માનવજીવનની એક સંપૂર્ણ યાત્રા ભર્તૃહરિ રચિત ત્રિ શતકો કરાવે છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજા ભર્તૃહરિની.. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ તરીકે તેઓ  જાણીતા છે. તેમના નામે પ્રચલિત ત્રણ “શતક”ને સામૂહિક રીતે ‘શતકત્રય’ કહેવામાં આવે છે. દરેક શતકમાં પરંપરાગત રીતે આશરે ૧૦૦ શ્લોકો છે. આ શતકોમાં  જીવનના ત્રણ જુદા પાસાં અંગે  માર્ગદર્શક વાતો કહેવામાં આવી છે.

“નીતિશતક”માં  જીવનવ્યવહાર અને સદાચાર, તો  “શૃંગારશતક”માં  પ્રેમ અને સૌંદર્ય અને  “વૈરાગ્યશતક”માં  ત્યાગ અને આત્મચિંતનનું જ્ઞાન સમાયેલું છે. આવો, આપણે એક પછી એક ત્રણેય શતક અંગે વિગતોથી જ્ઞાત થઈએ: .

 

નીતિશતકમાં મુખ્ય વિષય છે: નીતિ, સદાચાર, વિદ્યા, પુરુષાર્થ અને માનવીય ગુણો છે.

સજ્જન અને દુર્જનનો સ્વભાવ, મૂર્ખતા-વિદ્વત્તા, ધન, દાન, સ્વાભિમાન, મિત્રતા વગેરેનું ચિંતન અહીં ઉત્કૃષ્ટ શૈલીમાં મળે છે. શ્રી ભર્તૃહરિ વિદ્યાને મનુષ્યનું સાચું અને ગુપ્ત ધન ગણાવે છે. માત્ર સંપત્તિ કરતાં ચારિત્ર્ય, જ્ઞાન અને સજ્જનતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનમાં કેવી રીતે વર્તવું અને કયા ગુણો કેળવવા તેની વ્યવહારુ સમજ આપે છે.

નીતિશતકનો પ્રસિદ્ધ ભાવ: “विद्या नाम नरस्य रूपमधिकम्…” — વિદ્યા મનુષ્યનું વિશિષ્ટ સૌંદર્ય અને ગુપ્ત ધન છે.

શૃંગારશતકનો મુખ્ય વિષય પ્રેમ, યૌવન, સૌંદર્ય અને સ્ત્રી-પુરુષ આકર્ષણ છે.

પ્રેમમાં મિલન, વિરહ, કામના, મોહ અને માનવીય લાગણીઓનું કાવ્યાત્મક નિરૂપણ છે તો યૌવન અને સૌંદર્યની મોહકતા સાથે તેની ક્ષણભંગુરતા પણ દર્શાવવામાં આવી છે. અહીં એ સ્પષ્ટ કહેવાયું છે કે, પ્રેમનો આનંદ છે, પરંતુ તેની સાથે આસક્તિ, ચંચળતા અને દુઃખ પણ જોડાયેલાં છે.

કેટલાક શ્લોકોમાં શૃંગારની મસ્તી છે, તો કેટલાકમાં તેમાંથી જન્મતી વૈરાગ્યની ઝાંખી પણ  દેખાય છે. તેથી શૃંગારશતક માત્ર પ્રેમકાવ્ય નથી; તે માનવમન અને ઈન્દ્રિયોના આકર્ષણનું નિરીક્ષણ પણ છે.

વૈરાગ્યશતક નો મુખ્ય વિષય છે : ત્યાગ અને આત્મચિંતન જેમાં સંસારની અનિત્યતા, તૃષ્ણાનો ત્યાગ અને આધ્યાત્મિક શાંતિનો સમાવેશ થાય છે.  આજે આપણને જેને ભરડો લીધો છે તે ધન, સત્તા, યૌવન, ભોગ અને પ્રતિષ્ઠા કાયમી નથી, એવો આ વિચાર વારંવાર આવે છે.

અહીં મનુષ્ય ભોગોને ભોગવે છે એવું લાગે છે, પરંતુ અંતે ભોગો જ મનુષ્યને ક્ષીણ કરે છે એવો ઊંડો સંદેશ છે.

આ શતકનો બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે :

“भोगा न भुक्ता वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः।
कालो न यातो वयमेव याताः तृष्णा न जीर्णा वयमेव जीर्णाः॥”

તેનો ભાવાર્થ આપણને સત્યનું ભાન કરાવે છે : ભોગોને આપણે ભોગવ્યા નથી, આપણે જ ભોગવાઈ ગયા; સમય પસાર થયો નથી, આપણે જ પસાર થઈ ગયા; તૃષ્ણા વૃદ્ધ થઈ નથી, આપણે જ વૃદ્ધ થઈ ગયા.

વૈરાગ્ય, આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ…વૈરાગ્ય શતક નો અંતિમ સંદેશ છે.

ટૂંકમાં, ભર્તૃહરિ રચિત આ  શતકત્રયનો જીવનક્રમ આવો બાંધી શકાય :
નીતિશતક → કેવી રીતે જીવવું
? તે કહે છે,

શૃંગારશતક → માનવી શું ઇચ્છે અને અનુભવે છે ? તેનો સાર કહે છે,

વૈરાગ્યશતક → અંતે શું છોડવું અને શું શોધવું ? તેનો દિશાનિર્દેશ કરે છે.

આ ત્રણેયને સાથે વાંચીએ તો ભર્તૃહરિનું કાવ્ય જાણે કહે છે કે, વ્યવહાર → ભોગ/પ્રેમ → વૈરાગ્ય એમ માનવજીવનની એક સંપૂર્ણ છે.

આપણે પ્રત્યેક શતકમાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો અને તેનો ભાવાર્થ જાણવાનો પ્રયત્ન કરીશું. (ક્રમશ:)