by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Gramsetu |




કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે?
સંસ્કાર અને સંસ્કૃતિની નગરી ભાવનગર. દક્ષિણામૂર્તિ, શિશુવિહાર, ઘરશાળા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ. કેટલી ‘પાયાનાં’ સિક્ષણની સંસ્થાઓ? કેટલી વિરલ વિભૂતિઓ! આ નગરીએ બીજ રોપ્યાં એક સાદ્યંત કલાકારનાં. તારીખ બારમી અને તિથિ બારસ, ૧૯૩૪માં આવો સમન્વય તે જ્યોતિ માનભાઈ ભટ્ટનો જન્મ દિવસ! રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી બહાર નીકળવા મથનાર કુટુંબ. બાપુજી સુધારાવાદી. કદાચ એટલે જ તો એ સમયમાં જ્યોતિ ભટ્ટનો જન્મ થયો હૉસ્પિટલમાં, ઘરમાં નહીં. બા કહેતાં : ‘તારી ઘરમાં સુવાવડ ન થઈ તે ય ક્રાંતિ ગણાય એ સમયની…’ લીમડીવાળી સડક ભાવનગરની, જે પછીથી કૃષ્ણનગર બનવાનું હતું, ત્યાં ઉછેર.
બાપુજી માનભાઈ ભટ્ટ. બહુ મોટું નામ ગણાય, આજે પણ. બંદરમાં નોકરી. જમાનાથી ઘણા આગળ. સવારના ત્રણ-ચાર વાગે ઊઠી જાય. ઉકરડા તરીકે ઉપયોગ થતો હતો તે સ્થળને તેમણે રમણીય બનાવ્યું. જમીન સમથળ કરી, ખાડા બૂર્યા, ઘરેથી લઈ જઈ પાણી સીંચ્યું. ‘અમને ય નાની નાની ડોલ લાવી આપેલી, પાણી પેલી જગ્યાએ લઈ જવા. સાંજે બાબા ગાડીમાં મને બેસાડી તેમાં પુસ્તકો ભરી ત્યાં લઈ જાય અને ત્યાં પુસ્તકાલય ચલાવે. આ સ્થળ ‘શિશુવિહાર’ તરીકે ખ્યાત થયું. ટેકરી પરનું બાલમંદિર, કરચલિયાપરામાં. ગિજુભાઈ બધેકા સાથે કંઈક નાતો ખરો, કારણ રોજ અમારા ઘરે આવતા. ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંઘા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે તે નીરખતાં ? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણવાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કૅનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.
બાલમંદિરથી ધોરણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘરશાળા. દસ વર્ષના હતા ત્યારથી જ્યોતિભાઈને ન.પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની. પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફૉટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વૅલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પૉસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું ‘તોતોચાન’. એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હરભાઈ માધવજીભાઈ પટેલ – જગુભાઈ શાહ. શનિ-રવિ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહલાદ પારેખ ઘરશાળામાં, એટલે ‘વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘જગુભાઈ સારા ચિત્રકાર સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કેમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…’ જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે.
પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હરિજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. ‘જુગુપ્સા’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે: ‘આ ચિત્ર ગંદુ અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’
ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન.એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો કરવા મળતાં ભીંત પર.
ધ્રાંગધ્રા કૉંગ્રેસ ભરાયેલી. તેની સજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આત્મવિશ્વાસ પાક્કો બંધાવ્યો, વાતાવરણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠયપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહલાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો કરવાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી… ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે…
‘એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ.એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન.એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લૉમાં અને પૉસ્ટ ડિપ્લોમાં કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે.
પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું.’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયાર નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે.
૧૯૫૪માં નેહરુએ પાર્લામૅન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશા કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ‘ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે.જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ ‘અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લેન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ.એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફૅલેશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ/ફેલેશિપ તથા વચ્ચે ટ્રાવૅલ ગ્રાન્ટ. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયોર્કમાં બેસી ચિત્ર, ફૉટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ ઍકેડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ ‘પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.
ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી ‘કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. ‘યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એકવાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમાર’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’માં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની છબિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમૅજ ક્રિઍટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફૉટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફૉટોગ્રાફ હતો એ.
જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : ‘આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપા ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. ‘હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્વાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટના સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : ‘કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?
by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Uncategorized, સ્વૈર વિહાર - મધુવન |

રજનીશજી કહે છે કે, “પાગલ બાબાની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
એક રોચક વાત જાણવાથી આશ્ચર્ય થશે.
જીસસ અને મોઝેઝ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસનને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધા અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. આ અંગે રજનીશ કહે છે. “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યા.”
મગ્ગા બાબા પછી અન્ય એક વિલક્ષણ વ્યક્તિએ રજનીશના જીવનમાં આગમન કર્યું તે હતા પગલા બાબા (પાગલ બાબા). તેઓ ખરેખર પાગલ જ હતા. તેઓ રજનીશને મળ્યા તે ઘટના પણ ઘણી વિચિત્ર હતી અને તે માટે નિમિત્ત બની હતી એ સાકર નદી જેમાં રજનીશ કલાકો સુધી તરતા રહેતા હતા.
એક દિવસ તેઓ નદીમાં તરતા હતા એવામાં પાગલ બાબા ત્યાંથી પસાર થયા અને રજનીશને જોઈને તેમણે નદીમાં છલાંગ લગાવી દીધી અને બંને સાથે સાથે તરવા લાગ્યા. એ વખતે પાગલ બાબા ઘરડા હતા અને રજનીશની ઉંમર ૧૨ વર્ષ જ હતી. પાગલ બાબા થાકી ગયા તો તેમણે કહેવું પડ્યું કે,આપણે અહીં જ અટકી જઈએ. રજનીશ તો થાકે તેમ જ ન હતા. રજનીશ ૧૨ વર્ષના હતા એટલા માટે નહીં પણ એટલા માટે કે, તે તો આ નદીની માછલી જ હતા.!!
પાગલ બાબા તેમના ગામમાં આંધીની માફક આવતા હતા અને ૧૨ વર્ષના આ છોકરાને લઈને ચાલવા માંડતા. રજનીશનાં નાની કે તેમનાં માતા-પિતા પાગલ બાબાને આમ કરતાં રોકી શકતાં ન હતાં. હકીકત તો એ હતી કે તેઓ રોકાવા પણ માગતાં ન હતાં, કેમ કે તેમને ખાતરી હતી કે પાગલ બાબા પાસે તેમનો પુત્ર સુરક્ષિત હતો, સલામત હતો.
રજનીશના જીવનમાં પાગલ બાબાની બે ભૂમિકા રહી છે. પહેલી તો એ કે તેમણે આ પાગલ બાબા સાથે ઘણાં સ્થાનોની મુલાકાત લીધી અને તેઓ ઘણા મોટા કલાકારો અને સંગીતકારોને મળી શક્યા. રજનીશના જ શબ્દોમાં, “તેમની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
પાગલ બાબાનું બીજું યોગદાન હતું મસ્તી બાબા સાથે રજનીશની ઓળખાણ કરાવવી. પાગલ બાબા તેમના જીવનમાં અંતિમ દિવસોમાં થોડા ચિંતિત રહેવા માંડ્યા હતા અને રજનીશને એમ લાગવા માંડ્યું હતું કે, તેઓ ઘણી વ્યાકુળતાથી કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વાત સાચી પણ હતી, કેમ કે તેઓ ખરેખર કોઈની રાહ જોતા હતા અને તે હતા મસ્તો બાબા એટલે કે મસ્તી બાબા. હકીકતમાં પાગલ બાબાને પોતાના જીવનના અંતનો આભાસ થઈ ગયો હતો અને તેઓ ઈચ્છતા હતા કે, મૃત્યુ અગાઉ તેઓ રજનીશને મસ્તી બાબાના હાથમાં સોંપી જાય. તેઓ આમ કરવાનું કેમ ઇચ્છતા હતા? આ અંગે પાગલ બાબાનું કહેવું હતું કે, “એવી પ્રથા છે કે કોઈ બાળક બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ બુદ્ધ પુરુષ દ્વારા બાળપણમાં જ તેને માન્યતા મળી હોવી જોઈએ.” મગ્ગા બાબા પ્રથમ બુદ્ધ પુરુષ હતા જેમણે રજનીશના બુદ્ધત્ત્વને પારખી લીધું. પાગલ બાબા બીજા હતા અને હવે ત્રીજાની રાહ જોવાતી હતી જે હતા મસ્તી બાબા.
પાગલ બાબા આ દુનિયામાંથી વિદાય લે તે પહેલાં મસ્તી બાબા પહોંચી ગયા અને પાગલ બાબાએ રજનીશ સાથે તેમની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “આ છોકરો (રજનીશ) મારે માટે સર્વસ્વ છે. કદાચ હું જે કરવા માંગું છુ તે આ કરી શકશે. તું તેના ચરણ સ્પર્શ કર. હું રાહ જોઈ રહ્યો હતો જેથી હું તારી ઓળખાણ કરાવી શકું.” અને આ સાથે ૩૫ વર્ષના એ મસ્તી બાબાએ ખરેખર રજનીશના ચરણસ્પર્શ કરી લીધા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહ્યા.
મસ્તી બાબા યુવાન હતા અને ઘણા તેજસ્વી હતા. તેમનું વ્યક્તિત્ત્વ મહાન અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હોવા છતાં બંનેનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો, કેમ કે ઉંમરનું અંતર રજનીશ માટે ક્યારેય મહત્ત્વનું રહ્યું ન હતું. જે બાળકની પોતાની નાની અને પોતાનાથી ૩૫ વર્ષ મોટા શંભુ બાબુ સાથે મિત્રતા રહી હોય તેની સરખામણીએ તો મસ્તી બાબા યુવાન હતા.
આ એ સમયની વાત છે જ્યારે રજનીશ માત્ર ૨૦ વર્ષના હતા. તેઓ મસ્તી બાબા સાથે વડાપ્રધાનના નિવાસ ત્રિમૂર્તિ ભવન ખાતે પંડિત નહેરૂને મળવા ગયા. પોતાનો વારો આવે તેની રાહ જોતા એક કેબિનેટ પ્રધાન પણ ત્યાં બેઠા હતા. હવે પછીની વાત રજનીશના જ શબ્દોમાં, “અમે અંદર ગયા અને ત્યાં પાંચ મિનિટને બદલે દોઢ કલાક સુધી રોકાયા. મસ્તી બાબાને વડાપ્રધાન સહિત બધા ઓળખે એટલે તેમને વડાપ્રધાને પહેલાં બોલાવી લીધા. આમ અમે દોઢ કલાક સુધી રોકાયા અને બહાર મોરારજી દેસાઇએ રાહ જોવી પડી. તેમના માટે આ સહન કરવું મુશ્કેલ હતું. તેમના મળવાના સમયે એક સાધુ અને એક નવયુવાન પહેલેથી ઘૂસી ગયા હતા જેને કારણે તેમને ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી.” ઉલ્લેખનીય છે કે રજનીશે પોતાના જીવનમાં જે રાજકારણીઓનો વિરોધ કરવો પડ્યો તેમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજીભાઈ દેસાઈ આજીવન રજનીશના વિરોધી રહ્યા અને રજનીશ પણ ખુલ્લેઆમ મોરારજી દેસાઈની નીતિઓની ટીકા કરતા રહ્યા. ઈ.સ. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા અને આ ગાળો રજનીશ માટે અપેક્ષાકૃત કપરો સમય રહ્યો, પરંતુ વડાપ્રધાનનો મજબૂત હોદ્દો પણ રજનીશને તેમનો વિરોધ કરતાં રોકી શક્યો નહીં પણ તે અગાઉ કરતાં પણ કટ્ટર વિરોધી બની ગયા. રજનીશનું માનવું છે કે, “ત્રિમૂર્તિ ભવનની મુલાકાતના એ દિવસથી જ તેઓ મારા દુશ્મન બની ગયા.”
હવે આપણે ફરીથી રજનીશનું એક વક્તવ્ય જોઈએ જે તેમણે પંડિત નહેરુ સાથેની મુલાકાત અંગે આપ્યું છે, “જીવનમાં પહેલીવાર હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, કેમ કે હું તો ત્યાં એક રાજકારણીને મળવા ગયો હતો અને હું જેને મળ્યો તે રાજકારણી નહીં પણ કવિ હતા. જવાહરલાલ નહેરુ રાજકારણી ન હતા. અફસોસ છે કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરી શક્યા નહીં. તેઓ ખરેખર મહાન હતા. તેઓ એક યુવાનને બહાર સુધી મૂકવા આવ્યા, જેની જરૂર ન હતી અને પછી હું કારમાં બેઠો એટલે તેમણે જાતે જ કારનો દરવાજો બંધ કર્યો તથા કાર રવાના થઇ નહીં ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા અને બિચારા મોરારાજી દેસાઈ આ બધું જોતા હતા. તે તો કાર્ટુન છે, પરંતુ આ કાર્ટુન હંમેશાં માટે મારો દુશ્મન બની ગયો. તેમણે મને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 3, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”… મગ્ગા બાબા
ઓશો હોય છતાં ન હોય !! …એવું તે બને ?? હા, અવશ્ય બને, ઓશોના કિસ્સામાં બને જ.. એક વાર માતા તેની પાસે આવી અને કહ્યું કે, મને ઘરમાં કોઈ દેખાતું નથી. કોઈ વ્યક્તિ એવી જોઈએ જે બજારમાં જઈને શાકભાજી લાવી આપે.’ તેમની સામે બેઠેલા રજનીશે કહ્યું “મને કોઈ દેખાશે તો જાણ કરી દઈશ.” હવે વિચારીએ કે ૧૦-૧૧ વર્ષનું બાળક માતાને આવો જવાબ આપે તો માતા શું કરે.?? માતા તેમને શાક લેવા મોકલે તો સાંજે આવીને કહે કે, હું ભૂલી ગયો અથવા તો મંગાવે કાંઇક અને લાવે કાંઈક તેવો ઘાટ થતો હતો. આ સંજોગોમાં માતાએ રજનીશ અંગે એવું તારણ કાઢ્યું હતું કે, “એમાં તારો દોષ નથી. દોષ અમારો છે. આખો દિવસ અમે રાહ જોતા રહ્યા. અમારે તને કોઈ કામ સોંપવું જોઈએ નહીં.” રજનીશની માતાએ આ તારણને પોતાના વ્યવહારમાં અમલી બનાવ્યું. બીજી તરફ રજનીશે એવું તારણ કાઢયું કે, “મારી હાજરીને ગેરહાજરી માની લેવામાં આવી. હું જેવો છું તેવો તેનાથી કોઈ ફરક પડતો ન હતો.
રજનીશને બાબુનો સંપર્ક થયો. તે શાળામાં ગણિતના શિક્ષક હતા. જેમનું સાચું નામ તો ખબર નથી પણ બધા તેમને કંટર માસ્ટર કહેતા હતા. તેઓ તમામ બાળકને નિર્દયતાપૂર્વક ફટકારતા હતા અને મજાની વાત તો એ હતી કે આટલી બધી ફરિયાદ છતાં વાલીઓ તેમની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી શકતા ન હતા. તેઓ ઘણા સિનિયર હતા અને આજે જેઓ વાલી બની ચૂક્યા હતા તેઓ એક જમાનામાં કંટર માસ્ટરના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આ સંબંધને કારણે વાલીઓ ચુપ હતા. તેમના વિદ્યાર્થી ના હોય તેવા વાલીઓ એટલે ડરતા હતા કે કંટર માસ્ટર અંગે ફરિયાદ કરશે તો તેઓ પોતાના બાળકને નાપાસ કરશે. તેમની આ તાકાત સામે ત્યાંના પોલીસ કમિશનર પણ ડરતા હતા અને વિચારતા હતા કે, કદાચ મારા બાળકોને નાપાસ ના કરી દે.
કંટર માસ્ટર ગણિત શીખવતા હતા અને રજનીશનું ધ્યાન બારીની બહાર હતું. કંટર માસ્ટર ભડક્યા અને રજનીશને ઊભા કરીને પૂછ્યું. “હું ગણિત ભણાવું છું તો તું બારીની બહાર કેમ જોઈ રહ્યો છે ?” હવે આઠ-નવ વર્ષના બાળકનો જવાબ સાંભળો. “ગણિત સાંભળવા માટે છે, જોવા માટે નથી. હું તમારો સુંદર ચહેરો જોવા માંગતો નથી. હું તેનાથી બચવા માટે બારીની બહાર જોઈ રહ્યો છું.ગણિતનો સવાલ છે ત્યાં સુધી તમે મને ગમે તે પૂછી શકો છો. મેં સાંભળ્યું પણ છે અને હું સમજ્યો પણ છું.”
કંટર માસ્ટરે પૂછવાનું શરૂ કર્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમના દરેક પ્રશ્નનો ઉત્તર તેમને મળવા માંડ્યો. આમ છતાં તેમણે કહ્યું “તું સાચો જવાબ આપ કે ખોટો પણ હું તને સજા કરીશ, કેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે બારીની બહાર જોઈ શકાય નહીં.” તેમણે રજનીશને સજા કરી અને એ પણ કડક સજા. રજનીશ સહન કરી શક્યા નહીં અને તેમણે નિર્ણય લીધો કે, કંટર માસ્ટરને આ માટે પરિણામ ભોગવવું પડશે. તેમની ફરિયાદ કરવા રજનીશ હેડ માસ્તર પાસે ગયા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, કંટર માસ્ટર સૌથી સિનિયર હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરાશે નહીં. આમ છતાં રજનીશે પિતાને વાત કરી તો જવાબ મળ્યો કે “તું નાહકની પરેશાની ઊભી કરી રહ્યો છે.” હવે રજનીશ પોલીસ કમિશનર પાસે ગયા તો તેમણે પણ લાચારી દાખવી કે, કદાચ તેઓ મારા પુત્રોને નાપાસ કરી દેશે. આ શાળા નગરપાલિકાની હતી એટલે તેઓ ત્યાં ગયા તો નગરપાલિકાના પ્રમુખ તો સાવ બેકાર નીકળ્યા. અંતે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પંડિત શંભુ રતન દૂબે પાસે ગયા જેમની પાસેથી તેમને સમસ્યાનો ઉકેલ મળવાનો હતો અને તેઓ એવી પહેલી વ્યક્તિને મળવાના હતા જે તેમની મિત્ર હોય.
સમગ્ર વાત સાંભળીને શંભુ રતન દૂબેએ રજનીશનો હાથ પકડીને કહ્યું કે, “હું હંમેશાં વિદ્રોહી વ્યક્તિને પ્રેમ કરું છું પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી ઉંમરનો બાળક વિદ્રોહી બની શકે. હું તને અભિનંદન આપું છું.” બંને મિત્રો બની ગયા. એક અનોખી જોડીની મિત્રતા. આ મિત્રતા શંભુ બાબુના નિધન સુધી ચાલી. શંભુ બાબુએ પોતાનું વચન પાળ્યું કેમ કે તેમના માટે આમ કરવું આસાન હતું. કંટર માસ્તરની નિવૃત્તિમાં એક મહિનો બાકી હતો અને તેમણે આ સમયગાળો લંબાવવા માટે અરજી કરી હતી. યોગાનુયોગે આ અરજી શંભુ બાબુ પાસે હતી અને તેને મંજૂર કરવી કે નહીં એ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તેમણે અરજી નામંજૂર કરી દીધી અને કંટર માસ્તરને રજા પર ઉતારી દીધા. બીજા દિવસે રજનીશ તેમની શાળામાં હીરો બની ગયા. આથી લોકોએ પણ તેમનો આદર કરવા માંડ્યો.
બાળપણથી જ રજનીશને ઉટપટાંગ વાતોમાં રસ હોવાને કારણે ઝડપી અને રહસ્યમય લોકો સાથે સંપર્ક વધારવાની તેમને લાલચ રહી છે જે સ્વાભાવિક છે આમ તો તેઓ આવા ઘણા ગૂઢ સંપ્રદાયોના સંપર્કમાં આવ્યા પણ તેમાં ત્રણ લોકોનો – ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આ ઉલ્લેખ ઘણી શ્રદ્ધા સાથે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે. તેમાં પહેલી વ્યક્તિ હતા મગ્ગા બાબા.
મગ્ગાનો અર્થ થાય છે મોટો જગ. તેઓ પોતાના હાથમાં મોટો જગ (મગ્ગા) રાખતા હતા. આ જગ જ તેમની મિલકત-મૂડી અને સર્વસ્વ હતું. તેથી તેમનું નામ મગ્ગા બાબા પડી ગયું. એ જમાનામાં તમામ સાધુ સંતોનાં નામ તેમની કોઈ ને કોઈ વિશેષતા પરથી પડી જતું હતું. જેમ કે કાળો ધાબળો ઓઢનારા બાબાનું નામ કાલી કમલી વાલે બાબા. લીંબડાના (નીમ) ઝાડ નીચે રહેતા બાબાનું નામ નીમ બાબા. એક પગ ઉપર ઊભા રહેતા બાબાનું નામ ખડા બાબા વગેરે વગેરે…
તો તેમનું નામ હતું મગ્ગા બાબા. તેમની સામે કોઈ આવે એટલે તેઓ જગ ધરી દેતા. તેનો અર્થ એ ન હતો કે તેઓ લાલચુ હતા. તેઓ એક પાસેથી લઈને બીજાને આપી દેતા હતા. તેમાં પૈસા આવતા-જતા રહેતા હતા. તેમનો જગ હંમેશાં ખાલી રહેતો અને તેમને વારંવાર આ જગ સાફ કરતાં રજનીશે જોયા હતા. તેઓ ક્યાંથી આવ્યા અને તેમની જાતિ કઈ હતી તેની કોઈને ખબર ન હતી. એટલું જ કે એક દિવસ તેઓ ગામમાં આવ્યા અને લોકો તેમનાથી આફરીન થઈ ગયા. મોટાભાગે તેઓ મૂંગા રહેતા અને લોકો તેમને વધારે પરેશાન કરે તો અસ્પષ્ટ અવાજ કાઢતા હતા. આખો દિવસ લોકોની ભીડ જમા રહેતી હતી. આવામાં રજનીશ રાત્રે બે-ત્રણ વાગે તેમની પાસે જતા હતા, કેમ કે એ વખતે જ તેમને એકલા મળી શકાતું. રજનીશને તેમની વાત એટલે ગમતી હતી કે, તેઓ સુંદર હતા અને જીવંત હતા. રજનીશે પોતાની ઉપર મગ્ગા બાબાના પ્રભાવને આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. “તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કહયું હતું કે, જીવન દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આથી દેખાય છે તેના વિશે કોઈ નિર્ણય કરવો નહીં, પણ ઊંડી ખીણમાં જાઓ જ્યાં જીવનનાં મૂળિયાં છે. તેમણે મને ઘણો સહકાર આપ્યો. તેમણે ક્યારેય કોઈ આદેશ કર્યો નથી. તેમની હાજરીથી જ મારામાં છૂપાયેલી અજ્ઞાત શક્તિઓ જાગી ગઈ. હું મગ્ગા બાબાનો ઘણો આભારી છું.”
રજનીશને ખુદને આશ્ચર્ય થતું હતું કે, “મગ્ગા બાબા શા માટે તેને આટલો પ્રેમ કરતા હતા. બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો. તેમના માટે એટલું પૂરતું હતું કે, તેમને ઘણી અદ્ભુત વ્યક્તિઓનો પ્રેમ મળ્યો અને રજનીશની આ યાદીમાં મગ્ગા બાબા ‘પ્રથમ’ હતા.
મગ્ગા બાબા ઉટપટાંગ અને ઓઘડ પ્રકારના વ્યક્તિ હતા. જે કદાચ રજનીશના વ્યક્તિત્ત્વ સાથે મેળ ખાતો હતો. રજનીશ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો. મગ્ગા બાબાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેઓ ક્યારેય બોલતા ન હતા. ક્યારેક બોલે તો કાંઇક ઉટપટાંગ બોલતા હતા જે કોઈની સમજમાં આવતું ન હતું. તેઓ અડલ, ફડલ, શડલ આવા આવા શબ્દો બોલતા હતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાતચીત કરતા હતા અને રજનીશ તેમને મળવા દરરોજ રાત્રે એક લીમડાના ઝાડ નીચે જતા હતા. મગ્ગા બાબા આ જગ્યાએ રાત્રે સૂતા હતા. તેઓ એક વખત દિવસે અને એક દિવસ રાત્રે તેમની પાસે જતા હતા. રજનીશ ક્યારેય મગ્ગા બાબાને મળવાથી પોતાની જાતને રોકી શકતા ન હતા. તેઓ બીમાર હોય તો પણ મળવા જતા હતા. રજનીશને ત્યાં આધ્યાત્મિકતાનો ખોરાક મળતો હતો. તેમણે ખુદે કબૂલ્યું હતું કે, “બાબાની હાજરીમાં જ મારી અંદરની અજ્ઞાત શક્તિઓ ખીલે છે.”
એક દિવસ ઓચિંતા જ કોઈએ આવીને ઓશોના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, મગ્ગા બાબાએ રજનીશને બોલાવ્યા છે. અડધી રાત્રે અને એ પણ મગ્ગા બાબા જેવી પાગલ વ્યક્તિએ રજનીશને બોલાવ્યા છે તે સાંભળીને રજનીશના પિતા ચિંતામાં પડી ગયા, પણ રજનીશ ક્યાં કોઈનું માને તેમ હતા. રજનીશ તો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા અને મગ્ગા બાબાની વાત સાંભળીને ચોંકી ગયા. બાબા કહી રહ્યા હતા કે “આ મારી અહીં અંતિમ રાત છે. કદાચ હું કાયમ માટે જઈ રહ્યો છું. તારા સિવાય એવું કોઈ નથી જેની હું વિદાય લઈ શકું.” તેમણે રજનીશને વહાલથી ગળે વળગાડ્યો અને તેમના માથા પર વહાલથી ચુંબન કરતાં પોતાના છેલ્લા શબ્દો કહીને હંમેશાં માટે વિદાય લઈ લીધી કે, “હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”
મગ્ગા બાબાએ વિદાય લેતાં લેતાં કહ્યું કે, તેઓ હિમાલય તરફ જઈ રહ્યા છે. એક વખત રજનીશ હિમાલયની યાત્રાએ હતા ત્યારે મગ્ગા બાબાની કબર હતી તે સ્થળે પહોંચી ગયા હતા. રજનીશ દંગ રહી ગયા કે, મગ્ગા બાબાની કબરની સાથે અન્ય બે વ્યક્તિની કબર હતી. મોઝેઝ અને જીસસ. રજનીશનું માનવું હતું કે, આ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધો અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. ‘આ અંગે રજનીશ કહે છે, “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગ્ગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યો.”(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 27, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું તેમને ‘મા’ કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે.”….ઓશો
રજનીશ પણ ક્યારેક એ પૈતૃક મંદિરમાં જતા હતા જ્યાં તેમના નાના જતા હતા પરંતુ તેમના નાના સાથે નહીં, પણ મંદિર બંધ હોય ત્યારે કારણ કે, એ વખતે તેઓ મંદિરમાં લગાવેલ ફાનસના કાચ કાઢી લેતા હતા. ધીમે ધીમે તેમણે મંદિરની તમામ ફાનસના કાચ કાઢી લીધા. લોકોએ તેમના નાનાને આ વાતની ફરિયાદ કરી તો આ કામને અધર્મ અને અનૈતિક માનીને રજનીશને ધમકાવવાને બદલે તેમના નાનાએ રજનીશની તરફેણ કરીને લોકોને કહ્યું કે “તો શું થઈ ગયું ?” આ ફાનસ મેં તો દાનમાં આપ્યાં છે. બીજાં ફાનસ આપી દઈશ. તે ચોરી નથી કરતો, આ તો તેના નાનાની જ મિલકત છે. આ મંદિર મેં તો બંધાવ્યું છે.” એ દિવસ પછી લોકોની સાથે સાથે પૂજારીએ પણ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, કેમ કે મંદિર ભલે કોઈ ભગવાનના નામથી જાણીતું હોય પણ તેના ભૌતિક માલિક તો રજનીશના નાના જ હતા ને? આ ઘટનાને રજનીશ પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના માને છે અને કહે છે “આ રીતે મેં ધામિર્કતા શીખી.” એમ કહેવું ખોટું નથી કે રજનીશના ભાવિ વિચારોમાં આ ઘટનાઓની ઝલક મેળવવા માટે ખાસ મહેનત કરવાની જરૂર નથી.
નાના સાથે સંકળાયેલી રજનીશની એક અન્ય મહત્ત્વની ઘટના તેમના નાનાનું નિધન. યોગાનુયોગ તેમનું નિધન રજનીશના ખોળામાં જ થયું હતું. નાના અચાનક બીમાર પડ્યા અને તેમને શહેરમાં લઈ જવા પડ્યા. એ વખતનું કોઈપણ શહેર કુચવાડાથી ૫૦ કિલોમીટરથી નજીક ન હતું. મોટરકાર તો હતી જ નહીં. એક માત્ર વાહન એટલે બળદગાડું. જેમાં તેમને શહેર લઈ જવાયા. એ પ્રવાસમાં ચાર વ્યક્તિ હતી. નાના-નાની, સાત વર્ષનો રજનીશ અને તેમનો નોકર ભૂરો જે રજનીશનો બોડીગાર્ડ પણ હતો.
વાતચીત જે આ સાત વર્ષના બાળકના મનમાં વસી જ નહીં પરંતુ જીવન અને મૃત્યુના દર્શનનો પાયો બની ગઈ. રજનીશના નાનાને ખ્યાલ આવી ગયો હતો કે મૃત્યુ નજીકમાં છે. આમ છતાં તેમના છેલ્લા શબ્દો હતા. “ચિંતા ના કરતો, કેમ કે હું મરી રહ્યો નથી.” અને હકીકત એ છે કે જે જીવન—મૃત્યુના અનંતચક્રને સમજે છે તે દરેક મૃત્યુ વખતે જાહેર કરે છે કે “હું મરી રહ્યો નથી.” મૃત્યુ શૈયા પર સૂતેલા નાનાએ રજનીશને વારંવાર આ જ કહ્યું કે “ચક્રને રોકો, ચક્રને રોકો” આ ચક્ર શું હતું ? આ ચક્ર એ બળદગાડીના પૈડાં ન હતાં જેમાં તેઓ શહેરમાં જઈ રહ્યા હતા. એ તો જીવનની ગાડીનાં પૈડાં હતાં. તેમના નાના જાણી ગયા હતા કે જીવનના ચક્રને રોકી શકાય તેમ નથી. તેને રોકવાનો અર્થ થયો મોક્ષ પ્રાપ્ત કરવો. જે સામાન્ય વાત ન હતી. મૃત્યુ તો માત્ર આ જીવનની સમાપ્તિ અને અન્ય જીવનની શરૂઆત હતી. આ ચક્ર તો ચાલતું જ રહેશે.
‘આ ચક્રને રોકો’ વાક્યનો ઊંડો પ્રભાવ રજનીશ ઉપર પડ્યો. પરિણામે પુનર્જન્મ તેમના વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયો. તેમણે પોતાના પુનર્જન્મની વાત કરી અને બીજાને પણ કર્મના સંદર્ભમાં પુનર્જન્મની સત્યતા સમજાવી. તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે, મૃત્યુ પછી આત્મા પોતાના માટે યોગ્ય ગર્ભની રાહ જુએ છે. યોગ્ય ગર્ભ મળતાં જ તે જન્મ લઇ લે છે. મૃત્યુ વખતે વ્યક્તિની અંદર જેવો ભાવ હોય છે તેવા જ ભાવને અનુરૂપ તેને આગલો જન્મ પ્રાપ્ત થાય છે.
પોતાના નાનાના મૃત્યુ અંગે રજનીશે હૃદયને સ્પર્શી જાય તેવી માર્મિક વાત કરી છે. બળદગાડું નદીના પટમાંથી પસાર થઈને ગાડરવાડા તરફ જઈ રહ્યું હતું. કુદરત શાંત છે અને તેમાં બેઠેલા ચારેય જણા પણ શાંત છે. કોઈ કાંઈ બોલતું નથી. એવી નીરવ શાંતિ હતી જેને સહન કરવી આસાન ન હતી. આવી સ્થિતિમાં બાળકે તેના નાનાને કહ્યું, “કાંઈક તો બોલો, ચૂપ ન રહો, સહન થતું નથી.” એ પછી તેમના નાનાએ શું કર્યું ? આવો રજનીશના શબ્દોમાં જાણીએ “શું આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ? તેમણે એક ગીત ગાયું કે ‘મૃત્યુનો ઉત્સવ કેવી રીતે મનાવાય.’ આ મેં તેમની પાસેથી જ શીખ્યું. તેમણે એ જ ગીત ગાયું જે તેમણે પહેલીવાર નાની સાથે પ્રેમ થયો ત્યારે ગાયું હતું.”
બાળપણથી જ રજનીશ જે રીતે આખાબોલા હતા તેને સહન કરવું કોઈપણ વડીલ માટે આસાન ન હતું. દાખલા તરીકે તેઓ ક્યારેક દાદાના પગે માલિશ કરી આપતા હતા પરંતુ કોઈ બાળક માટે આમ કહેવું ઉદંડતા જ કહેવાશે કે આમ કરીને હું જવાબદારી નથી નિભાવતો અને આ જગતમાં મારી કોઈ માટે કોઈ જવાબદારી નથી. હું તમારા પગની માલિશ કરીશ પણ મને કોઈ તકલીફ નહીં પડે ત્યાં સુધી જ હું માલિશ કરીશ. હું અટકી જાઉં તો હજી થોડી વાર માલિશ કર તેમ ના કહેતા, હું નહીં કરું. હું પ્રેમથી આમ કરી રહ્યો છું. તમે મારા દાદા છો એટલે નથી કરતો. આવું તો હું કોઈ ભિખારી માટે કે કોઈ અજાણ્યા માટે પણ કરતો પરંતુ પ્રેમથી જ કરતો અથવા પ્રેમથી પ્રભાવિત થઈને કરતો.” તેના ઘરડા દાદાએ રજનીશની આ વાત સાંભળીને પોતાના માટે અલગ સલાહ લઈ લીધી કે જવાબદારી અને પ્રેમ અલગ અલગ ચીજ છે.
ઓશોનો પરિવાર એક પરંપરાગત જૈન પરિવાર હતો પરંતુ તેમના દાદા તો જરાય ધાર્મિક ન હતા. રજનીશના જણાવ્યા પ્રમાણે તો તેમના દાદા ‘ઝોરબા ધ બુદ્ધા’ની નજીક હતા. આ દર્શનનો સિદ્ધાંત આપણા ચાર્વાકના સિદ્ધાંતને મળતો આવે છે. ‘ખાઓ, પીઓ અને મોજ કરો‘. આ સિવાય અન્ય કોઈ વિશ્વ છે જ નહીં. બાકી બધું બકવાસ છે. કદાચ આ જ વિચારને કારણે તેમના દાદાને પરિવારથી દૂર કુદરત વચ્ચે સહજતાનો અનુભવ થતો હતો. દાદાના આ વિચારોનો પ્રભાવ રજનીશ પર પડ્યો. એક વખત રજનીશે કહ્યું પણ છે કે “હું ઘણા કારણોસર ઝોરબાને પ્રેમ કરું છું. એક કારણ એ હતું કે ઝોરબાના સ્વરૂપમાં મેં ફરીથી મારા દાદાને પ્રાપ્ત કર્યા હતા.”
રજનીશના પિતા એક સીધા-સાદા વણિક હતા અને કપડાની નાનકડી દુકાન ધરાવતા હતા. રજનીશ ક્યારેક જ દુકાને જતા હતા. એ સિવાય પોતાની આંખ બંધ કરીને દુકાન પાસેથી પસાર થઈ જતા હતા. પિતાને આ વાત ગમતી ન હતી અને જ્યારે પિતાએ આ વાતનો વિરોધ કર્યો તો રજનીશે સંભળાવી દીધું કે “હું માત્ર એટલું જ ધ્યાન રાખું છું કે તમારો નાશ કર્યો તે રીતે આ દુકાન મારો પણ નાશ કરી દે નહીં.” પોતાના જ આવડા નાના બાળક પાસેથી આવી વાત સાંભળીને કયો પિતા ચોંકી જાય નહીં કારણ પિતા આખરે પિતા હોય છે.
એક લપિયો માણસ હતો. જે અવારનવાર તેમના પિતાને મળવા આવતો હતો. એક વખત તે મળવા આવ્યો તો પિતાએ રજનીશને કહ્યું કે, તેને કહી દે કે પિતાજી બહાર ગયા છે. રજનીશ માટે પિતાની આ સલાહ ચોંકાવનારી હતી. કેમ કે સીધા—સાદા પિતા હંમેશાં સત્ય બોલવાનું જ શીખવે છે. રજનીશને આઘાત પણ લાગ્યો કેમ કે, આ પરસ્પર વિરોધી બાબત હતી. રજનીશે ખોટું બોલવાને બદલે એ માણસને કહી દીધું કે “તેઓ અંદર છે, પણ કહે છે કે બહાર ગયા છે.” દેખીતી વાત છે કે પિતાને નિરાશા થઈ અને વાત દલીલબાજી સુધી પહોંચી તો રજનીશે સ્પષ્ટ કહી દીધું કે “જો તમે એ માણસ અહીં આવે તેવું ઇચ્છતા નથી તો તમારે તેને કહી દેવું જોઈએ કે તમારી પાસે સમય નથી અને તમે તેની કંટાળાજનક વાતો પસંદ કરતા નથી. કેમ કે તેઓ એકની એક વાતનું રટણ કર્યે રાખે છે. તમે ડરો છો શા માટે ? તમારે ખોટું બોલવાની જરૂર જ ક્યાં છે ?
અને… સૌથી મજાની વાત તો એ છે કે એ માણસને આ વાતની ખબર પડી તો તેણે રજનીશને શાબાશી આપી અને ઈનામ આપતાં કહ્યું કે “મને કોઈએ ક્યારેય કહ્યું નથી કે હું લપિયો છું. એ ગામની તમામ વ્યક્તિ કોઈને કોઈ કારણસર એ વ્યક્તિના ઉપકાર તળે દબાયેલી હતી તેથી કોઈ તેને એમ કહેવાની હિંમત કરતું ન હતું કે તે લપિયો છે. આ ઘટનાને અંતે રજનીશને બીજુ એક ઇનામ પણ મળ્યું. આ વખતે ઈનામ તેમના પિતાએ આપ્યું હતું. અહીંથી રજનીશે એ શોધી કાઢ્યું કે “સત્યને હંમેશાં પુરસ્કૃત કરતા નથી તો તેનો અર્થ એ થયો કે તમે અસત્યનો સાથ આપી રહ્યા છો.”
રજનીશની માતાએ પોતાના પતિ સંન્યાસ લે તેનાં ચાર વર્ષ અગાઉથી સંન્યાસ લઈ લીધો હતો. આ દરમ્યાન તેમના પિતા ધ્યાન શિબિરમાં જવા લાગ્યા અને ધ્યાન પણ ઘરતા હતા. તેમના પિતાને સવારે લગભગ ત્રણ વાગે ઊઠી જવાની આદત હતી. તેઓ અગિયાર વાગે સૂતા હતા અને ત્રણ પછી સૂઈ શકતા ન હતા. સૂર્યોદય સુધીનો સમય તો આમ જ બેચેનીમાં જતો હતો. આથી રજનીશે તેમને સૂચન કર્યું કે, તેઓ આ સમયનો ધ્યાન ધરવામાં ઉપયોગ કરે. અહીં સુધીમાં તેમના પિતા વેપાર અને ભૌતિક જગતથી થોડા અકળાઈને રજનીશની વાત પર ધ્યાન આપવા લાગ્યા હતા. પરિણામે તેઓ ત્રણ વાગ્યાથી જ ધ્યાનમાં બેસવા લાગ્યા અને અહીંથી જ તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવા લાગી.
એક દિવસ. આ દિવસ ૧૯૭૫ના ઑક્ટોબરનો હતો જ્યારે રજનીશના પિતાને એક નવું નામ મળ્યું. એ નામ હતું સ્વામી દેવતીર્થભારતી. એ દિવસે સવારે લક્ષ્મીએ આવીને ઓશોને કહ્યું કે “તમારા પિતા તમને તાકીદે મળવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું છે કે સાથે માળા અને સંન્યાસ માટેનું ફોર્મ લેતા આવવું. મને ખબર નથી કે તેમને શું થયું છે.” રજનીશના પિતા છેલ્લા ત્રણ કલાકથી લક્ષ્મી રહેતી હતી તે રૂમમાં બેઠા હતા. એ રૂમ હતો પૂનાના આશ્રમનું લાઓત્સુ ભવન. રજનીશ જેવા એ રૂમમાં ગયા કે તેમના પિતાએ કહ્યું “હવે સમય આવી ગયો છે મને સંન્યાસ આપી દે.”
રજનીશે પોતાની માતાને હંમેશાં ‘ભાભી’ કહીને જ સંબોધ્યાં. તેમણે ક્યારેય પોતાની માતાને મા નથી કહી અને તેમણે સંન્યાસ લઈ લીધો ત્યારે પણ નહીં. તેનું કારણ એ હતું કે બાળપણમાં જ તેમણે પોતાની નાનીને ‘મા’ કહી હતી. માત્ર મા કહ્યું ન હતું પણ નાનીને મા સમજી હતી. ગાડરવાડા આવીને રજનીશને ખ્યાલ આવી ગયો હતો કે, જેને તેઓ મા કહે છે તે નાની છે અને અસલી માતા તો આ છે તેમ છતાં માતા પ્રત્યેનું સંબોધન તેઓ બદલી શક્યા ન હતા. નાનીનું અવસાન થઈ ગયું ત્યારે પણ તેઓ માતાનું સંબોધન બદલી શક્યા નહીં. આમ કેમ કર્યું રજનીશે ? ઓશોએ આ માટે જે જવાબ આપ્યો છે તેમાં પણ તેમના વ્યક્તિત્ત્વની જબરદસ્ત ઈમાનદારી દેખાય છે. તેમણે કહ્યું હતું “હું તેમને મા કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે. ના, હું આમ ના કરી શકું.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને આશ્ચર્ય થાય અને કદાચ વિચિત્ર પણ લાગઈ કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.
નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે “સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. “જીવન જેવું છે, સુંદર છે, એવું જ રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”
શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”
રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે “આ તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને આ ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ? ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે “તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટે ‘કેમ‘ હોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”
આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.
– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”
– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”
– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.
– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.
રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.
પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !! જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે, એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”
ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. “તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)