રાજા ભર્તૃહરિના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.

આપણે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ એવા ત્રણ શતકોના રચયિતા રાજા ભર્તૃહરિના જીવન અને તેમના પ્રદાન વિશે વિગતે વાત કરી રહ્યા છીએ.

બહુ ખ્યાલ છે એ પ્રમાણે, રાજા ભર્તૃહરિનાં પત્ની અને રાણીનું નામ પિંગળા. રાજાને એવો વહેમ કે રાણી મને પ્રેમ કરે છે, પણ પિંગળાને રાજાના અશ્વપાલ સાથે પ્રેમ. રાણીને એમ કે અશ્વપાલ મને પ્રેમ કરે છે, પણ અશ્વપાલને તો વળી નર્તકી સાથે પ્રેમ અને નર્તકીને એમ લાગે કે આ મારી સાથે પ્રેમ કરે છે, પણ નર્તકી ખુદને રાજા ભર્તૃહરિ સાથે પ્રેમ.

આ પ્રેમનું એક આખું ચક્ર પૂરું થતું આપણે જોયું છે.

આપણને ખ્યાલ છે કે રાજાને જ્યારે ખબર પડી કે મને મળેલું અમરફળ પિંગળાને  મેં આપ્યું, પિંગળાએ અશ્વપાલને આપ્યું, અશ્વપાલે નર્તકીને આપ્યું અને નર્તકી ફરીવાર રાજા ભર્તૃહરિ સામે તાસકમાં એ ફળ મૂકીને હાજર થઈ, ત્યારે તેમને બરાબર ધક્કો પહોંચ્યો.

રાજતેજની સામે નર્તકી, અશ્વપાલ અને પિંગળાનું અસત્ય ટકી શક્યું નહીં. સત્યનો એકરાર કરવો પડ્યો.

પિંગળાએ કહ્યું કે, તે અશ્વપાલને પ્રેમ કરે છે અને બેવફા છે. આ બધું જોયા અને સાંભળ્યાથી રાજા વિચલિત થયા. કોઈપણ સામાન્ય વ્યક્તિના પગ નીચેથી પણ ધરતી ખસી જાય, તો આ તો રાજા હતા. રાજાના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.

પરિણામે સંસારના તમામ ભોગને તેઓ તુચ્છ માનવા લાગ્યા અને આ તુચ્છતાને કારણે કેટલાક ઉત્તમ સાહિત્યનું સર્જન થયું.

એક દંતકથા એવી પણ છે કે, ભર્તૃહરિ શિકાર કરવા ગયા ત્યારે એને થયું કે, ચાલો, રાણી સાથેના પ્રેમસંબંધની કસોટી કરું. એટલે એમણે ત્યાંથી દૂતને મોકલ્યા ને કહેવરાવ્યું  કે, “રાજા આજે શિકાર કરતા હતા, એ દરમિયાન હિંસક પશુએ તેમને ફાડી ખાધા છે.”

ભર્તૃહરિને એમ હતું કે, જો ખરેખર મને પ્રેમ કરતી હશે, તો એના પ્રાણ ટકશે નહીં; પણ ચકાસી તો જોઈએ કે, ખરેખર શું છે?

જેવા આ સમાચાર અંતઃપુરમાં રાણીએ સાંભળ્યા કે, પળનાય વિલંબ વિના પ્રિયતમાના પ્રાણે પ્રયાણ કરી દીધું. અઘટિત ઘટના બની ગઈ. રાજાએ આવી કલ્પના પણ કરી ન હતી, એટલે પાગલ જેવો બની ગયો અને વનમાં ભટકવા લાગ્યો.

એ શોકસંતપ્ત વિરહી જીવનને ક્યાંય નિરાંત નહોતી. વળી એવી રાણીના મૃત્યુ માટે પોતે જવાબદાર છે એવા અપરાધભાવથી તે અથડવા-પછડવા લાગ્યો.

કહેવાય છે કે, એ વખતે નાથ સંપ્રદાયના પ્રખર યોગી ગુરુ ગોરખનાથનાં તેને દર્શન થયાં. પોતાની યોગશક્તિથી તેમણે રાજાનો શોક દૂર કર્યો.

આપણને ખ્યાલ છે કે આવી જ વાત ‘ગીતગોવિંદ’નું સર્જન કરનાર જયદેવના જીવન સાથે પણ જોડાયેલી છે.

પ્રેમી પાત્રો વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ, એનું  એક રસિક મુક્તક ભર્તૃહરિએ ‘શૃંગારશતક’માં આપ્યો છે. તે અત્યારે આપણે જોઈએ—

“કિં ગતેન યદિ સા ન જીવતિ, પ્રાણિતિ પ્રિયતમા તથાપિ કિમ્?
ઇત્યુદીક્ષ્ય નવમેઘમાલિકાં ન પ્રયાતિ પથિકઃ સ્વમંદિરમ્.”

લાંબા પ્રવાસે ગયેલો પ્રિયતમ વિચારે છે, જો પ્રિયતમા જીવતી ન હોય તો ઘરે જવાથી શું? અને જો જીવતી હોય તો પણ ઘેર જવાથી શું? કારણ કે જો પ્રિયનો વિયોગ થાય અને તો પણ પ્રિયાનું જીવન ટકે, તો એવા પ્રેમશૂન્ય જીવન માટે શું કામ જવું?

આમ વિચારી, આકાશમાં છવાયેલી મેઘમાળા જોવા છતાં પથિક સ્વગૃહે જવાનું માંડી વાળે છે.

પ્રેમ આટલો અમર છે અને પ્રેમની આટલી બધી ઊંડી અસર ખરેખર છે, એ અહીં સ્પષ્ટ થાય છે. સંસ્કૃત સાહિત્યના કેટલાય પ્રાચીન કવિઓ ક્યારે થયા, એ અંગે બહુ મતભેદ છે, કારણ કે આત્મપ્રશંસાના ડરથી કવિઓ પોતાની કૃતિઓમાં પોતાના વિશેનો ઉલ્લેખ કરવાનું ટાળતા આવ્યા છે.

ભર્તૃહરિ નામના ત્રણ જાણીતા કવિઓ સંસ્કૃત સાહિત્યમાં છે, એવું આપણે જાણ્યું છે. તેમાં ત્રણ શતકોના સર્જક ભર્તૃહરિ કોણ? એ જ્યાં સુધી આધાર સાથે નિર્ણય ન થાય, ત્યાં સુધી તેનો કાળનિર્ણય થઈ શકતો નથી.

અહીંયા બહુ રસિક ઘટના બને છે. ચીનના યાત્રાળુ ઇત્સિંગની નોંધ છે અને એણે કહ્યું છે કે તેની નોંધ પૂર્વે 40 વર્ષે ભર્તૃહરિનું અવસાન થયું હતું. હવે ઇત્સિંગની નોંધનો સમય કયો છે? ઈસવીસન 691નો. તો ભર્તૃહરિનો સમય ઈસવીસન 651નો ગણાય.

આ ભર્તૃહરિ સંસ્કૃતના પ્રસિદ્ધ ગ્રંથ ‘વાક્યપદીય’ના લેખક હતા. જો આ ભર્તૃહરિ ત્રણેય શતકોના કર્તા ભર્તૃહરિથી અભિન્ન હોય, તો જ આ સમય તેમને લાગુ પાડી શકાય, એવું આપણે સ્વીકારીએ.

આપણે વધુ અભિપ્રાયો કે વિવાદમાં જવાને બદલે ભર્તૃહરિની કૃતિઓ ઉપર ઝડપથી જવું છે, કારણ કે એનું વિહંગાવલોકન આપણે કરવા માંગીએ છીએ.

ભર્તૃહરિએ રચેલી ત્રણ કૃતિઓ—‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’—ખૂબ પ્રસિદ્ધ છે. અનેક સંતો-મહંતો પોતાના આધ્યાત્મિક પ્રવચનોમાં બહુ સુંદર રીતે આ ત્રણ શતકનો ઉલ્લેખ કરે છે.

ગુજરાતી ભાષામાં એવું લોકગીત પણ પ્રચલિત છે કે, જે રાજા ભર્તૃહરિને બચાવવા માટે નીકળેલી રાણીની લોકવાયકા આપણી સામે રજૂ કરે છે.

કેટલાક વિદ્વાનો એવું માને છે કે ‘નીતિશતક’ પહેલાં રચાયું હશે, પછી ‘શૃંગારશતક’ અને અંતે ‘વૈરાગ્યશતક’ની રચના થઈ હશે. આમાં પણ મતભેદ છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે કે આનો કાળક્રમ જુદો હશે. પરંતુ આપણે જો થોડા ઊંડાણથી વિચારીએ, તો ‘શૃંગારશતક’ને જ પ્રારંભિક કૃતિ માનવાનું થોડું કારણ થાય છે, કારણ કે શૃંગાર જ પ્રથમ અવસ્થા છે. એ યૌવનનો રસ છે. પછી જેમ જેમ મનુષ્ય પ્રૌઢ થતો જાય, ઘડાતો જાય, ભોગવિલાસની થાપટો ખાતો જાય, તેમ તેની દૃષ્ટિ સંસારના સુવાળા વિષયો ઉપરથી હટીને નીતિ, ધર્મ કે વ્યવહાર તરફ વળે અને અંતે વૈરાગ્યના ખોળામાં તે ઢળે.

આ રીતે ‘શૃંગારશતક’ને ભર્તૃહરિની યૌવનકાળની પ્રથમ કૃતિ માનવાનું સૌએ નક્કી કર્યું છે.

આ પ્રત્યેક શતકમાં ઝળહળતા પાણીદાર મોતી જેવા મુક્તકો ગૂંથવામાં આવ્યા છે. સંસ્કૃત વાગ્દેવીના સુશોભિત કંઠમાં આ સૂક્તિરત્નોની માળા કોઈ જુદા જ પ્રકારનું લાવણ્ય પ્રગટાવે છે, એવું પ્રિન્સિપાલ શ્રી મનસુખભાઈ સાવલિયા પોતાના પુસ્તકમાં ભારપૂર્વક લખે છે.

(આ પુસ્તક પ્રવીણ પ્રકાશન, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ  તરફથી 1989માં પહેલી આવૃત્તિ તરીકે પ્રકાશિત થયેલું છે.) (ક્રમશ:)