શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?

આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની                    (50)                     bhadrayu2@gmail.com 

શ્રીમદ ગીતાના ૧૩ માં અધ્યાયમાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ’ એવા શીર્ષકથી આપણી સમક્ષ શ્રી ભગવાન ૩૪ શ્લોકોમાં એક વિશિષ્ટ વાત નિરૂપી રહ્યા છે. 

આ અધ્યાયને શ્રી રવિશંકર મહારાજ કેટલાક નાના નાના વિભાગોમાં વહેંચે છે. આ તકે મને એ નોંધતા બહુ આનંદ થાય છે કે શ્રી રવિશંકર મહારાજ દ્વારા લખાયેલા ગીતાબોધવાણી એ મારા તમારા જેવા લોકોને સરળતાથી મગજમાં ઉતરી શકે તેવી રીતે લખાયેલું ભાષ્ય છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ તો એ ઘણું સારું કહેવાય  

‘ક્ષેત્ર–ક્ષેત્રજ્ઞ–વિચાર’  આ પહેલા ક્ષેત્રમાં પહેલા બે શ્લોકનો સમાવેશ છે. અહીં વાત ક્ષેત્રની છે. બીજી વાત ક્ષેત્રજ્ઞની છે અને ત્રીજી વાત એ બંનેના યોગની છે. ક્ષેત્ર એટલે કે શરીર. ક્ષેત્ર એટલે ખેતર, ખેતર એટલે જેમાં વાવીએ એ,  ઊગે જેવું વાવીએ તેવું ઊગે અને પછી એ આપણે ભોગવવું પડે.  આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે આવી ચોખ્ખી અને સાદી વાત પહેલા શ્લોકમાં શ્રી ભગવાન કહે છે. હે ભારત ક્ષેત્રજ્ઞ એ કોણ એવો પ્રશ્ન થાય તો એના જવાબરૂપે સુંદર રીતે આપણને કહેવામાં આવ્યું કે સર્વક્ષેત્રોમાં બધા શરીરોમાં જે ચૈતન્ય છે એને તું ક્ષેત્રજ્ઞ જાણજે, જેને ક્ષેત્રજ્ઞ કહે છે તે હું પોતે છું માટે મેં ઓળખ. આ બધું મારાથી થાય છે. મારો અંશ તેમાં રહેલો છે તેનો મલિક હું છું. શરીર અને માલિકને ઓળખી જાય એનાથી કોઈ દિવસ પાપ ન થાય. આ બંનેને પુરેપુરા ઓળખી લે તેને જ્ઞાન કહેવામાં આવે. શરીરને સાચવવું જોઈએ શા માટે ? કારણકે કામ કરવા માટે એની જરૂર પડવાની છે અને કામ કરી શકે એટલે સાચવી રાખવું જોઈએ. શરીરને સાચવવું પડે એટલે શું ? જમવું પડે પણ શું ખાવું, શું ન ખાવું, કોની પાસે જમવું, કોની પાસે ન જમવું, એને કામ સોંપવું હોય તો કયું સોંપવું, કયું ન સોંપવું આ બધી બાબતો જે છે એને જાણે છે તેને યોગી કહ્યો છે.

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ જેમાં ત્રીજો અને ચોથો શ્લોક સમાયો છે. શરીર એક ક્ષેત્ર છે, પણ એ કેવું ક્ષેત્ર છે, ક્ષેત્ર એ કેવા વિકારવાળું છે, એનો પ્રભાવ શું છે, એની તાકાત કેટલી છે આ બધી જ બાબતોનું વર્ણન ભગવાન અહીં કરે છે. આખા શરીરની ઉત્પત્તિ, એના વિકારો અને શરીરના રહસ્યની વાતો હે અર્જુન, હું તને ટૂંકમાં કહું છું. વિકાર એટલે ફેરફાર. દૂધમાં દહીં છે એની ખબર નથી, દૂધમાં દહીં ભેળવવા થોડું નાખવાથી દૂધનું દહીં થાય જેને આપણે મેળવણ કહીએ છે. દહીંમાં માખણ છે અને ઘી પણ છે, એની ખબર નથી પરંતુ એને વલોવી નાખીએ એટલે માખણ થાય અને પછી એને બરાબર તાવીએ એટલે ઘી નીકળે તો એનો અર્થ એવો કે દૂધમાંથી દહીં, ઘી, માખણ થાય એ હકીકતમાં તો વિકાર કહેવાય. દૂધમાં થયેલો વિકાર. એક સુંદર ઉદાહરણ બહુ ટૂંકમાં નોંધીએ તો મુંબઈમાં એક પારસી સ્ત્રી હતી. એમના નોકરે દહીંમાંથી ઘી બનાવ્યું એ જાણીને તો એ ખુશ ખુશ થઇ ગઈ ! એ બધાને કહેવા લાગી કે, મારા નોકરે ઘી બનાવ્યું. એ બહેનને ખબર નહોતી કે, આ ઘી નોકરે બનાવ્યું નથી. ઘી દૂધમાં હતું જ, માખણ દૂધમાં હતું જ, દહીં દૂધમાં હતું જ, એમ આ ક્ષેત્રમાં ઘણા વિકાર છે. એમ જ આપણું શરીર વિકારવાળું છે. 

ક્ષેત્રનું સ્વરૂપ  જેમાં પાંચમો અને છઠ્ઠો શ્લોક આવે છે . જુદા જુદા પદોમાં તો દ્રષ્ટાંતો અને નિશ્ચિત દલીલો આપીને એનું વર્ણન થયું છે,… છતાં ભગવાન કહે છે કે,  હું તને શરીર વિષે પહેલા થોડી વાતો કરું. પાંચ મહાભૂત છે પૃથ્વી, આકાશ, વાયુ, જળ(પાણી) અને પ્રકાશ (તેજ). હવે પ્રશ્ન થાય કે આ પંચમહાભૂત શેમાંથી બન્યા ? પરા પ્રકૃતિમાંથી તે ઉત્પન્ન થયા અને એમાંથી  અહંકાર થયો. આ પાંચ મહાભુતો અને દસ ઇન્દ્રિયોને અહંકાર પોષણ પૂરું પાડી રહ્યો છે. દસ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂત અને એના પાંચ વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા મળીને વીસ થાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ ઉમેરીએ તો ચોવીસ થાય. ઇન્દ્રિયોને ચાલવાનો પણ એક માર્ગ હોય છે જેને ગોચર કહેવામાં આવે છે. જીભને ચાખવાનો રસ્તો, નાકને સૂંઘવાનો રસ્તો, કાનને સાંભળવાનો રસ્તો, આંખને જોવાનો રસ્તો, ચામડીને અડવાનો રસ્તો આ બધા રસ્તામાંથી વિકાર ઉત્પન્ન થાય, ઈચ્છા, દ્વેષ, સુખ, ધૃતિ, સંઘાત અને ચેતન શક્તિ આ વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે. શ્રી રવિશંકર મહારાજે સરસ કહ્યું છે કે, ઇન્દ્રિયો આપણા શરીરમાં ઈંદ્રિયોરૂપી ગોખલા  છે, એમાં બહારથી આવેલા વિકારો ભરાય જાય એટલે આ ક્ષેત્ર વિકારવાળું કહેવાય. 

જ્ઞાનનું સ્વરૂપ જેમાં સાત થી સત્તર  શ્લોકોનો સમાવેશ થાય છે. જ્ઞાન તો અદ્રશ્ય છે તો જ્ઞાનને જાણીશું કઈ રીતે ? શરીરને ચલાવવું છે તો ચલાવવા માટે જ્ઞાન જોશે. બધામાં જ્ઞાન તો હોય છે,  હવે જ્ઞાનની વ્યાખ્યા શી ? જ્ઞાન તો અદ્રશ્ય વસ્તુ છે પણ જ્ઞાનીનાં લક્ષણ પરથી એમ કહી શકાય કે, આને જ્ઞાન કહેવાય. મને ઘરમાં સંજવાળી કાઢતા કોઈ જોઈને કહી શકે કે મને ઘરમાં સંજવાળી કાઢવાનું જ્ઞાન છે. શું એવું છે કે બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?  ના ના એવું કશું નથી. જ્ઞાન સાચવવાના કેટલાક સાધનો છે. અને જ્ઞાન પ્રાપ્તિના કેટલાક સાધનો છે. જ્ઞાનના  લક્ષણો અહીં શ્લોક સાત થી અગિયારમાં  દર્શાવ્યા છે અને જ્ઞાનીનાં વીસ લક્ષણો  પણ અહીં આપણી સમક્ષ ભગવાને મૂકી આપ્યા છે. સમજવા જેવી વાત એ છે કે કેટલાક શબ્દો જ આપણને લક્ષણોની સમજ આપે છે. દા.ત. શ્રેષ્ટતાના અભિમાનનો અભાવ (અમાનીપણું), દંભાચરણનો  અભાવ (અદંભીપણું), પ્રાણી માત્રને કોઈપણ રીતે ન સતાવવું (અહિંસા), ક્ષમાભાવ, મનની વાણીની સરળતા, શ્રદ્ધા ભક્તિ સહિત ગુરુદેવની સેવા, બહાર ભીતરની શુદ્ધિ, અંત:કરણની સ્થિરતા અને મન તથા ઇન્દ્રિયો સહિત  શરીરનો નિગ્રહ …આ થયા જ્ઞાનના મૂળભૂત લક્ષણો. વળી, ઈદ્રિયોના વિષયમાં વૈરાગ્ય, અહંકાર ન કરવો, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિમાં દુઃખ કે દોષોનો વિચાર ન કરવો, અનાસક્તિ, સ્ત્રી-પુરુષમાં મમતા ન રાખવી, પ્રિય અને અપ્રિય બાબતોમાં સમભાવ રાખવો, ઈશ્વર પ્રતિ અનન્ય ભાવથી અટલ ભક્તિ, એકાંત દેશનું સેવન, જન  સમૂહમાં જવાની અરુચિ, નિત્ય અધ્યાત્મજ્ઞાનનો અને તત્ત્વજ્ઞાનનો વિચાર કરવો …આ સઘળું જ્ઞાન છે અને આનાથી ઉલટું અજ્ઞાન છે. શ્રી ભગવાન કહે છે કે, જેને જાણવાથી અમરપણું પામી શકાય  છે તે જ્ઞેય  હું તને કહી રહ્યો છું. તે જ અનાદિ પરબ્રહ્મ છે. તે બધે વ્યાપી  રહેલ છે. તેનામાં  બધી ઇન્દ્રિયોનો આભાસ છે,  છતાં તે ઇન્દ્રિયો રહિત છે. તે ગુણ  રહિત છે,  છતાં ગુણોનો ભોક્તા છે. આ કેવી રીતે શક્ય બને ? તેવો પ્રશ્ન આપણને થાય તે સ્વાભાવિક છે. યાદ કરો તે વેદનો મંત્ર : પૂર્ણ મદ: પૂર્ણ મિદં … “એ પૂર્ણ છે ને આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો શેષ રહેલું પણ પૂર્ણ હોય છે.” અરે ઉપનિષદમાં પણ એક મંત્રનો અર્થ એવો થાય છે કે, કેટલાક ખુબ દોડે છે પણ એ બેઠેલો છે, છતાં એ દોડનારથી આગળ છે. 

બસ એમ જ અહીં અન્યોન્યથી વિપરિત દ્વન્દ્વો છે. તે ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે, તે સ્થિર છે અને તે ચલિત પણ છે, તે દૂર છે ને તે પાસે પણ છે. આ જ્ઞેય  આત્મા અવિભક્ત છે,  છતાં વિભક્ત જેમ ભૂત માત્ર માં રહે છે. અને સત્તરમાં  શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે, તે જ્યોતિઓની જ્યોતિ છે, તે અંધકારથી પર છે, તે જ જ્ઞાન છે, તે જ જાણવા યોગ્ય છે , તે બધાના હૃદયમાં રહે છે. 

એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !

બારમા અધ્યાયને અંતે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં …

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

(49)

આપણે શ્રીમદ ભગવદ ગીતાના છાસઠ ટકા ભાગની સમજ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આવો, આપણે વિનોબાજીની દ્રષ્ટિએ અધ્યાય સાતથી અધ્યાય બાર સુધીનું વિહંગાવલોકન કરી લઈએ. 

અધ્યાય સાત : 

આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે જ એક જ છે. આમ હોવા છતાં

માણસ મોહમાં પડે છે. વાનગીઓ જોઈ આપણે વિવિધ પ્રકારના વિરોધી તેમ

જ સારા નરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ

અનુભવવી હોય તો વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને

ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ

ટાળવાનું બની શકે.

ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મની તુષ્ટિપુષ્ટિ

થતી નથી. સાચા આનંદનો પત્તો લાગ્યો નથી તેથી માણસ પડછાયાથી ભૂલીને

તેની પાછળ પડ્યો છે. સાચું સ્વરૂપ તમે જો સમજશો, તેનો આનંદ એકવાર

ચાખશો એટલે પછી બીજું બધું ફિકું લાગશે. એ ખરા આનંદને શોધી કાઢવાનો

ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે.

ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનારો (૨) નિષ્કામ

પણ એકાંગી ભક્તિ કરનારો (૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો.

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારમાં ત્રણ પ્રકાર છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી..કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે. આર્ત (નિષ્કામ) ભક્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો. તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. જિજ્ઞાસુ (નિષ્કામ) ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય. તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. અર્થાર્થી (નિષ્કામ) ભક્ત હરેકેહરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે. તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે. જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ જ હશે. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષી બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે. એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે તેનો જ અભ્યાસ કરતાં કરતાં જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે.

 અધ્યાય આઠ 

જીવન એટલે સંસ્કારસંચય ! સંસ્કાર સારા-નરસા હોય છે અને બંનેની       માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે.

મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ?? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાતદિવસ ચાલતું હોય તે અંતઘડીએ સાથે રહે.

હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ, એવી હંમેશ મેહનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું.

સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહાઆનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે.

નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં. નામસ્મરણ તત્ત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ.

અધ્યાય : નવ

હરિનામ નો અપૂર્વ મહિમા નવમાં અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે.

વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો ?  આપણું રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. “તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે…” નવમો અધ્યાય એવું કહે છે. ટૂંકમાં, બધાંય કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધભાવના થી કરેલું અને સેવા નું હોય તો તે યજ્ઞરૂપ જ છે.

નવમાં અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો.

ઈન્દ્રિયો પણ સાધન છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. ઈન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે તેથી હરેક ઈન્દ્રિય ઇશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે.

શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો એટલે બધું યે રુચિકર અને સુંદર બનશે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. છોકરાં પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓ ની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ??

સર્વે કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે, એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું.

અધ્યાય :દસ 

દસમા અધ્યાયમાં ઇશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે નીચેના મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે:

અ) બાલબોધ રીત: પહેલાં મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ‘ક’ તેનો તે જ, પણ પહેલાં તે મોટો ને પછી તે જ નાનો. પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવા ને પછી ગૂંચવણભર્યા જોડાક્ષરો.

બ) માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલાં તો મા, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો..આ ક્રમમાં સ્વીકાર કરતાં જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય.

વિનોબાજીએ આપણને  સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યાં :ü  પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે. ü  સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. ü  પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. ü  વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. ü  અગ્નિ એ નારાયણ છે. કેવો હૂંફાળો ! કેવો તેજસ્વી !

વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન  કરાવે છે : ü  વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઉભા છે. ü  ઘોડો, કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! ü  સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. ü  વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ, આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો.

આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો ને પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલાં પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાય વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવ્યાં :: સર્પમાં,,વાનરમાં,, મોરમાં,, કોકિલમાં,, કાગડામાં,, અને છેવટે દુષ્મનમાં પણ,,,!!

આમ, આપણે તો સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

અધ્યાય :અગિયાર 

આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે.

આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે.

ત્રણ કાળમાં અને ત્રણ ય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઇચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે.

જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થલાત્મક જગત આખુંય એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ, ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું છે.

અધ્યાય : બાર 

અધ્યાય છ થી અધ્યાય અગિયાર એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે.

સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે. સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે. બંનેની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે.

સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે. સગુણ ઉપાસકને સારુ ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. ટૂંકમાં, બન્ને રીત ઇન્દ્રિયનિગ્રહની છે. ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો.

સગુણ પૂજા સહેલી છે. નિર્ગુણ પૂજા અઘરી છે. બાકી બન્નેનો અર્થ એક જ છે. નિર્ગુણ જ્ઞાનમય છે ને સગુણ પ્રેમમય-ભાવનામય છે. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે.  નિર્ગુણમાં સ્વાવલંબન છે.

ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવા જોઈએ. ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી: (૧) વ્યક્તિનિષ્ઠા (૨) તત્ત્વનિષ્ઠા (૩) સંઘનિષ્ઠા.

નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો !!  ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બન્નેનો અંતિમ અનુભવ એક જ છે. ટૂંકમાં, સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. છેવટે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં .

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન એવા નોખાં અનોખાં વ્યક્તિત્વોને મળવાનું થાય છે કે આપણે સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ સાથેના હળવા અને છતાં માર્મિક સંવાદમાંથી તો જીવનના કેટકેટલાય આયામો સામેના પડળ ખુલી ગયા. એક વ્યક્તિ પોતાના વતન માટે માતૃભૂમિ માટે હૃદયથી કેટલો ભાવુક હોય છે !! રાહુલ શુક્લની વાતોમાં નિજી મૂલ્ય વ્યવસ્થાનો રણકો સાંભળવા મળ્યો. આવો, તેમના જ કેટલાક શબ્દોને સાંભળીએ…

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. તો પછી ૧૪૦૦ ડોલર ની લોન લઈને હું અમેરિકા ગયો. અને કારમી ગરીબી કારણ કે કોલેજની ફી એ બધું ભરો પછી ૧૪૦૦ ડોલર પછી કંઈ  હતું નહીં એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… તો આના લીધે થયું શું કે મને અત્યારે પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે. હું કોઈ દિવસ એવું નથી વિચારતો,  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણકે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. એટલે મેં જે જે કામ કર્યાં .. મને છે ને તમે કોઈ પણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું… નખરે વાલી… એમ કરીને એટલે એને લીધે જે જિંદગીમાં આ સફળતા પણ વધારે  છે. જયારે તમે કોઈ ન ગમતું કામ મોઢું ચડાવીને કરો તો.. તમે મારા મધર એમ કહેતા કે. રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. એક વાર મેં સમર જોબ લીધો હતો અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન લઈને જવાનું સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫ ૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫ ૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી. તે મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા અને તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ. પાછો ક્યાંથી આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter son ? મેં કીધું how would I Come back એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને ૧ ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા,  પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો એ kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, it pass it on તો અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારે પેલા કાકાના  ૧ ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે એ હું ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું…” 

“મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”

લક્ષ્મણની ભક્તિ સગુણ હતી, જયારે  ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતા.

ભદ્રાયુ વછરાજાની                     (48)               bhadrayu2@gmail.com 

શ્રી ગીતાનો બારમો અધ્યાય ભક્ત અને ભક્તિને ચોતરફથી સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે, ‘ખરેખર યોગી પુરુષ કે ભક્ત પુરુષને કશું ભાન હોતું નથી.. તે બધા કર્મો મને સમર્પણ કરીને મારું ધ્યાન કરતા કરતા અનન્ય યોગથી મારી ઉપાસના કરે છે. તે મને ખુબ ગમે છે. માત્ર ભક્તિમાં લીન થઇ જવાનું. હે પાર્થ, મારામાં જ જેમનું ચિત્ત લાગેલું હોય છે તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરું છું.’ 

ભગવાનના ગુણ કેવા છે ? આપણામાંથી કોઈ એક ગુણ તમસ, રજસ, કે સત્વમાંથી ચળી જાય તો તેનું સંતુલન રહેતું નથી. ભગવાન કહે છે કે, “ મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને સ્થિર કર એમ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ એ બાબતમાં કોઈ સંદેહ રાખ નહીં.” એને ખબર છે કે અર્જુન સંદેહ કરનારો છે એટલે ખાસ આદેશાત્મક રીતે કહે છે, “હે ધનંજય, જો તું મારામાં તારું ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો મને અભ્યાસયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”  જે કંઈ કરીએ એ ભગવાનને માટે કરવાનું છે અને એમ કરશું તો એ પાપ નહીં થાય. એક વાત સતત ગીતામાં કહેવાણી છે કે, ‘કર્મ કરવું  એ આપણો ધર્મ છે પણ એનું ફળ છોડતા રહેવું  એ ધર્મ સાચો છે.’

ધીમે ધીમે કરતા એક એક શ્લોકની અંદર અર્જુનને અહેસાસ કરાવતા જાય છે કે ભક્તિયોગ શું છે ? ભક્ત કેમ બનાય ? કહે છે,  

  1. સદા સંતુષ્ટ યોગનો અભ્યાસ કરનાર સંયમી અને દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે મારો ભક્ત મને પ્રિય છે.

પૂર્ણતઃ  શરણે જવાની વાત અહીં ભગવાન કરે છે. 

  1. જે મારો ભક્ત ઈચ્છા રહિત, પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથારહિત અને સકામ કર્મોનો આરંભ નહીં કરનારો છે એ મને પ્રિય છે. 
  2. જે હર્ષ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી, જે શોક પણ કરતો નથી, કોઈની આશા કરતો નથી એ શુભ તથા અશુભ બંનેનો ત્યાગ કરે છે એવો જે ભક્તિમય છે તે મને પ્રિય છે. 
  3. જે શત્રુ અને મિત્રની બાબતમાં, માન અને અપમાનની બાબતમાં સમભાવ રાખે છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખની બાબતમાં પણ સમભાવ ધારણ કરે છે જેને ભોગો ઉપર આસક્તિ નથી તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. 
  4. જે સ્તુતિ અને નિંદાની બાબતમાં સમાન છે. જે મૌન ધારણ કરે છે, જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, જેને પોતાનું કોઈ સ્થાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે એવો જે ભક્તિમાન મનુષ્ય છે તે મને પ્રિય છે. 
  5. ભગવાન છેલ્લે બહુ દ્રઢપણે કહે છે કે જે શ્રદ્ધા રાખનારા અને  મને પરમ શ્રેષ્ઠ માનનારા ભક્તો અહીં ધર્મયુક્ત અમરજ્ઞાનનું સેવન કરે છે તે મને અત્યંત પ્રિય હોય છે. 

ભક્તિયોગમાં પ્રવેશેલા અર્જુનને સતત રીતે ભક્તના એક પછી એક લક્ષણો જે ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યા છે એ આમ જોઈએ તો અગાઉના બધા જ બે થી અગિયાર અધ્યાય સુધીમાં કહેવાઈ  ગયા છે. અહીં પ્રશ્ન બહુ બુદ્ધિપૂર્વક પુછાયો છે, એટલે એનો જવાબ વિસ્તૃત રીતે આપણને મળ્યો છે. 

માછલી જેમ પાણીથી અળગી રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, સ્ટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે કે ? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારુ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી.

ભરત નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, “મારે રામને મળવું જોઈએ.” રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું, જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. “હે રામ, તમારું આ રાજય છે. તમે…” એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, “ભરત, તું જ રાજ ચલાવ.” ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે, “તમારી આજ્ઞા મને કબૂલ છે.” રામ કહે તે કબૂલ, તેણે બધું જ રામને સોંપી દીધું હતું.

પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજ જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડો ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું. બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી. એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. આમ, ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો, એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.

જગતમાં એક જ લક્ષ્યની સાધના કરવાના બે માર્ગ છે. કોઈ સાધક પરમાત્માના સગુણ સાકાર વ્યક્તરૂપની આરાધના ઉપાસના કરે છે, એને ખબર છે કે એક મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેની પૂજા કરે છે, તેને જમાડે છે, તેને સુવાડે, તેને ઉઠાડે છે,, જયારે બીજા સાધકો નિર્ગુણ નિરાકાર અવ્યક્તનું ધ્યાન કરે છે. એને મન કોઈ મૂર્તિની જરૂર નથી, એને મન કોઈ મંત્ર કે ભજનની જરૂર નથી, એ આંખ બંધ કરે છે, પોતાનામાં ઊંડા ઉતરે છે અને તેને જે શાંતિ પ્રાપ્ત થાય છે એના આધારે તે ઈશ્વરની પૂજા કરે છે. યાદ એ રાખવાનું છે કે બંને નિષ્ઠાવાળા છે અને પોતપોતાના માર્ગ પર આગળ વધે છે પણ અર્જુન અહીં પૂછે છે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ ? આપણે અગાઉ પણ કહેલું છે કે જયારે સરખામણી આવીને ઉભી રહે છે ત્યારે એ સરખામણી ઘણી બધી રીતે આપણને વ્યગ્ર કરે છે. ભગવાન વ્યગ્ર થયા વગર સતત એવું કહે છે કે, તમારે સાચા ભક્ત થવું હોય તો ત્રણ ગુણ જરૂરી છે. પરમ શ્રદ્ધા, ઉપાસનામાં સાતત્ય અને ધ્યેય સ્વરૂપમાં મનની એકાગ્રતા. આ યુકતતમ વાત સાથે બારમા અધ્યાયનું સમાપન થઇ રહ્યું છે.

ઉત્તમ કોણ ? નિરાકારને ભજનાર કે સાકારની સેવા કરનાર ?

શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધાથી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે. 

ભદ્રાયુ વછરાજાની                         (47)                  bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવત ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ પર છે. અહીં કુલ ૨૦ શ્લોક છે અને ૨૦ શ્લોકમાંથી પહેલો શ્લોક અર્જુનના પ્રશ્નનો છે. અર્જુન એ પૂછવા માંગે છે કે જેમાં ભક્તિના સ્વરૂપોની અને ભક્તના પ્રકારોની વાત છે અને સતત ભક્તિમય રહેવા માટે ક્યાં માર્ગો સારા છે તેની ચર્ચાની અપેક્ષા છે. એમ કહી શકાય કે અર્જુનના એક પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બીજા ૧૯ શ્લોકનો ઉપયોગ કરે  છે. 

જાણવાનું એ રહે છે કે તપશ્ચર્યા શું છે ? સૌથી પહેલા તો અર્જુન જાણે કે આપણા મનનો પ્રશ્ન પૂછી નાખે છે, હે ભગવાન,  જે ભક્તો તમારી નિરંતર સગુણ ઉપાસના કરે છે ને જેઓ તમારા નાશ ન પામે એવા અવ્યક્તરૂપની ઉપાસના કરે છે એમાં ઉત્તમ કોણ ?  કેટલાક યોગીઓ ખુબ તપશ્ચર્યા કરે છે તેને ભક્તિ કહેવાય. અવ્યક્તની પૂજા કરીએ તો ધ્યાન વડે થાય અને વ્યક્તિની પૂજા કરવી હોય તો જેમાં પગ ચાપવાના, મંદિરમાં જવાનું, મૂર્તિની પૂજા કરવાની વગેરે બાબતો હોય. લક્ષ્મણ વ્યક્તિની પૂજા કરે છે અને ભરત અવ્યક્તની ભક્તિ કરે છે. 

નિરાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે સાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે એ મને કહો એમ ખરેખર અર્જુનનો પૂછવાનો અર્થ છે. ઉપાસના એટલે ભગવાનની પાસે બેસવું. ગુરુ ઉપાસના એટલે ગુરુની પાસે બેસવું અને ગુરુમય થઇ જવું. ગુરુ જે કહે તે કરવું એ ઉપાસના છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને થોડીવાર એકબાજુ રાખીને એવું કહે છે કે,  તું વ્યક્ત અવ્યક્તની વાત છોડ પણ પહેલા  જાણી લે કે,  શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને,  પરમ શ્રદ્ધા (પરમ શ્રદ્ધા એટલે ખુબ શ્રદ્ધા, એવી શ્રદ્ધા કે આ જ મારો ઉદ્ધાર કરનારો છે એવી શ્રદ્ધા) થી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનના ગુણ કેવા છે ? ભગવાનની મૂર્તિને  કોઈના પર આસક્તિ નથી, આરતી ઉતારીએ કે ન ઉતારીએ મૂર્તિને ખોટું ન લાગે. નૈવેદ્યમાં લાડુ મુકો કે ના મુકો તેમાં ફર્ક  પડતો નથી. પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ પોતાના ભાષ્ય ગીતા બોધવાણીમાં કહે છે કે, જે ભગવાનના ગુણોમાં જે ગુણોમય થઇ ગયો છે, તન્મય થઇ ગયો છે એમ પુજનાર મારી પાસે આવે છે, ચોક્સી ઘરેણાં દેખાવ જોઈને નહીં લે, પણ તે સોનુ છે કે નહીં તે પહેલા જોશે. એવી રીતે મારામાં મન પરોવે છે પછી એ માટીનો ઢગલો હોય કે પથ્થર હોય બધામાં મને જોઈને પૂજા કરે છે. હું જ છું એમ માનીને પૂજા કરે છે એ ભક્ત મારા માટે શ્રેષ્ઠ છે, એટલે પૂજાની વિધિને અહીં ભગવાને  પોતે , ભગવાનથી લઈને વ્યાપક જીવ સુધી વિસ્તૃત કરી આપી છે. 

‘જે મનુષ્યો મારા અવ્યક્ત, અચિંત્ય, અવર્ણનીય, સર્વવ્યાપક, સર્વોપરી, સ્થિત, અચંચળ, સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે.’  ભેદ કોઈ પ્રકારનો પાડવા માટે ગીતા સમર્થ નથી, કારણ કે  ગીતા સમન્વયવાદી છે એવું આપણે પાંચમા અધ્યાયમાં કહ્યું છે. જે બધા પ્રાણીઓનું હિત કરવામાં તત્પર છે, સર્વત્ર સમબુદ્ધિ રાખીને બધી ઇન્દ્રિયોનો સંયમ કરે છે,  સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે એ બધા મને પ્રાપ્ત કરે છે. અહીં સ્પષ્ટ થયું છે કે,  તમે સગુણની ભક્તિ  કરો છો કે નિર્ગુણની, નિરાકારને ભજો છો  કે સાકારને, મારી પાસે બેસીને પૂજા કરો છો કે નથી કરતા એને હું ભક્તિ ગણતો નથી. મને તો તે પ્રાપ્ત કરે છે કે, જે પોતાનું ઉપાસના કર્મ પૂર્ણભાવથી કરે છે, એકરૂપ થઈને કરે છે અને આ બધું કરવા માટે પોતે દશે ઇન્દ્રિયો ને મનને કાબુમાં લે છે,  પરિણામે એ સમબુદ્ધિ થાય છે. 

સમબુદ્ધિ એટલે બધાને સરખા ગણવા, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. આપણને ખ્યાલ છે કે ગાંધીજી પાણી પણ કરકસરથી વાપરતા. નાની લોટીમાં પાણી ભરે અને એમાંથી મોઢું ધોવે, કોગળા કરે આમ ગાંધીજી સર્વ ભૂતોના હિતમાં  રત થઇ ગયેલા, રમમાણ થઇ ગયેલા હતા તેથી એ આપણા સૌ માટે આજે પણ સ્મરણીય બન્યા છે. હનુમાન રામના અનન્ય ભક્ત. રામે સુગ્રીવ, અંગદ , વિભીષણ વગેરે બધાને  એમની સેવા બદલ રાજ્ય આપ્યું.  હનુમાને રામની ઘણી સેવા કરી એટલે સીતા મા એ હનુમાનને પોતાનો કિંમતી હાર આપ્યો, તો હનુમાને તે હાર તોડી નાખ્યો. હનુમાનને હાર તોડવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે,  આ હારમાં હું રામ જોતો હતો પરંતુ એક પણ મોતીમાં રામ ન દેખાયા. એટલે એક પછી એક મોતી  તોડી નાખ્યા. ‘રામ વગરનો હાર મારે શું કામનો ?’ તેથી નાખી દીધી. જો એવો કિંમતી હાર લે તો એમાં આખો સંસાર આવી જાય અને પછી એ સંસારને  સાચવવો પડે, એના માટે પેટી કરવી પડે, ઘર જોઈએ વગેરે વગેરે…હનુમાનજીએ એક જગ્યાએ શ્રી રામને સરસ કહ્યું છે કે,  તમે જેમને તરછોડી એ તરે કે ડૂબે ? પથ્થર કેમ રામ લખ્યા પછી તરે છે ? ડૂબતા નથી ? ત્યારે બહુ સુંદર જવાબ મળે છે કે,  ‘ભગવાન રામનું નામ જે પથ્થર ઉપર લખાય તે કદી ડૂબે ખરા ?’ આવી ભક્તિ જેનામાં છે એ સહેલાઈથી બધું પ્રાપ્ત કરી શકે.