શ્રી અમૃત ગંગર

અસ્મિતા વિશેષ સંવાદ : 39 : શ્રી અમૃત ગંગર

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ફિલ્મ કે નાટક કે રંગમંચીય કલાઓ અંગે આપણે ત્યાં બહુ સંશોધનપૂર્વકનું ખેડાણ થયું નથી અથવા તો ખુબ જ ઓછું થયું છે. ત્યારે મૂળ કચ્છના અને હવે ભારતભરમાં પોતાના ઉંડાણભર્યા કાર્યથી પ્રસિદ્ધ શ્રી અમૃત ગંગર સાથે દીર્ઘ સંવાદ કરવાનો મોકો મળ્યો. તેઓએ દિલથી થિયેટરના પ્રત્યેક  પાસાની છણાવટ કરી. થોડા અંશો અહીં આગોતરા જાણીએ: 

“ એ સમયે તો ગાંઠના પૈસા ખર્ચવા પડતા હતા. કોઈ મને ફાયનાન્સ કરવાવાળું ન હતું. એક મશરૂવાળા કરીને મુંબઈ યુનિવર્સીટીના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના એક ડીન હતા કદાચ કિશોરલાલ મશરૂવાળાના ફેમિલીમાં હતા. તેઓ  મને જયારે મળે ત્યારે એના ખિસ્સામાં જેટલા પૈસા હોય ૨૦૦ રૂપિયા કે ૩૦૦ રૂપિયા એ મારા ખિસ્સામાં મૂકી દે. કહે, તું રાખ તને કામ આવશે. પ્રોગ્રામ નોટ બનાવે છે, તું આટલું કામ કરે છે તારી પાસે પૈસા નથી તું રાખી લે….જબરજસ્તી મને આપે. આ રીતે બધું ચાલ્યું અને અમે એટલા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે. ખરેખ તો ફકીરીમાં જ કામ થાય છે. આ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય ભલે પણ કબીર થવું હોય તો  એમાં વણાટ કામ કરવું પડે. અને દોહા ત્યારે રચાય. આ ફકીરાઈ કે ફકીરી ન હોય તો ન થાય કશું …

અંદરની ભૂખ હોય છે ને એ ક્યારેક તમને લાઈફમાં કામ આવે છે. થયું એવું કે જયારે હું લાર્સન એન્ડ ટોબ્રોમાં હતો ત્યારે એક બે મહિલા ડેન્માર્કની કારણ કે લાર્સન એન્ડ ટોબ્રો ડેનિસ કંપની હતી. પવઈમાં ઓફિસ હતી અમારી તો બંને બહેનો પૂછી પૂછીને આવી ગઈ. કોઈકને  તો એણે પૂછ્યું હશે કે આ કામ અમને કોણ કરી આપે ? તો એણે મારું નામ સૂચવ્યું. એમનુ  કામ હતું  મહાલક્ષ્મી મંદિર પર એ રિસર્ચ કરવાનું. તો પછી મને સાંજના બોલાવ્યો, તાજ હોટેલમાં, ડિનર માટે ..પછી બધી વાતો થઇ અને કંઈક એમને વિશ્વાસ બેઠો હશે મારી વાતો પરથી તો એ કામ મને સોંપીને ગઈ અને એક નાની પુસ્તિકા આપી  કે આનો  અંગ્રેજી અનુવાદ કરીને અમને મોકલી દેજો. જે પુસ્તિકા ગુજરાતીમાં હતી. મેં અનુવાદ કરીને મોકલ્યું એટલે એમને પહેલા વિશ્વાસ ન થયો કારણકે ભારતીયો પર વિશ્વાસ ઓછો હોય એ વખત એવો હતો કે આપણે સમયમાં પાકા ન હોઈએ. સમય આપ્યો હોય તો જઈએ નહીં, સમય પર કઈ વચન આપ્યું હોય તો પાળીએ નહીં આ એક ભારતીયની છાપ હતી. પણ છતાં  આ બહેનોએ એક જોખમ લઈને મને કામ સોંપ્યું. અને મેં મળ્યું થોડા મહિના મેટર મોકલી  આપ્યું. એમનો એક પત્ર આવ્યો કે, અમે તમને ડેનમાર્ક બોલાવવા માંગીએ છીએ. અમારી પાસે બહુ પૈસા નથી.  તમે બંને જણા (મારી પત્ની અને હું)  આવી શકશો તો આટલા અમે તમને આપી શકીએ… બહુ નાની રકમ હતી. ત્યારે અમે દિલ્હી થી એરોફલોટ (જે રશિયન વિમાન ચાલે તો ધન ધન ધન રીક્ષા કેમ રોડ પર ચાલે એવું લાગે.) માં દિલ્હી થી બેઠા અમે.  મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ગયા અને પછી પ્લેનમાં ગયા. એ પહેલી વિઝિટ અમારી. આ ફળ્યું. મારું કામ જ હતું આ… જો તમે નિષ્ઠાપૂર્વક અને બુદ્ધિ પૂર્વક કામ અને હૃદયથી કામ કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક તમને કામ આવે છે. 

અને પછી મારું તો ગાડું ચાલ્યું. પછી મેં નોકરી છોડી દીધી. પછી હું આના પર જ હતો. પછી મને પ્રોજેક્ટ આવતા ગયા. કોઈ ઇન્સ્ટોલેશનના હોય, પ્રોડક્શનના હોય, લખાણ લખવાના હોય કે સ્કેન્ડિનેવિયન પ્રોજેક્ટ ઘણા બધા પર કામ કર્યું છે મેં.  યુરોપિયન પ્રોજેક્ટ ઘણા પર મેં કામ કર્યું છે અને લગભગ આખું યુરોપ ફરી વળ્યો. ઈરાન જવાનું ત્રણ ચાર વાર થયું છે. લગભગ ઈરાન જોઈ લીધું. જ્યુરી પર હોય એટલે તમને સુંદર હોસ્ટ છે તમને એ મહેમાનગતિ એટલી સારી રીતે કરી શકે. યજમાન બધા અમને લઇ ગયા બધે.  સિરાઝ અને ઇરાનના જે ઐતિહાસિક શહેરો છે બધે જ.. એવી જ રીતે સ્કેન્ડિનેવિયા, નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ બધે જ ત્યાં સારી રીતે અમને સ્વીત્ઝર્લેન્ડ એ બધા દેશોમાં અમે રહ્યા સારી રીતે. અમેરિકા ગયો તો યેલ યુનિવર્સીટીએ મને આમંત્રણ આપેલું. યેલ એટલે બેસ્ટ યુનિવર્સીટી, ત્યારે હું એક રિસર્ચ કરતો હતો. એક ઓલ ઇન્ડિયા રેડિયોનું પેલું સિગ્નેચર ટ્યુન છે ને જે સવારના વાગે છે એના પર હું કામ કરતો હતો. અમેરિકામાં હતો એટલે મને થયું  થોડું રિસર્ચ આગળ ધપાવું જો કરક્યાંક રહેવાનું મળે તો,,. મારા  મિત્રને ઘરે રહ્યો કનેટીકટમાં.  તો ત્યાં વોલ્ટર કાફમેન પર પુસ્તક લખ્યું. વોલ્ટર કાફમેન was the composer of the signature tune એન્ડ not maheli maheta !!  ત્યાં સુધી એમ જ મનાતું હતું કે,  આ ઝુબીન મહેતાના ફાધરે કર્યું છે.  પણ ઝુબીન મહેતાની જયારે કાશ્મીરમાં એમની કોન્સર્ટ હતી ત્યારે એમણે  જાહેરમાં કહેલું કે,   “આ વોલ્ટર કાફમેનનું કમ્પોઝીશન છે, જે ઓલ ઇન્ડિયા રેડિયોનું સીગ્નચર ટ્યુન છે,  મારા પિતાજીએ વાયોલિન વગાડ્યું છે એમાં.” .  અને ત્યાં વોલ્ટર કફમેન જે મ્યુઝિકોલોજિસ્ટ હતા, કમ્પોઝર હતા જ્યાં ભણાવતા હતા એ ઇન્ડિયાના યુનિવર્સીટીમાં હું ગયો. ત્યાંના વ્યવસ્થાપકે તો બોક્સના બોક્સ મારા ટેબલ પર મૂકી દીધા. કાર્ટન બોક્સ એમાં બધા કાગળો જોતો હતો એમાં એક કાગળ મને મળ્યો મધુસુદન ઢાંકીનો !! વિચાર કરો, તમે બ્લ્યુમિન્ગટન અને ત્યાં  મધુસુધન ઢાંકી નીકળે !!  મેં ત્યારે એમને ઇમેઇલ કર્યો: ઢાંકી સાહેબ,  તમારો પત્ર મને અહીં મળ્યો..કહે,  ઘણી બધી મહેનત કર્યા પછી મારું આ પુસ્તક બન્યું. ફર્સ્ટ ટાઈમ વનરાજ ભાટિયાએ એનું વિમોચન કર્યું હતું, એમની સહી પણ છે. વનરાજ ભાટિયાના અક્ષર છે, આમ તો કચ્છના અમારા માંડવીના ભાટિયા પણ મોટા કમ્પોઝર કહેવાય. વનરાજભાઈ વોલ્ટર કાફમેનના મિત્ર થાય.. જયારે તમારા મૂળમાં કંઈક રોપ્યું હોય ને ત્યારે આવું કશુંક થાય છે…” 

 

“હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ

ભદ્રાયુ વછરાજાની                  (46)                     bhadrayu2@gmail.com 

પોતાના નિત્ય નિરાળા ગીતા પ્રવચનોમાં શ્રી વિનોબાજી એક સરસ વાત કરે છે : “આરંભથી અંત સુધી ગીતા પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. બારમો અધ્યાય તો ખુબ જ પાવન તીર્થ સમાન છે. ખુદ ભગવાને તેને ‘અમૃતધાર’ કહેલ છે. અમૃત જેવો મીઠો છે, સંજીવની રૂપ છે કારણ આ અધ્યાયમાં ભગવાનના મુખેથી ભક્તિરસના મહિમાનું તત્ત્વ ગવાયેલું છે.” 

આમ જોઈએ તો પાંચમા અધ્યાય પછીથી સતત ભક્તિયોગની જ વાત આવ્યા કરે છે પણ આ બારમાં અધ્યાયમાં ભક્તિરસની સમાપ્તિ કરવાની હોય તેમ લાગે છે. 

       પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ફરી નાના છતાં નક્કર પ્રશ્ન સાથે અર્જુન હાજર છે.  શ્રીમદ ગીતાના બારમાં અધ્યાયના આરંભે અર્જુન પૂછે છે કે, “નિયુક્ત  થઈને તમને ભજે તે અને અક્ષર-અવ્યક્ત થઇ તમને ભજે એ બંનેમાંથી કહો તો કે કોણ ચડે ??” 

બસ, આ એક જ પ્રશ્નના જવાબમાં ભગવાન પુરા અધ્યાયને સમર્પિત કરે છે અને ઓગણીશ શ્લોકોમાં વિસ્તૃત જવાબ આપે છે. જેનો ટૂંકો સાર એટલો છે કે “મારામાં મન પરોવીને જે  મને હમેશા સાથે રાખીને પરમ શ્રધ્ધાથી ભજે તે યોગીથી પણ ચડી જાય છે.” 

         અર્જુન પ્રશ્ન પૂછે છે કે, “કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

ભગવાન શો જવાબ આપે? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આધીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય, માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શકતો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઇ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારુ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તો આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને સવાલ પૂછો તો તે શો જવાબ દેશે? તેને તમે કહો, “હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે.” મા શો જવાબ આપશે? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોળવા બેસશે? કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી મા કહેશે, “વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ.” નાનાને એણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનાનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો, એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ તેટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.

  શ્રી વિનોબાજી એક ટકોર કરે છે જે આજના સમયમાં બહુ જ નિર્ણાયક નીવડે તેમ છે. તેઓ કહે છે, ‘ જુદાં જુદાં કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે. તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્ત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્ત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો – પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા દયનીય થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્ત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.’ આજે  ગાંધી સંસ્થાઓ જે રીતે કંગાળ થતી જાય છે તેની પાછળ નું  આ કારણ હોઈ શકે. 

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી નીકળી  શંકરની જટામાંથી પણ નીકળી,  ત્યાં જ રહી નથી. એણે જટા છોડી, હિમાલયનાં પેલા કોતરો ને ખીણો છોડયા, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાના હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી છૂટ્યો એ સાચું પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.

 

શ્રી સતીશ વ્યાસ

         અસ્મિતા વિશેષ સંવાદ :(38) :: શ્રી સતીશ વ્યાસ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ભાષા ભવનના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થનાર શ્રી સતીશ વ્યાસ કેવળ ગુજરાતીના પ્રાધ્યાપક રહીને નિવૃત્ત નથી થયા. તેઓએ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે અને સઘળા ક્ષેત્રો વિદ્યાર્થીઓની અભિવ્યક્તિને સ્પર્શતા. વિદ્યાર્થીઓ અને તે પણ યૌવનથી છલકતા !! તેઓને ગમતીલી પ્રવૃત્તિમાંથી અભિવ્યક્તિની ઉત્તક કળા નાટક તરફ સતિષભાઈ ક્યારે  વાળી દે તે કોઈને ન સમજાય. પોતે મૃદુ છતાં મક્કમ અને સસ્મિત સંવાદ કરીને તમને ખેંચી રાખી શકે તેવું તેમનું વ્યક્તિત્વ. ગુજરાતીમાં માતબર પ્રદાન કરનાર સતિષભાઈ સાથે અસ્મિતા સંવાદમાં વાતચીત નો દોર બહુ આનંદથી ચાલ્યો. આપણે થોડો રસ ચાખીએ..

“એક વાર આજોલમાં એક શિબિર થઇ. અનેક પ્રવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કવિતા વાળા થોડા, વક્તૃત્વ વાળા ઝાઝા. મને અને મણિલાલ પટેલને વક્તૃત્વની તાલીમ માટે આજોલ મોકલવામાં આવ્યા. થયું એવું કે ત્યાં વક્તૃત્વની  તાલીમ લેવા માટે તો બે જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય તાલીમના અનેક વિદ્યાર્થીઓ હતા. અને આગળના દિવસોમાં એ સૈદ્ધાંતિક ચર્ચાઓથી બહુ કંટાળેલા હતા. અમે ચોથા કે પાંચમા દિવસે ગયા, શિબિર ૯ કે ૧૦ દિવસની હતી ત્યારે. એ વિદ્યાર્થીઓએ કહ્યું કે,  સાહેબ સૈદ્ધાંતિક વાતો અમે એટલી બધી સાંભળી છે (કેટલાક કલાકારો મને ઓળખતા પણ હતા ત્યારે)  કે આમાંથી અમારે નીકળવું છે. કહે આમાંથી કંઈક માર્ગ કાઢો. મેં કીધું અમારી તો આ ભૂમિકા નથી, અમે  તો વક્તૃત્વ માટે આવ્યા છીએ,  અમે તો આ ના કરી શકીએ.  પછી કહે કે, ના ના પણ તો પણ થોડો સમય સાંજે આવો, તમે વક્તૃત્વની તાલીમ ભલે બે ત્રણ વિદ્યાર્થીઓ છે, એને આપો સાંજના એકાદ કલાક દરમિયાન અમારી સાથે થોડી નાટકની વાત કરો અને કશુંક અમારી પાસે કરાવડાવો તો વધારે સારું..

રીસેસમાં અમને એવું કહેવામાં આવ્યું અને પછી મેં મણિભાઈને કહ્યું, આપણે ચાલો ને બેસીએ જરા, મોડા જઈશું. મણિભાઈ તો એ રીતે બહુ ઉદાર છે અને સારી મૈત્રી પણ ખરી અમારી. તો પછી ત્યાં એક વસ્તુ આપી વિદ્યાર્થીઓને કહ્યું, ચાલો, તમે  એક ઈમ્પ્રોવાઈઝ કરો.  કશુંક તમારી આગળ વસ્તુ રજુ  કરીએ અને તમે એમાંથી નાટક વિકસાવો. મજા પડી ગઈ બાળકોને અને કંઈક એ વખતે સૂઝ્યું એવું કે  ચલોને આપણી જૂની બધી વાર્તાઓ ઘણી છે. સાહિત્યમાં ભણાવેલી જ હોય આપણે તેવી એક વાર્તામાં એવું આવતું કે, એની નાયિકા નાયકને બળદ બનાવી દે છે. એક વાર્તામાં એવું આવે છે, પછી ઘાણીએ લગાડે છે અને એવું બધું… આવી બધી ઘણી વાર્તાઓ આપણે ત્યાં પડેલી છે અને પછી એક બળદ પાસે અમાનુષી રીતે કામ લેવામાં આવે. અમાનુષ જ હોય ને પછી બળદ છે એટલે… એનું શોષણ કરવામાં આવે.. આવી પરિસ્થિતિ આવી હોય તો વિચાર કરતા કરતા એવું લાગ્યું કે, આપણે બળદને બળદ રાખવો છે, નાયિકા ને પણ સામાન્ય નાયિકા રાખવી છે અને કંઈક એવું કરીએ કે લગ્ન થયું છે અને પહેલી જ રાત્રે પુરુષનું બળદમાં કે આખલામાં રૂપાંતરણ  થઇ જાય. મણિભાઈની સાથે વાત કરીને આવું એક થીમ બાળકોને આપીએ. જોઈએ શું કરે છે. અને કહ્યું કે, ચાલો આનું નાટક કરો.

અને પેલા ગામડાના વિદ્યાર્થીઓ હતા, એ કહે કે, સાહેબ લગ્નથી શરૂ કરીએ તો ? પહેલી રાત્રિની વાત પર એકદમ નથી આવવું. લગ્નના ગીતો શરૂ કરી દીધા. અને આ બાળકોનું એટલું ઇન્વોલ્વમેન્ટ થયું કે એમાંથી એ એક કલાક દરમિયાન એક આખા નાટકનું માળખું  તૈયાર થઇ ગયું. પારિવારિક થયું આખું. એમાં સાસુ પણ આવે, સસરા પણ આવે પછી પત્ની ફરિયાદ કરે કે આ તો આખલો છે, તમે મને ક્યાં આની સાથે પરણાવી ? શયનગૃહમાંથી બહાર આવે ત્યારે એ  આખલો હોય જ નહીં. એટલે સાસુ સસરા કહે છે કે,  તું તો બદનામ કરે છે અમારા દીકરાને,, આમ કરીને કે આખું સરસ વ્યવહારિક નાટક ઉભું થયું. અને એમાંથી પછી મેં પહેલું પૂર્ણ કદનું નાટક લખ્યું ફૂલ લેન્થ. મણિભાઈ સાથે ચર્ચા કરીને ‘પશુપતિ’ એવું નાટકનું શીર્ષક આપ્યું. ત્યાર  પછીથી હું  ફૂલ લેન્થ નાટક તરફ વળ્યો. આ એક મોટો ચેન્જ અમદાવાદમાં આવ્યા પછીનો. ભણાવવાનું તો ચાલુ હો,  એમાં બિલકુલ બાંધછોડ નહીં, એ રીતે નાટક તરફ આગળ વધાયું …” 

“હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું.”

‘મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેને  હું પ્રાપ્ત થાઉં છું.’

ભદ્રાયુ વછરાજાની                        (45)            bhadrayu2@gmail.com  

શ્રીમદ ભગવદ ગીતાનો અગિયારમોં  અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન. તેના ચાલીસમાં શ્લોક સુધીમાં વિરાટરૂપ દર્શન કર્યા પછી અર્જુન પોતે પામી જાય છે કે જેને હું મારો બાળસખા ગણું છું તે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને તે દિવ્ય અનંતરૂપધારી છે, જેનું રૂપ વધતા વધતા એ કક્ષાએ પહોંચે છે કે હું અને ઋષિઓ અને સૌ માનવો ભયભીત થઇ જઈએ છીએ. ચાલીસમાં શ્લોકમાં તે ભગવાનને સર્વ દિશાઓમાંથી પોતાના નમસ્કાર પાઠવે છે. 

શ્લોક ૪૧ અને ૪૨ એ બે શ્લોક વડે અર્જુન ભગવાનના મહાત્મ્યના અજ્ઞાનથી કરેલા અપરાધોની ક્ષમા માંગે છે અને કહે છે, “આપના વિરાટ સ્વરૂપ મહિમાને હું જાણતો ન હતો. આપને હું મારા સખા જ માનતો હતો. ચિત્તની ચંચળતાથી કે સ્નેહથી પણ હું તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું કહ્યા કરતો હતો, એ અનુચિત હતું એ મને હવે સમજાય છે એટલે તે સર્વ બાબતો માટે આપ મને ક્ષમા કરો. વળી હે અચ્યુત, આપણે વિનોદ કરતા હતા , રમતા હતા, સુતા હતા, બેસતા કે ખાતા હતા ત્યારે એકલા અથવા મિત્રોની સમક્ષ મારાથી આપનો જે અસત્કાર થયો હોય તેને માટે અચિંત પ્રભાવવાળા આપની હું ક્ષમા માંગુ છું.” આ જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે છે કે જે વ્યક્તિને આપણે  ઓળખતા હોઈએ તેની ઓળખ કરતાં  તે અનેક ગણો મહાન નીકળે ત્યારે આપણે ક્ષમાભાવમાં આવી જતા હોઈએ છીએ. આગળના શ્લોકમાં હવે ભક્ત અર્જુન ભગવાનના અચિંત્ય પ્રભાવનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરે છે. એ કહે છે કે, ‘હે અપ્રતિમ પ્રભાવવાળા ભગવાન, આ સ્થાવર જંગમ લોકના આપ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો, સર્વ પ્રકારે અધિક ગૌરવવાળા છો. આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. ત્યારે આપના કરતા અધિક તો બીજો ક્યાંથી હોય ? તેથી નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું અને સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને એ પ્રસન્ન થાઓ એવી હું પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતાને પુત્રના અપરાધની, મિત્રને મિત્રના અપરાધની અને પતિને પત્નીના અપરાધની ક્ષમા આપવી  યોગ્ય છે તેમ આપને મારા અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેવું મને લાગે છે આપ મને ક્ષમા આપો.” 

શ્લોક ૪૫ અને ૪૬ વડે ભક્ત અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનો ઉપસંહાર કરી સમેટી લઇ પૂર્વવત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ  થવા માટે હવે પ્રાર્થના કરે છે. એક સમયે જે ઉત્ક્ટતા હતી વિશ્વરૂપી જોવાની એનાથી પુરેપુરો સંતૃપ્ત થઈને અર્જુન હવે કહે છે કે, ‘પૂર્વે ન જોયેલા આ વિરાટ સ્વરૂપને જોઈને હું હર્ષ પામ્યો છું. તથા ભયથી મારું મન વ્યાકુળ થયું છે.’  બંને મિશ્રિત ભાવ એના મનમાં છે, એ હર્ષ પણ પામ્યો છે કે ઓહો હો હો આ વિરાટ સ્વરૂપ ! અને બીજી રીતે એને ભય પણ થાય છે કે શું વાત છે આ હા….હા.. આવું ભયભીત કરે એવું વિરાટ સ્વરૂપ ! એટલે પોતે સ્વીકારે છે કે બંને હું પામ્યો છું. મારું મન ભયથી વ્યાકુળ થયું છે માટે હે દેવ મારા પ્રાણના કરતા પણ પ્રિય આપનું પૂર્વનું સૌમ્યરૂપ હવે મને દેખાડો. ‘હે દેવેશ, હે જગન્નિવાસ, આપ હવે પ્રસન્ન થાઓ.. મને આપનું  પૂર્વનું  સૌમ્યરૂપ દેખાડવા યોગ્ય કૃપા કરો તો સારું’,  એવું અર્જુન વિનવે છે. ‘હું આપને પહેલાની જેમ મુકુટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું, માટે હે સહસ્ત્ર બાહુ, હે વિશ્વમૂર્તિ આપ ચતુર્ભુજ  રૂપ ધારણ કરો.’ આથી એ અર્થ સૂચિત કર્યો છે કે, ભક્ત અર્જુન સર્વ કાળે ભગવાનનું ચતુર્ભુજાદિસ્વરૂપ જોતો હતો એટલે એ સ્વરૂપ પાછું લઇ આવવાની તેણે વિનંતી કરી. ભક્ત અર્જુનને ભય પામેલો જોઈ હવે ભગવાન વિરાટ સ્વરૂપ સમેટી લઇ રહ્યા છે અને તેને  આશ્વાસન આપતા ભગવાન કહે છે, ‘હે અર્જુન, હું પ્રસન્ન થયો છું. મારા અસાધારણ યોગ સામર્થ્યથી તને આ મારું તેજોમય, વિશ્વવ્યાપી , અનંત અને અનાદિ શ્રેષ્ઠ રૂપ મેં દેખાડ્યું છે જે મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વ જોયું નથી. તું પણ મને અત્યંત પ્રિય છે, તેથી તું આ વિશ્વરૂપ દર્શન રૂપી પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયો છે. મારી બાલ્યાવસ્થામાં યશોદા માતાએ, ગોકુળમાં અક્રૂરે તથા કૌરવ સભામાં ભીષ્મપિતા વગેરેએ મારા અનુગ્રહથી મારું જે સ્વરૂપ જોયું હતું તે તને બતાવેલા આ વિશ્વરૂપનું એક અવાંતર રૂપ જ હતું. તે મારું ઉત્તમ સ્વરૂપ ન હતું.  જે આ સર્વોત્તમ સ્વરૂપ મેં તને બતાવ્યું છે તે તને તારા ભાગ્યથી  એટલે કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. મારા વિશ્વરૂપ દર્શનથી તું કૃતાર્થ થયો છે.’  હવે ભગવાન વિશ્વરૂપ દર્શનથી દુર્લભતાનું પ્રતિપાદન કરે છે અને કહે છે કે,  ‘હે કુળશ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય લોકમાં મારા વિરાટ સ્વરૂપને જોવા તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. મારા વિરાટ સ્વરૂપના દર્શન વેદાભ્યાસથી, યજ્ઞોથી, તુલાપુરુષ વગેરે દાનોથી, અગ્નિહોત્રી વગેરે સ્ત્રોત કર્મોથી કે ચાંદ્રાયણ વગેરે ઉગ્ર તપોથી કે બીજા સાધનોથી આ મનુષ્યલોકમાં શક્ય નથી. તું તો કેવળ મારા અનુગ્રહથી જ આ મારું વિરાટ સ્વરૂપ જોવા સમર્થ બન્યો છે.’ 

હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધીમે ધીમે સમેટી લઇ રહ્યા છે. અને એ કહે છે કે, ‘આ મારા ઘોર  વિરાટ સ્વરૂપને જોઈને તને વ્યથા કે વ્યાકુળતા ન થાઓ અને તું ભયરહિત તથા પ્રસન્ન ચિત્તવાળો થા.  મારા તે આ પૂર્વના રૂપને તું જોઈ શકે એટલે હવે હું મૂળ રૂપ પ્રાપ્ત કરી રહ્યો છું.’  હવે ભગવાને ભક્ત અર્જુનને પોતાનું પૂર્વ સ્વરૂપ દેખાડ્યું. એ સમયે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા કહે છે કે, ભગવાને ભક્ત અર્જુનને પુનઃ પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવ્યું અને પુનઃ સૌમ્ય શરીર ધારણ કરી મહાત્મા ભગવાને ભય પામેલ ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ભક્ત અર્જુન નિર્ભય થઇ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે, હે જનાર્દન, આપના આ સૌમ્ય માનુષી સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારી પ્રકૃતિને એટલે કે મૂળ સ્વભાવને હું પામ્યો છું. 

હવે ચાર શ્લોકો વડે વિરાટ સ્વરૂપના દર્શનરૂપ અનુગ્રહની દુર્લભતાનું વર્ણન થઇ રહ્યું છે. ભગવાન બોલ્યા છે, ‘મારું જે વિરાટ રૂપ તે હમણાં જોયું તેનું દર્શન અત્યંત દુર્લભ છે. દેવ પણ એ જોવા નિરંતર ઈચ્છા કરે છે. મેં તને જે સ્વરૂપવાળો જોયો તે સ્વરૂપવાળો હું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોવાને શક્ય નથી. હે અર્જુન, જેમ અગ્નિ કાષ્ટ ને બાળીને ભસ્મ કરે છે તેમ મારી ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિ મને જે પ્રકારે વશ કરે છે તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ, કે ત્યાગ પણ મને વશ કરવા સમર્થ થતા નથી. હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું. મારે વિષે નિષ્ઠા પામેલી ભક્તિ ચાંડાળોને પણ જાતી દોષથી પવિત્ર કરે છે. આ સંસારમાં મારી ભક્તિ અત્યંત દુર્લભ છે કારણકે જો અંતઃકરણ વિષે મારી ભક્તિ ઉત્પ્ન્ન થાય તો તે અવશ્ય મુક્તિ આપનારી છે. આ અધ્યાયના  સમાપનમાં સુંદર વાત કહી ને સમાપન તરફ જઈ રહ્યા છીએ.. ‘હે પાંડવ, મારે અર્થે કર્મ કરનારો મન જ પ્રાપ્ત માનનારો મારો ભક્ત જેણે સંગનો ત્યાગ કર્યો છે તે તથા સર્વભૂતોમાં જે વેર રહિત છે તે મને પામે છે. હું પ્રાર્થના કરું છું કે મારે  અર્થે જે કર્મ કરે છે, મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેનું હું પ્રાપ્ત થાઉં છું.’ 

અર્જુનની વિનંતી ઉપરથી પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને ફરી અર્જુનની વિનંતી  ઉપરથી મૂળ પોતા ચતુર્ભુજધારી રૂપને પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે આપણને ઉત્તમ સંદેશ આપે છે કે, ‘તમે મારી ભક્તિમાં રત રહો.’

જીવતાં જીવતાં શીખીએ તો ?

જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ઉપનિષદમાં એક કથા આવે છે. આઠ – દસ વરસનો એક છોકરો હાથમાં સમિધા લઈને, ‘સમિતપાણી’ થઈને ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘હું જ્ઞાન માટે આવ્યો છું.’ ગુરુએ તેને  કહ્યું કે : ‘આ ૪૦૦ ગાયોને ચરાવવાનું કામ કર અને તેની જયારે હજાર ગાય થઈ જાય ત્યારે મારી પાસે જ્ઞાનને માટે આવજે.’ ૪૦૦ ગાયોની હજાર થવામાં બે – ત્રણ વરસ લાગી જાય, એટલે કે તે દસ વરસના છોકરાને બે – ત્રણ વરસની યોજના આપી દીધી. બે – ત્રણ વરસે એ પાછો આવ્યો, ત્યારે ગુરુએ તેની સામે જોયું અને પૂછ્યું : તારો ચહેરો તો તેજથી ચમકી રહ્યો છે. કેમ રે, તને કંઈક જ્ઞાન મળ્યું હોય એમ લાગે છે.’ ત્યારે શિષ્ય બોલ્યો : “જ્ઞાન તો ગુરુ કૃપાથી જ મળે. એ તો મને તમારી પાસેથી જ મળશે.’ ગુરુએ કહ્યું : ‘એ તો ખરું, પણ તારા ચહેરા ઉપર જ્ઞાનની ચમક દેખાય છે, તો શું તને કોઈએ કાંઈ જ્ઞાન આપ્યું ?” શિષ્યે જવાબ આપ્યો : “અન્યે મનુષયેભ્ય: – મને કોઈ માણસે નહીં, કોઈ બીજાઓએ જ્ઞાન આપ્યું.”

તેને  બળદે કંઈક જ્ઞાન આપ્યું, હંસે આપ્યું, અગ્નિએ આપ્યું અને મગદુ નામના પક્ષીએ આપ્યું. આ ચારેય જણે તેને  શું – શું જ્ઞાન આપ્યું, તેનું વર્ણન ઉપનિષદમાં છે. પછી ગુરુએ કહ્યું : ‘તને જે જ્ઞાન મળ્યું છે, તે બહુ સારું છે.’ પછી જે મળ્યું હતું તેની પૂર્તિમાં જે કહેવાનું હતું, તે ગુરુએ તેને કહ્યું.  તાત્પર્ય એ છે કે ઉપનિષદોના ગુરુ વિદ્યાર્થીઓને ઊંચી દીવાલોની અંદર નહોતા રાખતા, એમને તો કુદરત વચ્ચે મૂકી દેતા. ભગવાનના એ ખુલ્લાં દરબારમાં જ્ઞાન દેનારા અસંખ્ય ગુરુઓ હાજરાહજૂર છે..! પહેલાંના જમાનામાં આપણે ત્યાં વિદ્યા શહેરોમાં નહીં ; નદી કાંઠે, જંગલોમાં કે દુર્ગમ સ્થાનોમાં પાંગરી હતી. તેનો સંબંધ રોજબરોજ જીવાતા જીવન સાથે અને કુદરત સાથે રહ્યો હતો.

શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તેનો બહુ ઊંડાણથી વિચાર વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ તથા છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યા : 

(૧) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર 

(૨) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ 

(૩) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા 

(૪) સામાજિક (નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે… 

(૫) કલાવિષયક (છંદસ) : સંગીત, ચિત્રકળા વગેરે. 

(૬) વ્યવહારિક (જ્યોતિષ) : અંક – બીજ – રેખા ગણિત, જમા – ખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે. 

શિક્ષણના આ મુખ્ય છ અંગો છે. આ બધી બાબતોમાં ઓછું – વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે… પણ આજે આપણે તેના માળખાગત – ચોકઠાબદ્ધ – ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે ‘તે શા માટે ?’ નું હાર્દ મરી જાય છે અને ‘તે આ જ રીતે..’ ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે… તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું ! શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું ય આવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં મા બાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ઘરમાં મા, ‘વગર અભ્યાસક્રમની’ પહેલી ગુરુ… મા નો અભ્યાસક્રમ એટલે ‘અભી આયા સો ક્રમ..’ તે ત્રણ ઉદાહરણોથી જાણીશું,,, આપણને થશે કે  અભ્યાસક્રમ વગરના ઉદાહરણો જીવન શિક્ષણનાં…? પણ આ રહ્યા…

(૧) એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ મોટું મસ્સ ફળ. ઘણી બધી પેશીઓ  એમાં હોય. બાળકોને ખૂબ ભાવે. ઝાડ ઉપર હજુ પાકતું હોય ત્યાં બાળકોના મ્હોંમાં પાણી લાવે. રાહ જોઈને જ બાળકો દિવસો ગણે. ઝાડ ઉપરથી જેવું ફળ ઊતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં મા બબ્બે પેશી વાડકીમાં મૂકી વિનીયાને  આપે, દત્તુને આપે ને કહે : ‘બેટા, પડોશમાં દઈ આવ. ફણસ આપણા ઘરમાં ઉગ્યું પણ તેનો પડછાયો તો ત્યાં ય પડેલો ને ?’ બાળકોને પછી પેશી પીરસતાં મા સાદી ભાષામાં સમજાવતી કે, જુઓ બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે તે ? દેવ થવું સૌને ગમે. જે પોતાની પાસે રાખી મૂકે તે ‘રાક્ષસ’ અને બીજાને જે ‘દે’ તે ‘દેવ’.. વિનીયો તે વિનોબાજી ! તેઓ કહેતાં : ‘બીજાને આપવાનો આનંદ, ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. ભૂદાનનું મૂળ પણ આમાં જ છે.’ 

(૨) મા વિનીયાને રોજ જમતાં પહેલાં પૂછતી – ‘વિન્યા, તુલસીને  પાણી પાયું ? ગાયને રોટલી આપી ? કાગને કંઈ આપ્યું ?’ આટલું રોજ પૂછતી મા એ વિનોબાજીને કહ્યા વગર | ત્યેન ત્યક્તેન ભૂંજી થાઃ | સમજાવી દીધું. 

(૩) પિતાજીની વડોદરામાં નોકરી. વિનાયક દસ વર્ષનો થયો ત્યાં સુધી કુટુંબ ગાગોદરામાં રહેતું. દિવાળીમાં પિતાજી  ઘેર આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતાં હોય. એકવાર પિતાએ આણેલું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો મા પાસે પહોંચ્યો. મા એ ખોલીને જોયું તો બે પુસ્તક : રામાયણ અને ભાગવત ! મા કહે – ‘બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે. આનાથી રુડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે ?’ મોટાં થયા પછી પણ વિનોબાજીને સુંદર પુસ્તક કરતાં વધારે સારી મીઠાઈ કોઈ લાગતી નહીં…! 

આ ત્રણ ઉદાહરણોમાં મા એક ઉત્તમોત્તમ શિક્ષક નીવડે છે અને અહીં ક્યાં છે અભ્યાસક્રમ, પણ છતાં છે ને શિક્ષણ, જીવનભરનું શિક્ષણ…? એટલે પ્રશ્ન થાય કે જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

અભ્યાસક્રમ એટલે શું ? ‘મારે શું શીખવવાનું છે અને મારે આ શા માટે શીખવવાનું છે,’ તેની પૂર્ણ સ્પષ્ટતા…કેવી સ્પષ્ટતા ? એકવાર કોઈએ વિનોબાજીએ પૂછ્યું : ‘શિક્ષણમાં સંગીત અને ચિત્રકળાનો ઉદ્દેશ શો ?’ જવાબ મળ્યો તે વાંચજો એટલે ‘પૂર્ણ સ્પષ્ટતા’ મળી  જશે : ‘આ દુનિયામાં ભગવાનના નામ અને રૂપ, એ જ બે પ્રગટ થયા છે, બાકી ઈશ્વર તો અવ્યક્ત છે. સંગીત દ્વારા ઈશ્વરનું નામ ગવાય અને ચિત્રકળા દ્વારા ઈશ્વરનું સ્વરૂપ ચીતરાય, એટલે શિક્ષણમાં બંનેને મહત્વનું સ્થાન હોય !’ શીખતાં શીખતાં જીવીએ તો અભ્યાસક્ર્મની જરૂર પડે, પણ જીવતાં જીવતાં શીખીએ તો ? તો જિંદગી એક વણલખ્યો અભ્યાસક્રમ બની રહે કે નહિ,,હા કે ના, ?