‘હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.’
“વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી.” ભગવાન સ્પષ્ટ કહે છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(19)
કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા સમગ્ર ગીતાનું ગુજરાતીમાં સમશ્લોકી થયેલ છે, જેના દ્વારા શ્રીમદ ભાગવત ગીતાને સમજવામાં અતિ સરળતા થઇ ગઈ છે.આપણે આપણા સંવાદમાં તેના કેટલાક શ્લોકો ટાંકીને વધુ સ્પષ્ટતા કરી રહ્યા છીએ.
સાતમા અધ્યાયના કેટલાક અગત્યના શ્લોકો જોતાં જોતાં આ અધ્યાયનું સારતત્ત્વ તારવીએ તો… અહીં ભગવાન ચોખ્ખું કહે છે કે હું કહું છું તેમાં શંકા કર્યા વગર સાંભળ.
શ્રી ભગવાન બોલ્યા
આસક્ત મુજબ મારા આશ્રયે યોગ યોજતો,
જેમ સમગ્ર નિઃશંક મને જાણીશ, તે સુણ.
સાતમા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ એવું નામ આપવામાં આવ્યું છે, અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન છે. અહીં અધ્યાત્મ એટલે જ્ઞાન છે અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે બનપ નથી એવું જે કહે છે તેણે સમજી લેવું જોઈએ કે જેટલો નાતો ગાય અને ગોચર વચ્ચે છે એટલો જ જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે છે, કૃષ્ણ એ આ વાતને સ્પષ્ટ કરી છે. આ અધ્યાયના એક શ્લોકમાં ભગવાન કહે છે કે,
વિજ્ઞાન સાથ આ સંપૂર્ણ કહું છું તને,
જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે.
એટલે વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું તે જાણી લીધા પછી તારે જગતમાં બીજું કશું જાણવાની જરૂર નથી. જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ પણ શ્રી કૃષ્ણે બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી આપ્યો છે.
ભૂ, જળ, અગ્નિ, વા, વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ
આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી.
એમણે આઠ બાબતો ગણાવી છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ બાબતોનો સરવાળો કરો એટલે અષ્ટધા ભક્તિ બને છે, એવું તેઓ આ અધ્યાયમાં ખુદ કહે છે.
પોતે રચેલી પ્રકૃતિનો ખ્યાલ આપતા તે ઉમેરે છે …
આ તો અધર છે, અન્ય પર પ્રકૃતિ તે થકી.
જીવરૂપ થઇ જેણે, જાણ આ જગને ધર્યું.
એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સમન્વય જેણે સમજવો હોય તેણે આ શ્લોકને આત્મસાત કરવો પડે. અહીં પ્રકૃતિના સ્પષ્ટ બે વિભાગ પાડ્યા છે, અપરા અને પરા. અપરા પ્રકૃતિની અંદર જળસૃષ્ટિ આવે, વિજ્ઞાનગમ્ય બાબતો આવે, અવિદ્યા એટલે કે ઈશોપનિષદમાં જે વાત કરી તે આવે અને ચિત્ત સાધના પણ આવે. જયારે પરા પ્રકૃતિમાં ચેતનસૃષ્ટિ, જ્ઞાનગમ્ય વિદ્યા અને સત્ય સાધના આવે. નોન લિંવિંગ એટલે કે જડ અને લિવિંગ એટલે કે ચેતન, આ વિજ્ઞાનના બે ભાગ સજીવ અને નિર્જીવ. અવિદ્યાનો સંબંધ વૃત સાથે છે, જયારે વિદ્યાને સત્ય સાથે લેવા દેવા છે. વૃતનું સંશોધન અપરા પ્રકૃતિ પૂરતું મર્યાદિત છે. સત્યનું સંશોધન પરા પ્રકૃતિના પ્રદેશની સાધના છે. આ બે પ્રકૃતિનું કોઈ મિલન સ્થળ ખરું ? એવો પ્રશ્ન એક માનવ તરીકે આપણને થાય તો કૃષ્ણ સરસ જવાબ આપે છે…
આ બેથી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે,
આખા જગતનો, પાર્થ હું જ ઉત્પત્તિ ને લય.
બીજું કોઈ નથી તત્વ મારાથી પર જે ગણો
હું – માં આ સૌ પરોવાયું – દોરામાં મણકા સમું.
સર્વ ભૂતો આ બે પ્રકૃતિ વડે જ ઉત્પન્ન થાય છે. આખા જગતનો પાર્થ હું જ ઉત્પત્તિ ને લય. વિદ્યા અને અવિદ્યા બંનેને સાથે રાખીને અહીં મુકવામાં આવી છે. જ્ઞાન વિજ્ઞાનની સમજણની ખૂબી શું તે સમજાવવા બે પંક્તિઓ આપની સામે મુકું.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂ ધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી અનેકરસ લાભ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે.
નરસિંહે આ વાત આપણને સમજાવી છે, જે ગીતાના સાતમા અધ્યાયમાં સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણી સમક્ષ મૂકી આપી છે. અહીં સાચો રસ ચાખવા મળે તે માટેનું એક સાધન ભક્તિ છે, તેવું કહેવામાં આવ્યું છે. ભગવાન આપણને ભક્તિ શીખવે છે. ભગવાને ભક્તિના ત્રણ પ્રકાર કહ્યા ૧) સકામ ભક્તિ કરનારો, ૨) નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને ૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર પડે. એકને કહેવાય આર્ત, બીજાને કહેવાય જિજ્ઞાસુ અને ત્રીજાને કહેવાય અર્થાર્થી. ભક્તિના વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ડાળીઓ છે. (ક્રમશ:)
પરમાત્માનું Parenting

Early Bird Offer is valid till 2nd April. Book Your Seat Now.
.
ચમકા દો આજ લાલિમા અપને લલાટકી, કણ કણ સે ઝાંકતી તુમ્હેં છબી વિરાટકી !!
આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણને પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે ?
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(18)
“કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંય ફોગટ જતું નથી,” આવી શ્રદ્ધા છઠ્ઠા અધ્યાયના અંતે ભગવાનશ્રી કૃષ્ણએ આપણને આપી છે. એમણે કહ્યું છે કે ‘અપૂર્ણ છેવટે પૂરું થશે.’ સાતમા અધ્યાયમાં વિકર્મનો એક નવો જ ભવ્ય ખંડ ઉઘાડવામાં આવ્યો છે.
સૃષ્ટિદેવીના મંદિરમાં એકાદ વિશાલવનમાં જેમ તરહ તરહના મનોહર દેખાવો આપણને જોવા મળે છે એવું જ આ ગીતાગ્રંથનું છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતાનો ખંડ ખુલ્યો તો હવે એક નવા ખંડમાં આપણે પ્રવેશ કરીએ છીએ.
સૃષ્ટિ માત્ર તે અંદર હોય કે બાહ્ય હોય એક જ એક અખંડ આત્માના અને એકની એક અષ્ટદા પ્રકૃતિના બેવડા મસાલામાંથી નિર્માણ થઈ છે. ક્રોધી માણસનો ક્રોધ, પ્રેમાળ માણસનો પ્રેમ, દુખિયાના રોદણા, આનંદી માણસનો આનંદ, આળસુ કે એદીનું ઊંઘવાનું વલણ, ઉદ્યોગી માણસનું કર્મ સ્ફુરણ એ બધું હકીકતમાં તો એક જ ચૈતન્ય શક્તિનો ખેલ છે. અંદરનું ચૈતન્ય જેમ એક છે એમ બહારના આવરણનું સ્વરૂપ પણ એક જ છે. ચૈતન્યમય આત્મા અને જળ પ્રકૃતિના આવા બેવડા મસાલામાંથી આખી સૃષ્ટિ જન્મી છે એવું સ્પષ્ટ રીતે ભગવાન શરૂઆતમાં કહી આપે છે.
આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણે પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે ? એને ભેદ કેમ દેખાય છે ? પ્રેમાળ માણસનો ચહેરો મીઠો લાગે અને બીજાનો કંટાળો આવે, એકને મળવાનું મન થાય તો બીજાને ટાળવાનું મન થાય એવું કેમ બને છે ? જવાબ સીધો છે. કાગળ એક જ છે, પેન્સિલ એક જ છે. અને ચિત્રકાર પણ એક જ છે અને છતાં ભાતભાતના ચિત્રોથી તરહ તરહના ભાવો ઉત્પન્ન થાય છે. એમાં ચિત્રકારની કુશળતા છે.
આપણે એક હિન્દી ફિલ્મનું ગીત બરાબર યાદ કરીએ કે….
ये कौन चित्रकार है ये कौन चित्रकार
हरी भरी वसुंधरा पर नीला नीला ये गगन
के जिसपे बादलों की पालकी उड़ा रहा पवन
दिशाएं देखो रंग भरी
दिशाएं देखो रंग भरी चमक रहीं उमंग भरी
ये किसने फूल फूल से किया श्रृंगार है
ये कौन चित्रकार है ये कौन चित्रकार
तपस्वियों सी हैं अटल ये पवर्तों कि चोटियाँ
ये बर्फ़ कि घुमरदार घेरदार घाटियाँ
ध्वजा से ये खड़े हुए
ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के
गलीचे ये गुलाब के बगीचे ये बहार के
ये किस कवि की कल्पना
ये किस कवि की कल्पना का चमत्कार है
ये कौन चित्रकार है ये कौन चित्रकार
कुदरत की इस पवित्रता को तुम निहार लो
इनके गुणों को अपने मन में तुम उतार लो
चमका दो आज लालिमा
चमका दो आज लालिमा अपने ललाट की
कण कण से झाँकती तुम्हें छबी विराट की
अपनी तो आँख एक है, इसकी हज़ार है
ये कौन चित्रकार है ये कौन चित्रकार
ગીતકાર શ્રી ભરત વ્યાસના શબ્દો ‘બુંદ જો બન ગઈ મોતી’ ફિલ્મમાં ગવાયું. પણ કેટલી મોટી વિસ્મયની સૃષ્ટિનું તેમાં વર્ણન છે !! આપણે એ સ્પષ્ટ રીતે સમજી લેવાનું છે કે જેને આપણે માયા કહીએ છીએ કે માયાજાળ કહીએ છીએ એ પરમેશ્વરની શક્તિ છે, એની કળા છે, એની કુશળતા છે. એ કૈં બહુ વર્જ્ય વાત નથી. ભગવાનશ્રી કૃષ્ણ એક વાક્યમાં કહે છે કે, ‘જે માયાને તરી જવા માંગે છે તેને મારે શરણે આવવું પડે.’ એટલે માયા એ બીજું કંઈ નથી પણ ઈશ્વરની એક કલાનો સ્વીકાર છે. પરમેશ્વરને બરાબર ઓળખવા માટેનું મહાન સાધન તરીકે એક મહાન વિકર્મને સમજાવવાના આશયથી આ સાતમા અધ્યાયમાં ભક્તિનો એક મહાન ખંડ ખોલી આપવામાં આવ્યો છે
ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ, દાન, જપ, તપ, ધ્યાન, ધારણા અનેક વિકર્મ બતાવવામાં આવ્યા છે. એ સાધનોને વિનોબાજી સોડા, સાબુ અને અરીઠાની ઉપમા આપે છે પણ ભક્તિ એ પાણી છે. સોડા, સાબુ અને અરીઠા સ્વચ્છતા લાવે છે પણ પાણી વગર તેનું કંઈ આવતું નથી. પાણી ન હોય તો એ બધાને શું કરવા ? સોડા, સાબુ અને અરીઠા નહીં હોય તો પણ એકલું પાણી નિર્મળપણું આપી શકે છે. પાણીની સાથે બધા આવે તો ‘અધિકસ્ય અધિકમ ફલમ’ જેવું થાય અને દૂધમાં સાકર ભળે. યજ્ઞયાગ, ધ્યાન, તપ એ બધામાં ઊંડો ઉમળકો ન હોય તો પછી ચિત્તશુદ્ધિ થાય કેવી રીતે ? આ ઊંડો ઉમળકો એટલે બીજું કશું નહીં પણ ભક્તિ… ભક્તિ હશે તો મહાન ચિત્રકારની કળા જોવા મળશે, તેના હાથમાં એક પીંછી જોવા મળશે.
એક તત્વજ્ઞાનીને એક વખત લોકોએ જઈને પૂછ્યું ચાલો મહારાજ શહેરમાં આજે મોટી રોશની છે. તે તત્વજ્ઞાનીએ પૂછ્યું, રોશની એટલે શું ? એક દીવો, તેની પછી બીજો, તેની પછી ત્રીજો એ પ્રમાણે લાખ, દસ લાખ, કરોડ જોઈએ તેટલા દીવા છે એમ માનો. મેં તમારી રોશની જોઈ લીધી.!’ ગણિતની શ્રેણીમાં ૧ + ૨ + ૩ એમ અનંત સુધી સરવાળો મુકાય. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાણ્યું અને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પેલા દીવા એક પછી એક મૂકી દીધા પછી એમાં એટલું બધું તલ્લીન થઈ જવા જેવું શું છે ? પણ માણસને આનંદ લેવાનું ગમે છે. વિનોબાજી બહુ સુંદર કટાક્ષ કરે છે કે, એ પહેલા લીંબુ લાવશે, પછી ખાંડ લાવશે, પછી બંનેમાં પાણી ભેળવશે અને પછી કહેશે, ઓહો શું મજાનું શરબત બન્યું છે !! જીભને ચાખ ચાખ કર્યા સિવાય બીજો કોઈ ધંધો નથી. (ક્રમશ:)
‘Do it yourself: DIY’ ભારતમાં શક્ય છે??
‘પપ્પા, હું પ્લમ્બરને બોલાવું તો મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
હવેનો જમાનો એવો આવશે કે જેમાં વિદ્યાર્થીએ માત્ર ભણવા પૂરતું સંસ્થામાં નહીં જવાય, વિદ્યાર્થીએ ત્યાં રહેવું પડશે અને એવી સંસ્થાઓ ધમધોકાર ચાલશે અને આજે ચાલે પણ છે. હવે મા બાપને પણ રસ છે કે, અમે નથી કરી શક્યા, તમે એને કેળવી આપો.
આપણાં ઘરમાં આપણા બાળકો તો ઓર્ડર આપવા ટેવાયેલ છે, ‘મમ્મી પાણી લઇ લે, મમ્મી મારે જમવાનો સમય થયો, થાળી આપી દે’,, હવેનો સમાજ અથવા જે વિદેશ વસે છે એમાં બદલાવ આવી ગયો છે. જો મારે પાણી જોઈતું હોય તો હું પોતે પાણી પી આવીશ ને બીજાને કર્ટસી દાખવી પૂછીશ, કોઈને પાણી પીવું છે ? આ થયું Do it yourself.
એક ઉદાહરણ આપું. દીકરો ઓસ્ટ્રેલિયા હતો એટલે ત્યાં જવાનું થયેલું. એના બાથરૂમમાં ફુવારો. એમાંથી પાણી ટપકે. બંધ કરી દો પછી પણ ટીપું પડ્યા જ કરે. હવે આપણે માસ્તર, એટલે આપણે જોયું કે આ પાણી કેમ ટપક્યા કરે છે ? મેં મારા દીકરાને કહ્યું કે આ પાણી ટપકે છે તો પ્લમ્બરને બોલાવી લે. એ મને જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે. એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું : ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ?’ એમણે જવાબ આપ્યો : ‘પપ્પા, હું પ્લમ્બરને બોલવું તો મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે પ્લમ્બર લોકો અહીં…’ મેં કીધું, ‘એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે, ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’ મેં કહ્યું : ‘આપણે તો આપણું કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’ તો કહે, ‘હા એ પણ આપણું જ કામ.’ ‘..તો આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’ તો કહે, ‘આ રવિવારે હું તમને એક જગ્યાએ લઇ જઈશ’ અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. જબરો મોટો મોલ હતો. ત્યાં બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself, DIY’. તમે જાતે કરો. પછી એમાં બધા જ વિભાગો હતા… ટાઇલ્સ ફિટિંગનો, પ્લમ્બિંગનો, કિચનનો, ગાર્ડનનો વિભાગ…..એ વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે મારે શું જોઈએ છે ? ત્યાં જઈને પુચ્છ્યું: શાવરમાંથી પાણી ટપકે છે. એટલે અમને નાનકડો વિડીયો દેખાડ્યો અને કહે : આવી રીતે ટપકે છે ? તો તમે આટલું આટલું લઇ જાઓ. અને તેને કેમ ફિટ કરવાનું તે તમને હું વીડિઓ પર બતાવું. જેમાં જ જરૂરી હતું તે બધું કીટ લઇ અમે બહાર નીકળ્યા. અમે કુતૂહલવશ ગાર્ડન વિભાગમાં ચક્કર લગાવ્યું. તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, ‘તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે, એ ચાલશે. લઇ જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્સમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ.’ કેમ રોપવું તેનો વિડિઓ મોટા સ્ક્રીન પર ચાલતો જ હતો !! Do it yourself DIY આખો મોલ જ એનો છે. તમે જે બોલો એ બધું ત્યાંથી મળે. કોઈ કશું કરવા ન આવે. કેમ કરવા ન આવે ?
ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં બહુ કોઈ જતું જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં ભણનારામાંથી મહત્તમ બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ભણતા જ નથી. તો શું કરે ? તો દસમું બારમું પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે કે દસમું પૂરું કરીને એનું પ્લેસમેન્ટ થઈ જાય. સફરજનના મોટા મોટા બાગ છે. તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે રાખી લે. ત્યાં લેબર એટલે કે શ્રમનું ઉત્તમ વળતર પણ ચૂકવાય છે.
Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ ‘કેળવણી’ છે. અત્યારના NEP 2020 માં એક સ્કીલ શિક્ષણની વાત છે, એ આપણને ઓસ્ટ્રેલિયા બનાવવા તરફનો પ્રયાસ છે. દસમા અને બારમા ધોરણ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે, એ કેળવણીની વાત છે. આ રિયલ એજ્યુકેશન છે.
