અદ્વૈતનું ખરું રહસ્ય દારાશિકોહને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.

સત્ય એ કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી.

મુગલ સમ્રાટ શાહજહાં નો મોટો દીકરો એટલે દારાશિકોહ. દારાશિકોહને સનાતન હિંદુ ધર્મના ઉપનિષદો કેવી પ્રેરણા આપી ગયા છે, તે આપણે જાણ્યું છે. એમને જે ફકીરો મળ્યા, જે ગુરુઓ મળ્યા, એમાં અનેક ગુરુઓ પાસેથી એણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મિયા જીવ અને મુલ્લા શાહ આ બે મહાનુભાવોએ અથવા પ્રબુદ્ધ વ્યક્તિઓએ દારાશિકોહને એવું કહેતા ટાંક્યો છે કે, ઉપનિષદો ‘એસીર -ઇ-અકબર’ નામે ફારસી માં ભાષાંતર છે. અને એવું પણ કહેવામાં આવ્યું અને સમજાવ્યું કે, અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે. 

દારાશિકોહ પોતે જ લખે છે કે, એમનું હૃદય ઉપનિષદોમાં શમી ગયું છે. મુલ્લા શાહ ઉપરાંત હિન્દુ તત્વજ્ઞાનનું કેટલું રહસ્ય દારા એક બાબાલાલ નામના સાધુ પાસેથી પામેલો. બાબાલાલ પંજાબના હતા અને તેમને લાલ દયાળ પણ કહેતા હતા. આ લાલ દયાલ મિયા જીવના મિત્ર હતા. દારા એમને મળવા ઇચ્છતો હતો, એવામાં દયાલ પોતે લાહોર આવ્યા અને દારા અને તેમનો ભેટો થયો. દારાએ ‘હસરત-ઉલ-આરિફિન’ એ નામના પોતાના એક પુસ્તકમાં લાલ દયાળ વિશે સરસ ઉલ્લેખ કર્યો છે. બાબાલાલ એક આરૂઢ  યોગી છે. એમના જેવો પ્રભાવશાળી અને ઉંચી કોટી નો બીજો કોઈ મહાત્મા મેં હિન્દુઓમાં જોયો નથી. બાબાનું કહેવું છે કે, દરેક ધર્મમાં ઊંચી કોટીના મહાત્માઓ છે, જેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે. લોક સમૂહના ઉપર ઉપકાર કરવા પ્રભુ સર્જે છે, એવું દારા માને છે. બાબાલાલ કયા પંથના હતા તે સ્પષ્ટ નથી. પરંતુ દારા પોતાના પુસ્તકમાં એમને કબીર પંથી  માને છે. આ સમર્થ હિંદુ તપસ્વી માટે અંગ્રેજ લેખક બિનીયલ આ પ્રકારે શબ્દો ઉચચ્ચારે છે:: લાલ સ્વામી ક્ષત્રિય હતા. જહાંગીરના રાજ્ય સમયમાં તેઓ માળવામાં જન્મ્યા હતા. નાનપણમાં યોગ દીક્ષા પામી તેઓ પંજાબ ચાલ્યા ગયા અને સરહિંદ આગળ આશ્રમ સ્થાપી ગયા. તેમની પાસે મનુષ્યની ધારા ચાલી આવતી. તેમના અનેક શિષ્યો હતા. શાહજાદા  દારાશિકોહ પણ તેમની પ્રતિભા અને યોગ શક્તિથી ખેંચાઈ તેમના શિષ્ય થયા હતા.

ઉપનિષદો ઉપરાંત દારાએ ઘણા પુસ્તકો રચ્યા અને રચાવ્યા. શ્રીમદ્ ભગવત ગીતાનું તથા યોગ વાશિષ્ટનું એમ બે ભાષાંતરો તેણે પોતે ફારસીમાં કરાવ્યા. કેટલાકના મતે ગીતાનું ભાષાંતર દારાએ પોતે જ કર્યું છે. ગીતાનું ભાષાંતર ઉપનિષદોના ભાષાંતરના સમયનું  છે એટલે કે હિજરી સંવત 1067 ની આસપાસનું હોઈ શકે છે. દારાના ધાર્મિક વિચારોના સંબંધમાં ઘણો ઉહાપો થયો છે. એનું વલણ સૂફી મત તરફ હતું. અને મીયાં જીવ તથા મુલ્લા શાહના સંપર્ક પછી તે પાક્કો સૂફી બન્યો હતો. આ સમય હિજરી સંવત 1043 થી 1050 ની આસપાસ ગણી શકાય. એને બચપણમાં જે ધાર્મિક સંસ્કારો ચુસ્ત ઇસ્લામના મળેલાં તે વિશાળ  વાંચન અને અનુભવના પરિણામે મોળા  પડ્યા. અને તેની દૃષ્ટિ સંકુચિત અને સાંપ્રદાયિક મટી જઈને ઉદાર અને વ્યાપક બની ગઈ. આ ફેરફારનું માન મીયાં જીવ, મુલ્લા શાહ અને લાલ સ્વામીને ફાળે જાય છે. દારા પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે અને બીજા ધર્મોના અભ્યાસ તરફ વાળનાર મુલ્લા શાહની ‘ઉપનિખત’ નામના પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે  સ્તુતિ કરે છે.

બાબા લાલના તત્વજ્ઞાન વિશેના એ  પુસ્તકમાં તે ઉચ્ચારે છે કે, સત્ય એ કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી. આ એક જ વાક્યથી દારા પોતાના જમાનાથી ઘણો આગળ ગયો સિદ્ધ થઇ શક્યો છે. એનું છેલ્લું અને પ્રસન્ન ગંભીર શૈલીનું પુસ્તક ‘મજંમ્બૂમબહરે’ એનો અર્થ બે સાગરોનું મિલન થાય છે. આ પુસ્તક હિજરી સંવત 1065 નું છે. દારાના અભ્યાસના પરિપાકનું એક ફળ છે. વિચારો એટલાં તો ગહન, વ્યાપક અને ઉન્નત છે કે દારાને આપણે ભારતના એક મહાન વિચારકની કક્ષામાં મૂકી શકીએ. દારા કહે છે કે, ‘ચેતનાની ઉન્નત અનુભૂતિના વિષયમાં સત્યના નિતાંત શુદ્ધ દર્શન પણ હિન્દુ ધર્મ અને ઇસ્લામ એક જ છે.’  જે યુગમાં તેણે આ સત્ય ઘોષણા કરી તે યુગનો કોઈ પણ હિન્દુ કે મુસલમાન વિચારક આ અવાજને સાખી શકે તેમ હતો નહિ. જમાનો ધર્મથી નહીં પણ ધર્મજનુનોથી ભરેલો હતો. દારાના અવાજથી પંડિત વર્ગ અને મુલ્લા વર્ગ બંને ખળભળ્યા. હિન્દુઓને તેના વિચારો વસમા  લાગ્યા. મુસ્લિમોને પણ કારમાં લાગ્યા. કોઈની દ્રષ્ટિમાં સમન્વય તરફ એ સમયે સદ્ભાવ ન હતો. આ ભય  તેની દ્રષ્ટિની બહાર ન હતો. દારા પુસ્તકમાં લખે છે કે, આ કિતાબ નથી હિન્દુ માટે કે નથી મુસ્લિમ માટે. આ કિતાબ મારા મિત્રો અને કુટુંબીજનો માટે છે. જનસમૂહની માન્યતાઓ સાથે મારે કશી  લેવા દેવા નથી.

દારા આખર સુધી મુસલમાન હતો. તેણે ઇસ્લામમાં જ શાંતિ જોઈ હતી. અલ્લાહનું સ્મરણ શ્વાસેશ્વાસે કર્યા કરતો. પોતાના દરેક પુસ્તકમાં ઈશ્વર મહાન છે એ વાક્ય ને એ અગ્રે રાખતો. પયગંબર સાહેબને એ સૌથી આગળ મુકતો. ઇસ્લામમાં એણે  કદી અશ્રદ્ધા ધરાવી ન હતી. એના કોઈપણ પુસ્તકમાં ઇસ્લામ છોડ્યાનો એક શબ્દ પણ લખાયેલો નથી. એટલું જ નહીં પરંતુ પોતે એ શુદ્ધ મુસલમાન છે એવા તેના એકરાર છે. તેણે  ફક્ત એટલું જ કહ્યું કે, વેદો પણ પરમાત્માની વાણી છે. પોતાની શ્રદ્ધા કુરાનમાં જ હતી. તેણે  તો ફક્ત એટલું જ કહ્યું કે, ‘વેદો કુરાનના વિરોધી નથી, સહાયક છે. કુરાન ઉપરના જાણે  વિવરણો છે.’  આટલું કહેવાથી જ દારાની ગણના  મુલ્લાઓએ જો કાફરમાં  કરી હોય તો તેમાં ધર્મજનુન  સિવાય બીજું કશું નહોતું. બ્રાહ્મણોએ માન્યું કે, દારા મ્લેચ્છ છે, માટે વેદો અભડાઈ  ગયા. આ સંત પુરુષ લખે છે,  પરમાત્માએ અત્યંત કરુણાથી વિશ્વનો ઉપકાર કરવા વેદોની વાણી ઉચ્ચારી છે. વેદને અનુસરનારો હિન્દુ ધર્મ એક અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વરને માનનારો છે. દારાશિકોહ જેવા મહાનુભાવને એ જમાના ના રાંક દેશોએ ગરદનથી માર્યો. એમ પણ કહી શકાય કે દારા શિકોહ પછી જમાનો લગભગ એક સૈકો આગળ વધી ગયો. રાગ-દ્વેષો ઘટ્યા. હિન્દૂ મુસલમાનોની આંતરિક એકતા મજબુત બનવા લાગી.

જો કે, ધર્મજનુન  વિચિત્ર વસ્તુ છે. સૂફી સંત મન્સૂરનો વધ થયો. શાહબુદ્દીન સુરાવર્દી પણ વધ ને માંચડે ચડ્યો. એવી રીતે દરશિકોહ પણ દેહાંત પામ્યો. સાચી હકીકત એ છે કે દારાસિકોહનો કુનેહ ધર્માંધતાનો એટલો જ ઔરંગઝેબની ઈર્ષાનો ભોગ બન્યો. ઇસ્લામને નામે પોતાનો અર્થ સારવા ઔરંગઝેબે જે કર્યું તેવું આપણે નહિ કરીએ એવી કોઈ પણ વિચારકને પાક્કી ખાતરી નથી. અહિંસા, સત્યને એ બધા મહાન સિદ્ધાંતોના પાલનમાં જો જનુન ઉમેરાશે, સ્વતંત્ર વિચારને ગરદન મારવાની તામસી વૃત્તિ પ્રગટશે તો આપણા યુગની પણ આ દશા થશે. ઔરંગઝેબના જમાના કરતા આપણે બહુ આગળ છીએ તેવી આપણી માન્યતા સાચી પડે એવી આપણે પ્રાર્થના કરીએ.

વહીવટ શિક્ષણ અને શાસ્ત્રોનો ત્રિવેણીઘાટ : કુલીનચંદ્ર યાજ્ઞિક

સૌરાષ્ટ્રની ધારાસભાની એ છેલ્લી બેઠક. પ્રેક્ષક ગૅલરીમાં એક યાજ્ઞિક ઉપસ્થિત… બે પ્રસંગો આજે પણ એ યાજ્ઞિક આંખ બંધ કરે છે ત્યારે નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. (૧) ગિરાસદારી ઍબૉલિશન ઍક્ટ અંગે કશ્મકશ ટોચ પર હતી. બે કલાકની જબરી માથાકૂટ પછી ગરાસિયાઓ સાથે સમાધાન થયું ને શ્રી ઢેબરભાઈ હસતા હસતા ધારાસભામાં દાખલ થયા! (૨) સૌરાષ્ટ્રની ધારાસભાની છેલ્લી બેઠકમાં શ્રી બાબુભાઈ વૈદ્ય ઊભા થયા અને શાકુન્તલમાંથી શ્લોક બોલ્યા : શ્રેયમ્ યાતિ શકુંતલા.. આપણે જેને પાળી પોષીને મોટી કરી તે શકુંતલા જેવી આપણી સૌરાષ્ટ્ર ધારાસભા’ નામધારી કન્યાને આજે આપણે મુંબઈ રાજ્યને સોંપવાની છે. આ કન્યાવિદાયનો પ્રસંગ છે.’ સભાગૃહમાં સન્નાટો હતો અને પ્રેક્ષકગૃહમાં ઉપસ્થિત યાજ્ઞિકની આંખમાં પાણી… સ્વયં સ્પષ્ટ, મૃદુ પણ મક્કમ શ્રી કુલીનચંદ્ર યાશિક આજે ૮૭ વર્ષની ઉંમરે પણ આ વાતો વાગોળતાં લાગણીવશ થઈ જાય છે. લગાવ છે અકબંધ તેઓનો જિવાયેલી વિરલ યાદગાર પળ સાથેનો…
ગુજરાત જેમનું સદૈવ ઋણી છે અને રહેશે તે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના ચર્ચરાભાઈ શ્રી કુલીનચંદ્ર યાશિક, વતન નડિયાદ. જન્મ મોસાળ પેટલાદમાં. પિતાશ્રી અંગ્રેજી અને સંસ્કૃતના આદર્શ શિક્ષક, સરકારી મૉડલ હાઈસ્કૂલ ગોધરામાં. જિલ્લા દીઠ એક હાઈસ્કૂલ ત્યારે એટલે કલેક્ટરશ્રી પણ માન આપતા હાઈસ્કૂલના શિક્ષકને! પ્રાથમિકનાં છ વર્ષ ગોધરાની મિશનરીઓની સ્કૂલમાં કુલીનચંદ્ર ભણ્યા. માતૃભાષા અને સંસ્કૃત ત્યાં ઉત્તમ ભણાવે. વર્ગમાં બે જ સવર્ણ બાકી ખ્રિસ્તી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ છતાં ભેદભાવ લગીરે ભાસતો નહીં. રોજ સાંજે છેલ્લો પિરિયડ વાડીકામનો. દરેક વિદ્યાર્થીને ૪૪૪ની ક્યારી આપેલી તેમાં ઉગાડવાનું, લણવાનું! બળદગાડીમાં નિશાળે જવાનું ને ૧૯૩૩-૩૪માં રૂ. ૪૫માં ખરીદેલી હરક્યુલસ નાની સાઇકલ પર આંટા માર્યા કરવાના! હાઈસ્કૂલ નડિયાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ભણેલા તે સ્કૂલમાં. પિતાજી વલ્લભભાઈના વર્ગસાથી. પોતે મિડલ સ્કૂલથી પહેલો નંબર તે છેલ્લે સુધી… તેથી સ્કૉલરશિપ સળંગ મળતી રહી. રોજ છેલ્લો પિરિયડ ગેમ્સનો. અઠવાડિયે એક પિરિયડ એસ. આર. (સ્પેશિયલ રીડિંગ)નો અને અઠવાડિયે બે પિરિયડ ચિત્રકામના! (આજે આ બધા પિરિયડ ક્યાં ખોવાય ગયા છે? તેની શ્રી યાશિકને મૂંઝવણ છે.)
શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નથી, પણ આજે જીવન શાસ્ત્રરત છે, કારણ કુટુંબ અને ઉછેર અવૈધિક રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ! રોજની દિનચર્યા જ શાસ્ત્રમય. માતા જાગે ત્યારથી બુલંદ અવાજે અસ્ખલિત શ્લોકો બોલ્યા જ કરે અને રાત્રે જમ્યા પછી નવાં નવાં આખ્યાનો રોજ ગાય. પિતાજી સવારે પાઠશાળામાં સંસ્કૃત અધ્યયન કરે, બપોરે શાળામાં સંસ્કૃત ભણાવે અને જમતાં પહેલાં સંધ્યાટાણે છોકરાંઓ સાથે શ્લોકોનું પઠન કરે. અંધારાં પહેલાં ઘરમાં ઘૂસી જવાનું. મા રાંધે ત્યાં સુધીમાં ત્રણ ભાઈબહેન હીંચકા પર હીંચકે, પિતા પરસાળમાં આંટા મારે, એક શ્લોક હીંચકા પરથી તો સામે એક શ્લોક પરસાળમાંથી! આમ, અજાણતાં જ કેટલાય સુભાષિતો-શ્લોકો- આખ્યાનો કુલીનચંદ્ર યાજ્ઞિકને કંઠસ્થ છે. કુટુંબ ભાવના પ્રબળ. કાકાના દીકરાને ટાઇફૉઇડ થયો. કાકા ન્યાયાધીશ. શિક્ષક પિતાશ્રીએ કહ્યું, દર્દી દીકરાની સંભાળ લેવા હું રજા લઈશ કા૨ણ મારો પગાર ઓછો છે એટલે (ઓછો) પગાર કપાય તો કુટુંબને આર્થિક સંકટ ઓછું આવે. દીકરા માટે ‘ન્યાયાધીશ’ પિતાએ રજા ન લીધી, ‘શિક્ષક’ કાકાએ રજા લીધી. કાકીએ કહ્યું : ઘરમાં એક દીકરો કેરી નથી ખાય શકવાનો એટલે હું ય કેરી નહીં ખાઉં… જો કે, એ સિઝનમાં ઘરમાં કેરી આવી જ નહીં!! મોટાભાઈ લૉનું ભણ્યા ને નડિયાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ જામતાં વાર લાગે એટલે કુલીનચંદ્ર યાજ્ઞિકના પિતાશ્રીએ શિક્ષકની નોકરી લઈ લીધી. શૉ મસ્ટ ગૉ ઑન’ તો કુટુંબની ભાવનાએ શીખવ્યું.
એક વર્ષ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછી M.A. સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ભણવાનું થયું. ઑગસ્ટ ક્રાંતિની ચળવળ વખતે ગુજરાત કૉલેજમાં (સાક્ષરવર્ય) શ્રી ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી ફટકારેલી તે દૃશ્ય કૉલેજની અગાશીમાંથી યાજ્ઞિકજીએ જોયેલું. શહીદ કિનારીવાલાના ક્લાસમાં જ કુલીનચંદ્ર ભણતા. સરદાર પટેલનાં બે યાદગાર ભાષણો સાંભળ્યાનું પાક્કું સ્મરણ છે. જો કે, ગુજરાત કૉલેજમાં ત્યારે અશિસ્ત અને ટીખળ બહુ. કોઈને વર્ગમાં કોઈ સાંભળતું નહીં. એક શ્રી દાવ૨સાહેબના વ્યાખ્યાનમાં પિન ડ્રૉપ સાઇલન્સ. ગુજરાતીના પ્રખર પ્રાધ્યાપક અનંતરાય રાવળના વ્યાખ્યાનમાં પણ ઘોંઘાટ, વાતો, ઘાંટો પાડવા, ગોકીરો!! વિલ્સન કૉલેજ, મુંબઈમાં આનાથી સાવ જ ઊલટું. ત્યાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીને પ્રવેશ ન મળતો કારણ ચળવળિયાની છાપ! કુલીનભાઈને માંડ માંડ પ્રવેશ મળ્યો. ત્યાં પૂર્ણ શિસ્ત-શાંતિ-અભ્યાસનું વાતાવરણ… તે વખતે વૉકેશનલ ગાઇડન્સ જેવું કંઈ નહીં, અને પોતે સૅલ્ફ મોટિવેટેડ નહીં એટલે અવલંબનનો આધાર જરૂરી બને. સંસ્કૃતની સ્કૉલરશિપ જતી કરીને ઇકૉનૉમિક્સમાં આવ્યા. બસ, ઇકૉનૉમિક્સ હોય તો નોકરી જલ્દી મળે તેવો ભ્રમ! M.A. સાથે LL.B. કર્યું. બન્નેમાં ધ્યાન અપાયું નહીં. અધ્યાપકો ધૂરંધર સી. એન. વકીલ, જે. જે. અંજારીઆ, દાંતાવાલા. જુનિયરમાંથી સિનિયરમાં આવ્યા ત્યારે કુલીનચંદ્ર યાજ્ઞિકજીએ ડ્રામેટિક્સમાં ઝંપલાવ્યું. ‘કાકાની શશ’ નાટક કર્યું. કાકાનો રોલ કર્યો અને દિગ્દર્શન પણ. વિનોદ અધ્વર્યુ સાથે મળીને આ નાટકનો બીજો શૉ પણ કર્યો ને ફંડફાળો ઉઘરાવી વિલ્સન કૉલેજમાં લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ઉમેરી ત્યાં ગુજરાતી વિષય પણ દાખલ કરાવ્યો! ૧૯૫૦માં IASમાં બેઠા, પાસ પણ થયા પરંતુ M.A.ની પરીક્ષાના કારણે ઇન્ટરવ્યૂમાં નાપસંદ થયા. IASમાં ત્રણ વાર બેઠા. મેઇન્સમાં પાસ પણ થતા રહ્યા. બે વાર ઇન્ટરવ્યૂમાં સફળ ન થયા અને ત્રીજીવાર વધુ ઉંમરને કારણે બોલાવ્યા જ નહીં !
આમ છતાં કુલીનચંદ્ર યાજ્ઞિક IAS થયા. ૧૯૫૧માં મામલતદાર તરીકે જોડાયને કોઈ IAS થાય અને સેક્રેટરી કક્ષા સુધી પહોંચે એવું ભાગ્યે જ બને! જો કે પોતે તો આ બાબતને બહુ ગૌણ ગણે છે, સનદી સેવામાં આ કાંઈ બહુ મોટું પરાક્રમ નથી. સરકારમાં કાંઈ ભૂલ ન કરો તો પ્રમોશન મળ્યા જ કરે. ૧૯૫૧માં પ્રોબેશનરી મામલતદારનો બીજો જ બેચ હતો. ઉપર જગ્યા પડવા લાગી અને ૧૯૫૮માં ડેપ્યુટી કલેક્ટર થયો. નાની ઉંમર, પ્રમોશન, જગ્યાઓ વધુ પડવા લાગી તેથી ૧૯૬૮માં IASમાં બઢતી મળી. ૧૯૬૮માં ભરૂચમાં કલેક્ટર થયો. બે વર્ષ રહ્યો. ૧૯૭૦માં ૬.૫નો ધરતીકંપ થયો. મારી ડાંગ બદલી થઈ ગયેલી. ગવર્નરશ્રીએ ચાર્જ ન છોડવા કહ્યું અને ભરૂચમાં પુનઃસ્થાપનનું કામ કરી શક્યો. બે વર્ષ ડાંગ અને પછી ચાર વર્ષ વડોદરા. વડોદરાનો કાર્યકાળ સ્મરણીય. બે રાષ્ટ્રપતિશાસન, ત્રણ સરકાર, કટોકટીની ઘોષણા અને નવનિર્માણનું આંદોલન! જીવનની ક્રાઇસિસમાં અદ્ભુત શીખવાનું મળ્યું. વિદ્યાર્થીઓ બધી કોમના આગેવાનો-પદાધિકારીઓ સાથેના મારા માનવીય સંબંધોએ મને મદદ કરી. નવનિર્માણ આંદોલનમાં વડોદરા ઘણું મોડું જોડાયું, પ્રમાણમાં ઓછી ખાનાખરાબી થઈ. ગયા વર્ષે નવનિર્માણ સમયના પ્રોફેસરોનું સન્માન એ સમયના વિદ્યાર્થીઓએ કર્યું ત્યારે તે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને ખાસ આમંત્રણ હતું. કારણ એવું અપાયેલું કે એ વખતે વડોદરાના કલેક્ટર તરીકે શ્રી યાજ્ઞિકસાહેબ હતા એટલે બહુ ઓછી જાનહાનિ થઈ! અમદાવાદ પોળ સામેની દરગાહ કોમી રમખાણોમાં તૂટેલી તે ફરી બાંધવાનો આદેશ હતો. યાજ્ઞિકસાહેબે મેમણ અગ્રણી ગુલામ મહંમદને બોલાવી પૂછ્યું : દરગાહ ફરી બંધાશે તો તમે સાચવી શકશો ખરા? તેના બદલે ત્યાં ટ્રાફિક આઇલૅન્ડ કરી ફૅશનેબલ થોર વાવીએ તો? શ્રી યાજ્ઞિકસાહેબ કહે છે કે, મુસ્લિમો વતી ગુલામ મહંમદે અને હિન્દુઓ વતી મેયર ડૉ. ઠાકોરભાઈએ લીલી ઝંડી આપી અને અમે રાત્રે ૧૨થી સવારે ચારની વચ્ચે તે જગ્યા પર ટ્રાફિક આઇલૅન્ડ બનાવ્યો! વડોદરામાં પછી રમખાણો થયાં છે, પણ આ જગ્યાને લઈને નહીં.
ગવર્નરશ્રીના સેક્રેટરી અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી બન્ને પદે એક જ વ્યક્તિ રહી હોય તેવું ભાગ્યે જ બને. યાજ્ઞિકસાહેબે સુપેરે એ નિભાવ્યું. નિવૃત્તિ પછી બે વખત એક્સટેન્શન મળ્યું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઍક્ટનું ડ્રાફ્ટિંગનું પાયાનું કામ સંભાળ્યું. જિંદગીની મોટામાં મોટી ચૅલેન્જ તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું (પ્રથમ) કુલપતિપદ. જે બધું શીખેલા તે યાજ્ઞિકસાહેબે પાટણમાં ખર્યું. ગામડા જેવું શહેર અને ત્યારે લોકલ ખટપટ નહીં. અભણને પણ વિદ્યા માટે પ્રેમ! જમીન સરકારે આપવાની હતી, પણ પંચાયત પ્રમુખ કબજો ન આપે. યાજ્ઞિકસાહેબે માનવીય સંબંધોનો સેતુ જબરો રચેલો. તેમણે એલાન કર્યું લોકો સમક્ષ : યુનિવર્સિટીને જમીન નહીં મળે ત્યાં સુધી પાટણમાં રાંધેલી રસોઈ નહીં જમું!’ પાટણે હડતાલ પાડી. સજ્જડ બંધ. યુનિવર્સિટીના કર્મચારીઓને ચા પણ ન મળી, કારણ એક પણ રેંકડી ચાલુ નહીં. અસ૨ થઈ. જમીન મળી અને કલિકાલ સર્વજ્ઞની ચિર સ્મૃતિ બની. યાજ્ઞિકસાહેબે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ માટે બુધવારિયું’ શરૂ કર્યું. એમાં ચૌદ મહિના સુધી દર ગુરુવારે ગીતા વાચન કર્યું; વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષામાં જનરલ ઑપ્શન તમારું ભાવિ બગાડશે; ગુજરાતમાં બંધ થઈ ગયેલ યુવક મહોત્સવ શરૂ કરાવ્યા. કુલપતિ તરીકે વર્ષમાં એકવાર દરેક કૉલેજમાં ગયા, સમારંભ રાખીને નહીં. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને માત્ર મળવા, વાતો કરવા. યાજ્ઞિકસાહેબે એક જ કારકુનને સાથે રાખી યુનિવર્સિટીનું મુખપત્ર ઉદ્દીચ્ચ’ શરૂ કર્યું. પહેલા જ વર્ષે ઉદ્દીચ્ચ’ના બાવીસ અંકો તો સહકારી મંડળીઓએ સ્પોન્સર કર્યા. વહીવટ, શિક્ષણ અને શાસ્ત્રની ત્રિવેણીમાં આનંદથી જીવતા કુલીનચંદ્ર યાજ્ઞિક પાસેથી વિલ્સન કૉલેજ, મુંબઈના ગૃહપતિ ડૉ. ટેલરની સ્મૃતિઓ પેટભરીને સાંભળવી એક લહાવો છે!

“જોવાવાળો જોશે, તું કામ કરે જા…”

મૂંગે મોઢે, શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com

સરદારસાહેબે બાંધેલાં સ્વરાજ આશ્રમમાં એક ખૂણામાં કેળવણીની ચેતના પ્રગટેલી છે. છેલ્લાં સાઠ વર્ષોથી ચાલતી સરદાર કન્યા વિદ્યાલયના મા એટલે બા એટલે નિરંજનાબેન ની આદિવાસી દીકરીઓ એક ધૂન ખુબ સરસ  ગાય છે. ‘ કામ કરે જા, કામ કરે જ, જોવાવાળો જોશે તું કામ કરે જા .’ શબ્દો મઝાના બોલાય પણ એ શબ્દોને મેં જીવાતા પણ અનુભવ્યા તેની વાત માંડું.

આમ તો હું જ્યારે જ્યારે બારડોલી જાઉ ને  એ મળે  ત્યારે એ મને ‘જય શ્રીકૃષ્ણ, જય સીયારામ’ એમ કહે અને હું એ બંને ભગવાનોને એમના વતી યાદ કરીને સામે પ્રતિઘોષ પાડતો. પણ આ વખતે ગયો ત્યારે એણે આંખ ઉપર મોટા-મોટા ચશ્મા પહેર્યાં  હતા એટલે મેં પૂછયું, ‘મનુભાઈ, કેમ આંખોને મોટી કરી નાંખી છે ?’ તો એમણે હસતા-હસતા કહ્યું, ‘બંને આંખનો મોતિયો ઉતરાવ્યો…’ ‘વાહ, બહુ સરસ કામ થયું… !’ કયાં કરાવ્યો ? કોણે ઓપરેશન કર્યું ? મારા આવા પ્રશ્નોના જવાબને એક પછી એક આપવાને બદલે એણે એક જ જવાબ આપ્યો કે, ‘પ્રજ્ઞાબહેને કરાવ્યું !!’

આ જેમની હું વાત કરી રહ્યો છું એ ફાઉન્ટન પ્લાઝા, બારડોલીમાં એક એપાર્ટમેન્ટ છે, એના ભોંયતળિયા ઉપર એક રૂમમાં રહેતું દંપતી છે. મનુભાઈ અને એમના ધર્મપત્ની. મેં એમને વારંવાર જોયા છે, મળ્યો છું, ગેઈટમાં ગાડી આવે કે કોઈપણ આવે તો મનુભાઈ સતર્ક હોય. મેં મનુભાઈને પહેલીવાર જોયા ત્યારે પ્રજ્ઞાને એના ફ્લેટમાંથી ‘મનુભાઈ…ઓ મનુભાઈ…’ એવો સાદ દેતાં તેને મેં આવતા ભાળ્યા ત્યારે મારો મનુભાઈ સાથે પહેલો પરિચય થયો. મનુભાઈના હાથમાં એક મોટો ગ્લાસ હતો. હું પ્રજ્ઞાના ફ્લેટના હિંડોળે  બેઠો હતો ત્યાં મને ‘નમસ્તે’ કરીને એ સીધા રસોડામાં પહોંચ્યા.

મેં જોયું કે એણે પોતાનો મોટો ગ્લાસ પ્રજ્ઞાના રસોડામાં સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ ઉપર ઈન્ડક્ષન સિસ્ટમની બાજુમાં મુક્યો અને પ્રજ્ઞાએ ઈન્ડકશન ઉપર ગરમાગરમ ચા હતી એ ગાળીને એના ગ્લાસને ભરી દીધો. હું આ બધું નિહાળી રહ્યો હતો. મનુભાઈએ ખિસ્સામાંથી એક કોથળી  કાઢી અને કોથળી કાઢી ને બરાબર એમાં જગ્યા કરી. એ જગ્યા કરી એટલે પ્રજ્ઞાએ એમાં એને બ્રેકફાસ્ટ આપ્યો. ખારી, નાનખટાઈ, સેવ, મમરા એવું વારંવાર બદલાતું નાસ્તાનું સ્વરૂપ મેં અનુભવ્યું. બસ, રોજ આટલું થાય પછી મનુભાઈ જતા રહે. આના ઉપરથી મેં અનુમાન કર્યું કે,  મનુભાઈ રોજ સવારના યા અને બ્રેકફાસ્ટ પ્રજ્ઞાના ૨૦૨ નંબરના ફ્લેટમાંથી મેળવે છે. મેં પ્રજ્ઞાને આના વિશે કહેતા ક્યારેય પણ સાંભળેલ નથી, પણ મને આ નાનકડું કૃત્ય બહુ સ્પર્શી ગયું. સવાર પડે અને પ્રજ્ઞા મોટી બધી કીટલીમાં ઘણા બધા લોકોની ચા બનાવે, કારણ કે મુલાકાતીઓ બહુ હોય, ઘરે આવીને વસનારા ઘણા હોય, બ્રેકફાસ્ટ કરવા માટે ડાયરો જામતો હોય. પણ એમાં મનુભાઈ માટેની ચા  રોજ થાય અને મનુભાઈ અચૂક આવે. રોજજ, મનુભાઈ ચા અને નાસ્તો લઈ, બારણું બંધ કરીને નીચે ઊતરી જાય અને સવાર પૂરી થાય.

પ્રજ્ઞા એ ગાયનેકોલોજિસ્ટ છે. ‘ડો પ્રજ્ઞા’ છે. અને બારડોલીમાં એનું પ્રસૂતિઓ માટેનું દવાખાનાનું એક સમયે  એક ચક્રીશાસન કરતું હતું. એમણે બારેક વર્ષ ધમધમતી પ્રેક્ટિસ કરી અને ખૂબ કમાણી કરી પછી એને એમ  થયું કે, ‘હવે ઘણું કર્યું, હવે બધું  મૂકી દઈએ.’ એટલે એણે પોતાની પ્રેક્ટિસ પોતાના જુનિયરને સોંપી દીધી અને એ આ તબીબી વ્યવસાયને અલવિદા કરી લોકકલ્યાણના કામમાં લાગી ગઈ.બારડોલીમાં જે સ્વરાજ આશ્રમ છે, જે સરદાર પટેલે બનાવ્યો અને જેને ૫૦ વર્ષ સુધી ઉત્તમચંદ શાહ નામના એક સ્વતંત્રતાના સત્યાગ્રહીએ સાચવ્યો, એ ઉત્તમચંદ દાદાના દીકરી તે નિરંજનાબેન ક્લાર્થીની દીકરીનું નામ પ્રજ્ઞા છે. આખો પરિવાર વંશ વારસાગત લોકોની વચ્ચે રહેનારો, લોકોના દુ:ખ પોતે સંગોપી આપનારો અને કરુણાભાવથી સૌ સાથે જોડાયેલો રહે છે. પ્રજ્ઞા અનેક સેવાકાર્યો કરે છે અને છેવાડે પહોંચીને વંચિતોને વ્હાલ કરે છે. પણ એમનું એક નાનકડું કૃત્ય એટલે પેલા મનુભાઈ. મનુભાઈની ચા, મનુભાઈનો નાસ્તો અને મનુભાઈનો મોતિયો.

પૂણ્ય કમાવા માટે જે કરીએ એને કરુણાકાર્ય ન કહેવાય, પણ માત્ર પ્રભુ પ્રિતી અર્થે જે કાંઈ થાય એ હકીકતમાં કરુણા તરફ, લાગણી તરફ, સમભાવ તરફ, શાંતિ તરફ આપણને દોરીજાય છે. અને હા, આ જે કરીએ તેના ઢોલ નહિ પીટવાના, તેની તકતીઓ નહિ મુકાવવાની… “જોવાવાળો જોશે તું કામ કરે જા”… મૂંગે મોઢે શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

 

 

 

 

 

 

 

 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જ જોઈએ. 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા.

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this…

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે.

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, ‘બાળક જે જીવે તે શીખે’. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? એ જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. ‘મનમાં ઉગેને કોળે એ કરે તે બાળક‘ એવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે.

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

કુરાનને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે.

શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ લખે છે કે, “અદ્વૈતનું ખરું રહસ્ય મને ઉપનિષદોમાંથી સાંપડ્યું. મારું  હૃદય ઉપનિષદોમાં સમી ગયું.”

શાહજહાંના મોટા દીકરાનું નામ દારા શીકોહ. એ બહુ મશહૂર હતો, પોતાના ઉદાર અને સ્વતંત્ર ધાર્મિક વિચારો માટે. કમનસીબે તેનું શિરચ્છેદ કરી એનું મૃત્યુ ઔરંગઝેબે કર્યું. પરંતુ આ દારાને વિશેષ વ્યક્તિત્વ તરીકે ઓળખવા જેવો છે.

દારાનો જન્મ અજમેરમાં થયો. બચપણથી જ તેનામાં તત્ત્વદ્રષ્ટિ હતી. લગભગ 17-18 વર્ષની ઉંમરે તે બહુ બીમાર પડ્યો હતો. અજમેરમાં તે વખતે એક મિયાં જીવ નામના મશહૂર ઓલિયા  રહેતા હતા. શાહજહાં ખુદ પોતે પોતાના દીકરાને લઈ ઓલિયાની પાસે ગયા. કહે છે કે આ મુલાકાતના પરિણામે તેની બીમારી દૂર થઈ. આ વાત  દારાએ પણ નોંધી છે. થોડા દિવસ પછી બાદશાહ પોતાના પુત્રને લઈને ઓલિયાની પાસે બીજી વાર ગયા. એ વખતે પિતા-પુત્ર બંને ખુલ્લા પગે ગયેલા અને અત્યંત વિનમ્ર ભાવે ગયેલા. ઓલીયા પોતાની મેડી ઉપર ખુદાની આરાધના કરતા મગ્ન થઈને બેઠા હતા. એ સંતના મોઢા ઉપર આધ્યાત્મિકતાની આભા પ્રકાશતી હતી. બાદશાહે અને શાહજાદાએ ઓલિયાની કદમબોસી કરી.  ઓલિયાએ પોતે ચાવેલું એક લવિંગ જમીન ઉપર થૂંક્યું. દારાએ એ લવિંગ પોતાના મોઢામાં મૂકી દીધું. શાહજાદના હૃદયમાં આનંદનું એક અદ્ભૂત ઝરણું આ લવિંગ ખાધા પછી વહેવા લાગ્યું. એના અંગે અંગમાં અપૂર્વ ચેતના દોડવા લાગી. અને આ વિચિત્ર અનુભૂતિથી તે સદંતર પલટાઈ ગયો. તેનું હૃદય ઓલિયામય બની ગયું.એમના દર્શનની તૃષ્ણા એને રાત અને દિવસ રહેવા લાગી.

ત્રીજી વખત પોતે એકલો ગયો. આ મુલાકાતમાં મિયાં જીવે દારાના હૃદય ઉપર હાથ ફેરવ્યો. જોતજોતામાં શાહજાદો ચેતનાનાં  મનોનિત પ્રદેશમાં જાણે કે ઉડવા લાગ્યો. એમને ઇન્દ્રિયાતીત વસ્તુની ઝાંખી થઈ. જયારે તેણે આંખો ખોલી ત્યારે પેલા  સંત પુરુષ તેના તરફ કોમળ દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.

‘બેટા, મારું દિલ અને મારી નજર તેં  કબજે કરી દીધા છે.’ ઓલિયાનાં શબ્દો સાંભળી દારાએ પોતાનું માથું એના ચરણમાં મૂકી દીધું અને આનંદના અશ્રુ ઓલિયાનાં ચરણે ઢાળ્યાં. આ બનાવ પછી શાહજાદો અભેદ માર્ગનો જાણે કે પ્રવાસી બની ગયો. ‘બાદશાહનામા’, અને ‘સકીનત ઉલ ઓલિયા’ એવા બે પુસ્તકોમાં હમણાં કહી તે વિગતો છે. ‘સકીનત ઉલ ઓલિયા’માં  દારાના ગુરુ તથા પોતાના ગુરુબંધુ અને શિક્ષક મુલ્યાશાહનું  વૃતાંત દારાએ આપ્યું છે. દારાને સુફી માર્ગનું, અને ઉપનિષદનું ગુઢ  જ્ઞાન આપનાર આ મુલ્લાશાહ એક અદભુત વ્યક્તિ હતા. દારાની આધ્યાત્મિક દૃષ્ટિ માટે મુલ્લા શાહ પોતે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા હતા, તેનો ખ્યાલ મુલ્લાશાહે દારા માટે રચેલી ગઝલો ઉપરથી આવી શકે છે. દારા પોતે ગુરુ થઇ શકે એટલો આગળ વધ્યો હતો છતાં પોતાનો જરા પણ અધિકાર નથી એવું તે વિનમ્રતાપૂર્વક જણાવી કોઈને પણ સુફી મત નું શિક્ષણ આપવા તૈયાર થતો ન હતો.

એક સરસ પ્રસંગ છે. કોઈ એક પ્રસંગે દારા કાશ્મીર જતો હતો. ત્યારે મુલ્લાશાહે વિનંતી કરી કે, ‘યારોમાં જો કોઈ જ્ઞાની હોય તો તે તમે છો. તો યારો ને બોધ આપવો એ તમારી ફરજ છે.’ જવાબમાં દારા હસ્યો અને મુલ્લાશાહને એટલું કહ્યું, ‘મારી મુક્તિ માટે ખુદાતાલા ને વીનવજો’. યોગ માર્ગમાં દારા કેટલો આગળ વધ્યો હતો તેની જાણ દારાના સ્વમુખેથી એક હકીકત ઉપરથી થાય છે. આ હકીકત પ્રાણનિરોધની છે.

‘એકવાર મુલ્લાશાહે મને કહ્યું કે, આપણા કાદરી સંપ્રદાયમાં પ્રાણનિરોહ મુખ્ય વસ્તુ છે, ઇસ્લામનાં બીજા સંપ્રદાયોમાં આ વસ્તુ નથી. હું તમને પ્રાણનિરોધનું રહસ્ય સમજાવીશ’. અને દારા કહે છે કે, મુલ્લાશાહે મને પ્રાણનિરોધ શીખવ્યું. હું  પ્રાણનિરોધ કરવા માંડ્યો, અને આરંભમાં ઘણી મુશ્કેલીઓ પડી. લાંબા સમયના અભ્યાસ પછી મને યાદ છે કે હું આખી રાત ફક્ત બે શ્વાસથી પુરી કરી શકતો. કેટલીક વાર મને એવી તો મુશ્કેલી પડતી કે જાણે મારી જિંદગીનો ચિરાગ બુજાઈ જશે. દારા એ પણ કહે છે કે, મુલ્લાશાહે પોતાને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી, અને સ્વપ્ન પછી પોતાને જ્ઞાનનો પ્રકાશ થયેલો.

દારાને ઉપનિષદો પ્રત્યે કેવી રીતે આકર્ષણ થયું એ વાત પણ રસિક છે. એમણે ઉપનિષદોનું ‘ સિર-ઈ-અકબર’ એ નામે ફારસી માં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર એવું તો સરળ અને રસથી છલકાતું છે કે ફારસી ગદ્યમાં તેનું સ્થાન બહું ઉંચુ છે. દારા એક તત્વ શોધક હતો. જીવનનું અંતિમ તત્વ, અંતિમ આધાર શું છે તેની શોધમાં તે રચ્યો પચ્યો રહેતો. તે લખે છે કે, બીજા અનેક ધર્મ પુસ્તકો પોતે વાંચી ગયો,પરંતુ આખરી તત્વ પામી શક્યો નહિ. અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું. તેનું હૃદય ઉપનિષદોમાં સમી ગયું. એ કાશ્મીરમાં પોતે હતો ત્યારથી મુલ્લાશાહની અસર હેઠળ આવેલો. કુરાને શરીફના ગુઢ રહસ્યો તેને મુલ્લાશાહે સમજાવેલા, અને સાથે સાથે ઉપનિષદના રહસ્યો પણ ઠસાવેલા. બાઈબલનાં બંને કરારોનો પોતે અભ્યાસ કરેલો. પરંતુ અદ્વૈત સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન ઉપનિષદોમાંથી પામ્યો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેણે હિન્દુ તત્વદર્શનનો અથ થી ઈતિ  અભ્યાસ શરૂ કર્યો. વેદોની અંદરની ગુપ્ત વાતો તેણે ઉપનિષદ દ્વારા સમજી, જાણી અને આખરે પોતે  ઉપનિષદોનું ફારસી ભાષાંતર કરવા લાગ્યો. ભાષાંતર કરવામાં તેણે ફારસીના પંડિતોની તથા સંન્યાસીઓની મદદ લિધી. દારા નોંધે છે, ‘આધ્યાત્મિક વસ્તુનાં અગમ્ય અંકોડાઓ મને ઉપનિષદોમાંથી જડ્યાં છે. એ અગમ્ય બાબતો મને કોઈ પણ બીજા ધર્મ પુસ્તકોમાંથી મળી નહિ. કુરાને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે. ઉપનિષદો કુરાનનું સમર્થન કરે છે. કુરાનનાં 56 માં પ્રકરણમાં 77, 78, 79 સૂત્રો જે ગુઢ  પુસ્તકનો આડકતરો નિર્દેશ છે તે મારી સમજ પ્રમાણે ઉપનિષદને લગતો છે. ઉપનિષદો એ ગુઢ  વિદ્યાઓ છે. અને કુરાનનો એકેશ્વરવાદ એમાં આદિથી અંત સુધી ભર્યો  પડ્યો છે. તેથી હું માનું છું કે જે ગુઢ  પુસ્તક ‘કિતાબે મકનુન’ બાબત કુરાનમાં ઉલ્લેખ છે, એ ગુઢ  પુસ્તક એટલે ઉપનિષદ છે. આનું ભાષાંતર કરવામાં ખ્યાતિનો લોભ નથી પરંતુ જ્ઞાનના પ્રચારની તમન્ના છે. જેઓના હૃદયમાં મતમતાંતરની ધૂન નથી, જેઓને સાંપ્રદાયિક રાગ-દ્વેષો નથી, જેઓ માત્ર ઈશ્વરના દર્શનનાં  જ ભૂખ્યા છે, તેવા મુમુક્ષોઓ અર્થે ઈશ્વરની વાણી સમાન આ પુસ્તકનો  હું અનુવાદ કરું છું. તે જેના હૃદયમાં ઉતારશે તેના રાગ, ભય અને ક્રોધ એ તમામ દુશ્મનો તારાજ થઈ જશે. (ક્રમશ:)