સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે : 

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.

ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

@ ચિન્મય વિભૂતિ, કોલવણ, મુલશી ડેમ પાસે, પૂના.

ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ચિન્મય મિશનની સ્થાપના ગુરુદેવ સ્વામી શ્રી ચિન્મયાનંદજીએ કરી છે. ઉદ્દેશ વેદાંત, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોનો કેવળ પ્રચાર પ્રસાર. બીજી કોઈ ઝંઝટ નહીં.

વિશ્વભરમાં, 300 થી વધુ મિશન કેન્દ્રો છે, 86 થી વધુ સ્કૂલ અને 09 થી વધુ કોલેજો છે જે લાખો વિદ્યાર્થીઓનું સંસ્કૃતિ અને સંસ્કાર ઘડતર કરે છે.

2017 માં UGC માન્ય ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ First Private Deemed To Be University in Kerala ની સ્થાપના થઈ છે, જે ‘de novo’ સ્ટેટસ ધરાવે છે, જેમાં 80% થી વધુ ફેકલ્ટી PhD છે, જ્યાં 49% વિદ્યાર્થીઓ scholarship ઉપર અભ્યાસ કરે છે, જ્યાંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થઈ ચૂક્યા છે અને 1000 થી વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે… આ ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ નું એક વિરલ અભ્યાસ કેન્દ્ર ચિન્મય વિભૂતિ, કોલવણ, પૂના ખાતે કાર્યરત છે જે ચિન્મય નાદ બિંદુ ગુરુકુલમ છે જ્યાં M.A. (સંગીત, નૃત્ય, ગાયન, વાદન વગેરે) નો અભ્યાસ કરાવવામાં આવે છે.

આ ગુરુકુલમ દ્વારા પ્રતિવર્ષ નાદ બિંદુ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં અમે ત્રણ દિવસ ભાગ લેવા આવ્યા છીએ, જેની ઝલક અહીં મૂકું છું. ગુરુજી સ્વામીશ્રી તેજોમયાનંદજી ની નિશ્રામાં આ ફેસ્ટિવલ સંગીત, નાટક, ગાયન, વાદનની પ્રસ્તુતિ કરી રહેલ છે. ગુરુજીએ સુંદર ભજનથી ઉદઘાટન પ્રવચન કર્યું. પદ્મશ્રી શેખર સેન દ્વારા one man act કબીર માણ્યું,,,કબીર નાટકનો આ 452 મો શો હતો !!!!!

આ વખતનો નાદ બિંદુ ફેસ્ટિવલ કેરાલિયન પર્યાવરણ થી સજ્જ છે, કારણ ચિન્મય મિશન ના સ્થાપક ગુરુદેવ શ્રી ચિન્મયાનંદજીની ૧૦૮ મી જન્મ જયંતી છે. અમે પણ પ્રારંભે કેરાલા નાં વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલાં.

વધુ તો લખવાનું શક્ય નહીં બને કારણ “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું ” જેવી મારી સ્થિતિ છે.

ક્યારેક આ ચિન્મય વિભૂતિ વિશે વિગતે વાતો કરીશું. આ અમારું પ્રિય સ્થળ છે કારણ અહીં શાંતિ છે, પ્રસન્ન પ્રકૃતિ છે, અધ્યાત્મ નો સંસ્પર્શ છે.

https://vibhooti.chinmayamission.com/

હરિ ૐ… ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

 અખંડ આનંદ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

“તમે જે આપો તે તમને મળે. માન  આપો તો માન  અને પ્રેમ આપો તો પ્રેમ મળે.”

આમ તો મારું નામ ગોવિંદ, પણ મને બધા ગોવિંદો કહીને બોલાવે. ગોવિંદો કહીને બોલાવે તો નાનપણમાં તો બહુ કાંઈ મને ખોટું ન લાગતું. કારણ કે દુધાળા ગામમાં રહેતા ત્યાં બધાને નામ બગાડીને જ બોલાવવાનો રિવાજ હતો. એટલે કે મહેશ હોય તો મહેશીયા, રમણ હોય તો રમણીયો, ચણાળુ હોય તો ચંદુડો કહેતા. બસ, એમ જ મને બધા ગોવિંદો કહે તો  પણ ખોટું નહોતું લાગતું, કારણ કે નાનપણથી બધા ગોવિંદો જ કહેતા  એટલે બધાને એમ જ થઈ ગયું કે  મારું નામ જ ગોવિંદો છે.

પણ જ્યારે મોટો થયો અને કામ કરવા માંડ્યો, બે ચાર પૈસા આવવા લાગ્યા ત્યારે મને એમ થયું કે, આપણને બધા ગોવિંદો કહીને બોલાવે  એ બરાબર ન કહેવાય. પણ પ્રશ્ન એ થાય કે બધા ગોવિંદો કહે છે એને આપણે કેમ કહેવું કે,  ભાઈ મને ગોવિંદો ના કયો. આપણને બધા તુકારે બોલાવે છે, તો એને કેમ કહેવું કે તમે મને બે નામે બોલાવો. આ પ્રશ્ન બરાબર મનમાં ઘોળાતો હતો અને વિચારતો હતો કે આપણે શું કરવું ?  એક દિવસ હીરાના કારખાનેથી હીરા ઘસીને મારી ડ્યુટી પુરી થઈ અને ઘરે જતો હતો, ત્યાં સુરતના ભાગળ વિસ્તારની આસપાસ એક કથાનો મંડપ ને ત્યાં પૂ. ડોંગરેજી મહારાજ કથા કહેતા હતા. એ કથા પાસેથી નીકળ્યો અને કોણ જાણે મને એમ થયું કે આ અવાજ મને ખેંચી રહ્યો છે.  હું જઈને અંદર કથા મંડપમાં બેસી ગયો અને આંખ બંધ કરીને ડોંગરેજી મહારાજને સાંભળવા લાગ્યો. હવે મારે જે જોતું તું એનો જવાબ ભગવાને એવે ટાણે મને આપ્યો. ડોંગરેજી મહારાજે  એવું કહ્યું કે જુઓ ભાઈ, તમે જે આપોને એ તમને મળે. તમે માન આપો તો માન મળે, તમે પૈસા આપો તો પૈસા મળે, તમે  પ્રેમ આપો તો પ્રેમ મળે, તને કોઈને સુખી કરો તો તમને સુખ મળે, તમે કોઈને દુઃખી કરો તો તમને દુઃખ મળે. આમાંથી મેં પેલી વાત પકડી લીધી કે, કોઈને માન આપો તો તમને માન મળે. એટલે એ દિવસે કથા પૂરી થઈ અને રસ્તામાં ચાલીને જતો તો ત્યાં જ મેં મનમાં ગાંઠ વાળી લીધી કે, આપણને બધા ગોવિંદો કહે છે એને આપણે સીધું કહેવાને બદલે કે ભાઈ તમે મને ગોવિંદ ક્યો એની બદલે આપણે  બધાને માન આપીને ‘ભાઈ’ કહીને જ બોલાવવા મંડવાનું. એટલે બીજા દિવસની  સવારથી હું હીરા ઘસવા પહોંચ્યો ત્યાં મેં બધાને ‘ભાઈ’ કહીને બોલાવવાનું શરૂ કર્યું. બધા ‘હીરો’ કહેતા હોય તો હું ‘હીરાભાઈ’ કહું, બધા ભરત કહેતા હોય તો હું ભરતભાઈ  કહું. ભરતભાઈ , પરેશભાઈ, નાગજીભાઈ.. એમ  બધાને ‘ભાઈ’ ઉમેરીને જ બોલવું. મારાથી નાના હોય એને પણ ‘ભાઈ’ કહું.

હવે આ બધી વાતની અસર એવી થઈ કે બધાને આશ્ચર્ય થયું કે આ ગોવિંદો તો આપણને ભાઈ કહીને બોલાવે છે, માન આપે છે, તો આપણે કેવી રીતે એને એક નામે બોલાવી શકીએ? એટલે થોડા દિવસમાં એટલે કે એક અઠવાડિયામાં એવી અસર થઈ કે ધીમે ધીમે કરતાં એક બે જણા મને ‘ગોવિંદભાઈ’ કહેવા લાગ્યા.  ‘ગોવિંદભાઈ, અહીંયા આવો’; ‘ગોવિંદભાઈ, આવો,  ચા પી લ્યો’, ‘ગોવિંદભાઈ, એક વાત કહું’,, આવું સાંભળીને હું રાજી થયો. અને એની અસર એવી થઈ કે લગભગ બધા જ લોકો કે જે મને ગોવિંદો-ગોવિંદો કરતા હતા, તે બધા લોકોએ ‘ગોવિંદભાઈ’ કહેવાનું શરૂ કરી દીધું. જાણીને બહુ આનંદ અને આશ્ચર્ય થશે કે એની એવી અસર થઈ કે આજે મને નાના માણસથી લઈને મોટા માણસ સુધીના જે કોઈ હોય, સંતો, મહંતો, તો એ પણ.. “ગોવિંદકાકા આવ્યા છે”, એમ બોલાવે  છે. મનેએટલું સમજાણું કે મેં બધાને માન આપ્યું તો મને માન મળ્યું.

આ કૂંચી ભાગવતમાંથી પૂ. ડોંગરેજી મહારાજે મને પકડાવી દીધી. અને એમાં મેં મારા જીવનમાં આવેલો આ ફેરફાર બરાબર નોંધ્યો. પછીથી એને બીજામાં પણ અમલ કરવા માંડ્યો.  તમે કોઈને ખુશી આપશો તો તમને ખુશી મળશે, તમે કોઈને પ્રેમ આપશો તો તમને પ્રેમ મળશે. એટલે પેલાં  માન ની જેમ જ મેં બધાને પ્રેમ આપવાનું શરૂ કરી દીધું, તો મને બધા પ્રેમ આપવા મંડ્યા. મેં બધાને ખુશી આપવાનું શરૂ કર્યું, તો મને પણ ખુશી મળવા માંડી. હું સમજી ગયો કે જેવું તમે બોલો છો, એવા જ પડઘા પડે છે. એક ભાગવત કથાના કથાકાર નું એક નાનકડું વાક્ય મારા જીવનમાં કેટલી મોટી ચોંટ કરી ગયું, એનું આ ઉદાહરણ છે.

આજે તમે સુરતમાં જઈને કોઈને એમ પૂછો કે હીરાવાળા, એસ.આર.કે. વાળા એટલે લોકો કહેશે, ‘એ તો ગોવિંદકાકા’. આ ગોવિંદકાકો આજે જે કહેવાઉં છું એની શરૂઆત તો ગોવિંદા થી થઈ હતી. પણ મને ગોવિંદા માંથી ગોવિંદભાઇ અને ગોવિંદકાકા બનાવવાનો શ્રેય પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને કે જેમણે  પેલી કથામાં વાક્ય કહ્યું કે, ‘તમે જે આપો એ તમને મળે.’

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


વતન એમ જીવનથી છૂટે ખરું ?

વતન એમ જીવનથી છૂટે ખરું ?

જનકલ્યાણ – જાન્યુઆરી ૨૦૨૪

લેખક – ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

શ્રી રાહુલ શુક્લ  હળવાફૂલ પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર.

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. કારમી ગરીબી કારણ કે કોલેજની ફી ને  બધું ભરો પછી ૧૪૦૦ ડોલર માંથી કશું વધતું નહીં, એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… પરંતુ આ નાની નોકરીઓના ફળસ્વરૂપે આજે મને પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે.  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણ કે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. મને છે ને તમે કોઈપણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું…!!!  મારા મધર એમ કહેતા કે, રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. 

એક વાર મેં સમર જોબ લીધો હતો, અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન માં  જવાનું.. સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫-૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫-૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી.  મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter, son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા… તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ કે પાછો કેવી રીતે  આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter, son ? મેં કીધું how would I come back ? એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને એક  ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો જ મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા, પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો એ kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, but pass it on.. 

અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈપણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે પણ બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે,  તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારાથી  પેલા કાકાના  ૧ ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે એ  ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું…” 

ક્યારેક નોખાં અનોખાં વ્યક્તિને મળવાનું થાય ને ત્યારે  આપણને  સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ મૂળ વઢવાણ સુરેન્દ્રનગરના અને હાલ અમેરિકામાં ખાસ્સું મોટું સામ્રાજ્ય ધરાવે છે. રાહુલભાઈ હળવાફૂલ, પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર. વતન એમ જીવનથી છૂટે ખરું ? શ્રી રાહુલ શુક્લ જેવી એક વ્યક્તિ પોતાના વતન માટે-માતૃભૂમિ માટે હૃદયથી કેટલી  ભાવુક હોય છે ?!?

 

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ખાદી કમિશનના વિરલ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈની વિદાય પર કલમ-અંજલિ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દેવેન્દ્રભાઈ જસદણ તાલુકાના દડવા (મોટા) મતવિસ્તારમાં જનતાદળના ઉમેદવાર હતા. સામેના ઉમેદવાર કોંગ્રેસના તાલુકા પ્રમુખ. લેઉવા પટેલ. દેવેન્દ્રભાઈ નાગર જ્ઞાતિના. આ મતવિસ્તારમાં એક પણ નાગર કુટુંબ નહીં. લેઉવા પટેલ બહુ મોટી સંખ્યામાં. જિલ્લા પંચાયતની આ બેઠકમાં તાલુકા પંચાયતના મોટા દડવા વિસ્તારમાં આ ચૂંટણી પૂરી થઈ ત્યારે દેવેન્દ્રભાઈ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. બીજી વખત ચૂંટણી લડ્યા વિંછિયા મતવિસ્તારમાંથી. એંશી ટકાથી વધુ મતદારો કોળી પટેલ અને માલધારી. નાગર મતદારે શૂન્ય! બહુમતીથી જીત્યા દેવેન્દ્રભાઈ! રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ ચૂંટણી એમના સમયમાં થઈ. ત્રણમાં બિનહરીફ તો બેમાં સામાં પૂરે જંગી મતોથી વિજયી થયા. દેવેન્દ્રભાઈ દેસાઈએ પેલી બે ચૂંટણીમાં કુલ રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦નું જ ખર્ચ કરેલું! એ ખર્ચ પણ મતદાર સ્લીપ અને ટેક્સીનું. બાકીનું બધું ખર્ચ સ્થાનિક લોકોએ ઉઠાવ્યું. હવે દેવેન્દ્રભાઈ સક્રિય રાજકારણમાં નથી, તેનું કારણ એ છે કે તે સમયે લડ્યા તેવી રીતે આજે ચૂંટણી લડવી એ પરિકથા જેવું લાગે છે!

દેવેન્દ્રભાઈ દેસાઈ ઢેબરભાઈ અને વજુભાઈ શાહના હાથ નીચે ઘડાયા છે. કોંગ્રેસમાં એમણે ઘણા હોદા ભોગવ્યા અને કોંગ્રેસના ભાગલા થયા તો ય એમણે કદી પક્ષ છોડ્યો નહોતો. પંચાયતી રાજ આવ્યું અને એમાં એ ચૂંટાયા. રાજકોટ જિલ્લા પંચાયતમાં અણનમ પચ્ચીસ વર્ષ ચૂંટાયા અને લગભગ દરેક હોદ્દા પર રહ્યા. દેવેન્દ્રભાઈને ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવાની પણ ઓફર થઈ હતી. દેવેન્દ્રભાઈ કહે છે : ધારાકીય કે સંસદીય રાજકારણમાં હું ન ગયો. હું જોતો હતો કે રાજકીય સ્તર નીચું ને નીચું જતું હતું. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે છે. જ્ઞાતિવાદ અને નાણાંની બોલબાલા છે. આમાં હું ક્યાંય ફિટ થતો નહોતો એટલે મેં દૂર રહેવાનું પસંદ કર્યું.

જેતપુરના પોલિટિકલ એજન્ટ કેવળરામ છબીલરામ ઓઝા તે દેવેન્દ્રભાઈના મામા. મોસાળે ૧૯૩૫માં જન્મ. વતનનું ગામ ગોંડલ તાલુકાનું વાસાવડ. પિતાશ્રી રમણિકશંકર લાભશંકર દેસાઈ સિનિયર મોસ્ટ તાલુકદાર. આખા દેશમાં કોઈ નાગર ગૃહસ્થ રાજકર્તા હોય તેવું એકમાત્ર સંસ્થાન વાસાવડ હતું. ઉચ્ચ સંસ્કારો અને તાલુકદારના રિયાસતનો વૈભવ. નોકરચાકર, વાહનોની સગવડમાં ઉછેર, પિતાશ્રીને લેખન-વાચનનો જબરો શોખ. પોતાની અંગત બધી જ ભાષામાં પુસ્તકોની લાઇબ્રેરી. તે વખતે તેમાં પાંચ હજારથી વધુ પુસ્તકો. પિતાશ્રીએ તુલસીદાસ કૃત રામાયણનું સમશ્લોકી અને બીજાં હસ્તલિખિત પુસ્તકો પ્રગટ કરેલાં. મુંબઈથી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ટપાલમાં ત્રીજા-ચોથા દિવસે આવતું. દેવેન્દ્રભાઈએ બાળપણમાં રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ના ચાર ભાગ વાંચ્યા. ગાંધી વિચારથી રંગાયેલ તેના પાત્ર અશ્વિન જેવી ગ્રામસેવાની ધૂન લાગી ત્યારથી. બ્રિટિશ સરકારની નીતિ મુજબ એમનો તાલુકો જામનગર રાજ્ય સાથે જોડાયેલો. તેથી ધોરણ ૬-૭ ની અંગ્રેજી પાઠમાળામાં એક પાઠ આવે. તેમાં એક વાક્ય હતું: ‘જામ ઇઝ રામ ઍન્ડ રામ ઇઝ જામ.’ દેવેન્દ્રભાઈના મનમાં સુષુપ્ત બંડ ઊભું થયેલું આ વાક્ય વાંચીને! વાચનનો જબરો શોખ એટલો કે રોજ ચાલીને લાખાજીરાજ લાઇબ્રેરી જાય. ‘હરિજન બંધુ’ નિયમિત વાંચે. તેમાં ગાંધી વિચાર મુજબનાં કામોમાં જોડાવાની ઉત્કંઠા જાગી. ૧૯૫૧-૫૨ની સાલ હતી. સત્તર વર્ષના દેવેન્દ્રભાઈને પિતાએ કોઈ કાગળ આપવા રાજકોટમાં ઢેબરભાઈ પાસે મોકલ્યા. સૌરાષ્ટ્ર રાજ્ય અને ગાંધી વિચારધારાને વરેલા પ્રજાનિષ્ઠ લોકસેવકો. ઢેબરભાઈ પાસે છગનભાઈ જોશી બેઠેલા. બન્નેને આ યુવાનમાં રસ પડ્યો. છગનભાઈએ હરિજન સેવકસંઘ અને ખાદી કામમાં જોડાવા યુવાન દેવેન્દ્રભાઈને સૂચન કર્યું. ત્યારે કોને કલ્પના હશે કે સમય જતાં આ. દેવેન્દ્ર દેસાઈ ભારતભરના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ બનશે? છગનભાઈનું સૂચન સ્વીકારી દેવેન્દ્ર દેસાઈ વીસ રૂપિયા શિષ્યવૃત્તિથી રેંટિયો કાંતવા લાગ્યા. થોડો સમય કનુભાઈ ગાંધી પાસે રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં રહી તાલીમવર્ગમાં જોડાયને કતાઈ- વણાટ શીખ્યા. બસ, ત્યારથી ખાદીનું ધોતિયું અને ઝભ્ભો, ઉપર બંડી સાથે ‘સાદા- સાલીન દેવેન્દ્ર દેસાઈ’ આજ સુધીની ઓળખ બની રહી.

વાસાવડમાં સાત ધોરણ, પછી મુંબઈની ગોકળીબાઈમાં એક વર્ષ. ત્યાંના આચાર્ય ત્રિકમભાઈ મરચન્ટ, શિસ્તના – વ્યાયામના-ખાનપાનની બાબતોના ચુસ્ત આગ્રહી. તેઓ કહેતા : ‘આપણું પેટ એ પૉસ્ટઑફિસનો ટપાલ ડબ્બો નથી કે આવતા જતા તેમાં ટપાલ નાખવામાં આવે. નિયમિત નક્કી સમયે જ મીતાહાર લેવો જોઈએ. ત્યારથી દેવેન્દ્રભાઈને આદત પડી ગઈ, ફરવાની-વ્યાયામની-મીતાહારની! ‘મેટ્રિક બીજી ટ્રાયલે ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટથી ત્યાંની નાગર બોર્ડિંગમાં રહીને કર્યું. બી.એ. ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજ્યનીતિશાસ્ત્ર સાથે કર્યું. હાઈસ્કૂલમાં ધૂરંધર શિક્ષકો મળ્યા. પ્રવીણ અને અધ્યાપન રુચિવાળા, એમ. જે. ભટ્ટ, આઈ. ટી. વસાવડા, હર્ષવંતભાઈ હાથી અને શુક્લસાહેબ… શુક્લસાહેબ સફેદ ખાદીના ધોતી- ઝભ્ભો પહેરતા અને તેમનાં કપડાં બગલાની પાંખ જેવા સફેદ, હાથે ધોયેલાં! એ મને સ્પર્શી ગયું. તે સ્પર્શ આજ સુધી જળવાયો છે. કૉલેજથી જ હું માથે બહુ ઓછા વાળ કે ટકો રાખતો. સફેદ ધોતી-જામો અને પગમાં ચાખડી પહેરતો. સ્કૂલ-કૉલેજે પેદલ ચાલીને જ જવાનું! કૉલેજ સવારની એટલે જમીને કોંગ્રેસ કાર્યાલયમાં, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં અને ભૂદાન યજ્ઞ સમિતિના કામમાં મદદરૂપ થવા પહોંચી જતો. રાત્રે નવ વાગે ઢેબરભાઈ પાસે જવાનું. ઢેબરભાઈ ત્યારે મુખ્યમંત્રી, પંખા વિનાનું નળિયાંવાળું મકાન. એક રૂમમાં નીચે જાજમ અને તકિયો. ત્યાં મુલાકાતીને મળે. ત્યાં રાત્રે પ્રાર્થના થતી. સમયનો પાબંદ હું, એટલે મને આવતો જોઈને ભક્તિબા, વજુભાઈ, જયાબેન શાહ સૌ ઊઠે ને પ્રાર્થનાનો ઘંટ વગડાવે!” દેવેન્દ્રભાઈ ખૂબ ધીમું – હળવી ગતિએ છતાં સુસ્પષ્ટ બોલે છે. પણ તેમની તેજસ્વી આંખોમાં ગાંધીજન સુસ્પષ્ટ દેખાય છે.

સૌરાષ્ટ્ર સરકારના ભૂદાન બોર્ડના વહીવટી અધિકારી તરીકે દાખલારૂપ કામ કરનાર દેવેન્દ્રભાઈ જાહેરજીવનના આરંભકાળથી એકએકથી ચડિયાતી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. અનેક નાની-મોટી જવાબદારીઓ વહન કરી છે. તેમના વર્તનમાં જે દઢતા અને સુરેખતા નજરે પડે છે, તેના મૂળમાં લાંબાં વર્ષો સુધી પ્રત્યક્ષ મેળવેલો અનુભવ કારણરૂપ છે. ત્રણેક વર્ષ રાજકોટમાં ‘ફુલછાબ’ દૈનિકમાં જયમલ્લભાઈ પરમારના તંત્રીપણા હેઠળ પત્રકારત્વનું પણ ખેડાણ કર્યું છે. લૉનો અભ્યાસ ચાલતો હતો ત્યારે ટર્મ ગ્રાંટ થવાનો પ્રશ્ન આવ્યો. ઢેબરભાઈ પાસે ગયા. એમ હતું કે ઢેબરભાઈ ફોન કરી આપે તો કામ થઈ જાય. ઢેબરભાઈએ પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, આપણે લૉ ભણવું છે કે પછી લોકોની વકીલાત કરવી છે?’ દેવેન્દ્રભાઈએ લૉ અધૂરું છોડ્યું અને પૂર્ણકાલીન લોકસેવામાં જોડાયા!

સક્રિય રાજકારણ છોડ્યા પછી દેવેન્દ્રભાઈ ખાદી-રચનાત્મક-સહકારી ક્ષેત્રે આગળ વધ્યા. રાજકોટમાં દૂધની ડેરી શરૂ થઈ એમાં એમનો સિંહફાળો. ઘણાંય વર્ષો ચેરમેન રહ્યા. પોતાનો પ્લાન્ટ હોય તેવી સૌરાષ્ટ્રની આ એકમાત્ર સહકારી ડેરી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પણ સક્રિય ભૂમિકા. એમનું જાહેરજીવન ઉદાહરણરૂપ. કદી ખાનગી વ્યવસાય કર્યો નથી. ઓછી સગવડમાં જ ચલાવ્યું છે. રાજકોટમાં એક નવી સોસાયટીએ જાહેરજીવનની ત્રણ વ્યક્તિઓને વિનામૂલ્યે એક- એક પ્લૉટ આપવાનું નક્કી કર્યું. તેમાં દેવેન્દ્રભાઈનું પણ નામ. દેવેન્દ્રભાઈએ આભાર માનતો પત્ર સોસાયટીને લખ્યો ને કહ્યું: ‘આપનો આભાર, પણ હું એ સ્વીકારી ન શકું, કારણ કે અત્યારે મારી પાસે મારું મકાન છે જ. આ પ્લૉટ કોઈ બીજાને ફાળવો તેવી વિનંતી છે…’ આ નૈતિકતાના માલિક દેવેન્દ્ર દેસાઈ આજે ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન છે અને આ ચેરમૅનશિપને તેઓ જીવનનો શ્રેષ્ઠ ઍવોર્ડ ગણે છે. સહકારશ્રી ઍવૉર્ડ પછી નેશનલ ઍવૉર્ડ અર્પણ કરવાના સમારંભમાં વડાપ્રધાન મનમોહનસિંહે દેવેન્દ્રભાઈને મંચ પર જતા રોકી ને પોતે નીચે ઊતરી દેવેન્દ્રભાઈનો આદર કર્યો.

અંગત જીવનમાં પણ નોખા તરી આવે. માતાની ઇચ્છા કે શાતિમાં જ લગ્ન થાય. કચ્છના કેળવણીકાર, હરિજનસેવક સંઘ, ગાંધી વિચારના અગ્રણી પ્રભુલાલ ધોળકિયાનાં પુત્રી હંસા સાથે સાવ જ સાદાઈથી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયાં. સૌ. હંસાબેનનાં માવતરે ગાંધીજી ઊતરતા એટલે તેઓ જન્મથી ખાદી પહેરે છે. પત્નીને સાડી કે સાદો રૂમાલ કે ઘરેણું કશું જ આપેલું નહીં, પહેરામણી લીધેલી નહીં. નહીં કંકોત્રી, નહીં જાન, નહીં જમણવાર. રાજકોટ સત્યાગ્રહના ખાદીધારી વૈદ્યરાજ શ્રી બાલુભાઈ વૈદ્ય ભૂજ આવી આશ્રમ પદ્ધતિથી લગ્ન કરાવેલાં. દેશના સુપ્રસિદ્ધ શરણાઈવાદક રાષ્ટ્રપતિ ઍવૉર્ડ સન્માનિત સુલેમાન જુમ્માએ આંગણે શુકનના સૂર રેલાવેલા, એ પણ સસરાના સંબંધે! નાનપણથી આજ સુધી ૭૮ વર્ષે પણ રોજ સવારે ઘરની સફાઈ દેવેન્દ્રભાઈ જાતે કરે છે. સૌ. હંસાબેન જાતે કપડાં ધુએ છે. દેવેન્દ્રભાઈના માથાના વાળ કુદરતી રીતે જ આજે કાળા છે, આંખે મોતિયો ઉતારવાની જરૂર હજુ પડી નથી, બત્રીસી સલામત છે. સવારે સાદો નાસ્તો અને રાત્રે સાદું ભોજન. વ્યાયામ- પ્રાણાયામ-સ્વૈરવિહાર નિયમિત. દેશનાં ઘરે ઘરમાં ખાદી પહોંચાડવા સિવાય કોઈ અંગત ઇચ્છા નથી. નાનાભાઈ ભટ્ટની જેમ જ કહે છે : ‘આ ઊજળાં કપડાં અને વ્યક્તિત્વ પર ડાઘ ન પડે, મારી સાખ યથાતથ રહે અને લોકોની અપેક્ષાએ ખરો. ઊતરું તે જ માત્ર અંતિમ ઇચ્છા!’ અન્ય ગાંધીવાદી જેવા શુષ્ક નથી દેવેન્દ્રભાઈ. કારણ એ ખાદી કમિશનનું અમદાવાદની એન.આઇ.ડી. સાથે ડિઝાઇનિંગ ટાઇઅપ કરે છે અને ખાદી માટે યુવાન શોભે તેવી રેમ્પવૉક પણ કરે છે!

ખાદીની ખુદ્દારીથી છલકતા આ નવ દસકના ગંધીજનને
‘ અલવિદા ‘ કહીએ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback