શૃંગાર શતક કહે છે કે, વિવેક હોવો પૂરતો નથી; આકર્ષણની ક્ષણે તેને જાળવવો એ સાચી કસોટી છે.

શ્રી ભર્તૃહરિ રચિત નીતિશતક, શ્રુંગારશતક અને વૈરાગ્યશતક નામધારી ત્રણેય શતકોમાં સો સો શ્લોકો છે. આ વિશાળ ભંડારને સમજવામાં માટે તો દીર્ઘ સંવાદ સત્રોનાં આયોજનો કરવા પડે. શાસ્ત્રો કે આ પ્રકારના અષ્ટકો કે સપ્તકો કે શતકો બહુ ગૂઢ અર્થ સાથે સાચવીને બેઠાં હોય છે, ત્યારે આપણે તો કેવળ વિહંગાવલોકન કરી શકીએ, જે આપણે કરી રહ્યા છીએ.

આજે આપણે શૃંગારશતકના ઉત્તમોત્તમ ગણાતા દસ શ્લોકોનું આચમન કરીશું. અહીં એ ખ્યાલ રાખીએ કે, આ દાસ શ્લોકો શતકના ક્રમ આધારે નથી, પરંતુ સો માંથી ઉત્તમ લાગેલા દસ શ્લોકો છે. આમાંથી જ રસ જાગે અને કોઈને સો શ્લોકો સુધી પહોંચી જવું હોય તો આનંદ સાથે શુભેચ્છાઓ છે.

શૃંગારશતકના ઉત્તમોત્તમ ગણાતા દસ શ્લોકો:

૧. કામદેવની અદભુત શક્તિ

शम्भुः स्वयम्भुहरयो हरिणेक्षणानां, येनाक्रियन्त सततं गृहकर्मदासाः।

वाचामगोचरचरित्रविचित्रिताय, तस्मै नमो भगवते कुसुमायुधाय॥

ભાવાર્થ: શિવ, બ્રહ્મા અને વિષ્ણુ જેવા દેવોને પણ પ્રેમની શક્તિ પ્રભાવિત કરે છે. એવા પુષ્પબાણધારી કામદેવને કવિ નમસ્કાર કરે છે.

મર્મ: પ્રેમ અને આકર્ષણની શક્તિથી કોઈ સંપૂર્ણપણે પર નથી.

૨. પ્રેમની અનેક ભાષાઓ

स्मितेन भावेन च लज्जया भिया, पराङ्मुखैरर्धकटाक्षवीक्षणैः।

वचोभिरीर्ष्याकलहेन लीलया, समस्तभावैः खलु बन्धनं स्त्रियः॥

ભાવાર્થ: સ્મિત, ભાવ, લજ્જા, સંકોચ, કટાક્ષ, વાણી, પ્રેમભર્યો કલહ અને લીલા—આ બધાં પ્રેમમાં આકર્ષણનાં સાધન બની જાય છે.

મર્મ: પ્રેમ માત્ર શબ્દોથી વ્યક્ત થતો નથી; નજર, સ્મિત અને મૌન પણ તેની ભાષા છે.

૩. ભૂષણ પણ, આયુધ પણ

भ्रूचातुर्यात् कुञ्चिताक्षाः कटाक्षाः, स्निग्धा वाचो लज्जितान्ताश्च हासाः।

लीलामन्दं प्रस्थितं च स्थितं च, स्त्रीणामेतद् भूषणं चायुधं च॥

ભાવાર્થ: ભ્રૂની ભંગિમા, કટાક્ષ, સ્નેહભરી વાણી, લજ્જામિશ્રિત હાસ્ય અને મૃદુ ગતિ—આ બધું સૌંદર્યનું આભૂષણ પણ છે અને આકર્ષણનું આયુધ પણ.

મર્મ: સૌંદર્ય માત્ર શરીરમાં નહીં, હાવભાવ અને અભિવ્યક્તિમાં પણ વસે છે.

૪. નજરનું કાવ્ય

क्वचित्सभ्रूभङ्गैः क्वचिदपि च लज्जापरिगतैः, क्वचिद्भूरित्रस्तैः क्वचिदपि च लीलाविलसितैः।

कुमारीणामेतैर्मदनसुभगैर्नेत्रवलितैः, स्फुरन्नीलाब्जानां प्रकरपरिकीर्णा इव दिशः॥

ભાવાર્થ: ક્યારેક ભ્રૂભંગ સાથે, ક્યારેક લજ્જાથી, ક્યારેક ભયમિશ્રિત અને ક્યારેક ચંચળ લીલાથી ફરતી આંખો એવી લાગે છે જાણે દિશાઓમાં નીલકમળો ખીલી ઊઠ્યાં હોય.

મર્મ: અહીં ભર્તૃહરિ આંખને પ્રેમની ભાષા બનાવી દે છે.

૫. યૌવનમાં બધું જ રમણીય

स्मितकिञ्चिन्मुग्धं सरलतरलो दृष्टिविभवः, परिस्पन्दो वाचामभिनवविलासोक्तिसरसः।

गतानामारम्भः किसलयितलीलापरिकरः, स्पृशन्त्यास्तारुण्यं किमिव न हि रम्यं मृगदृशः॥

ભાવાર્થ: યૌવનને સ્પર્શતી યુવતીનું સહેજ મુગ્ધ સ્મિત, ચંચળ નજર, નવીન વાણી અને કોમળ ચાલ—બધું જ રમણીય લાગે છે.

મર્મ: યૌવનમાં માત્ર રૂપ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાં એક પ્રકારની જીવંતતા અને લાવણ્ય પ્રગટે છે.

૬. પ્રેમમાં પાંચેય ઇન્દ્રિયો

द्रष्टव्येषु किमुत्तमं मृगदृशः प्रेमप्रसन्नं मुखं, घ्रातव्येष्वपि किं तदास्यपवनः श्रव्येषु किं तद्वचः।

किं स्वाद्येषु तदोष्ठपल्लवरसः स्पृश्येषु किं तद्वपुः, ध्येयं किं नवयौवने सहृदयैः सर्वत्र तद्विभ्रमाः॥

ભાવાર્થ: જોવા જેવું શું? પ્રિયતમાનો પ્રસન્ન ચહેરો. સાંભળવા જેવું શું? તેની વાણી. સ્પર્શવા જેવું શું? તેનું શરીર. પ્રેમમાં જાણે પાંચેય ઇન્દ્રિયો પ્રિયપાત્ર તરફ કેન્દ્રિત થઈ જાય છે.

મર્મ: પ્રેમ મનુષ્યની સમગ્ર સંવેદનાને આવરી લેતો અનુભવ બની શકે છે.

૭. સૌંદર્યનો પ્રભાવ

एताश्चलद्वलयसंहतिमेखलोत्थ-, झङ्कारनूपुरपराजितराजहंस्यः।

कुर्वन्ति कस्य न मनो विवशं तरुण्यो , वित्रस्तमुग्धहरिणीसदृशैः कटाक्षैः॥

ભાવાર્થ: કંકણ, મેખલા અને નૂપુરના ઝંકાર સાથે, ભયભીત નિર્દોષ હરિણી જેવી નજર ધરાવતી યુવતીઓના કટાક્ષથી કોનું મન આકર્ષિત ન થાય?

મર્મ: ભર્તૃહરિ અહીં દૃશ્ય અને ધ્વનિ—બંનેને ભેગાં કરીને શૃંગારનું ચિત્ર સર્જે છે.

૮. આકર્ષણ સામે વિવેકની કસોટી

तावदेव कृतिनामपि स्फुरत्येष, निर्मलविवेकदीपकः।

यावदेव न कुरङ्गचक्षुषां, ताड्यते चटुललोचनाञ्चलैः॥

ભાવાર્થ: વિવેકી મનુષ્યના હૃદયમાં વિવેકનો દીપ ત્યાં સુધી તેજસ્વી રહે છે, જ્યાં સુધી પ્રબળ આકર્ષણ તેની કસોટી કરતું નથી.

મર્મ: વિવેક હોવો પૂરતો નથી; આકર્ષણની ક્ષણે તેને જાળવવો એ સાચી કસોટી છે.

૯. હૃદય મળે તો વિરહ પણ મિલન

विरहोऽपि सङ्गमः खलु परस्परं सङ्गतं मनो येषाम्।

हृदयमपि विघट्टितं चेत्सङ्गो विरहं विशेषयति॥

ભાવાર્થ: જેમનાં મન પરસ્પર જોડાયેલાં છે, તેમના માટે દૂર રહેવું પણ મિલન સમાન છે; પરંતુ હૃદય અલગ થઈ ગયાં હોય તો શારીરિક રીતે સાથે રહેવું પણ વિરહ જ છે.

મર્મ: “દેહનું અંતર વિરહ નથી; હૃદયનું અંતર સાચો વિરહ છે.”

(આ શ્લોક શૃંગારને માત્ર શારીરિક આકર્ષણથી ઉપર લઈ જઈને હૃદયના સંબંધ સુધી પહોંચાડે છે.)

૧૦. શૃંગારમાંથી વૈરાગ્યની દિશા

विरमत बुधा योषित्सङ्गात्सुखात्क्षणभङ्गुरात्, कुरुत करुणामैत्रीप्रज्ञावधूजनसङ्गमम्।

न खलु नरके हाराक्रान्तं घनस्तनमण्डलं, शरणमथवा श्रोणीबिम्बं रणन्मणिमेखलम्॥

ભાવાર્થ: કવિ અંતે કહે છે—ક્ષણભંગુર ઇન્દ્રિયસુખમાં જ અટકી ન રહો; કરુણા, મૈત્રી અને પ્રજ્ઞા સાથે સંબંધ બાંધો. બાહ્ય સૌંદર્ય અંતિમ આશ્રય બની શકતું નથી.

મર્મ: અહીં ભર્તૃહરિના કાવ્યમાં એક અદ્ભુત પરિવર્તન દેખાય છે:

આકર્ષણ → પ્રેમ → અનુભવ → અનિત્યતાની સમજ → વૈરાગ્ય.

 આ જ કારણથી શૃંગારશતકને માત્ર સ્ત્રીસૌંદર્ય કે કામભાવનું કાવ્ય માનવું અધૂરું છે. તેમાં માનવમનની આસક્તિનું નિરીક્ષણ છે અને એ જ નિરીક્ષણ અંતે વૈરાગ્ય તરફ દોરી જાય છે. (ક્રમશ:)