ગુરુ દત્તાત્રયને ચોવીશ ગુરુઓ હતા

કબૂતર અને પિંગલા ગણિકા  પણ આપણા ગુરુ બની શકે. 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmil.com

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણા લેખનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

આપણે બે ગુરુઓની કથા જાણીએ અને તેને ગુરુ શા માટે ગણવા તેની સ્પષ્ટતા મેળવીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગે વાત કરવામાં આવી છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

અંતમાં કહેવાયું કે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે,  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.  

 

….નઈ તાલીમનો તો વિશિષ્ટ-અમૃતકાળ….

ગાંધીજીની ઉત્તમ ભેટ ‘નઈ તાલીમ’નાં શ્રી ગણેશ તો 1937થી થયાં છે.!

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

”ભારતને મારા જીવનની આ મોટામાં મોટી ભેટ છે.” આ ઉદગારો નઈ તાલીમ વિષે ગાંધીજીએ કાઢેલા છે. ગાંધીજી સત્યાગ્રહી તરીકે માપીતોળીને વેણ કાઢતા. એમણે જ્યારે આ કહ્યું હોય ત્યારે નઈ તાલીમના હાર્દમાં નમ્રભાવે ઊતરવું જોઈએ.

આખરે નઈ તાલીમનું કેન્દ્રસ્થ તત્વ કયું છે ?

શિક્ષણનું કાર્ય એવી રીતે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને અનુભવ અને શબ્દ દ્વારા મળતું જ્ઞાન જોડાજોડ મળે; ખાસ કરીને પહેલાં સાત ધોરણમાં તો આ બેને અલગ પાડવાં જ નહિ.

જીવનની શરૂઆતના કાળમાં જ્યારે બાળક પહેલાં પગલા ભરતું હોય ત્યારે અનુભવ આપીને શબ્દ આપવા પર ભાર દેવો, અનુભવના પાયા વિનાનું જ્ઞાન ન આપવું તે વાત સમજવી  જરૂરી છે.

આપણે થોડા દાખલા લઇએ, માનો કે એક અનાથ બાળકની મા છેક બાળપણમાં જ ગુજરી ગઇ છે, અને તેની માસીએ તેને માતાના વાત્સલ્યથી મોટો કર્યો છે. માની કશી ખોટ વરતાવા નથી દીધી. હવે આ બાળક જ્યારે શાળામાં માતા પરની કવિતા ભણશે ત્યારે તેના હૈયામાં કોની મુર્તિ ખડી થશે ? માસીની. માસી તે મા નથી. મા તો ગુજરી ગઇ છે, પણ મા શબ્દ સાથેનો જ સંકેત છે તે સંકેત તેને માસી  પાસે દોરી જવાનો, કારણ કે અનુભવ માસીનો છે.

કોઈ અનાથાશ્રમના વત્સલ ગૃહપતિની પ્રેમાળ છાયામાં ઉછરેલ બાળક જયારે પિતા પરની કવિતા ભણશે ત્યારે તેને ગૃહપતિ યાદ આવશે.

નઈ તાલીમ આ પરથી એટલું જ કહે છે કે અનુભવ મહત્વનો છે. ડબ્બા પર લેબલ શું છે તે મહત્ત્વનું નથી, અંદર શું છે તે મહત્ત્વનું છે.

શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ નઈ તાલીમનું હાર્દ  સ્પષ્ટ કરતા કહે છે કે…’શ્રમ કરાવવો જોઈએ એવું હું નથી કહેતો. એ વાત તો શિક્ષણથી સાવ વિરુદ્ધ જ છે. શિક્ષક કોઈ દિવસ એમ નહિ કહી શકે કે આ કરાવવું જોઈએ. આવું બોલે એટલે શિક્ષક મટી ગયો ને જમાદાર થઈ ગયો. નાનાભાઈ ભટ્ટે કેળવણીનું આ શાસ્ત્ર એક પ્રસંગમાં જ મને સમજાવી દીધું. હું તો કંઈ ખાસ ભણ્યોગણ્યો છું નહિ. હું તો એમની પાસે બેસીને કેળવણીનું શાસ્ત્ર કંઈક સમજ્યો. જેવું આવડયું એવું કામ કર્યું. કોલેજ કે જી.બી.ટી.સી.નાં પગથિયાં જ નથી જોયાં ને ! પર આપણું તો થઈ ગયું સીતારામ. પણ એટલા પૂરવજનમનાં પુણ્ય કે હું નાનાભાઈ પાસે ગયો.

દક્ષિણામૂર્તિમાં હું સાવ નવોસવો. બીજે પાંચ-સાત ગૃહપતિઓ હતા. મારી આગળના ગૃહપતિ મહાદેવ.. નાનાભાઈની ઓફિસ મેડી ઉપર હતી. નીચે કંપાઉન્ડમાં એક છોકરાને મહાદેવ કહે : ‘કેમ તમે નથી વાળ્યું ? મેં કેટલી વાર કહ્યું તમને ? હું આ બિલકુલ નહિ ચલાવી લઉં. ચાલો, વાળી નાખો. તમારે આ વાળવું જ પડશે.”

નાનાભાઈ ઉપર બેઠેલા, એની મહાદેવને ખબર નહીં. નાનાભાઈએ આ સાંભળ્યું. એટલે બારણામાં ઊભા રહી, તાળી પાડી, ધીમેથી કહ્યું – “મહાદેવ, મહાદેવ.”

એટલે પેલા ભાઈ ઉપર આવ્યા. નાનાભાઈ કહે – “તમે શિક્ષક છો.”

મહાદેવ કહે : “નાનાભાઈ ! મેં એને ત્રણ-ચાર વાર કહ્યું. વાળે જ નહિ.. પછી શું કરવું ?”

“મહાદેવ ! મેં તમને છોકરાઓ પાસે છાત્રાલય વળાવવા રાખ્યા નથી. એ તો હું વીસ રૂપિયાનો જમાદાર રાખું તો પણ થઈ જાય. તમને આ પચાસ રૂપિયા શેના આપું છું ? તમે શિક્ષક છો. તમારે એને એ જાતે સમજીને વાળતો થાય તેમ કરવાનું છે.”

આપણા રામ તો સાંભળી જ રહ્યા ! ત્યારે ખબર પડી કે શિક્ષક થવું કેટલું આકરું છે. અને તે પછી ખબર પડી કે શા માટે લોકો શિક્ષકને માન આપે છે . કારણ કે એ કોઈની પાસે કામ કરાવતો નથી. પણ કામ કરતા કરવાની મનોવૃત્તિ જગાડે છે. એથી વિદ્યાર્થી તમે હાજર હો તો પણ કરે. અને તમે હાજર ન હો તો પણ કરે, અહીંયાં ન હો તો પણ કરે અને વિલાયમાં હો તો પણ કરે. એની ઉપર કોઈએ ચોકી રાખવાની જરૂર નથી, શિક્ષક સ્વયંશાસન, આત્મ-વિવેચન કે આત્મદર્શનથી સર્જે છે.

અમને કહે કે હવે તમે છેલ્લા-પહેલી કરો. એટલે અમે છોકરાઓ એકબીજાને પૂછીએ. અઘરામાં અઘરું હોય એ જ પૂછીએ. ‘નકશામાં ગંડક નદી બતાવ.’ ગંગા પૂછે તો  તો બતાવે. ગંડક કોણ પૂછે ? આના અનુસંધાનમાં મારા ચિત્તમાં એક કિસ્સો રહી ગયો છે. જે ઘણીવાર મને યાદ આવ્યા કરે છે..

અમરશી કરીને એક છોકરો હતો. સાવ ઠોઠ છોકરો ગણાય , એના મગજમાં આ શબ્દની દુનિયા ઝટ પેસે નહિ. એને મેં પૂછયું કે ગંડક બતાવ. એ ક્યાંથી બતાવે ?  ત્યારે નિયમ એવો કે ન આવડે તેને તમાચો મારવાનો. એટલે મેં એને તમાચો માર્યો. એનું ઓશિયાળું મોઢું મારા મનમાં અંકાઈ ગયું. એ વખતે એ મારી સાથે ચોથી ચોપડીમાં હશે. ઘણાં વર્ષો પછી એકવાર ચૂંટણી અંગે હું એના ગામમાં ગયો. વચ્ચે કોણ  જાણે ૧૫-૨૦ વરસ ગયા હશે. ગામમાં મેં  સભા કરી. બધું પૂરું થયું. ત્યાં પેલો અમરશી મારી પાસે આવ્યો. મને કહે – “મનુભાઈ, મને ઓળખ્યો ? હું અમરશી.”

મને તો કોઈ દિ’ ભુલાયેલું જ નહિ. મને કહે – “મનુભાઈ, મારે ત્યાં જમવા આવો.”

મેં કહ્યું – “સારું.”

એ તો ભૂલી જ ગયો હશે બિચારો. કાં તો એને એમ જ લાગતું હશે કે જગતમાં આવું જ હોય બધે. બુદ્ધિશાળીઓનું આવું વર્તન આપણે ચલાવી લેવાનું. હું ગયો એને ઘરે જમવા. ઘણી વાતો કરી. કહે – “ભગવાનની મહેરબાનીથી બધું સારું ચાલે છે. ભાઈઓએ ભાગ વહેંચ્યા. મારે ભાગે દશ વીઘાં જમીન આવી’તી. એક બળદ આવ્યો’તો. ખૂબ મહેનત કરી. સગાંસાંઈની મદદ લીધી. આમ કર્યું, તેમ કર્યું. અત્યારે બે જોડી બળદ છે. ૩૦-૩૫ વીઘા જમીન છે. ભગવાનને પ્રતાપે લીલાલહેર છે મનુભાઈ.”

ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસને ગંડક બતાવતાં નો’તુ આવડ્યું એટલે માટે મેં એને તમાચો માર્યો હતો. હવે એ માણસ જીવનમાં કેટલો સફળ થયો છે ? મારે ભાગે આવી સ્થિતિ આવી હોત તો હું તો પાણીમાં જ બેસી જાત. ને આણે તો સંસાર જમાવ્યો. મને અમરશીની વાતે નમ્ર બનાવ્યો.

           નઈ તાલીમનું પગેરું

         “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તકના લેખક રસ્કિનની ફિલસૂફીથી પ્રભાવિત ગાંધીજીને ઈ.સ. ૧૯૦૪માં જણાએલું કે…

(૧) બધાનાં ભલામાં આપણું ભલું રહેલું છે.

(૨) આજીવિકાનો હક બધાને એક સરખો હોવાથી વાળંદ અને વકીલના કામનું મૂલ્ય એક સરખું છે.

(૩) શ્રમિકનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ વિચારોએ ગાંધીજીને શિક્ષણ વિશેના પોતાના મૌલિક પ્રયોગો દ્વારા પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડી.

ઈ.સ. ૧૯૦૪માં આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ પોતાના પરિવારના બાળકોના શિક્ષણ માટે મૌલિક પ્રયોગો શરૂ કરેલા. તેમણે કરેલા આ પ્રયોગોમાં મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે પોતાના આ વિચારો ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લખેલ હિંદ સ્વરાજ પુસ્તકમાં રજૂ કર્યા. આમ, નઈ તાલીમનો જન્મ ગાંધીજીની શિક્ષણ-પ્રયોગશીલતામાંથી થયો છે.

તા. ૨૨-૨૩ ઓકટોબર ૧૯૩૭માં શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષસ્થાને વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયની રજત જયંતી નિમિત્તે યોજેલા રાષ્ટ્રીય કેળવણીકારોના એક સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનો વિચાર વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. ચર્ચાના અંતે સહુની સંમતિ સધાતા તેને રાષ્ટ્રીય કેળવણી તરીકે સ્વીકારવામાં આવી અને તેના અમલ માટે ડૉ. જાકિર હુસેનના અધ્યક્ષ સ્થાને એક સમિતિની  રચના કરીને નઈ તાલીમના શ્રી ગણેશ કરવામાં આવ્યા.

           ૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલાનું, લોકભારતી – સણોસરાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું,  લોકશાળા – ખડસલીનું…અને ઉત્તર ગુજરાતમાં કેશુભાઈ ભાવસાર તો દક્ષિણ ગુજરાતમાં જુગતરામકાકાએ તો આહલેક જગાવી. આ અનેક સ્થાનકો એ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…! 

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા  માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !  

      નઈ તાલીમનો અમૃતકાળ 

  1. રાષ્ટ્ર સ્વતંત્ર થાય તે પહેલાં ગાંધીજીએ નઈ તાલીમના બીજ ઠેર ઠેર રોપ્યાં અને ફલત: અનેક સ્થળોએ ગાંધી સમર્પિત કાર્યકરો ગામડે ગામડે લોકશાળાઓ કે બુનિયાદી  શાળાઓ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થાપીને પાયાનું કામ કરવું આ લાગ્યા. લોકશિક્ષણનું પાયાનું કામ શરુ થયું. ગાંધીએ જેમને છેવાડાનો માણસ કહેલો ત્યાં સુધી કેળવણીની પ્રયોગશાળાઓ કાર્યરત થઇ ગઈ અને તેનો સ્વીકાર થવા લાગ્યો કારણ એ લોકોપયોગી છે તેવું ખુદ લોકોને જ લાગવા લાગ્યું. શિક્ષણના એક પ્રવાહ તરીકે તેનો સ્વીકાર થવા લાગ્યો. 
  2. ૨૧મી સદીની દુનિયામાં વિકસિત તથા વિકાસશીલ દેશોની સરકારોએ પાયાના ક્યા ક્યા સિદ્ધાંતો, મૂલ્યો, દ્રષ્ટિકોણ અને વ્યવહારો પોતાના દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં અપનાવવા જોઈએ તેનું મૂલ્યવાન માર્ગદર્શન શ્રી જેક્યુઝ ડેલોર્સની અધ્યક્ષતામાં વિશ્વના વિવિધ ક્ષેત્રના સમર્થ વિદ્વાનોના બનેલા ૧૫ સભ્યોના આયોગે યુનેસ્કોને આપેલ છે. અનેકવિધ વિદ્વાનો અને નિષ્ણાંતોના સંહિયારા શાણપણનો અર્ક નીચેના ચાર આધારસ્તંભોમાં સમાવિષ્ટ છે.

(1) Learning to Know – જાણવા-માહિતી-જ્ઞાન માટેનું શિક્ષણ

(૨) Learning to Do – પ્રવૃત્તિ દ્વારા સર્જન કરવા માટેનું શિક્ષણ

(૩) Learning to Live together – સમૂહજીવનનું શિક્ષણ

(૪) Learning to Be – કૌશલ – વિકાસ માટેનું શિક્ષણ

  1. યુનેસ્કોએ તૈયાર કરાવેલ આવતીકાલના ટકાઉ શિક્ષણ માટેના સૂચિતાર્થોને કોઈપણ સામાન્ય અભ્યાસ જો નઈ તાલીમના પાયાના તત્ત્વો-તંત્ર સાથે સરખાવશે તો ખ્યાલ આવશે કે એ નઈ તાલીમની નવી આવૃત્તિ સમાન છે! નઈ તાલીમ મનુષ્ય જાતિના અસ્તિત્વ સુધી કાયમ પ્રસ્તુત જ રહેવાની છે. કારણ કે નઈ તાલીમ એ શિક્ષણ જગતનું સત્ય છે.
  2. એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ  જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં : 

1) શારીરિક (શિક્ષણ)     2)  ઔદ્યોગિક (કલ્પ)      3) ભાષાકીય (વ્યાકરણ)               

 4) સામાજિક(નિરુક્ત)          5) કલાવિષયક (છંદસ )     6) વ્યાવહારિક (જ્યોતિષ) :

રસોઈ કરવાથી લઈને આધિભૌતિક વિજ્ઞાન સુધીની બાબતોનો અહીં સમાવેશ છે. 

        શિક્ષણનાં આ છ મુખ્ય અંગોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. નઈ તાલીમ એ આ છએ છ અંગોને સ્પર્શે છે, તેથી તેનો સાદર સ્વીકાર પુરા રાષ્ટ્ર દ્વારા થવો જોઈએ તેવું સૌ શાસકો કહ્યા વગર સ્વીકારે છે પણ તેઓ ગાંધીનું નામ એની સાથે જોડતાં ગભરાય છે !! તે ત્યાં સુધી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના હાર્દ રૂપ તત્ત્વોમાંથી એંસી ટકા તો નઈ તાલીમની કેળવણીના છે,  છતાં એ નીતિના દસ્તાવેજમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી !! જો કે, આ વાત જ એ પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના અમૃત પર્વ ટાણે નઈ તાલીમને તો પંચ્યાશી વર્ષો થયા છતાં એમનુ નામ લીધા વિના એનો સ્વીકાર કરવો પડે છે તે જ તો તેનો વિશિષ્ટ-અમૃતકાળ  છે.

         મહાત્મા ગાંધીજીના શબ્દોમાં તેઓએ પ્રબોધેલી  કેળવણીની પદ્ધતિ વિષે તેઓના જ શબ્દો જાણીને વિરામ લઈએ:: 

         ‘મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમકે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે.’

           “લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”

            “જુઓ, આ નઈ તાલીમનું કામ મારા જીવનનું છેલ્લું કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જે છોકરાઓ શાળા-કોલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ઉપરાંત બીજું પણ કંઈક જોઈએ છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું.. સારાંશ એ છે કે, હરેક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જે જ્ઞાન મુઠ્ઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે ? એ વિચારમાંથી નઈ તાલીમનો જન્મ થયો છે. હું તો કહું છું કે, નઈ તાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.”

 

આત્મજ્ઞાન એ જ તો આત્મબળ

આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી

જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ  માટે કે આપણા આત્મન  માટે જીવવાનું ચુકી

જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે

ઘણું ઊંડાણથી વિચારાયું છે. 

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર

હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી  શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો  હકીકતમાં એ જીતનારો છે અને એ  જૈન છે. 

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે.ઉપનિષદનું વાક્ય છે  एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને

જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી. ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે,  આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે,  જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના  પહેલા  ખંડમાંથી સંયમની,  બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ,  તો આ ચારનો સરવાળો  આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો  અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં,  જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે  જેમાં માણસ જ આવે એવું નહીં,  એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું  આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે. 

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે  પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,

તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ

જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |

આપણું  શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં

સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી

અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે  નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે  વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં  ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.

આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??

************************************************************************                       

દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી

થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં

પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’  જો નારદજીને પણ આવો 

જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો 

અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે. 

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત 

વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !

અનંત બ્રહ્મ છે એટલે એનું  અનંત બ્રહ્મજ્ઞાન છે.

સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?”  બીજો પ્રશ્ન છે,  “તે કોણ છે ?” 

જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે  જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’  એનો જવાબ એ  ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ?  એનો  જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’  કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’  ની યાત્રા જ્યાં મળે એ પળ  હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે  યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી,  તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી,  પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે. 

આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે  કે આ દેહ છે પણ  દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય  ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે  કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને  મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું  અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ  જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. 

રોજ જે કરીએ છીએ  એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું  અધ્યાત્મ છે.

બ્રહ્મને જાણવું હોય તો ??

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી  છે. 

આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું  ? કારણ તેમાં  હું નો  કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે,  ‘હું તમને પૈસા આપીશ.’  આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે  ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’  હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું.  એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ  જાણી શકું

એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’  એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.

એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના  નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં  હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે

બહાર ગયું  હતું  તો એક બળદ મળ્યો.’  બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં  અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે,  ‘કેવડું પેટ હતું ?’  કહે,  ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે,  ‘આવડું હતું ?’  તો કહે,  ‘ના… આનાથી મોટું હતું.’  વધુ ફુલાવ્યું અને કહે,  ‘આવડતું હતું ?’  તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’  અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,,  પણ પેલું બાળક

જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું….  આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું,  નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય. 

ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’  એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે,  એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું,  તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’  બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં  આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.

सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?

**********************************************************************************

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે,  શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે,  મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને  કીધું કે,  ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં,  તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’  હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી.  જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે  ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક  આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ  સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે,  ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે,  એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું.  બીજી  વખત પણ એણે કંઈક વાત કરી છે કે,  ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’  અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં  ફેરવી નાખીને એનું નાનું હાટડુ  માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા  અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ

બન્યો. એકવાર  ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું,  મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે,  આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી,  વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ 

આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ

આત્મજ્ઞાન છે.  આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ  નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને  સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા  નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે.  ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે,”આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” 

“તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”

************************************************************************

 નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?" પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’  આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ 

પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી  અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે,  ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ

બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. 

યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો  સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા  વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’  

નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં  તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે?  તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ   વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.

એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

(1) “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે,

મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર

નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.

(2) “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?”  યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.

(3)’જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?’ યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું  તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”

(4) “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’

(5)”આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. 

આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ  તે જૈનમુનિ કેમ કરી શકે છે  ?                        

************************************************************************

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે. શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે

શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

 ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં

કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત

સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી.

આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશુંકરવું પડતું નથી પણ થઇ જાય છે.

‘હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’

***************************************************************************     

ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે  જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા,  એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું.  જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે,  ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !!  એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક  મોટા ભવનમાં  લઇ આવ્યા.  ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો,  એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો,  આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને  એ તો રાજી થઈ ગયો કે, વાહ,  મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા  લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે  ફરીવાર ચાલવા લાગ્યો.. 

ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો,  ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ  ચડ્યો પણ ત્યાં એમણે  દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી,  જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.

સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે,  તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે,  શેનું ખોખું છે ? તો કહે,  અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ?  એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ  ટોલેએ એ માણસને કહ્યું કે,  ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ  કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.

*************************************************************************************

શાળામાં દિવ્યાંગ બાળકનો સાંવેગિક વિકાસ થાય છે

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com                                                          

“સર, મારું બાળક દિવ્યાંગ છે અને અમે બે જણા ઘરમાં છીએ એટલે કે અમારું ત્રણ જણાનું કુટુંબ છે. અમે બંને એટલી બધી સારસંભાળ લઈએ છીએ કે આ બાળકને અમે રેઢું મુકતા નથી. એક વ્યક્તિ તો એની સામે હાજર જ હોય. હવે બધા કહે છે કે એની છ વર્ષની ઉંમર થઈ ગઈ તો એને શાળામાં બેસાડવું જોઈએ. પણ અમને થોડો ડર લાગે છે. કોઈ એને ધક્કો મારી દેશે તો ? એ પડી જશે તો ? એમનું થોડુંક નબળું  વર્તન જોઈને કોઈ એને ચીડવશે તો ? તો એ ગભરાઈ જશે, મૂંઝાઈ જશે. “

“અમે ઘરમાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે મમ્મી તરીકે હું થોડો ઘણો કક્કો શીખવાડું પણ છું. અને ઘરમાં ચોવીસેય કલાક કોઈક તો એની પાસે હોય જ છે. એ ઉઠે બેસે એની અમે કાળજી લઈએ છીએ. એને કશું પણ જોઈએ કે તરત જ એની નજીકમાં કોઈક પહોંચી જઈએ છીએ. હવે આ સ્થિતિમાં એને શાળામાં મૂકવું અમને તો યોગ્ય લાગતું નથી. આઠ વર્ષ થયા છે હજુ બે ત્રણ વર્ષ પછી જરા સમજતું થઈ જાય પછી મૂકીએ તો વધુ સારું.”

મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દરમ્યાન કેટલાય દિવ્યાંગોને મળવાનું થાય છે. બે પ્રકારના વાલી મને મળે છે. 

(01) બાળકના વિકાસમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. એને આશ્રમમાં અપાતી થેરાપીથી સંતોષ છે અને થેરાપીમાં આવવું જવું એ સૌ બાબતો સહર્ષ સ્વીકારેલી છે, એ વિષે એની કોઈ ફરિયાદ નથી. 

(02)  માતા પિતા એવા આવે છે કે જેના માટે હજુ પણ આ બાળક એક ચિંતાનો વિષય છે, ભારનો વિષય છે અને પરિણામે દિવ્યાંગ બાળકની વાત કરતા જ તેઓના ચહેરા ઉપર જુદા પ્રકારની લકીર ખેંચાઈ જાય છે. 

આ બંને પ્રકારના વાલીઓ એક બાબતમાં સરખા છે અને તે બાબત એ કે છ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ, દસ વર્ષ થઈ જાય તો પણ અમારા સંતાનને અમારે શાળામાં મૂકવું નથી. સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગળે ઉતરે તેવી તેઓની દલીલ હોય છે. એમની કોઈ બાબત એવી નથી કે જે આપણને ખોટી લાગે. પરંતુ જાણવાનો અને સમજવાનો વિષય એ છે કે અમુક ઉંમર સુધી આપણે આપણા દિવ્યાંગ બાળકના અછોવાના કરીએ, એને હથેળીમાં ઉછેરીએ, એને જોઈએ તે સરસ મજાનું વાતાવરણ આપીએ, બધી જ વસ્તુઓ આપીએ, એને હસતું  રમતું  રાખીએ આ બધું હોવા છતાં આપણા ઘરના  ત્રણ કે ચાર જણા વચ્ચેનો એનો ઉછેર એ closed environment માં થયેલો ઉછેર છે. એટલે કે બદ્ધ વાતાવરણ, એક સંકુચિત વર્તુળની અંદર આપણું બાળક ઉછરે છે. એ બાળક અન્ય લોકો સાથે સંપર્કમાં આવે ત્યારે એને જે સાંવેગિક પ્રકારના પ્રતિચારો મળે છે એ આપણે એને ઘરમાં આપી શકતા નથી. ગમે તેમ તો આપણે મા બાપ છીએ એટલે આપણે એને કક્કો શીખવીએ કે A B C D  શીખવીએ ત્યારે એ આપણી પાસે બહુ લાડ કરીને શીખે છે એવી પણ ફરિયાદ આ મા બાપ કરે છે કે, જુઓ એને કરવું હોય તો જ કરે છે. હમણાં જ એકદમ હાઇપર એક્ટિવ બાળકના મા બાપને મળવાનું થયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે હું જે પ્રશ્ન પૂછું તે પ્રશ્નને તેઓ બાળક જવાબ આપે તે પહેલા અંગ્રેજી કરી નાખે. ઉદાહરણ તરીકે,  મેં પૂછ્યું, ‘શું નામ છે તારુ દોસ્ત ?’ ત્યાં એના પપ્પા બોલ્યા, what is your name beta ? પછી મેં પૂછ્યું,  બેટા તારો જન્મ ક્યારે  થયો છે ?’’ તો તરત જ પપ્પા બોલ્યા કે what is your birth date ? હું જે બોલું તેનું અંગ્રેજી કરી આપે. થોડીવાર તો મને એમ થયું કે આ બાળક અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી સમજતું નથી એટલે એના પિતાશ્રી હું બોલું તેનું અંગ્રેજી કરી આપે છે. હકીકત એ ન હતી. બાળક ગુજરાતી જ બોલતું હતું, મુક્તપણે બોલતું હતું, આનંદથી બોલતું હતું અને ખુલીને અભિવ્યક્ત થતું હતું. પણ માતાશ્રી ગુજરાત બહારના પ્રાંતના હતા અને પિતાશ્રી આપણા ગુજરાતના હતા એટલે એ બંને વચ્ચે એવા પ્રકારની ટસલ હતી કે બાળક અંગ્રેજીમાં ભણવું જોઈએ અને એ સ્વીકારીને પિતાએ એવું નક્કી કર્યું કે એને અંગ્રેજી હું શીખવીશ.  હવે એનું પરિણામ મારી સામે મેં જોયું. માતા પિતાને એ ખ્યાલ નથી કે આમ કોઈપણ પ્રશ્નને અંગ્રેજી કરી આપો એટલે એ બાળક અંગ્રેજી જ સમજે એ આપણો  ભ્રમ છે. એ તો માતૃભાષાના  જ શબ્દો સમજે. આ એની ઉંમર છે કે જયારે એને માના  દૂધની ભાષા ઝડપથી પોતાની લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘરની અંદર માતા પિતા તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ કેટલાક પ્રકારના સાંવેગિક મોકાઓ જે શાળાના વાતાવરણમાંથી મળે છે તે આપણે આપી શકતા નથી. બધાને ભય છે કે એને કોઈ ધક્કો મારશે અને પડી જશે તો ? એને કોઈ મશ્કરી કરશે તો ? સમજાવવાનો પ્રયત્ન હંમેશા એવો કરું છું કે એ પણ થવા દો. સહજતાથી થવા દો. તમે એની ચિંતા ન કરો. શાળા સાથે સ્પષ્ટ વાત કરીને એને ધીમે ધીમે કરતા શાળા તરફ વાળો. ભલે ત્રણ ચાર વર્ષનો હોય ત્યારે શરૂઆતમાં ૧ થી ૨ કલાક જાય, નાસ્તો કરવાના સમયે જાય. પ્રાર્થના કરવાના સમયે જાય, એવી વાત શાળા સાથે કરી લ્યો. પણ આ બાળકને ૧૨ – ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવું જ નથી એવી માનસિકતા અત્યારે જે આપણાંમાં પ્રવર્તે છે તે આપણા જ બાળકના વિકાસનો વિરોધી છે.

આપણા ડો. નિવૃત્તિ મેડમ સરસ વાત કરે છે કે, “સ્કૂલિંગ માટે એટલા માટે કહેવાનું કે ફિઝીકલી ચેલેન્જ બચ્ચાઓ હોય તો એને મેન્ટલી બરાબર હોય અથવા તો બોર્ડર લાઈન આઈક્યૂ ડીલે હોય તો એવા બચ્ચા નોર્મલ સ્કૂલમાં જઈ શકે. ઘણી વાર પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે પહેલા ચાલતા બેસતા શીખે પછી એને સ્કૂલિંગ શરૂ કરીએ. એ લોકો એટલું મહત્વ એના સ્કૂલિંગને નથી આપતા જેટલું મહત્વ ફિઝિકલ પરફોર્મન્સ ને આપે છે. લર્નિંગ ડિસેબિલિટી અને મેન્ટલી ડીલે બચ્ચામાં એ પ્રોબ્લેમ થાય છે કે જો બોર્ડરલાઇન ડીલે હોય તો એ લોકોને નોર્મલ સ્કૂલમાં જાય તો વધારે સારું. કેમ કે નોર્મલ બચ્ચાની વચ્ચે રહેશે તો એના જેવા બનવાની ટ્રાય કરશે, એ કરતા હોય એવું કોપી કરવાની ટ્રાય કરશે પણ મોડરેટ ટુ સિવિયર કક્ષાના બાળકો હોય તો એને સ્પેશિયલ સ્કૂલમાં જવું જોઈએ એટલે પેરેન્ટ્સને ઘણીવાર અમે કહીએ છીએ પણ બચ્ચા નોર્મલ  સ્કૂલનો જ આગ્રહ રાખે છે. એના સ્કૂલવાળા પણ હાયપર એક્ટિવિટી અને એ બધા બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને એડમિશન નથી આપતા હોતા. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે સ્કૂલમાં નથી મોકલતા પણ ટ્યુશનમાં મોકલીએ છીએ. ટ્યુશન એક કે બે કલાક માટે હોય, સ્કૂલ ને  ટ્યુશન રિપ્લેસ કરી શકે ? સ્કૂલમાં એને કેવો માહોલ મળે, એની ઉંમરના છોકરા હોય એની સાથે હળે ભળે, એ શું કરે છે એ જુએ, લંચમાં એની સાથે ફ્રેન્ડશીપ કરે તો એવું બધું ટ્યુશનમાં એને ન મળી શકે. “ 

બાળક જો ખરેખર શાળામાં જશે તો એને નવું વાતાવરણ મળશે. જે એણે ઘરમાં જોયું નથી તો એને ઘણા બધા લોકોના ચહેરા જોવા મળશે. એની સામે કેટલાય લોકો વર્તન વ્યવહારો કરતા એ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે વર્તન વ્યવહાર કરવાના બીજા અનેક રસ્તા છે. આપણો  જે ભય છે કે એને કોઈ ધક્કો મારશે તો ? બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ધક્કો મારે તો મારવા દ્યો. એને થોડા દુઃખના એવા ધક્કાઓ વાગવા દ્યો. એને એમની રીતે ઉભા થવાનો એક ચાન્સ આપો. એમને ધક્કો મારનારો ધક્કો મારશે ત્યારે જ એને જોવા મળશે કે બીજા લોકો એ પડી ગયો હશે તો એને પકડીને ઉભો કરવા માટે પણ દોડી આવશે. આ અન્યનું દોડીને આપણને મદદ કરવું એ સાંવેગિક વિકાસ માટે થઈને એક બહુ જોરદાર ઇનપુટ છે. આપણું બાળક વિચારશે મમ્મી પપ્પા જ મદદ કરે એવું નથી મારા દોસ્તાર પણ મને મદદ કરે છે. એમાંથી એ ભાવ પણ જન્મશે કે કોઈ પડી જાય તો હું પણ દોડી જઈને એને ઉભો કરવામાં મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી એની મશ્કરી કરશે તો કરવા દો એની ચિંતા ન કરો. ઘણી વખત આપણા બાળકો ઘરની અંદર એકદમ હુલાવી ફુલાવીને રાખેલું વાતાવરણ હોય એનાથી અંદરથી મોનોટોનસ પ્રક્રિયાને કારણે તંગ આવી ગયા હોય છે. એ વ્યક્ત નથી કરતા પણ કોઈ મશ્કરી કરે તો આપણે મશ્કરી જીલી શકાય, એને હળવાશથી લઇ શકાય, સાથેના બધા મિત્રો હસે, હસે તો સૌને આનંદ થાય એ બધું જોઈને પણ આ બાળકને આનંદમય વાતાવરણ સર્જવા માટે વ્યંગ્ય કેવું કામ કરે છે એનો ખ્યાલ આવશે. અને ત્રીજી વાત આ બાળકને જો એના પગ ઉપર ઉભા રહેવા દેવું હોય, જો એના પોતાના કામને પોતે કરે એવું કરવા દેવું હોય તો પણ એ શાળામાં જાય તે જરૂરી છે. એટલા માટે કે એમણે પોતે પોતાની પ્રક્રિયામાં હકીકતમાં પોતે જ સ્વબળે, આત્મબળે કામ કરવું પડશે એવી વાત એના મનમાં બંધાશે. એ અન્ય વિદ્યાર્થીઓને પોતાનું કામ જુદી જુદી રીતે કરતા જોશે ત્યારે એમને પણ વિચાર આવશે કે બીજા  કરે છે તો હું પણ કરી શકીશ. 

શાળાએ મોકલવાથી બાળકમાં ધીમે ધીમે આત્મબળ એટલે કે હું કરી શકીશ, મને થયું તો વાંધો નથી,.. એ પ્રકારનું એક બળ ઉત્પન્ન થશે અને અધ્યાત્મવાદ પણ સ્વીકારે છે કે કોઈ પણ માણસની  પ્રગતિ માટે મુખ્ય પરિબળ હોય તો  આત્મબળ છે. આમ શાળાએ મોકલવું એ શિક્ષણ પદ્ધતિનો પણ ભાગ છે. આપણને ખ્યાલ હશે કે પહેલાના વખતમાં આ પ્રકારના બાળકો માટે જુદી  શાળાઓ બનાવવામાં આવતી હતી. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે એને તાલીમ આપવા માટે આવી જુદી વ્યવસ્થા હોય શકે પણ એને ભણાવવા માટે તો inclusive education ની પોલિસી ભારતે અપનાવી છે. બીજા દેશો એમાં સફળ થયા એ જોઈને ભારતે આ કામ કર્યું છે, તેનો લાભ આપણે લેવા જેવો છે. inclusive education નો અર્થ જ એ છે કે અનેક પ્રકારના, અનેક વિશિષ્ટતાઓ અથવા અનેક નબળાઈઓ ધરાવતા બાળકો સાથે બેસીને ભણે. એટલે પેલા દિવ્યાંગ બાળકોને એમ ન લાગે કે અમે સમાજથી જુદા છીએ. અમે આમાં ભળી શકીએ નહીં, અમે આ લોકો જેવા થઈ શકીએ નહીં. એ ક્યારે શક્ય બને ? જયારે તેઓ ભેગા બેસીને પ્રાર્થના કરે, ભેગા બેસીને નાસ્તો કરે, ભેગા રહીને રમત રમે, ભેગા રહીને તાળી પાડીને આનંદ વ્યક્ત કરે, કોઈને કશું વાગ્યું કે એવું થયું તો સૌ દુઃખ અનુભવે આ બધા  જ અનુભવ એને શાળા આપે છે અને એટલા માટે આપણે આપણા બાળકને એની ઉંમરે શાળામાં મોકલવું જ જોઈએ.

હા, એક વાત જરૂર કહેવાનું પસંદ કરું કે શાળાએ મોકલીએ એનો અર્થ એવો નથી રાખવાનો કે હોશિયાર થઈ જવો જોઈએ. એ કડકડાટ  બધું બોલતો થઈ જવો જોઈએ, એ લખતો થઈ જવો જોઈએ. એમની પ્રગતિ ધીમી જ રહેવાની છે અને ધીમી ગતિએ પ્રગતિ કરશે તો પછીથી એની પ્રગતિ વધુ સારી થઈ  શકશે. માટે  કંપેરીઝન કરવાની જરૂર નથી, એવું  માતા પિતા તરીકે આપણે ખાસ યાદ રાખીએ. ‘મારું બાળક શાળાએ જાય છે માટે હવે એણે આટલા ટકા લઈ આવવા જોઈએ’ અથવા ‘એના શિક્ષક આ તો એને કઈ શીખવતા નથી’, ‘હજુ એને આવડવું જોઈએ એટલું તો એને આવડતું નથી તો ક્યારે આગળ વધશે ? તો શાળાએ મોકલવાનો શું ફાયદો ?’ આવા કોઈ પ્રશ્નો કે વ્હેમ આપણે ઉભા કરવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ એ  માટે થઈને જ આપણને દિવ્યાંગ બાળક આપ્યું છે.  ઈશ્વરે કહ્યું છે કે,  આ બાળકને ઉછેરી શકો એવા તમે જ એક મા બાપ છો. હવે આ વાત જો સાચી હોય અને સાચી માનતા હોઈએ તો આપણે ઈશ્વરમાં ભરોસો રાખવો પડે. એમણે મોકલ્યું છે એટલે એમના વિકાસનો નકશો એમણે દોરી લીધો છે આપણા આવા સંતાનનું ટાઈમ ટેબલ ઉપરથી બનાવીને એ સાથે લઈને આવ્યું છે. ફર્ક એટલો છે કે એ સમયપત્રક શું છે એની આપણને ખબર પડતી નથી અને એ ખબર ન પડે એનું એક મુખ્ય કારણ એ છે કે તો જ વિકસવાનો એક ચાર્મ છે, ઉત્સાહ છે. આવતીકાલે શું થવાનું છે તે આજે તો ખબર પડી જાય તો આવતીકાલનું મહત્વ ન રહે. દરેક દિવ્યાંગ સંતાનના માતા પિતાને નમ્ર વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે અમુક ઉંમરે તમારા સંતાનને શાળાએ મોકલવું જ જોઈએ અને શાળાએ મોકલ્યા પછી એમના સાંવેગિક વિકાસ તરફ ધ્યાન દેવું જોઈએ. એનો સમય આવશે ત્યારે એ બીજા બાળકો કરતા પણ આગળ નીકળે એવું એ શીખશે. પણ એ કેમ આગળ નથી નીકળતું એ ચિંતા કરીને વારંવાર બોલીને બાળક ઉપર ટેંશન નાખવાની જરૂર નથી. ખાસ જ આ વાત ગળે ઉતારવા જેવી છે. શાળાની પસંદગીમાં મુશ્કેલી પડે છે એવી કોઈ વાત કરે છે તો એ વાત સાથે સંમત થવાય છે પણ હવે કેટલીયે શાળાઓ એવી છે જે આ પ્રકારના બાળકોને આદરભેર પોતાને ત્યાં દાખલ કરે છે અને ત્યાં સાચવે છે. આપણે પોતાનું સંતાન ઘરમાં ઉછરે તેની બદલે એક મોટા વાતાવરણમાં જાય, અનેક વિદ્યાર્થીઓને મળે અને આનંદ મોજ મસ્તી કરે એવું તો ઇચ્છીએ જ છીએ ને ?

વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની

હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ કે જેને બીજા લોકો નકામો કહી શકે એવો એક કેવળ  ‘ દ્રષ્ટા’  બનીને જીવતો રહું, એવી પ્રાર્થના છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

ક્યારેક લાગે છે કે કાળચક્ર ચાલતું રહે છે તે ઘણું સારું છે, તો ક્યારેક લાગે છે કે આ કાળચક્ર ઉભું રહી જતું હોય તો કદાચ વધુ સારું રહે. આપણા સ્મરણોની સંદૂક ખુલવાની હોય ત્યારે કાળચક્ર થંભી જવું જોઈએ. અને આપણા સ્મરણોની સંદુકને વિસરી જવાની હોય ત્યારે કાળચક્ર ચાલવા લાગવું જોઈએ. જો કે સ્મરણોની સંદૂક ખોલવી એ એક તરફથી ગમતીલી વાત છે અને એક નજરે જોઈએ તો દુખતી રગ દબાવવાની વાત છે. બધું જ કૈં  શ્રેષ્ઠ સંગ્રહાયું છે એવું બન્યું નથી,  કારણ કે જીવનમાં બધું જ શ્રેષ્ઠ ક્યારેય બનતું જ નથી. થોડું સારું છે તો થોડું નરસું છે. થોડું મીઠું છે તો થોડું કડવું છે. તેમ છતાં સ્મરણ એ સ્મરણ છે અને એ સ્મરણની પ્રક્રિયા જયારે માનસપટલ ઉપરથી રિવાઇન્ડ થઈને પસાર થતી હોય ત્યારે એમાં ડૂબકી મારવાની કે  ડૂબી જવાની મજા હોય છે.

કોઈએ પૂછ્યું  કે ચાલો, એવા સમયમાં જઈએ… મન  મૂંઝાયુ કે કેવો સમય ?  ગઝલના શબ્દો ગુંઝવા લાગ્યા :  મગર મુજકો લૌટા દો બચપન  કા સાવન,  વો  કાગજ કી કશ્તી વો  બારીશ કા પાની. આપણે આપણું બાળપણ પાછું મળે એવું ઇચ્છતા હોઈએ છીએ. કારણ કે જેટલું જીવ્યા તેમાં ભાર વગરનું, દંભ વગરનું, ગોઠવ્યા વગરનું જીવ્યા હોઈએ એવો એ એક જ તબક્કો છે. જીવનની કશ્તીને ધીમે ધીમે આગળ ધપાવવાની છે અને એમ કરતા કરતા આપણે આપણા સ્મરણોની સંદુકને નિહાળવાની છે.  

ગમી જાય એવો સમય એટલે તો ગઈકાલ. ગઈકાલ ગમે છે કારણ કે આજે  એ ગઈકાલ રહી નથી. વીત્યું તે વીતી ગયું છે એટલે વ્હાલું લાગે છે. જયારે તે વીતતું હોય છે ત્યારે તે કઠિન લાગતું હોય છે. વીતી ગયેલું વ્હાલું લાગે કારણ કે આપણને જે વીતી જાય છે એનું જ મૂલ્ય કરવાની ટેવ હોય છે. આપણા હાથમાં  વર્તમાન હોય  ત્યારે તેને આદર આપીને સંગોપવાનું આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને વર્તમાન જયારે ભૂતકાળ બની જાય ત્યારે એના ગુણગાન ગાવા અને આરતી ઉતારવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાની નાની વાતોનો જે આનંદ લૂંટવાની મજા હતી એવી કોઈપણ અવસ્થા હોય એ બચપણ હોય, કિશોરાવસ્થા હોય કે  યુવનાવસ્થા હોય એ સ્મરણીય હતી, છે અને રહેશે. બહુ મોટું પ્રાપ્ત કરવામાં આપણે ઘણો બધો પરિશ્રમ કરતા હોઈએ છીએ. પણ નાનું નાનું પ્રાપ્ત  કરવામાં જે લખલૂટ આનંદ મળે છે એ આનંદ આપણા એ સમયગાળાને ચિરંજીવ બનાવે છે. 

(1) નાનું અને દેશી નળિયાંવાળું મકાન હતું જેમાં  અમે ૫ + ૨ એમ ૭ લોકો જીવી રહ્યા હતા. વરસાદ આવે ત્યારે મા બાપ  ઘરમાં ચુવાક  થશે તેની ચિંતામાં રહેતા,  પણ એ સમયે અમે સૌ ટબુડીયા ચુવાકના ટીપાને ઝીલવા રાખેલા વાસણના પેલા ટીપાઓથી થનાર તડ..તડ..તડ…તડ… નું સંગીત માણવા  આતુર રહેતા હતા. ત્યારે મા બાપની ચિંતા એ અમારો આનંદ હતો. આશ્ચર્ય થાય છે આજે કે એ ચિંતા ત્યારે અમને કેમ ન હતી ! પણ પેલા પિત્તળના વાસણોમાં ઉપરથી પડતા ટીપાઓના તડ તડ સંગીતને માણવામાં આનંદ મળતો હતો એટલો ભાગ ગમે છે…. 

(2) યાદ છે બરાબર કે ગાદલા, ગોદડાં અને ઓઢવાનું ગોઠવીને ઘરના એક ખૂણામાં  ડામચિયો બનાવવામાં આવતો. આ ડામચિયો એટલે ગાદલા, ગોદડાં, ઓઢવાનું અને ઓશીકાને થપ્પા બનાવીને ગોઠવીને રાખવાની એક વ્યવસ્થા. અને એ ગોઠવ્યા પછી એની ઉપર એવી રીતે કશુંક ઓઢાડવામાં આવે કે ત્યાં નાનકડો પટારો પડ્યો છે એવું સૌને લાગે. મા ખુબ મહેનત કરીને આ ડામચિયો સવારે ગોઠવતી અને રાત પડે એ ડામચિયાને વીંખીને અમારા સૌની પથારી કરતી. પણ મમ્મી આ ડામચિયો સવારે ગોઠવી લે પછી બિન્દાસ્ત  દૂરથી દોડતા દોડતા આવીને એ ડામચિયા ઉપર ભુસ્કો મારીને ચડી જવાનો આનંદ આજે પણ યાદ છે. આપણને આવી રીતે દોડીને આવતા અને બિન્દાસ્ત ભુસ્કો મારતા જોઈને મા બાપનો જીવ તાળવે ચોંટી જતો અને એ આપણને ખખડાવી નાખતા, ક્યારેક ધોલ ધપાટ પણ કરી લેતા ત્યારે આપણને મનમાં એમ થતું કે આવું કેમ કરે છે ? પણ ફરી એકવાર એ જ વાત હતી કે આપણો જે આનંદ હતો,  એ માતા પિતાની ચિંતા હતી. ત્યારની મસ્તી, મસ્તી હતી કારણ કે એ એ બહુ સસ્તી હતી, પણ આજની મસ્તી એ હવે મસ્તી રહી નથી કારણ કે એ ધસતી ધસતી આવે છે અને ખુબ મોટો ખાડો જીવનમાં પાડીને  જાય છે. 

(3) એક સમય એવો યાદ છે કે જયારે રાજકીય પક્ષો ચૂંટણી સમયે જાહેરસભાઓ યોજતા.  એ જાહેરસભામાં આવવા માટે શેરીએ શેરીએ ઘોડાગાડી ફરતી. ઘોડાગાડીમાં પાછળ એક હુષ્ટપુષ્ટ માણસ બેઠો હોય એની બાજુમાં ચોપાનિયાઓનો ઢગલો હોય, હાથમાં એક માઈક હોય. અને માઈકનું એક ભૂંગળું લાઉડસ્પીકર ઘોડાગાડીના બહારના ભાગમાં લટકતું હોય અને એ માણસ એક વિશિષ્ટ અદાથી જાહેરસભાની જાહેરાત કરતો હોય. એ માણસ વારંવાર બોલતો ‘ જંગી જાહેરસભા, જંગી જાહેરસભા.’   (ત્યારે પ્રશ્ન નહોતો થતો કે હજુ જાહેરસભા થઇ નથી ત્યાં ‘જંગી’  વિશેષણ કેમ લગાડી દીધું, ભાઈ ?) એ કોઈ ઘર પાસે ઉભો રહે અને આજુબાજુના છોકરાઓ ટોળે વળે. છોકરાઓને એ ચોપાનિયાંઓ આપે. એમાં  એક હું પણ હતો. ત્યારે ખબર નહોતી કે એ ચોપનીયા શાના છે અને આપણને  શું કામ આવશે ?  આપણા માટે ઉપયોગી છે કે નથી ?  એવું પણ સૂઝતું ન હતું ત્યારે..   પણ ચોપાનિયા આપે છે, બધા લે છે, અને મારે પણ જોઈએ છે,, એટલો જ એક નાનકડો ભાવ હતો. મને યાદ છે કે ચોપાનિયુ પહેલું મારા હાથમાં આવી જતું તો હું જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને બહાર આવ્યો હોઉં એટલા આનંદથી ઉછળી ઉઠતો. પછી વળી મનમાં થતું કે,  મારી નાની બહેન તો અત્યારે નથી આવી એટલે  એના માટે ચોપાનિયુ માંગું,  એટલે ફરી એક વાર ધક્કા મુક્કી કરીને એ ઘોડાગાડી પાસે ઉભેલા છોકરાઓની વચ્ચે ઘૂસતો, ત્યાં  ઘોડાગાડી ચાલતી થઇ જતી. અને એ ચાલતી ઘોડાગાડીમાં પાછળ લટકીને, દોડીને કરગરતો હું કહેતો,  ‘ એ ભાઈ… એક વધુ ચોપાનિયુ આપોને મારી બહેન માટે જોઈએ છે., એ ભાઈ …’  ત્યારે કોઈ મૂલ્ય નહોતું એ ચોપાનિયાનું,  આજે પણ નથી,  પણ ‘ મૂલ્ય નથી’  એ ત્યારે ખબર નહોતી એટલા માટે ન કરવા જેવી વસ્તુનું પણ મૂલ્ય કરીને આનંદ લૂંટતા. . પણ બેન માટે એક ચોપાનિયુ મેળવવામાં જયારે સફળ થતો અને અમારા બંનેની પાસે એક એક ચોપાનિયુ આવી ગયું છે એવો જયારે રાજીપો થતો ત્યારે મારી છાતી ફૂલી સમાતી ન હતી. આજે વિચારું છું તો એમ લાગે છે કે શું ત્યારનો એ સમય એવો હતો કે એમાં પાછું જવું જોઈએ. હું સાચો હતો કે હું ખોટો હતો ? ત્યારે કદાચ સાચો હતો તો આજે શું વિચારું છું. મારી આજ કેવી છે ? 

આજે એ સમયમાં પાછા જવાની ઈચ્છા ખરી કે ??  વિચારવાની ઈચ્છા થાય છે કે જ્યાં દંભ ન હોય, જ્યાં કોઈ પ્રકારનો દેખાડો ન હોય, જ્યાં સમજ ન હોય, જ્યાં આપણે ભોટ હોઈએ, જ્યાં આપણે ભોળા હોઈએ એવો જે જે સમય હોય તે ફરીવાર જીવી જવાની ઈચ્છા છે. ત્યાં સુધી કહું કે સમજ જરાપણ ન હોય અને માત્ર ને માત્ર  આપણે ઓબ્ઝર્વર હોઈએ એવો સમય મને પાછો જોઈએ છે.  અષ્ઠાવક્ર ગીતા વાંચી છે,  અને એના ઉપર ભાષ્યને સાંભળું છું ત્યારે એક વાક્ય વારંવાર બોલાય કે,  દ્રષ્ટા બની રહો… દ્રષ્ટા બની રહો. તમારે દ્રશ્ય કે દર્શક બનવાનું નથી. દ્રષ્ટા બની રહેવાનું છે. હું પ્રાર્થના કરું કે મેં વર્ણવ્યો તેવો સમય મને ફરી એકવાર મળી જાય અને એમાં હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ જેને બીજા લોકો નકામો કહી શકે એવો કેવળ  દ્રષ્ટા બનીને જીવતો રહું,  એની મને પ્રતીક્ષા રહેશે. 

જયને દ્રષ્ટા ભાવથી જોઉં તો.. (Jay Vasavada)

જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય, તેવી શુભેચ્છાઓ.

ભદ્રાયુ વછરાજાની                         bhadrayu2@gmail.com  

કહેવાય છે કે જેને બહુ નજીકથી ઓળખતા હોઈએ,  જે તમારા આત્મીય હોય,   જે તમારા દિલથી ખુબ નજીક હોય એના વિષે લેખ ન લખવો. કારણ એમાં પક્ષપાત થઈ જવાનો ભય રહે છે. એ લેખ કદાચ એકતરફી લખાય જાય એવું પણ બને,  કારણ કે હૃદયના  એક ખૂણામાં જે વ્યક્તિત્વ બેઠું હોય તેના વિષે આખું હૃદય એક તરફ તમારી કલમને દોરી જાય એવું બને . પણ આજે જરા ધર્મ સંકટ જેવું બન્યું છે.  જયના મામીનો આગ્રહ છે કે જય વિષે તમારે એક લેખ  આપવાનો છે કારણ બહુ સબળ છે. જય ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વન પ્રવેશ તરફ જય આગળ વધે છે. કારણ અને કહેનાર એ બંને એટલા સબળ છે કે ‘ના’ પડી શકાય તેમ નથી અને એટલે હું અષ્ટાવક્રના આદેશ મુજબ દ્રષ્ટા ભાવથી જય વિશેના  ઉમળકાને વહેતો મુકું છું.

ગોંડલ રહેતો એક નાનકડો છોકરો એની મમ્મીની આંગળી પકડીને ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં મળતો. અને વક્તૃત્વ સ્પર્ધામાં ઠાવકાઈથી રજુઆત કર્યા પછી એમના મમ્મી નજીક આવીને પૂછતાં કે,  તમને ઘરે ક્યારેક તકલીફ આપું ? હું પૂછતો કે,  શેના માટે ? તો એ કહે કે,  તમે જયની સ્પર્ધાઓના નિર્ણાયક હો છો તો તમે જયને બરાબર ગાઈડ કરો,  કેમ બોલવું જોઈએ, કેમ હાવભાવ કરવા જોઈએ તો એ ભવિષ્યમાં બરાબર આગળ વધે. પછી તો આ પૃચ્છા નિકટના  સંબંધમાં પલટાઈ ગઈ. અને જય પોતાના વિષય અંગેની, વિષય અંગેના પોતાના મુદ્દાઓની ચર્ચા કરવા માટે અથવા પોતે જે વિચારી રાખ્યું હોય એ ટાંકીને મળે અને એની રજુઆત કેમ કરવી એના વિષે ખુબ વાતો થાય. એ નાનકડા જયથી લઈને પચાસ વર્ષના જય સુધીની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમના જીવનના બનતા બનાવોનો પણ હું સાક્ષી રહ્યો છું. પ્રેમમંદિરના અમે  ચારેય પુજારીઓ,  એમના ગોંડલના ઘરના તો વારંવારના મુલાકાતીઓ રહ્યા છીએ. ક્યારેક કેરી ખાવાના બહાને પહોંચ્યા છીએ તો ક્યારેક લલિતભાઈને મળવું છે એમ કરીને પણ જય સાથે વાતો થાય એવા ઉદ્દેશથી અમે ઈરોટિકામાં પહોંચી જતા હતા. જૂનાગઢ તરફથી નીકળો તો વચ્ચે ગોંડલ આવે એના કરતાં  વચમાં જય વસાવડાનું ઘર આવે એ એક મહત્વનું  સીમાચિહ્ન અમારા માટે હતું .

અમારી આત્મીય દોસ્તી જયના આખા કુટુંબ સાથે.. આમ જો મને પૂછો તો જયનું બાળપણ અને જયની યુવાની એ લગભગ માતામાં સીમિત થયાં એટલે કે પહેલાં મમ્મીનો સંગાથ અને પછી મમ્મીનો ખાલીપો !! અને મમ્મીની વિદાય પછીના વર્ષો એ પિતાકેન્દ્રી બન્યો. એમાં પણ ઘણો વખત તો એ સ્વૈરવિહારી રહ્યો. એટલે બહાર બહાર બહાર ફરતો રહ્યો પરંતુ માતાના ગયા પછીનો ખાલીપો પિતાએ પૂર્યો.  જો કે,  પિતાની સાથોસાથ મામીએ જયને જે રીતે હથેળીમાં જાળવીને સાચવી લીધો તે ઋણાનુબંધનું જ્વલંત ઉદાહરણ છે.   જયને શું ગમે છે ? જયના મિત્રોને શું ગમે છે ? જયને શું ભાવશે ?  શું કરીએ તો જયને ગમશે આવી અનેક પ્રકારની ચિંતાઓ ભાવનામામીએ કરી. અને પરિણામે ‘મા’ નહીં તો ‘મામી’ એમ જય બરાબર સચવાઈ ગયો. આ ‘સચવાઈ’ શબ્દ હું જાણી જોઈને પ્રયોજું છું, કારણ ઘરમાં કોઈ નારી જ ન હોય તો ઘર ભાગ્યે જ ઘર રહે. જયને મમ્મી પછી એક પીઢ છતાં હસમુખી, સમજુ છતાં શાણી અને બાપ દીકરા બંનેની આત્મીય કાળજી લેનાર મામી મળી એને હું તો  હરિ કૃપા જ ગણું છું.

પિતાશ્રીનો સ્વભાવ અમારા જેવો એટલે કે નાગરજન  જેવો. અલગારી અને લેશમાત્ર  ચિંતા નહીં, વળી  નફકરા ઘણા. અને નિજાનંદમાં  જીવનારા. ટીખળમાં ઘણું કહેનારા પણ લાગણીઓ દર્શાવવામાં કરકસર કરે તેવા. એટલે જયને પિતાશ્રીનો પરિચય સાચા અર્થમાં ઘણો મોડો થયો.  જો કે, જય માટે મમ્મીનાં ગયા પછી  ખુબ ભમીને ઘરે પાછા આવવાનું કારણ હોય તો  તે લલિતભાઈ. પિતા થોડા થોડા બીમાર પડવા લાગ્યા ત્યારથી એને ખ્યાલ આવ્યો કે મમ્મી પછી મારા પિતા પણ મારા જીવનનો એક અદમ્ય હિસ્સો છે. અને ત્યારથી જય પિતાકેન્દ્રી વધુમાં  વધુ બન્યો એવું મારું આકલન છે.

બન્યું એવું કે શરૂઆતમાં મમ્મી  એ જયને સાચવી લીધો અને પિતાશ્રીના છેલ્લા દિવસોમાં પિતાએ જયને એટલો બધો સમય સેવા કરવાની તક આપી કે જેથી  જયનો ખાલી ખૂણો ભરાવા લાગ્યો. આમાં પણ કાળી  રાત્રે કશી જરૂર રહી જાય તો મામા મામી અને તેમનું કુટુંબ એમની સાથે હતા. જયનું ઘર ક્યારેય એકલું પડ્યું  નથી. એના મમ્મી ગયા, કેન્સર જેવી બીમારીમાં ગયા,  તો પપ્પાને માટે  મામી મામા હતા પરિણામે જય ઈરોટિકામાંથી રાજકોટમાં ફ્લેટમાં શિફ્ટ થયો ત્યારે પણ એનું શિફટિંગ બહુ સહજતાથી થયું.

જય સમગ્ર વિશ્વ ઘુમનારો, સ્વૈરવિહાર કરનારો અને ઈચ્છે તેમ રખડનારો એવો જુવાન છે. એમને વક્તવ્ય આપતા તો નાનપણથી મેં જોયો છે. એટલે એમનો વિકાસ કેવી રીતે થયો એના વિષે ઝાઝું  મારે ઉમેરવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે નાનપણમાં એના મમ્મીએ આજની મમ્મીઓ જેમ કુરકુરેના પેકેટ હાથમાં મૂકે છે તેને બદલે નાની નાની ચોપડીઓ એના હાથમાં મૂકી અને પરિણામે મા એ વાંચનનો જબરો શોખ જયને લગાડ્યો. પિતા પણ  અધ્યાપક એટલે ઘરમાં પણ વાત અધ્યાપનની થાય, વાંચનની થાય એટલે વાંચન રસ એટલો બધો પ્રબળ થયો કે જય નાનો હતો ત્યારે લગભ એક બે લાઈબ્રેરી જેટલા પુસ્તકો વાંચીને પોતાના મગજને પેક કરીને બેસી ગયો. મોટો થયા પછી પોતાની રીતે ફિલ્મો જોવાનો શોખીન બન્યો. ફિલ્મો જોવાનો શોખીન એટલે એક સાથે બે બે ફિલ્મ જોઈ નાખે. કે ફિલ્મ PVR માં જ જોવા માટે રાજકોટથી અમદાવાદ સુધી દોડી જાય..અરે ક્યારેક તો મુંબઈના PVR માં જ ફિલ્મ જોવી છે તેવું વેણ ઉપાડે તો મુંબઈ સુધી વિમાનમાં ઉડે!! જાત મહેનત તથા ઈશ્વર કૃપાથી જયને એ બધી વરણાગી પોષાય પણ ખરી. વળી ઘણીવાર  મનગમતું પિક્ચર જોવા માટે ફ્લાઇટ એવી રીતે બુક કરાવે કે જેથી કરીને પિક્ચર પૂરું કરીને ફ્લાઈટમાં કાર્યક્રમનાં સ્થળે જતું રહેવાય. આવા અનેક ગતકડાંઓ કરીને એ દેશ વિદેશની ફિલ્મો જુએ છે  અને એ ફિલ્મોના ઊંડાણથી વિશ્લેષણો કરે છે. ધીમે ધીમે છેલ્લા પાંચ દસ વર્ષમાં જય ‘આપવાદી’ પણ બહુ બન્યો. આપવાદી એટલે એ પોતાના અભ્યાસ  અને પોતાના શોખને લીધે confident બન્યો કે જેથી ઓસ્કાર વિષે જયારે આગાહીઓ કરે કે ચૂંટણીના પરિણામો વિષે આગાહીઓ કરે ત્યારે છાતી  ઠોકીને ફેસબુકના લોકોને પડકાર ફેંકે કે,  ‘બોલો,  સીધો ક્યાંય ભાગ ન લેતો હોવા છતાં મારી આગાહી કેટલી પરફેક્ટ હતી !!’

આમ તમે જુઓ તો જીવન યવહારમાં જય એટલો ફ્યૂચરોલોજિસ્ટ રહ્યો નહીં. મને એવું લાગ્યું છે કે જયના  મમ્મી વહેલા જતા રહ્યા ને એટલે  એમને એક સારી એવી કન્યા કોઈ શોધી આપી ન શક્યું. મમ્મીને જય ના ન  હોટ !! જો કે, એમના મમ્મીને હું  ઓળખું છું એટલે એ પણ ઉમેરું કે એમના મમ્મીએ પણ  જયની ઈચ્છાને જ ટેકો આપ્યો હોત  !!  દૂરથી જોતાં જયે ક્યારેય એવું લાગવા દીધું નથી કે  એ ઘરનો ઠરીને ઠામ નથી થયો.  જયને  એનો અફસોસ છે કે નહીં એ બહુ ખબર પડવા દે એવો જય નથી.  એ ચાલાક છે પણ એ પોતે એકલો પડતો હશે  ત્યારે એને એ ખાલીપો ચોક્કસ સાલતો હશે.  આ મારો ખ્યાલ છે. ન સાલતો હોય તો બહુ આનંદનો વિષય છે.

જય વિશેની બીજી ઘણી વાતો થઇ શકે.  શુભેચ્છા તો એ પાઠવીશ કે હવે જય વનપ્રવેશ કરવાનો છે. બે પ્રકારની લતા હોય છે. એક વનલતા અને એક ઉપવનલતા. વનલતા જેમ ફાવે તેમ ઉગી શકે. કોઈનો ટેકો છોડી દઈ શકે, કોઈને ટેકે  ચડી જઈ શકે. નિજ લીલાની ખુમારીથી જે લતા આગળ વધે એને વનલતા કહેવાય એમ જય ખરેખર પહેલાં ૫૦ વર્ષ  વનલતા તરીકે જીવ્યો છે.  પણ જયારે જય વનપ્રવેશ કરી રહ્યો છે ત્યારે હકીકતમાં તેનો  ઉપવન પ્રવેશ થઇ રહ્યો છે. અને એટલે એ વનલતાને બદલે ઉપવનલતા તરીકે વધુને વધુ સઁવર્ધિતરૂપે, સુવ્યવસ્થિતરૂપે તેના લખલૂટ ચાહકો સમક્ષ આવે તેવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે.

જય અસ્ખલિત બોલી શકે છે, જય વિસ્તૃતમાં વિસ્તૃત લખી શકે છે, જય સોશિયલ મીડિયા ઉપર પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે, જય મોડે સુધી જાગી શકે છે અને મોડે સુધી સુઈ પણ શકે છે, અરે, જય સોશ્યલ મીડિયા ઉપર કોઈ ડફોળ સાથે થાક્યા વગર ઝગડી શકે છે, જય રાતભર પ્રવાસ કરી શકે છે, જય પોતાના મનમાં બેસી ગયેલ વ્યક્તિઓને ફાટફાટ પ્રેમ કરી શકે છે, જય સંતો મહંતોને ઝૂકીને પ્રણામ કરી આદર આપી શકે છે, જય રાજકારણીઓને પણ પોતાના ઘરે આવવા  મજબુર કરી શકે છે, જય ધારે તે શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવી જાણે છે  અને જય જે ઈચ્છે તે કરી જ શકે છે. એ રંગોનો શોખીન છે, એ ખાવાનો શોખીન છે,  એ ભાતભાતની જગ્યાએ ફરવાનો શોખીન છે, એ વાતો કરવાનો અનહદ શોખીન છે, એ લોકોને પ્રેમ કરવાનો અનહદ શોખીન છે. એના આ બધા જ શોખ પુરા થાય એવી હું  જરૂર પ્રાર્થના કરું  પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરું કે જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે વધુને વધુ ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય. વિષ્ણુની વ્યાપકતા અને માધવનું પ્રેમ માધુર્ય જય  પોતાની પાસેથી જ પ્રાપ્ત કરે એવી દિલની  શુભેચ્છાઓ છે.  ભાવનામામીને વિનંતી કરું કે મામી,  તમે જયને સાથે રાખજો. જય વગર તમને નહીં ફાવે,  એમ તમારા વગર જયને પણ નહીં ફાવે…

Jay Vasavada 

બાળક તો સમજણનો સાગર

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

એક વખત વીરબલને રાજસભામાં આવતા મોડું થઈ ગયું. બાદશાહે પૂછ્યું : ‘અલ્યા, કેમ મોડો આવ્યો ?’ તો કહે : ‘જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.’

‘લે શેમાં શી મોટી ધાડ મારવાની હતી ? ખાવાનું  આપી દીધું હોત તો વાત પતી જાત.’

‘ના માલિક, એટલું સહેલું કામ એ નથી.’

બાદશાહ હઠે ચડયા. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ ? છેવટે  નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાસટ… અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું : “એં એં…” 

બાદશાહે પ્રેમથી પૂછ્યું, “કેમ બેટા, કેમ રડે છે ? શું જોઈએ તારે ?’

‘ખાવું છે!’

‘ઓહો, એમાં શી મોટી વાત? શું ખાવું છે ?’

‘શેરડી !’

‘અલ્યા, શેરડી લઈ આવો !’

શેરડી આવી.  નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી પણ પણ દીકરો તો પાછો વળી ‘ એં એં એં’  કરવા લાગ્યો. ‘અલ્યા, હવે તારે શું જોઈએ ?’ ‘ના, બાપુ, તમે શેરડી કાપી દ્યો. તમે જ.’

‘લે બાપા, હું કાપી આપું…’ બાપાએ પોતે શેરડી કાપી આપી…પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! ‘કેમ બેટા, હવે શું જોઈએ ?’

‘મારે તો ઘોડા પર બેસવું છે !’

ઘોડો મંગાવ્યો. પણ ‘ એં એં એં’  તો ચાલુ જ… ‘હવે તારે શું બાકી રહ્યું છે, દીકરા ?’

‘માલા માટે   તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસીને શેરડી ખાવી છે…’ 

બાદશાહ ઘોડો થયાં અને બીરબલ તેનાં પર બેઠા. તેને કાપેલી શેરડી હાથમાં આપી, ત્યાં પાછું ‘ એં એં એં…’  

બાદશાહ કહે : ‘અલ્યા, હવે શું છે તારે ?’ 

‘બાપા ભાંગેલી શેરલી આખી કરી દ્યો તો ખાઉં…’ 

બાપા બનેલા બાદશાહ બરાડી ઉઠયા : ‘હઠ  હરામખોર !’

અને શરતમાં બીરબલ જીતી ગયો એ કહેવાની જરૂર છે ? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. બાળક સંભાળવું એટલે બાળકને કેળવવું. બાળક સાથે બાળક થવાની મઝા બધાના ભાગ્યમાં  નથી હોતા !!

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. મારાં ઘરની સામે નંદિશ રહે છે. સાત- આઠ વર્ષનો છે. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. બંન્ને જીવંત બાળકો છે. ગમા – અણગમા – ચંચળતા – ગુસ્સો બધું જ છે એનામાં. હોય જ ને, બંન્ને બાળક છે ! નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા સમજુ હતી ઉંમરે. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મૂડ બતાડવા લાગ્યો છે એટલે શું તે હું વિચારું ત્યાં જ કથિકાએ ચોખવટ કરી. ‘તમને સમજાવું અંકલ, અર્ધી કલાક એક જગ્યાએ થઇ નથી કે નંદિશ ભેંકડો જોડયો નથી !’ મેં જરા માસ્તરગીરી કરી અને પ્રશ્ન પૂછ્યો કે, ‘ એવું તે કંઈ હોય ? હજુ તો નંદિશ છ મહિનાનો છે એને બળી મુડ બુડ થોડું હોય ?’  તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. અમારા ઘરમાં હું તો નંદિશને જોઉં છું ને ! બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પાછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ? સમજથી સંવેદના ઘડાય અને સંવેદનામાંથી ચેતના પ્રગટે…!

કુટુંબ કેન્દ્ર છે સમાજનું. મા – બાપ – મિત્રો – પાડોશી – ભાઈ – બહેન બધાં તો પરિધ પર ફરે છે. કુટુંબનું કેન્દ્ર છે બાળક. આ બાળકની સમજને ઓછી આંકવાની ભૂલ કરવા જેવું નથી. કુટુંબો તૂટતાં જાય છે તેથી બાળકની સમજ ખરડાતી જાય છે. સેજલ સાડા ચાર વર્ષની છે. તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. શિક્ષક દંપતીએ  આંતરજ્ઞાનીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે. ભાઈ – ભાભીએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. વાત અહીંયા મોટાને સમજાવવાની છે, પણ પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે છે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. મારી મમ્મીને નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો સાગર આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ હવે આઠ વર્ષનો છે. વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો હતો બધાં બાળકો સાથે. એમાં પ્રતીક – ઋતુ – ડોલી – ભૂમિ – કેદાર – કથિકા – નંદિશ સૌ ખરાં. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં હતા… પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ ત્યાં એનાં ટીચરે કહ્યું કે : બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું.. બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો છે ! સૂનમૂન થઈ ગયો છે. ઘરમાં અતડો થઈ ગયો છે. શેરીમાં રમવાનું બંધ કરી દીધું છે. ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!

‘એ માણસ એવો કેમ છે ?’ 

‘અરે, આ ડાહી લગતી  સ્ત્રી આમ વિચિત્ર કેમ વર્તે છે ?’ 

‘સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની – મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી ?’ 

‘બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે ??’ 

આ પ્રશ્નાર્થો વ્યાજબી છે, પણ તેનાં મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે આ બધાં જ પ્રશ્નોના મૂળિયાં વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધૂરંધરો બરાડી બરાડીને કહે છે કે : તમારા સંતાનનાં પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા ન્હાયા ! તમે તમારા બાળકની ફીકર છોડી દો. ટેવના, સંસ્કારનાં, વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જ જાય છે, બસ પછી તો તેનું નર્ચરિંગ થયા કરે છે… માણસની  સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય જાય છે, પછીનાં જીવનમાં તો એ નકશા મુજબની ઈમારત બંધાય છે. આખું વિશ્વ જેના ચિંતનને કાનધરી સાંભળે છે તે આચાર્ય રજનીશ (ઓશો) કહે છે : ‘જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે ? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે,  શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા  વિના પસાર થાય છે.’ આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે. જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો !! તેને અક્ષરજ્ઞાન ન હતું, ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા – દેવા ન હતી. ગામ જ એવું કે એમાં શાળા – રેલવે સ્ટેશન – બસ સ્ટેન્ડ – હોસ્પિટલ – પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં. કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ?!  ન છાપું આવે કે ન કોઈ શિક્ષક. આવાં વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંતપ્રિય થયું પણ તેની આંગળી પકડીને input આપ્યા સહજતાથી તેની નાનીમાએ. રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયાં અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં. આ સાત વર્ષોમાં જે રોપાયું, તે ઉગ્યું અને વટવૃક્ષ થઈ ગયું. એક એવું જીવન કે જે  રહસ્ય અને રોમાન્ચથી ભરેલું, આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણાં માટે નવો જ દ્રષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન…

બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરે છે, એ વાત મા – બાપ – શિક્ષકે ભૂલવા જેવી નથી… આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા – આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબ્લો નેરુદા સુધીની વાર્તાઓ – અવતરણો  – હકીકતો અસખલ્લીત વર્ણવે છે તેનો શ્રેય જાય છે જયનાં માતુશ્રીને. એમણે જયને સ્કૂલ ન ધકેલી દઈ ઘરમાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો ! આજના જય વસાવડાનું વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચકયું હતું, આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે તે બાળઉછેરનું ભાથું છે… આપણાં સંતાનનાં પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સીત્તેર પછી કશી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે, તેની ખાતરી.

હવે વિજ્ઞાનની અંતિમ શોધોએ પુરવાર કર્યું છે કે Child by choice, not by chance. બળદેવતા પસંદગીથી અવતરે, અકસ્માતે નહીં ! શારીરિક જરૂરિયાત માટે નહીં, સામાજિક પ્રતિષ્ઠા ખાતર નહીં, જાતીય આનંદ માટે નહીં, સ્થાવર – જંગમમાં વારસદાર માટે નહીં,… સાંવેગિક અને આત્મીય પરમાનંદ માટે; હવેનાં બંનેના જીવનને એક યુ-ટર્ન આપવા માટે; પોતપોતાનાં બાળપણમાં ફરી પાછી લટાર મારવા માટે; એક કૂણા જીવ સાથે આપણાં જીવ ગૂંથી જીવનને અલગ રીતે ધબકતું કરવા માટે એક બાળકને ‘ આમંત્રણ – સપ્રેમ – સ્વાગતમ – સાદર નિમંત્રણ – રેડ કાર્પેટ વેલકમ’  કહેવાની ક્ષણ તે માતા પિતા બની જવાની મંગલ ઘટના છે. બનાવો  બને છે, ઘટના તો પરમની ઈચ્છાથી ઘટે છે ! શાંતિનું વાવેતર કરવા માટે બાળક ઉછેરવાની એક ઓર મઝા છે અને એ મઝા લૂંટી શકે તે ધન્ય છે.

નાનાભાઈ ભટ્ટ કહેતા : ‘ નાનાં બાળકો તે દેવની પ્રસાદી છે.’  ટાગોર કહે : ‘ બાળક એ તો ઈશ્વરના હસ્તાક્ષર છે. હજુ ભગવાનની શ્રદ્ધા આપણામાંથી ડગી નથી તેની સાબિતી રૂપે તે પોતાનાં અંશને આપણાં ખોળામાં મૂકે છે !’  બાળઉછેર એ બહુ મોટી જવાબદારી તો છે જ, પણ આપણાં જીવનની વિડીયો  રિવાઈન્ડ કરવાની આપણને મળેલી ઉત્તમ તક છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારામાં રહેલું બાળક માના ગર્ભાશયમાંથી આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં ફ્લડ લાઈટ હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય તે જોવું જોઈએ. બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઈ આવવાનું છે. આ પ્રકિયા બધી જ ઈન્દ્રિયો માટે લાગુ પડે છે. દર્શકદાદા કહે છે કે : બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. સ્પર્શનાં સાધનો કે રમકડાં પહેલાં રેશમ – મખમલના ધરવા અને છેલ્લે ખરબચડાનો સ્પર્શ કરાવવો અને તે પણ  જરૂર પડે તો જ. અનુભવ જેવો  કોઈ ગુરુ નથી. અનુભવે બાળકને થશે કે જગતમાં સજીવ નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. હું અને કૂતરું બંન્ને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જગાડવાની છે.. મા બાપ કે શિક્ષક તરીકે એ સંવેદના જગાડી શકીશું તો જ જગતમાં શાંતિ પ્રસ્થાપિત થશે.

 

શિક્ષણ અને કેળવણી

જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ  એક નથી.  બહુ ફર્ક  છે,  શિક્ષણ અને કેળવણીમાં.  

ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે : 

ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ 

ચોથું નથી માંગવું, બહુ  દઈ દીધું નાથ. 

કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે.  તેટલું  ઘણું છે. હવે કંઈ  વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે  ‘આ કેવી રીતે શક્ય છે ?’  જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો.. 

શિક્ષણ એટલે  જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને   કેળવણી એટલે  જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ.  બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે  હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ. 

અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે  જે ભણાવવામાં આવે  તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ  રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી.  મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને  લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં  જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને  હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું,  તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. 

કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય.  પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું.  મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો  હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે.  હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી  ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’  એમણે  જવાબ આપ્યો :  ‘ પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’  મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’  મેં કીધું, ‘ આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’  તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’  મેં કહ્યું કે,  ‘તો  આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’  તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં  હું તમને એક જગ્યાએ લઇ જઈશ’  અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે,  મારે શું જોઈએ છે ?  ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક  નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું  : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ..   તો કહે,  તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ  લીધી, તેની કિંમત  ચૂકવી દીધી  અને મને કહે, ચાલો આપણું કામ પૂરું.  આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે  લઈ  જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો  વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી.  હવે સમજાયું કે કેમ કોઈ કશું  કરવા ઘરે ન આવે. 

હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ  કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં  મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત  એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે,  અહીં સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે.  અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે.  છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ  સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે  પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.  

તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી  કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ  નથી,  કેળવણી  શબ્દ જ વાપર્યો છે. તો Education  એ શિક્ષણ છે,  પણ Training  એ ખરેખર કેળવણી છે.  કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી  શકીએ  જો  કરવાનું શીખ્યા હોઈએ ..

હવેના મા બાપે પણ સમજવું પડશે  કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે  અને કહે કે,  આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં  વિનોબાજીએ કહ્યું છે કે,  ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના  બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’   આ કેળવણી છે. હું મારું  કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે

સાફ કરવાનું.. મારા  કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.

શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે:  જ્ઞાનાત્મક, ભાવાત્મક અને  ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain)   જ્ઞાનાત્મક એટલે મસ્તક,  અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ  – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે:  ‘તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’ 

કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં  તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’.  એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું,  ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું  એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે.  એના બદલે હું એક કપડું  મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી  હું  રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું  કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ  ને ? પણ એ માટે આપણે જ  કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી. 

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની, પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.                                                                                          મોબ. 9898920333

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ભદ્રાયુ વછરાજાની 

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

===========================================================

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા જ ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા. 

૧૮૯૩ના ૩૧ મી મે એ સ્વામી વિવેકાનંદ ૧૧–૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા. 

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા. 

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે’ એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, ‘જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ જ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના ‘હરિજન’માં તેઓએ નોંધ્યું કે, ‘દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ન ઉતારી શકીએ તે ધર્મ નથી. 

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ એ ધર્મ છે. 

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

‘ધર્મ વિનાનું રાજકારણ એ મડદું છે. એને તો બાળી  જ મૂકવું જોઈએ. 

‘મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ જ કરવાનો રહ્યો.’  

‘અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

‘આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન સધાય.’ 

‘આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, ‘અવિરત સેવા એ જ મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી જ શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  ક.બા. ગાંધી – કરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. આ તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, “મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને ન અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ ન શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે ન હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે ન થઇ શકે ? 

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી ક. બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય એ બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, ‘રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું એ મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે; 

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે. 

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ; 

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ. 

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી; 

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી. 

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના ‘યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

‘ધર્મ મંથન’ના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં એ અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

‘હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : ‘હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

‘ગાંધી:જીવન અને વિચાર’ નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. ‘જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર જ હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા એ મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, ‘મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા, ‘ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

ઈન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હોય શકે ખરી ?

“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં, કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.” ….. ગાંધીગીતા

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ઉમાશંકર જોશીનું એક સુંદર મજાનું ગીત છે:

અમે ગીત ગગનના ગાશું રે, 

અમે ગીત મગનમાં ગાશું કલકલ કૂજલ સુણી પૂછશો 

તમે: અરે છે આ શું ?.. રે અમે ગીત ગગનના ગાશું.

એ ગીતની પહેલી પંક્તિ  આજના લેખના શીર્ષકને સમજવામાં મદદ કરે છે.

સૂર્યચંદ્રના દિયો હોલવી, ઠારો નવલખ તારા, 

હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા. 

અમે સૂરસરિતમાં ન્હાશું..  રે અમે ગીત ગગનના ગાશું. 

સૂરની સરિતામાં ન્હાવા માટે પ્રયાસ કરતો પામર જીવ એવી મોટી મહેચ્છા લઈને બેઠો છે કે જેમાં એમણે  સૂર્ય ચંદ્રને હોલવી નાખવાનું પસંદ કર્યું છે અને નવલખ તારાને એકબાજુ હડસેલી દેવાનું કહ્યું છે. તો સતત વરસતી વરસાદની જલધારાને હથેળી આડી રાખીને રોકી લેવાના મનોરથ પણ એણે કર્યા છે કારણ કે એને સૂર સરિતમાં નહાવું છે અને ગીત ગગનમાં ગાવું છે.

પૂર્વ ભૂમિકામાં આવી સાહિત્યિક વાત કરવાનું  કારણ એ છે કે આપણે જે વિષય તરફ જઈ રહ્યા છીએ તે વિષય છેલ્લા થોડા મહિનાઓથી ભારતમાં અને ઘણા વર્ષોથી વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને એક પ્રકારની આશંકા જાગી છે કે, શું થશે ? કુદરતી અથવા પ્રકૃતિ વિલીન થશે અને કૃત્રિમતા છવાઈ જશે ? લોકોને પ્રશ્ન છે કે, આપણે વિચારતા બંધ થઈ જશું અને આપણાં વતી મશીનો વિચારશે ? આપણે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ શું સીમિત થઇ જશે ? આપણે જેને ઇન્ટેલિજન્સ કહીએ છીએ એ તો મૌલિક હોય, વાસ્તવિક હોય, પ્રાકૃતિક હોય એ કૃત્રિમ કેવી રીતે હોય ? બુદ્ધિ એટલે શું અને પ્રજ્ઞા એટલે શું ? બુદ્ધિને કદાચ એવો વિચાર આવે કે ચાલો આપણે સૂર્યચંદ્રને હોલવી નાખીએ, પણ પ્રજ્ઞા તો તાત્કાલિક વચ્ચે આવીને કહી શકે કે, ‘રહેવા દેજે માનવ, આ કામ ન કરીશ, એ તારું નથી, તું ભલે ઈચ્છે કે વરસંતી જલધારાને હથેળી આડી રાખીને તું રોકી લે,  પણ ના દોસ્ત એ શક્ય નથી, એ બધું જ નિશ્ચિત છે, નિયતકાલીન છે, પ્રાકૃતિક છે, કુદરતી છે, મૌલિક છે. જે તે કાળચક્રના સમયે બનતી ઘટનાઓ છે. એને તું ઈચ્છે ત્યારે આ ધરતી ઉપર જન્મ નહીં આપી શકે. તું માનવ છો, તને જે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કર તો કશો વાંધો નથી. પણ બુદ્ધિની મદદથી પ્રજ્ઞાના સીમાડાઓ પાર કરવાનો તું પ્રયાસ ન કર. કારણકે એ બધું તારા મનોરથના વ્યાસની બહાર છે.!’

પહેલો પ્રશ્ન તો આપણી સામે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એવું જે ઉચ્ચારણ થાય છે ત્યારે બે વિરોધાભાસી શબ્દોને એકસાથે બેસાડી દીધા હોય એવું આપણને નથી લાગતું? એક બાજુ કુદરત માટેની સમજ છે, તો બીજી બાજુ કૃત્રિમતા  માટેની દુરિત દૃષ્ટિ છે. એ બંનેને એક સાથે કેમ મૂકી શકો  ? કૃત્રિમ વાત હોય એને ઇન્ટેલિજન્સ સાથે બેસાડવી,, આર્ટિફિશિયલ બનાવટી શબ્દને પ્રજ્ઞા સાથે જોવી,, એ મનમાં ઉતરે તેવી વાત નથી.

આપણે ઇન્ટેલિજન્સનું ગુજરાતી ‘બુદ્ધિમત્તા’ કરીએ છીએ. હકીકતમાં તો એ Artificial Brain હોય તો હાલ આપણે જે ‘કૃત્રિમ બુદ્ધિ’ કરીએ છીએ તે સાચું ગણાય. પણ આપણે તો Artificial સાથે Intelligence શબ્દ મૂકીએ છીએ,, અને એ જ સાચું ગણીએ તો તેનું ગુજરાતી ‘કૃત્રિમ પ્રજ્ઞા’ એવું થાય.  જો Intelligence શબ્દ વાપરવો હોય તો સાથે Artificial આવી જ ન શકે. પ્રજ્ઞા ક્યારેય કૃત્રિમ ન હોઈ શકે.  હા, બુદ્ધિ સાથે આર્ટિફિશિયલ આવી  શકે.  બસ, એની ચર્ચા આજે આપણે કરવી છે અને એ કહેવું છે કે ઇન્ટેલિજન્સ ક્યારેય આર્ટિફિશિયલ હોય ન શકે.

આપણે જરા વિગતે એ વાતને જાણીએ. બુદ્ધિ અને પ્રજ્ઞામાં તાત્વિક ભેદ છે. બુદ્ધિ અને બુદ્ધિમત્તા એ શબ્દ પણ એકબીજાથી અલગ પડે છે. સમજશક્તિ બુદ્ધિમાન હોવું, ડહાપણ, હોશિયારી, કુશળતા, જ્ઞાન આ બધા બુદ્ધિમત્તાના અર્થ છે. જયારે બુદ્ધિ પોતે એક વિશિષ્ટ શબ્દ છે. અહીંયા બુદ્ધિનો એક અર્થ ઈચ્છા, વૃત્તિ, મત, અભિપ્રાય કે વિચાર એવો પણ થાય  છે. આમ જોઈએ તો બુદ્ધિને એ ચોવીસ માંહેનો બારમો ગુણ છે. ગુણ ચોવીસ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. આ ન્યાય ચોવીસ માંહેનો બારમો ગુણ એ હકીકતમાં બુદ્ધિ છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ ઇન્દ્રિયોની  સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે. બુદ્ધિ વિષે એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે, વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ. આ બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે. અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્ય બુદ્ધિ પરમાત્માની અને અનિત્ય બુદ્ધિ જીવની એવું માનવામાં આવ્યું છે. પશ્ચિમના વિદ્વાનો  અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે. તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. આપણને ખ્યાલ છે આ એક પ્રાકૃતિક શક્તિ છે. બુદ્ધિ બે પ્રકારની છે. અનુભવ અને સ્મૃતિ. કેળવાયેલા માણસ પાસે એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે. એટલે કે બુદ્ધિ એક પ્રકારની વિદ્યા છે અથવા તો આ વિદ્યાનું હુન્નર જે જાણે છે તે બુદ્ધિ છે. પણ એનો એક અર્થ સાવધપણું અથવા સાવધાની એવો પણ રાખવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની હોશિયારી છે,  કુશળતા છે એટલે આપણે  ‘બુદ્ધિમત્તા’ કહીએ છીએ.

‘સ્વ’ એટલે ‘આત્મન એટલે ‘self’. ‘સ્વ’ બે રીતે અભિવ્યક્ત થાય : બાહ્ય સ્વ outer self અને અંત: સ્વ inner self. બાહ્ય સ્વમાં આવે શરીર એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યાયન.  અંત: સ્વ માં આવે મન/બુદ્ધિ  અને પ્રજ્ઞા. body , mind and intellect એટલે આપણો  સ્વ (self). પ્રજ્ઞા બુદ્ધિ સૌ પાસે ઢંકાયેલી છે પરંતુ પ્રજ્ઞાનો ઉપયોગ એ એક વિશિષ્ટ બુદ્ધિતત્વનો ઉપયોગ છે એટલે AI માં intelligence શબ્દ ખોટો મુકાયો છે, એવું મારુ કહેવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કહીએ છીએ ત્યારે તો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે પ્રજ્ઞા માટે ‘ગાંધી ગીતા’ સુંદર મજાની વ્યાખ્યા આપતું  એક પદ મૂકે છે. શુભને ના અભિનંદે, ના દ્વેષે જે અશુભને, જે સર્વત્ર સ્નેહસૂનો, તેહની પ્રજ્ઞા જ સુસ્થિર. અહીં સ્નેહસૂનો એટલે શું ? આસક્તિ નથી કોઈ સાથેની, શુભ સાથેની કે અશુભ સાથેની. અશુભ પ્રત્યે એને કોઈ દ્વેષ નથી અને શુભ પ્રત્યે વિશેષ લગાવ નથી એમની પ્રજ્ઞા સુસ્થિર  છે, એમ માનવું જોઈએ.

આપણે જેને intelact એટલે કે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ એકાગ્રતાનો એક બહુ મોટો પ્રર્યાય છે. એકાગ્રતા હોય તો જ તમે કોઈ પણ પ્રજ્ઞામય કાર્ય કરી શકો. એકાગ્રનો અર્થ અહીંયા સમજી લઈએ. એક અગ્ર ઉપર ધ્યાન કેન્દ્ર કરવું એને એકાગ્રતા કહેવાય છે. કેટલાક લોકો પ્રજ્ઞાનો અર્થ ત્રિકાલિક જ્ઞાન પણ કહે છે. એમ તો માણસની દશ માંહેની પાંચમી દશા એ પ્રજ્ઞા છે. એકતાલીસ થી પચાસ વર્ષ સુધીની માણસની સમજણવાળી અવસ્થાને પ્રજ્ઞા કહેવામાં આવે છે. એક અર્થ પ્રમાણે પ્રજ્ઞાને સરસ્વતી સાથે સરખાવવામાં આવેલ છે. આપણે બુદ્ધિ, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું વિશ્લેષણ એટલા માટે કર્યું છે કે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે કદાચ બુદ્ધિ આર્ટિફિશિયલ વાતને હાથ લાગી શકે. કારણ કે બુદ્ધિના ઇનપુટ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે. બુદ્ધિમાં જે સંદેશાઓ જાય છે તે આપણી પંચેન્દ્રિયોના અનુભવ દ્વારા જાય છે. જયારે પ્રજ્ઞા છે એ અંદર જતા અનુભવોને મનની સપાટીઓ પર લાગણી અને સંવેગોના ત્રાજવે તોલે છે અને પછી એમનું વિશ્લેષણ કરીને યથા યોગ્ય સુનિશ્ચિતતા હોય તો જ એ કામ કરવાની આપણે છુટ આપે છે. એ પ્રજ્ઞા છે. સ્વ તરીકે વ્યક્તિ જન્મે છે ત્યારે શરીર લઈને આવે છે શરીર body, mind and intellect ત્રણ વસ્તુ લઈને આવે છે. બધાને આ બધું  એકસરખી રીતે ભેટમાં મળે છે. શરીર ઉપરથી આપણે જાતિ  અને લક્ષણોને  ઓળખી શકીએ છીએ, બુદ્ધિ ઉપરથી આપણે સમજશક્તિને તારવી શકીએ  છીએ પરંતુ પ્રજ્ઞા ઉપરથી તેજસ્વીતાને આપણે જાણી શકીએ છીએ. હવે બુદ્ધિતત્વમાં તમે  વધારો કરી શકો, એમાં કોઈ આર્ટિફિશિયલ બાબતો ઉમેરી દઈ શકો, પણ પ્રજ્ઞાતત્વને આર્ટિફિશિયલ કૃત્રિમ વાત સાથે જોડવી એ અનર્થ સર્જે છે,  કારણ કે પ્રજ્ઞા એ બાહ્ય સંદેશાઓને ઝીલીને કાર્ય કરનારી કોઈ આપણી સંજ્ઞા નથી. પરંતુ એ મનમાં ગુપ્ત આવેલા સંદેશાઓને લાગણીમાં અથવા સંવેગોમાં ઢાળે છે અને  એના આધારે પ્રજ્ઞા એટલે કે intellect  ને એ વિભાજીત કરે છે, એનું  પૃથ્થકરણ કરે છે અને એના આધારે હવે શું કરવું તેનો કોઈ સંદેશો હોય તો  તે મનને આપે છે. આમ પ્રજ્ઞા એ higher level of instinct છે. પ્રજ્ઞા જેમાં સામેલ થતી નથી એ એક પ્રકારનું મિકેનિકલ કાર્ય છે. મિકેનિકલ નો અર્થ એવો કે જે કામ મશીન કરી શકે એ કામ આપણે આપણી બુદ્ધિમતા પાસેથી કરાવી રહ્યા છીએ. બુદ્ધિ કૃત્રિમ વાતને સ્વીકારે. બુદ્ધિને કૃત્રિમ અને વિચિત્ર પ્રકારના વિચારો આવે પણ પ્રજ્ઞાને અનેક વાયબ્રેશન્સ પછી સ્થિર થવાની ઘટના આવે છે જેનું વર્ણન ભગવાનશ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કરે છે.

લોકો અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એવું કહીને સમજાવે છે કે, આ એક એવી બુદ્ધિ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા પણ એ સ્પષ્ટતા કરીએ, માણસ બહાર બધું બનાવી શકે છે પણ શરીરની અંદર કશું બનાવી શકતો નથી એટલે કે જે બુદ્ધિ છે તેને મશીનો બનાવવામાં કે મિકેનિકલ કામમાં જો લગાડી દઈએ તો એ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણને સમજાયું છે. ગાડીઓ ડ્રાયવર વગર ચાલે છે, ઓટોમેટિક ચાલી શકે છે. ભારતની અંદર પણ આવી ગાડીઓના પ્રયોગો શરૂ થઇ ગયા છે. માણસની મજૂરીને ઘટાડવા માટે પણ રોબોટ બનાવવામા આવ્યા છે જે દસ માણસોના કામ કરી શકે જેથી કરીને મેન પાવરનો ખર્ચ બચી જાય છે. ગુગલ જેવા સર્ચ એન્જીનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઈ સાથે આપવા માટે પણ AI નો ઉપયોગ થાય છે. Netflix અને Youtube જેવા પ્લેટફોર્મ યુઝર્સની પસંદગીને સમજીને તેના પ્રમાણેના વિડીયો જોવા માટેનો ફીડબેક આપે છે. અરે, તમે વૉટ્સઅપની અંદર કોઈ સંદેશો લખવા જતા હો તો પહેલો શબ્દ type કર્યા પછી તમને નીચે ત્રણ ઓપશન આપવામાં આવે છે જે એના પછીનો શબ્દ હોઈ  શકે. એનો અર્થ એવો છે કે બીજો શબ્દ તમારે type કરવાની જરૂર નથી. સીધા એ ત્રણમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો એટલે એ શબ્દ  ત્યાંથી ઉપડીને તમારા વાક્યમાં જોડાઈ જશે. આ સમજ ક્યાંથી આવી ? આને તેઓ કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે. આ સાચી વાત કે તમે બુદ્ધિને એ પ્રમાણે ઘડી છે.  બુદ્ધિ જે કામ કરે છે એવું કામ તમે મશીન પાસેથી કરાવી રહ્યા છો. અને એટલા માટે આ આર્ટિફિશિયલ બ્રેઈન નો એક અર્થ એવો કર્યો કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મશીન મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આપણને  શોધી આપે. પણ અહીં માણસો દ્વારા સૂચવવામાં આવતા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. એટલે કે માણસનું જ્ઞાન, અનુભવ, વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના  રૂપમાં સંગ્રહિત થાય છે જેનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે તે મુજબ થતો રહે છે. તો સમજાણું એટલું કે એની અંદર શું જોઈએ છીએ ?, કેમ જોઈએ છીએ ?, ક્યારે જોઈએ છીએ ?, કેવું જોઈએ છીએ ? એ બધું તો માણસે જ વિચારવાનું છે અને માણસે પોતાની ભાષા નહીં પણ કોમ્પ્યુટરની ભાષામાં એને બદલીને ફીડ કરવાનું છે એટલે કે એમાં સંગ્રહિત કરવાનું છે. આ બધા માટેના સોફ્ટવેર બનાવવા પડે છે અને સોફ્ટવેર બનાવવાનું કામ માણસ સિવાય કોઈ કરતું નથી. પરિણામે પણ એક દાવો થઇ શકે કે ઇન્ટેલિજન્સ કે intelact એ ક્યારેય કૃત્રિમ ન હોય શકે. તમે એક વસ્તુ સમજી શકો કે માણસે બનાવેલી રોટલી અને મશીન દ્વારા બનાવેલી રોટલી એ બંનેના આઉટપુટ સરખા છે પણ તેમ છતાં જે મશીને કર્યું છે એમાં પણ માણસની પોતાની બુદ્ધિ કામે લાગી છે, અને રોટલી જાતે  બનાવવાને બદલે બની જાય એવું મશીન બનાવ્યું છે. એટલે તે પૂર્ણતઃ કૃત્રિમ એમ ન કહી શકાય. એક કુદરતી વ્યક્તિએ એમાં બધો ડેટા નાખ્યો છે.

સમાપનમાં ફરી ગાંધીગીતાનું સ્મરણ કરીએ જેમાં કહ્યું છે કે,

“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં,

કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.”

———————————————-

ફૂલછાબ જન્મદિવસ પૂર્તિ 

‘સત્ય એ શ્રી ઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’

બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

શ્રી ઠાકુરના ચરણમાં વંદન કરીને હું મારા કેટલાક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ
કરું છું. 
લગભગ છ એક મહિના પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત
માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રી રામને ખૂણે ખૂણે સુધી
પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રી રામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા
ત્યારથી રોમાંચિત હતો. એના બે કારણો હતા :  એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ
એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરના ચરણમાં જઈને સ્વામી અને
માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લ્હાવો ભાગ્યે મળતો હોય છે કે
તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો,  નિવાસ કરી શકો અને
આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને  એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી
મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રી રામ કથાનો  શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું
તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રી રામકથાનું ગાન
થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રી ઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ
કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રી વિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ
છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે
સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત
થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા
બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જુનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક
સરસ ગાડીમાં સ્વામી શ્રી વિવેકાનંદ અતિથિ  ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં
આવતા ત્રિપુટીના જુદા જુદા સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક

સંસ્કૃતિના દ્રશ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો
આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા
વિશાળ  પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક
પોલીસોએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ
ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠના દર્શને જઈ  રહ્યા હતા.
યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઉભી રાખવા
માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી
બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ
માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે,
આપણી  સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા
અનેક અનુભવ થયા છે,  પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા
જીવનની  એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો. ) સવારના પૂજ્ય બાપુએ
આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રી ઠાકુર, સ્વામી શ્રી
વિવેકાનંદજી અને શ્રી માતાજીના વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમના ધ્યાન મંદિરો
અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના  બહુ જ નિરાંતે દર્શન કર્યા.
અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા
હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો  હશે.  મને આનંદ એ
વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક
બેલુરમઠના શ્રી રામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રી ઠાકુરની પ્રભાવક પ્રતિમા
જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા
રાજકોટના શ્રી રામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું,  કારણ રાજકોટમાં મંદિર છે તે
બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે. 
ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રી રામકૃષ્ણ
મઠ મિશનના સ્વામીઓ, અધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ
ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયો પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે
હોય એના પછી શ્રી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદબોધન કર્યું અને એમણે
એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય
મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ
પરિસરમાં  જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સીટીનું  પ્રાંગણ છે, જ્યાં  બહુ મોટી સ્કૂલ પણ
છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ
સાત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક

દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા
સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે  જેથી કરીને
સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિતે કથા પાન કરી શકે. ઉદ્ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ
અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રી ઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી
શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ
એ બે કાર્યો  ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું
હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ
માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા
જુદા સ્વામીઓ સતત કથા પાન કરવા આવતા હતા.
શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા,  કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ
શ્રી રામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતા કરતા ને આંખો  ભીની કરતા મેં
પોતે જોયા છે. એ બાપુએ આજે  શ્રી ઠાકુરના ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત
કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા
વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રી ઠાકુરના ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ
વિનયપત્રિકાના  એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલા એણે
કહ્યું કે,  સવારના હું આખા પરિસરમાં નિરાંતે  બહુ શાંતિથી ફર્યો છું.  હજુ પણ મુખ્ય
મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને  એવું લાગે છે કે,  આ જે ત્રિપુટી
છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી
પણ મને લાગે છે કે,  યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતા એવું પણ
કહ્યું,  વૈસે કહો તો  યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને
પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું. 
કથા આરંભ પહેલા શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા  મુજબ રામચરિત માનસની
ગાથાનું ગાન કરતા કરતા દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ
કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું
કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રી રામચરિત માનસની કોઈ
ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે.
બેલુર માથાની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો. 
સગુનુ ખીરુ અવગુન જલુ તાતા I    મિલઈ રચઈ પરપંચુ બિધાતા II
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા I      જનમિ કીન્હ ગુન દોષ બિભાગા II  

વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો
અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુ સંગ,  આ ચાર
દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુ સંગનો અર્થ સાધુ સંગમ અથવા તો સત્સંગ.
બાપુનો એક નિષ્કર્ષ હતો કે,  ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું
છે. આ વાતની  પુષ્ટિ કરતાં  તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ
વિષે હંમેશા એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા  કે નરેન
ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રી મા પૂછતાં કે,.. પણ તેથી શું ? ઠાકુર કહેતા
કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’  આ
વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ
આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન  કર્યા  એમણે કહ્યું
કે,  સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર
પડે છે, જયારે શુદ્ધિ સદગુરુથી કૃપાથી જ શક્ય બને છે. સ્વામી શ્રી વિવેકાનંદની પૂર્ણ
શુદ્ધિનો શ્રેય તેમના સદગુરુ શ્રીરામકૃષ્ણ દેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની
વ્યાખ્યા કઈ ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ.
 બાપુએ ઉમેર્યું કે,  ‘પૂણ્ય એટલે શું ?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’  અને ‘પાપ એટલે શું
?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’  બાપુએ પંચદેવની પૂજાની વાત કરી
કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક,
પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ આપણામાં ઉતરે એવું આહવાન
કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવના લક્ષણો એ આપણા ગુરુના લક્ષણો છે. 
બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે,  સામર્થ્ય હો
ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ . સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ
સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું
અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ  કહ્યું કે,  પરમતત્વ કૌતુકી
હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ
છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની
ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે
જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રી ઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ
શ્રી માતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે  વો રાતકો સન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ
જ્ઞાનકો ખીચ લાતા હૈ.  તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત
કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો.
શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને

ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે.
કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય
છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ
આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર  કહેતા કે, શ્રી કૃષ્ણ કે દર્શન મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ.  આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ
મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે
મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ  મુદ્રાનો આકાર
છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ  વગર કહ્યું કે, શ્રી કૃષ્ણકે દર્શનમેં  મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ. 
ત્રીજા દિવસે ફરી એકવાર શ્રી ઠાકુર, સ્વામી અને શ્રી મા ને તેઓએ વિવેક સાથે જોડીને
કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની  એવા ત્રણ સૂત્રો પણ સાથે
જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રી ઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય
તે પરમહંસ છે. સ્વામી શ્રી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે.
અને શ્રી મા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ
છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા
કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત
કરીને એવું પણ કહ્યું કે,  મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ
મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચારમેં આતા હે તો વહ સાકાર હો જાતા
હૈ.. 
બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો
દ્વારા થાય છે. ૧) મા ની આંખ ૨) બાપની આંખ અને ૩) ગુરુની આંખ. વિચાર
નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે
રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દ્રઢીભૂત
દ્રષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દ્રષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ
પોતાના આહલાદક સ્વભાવમાં સુંદર મજાના શેર ટાંક્યા કે, 
સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે 
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ  હમારે ઓર હમ હે તુમ્હારે. 
તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતા બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત
સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ.  મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી

મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર  નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા :  ન
આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ
એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે
ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ
રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદભુત હો, જો અનુભૂત હો ઓર જો
અવધૂત હો વો પરમહંસ હૈ . શ્રી રામકૃષ્ણ દેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને
કેન્દ્રવર્તી વિચારની વાત કરતા કરતા બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત
માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની
વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને
બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવિચમાં રહેલા
બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવિચનો
સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ  એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ  એ
શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે
જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને
જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમ માર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ
ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ :  ૧) અન્યત્ર મોહ ૨) કેવલ દુષિત
સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં  ઓર પ્રેમ
માર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ  કિ  યહ  સબ ક્યા હો રહા હે ?
પ્રેમ માર્ગની વાત કરતા એક સુંદર સુત્રપાત બાપુએ કર્યો કે, શ્રી રામકથા પ્રસન્નતા કી નવ
દિવસીય શિબિર હૈ . શ્રી રામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત કરવા
માટે  બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી
આપવામાં આવે છે. એક અંગુલી નિર્દેશ પણ થયો  કે,  મોહ અને સંદેહનો નાશ કરવા
માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે. 
ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને
ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે
અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નીરોધઃ’
એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં.  પતંજલિએ
નિરોધની વાત કરી  એમના ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા
માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં
પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ
પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧ % વાંચો, ૨ % વિચારો,

૪% આચરણમાં મુકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬ % પ્રસન્નતામાં ફેરવો જો આટલું
થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને
શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ  છે. બાપુએ
ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ
ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી
જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ
એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર
હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે રામ આવશે અને ખરેખર ભગવાન રામે
તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતા તેઓએ
કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી
આવે છે અને બુદ્ધિ તત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે
ગુરુદેવના ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ
અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને
હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે,
ભૂતકાળનો શોક હોય શકે, વર્તમાનમાં સંશય હોય શકે અને ભવિષ્ય માટે ચિંતા હોય શકે.
પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાના લક્ષણોની વાત કરી અને શ્રોતાના લક્ષણો
વર્ણવતા તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો  આપણી સમક્ષ
વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. ૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા ૨)
લોકેશણા અને ૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી
આકાંક્ષાઓ, તરસ હોય છે કે,  મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય
અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસના બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ
વર્ણવીને શ્રી ઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશા
સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે.એના લક્ષણો જો આપણે શોધવા હોય
તો શાસ્ત્ર એમ કહે છે કે, ૧) આત્મસાક્ષી ૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ ૩) પૂર્ણ
૪) એકો ૫) મુક્તચિત્ત  ૬) ક્રિયા ૭) અરુંગો ૮) વિસ્પૃહ ૯) શાંતો ૧૦) બ્રમાત ૧૧)
સંસારવાનિવ ૧૨) કુટસ્થ.  હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય
આભાસો”. શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા
બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી
પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક

લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને
અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ
આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુરમઠમાં ઠાકુરનું  જે પુરા કદનું ચિત્ર દેખાય છે એમાં
તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત
કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવ સમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં
ઘુમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે  પાગલની સરસ વ્યાખ્યા આપી. જો
ગલ કો પા લે વહ પાગલ હૈ . શ્રી ઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ
જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક
ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે,  બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય
હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવ
સમાધિમાં ગરકાવ થઇ જાય અને મૌન થઇ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર
મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું
નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના
ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ  આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ
ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે  ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ
સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી
વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે.  સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી. 
છઠ્ઠા દિવસની કથાના આરંભે સુત્રપાત થયો,  વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા
બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા
શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને
વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી
થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજા બાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ
ટાંક્યું. એક બહુ જ અમીર  કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને
રાજા બાપુ સવારના પહોરમાં  ઉભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી
રહ્યા હતા. અને એ દરમિયાન રાજા બાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત
સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને
પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સુર પહોંચે છે ક્યાં છે એ ?? અને એ 
તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો
એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજા બાબુ તુમ જાગો જાગો
જાગો અને એમને એ જ ક્ષણે વીજળીનો ચમકારો મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું  કે,
“આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સા ને

ઠસ્સામાં  તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજા બાબુ જાગો.”
કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું મને કહેવાયું એમ
ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજા બાબુને લાગી અને રાજા
બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યો
ભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજા બાબુ જાગો.. યાદ
રાખવા જેવું છે કે, સંત હંમેશા સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત
કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં
પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ
પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું
નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવલ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ
કેટલીક વખત તમારી ઉપર વરસી  જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન
થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને
અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજા બાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ
કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા
એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ
બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ
કરનારો હોય. પરમપ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ
રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે. 
સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સુત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે,
“મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર
સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે ? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા,
આનંદ આતા હૈ વહી કાફી હૈ.’  ‘યદિ  આંખમેં  એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધી
હૈ .’  ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્વિકતા આ રહી હૈ,
પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ  હમ દેહ, પ્રાણ ઓર મનસે
વિચલિત હોતે રહતે હૈં . દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન
માટે શોક અને મોહ આપણને રૂંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં,  હમારે પ્રત્યક્ષ
કાર્યકા કોઈ તો સાક્ષી હૈ  હી.’  આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર
આપણા  સાક્ષી છે. કદાચ આ કથા મંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી
મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી શ્રી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને
મા તો હરહંમેશ અહીં હાજર હોય કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્યકા કોઈ તો સાક્ષી હે હી વો

સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયાકા  જો સાક્ષી હૈ  વહ પરમહંસ હૈ . જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી
બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”  
આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે ?  એવું
કોઈ શ્રાવકે પૂછ્યું.  જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતા બાપુએ કહ્યું કે,  કૃપા ક્યારેય
કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે.
તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂઓ છો કે જાગો છો, ખાઓ છો, પીઓ છો,
દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ
કૃપાને તમે જીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ
નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે
સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય ? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ
કરવું જ છે,  તો આપણું સત્ય હંમેશા ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન
હૈ , કહા હુઆ સમજના કઠિન હૈ  ઓર સમજા  હુઆ કરના ઓર કઠિન હૈ . “કચ્ચા
જ્ઞાન બોઝ હૈ  ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ .” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઉતરવું
જોઈએ અને ઊંડા ઉતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો
સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ
દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસમેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશા
કોઈની સાથે સુંદર રીતે આત્મસાત થવા તત્પર હોય છે. 
નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રી રામકથાને વિરામ આપતા સમાપન કર્યું કે, 
નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને
બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત
માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી
ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી
શ્રી તુલસીકૃત શ્રી રામચરિત માનસને  વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે.
બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રી
રામકૃષ્ણ મિશન અને મઠનો  જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો
ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે,  હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય
સ્થળ પર ભી આતા હૈ  ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ,  હંસ છે
જળચર પણ ક્યારેક તટસ્થ થઇ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક
ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને
એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય,
પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી શ્રી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે.

પ્રતાપ સૂર્ય પ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું
વક્તવ્ય સ્વામીના શબ્દોથી વધુ નજીક બની શકે. 
આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રી રામકૃષ્ણ કથામૃતમાંથી
ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક
રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી
પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર
વ્યવસ્થા બેલુરમઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર
યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના
પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચુક્યા હતા. તેઓ કથા
સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદિય પ્રક્રિયા કરતા અને
સવાર સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યા ટાણે
યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમ ગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ
ગાન સાંજને સુરમાયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને
તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ  આપતા રહ્યા હતા. સમાપન સમયે
ફરી એકવાર સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા
અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખુબ મોટો રાજીપો વ્યક્ત
કર્યો અને ફરી એકવાર તરત જ બેલુરમઠમાં કથા ગાન કરવા માટે આવજો એવું દિલનું
નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને
તેઓએ કલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુરમઠના એક સભાખંડની અંદર એક
પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ  કરીને એ પ્રસંગને તેઓએ
વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથા ગાન કરવાનો લ્હાવો અત્યારે મળ્યો એ આનંદ
વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા
અધિકમાસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.
શ્રી રામ ચરિત માનસનું પરમ સત્ય બેલુરમઠની ધરતી પર ગવાય  અને એમાં પણ
ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રી ઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો  એ
લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે  મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે 
મારી સાથે શ્રી ઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા
અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.
જય ઠાકુર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.

શ્રી વસંત ગઢવી

અસ્મિતા વિશેષ સંવાદ : (37)

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

એક બહુ પરિમાણીય વ્યક્તિત્વ એટલે શ્રી વસંત એસ. ગઢવી. મૂળ સરકારી વહીવટમાં અવ્વલ દરજ્જે ફરજ બજાવી અને શ્રેયકર કાર્ય કરીને નિવૃત્તિ પછી પણ ઉચ્ચ પદ પર નિયુક્તિ મેળવતા રહ્યા. પણ શ્રી ગઢવીસાહેબની જિહવા પર અને કલમ પર મા સરસ્વતીનો ઉપકાર કાયમ રહેલ છે. તેઓ સાહિત્યના ઉપાસક છે અને લોકસાહિત્યના મર્મી છે. તેઓ ભણતા હતા એ દરમ્યાન જ ભગત બાપુ  સાથે બેસવાનું મળ્યું તે મોટો લ્હાવો. ખુબ સરળ અને શાંત પ્રકૃતિના ગઢવીસાહેબ સાથે આત્મીય સંવાદ ધીર ગંભીર પ્રવાહ જેવો ગહેરો રહ્યો. આવો તેઓની વાત સાંભળીએ :: 

“કોલેજનો અભ્યાસ થયો એ ભાવનગર અમારી બોર્ડિંગ હોવાથી ભાવનગરમાં થયો. આને પણ હું જીવનનો એક મોટો લ્હાવો ગણું છું. કારણ કે ભાવનગરમાં ગયા પછી થોડા સમયમાં જ એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અહીંયા કંઈક સાંભળવા જેવા આયોજનો થાય છે. જયેન્દ્ર ત્રિવેદી જેવાને બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આને જ તો નોલેજ કહેવાય. પહોંચવું હોય તો આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બોર્ડિંગમાં ભગતબાપુ પણ નિયમિત રીતે આવે અને રોકાઈ પણ ખરા. ભગતબાપુને  મળવા જે લોકો આવે એમને નજીકથી જોવા એ પણ લ્હાવો હતો. હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ આવે પછી ત્યાંના સાંસદ અને આપણા નાણા પ્રધાન પણ રહી ચૂકેલા જસવંત મહેતા એક વૈદ્ય મોટાભાઈ ગઢડાવાળા જે  સાહિત્યકાર પણ પ્રખર હતા, જયમલભાઈ વગેરે આવે, મેરૂભા આવે, જયહિન્દના તંત્રી બાબુભાઇ શાહ આવે તો આ બધા લોકોને નજીકથી જોવાની તક મળે.

માણસ સાથે કઈ રીતે વાત થવી જોઈએ એ બાબતમાં ભગતબાપુની હું ક્ષમતા ઘણી જોઉં છું. અમે હિતેન્દ્રભાઈને લઈને અંદર ગયા. હિતેન્દ્રભાઇ એ વખતે સત્તા પરથી દૂર થઇ ગયેલા હતા, એટલે હિતેન્દ્રભાઈએ કહ્યું કે,  બાપુ અમે લોકોની થાય એટલી સેવા કરી અને જે લોકોએ નક્કી કર્યું એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ આટલા વર્ષો સુધી આપ ચોક્ક્સ માનશો કે અમે સારી સેવા તો કરી છે. એટલા તો આપના આશીર્વાદ અમારા ઉપર હશે. આપનું  માનવું પણ હશે. હિતેન્દ્રભાઈએ ભગતબાપુને ઠાવકાઈથી જવાબ આપ્યો કે,  તમે ઘણું સારું કામ કર્યું એમાં કોઈ બેમત નથી પણ કનૈયાલાલ દેસાઈ (હિતેન્દ્રભાઈના પિતા)ની સમકક્ષ ન પહોંચાયું. હિતેન્દ્રભાઈએ સ્વીકાર્યું  કે, બાપુજી જેટલું તો ના થઇ શકે.

 ઘણા વર્ષો પછી હું  સુરત કલેકટર તરીકે ગયો એટલે ઓલપાડના ગામડાઓમાં ગયો. એમાં જોગાનુજોગ કનૈયાલાલની ઓલપાડના ઘણા બધા ગામોમાં મોટી જમીનદારી હતી. એમના મેં ફોટા કોઈ જગ્યાએ જોયા. કોઈ સરપંચના  ચા પીવા ગયો ત્યાં ફોટા જોયા.  તો મને થયું હિતેન્દ્રભાઇ જેવો ફેસ કોનો છે ? તો કહે,  કનૈયાલાલ દેસાઈનો ફોટો છે. પછી મેં કીધું કનૈયાયાલ દેસાઈ વિષે મેં કઈ સાંભળ્યું નથી. જુના જે  આગેવાનો હતા એક બે એણે  કહ્યું કે,  સાહેબ એ એક અદભુત વ્યક્તિ હતા. આટલી બધી એમની જમીનદારી હતી પણ સરળતા ઘણી ને ખેડૂતો સાથે વ્યવહાર બહુ સારો. પણ એક દિવસ એમના ઉપર વિનોબા ભાવેનો પત્ર આવ્યો. ત્યારે તો પોસ્ટકાર્ડ લખતા હતા કે હું ભૂદાનયાત્રામાં ગુજરાતમાં લગભગ આ ગાળામાં આવીશ. તો તે વખતે સુરત જિલ્લામાં આ તારીખો લગભગ આવશે અને બારડોલી આ તારીખે જાહેરસભા મારી કરીશ. એ બારડોલી જાહેર સભામાં ટેન્ટેટિવ તારીખ આ છે,  પણ તમને હું અત્યારથી કહી રાખું છું. તમારે એ સભાનું પ્રમુખ સ્થાન લેવાનું છે. ભૂદાનની આ  સભાનું તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે. એ કાગળ વાંચીને એક બે દિવસ પછી એમણે એમના કેટલાક ખેડૂત ખાતેદારો હતા એમને બોલાવ્યા ને  બધાને કહ્યું કે, આ  જમીન છે એ હું તમને તમારા નામે કરી દેવા માંગુ છું. (પોતાની જમીન સ્વેચ્છાએ એમના નામે કરી દેવા માંગે છે.) એમના કાગળો તો મારા માણસો કરી આપશે. પણ તમારી સંમતિ જોઈએ છે મારે… એમણે હાથ જોડીને કહ્યું. લોકોએ કહ્યું,  ‘ભાઈ અમે ક્યાં માંગી છે ? આ જમીનની અમે ક્યાં તમારી પાસે માંગણી કરી છે ? અમે કોઈ ફરિયાદ કરી છે ?’ એણે કહ્યું કે,  ફરિયાદ કે માંગણીની તો આ વાત જ નથી, તમે કરો પણ નહીં. પણ વિનોબાની ભૂદાનની સભાનું જો પ્રમુખ સ્થાન મારે લેવાનું હોય તો એ પહેલા મારે આ વિધિ કરવી પડે. આ વાત કરવાનો એમના માટે કોઈ TRP મેળવવાનું  તો કારણ જ નથી, નથી મારા માટે TRP મેળવવાનું કારણ એટલે આ વાત  જે બનેલી છે એ હું કહું છું,  છતાં ઘણી ઓછી જગ્યાએ કહું છું, કારણ કે હવે લોકો આ સ્વીકારવા તૈયાર નથી.

હું કલેકટર હતો ને હિતેન્દ્રભાઈના મોટાભાઈને જયારે પણ મળ્યો, તેઓ બેંકમાં પ્રમુખ હતા એટલે કોઈપણ પબ્લિક બોર્ડ માટે એમની પાસે જઉં તો પહેલા એ એવું કહે કે,  તમારે મને બોલાવી લેવો જોઈએ. કલેકટરો બહુ કામમાં હોય, અમે આવી જઈએ, અમારે કાર્યકરોને શું કામ ? એટલે પેલા વિવેક અને પછી તમે જે પણ કામ લઈને ગયા હો તમે એમને કહો કે, ધારો કે ૫૦ લાખ રૂપિયા રોકવાના છે તો એ ૪૯ લાખની વાત ન કરે. તમારે ત્યાં આવી, તમારી ઓફિસમાં તમે જેનું નામ આપો એને  બીજે દિવસે ચેક આપી જાય. તકલીફો તો ઘણી પડી હશે, સંઘર્ષ ઘણા કરવા પડ્યા હશે ત્યારે આપણને એમ થાય કે આમના પ્રમાણમાં તો આપણે કોઈ સંઘર્ષો કર્યા જ નથી.” 

“તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;”

“હે અનંત, આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો.”

ભદ્રાયુ વછરાજાની                            (44)                  bhadrayu2@gmail.com 

અર્જુનની વિનંતીને ધ્યાનમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મૂળ સ્વરૂપ જે વિરાટ છે, જે વિશ્વ સ્વરૂપ છે એનું દર્શન અર્જુનને, ભગવાન તરફથી મળેલી દિવ્ય દ્રષ્ટિથી કરાવી રહ્યા છે.

અર્જુન શરૂઆતમાં પ્રભાવિત થઇ રહ્યો છે, આનંદિત થઇ રહ્યો છે પણ જેમ જેમ એ પ્રભુના વિરાટ દર્શનને પામતો જાય છે અને પ્રભુ પણ ધીમે ધીમે ધીમે કરતાં પોતાના રૂપના અનેક અધ્યાયો એક પછી એક અર્જુન સામે ખોલી રહ્યા છે ત્યારે અર્જુન પોતે પણ થોડો ભયભીત થઇ જાય છે. એને કલ્પના નહોતી કે મારો બાળસખા, મારો સારથી જેને હું કૃષ્ણ સમજુ છું એ આવો સ્વરૂપધારી એક મહામાનવ છે, મહાયોગેશ્વર છે. અને પરિણામે એનાથી બોલાય છે,  ‘હે મહાબાહો, ઘણા મુખ અને આંખોવાળા, ઘણા હાથ, જાંઘ, પગ અને પેટવાળા અને ઘણી દાઢોથી ભયંકર એવા આપના વિશાળ વિશ્વરૂપને જોઈને પ્રાણીઓ ભયથી વ્યાકુળ થઇ ગયા છે તેમ જ હું પણ અત્યંત વ્યાકુળ થઇ ગયો છું.’

એનાથી બોલી જવાય છે કે, ‘ભગવાન અત્યાર સુધી તો ઠીક છે, હું  દર્શન કરતો હતો પણ હવે હું ભય પામું છું અને થોડો થોડો  વ્યાકુળ થઇ રહ્યો છું. હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા સ્વર્ગ સુધી વ્યાપ્ત સર્વરૂપી, પ્રજવલ્લિત, અનેક રંગવાળા, ઉઘાડા મુખવાળા અને તેજસ્વી નેત્રવાળા આપના વિરાટ સ્વરૂપને જોઈને મારું મન ભયથી વ્યાકુળ છે. હું દેહ ધારણ કરવાના સામર્થ્યને અને મનની શાંતિને, મનના સ્વાસ્થ્યને, મનની પ્રસન્નતાને પામતો નથી. આપના સ્વરૂપને જોઈ હું અત્યંત ચકિત થઇ ગયો છું.’  એ કહે છે કે, ‘મને આપનું સ્વરૂપ જોઈને મનની શાંતિ કે મનનું સ્વાસ્થ્ય કે મનની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી. હે વિષ્ણુ, હું તો એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો છું કે, હું કોને જોઈ રહ્યો છું ! એક પછી એક વર્ણન કરતા કરતા જયારે પોતાની વાત સામેના સ્વરૂપને જોઈને ટોચ ઉપર પહોંચે છે ત્યારે અર્જુન જુદી વાત કરી રહ્યો છે. વચ્ચે શ્રી ભગવાન પણ કહે છે,

“છું કાળ ઉઠ્યો જગનાશકારી, સંહારવા લોક અહીં પ્રવર્ત્યો; 

તારા વિનાયે  બચશે ન કોઈ, જે આ ખડા સૈનિક સામસામા.

તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ; 

પૂર્વે જ છે મેં હણેલ તેને, નિમિત્ત થા માત્ર તું સવ્યસાચી. 

શું ભીષ્મ, કે દ્રૌણ, જયદ્રથેય, કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,- 

મેં છે હણ્યાં, માર તું, છોડ શોક, તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ.”

ભગવાન તક ઝડપી લે છે અને તક ઝડપીને ભગવાન પાનો  ચડાવતા એવું કહી દે છે કે, ‘તું ઉભો થા, આ બધાને હું અગાઉ મારી ચુક્યો છું, તારે કશું  નવું કરવાનું નથી. તારે તો માત્ર મેં જે કાર્ય કર્યું છે એના માટે સાહસ કરવાનું છે. લોકોનો સંહાર કરનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો કાળ હું છું. લોકોને સંહાર કરવા પ્રવર્તેલો હું છું. આ શત્રુઓની સેનામાં જે શત્રુઓ ઉભા છે ને તે સર્વે તારા સિવાય, તું યુદ્ધ ન કરી શક તો પણ બચશે નહીં, એટલું તું બરાબર સમજી લે.’ પોતાના વિરાટ રૂપની સાથે પોતાની વિરાટ શક્તિનું વર્ણન ભગવાન કરી રહ્યા છે.

કાળનું સામર્થ્ય કેટલું છે, એ સામર્થ્ય વર્ણવવા માટે ભગવાન પોતાની વાત પોતાના દ્વારા કરી રહ્યા છે. અહીં ભગવાન એવો અંગુલી નિર્દેશ કરે છે કે સર્જનહાર તરીકે હું પોતે હણવા નીકળેલું  વ્યક્તિત્વ છું. ‘શ્રીમદ ભગવદ ગીતા સંજીવની’ નામના ભાષ્યમાં એક સુંદર વાત કાળના સામર્થ્ય અંગે કરવામાં આવી છે… પંપા સરોવરમાં સ્નાન કરતી વખતે ભગવાન રામે સરોવરની બાજુમાં એક સ્થળે પોતાન ધનુષ્ય વગેરે દાટી રાખ્યા. સ્નાન કર્યા પછી લક્ષ્મણે ધનુષ્ય આદિ બહાર કાઢ્યા ત્યારે તે લોહીથી ખરડાયેલા હતા. આ જોઈને ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, જરૂર કોઈ જીવ માર્યો ગયો હશે.’  શ્રી લક્ષ્મણે થોડી માટી ખોદી જોયું તો એક મોટો દેડકો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો. ભગવાન રામે દેડકાને પૂછ્યું, ‘ધનુષ્ય દાટવામાં આવ્યું ત્યારે તેં બૂમ કેમ ન પાડી ? સાપ કરડે છે અથવા કોઈ પણ જાતનો ભય જણાય છે ત્યારે તો તું તત્કાલ મારા નામનો પોકાર કરે છે. તો પછી આ વેળા બિલકુલ શાંત રહેવાનું શું પ્રયોજન ? જો તેં  ચીસ પાડી હોત તો હું તને જરૂર બચાવી લેત.’  દેડકાએ જવાબ આપ્યો તે કાન ખોલીને સાંભળવા જેવો છે, ફાટી આંખે વાંચવા જેવો છે. ‘હે પ્રભુ, સાપ કરડવા આવે કે ભય કે સંકટ સમયે આપને પોકારું એ સ્વાભાવિક છે, કારણકે આપ સમાન બીજો કોઈ રક્ષક નથી. પણ જયારે આપ જ મારવા પ્રવૃત થાઓ ત્યારે સહાય કે રક્ષણ માટે આપને પોકારવાનું શું પ્રયોજન ? કાળ જેનો ગ્રાસ કરવા પ્રવૃત થયો છે, તેનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ?’  આપણે પણ કેટલાય લોકોને માટે એવું કહીએ છીએ કે, હમણાં તો એની સાથે હું વાત કરતો હતો આટલી વારમાં એને શું થયું ? ચપટી વગાડતા જન્મ આપનારો મહાન વ્યક્તિ આપણને ઉઠાવી જનાર પણ બને છે, એ સત્ય અત્યારે અહીં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ રૂપથી દર્શિત થઇ રહ્યું છે.

ભગવાનનું આ વિરાટ રૂપ અને ભગવાનનો  શાબ્દિક પડકાર કે, “ઉભો થા મેં જેને હણ્યાં છે એને તું શોક છોડીને મારવા ઉભો થા, તું જૂજવા માંડ. તું રણે સ્વશત્રુઓને જીતીશ એવી હું તને બાંહેધરી આપું છું.” આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ જયારે થોડો સમય રોકાય છે ત્યારે સંજય બે હાથ જોડીને  એવું બોલે છે કે,  ‘હે ભગવાન હું આપને વિનંતી કરું છું, ફરી ફરીને વંદન કરું છું, હું ડરી ગયો છું એટલે હું નમું છું, હું આપને નમન કરું છું અને હું મારા ગદગદ કંઠે આપને કહેવા માંગુ છું કે બરાબર હું આપની વાતને અનુસરી શકતો નથી,  પરંતુ સમજી શકું છું. સમજવું મારા માટે સરળ છે પણ જયારે અનુસરણની વાત આવે છે તે હું કરી શકતો નથી.’ અર્જુને કહ્યું એ યોગ્ય છે કે, ‘આપના કીર્તનથી જગત અતિ હર્ષિત થાય છે. અને અનુરાગને પણ પ્રાપ્ત થાય છે. ભયભીત થયેલા રાક્ષસો સર્વદિશાઓમાં ભાગે છે અને સઘળા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરે છે. હે મહાત્મન,  બ્રહ્માના પણ આદિ કરતા અને સર્વશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ન કરે ? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસઃ આપ અવિનાશી છો જે વ્યક્ત અને અવ્યક્તથી પર છો. એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને બાબતોથી તમે પર છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી જ આ વિશ્વ પ્રાપ્ત થયું છે. આપ જ વાયુ છો, યમ છો, અગ્નિ છો, વરુણ છો, ચંદ્રમા છો, પ્રજાપતિ બ્રહ્મા છો અને પ્રપિતામહ બ્રહ્માજીના પણ કારણ છો. આપને હજારો વાર નમક્સર હો, નમસ્કાર હો… પુનઃ આપને નમસ્કાર કરું છું અને હું બહુ જ આનંદ પૂર્વક બહુ જ સંતોષપૂર્વક આપને અનુસરવા માટેની મારા જીવની તૈયારી માટે પ્રવૃત થઇ રહ્યો છું.’

“આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો.”

‘આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે.’

ભદ્રાયુ વછરાજાની                                (43)                      bhadrayu2@gmail.com 

અગિયારમો અધ્યાય વિરાટ રૂપ દર્શનનો અધ્યાય છે અને આપણે જોયું કે શ્રી અર્જુનની વિનંતીને લઈને આ વિશ્વરૂપ દર્શન મહાનાયક યોગેશ્વર કરાવી રહ્યા છે. વિચારવાનું એ છે કે, ત્રણ કાળમાં અને ત્રણ સ્થળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે અને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જ જોવાનો મળે અને પરમેશ્વરના તે રૂપનું  દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે અને એ ઇચ્છામાંથી આ અગિયારમો પ્રગટ થયો છે. 

ભગવાન આપણને ઈચ્છા, અપેક્ષા, કામ, વાસનાથી દૂર રહેવાનું કહે છે પણ તેઓ અર્જુનની એક સદ્ ઈચ્છાને અહીં માન આપીને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો એમ ભાષ્યકારો કહે છે. આ આખી વાત આપણને જાણવા, સમજવા, જોવા મળી એ સંજયને લઈને.. કારણકે સંજય પાસે અગાઉથી દિવ્ય દ્રષ્ટિ હતી અને સંજયનું  પોતાનું કાર્ય ધૃતરાષ્ટ્રને રણમેદાનમાં શું બની રહ્યું છે, કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેનું જીવંત પ્રસારણથી માહિતી આપવાનું  છે, જે ખરેખર ધૃતરાષ્ટ્રની સાથે આપણને સૌને પણ લાભાન્વિત કરે છે. સંજયે વાત કરી કે કેવા પ્રકારનું સ્વરૂપ ઘડાઈ રહ્યું છે, પણ સાથે સાથે એમણે  એવું પણ કહ્યું કે આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે. સંજય કહે છે કે, પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક પ્રકારે વિભક્ત થયેલા સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થાન પર સ્થિત થયેલું જોયું છે. અનંત ભાતનું વિશ્વ આખુંયે એક ભાગમાં દેવાધિદેવના દેહે અર્જુને જોયું તે  સંજય કહે છે, 

પછી અર્જુન આશ્ચર્યે હર્ષ, રોમાન્ચ ગાત્રથી, 

દેવને હાથ જોડીને નમાવી શિરને વદ્યો. 

આ સ્વરૂપ જોયા પછી આશ્ચર્યચકિત થયેલો, રોમાંચિત થયેલો અર્જુન શ્રદ્ધા ભક્તિ સાથે વિશ્વરૂપ દેવને પોતાનું  મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે અને હાથ જોડીને ઉભો રહીને બોલે છે,,,  

‘હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવતાઓને તથા અનેક પ્રકારના પ્રાણીઓના સમુદાયોને અને કમળ જેવા આસાન પર સ્થિત સૃષ્ટિના સ્વામી બ્રહ્માજીને, ઋષિઓને, દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.’ 

‘હે વિશ્વેશ્વર, હું આપને અનેક બાહુ, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા બધી બાજુથી અનંતરૂપોવાળા જોઉં છું.’ 

‘હે વિશ્વરૂપ, હું ન આપના અંતને જોઉં છું અને ન મધ્યને અને ન આદિને. હું આપને મુગટધારી, ગદાધારી, ચક્રધારી તથા બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્ય જેવા પ્રકાશમય જોવામાં બહુ કઠિન અને અપ્રમેય સ્વરૂપ બધી બાજુથી જોઉં છું.’ 

અર્જુન ગદગદ થઈ રહ્યો છે. અર્જુન પોતાના શબ્દો શોધી રહ્યો છે. અને એ શબ્દો શોધીને તે ભગવાનના સ્વરૂપનું આપણને વર્ણન કરી રહ્યો છે. 

‘આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો એવું મને લાગે છે. હું આપને આદિ, અંત અને મધ્યરહિત તથા અનંત સામર્થ્યથી ભરેલા અનંત બાહુઓવાળા તથા  સૂર્ય, ચંદ્ર રૂપી નેત્રોવાળા અને પ્રજવલ્લિત  અગ્નિમય મુખવાળા તથા પોતાના તેજથી આ વિશ્વને તપાવતા હોય તેવા આપને હું જોઈ રહ્યો છું.’ 

‘હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની મધ્યનું આ આકાશ તથા સમગ્ર દિશાઓ એક માત્ર આપથી જ વ્યાપ્ત છે. આપના આ અદભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક ભયભીત થઈ ગયા છે.’ 

વીસમાં શ્લોકમાં જે વાત અર્જુન કહે છે તે જ વાતને શ્રી વિનોબા ભાવે, વિનોબાજી જરા જુદી રીતે કહે છે. તેઓ એમ કહે છે કે,  ‘ભગવાનના દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે, આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને જાજુ ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે રૂડું, રૂપાળું, નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી, પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે એનો એક કકડો છે અને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે, તેવું મને જરાય લાગતું નથી.’ 

વિનોબાજી આપણને સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે,  જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરો પૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં માટીના એકાદ કણમાં પણ છે અને જરાય ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે જ એક ટીપામાં પણ છે. અમૂર્તનું નાનું સ્વરૂપ ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે.’  અને પરિણામે વિનોબાજી સતત સતત કહે છે કે,  મને વિરાટરૂપ જોવામાં રસ પડે છે એના કરતા એના સૂક્ષ્મ એક કણ કે એક બિંદુમાં એ રૂપ જોવાનું વધુ ગમે છે. હર એક ચીજની સાથે પરમેશ્વરનો સબંધ બાંધવાનો છે. મારામાં પરમેશ્વર છે તે જ પેલી વસ્તુમાં છે. આવો આ સબંધ વધારવો તેનું જ નામ આનંદ. આનંદની બીજી ઉત્પત્તિ જ નથી. પ્રેમનો સબંધ બધે બાંધવા લાગીએ અને પછી જોઈએ કે, શું થાય છે પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુ વેણુમાં પણ દેખાશે. 

એક વખત આ દ્રષ્ટિ કેળવાય પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળગણ  પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જવી જોઈએ અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હર એક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ  નજરે નહીં પડે. વિનોબાજી અર્જુનથી સાવ બીજા છેડા  ઉપર રહીને આપણને કહે છે કે, ‘અર્જુને વિરાટ સ્વરૂપ માટે ભલે પ્રાર્થના કરી ને એણે જોયું, પણ હું અને તમે તો આખું વિરાટ સ્વરૂપ જોઈ શકીએ એવી આપણી શક્તિ જ નથી.’ સ્વામી સચ્ચિદાનંદજી તો એવું પણ કહે છે કે વિરાટ સ્વરૂપ જોવા જઈએ તો આપણે તો ભયભીત થઈ ઉઠીએ. એટલે આપણે તો અર્જુનની દિવ્ય દ્રષ્ટિથી જોવાયેલું અને સંજયની દિવ્ય દ્રષ્ટિથી વર્ણવાયેલું જે વિશ્વરૂપ દર્શન છે એને જ માન્ય ગણીને આગળ વધવાનું  છે. એના જ દર્શનથી સંતૃપ્ત થવાનું છે. 

ત્રણેય લોક ભયભીત છે એવું વીસમાં શ્લોકમાં કહેવામાં આવ્યું એ વાત સંદર્ભે  સ્વામીશ્રી સચ્ચિદાનંદજી પણ કહે છે કે,  આ સ્વરૂપ જાણ્યા પછી તો ત્રણેય લોકની અંદર એક ભય પ્રાપ્ત થયો છે કે આપણે જેને ભગવાન કૃષ્ણ કહીએ છીએ એનું આ વિરાટ સ્વરૂપ ? આવું ? એટલે અર્જુન કહે છે કે, સમસ્ત દેવતાના સમૂહો આપમાં જ પ્રવેશ કરી રહ્યા છે. અને બીજા કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમુદાયો ‘કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ’ એમ કહીને ઉત્તમ સ્તોત્રો  દ્વારા આપની સ્તુતિ કરે છે. અનેક દિવ્ય સમુદાયો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે. 

એક પછી એક અર્જુન વિષરૂપ દર્શન કરતો જાય છે અને તેની સ્તુતિ કરતો જાય છે. અર્જુનની સ્થિતિ મોં ખોલતા પતાસું મળ્યા જેવી થઈ ગઈ છે.

જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ??

‘હે ઈશ્વર, જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો.’

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

                                          (42)                                                   

આ અગાઉ દસમા અધ્યાયમાં આપણને સમજાયું છે કે ,

‘પહેલાં સહેજે વર્તાઈ આવે એવો મોટો,,,પછી નાનો,,પહેલાં સાદો ને પછી ભેગવાળો,,,, એમ સર્વ વસ્તુઓમાં રહેલા પરમાત્માને જોવો,,તેનો સાક્ષાત્કાર કરવો,,, રાત અને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતા શીખવું.’

શ્રીમદ ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપદર્શનયોગ,  સહજતાથી તેને વિરાટદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘હે ઈશ્વર, તમારું  પેલું સંપૂર્ણ રૂપ જોઉં એમ મને થાય છે. જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો,’ આમ અર્જુને વિશ્વરૂપદર્શનની માંગણી કરી. 

આપણું જગત એ વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. વિશ્વ સાથે સરખાવીને જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારું આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે, એમ જણાશે. આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે અને સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે,,આપણને ભલે તે વિશાળ લાગે. જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ?? 

અહીં કુલ પંચાવન શ્લોકો છે, જેમાં ભગવાન, અર્જુન અને સંજય એમ ત્રિપદીમાં સંવાદ ચાલે  છે. જેમાં શ્રી ભગવાન તો કેવળ દસ જ શ્લોક બોલ્યા છે. સંજયે દુભાષિયા પણું નીભવવા આઠ જ શ્લોકનો ઉપયોગ કર્યો છે, જયારે બાકીના સાડત્રીસ શ્લોક તો અર્જુન જ બોલે છે !! ભગવાનના વિરાટદર્શનમાં શું શું જોવું છે તેની કલ્પના કરીને અર્જુન ભગવાનને કહે છે કે, મારે તમારું  આ અને પેલું અને તે અને અન્ય એવું રૂપ જોવું છે.

અહીં યાદ રાખીએ કે ભગવાન સમક્ષ માંગણી કરી ત્યારે શ્રી ભગવાન પોતાનું વિરાટદર્શન કરાવવા તૈયાર થાય છે.

પહેલા ચાર  શ્લોકોમાં અર્જુન કહે છે ::

મારા અનુગ્રહ અર્થે જે તમે આધ્યત્મજ્ઞાનનું 

પરં ગૂઢ઼ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો…1     

ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા,

તેમ અક્ષય માહાત્મ્ય, તમારા મુખથી પ્રભુ !….2

નિજને વર્ણવો જેમ, તેવું જ, પરમેશ્વર !

ઈશ્વરી રૂપ જોવાને ઈચ્છું છું, પુરુષોત્તમ ! ….3

મારે તે રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !

તો, યોગેશ્વર, દેખાડો નિજ અવ્યય રૂપ તે…..4

એક અધિકારી શિષ્ય તરીકે અર્જુન સૌ પ્રથમ  પોતાને શો લાભ અત્યાર સુધી થયો  છે તે કહે છે અને પછી હળવેકથી વિનયપૂર્વક કહે છે કે, ‘જો આપને  યોગ્ય લાગે તો મને આપનું  અવ્યય રૂપ દેખાડો.’ દસ અધ્યાય સુધીમાં અર્જુન હવે નક્કી કરી શક્યો છે કે, યુદ્ધ તો લડવું પડશે અને મને આના માટે  મારો સખા અને હાલનો મારો સારથી સલાહ આપે છે તે ભારે સક્ષમ વ્યક્તિત્વ તો છે જ..

ભગવાન વાતમાં થોડું મોણ નાખતાં આરંભે કહે છે કે,”મારા તો સેંકડો ને હજારો રૂપ છે. મારા રૂપના ઘણા પ્રકાર છે, આકાર છે અને વર્ણ પણ છે. અરે એમાં ઘણા આશ્ચર્યો પણ છે. તને ખ્યાલ છે કે મારા દેહમાં આજે અહીં એકસાથે સમગ્ર સચરાચર જગત આખું હાજર છે, પણ હા,,,એક શરત છે…” 

મને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું 

દિવ્ય દૃષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ…8

ભગવાને શરત એવી રીતે મૂકી કે અર્જુને તે સ્વીકારી એમ પણ ભગવાને માની લીધું. જો કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ વિરાટ રૂપને સર્વ દ્રશ્ય બનાવવા ઇચ્છતા ન હતા, એ લાભ તો કેવળ અને કેવળ સ્વયં સખા અર્જુનને જ મળે તે માટે તેઓએ અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ આપી. સંજય પાસે તો પહેલેથી દિવ્ય દ્રષ્ટિ હતી જ. એટલે એ રીતે ભગવાનનાં  વિશ્વરૂપદર્શનનો સીધો લાભ અર્જુન અને સંજયને મળ્યો અને બાકી સૌને સંજયવાણીથી મળ્યો. 

શ્રી વ્યાસજીએ અહીં જાણી જોઈને દિવ્ય દ્રષ્ટિવાળું ત્રીજું પાત્ર હાજર રાખ્યું છે. કારણ સંજય ધૃતરાષ્ટ્રને લાઈવ કોમેન્ટરી આપી રહ્યો છે અને તેના દ્વારા વ્યાસજી આપણને પણ વિરાટદર્શનથી લાભાન્વિત કરે છે. દિવ્ય ચક્ષુ આપ્યા પછીના છ શ્લોકમાં સંજય મારફતે આપણને ભગવાનના વિરાટ રૂપનું મોટું મોટું વર્ણન સાંભળવા મળે છે. સંજય આરંભે જ બે શબ્દો ઉચ્ચારે છે તેની આપણે નોંધ લેવી જોઈએ. મહાયોગેશ્વર અને ઈશ્વરી રૂપ. એટલે કે આ હવે કેવળ કૃષ્ણ નથી, પરંતુ એ મહાયોગેશ્વર છે અને તેનું રૂપ કોઈ રીતે સામાન્ય નથી પરંતુ એ ઈશ્વરી રૂપ છે. વળી, અર્જુનને પોતાના પક્ષના નામ પાર્થથી અહીં ઉચ્ચારાયો છે. સંજય કહે છે, “તેઓને ઘણા મોઢા છે, ઘણી આંખો છે, ઘણું અદભુત રૂપ છે. તેમણે  દિવ્ય આભૂષણો પહેર્યા છે તો કેટલાય  દિવ્ય આયુધોથી તેઓ સજ્જ છે. દિવ્ય માળા -વસ્ત્રો ધારણ કરેલ  છે અને દિવ્ય ગંધની અર્ચા ઓથી સૌને આશ્ચ્ર્યમાં મૂકી દે તેવું વિશ્વવ્યાપક દેવનું પૂર્ણ સવરૂપ પાર્થની  સમક્ષ છે, મહારાજ.”

મોકો કહા ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં

ભગવાન શ્રીકૃષ્ણએ અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે. 

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

(41)

વિનોબાજી દસમા અધ્યાયને વધુ સ્પષ્ટ કરતા કરતા આપણને કેટલાક પગથિયાં આપે છે. માણસમાં રહેલો પરમેશ્વર કેવો છે અને એને કેમ ઓળખી શકાય ?  તેઓ બહુ જ સુંદર મજાના ઉદાહરણથી આ વાત આપણને સમજાવે છે. મા શબ્દથી  ચડિયાતો બીજો શબ્દ ક્યાં છે ? મા એ સહેજે ઓળખાઈ આવે એવો પહેલો અક્ષર છે. મા, બાપ, ગુરુ અને સંતોમાં પરમેશ્વરને જુઓ. તેવી જ રીતે નાનાં બાળકોમાં પણ પરમેશ્વર જોતાં આવડી જાય તો કેવું મજાનું ! ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, સનક, સનંદન, સનકુમાર, બધાંયે નાનાં નાનાં બાળક હતાં. પણ પુરાણકારોને અને વ્યાસજી વગેરેને એમને ક્યાં મૂકીએ ને ક્યાં ન મૂકીએ એવું થયા કરે છે. શુકદેવ અને શંકરાચાર્ય બાળપણથી વિરક્ત હતા. જ્ઞાનદેવ પણ તેવા જ હતા. એ બધાંયે બાળકો. પણ તેમનામાં જે શુદ્ધ સ્વરૂપે પરમેશ્વરનો અવતાર થયો છે તેવો  શુદ્ધ સ્વરૂપે તે બીજે પ્રગટ થયો નથી.

ઈશુને બાળકોનું ખૂબ ખેંચાણ હતું. એક વખતે તેમના એક શિષ્યે તેમને પૂછ્યું, “તમે હંમેશ ઈશ્વરના રાજ્યની વાતો કરો છો. એ ઈશ્વરના રાજયમાં પ્રવેશ કોને મળશે?” પાસે જ એક છોકરું હતું. ઈશુએ તેને મેજ પર ઊભું રાખીને કહ્યું. “આ બાળકના જેવા જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે.” ઈશુએ જે કહ્યું છે તે સત્ય છે.

રામદાસ સ્વામી એક વખત બાળકો સાથે રમતા હતા. છોકરાંઓની સાથે સમર્થને રમતા જોઈ કેટલાક પીઢ લોકોને નવાઈ લાગી. તેમાંના એકે તેમને પૂછયું, “અરે, આજે આપ આ શું કરો છો ?સમર્થે કહ્યું, “ઉંમરે જે છોકરા જેવા હતા તે મોટા થઈ ગયા અને જે ઉંમરે જે મોટા હતા તે ચોર થઈને રહ્યા.” ઉંમર વધે છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે, પછી ઇશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે. બાળકને શીખવાય છે કે, “જૂઠું ન બોલવું.” તે સામો પૂછે છે, “જૂઠું બોલવું એટલે શું કહેવું ?” પછી તેને સિદ્ધાંત સમજાવવામાં આવે છે, “જેવું હોય તેવું કહેવું.” તે બાળકને બિચારાને મૂંઝવણ થાય છે. જેવું હોય તેવું કહેવાની રીત કરતા બીજી પણ કોઈ રીત છે કે શું? જેવું ન હોય તેવું કહેવું કેવી રીતે? ચોરસને ચોરસ કહેજે, ગોળ ન કહીશ એવું શીખવવા જેવી એ વાત થઈ. બાળકને નવાઈ થાય છે. બાળકો વિશુદ્ધ પરમેશ્વરની મૂર્તિ છે, મોટાં માણસો તેમને ખોટું શિક્ષણ આપે છે. ટૂંકમાં, મા, બાપ, ગુરુ, સંતો, બાળકો એ બધાંમાં આપણને પરમેશ્વર જોતાં ન આવડ્યું તો પછી તે ક્યા રૂપમાં દેખાશે ? પરમેશ્વરનાં ચડિયાતાં સ્વરૂપો બીજાં નથી. પરમેશ્વરનાં આ સાદા, સૌમ્ય રૂપો પહેલાં શીખવાં. એ બધે ઠેકાણે પરમેશ્વર નજરે તરી આવે એવા મોટા અક્ષરે લખેલો છે.

પછીની વાતમાં કહે છે સૃષ્ટિમાં રહેલો પરમેશ્વર જુઓ. સૃષ્ટિમાં છેક પહેલી ઉષા અને સૂર્યોદયની આગળ પ્રગટ થનારી એ દિવ્ય પ્રભાથી વિનોબાજી સૃષ્ટિમાં પરમેશ્વરને જોવાની શરૂઆત કરે છે. આપણને વૈદિક ઋષિએ કહ્યું હતું કે, પરમેશ્વરનો સંદેશો લઈને આવનારી એવી જે તું, તને જોઈને પરમેશ્વરરૂપ મારે ગળે ન ઉતરે તો તારું રૂપ મને ન સમજાય તો પરમેશ્વરને બીજું કોણ મને સમજાવી શકવાનું હતું ?  આવું સુંદર રૂપ ધારણ કરતી ઉષા ત્યાં ખડી છે પણ આપણી દ્રષ્ટિ ત્યાં જાય તો પરમેશ્વર દેખાય ?!?  ત્યાર પછી સૂર્ય માટેની વાત, ત્યાર પછી પાવની ગંગામાં ઈશ્વરને જોવાની વાત, પેલા વાયરાઓમાં દેખાતો અને સતત હાજર રહેતો ઈશ્વર જોવાની વાત, વેદના અગ્નિની ઉપાસનામાં ઈશ્વરને જોવાની વાત, અગ્નિને નારાયણ તરીકે સ્વીકારવાની વાત.. આમ ધીરે ધીરે કરતા એકોએક સૃષ્ટિના તત્વોમાં આપણને  ઈશ્વર દેખાવો જોઈએ.

વિનોબાજી પછી પ્રાણીઓમાં રહેલા ઈશ્વરની વાત કરે છે. આપણું કામકાજ કરનારા પેલા ઢોર, પેલી ગાય કેટલી બધી વત્સલ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાના વાછરડાને સારું બબ્બે બબ્બે ત્રણ ત્રણ માઈલથી સીમમાંથી અને વગડામાંથી તે દોડતી આવે છે. એવી જ નદીઓ ચાલતી જાય છે. ઋષિ નદીને કહે છે, હે દેવી દૂધના જેવું પવિત્ર પાવનને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી જેમ વનમાં રહેવાતું નથી તેમ તમે નદીઓ પણ ડુંગરોમાં રહી શકતી નથી. તમે કુદકા મારતી તરસ્યા બાળકોને મળવા આવો છો. વત્સલ ગાયને રૂપે ભગવાન આપણા આંગણામાં ઉભો છે. પેલો ઘોડો કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર. આ ઘોડામાં આપણે ઈશ્વરને જોયો છે ? અને હા સિંહ.,સિંહ એટલે આપણને હજુ પણ આશ્ચર્ય પમાડે એવું એ પ્રાણી છે. સિંહ એ પરમેશ્વરની પાવન વિભૂતિ છે એવું લાગે તેવું પ્રાણી છે. એંડ્રૉક્લિસ અને સિંહની વાત વિનોબાજી કહે છે મેં બચપણમાં વાંચેલી. કેવી મજાની વાર્તા છે. તે ભૂખ્યો સિંહ એંડ્રોકલીસના પહેલાના ઉપકાર યાદ કરીને  તેનો દોસ્ત બની જાય છે અને તેના પગ ચાટવા માંડે છે. આ શું છે ? એંડ્રોકલીસે સિંહમાં પરમેશ્વરને જોયો હતો. શંકરની પાસે સિંહ હંમેશા હોય છે. સિંહ ભગવાનની દિવ્ય વિભૂતિ છે. અને વાઘની શું મજા ઓછી છે ? તેનામાં ઘણું ઈશ્વરી તેજ પ્રગટ થયું છે. આમ કરતા કરતા વિનોબાજી સાપની સાથે આપણી દોસ્તી કરાવે છે અને છેલ્લે તો થાકી હારીને એમ કહે છે કે, આવી કેટલી વાત તમને ગણાવું. રામાયણનો  આખો સાર આવી જાતની રમણીય કલ્પનાઓમાં સમાયેલો છે. રામાયણમાં પિતા પુત્રનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બધું છે. રામની વાનરો સાથેની દોસ્તી થઇ એટલા ખાતર  આપણે નાના નાના જીવના પરિચયમાં આવ્યા અને આપણને ખ્યાલ આવ્યો કે પ્રત્યેક જીવમાં ભગવાન બેઠા છે.

એક વિચિત્ર શીર્ષક બાંધીને વિનોબાજી કહે છે કે, દુર્જનમાં પણ પરમેશ્વરનું દર્શન કરવું. સૃષ્ટિના વિવિધ રૂપો તો ખરા. પણ સાથે સાથે અર્થ એવો રાખવાનો કે દુર્જન વ્યક્તિ છે,  ડાકુઓની સરદાર છે, ક્રૂર છે, હિંસક લોકો છે, ઠગ છે, દુષ્ટ છે, ચોર છે પણ ના, બધાય બ્રહ્મ છે. વેદમાં કહ્યું કે,

નમો નમઃ સ્તેનાનં પતયે નમો નમઃ 

નમઃ પુંજિષ્ઠયેભ્યો નમો નિષાદેભય: 

બ્રહ્મ દાશા બ્રહ્મ દાસા બ્રહ્મેમે કિતવા: 

સૌને નમસ્કાર કરો. એનો અર્થ એટલો કે સહેલા અક્ષરો પચાવ્યા, તેમ અઘરા અક્ષરો પણ પચાવવાના,. સ્થૂળ અને સૂક્ષ્મ, સાદું અને ભેગવાળું, સહેલા અક્ષરો અને જોડાક્ષરો ઓળખતા શીખવાના,.છેવટે પરમેશ્વર વગરનું એક પણ સ્થળ નથી તેની આપણે પાકેપાકી અનુભૂત થાય ત્યાં સુધી બધું આત્મસાત કરતા રહેવાનું. સૌની એક સરખી રીતે સંભાળી રાખનારો  કૃપાળુ, જ્ઞાન વત્સલ, જ્ઞાન મૂર્તિ, સમર્થ, પાવન, સુંદર એવો પરમાત્મા સર્વેની આસપાસ સર્વત્ર ઉભો છે. એવો સાર આ દસમા અધ્યાયમાં આપણી સમક્ષ છે. ભગવાન શ્રીકૃષ્ણએ  અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે.  આપણને ઈશ્વર એ કહેવા માંગે છે કે, હું ક્યાં નથી ? તમે શોધ શોધ ન કરો. મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. ક્યાં છે ઈશ્વર ? બધે જ ઈશ્વર છે.

“અક્ષરોમાં આકાર હું છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું,,,,”

‘હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા.’

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com

                                              (40)

ભગવાન શ્રી કૃષ્ણ જયારે એમ કહે છે કે,  ‘મુજ વાસુદેવમાં તેઓ નિરંતર રમ્યા કરે છે’, ત્યારે તે યાદીમાં તેઓ આટલા વ્યક્તિત્વોને જોડે છે:

૧) નિરંતર મારામાં મન પરોવી રાખનારા

૨) મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો

૩) મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા

૪) ગુણ અને પ્રભાવ સહિત મારું કથન નિત્ય, નિરંતર સંતોષી રહેનારા છે એ સદાય મારામાં જ રહે  છે.

ભગવાન કહે છે કે, “નિરંતર  મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા હોય અને પ્રેમથી ભજનારા હોય એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું કે જેનાથી એ ભક્તો મને જ પામે છે. તમે જો પૂર્ણ રીતે સમર્પિત થાઓ તો ઈશ્વર પણ પૂર્ણરૂપે તમારી પાસે આવી વસે છે.” ભગવાન કહે છે કે,  “હે અર્જુન, મેં હમણાં વર્ણવ્યા તે અનુગ્રહ કરવા માટે એમના અંત:કરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનથી જન્મ થયેલા અંધકારને ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દિપક દ્વારા નષ્ટ કરવાની જવાબદારી લઉં છું.” અર્જુન બોલ્યા કે, ‘ભગવાન આપની બધી વાત સાચી છે. હું સંમત છું. આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમપવિત્ર છો, કારણ કે આપને બધા જ ઋષિજનો, સનાતન દિવ્ય પુરુષો, દેવોના આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે, એવું જ દેવર્ષિ નારદ, અસિત, દેવલઋષિ મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને આપે મને પણ કહ્યું છે તો હવે હે કેશવ,  મને આપ જે કંઈ  કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા. આપ કહો છો તે શબ્દો  બધા બરાબર છે પણ આપ કેટલી લીલા કરો છો અને લીલામય સ્વરૂપ શું છે તે કોઈ જાણતું નથી. તેથી હે સર્વના સર્જનહાર, હે સર્વભૂતોનાં ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરષોતમ, આપ પોતે પોતાના વડે પોતાને જાણો છો પણ આપ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણ કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ સકળ લોકોને વ્યાપી રહ્યા છો.’  અર્જુન કહે છે હે યોગેશ્વર,  હું ક્યાં પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું ? આપ ક્યા ક્યા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો આ મને સમજાવો. હે જનાર્દન, પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, મને અસંતોષ રહે છે. આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને જાણે તૃપ્તિ જ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજીયે વધતી જ રહે છે એટલે હે જનાર્દન, આપની આ લીલા સ્વરૂપની અને સમગ્ર વિભુતિતત્વની વાત વર્ણનપૂર્વક મને કહો.’ 

શ્રી ભગવાન કહે છે, “કુરુશ્રેષ્ઠ,  હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું. કારણકે મારા વિસ્તારનો તો અંત જ નથી. કેટલું કહું તને ! કેટલું ન કહું પણ મુખ્ય મુખ્ય વિભૂતિઓ મારી દિવ્ય વિભૂતિઓ છે તેનો ટૂંકમાં સાર આપું.” એ કહે છે કે, તેં  તો નિંદ્રાને ત્યજી છે. એ નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. સર્વભૂતિનો આદિ હું છું, મધ્ય હું છું અને અંત પણ હું જ છું. હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલિ સૂર્ય છું. તથા ૪૯ વાયુદેવતાઓનું તેજ અને નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા હું પોતે છું.”  ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ સ્વરૂપે પોતાનું વર્ણન કરતા જાય છે અને કહે છે કે, “વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓની ચેતના એટલે કે એની જીવન શક્તિ જ હું છું. (આ પ્રાણીમાં આપણે પણ આવી જઈએ.) હું ૧૧ રુદ્રમા શંકર છું. યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું ૮ વસુઓમાં અગ્નિ છું. અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું. પુરોહિતોનો મુખ્ય બૃહસ્પતિ હું છું, તું મને એ રીતે ઓળખ. હે અર્જુન, હું સેનાપતિઓમાં સ્કંદ  અને જળાશયોમાં વિશાળ સમુદ્ર છું.  હું મહર્ષિઓમાં ભૃગુ  અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર ૐકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું.” (આ જપયજ્ઞ શબ્દ આવ્યો એના વિષે એક જ વાક્યમાં એટલું ઉમેરવું પડે કે, કળિયુગની અંદર કોનો મહિમા વધશે ? ત્યારે જવાબમાં કહેવાયું છે કે, કળિયુગમાં નામજપનો એટલે જે જપયજ્ઞનો બરાબર મહિમા વધશે કારણ કે કર્મો દ્વારા, વચન દ્વારા જે નહીં થઇ શકે એ સતત જપ એટલે કે ઈશ્વર સ્મરણથી થઇ શકશે.) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, “બધા વૃક્ષોની વાત કર તો પીપળાનું વૃક્ષ હું છું, દેવર્ષિઓની વાત કર તો નારદમુનિ હું છું. ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિધ્ધો થઇ ગયા એમાં કપિલમુનિ પણ હું છું. તું એમ કહે છે પ્રાણીમાત્રમાં હું વસું  છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચે:શ્ર્વા નામનો અશ્વ હું છું. ગજેન્દ્રો એટલે કે હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યમાં રાજા હું છું, માટે એ રીતે તું મને ઓળખ. હું શસ્ત્રોમાં વજ્ર  અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું. (શાસ્ત્રોક્ત પ્રકારે બરાબર અહીં સમજવું પડશે. ‘શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો હેતુ છે એ કામદેવ હું છું.’ અશાસ્ત્રીય રીતે જો વાસના પૂરી કરવા કામનો ઉપયોગ કરવામાં આવે તો એમાં એ નથી. આ સ્પષ્ટતા ખાસ જાણી લેવા જેવી છે.) સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણદેવતા હું છું. તેમજ પિતૃઓમાં અર્યમા  નામનો પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ હું છું. (નાગ અને સર્પ એ બે પ્રકારની સર્પોની જ જાતિઓ છે.) ભગવાન કહે છે, “કેટલું જાણવું છે તારે.? હું દૈત્યોમાં પ્રહલાદ છું અને ગણના કરનારાઓનો  સમય છું. પશુઓમાં મૃગરાજ સિંહ છું અને પ્રાણીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું, માછલીઓમાં મગર છું અને નદીઓમાં ભાગીરથી ગંગાજી હું છું. હે અર્જુન, આ  બધી જ સૃષ્ટિનો આદિ કહે , અંત કહે કે મધ્ય કહે જે કહે તે બધું હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું. અક્ષરોમાં આકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, અક્ષયકાળ એટલે કે કાળનો ય મહાકાળ અને સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ભરણપોષણ કરનાર કોઈ નથી, પણ  હું છું.”

શ્રી દલપત પઢીયાર

અસ્મિતા વિશેષ સંવાદ : (36)

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

શ્રી દલપત પઢીયાર. નિવૃત્ત વરિષ્ઠ સરકારી અધિકારી, પણ એ તો એમની  સ્થૂળ ઓળખ પણ સૂક્ષ્મ ઓળખ એ કે દલપત પઢીયાર અંતર યાત્રા ના સાધક છે. તેઓ ઉત્તમ કવિ છે અને લોકઢાળના ગીતોના સર્જક છે. શ્રી રવિભાણ પરંપરાના ગાદીપતિ છે. તેઓએ સંવાદમાં કેટલીક  ઊંડાણભરી વાતો બહુ સહજતાથી પેશ કરેલ છે. આવો, દલપત પઢિયારની એક સ્પર્શીલી ઘટનાથી સંવાદનો માહોલ ઘડીએ. 

“મારી સાતમી પેઢીનો વડવો વીરદાજી.  એ બધી રીતે પૂરો. બધા અપકૃત્યો કરે. મોટી રાડ હતી એની..પહેલા એવું કહેવાતું કે વડોદરાનું દાતરડું ખોવાયું હોય ને તો અનઘડ કહાનવાડી વાળા લઇ ગયા હશે એવી છાપ હતી. ધાડ પાડનારા ખરા અમારા લોકો એ જમાનામાં. ધાડ બહારની પણ પાડે અને અંદરની પણ પાડે તે સાચો. અને વીરદાજીની ધાડ અંદર પડી ગઈ. મારા ઘરની જ વાત કરું તો એમણે મોર મારેલો, મોરની હત્યા કરેલી..મોરની હત્યા કરીને ઘરની અંદર જ એનું બધું સાફસૂફ કર્યું.

એનો બાપ મારો વડવો ભવાનદાસ કરીને,  એ ભગત. ભજન સિવાય એને કંઈ ગમે નહીં. અને શેરખી જે રવિભાણ સંપ્રદાયની બહુ પહેલી જગ્યા. એના સાધુ અમારે ત્યાં ગામમાં આવતા. એની સાથેની બેઠક ઉઠક એટલે એ ભગત,, પણ સોબત વીરદાની જુદી એટલે એણે પોતાના કર્મો કરી જ રાખેલા. એટલે એક દિવસ એવું થયું ભવાનદાસજીને કે આ તો નહીં સુધરે, આનું શું કરવું, પણ હવે બીજું કઈ થાય નહીં..એટલે પિતાજી  ભવાનદાસજીએ મરી જવાનો વિચાર કર્યો.  હવે શું જીવીને કરવાનું જ્યાં આવું બધું ઘરમાં થાય છે… એટલે એણે અમારું જૂનું ઘર હતું. તે ઘરમાં મોટી પાટડી. ત્યાં એક ફાંસો બાંધીને મરી જવાનો વિચાર કર્યો.  તે જ દિવસે શેરખીના કોઈ મહારાજ (નામ યાદ નથી દયાળદાસ કે કોઈ હતા) તે આવી ગયા. અને ફાંસો ખાતા ભવાનદાસને  અટકાવ્યા. એમણે કહ્યું કે,  મારો દીકરો જો એનાં કૃત્યો ન છોડવાનો હોય તો મારો દેહ મારે રાખવો નથી, હું આ દેહ છોડી દઈશ. બે માંથી એક જ વસ્તુ નક્કી છે. આ સંકલ્પ હતો… કંઈક જોગ હશે. વીરદાને બોલાવ્યો તે દિવસે પેલો ગામમાં પણ હતો. ખબર નહીં વાતો જે સાંભળી છે એ કહું કે એણે  આવીને જોયું તો પોતાના પિતાના  ગાળામાં ફાંસો છે ને  સાધુ ઉભા છે. એને સાધુ સાથે કંઈ નિસબત નથી. પિતા પરનો પ્રેમ ઓછો નથી પણ કર્મ વળગેલું હતું એટલે સોબત હતી અને સાધુને પણ કોણ જાણે શું હિંમત હતી કે એ મોટી લાકડી રાખે તે  સાધુએ લાકડી  વડે વીરદાને ખુબ માર્યો. હવે આ તો એક સાથે દસને વધેરી નાખનારો બહારવટિયો.. તે  સાધુ એ માર્યો પણ  એ ઉભો રહ્યો. એ જ તો વાત છે  કે જોગ હશે. એ ઉભો રહ્યો.  કહે શું છે ? તો કે જો આ તારા કર્મે તારો બાપ મરવાનો છે  તું નક્કી કરી લે આજે કે,, તારે બાપ જોઈએ છે કે પાપ જોઈએ છે ?  હવે તું નક્કી કરી લે અને સાહેબ, શું લાગ્યું તો એણે એ ફાંસલો ઉતારીને પોતાના ગાળામાં પહેરી લીધો. તમારે ના જવાનું હોય જવાનું હોય તો મારે જવાનું હોય. સાધુએ એ બેયને ઉતાર્યા તે દિવસથી મારા ગામમાં દીવો છે.  આજે હું સાતમી પેઢીનો એનો વારસ છું. ગાદી છે અને રવિભાણ  સંપ્રદાયની ગાદીનો હું આજનો ઉત્તરાધિકારી છું. 

મારી જગ્યાના અઢીસો ગામ છે. અઢીસો ગામમાં અમે સાત પેઢીથી કામ કરીએ છીએ. અને કેટલાક ગામ તો ૫૦૦૦ કે ૨૦૦૦ ની વસ્તીવાળા આખા ગામ છે. અને અઢીસો  ગામમાં અમારા અનુયાયીઓ છે ને એ વિસ્તરતા ગયા છે. એ માણસે પહેલ વહેલું આ કામ શરૂ કરેલું. છોડ્યું તે દિવસથી છોડ્યું. અને બીજે દિવસથી ઘોડો લઈને જતો રહ્યો. એ ઘોડો રાખતા. અને ઘોડો લઈને ગામમાં ગયા કે હવે આ દેશમાં એવું તો કંઈક જગાડીને જ આવીશ મારા ગામમાં.. સાંજે ગયા તો કહેવાય છે કે, સંધ્યા ટાણે એક માતાજીને ભોગ ધરાવાતો પશુઓનો. વીરદાજી માટે તો ગઈ કાલનો જ બનાવ હતો. એ  જઈને ઉભો રહ્યો અને કીધું કે, આ બરાબર નથી એટલે કે આ ભોગ  ન ધરાવાય.  ગામની વચ્ચે કહે છે કે આ બરાબર નથી અને આખી રાત ઉભો રહ્યો છે કે આની હત્યા નહીં થઈ શકે. હવે. તમારે જે કરવું હોય એ કરો. એની જગ્યાએ મને તમે વધેરો તો મને વાંધો નથી. પણ આ પ્રાણીઓને છોડવા પડશે  અને સવાર સુધી ચાલ્યું આ બધું. ત્યારનું તો જડત્વ ને બધું દેખીતું છે પણ વીરદાજીએ  કીધું તમારે ભોગ જ ધરાવવો હોય તો હું છું. એટલે એણે સાતેય પ્રાણીઓના ગળામાં પહેરાવેલા હાર જાતે પહેરી લીધા અને પછી એ ભોગની જે જગ્યા હતી ત્યાં ઉભો રહ્યો. આ તો છૂટશે જ… મને તમે કરો.. તમારી વિધિ પુરી થઈ જશે.  સવારની વેળાએ સાતેયના પ્રતીક રૂપે તે દિવસે સુખડીનો પ્રસાદ થયો અને પેલા પ્રાણીઓ છૂટ્યા. આ પ્રથા આજે પણ ત્યાં પ્રસાદની જ છે… આ કામ અમારું આજે પણ અમે કરીએ છીએ.”

 

હું વાસુદેવ છું અને હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું

શ્રીમદ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ તરીકે પ્રસિદ્ધ છે અને તેમાં શ્રી ભગવાનની  એક દિવ્ય વિભૂતિ તરીકે ઓળખાણ થાય છે.

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com

                                            (39) 

આપણે ગીતાના દસમા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગળના નવ અધ્યાય કે જેમાં ગીતાનો અડધો ભાગ સમાયો છે તેને ફરી એકવાર વિહંગાવલોકનથી જાણી લઈએ.

પહેલા અધ્યાયમાં ગીતા મોહ નાશને અર્થે અને સ્વધર્મની પ્રવૃત્તિમાં પ્રેરવાને અર્થે આપણને વાત કરે છે. બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંત કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞ એ બધાનું આપણને દર્શન થાય છે. ત્રીજો, ચોથો અને પાંચમો એ ત્રણ અધ્યાયોમાં કર્મ, વિકર્મ અને અકર્મ બાબતોનો ખુલાસો કર્યો છે. કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરવું તે, વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલે ત્યારે અંદરનું માનસિક કર્મ તેને સહાય કરવા ચાલે એ વિકર્મ છે. અને કર્મ વિકર્મ બંને એકરૂપ થતા ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય, વાસનાઓ શમી જાય ત્યારે આવે તે અકર્મ દશા છે. અકર્મ દશા એ અંતિમ સાધ્ય છે. આ સ્થિતિને  જ મોક્ષ કહેવામાં આવ્યો છે.. તેથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઇ ગયો છે.

હવે છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન યોગ બતાવી, અભ્યાસ અને વૈરાગ્યનો સાર  આપણને સમજવવામાં આવ્યો છે. સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન આપણને બતાવ્યું છે. વિનોબાજી  સાતમા અધ્યાયને પ્રપત્તિયોગ કહે છે,  તો આઠમાં અધ્યાયને સાતત્ય યોગ કહે છે. તેઓ એવું કહે છે કે,  ક્યાં સુધી સાધના કર્યા કરવી ? એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં, ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ જ રાખવાની છે.

આ સાતત્યયોગની વાત કર્યા પછી નવમા અધ્યાયમાં તદ્દન સાદી છતાં જીવનનો આખો રંગ પલ્ટી નાખનારી વસ્તુ ભગવાને આપી અને એ છે રાજયોગ. જે જે કર્મો ક્ષણે ક્ષણે થયા કરે તે બધાને ઈશ્વરાર્પણ કર,  એમ નવમો અધ્યાય આપણને કહે છે. આ એક જ વાતથી શાસ્ત્ર સાધન બધાએ કર્મો, વિકર્મો બધું ડૂબી જાય છે. અને સર્વ કર્મ સાધના આ સમર્પણ યોગમાં ડૂબી ગઈ. સમર્પણ યોગ એટલે રાજયોગ.

હવે દસમા અધ્યાયની શરૂઆત થાય છે. દસમા અધ્યાયમાં કુલ ૪૨ શ્લોકો છે. અને આ ૪૨ શ્લોકોને આપણે  ત્રણ ભાગમાં અવશ્ય વહેંચી શકીએ.  દસમા અધ્યાયને  વિભૂતિ યોગ કહેવામાં આવ્યો છે.  એમને જો સમજવા માટે સરળ બનાવવું હોય તો આપણે એને ત્રણ ભાગમાં મૂકી શકીએ. પહેલા ભાગની અંદર પરમ પવિત્ર વાણીની વાત થઇ છે. વાણી દ્વારા આપણી ઘણી બધી શંકાઓ સ્પષ્ટ થઇ જાય. ઈશ્વર અહીં આપણને ખાતરી પણ આપે છે કે, આ બધું મેં જાણ્યું છે, સમજ્યું છે અને અનુભવ કર્યો છે, પછી તમને કહું છું.  ભૂતિ, વિભૂતિ અને યોગ એવા ત્રણ નામથી બીજા  ભાગને ઓળખી શકીએ  અને એમાં  મૂળ વ્યાખ્યા આપ્યા પછી આપણને યોગ સુધી લઇ જવાનું કામ આવે  છે. ત્રીજો ભાગ એ વિભૂતિ યોગનો છે જે  ભાગ થોડો વિસ્તૃત છે.  આ ત્રણ ભાગ ૪૨ જેટલા શ્લોકોથી સભર છે. 

શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર ખાતરી આપીને કરે છે કે,  “ હું જે અત્યારે કહું છું તે મારી પરમ વાણી છે,  હું તારો હિતેચ્છુ છું અને તું મારામાં પ્રેમ શ્રદ્ધાભાવ ધરાવે છે એથી તારા હિત માટે મેં જેટલી પહેલા વાત કરી છે તેમાં તને પ્રીતિ લાગી હોય એવું મને દેખાય છે,  તેથી હું ફરીને ટૂંકમાં તને બધી વસ્તુ કહી જાઉં તે તું ધ્યાનથી સાંભળ.”  એટલે કે, આ દસમા અધ્યાયની શરૂઆત આપણને ફરી એકવાર શ્રદ્ધાપૂર્વક પોતાની વાતને માનવા માટે  પ્રેરે છે. ભગવાન ઉમેરે છે કે, “મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌલિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા. કારણ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું એટલે કે એમના જન્મનું કારણ એમની ઉત્પત્તિનું કારણ પણ હું છું. જે મને અજન્મા કહે છે, એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ કહે છે, જે સર્વ લોકોના  મહાન ઈશ્વર તત્વથી મને જાણે છે એ અન્ય બધા માણસોમાં એ જ્ઞાની માણસ છે અને એ સર્વ પાપોથી છૂટી જાય છે. નિશ્ચય  કરવાની શક્તિ,  યથાર્થ જ્ઞાન, ક્ષમા, અસંમૂઢતા, સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ કરવો, સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અને અભય અહિંસા, સમતા, સંતોષ તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ આ પ્રાણીઓના વિવિધ પ્રકારના ભાવ ખરેખર જે દેખાય છે તે મારાથી જ દેખાય છે.” 

“સાત મહર્ષિજનો,  ચાર એમની પણ પૂર્વે થયેલા સનકાદિ અને સ્વંયમભુ આદિ ૧૪ મનુઓ, (આ બધાની વાત આપણા શાસ્ત્રમાં બહુ આવે છે), મારામાં ભાવ રાખનારા આ બધા  મારા સંકલ્પથી જન્મેલા છે. જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે.  એટલે કે મહર્ષિ હોય કે સનકાદિ ઋષિઓ હોય એ બધા ભગવાન કહે છે કે, “ મારે લઈને જન્મેલા લોકો છે. જે માણસ મારી પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિયોગથી ભરપૂર થઇ જાય છે,  એમાં તારે લેશમાત્ર શંકા રાખવાની જરૂર નથી. હું વાસુદેવ છું અને આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રકારે તું  સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા જે બુદ્ધિમાન ભક્તો છે એ મુજ પરમેશ્વરને નિરંતર ભજતાં હોય છે.”

ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી

સન્યાસ એટલે અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ  અને કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                 (38)

આપણને હંમેશ  એવી મૂંઝવણ હોય છે કે ભગવાન પાસે તો બધું છે, તેને વળી આપણે શું અર્પણ કરી શકીએ ? ભગવાન આપણી મૂંઝવણનો ઉકેલ આપે છે. મનુષ્ય જે કોઈ સ્થૂળ પદાર્થો અર્પણ કરે તેનું વિશ્વપતિને કોઈ મહત્વ નથી ; પરંતુ તે અર્પણ પાછળ રહેલા પ્રેમ અને ભક્તિને જ ઈશ્વર સ્વીકારે છે, પછી ભલે પત્ર, ફળ, ફૂલ, સોનાનું મંદિર કઈ પણ હોય તેનું મહત્વ નથી. ભગવાન બહુ સ્પષ્ટ છે કે, “શુદ્ધ અંત:કરણવાળા ભક્ત ધ્વરા ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવેલી ભેટનો હું સ્વીકાર છું. તેથી હે કુંતી પુત્ર, તમે જે કંઈ કર્મ કરો છો, જે કંઈ કહો છો, જે કંઈ હવન કરો છો, જે કંઈ દાન આપો છો અને જે કંઈ તપ કરો છો, તે બધું તમે મને અર્પણ કરો. તમે આ પ્રમાણે કરશો તો કર્મના બંધનોથી મુક્ત થઇ જશો અને સન્યાસયોગથી સભર અંત:કરણવાળા બનીને તમે પ્રાપ્ત થઇ જશો,” અહીં સન્યાસ શબ્દની ગીતા વ્યાખ્યા સમજી લેવા જેવી છે. સન્યાસ એટલે સંસાર છોડવાનો નથી પણ, (1) અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ કરવાનો છે અને (2) કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ કરવાનો છે.

આ તકે વિનોબાજીએ ટાંકેલ એક પ્રસંગ જાણવા જેવો છે: 

“નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, “આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે.” ગીતામાંનો ‘देशे काले च पात्रे च’  દેશ, કાળ ને પાત્ર જોઈ, એ શ્લોક પણ મે ટાંકી બતાવ્યો. માએ કહ્યું, “જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે.” માના આ ઉત્તરનો જવાબ હજી મને સુઝુયો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત-ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારું  માનવો? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું?”

વિનોબાજીના ગીતા પ્રવચનો તો અદભુત છે એવું આપણે અગાઉ પણ કહી ચુક્યા છીએ, પરંતુ તેઓના કેટલાક અવલોકનો તો કાબિલેદાદ છે. તેઓ કહે છે : થોડું પણ મીઠાશભર્યું .અને પછી ઉમેરે છે : “पत्रं पुष्पं फलं तोयम – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ સવાલ નથી, કઈ ભાવનાથી આપો છો એ મહત્વનું છે. એકવાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસર કહ્યું, “અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરું છે.” તો પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણનું કામ કરું છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, “અઢાર વરસ સુધી બળદ ઘાણીમાં ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ?” યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. જે સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો અનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફેસરે ડંફાશ મારી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ ડંફાશથી કંઈ સત્ય સાબિત થાય છે? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્ત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્ત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.”.

આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાધકને થાય ત્યારે એ સ્વીકારી શકે કે, ઈશ્વર સમસ્ત પ્રાણીઓમાં સમાન છે, ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. જે ભગવાનને ભક્તિપૂર્વક ભજે છે તેઓ ઈશ્વરમાં છે અને ઈશ્વર તેઓમાં છે. શ્રીકૃષ્ણ તો છેક અંતિમ પર જઈને ચોખવટ કરે છે કે, “તે ભલે દુરાચારી રહ્યો હોય, દુષ્ટ અને ઘાતકી હોય, સ્વચ્છંદી અને કંઈ હોય પણ જે ક્ષણે તે ભક્તિપૂર્વક આત્મચિંતન ના માર્ગે પ્રથમ ચરણ મૂકે છે તે જ ક્ષણથી તે સાધુ માનવ યોગ્ય છે.” ભગવાનની આ વાત પર અર્જુન પ્રશ્નાર્થ દર્શાવે છે ત્યારે ફરી સ્પષ્ટતા સાથે ભગવાન આવે છે અને કહે છે કે, હે કુંતી પુત્ર, મને ભજનાર દુરાચારી હોય તો પણ શીઘ્ર ધર્માત્મા બની જાય છે અને તે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. તું મારા વચનમાં શ્રદ્ધા રાખ કારણ કે મારો કોઈ ભક્ત કદી નષ્ટ થતો જ નથી. અરે પાર્થ, સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર કે કોઈ પાપીયોનિ વાળા વ્યક્તિ મને શરણે આવીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે.” અહીં ‘સ્ત્રી’ એટલે ભાવુક પ્રકૃતિના સ્ત્રી જેવા મન વાળા, વૈશ્ય એટલે મનની વૈશ્યવૃત્તિવાળા ( ગણતરીબાજ) અને શુદ્ર એટલે આળસ, નિદ્રા અને પ્રમાદ જેવી મનની વૃતિવાળા. મનની અશુદ્ધિઓ અથવા નબળાઈઓને અહીં “સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રા:” શબ્દો દ્વારા સૂચિત કરવામાં આવી છે તેવો મત સ્વામીશ્રી ચિન્મયાનંદજીએ ગીતા ભાષ્યમાં દર્શાવેલ છે. 

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે આ અનિત્ય અને સુખરહિત લોકને પ્રાપ્ત થઈને હવે તેણે નિત્ય અને આનંદસ્વરૂપ આત્માની પૂજામાં પ્રવૃત્ત  થવું જોઈએ. અર્જુન ફરી ગૂંચવાયો છે એટલે પૂછી નાખે છે કે, હે મારા પ્રભુ, જયારે મારે યુદ્ધભૂમિમાં શત્રુઓનો સામનો કરવાનો હોય, ત્યારે હું આપની  પૂજા કઈ રીતે કરું ? ભગવાન અર્જુનને તરત આશ્વાસન આપે છે કે, ‘તમે મને પરમ લક્ષ્ય તરીકે સ્વીકારી લેશો ત્યારે તમે મને પ્રાપ્ત થઇ જશો.’ 

કેવળ અર્જુનને નહીં પરંતુ આપણને સારતત્વ કહીને નવમાં અધ્યાયનું સમાપન કરે છે કે, ‘તમે મારા ભક્ત થઇ જાઓ, મારામાં માનવાળા થઇ જાઓ, મારું પૂજન કરવાવાળા બનો અને મને નમસ્કાર કરો. આ રીતે ચિત્તને મારામાં જોડીને મારા પરાયણ થઈને તમે મને જ પ્રાપ્ત થશો.’ આ નવમાં અધ્યાયને રાજવિદ્યા કહેલ છે, તે યથાર્થ છે, કારણ કે જેના પ્રકાશમાં બીજી બધી અપરા વિદ્યા કે વૃતિજ્ઞાન સંભવ છે. મુંડકોપનિષદ તો ત્યાં સુધી કહે છે કે, સર્વવિદ્યાનું અહીં પ્રતિષ્ઠાન થયું છે તેથી એને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.   

ડો. સુધીર શાહ

અસ્મિતા વિશેષ સંવાદ : (35)

ભદ્રાયુ  વછરાજાની                                              bhadrayu2@gmail.com 

સંસ્કારનો વારસો પિતાશ્રી દ્વારા કેવી રીતે પછીની પેઢીમાં ઉતરે તે અંગેનો  બેનમૂન સંવાદ યોજાયો વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડીઓમાં.. ગુજરાતના ખ્યાતનામ તબીબવર્ય ડો. સુધીર શાહ પોતાની મૃદુ વાણીથી જીવનના યાદગાર પ્રસંગો કહી રહ્યા હતા અને સમય ક્યાં વીતી રહ્યો છે તેનો ખ્યાલ રહ્યો ન હતો. પ્રસિદ્ધિ કે ખ્યાતિ મેળવવી એ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે પણ ઉદાત્ત માનવીય વ્યવહારોમાં ઉત્તમ કેમ સિદ્ધ થવું એ જ જીવન ધ્યેય બની શકે, તેની પ્રતીતિ ડો. સુધીર શાહ સાથેના અસ્મિતા વિશેષ સંવાદથી અમને થઇ અને આપને  પણ થશે જ….

“આગલી રાતનો સંવાદ બાપ દીકરાનો સાંભળવા જેવો છે. મેં પપ્પાને કીધું કે, પપ્પા કાલે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ…. એટલું કહીને પછી  હું આંટા મારવા લાગ્યો. મને કહે, બેટા, નર્વસ કેમ લાગે છે તું.? પપ્પા તો નસ પકડી શકે ને .??.. મેં કીધું,  પપ્પા સાચું કહું આટલા બધા પૈસા ખર્ચીને આપણે પ્રેક્ટિસ તો શરૂ કરીએ છીએ પણ મારી પ્રેક્ટિસ ચાલશે ? પપ્પા,  આ લોન ને  બધું ભરપાઈ  કરી શકીશું ? મને બાજુમાં બેસાડ્યો,  મારે માથે હાથ ફેરવ્યો.  મને કહે,  બેટા તું મારો દીકરો છે. પ્રોફેશનલ બ્લડ તારામાં છે. પ્રોફેશન કેવી રીતે કરવું એ તને આવડે છે. I am sure તારી પ્રેક્ટિસ સારી રીતે ચાલશે. કારણકે how to tackle situation you know,  પ્લસ,  તું આટલું બધું ભણ્યો છે. તારું જ્ઞાન આટલું સારું છે,  એટલે I am sure કે તારી પ્રેક્ટિસ ચાલશે. વિશેષમાં તારામાં કરુણાનો અંશ હું જોઉં છું એ પણ તને મદદ કરશે. પછી  કહે,  આજે તારે મને બે પ્રોમિસ આપવાના છે. મેં કીધું, ચોક્કસ પપ્પા. પહેલા હું હાથ જોડી ગયો….  બેટા, બે પ્રોમિસ . ૧) જેના મોઢે ઈશ્વરનું નામ હોય, કોઈ પણ સંધુ સંત હોય, જૈન હોય, સનાતન ધર્મ હોય, વૈષ્ણવજન હોય, બ્રહ્માકુમારી હોય, મૌલવી હોય કે ક્રિશ્ચિયન ફાધર કોઈ પણ હોય એને બે હાથ જોડવાના અને એક પણ પૈસો સ્વીકારવાનો નહીં. એમણે  એકેય પૈસો લીધો નહોતો. તારે પણ નહીં લેવાનો, આપણી આ પ્રથા છે એ ચાલુ રાખજે. અને એના વતી કોઈ પૈસા આપે તો પણ નહીં લેવાના. એટલું જ નહીં પણ બધાને વચ્ચેથી સંતને પહેલા લેવાના કારણ કે એ આપણું ઉત્તરદાયિત્વ છે. એ સમાજને સાચવે છે, આપણે એને સાચવવાના. મને કહેતા એટલો આનંદ થાય છે કે ૩૨ વર્ષમાં મેં એક દિવસ પણ આ પ્રોમિસ તોડ્યું નથી. અને ૨) ગરીબ, વિધવા, દુઃખી વગેરે હોય એને હાથ લાંબો કરવો  પડે એવું નહીં કરવાનું. આપણે જોઈ લેવાનું, સમજવાનું કે આ દુઃખી છે ? ૨૫%, ૫૦%, ૧૦૦% જે આપણને અનુકૂળ લાગે એ આપણી રીતે ફ્રી કરી દેવાનું. અને આ બે કરીશ ને તો ઉપરથી અનંત આશીર્વાદ તારી પર વરસશે. ને તારી પ્રેક્ટિસ ચાલશે. તારું કામ સીમાચિહ્ન બનશે આ મારા અંતરના આશીર્વાદ છે. This is what he said.

અને પરિણામે ૫૦૦૦ જેટલા સંતો મારા  હાથ નીચે આ રીતે સારવાર પામ્યા છે. અને એ પણ પ્રણામ કરીને બે હાથ જોડીને આનંદથી… ક્લિનિકના બધા માણસોને ખબર છે કે સાધુ સંત આવે એટલે  બધું બાજુ પર મૂકીને,  જે ચાલુ છે એ પેશન્ટ જોઈને તરત એમને લઇ લેવાના. ઈમરજન્સી કોઈ સિરિયસ હોય તો એને લઇ લેવાના બાકી આ સાધુ સંત ને જ પહેલા લેવાના…અને એ લોકોને સત્તા આપેલી છે બહાર કે ગરીબ કે દુઃખી હોય અને મારું ધ્યાન ન હોય તો કોઈ પણ જાતના ડિસ્ક્રિમિનેશન વગર એમને રાહત આપી જ દેવાની.  એ જ કહે કે સાહેબ જુઓ તમારું ધ્યાન નહીં હોય પણ આ માણસના આપણે ઓછા કરવા પડશે. They can also do, or they will draw my attention …………. કેટલા આશીર્વાદો મળે… પૈસા આપે છે ભગવાન, નથી આપતા એવું નથી, મારી જરૂરિયાત કરતા વધારે આપે છે..I honestly mean that …

કોવિડ  સમયે ગરીબો, લેબર સાથે બધાને જમાડવાથી માંડીને જે કઈ જરૂરિયાત હોય બધી પુરી કરવાની. અમુક સાધુ સંતોને ખબર પડી તો એમણે ભેટ મોકલાવી કે તું બેટા વાપર, અમને તારા પર ૧૦૦% વિશ્વાસ છે તું બધાને સાજા કરીશ. એટલે તો કહું ને ઈશ્વર એટલો બધો દયાળુ છે કે પળે પળે એની હાજરી તમે જાણી શકો અને માણી શકો….” ..

 

શ્રી નાથાલાલ ગોહિલ

અસ્મિતા વિશેષ સંવાદ :: (34)

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

એક નાના ગામની કોલેજમાં ચાર દસક સુધી શ્રી નાથાલાલ ગોહિલ ગુજરાતીના એકનિષ્ઠ અધ્યાપક રહ્યા. પણ ના, કેવળ અધ્યાપકગીરી જ કરે તો એ શ્રી ગોહિલસાહેબ શાના  ?? ભાષા ભવનના પ્રાધ્યાપકને શરમાવે એવું સંશોધન અને તે પણ પાયાનું.. સંત સાહિત્ય અંગે ગજબનાક ઊંડાણ ધરાવતું અધ્યયન કાર્ય અને તેને પરિણામે અનેક ગ્રંથોથી  સભર  ભંડાર સાહિત્ય જગતને અર્પણ કર્યો. ધીર ગંભીર અને છતાં પ્રબળ કથનના  ધણી શ્રી નાથાલા ગોહિલ સાથેના આત્મીય સંવાદની થોડી વાતો: 

“પરિવારમાં ન કલ્પી શકાય એવી એક સત્ય ઘટના બની. મારા પિતા પ્રજ્ઞાચક્ષુ.  ભગત તરીકે ઓળખાય.  ભજનના સારા ગાયક. મા વીરબાઈમા મજૂરી કરે અને આંગણે આવેલા અભ્યાગતોને જમાડીને જમે. આવો પરિવાર  મારા ઘરની ઓળખ.  સાધુ સંતોનો દુવારો કોઈપણ આવે એ ત્યાં ઉતરે, રોકાય અને સત્સંગ ભજન ચાલે…  પણ આ પરિવારની એક મોટી કુદરતી અપકૃપા કે મારા ભાઈ બહેન જયારે ઉંમરલાયક થાય અને જયારે એની સગાઈ કે લગ્નની વાત કરે એવા જ દિવસોમાં એકાએક એનું મૃત્યુ થાય. એમાં ગળે ન ઉતરે એવી સત્ય ઘટના એ છે કે એવા મારા દસ ભાઈ બહેન આ પ્રમાણે મૃત્યુ પામ્યા. હવે એ વખતે મારો જન્મ થયો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ દીકરાને જીવતો રાખવો હોય તો જન્મ સમયે જ એનું નાક વીંધવામાં આવે. એ વખતે જે  સુયાણીઓ હતી એ કહે કે માત્ર આપણે વીંધવું નથી,  પણ એને ખોટ રાખીએ એટલે આખો છેદ અહીંયા જન્મતાની સાથે કરી નાખ્યો અને એ જ સમયે મારું નામ ‘નાથો’  રાખવામાં આવ્યું. એટલે જન્મ પ્રમાણે કુંડળી પ્રમાણેનું મારું આ નામ નથી. આ ખોટું નામ એ નાથો. અને એ કહે કે નાથો રાખીએ તો એ જીવી જશે. એટલે આ ઘટના મારા નામ સાથે જોડાયેલી છે.

મારી ઉંમર દોઢેક વર્ષ હશે. અને એ વખતે અતિ તાવ અને ઝાડા શરૂ થયા. મારું ગામ એટલે ગામડું. મારું ગામ એટલે આમ તો ગિરનારની છાયામાં જ ગણાય,  શિલોદર ગામ,  તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ.  હું ત્યાં બીમાર પડ્યો.  ત્યારે દવાખાનું કે બીજી કોઈ સુવિધાઓ હતી જ નહીં. અને તેમ છતાં દેશી  ઉપચારો કર્યા પણ ઝાડા કાબુમા ન આવ્યા અને ન તાવ પણ ઉતર્યો. એટલે અમારું એક આસ્થાનું સ્થળ મારા માતા પિતાનું એ જૂનાગઢમાં સવરા મંડપની જગ્યા. જૂનાગઢમાં ગિરનાર જયારે જઈએ ત્યારે શરૂઆતમાં પ્રવેશદ્વાર આવે અને વાઘેશ્વરી મંદિર આવે એની બાજુની આ જગ્યા. સવરા  મંડપએ બહુ પ્રાચીન જગ્યા છે. આ  સવરા મંડપમાં ભવિષ્યમાં જે સામાજિક, રાજકીય ક્રાંતિનું કેન્દ્રબિંદુ થાય એવી ભવિષ્યવાણીઓ પણ થયેલી છે. ત્યાં નાથજોગી સેવનાથ મહારાજ અને એમના પટશિષ્ય વૈદ્યનાથ મહારાજ ત્યાં રહે. હવે વૈદ્યનાથ મહારાજ એટલે પૂર્વકાળના મારા મામા. એટલે મને લઈને જૂનાગઢ રેલવે સ્ટેશનથી ચાલતા ચાલતા જયારે સેવનાથ બાપુની જગ્યામાં જતા હતા ત્યાં મારી મા બોલી,  ભગત આ નાથો ટાઢો બોર થઇ ગયો છે. એટલે મારા બાપે કહ્યું,  ગાંડી થઇ ગઈ છે ? ગિરનારની છાયામાં આવી ગયા છીએ આપણે. રખવાળો ગિરનાર છે,  અલખધણી છે,  શું કામ ઉપાધિ કરે છે ? કઈ નહીં થાય,  તું તારે હાલવા માંડ હાલવા. સેવનાથ બાપુની જગ્યામાં ગયા.  ગુરુ શિષ્યની પણ કેટલીક પરંપરાઓ હોય છે. ગુરુ ઉંચી ગાદીએ બેઠા હોય,  નીચે ધૂણુ હોય અને એનાથી થોડે દૂર એના પટશિષ્ય બેઠા હોય. હવે જ્યાં સુધી નાથજોગી ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી પટશિષ્ય એક પણ શબ્દ બોલતો નથી માત્ર ગુરુના ઈશારા પર ચાલતો હોય, પણ  એનાથી બોલાય નહીં. નહિતર એની બેન આવી હતી,  બેનનો દીકરો આ હાલતમાં આવ્યો છે,  એટલે સહેજે મામા તરીકે ભલે નાથજોગી થઇ ગયો છે,  પણ પ્રત્યાઘાત આપણને નથી આપતા. એટલે મને લઈને ધુણાની બાજુમાં મૂકી દીધો અને મારી મા એટલું જ કહે કે,  ‘ જોગી તારે શરણે મુકવા આવી છું.  દસ સંતાનને મેં આ ધરતી ઉપર ભંડારી દીધા છે.  હવે અગિયારમો ભંડારવાની મારી હામ નથી. એને બદલે એ નાથજોગીડો થશે ને તો પણ મને ગમશે.  અમે તેને  અહીંયા મુકવા માટે આવ્યા છીએ.  સવરા  મંડપને ખોળે આવ્યા છીએ એ ભલે જોગીડો થાય પણ એમ તો કહેવાશે ને મારો દીકરો જોગીડો જીવે છે. હવે તમે જે કરવું હોય એ કરો,  બચાવો તો પણ તમારો.’  વૈદ્યનાથ મહારાજ તો કશું બોલતા નથી,  સેવનાથ મહારાજ છે એટલે. સેવનાથ મહારાજ ઉભા થયા ધૂણે ગયા ધુણામાંથી ભભૂત લીધી મને ચાંદલો કર્યો,  થોડીવાર થઇ એટલામાં હું ચાલતો ચાલતો એટલામાં ફરવા મંડ્યો. ચાલતો ચાલતો જ્યાં ગુરુ મહારાજની ગાદી છે  ત્યાં જઈને ગાદી પકડીને ઉંચો થવા ગયો ને તેઓ બોલ્યા :  આવી ગયો જોગી ? અહીંયા બેસવા માટે આવી ગયો ? એટલે એ પછીથી તો નાથજોગીની કૃપાએ એટલે બની શકે કે જે સોયાણીએ  નામ નાથો આપ્યું હતું,  પણ નાથ તો અહીંયાથી શરૂ થયું એમ પણ બની શકે.”  

 

શ્રી ગોવિંદભાઈ ધોળકિયા :: ગોવિંદકાકા

અસ્મિતા વિશેષ : (33) 

ભદ્રાયુ વછરાજાની                                                              bhadrayu2@ gmail.com 

ગુજરાતનું હીરા ઉદ્યોગમાં અવ્વલ દરજજાનું નામ સ્થાપિત કરનાર શ્રી ગોવિંદભાઈ  લાલજીભાઈ ધોળકિયા.  યુવાની સુધી તો  એને સૌ ‘ ગોવિંદો’ કહેતા,  પણ આજે સૌ તેમને પ્રેમભાવથી ‘ગોવિંદકાકા’ કહીને આદર આપે છે. શ્રી ગોવિંદકાકા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ આપણને કોઠા સૂઝથી કાર્ય  અને વિચારને અમલમાં મુકવાની ધગશ કેવા પરિણામ લાવી શકે,  તેની બારાક્ષરી શીખવે છે. ચાલો, તેઓની જીવનગાથાની એક ઝલક મેળવીએ.

“અમારી કંપનીમાં એવું sentence છે કે,  તમે વ્યસન છોડો અગર કંપની છોડો. આખી કંપની નિર્વ્યસની છે. છ સાત હજાર લોકો !  અમારા ભત્રીજા સવજીભાઈની કંપનીમાં ય  પણ એમ. અમારા કાકા  ભત્રીજાની કંપનીઓમાં  ૧૪ હજાર લોકો છે,  એ સૌ નિર્વ્યસની છે. આવું  તમને ક્યાંય જોવા નહીં મળે. વ્યસન એટલે દારૂની જ વાત નથી,  પણ નો ટોબેકો, નો સિગાર,  કોઈ વસ્તુ નહીં. તો એ લોકોનું  જીવન તો બન્યું પણ અમને શું ફાયદો ?  અમે જેને ફેમિલી મેમ્બર માનીએ છીએ  એ લોકોને નિર્વ્યસની કર્યા તો આજે અમારા છોકરા નિર્વ્યસની થયા. અમને એ ફાયદો થયો કે આખું ફેમિલી  કે ખાનદાન નિર્વ્યસની બન્યું. એટલે કર ભલા તો હોગા ભલા. એટલે બહુ જન હિતાય એમ કહીએ છીએ ત્યારે સર્વજન્ માં  આપણો જણ આવી જાય છે. 

એક યુનિક પદ્ધતિ અમારા ફેમિલીમાં એ પણ છે કે,  છોકરાઓને અમે  ૫ કે  ૬ વીક માટે unknown  જગ્યાએ મોકલીએ છીએ. જેટલા છોકરાઓ અમારા ફેમિલીમાં મોટા થાય એને  કોલેજકાળ દરમિયાન એમણે બહાર જવાનું. જવાનું એટલે એને કાંઈ  ખબર ન હોય કે એણે  ક્યાં જવાનું ? એની  આખી એક સિસ્ટમ છે કે જે બે જણાને આ વખતે જવાબદારી સોંપી હોય તો એ બે જણા બધું કરે. પછી ત્રણ છોકરા જવાના હોય કે ચાર એ લોકોને સ્ટેશન ઉપર જઈને જ કહેવામાં આવે કે તારે બેંગ્લોર જવાનું છે, તારે ચંદીગઢ જવાનું છે.  પછી જ એને સેકન્ડ ક્લાસની ટિકિટ આપવામાં આવે. એને પાંચ હજાર રૂપિયા સાથે આપ્યા હોય અને કહ્યું હોય કે,  તારે પાછો આવે ત્યારે કેટલા વધારીને આવે છે  એ તારે જોવાનું. એ બધા  જ છોકરાઓની નોખી નોખી સ્ટોરી બને છે.  ઉદાહરણ કે,  એ લોકો એમ કહે કે,  અમે મેકડોનાલ્ડ સામે જ હોય પણ ઈચ્છા થાય તે ખવાય તો નહીં,  કારણકે એટલા બધા પૈસા તો હોય નહીં,  કમાણી હોય નહીં,  પૈસા ખૂટી જાય એટલે સમજાય કે આપણે  રોજ મેકડોનાલ્ડમાં જતા ત્યારે  તો સહેલું લાગતું હોય પણ અમને ખબર પડી કે મેક્ડોનાલ્ડની કિંમત તો જેની પાસે પૈસા નથી એને છે, અમને નથી. એટલે હવે એમને સમજાય કે આ જે ખાવા માટે જઈએ  છીએ એ કેટલું મહત્વનું છે. 

હમણાં જ ત્રણ મહિના પહેલા છોકરા જઈને આવ્યા. જે છોકરાઓ જાય એનું વજન ચાર, પાંચ કે છ કિલો ઓછું થાય. ચાર વીકમાં  આખી દુનિયામાં પોતાનું કોઈ જ ન મળે. એને એ જ શહેરમાં જવાનું કે જ્યાં  પહેલાં  કોઈ દિવસ ગયો નથી. એને કોઈ સ્માર્ટ ફોન નહીં આપવાનો કે એ કશું  શોધી શકે. એટલે તો એને  નોકિયાનો ફોન સાદો ફોન આપેલો હોય. પંદર વર્ષ પહેલાં મારો  દીકરો ગયો ત્યારે તો મોબાઈલ જ ન હતો. એસટીડી માંથી રોજ એક ફોન કરવાનો..  હવે તો પોતાના ફોન હોય એટલે કરી દે. એટલે રોજ એના મેસેજ લઇ લેવાના પણ એ બે જ જણાને ખબર હોય. ઘરમાં બધાને એમ કહેવામાં આવ્યું હોય કે,  એ આફ્રિકા ગયા છે કે સ્કીઈંગ  કરવા હિમાલય ગયા છે,  કે જ્યાં મોબાઈલ ન લાગે એવી રીતે આખું પ્લાન બનાવે. હવે  તો ફેમિલીમાં પણ બધાને સમજ પડવા મંડી કે આ ભલે ક્યે ફોન નથી લાગતો, પણ  એ લોકોને ક્યાંક મોકલેલા છે. છોકરાઓ આવ્યા હોય ત્યારે ભેટી  ભેટીને જે બધા રડારડ કરે ને હરખના આંસુ આવે એ આખી દુનિયા જ જુદી છે.

પણ આ તો જીવનનો ક્યાંય ન મળે એવો અનુભવ પ્રાપ્ત થાય. હા એ અમારા ચાર છોકરાઓ ગયા હતા એણે  એમ કીધું કે,  આ એક મહિનાનો અનુભવ અને ચાર વર્ષની કોલેજને તમે સરખાવો તો એક મહિનાનો જે અનુભવ છે એમાં શીખવાનું વધારે મળ્યું. ચાર વર્ષની કોલેજ આટલું ન શીખવાડે. એટલે વિનોબાજી કહેતા કે જીવન પોતે જ અભ્યાક્રમ છે. અમને વિચાર આવ્યો કે આપણે છોકરાઓને કહીએ છીએ કે, અમે આમ કરતા અને આમ સાપ અમારા ઘરમાં આતા મારતા  ને મને બે વાર વીંછી  કરડ્યો ‘તો  એવી બધી વાત કરીએ તો એમાં  કોઈને  રસ નથી આપણી વાત સાંભળવામાં.. એ જુવાનિયાઓ કહે કે,  એ ભાઈ, એ  તમારો ત્યારનો સમય હતો,  અત્યારે શું હવે એમ થાય ?? એટલે એને આ પ્રેક્ટિકલ નોલેજ  આપો એટલે એ જાતે જ સમજે.  આપણે કઈ કહેવું જ નથી કે જીવન કેવું હોય એટલે અમે આ રસ્તો શોધ્યો કે આ અસલ દુનિયા એ લોકો જોઈ લે કે લોકો કેવી રીતે જીવે છે.”

 

શ્રી ગફૂરભાઈ બિલખિયા

અસ્મિતા વિશેષ સંવાદ : (32)

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

સેવા, સમજ, સમાનતા, સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા,,,,આમ સ થી શરુ થતા બધા જ હકરાત્મક શબ્દો જેનાં રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફૂરભાઈ  બિલખિયા… એમને પોતાના વિષે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો  એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની  વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો  સંવાદ.

“મારી મા છે એ દામનગરના હતા. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સરકારે ઘણી બધી મહેનત કરેલી. મારી માતા છ ધોરણ  સુધી ત્યાં ભણેલા.  મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી.  ત્યાં એવો નિયમ હતો ગામના  ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દરણુ (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય.  એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો પ્હાયતો  મૂકી જાય અને પાછો લઇ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી મા ની વેઠ બંધ. મારા ઘરમાં ને મારા સગાવ્હાલા  બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય,  અભણ હોય એણે વેઠ કરવી પડે.  

હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું . લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો . મેં કીધું હું શેરો  નહીં બાંધું ધુ, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સુતરની અને ચપ્પલની પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે  એ કહે તે  કરવા દે ને જે કરવું હોય એમાં  શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દૂ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈઓ રડે, તો હું પણ રડવા લાગ્યો.  મારી કાકીજી બહુ હોશિયાર હતી.  એ કહે,  તું શું કામ રડે છે ? મેં કીધું તમે રડો એટલે હું રડું છું. હું પહેલેથી કોઈ કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારો રડવાનું નહીં,  જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું. 

અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી,  એ કહે, આ ક્યાંથી લઇ આવ્યા છો તમે ? કઈ ખાઈ નહીં, કઈ પીવે નહીં, કઈ એને પગ દાબતાં આવડે નહીં. કઈ નથી તારી વધુમાં હા, છે રૂપાળી.  પણ ખાઈ પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે,  અહીંયા આપણે  ત્યાં તો રિવાજ છે,  તો કહે,  હું તો હિંદુના ઘરનું  ખાતી નથી. તો કહે મેં કહ્યું કે જો એમને ઘરેથી  છાશ લઇ આવીએ અને એની કઢી બનાવીએ  તે  બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું   મારે શું કરવું ? મને કહે આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે એટલે મુશ્કેલી બહુ પડશે તો કહે ના હું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલા તો બહુ મોટો આચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે,  હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ તમે મૂંઝાતા નહીં એ મને બહુ ગમ્યું. જો કે ભદ્રાયુભાઈ,  આજે તો અમર ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકના થઈને રહે છે.” 

 

શ્રી જોરાવરસિંહજી જાદવ

અસ્મિતા વિશેષ સંવાદ :: (31) 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ખુબ અજાણ વ્યક્તિઓ દ્વારા પ્રસ્તુત થઇ રહેલ લોકવિદ્યા, લોકવાદ્ય, લોકનૃત્ય, લોકકથા,,,,વગેરેને ખોજીને તેને સંગોપી લેવા માટે જીવનભરનો પુરુષાર્થ કરનાર શ્રી જોરાવરસિંહ જાદવે  અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન અચંબિત કરી મૂકે તેવી વાતો કરી. એક નાની શી ઝલક…

“મને કહેવામાં આવ્યું કે બેન્કની રજત જયંતી છે એ નિમિત્તે એક અદભુત લોકકળાનો કાર્યક્રમ કરવો છે. બજેટની કોઈ લિમિટ નથી. તમને યોગ્ય લાગે એવા કલાકારો તમે લઇ આવો. તો અમે તો સૌરાષ્ટ્રની રાસ મંડળી, ગરબા ગ્રુપ અને ભવાઈ કલાકારો બધાને લાવવાનું નક્કી કર્યું  પછી મને થયું કે પેલી ગુલાબીને આપણે આમાં લાવવી જોઈએ. એટલે મેં ચેરમેનને વાત કરી, સાહેબ એક મદારણ છે અને ખુબ સરસ નૃત્ય કરે છે.  એ તો ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને  મને કહે,  આ રજત જયંતીમાં  દસ હજાર લોકો ભેગા થાય અને તમે મદારણને નચાવશો ? તમારે મને બેંકમાં રહેવા દેવો છે કે કઢાવી મુકવો છે ? અઠવાડિયા પછી એના મેનેજરને મોકલ્યા.  મને કહે,  સાહેબ આપણે પેલી મદારણને મળવા જવું છે, ચેરમેન  એનો કાર્યક્રમ રાખવાની ના નથી પડતા પણ  મને  કહે કે,  તમે જઈને જોઈ આવો તો જ લાવવાની,  નહિતર ના પડી દઈશું. ગુલાબી અને તેના સાથીદારોનો માઉન્ટ આબુ ઉપર પ્રોગ્રામ હતો. રાજસ્થાનના કલાકારોને ટુરીઝમે બોલાવેલા તો ત્યાં શોધતા શોધતા અમે રાજસ્થાન ટુરિઝમની ઓફિસ ગયા,  તો દરવાજા આગળ એક રાજસ્થાની લોકોનું ટોળું. બધા ભાઈઓ ને બાઈઓ બેઠેલી. મેં એને પૂછ્યું,  ગુલાબી યહાં આયી હે ? તો એક બાઈ મારી સામે  ઊંચું જોઈને કહે,  ક્યા કામ હે ગુલાબી કા  ? મેં કીધું,  મુઝે  ઉનસે મિલના હે.  તો કહે,  મૈ  તો ગુલાબી હું. ઓળખાય નહીં એવા કપડાં પહેરેલા.  મેલા ઘેલા કપડાં અને તેથી ઘડીક ભર તો મેં પણ એને ન ઓળખી . મેનેજર તો ઘડીક મારી સામે જોવે અને ઘડીક એની સામે જોવે પછી મને કહે સ્ટેજ ઉપર સારા કપડાં તો પહેરશે ને ? મેં કીધું, તમે જુઓ તો ખરા. પછી બધી વાતો કરી અને કહે, શામકો મેરા પ્રોગ્રામ હૈ, ટુરિઝમવાલોકા, આપ  નખી તાલાબ  પર આ જાના… અને સાંજે એણે જે કરબેલીયન  નૃત્ય રજૂ કર્યું એ જોઈને મેનેજર મને કહે કે, સાહેબ બીજાને કોઈને લાવો કે ન લાવો પણ આપણા પ્રોગ્રામમાં ગુલાબોને તો આપણે ચોક્કસ લઇ જવાની છે. મેં એની જોડે વાત કરી, મહેસાણા એક પ્રોગ્રામ છે ત્યાં આવવાનું છે, એણે કહ્યું, આ જાઉંગી…એક જ વાક્ય એનું,  ‘હા, સાહેબ આ જાઉંગી.’ મહિના પછી પ્રોગ્રામ હતો. મહેસાણાના  પ્રોગ્રામમાં ચાર પાંચ આઇટમો પછી ગુલાબીને મૂકી અને એણે કાળા  કપડાં પહેરીને  અરરર …અરરર .. કરીને  જે જમાવટ કરી કે  લોકો ઉભા થઈને છ વખત once more once more કરાવીને જંપ્યા !!   પછી તો એને  ત્યાંથી અમે અમદાવાદ લઇ આવ્યા અને રાજકોટ અને  ભાવનગર કાર્યક્રમ  કર્યો અને પછી અમદાવાદ દૂરદર્શન ઉપર એમનું ઇન્ટરવ્યૂ કર્યું..  તો ઇન્ટરવ્યૂમાં એણે સરસ કલાભર્યા નૃત્ય રજૂ કર્યાં  અને થોડી પ્રશ્નોત્તરી કરી. એ ઇન્ટરવ્યૂ સંગીત નાટક અકાદમી દિલ્હીના સેક્રેટરીએ જોઈને મને ફોન કરીને બધી વિગત માંગી કે, ભાઈ આ કલાકાર કોણ છે,  ક્યાંના છે ?  એ વર્ષ હતું ૧૯૮૫ ની સાલનું. અને ગુલાબીને દિલ્હી બોલાવીને એને કહ્યું કે,  ફ્રાન્સમાં ઇન્ડિયન ફોલ્ક આર્ટ ફેસ્ટિવલ છે, વહાં  તુજે જાના હે… સીધી એને ફ્રાન્સના પ્રોગ્રામમાં મોકલી. ગુલાબીમાંથી ગુલાબો થઇ અને વિશ્વવિખ્યાત ડાન્સર ગુલાબો તરીકે સુપ્રસિદ્ધ થઇ છે.  અને હા, એ કશું ભણી નથી. આખી સહી કરતા પણ આવડતું નથી. પણ ફ્લાઈટમાં એકલી જ પ્રોગ્રામ કરવા જાય છે. વર્ષમાં ત્રણ ચાર મહિના તો ફ્રાન્સમાં જ હોય છે. આ ગુલાબોને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ખિતાબ અર્પણ કરેલ છે.”

 

શ્રી ગુણવંત શાહ

 અસ્મિતા વિશેષ સંવાદ ::(30) 

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ગુજરાતને અને ગુજરાતીને શ્રી ગુણવંત શાહનો પરિચય આપવાની જરૂર હોય ખરી ?? શિક્ષણશાસ્ત્રના મૂર્ધન્ય પ્રાધ્યાપક, ગુજરાતી સાહિત્યના અગ્રિમ સર્જક, અધ્યાત્મ માર્ગના અનેક ગ્રંથોના લેખક અને રાષ્ટ્રની કે સમાજની હરપળ ચિંતા કરી ખલેલ પામનાર ચિંતક શ્રી ગુણવંત શાહ. તેઓ પદ્મશ્રી છે , સાહિત્યરત્ન છે, અનેક સન્માનો તેઓના નામે છે,,, જો કે આ બધા જ વિશેષણો ગુણવંત શાહના નામથી ઉજળા થયાં  છે. અસ્મિતા વિશેષ સંવાદ માટે તેઓશ્રી સહકુટુંબ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને નરમ તબિયત વચ્ચે પણ નિજી મૂડમાં યાદગાર સંવાદ કર્યો. તેમાંથી એક નાની વાત અહીં પ્રસ્તુત છે…

ભદ્રાયુ :: બા એ જે છૂટ ગુણવંતને નહોતી આપી એ બધી જ છૂટ ગુણવંતે એના સંતાનોને આપી. 

@ હા, કોઈએ મને કન્સર્ન કર્યો નથી.  લગ્ન કરતા પહેલાં કે લગ્ન નક્કી કરતા પહેલાં. They informed  me. મેં કહ્યું આપણે તપાસ કરીએ જરા,  એટલામાં તો આવીને કહ્યું કે,  ભાઈ હવે નક્કી થઈ ગયું છે. મેં કીધું ભલે.. અને એમાં મારા વિચારો એવા ઉદાર ખરા કે It  is decided by God.  Marriages are made in heaven.  અને ભૂલ કરે તો પણ એમણે લીધેલો નિર્ણય સારો,  આપણે થોપી બેસાડીએ તેના કરતા,  એવી મારી માન્યતા. વિવેકપૂર્વક inform કરે, આપણું સાંભળવા પણ તૈયાર પણ માનવા તૈયાર નહીં અને મેં એવું કહ્યું જ નથી એ લોકોને. આ હું મારી બા ના ડહાપણ પરથી પણ શીખ્યો કે થોડોક  એ લોકો પર પણ વિશ્વાસ રાખવા જેવો છે. એ મારી બા તરફથી મળેલો મોટામાં મોટો લેસન. આ તદ્દન ફ્રેન્ક વાત કરી દીધી તને. 

ભદ્રાયુ :: અને વિવેકના કિસ્સામાં ?

@ વિવેકના કિસ્સામાં તો એવું થયું કે મુસલમાન સાથે મેરેજ કરવાના અને એને પણ ખબર કે ભાઈને જરા કન્સર્ન કરવા પડશે. કુમુદબેનને ત્યાં હું અને વિવેક સુતેલા હતા. એટલે વિવેક ઉઠ્યો.  મને કહે કે, ‘ભાઈ એક વાત કરવી છે.’ મેં કીધું, ‘દીકરા લગ્નની ?’ તો કહે,  ‘હા,’ મેં કીધું,  વાહ,  બહુ સારું,  કારણકે એ લગ્ન કરવાની ઉતાવળમાં નહોતો,  ફિલ્મ લાઈનમાં ખરો ને..મને કહે,  ‘ભાઈ,  લવ થયો છે,’ what a good  news’ ..’’પણ ભાઈ, છોકરી મુસલમાન છે’.  મેં કીધું, ‘કાંઈ  વાંધો નહીં,  જો છોકરી સારી હોય તો આપણને વાંધો નથી. તારી પસંદગીની હોય તો..’. એ કહે,  ‘મારી પસંદગીની છે,  પૂરેપૂરો વિશ્વાસ છે મને અને બહુ જ સારી છોકરી છે.’ બીજું કઈ ? તો કહે,  she is already married’.’ મેં કીધું,  ‘તેની અત્યારે શું સ્થિતિ છે ?’ તો કહે,  ‘એને એક છોકરી પણ છે.’ મેં કીધું,  ‘બીજું કઈ પણ કહેવાનું હોય તો કહી દે… લંગડી છે, લુલી છે એવું કાંઈ  હોય તો પણ કહી દે. હવે તું મારી પરીક્ષા લઇ રહ્યો છે ? એક પછી એક પગથિયાં ચડતો જાય છે.’ તો કહે,  ‘ના ના ભાઈ એવું નથી આમ,,તેમ..’ એણે ધીરજથી કામ લીધું. પછી એવું બન્યું કે  ભગવાનની મોટી મહેરબાની  આજે અમે બહુ ખુશ છીએ. વિવેકની પત્નીને  રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. ફિલ્મની સ્ટોરી લખવાનો… બતુલને… તું બતુલ સાથે બેસીને વાત કરે તો તને એમ લાગે કે સેન્સિબલ છે. પૂરેપૂરી  સેન્સિબલ… હજુ સુધી એક પણ દિવસ ઉંચે સાદે વાત નથી થઈ અમારે આખા કુટુંબમાં બતુલ સાથે…

 

વિનોદ જોશી

અસ્મિતા વિશેષ સંવાદ :: (29) 

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગુજરાતી કવિતાના ગીતકવિ પ્રા. ડો. વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગુજરાતી ભાષા ભવનના પૂર્વ અધ્યક્ષ છે અને તેઓશ્રી સુ પ્રસિદ્ધ કવિ-વિવેચક અને ભાવપૂર્ણ વક્તા છે. તેઓનાં ગીતો ગુજરાતી સુગમ સંગીતનું નઝરાણું બની રહ્યા છે. અસ્મિતા વિશેષ સંવાદમાં તેઓની શબ્દબ્રહ્મની ખોજ તરી આવે છે. તેઓના જીવનનો એક પ્રસંગ જાણીએ :  

“હું ભણ્યો બોટાદમાં કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું ગ્રેજ્યુએટ થયો. એ ગાળામાં નવનિર્માણ  આંદોલન થયેલું ગુજરાતમાં. માસ પ્રમોશન અપાયેલું ત્યારે પણ  મેં માસ પ્રમોશન નહોતું સ્વીકાર્યું. આની સાથે જ જોડાયેલી ઘટના છે. માસ પ્રમોશન મળ્યું, મેં ન સ્વીકાર્યું એટલે પરીક્ષા આપવાની થઇ પણ બોટાદ કોલેજને પરીક્ષા કેન્દ્ર ન મળ્યું. તો મારે ભાવનગરમાં પરીક્ષા આપવા જવાનું થયું. હું ભાવનગરમાં કોઈને ઓળખું નહીં. અને કવિતા લખતો હતો એટલે એમ થયું કે ભાવનગરના કોઈ કવિને ત્યાં જાઉં. તો નાથાલાલ દવેને ત્યાં હું ગયો. અને મારી ઓળખાણ આપી. મેં કીધું હું પરીક્ષા આપવા આવ્યો છું. એટલે કહે કે રહેશો ક્યાં ? થોડીવાર તો કંઈ  જવાબ આપ્યો નહીં. પણ મારી ચિંતા એ જોઈએ ગયા હોય કે ચહેરો વાંચી ગયા હોય એમ એમણે કહ્યું કે તમારે અહીંયા જ રહેવાનું છે. એ કવિના ઘરે આવી રીતે હું મારી પરીક્ષા ચાલી ત્યાં સુધી રહ્યો.

પહેલી રાત્રે હું જયારે સૂતો એમના ઘરે,  ત્યારે ક્યાં સૂવું એ જગ્યા બતાવી એમણે મને કહ્યું કે  આ પલંગ પર તમારે સુવાનું છે. હું તો કોઈ દિવસ પલંગ પર સૂતેલો નહીં.  ઘરમાં નીચે ગોદડાં પાથરીને સુઈ જવાનું આ જ ટેવ હતી. પલંગ ઉપર ક્યારેય સૂતેલો નહીં, એટલે મારા ચહેરા ઉપર પાછો ક્ષોભ આવ્યો. મને કહે,  કેમ મૂંઝાઓ  છો ? મને કહે,  આ પલંગ પર ઉમાશંકર જોશી પણ સુતેલા છે. પછી હું સૂતો એ રાત્રે. અને રાતના એક બે વાર મારી ઊંઘ ઉડી ગઈ.  પેલું વાક્ય મારા ચિત્તમાં આવ્યા કરે કે ‘આ પલંગ પર ઉમાશંકર જોશી સુતેલા છે’ . એટલે એક કવિના ઘરમાં જેના ઉપર એક કવિ સુતા હોય એ પલંગ પર મારું સુવાનું ને એ બધું મારી અંદર એવું ઘુમરાયા કર્યું કે મને એવું લાગવા માંડયું  કે હું કવિતા કરી શકીશ, હું કવિ થઇ શકીશ. અને ત્યારે તો બીજા ઘણા સામાયિકોમાં કવિતા છપાતી હતી. એ વખતે મહેન્દ્ર મેઘાણી મિલાપ ડાયજેસ્ટ પ્રગટ કરતા હતા. નવનીત સમર્પણ બંને જુદા સામાયિકો હતા. સમર્પણમાં પણ મારું છપાતું અને નવનીતમાં પણ છપાતું.  આ બધા સામાયિકોમાંથી મહેન્દ્ર મેઘાણી મિલાપમાં મારી કવિતા છાપતા એટલે એ મને ઓળખતા.  મને થયું કે હવે કવિતા એ મારી સાચી દિશા છે. હકીકતે મારામાં સર્જકતાનું કંઈક બીજ તો પડેલું હશે જ. કારણકે હું નાનો હતો ત્યારે ચિત્રો દોરતો. ઘણા સરસ ચિત્રો મેં કરેલા… ચિત્રકાર સારો થઇ શક્યો હોત.. મારામાં ધૈર્યનો અભાવ હતો. ચિત્રમાં ધૈર્યની બહુ જરૂર પડે. એટલે એ ન થયું. મારે ગાયક થવું હતું. મેં એક વખત એવો પણ વિચાર કર્યો કે હું સારો ગાયક થાવ કારણકે મારો અવાજ સારો હતો અને ઉચ્ચારો હું સ્પષ્ટ કરી શકતો હતો. પણ દુર્ભાગ્યે હું કોઈ તાલીમ લઇ ન શક્યો. એટલે ચિત્ર ગયું, સંગીત પણ ગયું એટલે હાથમાં રહ્યો શબ્દ. અને શબ્દમાં પછી હું આ રીતે પોષણ મળતું ગયું  એમ આગળ ચાલ્યું.”

શ્રી પંકજ જોશી

અસ્મિતા વિશેષ સંવાદ : 28

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

ખગોળ શાસ્ત્રને ધરમૂળથી આત્મસાત કરનાર ડો. પંકજ જોશી, એવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની છે કે તેઓ વાત કરે ત્યારે કોઈ પ્રકાંડ શાસ્ત્રી વાત કરતા હોય તેવો ભાવ પ્રગટે. પંકજભાઈ વિજ્ઞાની ખરા, પણ તેઓ અધ્યાત્મને પણ વિજ્ઞાનની મદદથી એવી રીતે સમજાવે કે બાળક થી લઈને સિનિયર સીટીઝન સુધીની પ્રત્યેક વ્યક્તિને જટિલ બાબત પણ ગળે ઉતરે. મુંબઈના TIFR ના સાયન્ટીસ્ટ પંકજભાઈએ ખગોળવિજ્ઞાનમાં ઓથોરિટી ગણાય તેવું સંશોધનાત્મક પ્રદાન કર્યું અને વિશ્વ સ્તરે તેઓને માન  અને સન્માન મળ્યાં. આમ છતાં તેઓ એકદમ down to earth વ્યક્તિ. પુરી સહજતાથી એ કોઈની પણ સાથે સંવાદ કરી શકે. અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન પણ તેઓની સાદગી અને નિખાલસતા સ્પર્શી ગઈ. તેઓ અમેરિકાનો એક અનુભવ વર્ણવે છે તે માણીએ ::

“એક વખત હું ધીરજરામ શાસ્ત્રીજીની સાથે વાત કરતો હતો.  જયારે  MSc પૂરું કર્યું ને ત્યારે મેં એમને કહ્યું કે,  હવે મારે આ બધું મૂકી દેવું છે. વિજ્ઞાન અને ગણિતનું સંશોધન નથી કરવું અને આપણા જે શાસ્ત્રો છે એના અધ્યયનમાં મારે લાગી જવું છે. મારા મનમાં તો એમ હતું કે પોતે જ્યોતિષના વિદ્વાન, આયુર્વેદના વિદ્વાન અને શાસ્ત્રીજીની  ડિગ્રી ધરાવે છે તો એ મને કહેશે કે,  હા  હા બહુ સારું.. (એક નવો ચેલો મળ્યો એમ…) એ મને કહે કે,  શું ફેર પડે છે ? અત્યાર સુધી વ્યવહારમાં આ ગણિતનો પરિચય છે તે ચાલુ રહેવા દે, તો મેં કીધું, પણ  શાસ્ત્રોનું અધ્યયન…  તો મને કહે,  એ અંદરથી સૂક્ષ્મ રીતે થઇ જશે. આ શાસ્ત્રીજીએ આવું કહ્યું  એટલે ટૂંકમાં એણે મને હા ન પાડી. બીજી બાજુ મકરંદભાઈ (સાંઈ મકરંદ) સાથે એકવાર વાત કરી.  ‘મકરંદભાઈ આટલી બધી ચર્ચાઓ અને આપણે મળીએ અને આ બધી જાતજાતની આ બધી વાતો ને હું આ વિજ્ઞાનમાં ક્યાંથી ઘુસી ગયો??  ત્યારે મકરંદભાઈ મને કહે છે કે,  કેમ પંકજ,  તને એ ખબર નથી કે ઈશ્વર પોતે મોટો વિજ્ઞાની છે ! આપણે ત્યારે તો એક જ પંક્તિ હોય છે.  ઈશ્વર પોતે જ મોટો વિજ્ઞાની હોય છે એ ખબર નથી તને ? એવો સવાલ કરે છે તો મારું કહેવાનું એ છે કે આપે જે વાત કરીને આ તત્ત્વતઃ બંને વસ્તુ ભિન્ન નથી પણ આ જે સોસાયટીની અંદર ઈઝમ અને ઘણું બધું છે એટલા માટે હું આ વારંવાર વિચારે ચડું  છું. મારે કુમારપાળભાઈ સાથે પણ હમણાં જ્યારે છેલ્લી વાર માધવપ્રિયદાસજી આવ્યા હતા અને વિશ્વકોશનું કશુંક ઉદઘાટન હતું એ સમયે કુમારપાલભાઈ કહે કે,  તમે વિજ્ઞાનના માણસ છો.  પણ ત્યારે આ જ વાત અમારે થયેલી કે આ જે સમન્વય છે એ આજની પરિસ્થિતિમાં, વધારે તો આપણા બાળકોને અને આપણા યંગ પીપલને આપણે કેવી રીતે સમજાવીશું ? આજે એમને કહીશું કે પાંચ માળા કરી લો, પૂજામાં જઈને બેસો તો… એમ કશું નહીં થાય. એમને તમારે વિજ્ઞાન દ્વારા ધર્મ આપવો પડશે. ને એમાં કોઈ વિરોધ નથી. એમાં કોઈ પરંપરાને કોઈ નુકસાન નથી, ઉલટું  એ પરંપરાને સાચી રીતે સમજતા શીખશે.  તમે એવું  કહો કે,  અમે શું કામ વિજ્ઞાન દ્વારા અધ્યાત્મને આપીએ ?? તો એમાં કોઈ  નીચા નથી થતા. તમે એક જુદી પદ્ધતિ શીખવો છો. અને આપણે ત્યાં  જુદી જુદી પદ્ધતિ તો હંમેશા સ્વીકારાણી છે.  આપણા ઉપનિષદોમાં તો હંમેશા પ્રશ્નોત્તરની પરંપરા રહી છે. એટલે આ વસ્તુ જે છે એ બહુ જરૂરી છે. મને એક જ આ દાખલો યાદ આવે છે તો કહી દઉં… કે હું લોસએન્જલ્સમાં હતો, ત્રણ ચાર વર્ષો પહેલા.  કોરોના આવ્યો એની પહેલા. ત્યાં લોસએન્જલસમાં ચિન્મય મિશન બહુ મોટું છે.  મને કહે કે,  તમે ફિઝિક્સ અને વેદાંત ઉપર વાત કરો. મેં કીધું, તમારા હિસાબે અને તમારા જોખમે હું તો વાત કરું.  મને કઈ વાંધો નથી. મને કહે કે ના તમારે કરવાનું છે. એટલે પછી કહે કે બે લેક્ચર આપવા પડશે. કારણકે અમારી કેપેસીટી ૧૦૦૦ લોકોની જ છે. મેં કીધું ભલે, આપણે તો એ હેતુ માટે જ આવ્યા છીએ. આ બે લેક્ચર થયા પછી નાના નાના ગ્રુપમાં ત્યાં બધા લેક્ચર્સ ઘણા થયા. ત્યાં આપણા એક સોનીજી છે બકુલભાઈ તરીકે એમને બધા પ્રેમથી ઓળખે છે. એટલે પછી એ ગ્રુપ્સમાં એક અમેરિકન લેડી હતી. એ અમેરિકન લેડીની ઉપસ્થિતિમાં  હું બધી વાત કરતો હતો કે આ મન, આ માઈન્ડ ને અંતઃકરણ ને એ બધું ત્યારે એકદમ ઉભા થયા એ  બહેન અને મને કહે છે : આ તમે બધી માઈન્ડ ને અંતઃકરણ આ બધી વાત કરો છો તો શું આ બધી વાત છે, આ બધું કોણે  જોયું છે ? અને At  the end it is ન્યુરૉન્સ in the brain . the ન્યુરૉન્સ in the brain which are producing effect.  આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ. એટલે આ બધી તમારી વાત ધડ માથા વગરની છે એવુ મને કહેવા લાગ્યાં. મેં કીધું,  બહુ સરસ, ચાલો તમે આ વાત કરી તે સંમત. હવે તમે એમ કહો છો ને કે ન્યુરૉન્સ  in the brainની વાત કરું તો ન્યુરૉન્સ ને એનું નેટવર્ક તમે એ બધું જોયું  છે ? તો કહે,  મેં ન્યુરૉન્સ જોયા તો નથી. તો મેં કીધું, તો  તમે કેમ માનો છો ?  તો કહે કે એ તો સાયન્સ કહે છે, પ્રયોગો ને બધું છે એટલે. તો મેં કીધું પણ તમે તો જોયા નથી ને ! અને સાયન્સમાં પણ શું મેથોડોલોજી છે એ બધું ચેક તો કરીને ડાયરેકટલી કે ઈન્ડાયરેક્ટ્લી શું આમાં છે, તે તો વિજ્ઞાને જાણ્યું હશે ને? મને કહે, હા એ તો બરાબર છે. મેં કીધું એ વાત પણ… તમે મને કહો  કે,  Do you agree that you exist ? તો એકદમ મારી સામે ઉભા થઈને કહે કે,  what do you mean ? of course, I exist. I am very much here and I Exist. Definitely I exist. પછી મેં કીધું , બરાબર છે. Do you agree that you feel pleasure, pain, you have sometimes certain emotions, sometimes love, sometimes

hate, sometimes angry, sometimes anxiety, some different type of you know it happens all the time?  પછી મેં કીધું what do you prefer ? what do you like? તેઓ કહે, I like to be always in pleasant condition of mind.  મેં કહ્યું :: than you want to be happy right ? in your existence. You like to be in a certain state of mind all the time where you get the happiness. માઈન્ડ નો શબ્દ પણ જવા દો, પણ in your existence you want to be in a certain state.  ત્યારે મને કહે,  એ તો બરાબર છે એમાં ક્યાં કોન્ટ્રોવર્સી છે ?  તો મેં કીધું let us think how to do, how to achieve that. So what are the ways we are talking about that nothing more.  આ વાતની જ આપણે વાત કરી રહ્યા છીએ,  ન્યુરૉન્સને ય ભૂલી જાઓ ને…”

 

શ્રી ગુલામ મોહમ્મદ શેખ

              અસ્મિતા વિશેષ સંવાદ : 27

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વાતની અને વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ. તેઓની સિદ્ધિને સાચા અર્થમાં પહેચાનવા માટે તેઓની  વડોદરા સ્થિત વૃક્ષોથી આચ્છાદિત હવેલીની નિરાંત જીવે મુલાકાત લેવી રહે. પતિ અને પત્ની બંને ચિત્ર સર્જન માટે લગભગ આખો દિવસ પોતે શોખથી બનાવેલા સ્ટુડીઓમાં જ ગુજારે છે. અમે કોરનાકાળ હળવો થયો કે તરત તેઓના નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ સંવાદ કર્યો. 

શ્રી ગુલામ મોહંમદ શેખ સાહેબ પોતાના જીવનની ચડતીની વાત કરે છે. :::

“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું.  એમ.એફ. હુસૈનને  અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કાલા સર્જક,  મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી  દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઇ અને એમને મેં મારા ચિત્રો બતાવ્યા. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જયારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે.  મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે  હું કરું..  પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડા એ પ્રકારના કે જે સમયને પાર શું કહેવાય એવા.  જેમાં અત્યંત પુષ્કળ ઉર્જા, સ્ફૂર્તિ અને આવેગને એ બધું જ છે. એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી.  એ ઘોડા એ માત્ર ઘોડાઓ છે એટલે કે ઉર્જાના પ્રતીકો છે. મારો ઘોડો તો જાણે  ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું  ઘોડું… તેણે  ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક  અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં.  અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !  હું દુનિયામાંથી કશુંક શોધવા માંગતો હતો અને એ શોધવા માટે મારી પાસે કશું નહોતું તો ઘોડો હાથમાં આવ્યો અને ઘોડા દ્વારા મેં આખી દુનિયા જોઈ. એ અરસામાં મેં લગભગ ૧૦૦ – ૨૦૦ ચિત્રો કર્યા. ખુબ કામ કરતો. સૌથી મોટી ફાઈન આર્ટસ કોલેજની એ ખૂબી કે ચોવીસ  કલાક આખી સંસ્થા ખુલ્લી રહે.  તમારે આખો દિવસ ગમે ત્યારે ત્યાં કામ કરવું હોય તો કરી શકો. અને પછી ચિત્ર માટેની સામગ્રી તો આમ તેમ ઠેબા મારીને પણ અમે શોધી લેતા, મળી જતું બધું… પચાસ  રૂપિયાની સ્કોલરશીપ મળી કે ન મળી,,, ઘણી વાર મળે,  ઘણી વાર ક્લાર્ક  ખાઈ જાય તો પણ મેં ગમે તેમ કરીને મારું કામ ચલાવ્યું અને ચિત્રો  કરતો રહ્યો. એટલા બધા ચિત્રો કર્યા કે પછી મને એમ થયું કે મારે મારું પ્રદર્શન કરવું જોઈએ અને મેં જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઈ  બુક કરાવી અને પછી એમ.એફ.હુસૈનને લખ્યું કે મારે મારા ચિત્રોનું પ્રદર્શન કરવું છે. તમને નવાઈ લાગશે પણ ૧૯૬૧ નું મારું પહેલું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં થયું એનું ઉદઘાટન એમ.એફ.હુસૈને કરેલું. તેઓ આવ્યા કવિતા વાંચી. મને તો કલ્પના નહીં કે  કવિતા એવું બધું એ પોતાની મેળે લખતા હતા 

એ વખતે મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા મુંબઈમાં છે ત્યાં બધા કલાકારોના સ્ટ્યુડીઓસ છે,  તેમાં એ લોકો કામ કરે રોજ. એમાં લગભગ ૧ રૂપિયો ભાડું લેવાતું એવું કહેવાતું, સોની બાટલીવાળા એનું સંચાલન કરતા હતા. ત્યાં હું ગાયતોન્ડે, તૈયબ મહેતા અને એવા બધા કલાકારોને મળેલો. હુસૈને મને કીધું કે આ ગાય છે, આ તૈયબ, આ ફલાણું ને આ પેલા. બધાને પહેલા નામે બોલાવવાના. મણી સાહેબને મણી ન કહેવાય, મણીસાહેબ કહેવાય. અહીંયા હું ગાયતોન્ડેને  હું ગાય કહીને બોલાવું અને  તૈયબ મહેતાને તૈયબ કહીને બોલવું. એટલે મારો નવો સબંધ બંધાયો કલાકારો સાથેનો, કલા સાથેનો સબંધ તો હતો જ. નક્કી કર્યું કે આપણે કલાકાર જ થવું છે. આપણે આમાં જ પડવું છે. આપણે કોઈમાં આસ્થા હોય તો બીજી બધી આસ્થાઓ બાજુએ મૂકી સૌથી મોટી આસ્થા તે આ. મારે આમાં પ્રવેશ કરવો છે અને બને ત્યાં સુધી મારે એક જુદું જીવન જીવવું છે,  પૈસો મળે કે ન મળે. એ જમાનામાં કોઈ ખાસ એવી ગેલેરી નહોતી, એ જમાનામાં લોકો ચિત્રો ખરીદતા નહોતા એવું નહોતું. મારું પહેલું પ્રદર્શન થયું એમાંય મારા બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે  મારા ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર પોસ્ટકાર્ડ છાપેલું. મેં માણ્યું કે કઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!! અને હું જયારે મુંબઈ ગયો ને આર્ટ  ગેલેરીમાં પ્રદર્શન ખોલ્યું ત્યારે કેટલા બધા લોકો હતા. તમને નવાઈ લાગશે કે ઈબ્રાહીમ અલ્કાઝી,  અલ્કાઝી જે NSD  ના ડિરેક્ટર,  એ તે વખતે ભોળાભાઈ મેમોરિયલ  ઇન્સ્ટિટ્યૂટમાં બેસતા અને વ્યાખ્યાનો આપતા અને ઘણું બધું કરતા. અને એમનું થિયેટર પણ ચાલતું હતું તેઓ  મારું પ્રદર્શન જોવા આવ્યા હતા ને પ્રદર્શનના શીર્ષકો વાંચીને એટલા બધા ખુશ થયા અને મને પૂછેલું કે, તું વાંચે છે ? અને મેં એમને .થોમસની વાત કરી તો એટલા બધા ખુશ થઇ ગયા કે આટલી  બઘી  તને ખબર છે ? મેં કીધું,  આ મારા ગુરુ તો  સુરેશ જોશી એ તો મલ્હારમેં, રેલ કે, મેરુદા , પાસ આ બધાની કવિતાઓ એમણે અમારા સુધી પહોંચાડી છે. અને એમના સામાયિકોમાં તો મેં લખ્યું છે મને ઘરે બોલાવ્યો રાતે. મારી ઉંમર કેટલી એ તમે ગણો ૨૪ વર્ષ અને આ બધાનો પરિચય મને થયો એટલે મોટા ગજાના કલાકારોનો પરિચય થયો. 

મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે પૈસો મળે કે ન મળે. એ જુદી વાત છે. ક્યાંક તો તમારે ગાંઠ બાંધવી જ પડે ને ! ક્યાંક તો તમારે નક્કી કરવું પડે ને કે શું કરશો તમે ? તમારે મા બાપને જવાબ તો આપવાનો નથી,  કારણકે મારા પિતાજીએ તો ત્યાં સુધીમાં વિદાય લઇ લીધી હતી. મારા ભાઈઓ પોતાની નોકરીઓ કરતા હતા.  એટલે મારે એમને કઈ આપવાનું નહોતું પણ મારી એમના તરફની સૌથી મોટી લાગણી એ જ છે કે મારા પિતાએ  મને ભણવા મોકલ્યો અને મારા ભાઈઓએ પણ મને નાની મોટી મદદ કરી. મારા કુટુંબે કોઈ આડખીલી નાખી નથી. એટલે આને તમે જે કહેતા હો  તે,, કૌટુંબિક વારસો કહો, કાઠિયાવાડી વારસો કહો કે ગુજરાતનો કે ભારતનો કે જે કંઈ  પણ કહો તે આ આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેનો મને સીધે સીધો અનુભવ થયો.  એજ અરસામાં તમને બહુ નવાઈ લાગશે કે મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો કારણકે રતન  નામના શિક્ષક હતા એમને કોમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લેન્ડ જવાના હતા,  એટલે  મહેન્દ્રસાહેબ કહે કે  તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ. નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે,  એમાં શું છે,  અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ  અને  બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ..  અને એવી રીતે હું ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’

 

શ્રી દિનકર જોશી

             અસ્મિતા વિશેષ સંવાદ : 26 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ગુજરાતી સાહિત્યમાં અભ્યાસપૂર્ણ પ્રદાન કરનાર સાક્ષર શ્રી દિનકર જોશી શારીરિક તકલીફોને અવગણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને દિલ ખોલીને વાતો કરી. એમના જીવનના અનુભવો એટલા ઉમદા છે કે તેમાંથી એક નવલકથા બને. ભારોભાર શિક્ષક દિનકરભાઈ છ્યાંસી વર્ષે અડીખમ છે. તેમની સાથેનો સંવાદ જીવનનો એક લ્હાવો બની રહ્યો.

“જન્મ પૂરતી હું વાત કરું તો મોસાળનું ગામ ભડી ભંડારીયા, ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ૧૯૩૭, ૩૦ મી જૂન. એવું કહેવાય છે કે પેલી થાળી વગાડતા. મારી પહેલા ત્રણ બહેનો.. ત્રણ બહેનો પછી મારો જન્મ. એટલે થાળી વગાડેલી મોસાળના ઘરમાં કે દીકરો આવ્યો. આ દીકરો જે મોસાળમાં આવ્યો એ દીકરો રહેવા તો પછી પૈતૃક ઘરે ગયો. પોતાના પૈતૃક વારસાનું બાપનું ગામ હતું બાજુમાં,  ભડી ભંડારીયા થી પાંચેક કિમિ દૂર અને એનું નામ જો એકવાર બોલીશ તો તમને યાદ નહીં રહે,  તમારે બે ત્રણ વાર ગોખવું પડશે. નાગધણીબા... ૮૦૦ માણસની વસ્તી. ઘરમાં લાઈટની તો વાત છોડો, ગામમાં બસ નહીં, ટ્રેન નહીં, શાળા નહીં, દવાખાનું નહીં કશું જ નહીં. પાણી ભરવા પણ ગામથી  ૧ કિમિ બહાર દૂર નદીએ જવાનું.. આવું આ ગામ. હવે આ ગામમાં થોડો વખત રહ્યા, પણ એ ગામમાં જે થોડા વર્ષ રહેવાના આવ્યા એમાં કેટલીક એવી વસ્તુઓ આજે હું યાદ કરું છું ત્યારે મને ખબર પડે છે કે કેટલું બધું આજે પણ જીવતું રહ્યું છે અંદર,  કે જેણે મને ઘડ્યો છે. આ ગામમાં સ્કૂલ તો હતી નહીં પણ..પાટી પેન લઈને એક નિવૃત વયોવૃદ્ધ કાકા બેસતા એ છોકરાઓને બોલાવતા. ત્રણ ચાર વર્ષનો હતો કદાચ એ પહેલાનું તો યાદ નથી. પણ ત્યાં હું ગયો અને પહેલી વાર એકડો ઘુટેલો એવું આજે મને યાદ છે. પણ પછી જાજું રહેવાનું અહીં બન્યું નથી. પણ ત્યારે  બાપુજી મુંબઈની  મુળજી જેઠા માર્કેટમાં, અમે અહીં નાગધણીબા ગામમાં. દર મહિને મનીઓર્ડર આવે એની રાહ જોવાની, ખર્ચીના દિવસો હતા એ… અઠવાડિયામાં એક વાર ટપાલી આવે ભડી ભંડારીયા ગામથી…અને જયારે આવવાનો હોય ત્યારે ચોરે બધા ભેગા થઈ જાય. અને ટપાલી વીણી વીણીને કાગળમાં જે સંદેશાઓ હોય તે ‘અલ્યા ભાઈ,  તું આને આપી દેજે’….’તું આને આપી દેજે’… એમ બધા બે ચાર પાંચ જણા જે બેઠા હોય એને આપી દે…. આ જગ્યાએ થોડો વખત રહ્યા પણ થોડા થોડા વખતના અંતરે બનેલા નાનકડા એક બે પ્રસંગો કહું..

અમારે ત્યાં સાપ બહુ નીકળતા… અમે એને એરૂ કહીએ…. એરૂ નીકળે ને એને મોટો જીવ કહેવાય.. ઘરમાં મોટો નીકળ્યો  એટલે એરૂ નીકળ્યો . આ એરૂ નીકળે એટલે એને પકડવા માટે અંબારામભાઈ કરીને એક બાવો.. એક્સપર્ટ… એ સાપના મોઢેથી સાપને પકડી લે.. અને સાપ પછી ભાઈના હાથ ઉપર વીંટળાય એ મેં જોયેલું છે. અને પછી એ સાપને ગામને પાદર જઈને છૂટો મૂકે. આ જોઈને મને બીક લાગતી ત્યારે હું ચાર પાંચ વર્ષથી વધારે મોટો નહીં હોઉં કદાચ પણ એ પ્રસંગ યાદ રહી ગયો છે. અંબારામભાઈને મેં પૂછ્યું,  કાકા તમને બીક નથી લગતી ? આ એરૂ કરડી જવાની ? ત્યારે એમણે હસતા હસતા કહેલું, ‘દીકરા એરૂ કરડે નહીં,  એના મોઢે તાળું હોય, અને એ તાળાની ચાવી ભગવાન આગળ હોય. ભગવાન એનું તાળું ચાવીથી ખોલે તો જ કરડે. એટલે એનાથી બીવાનું નહીં.!!! એક સવાલ ત્યારથી મનમાં થઈ ગયેલ હશે એમ આજે મને લાગે છે કે ભગવાન તાળું ખોલે તો જ એરૂ કરડે નહિતર એરુથી બીવાનું નહીં. આજે પણ એરુંથી બીવું  છું. આજે તો સાપ જોવા જવાનું હોય કે સામે આવતો હોય તો બીક લાગે છે પણ અંબારામભાઈ ત્યારે યાદ આવે છે કે બીવાનું નહીં ઉપરવાળો જયારે કહેશે ત્યારે જ એરૂ આવશે. ઉપરવાળો નહીં કહે  ત્યાં સુધી બીવાનું કારણ  નથી. આ એક સંસ્કાર એ વખતે થયેલા જે મને આજે યાદ આવે છે. વર્ષો થઈ ગયા… પણ આ એક બીજ રોપાયેલું.

એક બીજી વાત કહું તમને..

મારા બાપુજીના મોટાભાઈ એને જીબાપા કહેતા. આજે જીપપ્પા કે એવું કંઈક કહે છે ને એમ અમે  જીબાપા કહેતા. ઘરેથી સવારે ન્હાવા માટે નદીએ જવાનું. જીબાપા, કાકા, મોટા બે ચાર વડીલો, ખભે ધોતિયા અને ટુવાલ લઈને વીટલો વાળી, બગલમાં મૂકી નદીએ જાય.. અમે છોકરાઓ એમની આંગળીએ.. નદીએથી નાહીને પાછા ફરતા હતા. રોજની જેમ નહાવાનું, કપડાં ધોવાના, કપડાં સુકવવાના, શંકરના મંદિરે આરતી કરવાની અને પછી ઘરે આવવાનું. જીબાપાની આંગળીએ વળગીને આવતો હતો. બાપુજી નહોતા,  જીબાપા હતા. અને મોટા વડીલો વાતો કરતા હતા.  વાતો કરતા કરતા શું વાતો હતી તે  સમજાણી નહીં. જીબાપા કોકની વાત કરતા કરતા બોલ્યા ‘અરે, એની તો..’ ને એ ગાળ બોલ્યા… અને કોઈક અપશબ્દ બોલ્યા જેનો અર્થ મને ત્યારે સમજાયો નહોતો. એ શબ્દ મેં પહેલીવાર ત્યારે સાંભળ્યો હતો. તો એ બોલ્યા સાથે  બધા બોલ્યા :  હા સાચી વાત તેં  કરી..  મને થયું આ શું હશે ?  સાંજે જીબાપા ઘરમાં બેઠા હતા ત્યાંથી બૂમ મારી એ દિનુ અહીં આવ.. હું ફળિયામાં રમતો હતો. પથ્થરો કાઢતો હતો ફળિયામાંથી. જીબાપાએ ફરીવાર બોલાવ્યો, ‘અલ્યા સાંભળતો નથી ? અહીં આવ.’ મેં કહી દીધું,  ‘મારે આવવું તો છે જીબાપા,  પણ આ પથ્થરો એની માનો…’ એ જ શબ્દ જે જીબાપા બોલ્યા હતા. ‘શું બોલ્યો તું?’ જીબાપાનો ચહેરો ફરી ગયો. મારો કાન પકડયો. ‘ફરીવાર બોલ… ક્યાંથી શીખ્યો આવું?’ એક લાફો માર્યો. મેં કહ્યું  ‘તમે બોલ્યા ત્યારે તો બધા હસ્યાં હતા,  મને શું કામ મારો છો ?’ જીબાપા લેવાય ગયા, એનો ચહેરો સુકાઈ ગયો.. મારી પાસે આવ્યા, માથે હાથ ફેરવ્યો અને કહ્યું :: ‘દીકરા, બીજું ગમે તે બોલે પણ તારે આવું બોલાય નહીં… યાદ રાખજે તારે આવું ન બોલાય…

ભદ્રાયુભાઈ’,  લગભગ એંશી વર્ષ થયા હશે એ વાત ને આ ગાળ ત્યારે સાંભળી હતી એ પછી અનેક અપશબ્દો સાંભળ્યા છે.  બધા અપશબ્દોનો અર્થ હવે આવડે છે,  નથી આવડતું એમ નહીં… બધા અપશબ્દો ખબર છે…પણ ઘણીવાર કોઈની જોડે બોલવાનું થાય  ત્યારે સાંભળ્યા પણ છે. પણ વળતા બોલાયા નથી. તરત મને જીબાપા યાદ આવે છે કે દીકરા તારાથી આવું બોલાય નહીં…શું કામ ન બોલાય એ ખબર નથી ? પણ  જે દિવસે કાને પડેલી એ વાત છે,  આજે આટલા વર્ષે પણ એમ  થાય છે કે,  મારાથી ન બોલાય .”

 

શ્રી અમૃત મોદી

અસ્મિતા વિશેષ સંવાદ : 25

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

ગાંધીને જેમણે  જોયા નથી પણ જેમણે ગાંધી કાર્ય અને તેમાં પણ ગાંધી લેખન સાથે સીધો જીવન સંપર્ક બાંધ્યો છે. વિનોબાજીની બહુ નજદીક રહીને અમૃતભાઈએ કાર્ય કર્યું છું. વિનોબાજીની રોજિંદી કાર્યવાહીની નોંધ કરતા રહેવાનું કાર્ય એમણે કર્યું છે. એવા  સાબરમતી આશ્રમના નિવાસી શ્રી અમૃત મોદી સાથે ધીર ગંભીર સંવાદ  થયો. દાંત વગરનું મોઢું પણ વાત સ્પષ્ટ અને ક્રમબદ્ધ. ચાલીસ વર્ષોથી કેવળ ગાંધી-શબ્દ-દેહ સાથે વિતાવનાર અમૃત મોદી બહુ નિખાલસતથી વાતો માંડે છે. થોડી વાતોનો આસ્વાદ માણીએ  : 

“1947 ની 15મી ઓગસ્ટે અમે આખી રાત જાગેલા અને અનેક જાતના મશાલ સરઘસ અને સ્લોગનોથી માહોલ જામ્યો. એક નાટક કર્યું ૩ કલાકનું… મારે કહેવું જોઈએ કે એટલા નાના ગામમાં એક જયંતીભાઈ રાવલ હતા, એમણે ‘આઝાદીની લડતનો ઇતિહાસ’ જેવું નાટક લખેલું અને અમે ગામના યુવાનોએ એ ભજવેલું. ત્રણ કલાક સુધીનું નાટક લખી શકે એવું કોઈ નાના ગામડામાં હોઈ શકે એ બતાવે છે કે ગામ નાનું હતું પણ ત્યાંનું વાતાવરણ સ્વતંત્રતાના રંગે રંગાયેલું તેજસ્વી હતું એટલે કોઈ માણસને આવું ત્રણ કલાકનું સુંદર નાટક લખવાનું સૂઝી શકે. અને નાટ્યલેખક ન હોય તો એ અંદરના ઉમળકાથી લખાય, એવું અહીં બનેલું.  બધી જાતની રાષ્ટ્રીય પ્રવૃત્તિ જે દેશમાં ચાલતી એનો પડઘો અમારા ગામમાં પડે અને લોકો એને પ્રતિસાદ આપે. સમાચાર પણ રસપૂર્વક બધા વાંચે એટલે છાપા આવે અને છાપા જાહેરમાં મુકાય. આવા  ગામ સાથે સબંધ પણ બહુ સારો જ બધાય ને ? 

એ ૧૪ મી અને ૧૫ મી ઓગસ્ટ મારા ગામમાં ભારે ઉત્સાહ હતો. લોકોનો બહુ,  ઉમંગ પણ કારણ કે ૧૯૪૨ થી દર વર્ષે ગાંધી જયંતિએ ઉજવણી થાય અને ગાંધીજીની ઝૂંપડી બનાવવામાં આવે, બીજા પણ અનેક નાના મોટા કાર્યક્રમો જેવા કે ખાદી, કાંતણ અને જાત જાતની હરીફાઈઓ જેવી કે વકતૃત્વ  અને કવિતાઓ પઠન  એથી વાતાવરણ જામતું. બીજું કે આગેવાનો પણ દ્રષ્ટિવાન હતા. એટલે અનેક પ્રકારની પ્રવૃતિઓ થતી. મને સૌથી વધારે લાગ્યું કે એ ગામમાં સ્વતંત્રતા માટેની ભૂખ, સ્વતંત્રતા માટેની તલપ હતી. હવે નાના ગામમાં, અંતરિયાળ ગામમાં આ એક વિશેષતા હતી.

એ દરમિયાનમાં ગુજરાતમાં ભૂમિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. એનું કામ બહુ ચાલતું હતું. અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી પણ કોઈ સંગઠન નહોતું. સંગઠન બહુ જ સ્વાભાવિક રીતે હતું એટલે કે નોન ફોર્મલ હતું. નારાયણની દેસાઈની પ્રેરણાથી સાબરમતી આશ્રમમાં દર મહિનાની ૭ મી તારીખે એક સભા થાય એ સભાના કોઈ સંયોજક નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ આવાહક નહીં, બધાને જાહેર કરી  દીધેલું કે ૭ મી તારીખે સવારે ૧૦ વાગે સભા શરૂ થશે ને  સાંજે ૫ સુધી ચાલશે,  એમાં જેને રસ હોય તે આવે. એટલે સીધા પ્રવૃત્તિ સાથે જોડાયેલા માણસો આવી જતા હતા. અને કોઈ પણ પ્રકારના સંગઠન વિના સભા યોજાતી.  એનું નામ પણ ૭ મી તારીખ ને લીધે  ‘સપ્તમી સભા’ રાખેલું.  બધી જ વ્યવસ્થા સાબરમતી આશ્રમમાં બપોરની જમવા વગેરેની  થઈ જાય. અને એ સભાઓ ચાલતી હતી એની મારફત બધું કામ ચાલતું હતું.  પણ પછી દાન, પૈસા મળવા મંડયા એટલે એની વ્યવસ્થા માટે સંગઠનની જરૂર પડી. તો ૧૯૫૯ માં અમે ‘ગુજરાત સર્વોદય મંડળ’નું સંગઠન કરી અને રજીસ્ટર કરાવ્યું.  આ પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે હું મહેસાણા જિલ્લાનું પણ કામ કરતો,  ધીરે ધીરે આ પ્રવૃત્તિમાં  પણ જોડાતો રહ્યો. એટલે એ સંઘઠનનો આરંભ કરવાની અને  તેનું કાર્યાલય સંભાળવાની જવાબદારી મને સોંપવામાં આવી. મેં સાબરમતી આશ્રમમાં એની શરૂઆત કરી. દરમિયાન અમને એક પ્રેસ પણ શરૂ કરવું હતું અને ભૂમિપુત્ર તો  એના પહેલા ૧૯૫૧ થી કે ૧૯૫૫ થી શરૂ કરી દીધું હતું. એટલે એની પણ કાયમી વ્યવસ્થા માટે મકાનની જરૂર હતી. આ સર્વોદય મંડળની રચના કરી એટલે એને માટે પણ મકાનની અને જમીનની જરૂર હતી. તો મકાન અમને વડોદરામાં એક જગ્યાએ ભાડેથી મળી ગયું અને એક તૈયાર પ્રેસ મળ્યું. એનું કામ બધું ખાસ કરીને પ્રમોદ ચોક્સી સંભાળતા. પ્રમોદ ચોક્સી પણ વડોદરાના અને એમની અનુકૂળતા માટે આ કાર્યાલય અમે વડોદરા રાખ્યું અને ત્યાં વિનોબાજી વડોદરામાં રહેલા પણ ખરા, એ પણ લાગણી એટલે ગુજરાત સર્વોદય મંડળનું બધું અને ભૂમિપુત્રનું બધું કામ વડોદરાથી શરૂ કર્યું. ૧૯૭૪ સુધી હું વડોદરા રહ્યો અને આ બધા કામમાં હું સક્રિય એટલે ગુજરાત સર્વોદય મંડળનું કાર્યાલય એના પછી સેક્રેટરી તરીકે અને પછી ભૂમિપુત્રના પ્રિન્ટર તરીકે યજ્ઞ પ્રકાશનના મુદ્રક… એવી બધી પ્રવૃત્તિમાં મારું  નામ રહ્યું અને એ કામ કરતો રહ્યો.

ભૂદાનનું કામ બધું યજ્ઞ ભાવનાથી જ થતું હતું. એટલે અમે એના પ્રકાશનનું નામ ‘યજ્ઞ પ્રકાશન’ રાખ્યું છે. અને એ બધું કામ સારા પ્રમાણમાં ચાલ્યું. અને ધીરે ધીરે વધતું પણ ગયું. આ પ્રવૃત્તિ સતત ચાલી. એમાં અખિલ ભારતીય કક્ષાના અમારા કાર્યક્રમો પણ થાય અને જયપ્રકાશ પારાયણ તેમજ વિનોબાની ભૂદાનની પદયાત્રા પણ આવી ગઈ તો એના કામો અને પછી દાદા ધર્માધિકારી, ધીરેન્દ્ર મજમુદાર અને બીજા  અખિલ ભારતીય કક્ષાના બધા આગેવાનોના પ્રવાસો ગોઠવાય અને પ્રવૃતિઓ સતત ચાલે અને એના સંયોજનના કામમાં સક્રિય થવાનું રહ્યું એટલે એ પ્રકાશનનું કામ અને સંગઠનના કામમાં સમય ગયો.  જીવનનો એ પણ એક આનંદનો  ભાગ છે, એટલે ૬૦ થી ૭૪ સુધીનો.. 

આ એ વખતે વિનોબા સાથે અમારે દર વર્ષે બે પ્રકારના સંમેલનો થાય. એક કાર્યકર્તાનું સંમેલન થાય એને ‘સર્વસેવાસંઘની સભા’ કહે અને એક લોકોનું સંમેલન થાય એને ‘સર્વોદય સંમલેન’. બીજી નાની નાની સભાઓ થાય,  જુદા જુદા કામો માટે. લગભગ એ વખતે બધે એવો જ રિવાજ હતો કે વિનોબાની પદયાત્રા જ્યાં હોય ત્યાં આવી સભાઓ ગોઠવવી,  જેથી એમનું માર્ગદર્શન મળી શકે. એટલે આ રીતે અનેક  પ્રસંગોમાં મારે વિનોબાજીને મળવાનું થયું  અને દર્શન પણ થયાં. પછી ૧૯૭૦ માં વિનોબાના પ્રવચનોની નોંધ લેનારા માણસોમાં ત્રણ ચાર જણા થયા અને એમાં મારો પણ સમાવેશ થયો અને વિનોબાની યાત્રામાં સાથે રહેવાનું અને એના પ્રવચનો જે થાય અને એમની સાથે  લોકોની  વાટાઘાટો કે વાતચીતો ચાલે એ બધું પણ નોંધવાનું કામ મને મળ્યું.  એટલે વિનોબાજી ના નજીકના સંપર્કમાં આવવાનું થયું.  જીવનના આ વર્ષો ખુબ સુખદ લાગે છે.

એટલૅ કે ચાલીશ વર્ષની ઉંમરે વિનોબાજી સાથે પદયાત્રાનો પણ લાભ મળ્યો અને નારાયણભાઈ કે જયપ્રકાશજી કે રવિશંકર મહારાજ સાથે પણ પદયાત્રા થઈ. ( આવી વિભૂતિઓ સાથે ૪૦ વર્ષ સુધીમાં પરિચય થવો,  એમના કામના સહભાગી બનવું અને  વિનોબાજીની નોંધો કરવી !! એટલે જીવનનો પહેલો અર્ધ ભાગ  તો સુંદર અને સમૃદ્ધ કામ થયું એટલે પછીનો જીવન-ભાગ  તો એમના કામમાં જ વીત્યો હોય,  બીજું કઈ વિચારી જ ન શકાય. !!) 

એ દરમિયાન મારા માતા પિતા તો હયાત હતા. પણ એ બધા પોતાના ગામમાં રહેતા અને પત્ની પણ મારી  પદયાત્રા અને એ બધામાં સાથે સાથે રહે. સાઠથી ચુમોત્તેર વચ્ચેના ગાળામાં મારે દીકરા અને દીકરીનો જન્મ થયો એટલે કુટુંબની જવાબદારી ઉભી થઈ ગઈ અને એને કારણે મારે કોઈ એક જગ્યાએ સ્થિર કામ કરવું જોઈએ એવી જરૂરિયાત ઉભી થઈ.  પછી હું સાબરમતી આશ્રમમાં પાછો આવ્યો. એ વખતે પણ સાબરમતી આશ્રમ સાથે પરીક્ષિતભાઈ મજમુદાર  અને  મામા સાહેબ ફડકે હતા એમની સાથેનો સંપર્ક સતત હતો. અને આવી પરિસ્થિત ઉભી થઈ એટલે મને સાબરમતી આશ્રમમાં સ્થાન મળી ગયું. એટલે ૧૯૭૪ થી આજ સુધી હું સાબરમતી આશ્રમ નિવાસ કરું છું  અને ગાંધીના શબ્દદેહને પ્રકાશિત કરવાનું કાર્ય કરું છું.”

સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’

ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                 (37)

ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો વિશિષ્ટ પરિચય એવી  રીતે આપી રહ્યા છે કે જેથી સખા અર્જુનના મનમાં કોઈપણ  સંશય ન રહે. 

અર્જુનને સ્પષ્ટ કહે છે કે, ‘હું જ સૂર્ય રૂપે તપું  છું, જળ એટલે વર્ષાને ગ્રહણ કરું છું અને પછી વરસાવું છું, હું જ અમૃત અને મૃત્યુ છું અને સત અસત પણ હું જ છું.’  અહીં અમૃત એટલે આત્મા અને મૃત્યુ એટલે પરિવર્તન. સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’. એક અર્થ એવો પણ થઇ શકે કે સત એ બાહ્ય વિષય અને અસત  એ મનની વિચાર વૃત્તિ. જો કે, આ બંનેનું જ્ઞાન  પ્રકાશક ચૈતન્ય આત્મા વિના સંભવી ન શકે. 

 શ્રી કૃષ્ણ અહીં પૂરેપૂરી ચોખવટ કરવાના મુડ માં છે એટલે કહે છે કે, ‘ જેમણે વેદોનું ઝીણવટથી સેવન કર્યું છે અને જેમણે સકામ ભાવથી શ્રદ્ધા રાખીને એ સઘળું કર્મ રૂપે આચર્યું છે, તેઓ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે. તો વેદોના અનુષ્ઠાન વડે ભોગોની જેમણે કામના કરેલ છે તેઓ વારંવાર સ્વર્ગમાં જાય છે અને પુણ્યો ખૂટે એટલે સંસારમાં આવતા રહે છે.’ 

કેવળ વ્યાખ્યા આપીને ભગવાન વાત પુરી નથી કરતા પણ  તેઓ ખાતરી  ઉચ્ચારે છે કે, ‘અનન્ય ભાવે મારું  ચિંતન કરતા રહીને જે ભક્ત મારી જ ઉપાસના કરે છે, તેવા ભક્તોના યોગક્ષેમ ની સંપૂર્ણ કાળજી હું લઉ છું.’  અહીં ‘મારું ચિંતન’ એટલે આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. યોગક્ષેમ શબ્દ પણ ગીતાની દ્રષ્ટિએ સમજી લઈએ. યોગ એટલે વધારેમાં વધારે આધ્યાત્મિક શક્તિ અને ક્ષેમ એટલે પરમ આનંદની પ્રાપ્તિ (અધ્યાત્મનું અંતિમ ફળ). સદગુરુ  શ્રી શંકરાચાર્ય જી યોગક્ષેમનો અર્થ આમ કરે છે : ‘ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી તે યોગ અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવું તે ક્ષેમ.’ સફળતાનાં રહસ્ય માટે હવે ત્રણ ચાવીઓ આપણને મળે છે :(1) સંકલ્પનું સાતત્ય (2) એક નિશ્ચિત લક્ષ્યને માટે પોતાનું સર્વસ્વ અર્પણ  કરવું (3) આત્મસંયમ..  અહીં ભગવાન શ્રીકૃષ્ણ વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ સફળતાની આ ત્રણ ચાવીઓને સમજીને તત્પરતાથી તેનું પાલન કરશે તેણે યોગ અને ક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેને પૂર્ણ  કરવાની જવાબદારી ‘સ્વયં ભગવાન’ સ્વેચ્છાપૂર્વક નિભાવે છે. 

મોક્ષ વિદ્વત્તા પર કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદી-ભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રી ‘હું’ , ‘હું’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દે  છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં “જનક-સુલભા સંવાદ” નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારું  એક સ્ત્રી પાસે જાય છે, એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાનાં ચરણે પકડાવ્યાં છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું  જાય છે. તુલાધાર કહે છે, “ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે.” તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરીને વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું : “મારું આ કર્મ જેટલું થઇ શકે તેટલું હું ધર્મમય કરું છું . જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરું છું. અને માબાપની સેવા કરું છું.” આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.

ભગવાન હવે આશ્વાસન આપે છે કે, શ્રદ્ધાપૂર્વક જે ભક્તો કોઈ અન્ય દેવતાઓને પૂજે છે , તેઓ પણ મને જ અવિધિપૂર્વક  પૂજે છે. પ્રત્યેક મનુષની અભિરુચિ ભિન્ન હોય છે. તેથી વિશ્વના તમામ લોકો એક જ દેવની ઉપાસના કરે તે શારીરિક દ્રષ્ટિથી અશક્ય અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તર્કસંગત જ નથી. ભગવાન આપણને ખાતરી આપે છે કે કોઈ જુદા દેવ પૂજે તો ચિંતા કે દ્વેષ તમે ન કરતા,  કારણ બધા જ યજ્ઞનો સ્વામી હું છું, તેઓ  તત્ત્વત: મને જાણતા નથી તેથી તેઓ સંસારને પ્રાપ્ત થાય છે. એક સરસ વિશ્લેષણ કરી આપીને શ્રીકૃષ્ણ  કહે છે કે, ‘જે દેવતાઓને પૂજે તે દેવતાઓને , પિતૃઓને પૂજે તે પિતૃઓને, ભુતોનું યજન  કરે તે ભૂતોને અને મારું પૂજન કરે તે મને પ્રાપ્ત થાય છે.’ જગતનો નિયમ છે કે તમે જેવા વિચાર કરો એવા તમે બનો. અહીં પૂજા એટલે સાદા ક્રિયાકાંડ નહીં , તે સમજી લઈએ. પૂજા એ સાધના છે, જેના દ્વારા સંપૂર્ણ વૃત્તિઓને સંગઠિત કરીને તેને ધ્યાનમાં દિવ્ય લક્ષ્ય તરફ વાળવામાં આવે છે. ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે. આમ કરવાથી ભક્ત પોતાના આરાધ્ય સાથે તદ્રુપ થઇ જાય છે એવો અહીં પૂજાનો અર્થ છે. 

રમેશ સંઘવી

અસ્મિતા વિશેષ સંવાદ (24) 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

શિક્ષણ, સાહિત્ય, સેવા, પ્રકાશનની દુનિયામાં પ્રદાન કરનાર ધૈર્યશીલ વ્યક્તિત્વ એટલે ગાંધીજન રમેશ સંઘવી. એમની સાથેનો સંવાદ આધ્યાત્મિકતાના માર્ગે આગળ ધપ્યો. શાંત વહેતા જળની જેમ મૃદુ અવાજમાં એકદમ ધીરજથી પોતાની મક્કમ વાતો રમેશ સંઘવીએ કરી. એ સંવાદનો સ્વાદ ચાખીએ. 

“ગામડાનું કામ કરું, શિક્ષણનું કામ કરું, સાહિત્યનું કામ કરું એ પહેલેથી જ ગમતું હતું. એટલે જે કઈ કામો કર્યા એ ગામડાને કેન્દ્રમાં રાખીને કર્યા. ગાંધી, ગામડું, ગરીબાઈ  આ બધું એક સાથે જોડાયેલું જ લાગ્યું છે. એટલે ગાંધીને યાદ કરું એટલે ગામડું યાદ આવે, ગાંધીને યાદ કરું એટલે જે છેલ્લો માણસ છે એ યાદ આવે. એટલે ગાંધીનું કામ કરવું હોય તો ગામડામાં બેસીને કરાય તો વધારે ગાંધીનું કામ થઇ શકે. વધારે ગરીબોનું કામ થઇ શકે. શિક્ષણનું કામ ગમતું હતું સાથે સાથે સાહિત્યનું કામ પણ ગમતું હતું. સાહિત્યમાં અક્ષરભારતી કરીને એક પુસ્તકોનું પ્રકાશન ગૃહ અને વેચાણગૃહ શરૂ કરેલું. શિક્ષણ માટે થોડી શાળાઓ અને સંસ્થાઓ શરૂ કરી.  એક સંસ્થા મેં શરૂ કરી એ કચ્છના  રણની વચ્ચે. કચ્છનું જે મોટું રણ છે એ મોટા રણમાં ધોળાવીરા કરીને જૂની પુરાતત્વની નગરી નીકળી છે,  વર્લ્ડ હેરિટેજ ગણાય છે તો એ ધોળાવીરા જતા પહેલા એની બાજુમાં જ રતનપર નામનું આયરોનું ગામ આવે,  ચારે બાજુ રણ જ. દસેક કિમી રણ ક્રોસ કરીએ ત્યારે બેટ ઉપર પહોંચાય. બેટનું નામ ‘ખડીર બેટ’. બાર તેર નાના નાના ગામડાઓ. છેલ્લું ગામ ધોળાવીરા, પહેલું ગામ અમરાપર.એના પછી આસપાસ બીજા નાના નાના ગામડાઓ. તો એવા વચ્ચેના એક રતનપર ગામમાં આગેવાન સવાબાપા એણે અમને નવ દસ એકર જમીન ભેટ આપી અને એ જમીન ઉપર શાળા, છાત્રાલય અને બીજી બધી ઘણી પ્રવૃત્તિ શરૂ કરી. આજે પણ ૨૫૦ બાળકો ત્યાં રહે છે, જમે છે, ભણે છે, કેમ્પસ પર જ છે. દસ ધોરણ સુધીની શાળા છે પણ અત્યારે હું નથી સંભાળતો બીજા મિત્રો સંભાળે છે, પણ ચાલે છે આજે પણ. તો એ આખા વિસ્તારમાં લાઈટ પણ નહોતી, રસ્તાઓ પુરા નહોતા. જયારે શરૂ કર્યું ત્યારે, ટેલિફોન તો વાત જ નહીં, મોબાઈલનો તો યુગ આવ્યો નહોતો. અને એવા વિસ્તારમાં આપણે કામ શરૂ કર્યું તો પણ એ પડકાર જેવું લાગ્યું નથી. પડકાર હોવા છતાં પણ એમ લાગ્યું કે આપણે એની સાથે એકરસ થઇ ગયા છીએ.  અને એના  સંવેદનો, આંદોલનો એ આપણી સાથે જોડાઈ ગયા છે તો જુદાઈ લાગતી નહોતી. મજા આવતી હતી. અંદર બાળકોને  લઇ આવતા વઢિયાઓમાંથી,, વઢિયા એટલે સાવ કાચું મકાન હોય, ઘાસ છાયેલું હોય, ભીંતડાં હોય તો હોય તો એ પણ ઘાસના જ હોય. દરવાજામાં કઈ ન હોય એક પતરું આડું  મૂકી દીધું હોય. ચોરાઈ જાય એવું કશું અંદર હોય જ નહીં એટલે એવી ચિંતા ન હોય. એટલે એવામાંથી અમે દીકરીઓને લઇ આવતા અને શિક્ષણકામ શરૂ કર્યું અને એ પછી વિકસતું ગયું, પાણીના કામ કર્યા, સ્વાવલંબનના કામો કર્યા, ત્યાં ખાસ કરીને બહેનોને સ્વરોજગારી મળે એના માટેના સિલાઈ મશીન શીખવવાના, એમ્બ્રોડરી શીખવવાના એ બધા કામો કર્યા, વ્યસન મુક્તિના થોડા કામો કર્યા એ પ્રકારે એ આખા વિસ્તારમાં પ્રવૃત રહ્યા. જે કર્યું તેના કેન્દ્રમાં  પ્રવૃત્તિ જ રહી. પ્રવૃત્તિ દ્વારા જ શીખવાનું. એવું જ કર્યું કે બાળકો થોડું બગીચાનું કામ કરે, સફાઈનું કામ કરે, પ્રવાસે લઇ જઈએ, જાતે રસોઈ બનાવે એ બધી પ્રવૃત્તિ જ કરે. એમાંથી જ શીખવાનું  થાય. 

૧૯૬૭ માં ગ્રેજ્યુએટ થયો પછી કામ કર્યું. કચ્છમાં લખપર તાલુકો છે બહુ જ છેવાડાનો અને પછાત તાલુકો ગણાય. એમાં એક દયાપર ગામ. એ દયાપર ગામમાં ગયો હું તો  મગનભાઈ સોનીએ મને કહ્યું કે તું ત્યાં બેસ અને ગમે તે કામ શરૂ કર એટલે ત્યાં થોડુંક સફાઈનું એવું તેવું કામ શરૂ કર્યું. અને સાત ધોરણ સુધીની શાળા ગામમાં હતી,  આઠમું ધોરણ શરૂ કર્યું. પછી પાછું મેં B Ed કર્યું પછી પાછું ત્યાં જવાયું નહીં. પણ એ કામ ૧૯૬૭ માં શરૂ કર્યું પછી B Ed કર્યું. B Ed કર્યા પછી સિદ્ધપુરની બાજુમાં એક સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એ ૧૯૬૮ માં શરૂ થયેલી મકાન વગેરે બન્યું નહોતું પણ જમીન ઘણી હતી. સરકારે એ વખતે ૪૦૦ એકર જમીન આપેલી અને ૩૦૦ એકર રિઝર્વ રાખેલી. એ વખતે શ્રીમન નારાયણ ગવર્નર હતા. ગવર્નરનું રાજ્ય હતું એટલે ૪૦૦ એકર જમીન તો ખાતે જ ચડાવી દીધી. બહુ વિશાળ જમીન. કેટલીય  જમીન તો સરસ્વતી નદીને કાંઠે આવેલી અને એ આખી વિદ્યાપીઠની શરૂઆતથી ૧૯૭૦ થી ૧૯૭૪ સુધી ચાર વર્ષ હું ત્યાં રહ્યો. પછી ૧૯૭૪ માં ટ્રસ્ટીઓ સાથે થોડા મતભેદોને કારણે મન થોડા ઉંચા થયા એટલે અમે ઘણાએ એક સાથે ત્યાંથી કામ છોડી દીધું. પણ ત્યાં પણ લોક્ભારતીનો વિચાર હતો એ મુજબ ત્યાં બધું ગોઠવાયું હતું કારણકે અમે બધા લોકભારતીમાં ભણેલા હતા. અમારા પ્રિન્સિપાલ જયંતભાઈ શાહ હતા એ પણ લોકભારતીમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને આખું વાતાવરણ ઉભું થયું એ એવું જ ઊભું થયું એમાં અમારું પણ ઘડતર થયું. સંસ્થાનું તો નિર્માણ થતું ગયું પણ અમારું પણ નિર્માણ થતું ગયું. આંતર ચેતના પણ એક પ્રકારની એક ખુલ્લા ઉજાસ કે ખુલ્લાપણું અનુભવતી ગઈ અને એ બહુ ઉપયોગી બનતું ગયું. પછીના જે કામો થયા એમાં આ અનુભવો બહુ કામમાં આવ્યા.

કોઈ વસ્તુ છોડી ન શકાય એવું નહિ. કેમ ન છોડી શકાય ? તો કે પછી આજીવિકાનું શું થાય ? એનાથી અમે  જુદા પડ્યા છીએ. અંદર નો એક પ્રવાહ સતત રહ્યો. કે અફસોસ  ક્યાંય ન થયો. ઘણું શરૂ કર્યું. લોકો એમ પણ કહે કે,  આટલું બધું ઊભું કર્યા પછી તમે મુક્ત થઇ જાઓ છો તે કશી જ પછી આસક્તિ નથી રહેતી ?  એટલે આસક્તિ કે ચીટકાવ કે એટેચમેન્ટનો ભાવ સતત કે આ મારું છે એવું ક્યાંય રહ્યું નથી. એ વળગાડ  નથી રહ્યો. બસ એક સાધના રહી કે આસક્તિથી કેમ મુક્ત થવું અને અહંકારથી કેમ મુક્ત થવું. આ બે વસ્તુ છે એ સાધનામાં અવરોધ બને છે.

મને સમજ્યું છે કે ગાંધીના બે સ્વરૂપો હતા. એક લોકો સાથેનું, રાષ્ટ્ર સાથેનું સ્વરૂપ હતું અને બીજું પોતાની જાત સાથેનું હતું. એટલે જ  નારાયણભાઈ બે શબ્દો કહેતા કે ગાંધી ‘લોક્સ્થ’ અને ‘આત્મસ્થ’ પણ હતા. ગાંધીનું બીજું પાસું સાધનાનું પાસું હતું. ગાંધી માટે હું તો જોઉં છું કે જે પ્રવૃત્તિ કરતા, વ્યવહાર કરતા, બેઠા હોય, કે  જે કઈ કરતા હોય એ બધું એમની સાધના હતી.  અને  એ રીતે જોઈએ તો ખ્યાલ આવે કે જાગૃતિથી એ બધું કામ કરતા હતા. એ ક્યારેક આશ્રમવાસીઓને ખિજાયા પણ હોય. નાનકડી સજા પણ કરી હોય એવું પણ બન્યું છે પણ આ બધું સાધનાનો જ એક ભાગ હોય, એ રીતે બન્યું છે, કોઈ દ્વેષભાવથી બન્યું જ નથી. પોતાની પણ સાધના અને જે વાતાવરણ નિર્માણ કરવું છે એના માટે બધાને . ચાર્જિંગ કરે છે. તો વાતાવરણ નિર્માણ કરવા માટે થઈને ક્યારેક આવું કરવું પડે, કટુતા વાપરવી પડે તો વાપરી હોય, પોતાની જાત માટે પણ વાપરી છે, કસ્તુરબા માટે પણ વાપરી છે, પોતાના બાળકો માટે પણ વાપરી છે પણ એક સાધનાના ભાગરૂપે વાપરી છે. એટલે એ વાત આપણી મોટાભાગની સંસ્થાઓના ગાંધીજનો પકડી શક્યા નથી.

હું જયારે અહંકારમાં પડું, આસક્તિમાં પડું તો મને જ દુઃખ ઊભું કરે છે ને,  કારણ કે હું છોડી નથી શકતો,  તો છોડી નથી શકવાનો જે ભાર છે એ મને દુઃખ આપ્યા કરે છે. હું છોડી દઉં છું પછી મને દુઃખ રહેતું નથી. ગમે તે વસ્તુ હોય. અને આમ જોવા જઈએ તો છોડવામાં કઈ જતું નથી. આમ તો ઘણું મેળવો છો બીજી રીતે જોઈએ તો. છોડીને પણ ઘણું મેળવો છો એટલે હતું એના કરતા વધારે મેળવી શકાય છે કારણકે તમે ખાલી બની ગયા, કેટલો અવકાશ આવ્યો. આજે અવકાશમાં સાધનાની વાત આવે છે. વિચારોમાં, આચરણમાં બધું ભરચક્ક અને ભીડવાળું હોય. આજના જુવાનિયાઓ પણ એવી વાત કરે છે મને સ્પેસ જોઈએ. એમાં તથ્ય છે. અને એ સ્પેસ ભલે માત્ર ભૌતિક રીતે ખરેખર જે આગળ વધે તો અંદર જે ધ્યાન છે  એ શું છે, સ્પેસ જ છે એક પ્રકારની, સાધના કે જે કઈ અધ્યાત્મની યાત્રા એ ખુલ્લા થવાની યાત્રા છે. અંદરનું બધું બહાર કાઢીને શૂન્યતા છે એને જીવવાની વાત છે. એ અધ્યાત્મની યાત્રા છે. એ અધ્યાત્મની યાત્રા  જીવનથી જુદી નથી. એ જ જીવનની યાત્રા છે. અને એ થાય ને તો વ્યક્તિ પોતે ઘણો સ્વસ્થ રહી શકે છે. માનસિક રીતે, શારીરિક રીતે, પારિવારિક રીતે થોડો સ્વસ્થ રહી શકે અને આસપાસમાં થોડું યોગદાન આપી શકે. એટલે મને  પહેલેથી એ માર્ગ પ્રકૃતિ દ્વારા, નિયતિ દ્વારા મળેલો કે જેમાં કરવાનું, ઘણું કરવાનું, પણ પછી મુક્ત થતા જવાનું. ભૂલી જવાનું. આપણે કહીએ ને નેકી કર, કુવેમેં ડાલ.

 

લોર્ડ ભીખુ પારેખ

અસ્મિતા વિશેષ સંવાદ : 22

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

વિદેશ વસતા એવા ભારતીય કે જેમને વિશ્વસ્તરે પ્રખર વિચારક અને જનમત પ્રહરી તરીકે સૌ ઓળખે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, ગુજરાતની અગ્રીમ એવી શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના યશસ્વી પૂર્વ કુલપતિ અને લંડનના ‘લોર્ડ ઓફ  હાઉસ’ના મનોનિત સદસ્ય પ્રા. ડો. લોર્ડ ભીખુ પારેખ સાથે દીર્ઘ સંવાદ કરવાનો લ્હાવો મળ્યો એમના વડોદરાના નિવાસસ્થાને.. એ દીર્ઘ સંવાદમાંથી તેઓશ્રીના બચપણના સ્મરણોને આવો વાગોળીએ. એ યાદ રહે  કે આ લેખ તો એક મહા આરતીની આચમની સ્વરૂપ  છે, આપે એમની સાથેનો પૂરો સંવાદ માણવો  રહ્યો..  

પ્રશ્ન: આપના  એંસી વર્ષના જીવનના  સંઘર્ષ અને મહેનતની વાત  ખાસ આપની પાસેથી જાણવી છે. જરા વિગતે કહેશો ?? 

હળવું સ્મિત વેરીને લોર્ડ બોલ્યા: કેટલો સમય આપશો, દસ વર્ષ આપશો મને ? જે મને જીવતા આટલો સમય થયો આજે એ ટૂંકમાં કહું તો,  મારો જન્મ અમલસાડ ગામમાં થયેલો.  નાનકડું ગામ. એક સ્કૂલ,  એમાં હું ભણ્યો. ૧૫ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું. હવે શું કરવું ? મારા ફાધરને સોનીનો ઘંધો. દાગીનાઓ બનાવવા અથવા કોઈને ઘડી આપવા. એમના કુટુંબમાં કોઈ વધુ ભણેલું નહીં. મેટ્રિક સુધી ભણેલો હું પહેલો આ કુટુંબમાં. એટલે પિતાજીએ મને કહેલું કે હવે આપણે આગળ ભણવાની જરૂર નથી, તું સોનીના ધંધામાં આવી જા. મેં કહ્યું મને આ ધંધો એટલો બધો પસંદ નથી.  તમને આટલી બધી મહેનત કરતા જોઉં છું ત્યારે મને થાય છે કે આ મહેનત મારે નથી કરવી… સારું.. સમજી ગયા…આગળ ચાલ્યો. કોલેજમાં ગયો.  ક્યાં જવું ? બાજુમાં નવસારી છે ત્યાં જવું કે દૂર મુંબઈ છે ત્યાં જવું ? …મારો આગ્રહ હતો કે મુંબઈ જઈએ. એક પગલું લેવું જ છે તો જબરજસ્ત પગલું  લેવું જોઈએ.. એટલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયો. ત્યાં મેં બી.એ. કર્યું. એ પાસ કર્યા પછી મને થયું કે હવે તો બેન્કના ક્લાર્ક જેટલી જ લાયકાત તો મેં મેળવી હશે. ત્યારે મારા પ્રોફેસર હતા એમણે કહ્યું કે,  ના, પારેખ તું અહીંયા ના અટકી શકે.. એમ.એ. કર.,, તો એમ.એ. કર્યું. એ કર્યા પછી મને થયું બસ હવે માસ્તરગીરી છે, લેક્ચરર થઈશ. કોલેજમાં મારા શિક્ષક હતા ઉષાબેન મહેતા,  ગાંધીજીની  લડતમાં ભાગ લેતા હતા,  એમણે કહ્યું કે તમે અહીંયા અટકી ના શકો. Ph D કરવું પડશે. Ph D એટલે શું એ ખ્યાલ પણ નહોતો. અને એ પણ પાછું અહીંયા નહીં,  લંડનમાં .!! મેં કીધું ગામડાનો છોકરો અને લંડન ? મારા ફાધર સોનીનો  ધંધો કરે,  થોડા ઘણા પૈસા બચાવ્યા હશે અને મારે એને પરદેશમાં વાપરી નાખવાના ! ‘ના, તારામાં  શક્તિ છે તારે જવું પડશે’, એટલે જેટલો એમને મારામાં વિશ્વાસ હતો એટલો મને મારી જાતમાં નહોતો. આગ્રહ કર્યો એમણે અને હું લંડન ગયો. અને પછી તો જીવન આખું બદલાતું ગયું. ચાર વર્ષ માટે Ph D કરવા ગયો હતો ને ત્રણ વર્ષ કર્યું એટલામાં તો મને નોકરી આપી.  યુનિવર્સીટીમાં જ પહેલી નોકરી અને પછી હાવર્ડ યુનિવર્સીટીએ મને નોકરી આપી, જે યુનિવર્સીટી સારી ગણાય અને મારું  જે ડિપાર્ટમેન્ટ હતું  પોલિટિક્સનું  એ દુનિયામાં ખાસ કરી બ્રિટનમાં સારામાં સારું  ડિપાર્ટમેન્ટ ગણાતું હતું, ત્યાં મને જોબ આપી અને ત્યાં હું અત્યાર સુધી કામ કરતો રહ્યો. આમ  મારું જીવન એટલે  ૧૯૬૪ માં હાર્વર્ડ યુનિવર્સીટીમાં ગયો અને આજે ૨૦૨૨ માં હું ત્યાં જ છું. જો  કે યુનિવર્સીટી જોડે મારા સબંધો ૨૦૦૦ની સાલ માં પુરા થયા,  કારણ કે રિટાયરમેન્ટની  ઉંમરે પહોંચ્યો હતો,. એ જ વર્ષમાં મને બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે  ‘હાઉસ ઓફ લોર્ડ્સ’માં એપોઇન્ટ કર્યો,  એટલે લંડન જવાનું થયું. હાલ બે કામ કરી રહ્યો છું. પુસ્તકો લખવા અને પાર્લામેન્ટમાં પબ્લિક લાઈફમાં જે કઈ મહત્વના પ્રશ્નો હોય એના પર બોલવું. લ્યો, આ આખી યાત્રાનો સાર. જે ૮૦ વર્ષની યાત્રા તમે કહો છો તેનું  આ સ્કેલીટન સ્ટ્રક્ચર.

પ્રશ્ન: આપનું  નામ ‘ભીખુ’ શા માટે રાખ્યું હશે ? 

ફરી એકવાર હળવું હાસ્ય કરીને ‘ભીખુ’ નામધારી બુઝર્ગ બોલ્યા: એમાં મોટો ઇતિહાસ છે કે મારું નામ ક્યાંથી આવ્યું. મારું નામ ભીખુ. મારી આગળના જે સંતાનો  હતા એ બધા ગુજરી ગયેલા. જન્મ્યા અને ત્રણ, ચાર, છ મહિના કે એક વર્ષમાં ત્રણ સંતાનો  – બે છોકરા અને એક છોકરી જન્મ્યા ને ગુજરી ગયા. ત્યારે મારા પિતાજી અને માતાજીને થયું કે આવું કેમ થાય છે ? કોઈ બ્રાહ્મણને પૂછ્યું તો એણે કહ્યું કે તમે જો સંકલ્પ લો કે ભીખ ઉપર જ તમે છોકરાને જીવાડશો તો  તમારા ઘરમાં જે કોઈનો શ્રાપ લાગ્યો હશે કે એવું કઈ થયું હશે એની અસર નહીં  થાય. એટલે પ્રતિજ્ઞા લેવડાવી મારા ફાધર ને મધર પાસે કે આ છોકરાને ધવડાવશે વેટ  નર્સ !!  એટલે કે  મારી મા ન ધવડાવે. આપણે જેને વેટ નર્સ કહીએ એમની કોઈ બહેન કે જ્યાં છોકરું જન્મ્યું  હોય એ વેટ નર્સ મને ધવડાવે.  કપડાં ભીખ માંગીને લીધેલા, એટલે સગા વ્હાલા આપી જાય. જે કંઈ  મારી છ મહિના સુધીની જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો પારકા માણસો આવીને આપી જાય અને તે રીતે હું જીવ્યો. એટલે ભીખનું માગેલું મારું જીવન, એટલે નામ આપ્યું ભીખુ. મારું  નામ છે એ એટલું બધું સૂચક છે કે જયારે જયારે નામ આવે ત્યારે પ્રશ્નાર્થ થાય જ.. ઇંગ્લેન્ડ ગયો ત્યારે પણ કહ્યું કે નામ બદલી નાખ અને સારું કઈ નામ રાખ.. મેં કીધું, ના આ નામ મને અતિ પ્રિય છે. આ નામથી  મારા આખા જીવનનો શું પર્પઝ છે એ મને ખ્યાલ આવે છે.  ભીખુ નામ છે એનો અર્થ એ થયો કે હંમેશા મને યાદ અપાવે છે કે હું મારા પેરેન્ટ્સને કેટલો બધો વ્હાલો હતો.. મારે માટે ભીખ માંગવાની તકલીફ  મારા મધરે છ આઠ મહિના સુધી લીધી !! બીજું કે લોકોએ છૂટથી આપ્યું એટલે હું જીવ્યો એટલે મારું જીવન છે એ લોકોનું દાન છે,  મારું નથી. અને બીજું કે હું જ્યારથી  જન્મ્યો ત્યારથી એક રસ્તો ખુલ્લો થયો અને પછીના બાળકો એકે એક જીવ્યા. એટલે એ બધા બાળકોનો પણ સ્ત્રોત કે  ઉદભવસ્થાન હું છું,  કારણકે હું જીવ્યો તો  મારાં  ફેમિલી ઉપર શ્રાપ કે એવું કઈ હશે એ નીકળી ગયું  અને બીજા બધા બાળકો આ રીતે મોટા થતા ગયા. એટલે મારા ઉપર વૈશ્વિક કે કૌટુંબિક બધી જવાબદારી આવીને ઉભી રહી. હું એકલો નથી, એક આખી ચેઇન છે અને  એ સાંકળનો હું એક ભાગ છું. અને મહત્વનો ભાગ છું. નવું ભવિષ્ય ઉભું થયું મારા આવ્યાથી.  

 

શ્રી સુરેશ સોની

અસ્મિતા વિશેષ સંવાદ :21

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com  

શ્રી સુરેશ સોનીએ સંકલ્પ કર્યો છે કે તેઓને પંચોતેર વર્ષ  થયા ત્યારથી તેઓ પોતાનું સેવા-કેમ્પસ છોડીને ક્યાંય બહાર જશે નહીં… વાત માન્ય, પણ અમારે તો અસ્મિતા વિશેષ સંવાદમાં તેમની સેવા-જીવન-યાત્રા અંગે સંવાદ કરવો જ હતો અને એટલે અમે તો કેમેરા-લાઇટ્સ લઈને ઉપડ્યા તેમનાં  નિવાસ કમ સેવાક્ષેત્રે… રક્તપિત્ત વાળા લોકોનું એક આખું નગર !! અદભુત કાર્યના દર્શન થવાના  હતા તેની તો ખાતરી જ હતી પણ અમે શ્રી  સુરેશભાઈ સાથેના સંવાદથી તો જાણે  અવાચક જ થઈ ગયા !! આવો તેના થોડા અંશો  જાણીએ ::  

 ‘મારો જન્મ ૧૯૪૪ માં નર્મદા કિનારે સિનોર ગામમાં થયો. એ ગામથી એક બે કિમી આગળ માલસર ગામ પ્રસિદ્ધ છે પૂજ્ય ડોંગરેજી મહારાજને કારણે. મારા પપ્પાને અમે મોટાભાઈ કહીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બોલાવતા  અને મારા માતુશ્રીને અમે બધા સાનીબા કહેતા. મારા દાદા વહેલા ગુજરી ગયેલા એટલે મારા પિતા શ્રી હરિલાલભાઈને ચૌદ પંદર વર્ષની ઉંમરે  ભણવાનું છોડી અને એમના બાપાની સોના ચાંદીની દુકાનમાં બેસવાનું થયું. એ દુકાનમાં બેઠા ધંધો ચાલવા મંડયો. બે એક વર્ષ પછી એક દિવસ એમને ઓચિંતો વિચાર આવ્યો એ જમાનામાં એવું હતું કે તમે પાંચ ગ્રામ સોનુ આપો છો અને અમે તમે દાગીના પાછા આપીએ ત્યારે પાંચ ગ્રામ વજન કરીને આપવાનું.  તમારે મજૂરીના પૈસા આપવાના. પણ એકલા સોનાના દાગીના કોઈ દિવસ થાય નહીં એમાં તાંબુ તો ઉમેરવું જ પડે. એટલે પાંચ ગ્રામની સામે પાંચ ગ્રામ આપીએ એટલે જેટલું તાંબુ ઉમેરાયું એટલું સોનુ અમને મળ્યું !! એમના મનમાં વિચાર આવ્યો કે ભલે આખી દુનિયામાં આ બધું ચાલે અને તે  કાયદેસર પણ ગણાય છે પણ આ નૈતિક રીતે બરાબર નથી.  એટલે એમણે સંકલ્પ કર્યો કે હું આવું નહીં ચલાવી લઉં. અને એના કરતાં એમની મહાનતા એ છે કે જે થોડો ઘણો વારસો મારામાં આવ્યો એમણે જે નિર્ણય કર્યો તે અગાઉની તારીખથી અમલમાં મુક્યો, તે દિવસથી નહીં. તેમણે ગણતરી કરી કે હું દુકાનમાં બેઠો ત્યારથી આજ સુધી આવું હું કેટલું કમાયો એનો હિસાબ કર્યો. અને પછી ધીમે ધીમે એટલા પૈસા બચાવ્યા અને અમારા ઘરની નજીક રામજી મંદિર હતું ત્યાં આગળ દાગીના કરીને ભેટમાં આપી આવ્યા અને ત્યાર પછી એ બિલકુલ પ્રામાણિકતાથી જીવ્યા. 

અમે સાત ભાઈ બહેનો,  એમાં હું સૌથી નાનો અને આજે મને ૭૮મું  વર્ષ ચાલે છે એટલે તમે કલ્પના કરી શકો કે ક્યાં જમાનાની આ બધી વાતો છે. એમણે એ જમાનામાં નર્મદાની પગે ચાલીને પરિક્રમા કરેલી.  તે વખતે હું સિનોરમાં પ્રાથમિક શાળામાં, પણ પિતાશ્રી માંદા પડ્યા એટલે એમને થોડી મદદ થાય એ હિસાબે હું બે ત્રણ મહિના વડોદરા આવીને રહ્યો. ભાઈને ઘરે હું રહેવા આવ્યો અને તે વખતે એમને થોડી મદદ કરું, પણ એમણે તે વખતે મને ગણિત પાકું કરાવડાવ્યું એને કારણે છેવટે હું Msc વિથ મેથેમેટિક્સ થયો અને વડોદરા યુનિવર્સીટીમાં મેથેમેટિક્સનો અધ્યાપક થયો.  અમારા ગણિત-શિક્ષકે  ભણાવતા ભણાવતા ક્યારેક ઈનડાયરેકટલી વાત કરી હશે કે આપણે માણસ છીએ તો આપણે માણસો માટે કશુંક તો કરવું જોઈએ.. અને ભગવાનની કૃપાથી આ વાત મારા મગજમાં ઉતરી ગઈ. કશું કરવું છે એ વિચાર કરવા મંડયો,  શું કરવું છે એ કશું સૂઝતું નહીં. એ જમાનાનું ઓલ્ડ એસ એસ સી થયો અને મેં નોકરી સ્વીકારી લીધી.  પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે જયારે મારું  મનગમતું ક્ષેત્ર મળે ત્યારે નોકરી છોડી દેવી. શોધ ચાલુ હતી. આ ૧૯૬૬ ની વાત. ૧૯૬૬ થી ૧૯૭૦ નાના નાના કામો હું કરતો. દા.ત. વડોદરા એચસીજી હોસ્પિટલમાં અઠવાડિયામાં એક દિવસ જવાનું ને કોઈને કાગળ લખવો હોય તો લખી આપવાનો,  કોઈને ખાવું હોય તો લાવી આપવાનું, કોઈ બે ચાર મહિના હોસ્પિટલમાં જ રહેવાનું હોય તો એને મનગમતી ચોપડીઓ લાવીને વાંચવા આપવાની અને રજા પડે ત્યારે ચોપડી પાછી લઈ આવવાની. ૧૯૭૦ માં વડોદરામાં સરકારી લેપ્રેસી હોસ્પિટલ હતી. એનું નામ અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ.  એક જમાનામાં એવું કહેવાતું હતું કે અત્રી  ઋષિને રક્તપિત્ત થયેલો ત્યારે અનસૂયા માએ  માટી લગાડીને એ રોગ મટાડેલો અને એ જે જગ્યાએ ત્યાં રહેલા એ નર્મદા કિનારે ગામનું નામ પણ અનસૂયા. અને માટીથી તો રોગ મટાડેલો એટલે એ જમાનામાં વડોદરાની ગાયકવાડ સરકારે ત્યાં લેપ્રેસી હોસ્પિટલ ઉભી કરેલી અને એનું નામ પાડેલું અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ. ત્યાં મારા મિત્રનો બનેવી કમ્પાઉન્ડર . અમે લોકો પંદર દિવસે ભેગા થઈએને  પિક્ચર જોવા જઈએ અને કોઈકને ઘરે જઈને ટોળા ટપ્પા મેરી.  ૧૯૭૦ માં મને વિચાર આવ્યો કે આપણે એને ઘરે જઈએ છીએ જ્યાં હોસ્પિટલમાં એનું ક્વાર્ટર છે પણ હોસ્પિટલ આપણે તો જોઈ જ  નથી. એટલે થયું કે ચાલો હોસ્પિટલ જોઈએ. ૧૯૭૦ ની વાત ત્યારે મારી દીકરી પણ ત્રણ ચાર મહિનાની હતી. અમે હોસ્પિટલ જોઈ ખાટલે ખાટલે ફર્યા ત્યારે થયું કે આ કામ તો કરવા જેવું છે. હું કશું કામ શોધું છું તે. એકાદ મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. અમદાવાદમાં સદવિચાર  પરિવાર નામની સંસ્થા અને એનો હું મેમ્બર હતો. એટલે એના હિસાબે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે રાખડી બાંધવા જતા એટલે એના પછી મને  વિચાર આવ્યો કે આ લેપ્રેસી હોસ્પિટલમાં આવવાવાળા એક વખત ઘર છોડે પછી પાછા ક્યાંય જતા નથી. મહિના પછી રક્ષાબંધન આવે છે તો આપણે ત્યાં જઈને રક્ષાબંધન કરીએ. એટલે અમે ગયા,  રાખડી બાંધી પછી મેં પૂછ્યું, હું તમને કેવી રીતે મદદરૂપ થાઉં. ત્યાં એક ભાઈ હતા એમણે કહ્યું કે સુરેશભાઈ મારી મદદની જરૂર અહીં હોસ્પિટલમાં નથી અહીંથી આ લોકો પાછા  ઘરે જઈ શકવાના નથી.  બહાર નીકળીને એમણે  ભીખ મંગાવી ન પડે તેવું કશુંક કરો. શરીર પરના જખ્મ કરતાં દિલ પરના જખ્મ એમના વધારે હતાં. ત્યાં અમે  કામ શરૂ કર્યું થોડા વખતમાં મારી પત્ની ઇન્દિરા પણ ત્યાં આવતી થઈ. લોકોનું માથું ઓળી આપે. કોઈ એમ કહે મારે આજે શિરો ખાવો છે તો ઘરેથી લાવીને શિરો ખવડાવે.’

‘અને આમ, અમારો સેવા યજ્ઞ શરુ થયો અને મેં મેથ્સના પ્રોફેસરની નોકરી છોડી દીધી. આજે તો રક્તપિત્ત અને મંદ બુદ્ધિના લોકોનું એક આખું નગર અહીં અમે વસાવ્યું છે. અહીં સૌ સ્વતંત્ર છે અને છતાં સૌ સાથે છીએ…’

 

રીમા નાણાવટી

અસ્મિતા વિશેષ સંવાદ : 20 

bhadrayu2@gmail.com                                             ભદ્રાયુ     વછરાજાની    

એક બેઠી દડીના સાવ સાદા નારી, જે સદા સ-સ્મિત રહ્યાં  તેમને સ્ટુડીઓમાં આવકારતા લાગ્યું કે, ઓહો, ‘સેવા’ સંસ્થાની ધુરા સંભાળતા અને દેશ વિદેશમાં ફરતા આ નારી  તે જ રીમા નાણાવટી !! ?? હા, કલેક્ટર  થવા નીકળેલ વ્યક્તિ નીચે બેસીને બહેનોના ટોળાં વચ્ચે કામ કરે અને એમાં જ ગળાડૂબ બની જાય એ તો અચંબિત કરે તેવી વાત છે. જિંદગી તમને કેવા ઉત્તમ પડાવ પર લઇ જતી હોય છે તેનું જ્વલંત ઉદાહરણ રીમા નાણાવટી છે. આપણે તેમની સાથેના સંવાદની ઝલક મેળવીએ…

“મેં તો સેવામાં પુરા તન-મન લગાડી દીધાં.  વર્ષ તો ક્યાં જતું રહ્યું એ મને ખબર પણ ના પડી. તે વખતે ઈલાબેન પાર્લામેન્ટમાં રાજસભામાં સભ્ય હતા એટલે આમ સેવામાં આવો ને તો કહે, બેન બેન.. તો મને થયું આ બેન કોણ છે ? આ બેનને તો આપણે કોઈ દિવસ મળ્યા જ નથી. અનિલાબેન પણ એમ કહે કે, બેન આવવાના છે,,, બેન જોડે વાત થઇ,, બેનનો ફોન આવ્યો પણ આ બેન કોણ છે એને  તો આપણે મળ્યા જ નહોતા. લગભગ બે ત્રણ મહિના થયા હશે તો કોઈ  કહે કે કાલે બેન આવવાના છે, કાલે બેન આવવાના છે. હું પણ રાહ જોઈને ઉભી હતી કે હા અહીંયા હવે આ બહેન આવશે.  પછી ઈલાબેન આવ્યા અને એમનું એવું હતું જે કોઈ નવું સેવામાં જોડાયું હોય તો એ એમને મળવા બોલાવે. તો એમણે મને મળવા બોલાવી. તો હું મળવા ગઈ. વાતચીતમાં મેં કહ્યું કે  હું વર્ષ એક કામ કરી લઉં પણ મને કંઈક ચેલેન્જિન્ગ હોય ને તો આપો. બાકી પછી તમે એવું કહો કે આ બધા આમંત્રણો છે ને ફોલ્ડ કરો ને કવરમાં નાખો ને પોસ્ટ કરી આવો તો એવું એકાદ વાર મને વાંધો ન આવે. પણ એ જ કામ મારે જો કર્યા કરવાનું હોય તો મને પછી બહુ ન ગમે. હા, એવું એક બે વાર કર્યું પછી  મેં કહ્યું કે આ કામમાં તો મને શું શીખવા મળે છે ? પછી ફરી બીજા દિવસે મને બોલાવી અને એમણે મને એક ફાઈલ આપી કે અને કહ્યું કે તમારે તો  એમ પણ કલેકટર બનવું હતું ને  તો તમે સેવાના કલેકટર બનો. મને કહે આ ફાઈલ વાંચી લો, પછી આપણે ફરી કાલે વાત કરીએ.

ફાઈલમાં તો ચાર પાંચ કાગળ હતા. કંઈક બનાસકાંઠા રૂરલ વોટર સપ્લાય સ્કીમ અને એ સ્કીમનું બધું લખેલું હતું. હવે આ શું બનાસકાંઠા ને શું  વૉટર સપ્લાય સ્કીમ ને એ બધું હું તો ચાર પાંચ વાર વાંચી ગઈ. પણ એમાં મારે શું કરવાનું છે ? એટલે મેં જઈને મારા પપ્પાને બતાવી કે મને તો આવી કોઈક ફાઈલ આપી છે. એ કહે હું તો  કહેતો જ હતો કે આવી બધી  જગ્યાએ કામ કરવા જવાય જ નહીં. તો કહે શું તું આ બધું લઈને બેઠી છે ? મેં કહ્યું કાલે સમજી લઉં પછી આપણે વિચારીએ પાછું. તો હું પાછી ગઈ અને એમણે મને કહ્યું કે ફાઈલ વાંચી ? મેં કહ્યું ફાઈલ તો વાંચી,  પણ મને ખ્યાલ ન આવ્યો,  કારણ કે હું કોઈ દિવસ બનાસકાંઠા ગઈ નથી એટલે એ કઈ બાજુ આવ્યું એ પણ મને ખ્યાલ નથી. વોટર સપ્લાયમાં પણ મેં કોઈ દિવસ કામ કર્યું નથી. કારણકે હું એન્જીનીયરીંગ તો ભણી જ નથી. તો એમણે કહ્યું કે,,,, “પણ કલેકટર હોત તો ? તો તેં કર્યું હોત ને.. તો હવે  તમે કરો.”  મેં કહ્યું, સારું. એટલે મેં કહ્યું કે શું કરવાનું ? એમણે કહ્યું કે, હા પ્રોગ્રામ આપણે ડિઝાઇન કરવાનો છે અને સરકારને આપવાનો છે કે આ વોટર સપ્લાયમાં બહેનોને કેવી રીતે સંગઠિત કરવાની. એટલે હું પછી વોટર સપ્લાય બોર્ડમાં ગઈ, આખી સ્કીમ એમના પાસેથી લીધી, એમને કહ્યું કે મારે બનાસકાંઠા જવું છે એટલે ઇલાબેનના હસબન્ડ હતા રમેશભાઈ ભટ્ટ એ પણ આ સ્કીમમાં સંકળાયેલા હતા. એમણે રિસર્ચ કરવાનું હતું એટલે હું એમને  મળી અને મેં એમને કહ્યું કે શું કરવાનું મારે  ? એટલે એમણે એવું કહ્યું કે જઈને પહેલા ત્યાં રહો અને તમે સમજો કે આ બધું શું છે ? એટલે હું તો બનાસકાંઠા ગઈ અને પછી તો ૯ વર્ષ ત્યાં રહી. રાધનપુર કરીને નાનકડું ગામ જે હવે તો શહેર જેવું થઇ ગયું પણ ત્યારે એ નાનકડું ગામ હતું અને હું ત્યાં ગુજરાત વોટર સપ્લાય એન્ડ  સ્ટોરેજ બોર્ડની ઓફિસમાં ગઈ. આ વોટર સપ્લાય સ્કીમની ઓફિસ એટલે હું ત્યાં ગઈ અને રાધનપુરમાં ૯ વર્ષ રહી..

હા, પિતાશ્રી અને માતાશ્રીને ગમ્યું નહોતું કે હું  સેવામાં જોડાઈ છે. પણ હવે એને રુચિ પડે તો જવા દઈએ, એમ ધાર્યું હશે.. પણ એને અંદર અંદર એવું હશે કે  આ બહુ લાબું ટકશે નહીં. આવી જશે એક બે મહિનામાં પાછી  અને અને એમાંય રાધનપુર તો કોણ રહેવાનું હતું એટલે એમને એમ હતું કે આવી જશે ઠેકાણે અને બનાસકાંઠામાં ૯ વર્ષ એ ખાસ્સો લાંબો ગાળો. હું પહેલીવાર ગઈ ત્યારે તો લગભગ બાવીસેક વર્ષની જ હતી. નાની છોકરી જેવી. બધી બહેનોને પણ એવું થતું હતું કે આ શહેરની છોકરી આવી ગઈ છે એ શું આપણું કરવાની ?  એને તો કંઈક નોકરી હશે એટલે એ તો અહીંયા આવે છે. એ બહેનો પણ મને બહુ ચકાસે .” 

 

વીનેશ અંતાણી

અસ્મિતા વિશેષ સંવાદ : 19 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com  

ગુજરાતી સાહિત્યમાં નવલકથા લેખનમાં મોખરાનું  નામ એટલે વીનેશ અંતાણી. આમ તો એ  પ્રસાર માધ્યમના માનવી. એક વખતના બળુકા માધ્યમ આકાશવાણીમાં દુર્ગમ સ્થળોએ રહીને પ્રદાન કરનાર અધિકારી. પણ કલમ અને કલ્પના સાથે તેમને પૂર્વ જન્મનો નાતો  એટલે એમના  દ્વારા  કલમને કાગળ સ્પર્શે અને અસ્ખલિત શબ્દોનું સર્જન થાય. ચાલીસેક વર્ષો પછી પણ વીનેશ અંતાણી એટલે પ્રિયજન, એવું બોલાય અને હોંશથી હૃદય ભરાય જાય એવા યાદગાર સર્જનના માતબર પ્રદાતા વિનેશ અંતાણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં સંવાદ માટે નોતરી શક્યા એ જ મોટું સદ્ભાગ્ય, કારણ એ તો હવે વર્ષના છ માસ હૈદરાબાદ કુટુંબસ્થ  થઈને વસે છે. વીનેશ અંતાણીને જ સાંભળીએ :

        “મારી ઓળખાણ આપતા કોઈએ કહ્યું કે વીનેશભાઈ પ્રિયજનના જનપ્રિય લેખક છે.  એણે કશું જ નહોતું કર્યું પણ પ્રિયજન માંથી જન શબ્દ પહેલા લીધો અને પછી જનપ્રિય કર્યું. મારી ઓળખાણો અપાય છે પણ એ ઓળખાણ મને વિશેષ સ્પર્શી ગઈ….પ્રિયજનનને કારણે જે મારો બીજો અનુભવ છે કે તમારે લોકોની રુચિ પ્રમાણે જ લખવું જોઈએ એવું કઈ જરૂરી નથી. સર્જક જો ધારે તો પોતાની કલમથી વાચકોની રુચિને ઘડી પણ શકે. ‘પ્રિયજન’ તમને પણ એટલી જ પ્રિય છે. મારાથી પણ વધારે પ્રિય છે. તો એમાં કલાના અંશો છે, કલાત્મકતા પણ છે. છતાં પણ એ લોકો સુધી  બહુ પહોંચી છે. 

       અત્યારે પ્રિયજન હવે ૪૧ વર્ષની થઇ… ૪૧ વર્ષ પહેલા લખાયેલી છે છતાં પણ એ એવી જ તરુણ છે, એવી જ યુવાન છે અને એવી જ પ્રૌઢ છે. હજુ પણ હું જોઉં છું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જયારે મને મળે ત્યારે એમની આંખોમાં પ્રિયજનની વાત કરતા કરતા જે ભાવો આવે છે, જે મુગ્ધતા આવે,  જે લગાવ આવે છે એમનું જે પ્રિયજન પ્રત્યેનું જે પ્રિયજનપણું દેખાય છે એ હજી મને બહુ નવાઈ પમાડે છે. કારણ કે આજે  ૪૧ વર્ષની થયેલ ‘પ્રિયજન’ વખતે તો એ લોકો જન્મ્યા પણ નહોતા. મેં ‘પ્રિયજન’ લખી એ પહેલા મેં નાટક લખ્યું હતું, માલીપા નામનું.. માલીપા એટલે સૌરાષ્ટ્રમાં માંહ્યલી પા તો આપણા લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી હતા. એ એકવાર અમારે ભુજમાં આવ્યા હતા. જો જો કેવી રીતે કૃતિનો જન્મ થતો હોય છે એ પણ કેટલું બધું મહત્વનું છે. અને હું તો હંમેશા કહેતો એવું છું કે માત્ર સર્જકને, લેખકને, કવિને કે કોઈ પણ કલાકારને પોતાની કૃતિ અવતરવાનો માત્ર એના સર્જકને જ લોભ નથી હોતો પેલી કૃતિને,   પેલી કલાને પણ લોભ હોય છે કે હું અવતાર લઉં, હું અવતરણ કરું એના માટે એ ક્યારેક કોઈક વ્યક્તિની પસંદગી કરે છે અને જાણે ઉપરથી કોઈ પ્રકાશપૂંજ આવતો હોય એમ એ કૃતિ તમારી અંદર સાંગોપાંગ પ્રવેશ કરે છે. પ્રિયજને તો મારી અંદર એ રીતે જ પ્રવેશ કર્યો છે. તો વાત હતી એ કે બચુભાઈ ભુજ આવ્યા હતા ત્યાં એ સૌરાષ્ટ્રની લોકવાર્તા કહેતા હતા. તો વારંવાર માલીપા માલીપા શબ્દનો પ્રયોગ કરે હું તો રૂમના છેવાડે બેઠો હતો અને સાંભળતો હતો. પછી મને થયું કે આ માલીપા શબ્દ બહુ સારો છે અંગ્રેજીમાં within શબ્દ માટે માંહ્યલીપા થી વધારે ગુજરાતી શબ્દ હોય શકે નહીં. તો એ વખતે હું આકાશવાણીમાં હતો અમારા સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ હતા. એમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય પર પુષ્કળ કામ કર્યું. અમારે ત્યાં એ વખતે આકાશવાણીમાં દર વર્ષે રેડિયો નાટ્ય મહોત્સવ ઉજવાતો. એમાં દરેક ગુજરાતના સ્ટેશન અને મુંબઈનું સ્ટેશન પણ એમાં એક એક કલાકના નાટક આપે. ભટ્ટ સાહેબે કહ્યું કે વીનેશ આ વખતે નાટક તારે લખવાનું… તો મેં કહ્યું,  સારું પણ મારી પાસે કોઈ વિષય નથી. તો કહે એ તું કરજે ને.. તો એ જ વખતે આ માંહ્યલી પા શબ્દ વાપર્યો હતો તો મેં ભટ્ટ સાહેબને કહ્યું કે નાટકનું નામ માંહ્યલી પા રાખીએ તો ? તો કહે હા જરૂર રાખ માંહ્યલી પા રાખ. બસ આટલી જ વાત અને એ નાટક શેડ્યુલ થઇ ગયું. હું નાગર એટલે મેં મારા નાટકને છેલ્લે રખાવ્યું. છેલ્લે દિવસે મારું નાટક. તો નાટ્યમહોત્સવના દિવસો નજીક આવતા હતા. પણ મારા મનમાં નાટકના નામ સિવાય કશું જ નહોતું, થીમ નહોતી. માત્ર within શબ્દ હતો. એટલે એક વસ્તુ નક્કી હતી ભદ્રાયુભાઈ કે જે અંદર ચાલતું  હશે એના વિષે આ નાટક બનશે. તો કઈ હતું નહીં ને દિવસો નજીક આવતા હતા ૧૫ દિવસ જ બાકી હતા. ત્યારે સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. અને એ મહોત્સવ જાન્યુઆરીમાં થવાનો હતો. તો શિયાળાની એક ઠંડી રાતે હું અને પુષ્પા અમારા ભુજના ઘરમાંથી વૉક કરવા માટે નીકળ્યા. પુષ્પાને તૈયાર થઈને આવતા જરા વાર લાગી. તો પછી ત્યાં સુધી હું મારા પુસ્તકો પાસે ઉભો હતો. એ એમાંથી એક પુસ્તક મેં કાઢ્યું સમય પસાર કરવા માટે.

તમે જુઓ કૃતિ કેવી રીતે અવતરણ કરે છે એની આ વાત છે. અને એમાંથી એક પુસ્તક નીકળ્યું આકસ્મિક રીતે એ પુસ્તક મેં ખોલ્યું,  યોગાનુયોગે એક પાનું ખુલ્યું  ત્ત્યાં થી એક નવી વાર્તા શરૂ થતી હતી. અને એમાં જે પાનું ખુલ્યું એમાં ડાબા હાથે એક વાર્તા હતી parting પાર્ટિંગ – છૂટા પડવું અને પહેલું વાક્ય હતું એના બે પાત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડે છે. ભદ્રાયુભાઈ,  એ જ  ક્ષણે આખું માલીપા નાટકનું થીમ અને પાછળથી જે પ્રિયજન લખાઈ એનું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું હતું. પાત્રોના નામ સાથે. એટલું જ નહીં એ નાટકનું અને પછી જે અંતનું વાક્ય બન્યું કે,, ‘ચારુ દિવાકરને કહે છે કે આજે તું જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે કે દિવાકર બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે’. એ વાક્ય સહિત આખું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું. એ કૃતિએ અવતાર લીધો મારામાં એ ક્ષણે. 

બીજી પણ એક વાત છે મારા મનમાં કે દરેક સર્જકની દરેક કૃતિ પોતાના જન્માક્ષર લઈને જન્મે છે. મારી આ કૃતિના જન્માક્ષરમાં એવા ગ્રહો હશે કે એને લોકોની એટલી બધી ચાહના મળશે અને એ તને એક વખતના વીનુમાંથી જનપ્રિય બનાવશે એવા કંઈક ગ્રહો એમાં પડ્યા હોવા જોઈએ. પછી અમે બહાર નીકળ્યા રસ્તામાં મેં પુષ્પાને આખું થીમ કહ્યું એ કહે કે આ તો બહુ સારું છે. અમે આવ્યા તો રસ્તામાં એક મારો પ્રિય પાનવાળો હતો એની પાસેથી મેં ૩૦૦ તમાકુના ૨ પડીકી બંધાવી. ઘેર આવ્યો લૂંગી પહેરી, ઈસ્ત્રી વાળું બાંડીયું પહેર્યું પાના ગોઠવ્યા અને લખવાનું ચાલુ કર્યું. સવાર પડી ત્યાં સુધીમાં ‘માલીપા’ નાટક લખી લીધું હતું. બધું જ સાંગોપાંગ ઉતરતું આવ્યું. નાટક ભજવાયું, રજૂ થયું, બહુ જ ગમ્યું લોકોને નાટક પણ. એના બીજા કે ત્રીજા દિવસે હું બહાર નીકળ્યો હતો ત્યારે એક રિટાયર્ડ પોસ્ટ માસ્તર અને એમના બીજા વૃદ્ધ મિત્રો લગભગ ૭૫ થી વધુના એ લોકો બે જણા મળ્યા. એમાંથી એકે મને કહ્યું એ છોકરા ઉભો રે… હું એ વખતે છોકરો હતો. મારી છાતી એ પંખુડો અડાડીને કહે કે તને અમારી વાતોની ક્યાંથી ખબર પડી ? મેં કહ્યું શું થયું મેં તો કંઈ કર્યું નથી. તો કહે કાલે રેડિયો ઉપર તારું નાટક સાંભળ્યું. તેં તો  અમારી જ વાતો લખી છે. એ ક્ષણથી પ્રિયજન બીજાને પ્રિય થવાની શરૂઆત થઇ ગઈ હતી જયારે મને આજે પ્રિયજનની ૨૦ આવૃતિઓ પછી કોઈ ૧૭ કે  ૧૮ વર્ષના છોકરા છોકરીઓ મળે અને એ જે ચમક એની આંખોમાં દેખાય એ પેલા રિટાયર્ડ વૃદ્ધ માસ્તરની આંખોમાં દેખાતી ચમક જેવી જ ચમક હતી.”

ગોરજ મુનિ સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ : (18)

વડોદરાના વાઘોડિયા ગામ પાસે એક સ્પર્શી જાય તેવો માનવીય આશ્રમ છે. ના, અહીં કોઈ ધ્યાન-પૂજા-ભજન- હવન થતાં નથી પણ અહીં અદભુત માનવસેવાનો ધૂણો અવિરત ધખે છે. એક વિરલ સાધ્વી અનુબેન (ઠક્કર) અહીં તેમના ગુરુ શ્રી મુનિ બાબાની આજ્ઞાથી આવ્યા, સેવામય રહ્યા અને અહીં જ વિરમ્યા. ડોક્ટર થવા નીકળેલ એક યુવાન અનુબેનના કહેવાથી બધું છોડી અહીં 1983થી આવી વસ્યો અને આજે અનુબેનની દૈહિક ગેરહાજરીમાં વિરાટ વિવિધક્ષેત્રીય સેવાયજ્ઞ કરે છે. એ યુવાન ડોક્ટર એટલે અસ્મિતા વિશેષ  સંવાદમાં પધારેલા ડો. વિક્રમ પટેલ.

એકદમ સૌમ્ય અને સાલસ વિક્રમને પહેલો જ પ્રશ્ન પુછાય ગયો કે તમે અહીં કેમ આવી ચડ્યા ?? અને ડો. વિક્રમે જે જવાબ આપ્યો તે જાણીએ…

અનુબહેનના બા બાપુજી સાણંદમાં રહેતા હતા. નાનપણથી ભક્તિ અને સન્યાસ તરફ એમની વૃત્તિ હતી. સાણંદ ગામની બહાર એક મહારાજ રહેતા હતા.  સંતનું  નામ કોઈને ખબર નથી,  પણ બાર વર્ષ મૌન રાખેલું એટલે લોકો એને મૌનિ બાબા તરીકે ઓળખે. સાણંદની બહાર. બહેન ત્યાં જતા આવતા હતા અને એમને થયું કે આ કોઈ સારા ઉચ્ચ કોટિના સંત છે અને બહેનને દીક્ષા લેવાનો વિચાર તો હતો. એટલે પહેલા તો બહેન કોલકત્તા ગયા બેલુર મઠ કારણકે સ્વામી વિવેકાનંદ એમના માટે ભાવના પુરુષ હતા. અને લગ્ન માટે પણ બેન ઘણી વાર મને એમ કહેતા કે  સ્વામી વિવેકાનંદ જેવા મળે તો હું કરું ને નહિતર ક્યાંથી કરું ??  પણ ત્યાં  આગળ એમને સન્યાસ આપવાની ના પાડી કે અમારે ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ જોઈએ. અનુબહેન સાત ચોપડી પાસ હતા. એટલે મુનિ મહારાજને એમણે વિનંતી કરી કે મારે સન્યાસીની થવું છે,  મને સન્યાસ આપો. એટલે મુનિ મહારાજે કીધું કે જો આ એક બાવો તો મફત ખાય છે એમાં તારે વધારો શું કામ કરવો છે ? એના કરતા તમે શિક્ષિકાનું ભણેલા છો, તો શિક્ષિકાનું કામ કરો.એટલે બેને પૂછ્યું કે ક્યાં કરું, શું કરું ? એટલે અત્યારે જે આશ્રમ છે એની પાસે મુનિ મહારાજના એક ભક્તનું ખેતર હતું અને મહારાજ ત્યાં આવતા કારણકે પાછળ એક સુંદર નાનકડી નદી છે. બારેમાસ વહેતી એટલે એમની પ્રકૃતિને અનુકૂળ હતું ધ્યાન વગેરે કરવા માટે.. એટલે એમણે અનુબહેનને કીધું કે હું ત્યાં જાઉં છું.  ત્યાં શિક્ષણનું કશું છે નહીં. મા બાપ આખો દિવસ ખેતરમાં રહે  અને છોકરાઓ શેરીમાં રખડ્યા કરે. એટલે અનુબહેને ત્યાં આવી ૧૯૭૮ માં પહેલા એક બાલમંદિર ચાલુ કર્યું. અને બે વર્ષ એ મુનિ મહારાજના ભક્તને ત્યાં રહ્યા અને પછી આ જે જગ્યા અત્યારે મુનિ સેવા આશ્રમ છે ત્યાં આગળ એમણે આશ્રમનું  રજીસ્ટ્રેશન કરીને સ્થાપના  કરી અને ૧૯૮૦ માં મુનિ સેવા આશ્રમ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ત્રણેક વર્ષ બહુ મુશ્કેલી પડી. પચાસ રૂપિયા લઈને આવેલા એ પચાસ  રૂપિયા બાળકોના નાસ્તામાં દસ દિવસમાં વપરાઈ ગયા. પછી શરૂઆતમાં આજુબાજુના સારા ઘરોએ જઈને લોકોને વિનંતી કરે કે બાલમંદિર ચલાવું છું મને નાસ્તો કે એના માટે કંઈ આપો.. અમુક બાળકો આવે અમુક ના આવે એટલે પછી ઘરે જાય સાંજે અને કહે કેમ નથી આવ્યો ? મા બાપ કહે બીમાર પડ્યો છે. પૂછે કે  શું કર્યું ? તો કહે  આ ભુવોનું  પાણી લઇ આવ્યા છીએ , દોરો મંત્રાવી લાવ્યા છીએ  એટલે અનુબેનને વિચાર આવ્યો કે એકાદ નાનું ક્લિનિક ચાલુ કરીએ. પૈસા હતા નહીં એ વખતે એટલે અમારી મેડિકલ કોલેજમાં આવેલા અને અમને ઈન્ટર્ન્સને રિકવેસ્ટ કરવા કે ભાઈ તમે છોકરાઓ શું કરો છો ? અમે કીધું કઈ નહીં, ખાઈ પી ને મજા…બીજું તો શું… તો કે તમે રવિવારે વારાફરતી મારે ત્યાં ન આવો ? હું તમને આવવા જવાનું બસ ભાડું આપીશ.. એટલે અમને થયું કે મજા આવશે ચાલો.. એટલે એ રીતે અમે બધા વારાફરતી આવતા હતા. પણ ગામના લોકો ને તો ખબર નહીં કે ઈન્ટર્ન્સ એટલે શું એટલે એમને એમ કે ડોક્ટર આવે છે.. એટલે મોટા લોકો પણ આવવા લાગ્યા. એમાંથી બેનને થયું કે એક ડેઈલી ક્લિનિકની જરૂર છે અહીંયા.. એમાંથી ખબર નહીં પણ શું હશે મારું અને એનું ભાગ્ય,, \એમણે મને કીધું કે, તું વિક્રમ રહી જા તો આપણે ડેઈલી ક્લિનિક ચાલુ કરીએ.’ એટલે મેં કીધું ઇન્ટર્નશિપ પુરી થાય પછી વિચારું બેન.. ત્યાં સુધી દર રવિવારે આવતો રહીશ.

ઇન્ટર્નશિપ પછી મારો વિચાર હતો ઓર્થોપેડિક કરવાનો. મેં કીધું ઓર્થો કરીને પછી આવું  તો બેન કહે … ‘એ તો બધી વાતો..ઊંટના શીંગડા જેવી.. એ પછી તો તમે કઈ આવવાના નથી. આવવું હોય તો અત્યારે આવી જાઓ’.. પછી મને થયું કે આ વાત તો સાચી એટલે હું બીજે દિવસે બેગ લઈને આવી ગયો એટલે ત્યારથી પછી આશ્રમ જોડે…હું કાયમી આવ્યો ૧૩ મી ફેબ્રુઆરી ૧૯૮૩ના ….

 

ગુજરાતને ‘સપ્તક’નું વ્યસની બનાવનાર શ્રી મંજુ મેહતા

                   અસ્મિતા વિશેષ સંવાદ : 17

 ગુજરાતને ‘સપ્તક’નું વ્યસની બનાવનાર શ્રી મંજુ મેહતા 

એક રાજસ્થાની નારી તમને આજે સદંતર ગુજરાતી લાગે અને જે વાત કરે ત્યારે તમને સુરાવલિઓનો ભાસ થાય તો તે શ્રી મંજુ મહેતા છે એમ સમજવું. એ ‘સપ્તક’ સંગીત મહાકુંભના દ્યોતક છે, સર્જક છે, અને પોશક પણ છે. આખું કુટુંબ કેવી રીતે સંગીતમય બને તે ઊંડાણથી જાણવા માટે આ સંવાદ સાંભળવો બહુ જરૂરી છે. સંગીત એ આરાધનાનો વિષય છે અને મંજુબેનની વાતોમાંથી સંગીત માટેની તેઓની સાધનાના દર્શન થાય છે. આવો,  મંજુબેનના જીવનનીશરૂઆતને માણીએ…

‘મારા પિતાશ્રી અને મારા માતુશ્રી બંને સંગીતના ફિલ્ડમાં બહુ જ આગળ વધેલા. જયારે રાજસ્થાનમાં મહિલાઓને સંગીત કરવા માટે પ્રેરિત નહોતા કરતા એટલે કે મહિલાઓ સંગીત કરે તેને સારું નહોતા સમજતા એ સમયમાં મારા પિતાશ્રી કે જેમને સંગીતનો બહુ જ શોખ હતો એ એમના  શોખના લીધે સ્વયમ હાર્મોનિયમ લઇ આવ્યા પછી બધા કમ્પૉસિઝન્સ એમાં ગાય અને વગાડે. મારા જીવનનો એક ખાસ પ્રસંગ એ છે કે મારા મધરને મારા ફાધરે કહ્યું કે તમારે સંગીત શીખવું પડશે,  કારણકે મને આટલો બધો શોખ છે…!!! એટલે તમારે સંગીત શીખવું જ પડશે. તો જયારે હું લગભગ છ સાત વર્ષની હતી ત્યારે મારા મમ્મીને અલવર સંગીત શીખવા દર શનિ રવિ જવું પડતું હતું. ક્યાંથી જવાનું ? જયપુરથી અલવર જવાનું,  કારણકે જયપુરમાં એ ઘડી એવા કોઈ સારા ગુરુ નહોતા કે જે કોઈ લેડીને સરસ રીતે શીખવાડી શકે. તો અમે લોકો છ છ વર્ષના હતા.  મમ્મી અમને લઈને ટ્રેનમાં જતા હતા અલવર. અરે,  ત્યાંના જે સિતારીષ્ટ  હતા એમને ત્યાં મારા મધર પછી તો શીખવાડતા પણ હતા. આમ  અમે લોકો છ સાત વર્ષના હતા ત્યારથી મારા મધરે સખત સંઘર્ષ કર્યો. બચ્ચાઓને લઈને જવાનું, શીખવાનું. પછી ત્યાં અમે બે દિવસ રહેતા હતા.  ત્યાં આંબાના ઝાડ અને સરસ વાતાવરણ તો અમે તો રમતા હોઈએ અને પછી મારા મમ્મી પાછા લઈને આવે. એ પછી મારા મધર મહારાજા કોલેજમાં મ્યુઝિક ટીચર તરીકે રહ્યા. અને પછી એ ભરતપુર કોલેજમાં મ્યુઝિકના લેક્ચરર રહ્યા. પછી લખનૌ મારા મધર મોરિસ કોલેજમાં એક્ઝામ આપવા ગયા વિશારદની અને મને લઇ ગયા. તો મમ્મી બતાવે છે કે ઘોડાગાડીમાંથી હું પડી ગઈ. એક્ઝામ લેવા જઈ રહ્યા હતા અને ઘોડાગાડી માંથી પડી ગઈ હતી. તો પણ મને લઈને પરીક્ષાખંડમાં ગયા,  બધાએ બહુ સહકાર આપ્યો ને પરીક્ષા આપીને આવ્યા. એટલે એ સમયની વાત,  વિચાર કરો હું આજે ૭૫ ની છું..!!!!

પછી ધીમે ધીમે અમારા મધર ફાધર ના લીધે બધા જ છોકરાઓને,  ઘરમાં એક વસ્તુ થતી હોય તો ક્યાં જવાના હતા,  ત્યાંને ત્યાં બધા સાંભળે અને પછી એમ બધાને જ સંગીતનો શોખ લાગી ગયો. પછી મારા મોટા ભાઈ કે જે મારા ગુરુ પંડિત શશી મોહન ભટ્ટજી એ સિતાર વગાડતા હતા. અને એ ભારતરત્ન પંડિત  રવિશંકર જયારે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડીયોમાં હતા ત્યારે એમની પાસે શીખવા જતા હતા. એ લગભગ ગુરુજીના  પહેલા કે બીજા જ સ્ટુડન્ટ હતા કે જે દિલ્હી જઈને શીખતાં હતા. એમને જોઈને મને સિતાર શીખવાની ઈચ્છા થઇ. અને એ પછી મારા મોટા ભાઈ ત્યાંની જયપુરની યુનિવર્સીટીની  કોલેજમાં હેડ ઓફ ધ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ રહ્યા.

મને સિતાર શીખવાની ઈચ્છા તો આઠ વર્ષથી થઇ પણ દસ અગિયાર વર્ષે હું થોડું ગાઈ લેતી હતી એટલે નાના બાળકોના પ્રોગ્રામમાં જઈને સિતાર વગાડતી હતી. પણ એ ઘડી કઈ ગાડી ની વ્યવસ્થા નહીં એક જણે કોઈને સાઈકલમાં બેસાડી લે તો પકડી લીધું એક જણે રિક્ષામાં લઈને જાઉં એવી રીતે..બહુ કઈ ફેસિલિટી નહોતી, આજ કાલ તો બહુ ફેસિલિટી છે, અમારા  જમાનામાં એવું કઈ નહોતું. પણ એક રીતે જોઈએ તો એ ફેસેલિટી નહોતી ત્યારે જે શીખી શકાયું એ આજે ફેસેલિટી સાથે શીખી શકાતું નથી. જ્યારે હું પરણીને અહીંયા આવી અને હું રેડિયોમાં ૬૯ માં સૌથી પહેલા ‘બી  હાઇ ગ્રેડ’માં પાસ થઇ,  એ સમયમાં લાઈવ પ્રોગ્રામ થતા હતા. એ વખતે તો જયારે પ્રોગ્રામનો ટાઈમ હોય ત્યારે આપણે સિતાર લઈને જવાનું. એકવાર  સવારમાં અને  ફરી એકવાર રાત્રે.. ત્યારે મને હજુ યાદ છે કે હું રિક્ષામાં બેસી સિતાર લઇ મારી બેબીને દૂધની બોટલ આપી  અને બેસાડીને  રિક્ષાવાળા ભાઈને કહું કે,  ‘આવું છું હમણાં.’  એટલે એક આખું દ્રશ્ય ફરીવાર ભજવાયું. મારા માતાશ્રી અલવર જતા હતા ત્યારે અમે  ભેગા જતા હતા અને પછી મારે જયારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે મારી  દીકરી સાથે આવતી હતી !!’ 

મંજુબેનનું  આખું કુટુંબ જ સંગીતમય અને કુટુંબમાં સંગીત સિવાય કશું જ નહીં. તેમાં એક ભાઈ એટલે વિશ્વખ્યાત પંડિત વિશ્વમોહન ભટ્ટ કે જે વિચિત્ર વીણા ના દ્યોતક રહ્યા છે. આ સંસ્કારોએ માનુજુબેન અને તેઓના પતિશ્રીએ ‘સપ્તક’ ની દીર્ઘસ્થાયી ભેટ અમદાવાદ અને ગુજરાતને આપી અને ફલત: દેશના ધુરંધર સંગીત ખેરખાંઓ ગુજરાત આવવાની રાહ જોતા થયા અને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન થયું. ‘સપ્તક’ કેમ-ક્યારે-કેવી રીતે શરુ થયું અને કેમ આટલી પ્રસિદ્ધિ પામ્યું તે જાણવા માટે આપે શ્રી મંજુબેન મહેતા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ સાંભળવો રહ્યો.

 

હરીશ મીનાશ્રુ

અસ્મિતા વિશેષ સંવાદ (16) 

કવિતા જગતમાં ઉત્તમ સર્જન કરનાર અગ્રીમ વ્યક્તિઓમાં શ્રી હરીશ મીનાશ્રુનું નામ મોખરે છે. તેઓની  જીવનની યાત્રા વિશિષ્ટ સંજોગોના પડાવો પરથી પસાર થઈ છે. પિતાશ્રીની નાની શી પેઢી અને દીકરાની બેંકમાં કારકિર્દી પણ સદગુરુનો  સ્પર્શ એવો થયો કે અંતરની યાત્રાનો દોર ઘૂંટાવા લાગ્યો અને તેમાંથી સહજ પ્રગટે તેમ પદ્ય સર્જન થવા લાગ્યું. એક જુદા પ્રદેશની અનુભૂતિ તેઓને થઈ  છે અને તે કવિતાઓમાં બરાબર ઉતરી છે. સાદી  છતાં  પ્રેરક જીવનશૈલીના સાધક શ્રી હરીશ મીનાશ્રુ સાથેનો સંવાદ ધરાતલને સ્પર્શવાનો લ્હાવો બની રહ્યો… 

આપના ઉછેર અંગે વાત કરશો ??

“મારા પિતાજી મૂળ આણંદથી નજીક કંજરી ગામના,  એ અમારું મૂળ ગામ ત્યાં બાપદાદાના જમાનાની થોડી  જમીનો પણ હશે. પણ પિતાશ્રી બધાં ભાઈઓને બધું જ સોંપી અને આણંદ આવી ગયેલા. આણંદ અને કંજરી વચ્ચે કોઈ ખાસ અંતર નથી. હવેના જમાનામાં તો એને અંતર જ ના ક્હેવાય. માંડ  ૧૦ કિમિ હશે. અને અહીં એમના એક સ્નેહી સાથે એમનો છીકણીનો ધંધો.  એમાં એમણે કામ શરૂ કરેલું. પછી એ સ્વતંત્ર રીતે પણ કરતાં થયા. એટલે અત્યાર સુધી એમ સમજો ને કે પાંચેક વર્ષ સુધી એ મારા ‘બાપાની પેઢી’ કહું તો ગમ્મતનો વિષય ગણાય. કારણકે નાની અમથી એક દુકાન અને એમાં બધું કામ ચાલે.  છીંકણી બનાવવાનું અને ઘુંટવાની જ પ્રક્રિયાઓ છે એ બીજે થતી હોય પણ વેચાણની વ્યવસ્થા પેઢી પર  થતી હોય. મારા ભાઈ અત્યાર સુધી એ દુકાન ચલાવતા હતા. પછી એમની અવસ્થા થઈ એટલે એ છોડ્યું.  મારું કહેવાનું તાતપર્ય એટલું મારા ફાધર એક સનાતની બ્રાહ્મણ. ગાંધીયન એસ્થેટિકનો એક નાનકડો નમૂનો.  જેને ક્હેવાય ને લોવર મિડલ ક્લાસ. આપણે એને મિડલ ક્લાસ પણ ન કહી શકીએ એવા પ્રકારની આર્થિક અવસ્થા. એટલે મને બરાબર યાદ છે કે જયારે ૧૯૫૩ માં મારો જન્મ થયો હશે તો તે વખતે જે મકાન હતું એમાં છતમાં પણ વચ્ચે ગાબડું. અને દાદર ચડીને ઉપરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો પડી  ન જવાય એટલે વચ્ચે જે ઉઘાડી ભીંત હતી એ પકડીને સાચવીને આ બાજુના રૂમમાં જવાનું.. આવા પ્રકારની સ્થિતિ. પણ સાત આઠ વર્ષ પછી મને એવું લાગે છે કે મારું બચપણ એ છતાં પણ બહુ સારી રીતે ગયેલું કેમ કે સ્થિતિ થોડી સુધરવા માંડી હશે અને મારા બા તો કહેતા કે તારાં માથા પર લાડવાનો ડબ્બો હંમેશા રાખતા. આજે તો કોઈ રાખતું નથી પણ  મગસનો ડબ્બો ત્યારે શુકનવાળા સંતાન પર રાખતા હતા. આવી સંઘર્ષની અવસ્થામાં પણ એક બાળક તરીકે મારી ઉછેરની બાબતમાં કે બીજી કોઈ બાબતમાં મને ઓછું આવે એવું તો નથી થયું. અને સાત આઠ વર્ષ પછી મારા બાપુજીએ નવું પાક્કું મકાન કર્યું કે જે આજે પણ છે મારી પાસે અને ત્યાં અમે અવાર નવાર જતાં હોઈએ છીએ અને ખાસ તો  ઉત્તરાયણ વખતે ખાસ જતાં હોઈએ છીએ. ગામ મળે, ત્રીજો માળ મળે અને અગાસીઓને છાપરાને પતરાને બધું મળે કે જેથી આપણે કોઈની પતંગ કાપી પણ શકીએ અને કોઈ આપણી પણ કાપી શકે. કેમ કે અત્યારે હું જ્યાં રહું છું ત્યાં અગાસી છે ખરી પણ પડોશી પતંગ ચગાવે નહીં અને આપણી પતંગ પડોશી સુધી પહોંચે નહીં એટલું અંતર હોય છે. એટલે પતંગ પણ એક ઇમેજ બની જાય છે તમારી નિકટતાની. એટલે મારું બચપણ તો આ રીતે સરસ ગયેલું.”

‘ગાંધીયન એસ્થેટિક’ એવો આપે શબ્દ પ્રયોગ કર્યો  એ કેવી રીતે ?

“ગાંધીયન એસ્થેટિક. હું એસ્થેટિક શબ્દ કહું છું ત્યારે એમાં કળા ઉપરાંત સમાજ પણ આવી જાય. કેમ કે ગાંધીએ એમ કહ્યું કે આઈ એમ એન આર્ટિસ્ટ. તો એ અર્થમાં જયારે જુઓ છો ત્યારે મારા બાપુજીને મેં હંમેશા ખાદીના વસ્ત્રોમાં જોયા છે. અને દેખાવે મળતા એટલા આવે એટલે સૌ  કહે કે કાકા નહેરુ જેવા લાગે છે. કેમકે માથે ટોપી પહેરે. અને બીજી એક વસ્તુ એ હતી કે ઘરમાં એ ફાટલું એની પર થીગડાં મારેલા હોય એવો  ખાદીનો  ઝભ્ભો અને ધોતિયું પહેરીને બેસતા. અને એ જ રીતે ઘરમાં રહે. પણ જો બહાર જવાનું હોય કે કોઈને ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની હોય તો ખરેખર અભિવૃદ્ધિ થાય એ રીતે ખાદીનો સરસ મજાનો ઝભ્ભો , સરસ ઈસ્ત્રી કરેલી હોય, એ જ કાપડની ટોપી એવું ધારણ કરીને જ જાય. પછી હું જોઉં કે એમની  સેન્સ ઓફ ટાઈમિંગ તો ગજબની.  ગાંધીના એસ્થેટિકમાં એટલે કે અમુક વાગ્યે જ નીચે ઉતરે, ઉઠે  તો બહુ વહેલા. ચાર વાગ્યા માં ઉઠી જાય અને ખોખારા ખાવામાં ફળિયામાં સૌથી પહેલાં એ હોય અને એમના ખોખારા સાંભળે એટલે આજુબાજુના પાડોશીઓને ખ્યાલ આવે કે આ ચાર વાગવા આવ્યા અને પછી એ પરવારીને સેવા પૂજા કરે. કારણકે એ સનાતન બ્રાહ્મણ અને  એમના એક ગુરુ હતાં જીવાનંદ સરસ્વતી,  બંગાળી હતાં. અને એમની પાસે  એમણે સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ કરેલો. મારી પાસે જે કેટલાક સંસ્કૃતના પુસ્તકો છે એ મારા પિતાજીના છે પણ એમને અભ્યાસ કરવાનો મોકો નહીં મળેલો આર્થિક કારણોસર. પણ બહુ વેળા સર એને આણંદ આવી જવું પડેલું અને કામે વળગી જવું પડેલું… એ પુસ્તકો અને એ સંસ્કારોનું  હું જીવું છું.”

 

અરુણાબેન જાડેજા

અસ્મિતા વિશેષ સંવાદ (15)  

મૂળ તેઓ અરૃણાતાઈ…પણ આજે અરુણાબેન જાડેજા…

પુસ્તક-પ્રેમ , રસોઈ-સ્નેહ, વાંચન-મનન લગાવ, પરંપરા-આદર અને જીવન-આનંદ એટલે  અરુણાબેન. આવો, એમની સાથે થયેલ રસપ્રદ સંવાદની કેટલીક પળોમાં લટાર મારીએ.. 

વાંચનની લાગણી ક્યારથી લાગેલી ?

એકવાર  રેલવેમાં હતાં  તે મારા કાકા સાથે મારા આઇએ મને મોકલી મામા ને ત્યાં અમદાવાદ અને કંઈક બે આના કે  ત્રણ આના આપેલા  કે રસ્તામાં તારે કંઈ ખાવું હોય તો રાખ. પણ મેં ‘ચંપક’ લીધું અને નીચે ઉતરીને નક્કી કર્યું કે ખાવું નથી કશું,  પણ પહેલા ચંપક  વાંચવું છે. અને  હું સુરતી એટલે પેલા ભુસા ભજીયા આવતા એ છાપાના કાગળમાં જ હોય એટલે પછી બીજા બધાં ખાવા માંડે તો મને એમ થાય કે આ લોકો ખાઈ લે તો હું તે છાપાંનો  ટુકડો વાંચી લઉં !! એટલું બધું ગાંડપણ વાંચવાનું… ભાઉએ પણ કહેલું કે તું જોઈએ એટલા  પુસ્તકો વાચ,  તને લાવી આપું, જેટલી હોય એટલી લાયબ્રેરીમાં સભ્ય થઈ જવાનું. ભલે એક બે ફ્રોક આપણે ઓછાં હોય તો ચાલશે..  આજે પણ મરાઠી સામયિકો પણ અને ગુજરાતી તો બધાં જ નું  આપણે  આજીવન લવાજમ ભરેલું છે. 

ભણવાનું હોય એ પણ વાંચવાનું એટલું જ ગમે કે ના ?

ગમે ગમે…ભણવામાં પણ કેવું છે ગણિત બિલકુલ ના ગમે. વિજ્ઞાન પણ ના ગમે. ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એ બધું બહુ ગમે. અને કેવું કે ચોપડીઓ આવે એ પહેલાં જ ચોપડીની સુગંધ લેવાની!! કોઈ વાર જ નવી ચોપડી આવે બાકી તો સેકન્ડ હેન્ડ લાવવાની બધી. પણ પછી હું આઈને કહું એક નવી લાવી આપોને સુગંધ માટે !! પછી તો હું મારા છોકરાઓને માટે બધી જ નવી કોરી ચોપડી લાવી હતી. અને મારી દીકરીની દીકરી મારી પાસે રહેતી એના પુસ્તકો લાવું પછી સરસ પૂંઠા ચડાવીને ખાખી કલરના સ્ટીકર લગાવીને નામ લખીએ. પણ હું એને કહું પહેલાં તું સુગંધ લે. સુગંધ આ પુસ્તકની  !! .. 

ગણિત વિજ્ઞાન ન આવડ્યું તો પણ  પાસ થઈ જવાતું હતું ને ?

હા, થઈ જવાય. કાયમ આમ તો પહેલો બીજો નંબર આવે. પણ આપણને તો ખબર છે કે આપણે લખવા બેસીએ ને પછી લખાય જાય ને પછી ઘણા કહે કે હું મારું પિક્ચર નથી જોતી કોઈ દિવસ કે  હું મારું ગાયેલું ગીત નથી સાંભળતી. એમ હું પણ કોઈ દિવસ મારું લખેલું વાંચું નહીં,  કારણ કે એમ થાય કે આના કરતા તો  મેં  કેટલું સારું લખ્યું હોત. આ વાત માટે બોરીસાગર સાહેબનું એક વાક્ય યાદ કરું : આ જે આપણને અસંતોષ રહે ને, (આમ તો અસંતોષ એ નેગેટિવ છે, નકાર છે)  એ  ડિવાઇન ડિસ સેટિસ્ફેક્શન છે.             

આપનાં લગ્ન મોટી ઉંમરે અને વિશિષ્ટ સંજોગોમાં થયાં, એમનાં વિષે વાત કરો ને 

મારી બહેનપણી  મંજુના બા એટલે કે સાહેબના પહેલાં પત્ની બોર્ન કેન્સરમાં ગુજરી ગયા. અમે નજીક જ રહેતાં હતાં. એ પોલીસ ક્વાટર્સમાં રહેતા અને સામેની બાજુ હું વાડીયા કોલેજમાં રહેતી.. મંજુ પણ બહુ આવતી અને મંજુના બા પણ બહુ આવતા મારે ત્યાં.. હું માંદી – સાજી હોઉં તો મારું ધ્યાન રાખે કે આ ડભોઇની દીકરી છે. એનું ધ્યાન રાખવાનું. પણ મંજુના બા ગુજરી ગયા.

પછી એક વાર હું અને મારી બીજી એક બહેનપણી (જે મારી સાથે કોલેજમાં પ્રોફેસર જ હતાં) અમે  બંને જણા મંજુના  ઘરે કંઈ મળવા ગયા હશું. એમણે અમને બંનેને કહ્યું:  મારે  ફરીથી લગ્ન કરવાં છે પણ મારી ઉંમરની આસપાસની ઉંમરના હોય, ત્યક્તા હોય, વિધવા હોય, અથવા અપરિણીતા રહ્યા હોય એ તમે જોજો.  પર નાતના ચાલશે પણ અમારા દરબારોની બધી મર્યાદા હોય એ સાચવવું પડે એટલે એ જોજો.  પછી મેં અને મારી બહેનપણીએ શોધ માંડી.  મારો ભાઈ ડભોઇમાં હતો એને પરદેશ જવા માટે પાસપોર્ટ પર કંઈક  સહી જોઈતી હતી ત્યારે મેં સાહેબને નાનો  પત્ર લખી કહ્યું કે ડભોઇમાં તમારા કોઈ ઓળખીતા હોય તો એને કહેજો ને,  મારા ભાઈને સહી કરાવવી છે. અમારી પત્ર વ્યવહારની આ પહેલી શરૂઆત. અને અમારા બંનેનો પ્રણય પાંગર્યો એ પત્ર દ્વારા. અઢી વર્ષ અમારો ડેટિંગ પિરિયડ પણ પત્રો દ્વારા. પ્રત્યક્ષ મળવાનું કંઈ નહીં એકાદ વાર થયું બાકી પત્રો દ્વારા જ… 

એમની ઉંમર ત્યારે કેટલી હશે ?

મારાથી ૨૧ વર્ષ મોટા.

અમે જયારે લગ્ન  કર્યાં ત્યારે હું ૩૦ ની અને એ ૫૧ ના હતાં. પોલીસખાતામાં હતાં તો પણ તેઓ બહુ  પત્રો લખતાં…એટલે મારો ભાઈ એવું કહેતો કે આમને ક્યાંથી  ટાઈમ મળતો હશે  ? આ તો સોમ થી શનિ સુધીના પત્રો લખી જ રાખતા હશે અને પછી રોજ એક એક પેલા કોન્સ્ટેબલને કહેતા હશે કે પોસ્ટ કરી આવ જા.

દીકરી મંજુના તો લગ્ન થઈ ગયા મારા આવતા પહેલાં. હવે દીકરાના બાકી હતાં. એટલે એમણે પણ કહ્યું અને મેં પણ કહ્યું કે પહેલાં દીકરાના લગ્ન થવા દો, ધામધૂમથી કરો. હું જાહેરમાં કહું આજે કે  મેં સાહેબને કહેલું કે પહેલાં દીકરાનો બેડરૂમ બંધ થાય પછી આપણો બંધ થાય એમાં શોભા છે, એમાં આપણી મર્યાદા છે. એટલે મહિના પહેલાં એમના લગ્ન થયા અને પછી અમારા કોર્ટ મેરેજ થયા. પિતાજી તો બહુ વિરોધમાં હતાં …

(અને પછી તો જીવનના એક પછી એક પાનાં અરુણાબેને ભાવથી ખોલ્યા અને સંવાદ જીવંત ગોષ્ઠિ બને રહ્યો…) 

 

વૈશ્વિક ખગોળવિજ્ઞાની ડો. જે. જે. રાવલ

અસ્મિતા વિશેષ સંવાદ: 14

એક કહેવત છે કે નજદીકના લોકોને આપણે સાચી રીતે ઓળખી શકતા નથી. જે નજીક છે તે સહજ છે એટલે તેઓની ઘણી સિદ્ધિઓ આપણી  નજરે ચડતી જ નથી. શનિ ગ્રહને વલયો છે તેવી ઘોષણા કરવામાં જેમનું નામ વૈશ્વિક સ્તરે ગુંજેલું તે આપણા ગુજરાતના હળવદના પ્રા. ડો. જે. જે. રાવલ. પછી તો અનેક નવા ગ્રહોની ઓળખાણ રાવલસાહેબે કરાવી અને ઈન્ટરનેશનલ જર્નલ્સમાં જેમના  સંશોધન પત્રો પ્રકાશિત થયા. આ ભારતીય ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ એટલા બધા સહજ વ્યક્તિ છે કે તેમની સાથે ગોષ્ઠી કરવામાં તમને સ્વજનભાવ જન્મે જ જન્મે. એ Down to earth વિશ્વસ્તરના વિજ્ઞાની રાવલસાહેબ સાથેનો સંવાદ સાવ જ નિરાળો રહ્યો. આવો, તેમના જ શબ્દોમાં તેમની જીવન-ઘટનાઓનો સ્વાદ ચાખીએ…

‘અમે લોકો હળવદના બ્રાહ્મણ અને જયારે હું નાનો હતો ત્યારે હળવદમાં પાંચ થી સાત હજારની વસ્તી. એમાં ૯૦% બ્રાહ્મણો. અને લાડવાનો બહુ મહિમા અને બીજું કે મારો જન્મ મારા પિતાના મૃત્યુ પછી ત્રણ મહિના પછી થયેલો. મારા પિતા જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા અને મારો જન્મ માર્ચમા થયેલો. 

મારા પિતા તો લાખોપતિ હતા. એ જમાનામાં લાખોપતિ, ઘરે ઘણા નોકર ચાકરો, ભરવાડો અને ઘોડાગાડીઓ અને ઘોડાઓ અને અમારા ઘરની અંદર એક રૂમમાં ગુણોની ગુણો રોકડા રૂપિયા પડ્યા રહેતા અને મારા મધર પાસે ૧ મણ સોનુ હતું. અને મારી મધર જયારે બહાર નીકળે તો બધા જોવા નીકળતા અને આખા સૌરાષ્ટ્રમાં મોટા મોટા શહેરોમાં અમારી મોટી મોટી પેઢીઓ હતી અમારો ધંધો ઉનનો હતો, એટલે બધા ભરવાડો પણ બહુ આવે ઉન લઈને.  હવે એમાં બધી પેઢીઓમાંથી ઉન ભરાણું અને ભાવ તળિયે આવી ગયો.  અમારી  ૮ હવેલી હતી એમાંથી ૭ વેંચાઈ ગઈ. ૧ હવેલી બાકી રહી જેમાં અમે રહેતા હતા અને એ ૭૦૦ રૂપિયાની મોર્ગેજ પર હતી. એ ૭૦૦ રૂપિયા ભરતા અમને ૪૦ વર્ષ લાગ્યા. જો એનું વ્યાજ લીધું હોત તો એ આખું મકાન જતું રહેત !! 

આમ છતાં પણ મારા પિતાશ્રી  ફિલોસોફર.  કોઈ દિવસ એમણે એમ નથી કીધું કે મારી પાસે હતું ને ગયું. એમનું મૃત્યુ થયું ત્યારે મારી મધર પાસે  ૫ રૂપિયા, અને ૫ તોલા સોનુ અને મકાન ૭૦૦ રૂપિયામાં મોર્ગેજ મકાન એટલું હતું !! મારી માતાએ પાડોશીના ઘરે વાસણ માંજવાનું કામ કરવું પડ્યું. કપડાં ધોવાનું કામ કર્યું પણ એ ડર્યા નહીં અને અમને ભણાવ્યા. અમે ચાર બહેનો અને પાંચ ભાઈઓ, આમ નવ બચ્ચાઓને મૂકીને મારા ફાધર ગુજરી ગયા.. મારો નંબર છેલ્લો કારણકે એમના મૃત્યુ પછી ત્રણ મહિને મારો જન્મ..મારા પિતાજી જો બજારમાં નીકળે  ને કોઈ એમ કહે કે ગટુબાપા ખાવાનું નથી તો બે મણ અનાજ કોઈને ત્યાંથી ઉધાર લઈ આપે એવો એ માણસ.આજે પણ મને મારા નામથી કોઈ ઓળખે નહીં પણ એમ કહે કે જટાશંકર રાવલનો દીકરો જીતેન્દ્ર રાવલ !!  આજની તારીખે પણ મારા બાપથી હું ઓળખાઉં છું. 

સ્થિતિ બહુ ખરાબ એટલે અમે લોકોએ ભગવાની નોકરી સ્વીકારી લીધી, મંદિરમાં પૂજારી થઈ ગયા અને અમારા ઘર આગળ એક શાસ્ત્રીજી રહે. અમારા હળવદ ગામમાં બધા બ્રાહ્મણો રહ્યા એટલે થોડું ઘણું સંધ્યા વંદન અને એવું  તો ભણવું જ પડે.. અને પાઠશાળામાં ભણવા જતા તો સંધ્યા વંદન, પંચનાથની પૂજા અને રુદ્રી અને બધું, યજુર્વેદ ને એ બધું ભણતા. અને પછી તો વેદો, ઉપનિષદો, ગીતાપાઠ કરવા જવું પડે, પાંચ રૂપિયામાં ૫ કલાક સુધી ગીતાપાઠ કરવા પડે.  પાંચમા ધોરણથી છેક SSC સુધી હું પ્રથમ જ રહ્યો અને બધામાં ૯૦ કે ૮૫ ટકા માર્ક આવે. સંસ્કૃતમાં ૯૫ માર્ક આવે. સંસ્કૃતમાં અમને બોલતા આવડતું. એક જમાનામાં અમે ૫૦ લાઈનનો નિબંધ લખી શકતા. હજી શ્લોકો વગેરે બધું યાદ છે. પાંચમા ધોરણથી વેદોમાં મને બહુ રસ પડેલો.. વેકેશનમાં કંઈ કામ નહીં એટલે કાલા ફોલતાં. અમે લોકો ૧૨ વર્ષ સુધી તો ગામની બહાર પણ નથી ગયા. 

ઋગ્વેદમાં બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એની પણ વાત છે એની  કોઈ ના ન પાડી શકે. What is the ultimate matter of the universe આ બ્રહ્માંડનું મૂળતત્વ શું એ શોધવા સૌ મથે છે જયારે આપણે લોકોએ  એ  બધું પહેલેથી શોધેલું છે કે આ બધું એક જ ચેતના અથવા અદ્વૈત.. એ બધું એક જ છે. વિજ્ઞાન પણ સમજાય અને વેદો પણ સમજાય અને આપણને બહુ આનંદ આવે.  પણ તકલીફ શું કે,  જે સંસ્કૃત જાણે છે અને  વેદો વાંચે છે એને વિજ્ઞાનની ખબર નથી અને વિજ્ઞાન જાણે છે એને વેદોની ખબર નથી. કનેક્ટિવિટી નથી. એ કનેક્ટિવિટી હોય તો એ ખબર પડે કે આપણા મનિષીઓ એમ જ નથી મરી ગયા. આ જે ખગોળવિજ્ઞાન છે  એ તો સદીઓના  જ્ઞાનનો સંગ્રહ છે.”

ધરમપુરનાં સેવાદીપ સુજાતા શાહ

અસ્મિતા વિશેષ સંવાદ : 13 

કોઈ યુવતી ભણી ગણીને સરકારી કાયમી નોકરીમાં લાગી ગયા પછી એ બધું છોડીને દૂર દરાજના અંતરિયાળ વિસ્તારમાં જઈને સેવા કાર્યમાં જિંદગી વિતાવે એ વાત માન્યામાં આવે તેવી નથી ને ?? હા, પણ જેનો ઉછેર જ વેડછીના વડલાની શીળી છાયામાં ગ્રામ પરિવેશમાં ખાદી પહેરીને થયો હોય તેવી યુવતી તો આવું ન વિચારે તો જ પ્રશ્ન ખરો ને ? આ બંને પ્રશ્નાર્થોનો જવાબ આપે છે સુજાતા શાહ. આજે પણ જ્યાં મોબાઈલ જોડી શકતો નથી તેવા વિસ્તારમાં પલાંઠી મારીને બેસેલ સુજાતા શાહ  સંવાદમાં ભાવુક થઈને પોતાની કહાની કહે છે ત્યારે અહેસાસ થાય કે ‘જીના ઇસીકા નામ હૈ’…આવો, જાણીએ  સુજાતા શાહની એક રોમાંચક ઘટનાને.. 

“હું વેડછીમાં રહી ને ઉછરેલી એટલે સેવાનું  કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક ઘણા એટલે મને ખબર હોય કે અહીંયા અહીંયા આવું સેવાનું કામ થઈ રહ્યું છે, એટલે શનિ રવિ અથવા કોઈ વાર રજા મૂકીને પણ એવા કામો જ્યાં ચાલતા હોય ત્યાં હું જોવા જતી. અને મારે આવા કામ કરવા હતા એવું નક્કી પણ એટલો કોન્ફિડન્સ નહોતો.  મને એ નહોતી ખબર કે મારો એકદમ રસનો વિષય કયો ?  કારણ ભણવામાં સિન્સિયર વધારે એટલે વાંચ વાંચ કરેલું વધારે.. એટલે એવું પણ થતું કે ગામમાં કામ કરવું છે પણ ગામમાં જઈને મિટિંગ કરવી હોય તો શું વાત કરવાની, કેવી રીતે ગામમાં જઈને ઉભું રહેવું ? એ કંઈ ખબર નહીં . એટલે મારી મેળે જ એવું વિચાર્યું કે આપણે શરૂઆત એવી રીતે કરીએ કે જ્યાં પહેલેથી કામ થતું હોય એવી  કોઈ સંસ્થામાં જોડાઈએ તો આપણને અનુભવ મળે અને ગામડામાં રહેવા પણ મળે. કોકિલાબેન અને ભીખુભાઇ વ્યાસ વેડછીના જ. અમારી બાજુમાં જ ઘર અને એ ધરમપુરમાં કામ કરતા એટલે એમને ખબર પડી અને મને પણ ખબર પડી એટલે એ જયારે ધરમપુર જતા હોય  ત્યારે હું એમની સાથે ધરમપુર જાઉં કારણકે એ પોતે પણ ત્યારે એમની બોરખડીના  વિદ્યામંદિરમાં આચાર્ય તરીકે હતા.  એ કાયમ ધરમપુર નહોતા રહેતા એટલે એ  જવાના હોય ત્યારે હું સાથે જાઉં.. બધું જોઈ આવું. એક તો મને ધરમપુર પહેલી જ નજરે બહુ ગમી ગયું,  કારણકે એનું કુદરતી સૌંદર્ય અને એનો વિસ્તાર અને એમની સંસ્થામાં દરેક ફિલ્ડમાં કામ થતા જોયાં. એજ્યુકેશનનું, ખેડૂતો સાથેનું, ગામ માટે જરૂરી પ્રવૃત્તિઓ વગેરે.

એટલે બે વર્ષની નોકરી પછી મેં નક્કી કરી લીધું કે મારે કોકીલાબેનની સાથે જોડાઈને ધરમપુરમાં કામ કરવું છે અને ત્યારે મા બાપની સામે ઘરમાં એકદમ ઠોસ કંઈક જાહેર કર્યું કે હવે મારે ધરમપુરમાં કોકીલાબેનની સાથે જોડાઈને કામ કરવા જવું છે. અને ત્યારે પછી એકજાતનો વિરોધ વગેરે બધું શરૂ થયું. બધા મુખ્યત્વે એ સમજાવતા કે, ‘આમાં સલામતી શું ? આવી સંસ્થાઓ તો આજે છે ને કાલે નથી. અને ધરમપુર તને ફરવા જવું ગમે, પણ ત્યાં  કાયમ રહેવું નહીં . ઈલેક્ટ્રીસીટી નહીં, રસ્તા નહીં, પાણીના નળ નહીં, શાકભાજી દૂધ નહીં તો તને બે દિવસ ગમશે, અઠવાડિયું ગમશે તું ત્યાં રહીશ કેવી રીતે ?’ આ બધું બહુ બહુ ચાલ્યું.

એ દરમ્યાન એવી પણ કોઈ ક્ષણ આવી કે મેં પણ થોડો વધુ વિચાર કર્યો.  કોઈ એવી વાત લાવ્યું કે તું પરમેનન્ટ નોકરી છોડીને ન જા,.. તું એક વર્ષની લિવ વિધાઉટ પે મૂકી દે. એટલે એક  વર્ષ તું ત્યાં રહી જુએ તો તને ખબર પડે કે ત્યાં તારાથી રહેવાય છે કે નહીં ?  અને આ આ બાજુ  નોકરીની પણ સલામતી. એ મને ગમી ગયું એટલે હું ઢીલી પડી અને મેં અરજી કરી મારી સ્કૂલમાં કે મને ૧ વર્ષની લિવ વિધાઉટ પે જોઈએ છે.  અમારા પ્રમુખ  ખાદીવાળા અને આવા કામને માનવાવાળા,  એટલે મને એવું હતું કે મારી અરજી તો મંજુર થઈ જ જશે. પણ એ એક વર્ષની લિવ ના-મંજુર થઈ.  ધરમકાકાની ઉંમર ૯૦ વર્ષ, ખાદી જ પહેરતા, એટલે હું સીધી એમની પાસે ગઈ ને પૂછ્યું કે મારી અરજી નામંજૂર કેવી રીતે કરી ? હું તો સેવા કામ કરવા જાઈ  રહી છું એટલે  મારી સામે જોયું અને પછી પૂછ્યું કે,  ‘તારે ખરેખર આવું કામ કરવા જવું છે ?’ મેં કીધું હા. એનો એ જ સવાલ ફરી કર્યો,  મેં કીધું હા… ત્રીજી વાર પૂછ્યું,  મેં કીધું હા,,.. તો કહે કે તારે ખરેખર જવું હોત તો તું આવી અરજી ના કરત. તું મારી દીકરી હોત તો હું પણ તને આ સલાહ આપત કે તું ૧ વર્ષની રજા લઈને જા. પણ તને હું એક વડીલ તરીકે સલાહ આપું છું કે તારે ખરેખર જવું હોય,,,,તો,,, તારે ખરેખર જવું હોય તો તું દોરડું કાપીને જા એટલે કે તું રાજીનામુ આપીને જા.  તારી નોકરી ચાલુ હશે તો તને થોડું પણ એમ થશે કે મને નથી ફાવતું એટલે તારા પાછા આવવાના ચાન્સ બહુ વધી જશે. અને બીજું એક સ્કૂલના પ્રમુખ તરીકે તો હું તારું અરજી નથી જ કરવાનો કારણકે સ્કૂલ એ મારી ફરજ છે. તને ફાવી ગયું અને તું પછી ન આવે તો અમારે તારી ૧ વર્ષ રાહ જોવાની અને પછી મારે બીજા નવા ટીચર શોધવાના એટલે તારી રજા તો મંજુર નહીં જ થશે પણ તારે માટે પણ એ જરૂરી છે કે તું આ દોરડું કાપીને જા… બસ, એમ જ દોરડું કપાયું અને હું ધરમપુર, પિંડવળ, ખડકીની બનીને જીવવા લાગી.” 

શ્રી કુમારપાળ દેસાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 12

વિશ્વભરમાં જૈન સાહિત્યની પગદંડીએ યાત્રાઓ કરનાર પ્રાધ્યાપક ગુજરાતી સાહિત્ય માટે પોતાની નિવૃત્તિને જ નિજાનંદી પ્રવૃત્તિ બનાવે ત્યારે જે વ્યક્તિત્વ મળે તેને શ્રી કુમારપાળ  દેસાઈ કહે છે. એ સાહિત્યના, અધ્યાત્મના, જીવન-દિવ્યતાના, સ્પોર્ટ્સ ફિલ્ડના, કટાર લેખન જગતના અને સૌથી વધુ તો જીવનને ભરપૂર જીવનાર જીવનના માલિક છે. કયું  ક્ષેત્ર એવું છે કે તેને કુમારપાળભાઈ સ્પર્શ્યા  નથી એ જ પ્રશ્ન છે. અને તેમના ગુરુસખા સમાન શ્રી ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં રહીને તેઓએ ગુજરાતી સાહિત્યની એકમેવ ગૌરવ-સંસ્થા નું વિશ્વકોશનું નિર્માણ કર્યું અને ધીરુભાઈની વિદાય પછી સુચારુ સંચાલન પણ કરી રહ્યા છે. બિલકુલ મૃદુભાષી કુમારપાળભાઈ સાથે અસ્મિતા વિશેષ સંવાદ થોડી ગડમથલ પછી શક્ય બન્યો, કારણ તેઓનો પ્રશ્ન હતો કે, આ શ્રેણીનું નિર્માણ જો વિશ્વકોશ જ કરતું  હોય તો તેમાં હું શા માટે ? પણ તેઓને સમજાવી શકાયા  કે અમે તો કુમારપાળભાઈ ના બહુવિધ પ્રદાનની ગાથાને કચકડે મઢવા  માંગીએ છીએ. બહુ સરળ  અને સહજ પ્રકૃતિના કુમારપાળભાઈ સાથેનો સંવાદ એકદમ ઝરણાની જેમવહ્યો  તેનો સંવાદકર્તા તરીકે મને આનંદ છે. આવો, તેમની જ પાસેથી તેમના જીવનની માર્મિક વાતો જાણીએ::

‘મારા પિતાશ્રીનું એકાએક અવસાન થયું અને મારા પિતાશ્રી એમના મિત્રોને કહેતા. એમના મિત્રોમાં એક ગોવિંદપ્રસાદ વૈદ્ય હતા, તે એમને કહેતા કે તમે વૈદ્યરાજ સવારમાં વાંચશો કે  મારો મિત્ર ચાલ્યો ગયો,  એકાએક જતો રહ્યો. અને વૈદ્યરાજ અમારે ત્યાં આવે. પિતાશ્રીને પુષ્કળ ડાયાબિટીસ છતાં ડબલ ખાંડવાળી ચા લે. વૈદ્યરાજ મારે ત્યાં આવે એટલે મારા મધરને કહે કે વૈદ્યરાજની મોળી ચા અને મારી ડબલ ખાંડવાળી ચા મોકલો. એકવાર પુનિત મહારાજ અમારે ત્યાં આવેલા. પુનિત મહારાજ બહુ ગંભીર અને બહુ ચિંતાગ્રસ્ત હતા. પછી પુનિત મહારાજને કહ્યું કે શું થયું છે તમને ??  તો એ કહે મને ડાયાબિટીસ થયેલ છે. એટલે મારા ફાધરે કીધું,  ચાલો પેંડા ખાઈએ આપણે. પેલો ડાયાબિટીસનો ભય છે એ કોઈ દિવસ એમને અડે નહીં. એમના પોતાના જીવનમાં એમને કિડની, ડાયાબિટીસ, આંખે ઓછું દેખાય પણ એમની  ખુમારી અદભુત. એ એવી ખુમારી હતી કે જે કદાચ હું આપને વર્ણવી ન શકું. કોઈ પણ માણસ હોય કે કોઈ બહુ મોટા શ્રેષ્ઠી હોય,  કસ્તુરભાઈ લાલભાઈ હોય તો એમને પણ પોતાને જે લાગે તે કહી  શકતા. કોઈને કોઇ રીતે પાછા પાડવાની વાત જ નહીં. 

એમના જીવન વિષે તો મેં એક પુસ્તક પણ લખ્યું છે.  એના ઉપરથી અમે એક નાટક પણ તૈયાર કર્યું,  એ ઘણી જગ્યાએ રજૂ થયું છે. ઘણા પ્રસંગો છે પણ પિતાશ્રીનું એકાએક અવસાન થયું પછી હું બહુ ડિસ્ટર્બ રહેતો, હું સાંજે જમી ન શકું કારણ કે અમે સાથે જમતા તો મારા કાકા આવે,  મારી સાથે બેસે, અમે જમીએ. પછી એક દિવસ મારી માતાએ મને કહ્યું, બેટા તું સિંહનું સંતાન છે. કેમ આવી રીતે રહે છે ? તું જો… કેટલી મોટી વાત છે આ કે હું મારી જિંદગીની પળે પળ એમની માટે વિતાવતી હતી, પણ  એ ગયા એટલે તું જો મેં મારું મુખ તારા દીકરાઓ તરફ ફેરવી લીધું છે. એમ તારે  હવે  તારી જે જવાબદારી છે એ સંભાળવી જોઈએ,  નિરાશ ન થવું જોઈએ. મારા કુટુંબમાં કોઈ પણ આઘાતજનક ઘટના બને એટલે બાને  સૌ પહેલા બોલાવી લે,  કારણકે હિંમત આપનારા એક જ સ્ત્રી છે, બીમાર કોઈ હોય અને ઉપર રહેતો હોય તો એનાથી દાદર તો ન ચડી શકાય,  પરંતુ નીચે ફ્રૂટ વગેરે  બધું લઇ આવે ને આપે. મારી સોસાયટીમાં કોઈ માણસને ત્યાં પ્રસંગ હોય તો પહેલા ૫૦૦ રૂપિયા લેવા આવે અને કહે જયાબેન ૫૦૦ રૂપિયા આપો. કારણ તમારા પૈસા લઈએ  એટલે અમારું કામ પતી જાય છે. પૈસા ઘણા એની પાસે હોય પણ કહે કે તમારા શુકનના પૈસા હોય એટલે અમારું કામ પતી જાય છે !!  એની છેલ્લી ઘડી હતી ત્યારે એણે મને બે કામ સોંપેલા. મને કહે એ આપણા વડીલ છે જે એમના પિતાનું એકાએક અવસાન થયું એના દીકરાને નોકરી અપાવવાની જવાબદારી તારી અને બીજા હતા એ સૌરાષ્ટ્રમાં મારા મામાના દીકરા એમને થોડું માનસિક ચિત્તભ્રમ થઇ ગયેલું.  મને કહે એના કુટુંબની જવાબદારી તારી. બસ આ બે,  બાકી કશું જ નથી. 

છેલ્લી વખતે મને એણે બોલાવ્યો . મારા પિતાશ્રી જયારે અવસાન પામ્યા ત્યારે એમણે એક ડાયરી લખી રાખેલી એક મહિના પહેલા ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ માં અવસાન પામ્યા. ૨૩ મી નવેમ્બરે આ લખેલી અને એમાં લખેલું કે,  જિંદગીમાં આટઆટલા રોગો છે,  પણ જિંદગી યાત્રા જેવી ગઈ,  રાજા મહારાજા જેવી ગઈ !!  તમે વિચાર કરો કેવી ખુમારી હશે. પછી કહે,  હવે થોડો સમય છે.  મારું મૃત્યુ થાય તો કોઈએ રડવાનું નહીં, સ્મશાનયાત્રામાં માત્ર ભજન ગાવા, મારી માતાએ વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા.. ઈશ્વર પેટલીકરે કહ્યું કે, હું એમને એટલા બધા ક્રાંતિકારી નહોતો માનતો કે એ કહે કે  વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા.  છેલ્લા ચાર વાક્યો એમની ડાયરીમાં હતાં કે …. 

 ૧) ગરીબોની સેવા કરવી. 

૨) પારેવાને જાર નાખવી. 

૩) બને તેટલું તીર્થાટન  કરવું અને 

૪) સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. 

લોકો પોતાના આદર્શની શોધ કરે છે પણ  મને આ ડાયરીમાંથી આદર્શ મળી ગયો.’

શ્રી ગૌરાંગ વ્યાસ

અસ્મિતા વિશેષ સંવાદ : 11

ગુજરાતી ગીત સંગીતનું એક સુરીલું નામ એટલે અવિનાશ વ્યાસ. તેઓશ્રી માટે તો “અવિનાશી અવિનાશ” એવા પુણ્ય વચનો બોલાય છે. ગુજરાતી ગીત-ગરબા-સુગમ-ફિલ્મી રચનાઓથી ભરેલો  ભારોભાર વૈવિધ્યનો સુર-શબ્દ થાળ  એટલે શ્રી અવિનાશ વ્યાસ. એ અવિનાશભાઈની યાદને આજે પણ તરોતાજા રાખી રહ્યા છે તેમના સુરીલા પુત્ર શ્રી ગૌરાંગ વ્યાસ. 

આ બાપ-દીકરાએ  ગુજરાતી જીભે ગુજરાતી ગીત-ગરબા અને કેટલીય ઉત્તમોત્તમ રચનાઓને જીવંત રાખી છે. ગૌરાંગભાઈ સાથે સંવાદ માંડયો  ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ પિતાશ્રીને ‘ભાઈ’ કહે છે. ગૌરાંગભાઈએ દિલથી વાતો કરી પોતાની સુરના ખોળે જ  વીતી રહેલી ઝીંદગીની. તેઓના કેટલાય યાદગાર ગીતો કેવા સંજોગોમાં રચાયાં તેનું વર્ણન તો આપણને રોમાંચિત કરી મૂકે છે. પિતાશ્રી અવિનાશભાઈ કેમ દર ભાઈબીજે શ્રી અંબાજી જતા જ, તેની વાતો શ્રદ્ધા આગળ માથું ઝુકાવવું મજબુર કરે છે. મણિયારો જે અતિ લોકપ્રિય થયું તેમાં શ્રી પ્રફુલ્લ દવેને કેમ લીધા કે લતાદીદી યાત્રામાં કેમ જોડાયાં એ વિગતો દર્શકોના ચિત્તમાં  આ સંવાદને  યાદગાર બનાવવા સમર્થ છે.  

“ લગભગ ૧૯૭૫ માં મુંબઈમાં એક નિરંજન મહેતા અને અહીંના આપણા બહુ જાણીતા પત્રકાર દિગંત ઓઝા એ બંને ભાઈ પાસે ગયા. હું તો અમદાવાદમાં હતો.  મને ખબર નહોતી. એમણે ભાઈને  કીધું કે અમે એક ફિલ્મ બનાવીએ છીએ અને એનું નામ છે લાખોફૂલાણી  અને એને માટે અમે આવ્યા છીએ.  તો ભાઈ કહે,  ચોક્કસ કરીએ.  બોલો શું કરવાનું છે આપણે નક્કી કરીએ. તો દિગંતભાઈ કહે,  પહેલા એક વાત એવી કરવાની છે કે આ પિક્ચરમાં સંગીત તમારું નથી.  ભાઈ  જરા વિચારમાં પડી ગયા કે મારું સંગીત નથી તો તમે અહીંયા શું કામ  આવ્યા છો,  કારણ શું ? તો કહે આમ અમે વિચાર એવો કર્યો છે કે ગૌરાંગ વ્યાસ સંગીત આપશે…. હવે એક સ્વતંત્ર સંગીતકાર તરીકેની કામગીરી મને મળે એમાં કયા પિતાને આનંદ ના થાય ? કોઈ પણ સવાલ નથી. પછી ભાઈ બહુ ખુશ થયા એ કહે કે ચોક્કસ ગૌરાંગ કરશે. ગૌરાંગ હમણાં થોડા દિવસમાં મુંબઈ આવવાનો જ છે અને હું એને વાત કરીશ ગૌરાંગ ચોક્કસ પિક્ચર કરશે પણ મારી એક શરત એટલી છે કે ગીતો તો હું જ લખીશ. એટલે કોઈ પણ સંગીતકાર માટે ભાઈ ગીતો લખતા જ નહોતા. એકલા ગીતો કોઈના  લખતા નહોતા ગીત સંગીત બંને સાથે હોય તો જ લખે,  પણ આ પિક્ચરમાં એમણે  માત્ર ગીતો લખ્યા અને લાખોફૂલાણી  ૧૯૭૫ કે ૧૯૭૬ માં લગભગ કર્યું. એ પિક્ચર મારું પહેલું હતું. એ વખતે રેકોર્ડિંગમાં એવું હતું કે રીટા ભાદુરીનું પહેલું પિક્ચર, મારું પણ પહેલું જ પિક્ચર અને આપણા ખુબ જ લોકપ્રિય લોકગાયક પ્રફુલ દવે એમનું પણ પહેલું પિક્ચર. પ્રફુલ દવેનો રસધારા કરીને એક કાર્યક્રમ થતો હતો.  એમાં પ્રફુલ દવેને મેં સાંભળેલા અને એમની પાસેથી મેં મણિયારો સાંભળ્યું. એટલે એ ફિલ્મ ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ.  વિજય ભટ્ટના દીકરા.  એમને મેં કહ્યું કે,  ભાઈ આ એક રાસ તમને સંભળાવું . એમ કરીને મેં એમને મણિયારો સંભળાવ્યું. તો મણિયારો એમને ખુબ જ ગમ્યું. મેં કીધું કે આ ગીત આપણે રેકોર્ડ કરવું હોય તો પ્રફુલ દવે પાસે જ ગવડાવાય એ સિવાય કોઈ પણ ચાલે નહીં. એટલે અરુણભાઈ કહે છે કે,  ભાઈ સાવ નવા ગાયક તો નહીં ચાલે.  આપણે એક કામ કરીએ.  રાસ તો રાખીએ પણ મહેન્દ્ર કપૂર પાસે ગવડાવીએ. મેં કીધું મહેન્દ્ર કપૂર ગાશે પણ એ વાત નહીં બને જે પ્રફુલ દવેમાં બનશે. તમે એક વાર એને સાંભળી લો. તમને એવું લાગે કે આ બરાબર નથી તો આપણે એને જવા દઈશું. એટલે મેં પ્રફુલભાઈને મુંબઈ બોલાવ્યા અને એણે અરુણભાઈને આ મણિયારો સંભળાવ્યું. અને અરુણભાઈ ખુશ થઇ ગયા. એ કહે આ તો જબરજસ્ત ગાયક છે કોઈ સવાલ જ નથી. 

પણ તકલીફ એવી હતી કે મણિયારો ગીત એ ખાલી ફિમેલ ગીત હતું એમાં પુરુષનું કઈ નહોતું. એટલે અરુણભાઈએ ભાઈને કીધું કે હવે આમાં  તમારે નવા અંતરા લખવા પડશે, એમાં બે અંતરા જે હતા એ રાખ્યા અને બે અંતરા નવા લખવા એવું કીધું એણે. ભાઈ કહે સારું લખી કાઢીશ. બીજે દિવસે અમે ગીત ઉપર બેઠા હતા. ભાઈએ  અઢાર અંતરા લખી કાઢ્યા અને એક પછી એક સંભળાવવા લાગ્યા.  અરુણભાઈ ગુંચવાઈ ગયા કે આમાંથી કયું સારું છે તો એમાંથી ગમે તેમ કરી બે અંતરા પસંદ કર્યા. પણ ભાઈ તો શીઘ્ર કવિ હતા એટલે ફટાફટ એણે  અઢાર અંતરા લખી કાઢ્યા. પછી હવે પ્રફુલ દવેનું રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું. એની સાથે ફિમેલ વોઇસ તરીકે સુમન કલ્યાણપુરને ગવડાવવાનું નક્કી કર્યું. હું  પ્રફુલભાઈને સુમન કલ્યાણપુરની ઘરે લઇ ગયો,  રિહર્સલ કરાવવા માટે..  મેં સુમનજીને કહ્યું કે આ જે ગીત  છે એ લોકગીત છે,  એનો જે લ્હેકો છે એ તમે જરા સાંભળી લો. આ રીતે જ ગવાય તો મજા આવશે.  પ્રફુલભાઈએ મણિયારો સંભળાવ્યું ને  સુમન કલ્યાણપુરને આનંદ થયો.  એણે કીધું કે હવે હું પ્રયાસ કરું કે  આ રીતે લ્હેકો કરવાનો. મેં કહ્યું કશો વાંધો નહીં અને એ રીતે લાખોફૂલાણી નું  પહેલું ગીત અમે રેકોર્ડ કર્યું. મણિયારો. જે આજ સુધી લોકોના હૈયે છે. એમાં અંતરા  થોડા મોડીફાય કરીને નવા કર્યા અને એ રીતે આખા ગીતને શણગારીને રજૂ કર્યું. લોકોને ખુબ ગમ્યું. એટલું બધું ગમ્યું કે સરસપુર કે એવા એરિયામાં એક થિયેટર હતું એમાં લોકોએ મણિયારો ગીતને વન્સ મોર આપ્યું. અને લોકોએ હો…હો… કરી કે આ ગીત ફરીથી સાંભળવું છે. થિયેટરમાં ફરીથી લાઈટો થઇ અને એ ગીત ફરીથી સંભળાવ્યું એટલે લોકો શાંત થયા..”

સ્વામી સત્યવેદાંતજી

અસ્મિતા વિશેષ સંવાદ : 10

ઓશો સદીઓ સુધી જીવંત રહે તેવા ચિંતકનું નામ છે. જેમને વિદ્રોહી કહેવામાં આવ્યા તે ઓશોના પરમ સાધક અને ઓશોના હસ્તે દીક્ષા લેનાર સ્વામી સત્ય વેદાંતજી સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ અવિસ્મરણીય રહ્યો. ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને દીક્ષા આપવાની જવાબદારી સોંપી તે સત્ય વેદાંતજી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ કરેલ વ્યક્તિવિશેષ છે. સવામી સત્ય વેદાંતજી  મિસ્ટિક સેન્ટ ઓશો સાથેના અનુભવો વહેંચે છે…

“ 10th જાન્યુઆરી 1975  આઈ લેફ્ટ શિકાગો ફોર પુના. એક વર્ષ પૈસા ભેગા કરીને હું મુંબઈ આવ્યો.એટલે ત્યાં જયારે ટ્રેનમાં હું આવતો હતો તો મારી સામે એક પારસી ભાઈ બેઠા હતા.  એણે પૂછ્યું ક્યાં જાઓ છો ? મેં કીધું, હું જાઉ છું ભગવાન રજનીશ આશ્રમ. તો કહે રજનીશ આશ્રમ ? ના ના ના ત્યાં ના જાઓ,  ત્યાં જવા જવા જેવું નથી…મેં કીધું , હું તો ત્યાં જવા માટે જ  આવ્યો છું ને હું તો જવાનો છું. એ કહે તને ખબર છે ત્યાં શું થાય છે ? મેં કીધું,  મને ખબર નથી હું તો ત્યાં ક્યારેય ગયો નથી.  તો કહે જયારે તમે એની સામે બેસો ને તો તમને હિપ્નોટાઈઝ કરી નાખશે.  મેં કીધું તો હવે શું કરવું ? તો કહે  તમે જયારે બેસો તો હાથમાં પિન રાખજો તો હિપ્નોટીઝ્મ કામ નહીં કરે. એને મારી પર શું દયા આવી તો મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કીધું કે,  કશું પણ થાય તો તમે સીધા મારે ત્યાં આવતા રહેજો.  મેં કીધું,  થેન્ક યુ વેરી મચ. . મને એવો વિચાર આવ્યો કે એક વ્યક્તિ એવી છે કે જે માત્ર ઓડીઓ સાંભળે છે એને મળવા દોડી આવે છે અને બીજી વ્યક્તિ જે એને મળી નથી જાણતી નથી એ તમને ટાંકણી  પિન રાખવા કહે છે…!!!

પછી ત્યાં સ્ટેશન પાસે એક લોજ હતી,  ત્યાં સમાન મુક્યો અને સમાન મૂકી  હું આશ્રમ તરફ આવ્યો. એ વખતે શું થયેલું કે ઓશો હમણાં જ પુના આવ્યા હતા ૧૯૭૪ માં ત્યાંથી શિફ્ટ થયાં હતા એટલે આશ્રમનું બધું ગોઠવાતું હતું.

પુના આશ્રમમાં મા યોગ લક્ષ્મી ઓશો ના સેક્રેટરી હતા એ ઓશો નું બધું સાચવતા હતા,  તો એમની સાથે મારો કોરોસ્પોન્ડસ  થયેલો હતો. એટલે જેવો હું એની ઓફિસ પહોંચ્યો તો કહે,  આ ગયે ભાઈ આપ ? ..મૈને કહા,  હા મૈં  આ ગયા.મેં કહ્યું કે ભગવાનના દર્શન થશે ? તો એણે કહ્યું, ખબર નહીં દર્શન થાય, ન થાય …મેં કીધું,  What do you mean દર્શન થાય નહીં થાય.. હું શિકાગો થી એના દર્શન કરવા આવ્યો છું..  તમે કલ્પના કરી શકો કે,  મને કેટલો ધક્કો લાગ્યો હશે. કારણકે આટલી બધી અનસર્ટેઈનિટી માટે કહે …ખબર નહીં દર્શન થાય ન થાય. તો માએ કહ્યું તમે સવારે છ વાગ્યે આવો,  સક્રિય ધ્યાન કરો અને પછી નવ  વાગે ઓશો નું પ્રવચન છે પછી જોઈએ શું થાય છે ?   મને  એટલી નિરાશા થઈ કે એટલે દૂરથી આવ્યો છું,  શું થશે દર્શન થશે કે નહીં..

જાન્યુઆરીનો મહિનો હતો ઠંડી એટલી હતી એટલે સવારે છ  વાગ્યે મારાથી એ ધ્યાન ન થયું પણ નવ  વાગ્યે એમનું પ્રવચન હતું ઉપર ગેલેરીમાં લગભગ ૩૦-૩૫ સાધકો અમે બેઠા હતા અને ઓશો આવ્યા. તે વખતે એમણે કબીર ઉપર વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી. અને સર,  એણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. મને જરા પણ ખ્યાલ નહીં શા માટે રડવું આવે છે… કોઈએ કશું કહ્યું નહોતું, કોઈની સાથે વાત થઈ નથી, આરામથી નાઈ ધોઈને આવી ગયો હતો. એ દોઢ કલાક સુધી બોલતા રહ્યા હું દોઢ કલાક સુધી રડતો રહ્યો. મને હજુ ખબર નથી કે શા માટે રડવું આવતું હતું. રડયા કર્યો,  રડયા કર્યો ક્યારે ઉઠીને એ જતા રહ્યા મને ખ્યાલ નથી. દોઢ કલાક પછી હું ત્યાંથી ઊઠયો ને આમ તેમ ચક્કર લગાવતો હતો એટલામાં કોઈને કીધું,  આવો આવો મા લક્ષ્મી તમને એની ઓફિસમાં બોલાવે છે… એ કહે,  આજે દર્શન થઈ ગયા … તો હું ઉછળવા મંડયો.  મને કલ્પના નહોતી કે એટલા વહેલા દર્શન થઈ જશે, એમણે  કહ્યું તમે સાંજે ગેઇટ પર પહોંચી જજો કોઈ તમને ત્યાંથી અંદર લઈ જશે અને ત્યાં તમને દર્શન થશે.

૧૦ મી ત્યાં પહોંચ્યો હતો. ૧૧ મી એ સાંજે ત્યાં અંદર લઈ જવામાં આવ્યો. ત્યાં એવું હતું કે ઓશો આવીને ખુરશી ઉપર બેસતા અને સામેથી બધા લોકો આવતા અને ખુરશીની બાજુ માં બેસતા…ખબર નહીં કોઈએ એવી વ્યવસ્થા કરી હશે તો મને ઓશોના પગ પાસે જગ્યા આપી ને ત્યાં બેસાડયો. ઓશો આવ્યા. આ બાજુ બધાં સન્યાસીઓ બેઠા હતા. મા તરૂ હતી, મા દર્શન હતી એમને પૂછ્યું,  કેમ છો, બધું કેમ ચાલે છે.. કોઈના માતાની તબિયત વિશે પૂછ્યું.  એમ કરતા કરતા સામે એક બ્રિટિશ મહિલા બેઠી હતી.  એ ત્રણ અઠવાડિયાથી આવી હતી એ આજે પાછી જવાની હતી. તો એણે કહ્યું ભગવાન તમે મને એવું મેડિટેશન સજેસ્ટ કરો કે હું ઘરે જઈને કરી શકું. તો એમણે મનીષા  ને કહ્યું કે એને પ્રાર્થના ધ્યાન બતાવો. પ્રાર્થના  ધ્યાન ઘણું સુંદર હોય છે.  એમાં ઘૂંટણ પર બેસી બંને હાથ આકાશ તરફ રાખી એવી કલ્પના કરવાની હોય કે વિશ્વની બધી ઉર્જા તમારી ઉપર ઉતરી રહી છે. આશીર્વાદ વરસી રહ્યો હોય એવો અનુભવ કરવાનો. પછી જયારે એમ લાગે કે શરીર ઉર્જાથી ભરાઈ ગયું છે ત્યારે માથું પૃથ્વી પર ટેકવી દેવાનું..એવું સાત વખત કરવાનું. સાત થી વધુ નહીં, સાતથી ઓછું નહીં…એ એની પ્રક્રિયા છે જે એને બતાવી. 

અને પછી ત્યાં એક ભારતીય મહિલા બેઠી હતી એને ૪-૫ વર્ષનું બાળક હતું,  એ બહુ ચિંતામાં હતી.  એણે કીધું ભગવાન આને કાગળ ખાવાની બહુ ટેવ છે. તો ભગવાને કહ્યું,  એમ કરો એને તમારા ખોળામાં સુવડાવો.  ઓશોએ ૫ – ૭ સેકન્ડ એની સામે જોયું અને બાજુ કાગળ હતા,  જેમાં એ નામ કે કશુંક એવું લખતા હતા,  એ આપ્યું ને કહ્યું લે.. ખા.. તો બાળક ‘નહીં નહીં હવે હું ક્યારેય નહીં ખાઉં…મને નહીં જોતું’…ઓશો એ કીધું,  હવે ક્યારેય કાગળ નહીં ખાય,  ચિંતા ન કરો પણ એને એની રીતે મોટો થવા દો. એટલું કહીને એની વાત પુરી થઈ. 

પછી એની નજર મારા  ઉપર પડી. હું સાચું કહું છું નકલ તો હું કરી ના શકું, એટલો મીઠો મધ જેવો અવાજ,   તમે કલ્પના ન કરી શકો એવો રેશમ જેવો કોમળ અવાજથી એણે મને પૂછ્યું,  તમારે કંઈ કહેવું છે ? તમારે કંઈ  કહેવું છે તો ચીસ પાડીને રડી પડયો અને એમનાં ચરણોમાં પડીને મેં કહ્યું કે,  ભગવાન,  હવે તમે મને કદી ન છોડતા …  ભગવાન હવે તમે મને કદી ન છોડતા..  એવું મારા મુખેથી નીકળતું હતું. ઓશોએ કહ્યું,  નહીં નહીં,  હવે હું તને નહીં છોડું,  ક્યારેય નહીં છોડું, શિકાગોમા પણ તારી સાથે જ રહીશ. બધું મારા પર છોડી દે…

સર, જયારે જયારે મેં એમના ચરણસ્પર્શ કર્યા છે આટલા વર્ષોમાં,  ૪૫ વર્ષ એમની સાથે થયાં મને,  જયારે હું કઈ કહેવા જાઉ તો કહે,  બધું મારા પર છોડી દે… 

(અલબત્ત, અહીં એ નોંધાતા દુઃખ થાય છે કે,  આ સંવાદનું શૂટિંગ કર્યાના  ત્રણેક મહિનામાં જ સ્વામી સત્ય વેદાંતજી પરલોક સિધાવ્યા. ..ૐ શાંતિ:)

મિત્તલ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ :: 09

જેને  ઘર નથી કે જેને પોતાના   આધાર સમાન કોઈ પુરાવો નથી  કે જેને વિચરણ કરતા રહેવું એ જ જીવન છે તેવા વિચરતી જાતિના લોકો માટેનું સરનામું બની રહેલ અમદાવાદના મિત્તલ પટેલ સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ કરુણા અને લડી લેવાની જીન્દાદીલીના સમન્વય જેવો રહેશે. આવો મિત્તલ પાસેથી કેટલીક વાતો જાણીએ :: 

“સ્પોર્ટ્સમાં હું બહુ સરસ હતી અને એટલે સાતમા ધોરણમાં હું ભણતી હતી ત્યારે  એથ્લેટિકમાં સ્પોર્ટ્સ માટે મારું સિલેક્શન થયું અને પહેલી વખત મા બાપથી દૂર જવાની વાત થઈ. અમારા ગામમાં એ વખતે કદાચ મારા સિવાય કોઈ એવી છોકરી નહોતી કે જે  બહાર આવી રીતે ભણવા માટે જવાનું નક્કી કરતી હોય. ઈનફેક્ટ,  મારી મમ્મી સાત ચોપડી ભણેલી પણ એણે કીધું કે તારે જવાનું છે. બહુ નવાઈની વાત એ હતી કે જયારે મમ્મીએ કીધું કે તારે જવાનું છે ત્યારે પહેલાં તો બહુ ઉત્સાહ થયો કે આખા જિલ્લામાં આપણે એક જ પસંદ થયાં છીએ તો વટ પડી જાય. પણ જયારે દિવસ નક્કી થયો કે આ દિવસે તારે જવાનું છે એ દિવસે બહુ ડર લાગ્યો. હું મમ્મીનો પલ્લુ કોઈ દિવસ ના છોડું. એ મામાના ઘરે જવાનું નક્કી કરે,  બે કે પાંચ દિવસ માટે તો હું ધમપછાડા કરતી કે એ મને મૂકીને કેવી રીતે જઈ શકે ? નિશાળ ચાલુ હોય એટલે મને ના લઈ જાય એવી હતી હું. જયારે મારો જવાનો ફાઇનલ દિવસ આવ્યો કે કાલે સવારે તારે જવાનું છે એ રાત્રે હું ભાંગી પડી.  મેં મમ્મીને કીધું કે, મમ્મી હું તારા વગર ના રહી શકું, તું હોય તો હું બધું જ કરી શકું .. મારી મમ્મી મારી માટે બહુ આઇડિયલ છે.  એણે બહુ બધું શીખવ્યું છે.  મને પ્રેમથી કહ્યું કે બસ, આપણે નથી જવું.  બરાબર રીતે સમજાવી પછી હું રિલેક્ષ થઈ ગઈ. પછી એણે મને જે સમજાવ્યું એ મને બરાબર યાદ છે અમારા રસોડાના ચૂલાની બાજુમાં બેસાડીને એણે મને કીધેલું કે મારું પલ્લુ પકડીને તું આખી જિંદગી તો જીવી શકીશ. એ પલ્લુ પકડીને તું રહીશ તો મારી મર્યાદામાં તને શીખવા અને જાણવા મળશે પણ એ પલ્લુ છોડીને બહારની દુનિયામાં મારા વગર પ્રવેશ કરીશ તો એક આખી નોખી દુનિયા તને જોવા મળશે. ત્યાં તારે એકલાએ જ બધું કરવાનું થશે.  એટલે ભૂલ કરીશ તો હું નહીં હોઉં, સારું કરીશ તો પણ હું નહીં હોઉં પણ એ બધાની વચ્ચે તારે તારી જાતને એકલાએ સંભાળવાની છે અને એ મજા છે ને એ બહુ જુદી છે તો તું એ મજા માટે એકવાર જા, બે મહિના રહેજે. ના ફાવે તો આવતી રહેજે.  એટલે પછી મને લાગ્યું કે,  ના વાત સાચી છે,  ચાલ હું પ્રયત્ન કરીશ. અને એણે બહુ જ પ્રેમથી બધું સમજાવ્યું. મને બાજરીનો કડક રોટલો એટલે ચૂલો ઠર્યા પછી તવીમાં રહે ને કડક થાય એ મારો ફેવરિટ તો એણે મને બનાવીને ખડાવ્યો અને જાણે મને એક લાલચ આપતી હોય એની જેમ… 

અને મને હંમેશા એ યાદ રહ્યું કે બીજા દિવસે સવારે મારા પપ્પા બધું રેડી કરીને મને મુકવા આવતા હતા અને  હું તૈયાર થઈને બહાર જઈ રહી હતી ત્યારે મમ્મીએ ફરી મને બોલાવી ત્યારે એક સરસ વાત કરી. પહેલાં પંપાળી, પ્રેમ કર્યો અને કે જો હવે તું જાય છે તો ત્યાં હું નહીં હોઉં અને તું જે પણ સફળતા પ્રાપ્ત કરીશ એની હિસ્સેદારી અમારા બધાની હશે, નિષ્ફ્ળ થશે તો હું તો ઊભી જ હોઈશ પણ તું જે પણ જે પણ કામ કરીશ એને માટે રિસ્પોન્સિબલ માત્ર ને માત્ર તું જ હોઈશ. સારું કરીશ કે  ખરાબ કરીશ કૈં પણ ત્યાં હું જોવા માટે નથી, ત્યાં હું ટોકવા માટે પણ નહીં હોઉં એટલે કોઈ પણ નિર્ણય કરે તો દસ વખત વિચારીને પછી નિર્ણય કરજે. એ વખતે ફોનની સગવડ એટલી બધી નહોતી કે ફટ કરીને હું એને ફોન પણ કરી શકું અને કદાચ એ મેં હમેશા યાદ રાખી.અને પછી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ભણવા ગઈ અને મમ્મી વગર ટકી ગઈ અને રાજ્યકક્ષા અને નેશનલ પણ રમી અને દસ ધોરણ સુધી ભણવાનું થયું. પણ ગામ હંમેશા હૃદયની નજીક રહ્યું.

                                 ******************************************

મને પહેલાં એમ થતું હતું કે આ સદાવ્રતો કેમ ખોલવાના  ગામેગામ ? લોકો પોતાના પૈસાથી ખાઈ ન લે ? પણ એ વખતે મને એમ થયું કે ગામેગામ સદાવ્રતો હોવા જોઈએ અને ચોવીસે કલાક ચાલવા જોઈએ. ભૂખ લાગે અને આપણી પાસે ૩૨ પકવાન હોય ત્યારે આપણને ફૂડનું મહત્વ નથી સમજાતું પણ આપણને અતિશય ભૂખ લાગી છે અને આપણી પાસે કશું જ ખાવાનું નથી અને કોઈ ભૂખ્યું જયારે આપણી પાસે આવીને ભોજનની માંગ કરે છે એ ચીજ કદાચ ત્યારે હું સમજી શકી. એક બહુ જ અગત્યની વાત રોડ પર સુવાની વાત.  એક પડાવ પર મને એવું થયું કે રોડના ફૂટપાથ પર કામદારો જ્યાં સુવે ને એવી એક લાઈનમાં હું પણ સુતેલી.  આજુબાજુ બધા પુરુષો વચ્ચે મેં મારું પાથરણું પાથરીને એક ખરીદી લીધેલો ધાબળો લઈ  ત્યાં સુવાનું મેં કર્યું, કામદારો વાત કરતા હતા કે ફલાણા જગ્યા ઉપર દારૂ પી ને શેરડી ભરેલો ટ્રક ચલાવતો હતો ને ઊંધો વાળ્યો ત્યાં ચાર કામદારો ફૂટપાથ પર સુતા હતા… એટલે હું સુઈ ગયેલી ને પછી ઊભી થઈ ગઈ અને મેં કીધું,  અહીંયા આવું થાય ?  એટલે પેલા બિચારા કહે આપણે ત્યાં આવું નહીં થતું, તમતમારે સુઈ જાઓ. મેં કીધું તમે કેવી રીતે માની લ્યો કે આપણે ત્યાં આવું નથી થતું ?  આવું તો કોઈની પણ સાથે થઈ શકે. પણ એમણે મને કીધું કે તમતમારે નિરાંતે સુઈ જાઓ પણ પછી ઊંઘ આવે ! મને એમ થયું કે હું રોડ બાજુ  પગ રાખું કે માથું રાખું ?  પહેલાં તો એમ થયું કે પગ રાખું,  કંઈ  પડે તો પગ જ કચડાઈ જાય તો અપંગ થઈ જવાય  પણ જીવાય તો ખરું .. પછી એમ થયું કે,  ના ના અપંગ થઈને જીવીએ એના કરતા માથું રાખીએ તો પૂરું થઈ જાય. 

આજે જે વાત કરું છું તો  મજાક લાગે પણ આ લાઈફ છે. આજે પણ છાપાઓમાં આપણે વાંચીએ છીએ ચાર કે પાંચ લોકો કચડાઈ ગયા. પણ ઘર ના  હોવું ને એ મહત્વ આપણને નથી ખબર પડતી. મને એમ થાય કે આપણા દેશમાં આપણી એવી કેવી પરિસ્થિતિએ પહોંચ્યા છીએ કે કામદારો માઈગ્રેશન કરીને કમાવા અર્થે કોઈ જગ્યા ઉપર આવે છે તો આપણે એને સેફ શેલ્ટર નથી આપી શકતા ?? બહુ શરમની વાત છે કે ચાર જણા કચડાઈ ગયા, પુલ નીચે સુતા હતા ને કોઈની ગાડી ફરી વળી ને આ બધું … અને બીજે દિવસે આપણે વળતર જાહેર કરીએ છીએ તો એ સોલ્યુશન નથી….”

યઝદી કરંજીયા

અસ્મિતા વિશેષ સંવાદ : 08

પારસીઓ દેખાવે અને બોલવે પરાણે વ્હાલા લાગે તેવા અને તેમાં પણ જેમણે  જિંદગી રંગમંચ પર વિતાવી હોય તે તો વધુ આકર્ષક અને પ્રભાવક લાગે. પદ્મશ્રી યઝદી કરંજિયા એક સાંગોપાંગ નાટ્યકર્મી છે, તેનો અહેસાસ આપણને તેના સ્મિત ભર્યા મુખારવિંદ પરથી આવ્યા વગર ન રહે. પોતાની મીઠી બોલીમાં શ્રી યઝદી કરંજિયા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ પણ મીઠડો જ લાગશે. 

“વલસાડ મારી જન્મભૂમિ, સુરત મારી કર્મભૂમિ અને આખું વિશ્વ મારી રંગભૂમિ. હવે હું મારી વાત કરું. મારા સંત સમા મમ્મી ડેડીની વાત કરું. હા, મારી મમ્મી ૧૦૦% હાઉસવાઈફ, બિલકુલ ઈનોસન્ટ આત્મા. એમ સમજોને કે અમારે માટે, અમારા ફેમિલી માટે મૂંગે મોઢે જીવન સમર્પિત કરી દીધું. મારા મમ્મી બહુ જ દેખાવડા પણ કોઈ પણ દેખાડા વગર એમણે આખું જીવન અમારા માટે સમર્પિત કરી દીધું. ‘એ રિયલ હાઉસવાઈફ’. 

મારા પપ્પા સુરતની પારસી બોયઝ ઓર્ફનેજનાં વિદ્યાર્થી હતા.  એ ઓર્ફનેજ કહેવાય ખરી પણ એમાં માત્ર ઓરફન વિદ્યાર્થીઓ ન રહે પરંતુ  એવા વિદ્યાર્થીઓ પણ રહે કે જેના મા બાપ બહુ રિમોટ વિલેજીસમાં  રહેતા હોય,  શિક્ષણની બહુ સગવડ ન હોય. મારા દાદા ખંભાતમાં રહે જેને આપણે કેમ્બે કહેતા હતા, જેમ ભરૂચને અંગ્રેજો ભરોચ  કહેતા,  વડોદરાને બરોડા કહે છે તેમ ખંભાતને એ લોકો કેમ્બે કહે. મારા દાદા ખંભાતના ધર્મગુરુ,,, એટલે ધર્મ, સંસ્કાર, પ્રેમ એ અમને વારસામાં મળેલા. પિતાજી બહુ એવરેજ વિદ્યાર્થી. He was not very smart or very intelligent પણ એટલું નક્કી માનજો કે ભગવાન દરેક વ્યક્તિને તેની ફરજ સોંપીને આ પૃથ્વી પર મોકલે છે. એ ફરજ તમે જો સારી રીતે નથી બજાવતા તો ભગવાન તેને પાછો મોકલે છે,  જેને આપણે પુનઃ જન્મ કહીએ છીએ કે જા ભાઈ તેં  પુરી ફરજ નથી બજાવી,  તું જા ફરજ બજાવીને પાછો આવ. 

મારા પિતાજી ઓર્ફનેજમાં શીખતાં. પોતે  સામાન્ય વિદ્યાર્થી અને  મેટ્રિકલેશન સુધી આવ્યા. હવે સ્કૂલમાં   નોટીસબોર્ડ પર એક દિવસ એમણે પીટબેંડ શોર્ટહેન્ડ ગોલ્ડ મેડલ લટકતો જોયો. નીચે હતું કે, આ પરીક્ષા લેવાશે અને  એના પેપરો લંડનમાં તપાસાશે અને પછી પરિણામ આવશે ને જે જીતશે તેને આ મેડલ મળશે. મારા પિતાજી તે મેડલ જોયા કરતા હતા, તો પાછળથી એના મિત્ર હશે એણે  આવીને કહ્યું : વાહ, તું તો એવી રીતે આ મેડલને જોવે છે કે આ મેડલ તને જ મળી જવાનો.!! પિતાજી કહે,  કેમ નહીં મળે ? જે મહેનત કરે તેને મળે. આ વાત એમના હૃદયને  સ્પર્શી ગઈ  એટલે એણે નક્કી કર્યું કે I will try to win this medal. એમણે મેટ્રિકલેશનના બધા લેશનો બાજુ પર મૂકી દીધા. ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ બધું બાજુએ મૂકી દીધું. મેટ્રિકલેશનમાં હતા તો પણ આખો દિવસ રાત He worked  for shorthand. એમણે  શોર્ટહેન્ડ એટલું મજાનું બનાવી દીધું કે એ ગોલ્ડ મેડલ જીત્યા. જે શિક્ષક એમને શીખવતા હતા એણે પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે આમાં કૈંક  ગોલમાલ લાગે છે,  આ છોકરો ગોલ્ડ મેડલ લાવી જ નહીં શકે. પ્રિન્સિપાલ સાહેબ કહે આપણી ઓફિસમાં ફરી પરીક્ષા લઈએ. પપ્પાની પરીક્ષા લીધી અને he won the gold  medal પણ એ મેટ્રિકલેશનમાં ફેઈલ થયા. કેમકે બીજા વિષયો તો એમણે  બાજુમાં મૂકી દીધા હતા. એટલે ગાંસડી પોટલાં લપેટીને પરિણામ પછી ખંભાત આવી ગયા. 

હવે કુદરતનો ક્રમ એવો છે ને કે એમને આ શોર્ટહેન્ડનું જ્ઞાન અદભુત આવી ગયું, સાથે ટાઈપરાઇટિંગ પણ ખરું અને થોડેઘણે અંશે એકાઉટન્સી પણ જાણતા હતા. ખંભાત આવ્યા, પણ નોકરી કોણ આપે ?  એટલે ખંભાતની ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, જે આમ તો ગુજરાતી જ શીખવતી હતી, ત્યાં ગયા અને કહે કે ભાઈ મને સર્વિસ જોઈએ. He was very good scoutmaster. He was very good cricketer પછી તે ખંભાત સ્ટેટના ક્રિકેટના કેપ્ટ્ન પણ બન્યા. તેઓ વોલીબોલ પ્લેયર પણ હતા એટલે એમને સ્કાઉટટીચરની નોકરી  પ્રિન્સીપાલે આપી. ૧૫ રૂપિયા પગાર.  એમને દિલમાં કંઈક થયા કરતું એટલે થોડા સમય પછી પ્રિન્સિપાલને વાત કરી કે, સર,  મારી પાસે વિપુલ જ્ઞાન છે શોર્ટહેન્ડનું, ગોલ્ડ મેડલ છે મારી પાસે,  ટાઈપરાઇટિંગ હું બહુ સારું જાણું છું અને થોડે ઘણે અંશે એકાઉન્ટન્સી. જો આપ રજા આપો તો હું મારા ઘરની અંદર એક નાનો રૂમ છે ત્યાં હું મારો ટાઈપરાઇટિંગ અને શોર્ટહેન્ડ ક્લાસ ખોલું, પ્રિન્સિપાલે કહ્યું, ખોલો મને કઈ વાંધો નથી. એટલે એમણે  ઘરના બારણાં આગળ લખી દીધું The cambe institute of commerce નામ પણ આપી દીધું. થોડા દિવસ ગયા પ્રિન્સિપાલે પૂછ્યું, કેટલા વિદ્યાર્થી ?? તો કહે,  કોઈ નથી આવ્યું. કોણ આવે કોઈને ખબર પણ નથી..!! પ્રિન્સીપાલે કહ્યું,  આ મારો દીકરો મોહન, મોહન  એટલે તો  ભગવાનનું  નામ,  એને તું શોર્ટહેન્ડ શીખવ, ટાઈપરાઇટિંગ શીખવ,  બોલ તારી ફી કેટલી ?,,, પપ્પા કહે, સાહેબ તમારી પાસે કંઈ ફી લેવાય ? તો કહે, ના ફી તો લેવાની તો જ એ વિદ્યાર્થી  ગણાય. મારા પુત્ર તરીકે તારે નથી શીખવવાનું,  એને તારા વિદ્યાર્થી તરીકે એને શીખવવાનું છે.. તો પપ્પા કહે,  સાહેબ ટાઈપરાઇટિંગના ૫ અને શોર્ટહેન્ડના ૫ એમ કુલ  ૧૦ રૂપિયા આપજો. એટલે  કેમ્બે ઈન્ટિટ્યૂટનો પહેલો વિદ્યાર્થી મોહન .. તમે માનશો નહીં,  આજ દિવસ પર્યન્ત  અમે જયારે પહેલી રસીદ ફાડીએ અને છોકરાને રસીદ આપીએ ને તો “મ”  પરથી જ શરૂ કરીએ !!  આજે પણ, પછી અટક હોય કે નામ હોય પણ “મ” હોય તો પહેલી રસીદ એની.” 

(સંકલન: ભદ્રાયુ વછરાજાની)

નિરંજન રાજ્યગુરુ

અસ્મિતા વિશેષ સંવાદ :: 07

અલખ નિરંજનની આહલેક જગાડનાર કોઈ સાધક કે મુનિ આપણને  મળ્યા છે એવો અહેસાસ થયા વગર ન રહે જયારે આપણે (શ્રી ડોક્ટર) નિરંજન રાજ્યગુરુને મળીએ. એમાં પણ નિરંજનભાઈના હાથમાં એકતારો આવે અને તેઓ બુલંદીથી ભજન લલકારે ત્યારે આપણે ખુદ આંખ બંધ કરી તલ્લીન થઈ  જઈએ !! …એવા ઓલિયા ફકીર દેખાતા અને હકીકતમાં ભજન સાહિત્યના મર્મી સાધક શ્રી નિરંજન રાજ્યગુરુ સાથેના અસ્મિતા વિશેષ સંવાદના શરૂઆતના અંશો માણીશું…

“મારો જન્મ મારા મોસાળમાં, મંડલીકપુર ગામમાં કે જે  ગિરનારની ગોદમાં આવેલું, કહો ને કે  ગિરનારનો દત્ત શિખરનો પડછાયો જેના ઉપર પડે એવું મંડલીકપુર ગામ અને ત્યાં મારા નાના એટલે મારા માતાના પિતા શિક્ષક હતા.અહીં ૧૯૫૫ માં ૨૪ ડિસેમ્બરના રોજ મારો જન્મ થયો. મારું વતન ઘોઘાવદર. મારા પિતાજી ત્યાં તાલુકા શાળાના આચાર્ય. તાલુકા શાળાના આચાર્ય તો થયા પણ ઘોઘવદર ગામમાં એ નિશાળ જયારે શરૂ થઈ ત્યારે ત્યાંના વયપત્રક રજીસ્ટરમાં પહેલો ક્રમ વલ્લભભાઈ રાજ્યગુરૂનો. ભગવતસિંહજીના વખતમાં અમારી સ્કૂલ શરૂ થઈ એ સમયે બાજુનું વાછરા ગામ જે  ૩ કિલોમીટર દૂર ત્યાં નિશાળ  હતી. મારા પિતાજી પહેલું ધોરણ ભણવા ત્યાં ત્રણ કિલોમીટર દૂર ચાલીને જતા, કારણ  ત્યારે ઘોઘાવદરમાં નિશાળ નહોતી. આમ, ભાયાતના ગામમાં સ્કૂલ હતી અને ભગવતસિંહજીના પોતાના ગામમાં સ્કૂલ નહોતી એટલે એ સમયે મારા પિતાજીને  ચાલીને જવું પડતું. મારા પિતાજી  ઉંમર પોણા ત્રણ વર્ષના હતા ત્યારે માતા અને પિતા બંનેનું મરકીના  રોગમાં અવસાન થયેલું. મારા પિતાજીના મોટાભાઈ,  કર્મકાંડ અને બ્રાહ્મણનું ગામોટું કામ કરે. ત્યારે  ઘોઘાવદરની સડક બંધાતી એટલે  માથા ઉપર ટોપલા લઈ અને માટી સારીને એ મજૂરી કરે. મારા પિતાજીના મોટાભાઈએ  મારા પિતાજીને ભણાવ્યા, રાખ્યા. પોતે લોટ માંગવા જાય અને, બે બહેનો અને એક નાનો ભાઈને મારા પિતાજીએ  ઉછેરીને મોટા કર્યા. પછી વાછરાની નિશાળે ભણવા જાય. એમાં એક વખત ભગવતસિંહજી શાળામાં આવ્યા. બધાએ એમને વિનંતી કરી કે અહીંયા સ્કૂલ થાય તો વધારે સારું, એટલે બીજા જ વર્ષથી ઘોઘાવદરમાં સ્કૂલ શરૂ થઈ અને રજીસ્ટરમાં પહેલું નામ મારા પિતાજીનું ! સાતમું  ધોરણ પાસ કરીને  ભગવતસિંહજી પાસે ગયા એટલે એને તરત જ ધોરાજી પાસેના ભોળા ગામમાં શિક્ષક તરીકેની નોકરી ભગવતસિંહજીએ આપી દીધી.  

ગોંડલ સ્ટેટના ૮૨ ગામ પણ એમાં જ્યાં કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય અને ભગવતસિંહજીને ખબર હોય અને એમાંય બ્રાહ્મણનો દીકરો હોય તો ‘ભાઈ,  તારે નોકરી કરવી છે ને, મા બાપ નથી, બ્રાહ્મણિયું કામ કરે છે શિક્ષક થઈ જા, ૭ રૂપિયાનો પગાર મળશે !!.’ પછી તો એ બુનિયાદી શાળા થઈ, પછી તાલુકા શાળા થઈ તો મારા પિતાશ્રી  એના પ્રથમ આચાર્ય થયા, પછી પોસ્ટ ઓફિસ થઈ એના પ્રથમ પોસ્ટ માસ્ટર થયા, સહકારી મંડળી થઈ એના સહકારી મંત્રી થયા !!  પંચાયત ગ્રામ પંચાયત થઈ તો ગ્રામપંચાયતમાં પણ આદ્ય મંત્રી તરીકે મારા પિતાજીનું નામ. 

સાહિત્ય, સંગીત અને કલા આ ત્રણે ત્રણ ધારાઓ જ્યાં વહે તે ઘોઘાવદર ગામ એટલે આપણા મધ્યકાલીન સંતકવિ દાસીજીવણનું ગામ. અને ત્યાં મારો ઉછેર થયો. પિતાજી સાહિત્યકાર પણ હતા, સંગીતકાર  પણ હતા, કલાકાર પણ હતા, ચિત્રો પણ દોરે, તો આ બધી જ વસ્તુ ધીરે ધીરે  મારા બાળપણથી જ મારામાં  અંદર ઉતરતી આવી અને સૌથી વિશેષ વાત તો એ કે મારા પિતાશ્રી મકરંદભાઈના ગાઢ મિત્ર. ૬ કિલોમીટર ગોંડલ અને ગોંડલમાં  મકરંદભાઈ રહે. સાત ધોરણ સુધી હું ઘોઘાવદર રહ્યો અને અહીંની શાળામાંથી જ સાતમું પાસ થયો. . અમે બે ભાઈઓ, મારા મોટાભાઈ ગીરીશભાઈ રાજ્યગુરુ હતા એ હમણાં ૩ વર્ષ પહેલા અવસાન પામ્યા. એ ભુવનેશ્વરીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. મારાથી નાની બહેન છે એ ગોંડલ છે. મૂળ મોટા દેવળીયામાં એ આયુર્વેદિક ડોક્ટર છે. 

મારા માતુશ્રીનું નામ વિજયાબેન,  મોહનલાલ આત્મારામ વ્યાસ એટલે મારા નાના, જે શિક્ષક હતા મંડલીકપુર ગામે.  મારા પિતાજીએ પ્રૌઢ  શિક્ષણ કેન્દ્રો શરૂ કરેલા, અસ્પૃશ્યતા નિવારણનું કામ કરે અને ગાંધીજીની બધી  પ્રવૃતિઓ ચલાવે. તેઓ રાત્રિશાલા ચલાવે અને તેને લઈને ઘોઘાવદર આખું ગામ સાક્ષર તઃયું  !! મારા બા પણ રાત્રીશાળામાં બહેનોને શીખવાડે અને ૬૦ – ૬૦ વર્ષના અભણ ક્યાંક રહી ગયા હોય તો એ બધા રાત્રીશાળામાં ભણવા આવે. એ વખતે અમે બંને ભાઈઓ નાના,, અમારે ત્યાં સામયિકો આવતા. રમકડું, ઝગમગ, બાલમિત્ર, બાલજીવન.. આ રમકડુમાં તો  મકરંદભાઈના કાવ્યો આવતા..  ઘરમાં બે ત્રણ હજાર પુસ્તકો, મેઘાણીભાઇના બધા પુસ્તકો, એટલે હું હજુ પહેલા ધોરણમાં બેઠો નહોતો ત્યાં મને લખતા વાંચતા આવડતું હતું અને તાલુકા શાળાનો આચાર્યનો દીકરો એટલે હું કોઈ દિવસ પહેલા ધોરણમાં બેઠો જ નથી. મારા પિતાજી સાતમું ધોરણ ભણાવે એટલે હું એની ખુરશી પાસે બેસું એટલે સાતમા ધોરણના વિદ્યાર્થીઓને હું લેખન લખાવતો હોઉં !!”

(સંકલન: ભદ્રાયુ વછરાજાની)

ચારેય વેદો પરમેશ્વર છે, કારણ કે એ જ્ઞાનના ભંડાર છે

ૐકારનું સતત રટણ,ચિંતન,મનન કરનારા પાપમુક્ત થઈ  જતા હોય છે, તેથી તે પવિત્ર છે. 

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com

                                         (36)

શ્રીમદ ભાગવત ગીતાએ  એવું કહ્યું કે, મહાત્માઓ સતત કીર્તન કરતા રહે એ પ્રભુ સેવાનો એક માર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ પણ છે ? એવો જયારે પ્રશ્ન થયો ત્યારે એક નવી વાત લઈને ભગવત ગીતા આવે છે. કહે છે, ‘જ્ઞાનયજ્ઞ દ્વારા ઈશ્વરનું આહુતિઓ આપીને  યજન કરનારા છે. મારું મુખ પૂરું વિશ્વ છે એટલે કે  કોઈ મુખમાં મને ખવડાવે તો હું ખાઉં છું.’ આ યાજકોએ અગ્નિ મુખને જ મહત્વ આપી દીધું અને યજ્ઞ દ્વારા આહુતિઓ આપવામાં વ્યસ્ત બની ગયા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી યજ્ઞના બધા ઘટકોમાં ઈશ્વર તત્વ કેવી રીતે છે અને ગીતા શું દર્શાવે છે તેની વાત સ્પષ્ટ કરે  છે. દેવનું મુખ માત્ર અગ્નિ ન હતું, એના સિવાય દરિદ્ર મુખ, અનાથ મુખ, વિધવા મુખ, લાચાર મુખ તરફ પણ ધ્યાન જવાની જરૂર હતી. પણ આપણે માણસોએ અગ્નિ સિવાયના આ  બધા મુખને  આહુતિ વિનાના રાખી દીધા. કેટલાય યજ્ઞમાર્ગીઓની શક્તિ અગ્નિ તરફ વળી ગઈ. બધું ભવ્યાતિભવ્ય અગ્નિમાં હોમાતું રહ્યું પણ આપણા જગતમાં ગરીબ. નિર્ધન, કંગાળ તરફ એઠવાડનો કોળિયો પણ ન હોમાયો. પરિણામે દરિદ્રો વિદેશીઓ અને વિધર્મીઓ તરફ વળ્યાં. કારણ કે ત્યાં તેમને કોળિયો  મળતો હતો. કોળિયો એ તો જાણે મોટો ભગવાન મળ્યો. આ બંને માર્ગોની કચાશનો લાભ પેલા કોળિયાવાદીઓને મળ્યો અથવા તો મળી રહ્યો છે.

ભગવાન અહીં પોતાની વિશેષ ઓળખ આપે છે. એ કહે છે, આ જગતનો પિતા હું છું, માતા હું છું, ધાતા હું છું, પિતામહ હું છું, પવિત્ર ૐકાર હું છું, ઋગ્વેદ-યજુર્વેદ- સામવેદ પણ હું જ છું. પરમેશ્વર પોતાનું અસ્તિત્વ બધામાં બતાવે છે. તે એટલી હદે કે તે તે મહત્વની વસ્તુઓ જ પરમેશ્વર છે,એવું કહી દે છે.  પિતાનો પિતા એને પિતામહ કહેવામાં આવ્યો છે. પવિત્ર ૐકાર તત્વ પણ પરમેશ્વર છે, એવું સોળમા શ્લોકમાં કહ્યું છે. પવિત્ર ઓમકારની વ્યાખ્યા માંડુક્ય ઉપનિષદે કરી છે. ચારે વેદ તેનું વ્યાખ્યાન છે તેમાં બધું જ્ઞાન આવી જાય છે. અર્થાત જો ૐ કારને સારી રીતે  જાણવામાં આવે તો બધું જાણી શકાય. ૐકારના જપથી પાપી પણ પાપ મુક્ત થાય છે તેથી તેને પવિત્ર કહ્યો. પાપ જ અપવિત્ર તત્વ છે. પાપમાંથી મુક્ત કરાવે તેને પવિત્ર કહેવાય. ૐકારનું સતત રટણ, ચિંતન, મનન કરનારા પાપ મુક્ત થઇ જતા હોય છે તેથી તેને પવિત્ર કહ્યા છે. ચારેય  વેદો પરમેશ્વર છે,  કારણ કે એ જ્ઞાનના ભંડાર છે. જ્ઞાનબ્રહ્મ છે તેથી આ બધું જ બ્રહ્મમય છે. હજુ ભગવાન પોતાનું વધુ રૂપ બતાવી રહ્યા છે.

નવમાં અધ્યાયના  અઢારમાં શ્લોકમાં પરમેશ્વર એમ કહે છે કે,  ગતિ અને લક્ષ્યપ્રાપ્તિ હું છું, ભર્તા  હું છું, પ્રભુ હું છું, સાક્ષી હું છું, નિવાસ હું છું, શરણ હું છું, સુહૃદ  હું છું, પ્રભુત્વ હું છું,  પ્રલય હું છું, સ્થાન હું છું, નિધાન હું છું, બીજ હું છું અને અવ્યય પણ હું જ છું. આ બધા જ તત્વો પરમેશ્વરની વિશિષ્ટ વિભૂતિઓ છે તેમ માનવાનું અથવા તો તે બધા તત્વો પરમેશ્વરમય છે એમ માનવાનું આપણને કહેવામાં આવ્યું છે. ભગવાનના જુદા જુદા જે રૂપો દેખાડ્યા છે તેની થોડી સમજ આપણે મેળવી લઈએ.

ગતિ એટલે ગમન કરવું. ગતિના ત્રણ પ્રકાર. અધોગતિ, સ્થગતિ અને ઉર્ધ્વગતિ.. અધોગતિ એટલે જળને નીચે વહાવવા પ્રયત્ન ન કરવો પડે. તે આપોઆપ વહે છે. તેમ જીવાત્માને પણ ભોગસુખ તરફ વાળવો નથી પડતો તે આપોઆપ વળી જાય છે તેને અધોગતિ કહ્યું છે. સ્થગતિ એટલે જ્યાં છે ત્યાંને ત્યાં ટકી રહેવું તે સ્થગતિ છે. તેમાં પણ ખાસ મહેનત કરવી ન પડે. જયારે ઉર્ધ્વગતિ જ્યાં છે ત્યાંથી ઉપર ઉર્ધ્વ તરફ જવું તે ઉર્ધ્વગતિ છે. આ પ્રયત્ન સાધ્ય હોય છે, એટલે કે તે આપોઆપ થતું નથી.

ભગવાન કહે છે કે,  ભર્તા  હું છું. ભરે તેને ભર્તા કહેવાય છે. પતિ પત્નીને ભરે છે તેથી પતિને ભર્તા  કહેવામાં આવ્યો છે. પરમેશ્વર ભર્તા  છે બંને રીતે. તે પ્રકૃતિરૂપી પત્નીને સામગ્રીઓથી ભરી દે છે અને બીજ પ્રદાતા હોવાથી પણ તે ભર્તા  છે.

પ્રભુ એટલે સ્વામી શાસક, તે જગતનો શાસક છે, તેથી પ્રભુ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, બ્રહ્માંડ, અણુ અણુ તેના શાસનમાં શિસ્તબદ્ધ વર્તી રહ્યા છે તેથી તે પ્રભુ છે.

સાક્ષી એટલે જોનારું આપણું નાનું અથવા મોટું, ગુપ્ત અથવા જાહેર કશું જ એવું નથી જેનો ઈશ્વર સાક્ષી ન હોય.

નિવાસ એટલે રહેવાની જગ્યા. ગીતા કહે છે કે, ભક્ત માટે ભગવાન નિવાસરૂપ છે, ધામ છે, પરમધામ છે, જ્યાંથી કદી કોઈને જાકારો મળતો નથી.

શરણ એટલે રક્ષણ આપનારું,, રક્ષણ આપી શકે તેવો આશરો. પરમેશ્વર ભક્તો માટે શરણ સ્થળ છે. જેને કોઈનું શરણ ન હોય તે પરમેશ્વરના શરણે રક્ષિત રહી શકે છે.

સુહૃદ એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જેનું હૃદય સારું અને ભલું વિચારે તે. ભક્ત માટે ભગવાન સુહૃદ પણ છે. તે કદી પણ ભક્તનું અહિત ન કરે. ન ઈચ્છતાં પણ  ભલે ભક્ત ભૂલ કરે તો કરે, ભગવાન તો સુહૃદ જ રહે છે.

પ્રભવ એટલે વિશેષ સત્તાવાળો. અહીં અસ્તિત્વનું નામ સત્તા છે.

પ્રલય એટલે લીન થવું અથવા લીન થવાની જગ્યા. અંતમાં બધું ભગવાનમાં જ લીન થવાનું છે.

જ્યાં સ્થિર થવાય તેને સ્થાન કહેવાય. સાધુઓ પરસ્પર મળે છે ત્યારે પૂછે છે આપકા સ્થાન કહા હે ? જેને સ્થાન નથી હોતું તે વિચરતા રહે છે. વિચરતા રહેવાની ત્રણ કક્ષા છે. ૧) ભટકવું રખડવું, ૨) માંગતા ફરવું અને ૩) ભ્રમણ કરવું.

નિધાનમ એટલે નિધિ ખજાનો. ભક્ત માટે ભગવાન નિધિ છે. એવી જ રીતે બીજ એટલે ફરી ફરીને છોડ, વૃક્ષ, ખેતી, બાળક વગેરેને ઉત્પન્ન કરે છે તેવું વીર્ય એ બીજ છે. આ બધું જ કાર્ય એ ઈશ્વર કરી રહ્યા છે.