મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી જશે ??
ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : કર્મ, વિકર્મ, અકર્મ
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(08)
ગીતાજીના ત્રીજા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગનું વિશ્લેષણ થયું. કર્મફળની અપેક્ષા વગર થતું કર્મ એટલે નિષ્કામ કર્મ. ગાંધીજીની સરળ સમજ પણ આપણને ટેકો કરી ગઈ કે,
‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે પડે.”
હું ધંધો કરું છું તો મારે નજદીકમાં કે મારે ત્યાં જે મળી રહે છે તે માલ વેંચવાનો ધંધો કરવો જોઈએ. એટલે કે મારે સ્વદેશી માલનો વેપાર કરવો જોઈએ. હવે તેની સામે હું જો દૂર-સુદૂરથી માલ મંગાવું અને તેને મંગાવવામાં પુષ્કળ નાણું ખર્ચુ તો મને ઝાઝો નફો રળવાની લાલચ રહે જ. આ દ્રષ્ટાંતથી સ્વધર્મ અને પરધર્મનો પણ ખ્યાલ આવી જશે. જો કે, નિષ્કામ રહેવું એ મનનો ધર્મ છે. પણ તેને પ્રગટ કરવા માટે એકલું સ્વધર્મનું આચરણ પૂરતું નથી. મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી જશે ?? જ્યોત વગર અંધારું કેમ મીટશે ? પ્રશ્ન અહીં જ છે કે એ જ્યોત પ્રગટાવવી કેવી રીતે ?? એ માટે તો મનનું નિરીક્ષણ કરવું પડે. આત્મપરીક્ષણ વગર ચિત્ત પરનો જામી ગયેલો મેલ ધોવાતો નથી. આ સૂચના આપીને પછી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ચોથા અધ્યાય તરફ દોરી જાય છે. શ્રી ભગવાન ત્રીજા અધ્યાયના અંતમાં સુંદર વાત કરે છે, તે સમષ્લોકીમાં માણીએ :
“ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ ,
ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કર્મથી.”
ગીતામાં કર્મ શબ્દ આપણા સ્વધર્મ ના અર્થ તરીકે જ વપરાયો છે. સ્વધર્માચરણરૂપી કર્મ કરતા કરતા આપણે કામ અને ક્રોધને જીતવાના છે. ચિત્ત ગંગાજળ જેવું નિર્મલ થવું જોઈએ, પ્રશાંત થવું જોઈએ, તો અને તો જ નિષ્કામતા કેળવી શકાય. આપણા ચિત્તનું સંશોધન કરવા માટે જે કર્મો કરીએ તેને ગીતાજી ‘વિકર્મ’ કહે છે.
ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે :
કર્મ, વિકર્મ, અકર્મ
સાવ સહેલી રીતે સમજીએ તો…
બહારની સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા એટલે કર્મ.
આ બહારની ક્રિયાઓમાં ચિત્ત રેડવું તે વિકર્મ.
કર્મમાં વિકર્મ રેડવાથી તે અકર્મ બની જાય.
કર્મ વગર તો આપણને ચેન જ નહિ પડે. કશું જ ન કરવું તે પણ કશુંક કરવા બરાબર જ છે. સમર્થ ભાષ્યકાર શ્રી ગુણવંત શાહે પોતાના ગીતાભાષ્યમાં ચોથા અધ્યાયના આરંભે એક વાત ટાંકી છે :
એક માણસ મરી ગયો પછી સુન્દર જગ્યાએ પહોંચી ગયો. ત્યાં કોઈ સુખ-સગવડની કમી ન હતી. સફેદ પોશાકમાં સજ્જ એવા માણસે એની પાસે આવીને કહ્યું : ‘ તમે જે જોઈએ તે માણી શકો-ખોરાક,મનોરંજન, ગમે તે. માણસને તો મજા પડી ગઈ. થોડા દિવસ પછી નોકરને બોલાવીને એણે કહ્યું : ‘મને હવે આ બધી વાતોનો કંટાળો આવે છે. આખો દિવસ શું કરવું તે સમજાતું નથી. તું મને કંઈ કામ આપ જેથી કંટાળો દૂર થાય.’ માણસે ડોકું હલાવી કહ્યું : ‘માફ કરજો, એ એક એવી ચીજ છે જે હું ન આપી શકું.’ પેલા માણસે એને કહ્યું : ‘આના કરતાં તો નરકમાં રહેવું વધારે સારું.’
નોકરે કહ્યું: ‘તે સાહેબ ! તમે નરકમાં જ છો ને !’
કર્મ એટલે શિવજીના લિંગ પર યંત્રવત પાણી રેડી અભિષેક કરવો,,પણ પાણીની એ ધારની સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી ન હોય તો એ અભિષેકની કિંમત જ શી ?? પછી તો સામેનું લિંગ પણ પથ્થર અને અભિષેક કરનારો હું પણ પથ્થર. બહાર થઇ રહેલા કર્મની સાથે અંદરની ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ એ વિકર્મ બને અને તો જ નિષ્કામ ભક્તિયોગના દર્શન થાય. કર્મ અને કર્મની સાથે મનનો મેળ જયારે સધાય ત્યારે તેને ગીતાજી વિકર્મ કહે છે. બહાર થાય તે સાદું કર્મ. અંદર થાય તે વિશેષ કર્મ. આ ચોથા અધ્યાયમાં ભગવાને વિકર્મ ના અનેક ઉદાહરણો આપ્યા છે.
આ ચોથા અધ્યાયના સોળ-સત્તર-અઢાર શ્લોકોનું સમશ્લોકી વાંચીએ એટલે મૂળ ગીતાભવ પ્રગટ થશે :
‘પંડિતોએ મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું ;
તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી…(16)
કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;
જાણવું જે અકર્મેય, ગૂઢ છે કર્મની ગતિ…(17)
અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;
બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન…(18)
મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવું આપણું ચાલતું હોય છે. શરીર બેઠું છે ડાઇનિંગ ટેબલ પર અને શરીર કરે છે ભોજન પણ મન તો ઓફિસમાં મૂકીને આવ્યા છીએ !! આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોએ ભક્તિયોગમાં માર્ગ બતાવ્યો કે બહાર તપ ત્યારે અંદર જપ.. બહાર ઉપવાસ ભલે ચાલે, પણ મન ત્યારે સતત નામસ્મરણમાં વ્યસ્ત હોવું જોઈએ. હોઠેથી નામસ્મરણ ચાલતું હોય અને ચિંતા કૂતરું ઘરમાં ઘુસી ગયાની થતી હોય તો તે નિરર્થક છે. (ક્રમશ:)
