by Bhadrayu Vachhrajani | May 10, 2025 | શબ્દ સૃષ્ટિ |
- “નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે ..”
કવિશ્રી અનિલ જોશીની વિદાયે શ્રદ્ધાંજલિ લેખ : 01
‘ગાંસડી ઉપાડી શેઠની..’ અંગે કવિ અનિલ જોશી કહે છે કે, “આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે”
ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ કહે છે : કવિશ્રી અનિલ જોશી એટલે અંતરખોજી અને શેડકઢા પ્રેમનો માનવી.!!
“મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો….”
આવી સૌનાં હૈયે વસેલી ગીત રચના આપનાર આપણા વિરલ કવિ શ્રી અનિલ જોશીએ
વિદાય લીધી છે. આપણને વિશ્વ કવિતા સાથે જોડી આપનાર સર્જકની વિદાય નાળ સંબંધ છેદી નાખ્યા જેવું દર્દ આપે છે. અતિ સ્પષ્ટ વક્તા કે જેના જીવનમાં શિક્ષણ અને સર્જન હારોહાર ચાલ્યાં. પોતાની ફેસબુક વોલ પરથી ફોલોઅર્સ સાથે મુખોમુખ સંવાદ સતત સાધી રાખનાર અનિલ જોશી થોડા સમય પહેલાં દવાખાનાના બિછાના પરથી કવિવર્ય રૂમીની પંક્તિઓ ટાંકે કે છે અને આપણે સમજવું હોય તો ‘અલવિદા’ કહી દે છે, પણ આપણે તો એને કવિની મસ્તી ગણીને વિચારતા નથી કે અનિલ જોશી રૂમીને વચ્ચે રાખીને આપણને પોતાના જતા રહેવાના અણસારા આપી રહ્યા છે….
“ રૂમી નામનાં ઇરાનનાં કવિએ બહુ સરસ કહ્યું છે કે, આપણે બધા ગેસ્ટહાઉસ જેવા છીએ. we are just like guest house. એમાં રોજ નવું એરાઇવલ હોય છે. જેમ જિંદગીમાં જીવતા હોઈએ તો રોજ નવું એરાઇવલ હોય. કોઈવાર બીમારી હોય, કોઈવાર સંતાપ હોય, કોઈવાર દુઃખ હોય, કોઈવાર યાતના હોય, કોઈવાર શરીર પીડા હોય, કોઈવાર ઓપરેશન હોય બધું જ હોય પણ તમે યાદ રાખજો કે ગેસ્ટહાઉસમાં જેનું એરાઇવલ છે ને એનું ડિપાર્ચર હોવાનું જ છે, એ પર્મેનૅન્ટલી રહેવાનું જ નથી. આ સત્ય કવિ રૂમીએ રજુ કર્યું હતું. એટલે દુઃખ આવે તો આવે ભઈ, એરાઇવલ છે એનો ટાઈમ છે આવીને જતું રહેશે.”
એક ઉત્તમ કામ એ થયું કે કવિશ્રી અનિલ જોશીએ પોતાની આત્મકથા સમયસર લખી, તે પ્રકાશિત થઇ અને તેનાં એકથી વધુ નગરોમાં લોકાર્પણ પણ થયાં. પોતાના નિરાળા અંદાઝમાં અનિલ જોશીએ પોતાની જીવની લખી અને ક્યાંય શબ્દો ચોર્યા વગર જીવનયાત્રા વર્ણવી છે. એનું શીર્ષક છે, ગાંસડી ઉપાડી શેઠની. જરા વિશિષ્ટ કહી શકાય તેવા શીર્ષક સાથે આપણી સમક્ષ એક કવિના જીવનની યાત્રા સુંદર રીતે આપણને મળી.રાજકોટ ખાતે પ્રસિદ્ધ સર્જક શ્રી મધુ રાયની ઉપસ્થિતિમાં આ આત્મકથાનું ગરિમાભર્યું વાચકાર્પણ થયું અને તે સમારંભમાં અનિલ જોશીએ ખુદે મને કહ્યું કે, મારી યાત્રા વિષે તું માંડીને વાત કરજે. માતબર કવિ અને ઉમદા માનવનું આ સૂચન મારા માટે સોનેરી અવસર બની રહ્યો. બહુ ઊંડાણથી લખાયેલ આ યાત્રાનો ઝીણી નજરે મેં અભ્યાસ કર્યો અને સમારંભમાં દિલથી પેશકશ કરી. બંને સર્જકો શ્રી મધુ રાય અને શ્રી અનિલ જોશીએ પોતાના વક્તવ્યમાં મારી પ્રસ્તુતિને નવાજી. એ મારા માટે સંતોષ અને ગૌરવની ઘડી હતી.
‘અનિલ રમાનાથ જોશી’ નામ છે, એનું જો કે તેઓ આ પુસ્તકના પાંચમા પાનાથી એવું કહે છે કે, તમે મને જે નામથી બોલાવો છો તે ખરેખર મારું નામ નથી. અનિલ કોઈ ઈશ્વર નથી માનવી છે. હઝરત ઈનાયત ખાનના શબ્દોને આગળ ધરીને અનિલ જોશી કહે છે કે, “તમે મને જે નામથી બોલાવો છો તે નામથી હું સતત છેતરાતો રહ્યો છું. શું કંસારા પાસે ઘરના થાળી, વાટકા અને ચમચા ચમચીઓ પર મારું નામ કોતરાવા માટે મેં જન્મ લીધો છે ?” કવિ અનિલ જોશીનો આ પ્રશ્ન આપણને વિચારમાં નાખી દે છે. આપણને સૌને આપણા નામ માટે આવો પ્રશ્ન હવે થઈ શકે. “ભાષા હોય કે જીવન હોય એ સતત વહેતો પ્રવાહ છે. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે જીવનના પ્રવાહના પ્રુફ રીડર બનવું છે કે પછી વહેતા જીવનની કથા લખવી છે ??” આવી અતિ વિશિષ્ટ વાત કરીને આપણી સમક્ષ ગાંસડી ઉપાડી શેઠની એવી કથા લઈને કવિ અનિલ જોશી આવ્યા છે.
આ પુસ્તક અશોક ઉર્ફે અનિલ ઉર્ફે માનવના વહેતા જીવનની ખળખળ વહેતી કથા છે. કવિ અનેક ગાંસડીઓ ગણાવે છે કે જે આપણે જીવનભર માથે ઉપાડીને ફર્યા કરીએ છીએ. અને છેવટે આત્યંતિક વિધાન કરે છે કે, “નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે.” અને પછી પોતે ઉપાડેલી શેઠની ગાંસડી મા ના ચરણમાં ઉતારીને કવિ ગાંસડીમુક્ત થાય છે. આપણને પણ ગાંસડીપ્રિય અનિલ જોશી માર્ગ ચીંધે છે કે, “ગાંસડીમુક્તિ જોઈતી હોય તો બધું મા જગદંબાને સોંપી દેવું જોઈએ.” કવિ અહીં ભક્ત તરીકે પ્રસ્તુત થાય છે. પણ એક નિરાળો ભક્ત છે. શિવ અને શક્તિમાંથી શક્તિ પાસે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની જેની અંતરંગ ભાવના છે એવા આ કવિ વિષે પુસ્તકની પ્રસ્તાવના લખતા વડોદરાના ખ્યાત સર્જક ગુલામ મોહમ્મ્દ શેખના મતે “આ સર્જન એ ગોંડલની ભગવતપરાની શેરી નંબર ૧૧ થી માંડી ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે. એ બીડીના ઠુંઠા ફૂંકતા શીખે છે, સિગરેટ પણ ચડાવે છે, તમાકુનો નશો અને મૌલાનો મજો પણ તે લે છે.”
તોતડાતી જીભે અનિલ જોશીને વર્ષો સુધી મૂંગા રાખ્યા છે. જય ભિખ્ખુ ની શિખામણથી રાડો પાડવાનું શરૂ કરે છે ત્યારે તો જીભ છૂટી થાય છે. ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ બે સુંદર વિશેષણોનો ઉપયોગ કરે છે. ૧) અંતરખોજી. નાથાલાલ જોશીની સંગતમાં મા નો મેળાપ થાય છે અને આપણા કવિ અંતરખોજી બને છે. ૨) શેડકઢા પ્રેમનો માનવી જયારે અનિલ જોશીને મકરંદ દવે મળી જાય છે ત્યારે એની ઓળખ પલટો મારી જાય છે. અને ત્યારે આ વિશેષણ યથાર્થ જોવા મળે છે. આઠ દાયકાની સફરમાં જીવનમાં મેં જોયું, માણ્યું, જાણ્યું અને વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણામાં રોજબરોજની બાનીમાં તળ કાઠિયાવાડી બોલીની આંગળી ઝાલીને નિખર્યો છે. એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. “આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે,” એવું આરંભે જ આપણને અનિલ જોશી કહે છે. આશ્ચર્ય થાય છે જયારે તેઓ અમુક વાતો આપણી સમક્ષ ભૂતકાળની કરે છે, અતિ નાના બાળપણની કરે છે. આપણને એ વાત જાણીને ઘણી બધી જિજ્ઞાસા જન્મે કે, પોતાના જન્મ સમયની આ બધી વાતો કવિ ક્યાંથી લઇ લાવ્યા ?? “પૃથ્વી પર મેં ક્યારે પહેલી હવા શ્વાસમાં લીધી તે તો મને યાદ નથી. એ હવાને આંગળીથી ચીંધી શકતો નથી, કારણકે હું તો કવચકુંડળ કે વીંટી સાથે ન્હતો જન્મ્યો. હું બિલકુલ શેડકઢા દૂધ જેટલો ફ્રેશ હતો. એ પછી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારામાં ભેળસેળ વધતી ગઈ. મને ઓળી ઝૉળી પીપળ પાનનો હીંચકો નાખીને ‘અશોક’ નામ આપવામાં આવ્યું એટલે હું નામધારી થયો. મને પૃથ્વી પર લાવવાનો બધો યશ બબુ સોયાણીને જાય છે. બબુ સોયાણી એક મુસ્લિમ ઔરત હતી. મધ્યમ બાંધો, ચમકદાર આંખો, પહેરવેશ બહુ સાદો પણ એના હાથમાં જાદુ.”
કવિનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે એમનું માથું પહેલું બહાર આવવાને બદલે પગ બહાર આવ્યા. એમના માતાને બહુ તકલીફ પડી. માથું બહુ મોટું હતું એટલે એને સૌ ડાલામથ્થો કહેવા લાગ્યા. પણ બબુ સોયાણીનો એક નિયમ કવિ જે નોંધે છે તે આપણા દિલને સ્પર્શી જાય છે. “જે કોઈ પ્રસુતાને વેણ ઉપડે અને બુલાવો આવે ત્યારે બબુ સોયાણી બધા કામ છોડીને નમાજ પઢવા બેસી જાય એ પછી હાથ ધોઈને પ્રસુતિ કરાવવા જતી રહે.આ આખા વિસ્તારમાં બબુના હાથે જન્મેલું એક પણ છોકરું મર્યું નહોતું. મા ના ગર્ભમાંથી છોકરું ઉઆ…ઉઆ.. કરતું બહાર નીકળે કે તરત બબુ સોયાણી નમાજ પઢવા બેસી જતી અને કહેતી, ‘અલ્લાહ આ તારું છે, એ તને જ આપું છું, મારું કંઈ નથી.’ બબુ સોયાણીની આ વાત રજૂ કરે ત્યારે આપણને સર્વ ધર્મ સમભાવની અત્યારે ચાલતી ગુલબાંગો સાવ નિરાકાર લાગે અને કવિએ વર્ણવેલ બબુ સોયાણીની નમાજ પઢવાની વાત આપણા દિલને સ્પર્શી જાય. દ્રશ્યો તો ઘણા બધા છે પણ દર્શન નથી. કવિ કહે છે કે, મારી આંખ ઉઘડી નહોતી એ ભૂલકણી આંખનો ડોળો હજી પણ ફર્યા કરે. પૃથ્વી ફર્યા કરે છે, દિવસો ફર્યા કરે છે, ગ્રહ ફર્યા કરે છે અને બબુ સોયાણી પણ ક્યાંક ફર્યા કરે છે. આત્મા એ રખડેલ ભટકતી ભવાની જેવો છે, એટલે રખડેલ માણસની આત્મકથા ન હોય એટલે જ હું એને જીવનની વીતક કથા કહું છું.
આપણા ચહિતા કવિ અનિલ જોશીની બાળપણની વાતો આપણી આંખના ખૂણા ભીના કરે છે. એમની બા ભણેલી નહોતી પણ ઘરરખ્ખુ ગૃહિણી હતી. એકદમ વૈષ્ણવ ધર્મ પાળતા. મરજાદી કુટુંબમાં તે પરણી હતી, ઘરમાં દુજણી બે ગાયો હતી એનું ધ્યાન રાખતી, ખીલે નીરણ નાખતી, પોદળા ઉપાડીને છાણાં થાપતી. પંદર વાસણો લઈને ભગવતપરાના સાસરે આવી ત્યારે આપણા કવિ સાવ ધાવણાં હતા. બા તો ઘરકામની ચક્કીમાં ગોઠવાઈ જતી પણ આ ભવિષ્યના કવિને ઘોડિયામાં નાખીને એ કામે વળગી જતી. હાલરડું ગાઈને સુવડાવવા જેટલો બા પાસે સમય નહોતો. કવિ જયારે ભૂખ્યા થતા ત્યારે ઘોડિયાની ઝૉળીમાંથી રડતા. અને એને રડતા સાંભળી બા સત્તર કામ પડતા મૂકી અને અનિલ જોશીને ધવડાવવા ખોળામાં લઇ લેતા. પણ એ સમયે આ સંવેદનાથી સભર એ વ્યક્તિને બા ના ખોળામાંથી ખાંડેલા મસાલાની વાસ આવતી. “બા ને મારા માટે બિલકુલ સમય મળતો નથી,” એવું સાબિત કરવા માટે એમણે ટાંક્યું છે કે, બા એ મને ધાવણ છોડાવવા માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો એટલે હું રડવા લાગ્યો અને એ રીતે બા ના ધાવણથી હું અલગ થઇ ગયો. ધાવણ છૂટ્યું એટલે બા એક તરફથી મુક્ત થઇ ગઈ. પણ બાના ઘરકામમાં પોતે ક્યાંય આડા ન આવે એટલે બાએ એક નવો નુસખો અમલમાં મુક્યો. અફીણનો ચમચો એ અનિલના મોઢામાં મૂકી દેતા અને અફીણના ઘેનથી તેઓ આખો દિવસ સૂતા રહેતા. પોતાની બા ને પોતે ઘરકામમાં ડિસ્ટર્બ ન કરે એટલા માટે અફીણ આપીને સુવડાવી રાખવા સિવાય બા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એવું પણ તેઓ મોટા દિલથી કબૂલે છે. તેઓ કહે છે કે, એક તો પેટમાં હતો ત્યારે હું નવ મહિના ઘેનમાં રહ્યો અને જન્મ્યા પછી અફીણના ઘેનમાં ઊંઘતો રહ્યો. જાગૃતિ અને ઊંઘના ઉમરા ઉપર હું ધીમે ધીમે ઉછરતો ગયો. આમ પોતાના બાળપણને બહુ જ સટીક રીતે, આપણને ગળે ડૂમો ભરાય એવી વાત લખીને અનિલ જોશી વાચકને અચંબામાં નાખે છે કે, જે સમયે સમજ હજુ ઘણી દૂર માર્ગમાં ચાલી આવતી હતી ત્યારે આ અણસમજભરી વાતો કવિ લાવ્યા ક્યાંથી ??
અનિલ જોશી શિશુ બીમારીનો ભોગ બનનાર બાળક હતા અને નાનપણથી એને ખુબ બીમારી રહેતી. એટલે કોઈએ કહ્યું કે જ્યોતિષની સલાહ લો તો જ્યોતિષના કહેવા મુજબ ઘરના વડીલોએ નામ બદલીને અશોકમાંથી અનિલ કર્યું. અને એ જ્યોતિષની સલાહ મુજબ આપણને કવિ અનિલ જોશી મળ્યા. પિતાજી ફર્ગ્યુસન કોલેજમાંથી ભણીને પાછા આવ્યા હતા. એમનો મિજાજ બહુ તેજ હતો. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા હતા. એટલે પિતાજી પાસે આ અનિલને રમાડવાનો કોઈ સમય ન હતો. એ આખો દિવસ નિશાળે ભણાવે અને સાંજે ભગવદ્ગોમંડલ શબ્દકોશની કચેરીએ જાય. અને શબ્દકોશના સંપાદક ચંદુલાલ બેચરદાસ પટેલ સાથે મોડી રાત સુધી કામ કર્યા કરે. પિતાજી ઘરે આવે ત્યારે અનિલ ઊંઘી ગયો હોય. જો કે કવિ લખે છે કે, રાતે પિતાજી મારી સાથે સૂતા અને મને વાર્તા કહેતા એવું મને થોડું સ્મરણ છે. ગોળકેરી ભીતરડી ને શેરડી કેરા ફુવારા, ટોપરડે ઘર છાયા બચ્ચા બારણાં ઉઘાડો હું તમારી મા છું. મારા ગાલે હાથ ફેરવીને મારા પિતા મને સુવડાવી દેતા. જો કે મારા પિતાજી બહુ સારું ગાતા નહોતા. પૂનાની ફર્ગ્યુસન કોલેજની વાતો કર્યા કરતા. કેટલાય પ્રોફેસરને યાદ કરતા. અને પોતાના જીવનની એવી વાતો કરતા કે, જેથી તેમને લશ્કરી તાલીમ લેવા માટે નસીરાબાદ જવું પડ્યું હતું અને તેના આધારે પોતે કેવા ઘડાયા હતા એ મને કહેતા. કવિના ઘરમાં પહેલીવાર રાયફલનો પ્રવેશ થયો હતો. મોટી બંધૂક ભીંતે લટકતી. લશ્કરી ગણવેશ પણ ખીંટીએ ઉપર ટીંગાતો તેઓએ જોયો છે. આ બધા દ્રશ્યો તેઓ ચુપચાપ જોયા કરતા. અનિલની એક બીજી ખામી એ હતી કે, જેની જીભ તોતડાતી હતી એટલે એ બોલતા નહીં. બા તો એક પછી એક સુવાવડ અને ઘરકામમાંથી ઉંચી નહોતી આવતી. બા ને એક નવું રમકડું મળ્યું ત્યારે બહેન કુમુદનો જન્મ થયો. પિતાજી શિસ્તના બહુ આગ્રહી હતા. એકવાર મેજર શેષાદ્રી અમારે ઘરે જમવા આવવાના હતા તે દ્રશ્ય હું ભુલ્યો નથી. ઘરમાં સફાઈ થવા લાગી. કાબરી ગાયને મચ્છો ભરવાડ ધણમાં લઇ ગયો. મેજર શેષાદ્રી આવવાના હતા એ પહેલા પિતાજીએ બા સાથે રસોઈમાં શું બનાવવું એ વિષે ચર્ચા કરી. બા ને કડક સૂચનાઓ આપી. બા બિચારી ચિઠ્ઠીની ચાકર, વળી અમારું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ મરજાદી એટલે નોનવેજ શબ્દ પણ બોલવાની મનાઈ. બા તો રસોઈમાં વળગી ગઈ. એ બધી રસોઈ પિતાને ચાખવા માટે પિતળની થાળીમાં અલગ કાઢી અને પિતાજીને ચખાડવામાં આવી. બા એ પિતાજીના હાથમાં થાળી આપી. પિતાજીએ જોયું એમાં એકાદ બટેટાનું ફોડવું થોડું કાચું હતું અને એકાદ રોટલી થોડી કાચી રહી ગઈ હતી. એટલે પિતાજીનો મિજાજ એવો કે, એમણે પિતળની થાળીનો ઘા સીધો ફળિયામાં કર્યો અને બુટ પછાડતા પછાડતા ચાલ્યા ગયા. ઓસરીમાંથી ફળિયામાં ફેંકાયેલી થાળીનો રણકાર હજી મારા કાનમાં સચવાયો છે, પરંતુ બા એ બધું સાંભળી લીધું હતું એ પણ ભાવ મનમાંથી જતો નથી, આ બધી વાતોથી હું ડરી ગયો હતો. પિતાજીએ મારી ઓળખાણ શેષાદ્રી સાહેબ સાથે કરાવી ત્યારે હું થોડો ડર્યો, શેષાદ્રીએ મને સીધો જ તેડી લીધો. મારું નામ પૂછ્યું નામ તો મને યાદ હતું પણ જીભ તોતડાતી હતી એટલે બોલી ન શક્યો. પિતાજીએ કહ્યું, અનિલ.. બોલવાની બાબતમાં મારું એવું હતું કે પેઢા બોલતા અને જીભ સાંભળતી. એક પછી એક વર્ષ પસાર થવા લાગ્યા. હું રોડાબોડા ની જેમ મોટો થતો ગયો અને મારું જીવન આગળ ચાલતું ગયું.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ દરબારગઢમાં ૮૪ જ્ઞાતિનો જમણવાર ગોઠવેલો. બધી જ જ્ઞાતિઓ એક ભાણે જમે એવી રાજાની ઈચ્છા હતી, રાજાએ એવું પણ ફરમાન કર્યું હતું કે બ્રાહ્મણોને એક રૂપિયાની દક્ષિણા અપાશે. પણ શરત એટલી કે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બતાવવી પડશે. આ ફરમાનથી અનિલ જોશીના ઘરમાં પ્રોબ્લેમ થઇ ગયો. ઘરમાં કાકા, મોટાબાપાના ભાઈઓની સાથે અનિલ ઉછરતા હતા. એમને કોઈને યજ્ઞોપવિત આપેલું ન હતું. પણ પરિવારમાં નક્કી કરવામાં આવ્યું કે બધા ભાઈઓને ભગવાનનું નામ લઈને જનોઈ પહેરાવી દેવી. એ રીતે અનિલને પણ ખોટી રીતે જનોઈ પહેરાવી દીધી. હજી તો તે નિશાળે ભણવા પણ નહોતો બેઠો. રાજાની ૮૪ જ્ઞાતિના જમણવારના ટોળામાં તે ભળી ગયો અને એક રૂપિયો દક્ષિણા લઈને પાછો આવ્યો. પણ હવે જનોઈનું શું કરવું ? એવો પ્રશ્ન અનિલના મનમાં ઉભો થયો. જનોઈધારી મોટેરાઓને તે સતત નીરખ્યા કરતો. અનિલ જોશીના શબ્દોમાં કહું તો,… બધા ખર્ચુ જતી વખતે કે પેશાબ કરવા જતા ત્યારે જનોઈ કાને ચડાવતા હતા. પણ મને એ ક્યારેય ફાવ્યું નહીં. થોડા દિવસ પછી મારી જનોઈ ખોવાઈ ગઈ. ઘરમાં કોઈએ પૂછ્યું નહીં કે તારી જનોઈ ક્યાં ? આ દ્રશ્ય પછી એકાદ બે વર્ષે અમને બધા ભાઈઓને મોટો પ્રસંગ કરીને યજ્ઞોપવિત ધારણ કરાવ્યું. અમારી જ્ઞાતિનો મોટો જમણવાર કરવામાં આવ્યો. જમણવારની આગલી સવારે ડેલી બંધ ફળિયામાં ચુલયું ખોદાઈ ગઈ. મગ બાફણાનો ઢગલો થયો. સાંજે મોહનથાળ બનાવવાનું રસોઈયા હરિભાઈએ શરૂ કર્યું. પાતર દુના આવી ગયા હતા. ઘરમાં વડીલોને માથે માથું નહોતું. આખી નાતનો જમણવાર બીજા દિવસે હતો એના ઉચાટમાં વડીલો હતા. વાત વાતમાં સૌ ખિજાઈ જતા હતા. એવામાં હરિ રસોઈઓ આવીને ડુમભાણું એકસાથે મૂકી ગયો કે મોહનથાળ થઇ ગયો છે પણ જામતો નથી. ચોકીમાં ઠાલવ્યો છે. મોહનથાળ એકનો બે થતો નથી. ઘરના બધા તરત દોડ્યા. બરફના કારખાનેથી બરફની પાટો મંગાવી. મોહનથાળની ચોકીને બરફની પાટો પર મુકવામાં આવી. કોઈ વળી હાથમાં પંખો રાખી મોહનથાળને હવા નાખવા લાગ્યું પણ મોહનથાળ એકનો બે ન થયો. આખું ઘર મોહનથાળના ટેંશનમાં હતું ત્યારે હું ઓસરીની થાંભલી પાસે બેસીને બરફના ટુકડા ચગળતો હતો. દાદાજીએ કહ્યું કે, મોહનથાળ ભલે નથી જામ્યો પણ સ્વાદમાં બહુ સારો છે. કાલે કમંડળમાં ભરીને પિરસજો અને દુનામાં આપજો. એ દિવસે મેં મોહનથાળ ખાધો નહીં, પણ દુનામાં લઈને મોહનથાળ પીધો. કવિની વિશિષ્ટ શૈલી કે જેની અંદર લોકબોલીના કેટલાય શબ્દો જોવા મળે અને એના આજે અર્થ કરવા મુશ્કેલ બને. ‘મગ બાફણાનો ઢગલો’ અથવા તો ‘ડુમ ભાણું’ અથવા તો ‘ખર્ચુ’ ‘ચુલ્યુ’ આ બધા શબ્દપ્રયોગો આજના વાચકને તો અર્થ માંગે એવા બની રહ્યા છે પણ આપણને એક બહુ જ સાચી તળપદી અને ગામતળની બોલાતી ભાષાનો કવિ અહીં પરિચય કરાવે છે જાણે અજાણે, કારણકે એ સમયે એ જ બોલાતું હતું અને એમની જરા પણ વિશેષ ભાષાવિત થવાને બદલે એમણે જે અનુભવ્યું તે જ એમણે મૂક્યું છે.
રતિકુમાર વ્યાસ એ અનિલના માસા, તેઓ મોટા ગાયક. માસીનું ઘર દેવજી સરૈયાની પોળ સાંકડી શેરીમાં. અનિલના બા એને એકવાર માસીને ત્યાં લઇ ગયા. બે બહેનો ઘણા વખતે મળી અને ખાંટે ઝુલવા લાગી. અનિલ એક ખૂણામાં ઉભો રહીને નવું ઘર જોતો હતો. ઉપર મેડી હતી. લાકડાનો દાદરો હતો એ પછી માસી અનિલને ઉપર લઇ ગયા તો જોયું કે, ત્યાં એક હુક્કો પડ્યો હતો. માસી બોલ્યા કાગબાપુ આવ્યા છે. કાગબાપુ એટલે લોકકવિ દુલાભાયા કાગ. રતિકુમાર કાયમ એમના યજમાન હોય. કાગબાપુ અમદાવાદ આવે ત્યારે માસાને ત્યાં જ ઉતરે. માસી અનિલને પહેલી વાર કાગબાપુ પાસે લઇ ગયા અને ઓળખાણ કરાવી ત્યારે તેઓ હુક્કો પીતા ગાદી તકિયે બેઠા હતા. કાગબાપુએ અનિલ માથે હાથ ફેરવ્યો પણ અનિલની નજર તો પેલા ગુડગુડ કરતા હુક્કા ઉપર હતી. એ હુક્કાથી અનિલને ઘણું વિસ્મય જન્મ્યું. થોડીવાર તો પીવાનું પણ મન થયું. હુક્કાનો દેતવા ફૂંકે ફૂંકે ઝગમગતો હતો એ જોવાની એને બહુ મજા પડી. માસા રતિકુમાર વ્યાસને ઘરે બાલાભાઈ દેસાઈ અચૂક આવતા. બાલાભાઈ દેસાઈ એટલે જયભિખ્ખુ. એ વખતે જયભિખ્ખુના નામથી એમના લેખો છાપામાં છપાતા. માસીને ઘેર અનિલ તોતડાતી જીભ હોવાથી બહુ બોલતો નહીં. બધું બા સંભાળી લેતી. પણ બાલાભાઈ આવતા ત્યારે ત્યારે તેઓ અનિલ સાથે વાતો કરવા ખુબ પ્રયત્નો કરતા. પણ અનિલના મોઢામાં મગ ભર્યા હોય એમ એ ચૂપ બેસી રહેતો. અનિલને બરાબર યાદ છે કે, બાલાભાઈએ એ મારી બાને પાસે બોલાવીને કહ્યું કે, આ છોકરાને બોલતો કરવા માટે અક્કલ કરો વાટીને ખવડાવજે અને બહાર મેદાનમાં જઈને એની પાસે જોરથી બૂમો પડાવજે. તે બોલતો થઇ જશે. બાલાભાઈ અનિલ પાસે ખુબ સારી સારી વાતો કરતા કેટલીક ચોપડીઓ પણ વાંચવા આપતા. જો કે, અનિલને વાંચતા નહોતું આવડતું, કારણકે એ હજુ નિશાળે ભણવા બેઠો નહોતો. પણ બાલભાઈનો નેચર અનિલને બહુ સારો લાગ્યો હતો. એ આવતા ત્યારે અનિલ મનોમન રાજી થઇ જતો. માસીને ઘેર બધા ખાવાના બહુ શોખીન એ વખતે ચંદ્રવિલાસની દાળ માસીને ઘેર અચૂક આવે. માસા રતિકુમાર વ્યાસની કાયા પડછંદ લાંબા વાળ રાખતા અને બીડીઓ પીધા કરતા. માસીને ઘરે અનિલે પહેલી વાર હૂકો અને બીડી એકસાથે જોયા. એને એમાં બહુ રસ પડ્યો, કારણ એક જ હતું કે, બીડી તેના જેટલી જ મૂંગી હતી અને હુક્કો બોલતો હતો. માસાનો કંઠ બુલંદ હતો. કાગબાપુના ગીતો ગાય ત્યારે હીબકા ભરતા હોય એવું લાગે. એમાંય વળી કાગપબાપુનું “વગડો કહે છે વનરાઈ સળગી, મેલી દિયો ને જુના માળા, ઉડી જાવ પંખી પાંખોવાળા..હે જી જી રે..” એ ગાતા ત્યારે તો માસા ખોવાઈ જતા. માસાનો મિજાજ બિલકુલ કાઠિયાવાડી તળપદો. ભાષા પણ બાખડબોલી પણ રોટલે બહુ પહોળા. કોઈ ઘરે આવે તો તરત પૂછે: “રોટલા હાર્યે ખાશું.” આવનાર જો ના પડે તો માસા દેશી ભાષામાં તરત ચોપડાવી દે, હવે વાયડીનો થામાં જોહટવા બેહી જા…દકાળમાં પેદો થ્યો છો ? (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | May 4, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.
“એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.
જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને એ સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.
આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું જે ધ્યેય પરમાત્માને મળવાનું છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે, આ આદત પણ એક યુક્તિ છે.
બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે, તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને પરમાત્મા સાથે એને જોડી દેવાનો પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.
અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે, દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે, જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | અખંડ આનંદ |

સેવા, સમજ, સમાનતા, પડે. સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા… આમથી શરૂ થતા બધા જ હકરાત્મક શબ્દો જેના રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફુરભાઈ બિલખિયા. એમને પોતાના વિશે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.
“મારાં મા છે, એ દામનગરનાં હતાં. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ, અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સ૨કારે ઘણી બધી મહેનત કરેલી. મારાં માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલાં. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દળણું (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો હાય તો મૂકી જાય અને પાછો લઈ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી માની વેઠ બંધ. મારા ઘરમાં ને મારાં સગાંવહાલાં બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.
હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું. લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો. મેં કીધું, હું શેરો નહીં બાંધું, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સૂતરની અને ચપ્પલ પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે, એ કહે તે કરવા દે ને, જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દુ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈ ઓરડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું, તમે રડો એટલે હું રહું છું. હું પહેલેથી કોઈક કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારે રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.
અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઈ આવ્યા છો તમે ? કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, કંઈ એને પગ દાબતાં આવડે નહીં. કંઈ નથી તારી વધુમાં. હા, છે રૂપાળી. પણ ખાય-પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયાં આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, ‘હું તો હિંદુના ઘરનું ખાતી નથી.’ તો કહે, મેં કહ્યું કે, જો એમને ઘરેથી છાશ લઈ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે, આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે, એટલે મુશ્કેલી બહુ પડશે. તો કહે, ના હું બધું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ, તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલાં તો બહુ મોટો આંચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ, તમે મૂંઝાતા નહીં, એમને બહુ ગમ્યું. જોકે ભદ્રાયુભાઈ, આજે તો અમારા ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકનાં થઈને રહે છે.”
પોતે હજ પઢવા જાય તો હજ પઢીને બહાર આવે ને મને ફોન કરે. કહે, “ભાઈ, આજે અલ્લાહ્વાલા પાસે આજે હજ પઢતી વખતે આપના માટે દુઆ માંગી છે, તે થયું કે આપને અહીંથી જ સલામ પાઠવી દઉં.”
**
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“આપે એક ટીમ એવી કેમ ન તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને મળે !!”
અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે, અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા એવી થવા લાગી કે, હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું, પરંતુ એમને એ યાદ નથી રહેતું કે, એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો કે, મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને ખુદને કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.
કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે, ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.
ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે. પરંતુ તેઓની નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ ત્યારે એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે, ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને હવે બધું પડી ને પાધર થઈ ગયું.’ આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું વિચારતા માણસને એક સહજ પ્રશ્ન થાય કે, ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’
ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે. રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો, પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા, જૂની કાંખ ધોડી જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે, પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે, ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’ કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય, પોતે સહી ન કરી શકતા હોય, એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને, એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!
આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો ઉલ્લેખ કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. આ લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી જ નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની પાછળની જેટલી વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે, ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કે, સ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કે, હવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં મને આનંદ થાય છે કે, ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.
by Bhadrayu Vachhrajani | Apr 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘શ્રદ્ધા રાખી શકાય’ એવું ન બને, પણ ‘શ્રદ્ધા બેસે’, એવું બને.
‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે, નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.
ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે, આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો, એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે, “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.” સાંજે છ વાગે દર્શન બંધ થયાં એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે, આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .
અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે, હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ કહેવાય છે કે, મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે, તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ મને જોઈ રહ્યા હતા, તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે, તમે ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે, મને ઓળખો છો?..થોડું વિચારીને મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે, પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું. જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો , સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા. મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે, મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.
યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું, ઓહો આપણે તો નવ દિવસ સાથે રહ્યા છીએ અને કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે, મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે, એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.
જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે, તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે, અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે, હવે સાત વાગ્યે દર્શન ખુલશે, પણ તમે ચિંતા ન કરો, હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો. સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી રહી જાત ! અને લગભગ પોણા સાત થયા અને એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે, અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.
આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું ન બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે એ શ્રદ્ધા હોય એવું જરૂરી નહીં, પણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો એ શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા. અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી એ ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત ન રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને એ સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે એ શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.
શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે, તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી‘ આ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.