જ કરે એના ઉપરથી મને ખ્યાલ આવી જાય ખરો કે હું જેને મળવા આવ્યો છું તે કોઈ વ્યક્તિત્વ છે, સાદી વ્યક્તિ નથી. એટલે દર્શક દાદા એમ કહે છે કે સાથે રહેવાનો મહિમા એ મહિમા ગ્રહણ કરવાનો જ છે. સામેની વ્યક્તિનો મહિમા શું છે ? એ તમે ત્યારે જ જાણી શકો છો, જયારે તમે દિલથી એમની સાથે રહો. . દર્શક દાદાએ કહ્યું છે કે, પોતાના ભૂતકાળને જે સમજે,  સંસ્કારે. (કેવળ  સ્વીકારે નહીં સંસ્કારે એટલે  કે સંવર્ધન કરવું to add something into what exists,  જે છે તેમાં કશુંક ઉમેરવું તે સંસ્કારે) અને સંવર્ધે નહીં ત્યાં સુધી એ માણસ નવનિર્માણ પામતો નથી. મારો ભૂતકાળ મોટો છે, આજથી દસ વર્ષ પહેલાનો હું અને આજનો હું અથવા આજથી પાંચ વર્ષ પછીનો હું જુદો હશે કે એનો એ હશે, એણે કઈ વાંચ્યું હશે ? એણે કંઈ વિચાર્યું હશે ? એણે કંઈ લખ્યું હશે ? એણે કંઈ સાંભળ્યું હશે ? એણે કંઈ આદાનપ્રદાન કર્યું હશે ? એણે કોઈની વાત ધ્યાનથી સાંભળી હશે ?… આ સંસ્કરવું છે. આપણે લગભગ કોઈને સાંભળવા તૈયાર નથી હોતા. પણ યાદ રાખીએ કે સમજવું, સંસ્કરવું અને સંવર્ધન કરવું એ જ હંમેશા નવનિર્માણ પામે છે.

આપણે વાત કરવી છે પંડિત સુખલાલજીની કે મનુભાઈએ જેમને ‘લોકભારતીના પિતામહ’ કહ્યા !!  લોકભારતીના અધિપ્ષ્ઠાતા દર્શકદાદા પંડિત સુખલાલજીને પિતામહ કહે છે એટલે તેઓનું વ્યક્તિત્વ કૈંક વિશેષ  પ્રતિભાવંત હશે તેનો ખ્યાલ આવે છે. પંડિતજી  દ્રષ્ટિહીન દ્રષ્ટા હતા. આપણને અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે કે ‘તમે દ્રષ્ટા બનો.’  આપણે બધાને  આંખ છે એટલે આપણી ઇન્દ્રિય હંમેશા ખુલ્લી રહે છે , ખુલ્લી રહે છે એટલે બહારનું જોઈએ છીએ, જોઈએ છીએ એટલે બહારની અસર અંદર જાય છે,  અંદર જાય છે એટલે અંદરના ચેતાતંત્રને મેસેજ મળે છે, એ ચેતાતંત્ર અંદર મોકલે છે કે સામે કંઈક આવું છે, એ અંદર મેસેજ જાય છે એટલે રિફ્લેક્ટ કરે છે અને રિફ્લેક્ટ કરે છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. પણ પંડિતજીને મોટી શાંતિ હતી એમની આ ઈન્દ્રિય જ બંધ હતી. સુખલાલજીએ એક જગ્યાએ લખ્યું છે કે,  સોળ વર્ષે જયારે મારા ચર્મચક્ષુ લઇ લીધા ત્યારે  મારા દિવ્યચક્ષુનો ઉઘાડ થયો. ચર્મચક્ષુ લઇ લેવા એટલે બહુ મોટી વાત છે. તમે દસ મિનિટ આંખ બંધ કરી રાખજો પછી પણ તમને ન અનુભવ થતો હોય તો દસ મિનિટ આંખ બંધ કરીને થોડું  ચાલજો એટલે તમને ખ્યાલ આવે કે આંખ ન હોવી એ એ કેટલો મોટો વિષાદ  છે. પણ એમણે અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. 

૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે,  ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું,  ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’  આ પ્રાપ્તિની ઘટનાને એમણે સુંદર રીતે ઉપયોગમાં લીધી. ભણવામાં ખુબ હોશિયાર, અક્ષર એના ખુબ મરોડદાર, અક્ષર સારા હોવા એ પણ અત્યારની સાયકોલોજી એવું કહે છે કે તમારા વ્યક્તિત્વની એક પ્રકારની છાપ છે. તમારા અક્ષર ખરાબ હોય તો તમને ખબર હોવી જોઈએ કે ખરાબ છે.  મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે મારા ખરાબ અક્ષર એ મારી અધૂરી કેળવણીની નિશાની છે. તો એમના અક્ષર બહુ મરોડદાર હતા. 

બેનના લગ્ન થયા ત્યારે સુખલાલજીને પરણાવી દેવાના  હતા. ત્યારે સામે વેવાઈ લોકોએ ના પાડી કે ઉતાવળ કરવાની જરૂર નથી. એમાં સુખલાલજી બચી ગયા. કેમ બચી ગયા ? એવે ટાણે ના પાડી પણ પછી આંખ ગઈ. તો  વેવાઈ લોકોએ કીધું કે આવું હોય તો હવે અમારે લગ્ન કરવા નથી. સુખલાલજીએ સુંદર વાક્ય લખ્યું છે કે, હું મારા જીવનના એક પરિમાણમાંથી છૂટો થયો અને જીવનના વ્યાપક પરિમાણમાં જોડાઈ ગયો. કંઈક ગુમાવીએ છીએ ત્યારે ઘણું જતું રહે છે. આ, કંઈ જતું રહે છે ત્યારે પણ કંઈક આપવાની જ નજર આપણા પરમપિતાની હોય છે. સુખલાલજીને  બહુ વાંચવાની ટેવ, ગણિત એમનું એટલું પાક્કું, કુટુંબીઓએ તો બહુ પ્રયાસ કર્યા કે ધંધો સંભાળે. 

બે જ બાબત એની વિશેષતા હતી. જ્ઞાન જિજ્ઞાસા. જ્ઞાન જિજ્ઞાસા એટલે કશુંક નવું જાણ્યા કરવું. Something to know કારણ એમ કહેવાય છે કે something to know હશે તો જ something to do આવશે. જો તમે જાણશો તો જ કશુંક કરશો અને તમે કશુંક કરશો તો જ તમે કશુંક અનુભવશો. અનુભૂતિ શું છે, સ્પર્શાનુભૂતિ શું છે. If you dont touch you dont experience એવી જ રીતે એમની જ્ઞાન જિજ્ઞાસા જોરદાર અને ભણતરની ભૂખ જોરદાર. ભણવાનું કોઈ પણ સંજોગોમાં મૂકે નહીં અને એ વાત એટલી આગળ ચાલી કે જેમ જેમ મોટા થતા ગયા એમ ભણવાની સાથોસાથ એમને ભણાવવાની લગની લાગી. એમને ગમે ત્યાંથી શિષ્યો મળી જ રહેતા. એમની પાસે કોઈક કોઈક તો એવું આવી જ જતું કે જે એની પાસે શીખવા બેસી જાય. આ  વાત શિક્ષકોને પણ લાગુ પડે છે કે શીખવવું હોય તો વિદ્યાર્થી નથી એવી ફરિયાદ કરવા જેવું રહેતું નથી. તમે જો સાચા શીખવનારા હશો તો તમારી સ્કૂલના નહીં તો બીજા વિદ્યાર્થી તમારી પાસે આવીને બેસી જશે. શિક્ષક તરીકેનો તમારો ઓરા (તેજ વર્તુળ) કેવું  છે એના ઉપર આધારિત છે. (ક્રમશઃ)

બે ધ્રુવો વચ્ચે જીવવું કેવી રીતે ??

 જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે.

ભદ્રાયુ  વછરાજાની                                                      bhadrayu2@gmail.com 

લોકભારતીના પરિસરમાં સાવ જ સહજ ગોષ્ઠી દરમ્યાન મુંબઈ થી અહીં આવીને BVoc માં ભણતી હેતે મને  પોતાની મૂંઝવણ જણાવી અને પૂછી નાખ્યું કે,  ‘બોલો, વેકેશનમાંથી હમણાં આવ્યા ત્યારે મુંબઈમાં જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવા  ડ્યુઅલ એનવાઈયરમેન્ટમાં  અહીં સેટ થવું મુશ્કેલ બને છે. બોલો, અમારું ભવિષ્યમાં શું થશે ?’ 

મને જે સુઝ્યો તે જવાબ આવો હતો. મેં કહ્યું  કે,  ‘હેત,  તું બહુ નસીબદાર છો કે તને હજી આ ઉંમરમાં આ પ્રકારના બે વાતાવરણને અનુભવવાનો સરસ મજાનો લ્હાવો મળ્યો છે.  ઈશ્વરે નક્કી કર્યું કે તું પરણીને સાસરે જાય એ પહેલા તને બંને વાતાવરણનો અનુભવ આપવો કે  જેથી આગળ તારે જ્યાં જવાનું થાય તેનાથી તું પરિચિત હો. કોણ સાચું કે કોણ ખોટું, એની ઝંઝટમાં નહીં પડે તો ચાલશે. જ્યાં જયારે હો ત્યાં ત્યારે ભરચક્ક  જીવો એ સારામાં સારો રસ્તો છે. બંને પ્રયોગો કરી જુઓ.  અહીંયા અહીંની રીતિથી જીવો છો અને ત્યાં પણ જેમ જીવવું જોઈએ એમ જ જીવો. અહીંનો આગ્રહ ત્યાં ન રાખશો કે ત્યાંનો આગ્રહ અહીં ન રાખશો તો તમને બે અનુભવો પ્રાપ્ત થશે. પરિણામે જીવનની બે જુદા જુદા છેડાની પરિસ્થિતિઓનો તમે બરાબર અનુભવ કરશો. ઈશ્વરની ઈચ્છા હશે અને તમે ભવિષ્યમાં કોઈ મેટ્રોમાં જવાના હશો તો તમને મેટ્રોનો અનુભવ છે અને કદાચ પરમપિતા કોઈ ગામડાં ગામમાં લઇ જવાનો હોય તો તમને ગામડાં ગામનો પણ અનુભવ છે. શહેરમાં કે મેટ્રોમાં વસતા બધા બાળકોને આવા બે અનુભવો મળતા જ નથી, અને તેમના નશીબમાં જો ભૂલે ચુકે ગામડામાં કે નાનકડા નગરમાં જઈને વસવાનું આવે છે તો તેઓ ત્યાં બરાબર ગોઠવાઈ શકતા નથી,  કારણ કે એમને એક જ અનુભવ પ્રાપ્ત થયો છે,  બીજો અનુભવ એમણે લીધો નથી.  તમે નસીબદાર છો કે તમને તમારા પિતાશ્રીએ મુંબઈથી છેક અહીંયા ભણવા મોકલ્યા. અમદાવાદથી અહીંયા મોકલ્યા. પાલીતાણા નજીક છે છતાં પણ પાલીતાણા લોકભારતી, સણોસરા જેટલું નાનું નથી. એટલે તમને ચારેયને થતા અનુભવો એ જીવનનો એક વિશિષ્ટ લ્હાવો છે એમ માનીને જો તમે લેશો તો તમને આનંદ થશે. અને છેલ્લી વાત તમને કહું…  જીવન એ જ છે કે જે તમને પળ પળ બદલાવ આપ્યા કરે છે અને જીવવું એ છે કે તમે એ બદલાવની સાથે સાયુજ્ય  સાધીને આનંદપૂર્વક જીવતા રહો. 

માણસ જે આનંદની શોધમાં છે એ બહારના વાતાવરણમાં નથી, ઘોંઘાટમાં કે શાંતિમાં નથી. મીલના ભૂંગળાઓની વચ્ચે કે ખેતર લચકતા હોય એની વચ્ચે નથી,  પણ આપણી અંદર છે. અને અંદરનો આનંદ કેવી રીતે બહાર આવે અને આપણે એને કેમ માણી શકીએ એ જીવવા માટે તમારે અનેક અનુભવો લેવા જોઈએ. અનુભવ એને જ કહેવાય કે જે અનેક વખત થાય,  જુદી જુદી પરિસ્થિતિમાં થાય, જુદા જુદા માણસો સાથે થાય.  ક્યારેક સાનુકૂળ તો ક્યારેક એકદમ પ્રતિકૂળ હોય  એને અનુભવ કહેવાય છે. ગામડાંમાં થતું શિક્ષણ એ તમને માણસની વચ્ચે જીવાડે છે,  જયારે શહેરનું  શિક્ષણ બંધ દીવાલની વચ્ચે જીવાડે છે. અહીં ચોતરફ વૃક્ષો છે, પક્ષીઓ છે, પોપટ અને મોર રોજ તમારા ભેગા ચાલે છે, તમે અનુભવો છો કે અહીંયા જે રસ્તે પગ મુકો ત્યાં લીંબોળી પડી છે, જે માર્ગ ઉપર ચાલો ત્યાં નાના નાના ફૂલ ખરેલા છે. જ્યાંથી નીકળો ત્યાંથી કુદરતનું સંગીત સંભળાઈ રહ્યું છે. આ વાતાવરણ અતિ આહલાદક છે. અત્યારે અહીંયા છો તો અત્યારે અહીંયા જીવો,  કે જેથી આ કશું ચુકી ન જવાય.. જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે. 

એ ચાર વિદ્યાર્થિનીઓએ  દર્શકદાદાએ પેલાં  પુસ્તકમાં લખેલી વાતને સાંજ સુધીમાં મારા અનુભવમાં મૂકી આપી એનો મને ખુબ આનંદ હતો. સવારથી મારા ચિત્તમાં વિહાર કરતા એ શબ્દો ફરીને ઘુમવા લાગ્યા કે, ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઉભા થતા કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’  ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’

ગ્રામસ્વરાજના સમર્પિત યાત્રીના આંખ ઉઘાડનાર બે પત્રો

ગાંધી સમર્પિત શ્રી મણિલાલ સંઘવી કોંગ્રેસ અંગે જે કહી ગયા તે આજે પણ ગાંધી સંસ્થાઓના મુખિઓ વાંચે  તો ??

ભદ્રાયુ વછરાજાની                                                          bhadrayu2@gmail.com 

લેખના આરંભમાં શ્રી મણિલાલ સંઘવીનો પરિચય આપવાની ઈચ્છા નથી, કારણ કે એમના જ બે પત્રો એમની ઓળખ સ્પષ્ટ કરે છે. હા, એટલું નક્કી કે આ પત્રો આપણને તેઓના શતાબ્દી ગ્રંથમાંથી મળ્યા છે કે જયારે ભારત સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષ ઉજવી રહ્યું છે. એ સમયના કાર્યકરો કેટલા સુસ્પષ્ટ હતા તેનો ચિતાર મેળવવા આવો, આજના લેખનો આરંભ તેઓશ્રીની એક કેફીયતથી કરીએ :: 

“માણસને પોતાને પોતાનો જ ભય લાગતો હોય છે. મારું પણ એવું જ લાગે , જેટલી ભક્તિ અને શક્તિથી ગ્રામસ્વરાજ સંઘની જવાબદારી સંભાળી એટલી જ ભક્તિ અને શક્તિથી સાઠ વરસમાં ફતેગઢ – ખાદી કેન્દ્રની, ગઢસીસા-ખાદી કેન્દ્ર અને કચ્છ – ખાદીગ્રામોદ્યોગ સંઘની જવાબદારી સંભાળી. ભૂદાન – ગ્રામદાન પ્રવૃત્તિની અને બીજી કેટલીયે સંસ્થાઓની જવાબદારી સંભાળી. ક્યાંય પણ આસક્તિ ચીટકી ન શકી પણ ગ્રામસ્વરાજ સંઘ અંગે એવું કહેવાની સ્થિતિમાં હું આજે પણ નથી. એની આસક્તિ એટલે એનાં શુભકાર્યોની આસક્તિ મને હજુ પણ ચીટકી રહી છે. બીજા અનેક સ્વજનોની જેમ મને પણ લાગે છે કે છેલ્લાં વરસોમાં સંઘે ઉત્તમ રીતે પોતાની ફરજો બજાવી છે એ ફરજો બજાવવામાં ભૂલો પણ થઈ છે. પણ એ ભૂલો સહિત પણ સંઘે સરસ કામ કર્યું છે. પણ તોય મારા મનમાં કેટલીય બાબતો વિશે અસંતોષ કેમ રહે છે ? અનેક કાર્યોમાં, કાર્યોની શુદ્ધતા માટેની જાગૃતિનો અભાવ મને ઘણે ઠેકાણે દેખાય છે. એ પીડે છે. એમાં તટસ્થતા જળવાવી જોઈએ તે મન જાળવી શકતું નથી. આ વાત હવે સમજાય છે. એટલે એમાંથી નીકળી શકાશે એમ લાગે છે.”

                                                 (01)

ગામસ્વરાજ સંઘ  … નીલપર

બાપુ શ્રાદ્ધ દિનઃ તા. 12-02-2003

પ્રિય ગોવિંદભાઈ તથા જેસંગભાઈ,

નઈ તાલીમ સંઘ  – અમદાવાદ,

તા 24-2ના પરમ આદરણીય શ્રી ઝીણાભાઈની ઉપસ્થિતિમાં નઈ તાલીમમાં રસ લેતા મિત્રોનું મિલન કરી રહ્યા છો, તે જાણીને આનંદ થયો.

ઉંમરને કારણે પ્રવાસો ઉપર સહેજે મોટો કાપ મૂક્યો  છે. એટલે આવી ન શકવા બદલ ક્ષમા કરશો.

પણ તમારી માંગણીથી આ સાથે મારા વિચારો ટૂંકમાં મૂકું છું .

(1) જે જમાનામાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય – રાષ્ટ્રીય સંસ્થા હતી. તે જમાનામાં ગાંધીજી  કોંગ્રેસના સામાન્ય સભ્યપદેથી સન 1934માં મુક્ત થયા હતા.

(2) આઝાદી આવતાં કોમી – કટ્ટરતાએ બાપુનો ભોગ લીધો.

(3) વિનોબાએ બાપુનાં કામો સંભાળ્યાં, “બાપથી બેટા સવાયા” ની લોક-કહેવત વિનોબાની બાબતમાં સો ટકા ચરિતાર્થ થઈ. પણ આપણે ગાંધીવાળાઓ – ખાદી, નઈ તાલીમ વગેરે રચનાત્મક સંસ્થાઓ અને તેના કાર્યકર્તાઓ પૂરી શક્તિથી અને ભક્તિથી તેમાં લાગી શક્યા નહીં. તેનો મર્મ પકડી શક્યા નહીં. દિવસો–દિવસ સરકાર આધારિત મોહક રચનાત્મક કામોમાં ફસાતા ગયા, અને તેની ઝાક ઝમાળમાં અંજાતા ગયા. પરિણામે આપણું દૈવત્વ – સ્વત્વ ગુમાવતા ગયા. આજે આપણી જમાત, બિચારી બાપડી જેવી સ્થિતિમાં છે.

(4) જાગ્યા ત્યારથી સવાર ગણીએ. બધાના સહયોગને પ્રેમભાવે આવકારીએ. પણ રાજકીય પક્ષોનો કે રાજકીય સત્તાધારીઓનો આધાર સમજપૂર્વક છોડીએ. પાર્ટી પોલિટિક્સ કે પાવર પોલિટિક્સના આધારથી અને પ્રભાવથી સર્વથા મુક્ત રહીને આપણા નઈ તાલીમનાં અને બીજા બધાં રચનાત્મક કામો નવેસરથી ગોઠવીએ. નમ્રતાપૂર્વક બધાનાં સહયોગને આવકારીએ.

(5) એટલે મૂળ બાબત મોઢું બદલવાની – દિશા બદલવાની છે. એમાં આપણે સાફ થવું જોઈએ. મોઢું ફેરવવાનો નિર્ણય આપણે સમજપૂર્વક અને નિશ્ચયાત્મક રીતે લઈ શકીએ તો આપણું કરવું અને હળવું મન સહજ રીતે આગળનું સુઝાડશે.

(6) પરમ આદરણીય ઝીણાભાઈને તથા મિલનમાં આવેલ સર્વે ભાઈ-બહેનોને સ્નેહભાવે પ્રણામ.

 

સસ્નેહ ભાઈ

મણિલાલ સંઘવીનાં પ્રણામ.

(ગુજરાત નઈ તાલીમના સંવાહકો ગોવિંદભાઈ રાવલ તેમજ જેસંગભાઈ ડાભીને પત્ર)

                                                                      (02)

ઉરુલી કાંચન (પુના, મહારાષ્ટ્ર)

તા. 10-12-1956

પ્રિય ભાઈશ્રી દયારામ તથા છગનભાઈ,

ભાઈ દયારામનો તા.05-12 નો લખેલો પત્ર મળ્યો. તેમાં આદિપરને અંબર-સેટ આપવાનું ત્યાં જ નક્કી કરી આવ્યા તે અંગેની વિગતો તથા ભાઈ મટાણી અને દસ્તુર આવનાર છે વ. હકીકતો વાંચી. તે બાબતમાં મારાં નમ્ર સૂચનો હું અહીં મૂકું છું

(1) તમે બંને મિત્રોએ એક ગાંઠ બાંધવી કે નિર્ણયો બંને સાથે વિચાર્યા એ નક્કી કર્યા પછી જ લેવાશે.

 (2) જે બાબત બંનેનો મત ભિન્ન રહેતો હોય તે બાબત વધારે બાબત વધારે વિચારણા માટે મોકૂફ રાખવી. અને એ બાબતમાં બંનેનો એક વિચાર થાય ત્યારે જ તે અમલમાં લાવવી.

(3) વહીવટી કામની સરળતા માટે આપણે એટલે કે ટ્રસ્ટે ચાર ભાઈઓની એક સમિતિ બનાવી છે તેનો ઉપયોગ કરવો. દર માસે કે બે માસે કે તમને મિત્રોને જેટલું અંતર અનુકૂળ લાગે તેટલે અંતરે, પણ નિયમિત, તેની બેઠક મળે અને તેમાં તે સમય દરમિયાનના બધા પ્રશ્નો ચર્ચાય તેવું ખુલ્લું વાતાવરણ રાખવું. મને તો પૂરો ભરોસો છે કે એમ કરવાથી આપણા વહીવટીપ્રશ્નો ઘણા સરળ થઈ જશે.

(4) વહીવટી પ્રશ્નોને લાગેવળગે છે ત્યાં સુધી આપણે ટ્રસ્ટને વચ્ચે લાવવું જ ન જોઈએ. તેમાં આપણી ખામી જ દેખાય છે. પણ કોઈ વખતે આપણે ટ્રસ્ટને વચ્ચે લાવીએ તો તેને આપણી લાચારી અને આપણા પરસ્પરના સદ્ભાવની ખામી ગણીને આપણે વધારે સજાગ બનવું જોઈએ.

(5) ખાદી – ગ્રામોદ્યોગ અંગેનો રોજિંદો વહેવાર – વહીવટ, છગનભાઈ એમની શક્તિ, સમજ, સૂઝ અને હથોટી પ્રમાણે ગોઠવે તેમાં કેટલીક વસ્તુ દયારામભાઈને ન ગમે તેવી થતી હોય તોપણ તેની ટીકા ન કરે. તે તરફ અણગમો કે નફરત તો વ્યક્ત ન જ કરાય. સહ કે સમૂહજીવનમાં આ પાયાની વસ્તુનો આપણે જયાં સુધી પૂરો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી આપણાં બધાં કામો કાચાં અને પરિણામે નિર્વીર્ય પુરવાર થવાનાં જ છે.

મને તો હવે એ સ્પષ્ટ અનુભવ થતો જાય છે કે જ્યાં સુધી, સામી વ્યક્તિને આપણા તરફ સદ્ભાવ તથા આદરભાવ પેદા થયો નથી હોતો ત્યાં સુધી આપણે તેને પ્રેમપૂર્વક અને પૂરી સદૂભાવનાથી કરેલી વાતો પણ અસરકારક નીવડતી નથી. એટલું જ નહિ પણ વિપરીત પ્રત્યાઘાતો જન્માવે છે. ત્યાં મૌન જ એકમાત્ર સાચું સાધન છે. પણ તે મૌનમાં આંતરિક કચવાટ, બબડાટ કે ધિક્કારની લાગણી હોય તો તે પણ નકામું પુરવાર થશે. તે મૌનમાં પણ સામી વ્યક્તિ તરફ પ્રેમ અને સહાનુભૂતિ જ નીતરતી હોવી જોઈએ. તો તે મૌન યોગ્ય કાળે સામી વ્યક્તિ ઉપર અસર કરશે એમ મને ચોક્કસ લાગે છે. પણ યોગ્ય કાળનું કોઈ માપ આપણી પાસે નથી. માનસિક ભૂમિકામાં આંદોલનો ઊઠે છે અને આપણને ઘણી વખત ખબર ન પડે તે રીતે સામેની વ્યક્તિમાં જ નહીં પણ અરસપરસના મનમાં પણ અનુકૂળ ભાવનાઓ પેદા કરે છે.

લિ. તમારા ભાઈ

મણિલાલના પ્રણામ

(શ્રી દયારામભાઈ કેવરિયા અને છગનભાઈ ભીમની ખાદીગ્રામોદ્યોગ સંઘ, લીલપુરને સંયુક્ત પત્ર, સંસ્થાના વહીવટ સંદર્ભે)

****************************************************************

નઈ  તાલીમની સંસ્થાઓની આજે જે હાલત છે તેને આ બંને પત્રો સીધા જ સ્પર્શે છે. વ્યક્તિગત અહમ અને મમત્વ સંસ્થાઓને કોરી રહ્યું છે તે સ્વીકાર્યા  વગર ચાલે તેમ નથી. ગાંધીજીનો પાયાનો વિચાર આજે પક્ષાપક્ષીમાં એટલો  ગરકાવ થયો છે કે દેશનું રાજકારણ તેની પાસે સારું લાગે !! શ્રી મણીલાલ  ગાંધી જેવા પાયાના સમર્પિત કાર્યકરની ખોટ આજે એટલે વર્તાય છે કે આટલું સ્પષ્ટ કહેનાર અને તે પણ  લખીને કહેનાર આજે  છે જ ક્યાં  ??  પંચોતેર વર્ષે ગાંધી-સંસ્થાઓએ આ મંથન પણ કરવા જેવું છે, તેમ નથી લાગતું ??   

 

‘તમે જવાબ આપો કે …..પછી હું સેટલ થઈ શકીશ કે નહીં ??’

“મુશ્કેલી એ પડે છે કે, ત્યાં અશિસ્ત અને અંધાધૂંધી છે અને અહીંયા સ્વયંશિસ્ત છે. કોઈ કહેતું નથી,  પણ બધા કરે  છે એટલે શિસ્તમાં રહેવાનું થાય છે.”

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

સવારે ટાઢા પહોરે લોકભારતી, સણોસરાના પ્રાકૃતિક પરિસરમાં મનુભાઈ પંચોલી ‘દર્શક’ના પુસ્તક ‘સર્વોદય અને શિક્ષણ’નો ભાગ પહેલો વાંચી રહ્યો હતો. તેમાં મનુભાઈએ કહ્યું છે કે,  ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઉભા થતા કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’ નાનાભાઈ કેળવણી વિશે કેન્દ્રવર્તી વિચારણા એવી આપે છે કે,  ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’

સવારમાં આ વાત વાંચીને દિવસ પસાર થયા પછી સાંધ્ય  પ્રાર્થના પહેલા પરિસરમાં સ્વૈરવિહાર પૂર્ણ કરી એક શાંત ઝાડની નીચે બેઠો. આંખ બંધ હતી. પાંચ સાત મિનિટ થઈ હશે ત્યાં નજીકમાં થોડો પગરવ સંભળાયો. મારા આશ્ચર્ય વચ્ચે આંખ ખુલી  ત્યારે ચાર વિદ્યાર્થિનીઓ મારી સામે ઉભી હતી. મારી અને એમની નજર મળી. એમની નજરમાંથી હું વાંચી શક્યો કે તેઓ મારી સાથે કંઈક  વાત કરવા માંગે છે. મેં કહ્યું, ‘આવોને.. કંઈ વાત કરવી છે ?’ તો જવાબ મળ્યો, ‘હા સર…બસ, તમે બેઠા હતા તો એમ થયું કે ચાલો થોડી વાતો કરીએ.’  મેં કીધું,  ‘welcome આનંદ થયો’. મેં બધાની ઓળખાણ પૂછી, બધાના નામ પૂછ્યા અને  ક્યાં ગામથી આવે છે, પિતાશ્રી શું કરે છે એવું પૂછીને થોડી આત્મીયતા બાંધવાનો પ્રયાસ કર્યો. ચારેય બહેનપણીઓ પોતપોતાની વાત જુદી જુદી રીતે કરવા લાગી. પણ એમાં એક બહેનપણી થોડી મૌન હતી.  મેં એમને પૂછ્યું કે,  ‘તમે કેમ ઓછું બોલો છો ?’ એમનું નામ હેત હતું. એમણે કહ્યું કે, ‘સર,  બહુ સ્ટ્રગલ છે.’ ‘શેની સ્ટ્રગલ છે ? ભણવાની કે જીવનની ?’ ‘ના, સ્ટ્રગલ એ વાતની છે કે બે જીવનમાંથી ક્યાં જીવનમાં આપણે જીવવાનું છે એ હું નક્કી નથી કરી શકતી.’  મેં જરા ફોડ પાડીને વાત કહે તેવો માહોલ સર્જ્યો. હેત મુંબઈથી અહીં ‘બેચલર ઈન વૉકેશન્સ’નું ભણવા આવી છે. અને એમના પિતા એગ્રો લાઈનમાં છે એટલે એ છેક  મુંબઈથી આ પરિસરમાં ફી ભરીને ભણવા આવી છે. એમનો મુદ્દો એવો હતો કે વેકેશનમાં મુંબઈમાં હતી ત્યારે જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવી ડ્યુઅલ પર્સનાલિટીમાં અહીં સેટ થવું મુશ્કેલ બને છે. એમણે પછી તો બોલવાનો પ્રવાહ ચાલુ રાખ્યો. હેતનું કહેવાનું એવું હતું કે મુંબઈમાં બધા બિંદાસ્ત, મસ્ત જીવે છે, ભૌતિક સગવડતાઓ વચ્ચે જીવે છે. અને જાણે જીવનનો આનંદ એમાં જ હોય એમ સૌને લાગે છે. હું પણ ત્યાં જાઉં ત્યારે થોડી વાર એમાં રંગાઈ જાઉં છું. પણ વેકેશન પૂરું થાય અને અહીંયા આવવાનું થાય ત્યારે અહીંયા પહેલા બે ચાર દિવસ બહુ મોટી સ્ટ્રગલ રહે છે. સાચું શું ? ત્યાં જીવાય છે તે કે અહીં જીવાય છે તે ? અહીં મુશ્કેલી એ પડે છે કે અહીં બધું શાંત શાંત છે, ત્યાં બધો ઘોંઘાટ ઘોંઘાટ છે. ત્યાં બધું બેફામ છે, અહીંયા બધું સીમિત છે. ત્યાં  અશિસ્ત અને અંધાધૂંધી છે અને અહીંયા સ્વયંશિસ્ત છે. કોઈ કહેતું નથી પણ બધા કરે  છે એટલે શિસ્તમાં રહેવાનું થાય છે. મને વિચાર એ આવે છે કે બે વર્ષ પછી અહીંનો કોર્સ પૂરો કરીને જઈશ પછી હું શેટલ થઈ શકીશ કે નહીં,  કારણ કે આ બે વાતાવરણમાં હું અથડાયા કરું છું.’ એનો કંઈ જવાબ આપું તે દરમિયાન બાકીની ત્રણ બહેનપણીઓએ પણ સુર પુરાવ્યો. એક અમદાવાદથી, એક પાલીતાણાથી અને એક જેતપુર આવતી એ ત્રણની સ્થિતિ થોડી જુદી હતી. કારણકે મુંબઈ જેવું વાતાવરણ અમદાવાદમાં નથી અને અમદાવાદ જેવું પાલીતાણા કે જેતપુરમાં નથી આ બધા  જુદા જુદા દરજ્જાના નગરો છે એટલે ત્યાંનો ઘોંઘાટ અને ત્યાંનો  જીવનવ્યવહાર અલગ અલગ છે. દસેક  મિનિટની આ ગોષ્ઠીમાં બરાબર આત્મીયતાનો નાતો બંધાયો અને એમણે આગ્રહ રાખ્યો કે,  તમે આનો જવાબ આપો, અમારે  શું કરવું ? 

સહજ વાતચીતમાંથી મારી સામે પ્રતીતિકારક જવાબ દેવાની જવાબદારી આવી પડી પણ હું સવારે વાંચેલ વિચારો અને પરિસરના જીવંત માહોલથી સભર હતો એટલે  મારે ઝાઝી ખાંખાંખોળ કરવી ન પડી  અને જવાબ સહજતાથી સ્ફૂરી આવ્યો. (ક્રમશઃ) 

ગુજરાતના લોકલાડીલા “લાલાકાકા”: શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલા

માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને “લાલાકાકા” ના બિરુદથી નવાજ્યા.

ભદ્રાયુ વછરાજાની                                                               bhadrayu2@gmail.com 

સ્વાતંત્ર્ય સમયના સંનિષ્ઠ લોકસેવક લાલાકાકા અંગે કંઈપણ લખું તે પહેલા લાલાકાકાની સ્મૃતિને તેની ચોથી પેઢીએ સમાજ સમક્ષ પ્રસ્તુત કરી છે તેનો રાજીપો વ્યક્ત કરું છું. આપણે દાદાના નામથી આગળ કાંઈ જાણતા ન હોઈએ એવા કાળમાં આજે જીવીએ છીએ ત્યારે લાલકાકાના દીકરા અર્જુનલાલના દીકરા ભુપેન્દ્રભાઈની દીકરી ધૃતિ દ્વારા એક સુંદર પુસ્તક લખાયું અને તે રાજકોટમાં સાક્ષરવર્ય શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના વરદ હસ્તે લોકાર્પિત થયું. ચોથી પેઢીએ કુટુંબના વડીલોનું આ રીતે ઋણ-તર્પણ કર્યું એમ કહી શકાય. 

૧૯૩૩ ના સત્યાગ્રહ વખતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ગાઢ પરિચયમાં આવતાં માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને “લાલાકાકા” ના બિરુદથી નવાજ્યા ત્યારથી શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલા ગુજરાતમાં “લાલાકાકા” તરીકે પ્રસિદ્ધ થયા.

શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાનો જન્મ તા. ૦૬/૧૨/૧૮૭૭ ના રોજ અમદાવાદમાં મેજીસ્ટ્રેટ પિતાને ત્યાં થયો. ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના પરંતુ કુશાગ્ર બુદ્ધિ, ખંતીલા તેમજ મહેનતુ હતા. ઉચ્ચ શિક્ષણ વડોદરામાં મેળવ્યા બાદ ઈ.સ. ૧૯૦૧ માં માત્ર ૨૪ વર્ષની વયે વકીલાત ચાલુ કરી. તેમની વકીલ તરીકેની દલીલ કરવાની શક્તિ તેમજ વકીલાતનું ઊંડું જ્ઞાન જોઈ ન્યાયાધીશ પણ આ ફોજદારી વકીલ પર આફરીન થતા હતા. ઈ. સ. ૧૯૨૦ માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશે અસહકાર અને સત્યાગ્રહનું આંદોલન ઉપાડ્યું ત્યારે ‘વકીલો વકીલાત છોડો! સરકારી કોરટો છોડો’ આ વાતને લઈને લાલાકાકા વકીલાતને તિલાંજલિ આપવાના વિચારોમાં મગ્ન હતા ત્યાં જ તેમનો ૧૮ વર્ષનો પુત્ર અર્જુન લાલ લાલા પિકેટીંગમાં (બહિષ્કાર) નેતૃત્વ લેવામાં નામ નોંધાવે છે. સાથોસાથ ૧૩ વર્ષની દીકરી શશીકળા લાલા ગાંધીજી સમક્ષ આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લે છે. દીકરા દીકરીના અદભુત કતૃત્વને જોઈને તેઓએ વકીલાતનો તિલાંજલિ આપી અને લડતના કામમાં પુરેપુરો સમય આપવા લાગ્યા. 

તા. 01-03-1906 માં ઈન્દુરાવ પ્રાણશંકર દેસાઈ તેમજ મથુરાદાસ નામનાબે વિદ્યાર્થીઓથી પ્રાણશંકરભાઈના ખાડિયાના નિવાસસ્થાને બહેરામુંગા શાળાની શરૂઆત થઈ. ઈ. સ. ૧૯૧૫ માં  ખાડિયાના નિવાસસ્થાનથી નવા દરવાજા પાસે મોટું મકાન રાખી શાળા ત્યાં તબદીલ કરાઈ. તા. ૦૭/૦૩/૧૯૧૬ માં ગાંધીજીએ  આ  શાળાની મુલાકાત લીધી. ઈ. સ. ૧૯૧૭ માં લાલાકાકા બહેરા-મુંગા શાળામાં મંત્રી પદે જોડાયા. મંગળ ગિરધર જેવા ખ્યાતનામ નગરશેઠ અને ખ્યાતનામ બાહોશ વકીલ લાલાકાકા જાહેરજીવનમાં અત્યંત સાદર સન્માન ધરાવતા હતા. ઈ. સ. ૧૯૨૫ માં લાલાકાકા, મંગળદાસ શેઠ અને પ્રાણશંકર દાદાની અથાગ મહેનતથી જ બહેરામૂંગા શાળાનું નવું મકાન બન્યું. અમદાવાદ શહેરની બહાર નવરંગપુરા ગામની સીમમાં સરકારશ્રી અને મ્યુનિસિપાલીટીની મદદથી જમીન મળી અને નવા મકાનનું ખાતમુહૂર્ત પૂ. મહાત્મા ગાંધીજીના શુભ હસ્તે તા. ૦૭/૦૯/૧૯૨૮ ના રોજ થયું. આ સમયે ભાષણમાં ગાંધીજીએ કહેલું કે:  ‘આ શાળાની ઉત્પત્તિ પાછળ સ્વાર્થ સાથે પરમાર્થ જોડાયો,  તેથી આ શાળા અસ્તિત્વમાં આવી. રાયબહાદુર પ્રાણશંકરભાઈએ આંકડા રજુ કર્યા કે ૭૦ હજાર બહેરા-મૂંગા માટે ઈલાકામાં ત્રણ શાળાઓ  છે. બે લાખ બહેરા-મૂંગાઓમાંથી માત્ર ૫૦૦ ની જ દરકાર લેવાય છે. એક આળસુ માણસ બે માણસના ખભા પર ચડી બેસે છે. એવી કહેવત છે. આપણે બહેરા-મૂંગાઓને આળસુ ન બનાવવા જોઇએ, પણ તેમને કમાતા શીખવવું જોઈએ. આ શાળા પ્રતિદિન વધારે ને વધારે આબાદ થાય તેમ ઈચ્છું છું,’ મહાત્માજીના આ વક્તવ્યને જાણે લાલાકાકાએ સંપૂર્ણપણે તેમના જીવનમાં વણી લીધું. અને જીવ્યા ત્યાં સુધી આ સંસ્થાને પોતાના જીવનનું એક અંગ સમજી બહેરા-મૂંગાઓ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

શાળાના નવા મકાનનું ઉદ્દઘાટન મહાત્મા ગાંધીજીના હસ્તે તા. ૧૬/૧૦/૧૯૨૯ ના રોજ થયું હતું. ત્યાં જ લાલાકાકાના જીવનમાં જબરજસ્ત ઘટના બની તા. ૧૬/૧૧/૧૯૩૦ ના રોજ ભોગીલાલ લાલાના પુત્ર શ્રી અર્જુનલાલ લાલાને ઘરે હેમેન્દ્ર નામનું મૂક બધિર સંતાન અવતર્યું. જાણે ઈશ્વરે લાલાકાકાને બહેરામૂંગા બાળકના દાદા બનાવી આ ક્ષેત્રમાં તલ્લીન બની જવાનો સંકેત કર્યો. બધિર બાળકના દાદા બનવાના આ બનાવથી તેઓ બધિરોની સેવામાં પૂર્ણતઃ જોતરાઈ ગયા. (વર્તમાનમાં આ સંસ્થા બહેરા-મૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કાર્યરત છે.)

બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮) પછી બારડોલીના ખેડૂતોના પ્રશ્ને (૧૯૩૩ – ૩૫) માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી નરહરિ પરીખ, શ્રી મોહનભાઈ વ્યાસ સાથે લવાદી સ્વીકાર્યા બાદ શ્રી ભોગીલાલ લાલાના સરદાર સાથે એકદમ નિકટતમ સબંધો સ્થપાઈ ચૂક્યા હતા. બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. સરદારના સાનિધ્યમાં સરદારના સાથીઓ વિશેના લેખમાં તેઓએ ટાંક્યું છે કે, બહારથી સિંહ જેવા લાગતા સરદારશ્રીએ એમની હૂંફ અને મમતાને પરિણામે ગુજરાતના ઉદ્યોગપતિઓ, મજૂર મહાજન, અમદાવાદ મ્યુનિસિપાલિટી આ તમામ ક્ષેત્રે ગુજરાતમાં આગેવાનોની એક એવી “ટીમ” ઊભી કરી હતી. જેના પરિણામે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા હતા. સરદારશ્રીના આ સાથી મંડળમાં માનનીય શ્રી મોરારજી દેસાઈ, સ્વ. માળવંકર દાદા,લાલાકાકા, શ્રી રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ દવે વગેરે મુખ્ય હતા.  

૭૫ વર્ષ પહેલાં ૧૫ મી ઓગસ્ટે ભારતના પહેલા સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદમાં આજે જ્યાં સરદારબાગ અને બસ ટર્મિનસ છે ત્યાં લાલ દરવાજા મેદાન ખાતે એક લાખ લોકો આઝાદીને વધાવવા તેમજ ત્રિરંગાને સલામી આપવા એકઠા થઈ ગયા હતા. સવારે ૮.૩૦ વાગ્યે લાલ દરવાજા મેદાનની મધ્યમાં બાંધવામાં આવેલો ત્રિરંગો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગુલામ રસૂલ કુરેશી દ્વારા લહેરાવવામાં આવેલો. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની એક મિનિટ પહેલાં હજારો લોકોએ દેશની સ્વતંત્રતાને બે હાથે વધાવી લીધી હતી. ત્રિરંગો લહેરાવ્યો એ ક્ષણે આઝાદ હિંદ ફોજની અદામાં તેને સલામી આપવામાં આવી હતી. એકત્રિત લોકોએ “વંદે માતરમ્” અને “ઝંડા ઊંચા રહે હમારા” તેમજ “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા. આ પ્રસંગે કલેક્ટર ડુમરી, શહેર નગરપાલિકાના પ્રમુખ મણિલાલ શાહ, ગુજરાત પ્રદેશ કમિટીના પ્રમુખ શ્રી ભોગીલાલ લાલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વકતવ્ય પૂર્ણ થયા બાદ રાઈફલ એસોસિએશન અને જ્યુપિટર મિલ્સ વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી. જેમાં રાઈફલ એસોસિએશનની જીત થઈ હતી.

ઈ. સ. ૧૯૫૭ માં લાલાકાકાની બૃહદ મુંબઈ રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સિલના અધ્યક્ષપદે નિયુક્તિ થતાં તેમજ લાલાકાકાની વધતી જતી રાજકીય પ્રવૃત્તિને કારણે બહેરા- મૂંગા શાળા સોસાયટીનો કાર્યભાર શ્રી પાંડુરાવને સોપવામાં આવેલો. તા. ૧૭/૦૬/૧૯૬૧, શનિવાર ના રોજ ગુજરાતના લોકોએ-પ્રેમના પ્રતીકરૂપે રૂપિયા બે લાખની થેલી તેમને અર્પણ કરી અને તે નાણાં તેઓએ ગ્રામોત્થાનનાં કાર્યમાં પરત કર્યા હતાં. આ સમારંભમાં પૂજ્ય રવિશંકર મહારાજ,પરીક્ષિત મજુમદાર હાજર હતા. શ્રી મજુમદારે કહ્યું હતું કે, “લાલાકાકા ગુજરાતનું ધન છે. પ્રાતઃ કાળે એમના દર્શન કરીએ એવો એ પવિત્ર પુરુષ છે.”

લાલાકાકા સંનિષ્ઠ સામાજિક કાર્યકર હતા. બહેનોના હક્કો માટે સદાય લડતા. ૧૯૪૫ ની સાલમાં  ધારાસભાની ચૂંટણી આવી. ચૂંટાવું મુશ્કેલ તો બનશે પણ માણસના કાર્યની નિષ્ઠાની લોકમત એ એક પારાશીશી છે,  એ ખરેખર પ્રજાએ એ સમયે સાબિત કરી આપ્યું. ઘણી બહુમતીથી પોતાના પ્રિય નેતાને ચૂંટી લોકોએ સત્યનો, ઉદ્યમનો ને સાચી કાર્યનિષ્ઠાનો વિજયધ્વજ ફરકાવ્યો. લાલાકાકા ત્યારપછી મુંબઈ લેજીસ્લેટીવ કાઉન્સિલમાં ૧૯૫૬ ના નવેમ્બરમાં ચેરમેન તરીકે ચૂંટાયા ને ૧૯૬૦ માં ગુજરાત રાજય જુદું થતાં નિવૃત્ત થયા. ૧૯૬ર માં ગુજરાતનાં ગામડે ગામડેથી પોતાના પ્રેમના પ્રતીક રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે ભેટ આપી તે રૂ. ૨,00,000/- ની થેલી શ્રી મોરારજીભાઈના  હસ્તે તેમને અર્પણ થઈ. તેનું તેમણે ટ્રસ્ટ બનાવ્યું. સૂચિત ફાળો અર્પણ કરવામાં આવે તે પહેલાં તેમની સૂચનાથી તા. ૨૫/0૫/૧૯૬૧ ના રોજ “શ્રી લાલાકાકા સન્માન ટ્રસ્ટ” એ નામનું ટ્રસ્ટ નોધાવવામાં આવ્યું હતું. 

અમદાવાદ તેમજ આસપાસના લોકોની ચાહનાએ શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાને  સૌના પ્રેમાળ ‘કાકા’ બનાવી સ્મૃતિમાં અંકિત કર્યા. સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષે આપણા કેટલાય લોકસેવકોનું સ્મરણ આપણે કરવું ઘટે અને રાષ્ટ્ર શતાયુ થાય ત્યાં સુધીમાં આવા વ્યક્તિત્વોનું દસ્તાવેજીકરણ થાય તો ઉત્તમ સ્મરણો આવતી પેઢી માટે છોડી જવાનું શ્રેય પ્રાપ્ત કરી શકાય. લાલકાકાને આપણી વચ્ચે જીવંત કરવા બાદલ લાલાકાકાના કુટુંબની દીકરી ધૃતિને અઢળક અભિવંદન ઘટે છે. 

ઈશ્વર જે કર્મ કરે તે ‘દિવ્ય કર્મ’ કેમ કહેવાય ?

ગોપીઓએ ઉદ્ધવને કહ્યું કે ‘શ્રીકૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ.’

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com

પરમાત્મા વિષે સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વૈત, અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે. ઈશ્વરના મામલામાં કેટલીક વાતો આપણને મુંઝવ્યા કરતી હોય છે એટલે એમાંથી પ્રશ્ન જન્મે.

પ્રતિ વર્ષ ઈશ્વર જન્મનો ઉત્સવ આપણે મનાવીએ એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનનો જન્મ હંમેશા દિવ્ય કેમ હોય ? ઈશ્વર જે કર્મ કરે તે પણ ‘દિવ્ય કર્મ’ કેમ કહેવાય ? ભગવાન ગીતામાં કહે છે કે,  ‘હું અજન્મા, અવિનાશી તમામ ભૂત માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાધીન રાખીને મારી શક્તિથી, સ્વૈચ્છાથી સગુણ સાકારસ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું.’

ગોસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે.

बिप्र धेनु सुर संत हित

लीन्ह मनुज अवतार।

निज इच्छा निर्मित तनु माया

गुन गो पार॥

માયા, માયાના ગુણો અને ગો એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ, પોતે જ, નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું, પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી.

ભગવત ગીતામાં કહેવાયું  છે : जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत: |

 (૧) હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઊંઘે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો. 

(૨) શુભ, અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક મારા આગળના જન્મોના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈ પણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવશાત ગમે તેવું શરીર પકડાવે. 

(૩) મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈપણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ – દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું, તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। 

કેટલાક લોકો વિચારે  છે કે ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી ? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે, ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણાને પ્રશ્નો છે કે પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું ? શ્રી રામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગૌલોકનો ચાર્જ કોને આપ્યો હશે ? જેને જેનું જ્ઞાન ન હોય તેના વિષે કંઈપણ તે બકે. દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્યરૂપ અને બીજું વિશેષરૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્યરૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષરૂપ. દા.ત. અગ્નિ, વીજળી વગેરે.. અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. જે અગ્નિ પ્રગટે નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ.

ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે પરમાત્મા તો સર્વવ્યાપક છે,  તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો, ‘શ્રીકૃષ્ણ જયારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા તેથી અમે રડીએ છીએ.’ શબરી માટે  શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. ઋષિઓ યોગીઓને તપશ્ચર્યા કે ઉપાસના વગેરે ક્રિયાસાધનો કરવા પડે ત્યારે ક્રિયાસાધ્ય બને છે. ભગવાન કહે છે,  હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કાંઈ રાવણ, કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે ‘કર્મનો સિદ્ધાંત’ આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

સરદાર પટેલના પડછાયા જેવા ઉત્તમચંદ શાહનું પુણ્ય સ્મરણ

ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ભદ્રાયુ વછરાજાની  bhadrayu2@gmail.com 

‘સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાંથી છૂટી ઘરે તો જશે નહીં, તો પછી એમના આરામ ને આશ્રયનું શું ?’ એવું વિચારીને સરદાર પટેલે બારડોલીમાં સ્વરાજ આશ્રમનું નિર્માણ કર્યું.   જાણીને આશ્ચર્ય થશે કે સરદાર પટેલે સ્વખર્ચે અને સ્વેચ્છાએ સ્વરાજ આશ્રમ બનાવવાનું  કાર્ય કર્યું હતું. 

બારડોલી સત્યાગ્રહ વખતે સ્વરાજ આશ્રમના મંત્રી તરીકે ખુશાલભાઈ કાર્ય કરતા. ઓફિસનું કાર્ય એકદમ વધી ગયું. ખુશાલભાઈને મદદની જરૂર ઊભી થઈ. કોણ મદદ કરે ? એવો પ્રશ્ન થયો કે તરત જવાબ મળ્યો.  મૌન-અવિરત-કાર્યકર ઉત્તમચંદ શાહનું નામ સૂચવાયું.   

ઉત્તમચંદભાઈ સરભોણ છોડી બારડોલી આશ્રમમાં આવ્યા. ખુશાલભાઈ કહે, “ઉત્તમચંદ, તું તો વિદ્યાપીઠનો સ્નાતક. તારી લાયકાત તો ભાઈ બહુ મોટી. તારો તો પગાર પણ બહુ  મોટો હોય. બોલ શું લઈશ ?” ઉત્તમચંદભાઈ કહે, “રોટલો અને ઓટલો મળશે તો બસ. આપણે તો આઝાદી મેળવવી છે એ જ પગાર. તમે રૂ. ૪૦ લો છો તો મારે રૂ. ૩૫ લેવા.”

ખુશાલભાઈ તો ઉત્તમભાઈની રાષ્ટ્રભક્તિ જોઈને ખુશ થયા. સરદાર અને ગાંધીજી પાસે કેવા યુવકો આવી શકે છે તેનો  ઉત્તમ નમૂનો ઉત્તમચંદ શાહે  પૂરો પાડયો. તેઓએ સરદાર પટેલને કહેલું કે હું પચાસ વર્ષ સ્વરાજ આશ્રમને સાચવીશ. ઉત્તમચંદ શાહની આ ત્યાગભાવના અને નિષ્ઠાની પ્રતીતિ રૂપે બરાબર પચાસ વર્ષ પછી પોતાની ૯૯ વર્ષની ઉંમરે પરલોક સિધાવ્યા. 

અહીં આપણે સ્વરાજ આશ્રમ, સરદાર પટેલ અને ઉત્તમચંદ શાહને સાંકળતી ઘટનાઓને જાણવી છે અને તેની પાછળ રહેલી દેશપ્રેમની ખેવનાને આત્મસાત કરવી છે. 

@ ડ્રાફ્ટિંગની બાબતમાં ગાંધીજીની માસ્ટરી કહેવાય. બારડોલી વર્કિંગ કમિટી મળે. ગાંધીજી અને સરદારશ્રી સ્વરાજ અંગે વિચારણા કરવા ઘણી વિચારક વ્યક્તિઓને બોલાવે. ઉત્તમભાઈ વર્કિંગ કમિટીનું ડ્રાફ્ટિંગ કરે અને બાપુને બતાવે. જવાહરલાલજી બાપુની પાસે બેસે અને લખે. જવાહરલાલજી બહુ લાબું લખીને આવે. ગાંધીજી એમાં ફેરફાર સૂચવે. જવાહરલાલજી લેખક એટલે એમનાથી લાંબું  જ લખાઈ જાય. બાપુ ટૂંકું લખાણ કરાવે એટલે બહુ ગુસ્સે થાય. ગાંધીજી ઉત્તમચંદભાઈ પાસે ટૂંકું લખાવે. અંગ્રેજ સરકાર પાસે આ લખાણ જાય. ટૂંકું અને ભાષાના પ્રભુત્વવાળું લખાણ જોઈ સરકાર દંગ થઈ જતી ! જવાહરલાલજીને ટૂંકું કરેલું લખાણ પ્રથમ તો નહીં ગમતું,  પરંતુ લખાણની સફળતા જોતા ત્યારે ગાંધીજીને લખતા, ‘યુ આર રાઈટ.’

ગાંધીજીનું ડ્રાફ્ટિંગ કરી કરીને ભાષાનું પ્રભુત્વ ઉત્તમચંદભાઈએ અનાયાસે જ શીખી લીધું.

@ ગુજરાતના માજી શિક્ષણપ્રધાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોરધનદાસ ચોખાવાળા ઉત્તમભાઈના મિત્ર. તેમના લગ્નનો પ્રસંગ. સૌને ઉત્તમચંદભાઈ આ અંગે કહેતા. ગોરધનદાસ ચોખાવાળાએ પોતાના સમાજમાં (ન્યાતમાં) લગ્ન ન કરવા એવો નિર્ણય કર્યો હતો.

ગાંધીજી સાથે ચીમનભાઈ શાહ નામના સેવાગ્રામના કાર્યકરની દીકરી શારદાબહેન બારડોલી આવેલાં. ગાંધીજીએ એક વાર સવારે ઉત્તમચંદભાઈની હાજરીમાં જ કહ્યું કે, “શારદા, તું હવે લગ્ન કરી લે, કારણ કે બ્રિટિશ સરકાર અમારી ધરપકડ ક્યારે કરે એનું નક્કી નહીં, તેથી તારું શું થશે તેની મને ચિંતા થાય છે.” શારદાબહેને થોડી દલીલો પછી લગ્ન કરવાની ‘હા’ પાડી, જો ગાંધીજી છોકરો શોધી આપે તો.

બાપુની આ વાત ચાલતી હતી ત્યારે ઉત્તમભાઈ હાજર હતા. બાપુની વાત પૂરી થઈ એટલે ઉત્તમભાઈએ ગાંધીજીએ કહ્યું : ‘અહીં એક ગોરધનભાઈ કરીને સરસ કાર્યકર્તા છે. સારો છોકરો છે. તેમણે પોતાના સમાજમાં લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું છે. જો આપની સંમતિ હોય તો સુરત જઈ વાત કરું અને આપને મળવા લઇ આવું.”

ગાંધીજીએ સંમતિ આપી. ઉત્તમભાઈએ સુરત જઈ ગોરધનદાસભાઈને વાત કરી. ગોરધનભાઈ તૈયાર થયા. તે જ સાંજે ગોરધનભાઈને લઈને ઉત્તમભાઈ બારડોલી આવી પહોંચ્યા.

ગાંધીજીએ શારદાબહેન તથા ગોરધનભાઈને બેસીને વાત કરવાનો સમય આપ્યો. બંને લગ્ન કરવા સંમત થયાં. બીજે જ દિવસે શારદાબહેન અને ચોખાવાળાના ચાંલ્લા નક્કી થયા. સરદારસાહેબ અને ગાંધીજીએ આ વાત જાહેર કરી. ઉત્તમચંદભાઈ ગોળધાણા લઈ આવ્યા. બા ચોખા ને કંકુ લાવ્યાં. કસ્તૂરબાએ ચાંલ્લા કર્યા. સૌએ આશીર્વાદ આપવાના શરૂ કર્યા. પ્રથમ બાપુએ આશીર્વાદ આપ્યા. પછી બાએ, પછી સરદારસાહેબે.

આ સમારંભમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મિત્ર કેલનબૅક પણ હાજર હતા. કેલનબૅક કુંવારા હતા. એમણે ગોરધનભાઈના હાથ મજબૂત પકડી ખૂબ હાથ હલાવીને ખુશીમાં અભિનંદન આપ્યાં. સરદારસાહેબે કેલનબૅકની મશ્કરી કરતાં કહ્યું : “મિ. કેલનબૅક, તમે ગોરધનભાઈના હાથ કેમ બહુ હલાવ્યા ? મને લાગે છે કે તમે કુંવારા રહી ગયા છો, તેનો તમને અફસોસ છે.” કેલનબેકે પણ હસતાં હસતાં જ જવાબ ગાંધીજી તરફ જોઈને ઉત્તર આપ્યો કે, “હું કુંવારો રહી ગયો છું તે આ ગાંધીને પાપે.” બધા ખૂબ હસ્યા. ત્યાં તો ગાંધીજી બોલ્યા, “મારી ભૂલને કારણે તમે કુંવારા રહ્યા છો તેથી હવે આ બેને પરણાવી એ ભૂલનું પ્રાયશ્ચિત કરી લઉં છું.”

ઉત્તમભાઈ ઉપરનો પ્રસંગ વર્ણવતાં કહે છે કે, “ગાંધીજી દેશની સ્વતંત્રતાના આંદોલનનની સાથે સામાન્ય કાર્યકર્તાની સામાજિક વાતો પર પણ કેટલું બધું ધ્યાન રાખતા તે આવા પ્રસંગ પરથી સમજાય છે.”

@ બાપુના બારડોલી આવવાના કારણે ઉત્તમચંદભાઈને મહાત્મા ગાંધીજીને નજીકથી જોવાનું, સેવા કરવાનું અહોભાગ્ય સાંપડયું હતું. બાપુની ચોવીસ કલાકની દિનચર્યામાં ઉત્તમચંદભાઈ હાજર જ હોય. સરદારસાહેબની પાછી સૂચના કે, “બાપુને કોઈ વાતનું કષ્ટ ન પડે તેનું ઉત્તમચંદ બરાબર ધ્યાન રાખજે.”

ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ઉત્તમભાઈ બાપુને પૂછતાં કે, “આ શું બાપુ ? ખોરાક વજન કરીને ? વળી, એમાં મરચું નહીં, હળદર નહીં, ખાંડ નહીં.” ગાંધીજી પાસે ઉત્તર તો તૈયાર જ હતો, “તમે આડુંઅવળું ખાઈને જીભને બગાડી મૂકો છો. મને તો આમાં જ સ્વાદ આવે છે.”

@ બારડોલી આશ્રમમાં મહાત્મા ગાંધીજીનો મુકામ હતો. બારડોલીથી રોજ સાંજના પાંચ વાગ્યે ટપાલ નીકળી જાય. અગત્યની ટપાલ હોય તો પાંચ વાગ્યા પછી લેટ ફી ભરીને પત્રો સ્ટેશને પહોંચાડવા પડે. એક વખત બાપુનો કોઈ અગત્યનો પત્ર ટપાલમાં આપવો રહી ગયો. ટપાલ નીકળી ગયેલી. બારડોલી સ્ટેશને લેટ ફીવાળી ટપાલ પણ લેવાની ના પાડી. મહાદેવભાઈએ ઉત્તમભાઈને સુરત જઈ ટપાલ પોસ્ટ કરવાનું કહ્યું.

ઉત્તમભાઈએ પેલો પત્ર સાંજે ૫-૧૦ વાગ્યે લીધો. ૫-૨૦ વાગ્યે ગાડી આવે. ઉત્તમભાઈએ મહાદેવભાઇને કહ્યું, “માણસ મોકલીને ટપાલ સુરત નંખાવું છું.” આ વાત ચાલતી હતી ત્યાં જુગતરામભાઈ આવ્યા. કહે, “હું સુરત જાઉં છું, હું ટપાલ પોસ્ટ કરી આવીશ.” મહાદેવભાઈ બોલ્યા, “ઉત્તમભાઈ, પેલો પત્ર જુગતરામભાઈને આપો. તે સુરત સ્ટેશનેથી રવાના કરશે.”

બાપુ બાજુમાં બેઠેલા હતા. આ વ્યવસ્થા થતી હતી તે વાતો પૂ. બાપુ સાંભળતા હતા. જુગતરામભાઈ ટપાલ લઈ સુરત ગયા. સવારે પાછા આવ્યા. બાપુ ત્યારે માલિશ કરી સ્નાન કરવા બેસતા જ હતા. બાપુએ જુગતરામભાઈને પૂછ્યું, “કેમ, પેલો પત્ર રવાના કર્યો કે ?”

જુગતરામભાઈ તો વિમાસણમાં પડયા. કારણ કે તેઓ પત્ર પોસ્ટ કરવાનું ભૂલી ગયા હતા. બાપુ આ જોઈને ખડખડાટ હસ્યા અને બોલ્યા, “ઉત્તમચંદ, આવાં કામો કવિને ન સોંપાય. એમને એવું યાદ જ ન રહે.” પછી તરત જ બોલ્યા, “હવે આ પત્ર આજની ટપાલમાં રવાના કરજો.”

ગુજરાતીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ કેમ ?

આપણા વિદ્યાર્થીઓ કે એના મા બાપ કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપણો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

ગુજરાતમાં ખુબ પ્રયાસો થતા હોવા છતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ રહેતા નથી. આ કોઈનું મ્હેણું નથી, પરંતુ હકીકત છે અને એ હકીકત ચિંતાજનક છે.

મેં અનુભવેલા ત્રણ મુખ્ય કારણો ગુજરાતીઓ માટે બહુ મોટા સ્પીડ બ્રેકર છે.
(૧) આપણા વિદ્યાર્થીઓ બારમું ધોરણ થાય અથવા તો ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી IAS IPS કે કોઈ પ્રકારની નેશનલ લેવલની જગ્યાઓ વિશે કશું જાણવાનો પ્રયત્ન કરતા નથી. એસ્પિરન્ટ હોય છે એ પણ આપણે ત્યાં ગ્રેજ્યુએશન પછી એની તૈયારી શરૂ કરે છે. જયારે બીજા રાજ્યોમાં અને ખાસ કરીને બિહાર બાજુ વિદ્યાર્થીઓ આઠમા, નવમામાં હોય ત્યારથી એ ક્લિયર વિઝન હોય છે કે મારે UPSC ક્રેક કરવાનું છે, મારે IAS, IPS થવું છે અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં ટોપ કરવું છે. પરિણામે આઠમા નવમા ધોરણથી જ એમની પાસે સદિશ વાંચન હોય છે. જેમાં જવું છે એના માટેના થોથાઓ એ લોકો ઉથલાવતા હોય છે.

2) ગુજરાતની પ્રજાના વિદ્યાર્થીઓને દોષ ન આપીએ પણ આપણા માતાપિતાઓ અને આપણા શાળાના સંચાલકો પણ બારમા ધોરણ સુધી એક જ વાત કરે છે કે કાં તમે ડોક્ટર થાઓ અને કાં તમે ઈજનેર થાઓ. NEET આપો,અથવા JEE આપો.
અરે, ઘણી ખરી સ્કૂલોની અંદર B ગ્રુપ અને A ગ્રુપ એ બે જ ગ્રુપ રાખવાની છુટ હોય છે. AB ગ્રુપ રાખવાની છુટ નથી. ખરેખર A, B અને AB એવા ત્રણ ગ્રુપ તમે રાખી શકો છો. પણ AB ગ્રુપ રાખવા દેતા નથી. હવે ઘણા બધા નેશનલ કક્ષાના ઇન્સ્ટિટ્યૂટમાં ફિઝિક્સ
અને બાયોલોજી બંનેના પ્રશ્નો પૂછતાં હોય છે. આપણા વિદ્યાર્થીઓને આ ખબર જ નથી કે
બારમા પછી શું કરવું છે ? એટલે પહેલેથી જ આપણા વિદ્યાર્થીઓનું કે વિદ્યાર્થીઓના મા બાપનું કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપનો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

3) સરકાર તરફથી જે પ્રયાસો થવા જોઈએ એવા કોઈ પ્રયાસો થતા નથી. હા, જુદી જુદી
જ્ઞાતિ તરફથી એના વર્ગો ચાલે છે, ઘણા સારા વર્ગો ચાલે છે. અને એ લોકોના ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ ક્રેક કરી શકે છે. પણ સરકાર તરફથી એક માહોલ ઉભો કરવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ એ કોઈ થતી નથી. દા.ત સ્પીપા છે, તે સારું
કામ કરે છે. પણ ખાલી અમદાવાદમાં… રાજકોટ, સુરત, વડોદરામા નહીં, આ મોટામાં મોટી મુશ્કેલીઓ મને લાગે છે.

એક રસપ્રદ અનુભવ કહું તો વધુ ખ્યાલ આવશે. લગભગ આઠેક વર્ષ પહેલાની વાત છે. હું NCTE ની એક મિટિંગ માટે ભોપાલ જતો હતો અને એ વખતે જબલપુર ટ્રેનમાં હું બેઠો હતો અને રાત્રે મેં જોયું કે ઉપરની બર્થ ઉપર લાઈટ ચાલે છે. હું નેચરલી બાયો બ્રેક માટે ઉઠયો તો મેં જોયું કે ઉપર એક નાનો છોકરો વાંચે છે. મોટી બધી જાડી ચોપડી લઈને વાંચે છે. એટલે મેં બાયોબ્રેકમાંથી પાછા આવીને પૂછ્યું કે, ‘આપ સો જાના નહીં ચાહતે ? ઇતની દેર ક્યોં પઢ રહે હૈ ?’ એટલે એ બેઠો થઇ ગયો અને બહુ શાંતિથી જવાબ આપ્યો. “નહીં નહીં.. મેં દેર રાત તક પઢતા હું…ક્યોંકિ મૈં વો UPSC કી તૈયારી કરતા હું…” મેં પૂછ્યું: ‘વેરી ગુડ… કૌનસી કક્ષામેં હો ?’ “મૈં ને 9th પુરા કર લિયા હૈ ઓર અભી મૈં હમારે ગાંવ વાપિસ જા રહા હું, વેકેશન કરને…” ‘અભી સે UPSC કે લિયે પ્રયાસ કરતે હો ?’ “હા, અબ સે કરના હી પડતા હૈ. વરના કૈસે હોતા હૈ ?” એવો જવાબ મને એક આઠમા નવમા ધોરણના છોકરાએ આપ્યો. આ પ્રકારની ધગશ તમે ક્યારેય કોઈ ગુજરાતીમાં ભાળી શકો ખરા ? .

આપણું શિક્ષણનું આખું તંત્ર એટલું બધું અવ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ચાલે છે કે તમે કોઈપણને પૂછો ‘તમારે BBA કેમ કરવું છે ?’ તો કહે, ‘પછી MBA થાય ને એટલે .’ ‘MBA તો કોઈપણ ગ્રેજ્યુએશન પછી થાય.’ તો કહે, ‘ના, BBA છે ને પહેલા બધું શીખવી દે .. એટલે MBA સહેલું પડે.’ ‘એવું તને કોણે કીધું ?’ તો કહે, ‘મારા બધા
મિત્રો કરે છેને એણે મને કહ્યું’. હવે જુઓ જેણે બારમું ધોરણ પૂરું કર્યું હોય એને આટલી જ સામાન્ય સમજ હોય તો એના માટે આપણે સૌ જવાબદાર ખરા કે નહીં ??

‘કેમ એના જેવું થવું?’

ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા, તેનો મને ખ્યાલ જ નથી !!’

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણે એ જાણ્યું કે જે ઈનપુટ સગર્ભાવસ્થા દરમ્યાન અપાશે તે જ ઈનપુટ જન્મ લેનાર બાળક માટે પ્રિ ડેટા બની રહેશે. અવતરનારું બાળક આપણે મોકલેલા ઈનપુટ અને નવ માસના ગર્ભકાળ દરમ્યાનના ભાવાવરણનો પાસ્ટ ડેટા લઈને જ આવશે. આપણે એ સમયને જ પૂર્વજન્મ ગણીએ તો ય ચાલે. એ સમયગાળામાં Maximum positive inputs to yourself will go to the child and will develop the mind accordingly. આથી એક ફાયદો થશે કે તમે આ નવ મહિના જે પોઝિટિવિટી તમારામાં ઉમેરતા રહ્યા તેનો અને બાળક જન્મ્યું ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, કે જે બાળકના ઉછેરમાં તમને બહુ આનંદથી જોડશે.
વિચારોની કેળવણી માટે બહુ જ મહત્વનો મુદ્દો તે તમે કેટલા વિસ્તારો છો !..તમે કેટલા ખુલો છો ? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે કોઈને મળવાનો, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ વિસ્મયથી સાંભળવાનો અને વિચારવાનો કે ‘કોણ છે આ બધું કરનાર?’ ગઈકાલે જ મને કોઈએ કહ્યું કે ‘આ લીલી પાંખવાળું કબૂતર છે’, તો મારા માટે એ વિસ્મયનો વિષય બને છે, કારણ મેં કોઈ દિવસ નથી જોયું!! વિસ્મય છે, એ મારા માટે. એવે ટાણે મને થાય કે હવે આ શું પક્ષીની વાત કરે છે, હવે મૂકને પક્ષી, ભાઈ ? than i will not gain … I will not gain that it will not go inside. આપણા ઘરમાં બહારથી કોઈને કોઈ આવતું રહે છે. વિક્રમ સારાભાઈએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલા બધા સ્ટાલવર્ટ લોકો આવ્યા કરતા હતા પિતાશ્રીની પાસે કે હું તો એની સામું ફરી ફરીને જોયા જ કરતો. અને મારી મા મને પરિચય કરાવતી કે આ સાયન્ટિસ્ટ છે, આ લીડર છે.’ વિક્રમ સારાભાઈને ઘરે જ બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એના લીધે એક બાળક તરીકે એમ તો થાય જ કે હું આના જેવો થાઉં. હવે ‘એના જેવો થઉં’ એવો વિચાર આવે કે તરત જ તમે એના લક્ષણ સામે જોશો. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય એટલે આપણે આપણા માથાની સ્ટાઇલ એમના જેવી કરી નાખીએ કે માથામાં વેણી એમની જેમ લગાવીએ છીએ..‘કેમ એના જેવું થવું?’ આ ‘એના જેવું થવું’ એ સંકલ્પના અંદર ગઈ કે તરત જ It will add value to yourself.
કુલચંદ્ર યાજ્ઞિકસાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પહેલા કુલપતિ હતા. વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ યાજ્ઞિકસાહેબ નડિયાદમાં છે. તમે જે ગુજરાતી સામાયિક ખોલો એમાં પહેલા કુલીનચંદ્ર યાજ્ઞિક સુભાષિતો સમજાવતા હાજર હશે. મેં એને પૂછ્યું કે, સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે ? તમને કોણે શીખવ્યા ? તો સરસ જવાબ આપ્યો કે, ‘અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું, મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશુંક ગણગણ્યા કરતા.’ હવે જુઓ, કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઇ કુલીનચંદ્ર યાજ્ઞિકની. ‘પછી મારા માતા અને પિતા પણ એકદમ ધાર્મિક હતા, બીજું કઈ નહીં પણ દીવો કરે, અગરબત્તી કરે એટલે અમે સુતા હોઈએ અને અમને ઉઠાડે ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદક હોય. કોઈ જાતની ચિંતા ન હોય. આપણને એમ થાય કે, વાહ સરસ સુગંધ આવી.. પછી બીજું કઈ ન કરે પણ એ પૂજાપાઠ કરતા હોય અને અમે તૈયાર થતા હોઈએ. એ દરમિયાન એ મૉટે થી શ્લોક બોલતા હોય. રાત્રે અમે જમી લઈએ પછી અમે ભાઈ અને બહેન હીંચકા ઉપર બેઠા હોઈએ. મારા પિતાશ્રી ઘરમાં જમ્યા પછીનું ચાલતા હોય અને મા રસોડામાં બધું સમેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે. અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી અને પિતાશ્રી બંને બાજુમાં આવી જાય અને બોલાવડાવે અને કહે હવે બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, અને પાછા જતા રહે. પછી બીજો શ્લોક બોલે. ખરું કહું, નાનપણમાં મને ખબર નથી કે આ ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે ?’

હા, ભારત રાષ્ટ્રની બંને સુવર્ણ ઘટનાઓ ઘટી પંદરમી ઓગસ્ટે !!

ભારતના સ્વાતંત્ર્યના પંચોતેર અને મહર્ષિ ઓરોબિંદોના દોઢસો વર્ષ !! ..પણ શ્રી અરવિંદ પર મુકાયેલો રાજદ્રોહનો આરોપ !!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

“સામાન્ય લોકો સ્વદેશને એક જડ વસ્તુ, અમુક મેદાનો, ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ ગણે છે. હું સ્વદેશને મા તરીકે જોઉ છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું, માની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ એનું લોહી પીવા તૈયાર થયો હોય ત્યારે તેનું સંતાન શું કરે ? શું એ નિશ્ચિન્ત બની ભોજન કરવા બેસશે કે પત્ની અને બાળકો સાથે આનંદ પ્રમોદ કરશે કે પછી માતાનું રક્ષણ કરવા દોડી જશે ? હું જાણી ગયો છું કે મારી પાસે આ દેશના પતિત લોકોનો ઉદ્ધાર કરવાનું બળ છે, સામર્થ્ય છે. એ કાંઈ શારીરિક બળ નથી. હું કંઈ તલવાર કે બંદૂક લઈ લડવા જવાની તૈયારી કરતો નથી, પણ જ્ઞાનનું બળ છે. ક્ષાત્રતેજ એજ કંઈ એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે અને એ તેજ જ્ઞાનની ઉપર પ્રતિષ્ઠિત છે આ ભાવના, જે મારામાં નવી નથી. હું તો આ ભાવનાને લઈને જ જન્મ્યો છું. એ મારી નસેનસમાં છે. અણુએ અણુમાં છે. સર્વત્ર ઓતપ્રોત છે. આ ભાવનાને, જીવન-કર્તવ્યને, મહાધ્યેયને સાધવા અને પરિપૂર્ણ કરવા માટે ભગવાને મને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે.”
શ્રી અરવિંદ
(મૃણાલિનીને લખેલા પત્રમાંથી ૩૦ ઓગસ્ટ, ૧૯૦૫)

આપણું લોહી ઉકળી જાય તેવા આ શબ્દો શ્રી અરવિંદના છે.
આપણે મહર્ષિ ઓરોબિંદો, શ્રી માતાજી કે ધ મધર, પોન્ડિચેરી કે ઓરોવીલેથી કેટલેક અંશે જ્ઞાત છીએ પણ આપણને ખબર છે કે ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું તે દિવસે શ્રી અરવિંદનો પંચોતેરમૉ જન્મદિન હતો ?? એ કહાની જાણવા જેવી છે. (અહીં ટૂંકમાં પેશ કરું છું,,આથી વિશેષ જાણવું હોય તો હમણાં જ માર્ચમાં પ્રકાશિત થયેલ શ્રી જ્યોતિ થાનકી લિખિત “સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક શ્રી અરવિંદ” પુસ્તક વાંચવું રહ્યું.)

‘વંદે માતરમ્’ ના ધારદાર લેખોથી બ્રિટિશ સરકાર ચોકી ઉઠી હતી, કેમ કે તેમાં સરકારની કૂટનીતિને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવામાં આવતી હતી, પણ તે બધું એવી કુશળતાથી લખવામાં આવતું હતું કે આ લેખો પર રાજદ્રોહનો આરોપ મૂકી શકાય તેમ ન હતો, પરંતુ આવાં લખાણો સતત ચાલુ રહે તો બ્રિટિશ સરકારને હિંદમાં રાજ કરવું ભારે થઈ પડે. એટલે સર્વપ્રથમ તો સરકારનું પગલું એ હતું કે ‘વંદે માતરમ્’ દૈનિકને જ બંધ કરાવી દેવું, આથી સરકારે એક લેખમાં રાજદ્રોહનો આરોપ મૂકીને બિપિનચંદ્ર પાલ અને શ્રી અરવિંદની ધરપકડ કરી, આ ધરપકડથી ફક્ત બંગાળમાં જ નહીં, પરંતુ સમગ્ર હિંદભરમાં ખળભળાટ મચી ગયો. બ્રિટિશ સરકાર શ્રી અરવિંદને પ્રજાથી વિમુખ કરવા ઇચ્છતી હતી, પણ થયું એથી ઊલટું જ. એથી તો શ્રી અરવિંદની લોકચાહના ખૂબ જ વધી ગઈ, આ ધરપકડ થતાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શ્રી અરવિંદને પ્રણામ કરતું એક કાવ્ય લખ્યું. આ કાવ્ય સમગ્ર દેશમાં પ્રસરી ગયું. તેમાં લખ્યું હતું ; “હે અરવિંદ, રવીન્દ્રર લહો નમસ્કાર’ – તેમાં તેમણે શ્રી અરવિંદને ભારતમાતાના આત્માના ઉદગાર તરીકે સંબોધન કર્યું હતું અને અંતે જણાવ્યું હતું, “આવ્યો છે, જે રુદ્ર – દૂત તેને કયા બલે કયો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ છે?”

ભારતના આત્માના ઉદગાર
હે અરવિંદ, રવિન્દ્રના લિયો નમસ્કાર,
હે બંધુ , હે દેશબંધુ, તમે છો ઉદગાર
ભારતના આત્માકેરા, તમારે ના માન,
ધન, સુખ તણી ભૂખ, કોઈ શુદ્ર દાન.
કોઈ શુદ્ર કૃપા નહીં પાંચો, ભિક્ષાકાજ
પસારો ના દીન હસ્ત, જાગોછો સદાય
પરિપૂર્ણતાની સાધનામાં મગ્ન,
સર્વ આધિ ઉપાધિ ને વિઘ્ન કરી ભગ્ન.
પૂર્ણતાએ ઝંખી રહ્યા નિત્યરાત્રિ દિન,
દેવો અને માનવો સૌ તપે થઈ લીન.
દેવો તણો અહીં દીપ લઈ ધરાતલે
આવ્યો છે જે રૂદ્ર-દૂત, તેને ક્યા બલે
ક્યો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ.
… શ્રી રવિન્દ્રનાથ ટાગોર

આ કાવ્યમાં ટાગોરે શ્રી અરવિંદના મહાન કાર્યને અંજલિ આપી હતી. એ સમયે આ કાવ્ય બંગાળના એકએક શિક્ષિત જનના મુખે ગવાતું હતું. શ્રી અરવિંદની આવી લોકચાહના જોઈને બ્રિટિશ સરકાર હવે કોઈપણ રીતે શ્રી અરવિંદને જેલમાં પૂરી દેવા તત્પર બની ગઈ. ‘વંદે માતરમ્’ ની ઓફિસની જડતી લેવામાં આવી. પણ કંઈ વાંધાજનક મળ્યું નહીં. એકાદ બે પુરાવાઓ એવા હતા કે જેના આધારે શ્રી અરવિંદ તંત્રી તરીકે સાબિત થઈ જાય તેમ હતું, પરંતુ જડતી પહેલાં જ એનો નિકાલ કરી દેવામાં આવ્યો. આથી સરકારે એક એક કાગળિયું ફેંદયું પણ ક્યાંયથી એક પણ લીટી એવી લખાયેલી ન મળી કે જેને આધારે એમ કહી શકાય કે શ્રી અરવિંદ ‘વંદેમાતરમ્’ ના તંત્રી છે. આથી સરકારને અનિચ્છાએ શ્રી અરવિંદને નિર્દોષ જાહેર કરી છોડી દેવા પડ્યા.

શ્રી અરવિંદ નિર્દોષ છૂટી ગયા તેથી બધા આનંદોત્સવ મનાવી રહ્યા હતા. ત્યારે રવીન્દ્રનાથ શ્રી અરવિંદને અભિનંદન આપવા માટે ત્યાં આવ્યા અને શ્રી અરવિંદને ભેટીને સ્નેહપૂર્વક બોલી ઊઠયા; “કિં મોશાય , આમાકે ઠોકાલેન ! – ભાઈ આપે મને છેતર્યો હો!” એટલે કે તમે છૂટી ગયા, ત્યારે શ્રી અરવિંદે હસતાં હસતાં કહ્યું, ‘બહુ લાંબા સમય માટે નહીં”, ત્યારે શ્રી અરવિંદના મિત્ર ચારૂબાબુએ કહ્યું, “આ તો હજી શરૂઆત છે, આપની કવિતા આખરે સાચી પડવાની જ છે. “

શ્રી અરવિંદ નિર્દોષ છુટી ગયા તેમનું અભિવાદન કરવા કલકત્તા કૉલેજ સ્કવેરમાં એક જાહેર સભા યોજવામાં આવી. તે દિવસ રક્ષાબંધનનો હતો. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં રક્ષાબંધનનો નવો જ અર્થ સમજાવતાં તેમણે બંગાળી ભાષામાં પ્રવચન આપ્યું. તેમાં તેમણે કહ્યું; “પરદેશી ભાષામાં બોલવું મને પસંદ નથી, પણ માતૃભાષામાં બોલવા માટે હું કદી ટેવાયેલો નથી. પરંતુ આજે હું તમને માતૃભાષામાં એક વાત કહીશ. રક્ષાબંધન વખતે ફક્ત સૂતરના તાંતણા જ બાંધવામાં આવતા નથી, પણ સાથે બીજું ઘણું બધું બાંધવામાં આવે છે. અવિભક્ત બંગાળના લાખો બંગાળીઓનાં હૃદયોને બાંધવાનું પવિત્ર આયોજન આ રક્ષાબંધનના દિવસે હોય છે. રાખડી તો એક દિવસ પછી હાથ પરથી દૂર થઈ જશે, પરંતુ આપણાં હૃદયોનું પવિત્ર જોડાણ યુગો સુધી કાયમ રહેશે. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે આપણી આ પવિત્ર ગ્રંથિને તોડી શકે. એ તો રાષ્ટ્રીય બંધન છે. તેના માટે આપણે પ્રતિજ્ઞા લીધી છે, તેને દઢતાપૂર્વક નિભાવવી રહી.”

શબ્દેશબ્દે રાષ્ટ્રભક્તિને પ્રગટ કરતી, રાષ્ટ્રીય એકતાને દઢ કરતી શ્રી અરવિંદની આવી વાણીએ હિંદની પ્રજામાં વિદ્યુત શક્તિનો સંચાર કર્યો. પ્રજાની અંદર રહેલી સુષુપ્ત ચેતના જાગી ઊઠી અને ઈંગ્લેન્ડમાંની હિંદી કચેરી ફફડી ઊઠી અને તેમણે નિર્ણય કર્યો કોઈપણ ભોગે અરવિંદ ઘોષને પ્રજાની નજરમાંથી દૂર કરવા. એ માટેની તક બ્રિટિશ સરકાર ફરીથી શોધવા લાગી.

બ્રિટિશ સરકારે કોઈપણ જાતના ગુના વગર, ખોટો આરોપ મૂકીને શ્રી અરવિંદને કેદીના રૂપમાં અલીપુરની જેલની બંધ કોટડીમાં પૂરી દીધા. આ જૂઠો આરોપ સાચો ઠરાવીને સરકાર તેમને ફાંસી કે આજીવન કારાવાસ આપીને પ્રજાથી હંમેશાં દૂર કરવા ઇચ્છતી હતી. કેસ ચાલે તે દરમિયાનમાં સંપૂર્ણ એકાંત કેદમાં રાખીને તેમની આંતરિક તાકાતને ખતમ કરી દેવા ઇચ્છતી હતી. આ માટે સરકારે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા. પણ થયું તેનાથી ઊલટું જ. જેલમાં તો શ્રી અરવિંદની આંતરિક શક્તિઓ વધુ પ્રબળ બની. એક વર્ષ સુધી, એમનો કેસ ચાલ્યો ત્યાં સુધી એમને જેલમાં રહેવું પડ્યું. પરંતુ જેલના એકાંતવાસમાં તેમણે ઉત્કટપણે યોગસાધના કરી. પરિણામે તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત થઈ. ભગવાન વાસુદેવનો સાક્ષાત્કાર થયો. વાસુદેવમ્ સર્વમિતિ, આ અનુભૂતિ થતાં સમગ્ર વિશ્વ વાસુદવમય બની ગયું. ભગવાન વાસુદેવે તેમને કહ્યું; “હું સર્વ મનુષ્યોમાં છું અને તેમનાં વચન અને કર્મની ગતિ ઉપર મારી આણ પ્રવર્તે છે. તારે ભયનું લેશમાત્ર કારણ નથી. તારા ઉપરના આ કેસની ચિંતા તું મને સોંપી દે. આ કેસ તારે ખાતર ઊભો થયો નથી. હું તને અહીં તારા પર કેસ ચલાવવા માટે નથી લાવ્યો. તને અહીં લાવવાનો હેતુ એક બીજો જ છે. આ કેસ તો મારા કાર્યમાં એક સાધનરૂપ જ છે.” શ્રી અરવિંદની સમક્ષ તેમના જેલવાસનો હેતુ ભગવાને સ્પષ્ટ કરતાં તેમની બધી ચિંતા નિર્મૂળ થઈ ગઈ અને ભગવાન હવે પોતાના કાર્ય માટે શ્રી અરવિંદને તૈયાર કરવા લાગ્યા. એ જેલની એકાંત કોટડીમાં ભગવાન દિનપ્રતિદિન શ્રી અરવિંદ સમક્ષ હિંદુધર્મનાં ગહન રહસ્યો પ્રગટ કરવા લાગ્યા. એમના પાશ્ચાત્ય સંસ્કારવાળા અજ્ઞેયવાદી મનમાં હિંદુધર્મનાં સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો. શ્રી અરવિંદ માટે જેલની એ એકાંત કોટડી યોગાશ્રમ બની ગઈ. કોર્ટમાં ભારે કોલાહલની વચ્ચે પણ તેઓ સતત ધ્યાનાવસ્થામાં જ ડૂબેલા રહેતા.
આપણે જેમને ‘મહર્ષિ ઓરોબિંદો’ તરીકે ઓળખીએ છીએ તે શ્રી અરવિંદના જીવનનો આ ટ્રેનિંગ પોઈન્ટ હતો. કેવળ 79 પાનામાં શ્રી જ્યોતિબેન થાનકીએ શ્રી અરવિંદને અખંડ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક તરીકે આપણી સમક્ષ બહુ લાઘવથી પેશ કર્યા છે.

માત્ર ‘ભણેલો માણસ’ નહીં પણ ‘સાચો માણસ’

નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmai.com

જેમ જુલાઈ મહિનો ગુરુ મહિમાનો છે તેમ જ ઓગસ્ટ મહિનો રાષ્ટ-મહિમાનો છે. એક સમયે જેને ‘ઓગસ્ટ ક્રાંતિ’ કહેવામાં ગૌરવ થતો તે મહિનો, આવો, આપણે રાષ્ટ્રના સ્વતંત્રતાના પંચોતેર વર્ષો પરથી ધૂળ ખંખેરીને કેટલીક વાતો કરીએ.

આપણા દાદાસાહેબ માવળંકરના પુત્ર પુરુષોત્તમ માવળંકરે આજથી ચાલીસેક વર્ષ પહેલાં એક સરસ વાત કહેલી : ગાંધીજીએ સ્વરાજની વાત લઈને ભારતની સ્વતંત્રતા માટે અનોખી લડત ચલાવી તેની પાછળ બે મુખ્ય વાતો હતી :

૧) ભારતની આઝાદી વિશ્વશાંતિ માટે જરૂરી છે. ભારતની પરાધીન અવસ્થા વિશ્વના સ્વસ્થ વાતાવરણ માટે જોખમકારક છે.

૨) ભારત આઝાદ હોય તો દેશનો નાનામાં નાનો મનુષ્ય પણ સ્વમાનથી જીવી શકે. હું સ્વતંત્ર હોઉં તો જ મારું સ્વત્વ ખીલી શકે.

પ્રોફેસર હૅરલ્ડ લેસ્કીને કોઈકે પૂછ્યું કે બ્રિટનની લોકશાહી વિશે તમારું શું માનવું છે, તો તેના જવાબમાં લેસ્કીએ કહ્યું કે, “મને પૂછવાનો બહુ અર્થ નથી, બહાર નીકળીને પેલા શેરીના નાકે બેઠેલા મોચીને પૂછીને જુઓ, અને તમને દેશની લોકશાહીની પરિસ્થિતિનો સાચો ખ્યાલ એના જવાબ પરથી મળી જશે !” ગાંધીજીએ એક વાર “પ્રતિકારક ભાષા”માં સુંદર અને સ્પષ્ટ રીતે કહેલું કે : સાચી લોકશાહી અને સાચી સ્વતંત્રતા ત્યારે આવી ગણાય કે જયારે એક ભંગીબાળા દેશના રાષ્ટ્રપ્રમુખપદે આરૂઢ થઈ હોય !
આ ક્યારે શક્ય બને ?..એવો પ્રશ્નાર્થ ગાંધીજી મૂકી ન ગયા, તેનો માર્ગ પણ ચીંધતા ગયા. ગાંધીજી ‘શિક્ષણ’ શબ્દ લગભગ નથી ઉચ્ચારતા, તેઓ કેળવણીનું જ રટણ કરે છે. સાચી કેળવણી કેવી હોય ? ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.’ ગાંધીજી બહુ સ્પષ્ટ હતા. તેઓ માનતા કે ‘અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી.’ કેળવણી દ્વારા ગાંધી બાળકમાં પડેલા ઉત્તમ અંશોને બહાર આણવા માગતા હતા અને તેને માત્ર ‘ભણેલો માણસ’ નહીં પણ ‘સાચો માણસ’ બનાવવા ઈચ્છતા હતા. ત્રીસ વરસ સુધી વિચાર કરીને તેમણે ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિ દાખલ કરી. ત્રેસઠ વરસની ઉંમરે તેમણે જેલમાં રહીને પોતાની કેળવણી વિશેની યોજના ઘડી કાઢી. પાછળથી તેનો ‘પાયાની કેળવણી’ તરીકે વિકાસ થયો. તેનું ધ્યેય માત્ર ઈતિહાસ, વ્યાકરણ, ગણિત વગેરે શીખવવાનું નહીં, પણ જીવન જીવતાં શીખવવાનું છે. પ્રત્યક્ષ કાર્ય કરતાં કરતાં જે સવાલ ઊભા થાય, તેના જવાબ શોધતાં શોધતાં જે મળતું જાય, એ જ તો શિક્ષણ ! સ્વયં શીખવાનું છે. પોતે ઘડાવાનું છે…તો અને તો જ, કામકાજ અંગે કોઈ ઊંચા સ્થાન પર બેસવાનું થાય તો વિદ્યાર્થી ફુલાઈ ન જાય અને હાથમાં સાવરણી લઈ કચરો વાળવાનો પ્રસંગ આવે તો તે શરમાઈ ન જાય !

૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું લોકભારતી – સણોસરાનું, ગ્રામ દક્ષિણામૂર્તિ – આંબલાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું, લોકશાળા – ખડસલીનું…આ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !

દુઃખની વાત છે કે આજે ભારતમાં આથી વિપરિત થઈ રહ્યું છે શિક્ષણમાં અને તે પણ મોટા પ્રમાણમાં..!! તેનો વિચાર લોકભારતી + આંબલા + મણારની ગાંધી સંસ્થાઓના ઋષિતુલ્ય શિક્ષક મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના શબ્દોમાં : ‘આજની ભૂંડી કેળવણીથી હરામના હાડકાં કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ પોષાતી નથી. પહેલાં તો દસ – વીસ ટકા ભણતા, તેટલો બેઠાડુ વર્ગ કદાચ પરવડી શકે, કારણ કે બાકીનો એંશી ટકા વર્ગ કામ કરતો હોય; વીસ ટકા બેસી રહે તે પણ અન્યાય છે, છતાંય તેથી સમાજ સ્થગિત ન થાય. પરંતુ સો ટકા લોકો બેઠાડુ થાય તે સમાજનું તો સત્યાનાશ જ વળે ને ?..આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા, પણ શેના મળે ? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધે છે..એનું આ શિક્ષણ ચાલુ રહ્યું તો દસવીસ વરસે નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે અને ત્યારે પેલા ‘અરેબિયન નાઈટ્સ’ ના લોટમાંના રાક્ષસ જેવા ઘાટ થશે. તે હમણાં ભલે બંધ લોટે છે, પણ પછી બહાર નીકળશે…જરૂર.’

એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં :

1) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર

2) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ,

3) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા

4) સામાજિક(નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે..

5) કલાવિષયક (છંદસ ) : સંગીત, ચિત્રકલા વગેરે.

6) વ્યાવહારિક (જ્યોતિષ) : અંક-બીજ- રેખા ગણિત, જમાખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે.

શિક્ષણનાં આ છ મુખ્ય અંગો છે. આ બધી બાબતોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. પણ આજે આપણે તેના માળખાગત-ચોકઠાબદ્ધ-ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે “તે શા માટે ?” નું હાર્દ મરી જાય છે અને “તે આ જ રીતે..” ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે, તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું !!

શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું પણ એવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં માબાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ગાંધીજીનું એક જ વાક્ય આજના અને આવતીકાલના શિક્ષણની દીવાદાંડી બની રહે તેવું પ્રાર્થીએ : ‘જે કાંઈ થતું હોય, તે જીવનની ભીતરથી ઊગતું હોવું જોઈએ.’

ત્રણેક વર્ષના બાળકના મનમાં કેટલા પ્રશ્નો ઉઠતા હશે?

પ્રેગ્નન્ટ હોય ત્યારે મા એકલી નથી જીવતી, મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. 

      ભદ્રાયુ  વછરાજાની                                               bhadrayu2@gmail.com 

લગભગ નવ  મહિના સુધી ગર્ભાશયમાં  ઊંધે માથે લટક્યો હોય છે જીવ. એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ બધું આશ્ચર્ય છે.  પરિણામે હંમેશા ‘વિસ્મય’ શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલાં  ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી એવો ભાવ. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ છે એના વિશેનો ભાવ. જિજ્ઞાસા એટલે જેને કશાંક અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. પહેલીવાર  બહાર આવીને એણે બધું જોયું એટલે એને દરેક વિષે પ્રશ્ન છે. વળી સમજ  તો હજુ વિકસી નથી એટલે જુએ છે તે શું છે, શા માટે છે એવું તો એ  વિચારી શકતું નથી એટલે વિસ્મય છે. અત્યાર સુધી ન જોયેલું બધું તેને વિચિત્ર લાગે છે એટલે  સતત ઝીણી આંખે નજર માંડીને નિહાળ્યા કરે છે. તેથી બાળકને આજુબાજુના અને પોતાના શરીરના વિશેના પ્રશ્નો હોય છે. કારણકે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે. 

બાળક માટે તો સાંભળે કે જુએ કે ખાય છે એ પણ પ્રાપ્તિ છે. એટલે બાળક સરપ્રાઈઝડ છે !  જન્મ્યા ભેગા એને જે  વિચારો આવે છે,  એ બધા વિચારો એ વ્યવસ્થિત  સમજથી બોલતો થાય એ પહેલાં કાલીઘેલી બોલીમાં અભિવ્યક્ત કરે છે. તેથી આપણે  બાલ્યાવસ્થાનાં  પાંચ વર્ષ સુધીની ઉંમરમાં એના દ્વારા  જેટલા પુછાય એટલા પ્રશ્નોના જવાબ આપીશું  તો ભવિષ્યમાં એ ક્યારેય ઉપદ્રવી નહીં થાય. કારણ કે એના વિસ્મયને આપણે સંતોષશેલ  છે. પાંચ વર્ષ સુધીના બાળકના ઉછેર દરમ્યાન  માતાપિતા, દાદા દાદી, નાનાનાની, કુટુંબના લોકો, પડોશીઓ, શેરીના લોકો જે ઈનપુટ આપતા  હોય એ અંદર જાય  છે. પાંચ વર્ષ પછી આઠ વર્ષ સુધીનું બાળક તેની સમજ વિકાસવાને લઈને આ ઈનપુટનું એનાલિસીસ કરે છે. પાંચ વર્ષની ઉમર સુધી સંતાન વિચારશે કે  પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી. હવે એ જ સંતાન આઠ વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા તો એણે એવું કેમ કીધું હશે ? દસ વર્ષે એ વિચારે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય ? તરુણાવસ્થામાં તો  એ  જજમેન્ટ  લઈ લેશે કે આ સારું કહેવાય અને આ સારું ન કહેવાય. 

 ‘હવે આ સમજતો નથી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી,’ એવું કોઈ તરુણના મા-બાપ કહે તો એનો અર્થ એવો કે તેઓ  ટ્રેઈન ચુકી ગયા છે . કારણકે એના  વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. બલકે નાનપણમાં પ્રશ્ન પૂછેલો કે, ‘આ શું છે ?’ એટલે આપણે કીધું ઝાડ,,,  પછી છોડ બતાવીને પૂછે છે અને આપણે જવાબ આપી દઈએ છીએ કે  ‘હા એ પણ ઝાડ જ છે.’  તો ત્યારથી આપણે ઝાડ અને છોડ વચ્ચેનો  ભેદ ક્લિયર ન કર્યો કે, ‘બેટા એ છોડ છે એ મોટું થશે ને,  ત્યારે એ આવું થશે.’  આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં આવી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી જશે. 

               આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઈનપુટ લઈને આવીએ છીએ.  મા ના પેટની અંદર જયારે સંતાન નવ  મહિના રહ્યું એ દરમિયાન એનું listening, એનું feeling , એનું ઉત્સર્જન, એનું પાચન ચાલુ હતું. ધીમે ધીમે બધું થતું ગયું. એ દરમિયાનના ઈનપુટ ગયા છે એ એનો પૂર્વ જન્મ બની ગયો..કન્સીવ કર્યું ત્યાંથી ગણી લ્યો તો નવ સાડા નવ મહિના તો પૂર્વજન્મ થયો જ . અને એ પૂર્વજન્મમાં  જેટલા ઈનપુટ ગયા એ ઈનપુટ તો ચોક્કસ અંદર બેઠા છે. એમાંથી જ તો જન્મતું બાળક ધીમે ધીમે ઘડાયું. એ જયારે બહાર આવે  ત્યારે એ પાસ્ટ  ડેટા લઈને આવે છે. નવ સાડા નવ મહિના તો આપણી નજર સમક્ષ ઊછર્યું છે અને એટલા માટે તો આપણે ત્યાં કહ્યું છે  કે પ્રેગ્નેન્ટ હોય  ત્યારે વધુ  કાળજી રાખો.  કારણ કે મા એકલી  નથી જીવતી,  મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. અને તમે એ ચેતનાને ફીડબેક આપો છો.  તમે ખાઓ છે તે જ  એ ખાય છે.  એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે એ તમારા દ્વારા બહાર આવે છે. તમે જે વિચારો છો તે  એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો.  એ સમય દરમિયાન દુઃખી ન થાઓ, એવું બધું થાય  તો અંદર ઈનપુટ્સ  પોઝિટિવ જશે.

 

પત્રકારોમાં સજજનોત્તમ નગીનબાપા

::વિશેષ લેખ::

એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

ભદ્રાયુ વછરાજાની                                                      bhadrayu2@gmail.com

૧૦ માર્ચ, ૧૯૨૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૦. સો વર્ષ પૂર્ણ કરીને આપણી વચ્ચેથી બે વર્ષ પહેલા વિદાય લેનાર નગીનદાસ સંઘવી આપણને આજે પણ યાદ છે અને હજુ વર્ષો સુધી આપણી યાદદાસ્તમાંથી એ ખસી નહીં શકે. એમનું કારણ એમનું નોખું-અનોખું  વ્યક્તિત્વ છે. કોઈ રાજનેતા હોય, કોઈ મોટો યોદ્ધો હોય કે કોઈ બહુ મોટો આધ્યાત્મિક અગ્રણી હોય એમના જીવનની છાપ લોકો ઉપર પડે એ સમજી શકાય તેવી વાત છે. પણ એક સાદો સીધો પ્રાધ્યાપક, પ્રાચાર્ય, પત્રકાર એવી  વ્યક્તિ પોતાની અમીટ છાપ સમાજ ઉપર છોડી જાય એ એક ઐતિહાસિક ઘટના છે. નગીનદાસ સંઘવી જેનું નામ છે એને ચપટીક શબ્દોમાં સમાવવા બહુ મુશ્કેલ છે. તેઓની સ્ફટિક શુદ્ધ લેખિની આજે પણ હજુ વાંચીએ ત્ત્યારે સ્મરણપટનો કબ્જો જમાવી બેસે છે. એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

નગીનદાસ સંઘવી ભાવનગરમાં જન્મ્યા અને સુરતમાં જંપ્યા. આપણને સૌને આશ્ચર્ય થશે કે ૧૯૬૫ થી ૨૦૨૨ સુધી એટલે કે બરાબર ૫૫ વર્ષ સુધી જેણે પોતાની કલમ દ્વારા બે લાખથી વધુ પૃષ્ઠો લખ્યા છે એવા ધુરંધર પત્રકાર અને કટાર લેખક છતાં સદંતર નિસ્પૃહી એવા નગીનદાસ સંઘવી હકીકતમાં એક અચંબાનો વિષય છે. ભણવાનું પૂરું કરીને મહિનાના ૩૦ રૂપિયાના પગારથી એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે પહેલી નોકરી કરી, પછી નાની મોટો નોકરીઓ તરફ વળ્યા અને છેલ્લે તેઓ શિક્ષણમાં આવીને સ્થાયી થયા. એ પોલિટિકલ પ્રોફેસર હતા. ઇતિહાસના બહુ મોટા વાચક અને સાધક હતા. ૧૯૫૧ થી ૧૯૮૦ સુધી મુંબઈની ત્રણ માતબર કોલેજોમાં તેઓએ પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ ભણાવ્યું. ભવન્સ કોલેજ અંધેરી, રૂપારેલ કોલેજ માહિમ અને મીઠીબાઇ કોલેજ વિલેપાર્લેમાં તેઓએ સળંગ ત્રીસ વર્ષ સુધી એક અધ્યાપક તરીકે અને એ દરમિયાન ઊંડું વાંચન કરનારા એક સાધક તરીકે પોતાનું જીવન વિતાવ્યું. એમણે લખવાની શરૂઆત સૌ પહેલા તેઓ અધ્યાપક હતા ત્યારે  કરી. તેઓએ સૌથી પહેલી કોલમ એટલે કે કટાર સુરતના  ‘ગુજરાતમિત્ર’માં ૧૯૬૫ માં લખી. 

કાંદિવલી ની તે સમયની ત્રીસ થી ચાલીસ હજારની વસ્તીમાં કે જ્યાં આજે તો ચાર લાખ લોકો રહે છે તે કાંદિવલીના જીવા દેવશીની ચાલીમાં રહેનારા નગીનદાસ સંઘવી કાંદિવલીમાં કમલા રોડ પર આવેલા ભોંયતળિયે બેસીને રસોડાની સામે પલાંઠીવાળીને વાળુ કરતા હોય એવું આપણા બીજા સમર્થ લેખક દિનકર જોશીએ જાતે અનુભવ્યું છે. તેઓ યાદગાર અને સ્પર્શી જાય એવો પ્રસંગ વર્ણવતા કહે છે કે,  નગીનબાપા પોતાની વિદાય પહેલાના થોડા મહિનાઓ પહેલા મહાભારત વિષે એક લેખ લખવામાં વ્યસ્ત હતા. એક લેખ લખવામાં કોઈ સંદર્ભ ખૂટ્યો. બાપાએ દિનકર જોશીને મુંબઈ ફોન કરી અને પૂછ્યું.  એમણે કહ્યું કે, ‘ હા, એ પુસ્તક મારી પાસે છે’.  પુસ્તક મોકલી આપો એમ નહીં પણ સુરતથી બાપા કાંદિવલી ગયા. કાંદિવલીની દિનકરભાઇ જોશીની ઓફિસ ઉપર મળ્યા. કમનસીબે એ પુસ્તક એમની ઓફિસ પર ન હતું. પરંતુ દિનકરભાઇની સાથે બાપા મુંબઈના ટ્રાફિકમાં ઢળતી સાંજે ઘરે ગયા. પુસ્તક શોધ્યું.  બાપાએ વાંચન શરૂ કર્યું એમાંથી જરૂરી નોંધો લખતા ગયા અને નોંધ પુરી કરી પુસ્તક પરત આપી અને બાપા પાછા ફર્યા. આજે લેખિનીનો સોશિયલ મીડિયા ઉપર બેફામ ઉપયોગ કરનારા કોઈ લેખકો ક્યાંથી સમજી શકે કે એક લેખ લખવા માટે એક વાક્યનો સંદર્ભ શોધવા આટલી ચીવટ અને સતર્કતા રાખવી પડે. આજે આટલી સતર્કતાવાળો માણસ ક્યાં મળે ?

આપણને જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસ સંઘવી નામનું વ્યક્તિત્વ જેનો સાવ એકવડો  બાંધો,  પાતળો  દેહ.  પહેરવેશમાં  સાદો સફેદ લેંઘો અને પાતળો ઝભ્ભો, પગમાં સાદા ચપ્પલ, લેંઘો પણ ધરતીથી એક વેંત ઉંચો, જાડા ચશ્માની પાછળ તેજસ્વી આંખોમાંથી દરેક વ્યક્તિને ધારી ધારીને જોનારા પણ બાપા ! નગીનબાપા સત્તા માટે ભાવ રાખે, પોલિટિકલ સાયન્સના અધ્યાપક હતા ને ! પણ સત્તા માટે અહોભાવ બિલકુલ ન રાખે. અને સત્તાધીશને પછી તે ગાંધી, નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની વ્યક્તિને વિષે જે કઈ કહેવું હોય તે બેધડક તડ  ને ફડ  કરી શકે. સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના બધા જ વાળા પ્રધાન સાથે જીવી જનાર નગીનદાસ સંઘવી વિષે આપણા જાણીતા કવિ શ્રી અનિલ જોશી  કહે છે કે, ‘નગીનદાસ સંઘવી એ તો અમારી મીઠીબાઈ કોલેજનો કડવો લીમડો હતો. લીમડો ક્યારેય કોઈને આંબા આમલી બતાવીને ગેરરસ્તે દોરતો નથી.’ અખબારમાં વર્ષોથી ધારદાર કોલમો લખે પણ એમનો ‘હું’ ક્યાંય દેખાય નહીં. પોતે અતિ વિદ્વાન છે એ નક્કી. પણ એ વિધ્વતાનું પ્રદર્શન બાપા ન કરે. નગીનદાસ બાપા ઉત્તમ વક્તા ખરા,  પણ પ્રવચનોની ગ્લેમરથી એ સો ગાવ દૂર રહ્યા. નગીનબાપા ‘સમકાલીન’ અખબારમાં રામ અને રામાયણ વિષે એક લેખમાળા લખી રહ્યા હતા. એમના કોઈ તડ ફડને કારણે બહુ મોટો વિવાદ થયો. કેટલાય ભક્તો નગીનદાસ સંઘવી ઉપર તૂટી પડયા. પણ આ સમયે નગીનદાસ સંઘવી અસ્વસ્થ લેશમાત્ર ન થયા. પોતાના કુટુંબમાં પણ એવી વ્યથા આવી, એવી યાતના આવી કે વેદનામાંથી સાદો માણસ બહાર ન ઉઠી શકે. પણ પોતાના સાતમા દશકમાં પોતાની ઉપર વજ્રાઘાત થયો ત્યારે પણ બાપા તેમાંથી બહાર આવ્યા. 

કેવા કેવા લોકોને નગીનબાપા શબ્દ ઉપરાંત પણ મદદરૂપ થતા તેની વાત આપણા જાણીતા સેકયુલારિસ્ટ જે.એસ.બંદૂકવાળા કરે છે. ‘૧૯૮૯ માં મેં લોકસભા માટે વડોદરાથી મારા જીવનની પહેલી અને છેલ્લી ચૂંટણી લડી. મર્યાદિત બજેટ હતું અને ઘણી બધી આશાઓ અને વિચારો સાથે મેં ચૂંટણીમાં જંપલાવ્યું હતું. જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસભાઈ મારા આ ચૂંટણી અભિયાનના મહત્વપૂર્ણ સલાહકાર બન્યા હતા. પછી  અમારો નાતો વચ્ચે જરા પાતળો થયો હતો. પણ જયારે ૨૦૦૦ ની સાલમાં મારું  કૌટુંબિક જીવન પડી ભાંગ્યું ત્યારે નગીનદાસ સંઘવી મારી પડખે ઉભા રહ્યા. મારા પત્નીનું કેન્સરથી અવસાન થયું અને ગોધરા રમખાણો થયા, હું માંડ માંડ બચ્યો. મને લોકોએ શહેર છોડી જવા સલાહ આપી. હું મારી પુત્રી સાથે સ્થળાંતર કરીને મુંબઈ ગયો પણ આગળ શું કરવું તે જાણતો ન હતો. હા મારા માટે માર્ગ હતો અમેરિકા ચાલ્યા જવાનો. પણ અમેરિકાના વિઝાની તકલીફ હતી. ખાસ તો ૨૪ વર્ષની મારી દીકરી જે અપરણિત યુવતી હતી એને વિઝા મળે એમ ન હતા. મને યાદ આવ્યા નગીનદાસ સંઘવી.  મેં એમને  ફોન કર્યો અને તેઓ મારી વ્હારે આવ્યા. નગીનદાસભાઈએ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોન કર્યો. મારા સારા નસીબે તેઓએ મને બરખા દત દ્વારા લેવાયેલ ટીવી ઇન્ટરવ્યૂમાં જોયો હતો. અમને વિઝા મળી ગયા અને અમેરિકા અમે ચાલ્યા ગયા. નગીનદાસ સંઘવી મારા કરતા ૨૫ વર્ષ મોટા હતા પણ અમારી દોસ્તી સાવ સહજ હતી.”

જે ઊંડાણથી વાંચે છે તે જ વ્યાપક સંદર્ભે વિચારો વ્યક્ત કરી શકે છે. વાંચ્યું પચાવી જાણે અને તે પચાવેલું સમાજના દિલોદિમાગમાં સોંસરવું ઉતારી જાણે તેવા માનવો આજે આંગળીના વેઢે ગણાય તેટલા છે. તેમાં નગીનદાસ બાપા મોખરે હતા.

નગીનદાસ સંઘવી આજના યુવાનો માટે ત્રણ આયામો ખુલ્લા મૂકે છે. ૧) અસીમ વાંચો ૨) અપાર વિચારો અને ૩) અપૂર્વ જીવો. નગીનબાપા ગુજરાતના યુવાનો માટે જોશપૂર્વક ભરચક્ક જીવનનો આદર્શ છે. અને સિનિયર સિટીઝન્સ માટે ઢળતી સંધ્યાએ પણ એ જ ઉત્સાહથી જીવંત રહેવાનો માર્ગ છે. જીવનના વળાંકે સંતોષ ધનથી ધનપતિ બનેલા નગીનદાસ સંઘવી શ્રી મોરારિબાપુની સન્નિધીને લઈને દેશ વિદેશમાં અનેક જગ્યાએ રામકથાના વાહક  બન્યા. સાચું પૂછો તો,  શ્રી મોરારિબાપુ જે રામકથા કહે છે તે નગીનબાપા જીવીને ગયા છે. અને  ભગવદ  ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે તેને સિદ્ધ કરીને  નગીનબાપા ગયા છે.

‘મારો આ દેહ મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે.’

ગણિકા પિંગળા, કુંવારી કન્યા, કરોળિયો અને ભમરી પણ ગુરુઓ છે.

ભદ્રાયુ વછરાજાની                      bhadrayu2@gmail.com 

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

કુંવારી કન્યાનું ઉદાહરણ લઈને તેને ગુરુ ગણવા પાછળનું કારણ રાજન કહી રહ્યા છે. એક વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા,તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્યસત્કાર કર્યો. ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં  ડાંગર ખાંડવા લાગી.  તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખુબ અવાજ આવ્યા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે ઘર ગરીબ છે અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે છે ? અને તેણે માત્ર બે બે કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા. કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે બે કંકણ પણ ખખડવા લાગ્યા ત્યારે તેણે એક એક કંકણ કાઢી નાખ્યું.  જયારે બંને હાથમાં માત્ર એક જ કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં. એ કન્યા પાસેથી એવો બોધ મળ્યો કે જયારે ઘણા લોકો એકસાથે રહે છે ત્યારે કલહ થાય છે અને જયારે બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે. તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા વિચરવું જોઈએ.

કરોળિયો આપણને શીખવે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ અંતમાં પોતાની કાળશક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. કરોળિયો આપણને એવું શીખવે છે કે ગમે તેટલા પ્રલોભનો આપણે લઈને નિર્માણ કરીએ પણ અંતે તો પરમાત્મા એક માત્ર સર્જક છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે તેમાં જ વિહાર કરે છે અને છેવટે ગળી જાય છે તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્ત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. 

ભમરી પાસેથી બોધ ગ્રહણ કરવામાં આવ્યો કે ભમરી કોઈ કીડાને લઇ જઈને દીવાલ પર બંધ કરી દે છે. બહારથી વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ પોતાનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યાં વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.

અંતમાં ગુરુ શ્રી દત્તાત્રેયજી દ્વારા કહેવાયું કે આ પ્રમાણે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે.  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. (સમાપન) 

વિચારોને કેળવવાનું પહેલું પગથિયું કયું હોઈ શકે ?

જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. વિચારો આવે છે એ શાશ્વત છે.

ભદ્રાયુ વછરાજાની   bhadrayu2@gmail.com

વિચારોનું વિજ્ઞાન બહુ સ્પષ્ટ છે અને કેટલુંક તો બહુ સ્પષ્ટ છે. મને આઘાત લાગે એવી વાત કોઈ કરે તો એ ‘ઉદીપક’ તો બહારથી જ આવ્યું અથવા મને સારું લાગે એવું કોઈ કહે તો એ પણ બહારથી જ આવ્યું. એટલે Generator of the thought may be inside but instigation or inspiration is outside. ઉદીપક તો બહારથી આવતું હોય. એના આધારે અંદર બધા ફેરફારો થાય.
આપણે સામાન્ય વસ્તુ જાણીએ છીએ કે રોટલીનો ટુકડો તમે જેમ વધુ ચાવો એમ તમને મીઠો લાગે. કેમ મીઠો લાગે ? જેમ વધુ ચાવો એમ અંદર લાળગ્રંથિમાંથી રસ ઝરે, એ રસ રોટલી સાથે ભળે. રોટલી મીઠી નથી. વધુ ને વધુ ચાવવાની પ્રક્રિયાથી એ મીઠી બને છે. સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કામ અથવા તેનું શમન કરવાનું કામ કોઈ પણ એક પ્રક્રિયા કરે છે. પછી એ બહારની હોય કે અંદરની. મેં મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે, પછી થોડીવાર મને વિચાર આવ્યો કે ‘મેં સ્વીચ ઓફ કર્યો હશે કે નહીં કર્યો હોય ?’ આવો વિચાર આવ્યો તેનો અર્થ એ કે you were not conscious while doing that action. વિચારોની કેળવણીનું પહેલું પગથિયું છે કે વિચારોને કેળવવા હોય તો જે, જયારે, જેટલું કરો એ ત્યારે એટલું એકાગ્રતાથી કરો. એકાગ્રતા એટલે ? આ શબ્દ જ બહુ સ્પષ્ટ છે. એક અગ્ર ઉપર ધ્યાન રાખીને કરવું તો એ મનમાં બેસે કે કર્યું જ. હવે આપણે શું કરતા હોઈએ છીએ કે કોઈની સાથે વાત કરતા કરતા મોબાઈલ સ્વીચ ઓફ કરીએ છીએ એટલે હું મોબાઈલ સ્વીચ ઓફ કરતી વખતે એકાગ્ર નથી. એટલે પેલો ડાઉટ અંદર ગયો.
જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. આપણા શાસ્ત્રકારે કહ્યું કે live in the moment ક્ષણમાં જીવો. પોન્ડિચેરીનાં શ્રી માતાજીએ તો આનો બહુ મહિમા કહ્યો. ઓશો પણ વારંવાર બોલે. બધા જ લોકો એક જ વાત કરે કે live in the moment… Live in the moment શેના માટે કહે છે ખબર છે ? વિશ્લેષણ કરો તો ખ્યાલ આવે કે અત્યારની ક્ષણમાં જીવશો તો અત્યારનું પામશો. અત્યારની ક્ષણમાં ન જીવી ને જે મેળવશો એને પામશો નહીં. આપણને ખબર છે કે ઘણા લોકો જમવાનું અડધું પૂરું થાય પછી પૂછે આ શેનું શાક છે ? એટલે જવાબ મળે કે ‘ટિંડોરાંનું ..’ તો કહે, ‘અચ્છા ટિંડોરાં નું છે’,, એનો મતલબ કે અત્યાર સુધી એમણે ટિંડોરા નહોતા ખાધા. … ! માની લો કે હું અહીં સૌ સાથે બેઠો છું. મને કોઈ બીજો વિચાર આવશે તો હું ડિસ્ટર્બ થઈશ, હું ડિસ્ટર્બ થઈશ એટલે મારુંઅહીં હોવું ડિસ્ટર્બ થશે એનો અર્થ એવો કે અહીં જેટલા છે તે સૌ ડિસ્ટર્બ થશે.
આપણે જયારે બોલીએ ત્યારે પણ વચ્ચે વિચારો આવનજાવન કર્યા કરે છે. એટલે જ એમ કહેવાયું છે કે જયારે બોલો ત્યારે ધીમે બોલો, સ્પીડ ઓછી કરો અને ભાર દઈને બોલો. આમ કરવાથી એક તો ચોખ્ખું બોલાશે અને વચ્ચે વચ્ચે વિચારોને પ્રવેશવાની જગ્યા રહેશે. Flow of thoughts વિચારોનો પ્રવાહ નિર્મળ ચાલ્યો જશે. આપણા રાજકારણીઓ આજે સ્ટેટમેન્ટ આપે અને કાલે કહે કે ‘આવું મેં ક્યારેય કહ્યું નહોતું.’ શું કામ ? કારણ તેઓએ કહ્યું હોય ત્યારે એ ત્યાં હોય જ નહીં. એ બીજે જ લડતા હોય અને અહીં બોલતા હોય !! સજગતા અને એકાગ્રતા વગર શબ્દો વેરીએ તો આવું જ થાય. આપણા પૂર્વ પ્રધાન મંત્રી કવિહૃદય શ્રી અટલ વિહારી વાજપાયીજી બહુ ઠંડકથી બોલવા ટેવાયેલા હતા. એક એક શબ્દને જોખીને ધીમી ગતિએ તેઓ પ્રવચન કરતા હતા. તેઓને ક્યારેય પોતાનો બચાવ કરવાનો સમય ન આવ્યો, કારણ તેઓ એકાગ્રતથી પોતાની વાત પેશ કરતા હતા.
એકાગ્રતા માટે શું જોઈશે ? આપણે કેળવણીની વાત કરીએ છીએ, વિચારોને કેળવવા કેવી રીતે ? એક વસ્તુ યાદ રાખીએ કે વિચારો અંદરથી આવે કે બહારથી આવે એ ટેક્નિકાલિટી છોડી દઈએ પણ વિચારો આવે છે એ શાશ્વત છે. સાયકોલોજી એવું કહે કે બાળકના જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર દર ત્રણ સેકન્ડે દસ સવાલ બાળકના મનની અંદર આવે છે. કેવી રીતે આવે છે એ પણ સમજવું રસપ્રદ છે.