શિક્ષણ અને કેળવણી

શિક્ષણ અને કેળવણી

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૩

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.

શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ  એક નથી.  બહુ ફર્ક  છે,  શિક્ષણ અને કેળવણીમાં.  

ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે : 

ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ 

ચોથું નથી માંગવું, બહુ  દઈ દીધું નાથ. 

કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે.  તેટલું  ઘણું છે. હવે કંઈ  વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે  ‘આ કેવી રીતે શક્ય છે ?’  જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો.. 

શિક્ષણ એટલે  જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને   કેળવણી એટલે  જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ.  બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે  હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ. 

અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે  જે ભણાવવામાં આવે  તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ  રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી.  મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને  લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં  જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને  હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું,  તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. 

કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય.  પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું.  મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો  હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે.  હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી  ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’  એમણે  જવાબ આપ્યો :  ‘ પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’  મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’  મેં કીધું, ‘ આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’  તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’  મેં કહ્યું કે,  ‘તો  આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’  તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં  હું તમને એક જગ્યાએ લઇ જઈશ’  અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે,  મારે શું જોઈએ છે ?  ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક  નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું  : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ..   તો કહે,  તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ  લીધી, તેની કિંમત  ચૂકવી દીધી  અને મને કહે, ચાલો આપણું કામ પૂરું.  આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે  લઈ  જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો  વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી.  હવે સમજાયું કે કેમ કોઈ કશું  કરવા ઘરે ન આવે. 

હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ  કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં  મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત  એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે,  અહીં સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે.  અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે.  છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ  સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે  પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.  

તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી  કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ  નથી,  કેળવણી  શબ્દ જ વાપર્યો છે. તો Education  એ શિક્ષણ છે,  પણ Training  એ ખરેખર કેળવણી છે.  કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી  શકીએ  જો  કરવાનું શીખ્યા હોઈએ ..

હવેના મા બાપે પણ સમજવું પડશે  કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે  અને કહે કે,  આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં  વિનોબાજીએ કહ્યું છે કે,  ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના  બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’   આ કેળવણી છે. હું મારું  કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે

સાફ કરવાનું.. મારા  કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.

શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે:  જ્ઞાનાત્મક, ભાવાત્મક અને  ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain)   જ્ઞાનાત્મક એટલે મસ્તક,  અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ  – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે:  ‘તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’ 

કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં  તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’.  એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું,  ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું  એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે.  એના બદલે હું એક કપડું  મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી  હું  રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું  કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ  ને ? પણ એ માટે આપણે જ  કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ આ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. 

ભદ્રાયુ વછરાજાની                             (56)                 bhadrayu2@gmail.com 

પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ. 

પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ આ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ  વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય  રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે.   છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ  અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે. 

શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે. 

  1. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે. 
  2.   જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની  ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે. 

આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે  દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે. 

પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા  રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે  કે કોઈની  અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

એક વિશેષ અનુભવ સાથે જૂનાગઢની ગિરી કંદરાઓની વચ્ચે પારસધામ ખાતે ચાતુર્માસ ગાળી રહેલ પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબનો અનુકૂળ સમય લઈને હું અસ્મિતા વિશેષ સંવાદ માટે પહોંચ્યો અને એક શીતળ ઝરણાની જેમ મહારાજ સાહેબની વાણીથી શાંતિ અનુભવી. તેઓશ્રીએ પૂર્ણ નિખાલસતાથી પોતાના પૂર્વાશ્રમની જીવન યાત્રા વર્ણવી. તેમાંથી થોડો ભાગ માણીએ  : 

“અમે બહુ નાની ઉંમરમાં એટલે કે ૧૩ – ૧૪  વર્ષની ઉંમરમાં લાઠીની અંદરમાં એક જનતા તાવડો કરીને એક દુકાન ખોલેલી. કેમ ? તો એ સમયે ફરસાણના ભાવ એટલા બધા વધી ગયેલા હતા કે સામાન્ય વ્યક્તિને જેની શાક લેવાની કેપેસીટી ન હોય એ, ખાલી સેવ નાખીને પોતાનું નાનકડું શાક બનાવીને જીવતા હોય એને  એ પણ મળી ન શકે એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને એ સમયે અમે પોતાના હાથેથી બનાવી બનાવી અને હજારો ગરીબોને વેંચતા. લાઇનોની લાઈનો લાગતી. અને અડધી કિંમત કરતા પણ અડધી કિંમતમાં એ સમયે આપતા હતા. ૧૩ – ૧૪ વર્ષની ઉંમરમાં, કેમ કે મૂળભૂતતામાં અમારો નેચર જ એ હતો કે પોતના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થાઓ. હું જયારે કલ્પના કરું ને ત્યારે સમજાય કે પોતાના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થવું એ કોઈ સ્કૂલના પાઠથી શીખાતું નથી એ તો આપણા અંતરમાં જનમ જનમના પાઠ  ભણાવાયેલા હોય છે અને તો જ એ આપણને સમજાતું હોય અને તો જ એ આપણને realize  થતું હોય અને તો જ આપણને કોઈના દુઃખ વખતે… મને યાદ છે કે  જયારે સાતમું પાસ કર્યું લાઠીમાં,  ત્યાર પછી હું આઠમા ધોરણમાં સ્ટડી કરવા માટે મારે અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં જવાનું હતું. અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પ્રવેશ  લેતી વખતે આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે જેમાંથી આવવાનો, જવાનો અને ભણવાનો આ ત્રણે ત્રણ ખર્ચ હું કાઢી શકું. મેં જયારે ઘરમાં આ વાત મૂકી કે કોઈ વાતની ના નથી પણ કોઈ વાતની હા કહેવા માટેની ક્ષમતા નહોતી. મને યાદ છે કે મેં અમરેલી પાંચ દસ પચીસ લોકોને વાત કરી કે મારે ભણવું પણ છે, પણ સાથે ક્યાંક મારી આ તેર વર્ષની ઉંમરમાં, કારણકે 8th  std  માં કોઈ બાળક ભણતું હોય એની ઉંમર તેર વર્ષની હોય તો, મારા તેર વર્ષની ઉંમરમાં જોબ જોઈએ છે.  મને આજે પણ યાદ છે કે અમરેલીની અંદર ટાવર રોડ પર એક સુવાસ બુકસ્ટોર કરીને એક બુકસ્ટોર જે આજે પણ છે એ બુકસ્ટોરમાં હું જોબ કરતો. સવારે સાડા  ચાર વાગે ઉઠું, સદા પાંચે રેડી થઈને છ વાગે લાઠીના બસ સ્ટોપ સુધી પહોંચી જાઉં. તેર વર્ષની ઉંમરે પાછળ દફ્તર હોય, હાલ્ફ કે ફૂલ પેન્ટ પહેરેલું હોય, mostly તો હાલ્ફ પેન્ટ જ પહેરેલું હોય અને બસમાં ચડવાનું અને જે અડધો કલાકનો ટાઈમ હોય ત્યારે પાછી બાકીની ઊંઘ પુરી કરી લેવાની  અને  બસ સ્ટોપ આવે એટલે ઉતરીને સીધો જયારે હું સુવાસ બુકસ્ટોર પર પહોંચું ત્યારે હજી તો સવારના માત્ર સાડા સાત જ વાગ્યા હોય.  દુકાનો બધી બંધ હોય, મારે જવાનું અંદર, ઉપર શેઠ પાસે જવાનું, ચાવી લેવાની, લોક ખોલવાના, લોક ખોલી અને જેટલા દરવાજા હોય ફૂલ સાઈઝના એને ઉપાડવાના ઉપાડીને અંદર મૂકી દેવાના એટલે આખી દુકાન ઓપન થઇ જાય,. બધા કાઉન્ટર બહાર કાઢવાના. ઝાડું મારવાનું, પોતું મારવાનું, બધા કાઉન્ટર ચમકાવવાના, બધી વસ્તુ લટકાવવાની ને બધું પ્રદર્શન કરવાનું, ત્યાં સુધીમાં એ અડધી કલાકમાં મારા સ્કૂલનો ટાઈમ થઇ જાય. ત્યાંથી ભાગી અને રાઈટ પોણા બે કિમી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ પહોંચવાનું,  ત્યાં દુકાને શેઠ આવી ગયા હોય એને દુકાન સોંપવાની અને નીકળી જવાનું. બાર વાગ્યા સુધી સ્ટડી કરી અને સાડા બાર વાગ્યે જેવો ક્લાસ પૂરો થાય એટલે ત્યાંથી ભાગતા. એક વાગે જોબ ચાલુ થઇ જતી હતી. એક વાગેએ પહેલા પહોંચી જવાનું. અને જે પાંચ સાત મિનિટનો સમય ભાગતા ભાગતા વધે ત્યાં  પહોંચી એ સમયમાં દફ્તરમાં નાનકડો લંચ બોક્સમાં ત્રણ ચાર થેપલા હોય,  એ થેપલા ફટાફટ ખાઈ લેવાના કેમ કે એક વાગે એટલે જોબ સ્ટાર્ટ થઇ જાય. એક ને પાંચ થાય તો પ્રોબ્લેમ થઇ જાય. 

થેપલાંની સાથે છુન્દો હોય તો હોય, ક્યારેક શેઠને એમ થાય કહે કે, જા  ઉપરથી દહીં લઇ આવ. દહીં લઇ આવું  ને થેપલા સાથે ખાવા મળે. હું સુવાસ બુકસ્ટોર વાળનો ઉપકાર એમ માનીશ કે એણે મને સેલ્સમેનશિપ કરતા શીખવાડી. કોઈ પણ વસ્તુની રજુઆત કેમ કરાવી, એ વસ્તુને કેવી રીતે સામે વાળાના હાર્ટ સુધી પહોંચાડવી.  હું એ તેર વર્ષની ઉંમરે (લગભગ આઠ નવ મહિના જોબ કરી હશે પણ) હું શીખી ગયો. એમણે મને બહુ સરસ રીતે શીખવાડ્યું. જીવનના આવા કેટલાય પ્રસંગોને મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

હું રોજ જયારે સુવાસ બુકસ્ટોરમાં શેઠનો બપોરનો આવવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો અને ત્રણ વાગે એટલે મારે એમની માટે દુકાને ચા લઈ આવવાની. એટલે ચાની લારી હતી ત્યાં હું જાઉં,  ઉભો રહું, એ ચાનો કપ આપે એ હું લઈને ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખીને ભીડની વચ્ચેથી આવીને હું શેઠને ચા પીવડાવું. મન તો મને પણ બહુ થાય પણ… હું જયારે પાછો કપ આપવા માટે જાઉં ત્યાં જ બરોબર એક લોટરી વાળાની દુકાન પર લોટરી વેચાતી હતી. એ સમયે ગુજરાત સરકારની ગુર્જર લક્ષ્મી લોટરી ચાલતી એ સમયે અને બન્યું એવું કે હું લોટરીની દુકાન ઉપર લોટરીની ટિકિટને ચેક કરું અને પછી એક દિવસ લોટરી લેવા માટે જે ઉભેલા હતા એ ભાઈઓને કીધું,  આ નંબરની લોટરી લઈ લે તને લોટરી લાગી જશે. પણ હું તને ટિપ્સ આપું તો તારે મને દસ રૂપિયા આપવાના કારણ કે એ સમયે પગાર હતો સુવાસ બુકસ્ટોરના કામનો માત્ર  ૭૫ રૂપિયા !!. એ ભાઈને કીધું તારે દસ રૂપિયા મને દેવાના.  તને ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા તો ઇનામ લાગશે જ.. અને બરોબર તે દિવસ થાય ને મને ક્યારે શેઠ ચા લેવા જવાનું કહે એની રાહ જોતો હોઉં. એ જેવું મને ચા લેવાનું કહે એટલે હું ઉભો રહી જાઉં, પેલા ભાઈની રાહ જોઉં. મેં એને કહી રાખ્યું હતું કે મને આ જ સમયે આવવા મળશે, બાકી નહીં મળે. પછી તો એને  પણ ખબર પડી ગઈ કે આ જ ટાઈમે આ છોકરો આવે છે. જેવી એની લોટરી લાગી ગઈ કે તરત કહે, લે, તારા દસ રૂપિયા. હું કહેતો કે, તમને એટલા બધા મળ્યા તો દસ વધારે આપોને. તો કહે : નહીં. બીજો નંબર કહે  તો આપીશ. એટલે હું પાછો બે ત્રણ દિવસ ચેક કરું એટલે એમાં કઈ હોય નહીં એટલે પેલો વ્યક્તિ ગુસ્સે થાય, પણ હું કહું કે એમાં કોઈ લાગવવાળો નંબર જ નથી. એ બહુ ગુસ્સે થાય,  નહીં તારે આજે કહેવાનું જ છે. આમ કે તેમ કે.. મેં કીધું મારે દુકાન જવાનું મોડું થાય છે. મોડું થાય તો  શેઠ મારશે,  કેમ કે શેઠની પડતી હતી  જો જરાક પણ મોડું થાય તો.  જરાક પણ ભૂલ થાય એટલે ફટાક.. જોરદાર પડતી. એટલે રોતા રોતા અંદર જઈને ફરી પાછો કામમાં લાગી જતો.  મને ખબર હતી કે જો જોબ નહીં હોય તો સ્ટડી નહીં થાય. .. મારા  જીવનના આવા કેટલાય પ્રસંગો મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

ભદ્રાયુ વછરાજાની                     (55)                bhadrayu2@gmail.com   

શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા  માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે  એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે. 

શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ન ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.

આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’

જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું  છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

આ  પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવ–તત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો  છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે,  હે અર્જુન,  સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે?  અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં  શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય જ પોતાના હ્રદયમાં સ્થિત આ આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું. 

પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે.  એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં  છે, અને જે પ્રકાશ  અગ્નિમાં  સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર  જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે. 

‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી

અશ્વસ્થ ને પાંદડે–પાંદડે વેદ લખેલા છે, એટલે પાંદડે–પાંદડે રામ નામ લખેલું છે.

ભદ્રાયુ વછરાજાની                (54)             bhadrayu2@gmail.com 

આપણે પંદરમાં અધ્યાય પ્રારંભે વિનોબાજીને યાદ કરીએ. 

પંદરમાં અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂર્ણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપે છે અને અધર્મો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર નામ આપ્યું છે. ‘અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું,’ – એમ ભગવાન છેવટે કહે છે.’… આ અધ્યાયમાં પરમાર્થની વાત પુરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. આવો આપણે બધાયે વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જતા અધ્યાય અંગે વિગતે સમજીએ. 

આ અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આ પંદરમાં અધ્યાય રૂપે આપણી સમક્ષ શ્રી ભગવાન બહુ મહત્વની વાત કરી રહ્યા છે  મહાત્મા ગાંધીએ ગીતા  શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના આધારે શ્રી નરહરી દ્વારકાદાસ પરીખે પુસ્તક તૈયાર કર્યું. જેમાં ગાંધીજીના પ્રવચનોની સદગત મહાદેવભાઇ દેસાઈએ લીધેલી નોંધ મૂકવામાં આવી છે. જેમાં  તારીખ 24 ફેબ્રુઆરી 1926 થી તારીખ 27 નવેમ્બર 1926 સુધીની નોંધનો તેમાં સમાવેશ છે. “ગુજરાત વિદ્યાસભા અમદાવાદ” દ્વારા તે 1955 ની સાલમાં એટલે કે સંવત 2012માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ એવું એક પુસ્તક આપણા હાથમાં છે કે જેના સારરૂપે એમની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર વાત આપણને કરવામાં આવી છે, જે જરા જોઈ-જવી જરૂરી બને છે. ‘જે રાગ-દ્વેષ રૂપી વિષ ની પીડાથી ઉપજતા મોહથી રહિત છે, પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપાથી પ્રેરાયેલો છે, અને જે સર્વગુણોથી સંસ્કારમાં છે તેને સર્વદા નમસ્કાર છે.’ બાપુએ આરંભ કરતા એવું લખ્યું કે, ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણ માંથી મળી છે. એમાં એની વિનંતી પણ છે, અને ત્રાગું  બંને પણ છે. જેનો અર્થ એવો થાય કે, ‘તું વિષ્ણુ હોય, ત્રિપુરારી શિવ હોય, ગમે તે હોય જો તું રાગ-દ્રેષાદીથી મુક્ત હોય તો તને નમસ્કાર છે.’ આ બહુ જ સિદ્ધ વાત છે કે ‘આપણા નમસ્કાર કોને થઈ શકે,?  મહાભારત ઐતિહાસિક ગ્રંથ નથી, પણ ધર્મગ્રંથ છે. બનેલી વાતને કહેવાનું સામર્થ્ય કોનું છે,? એક પાણીનું બિંદુ જોયું તેનું વર્ણન આબેહૂબ આપવાનું માણસમાં સામર્થ્ય નથી. એવો પામર ઈશ્વરે મનુષ્યને બનાવી મૂક્યો છે. ત્યાં બનેલી ઘટનાનું પુરૂ વર્ણન તો કોણ આપી શકે ? તેમાં આ યુદ્ધમાં તો લડનારા ધર્મથી, વાયુથી, ઇન્દ્રથી, અશ્વિનીકુમારથી ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો અને એક સમયે ઉત્પન્ન થયેલા 100 પુત્રો વચ્ચે છે એવી વાત ક્યાંય સંભવિત જાણી છે?’ એવો પ્રશ્ન ગાંધી પૂછે છે. 

દુર્યોધન અધર્મને રથે બેઠેલો હતો અને અર્જુન એ ધર્મને રથે ચડેલો હતો, એમ આ યુદ્ધ ધર્મ-અધર્મનું છે. સંજય ભક્ત હૃદય  છે. યુદ્ધ તો દૂર થાય છે તે જોવાની તેની શક્તિ નથી. એટલે તે જોવાને વ્યાસ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પણ એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે, જે યુદ્ધ આપણા શરીરમાં રહેલા અનેક કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહ્યું છે તેનું જ વર્ણન આમાં છે. અનેક ગુણો અને અવગુણો મૂર્તિમંત થાય છે તે ગુણ-અવગુણો નું આ યુદ્ધ છે. હિંસા-અહિંસા નો પ્રશ્ન વેગળો  રાખવો જોઈએ કારણ કે આ દ્વંદ્વ યુદ્ધમાં મનુષ્યનું કર્તવ્ય શું છે એ બતાવવા માટે આ ધર્મગ્રંથ લખવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. પંદર  માં અધ્યાયના 20 શ્લોકના વિવરણમાં ઉતરતા પહેલા આપણે એટલું જાણી લઈએ કે કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા તૈયાર થયેલ ‘ગીતા ધ્વનિ’ માં સમશ્લોકી નાની પુસ્તિકા જે ગ્રંથ સમાન છે તેમાં એમનું ગુજરાતી અક્ષરસ: થયું છે, અને તે વધુ પાચ્ય બન્યું છે. 

જાણવાનું એ છે કે શ્રી ભગવાન સૌ પ્રથમ અહીં અર્જુનને કહેવા માગે છે કે, સંસારરૂપી અશ્વસ્થવૃક્ષ નું સ્વરૂપ કેવું છે? સ્વ: એટલે આવતીકાલ, તેથી અશ્વસ્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, તેથી તે અશ્વસ્થ  છે. આ સંસારનું જેને યથાર્થ જ્ઞાન છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે’, આવો પહેલા શ્લોકનો અર્થ થાય છે. પહેલા શ્લોકમાં સંસારને તરી જવાનું સાધન બતાવ્યું છે, તો બીજા શ્લોકમાં સંસારને દિવ્ય-દ્રષ્ટિ એ વર્ણવ્યો છે. અજ્ઞાની દૃષ્ટિ વાળું વર્ણન બીજા શ્લોકમાં છે. 

આ જગતમાં કર્મ કરવા છતાં અલિપ્ત તો ત્યારે જ રહેવાના છીએ જ્યારે આ જગતને ઈશ્વરની લીલા ન સમજતાં તેને ભોગભૂમિ માની અસહયોગરૂપી શસ્ત્ર વડે મૂળમાંથી છેદી નાખીશું. એના મૂળ બીજી રીતે તો છેદી શકાય તેમ નથી, કારણ એ અનાદિ છે અને અનંત છે. એટલે અસહયોગનું શસ્ત્ર વાપરવાનું અહીં કહેવામાં આવ્યું છે. અશ્વસ્થ ને પાંદડે-પાંદડે વેદ લખેલા છે. એટલે પાંદડે-પાંદડે રામ નામ લખેલું છે. જગત ઈશ્વરની પ્રસાદી છે અને જગતરૂપી ઝાડ બ્રહ્માની નાભીમાંથી થયેલું છે. બીજું જગત એવું છે કે જેનું મૂળ નીચે છે, તેના પાંદડા વગેરે વિષયાદી છે એ જગત કામનામય છે. ‘પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જીવોને હું મારા તેજ વડે ધારણ કરું છું. સર્વ ઔષધિ , અન્ન, પાક માત્રને રસોનો ઉત્પન્ન કરવાવાળો સોમ થઈને હું પોષણ આપું છું.’