‘વેદાંત, ચિંતા ન કર. આગળના સ્ટેશને તને જોઈએ એટલા પૈસા મળી જશે.’

 

 

 

 

 

“ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો અને જરાપણ સૂતો જ નહીં …!!!”

(આપણે સ્વામી શ્રી સત્યબવેદાંતજી સાથે સંવાદ માણી રહ્યા છે. તેઓ ન્યૂયોર્કથી પેલા ભિખારીઓને માંડ માંડ સમજાવીને બસમાં બેસાડીને નીકળ્યા છે.)

સ્વામી સત્ય વેદાંતજી: ન્યૂયોર્કથી આગળ પેન્સિલવેનિયા આવે, તો પેન્સિલવેનિયાથી નીકળતા હતા ત્યારે વરસાદ પડ્યો હશે તો રસ્તો ચીકણો થઈ ગયો હશે.  ડ્રાઈવર ઘણા સારા હતા એટલે કોઈ ચિંતા નહોતી. પણ એક ગાડી હતી એણે બસની આગળ જવા માટે કોશિશ કરી તો બસ ડ્રાઈવરે બ્રેક લગાવી. એટલે અમારી બસમાં પાછળ બેઠેલા બધા એકબીજા ઉપર પડયા. ગુસ્સે થયેલા બધાએ ડ્રાઈવરનું ગળું પકડ્યું અને કહે કે, “તને મારી નાખીશું.  ફરી જો આવું થશે તો તને મારી નાખીશું.”  એને બહુ ગુસ્સો આવ્યો કે, તમે આવી રીતે ગાડી કેમ ચલાવી?  મેં એમનો હાથ પકડી કહ્યું: ‘સર, માફ કરી દો એને પ્લીઝ…હવે નહીં થાય એવું…’ તો મને ન ધક્કો મારી દીધો. પુનિત ખૂણામાં બેઠો હતો એ આ બધું જોઈને આવ્યો જ નહીં…! મેં એમને કહ્યું, ‘પ્લીઝ…પ્લીઝ…માફ કરી દ્યો અમને, સોરી…સોરી…’  પછી શાંત થયા અને કહ્યું જો ફરી આમ થયું તો મારી નાખીશું. પછી એ બેઠા અને અમે બીજે દિવસે શિકાગો પહોંચ્યા. હવે વાત ફેલાઈ ગઈ કે આવી રીતે એક બસ જાય છે, એમાં આવા વિચિત્ર લોકો છે. અને ડ્રાઈવર સાથે આવી ઘટના બની છે. હવે કોઈ ડ્રાઈવર તૈયાર નહોતો અમારી સાથે આવવા… એમાં એવું થયું કે ૧૦ – ૧૨ લોકો એવા હતા જેને શિકાગો જવું હતું એ ત્યાં ઉતરી ગયા… અમે રાહ જોતા હતા અને એ ગાયબ થઈ ગયા. પછી સવાલ એ કે, હવે પહોંચવું કેવી રીતે? ડ્રાઈવર વગર આગળ કેવી રીતે પહોંચવું? કોઈ ડ્રાઈવર આવે નહીં. મેં અમારી બ્રાન્ચમાં ફોન લગાવ્યો વકીલને, તો એણે કહ્યું વેદાંત, ચિંતા ન કરો., ડ્રાઈવર આવશે. પછી એમણે શું કહ્યું એ ખબર નહીં પણ ડ્રાઈવર આવવા માટે તૈયાર થયો અને એ આવ્યો પછી બસ આગળ ચાલી. જેવી બસ આગળ ચાલી એવો એક માણસ ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો: દરવાજો ખોલો મારે બહાર જવું છે…  દરવાજો ખોલો મારે ઉતરી જવું છે! અમે કીધું અહીં હાઈવે છે તું ઉતરીને ક્યાં જશે? તો કહે દરવાજો ખોલો નહિતર હું દરવાજો તોડી નાખીશ. મેં ડ્રાઈવરને કહ્યું અહીં નજીકમાં કોઈ બસ સ્ટોપ છે? તો એણે કહ્યું હા, જરા ફરીને જઈ શકાય. તો મેં કહ્યું જેવી રીતે હોય તું ત્યાં બસ લઈ જા…  પછી બસ એ તરફ વાળી. રાત થઈ ગઈ હતી એટલી વારમાં તો એ માણસ તો સુઈ ગયો હતો … વચ્ચે એક રેસ્ટોરાં પાસે બસ લીધી. એને ઉઠાડયો કહ્યું આ તમારું સ્ટેશન આવી ગયું .. એ ગાળો આપતા આપતા નીચે ઉતર્યો. પેલા રેસ્ટોરાંવાળાને મેં પૈસા આપી વિનંતી કરી કે ભાઈ, આને ન્યુયોર્ક જવું છે તો એની બસમાં બેસાડી દેજે.

અમને કહેવામાં આવ્યું હતું કે એમને માત્ર વેજ જમવાનું આપવાનું.  અમે એને ચિઝ સેન્ડવીચ આપતા હતા, પીનટ બટર સેન્ડવીચ આપતા હતા, બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ, લંચમાં સેન્ડવીચ, ડિનરમાં સેન્ડવીચ કોઈ પણ સમયે સેન્ડવીચ! ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો હતો અને જરાપણ સૂતો જ ન નહીં … હું કલ્પના નથી કરતો કે, હું ૩ રાત સુઈ શક્યો નહોતો. એ લોકો ક્યારે શું કરે એનો કોઈ ભરોસો નહોતો. અને ૪ દિવસ સેન્ડવીચ ખાઈને કોઈ પણ માણસ પાગલ થઈ જાય. પછી એ લોકોએ હોબાળો મચાવ્યો કે અમારે સેન્ડવીચ નથી ખાવી.  અમે ઉતરી જઈએ. અમે એક રેસ્ટોરન્ટ પાસે ઉભા રહ્યા તો એને પણ ખબર પડી ગઈ કે આ બસ એ જ છે જેની ચર્ચા ચાલે છે એટલે એણે પણ ના પડી દીધી કે હું આ લોકોને અંદર નહીં આવવા દઉં. મેં આજીજી કરીને કહ્યું, તમે ડબલ પૈસા લઈ લો પણ આ લોકોને કંઈક જમવાનું આપો, એટલે આ લોકો શાંતિથી બેસે.  એ માની ગયા અને જમવાનું આપ્યું તો એ બધાએ જે ખાવું હતું તે ખાધું ને નોનવેજ પણ ખાધું ને ફરીથી બસમાં બેઠા. હવે મારા પૈસા તો પૂરા થઈ ગયા. તો મેં ફોન કર્યો કે પૈસા પૂરા થઈ ગયા છે એટલે કહ્યું કે, ‘વેદાંત, ચિંતા ન કર. આગળના સ્ટેશને તને જોઈએ એટલા પૈસા મળી જશે. ત્યાંથી આગળ સ્ટેશને પહોંચ્યા તો એક સન્યાસી ત્યાં પૈસા લઈને આવ્યા.  એ સન્યાસી તો મને દેવદૂત જેવા લાગ્યા… આ લોકોની ગાળો સાંભળીને અને એમના મોઢા જોઈને એટલો થાકી ગયો હતો કે જેવું એ સન્યાસીએ ‘વેદાંત’ એમ કહ્યું તો જાણે અમૃત વરસ્યું હોય એમ મને લાગ્યું અને હું જઈને એમને ભેટી પડયો. એણે મને કહ્યું ‘વેદાંત આ લે પૈસા તારી પાસે રાખ… આમ કરતા અમે ચોથે દિવસે રજનીશપુરમ પહોંચ્યા. અને સન્યાસીઓને કહ્યું હવે આને ઊતારો, સારા કપડાં પહેરાવો, નવડાવો અને કહો કે અહીં બાથરૂમ છે, અહીં રહેવાની વ્યવસ્થા અલગથી કરેલી છે. કહેવાનો અર્થ કે આ બધા ડિવાઈઝ છે જે માસ્ટરે મળીને બનાવ્યા છે. કુલ મળીને બધા સિટીમાંથી ૫૦૦૦ લોકો આવ્યા અને બધી વ્યવસ્થા જમવાનું, રહેવાનું બધું ફ્રી. પણ એ વાતાવરણમાં રહેવું એમના માટે બહુ મુશ્કેલ હતું કારણ કે તે તો રસ્તા ઉપર રહેતા હતા. તો છેલ્લે કુલ પાંચ હઝારમાંથી ૧૫૦૦ રહ્યા…અને બીજાને નહોતું જ રહેવું એમને અમે પૈસા આપ્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.  અમે ટિકિટ માટે પૈસા આપી દીધા અને એ નીકળી ગયા….

પણ જ ૧૫૦૦ રહી ગયા એ બધામાંથી કોઈ ખેતરમાં કામ કરે છે, કોઈ બીજું કામ કરે છે અને પ્રેમથી રહે છે…. અશિક્ષિત લોકો છે, પણ કેટલા પ્રેમથી રહે છે…એ અમને અનુગ્રહિત થઈને કહે છે કે આટલું સન્માન કોઈએ નથી આપ્યું અમને, આટલો પ્રેમ કોઈએ નથી આપ્યો, ‘સર’ કહીને કોઈએ વાત જ નથી કરી અમારી સાથે, નામ લઈને કોઈએ બોલાવ્યા નથી, રસ્તા ઉપર કૂતરાની જેમ વ્યવહાર થતો હતો. પોલીસ મારતી હતી. સન્યાસીઓએ એ સૌને એટલો પ્રેમ આપ્યો કે ન પૂછો વાત! કારણ એ પંદરસો લોકો અમારા સાથીદાર બન્યા અને અમારા જીવનનો એક ભાગ બની ગયા! ઓશોએ આ અનુભવથી અમારામાં ‘ટ્રાન્સફોર્મેશન’ની શક્તિનો સંચય કર્યો…રજનીશપુરમ, ઓરેગોન એક અદ્વિતીય શહેર બન્યું અને ઓશોની ચેતનાએ વિશ્વ સમક્ષ એક અભૂતપૂર્વ ઉદાહરણ મૂકી આપ્યું. (ક્રમશ:)

“મેં શૂટિંગની ટ્રેનિંગ લીધી છે, ત્યાં જ રજનીશપુરમમાં જ!”

 “રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી.”. સ્વામી સત્ય વેદાંતજી દિલધડક કહાની વર્ણવે છે.

સ્વામી શ્રી સત્યવેદાંત જી: એક રસપ્રદ વાત કહું.

ઓશો ડ્રાઈવ પર નીકળતા ત્યારે ખાડાવાળો રસ્તો હતો તો અમને થયું એમને જર્ક લાગશે. આ તો સારી વાત નથી, ઓશોને કેટલી મુશ્કેલી પડે છે તો રસ્તો બનાવવો જોઈએ આપણે. એક્સપર્ટને બોલાવ્યા ને પૂછ્યું, રસ્તો કેવી રીતે બનશે? કઈ મશીનરી જોઇશે? એક્સપર્ટે કહ્યું તે બધું અમે જાણી લીધું અને કહી દીધું: ‘ઓકે, થેંક્યુ.’ ત્યારબાદ બધા મશીન આવી ગયા અને અમે બધાએ મળીને ૨૧ માઈલ નો રસ્તો બનાવ્યો. એવો રસ્તો સુંવાળો બનાવ્યો કે પાણીનો છલકતો ગ્લાસ લઈને ડ્રાઈવ કરો તો પણ ટીપું ન છલકાય! કોઈ ટીચર હતું, કોઈ ડોક્ટર, કોઈ વકીલ કોઈને ખબર નહોતી કે રસ્તો કેમ બનાવવો તો પણ અમે બનાવ્યો. એટલે કહેવાનો અર્થ એ છે કે અમારી અંદરની જે સર્જનાત્મક્તા છે એને ઘણો સારો મોકો મળ્યો. કોઈ પણ આવે એની પાસે કોઈ નવો વિચાર છે? કાંઈ કરવું છે? તો ચાલો, લાગી જાઓ, ચિંતા ન કરો સફળ થશો કે નહીં? તમે ખાલી કામે લાગી જાઓ. મેં કહ્યું એ મુજબ જુદા જુદા ૪૦૦ ડિપાર્ટમેન્ટ હતા. દરેક વ્યક્તિને એની ક્રિએટિવિટીને બહાર કાઢવાનો મોકો મળ્યો હતો. કોઈ નાનું કે મોટું ન હતું. અને બધા ડિપાર્ટમેન્ટની હેડ સ્ત્રીઓ હતી. ગમે તેવો પુરુષ હોય એને એ સ્ત્રી કહે કે ‘હમણાં હું ફ્રી નથી’ તો એ પુરુષે ચાલ્યા જવું પડે. એમ ન ચાલે કે ‘તું કોણ છે મને ના પાડે છે?’  એવું કશું નહોતું. એક સરેન્ડર હતું. ઓશો અને સદગુરુ સાથે જે કઈ થયું તે બધા ઉપાય હતા. એ બધા આપણને મેચ્યોર બનાવવા માટે થાય છે. એ માણસ માટે સ્ત્રી સામે સરેન્ડર કરવું એક ડિવાઈસ હતું. પુરુષ સ્ત્રી સામે સરેન્ડર ન કરે પણ અમને શીખવાનો મોકો મળ્યો કે અહીં સરેન્ડર જરૂરી છે. અલગ અલગ લેવલ પર બધાની ક્રિએટિવિટીને મોકો મળતો અને બધાની આંતરિક શક્તિ બહાર આવતી. અમને અમારા કૌશલ્યને બહાર લાવવાનો અને તેને એક ડિવાઈસ બનાવવો લ્હાવો મળતો હતો.

પ્રશ્ન: આપના કહ્યા પ્રમાણે ત્યાં કોઈએ કોઈ પણ કામ કરવાનું હતું ને?? આપના આવા કોઈ કામ અંગેના અનુભવ વર્ણવશો??

સ્વામીશ્રી: મારા બે અનુભવ હું તમને કહું. શીલા મને કહે કે મેસેજ આવે કે તમારે ચોકીદારી કરવાની છે તો મારે ચોકીદારી કરવાની. અમે બધા તૈયાર હતા કારણ એવું હતું કે જે સ્ટેટ ગવર્નમેન્ટ અને ફેડરલ ગવર્નમેન્ટ હતી એને અમે બિલકુલ પસંદ નહોતા. તેઓ   અમને તોડવા અને ઉખાડીને ફેંકી દેવા પ્રયાસો કરતા હતા. ચર્ચ સાથે રોનાલ્ડ રેગનની મીલી ભગત હતી કે અમને અહીંથી ઉખાડવાના છે. અમને મેસેજ મળ્યો હતો કે સરકારે પેરામિલેટ્રીને સૂચના આપી હતી કે, જો રજનીશપુરમમાં થોડી પણ ગરબડ થાય, ઝઘડો થાય તો એ લોકોને શૂટ કરી દેજો. અમે મીડિયાને કહી દઈશું એની ચિંતા ન કરશો. તમે બસ શૂટ કરો… તો અમારે પણ એને બતાવવું હતું કે જો તમે મારી શકો છો તો અમે પણ મારી શકીએ છીએ. મેં શૂટિંગની ટ્રેનિંગ લીધી છે, ત્યાં જ રજનીશપુરમમાં જ! એક પણ ગોળી નથી ચાલી, પણ એને એ ખબર પડી ગઈ કે આ લોકો લડવા માટે પણ તૈયાર છે. ઘણી વાર અમે રોડ પરથી નીકળતા હતા ત્યારે એ બંદૂક રાખતા હતા અમને બતાવવા માટે કે અમે તમને મારી શકીએ છીએ. આ બધું અમે પૂરું જોતા હતા.  વોકીટોકી વાપરીને કે… આ એક ગાડી આવી છે. આ એનો નંબર છે, બીજી પોસ્ટ ઉપર એ જોતા હોય, એ નોંધ કરે કે આ ગાડી આવી આ નંબર છે. આ રીતે આખું વ્યવસ્થિત તંત્ર હતું જે સૌ પર નજર રાખતું હતું. આવી રીતે મને ચોકીદારી કરવાનો મોકો મળ્યો.

એકવાર મને રાત્રે એક કામ આપ્યું. કે ત્યાં એક નદી હતી જેને બાઉન્ડરી હતી એની પેલી બાજુ રેન્ચર્સ હતા.  રેન્ચના લોકો જે અમને પસંદ નહોતા કરતા. એ નદીથી આ બાજુ કોઈ ક્રોસ કરીને ન આવે તે માટે ત્યાં ધ્યાન રાખવું પડે તે મારું કામ હતું. હું સાંજે ૭ વાગે ગાડી લઈને નદીકિનારે પહોંચી જતો અને આખી રાત ત્યાં બેસીને ધ્યાન રાખતો કે ત્યાંથી કોઈ આવી રહ્યું નથી ને? ઠંડી અને બરફની વચ્ચે કંબલ ઓઢીને ત્રણ અઠવાડિયા મેં ચોકીદારી કરી.

પ્રશ્ન: સ્વામી, આનાથી પણ પડકાર રૂપ અને અતિ કઠિન લાગ્યું હોય તેવું કોઈ કામ?? 

સ્વામીશ્રી: તમે મને રોમાન્ચક વાત તરફ ખેંચી જઈ રહ્યા છો, ભદ્રાયુ. વધુ અઘરું કામ એ હતું કે રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી. અમારી પાસે ૧૮૦ અમેરિકન નાગરિક નહોતા. નાગરિક ૫૦૦૦ હતા પણ કોઈ ઇટાલિયન, કોઈ જર્મન, કોઈ ઈન્ડિયન હતા. પણ ૧૮૦ ક્યાંથી લાવવા? તો કોઈએ સૂચન કર્યું કે આ જે ભિખારી હોય છે એને લઈ આવીને સહી કરાવો. હું અને સંન્યાસી પુનિત અમને બંનેને ન્યુયોર્ક લઈ જવામાં આવ્યા. ત્યાં એક ફ્લેટ હતો. ત્યાં બધી વ્યવસ્થા હતી. ત્યાં અમારું કામ હતું એ ભિખારીઓને સમજાવીને બસ ભરીને રજનીશપુરમ લાવવાનું. કામ અઘરું હતું કારણ કોઈ ઓળખાણ નહીં, કોઈ દારૂ પીને પડયા હતા, કોઈ રોડ પર સુતા હતા, કોઈ ગાળો આપતા હતા. વાત કરવા જઈએ તો વાત ન કરે. અમે પૂછીએ, તમે અમારી સાથે ઓરેગોન આવશો? તો કહે ઓરેગોન કેટલે દૂર આવ્યું છે?  તો મેં કહ્યું ૩૦૦૦ માઈલ્સ દૂર. એણે કહ્યું હું ૩૦૦૦ માઈલ્સ આવું??! હું અહીંથી ૩ માઈલ દૂર નથી જતો અને તમે ૩૦૦૦ ની વાત કરો છો? એ ગભરાઈ જતા હતા કે આ લોકોનું કોઈ રેકેટ ચાલે છે.  પકડીને લઈ જશે ને કંઈક કરી નાખશે. અમારી વાત સાંભળીને ભાગી જતા હતા. તો મને થયું આ લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી? અમને થયું એના માટે ખાવાની વ્યવસ્થા કરીએ.  અમે સેન્ડવીચ રાખી, ચીઝ સેન્ડવીચ, પીનટ બટર સેન્ડવીચ અને સોફ્ટ ડ્રિન્ક… અમને સૂચના હતી કે ખાવાની વસ્તુમાં ખાલી વેજ વસ્તુનો જ ઉપયોગ કરવો. નોનવેજ તો ખવડાવવાનું ન હતું. એટલે સેન્ડવીચ અને સોટ ડ્રિન્ક આપવામાં આવતું. અમે રસ્તા ઉપર આવી રીતે એક એકને ખવડાવીને one to one વાતચીત કરતા તો સાંભળી લેતા હતા કારણ એમને ખાવાનું મળતું હતું. વાત સાંભળીને બધું ખાઈ લેતા અને પછી જતા રહેતા હતા. અમને લાગ્યું કે આવી રીતે વાત બનશે નહીં. પછી કોઈએ કહ્યું કે એમનો એક દાદો છે, મોટો અને કાળો. એ જો કહે તો એની વાત માને. અમે એની પાસે ગયા અને કહ્યું, ‘સર, અમે તમારા મિત્રોને ઓરેગોન લઈ જવા માંગીએ છીએ.’  એ આપણી સામે જુએ નહીં. એની પાસે એક પોકેટ વોચ હતી એને એ જોવે. અમારી સામે ન જુએ. અમે એને કહ્યું, ‘સર, અમે આ બધાને ઓરેગોન લઈ જવા ઈચ્છીએ છીએ. અમે એમનું ધ્યાન રાખીશું. ખાવા – પીવાનું, કપડાં, રહેવાનું બધું જ અમે ધ્યાન રાખશું. એમણે ત્યાં કામ નથી કરવાનું. એને ખાલી રહેવાનું છે ત્યાં અમારા મહેમાન બનીને…’  તો એ કહે હા, મારો ફોટો લઈ લ્યો. અમારી પાસે કેમેરો હતો નહીં. તો મેં પુનિતને કહ્યું અને માર્કેટમાંથી કેમેરો લીધો અને એ દાદાનો ફોટો લીધો. તો એમણે કહ્યું કે, હવે મને ૫૦ ડોલર આપો, મારો ફોટો લેવાના…! આપ્યા પણ ને એણે કંઈક ઈશારો કર્યો અને બધા અચાનક તૈયાર થઈ ગયા. અમે કહ્યું ગુરુવારે ૫ વાગ્યે બસ આવશે ગ્રેહામ બસ… તો તમે તૈયાર રહેજો. બધા ગંદા કપડાં અને વાળ, મોઢામાંથી બદબૂ આવે. આવા બધા ચાલીને આવે છે ને બસમાં બેસે છે. લગભગ ૬૦ લોકો હતા. એક માણસ હતો એના હાથમાં પીંજરું હતું. એમાં એક પક્ષી હતું.  એ પક્ષી અને પીંજરું લઈને અંદર આવ્યો ને પક્ષીને પૂછે છે: “હે બડી… તારે ઓરેગોન જવું છે?  નથી જવું ઓરેગોન? નહીં?  ઓકે….” એટલું કહી તે બસમાંથી ઉતરી ગયો…! સો ફન્ની!! પણ અમે શું કરી શકીએ મજબૂર હતા, રોકી તો શકીએ નહીં. (ક્રમશ:)

 

સ્વામી આનંદ સાધુ ખરા પણ ઉત્તમના ઉપાસક.

 

સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. 

ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”

એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી  અને માટીની મહેક હતાં. 

ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ  હશે અથવા સ્વામી મરી ગયો છે,  એ સિવાય સ્વામી મોડો  ન પડે.”

આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી  હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!  

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક”  કહે છે. 

એમનો પગ ક્યાંય ઠરીને ઠામ ન થયો. યુવાવસ્થા દરમિયાન કરેલા દેશાટનથી સ્વામી લગભગ આખો દેશ ઘુમી વળ્યા છે અને એમ થતાં તે કંઇ કેટલાય પ્રદેશો અને પ્રજાઓ,  એમની સંસ્કૃતિ અને પ્રકૃતિ, રીત  અને રિવાજો, રીતિ  અને તહેવારો તથા ભાષા અને ભાવના ઊંડા અનુભવમાં મુકાયા છે.

પોતાની પહેલી પચ્ચીસી સ્વામીએ સન્યાસ્તમાં વિતાવી હતી. આ વર્ષો મહાસાગરમાં તરતી હિમશીલાની માફક બહુધા અછતા રહ્યા છે.  સ્વામીની  જીવન તવારીખમાં એ વર્ષોનો ચોક્કસ હિસાબ-કિતાબ મળતો નથી પણ સત્તાવીસ વર્ષની ભરયુવાનીમાં  ઠરેલા મન અને મજબૂત શરીર સાથે એ ગાંધીજીનો સંપર્ક પામે છે.  સ્વામી ગાંધી પરિવારના સદાયના સદસ્ય બને છે. એમણે પોતાની જાતને હંમેશા ગાંધીના કાસદ  તરીકે ઓળખાવી અને એનું ભારોભાર ગૌરવ પણ કર્યું.  જેમના પગે ભમરો હતો કે જે વર્ષો સુધી ક્યાંય પગ વાળીને બેઠા નહોતા એ જ સ્વામી ગાંધીજીના છાપા છાપવા 32 કલાક એક આસને બેસીને પ્રુફ વાંચે છે. જેવી સ્વામીની કર્મનિષ્ઠા એવી જ એમની સમયની ચોકસાઈ અને નિયમિતતા એવી કે સહકાર્યકર મિત્રોએ સદાય જાગતા રહેવું પડે.  એમની એક સમય સૂચકતા પ્રસંગે ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ  હશે અથવા સ્વામી મરી ગયો છે,  એ સિવાય સ્વામી મોડો  ન પડે.” 

આશ્રમનું જે પ્રકારે કામ સોંપાય તે બધું જ કામ એમણે કરવાનું નક્કી કર્યું.  મીટીંગ અને બેઠકોની નોંધ લેવી,  એમના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ જેવા છાપ છાપવા,  ‘નવજીવન’ સંભાળવું,  ગ્રામ ઉદ્યોગ અને ગો સેવા સંઘનો વહીવટ કરવો,  કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ફાળાની જવાબદારી સંભાળવી..  એવા અનેક કામ એમણે ગાંધીના ઈશારે સ્વીકાર્યા અને એક નિષ્ઠાથી પૂર્ણ કર્યાં.  બિહારનો ધરતીકંપ,  ગુજરાતનું રેલ સંકટ અને બારડોલીનો સત્યાગ્રહ આ બધા એવા મોરચા હતા જેમાં સ્વામીએ મોખરાની લડત આપેલી અને બધા કિલ્લા પર ફતેહ કરેલી.

ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડા ઉતાર, તત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.

જીવનભર સતત કંઈ ને કંઈ લખતા રહેલા સ્વામીએ  વર્ષો સુધી પોતાનું કશું લખાણ ગ્રંથસ્થ થવા દીધું નહોતું. વળી સ્વામી ખાલી કાગળ શાહીના બગાડના પણ પાકા વિરોધી. છે.  “મારી કેફિયત”માં એમણે લખ્યું છે:  કશા ઉપકારક કાર્યનો રેકોર્ડ કર્યા વગર નકરું  જીભ-કલમનું ડહાપણ ડોળી ને માણસ સંસારનો કશો ઉપકાર કરી ન શકે અને નકરા લેખન કે વકતૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી,  એટલે કે માણસ કશી સત્કાર્યની મૂડી નિપજાવે  એ પછી જ એણે  શબ્દનો વેપલો કરવો જોઈએ.” એક વરિષ્ઠ સાક્ષરે  કહ્યું હતું કે સ્વામી મૌલિક લેખક છે અને પછી મૌલિક લેખકની વ્યાખ્યા એમણે આ રીતે કરી : “મૌલિક લેખક તે એ નહિ કે જે કોઈની નકલ ન કરતો હોય,  પણ તે  કે જેની કોઈ નકલ કરી શકે નહીં.”

સ્વામી આનંદ સાધુ ખરા પણ ઉત્તમના ઉપાસક. જીવન, રહેણીકરણી, બોલચાલ, લખાણ બધું જ સંઘેડા ઉતાર કે પાસાદાર ન હોય તો એમને ન ચાલે.  લખવા માટેની જાડી ડયૂફોલ્ડ  પેન પણ નીબ  ઝીણામાં ઝીણી.. આ બધા દ્વારા ઉત્તમ કરવા જીવડો તોડીને મહેનત કરે.  એકવાર ગુજરાતના ઉત્તમ કોટિના સાહિત્યકારને સ્વામીએ કહ્યું કે, તમારું લખાણ બેનમૂન હોય છે અને આવું ચીથરાં  જેવું છાપકામ કરાવો છો તે કેમ ચાલે ?  જવાબમાં સાહિત્ય ઉપાસકે  કહ્યું કે:  “બાળોતિયાં  ધોવાનું કામ મારું નહીં ..” ત્યારે સ્વામીને ઘણું ખોટું લાગેલું  કે,  જે માધ્યમ તમારું સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે તેમાં છાપકામમાં  તમે રસ જ ન લો તે  કેમ ચાલે?

“જૂની મૂડી”  નામથી સ્વામી આનંદે ગુજરાતી ભાષાને એક શબ્દકોશ આપ્યો છે એની  પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે:

“ભાષા એ ધરતી પરનો  પાણી વીરડો છે.  જનવાણી એ અખૂટ સરવાણી છે. ઘડા  પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે  જાઓ ને  સો બેડા પાણી ભરી લો.ન ઊલેચો  તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી  છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી  જ છે.  એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વિરડો મેલો અને બંધારણ બની જશે.  ભાષા રૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ  એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઈને પ્રજાના વાપરવા માટે નરવું થયું ગણાય.”

સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા લેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા સ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.

આ ઉપરાંત  તેઓના વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦)  તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો અદભુત ભાષાકર્મ વાળાં ચરિત્રોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ (૧૯૭૭) માં પ્રગટ થયો છે. આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી  હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !! 

સ્વામી આનંદ એટલે નરવા ઉદગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે, અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય !! સ્વામી આનંદને સૌ પ્રેમથી સ્વામીદાદા કહેતા.  સ્વામીદાદાનું શબ્દચિત્ર શ્રી વાડીલાલ ડગલી આમ આલેખે છે :

“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા એક્ટર – એક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”

આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી. વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.” પાના સામું જોયું તો લાગ્યું કે, આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે, આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.

આપણી ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર યશવંત શુક્લ સ્વામી આનંદને આ રીતે ઓળખે છે :  “સ્વામી આનંદ જેવું વ્યક્તિત્વ આપણા સાધારણ દુન્યવી  વ્યવહારોમાંથી જડવું મુશ્કેલ છે. આ તો જે નાના છોકરાને ભગવાન દેખાડવાની લાલચ આપીને પેલો અજાણ્યો બાવો ભગાડી ગયો હતો એ બાવાનો હેતુ ગમે તે હોય પણ એ છોકરાની ભગવાનને પામવાની લગન એણે  જીવનમાં ક્યારેય છોડી નહોતી. એ કદી સંન્યાસી મટયા ન  હતા.  સંસાર સાથેનો સંબંધ કાપ્યા વિના રાત દિન પોતાના સંન્યસ્ત  ધર્મમાં જ રત એવા સ્વામી આનંદે ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર અનહદ ઉપકાર કર્યો છે. સ્વામી દાદા ખપ વગર  બોલે નહીં અને મૂંગા હોય ત્યારે સહેજ કરડા પણ લાગે,  પણ સદાય નિજ  કામમાં નિમગ્ન. તેમ છતાં  પોતાના માર્મિક અનુભવો જેમની આગળની ખોલવું ગમે તેમને કહેવા ને સદા તત્પર !” 

સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.

ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”

ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી. સ્વામી આનંદ વર્ષો સુધી અમદાવાદમાં સરદાર પટેલના પાડોશી તરીકે રહ્યા. વળી મહાદેવભાઈ દેસાઈના અંગત મિત્ર. 1942, ઓગસ્ટની નવમીએ વહેલી સવારે મુંબઈમાં બિરલા હાઉસ પર ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના “ક્વીટ ઈંડીયા”વાળા પ્રવચનની નકલો પ્રીંટ કરી દેશભરમાં પહોંચાડવાની જવાબદારી સ્વામીજીને સોંપેલી. તેમણે સફળતાથી અઘરું કામ પાર પાડ્યું.

1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું.

સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિગરી  સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.

1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે, સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા.

સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે, આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું  છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે, એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તો પણ વાક્યે–વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.

સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે, સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :

“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર  પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.”

તિથલના દરિયાકિનારે  વસેલા  અલબેલા ફોટોગ્રાફર અને વિશ્વ સ્તરે તસવીર-ચિંતનથી પ્રસિદ્ધ થયેલા શ્રી અશ્વિન મહેતાનું  પુસ્તક છે “છબી ભીતરની”.. તેનો પહેલો જ લેખ સ્વામી આનંદને  ઓળખવા માટે  પર્યાપ્ત છે.

“સ્વામી આનંદનો “ભાવના મૂર્તિ”  લેખ વાંચ્યો ત્યારે મને થયેલું કે આ લેખક છે કોણ ? એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી  અને માટીની મહેક હતાં. પાણીના રેલા જેવી સરળતા હતી અને શબ્દોનું તો પૂછવું જ શું? પેલી “પાઇડ પાઈપર”  પરની બાળવાર્તા માં આવે છે તેમ તેમની કલમના સૂરથી  ઉંદરડાના ધાડા ની જેમ બધા ક્યાં ક્યાંથી ભેગા થઈ ગોઠવાઈ એમની પાછળ પાછળ ચાલી નીકળતા! થયું,  આ માણસને મળવું જોઈએ. કૌસાની રહે છે, ખોરાકમાં માત્ર દૂધ લે છે!! આવો મોટો માણસ કાગળનો જવાબ આપતો હશે ?  મનમાં ગાંઠ વાળીને દુગ્ધાહાર  વિશે મેં દસ પંદર સવાલ પૂછી નાખ્યા !  ત્યાં તો તરત  જવાબ આવ્યો છે. અક્ષરો ખુબ ઝીણા પણ કીડીની ટાંગ જેવડા નહીં પણ  રૂપાળા જુવારના દાણા જેવા.. એકેએક  અક્ષર પલાંઠી વાળીને બેઠેલો !  ખરી ખૂબી તો એ કે  તેમણે મારા બધા મુદ્દા નો વિગતવાર જવાબ આપેલા અને પાછું  લખેલું ફલાણી તારીખે મુંબઈ આવું છું ત્યારે  મળીશું !

આવા સ્વામી આનંદને સાષ્ટાંગ  દંડવત પ્રણામ કરતા કલ્પી શકો છો ? પહેલીવાર મને હિમાલય દેખાડવા લઈ ગયેલા ત્યારે કનખલ-હરિદ્વારના ટચુકડા રામકૃષ્ણ મંદિરમાં સ્વામીની મસમોટી કાયાને  જમીન પર જોઈને હું તો ડઘાઈ જ ગયેલો.. સ્વામી આનંદ  તપોવનજીની અને રામકૃષ્ણ પરમહંસ ની વાતો સૌથી વધારે કરતા. ખાસ તો કહેતા :  હિંદુ ધર્મ પ્રચાર માટે નથી, પણ હૃદય ગુફામાં સેવવાનો અને આચરવાનો ધર્મ છે, રામકૃષ્ણદેવ કહે છે : “તમે પહેલાં  કમળ બનો, પછી ભમરા આપોઆપ આવશે.” 

મારા અઢી દાયકા ના પરિચયમાં મેં સ્વામી આનંદ ને ચારેક વાર રડતાં જોયેલા.

(1) એક કાશ્મીરી ભરવાડણે  પીર પંજાલના ઊંચા પહાડોમાં તેમને કેવી રીતે બચાવેલા તેનું ઋણ સ્વીકાર કરતા બધાની વચ્ચે તેમણે આંસુની અંજલી આપેલી.

(2) બીજીવાર અતુલપ્રસાદના એક બંગાળી કાવ્યનું પઠન કરતા વરસાદ પછી શિરીષના  ફૂલ-પાન પાણી ખેરવે તેમ તેઓ સહજ રીતે રડેલા.

(3) સીતાજી નો ઉલ્લેખ માત્ર તેમના મર્મને વીંધી જતો.  ચારણ કવિ દાદલ નું એક ભજન “લખમણ મારાં  રે રખોપાં  કરશે રામ,  રામનાં  કોણ કરશે રે” એ વાંચતા અને

(4) નિનુભાઈ મજુમદાર નું “સીતાયણ” તેમને ટેઈપ  પર સંભળાવતો  હતો ત્યારે બહુ હોઠ  પીસવા છતાં આંસુ રસ્તો શોધી જ કાઢેલો, એનો હું સાક્ષી છું.”

શ્રી અશ્વિન મહેતા ઉમેરે છે કે : “સ્વામી આનંદની તંદુરસ્તી ને જુસ્સો છેવટ લગી ટકી રહ્યા એની પાછળનું ઘણું મોટું કારણ હિમાલય હતો. સ્વામી એટલે હિમાલય, ઘૂઘવતી નદીઓ અને અડીખમ ચટ્ટાનો,  ઉત્તુંગ બરફાનો  અને ઘનઘોર જંગલો.  મારાથી પૂછાઈ  ગયેલું  : તમે હિમાલયમાં કેટલા માઈલ ચાલ્યા હશો ?  પહેલાં તો ઘણા ગલ્લાતલ્લા કર્યા, પણ પછી મેં જાતે જ અંદાજે બાર-પંદર હજાર માઈલ નો આંકડો મુક્યો ત્યારે ખૂબ સંકોચ સાથે માત્ર “હા” એટલું બોલેલા ને  પછી ઠપકો આપીને કહે કે,  સાધુ એવો હિસાબ રાખે નહીં અને  એને પુછાય ય નહીં!!! દિવસના 40- 50 માઈલ ચાલતા ને ગેલન ના હિસાબે દૂધ પીતા.”

સ્વરાજ આશ્રમ, બારડોલીમાં વસતા સરદારસાહેબના પડછાયા સમાન ઉત્તમચંદ શાહના પરિવાર સાથે સ્વમી આનંદને ઘરોબો. ત્યાંની વિદ્યાલયની દીકરીઓ સાથે તો સ્વામી વિદ્યાર્થી બની જાય.  સ્વામીદાદાએ ઉત્તમચંદ શાહના કુટુંબને હિમાલય દેખાડવાનું બીડું ઝડપ્યું, તેનાં સંસ્મરણો ઉત્તમદાદાના દીકરી શ્રી નિરંજના  કલાર્થી બહુ જીવંત રીતે વર્ણવે છે. “કૌસાની ખાતે પહોંચ્યા પછીની એક રાત્રે સ્વામીદાદા આવ્યા અને બુમ પાડી કહે  બાળકોને ઉઠાડો, આજે પૂર્ણિમાનો ચંદ્ર છે. મારે બાળકોને રાત્રીના હિમાલયના દર્શન કરાવવા છે. અને સ્વામી બોલવા લાગ્યા : “જ્યોત્સના સજાવેલો હિમાલય જુઓ. ચાંદનીમાં હિમાલય સાવ  અલગ જ લાગે છે. સવારે શ્વેત  દેખાતો હિમાલય રાત્રીએ ચાંદનીમાં જાણે ચાંદીના પતરાથી મઢી ન દીધો હોય ??  વળી આજે તો પૂર્ણિમાની ચાંદની એટલે સોળે કળાએ ખીલેલો ચંદ્ર હિમાલયને બેનમૂન બનાવી મૂકે છે. બરફ આચ્છાદિત હિમમાળા !” સ્વામીદાદા તો મૌલિક અને ભાષાની ખાણ  એટલે હિમાલયને એવો સજાવીને વર્ણન કરે કે સૌ દંગ  રહી જાય !! એક બાજુ હિમાલય અને બીજી બાજુ હિમાલય જેવા મનોબળના મલિક સ્વામીદાદા, પછી બીજું શું જોઈએ ??

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક”  કહે છે.  સ્વામી આનંદ એક વ્યક્તિ તરીકે પણ સદીઓ સુધી યાદ રહેશે. ગાંધીજીએ જે સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો એમાંના એક હતા સ્વામી આનંદ. એમણે દિલ્હીની સાહિત્ય અકાદમીએ જાહેર કરેલો પુરસ્કાર સ્વીકાર્યો નહોતો. સંસાર છોડનારે દ્રવ્ય અને યશ બંને માટે કેવી અનાસક્તિ કેળવી હોય એનું દ્રષ્ટાંત  સ્વામી આનંદ હતા.” ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”

બહારથી કઠોર  દેખાતો આ માણસ હૃદયથી બહુ કોમળ હતો.  ઓછી  વાતચીતમાં પણ કંઈ બોલાય ગયું હોય તો તરત ફોન કરીને કે પત્ર લખીને જણાવતા : “મારી  ભૂલ થઈ ગઈ, ક્ષમસ્વ. મારી જાગૃતિ એટલી ઓછી કહેવાય !”

“તમે આજકાલ ના છોકરા રકાબીયે રકાબી  દૂધ પીવો, હું તો મોટું તપેલું અધ્ધર ઉઠાવી એક શ્વાસે ગટગટાવી જતો હતો”,, સ્વામીનું આ ચિત્ર કે રેલવેના સામાન્ય વર્ગમાં ઉપરના પાટીએ  પ્રવાસ કરતા પેશાબ-પાણી માટે ઉતરવું ન પડે માટે આગલા દિવસથી ઉપવાસ શરૂ કરતાં સ્વામીજી,  કાકાસાહેબ સાથે હિમાલયના પ્રવાસ કરતા અને એના સ્મરણો મરાઠીમાં આલેખતા અને પછી માઈલોના માઈલો ચાલી નાખતા સ્વામીજી,  વિનોબાજીના પ્રવચનનો સીધો અંગ્રેજી અનુવાદ કરનાર સ્વામીજી,  ગુજરાતની એકેએક બોલી પર પ્રભુત્વ ધરાવતા અને પુસ્તકના ઉત્તમ મુદ્રણ ના આગ્રહી સ્વામી આનંદ તો  ક્યારેક વાત કરતા કરતા નાચી  ઉઠતા સ્વામી આનંદ કાયમ માટે વાચકનું આત્મબળ બનતા રહેશે.

સ્વામી દાદાને જ્યારે જ્યારે જીજ્ઞાશાવશ  તેના પૂર્વરંગ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ત્યારે એમણે “નદીના મૂળ વિશે અને સાધુ ના કુળ વિષે  જિજ્ઞાસા ન સેવવી” એવો એકધારો ઉત્તર પકડાવ્યો છે.  ઘર છોડીને ચાલી નીકળ્યા ત્યારે આ હિંમતલાલના  પિતા રામચંદ્ર મહાશંકર દવે ગામની શાળાના મહેતાજી.  માતા પાર્વતીમા સાવ અભણ પણ જાજરમાન અને માયા મમતાથી ભર્યાં. સ્વમાનની વાતે એ ધારદાર. છોકરા છૈયાની હાજરીમાં પતિએ ઉપડતે સાદે  વાત કરી તે વેળા પતિને ઉત્તર આપ્યા પછી છૈયા  છોકરા સાથે મૈયર જઈને વસ્યા અને સોળ વરસ લગી પતિ સાથે અબોલા પાળ્યા !

સ્વામીએ  ઉલ્લેખ કર્યો છે એ અનુસાર ભાષાની ખાંખત એમને માતા પાસેથી વારસા રૂપે મળી છે.  સાવ નિરક્ષર માતાને વિવિધ વ્રત-ઉત્સવને ટાણે  ગાવાના ગીતો અને નળાખ્યાન કંઠસ્થ હતા.  વળી રોજિંદા વહેવારમાં ભાષા ભંડાર ભર્યો રૂઢિપ્રયોગ અને કહેવતની તો  એમાં ધાણી ફૂટે !! પોતાના પૂર્વરંગની ખાતાવહીમાં પિતાના નામનું પાનું કોરું છે એવું કહેનારા સ્વામી માની  સૈયર એવી  માસીના ખોળે એમના ત્રણ પુત્રોના બાળ-અવસાન પછી પુષ્ય-પુત્ર તરીકે ગિરગામ મોરારજી ઘરાનાની સાથે રહ્યા. ઘરાનાના ઘરેણાં સમાન ધનીમાએ   સ્વામીના પાલક પિતા ઉમાશંકરને મોઢે  ભવિષ્યવાણી ભાખેલી કે,  “ઉમાશંકર,  આ તારો ભાણેજો બાપ, મોસાળ, કોઈનો થવાનો નથી. એને પગે ભમરો છે”.. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવતને સાર્થક કરતી એ આગાહી સ્વામીના જીવનમાં તંતોતંત સાચી ઠરી હતી.

સ્વામીએ એમના મા-મેળાપની કૃતાર્થતાની લાગણી પ્રગટ કરતી વેળા લખ્યું છે:

“મારો નાનો આવ્યો?” હાથમાંથી માળા પડી જાય અને આંખેથી  વહી નીકળે છે ગંગાજમના ! સ્વામીએ પૂછ્યું : “ મા ગામમાં કોઈ જાણતું ન હતું કે હું આવવાનો છું અને તમે તો દરવાજો ઉઘાડતાની સાથે જ મારા નામે મને બોલાવ્યો તે  કેમ કરતાં ખબર પડી ?” જવાબ મળ્યો: “આ હૈયામાં બીજું છે કોણ ? ચૌદ  વર્ષથી માળા ફેરવું છું તે કેની ?  રામની ?  રામનું તો નામ,  રામ કેવો ને  વાત કેવી?  મારા દીકરા તે મારા રામ.  બીજા રામને હું ઓળખતી નથી.  તારે કઈ વાતે કમી હતી તે મને વલવલતી  મૂકીને નાઠો ?  આટલી ઉંમરે મને બાળી ? પણ બાળે તે જ  બાળક ! ચાર ખંડ ધરતી ખૂંદી વળ, પણ આખરે તારી ધરતીનો છેડો માની પાની  હેઠળ જ  છે.”  પાવનકારી એ માના છેલ્લા દિવસોમાં સ્વામી એક અઠવાડિયું ઘેર તેમની સન્મુખ રહ્યા. એ આઠ દિવસો વિશે તેમણે તહેદિલથી લખ્યું છે: “ એ આઠે  દિવસ મારી જિંદગીના કીમતી વારસારુપ  છે.  માના  તરફથી મને જે  વારસો જીવનમાં મળ્યો છે તેનું ખરું દર્શન આ આઠ  દિવસોમાં થયું  અને હું ધન્ય થઇ ગયો.”

વગર સંસારનો આ સંસારી જીવ તેની આસપાસના આખી જિંદગી ગળાડૂબ રહ્યો છે છતાં આ મોહ માયાનો પાસ સરખો લાગવા દીધો નહીં .

સ્વામીને અલવિદા!

“દેવ અને દર્પણ બોલતા નથી.”

 

 

 

 

 

 

 

 

 

જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમ. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે,  તેમની સમક્ષ  એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત  કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.

પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં  મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે  યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે,  ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું  થાય છે  એટલે  બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને  ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.

શાસ્ત્ર બીજી પણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !!  આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે  મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે,  આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને  બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.

હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. ”તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ  જનમ  કે દુઃખ બિસરાવૈ” તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ  શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ–દુઃખ નાશ નથી પામતા,  પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે.  ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.

એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે,  પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે,  આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી,  જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.

અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે,  આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે,  નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે,  એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે,  દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?

જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ  મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને  શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે,  આ ગાદી  પર પચાસ વર્ષોનું  તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે  છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં  પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો…

 

‘વાત પૂર્ણતાના પંથેની’…..

 

 

 

 

 

 

 

બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે, ‘આને અંજલિ  કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ 

‘પૂર્ણતાને પંથે સંકેત’…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન

સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે ‘પૂર્ણતાને પંથે સંકેત’.. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છે ‘વાત પૂર્ણતાના પંથેની’.. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમનું જીવન વીત્યું તે મહાન સાધક.

પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના. રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાઈકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે, 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાઈકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી ગયા અને એકલા બાપુ રહી ગયા!!.

1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’  બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’  બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’

…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે, જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી.

એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. તેને રીવાઈવ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું ‘પૂર્ણતાને પંથે‘. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’  ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે, આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી કંઈક લખતા જાઓ. લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી.  બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.

એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા. પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’  જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે, ‘આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)