by Bhadrayu Vachhrajani | Jan 12, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

કલ્પસરનો વિભાગ સરકારમાં ચાલે છે, તાજેતરમાં જ અપડેટ થયેલ વેબસાઈટ છે, આર્થિક ફાળવણી છે તો પછી યોજના અટકે છે ક્યાં ??
કલ્પસર પરનો પ્રથમ લેખ વાંચીને ઘણા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બહાર આવ્યા, અલબત્ત એ સારી નિશાની છે, કારણ કે હવે ગુજરાતના સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો, સાંસદો, ધારાસભ્યો વગેરે સૌએ કલ્પસર યોજના માટે જાગવાનો અને સરકારને જગાડવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે નક્કર યોજનાઓને પડતર રાખીશું અને પાણીની કારમી તંગી સહન કર્યા કરીશું ??
જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારમાં કલ્પસર વિભાગ ગાંધીનગરના સેક્ટર દસ માં આવેલ નવા સચિવાલયના બ્લોક નંબર આઠના સાતમા મળે કલ્પસર વિભાગ કાર્યરત છે, તેની વેબ સાઈટ તા. ત્રણ, જાન્યુઆરી, 2025 સુધી અપડેટ થયેલ છે, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો હવાલો પોતાના પાસે રાખ્યો હતો અને તેઓએ ખુદ કહેલ છે કે રેકોર્ડ સમયમાં આ પ્રકલ્પ પૂર્ણ કરી સૌરાષ્ટ્રની જળતંગી કાયમ માટે નિવારીશું. હજુ 2024ના સપ્ટેમ્બરની 11મી તારીખે અમરેલીના પૂર્વ ધારાસભ્યે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી કલ્પસર યોજનાને સત્વરે આગળ ધપાવવા અને તેમાં અમરેલીને સમાવિષ્ટ કરવા વિનંતી કરે છે. તેમના માટે કલ્પસર એ એક માત્ર બચાવ-આધાર છે કે જે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમ ઉકેલ આપી શકે.
એક વયોવૃદ્ધ જાગૃત વડીલ શ્રી વિનુભાઈ ગાંધીએ કલ્પસર સહયોગ સમિતિ રચીને અટકી પડેલ યોજણાને યોગ્ય દિશા દેવાના અનેક પ્રયાસો કર્યા છે. અને તેના પરિણામે જ, આ કલ્પસર યોજના અંગે ચિંતા ઉપજાવે તેવા અભ્યાસ લેખ દ્વારા ફરી શાસકોને ઢંઢોળવા નીકળનાર વયોવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધીની વાતને સમાજ સુધી હું એક શિક્ષક તરીકે પહોંચાડી રહ્યો છું.
એક વાત ઘણા મિત્રોએ ફોનથી કરી કે, સૌરાષ્ટ્રની નેતાગીરી દબાણ લાવવામાં કાચી પડે છે, કારણ તેઓ પોતાના જ ઝઘડામાં વ્યસ્ત છે અથવા કહો કે, તેઓને અંદરોઅંદર ઝઘડવામાં જ વ્યસ્ત કરી દેવામાં આવેલ છે કે જેથી તેઓ લોકોની સમસ્યાને એક બાજુ મૂકી દે. !! એક અધ્યાપક મિત્રએ તો કટાક્ષ કરીને કહ્યું કે, અત્યારે આ ટ્રેન્ડ છે, પ્રોજેક્ટ મુકો, તેને મંજુર કરાવો, તેના માટે બાજેટ ફાળવો અને પછી તે પ્રોજેક્ટને ભૂલી જઈને નવો પ્રોજેક્ટ મુકો !!! …પ્રતિભાવો સાંભળીને અને અહીં તેને લખીને બહુ દુઃખ અનુભવાય છે કે, આપણે એક ખોબા જેવડા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત એવા પ્રાંતો માં વહેંચાઈ ગયા છીએ અને તેમાં પ્રાંતવાદ ઉભો કરી રાજ્યની સમસ્યાઓના કાયમી ઉકેલ લાવવાનું ભૂલી જઈએ છીએ.
કલ્પસર યોજનાના મૂલ્યાંકન માટે પ્રત્યક્ષ આવકના સ્રોતની સાથોસાથ પરોક્ષ લાભોથી મળવાપાત્ર આવક પણ લક્ષમાં લેવી ઘટે, તેવું સંશોધન પુસ્તિકામાં દર્શાવેલ છે.
- નવસાધ્ય થનાર ચારેક લાખ હેક્ટર જમીન,
- દસ થી બાર લાખ હેકટર જમીનને મળવાપાત્ર સિંચાઈની ફી/ ચાર્જ,
- રોજીંદા ૫૦ થી ૬૦ હજાર વાહનોની અવર-જવરનો ટોલ ટેક્સ,
- રેલ્વેની લાઈન તથા પાઈપ લાઈનનું ભાડું,
- પવન ઉર્જા/સૌરઉર્જાની વીજળી દ્વારા આવક,
- લાખો લોકોને રોજગાર/સ્વરોજગારની ઉપલબ્ધિ,
- કરોડો રૂપિયાનું વધવાપાત્ર ખેત ઉત્પાદન વગેરે રોકડ આવક તો થશે જ, પણ આ ઉપરાંત…
- ૬૬૦ કિલોમીટર લાંબી નહેરને લીધે સર્જાનાર પિયતના વિશિષ્ટ લાભો તેમજ પીવાલાયક પાણી મળવાથી સધાનાર જનઆરોગ્ય,
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે માર્ગવ્યવહારનું ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરનું ઘટતા અંતરને કારણે બચવાપાત્ર ઈંધણ તથા પ્રદુષણ તથા સમય,
- દોઢેક કરોડની વસ્તી માટે રહેણાંક,
- થોકબંધ નવા ઉદ્યોગોનું નિર્માણ,
- મત્સ્યોદ્યોગ પર્યટન અને વહાણવટાનો વિકાસ,
- તાપમાનમાં ઘટાડો… જેવા અનેક પરોક્ષ લાભો સ્વરૂપ વળતર પણ મળવાનું જ છે.
આમ ગમે એટલુ મૂડીરોકાણ કરવામાં આવે તો પણ રોકડ આવકથી વ્યાજ અને હપ્તા ચૂકવી શકાશે, તેમજ સરકારની અને લોકોની આવક વધવાથી મળવાપાત્ર મૂડીથી સરવાળે ૧૨ થી ૧૫ વર્ષના ટૂંકા ગાળામાં સમુળગુ મૂડીરોકાણ પરત મેળવી શકાશે. ખાત્રીબંધ કહી શકાય કે કલ્પસર પ્રોજેકટ ક્યારેય એન.પી.એ.ના ઢગલામાં ઉમેરો નહી કરે. તેમજ કદાપી વિદેશગમન પણ નહી કરે. જેથી આ યોજના ઈકોનોમીકલી વાયેબલ તેમજ બેંકેબલ હોવા ઉપરાંત પાંચેક સદીની જળસુરક્ષા બક્ષે છે.
કેવળ ગુજરાતની જ વાત કરીએ તો કયા કયા ફાયદાઓ અહીં ગણાવેલ છે તે જોઈએ તો…
- કલ્પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્તારને સ્પર્શે છે.
- કોઈ આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તકરાર સર્જાય તેમ નથી.
- કોઈની જમીન સંપાદન થતી નથી તેમજ કોઈનું સ્થળાંતર થતું નથી.
- જળસંકટગ્રસ્ત વિસ્તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઈ તેમજ પીવા માટે દશ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે.
- મધ્ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઈંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે.
- બધી મળીને ચારેક લાખ હેક્ટર ખારાપાટની અને ડૂબવાળી જમીન વાપરવા લાયક બનશે.
- સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્તા ઉપરાંત રેલ્વે, પાઈપ લાઈન, પવન ઉર્જા, સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
- વહાણવટુ, પર્યટન, મત્સ્યોદ્યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે.
- પશુધન માટે પૂરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થવાથી પશુપાલનને વેગ મળશે.
- ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી – ઓટજન્ય વિજળી કાંઈ બળતણ વગર અપસાઈડ ડાઉન અંડરવોટર વીન્ડમીલની અદ્યતન ટેકનોલોજીથી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકાશે.
- ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસ પ્લોટ તથા બિનદૂધાળ, વૃદ્ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્લાન્ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુક્ત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી. અને વિજળી મળતા થશે.
- નદીઓમાં ભરતીનું ખારું પાણી ભરાતુ બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે. વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે.
- ખંભાત ધોલેરા ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શક્ય બનશે.
- કલ્પસર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્ય પણ ભાગીદાર હોવાથી રાજ્યની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્યે જતું જાહેર દેવું ભરવા માટે આ આવકનો ઉપયોગ શક્ય બનવાથી રાજ્ય ક્રમશઃ ઋણમુક્ત બની શકશે.
- ચોમાસામાં સરોવરની મહત્તમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્છના સૂરજબારી થઈને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકૂળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઈ શકાશે.
- ગુજરાત ભારતનું પૂરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્વનિર્ભર રાજ્ય બનશે. સમસ્ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલિત તેમજ સર્વાંગી વિકાસ શક્ય બનશે.
અંતરના ઘટાડાની અંદાજીત વિગતો જોઈએ તો..
- ભાવનગર થી સુરત::હાલનું અંતર કી.મી.478 ::આશરે ઘટાડો 343 કી.મી.::ઘટ્યા પછીનું અંતર 125
- રાજકોટ થી સુરત:: હાલનું અંતર કી.મી. 450:: આશરે ઘટાડો 175::ઘટ્યા પછીનું અંતર 275
- પોરબંદર થી સુરત:: હાલનું અંતર 650 કી.મી.::આશરે ઘટાડો 200 કિમિ :: ઘટ્યા પછીનું અંતર 450
- અમરેલી થી સુરત::હાલનું અંતર 550 કી.મી:: આશરે ઘટાડો 300:: ઘટ્યા પછીનું અંતર 250
- જામનગર થી સુરત::હાલનું અંતર કી.મી::550::આશરે ઘટાડો 150::ઘટ્યા પછીનું અંતર 400
- જૂનાગઢ થી સુરત:: હાલનું અંતર કી.મી 550:: આશરે ઘટાડો 200::ઘટ્યા પછીનું અંતર 350
હવે એ જાણીએ કે, કલ્પસર પ્રોજેક્ટને લગતી કામગીરી હાલ કેટલે પહોંચી છે ?
- મુખ્ય ૫૬ કામગીરીઓ પૈકી ૨૪ પૂર્ણ થવાના આખરી તબક્કામાં છે,
- ૧૩ કામગીરી શરૂ કરવાની મંજૂરીના છેલ્લા તબક્કામાં છે,
- ૧૦ કામગીરી આયોજનની કક્ષાએ છે અને
- ૯ કામગીરી નિતીવિષયક બાબતની છે. જેમાં ભાડભૂત બેરેજને લગતી તમામ કામગીરી ૨૦૧૨માં પૂર્ણ થઈ ગઈ છે.
- બેરેજની યોજના અલગ હોવાં છતાં દહેજ સુધીની ૩૨ કિલોમીટર લાંબી અને પૂરતી પહોળાઈની ઉંડાઈની કેનાલને લગતી કામગીરી ૨૦૧૮ સુધીમાં પણ શરૂ થઈ જણાતી નથી.
- ૨૦૧૮-૧૯ ના ગુજરાત રાજ્યના બજેટમાં પ્રથમ વખત જળસંપત્તિ કલ્પસર વિભાગને રૂા. ૧૪,૮૯૫ કરોડ જેટલી રકમ ફાળવેલ છે, જે તો છાંટણાં જેટલી જ હતી.
પ્રશ્ન એ રહે છે કે, આ યોજના અંગેનું ખરેખર શું આયોજન છે?.
વિશ્વરાષ્ટ્રસંઘ (યુનો)ની ચેતવણી અનુસાર ૨૦૫૦ના અરસામાં વિશ્વના ઘણાં વિસ્તારો જળસંકટની સમસ્યાનો સચોટ ઉકેલ નહીં કરે તો વિકટ જળકટોકટીનો ભોગ બનશે. જેથી કુદરતી બક્ષીસ સ્વરૂપ ખંભાતના અખાતનો સવેળા જળસંગ્રહ માટે ઉપયોગ કરીને જરૂર પડ્યે ભારત જળદાતા બનીને પોતે ઉગરે અને અન્યોને પણ ઉગારે તેવી ક્ષમતા ભારત ધરાવે છે.
(કલ્પસર સહયોગ સમિતિ દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શન સમાજના કોઈપણ રસ ધરાવનારને આપવા સમિતિ તત્પર છે::
સંપર્ક: વિનુભાઈ ગાંધી, ભાવનગર 0278 2427166 :: દિલીપભાઈ સખીયા, રાજકોટ 94272 07868:: સિદ્ધાંત વેકરીયા, સુરત 9377728822 )
by Bhadrayu Vachhrajani | Jan 10, 2025 | Articles |
સાત્વિક, સહજ, શોર્ટ એન્ડ સ્વીટ ઉપક્રમના સાક્ષી બનવાનો લ્હાવો !!
કાર્યક્રમનું સ્થળ હતું શ્રી અનિલ રેલિયાની જ વિજય ચાર રસ્તા પાસે phoenix કોમલેક્સ ના પ્રથમ મજલે આવેલ અદભુત Archer Art Galary, અમદાવાદ….
હા, હું નિવૃત્તિને માણી રહ્યો છું એટલે રાજકોટથી પહોંચ્યો કલા રસિકોની વચ્ચે..
૧૯૮૦-૧૯૯૦ ના દશકમાં શ્રી વૃંદાવન સોલંકી સાથે ખૂબ મળવાનું ને સંવાદવાનું થયું. તેઓ જૂનાગઢ હતા ને અમારી વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિના ભાગ રૂપે ત્યાં પ્રસન્ન વછરાજાની સાથે બ્રિટિશ કાઉન્સિલ ની ફિલ્મો રાજકોટ પછી જૂનાગઢ પછી ભાવનગર પછી સણોસરા પછી ધ્રોળ એમ દર્શાવવાનું કામ મેં બહુ ઉત્સાહથી કર્યું. ત્યારે શ્રી વૃંદાવન સોલંકી ની કલા યાત્રા જાણી અને માણી પણ..તેઓને વર્ષો પછી મળવાનો લહાવો લેવા અમદાવાદ ભાગ્યો..એમાં પણ વળી આત્મીય શ્રી અનિલ રેલિયાનું ઉષ્મા ભર્યું આમંત્રણ !!
આશ્ચર્યની વાત કહું ?? આ કાર્યક્રમમાં અનિલભાઈ અને વૃંદાવનભાઈ ઉપરાંત બહુશ્રુત શ્રી અમિત અંબાલાલ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.. અમિત અંબાલાલ, ભાગ્યેશભાઈ અને વૃંદાવન સોલંકીએ “લાઘવ” કોને કહેવાય એનું જાણે નિદર્શન કર્યું.!! ટૂંકું ને ટચી જાય તેવું !!
હળીમળી લીધું ને ચા કોફી ને ન્યાય આપી લગભગ સાડા પાંચે કાર્યક્રમ શરૂ થયો અને છ વાગ્યા આસપાસ કાર્યક્રમ પૂરો થઈ ગયો !!!
હા, ચારેય વ્યક્તિઓ બોલ્યા, ફૂલ ગુચ્છ અપાયા, ગ્રંથનું દર્શકાર્પણ પણ થયું,, બધું પણ no formality, no prathna, NO dip pragaty, no announcer, no parichay, ચારેય વક્તાઓ એકબીજાને ખો દેતા ગયા ને હેન્ડ માઇક સરકાવતા ગયા !! હા, અનિલ રેલિયાનો આ કલા ખજાનો સાચવી રહેલ તેમના પુત્રએ અઢી મિનિટમાં મૃદુ કંઠે આભારવિધિ કરી.
શોર્ટ અને સ્વીટ જ નહીં, સ્વિટેસ્ટ!!
બસ, પછી ફરી બધા ફરતા ગયા, ચિત્રોની હારમાળા અને ગ્રંથના દર્શન કરતાં ગયા ને ફોટાઓની ક્લિક થતી રહી. કેટકેટલા કલાકારો ને પ્રતિષ્ઠિત નગરજનો ને મળવાનું થયું… શીલા ભટ્ટ, સૌમ્ય જોશી, નૈષધ પુરાણી, શ્રી અને શ્રીમતી વિવેક દેસાઈ, તુષાર શુક્લ, કુમાર ભટ્ટ, અનુપમ બુચ, હાઉસિયમ નું સર્જક ડૉ. શાહ દંપતિ, નિસર્ગ આહીર, નીતિનભાઈ શુક્લ, એસ્ટર ડેવિડ, દીપક અંતાણી,,, it was a good evening for heart full fellowship… અને પછી ડાયરો પહોંચ્યો અનિલ રેલિયાના big art galary સમાન નિવાસસ્થાને..ફરી ત્યાં વાતોનો દોર અને રસાળ વિવિધ વ્યંજનો થી સભર ભોજન થાળ!!
શ્રી અનિલ રેલિયાનું ઘર ગુજરાતનું નઝરાણું છે, હા, એ આર્ટ ગેલેરી માં વસતું એક ઘર છે. ગૃહે વસતા સૌ મળતાવડા, સસ્મિત ને હળવા ફૂલ જેવા..
રાત્રે એક વાગે પ્રેમ મંદિર ના હિંડોળે હિંચકવા બેઠો ત્યારે એક યાદગાર ગીતની પંક્તિઓ મનમાં ગણગણી …
આવી સાંજ ક્યાંક મળી જાય ને તો જીવી લેવી !!
ભદ્રાયુ વછરાજાની
તા. ૧૦-૦૧-૨૫
મુંબઈ તરફ ઉડતી ફ્લાઈટમાંથી…
અનેક તસ્વીરો અને લિંક માટે અહીં 👇ક્લિક કરો
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | દીપોત્સવી લેખ |

અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ અર્પણ કરું છું.
શ્રી માતાજી દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?
“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા. એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.
એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું. ત્યાં એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે તેને આપ્યો.
એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે જે કાંઈ વધેલું હતું તે તેને આપી દીધું. છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.
એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને કહેવા લાગ્યા:: “ રંતિદેવ, તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ, શૂદ્ર, શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’
આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું હોય છે.
ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી બની જાય છે.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા “પ્રકૃતિનાં સંતાન અને પાગલ” માં આ રીતે આપે છે:
“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે ઊંટ ની શોધમાં રખડયું પરંતુ બપોરે ફરી તેણે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”
કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.
આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :
धर्मार्जितभोगेन वैराग्यमुपजायते । विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।
અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 । 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति । प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।।
‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ વર્ષ ટકે છે, જેવું અગિયારમું વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.
ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.
એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.
સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો ત્યાગ પણ કરે છે.
સહજ પ્રશ્ન થાય કે લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.
આશ્ચર્ય થાય તેવી વાત છે કે, માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે. દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે, જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે. જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.
આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…
જિબ્રાન આપણને પુણ્યેશ્વર અને પાપેશ્વર ની ઘટના કહે છે.
પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.
પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”
પાપેશ્વરે કશો જવાબ વાળ્યો નહીં
અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”
પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે. તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે. આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”
અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”
મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો પાપેશ્વર ત્યાંથી ચાલતો થઈ ગયો !!
જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા દેતો નથી. આપણો ઠસ્સો, આપણું અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | અખંડ આનંદ |

સાહિત્યને લોકજીભેથી લોકહૈયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વ્યવસ્થાપન કર્યું મહેન્દ્ર મેઘાણીએ.
શબ્દ બ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી બહુ અંતર્મુખી વ્યક્તિત્વ. ચોવીસ વર્ષની ઉંમરે પિતાશ્રીએ વિદાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ—મુંબઈ-કલકત્તા એમ ફરતા રહ્યા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી તો ઝવેરચંદ મેઘાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યા અને જીવ્યા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેઘાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો યાદ ન હતાં. હા, તેમને સતત વાંચતા- લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ , પણ ત્યારે કોઈ સમજ ન હતી કે, પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેઘાણીનું સ્મરણ ખરું અને તે પણ વિશિષ્ટ ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં, બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દાડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાડુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી જીવનપર્યંત બુંદીના લાડુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવ્યા !
મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં અને મૅટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કૉલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગ્રેજી સરસ ભણાવેલું. એલ.ડી.માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લ્હાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કૉલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી ૧૯૪૨ના જૂનમાં એલ્ફીન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કૉલેજ છોડી દીધી ! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આઝાદીની લડતમાં જોડાયા. તાર કાપ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આનંદ માણતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજી હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ ઝાટકિયાએ સાચવ્યા. પણ વિધિની વક્રતા કેવી?
લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્દામવાદી માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું ! જો કે ત્યાં પોલીસ પહોંચી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ ! ન્યૂયોર્કના ઇન્ટરનૅશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિધિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને ક્રિશ્ચિયન ટાઈમ્સ, દળદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ’ રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાના. ત્યાં વળી ‘રિડર્સ ડાયજેસ્ટનો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, ‘દેશ જઈ ગુજરાતીમાં આવું રિડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.” ત્યારે જ યુનાઇટેડ નૅશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેઘાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!
છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિકનો પહેલો અંક બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રિડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો સારા લેખો – સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં ! મુંબઈમાં કુર્લામાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓનાં મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે “મિલાપ’ ને પ્રકાશન સંસ્થા તે “લોકમિલાપ…” પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં ‘બધાં’ પુસ્તકો ન મળે ! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રેષ્ઠ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : ‘રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેંચવી. અમારે તો સાહિત્ય મારફત ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ…!’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 5, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ગુજરાતમાં તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે.
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની ભવ્ય રામકથાનું જબરું આયોજન થયું. સદભાવનાના સ્વપ્નદ્રષ્ટા શ્રી વિજય ડોબરિયાનો એક મનોરથ એવો છે કે, ભારતભરમાં કુલ એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉછેરવા !! આ કથાના આયોજનમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક બહુ મોટું મોડેલ મૂકેલું હતું અને તેની પાસે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો તે મોડેલ નિહાળવા સૌને વિનંતી કરતા હતા અને સૌને વિગતે સમજૂતી આપતા હતા. ત્યાં લગભગ ત્રાણું વર્ષના ભાવનગરના ધોતિયું ને ટોપી પહેરેલ જ્ઞાનવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધી અને રાજકોટના ડોક્ટર પમ્પના માલિક અને અનેક સેવા સંસ્થાઓના પ્રણેતા શ્રી પુરુષોત્તમભાઈ કામાણી સૌને આ યોજના વિષે દિલથી માર્ગદર્શન કરી રહ્યા હતા.આ બંને સેવાભાવી નાગરિકો આ મોડેલમાં મુકેલ કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાતની શકલ બદલાય જાય તેવી આશા વ્યક્ત કરતા હતા.
શું છે આ કલ્પસર યોજના અને તે શા માટે આગળ ધપાવવી જોઈએ તેનો વિગતે અભ્યાસ કર્યા પછી જે નવનીત તારવ્યું તે અહીં પ્રસ્તુત કરું છું.
દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનની પ્રજા જળ કટોકટીનો ભોગ બની ચૂકી છે. ત્યાંની સરકારે તો પાણી પૂરું પાડવાની અસમર્થતા જ જાહેર કરી દેવી પડી. ત્યાં સ્નાન કરવાની મનાઈ ફરમાવવી પડી. પાણીના ટેન્કર આવે ત્યારે માત્ર પચ્ચીસ લિટર પાણી મળે… આથી વધુ માંગણી કરનાર કે બળજબરી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવી પડી. આપણે ત્યાંના કર્ણાટક રાજ્યમાં કાવેરી નદીના કાંઠે આવેલું પાટનગર બેંગલુરુ જળ કટોકટીનો ભોગ બન્યું છે.
વૈશ્વિક તાપમાન અને નિરંતર વધ્યે જતા વિવિધ પ્રદૂષણોના પ્રકોપને કારણે ઋતુચક્રના પ્રતિકૂળ પરિવર્તનનો ભોગ વિશ્વ બની રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઘટનાઓ પણ વધી રહી છે. ભૂગર્ભજળનું સ્તર વધુ ને વધુ ઊંડુ ઉતરી રહ્યું છે. સંખ્યાબંધ નદીઓનો જળપ્રવાહ ઘટી રહ્યો છે. અનેક નાની નદીઓ સૂકી ભટ્ટ બની ગઈ છે.
ભારતના ૭.૭૬ કરોડ લોકોને સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. સુરક્ષિત પાણી મેળવી શકતા ન હોય તેવા વિશ્વના દસ દેશોની યાદીમાં ભારત પ્રથમ નંબરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ દરેક વ્યક્તિ માટે દરરોજ ઓછામાં ઓછું ૫૦ લીટર પાણી ઉપલબ્ધ હોવું જોઇએ. ભારતની વાર્ષિક માથાદીઠ જળઉપલબ્ધિ ઘટીને ૧૭૦૦ ઘનમીટર થઇ છે. જ્યારે ગુજરાતની માત્ર ૯૯૦ ઘનમીટર છે. દર વર્ષે સરેરાશ ૩૮૦૦૦ મીલીયન ઘનમીટર વરસાદી જળ ગુજરાતને મળે છે. તેમાંથી સરદાર સરોવરની મહત્તમ ઉંચાઇ સહિત પચીસેક હજાર મીલીયન ઘનમીટરનો હાલ સંગ્રહ થાય છે. બાકીનું ૩૫ થી ૩૮ ટકા વરસાદી જળ સમુદ્રમાં વહી જવા દેવાય છે.
ભારતમાં ખેતી માટે ૬૦ ટકાથી વધુ સિંચાઇ ભૂગર્ભજળ દ્વારા થાય છે. આપણું પીવાનું પાણી પણ ભૂગર્ભજળના ભંડારમાંથી આવે છે, જે ઝડપથી ખતમ થઇ રહ્યું છે. આપણે હાઇડ્રોલોજીકલ દુષ્કાળનો ભોગ બની રહ્યા છીએ. ૨૦૧૭માં દેશના ૫૯૭ જિલ્લા પૈકી ૧૭૩ જિલ્લામાં અપૂરતો વરસાદ થયો છે. જ્યારે દેશમાં ૧૦૨ ટકા વરસાદ નોંધાયો છે. ૧૯૭૦ના દાયકાથી ભૂગર્ભજળ મોટા પાયે ઉલેચાવા માંડયું અને ૧૯૮૦ના દાયકા પછીના ગાળામાં ગ્રાઉન્ડવોટર – ભૂગર્ભજળની સપાટી ૮ થી ૧૬ મીટર સુધી ઊંડી ઉતરી ગઇ છે. ભૂગર્ભજળમાં જેટલું પાણી રીચાર્જ થાય છે તેના કરતાં ઉલેચાવાનું પ્રમાણ વધું છે. તેથી ભારતમાં ભૂગર્ભજળની સપાટી દર વર્ષે 0.3 મીટર ઊંડી ઉતરે છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે ૩ થી ૫ મીટર ઊંડી ઉતરે છે.
ગુજરાતની વાત લઇએ તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે. ગુજરાતનું કોઇક શહેર કેપટાઉન કે બેંગલુરુ જેવી જળ કટોકટીનો ભોગ ન બને તે માટે આ પ્રોજેક્ટ સત્વરે સાકાર થવો જરૂરી છે. ભૌતિક વિકાસની દોટમાં ગરકાવ રહીને આવા પાયાના પ્રાણ પ્રશ્નોની ઘોર ઉપેક્ષા થયા કરશે તો જળ સંકટના ખપ્પરમાં શું શું અને કેટલું હોમાઈ જશે તે કપરો કોયડો કંપાવનારો બની જશે. અરે સ્વયં વિકાસ જોખમાશે અને ખોરવાશે
આ એક જ પ્રોજેક્ટથી…
- ગુજરાતની જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો થાય તેમ છે.
- બેરોજગારીની સમસ્યા પણ ઠીક ઠીક ઉકેલાય તેમ છે.
- આયોજન ઉપયોગ માટે દોઢ થી બે લાખ હેક્ટર જમીન નવસાધ્ય થાય તેમ છે. જેથી ગ્રામોદ્યોગ અને કૃષિ વિકાસ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિકસે તેમ છે.
- સૌરાષ્ટ્રથી સુરત સુધીનું જુદા જુદા શહેરોથી ૧૫૦ થી ૩૪૩ કિ.મી. સુધીનું માર્ગ વાહન વ્યવહારનું અંતર ઘટવાથી ઇંધણના વપરાશથી દર વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. પ્રદુષણ ઓછુ થશે.
- સૌરાષ્ટ્ર કચ્છનો સર્વગ્રાહી વિકાસ શક્ય બને તેમ છે.
- ૨૩૦૦ થી ૨૪૦૦ ચોરસ કિલોમીટર ખારા પાણીનો વિસ્તાર મીઠા પાણીનો વિસ્તાર બની જાય તેમ છે.
- ગુજરાતને આંગણે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની શકે તેમ છે.
- પી.પી.પી. પ્રોજેકટ તરીકે દુઝણી ગાય સમાન કલ્પસર સરોવર યોજના સવેળા સાકાર થાય તો ન ધારેલા ફળ મળે તેમ છે.
- સમગ્ર વિશ્વમાં વરસાદી જળનું વિશાળતમ સરોવર થઇ શકે એવી વિશિષ્ટ સુવિધા કુદરતે ગુજરાતને બક્ષી છે.
ભાવનગરની ખાડીવાળા સમુદ્રમાં ખંભાતના અખાત તરીકે ઓળખાતા સમુદ્રી વિસ્તારમાં જબ્બર જળાશય બનાવવાનું વિચારબીજ ૧૯૬૨ માં સ્વીકારાયા બાદ પૂરા પંચાવન વર્ષની વહીવટી માવજત છતાં હજુ બીજ ભોંભીતર રહ્યું છે !! કુદરતી કોપનો પણ સફળ સામનો શક્ય બનાવે તેવી આ યોજના બધા જ શાસકો સ્વીકારતા રહ્યા હોવા છતાં અસહ્ય ઢીલ થતી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં કિંમત કરતાં મૂલ્યને સવિશેષ મહત્વ અપાતું રહ્યું છે. પ્રગતિપ્રેરક ચાર્વાકે તેમજ ચાણક્યના અર્થશાસ્ત્ર માનવીય પોષણ માટે દેવું કરીને પણ ઘી પીવો જેવું સૂત્ર પ્રબોધ્યું છે. તેમ છતાં વારંવાર ચાણક્યની દુહાઈ દેનાર આપણે કેમ કશું કરતા નથી ??
- અગર જો દશ દિવસના કોમનવેલ્થ રમતોત્સવ માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકાતા હોય,
- જો બુલેટ ટ્રેઈન માટે સવા લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ દેવું કરીને પણ થઈ શકતું હોય તો
- જો કલ્પસર યોજના માટે થવાપાત્ર ખર્ચ/ મૂડી રોકાણની સામે ચારથી પાંચ સદી સુધી મળવા પાત્ર વળતર અનેક ગણું વધુ હોય તો પછી શાસકો કેમ જાગતા નથી?
(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 29, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને એ સૌ ન સમજાય એની જ મજા છે.
વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ઝેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને ‘સેન્ચ્યૂરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. ‘લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઇ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટીસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબર છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઈશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઉભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table , you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મુક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health. અને પછી હળવાશથી કહ્યું:: “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું રહેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝીટર જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુઃખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉપર એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો,. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. . અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયા મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું:: ‘Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહિ, અને છેવટે બહારનું બારણું આવ્યું ત્યાં એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બન્ને બહાર નીકળી ગયા. બહાર નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા,Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, I would like to meet that holly person, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું :: . ”Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત કરવી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પુરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે.સી.કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મેસેજ આવ્યો એટલે હું આવી ગયો છું . એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજી એ કહ્યું છે ને ? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઉઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવરણો મૂકી, મોઢા ઉપરનો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલા ને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, ‘ I would like to meet Gandhi.; એટલે સામે જવાબ મળ્યો કે, ‘Yes Welcome. Meet, I am Gandhi.’…. મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકારવા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઈબલનું એક વિધાન છે કે, “ ખખડાવો અને ખુલશે !!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Gramsetu |



નિવૃત્ત થતી દીકરીએ કહ્યું : “તમે ઉપરના માળે રહો છો ને ફોનની ઘંટડી વાગે એટલે વીસ પગથિયાં ઊતરી નીચે આવો છો, તે તમને કોર્ડલેસ ફોન લઈ દઉં. તમારે આ ઉંમરે ઊતરચડ નહીં.” દીકરીના વહાલને પ્રેમથી પાછો વાળતાં પિતાજી બોલ્યા : રક્ષા તારી વાત સાચી છે કે મારે દી’માં આઠ-દસ વાર ઊતરચડ થાય છે, પણ એ બહાને મારા શરીરને કસરત થઈ જાય છે. અમથુંય હવે નવ્વાણું વર્ષે બહાર ફરવા જવાનું ઘટી ગયું છે. તો ભલેને ફોનની ઘંટડી વાગે, હું પગથિયાં ચડઉતર કરી લઈશ. જરાક જાળવીને આવજા કરીશ પણ કોર્ડલેસ ફોન લેવા જેટલી મારી ઉંમર નથી.’ આ શબ્દો પોતાના જીવનનાં નવ્વાણુ વર્ષ સ્ફૂર્તિમય વિતાવનાર દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવના છે.
યુવાનોને શરમાવે તેવો આત્મવિશ્વાસ જેની અખૂટ મૂડી છે તે ડી. ડી. વૈષ્ણવ પોરબંદરના છાયા વિસ્તારમાં રહે છે અને આજે પણ ડંકી સીંચી પાણીની ડોલ ભરી પોતે પોતાનાં કપડાં ધુએ છે. પોતાનું કામ જાતે જ કરવાના આગ્રહી છે. નિયમિત યોગ અને કસરત તથા અચૂક ચાલવાનું. તેઓની ચોતરફ પુસ્તકો પડયાં હોય અને દિનુભાઈ જ્યારે જુઓ ત્યારે વાંચતા જ હોય, બહુ પ્રયાસ કર્યો દિનકરભાઈ વૈષ્ણવ વિષે તેઓનાં જ મુખેથી કશુંક સાંભળવાનો, પણ નિષ્ફળ! મારા જીવનમાં નોંધવા જેવું કે લખવા જેવું કશું નથી. મારું શરીર અને મારું જીવન મેં બરાબર જાળવ્યું છે. યુવાનીમાં દેશી રમતો રમીને શરીરને ખડતલ બનાવ્યું. નિયમિત સાદું ભોજન લેવાનો આગ્રહ રાખ્યો. ઘડિયાળના કાંટા સાથે જીવન જીવવાનું. ઊઠવાનો-નાસ્તાનો-જમવાનો અને સૂવાનો સમય સાચવવાથી આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી નથી. ભગવાનની કૃપાથી આધુનિક જમાનાના ડાયાબિટીસ-બીપી-કોલેસ્ટરોલ જેવા રોગ પણ મારી નજીક ફરક્યા નથી.’ દિનકરરાય વૈષ્ણવ પૂરેપૂરી સ્વસ્થતાથી પોતા વિષે આટલી વાતો કરે છે.
૧૯૧૪માં જન્મેલા ડી. ડી. વૈષ્ણવ પોરબંદરની રાજાશાહીથી લઈને આદિન સુધીના ઇતિહાસના સાક્ષી છે. પોરબંદરના ઇતિહાસનું આ માનવીય વટવૃક્ષ છે.
વૃક્ષપ્રેમી અને શિસ્તના પરમ આગ્રહી. ખુમારી એવી કે કોઈપણ માથાભારેને પાકા મનોબળથી પડકારી શકે. યુવાન દિનકર રસ્તા પરથી પસાર થતા હતા. એક છોકરી પણ ત્યાંથી નીકળી અને એ છોકરીને એકલી ભાળી કોઈ જોરુકો સાઇક્લીસ્ટ ત્યાંથી પસાર થઈ પેલીની મશ્કરી કરવા લાગ્યો. છોકરો પેલીની છેડતી કરે ત્યાં તો દિનકરે જઈ એ મે૨ છોકરાનો હાથ પકડી ખખડાવી કાઢ્યો. દિનકરનો આત્મવિશ્વાસ જોઈને પેલો પોબારા ગણી ગયો. પોરબંદરમાં માથાભારે મેરને પડકારવાની હિંમત કોઈ ખુમારીથી છલકતો જણ જ કરી શકતો ત્યારે! પેલી છોકરી ભાવવશ પોતાના માર્ગે ને યુવાન દિનકર જાણે કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી આગળ ચાલતો થયો. ખુમારી અને સહજતાનો આવો સુમેળ આજે પણ દિનુદાદામાં જોવા મળે છે.
પોતાના જીવનનાં પચાસથી વધુ વર્ષો શિક્ષણ જગતને અર્પણ કરનાર દિનકરરાય વૈષ્ણવ મોટીમસ પદવીઓ ધરાવતા નથી. પિતાજી ધીરજલાલ વૈષ્ણવ જીવતી જાગતી ડિક્સનેરી જેવા હતા. એ પણ શિક્ષક હતા, પણ પૅરાલિસિસ થતાં નોકરી છોડી એટલે કુટુંબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દિનકરભાઈ શિક્ષક થયા. ભાઈને ભણવાની અને આગળ વધવાની અનુકૂળતા કરી આપી પોતે પોરબંદરને જ ‘જિના યહાઁ‚ મરના યહાઁ’ની જેમ સ્વીકારી લીધું. ભાઈ પ્રભાકર પ્રાધ્યાપક થયા. મુંબઈ જઈ તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ભણ્યા, શાંતાક્રુઝના સારદ વૃંદમાં બેઠક જમાવી, પોદાર સ્કૂલમાં નોકરી કરી, નરસિંહરાવ દિવેટિયાના લહિયા બન્યા ને વર્ષો સુધી રાજકોટની માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજમાં પ્રાધ્યાપક રહી નિવૃત્ત થયા. પ્રભાકરભાઈનાં દીકરી રેણુ સાથે વાત કરો તો પણ મોટાઈ એટલે કે દિનકરભાઈની કહાની જ વધુ આવે. કુટુંબભાવના તો ગજબની! દ્વારકાદાસ વિઠલાણી સ્કૂલમાં દિનકરભાઈ મેટ્રિક સુધી ભણ્યા અને પછી એ જ શાળામાં ચોંત્રીસ વર્ષ શિક્ષક તરીકે ભણાવ્યું! નિવૃત્તિ પછી દિનકરભાઈ વૈષ્ણવે વીસ વર્ષ આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણ આપ્યું. અંગ્રેજી એટલું સારું કે પોરબંદરના નામી રાજવી ઘરાનાના અને રાજકીય ક્ષેત્રના મહારથીઓને અંગ્રેજી અને ગુજરાતી શીખવ્યું.
પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણીને આવ્યા પછી રાજ્યની ગાદી પર બેઠા. તેઓ રમતના ખેલાડી, ક્રિકેટની ટીમ લઈને ઇંગ્લૅન્ડ રમવા ગયેલા અને ત્યાંથી પાછા આવી પોરબંદરના વિકાસ માટે કાર્યશીલ બનેલા. આ રાજવી પરિવારને દિનકરરાય વૈષ્ણવ સાથે ઘરનો નાતો. રાજાનાં બીજાં પત્ની વેલ્સ દેશનાં હતાં. તેઓને ગુજરાતી શીખવવા જતા ડી. ડી. વૈષ્ણવ. દિનુદાદા સ્વતંત્રતાકાળના પણ સાક્ષી. પોતે ચૌદ વર્ષના હતા ત્યારે ગાંધીજીને જે ગાંધીજી પોરબંદર આવ્યા ત્યારે તેમનું સ્વાગતગીત દિનકરના કંઠે આંખોમાં છલકતાં તેજથી દિનુદાદા કહે છે કે : “ત્યારે બાપુને બહુ નજીકથી નિહાળેલા, પણ ગાંધીજીની ચામડી શાઇનિંગવાળી હતી ત્યારે… આઝાદીની ચળવળમાં પોરબંદરના
સિંહફાળાનો હું સાક્ષી છું.’ આજે ભાવસિંહજી સ્કૂલના મેદાનમાં ભૂતનાથનું મંદિર છે. તેને નવા નિયમ અનુસાર તોડી નાખવાની ગતિવિધિ ભૂતકાળમાં થયેલી. ૧૯૪૭ પહેલાં પણ આ મંદિર હતું તેનો પુરાવો અધિકારીઓને શોધ્યો ન જડ્યો. દિનકરરાય વૈષ્ણવ ૧૯૨૨ની સાલનો મંદિરનો ફોટો લઈ પહોંચ્યા અને કોર્ટે આ મંદિરને જીવતદાન બક્યું! આ વડીલ આવા કેટલાય પ્રસંગોના ઇતિહાસના સાક્ષી રહ્યા છે જેને આધારે આજનું પોરબંદર ઘડાયું છે. દિનુભાઈ કહે છે ઃ પોરબંદરમાં અન્ય શહેરો જેવી આધુનિક વ્યવસ્થાઓ ઓછી છે પરંતુ પોરબંદર પાસે જે કલા અને સ્થાપત્યનો વારસો છે અને ભવ્ય ઇતિહાસ છે તે અન્ય કોઈ શહેર પાસે નહીં હોય. રજવાડી વારસો, ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો, ધર્મસ્થળો વગેરે નમૂનેદાર છે. અહીંનું હવામાન સાફ છે. ઐતિહાસિક પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ પોરબંદર મોખરે આવે. મારે જો પોરબંદરને ઉપમા આપવી હોય તો હું તેને ‘સુરમ્ય નગરી’ની ઉપમા આપું.’ પોતાનું પોરબંદર રૂડું અને રળિયામણું છે તેવું કહેતાં દિનકરભાઈની નજર સામેથી જાણે વર્ષોનાં વર્ષ પસાર થઈ જાય છે. પોતે છ ભાઈઓનો પરિવાર, પોરબંદરમાં વારંવાર મળે ત્યારે જાણે મેળાવડો જામે. સંગીત-સાહિત્ય-ઇતિહાસ-સંસ્કારની વાતો ખૂટે જ નહીં. જીવનના પ્રશ્નો તો તેમાં ફરકે ય નહીં. શું વાંચ્યું, શું સાંભળ્યું, શું જીવ્યા તેની હસીખુશીભરી વાતો. પછીની પેઢી પર અજાણતાં જ આ સંસ્કારોએ રાજ કર્યું. લાગણી અને સંભાળ જેવી જાત પ્રત્યેની, તેવી જ સમગ્ર કુટુંબ પ્રત્યેની. નાગરી પ્રણાલી મુજબ દિનુભાઈ હિંડોળે હિંચકતા હોય ને બન્ને પડખે બે બાળકો નિદ્રા રાણીને આવકારતાં હોય. હિંડોળાને ઠેલા વાગતા જાય ને રામસહસ્રનામ કે શક્રાદય ધીમે સ્વરે દિનુભાઈ ગાતા જાય! બન્ને બાળકો સૂઈ ગયાં છે એવી ખાતરી થાય એટલે બાળકોને યથાસ્થાને સૂવડાવી દિનુભાઈ ઊપડે સંગીતના કાર્યક્રમોમાં! રાત્રે આવે ત્યારે પોતાના ઉપરના ખંડમાં, જ્યાં રેડિયો હોય, ચોપડીઓ હોય, સંગીતનાં સાધનો હોય! ૧૯૯૪માં એક ઘટના બની. સૌ સૂર્યકાકીની તબિયત નરમગરમ હતી. પત્ની સ્વસ્થ છે એમ જાણી દિનુભાઈ રાત્રે સંગીતના કાર્યક્રમમાં ગયા. પત્નીએ એમને રોકવાનું જરૂરી ન ગણ્યું. વહેલી સવારે ધીમા અવાજે મોટા દીકરાને માએ કહ્યું : “તમારા બાપને ઉઠાડોને!’ તરત જ દિનકરભાઈ બાજુમાં ગોઠવાયા. એક દીકરીની ચિંતા માને ખરી. સૂર્યબાળાબેન બોલ્યાં : મને લાગે છે કે મને તેડું આવ્યું છે, પણ…. દિનકરભાઈ પૂર્ણ સ્વસ્થતાથી બોલ્યા : ‘તમે એમની ચિંતા ન કરો, અમે સૌ છીએ ને! જો તમને તેડું આવ્યું હોય તો ત એંસી વર્ષના દિનકરભાઈના શબ્દો અટક્યા ત્યાં જ તેમના ખોળા 275/408 મુકી દીધો. તે સમયની દિનુદાદાની સ્વસ્થતા અને ત્યાર પછીની આ પારા પર્યા દરમ્યાનની સહજતામાં ભગવદ્ગીતાનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોવા મળે!
દિનુદાદાના મોટા દીકરા આજે બોંત્તેર વર્ષે દરિયે નહાવા જાય છે કારણ કે દિનુદાદા પોતે આજે પણ નિયમિત રામકૃષ્ણ લાઇબ્રેરીમાં અચૂક જાય છે.
અખબારો, પુસ્તકો અને મૅગેઝિન ઝીણવટથી વાંચતા આ વયોવૃદ્ધને જોઈને કેટલાય યુવાનો પ્રેરણા મેળવે છે. અહીંના ગ્રંથપાલનું કહેવું છે કે : ‘લાઇબ્રેરીની શરૂઆત અહીં થઈ ત્યારથી વૈષ્ણવસાહેબ અહીં આવે છે. દરેક પ્રકારનાં પુસ્તકો દાદા વાંચે છે. નવલકથા હોય કે નવલિકા. વાર્તાસંગ્રહ હોય કે ધર્મપુસ્તકો.’ દિનકરભાઈ ધીમું મરકતાં કહે છે : ‘અંગ્રેજીનાં સાતસોથી વધુ, ગુજરાતીમાં તો એક હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં હશે. સંસ્કૃત ધર્મ પુસ્તકો મેં જીવનની ઢળતી સંધ્યાએ વાંચવા શરૂ કર્યાં. મને સમજાયું છે કે હકારાત્મક વાંચન પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉપમા તો અપાવે જ છે પરંતુ સાથોસાથ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પર્સનાલિટી ડેવલપમૅન્ટ જેવા કોર્સની જરૂર પડતી નથી.’ જીવનનાં ચાલીશ વર્ષો દિનકરભાઈ હોલ્ડ્રીકલ્ચરમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. વૃક્ષપ્રેમ અપાર છે. વૃક્ષો કપાય તો એમનું દિલ દુઃખે છે. સંપૂર્ણપણે ખાદીધારી દિનુદાદાની સ૨ળ-સહજ જીવનરીતિ અને શિક્ષણમાં એકધારું પાયાનું પ્રદાન એક વર્ષો જૂનાં વડલા સમાન છે. દાદા પાસે ત્રણ ત્રણ પેઢી ભણી છે.
પ્રખર અભ્યાસુ સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ તો દિનકરભાઈને ગુરુ માને છે અને કહે છે કે : “આજની તારીખે વિભિન્ન વિષયો અંગેનું એમનું જ્ઞાન સલામને પાત્ર છે. આજે કોઈપણ ધર્મનું અઘરામાં અઘરું પુસ્તક તમને દિનુકાકા પાસેથી મળે જ. એક સાચુકલા વૈષ્ણવજનનું જીવતું જાગતું ઉદાહરણ છે દિનકરભાઈ.’
સ્વયંને પારખવા માટે કે અન્યને ભણાવવા માટે મોટી મોટી ડિગ્રીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી તેની સાબિતી છે દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવ, ઉંમર વર્ષ ૯૯, છાયા વિસ્તાર, પોરબંદર! એક સાદા-સરળ સવાયા ગાંધીને મળવા જેવું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Articles |


જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.
ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે કે ?
મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો, આજે થોડી ગડમથલ કરીએ.
ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે, આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.
હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે જીવનભર એની શોધ કરીએ છીએ. એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.
આપણે પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે, કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે, ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.
એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .
મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’. બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.
હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.
જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.
પોતાની જાતને અલગ માનવી એ આપણાં જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને ગણતરીમાં લેતા નહીં.
એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’ પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે, હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી. એ વૃદ્ધને પ્રસ્યેનજીતે કહ્યું કે, ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’
બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના ચાલીસ સાલ સાગરની જેમ જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | જનકલ્યાણ |

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈનું જીવન ઘડાયું તેઓના ચુસ્તતાના આગ્રહી પિતાશ્રીના ઘડતરથી..નાનપણમાં જાણતા અજાણતા આપણને આપણા માતા, પિતા કે ઘરનું વાતાવરણ ઘડે છે. કેટલીક ટેવો વડીલોએ રાખેલા આગ્રહોના કારણે પડી ગઈ અને આપણે જયારે મોટા થયા ત્યારે તેનું ફળ મળ્યું !!
શ્રી પ્રફુલ્લ અનુભાઈનું ઘડતર કેવી રીતે થયું તે અંગે થોડી વાતો તેમના જ શબ્દોમાં… :
“ફાધરની બાબતમાં એવું કે બધાની સાથે ફ્રેન્ડલી થઇ જાય પણ કામની બાબતમાં ઝીણવટ અને ચીવટ બહુ, એટલે મને વાત વાતમાં એમ કહે કે, કામ જે કંઈ કરો એ નિયમથી કરો. પછી એ ઉલ્લેખ કરે શ્રીમદ્ રાજચંદ્રના મોક્ષમાળાનો. અમે નાના હતા ત્યારે એવું હતું કે, દર રવિવારે એક સામાયિકમાં બેસાડે, પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં, પણ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા પુસ્તક લઇ અને મણકાઓ લઇ અને વાત કરે અને પ્રેક્ટિકલ એની કોમેન્ટ્રી આપે. એટલે એમ કહે કે, આ મેં તમને નિયમની વાત કરી એ શ્રીમદ્ રાજચંદ્રનો એક મણકો છે, એમાં એ કહે છે : નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે, એટલે એ વાત સમજાવે, પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે. આ જાતનો એક સંસ્કાર જૂજ રીતે અમારામાં મુકેલો.
કોઈ જગ્યાએ ધર્મ, ઉપવાસ, આંબેલ, પચખાણ એવું કશું આવે નહીં. દેરાસર જવાનું છે, આટલી પૂજા કરવાની છે, એવું કશું ન આવે. અમારી આજુબાજુનું વાતાવરણ એવું હતું છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે, સંસ્કાર આ રીતે મળવા જોઈએ. એટલે એમ કહેતા કે, તમે પેન્સિલ વાપરવા માટે લીધી અને ઘરમાં એક જગ્યાએ મૂકી છે, બધા લોકો વારાફરતી જેને જરૂર પડે એ વાપરે છે, તો તમે ક્યાંક નાખીને ચાલ્યા જાઓ એ બરાબર નથી. પાછલા માણસનો વિચાર કરો કે, એને જયારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે, પણ જે તે જગ્યાએથી મળી જશે, એવું દ્રષ્ટાંત આપીને વાત કરે. એમ કહે કે, કોઈ દિવસ રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે, અહીંયાથી લીધું, ત્યાંથી લીધું, કબાટ ખોલ્યો, કબાટ બંધ કર્યો, એમાંથી બે ત્રણ વસ્તુ લીધી, આમ તેમ કરીએ એમ નહીં. એવો પ્રયત્ન કરો કે, રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે એટલું તો થાય જ, if not better. આવો એક પાઠ ભણાવ્યો.
બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં excellence મેળવવું. એ સારી રીતે કરો. એ કામ કેમ વધારે સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો, એ ખાસ એમનો આગ્રહ. પોતાના જીવનમાં પણ એમ જ કરેલું એટલે મને પણ એમ કહે કે, આ આપણે કરવું, આવી રીતે કરવું જોઈએ. પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ કે શું વાત કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, એમણે એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં. એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય. ધાર્મિક કામ છે, પોતાનું પર્સનલ કામ નથી છતાં મકરાણા જાય, સિલેક્ટ કરે અને કઈ જાતનો મારબલ જોઈએ એ નક્કી કરે, કયો મેચ થશે એ જોઈ લે અને પછી બરાબર ભાવતાલ કરીને લઇ આવે. એમણે દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી, ચોપડી બનાવેલી કે આ બારણું છે, આ માપ જોઈએ, એની પેલી તક્તિ આટલી જોઈએ. એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક ભાઈ હતા, એ જયારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી આ ચોપડી નીકળી એટલે મેં કીધું આ તમારા કામનું. મને કહે, આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે. એટલું બધું ઊંડાણથી બધું એમાં હતું કે, કેટલા પગથિયાં, કેટલું ડિસ્ટન્સ, કેટલી સાઈઝના દરવાજા, એની તક્તિ કેટલી બનાવવી, આરસ કેવો હોવો જોઈએ..બધું જ બધું અંદર લખેલું હતું. એટલે આવી એક ઝીણવટની વાત હતી. એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે યાદ આવે કે સારી રીતે કરવું જોઈએ. શોભે એવી રીતે કરવું જોઈએ, લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ. એ જે sense of excellence એ પિતાશ્રીમાંથી આવેલી.”
આઈ. આઈ . એમ . અમદાવાદ થી લઈને ગુજરાતને સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ અપાવનાર સપ્તક સુધીની સંસ્થાઓને શ્રી પ્રફુલ્લ અનુભાઈની નિપુણતાનો લાભ મળેલ છે.
by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | વિશેષ લેખ |

તબીબી જગત માટે ગૌરવ :: બે સંતો ઉત્કૃષ્ટ તબીબોને નવાજે છે
“ઈશ્વરની નજીક કોણ ગણાય ??” મારો જવાબ છે :: સંતો અને તબીબો.
હા, બંનેમાં અપવાદો છે, પણ આપણે તો સારપ શોધવી છે, પછી શું !?
તબીબો છે તો next to God., તેમાં કોઈ બેમત નથી જ નથી. સારપ સારપને ઓળખે એ ન્યાયે ઉત્કૃષ્ટ સારવાર કરનાર તબીબોનો વાંસો થાબડવાનું સંતો ચૂકતા નથી..
અને અહીં તો સમાજને આખે આખો સ્વીકારનાર દંતાલીના સ્વામીશ્રી સચ્ચિદાનંદજી છે, તો સમાજની આધુનિકતાને શિક્ષિત કરનાર SGVP ના સંત શ્રી માધવપ્રિયદાસજી છે.
પૂજય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને (શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ) આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જતાં જમણાં પગમાં ફ્રેકચર થયું. તરત જ પ્રાચિન અને અર્વાચીન સારવારનો જ્યાં સમન્વય છે તે અમદાવાદના SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ )ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને
ત્યાં તેમનું સફળ ઑપરેશન થયું.
સ્વામીશ્રીને SGVP માંથી રજા આપે તે પહેલાં એ પાવન પ્રસંગ સહજ રીતે સર્જાયો.
સ્વામીશ્રીને ઓપરેશન કરનાર દસ ડૉક્ટરની ટીમને (ડૉક્ટર દીઠ) સાચા રૂદ્રાક્ષની સોનાની એક માળા (જે એક માળા રુપિયા એક લાખ ત્રીસ હજારની થાય .) સ્વામીશ્રી સચ્ચિદાનંદજી તરફથી
સ્વામીશ્રી માધવપ્રિદાસજીનાં દિવ્ય હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવી. હોસ્પિટલના બધા સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પૂજ્ય સ્વામીજીની તબિયત બિલકુલ સારી છે.. તેઓ સ્વસ્થ છે અને પ્રસન્ન છે.
આપણા ચિંતક શ્રી ગુણવંત શાહે વર્ષો પહેલાં કહેલું કે, “ભગવા વસ્ત્રો બે જ સંતોને શોભે છે,, એક) બ્રહ્મલીન અનુબેન (ગોરજ મુનિ સેવા આશ્રમ) અને સ્વામી શ્રી સચ્ચિદાનંદજી (દંતાલી પેટલાદ)” .. ગુણવંતભાઈની વાતમાં હવે બીજા ભગવા વસ્ત્ર ધારી સંતને ઉમેરીએ તો તેઓ છે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી.
તબીબી ક્ષેત્રના સંતોને અધ્યાત્મ જગતના સંતોએ રૂદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરીને ભારતીય સંસ્કૃતિનું આચમન કરાવ્યું છે.
(વિગત+વીડિયો સૌજન્ય બદલ અહોભાવ:: શ્રી અજીતસિંહ પરમાર, કલોલ)
પ્રણામ…હરિ: ૐ… જય સિયારામ
by Bhadrayu Vachhrajani | Dec 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


“જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?”
એક મહાપુરુષને દૂર-દૂર દેખાતા એવા એક પર્વત ઉપર રોજ જવાનું અને રોજ પાછા આવવાનું. એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી, નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું. કોઈ પૂછે તો અડધો જવાબ આપે તે શ્રી રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે, “આ પક્ષી, આ નદી, આ પર્વતો, એ ક્યાંથી આવે છે?”, મહર્ષિએ થોડીવાર પછી જવાબ આપ્યો :: “તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે ?” ‘સાક્ષાત્કાર’ નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. હું માનું છું કે શ્રી રમણ મહર્ષિને કદાચ ભારતના ‘ધ બેસ્ટ ઝેન માસ્ટર’ કહી શકાય.
વિનાયક ભાવે તે આપણા સૂફી ફકીર વિનોબાજી. વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા અને ત્યાં એમણે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, ગાંધીજીએ એની બેસન્ટની હાજરી માં બેધડક જાહેરમાં કહ્યું કે, આ મારું ભારત છે અને જે કાંઈ અહીંયા થશે એ હિન્દીમાં થશે અથવા તો માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કીધું કે, This is international conference, you can’t say like that. બાપુએ કહ્યું કે, You can maintain your stand, equally i have a right to maintain my stand. એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે, આ કોણ છે? અને એને મળવા માટે ઉપડ્યા. અને વિનોબાજીને લાગ્યું કે, ‘મારે હિમાલય જવાની જરૂર નથી કારણ મને બાપુમાં હિમાલયના દર્શન થાય છે.’
પોતાના પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા એ વિનોબા ભાવે. આ વિનોબા ભાવેના ઘરની અંદર મોટું ફણસનું ઝાડ, જેના મોટાં ફળ અને એની પેશી મોટી મોટી હોય. એ ફળ જોઇને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ક્યારે ખાવા મળે. હવે ફળ પાક્યું છે, રોજ સવારે ઊઠીને જોવે ત્યાં એક દિવસ જોવે તો પોતાની મા નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે. બધા બાળકો માની ફરતે ગોઠવાઈ ગયાં. મા એક વાટકી ની અંદર એક પેશી મૂકીને આપે કે, ‘બેટા જા, પહેલો ભાગ તો પાડોશીનો હોય ને !!. તું દેતો આવ એને. જા વિનીયા જા.. દેતો આવ બાજુમાં’. બીજીવાર આવ્યા ત્યારે કીધું, “બેટા જમણી બાજુ દેતો આવ. એણે ફળને રોજ જોયું છે. જોયું છે એટલે એનો અધિકાર છે.” વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યાંથી? એમાં એમણે આ વાત કરેલી કે, મારી માએ મને ત્યારે શીખવ્યું છે કે, બેટા યાદ રાખજે જે દે તે દેવ, અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે, “મારી પાસે જે કંઈ છે તેમાંથી સમાજને અર્પણ કરવું..બસ, એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો.”
આચાર્ય રજનીશ તે ઓશો વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી. હજી ઘણા લોકોને ઓળખાણા નથી. પણ ખરેખર એમ કહેવાય કે, ઓશો એટલે નિજાનંદમાં જીવનારો ભારતીય ઝેન ફકીર. ઈચ્છા થાય કે રોલ્સ રોય્સ ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય, એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડીયાલ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય, અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું તો એ નાખીને ચાલતો પણ થઈ જઈ શકે.. કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી, 1991માં તેઓની વિદાય પછી પણ એટલો જ પ્રભાવક છે. તેઓ પોતાની જાતને ધર્મગુરુ માનતા ન હતા. કારણ એ પોતે જ બધાને રોબ પહેરાવે અને માળા પહેરાવે ને પછી અચાનક કહે કે, કાલથી બધા રોબ કાઢી નાખજો ને માળા કાઢી નાખજો !!! પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂંસી નાખે. ‘કાલથી હું આચાર્ય રજનીશ ની બદલે ઓશો કહેવાઈશ’ એમ તેઓ કહી દે ! તેમના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવે અને કોઈએ ફરિયાદ કરતાં-કરતાં કીધું કે, “ઓશો, આ બધું શું ચાલે છે આશ્રમમાં? શું ચાલે છે આ બધું?” ઓશો એ જવાબ આપ્યો, “પણ એમાં મારે શું ?”, તરત જ પેલા એ કહ્યું, ‘આ બધું તમારાં આશ્રમમાં ચાલે છે..’ ઓશોએ તરત જવાબ આપ્યો, “તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?” ઓશો જેવો ચિંતક કે વિચારક કે જેના પ્રભાવમાંથી આજે કોઈ મુક્ત રહી શક્યું નથી.
पंखी पानी पीनेसे घटे न सरिता नीर, धरम किये धन ना खुटे, सहाय करे रघुवीर. આ નાનકડી પંક્તિમાં મોટો બોધ આપણને આપનાર શ્રી રણછોડદાસજી બાપા વારંવાર કહેતા : ”સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જનસેવા ને લેવું હરિનું નામ”. આ બે પંક્તિની અંદર બધાં ઝેન સૂત્રો આવી જાય કે નહીં ?.
by Bhadrayu Vachhrajani | Dec 15, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


“કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે ગણાધી સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”..જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (01)
પંડિત મોતીલાલનો સ્વર્ગવાસ
આનંદભવન,
અલ્લાહાબાદ,
તા. ૬-૨-૧૯૩૧
પૂજ્ય વલ્લભભાઈ,
ડોસા (પંડિત મોતીલાલ નેહરુ; તા. ૬-૨-૧૯૩૧ને દિવસે લખનૌમાં અવસાન પામ્યા હતા.)
આખરે ગયા ………. છેલ્લે દિવસે બહુ શુદ્ધિ હતી. ખુબ વાતો કરી હતી એટલે ડોક્ટરને લાગ્યું કે તબિયત સુધરવા લાગી છે. એટલે લખનૌ લઈ જવાનો ઠરાવ કર્યો. બાપુની ઈચ્છા નોહતી પણ ડોક્ટરનો વિરોધ ન કર્યો. લખનૌમાં જોયું કે ઈલાજ કરી શકાય એવી સ્થિતિ જ નથી. જો કે ત્યાં પણ છેલ્લે દિવસે સાવધાન તો બહું જ હતા. કેવી ચમત્કારની વાત છે કે આખરી રાત્રે ડોસાએ રામનામ લીધું અને ડોસીને ( પંડિત મોતીલાલનાં ધર્મપત્ની સ્વરૂપરાની નેહરુ) કહ્યું કે ગાયત્રી જિંદગીભર ભૂલી ગયો હતો તે આજે યાદ આવી છે. આ કહ્યા પછી ચાર કલાકે ઊઠી ગયા. લોકમાન્ય અસહકારના આરંભને દિવસે ગયા. ડોસા સપ્રુ (સર તેજબહાદુર સપ્રુ; સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, બંધારણીય બાબતને લગતી વાતચીતો) સાથેની મહત્વની વાતચીતના આરંભને દિવસે ગયા. બાપુ કહે: “ભગવાન મારી કઠણ કસોટી કરી રહ્યા છે.” રાત્રે ગંગા કિનારે પ્રયાગમાં હજારો માણસો ની આગળ બાપુએ સુંદર ભાષણ આપ્યું, જે ટોળાં ઘોંઘાટ કરતાં હતાં તે બાપુ ઊઠવાની સાથે અપાર શાંતિ રાખીને બેઠાં.
જવાહરલાલની હિંમત અને ધીરજનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ડોસીને બાપુ સોડમાં લઈ બેઠા હતા. એમને આશ્વાસનની ખાતર થોડા દિવસ માટે બાપુની હાજરી જરૂરની હોય. હાલ તુરત બાપુને ઈરાદે ઓછામાં ઓછા ચારેક દિવસ અહીં રોકાવાનો છે. ત્યાં સુધી જવાહરલાલ સ્વસ્થ થયા હશે. એટલે એમને પૂછશે કે કેંગ્રેસ કારેબારીની બેઠક ક્યાં રાખવી? તે પ્રમાણે રાખીશું.
સપ્રુ આજે દશ વાગે પહોંચે છે. પછી શું થાય તેની ખબર મને પડશે તે તમને જણાવીશ.
મહાદેવના પ્રણામ
[સરદાર વલ્લભભાઈ પટેલ]
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (02)
જવાહરના કાગળમાંથી
વર્ધા,
તા. ૬-૧૦-૧૯૩૫
પૂજ્ય વલ્લભભાઈ,
જવાહરલાલના સ્વિટ્ઝર્લૅન્ડથી કાગળો આવ્યા કરે છે. તેમાં ઘણુંખરું શ્રી કમલા નેહરુની બીમારી વિષે હોય છે. પણ એક કાગળ બહુ મહત્વનો આવ્યો છે. એગથા હેરિસને એમને વિલાયત જવાનું નોતરું આપેલું અને ત્યાં સંબંધો વધારવા માટે આગ્રહ કરેલો. તેને એમણે સજજડ જવાબ વાળ્યો છે. એ કાગળ એમને અને મહાસભાને શેભાવે એેવો છે. એ અહીં આવીને જોશો. પણ એમનો થોડો ભાગ આપને માટે ટાંકું છું:
“રાજ્યકર્તાઓમાંથી હું કોને શું કહી શકું? હું કોઈના પ્રતિનિધિ તરીકે આવ્યો નથી અને હાલમાં બનેલી ઘટનાઓ સાથે મારો કશો સંપર્ક રહ્યો નથી. જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ. પરંતુ બ્રિટનની સરકારે તેમને જાણીબૂજીને અવમાનવાના કે અવગણવાના ચાળા કર્યા છે. તેમને કે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતની અમે દરકાર કરી નથી. તે છતાં અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”
આ બધું વાંચીને અહીંના કહેવાતા “સોસ્યાલિસ્ટો” તો સળગી ઊઠશે. પણ એમને આ કાગળથી ચોખ્ખું દેખાય છે કે, એ અને આ કહેવાતા “સેશ્યાલિસ્ટો” વચ્ચે આસમાન જમીનનું અંતર છે. એ લોકોનું ભેગું ન ચાલી શકે.
તમારો પ્રવાસ સફળ થયો હશે એવી આશા છે. નવમીએ નીકળો તે પહેલાં આ પહેોંચશે એવી આશા છે.
મહાદેવના પ્રણામ
સરદાર વલ્લભભાઈ પટેલ, મુંબઈ
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
પુસ્તકનું શીર્ષક છે :: ‘બાપુ, સરદાર અને મહાદેવભાઈ’, જે પુસ્તકના કોપી રાઇટ્સ મણિબેન વલ્લભભાઈ પટેલના છે, તે 1977 માં નવજીવન પ્રેસ, અમદાવાદ માં છપાયેલું પુસ્તક લાંબા સમયથી વંચાતું રહ્યું. આ સમય મળ્યો તે જાણે સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર જન્મશતાબ્દી ગ્રંથમાળાનું સંપાદન શ્રી ગ. મા. નાંદુરકરે કર્યું છે. આ ચોથો ગ્રંથ છે. આ પુસ્તકમાં પહેલા ભાગમાં મહાદેવભાઈના સરદારશ્રીને લખેલા કુલ એકસો પચાસ પત્રો છે. ભાગ બીજામાં સરદારશ્રીએ મહાદેવભાઇને લખેલા અઠ્યાવીશ પત્રો છે. ભાગ ત્રીજામાં સરદારશ્રીએ પૂજ્ય બાપુને લખેલા ચોસઠ પત્રો છે અને ચોથા ભાગમાં બાપુના દેહોત્સર્ગ પછી લખાયેલા કુલ બાર પત્રો છે. આમ આ ચોથો ગ્રંથ બસો ચોપન પત્રોને ત્રણસોને પાંસઠ પાનામાં સમાવી લે છે.
આ એક ઐતિહાસિક ગ્રંથ છે અને ઘણા સંશોધકોએ તેનું ઊંડાણથી અભ્યાસ કાર્ય કર્યાનું મારી જાણમાં છે. આ પેઢીની બહુ મોટી દેણ એ છે કે તેઓનું દસ્તાવેજીકરણ અદભુત છે. તેઓ સૌએ અતિ નિખાલસતાથી પોતાના મનની વાતોને સુસ્પષ્ટ રીતે અન્યોન્યને પત્રોમાં વ્યક્ત કરી છે. આજના રાજકીય માહોલમાં આ ગ્રંથ બહુ જ ઉપયોગી નીવડે તેમ છે, જો આપણે ઇતિહાસને મારી મચોડીને વ્યક્ત ન કરવો હોય તો.. ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના સંબંધોને આ ગ્રંથમાંથી ચોખી રીતે તારવી શકાય છે.
અહીં તો કેવળ 1931 અને 1935 માં લખાયેલા બે પત્રો જ ઉદાહરણરૂપે જેમ છે તેમ ઉતારેલ છે. એકમાં નહેરુના પિતાના અવસાન સમયે બાપુની ભૂમિકા ઉડીને આંખે વળગે છે, તો બીજા પત્રમાં જવાહરલાલે વિલાયતના નોતરાંને કેવો જવાબ આપ્યો તે રસપ્રદ બની રહે છે. જવાહરલાલ નહેરુ પોતે ગાંધીજીને ભારત માટે શું ગણે છે તેનું નિખાલસતા ભરેલું સ્વરૂપ અહીં સ્પષ્ટ થાય છે. નેહરુના કેટલાક વાક્યો ફરી તારવીએ તો..
“જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ.”
અને
“અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”
આ બે પત્રો અને તેમાંથી તારવેલા બે અવતરણો આપીને હું અટકી જવાનું પસંદ કરીશ, કારણ કે હાલ જે વિદ્યમાન નથી તેના વિષે જે ગ્રંથસ્થ વાતો છે તેને એમ જ મૂકીને ખસી જવું તેમાં સારપ છે. સમજદારકો ઈશારા કાફી હૈ !!
by Bhadrayu Vachhrajani | Dec 9, 2024 | Gramsetu |

શિક્ષણની અનેકાનેક પ્રવૃત્તિઓને પડદા પાછળથી સઘળો ટેકો કરનાર સહૃદયી સ્વજન
‘૧૯૬૦માં હું જ્યારે અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા વિશે ઝાઝી ખબર ન હતી, પરંતુ Co એકવાર રામકૃષ્ણ પરમહંસનાં પુસ્તકો વાંચ્યા પછી ધર્મ અને આધ્યત્મિકતા પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. સમય જતાં મારી પ્રમા વિચારધારા સંપૂર્ણ બદલાઈ ગઈ. મારી જાતને સુધારવા માટે ધ્યાન અને યોગ શરૂ કર્યાં, પરિણામે મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પછી રમણ મહર્ષિનાં પુસ્તકો વાંચ્યા ને તેમનાં વિચારોથી મારો જીવનપ્રવાહ જ બદલાયો. મારા જીવન ઘડતરમાં તેમના વિચારોથી આમૂલ પરિવર્તન આવ્યું. ભગવાનને હું મારા મિત્ર માનું ૐ નમઃ છું. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર છે, પણ હું પૂજાપાઠ કરતો નથી. કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી. વહેલી સવારે દોઢ કલાક યોગ, ધ્યાનમાં વિતાવું છું. ભગવાન મારા મિત્ર છે તેથી રોજ મંદિરમાં જવાનો નિયમ મેં બનાવ્યો નથી…’ બહુ ઓછું બોલતા અને સતત પડદા પાછળ રહી પ્રવૃત્તિમય રહેતા એક ચોરાણુ વર્ષના જુવાનના આ શબ્દો છે. એમનું નામ ડૉ. રાસબિહારી એન. વકીલ છે. મૂળ વતની એન. સી. વકીલ અને હીરાગૌરી વકીલના ત્રીજા સુરતના સંતાન. પિતાજી બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યના જજ હતા. બદલી થતી રહે તેથી રાસબિહારીજી ધારવાડ, અમદાવાદ, કર્ણાટક, રોહા વગેરે સ્થળે ભણ્યા. પિતા ન્યાયાધીશ એટલે બહુ કોઈને મળે-હળે નહીં. માતા અને ભાંડરુઓના પ્રેમમાં ઉછેર. ડૉ. રાસબિહારી એન. વકીલને સૌ ભાવથી ‘રાસુ’ કહીને બોલાવે. રાસુ વકીલનું જીવન અને જીવકાર્ય વિરલ, પણ પોતે એટલા સીધા- સાદા-સહજ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ S રાસુ વકીલ કેવડી હસ્તી છે?! બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના બીજા જ બૅચમાં સિવિલ ઇજનેરીનું ભણવા દાખલ થયા. કૉલેજની શરૂઆત, સગવડતા ઓછી. રાસુભાઈમાં નેતૃત્વના ગુણો એટલે કૉલેજના જનરલ સૅક્રેટરી બન્યા. કૉલેજ પૂરી કરી ત્યાં પિતાજીએ કહ્યું : ‘મારી પાસે મર્યાદિત બચત છે. કાં તો આ બચતમાંથી નાનો વ્યવસાય શરૂ કર અને કાં એ બચત આગળનું ભણવામાં વાપર. રાસુ તો બૉટમાં બેસી યુ.એસ. ઊપડ્યા. ઘરનાં સૌને ત્રણ મહિને ખબર મળ્યા કે રાસુ સલામત રીતે અમેરિકા પહોંચી ગયો છે! યુનિવર્સિટી ઑફ વિસ્કૉનસીન, યુ.એસ.એ.માંથી માસ્ટર ઑફ સાયન્સ અને પીએચ.ડી. કર્યું. કન્સલ્ટિંગ ઍન્જિનિયરિંગની ન્યૂયોર્ક સ્થિત ફર્મ અમ્મન ઍન્ડ વિટની તથા બર્ન, સ્વિટર્ઝલેન્ડની મૅસર્સ લૉસિન્જર ઍન્ડ કંપનીમાં કામ કર્યું. અમેરિકાનો નિવાસ બાર વર્ષ લંબાયો. ત્યાંથી પરત ભારત આવ્યા ને રાસુભાઈનાં જીવને આધ્યાત્મિક વળાંક લીધો. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ, ટીચિંગ અને પ્રેક્ટિસ એવા ત્રિવિધ મોરચે કાર્યરત થયા. અમદાવાદમાં સ્થાયી થયા અને કસ્તૂરભાઈ લાલભાઈથી પ્રભાવિત થયા, જેના ફળસ્વરૂપે CEPTની સ્થાપના થઈ. અમદાવાદ સ્થિત ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ‘સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નોલોજી’ના ડીન- ડાયરૅક્ટર તરીકે ૨૦૧૨ સુધી રાસુભાઈ વકીલ અવિરત રહ્યા. કહોને રાસુભાઈએ CEPTને પોતાની જિંદગી સમર્પિત કરી. આજે CEPT એ યુનિવર્સિટી છે, જે ફૂલ ટાઈમ અન્ડર ગ્રેજ્યુએટ આર્કિટેક્ચર, અને પૉસ્ટ ગ્રેજ્યુએટ ઍકેડેમિક પ્રૉગ્રામ કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ઇન્ટીરીઅર ડિઝાઇન, લૅન્ડસ્કેપ ડિઝાઇન જેવી શાખાઓમાં ઑફર કરે છે. ૧૯૬૨ થી ૨૦૧૨ સુધી ડૉ. રાસબિહારી એન. વકીલ માત્ર ને માત્ર CEPTમય બનીને જીવંત રહ્યા.
રાસુભાઈ હૉલીસ્ટીક ઍપ્રોચના ભિષ્મપિતામહ પુરવાર થયા. ‘પ્લમ્બિંગ સર્વિસ ડિઝાઇન’ની પરિકલ્પના રાસુભાઈની દેન છે. આઇ.ટી.આઈ.માં પ્લમ્બિંગ સર્વિસને એક વિષય તરીકે દાખલ કરી પ્લમ્બર્સને લાઇસન્સ આપવાની રાસુભાઈની હિમાયત ચોતરફ આવકારપાત્ર બની. માત્ર બાંધકામ જરૂરી નથી, તેનું પ્લમ્બિંગ, તેની વૉટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં પણ યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઇએ તેવું ઝીણું કાંતનારા રાસુ વકીલ છે. તોંતેર વર્ષની ઉંમરે રાસુભાઈએ આઇ.આઇ.એમ., અમદાવાદના નવા કૅમ્પસની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરેલી! ઘણી વિખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઇન ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કલકત્તા અને રાજકોટના સ્ટેડિયમની ડિઝાઇન પણ રાસુભાઈએ તૈયાર કરી. તેઓએ એશિયા અને આફ્રિકામાં પણ ડિઝાઇનિંગનું આગવું કામ કર્યું છે! રાસુભાઈ ‘સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઇ થિન્કિંગ’ના માનવ છે. ત્રીસ વર્ષો સુધી એક જ બ્રિફકૅસ વાપરનાર આ રાસુભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઇનાં લગ્નપ્રસંગમાં જમીશ નહીં, કારણ? લગ્ન જેવા પ્રસંગે થતો બગાડ એમને ગમતો નથી! પોતાને વારસાગત મળતી મિલકત રાસુભાઈએ ન સ્વીકારી તેને એક ટ્રસ્ટમાં જમા કરાવી. જેમાંથી જનસેવાનાં કાર્યો મૂંગા મોઢે કર્યાં. શંખેશ્વર-સમી વિસ્તારમાં ધરતીકંપથી અસર પામેલા લોકો માટે કાર્ય કર્યું. ૨૦૦૧થી શિક્ષણ માટે અમૂલ્ય પ્રદાન કર્યું. આ અસરગ્રસ્ત વિસ્તારોની માધ્યમિક શાળાઓના ધોરણ-૧૦ના પરિણામ સુધારવા, વિજ્ઞાન શિક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવવી, પુસ્તકાલયો સમૃદ્ધ કરવાં, યુવક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવી… ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ‘પિપલ્સ કમિશન ઑન સ્કૂલ ઍજ્યુકેશન’ અંતર્ગત ડૉ. રવીન્દ્રભાઈ દવે, ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, ડૉ. પી.જી. પટેલને આગળ કરી રાસુભાઈએ નક્કર પ્રદાન કર્યું. ૨૦૧૨થી માતૃભાષા સંવર્ધન માટે ‘માતૃભાષા અભિયાન’ ટ્રસ્ટની રચના કરી. આટલું બધું કાર્ય કરવા છતાં રાસુભાઈ કદિ મંચ પર ન આવે, કદિ ભાષણ ન કરે, માત્ર સાથીદારોને જ આગળ કરે. કોઇને ભાગ્યે જ ખબર પડે કે આવડા મોટા પ્રકલ્પને પૂરેપૂરો પોતાના ખભ્ભ તો રાસુભાઈએ ઉપાડ્યો છે! અમદાવાદના ગરીબ વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે ખનગી રાહે સહયોગ અવિરત ચાલે.
રાસુભાઈની સહજતા કેટલી? ‘સેપ્ટ’માં સાથીદારોને પૂર્ણ સ્વાયત્તતા. ‘સેપ્ટ’નાં કૅમ્પસમાં રાત્રે અઢી-ત્રણ વાગે યુવાન- યુવતીઓ ડિઝાઇનની ગહન ચર્ચા કરતા જોવા મળે. પોતાની ઑફિસ ચોવીસ કલાક ખુલ્લી. ટૅબલ ઉપર એક પણ ફાઇલ નહીં. બાળકથી લઇને વૃદ્ધ સુધી સૌ સાથે પ્રસન્નતાથી હળતા-મળતા રાસુભાઈની ખેતી, હૉમિયોપેથી, આયુર્વેદની જાણકારી દાદ માંગી લે તેવી. ગાંધીનગર પાસેના રાંધેજામાં મિત્રો સાથે રહી બનાવેલું ‘સુંદરવન’ રાસુભાઈની ભેટ છે! વૈકલ્પિક તબીબી સારવાર આપી પણ જાણે! અમેરિકામાં વસેલા એટલે તેની સારપ જીવનવ્યવહારમાં ઊતરી. પોતાનાં કપડાં, પોતાનાં વાસણ આજે પણ પોતે જ સાફ કરે. આગળનું જ જોવા ટેવાયેલા રાસુભાઈ માનવની ઊજળી બાજુ જ નોંધે અને એટલે સહજ રીતે જીવંત રહી શકે છે. ચોરાણુ વર્ષના રાસુભાઈ વકીલ તમને આજે ચુમ્માલીસના દીસે, કારણ ભગવાનના માનવ સ્વરૂપમાં રાસુભાઈની અપાર શ્રદ્ધા છે.
by Bhadrayu Vachhrajani | Dec 9, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને ધ મધર ગુરુ પાસે પહોંચ્યા.
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે, આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”
સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’. જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’ મહાવીર સ્વામીએ કહ્યું કે, ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, ‘એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.’ શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની…
by Bhadrayu Vachhrajani | Dec 1, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

“આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે, એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે.”
કહેવાય છે કે રાજા ભગીરથના પ્રયાસોથી ગંગા મૈયા ધરતી ઉપર ઉતર્યા અને તેને પ્રવાહમાંથી શાંત બનાવવાનું કામ ભગવાન શ્રી શંકરની જટાએ કર્યું અને એટલા માટે એને ભાગીરથી ગંગા પણ કહેવાય છે. જે શ્રેય ભગીરથજીને મળ્યું તેવું અને કદાચ તેનાથી બમણું શ્રેય રાજકોટના વિજય ડોબરીયા નામના એક સહજ યુવાનની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ને ફાળે જાય છે. કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું કહેવાનું પસંદ કરીશ કે, વિજય અને સદભાવના દ્વારા બે ગંગા ને પૃથ્વી ઉપર ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે, પહેલી છે વૃક્ષ ગંગા અને બીજી છે વૃદ્ધ ગંગા..! કદાચ રાજકોટનો આ યુવાન ભારત વર્ષ માટે બે મૂંઝવતી ભગીરથ સમસ્યાઓના સમાધાન માટે ખરેખર બે ગંગા ને ભારતની ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ બન્યો છે એમ કહેવામાં કોઇ જ નાનપ અનુભવવાની જરૂર નથી.
એક સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની.. આજે ભૂગોળની દ્રષ્ટિએ રાજકોટ ગુજરાતનું એક સતત પ્રગતિ કરતું શહેર છે અને આ રાજકોટ ગુજરાતના ચાર મેટ્રો માહીનું એક મેટ્રો નગર છે. મેટ્રો નગર નો અર્થ માત્ર તેની ભૌગોલિક વ્યાપકતા અને વસ્તીને ધ્યાનમાં લઈને કરવો એ ખોટનો સોદો છે. રાજકોટ ખેતીમાં, ઉદ્યોગમાં, સંસ્કૃતિમાં, સાહિત્યમાં અને સંત દાતારીમાં સમગ્ર ગુજરાતમાં નોખી ભાત પાડનાર એક રંગીલુ નગર રાજકોટ છે, માટે એમ કહેવાય છે કે, તેમાં એક દિવસમાં બે દિવસ ઉગે છે કારણ કે રાજકોટવાસીઓ બપોરના એક દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરી ઊંઘવાનું પસંદ કરે છે અને ચાર વાગ્યાથી રાજકોટ વાસીઓનો બીજો દિવસ શરૂ થાય છે. આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો, એક દિવસમાં રાજકોટ બમણું થાય છે, બમણું ખાય છે અને બમણું ખવડાવે અને બમણી મોજ મજા પણ કરે છે.
જયારે રાષ્ટ્રને કે રાજ્યને કોઈ પ્રકારની મદદ કરવાની હોય ત્યારે આ શાંતિ પ્રિય નગર પરમ શાંતિથી પોતાના હજારો હાથ લંબાવે છે અને વિપત્તિ કાળમાં સહાયની સરવાણી ગંગા નદીની વિશાળતા થી વહેતી કરે છે. આ રાજકોટ છેલ્લા દસેક વર્ષથી એવા પ્રકારનો એક સંકલ્પ લઈ બેઠું છે કે, 11માં વર્ષે તો રાજકોટનું કણ કણ અને જણ જણ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જાણે કે રાત દિવસ લાગી પડ્યા છે. સમજી શકાય એવી વાત છે કે, નિરાધાર, નિઃસંતાન, અસાધ્ય બીમારીમાં પડેલા વૃદ્ધોને કોણ સાચવે એવો રામ પ્રશ્ન છે.. આ પ્રશ્નનો જવાબ રાજકોટમાં શ્રી વિજય ડોબરીયા નામના એક યુવાને આજથી દસ વર્ષ પહેલાં શોધી કાઢીને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને તેમાં 600 થી વધુ નિરાધાર નિઃસંતાન અસાધ્ય બીમારી વાળા અને જેમની પાછળ વધતી ઉંમરમાં સેવા કરનારું કોઈ નથી એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ ઊભું થયું છે. વિજયભાઈએ તેની 10 વર્ષમાં ત્રણથી ચાર જગ્યાએ મકાનો ભાડે રાખીને 600 થી વધુ વૃદ્ધોને પોતાને આંગણે આધાર આપ્યો છે. આ 600 વૃદ્ધોમાંથી લગભગ 200 પથારીવશ છે, ડાયપરવશ છે અને કોઈકના ટેકાવશ છે. આ બધું જ કામ સદભાવના વૃદ્ધાશ્રમની પરિશ્રમનો પરસેવો પાડતી ટીમ માટે હવે સહજ થઈ ગયું છે.
વૃદ્ધાશ્રમ ચલાવવું એમાં કસોટી તો છે પણ તેમ છતાં ઈશ્વરે જેનું કોઈ રાખ્યું નથી તેવા વૃદ્ધો માટે એક પણ પૈસો લીધા વગર કરુણાભરી સેવા કરવાનો વિચાર પોતે જ ભગીરથ વિચાર છે. એમાં પણ એવું નક્કી થયું કે ભારત વર્ષ માંથી આવા વૃદ્ધો આપણે આંગણે આવે તો આપણે કોઈને ના ન પાડવી પડે તેથી અંદાજે 5,000 વૃદ્ધો રહી શકે તેવું 1,400 રૂમ વાળું અને આને માટે આનુસંગિક બધી જ સેવાઓ કરી શકાય તેવી સગવડતા વાળુ ભવ્ય સદભાવના વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવું. આ સંકલ્પ લઈને વિજયભાઈ ડોબરીયા જેવો યુવાન રાજકોટની ધરતી ઉપર એટલે મક્કમતાથી ચાલી રહ્યો છે કે, આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર ગુજરાત નહીં કદાચ ભારત પણ નહીં વિશ્વજન અવશ્ય નોંધ લેશે કે તેવું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે, જે 30 એકર જમીનમાં 300 કરોડના ખર્ચે સમાજના લોકોના દાનથી ઊભું થઈ રહ્યું છે અને તેમાં પોતાના સત્ય, પ્રેમ અને કરુણાને સાથે જોડવા ત્રિભુવનીય રામકથાના ગાયક સંતવર્ય શ્રી મોરારીબાપુએ એક રામ કથા ‘માનસ સદભાવના’ રાજકોટની ધરતી ઉપર ગાવા માટે સંકલ્પ કર્યો અને તે સંકલ્પ એકદમ ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે લોકોના ઉછળતા હૃદય સાથે અને દાનની વહેતી ગંગા સાથે પૂર્ણ થયો. અંદાજે બસો કરોડ જેવું દાન સદભાવના વૃદ્ધાશ્રમને પ્રાપ્ત થઈ ગયું છે અને હજુ વધુ દાન માટેની પોતાની મનોકામના દાતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો પછી બીજું ઉત્તમ કાર્ય સદભાવના હાથમાં લઈને સતત પ્રગતિ કરી રહ્યું છે અને તે કાર્ય છે ધરતીના પટ ઉપર લીલી છમ ચાદર ઓઢાડવા માટે વૃક્ષોનું રોપણ કરવું, તેને પાણીનું સિંચન કરવું અને ત્રણ વર્ષની અંદર 20 ફૂટ જેટલા વૃક્ષો ઉગાડી આપવાનો સંકલ્પ વિજય ડોબરીયાએ કર્યો છે. આ જુવાન નો ઉત્સાહ જોતા એમ લાગે છે કે, તેમણે સમગ્ર ભારત વર્ષમાં 150 કરોડ વૃક્ષો આ રીતે મોટા કરી આપવાનો જે સંકલ્પ કર્યો છે તેને પાર ઉતરતા પણ ખાસ્સો સમય નહીં લાગે. વિજયભાઈ તો ઈચ્છે છે કે, આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે, એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે. આપણે વિચાર કરીએ કે કેટલો મોટો વિચાર છે, કેવો ભગીરથ વિચાર છે, આવો વિચાર આ જુવાનને આવ્યો ક્યાંથી?
એવું લાગે છે કે, જ્યાં આપણી વિચારવાની શક્તિ પૂરી થાય છે ત્યાંથી વિજય ડોબરિયાના બે સંકલ્પો શરૂ થયા છે. આપણે આપણા ઘરમાં આપણા સગા મા-બાપને પથારીવશ થાય ત્યારે તેમના ડાયપર બદલવા, તેમને સ્નાન કરાવવા કેર ટેકર રાખતા હોઈએ છીએ, આપણી પાસે સમય નથી અને કાં એટલી આપણી તૈયારી નથી. કારણ ગમે તે હોય પણ આપણી સગી મા માટે પણ માણસ રાખીએ છીએ કે જે એને બેસાડે, એને નવરાવે, જેના ડાયપર બદલી આપે, જે એને ચમચી ભરીને મોઢામાં આપે. આ બધું આપણે આપણા માવતર માટે જ નથી કરી શકતા તે સદભાવના વૃદ્ધાશ્રમ અન્ય ના માવતરો માટે કરવાની ટહેલ નાખ્યા કરે છે. ગુજરાતના બધા શહેરોમાં વીજળીના થાંભલા ઉપર સદભાવનાના નામથી બોર્ડ લટકે છે અને એમાં લખ્યું છે કે, ‘અમારે માવતર જોઈએ છે’, હું અને તમે કલ્પના ન કરી શકીએ એવો આ વિચાર છે પણ દસ વર્ષથી આ બંને સંકલ્પોને પાળી પોષીને તરુણાવસ્થા સુધી પહોંચાડનાર વિજય ડોબરિયાને પાકો ભરોસો છે કે, આપણે બંને ભાગીરથી ગંગાને ધરતી ઉપર ઉતારીશું.
સદભાવના વૃદ્ધાશ્રમનાનવા ભવન માં લગભગ 700 વૃદ્ધો માટેની વ્યવસ્થા સાથેનો 11 માળનો એક ટાવર ઉભો થઈ ચૂક્યો છે અને એ ટાવરમાં અતિ આધુનિક ગણી શકાય તેવી સુવિધાઓ છે. હવા અને ઉજાસ સતત આ વૃદ્ધોને મળતા રહે તેની કાળજી સાથેનું રાજકોટ અને ગુજરાતના વિશ્વકક્ષાએ નામ ધરાવતા સ્થપતિ શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ કર્યું છે. કિશોરભાઈ આ પ્રકારના યુનિક ભવનો બનાવવા માટે નામાંકિત છે. આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું બાંધકામ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના એક સમર્થ કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહ્યું છે. વળી આ બધા માટે ચિંતન અને મનન કરવા માટેની એક સક્ષમ ટીમ વિજય ડોબરીયા પાસે છે અને એમનો સ્વભાવ એટલો સારો છે કે, સાચા કામ માટે તે સાચી વ્યક્તિને શોધી શકે છે અને પછી તેના ઉપર પૂર્ણપણે વિશ્વાસ મૂકે છે. રાજકોટમાં પૂર્ણ થવા જઈ રહેલી શ્રી રામ કથા એમનું સાદર ઉદાહરણ છે. જે માણસના સંકલ્પો ઉપર આવી વિશાળકાય કથા થતી હોય તે માણસને ઉદ્વેગ ન હોય, ઉત્પાત ન હોય એવું તો ભાગ્ય જ બને છ..
નવા ભવન ના એક ટાવર ની અંદર નિરાંતે પૂરો સમય આપીને સ્વૈરવિહાર કર્યા પછી અને એટલું કહેવામાં અતિ ગૌરવ છે કે, આ ભવનમાં જે વૃદ્ધો આવીને વસસે તેઓ વૃદ્ધાશ્રમમાં નહીં હોય, પણ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોટેલ જેટલી સુંદર અને આધુનિક સુવિધાઓની વચ્ચે પોતાનું બાકીનું જીવન વિતાવશે. ઝીણી ઝીણી બાબતો અને નાની નાની કાળજી ચિંતા ઉપજાવે તેવા પ્રશ્નોને અગાઉથી વિચારીને તેને પૂર્ણ કરવાની માવજત અને કોઈ વૃદ્ધ આપણે આંગણે આવ્યો છે તોય આપણું માવતર છે અને એને શું શું જોઈશે એ ખૂબ લાંબુ વિચાર્યા પછી આખું આયોજન થઈ રહ્યું છે. તેમાં ભોજનાલય, બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે તેવી હોસ્પિટલ, રીક્રીએશન માટે પણ સુંદર મજાના વિચારોથી ભરપૂર બહુ પરિમાણીય સંકુલ પણ અહીં છે. હાલ બે થી ત્રણ મકાનો ભાડે અને એક મકાન દાતાશ્રી તરફથી બક્ષીશમાં મળેલું છે, એમાં જે વૃદ્ધો અગવડતા વચ્ચે રહી ગયા છે, ત્યારે ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમના જામનગર રોડ વાળા રામપર ગામમાં ઉભા થઇ રહેલા ભવનમાં જાણે નવી જિંદગીઓનો વિહાર એપ્રિલ 2025થી શરૂ થશે, ત્યારે રાજકોટના કપાળમાં એક કાયમી યશ કલગીનું તિલક થશે.
by Bhadrayu Vachhrajani | Nov 24, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.!!!
રાજકોટને આંગણે બાર વર્ષ પછી શ્રી રામકથા થઇ રહી છે ત્યારે જિજ્ઞાસાવશ ઘણા ભાવકો પ્રશ્નો પુછાતા હોય છે. પ્રિય બાપુનો અનુગ્રહ છે કે તેઓએ આપણને પોતાની કરુણા સાથે સાંકળ્યા છે એટલે પૂછનારની પણ અપેક્ષાઓ હોય તે સમજી શકાય. સદભાવના સંસ્થા જે રીતે કથા યોજે છે તે તો બરાબર છે પણ બાપુ કેટલીક કથાઓ કોઈ ઉદેશ્યને લાભાર્થે કરતા હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષાન્તે બાપુએ લોકભારતી સણોસરા ખાતે જે કથા કરી તે એવી કથા હતી કે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેનાર કોઈ યજમાન હતા. હવે તે તો અમેરિકા નિવાસી હતા. એમ જ આદિતીર્થવાસીઓ માટે બાપુએ કરુણા સાથે કથા ખાંડા ખાતે યોજવાનો સંકલ્પ કર્યો તે કથાનું ખર્ચ પણ અમેરિકાવાસી યજમાને માંગ્યું હતું.
પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.
જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં ગણિકા માટેની કથા, કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા, લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો પચાસ હજાર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે, એવો અંદાજ છે.
પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે પચાસ હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં આવે છે. જેમાં યથાર્થ સાબિત થાય એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.
બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુ સલાહ કરે છે. આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે.
બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’ કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ વારંવાર કહે છે. એ કહે ત્યારે આપણને વિચાર ન આવે કે, આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે કે, બાપુએ જે પરિવારને લોક્ભારતીની કથાના અને ખાંડા ની કથાના યજમાન તરીકેની જવાબદારી જેમના શિરે મૂકી તેમણે જે તે કથા પૂર્ણ થાય તે પહેલા બીજી કથા બાપુ ક્યારે આપો છો, એવું પૂછીને વિનંતી કરી !! એક ત્રીજા પુરુષ એક વચન તરીકે હું આ વિગત જાણું છું ત્યારે મને ચોક્કસ લાગે છે કે, બાપુને જેવા યજમાન કે મનોરથી મળે છે તેવા અન્ય કથાકારોને ભાગ્યે જ મળતા હશે.
કથાના આયોજનની આટલી વિગ તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે, આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.
by Bhadrayu Vachhrajani | Nov 17, 2024 | અખંડ આનંદ |

ઝેન એક એવો પંથ છે કે જે ઈશ્વર સાથે સીધો સંપર્ક રાખે છે. ઝેન ગુરુઓની અનેક કથાઓ છે અને ઝેન પરંપરા અનેક દ્રષ્ટિએ અદ્વિતીય છે.સરળતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પામી ગયેલ બુદ્ધપુરુષોની એક વિશિષ્ટ જીવન યાત્રા એ ઝેન છે. જાપાનના ક્યોટો નગરને સૂફીઓના ઉદ્ભવસ્થાન તરીકે સ્વીકારવામાં આવે છે. ભારતની ઝેન પ્રતિભા ગણવી હોય તો કોને ગણવી એવો વિચાર અભ્યાસપૂર્ણ રીતે ખોજીએ તો…??
ઘણા બધા વ્યક્તિત્વ યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને અહીં રજૂ કરું. કોઈ ક્રમ નથી જાળવ્યો. સહજતાથી સ્મરણ માત્રેણ જેમ આવ્યું તેમ રાખ્યું છે.
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’, (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?” સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’ જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે?? મહાવીર સ્વામીએ કહ્યું કે, તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું. આ સમાનુભૂતિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
આમ જુઓ તો, ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું. શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
by Bhadrayu Vachhrajani | Nov 10, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


‘આપણા’ કવિવર શ્રી રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે…..
કોરોના કરતા પણ કોઈ રોગ વધુ દર્દનાક અને જીવલેણ હોય તો તે છે કેન્સર !! વર્ષ 2022માં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચૌદ લાખ, એકસઠ હઝાર ચારસોને સત્યાવીશ હતી , જેમાં સાત લાખ ઓગણપચાસ હઝાર બસો એકાવન કેવળ સ્ત્રીઓ હતી !! અરે, 2025માં આ સંખ્યા વધીને પંદર લાખ સિતેર હઝાર થવાની સંભાવના છે. !!
આપણે કેન્સરના દર્દીને મીઠાં વચનો કહીએ, ‘કેન્સર એ કેન્સલ નથી’, તેવી હકારાત્મક વાતો કરીએ પણ વાસ્તવમાં કેન્સરના દર્દીઓ દસ ઘરમાંથી ચાર થી પાંચ ઘરમાં છે, તે હકીકત સ્વીકારવી પડે તેમ છે. તબીબી વિજ્ઞાન અનેક મથામણો કરી રહેલ છે, પરંતુ દિવસનો સુરજ આથમે ત્યારે પ્રત્યેક દર્દીને પોતાનો સુરજ આથમતો દેખાય છે, એ મનોવ્યથાને કેમ અવગણી શકાય ?? ‘મને કેન્સર છે’, એવું જાણવાથી જ મને આજે નહિ તો કાલે દુઃખદ ટ્રીટમેન્ટનો રાજમાર્ગ દેખાવા લાગે છે અને સતત એક ભયની તલવાર લટકતી હોય છે કે, પ્રયાસ કરીએ પણ અંત તો આ કેન્સર લાવશે.!!
બહુ બધી શોધો થઇ રહી છે, કીમો થેરાપી હવે થોડીક સહ્ય બની છે, પણ સર્જરી-કીમો થેરાપી-એડવાન્સ્ડ થેરાપી-રેડિએશન- એમ એક પછી એક સારવારનો હુમલો તમારા પર તબીબી જગત કરે છે અને તમે તેના મૂક પ્રેક્ષક બની રહો છો..!! મધ્યમ વર્ગના માણસની જિંદગીભરની કમાણી ધોવાય જાય એટલી મોંઘીદાટ સારવાર ભલભલાના હાંજા ગગડાવી નાખે છે. અરે, સમજદાર વ્યક્તિ તો આ દવાખાનાના વાતાવરણને જોઈને જ હારી જાય છે. અને એમાંય કોઈ ભણેલ ગણેલ સંગીત કે સાહિત્ય કે સંસ્કૃતિનો ચાહક કેન્સરના ખાટલે પડે પછી તો તેની દશા અસહ્ય બની જાય છે, અન્ય માટે જ નહિ પણ ખુદને માટે પણ…બસ, આ દશાને તાદ્રશ્ય કરતું નાટક તે ‘કોશેટો’.
રાજકોટમાં ચાલીશ ટકા ખાલી બેઠકો વચ્ચે ભજવાયું નાટક ‘કોશેટો’. પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` હેમુ ગઢવી થિયેટરમાં ભજવાયું. આવા સંવેદના થી સભર વિષય પર કોઈ નાટક બનાવવાનું વિચારે તે જ હું વિચારી નથી શકતો. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે ઉપસ્થિત પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને ઝીલ્યું.
કોઇ એક વ્યક્તિને કેન્સર ડીટેકટ થાય ત્યારથી લઈને એ વ્યક્તિ પોતાને કેન્સર છે એ સિવાયનું બધુ જ ભૂલી જાય પણ એને યાદ રહે, ફક્ત રમેશ પારેખની કવિતાઓ.! નાટકની શરૂઆતથી અંત સુધી જેમણે રમેશ પારેખ તરીકે મંચ પર જોવા અને સાંભળવા ગમે એવું કાસ્ટીંગ એટલે અત્યંત અનુભવી છતાં ખૂબ સરળ અભિનેતા એવા દર્શન જરીવાલા. પ્રોફેસર પરિમીતી શાસ્ત્રીનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેત્રી સેજલ પોંદા પોતાના અભિનયથી પોતાની અને પ્રેક્ષકની આંખોમાં આંસુ અને હ્રદયમાં ભીનાશ મૂકી જાય છે.
રમેશ પારેખ કેવી હસ્તી હશે કે જેની કવિતાઓ કોઈ દર્દીને સધિયારો આપવામાં ઉપયોગ થઇ શકે તે આ નાટકમાં ફળીભૂત થયું. પ્રિય મોરારીબાપુ તો ર.પા.ને ‘કશુંક ભાળી ગયેલો કવિ’ કહેતા. બાપુનું આ કથન શબ્દે શબ્દે અને દ્રષ્યે દ્રષ્યે અનુભવાયું ‘કોશેટો’ નાટકમાં !! ઓપરેશન થિયેટર ના લીલા પડદા પર ર. પા. ના શબ્દો વંચાય અને પડદો ખુલે….
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે,
લીલ્લો ધમ્મર નાગ જીવ ને અનરાધાર કરડે રે, વરસાદ ભીંજવે !!
ગુજરાતી હો અને ગુજરાતી સાહિત્ય સાથે ટીપાં જેટલો નાતો હોય તો આપણને રમેશની કવિતા અચૂક ભીંજવે. રમેશ પારેખની કવિતાના શબ્દો દર્શન જરીવાલા કે જેને છેલ્લે તો કેન્સરની દર્દી પ્રા. ડો. પરિમિતા શાસ્ત્રીમાં પોતાની કાવ્યરાણી ‘સોનલ’ દેખાય, ત્યારે હલી જવાય !! કવિતાના શબ્દો અને જીવાતું પાત્ર એકમેકમાં ભળી જાય ત્યારે સર્જાય એક એવું આકાશ કે, જેમાં કેન્સરના વિષાણુઓનું નૃત્ય દેખાય !!
કવિતાપ્રેમી અધ્યાપક પરિમિતા શાસ્ત્રી કેન્સરની પેશન્ટ બને ત્યારે રમેશ પારેખની કવિતાઓ તેને સતત લડી લેવાના મૂડમાં રાખે છે,,પણ જીવનને અંતિમ વાસ્તવિકતાથી સહેજ પણ દૂર ખસેડી શકાતું નથી. અને એ જ સત્ય છે. “મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે..” આ સર્જનની ફિલસુફી તો કવિ અને કવિની સોનલ જ સમજી શકે. અનેક ટ્રિટ્મેન્ટ અને અનેક ટ્રીટમેન્ટના નામે અખતરાઓથી કંટાળી જનાર દર્દીને જાણે કંટાળી જવા તબીબી જગત પ્રેરતું હોય તે વાસ્તવિકતાને રંગમંચ પર બહુ જ સૂક્ષ્મતાથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. ડોક્ટરને મન તો પરિમિતા એના રિસર્ચનું એક પાત્ર છે અને કવિને મન જીવનનું એક જીવંત સર્જન. બંને વચ્ચેની વણકથી લડાઈ દર્દીને હંફાવી મૂકે છે ત્યારે રમેશ પારેખ પોતાની કવિતા એક અદભુત કંઠથી બોલે છે…
“આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે…
…થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે…”
કવિશ્રી રમેશ પારેખની લગભગ દસ કવિતાઓનો સહારો લઇ જન્મ-જીવન-વેદના અને વિદાયની કેડી સર્જતું નાટક ‘કોશેટો’ દર્શકોને આંગળી પકડીને વાસ્તવિકતાની કેડી પર દોરી જાય છે. તખ્તાનાં માહિર બે પાત્રો દર્શન જરીવાલા અને સેંજલ પોનદા કોશેટોને તોડી બતાવવામાં સફળ રહે છે અને નાટકને મૌનના સાનિધ્યમાં મૂકી આપે છે. કોશેટો બહુ પોતીકું લાગ્યું કારણ કે, સભાખંડની આગલી હરોળમાં જ કવિ રમેશ પારેખના ધર્મપત્ની રસીલા પારેખ અને દીકરો નીરજ પારેખ ઉપસ્થિત હતાં. બોલો, આ ભાવાવરણમાં રમેશના ભણકારા જ વાગે ને !?!
by Bhadrayu Vachhrajani | Nov 5, 2024 | જનકલ્યાણ |

બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીત સેઠી . આપણને સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠીના જીવનની કેટલીક કસ્મકસ વાળી ઘટનાઓ જાણવાનું રોમાંચક બની રહેશે.
શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ. એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું.
ભાગ્યએ અચાનક કરવટ બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે, તરુણોને પણ બિલિયર્ડ શીખવો કે જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને તે ઉમરે તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી પણ 1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!!
અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે
વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ
રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.
પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં આવી જવાને બદલે ગીત તેનો પડકાર રૂપ સામનો કરે છે, અને ગીત ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રી ગીત સેઠીના જીવનની આ ઘટનાઓ આપણને શીખવે છે કે, જે હારે તે શીખે છે તો ફરી જીતે છે.
by Bhadrayu Vachhrajani | Nov 3, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની
ભારત વર્ષ માટે સંવત 2081 નો આરંભ થઇ રહ્યો છે ત્યારે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે, સમગ્ર વિશ્વ શાંતિ માર્ગે વળે અને સર્વે જીવોનું કલ્યાણ થાય.
નવલ વર્ષનો પ્રથમ લેખ આપણને ભારત વર્ષના બુદ્ધ પુરુષો તરફ ખેંચી જાય છે. પ્રથમ પ્રભાત તો બુદ્ધ પુરુષના સાનિધ્યમાં જ વિતાવીએ ને !!
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે, આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”
સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’. જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’ મહાવીર સ્વામીએ કહ્યું કે, ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, ‘એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.’ શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
આજથી સમાનુભૂતિ અને ધ્યાન સહજતાથી પામીએ તેવી શુભકામના.
by Bhadrayu Vachhrajani | Oct 27, 2024 | Articles |


મૂળ રાજકોટના પણ ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો તેના સાક્ષી સેવાકર્મી અરુણભાઈ બુચની વિદાય..
એક નાનકડી ઘટના છે.
એક નાની ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્ત્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા ફરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા.
બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી.’
કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું: ‘ભાઈ! મને ખબર જ હતી કે ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ને? આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારૂ છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?
… આટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ મીઠી નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ચર્ય સાથે આ જોઈ રહ્યો.
અરુણભાઈ બુચ ટેકરી પર સવાર-સાંજ ખભે કાવડ લઈને ચડ ઊત્તર કરનાર આશાવાદી નોકર છે. જેના માલિક શ્રી ભુવનેશ્વરી છે. એમણે જિંદગી કાઢી આ પાણી સીંચવામાં, ભાર ઉલેચવામાં, સેવા અને કરુણાની ખેતી કરવામાં. એમના ખભે એક ઘડો ફૂટેલો હતો અને એની એમને ખબર હતી. અરુણભાઈએ સેવાના એ ઘડાના નાનાં છિદ્રમાંથી કરુણાને ટપકવા દીધી અવિરત, સતત. પરિણામે અરુણભાઈની જીવનયાત્રાના માર્ગ પર સુગંધીદાર અને રૂપકડાં ફૂલો સહજતાથી ઊગી નીકળ્યાં…. એમને તો ‘માલિક’ને ખુશ કરવાના ઉપક્રમ હતો. ‘માલિક’ની ખુશીમાં ખુશ રહેવા ટેવાયેલા અરૂણભાઈ બુચ ફૂટેલો ઘડો બદલવા તૈયાર ન હતા અને કાવડ ઊંચકી પાણી ‘માલિક’ સુધી પહોંચાડવા સિવાયનું કોઈ કામ કરવા ઉત્સુક નથી.
ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ એટલે કે ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો ત્યારથી એના પૂર્વજ અને અરુણોદય થાય ત્યારથી સતત સમાજ અને સંસ્કૃતિની સેવામાં પોતાનું જીવન વિતાવનાર સાચા સેવક શ્રી અરુણભાઈ બુચે 90 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યા ના સમાચારથી જુના સેવાદળ વખતના અને ગાંધીનગરના નગરજનોમાં ગ્લાનિ વ્યાપી છે.
અરુણભાઈ બુચ એટલે ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ. ગાંધીનગરની આ એકમાત્ર એવી સંસ્થા કે જેની સ્થાપના થઈ ત્યારથી પોતાના જીવનના અંત સુધી શ્રી અરૂણભાઇ બુચ તેના પ્રમુખ રહ્યા. તેમણે ગાંધીનગરના નાગરિકોના પ્રશ્નોને અને સમસ્યાઓને પત્રો અને પ્રેસ નોટના માધ્યમથી વાચા આપવાનું કાર્ય કર્યું. ગાંધીનગર વાસીઓની કેટલીય તકલીફોનું ન કેવળ હંગામી નિવારણ પણ પાછળ પડી જઈને તેનું કાયમી નિરાકરણ લાવવાનું કામ એમણે કર્યું છે.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસની ફ્રિકવન્સી વધારવાની વાત હોય કે પછી શાક માર્કેટમાં સ્વચ્છતા ની વાત હોય કે ગાંધીનગરના રેલવે સ્ટેશન ને જીવતું કરવા માટે અને નવી ટ્રેનો ફાળવવા માટેની વાત હોય કે અંતિમધામમાં સુવિધા માટેની વાત હોય ગાંધીનગરનો એક પણ પ્રશ્ન એવો નહોતો કે જેમાં અરુણભાઈનો પત્ર અથવા રજૂઆત પહેલી ન રહી હોય. તેઓએ પોતાના જીવનના બધા જ વર્ષો સચિવાલયમાં જ વિતાવ્યા. તેઓને લિમ્કા બુક્સ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું, કારણ કે તેઓ લગભગ 36 વર્ષ સુધી જુદા જુદા મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા અને તેના ફળ રૂપે ગાંધીનગરને પાયાની સુવિધાઓથી ભરચક કર્યું.
અરૂણભાઇ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઉઘાડા પગ વાળા લોકોને સ્લીપર અને ચપ્પલ પહેરાવતા પણ મળે અને ગરીબ અથવા તવંગરના સ્વજનોના દેહવિલય પછી તેના અસ્થિઓને હરિદ્વાર મોકલી પાવનવિધિ કરાવીને તેનું વિસર્જન કરતા પણ મળે. એમ કહેવાય કે શ્રી અરુણભાઈ બુચ એ હાલતી ચાલતી એવી વસાહત હતા કે જેને કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ સોંપી શકે. એક ઐતિહાસિક બાબત એ છે કે, એમની પાસેથી ગાંધીનગરના વિકાસ માટે એટલે કે 1965 થી જે કંઈ વિકાસ થયો એ બધા જ તબક્કાઓની ફાઈલો ઉપલબ્ધ રહેતી. પોતે એટલી બધી નોંધ કરે, પોતે સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે નોકરીની શરૂઆત કરેલી ત્યારથી ગાંધીનગર વિશેની ઝીણામાં ઝીણી માહિતી અરુણભાઈના આંગળીના ટેરવા ઉપર હોય. ગાંધીનગર અને પેથાપુર ની વચ્ચે આવેલી જીઈબી કોલોનીના ગેસ્ટ હાઉસની ઈમારત એ ગાંધીનગરની સૌથી પહેલી ઈમારત છે એવું તેમના સાથી હિરેન ભટ્ટ નોંધે છે. તેના પરથી ગાંધીનગરનો સ્થાપના દિવસ ઉજવવાની વાત ગાંધીનગર સમક્ષ સૌપ્રથમ શ્રી અરુણભાઈએ મૂકી હતી.
તેઓ વર્ષો સુધી એટલે કે લગભગ લગભગ પોતાના જીવનના ચાલીસેક વર્ષો સેક્ટર 16 માં રહ્યા, પરંતુ પોતાના નિવાસ્થાનમાં ખસેડાયા પછી પણ વર્ષો સુધી અરૂણભાઇની રાત્રી બેઠક બરાબર 9:30 વાગે સેક્ટર 16 માં મળે, મળે અને મળે, ત્યાં રજૂઆત કરનારા પણ હોય અને હળવાશ કરનારા પણ હાજર હોય. ગાંધીનગરના ઇતિહાસના પાનાઓ પરથી ધૂળ ખંખેરનાર એક ધૂળ ધોયા વ્યક્તિની વિદાયથી ગુજરાતને ભારે ખોટ પડી છે. ગાંધીનગર નો ઇતિહાસ ભલે 58 થી 60 વર્ષ જૂનો છે, પણ આજે કંઈ પણ લખવું હોય તોય આવનારી પેઢી માટે અરુણભાઈ પોતાની ફાઇલોમાં લખીને ગયા છે. કોઈપણ રાજ્યપાલશ્રી હોય કે કોઈપણ મુખ્યમંત્રી હોય કે કેબિનેટના જુદા જુદા પ્રધાનો હોય એમની સાથે છેલ્લા લગભગ 60 વર્ષથી એક હૃદયનો નાતો.
આપણે બધા ફૂટેલા ઘડા જ છીએ. જો ભગવાનને આપણી જાતનો એની ઈચ્છા મુજબ ઉપયોગ કરવા દઈએ તો એ એવો માસ્ટર છે કે, આપણા અસ્તિત્વમાં રહેલી ખામીઓની મદદથી પણ સુંદર ફૂલો ભરેલો બગીચો બનાવી જ દેશે ! અરુણભાઈએ પોતાની જાતનો યથાર્થ ઉપયોગ કરવાની છૂટ ભગવાનને આપી તેથી તેઓ સહજ આનંદમાં મસ્ત અને વ્યસ્ત એ જીવનભર રહ્યા !! ગાંધીનગરના આ આદિ-વાસી અરુણભાઈ બુચને કર્મ-અંજલિ અર્પણ કરાવી રહે.
by Bhadrayu Vachhrajani | Oct 27, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

‘ગાંધી ગ્રામજીવન પદયાત્રા’ એટલે… વિદ્યાપીઠના અધ્યાપકો+સેવકો+છાત્ર છાત્રાઓ:: 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ, રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓ !!!
મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા તે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ. ખુદ ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદ પર જીવનના અંતિમ દિન સુધી એટલે કે સત્યાવીશ વર્ષ રહ્યા. ત્યારબાદ સરદાર પટેલ પોણા ત્રણ વર્ષ અને ડો. રાજેન્દ્રપ્રસાદજી પોણા બાર વર્ષ ચાન્સેલર રહ્યા…એ વિદ્યાપીઠ પોતાની સ્થાપનાના એકસો પાંચમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે ફરી એકવાર વિદ્યાપીઠે સર્વાંગ રૂપે નવા અને રચનાત્મક કલેવર ધારણ કરી રહેલ છે, તેનો આનંદ સૌએ લેવા જેવો છે.
જેમ માણસને ઉમર લાગે તેમ સંસ્થાને પણ વૃદ્ધાવસ્થા આવતી હોય છે અને સંસ્થા પોતાના ભારથી જ બંધ થવાની અણી પર હોય છે અથવા મરવા વાંકે જીવતી હોય તેવો સમય આવે છે. વિદ્યાપીઠ આ બાબતમાં બાકાત ન રહી શકી. ગાંધી અને ગાંધીના મૂલ્યોની વારંવાર દુહાઈ દેનારા શાસકો જ પઠાર (stagnation)નો ભોગ બન્યા અને પોતાની કુંઠિત સત્તા માટે ચોટડુક બની રહ્યા ત્યારે ઈશ્વરે વિદ્યાપીઠનો કાયાકલપ કરવાનું નક્કી કર્યું. જેઓ ગાંધીથી દૂર સુદૂર છે તેવો જેના પર આક્ષેપ કરવામાં આવતો હતો તે સરકારી શાસકોના હાથમાં વિદ્યાપીઠનું સુકાન સોંપાયું. દલીલ એવી થઈ કે, વિદ્યાપીઠ આંચકી લેવામાં આવી, પણ હકીકત તો સદંતર ઉલ્ટી હતી. ગાંધીના લૂગડાં પહેરી ગાંધીજન કહેવડાવતા હતા તેઓ જ ચાંદીના થાળમાં મૂકીને વિદ્યાપીઠનું નાળિયેર હાલના રાજ્યપાલશ્રીને અર્પણ કરતા આવ્યા !!
જે થાય તે સારા માટે કે, વ્યક્તિગત રીતે હાલના રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી, ગામડા, ગાય, ગામ પોશાક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના પ્રખર હિમાયતી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સુકાન સંભાળ્યું . ગાંધીજીને ગમી જાય તેવા આચાર્યજી ગુરુકુળ સ્થાપના અને સંચાલનમાં માહિર છે. હા, તેઓ ગઈકાલના ગાંધીજનોની જેમ કેવળ ‘ગાંધી ગાંધી’ માળા જપી પોતાનો રસ્તો સુંવાળો કરનાર નથી, પણ પાયાના કર્યો કરીને ગાંધીજીના આત્માને શાતા આપનાર છે.
સોનામાં સુગંધ ભળે તેમ વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે જેનું લોહી કશુંક દોડતું કરવા થનગને છે તેવા યુવા શિક્ષક ડો. હર્ષદ પટેલની પસંદગી થઈ. ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ઉપરના લોકોએ સીધો હસ્તક્ષેપ કર્યો હોવાથી આ બધું ‘ગોઠવી શકાયું’. ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’, જેવો સુમેળ સધાયો અને કેવળ આઠ જ મહિનાના કાર્યકાળમાં ગુજરાત વિદ્યાપીઠે સંપૂર્ણપણે નવાં ને રૂપકડા અને છતાંય પાયાના ગાંધી મૂલ્યોનો માર્ગ પકડ્યો. અગાઉ વિદ્યાપીઠ કાર્યાલયમાંથી વડીલો ચલાવતા એટલે કોઈના સુઝાવને સ્થાન ન હતું, હવે તો કુલાધીપતિથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી પણ કાર્યરત બનેલ છે અને વિદ્યાપીઠનું કણેકણ ધબકતું બનેલ છે. હૃદય રોગના દર્દીને બાયપાસ કરાવીએ અને પછી જે સ્ફૂર્તિથી એ જીવવાનું શરુ કરે છે, બસ એવું જ વિદ્યાપીઠના કિસ્સામાં બન્યું છે. સંસ્થાની પણ સમય આવે બાયપાસ સર્જરી કરતા રહેવું પડે. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ બાયપાસ પછી પુર્જીવિત થયાના ઉદાહરણો આજે પણ છે. અને જે અંગત રીતે ‘જીવી જવાશે ને હું એકલો સંસ્થાને જીવાડી શકીશ’ એવા ભ્રમમાં જે રહે છે તેની પાસે તો ભગવાન પણ લાચાર !!!
ગુજરાત વિદ્યાપીઠના એકસોને પાંચમાં સ્થાપના દિવસે વિદ્યાપીઠના પ્રાણ સમાન શ્રી પ્રાણજીવન છાત્રાલયના ધ્વજદંડ પરથી ધ્વજ લહેરાયો અને વિદ્યાપિઠીય પ્રતિજ્ઞા સૌએ ખુલ્લા અવાજે લીધી ત્યારે પિસ્તાળીશ વર્ષ પછી આ કાર્યક્રમ ફરી થઈ રહ્યાનો આનંદ સૌના ચહેરા ઉપર છલકતો હતો. વિદ્યાપીઠ પરિસરમાં હકીકતે હેરિટેજ વોક કરવા જેવું છું, એવો અછડતો ઉલ્લેખ અગાઉ કુલપતિ પાસે થયેલો અને સ્થાપના દિને એક ઈલેકટ્રીક ઓપન કારમાં બેસીને વિદ્યાપીઠના ત્રેવીસ પવિત્ર સ્થળોની વોક ગોઠવાઈ ગયાનું જાણ્યું. હા, આ કાર અને બીજી બે કાર પણ વિદ્યાપીઠમાં જ એસેમ્બલ થશે.!!
વિદ્યાપીઠ જીવનનો એક ઉમદા અનુભવ તે ગાંધી ગ્રામજીવન પદયાત્રા. 2007માં પૂર્વ કુલાધિપતિ અને ગાંધીના ખોળે મોટા થનાર શ્રી નારાયણભાઈ દેસાઈ દ્વારા આનો આરંભ થયો. છાત્રોનું પાયાનું ઘડતર આ એક સપ્તાહમાં થાય છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જયારે એકબીજાને મળે ત્યારે પદયાત્રાને વાગોળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંગત રસ લઈને વિદ્યાપીઠના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામે ગામ પ્રાકૃતિક ખેતીની વાતને પહોંચતી કરવાનું આયોજન કર્યું. તા. 21 થી 26 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો અને છાત્રો મળીને 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓમાં ગ્રામ સંપર્ક કરી પ્રાકૃતિક ખેતી-તેના ફાયદાઓ-તેની યોગ્ય પદ્ધતિઓ અને તેમાં ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ વિષે નિદર્શન કરી સમજાવે, એવું સુંદર આયોજન થયું. વિજ્ઞાનીઓ અને અધ્યાપકોએ સાથે મળી તૈયાર કરેલ ‘અન્નધેનુ કીટ’ નું વિતરણ પણ કરી રહ્યા છે.
કેન્સરના દર્દી હવે દર ત્રણ ઘરે એક છે, તેવું તબીબી જગત કહે છે ત્યારે, કેમિકલયુક્ત કશું પણ આપણા શરીરમાં ન જાય તેની કાળજી તરફ આપણે સૌએ વળવું પડશે અને વિદ્યાપીઠની પદયાત્રા તે માટેની જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે.
by Bhadrayu Vachhrajani | Oct 22, 2024 | જનકલ્યાણ |

વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષ કે જેનો અતૂટ નાતો વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા.
“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે, “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે, તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો. એવા લેબલો મેં ભેગા કર્યા.”
“બીજી વાત કે એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ હતો. એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસ બોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.”
હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો. પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવી ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે પીંછીથી બોર્ડ પર પોસ્ટર દોરતા.…. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ. પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે.
પણ દસમાંના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એ મિત્ર અને તેમની સાથે વડોદરાના એક ભાઈ આવ્યા, જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું, ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે, ‘એને ફાઈન આર્ટમાં મુકો ને,’ તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ વડોદરામાં છે.’ મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે એટલે પ્રોસ્પેક્ટ્સ મંગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી. મેં કહ્યું કે, મારે આમાં જ ભણવું છે, બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે, તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં) તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો. આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી પાંચ વિષયોની એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો, કારણ કે ઇંગલિશ મારું બહુ જ કાચું હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે, આવું તો નહીં ચાલે. મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ મળ્યો કે, હિન્દી આવડે તો હિન્દીમાં લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે એટલું તો હું પીકઅપ કરી લઈશ, પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”
by Bhadrayu Vachhrajani | Oct 12, 2024 | Gramsetu |


શિક્ષક થવું હોય તો બી.એડ્. થવું પડે. એન. એચ. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, આણંદમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું. ઍડમિશન માટે પ્રિન્સિપાલ પટિયાલસાહેબે ઇન્ટરવ્યૂ લીધો, પિસ્તાલીશ મિનિટ લાંબો. મિત્રની અદાથી પ્રશ્નો પૂછ્યા. શોખ ગાવાનો છે એવું જાણ્યું તો વિજયને કહ્યું : કશુંક ગાઓ ને! હરિવંશરાય બચ્ચનની રચના ‘દિન જલ્દી જલ્દી ઢલતા હૈ’ સૂરબદ્ધ રીતે રજૂ કરી. પૂછ્યું : સ્વ૨૨ચના કોની છે? વિજ્યે નીચું જોઈ હસતાં હસતાં જવાબ આપ્યો : “ખુદકા કૉમ્પોઝિશન હૈ!’ હિન્દીમાં જવાબ સાંભળીને તેની વાતો શરૂ થઈ. છઠ્ઠા-સાતમા ધોરણમાં વિજયે હિન્દી દૂસરી-તિસરી પરીક્ષા પાસ કરેલી. પ્રેમચંદજીની ગોદાન’ અને ‘ગબન’ તો નાનપણમાં વાંચેલ. સિયારામશરણ ગુપ્તની નવલકથા ‘નારી’, ફણીશ્વરનાથ રેણુની ‘વહ ફિર નહીં આઈ’ અને મોહન રાકેશની ‘આષાઢકા એક દિન’ વાંચીને વિજય નામધારી યુવાન કેટલીયવાર રહ્યો છે. પ્રવેશ આપતા પહેલાં જ પટિયાલસાહેબને સમજાયું કે આ ભાવિ શિક્ષકે બે કામ કર્યાં છે : વાંચવાનું અને ટેબલ ટેનિસ રમવાનું… બી.એ.માં અંગ્રેજીના મૅથડ માસ્ટર મળ્યા પ્રા. હરેન્દ્રભાઈ પટેલ. એમણે વિજયને ઉઘાડ્યો, જબરું તાદાત્મ્ય સર્જ્યું. વિજયે અંગ્રેજી કંઈ બહુ શોખથી નહીં રાખેલું… અને આમ પણ સાયન્સમાં ભણવા બેઠેલા વિજયભાઈ હારીને આર્ટ્સમાં આવેલા. હિન્દી ફેવરીટ સબ્જેક્ટ પણ મોટાભાઈ ૨મેશભાઈ સેવકે અંગ્રેજી રખાવ્યું.
નવનિર્માણ આંદોલનને કારણે વગર પરીક્ષાએ આગળ વધેલા વિજયે એસ.વાય. અને ટી.વાય. આણંદ આર્ટ્સ કૉલેજમાં કર્યું. અહીં મળ્યા સ્કૉલર અને સાહિત્યકાર એસ. વી. નાડકર્ણીસાહેબ. તેમણે વિજયને બોલતો કર્યો. જબરું ટ્યુનિંગ. વિક્ટોરિયન ઍઇજ પરનું સાહિત્ય અસાઇન્મેન્ટમાં સોંપ્યું. તેમાં ખૂબ મહેનત કરીને વિજય સેવકે જ્યારે તેની પ્રસ્તુતિ કરી ત્યારે નાડકર્ણીસાહેબને એ થયું ‘ક્લિક લાઇક ઍનિથિંગ… અહીંથી વિજય ઊંચકાયો. ગિરીશ કર્નાડના શિક્ષક અને હયવદન’ની પ્રસ્તાવના લખનાર પ્રો. કુટંકોટીસાહેબ બે દિવસ અહીં આવ્યા અને એમનામાં વિજ્યને રંગદેવતાનાં દર્શન થયાં… આટલો ઍક્ટિવ વિજય પરીક્ષાના પરિણામમાં પાછળ. ગોખવાનું ગમે જ નહીં. મમ્મીએ નાનપણમાં જાતે મૌલિક જવાબ લખવાનું શીખવેલું. સ્નાતકનાં છેલ્લાં વર્ષમાં માર્ક્સ લાવવા માટે વિજયે જરૂરી બાર પ્રશ્નો ગોખ્યા. પછી પરીક્ષામાં ઑક્યા અને ત્યારે પચાસ ટકા પહોંચાયું. પણ ભણવાથી કંટાળેલ એટલે એમ.એ. ન કર્યું. વાંચવાનો શોખ એટલે વડોદરામાં લાઇબ્રેરી સાયન્સ શરૂ કર્યું. ડાકોરથી અપડાઉન અને શારીરિક તકલીફને લીધે તે કોર્સ પૂરો ના કર્યો. ઘરનાં નારાજ અને વિજ્ય હતાશ. ઘરમાંથી જૂનાં જૂનાં પુસ્તકો કાઢી વાંચ્યાં. એમાં ભાઈએ એસ.ટી.સી. કરેલું તેનાં પુસ્તકો હાથ લાગ્યાં ને તે વાંચતા જ વિજયમાં સૂતેલો શિક્ષક જાગ્યો અને તેમાં મળ્યા પ્રિ. પટિયાલસાહેબ અને પ્રા. હરેન્દ્ર પટેલ. એકદમ અંતર્મુખી, એકલો અને કશું જ ન બોલતો વિજય બહાર નીકળ્યો હરેન્દ્રભાઈને કારણે. પોતાનાં પુસ્તકો અને પોતાનું મટીરિયલ આપીને કહે : આનાં પરથી તારું ખુદનું મટીરિયલ બનાવ…’ અને ગાડી પાટા પર ચડી ગઈ. ઍક્શન રિસર્ચ, લર્નિંગ ટુ બી અને બ્લૂમ્સ ટેક્સૉનોમીનું ટુ પહેલું વૉલ્યુમ તો વિજય સેવકે બી.એડ્. કરતાં કરતાં વાંચી નાખ્યાં. વર્ષના પહેલા જ દિવસે બી.એ.ના ભરચક્ક ક્લાસમાં પોતાની ઓળખ અંગ્રેજીમાં અને ઘેઘુર અવાજમાં આપી સૌનું ધ્યાન ખેંચનાર વિજય સેવક બી.એડ્.માં ગોલ્ડ મૅડાલિસ્ટ થયા! આ સમાચાર ફોઈને ઘરે ગયેલા વિજયને મોટાભાઈએ આપ્યા ત્યારે વિજયને થયેલું કે અત્યારે જ હરેન્દ્રભાઈ પાસે જઉં ને તેમને છાતીએ વળગાડીને રડી પડું. જો કે, આજે પ્રા. હરેન્દ્ર પટેલ નથી તેની વાત કરતાં વિજ્ય સેવક લિટરરી રડી પડે છે! What a great contribution of a teacher in one’s Life!
સુવર્ણચન્દ્રક વિજેતા બી.એ., બી.એડ્. વિજય સેવકને નોકરી ન મળી. ત્રણ જગ્યાએ કોઈક છેલ્લી ઘડીએ વચ્ચે ઘૂસી જાય. પટિયાલસાહેબે કહ્યું : ‘સુરત જા, એમ.એડ્. કર. ગુણવંત શાહ પાસે ભણ.’ ચિઠ્ઠી લખી આપી. મોડું થયું હતું. પોતાના રૂમમાં બેસાડી ગુણવંત શાહે રજિસ્ટ્રારને ફોન કરી પ્રવેશ અપાવ્યો. ટિમલિયાવાડથી પોતાની ફિયાટ કારમાં ગુણવંત શાહ આવે અને રસ્તામાં વિજયને ઊભો ભાળે કે તરત ગાડી થોભાવી બેસાડે. વિજય સેવકની નજર આગળ પડેલ આર. કે. નારાયણની નૉવેલ પર પડી. તેણે એ નૉવેલ વાંચેલી એટલે એની વાત માંડી. બહુ આત્મીયતા થઈ ગુરુ શિષ્ય વચ્ચે. વિજયને ટી-શર્ટ પહેરવાની અને તેનું ઉપરનું બટન ખુલ્લું રાખવાની ટેવ. ગુણવંત શાહે પોતાની ચૅમ્બરમાં બોલાવી કહ્યું : બટન બંધ કર…’ પછી પ્રત્યાયનની ઊંચાઈ ત્યારે પકડાય જ્યારે એક કલાક પછી ગુણવંત શાહ ફરી વિજય સેવકને પોતાની પાસે બોલાવે છે, સમજાવે છે કે તને નહીં ગમે, દોસ્ત, પણ આ બધી મેનર્સ છે, એટિકેટ છે! વિજય સેવક કહે છે કે, ‘અમારા વચ્ચે બંધાયેલો રૅપો જાણે ગુણવંતભાઈ ખોરવવા માંગતા ન હતા. એક ટીચર ઍજ્યુકેટરની આ ઊંચાઈ મારા દિલમાં આજે ય સંગ્રહાયેલી છે.’ જો કે, વિજય સેવકની પહેલી નોકરી પણ ગુણવંતભાઈના બાપ્રેમીબહેનની શાળા લોકમાન્ય વિદ્યાલય, રાંદેરમાં. એ ગૉલ્ડન પિરિયડ. વિજયસરનો દબદબો કારણ ગુણવંતભાઈએ મોકલેલો છોકરો! અહીંથી પ્રયોગશીલ શિક્ષકનો જન્મ થયો. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ વિદ્યાનગરના ડૉ. સુભાષ જૈન ટીચ ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ’ સિરિઝ ચલાવતા. તેમાં વિજ્યની પસંદગી થઈ. વર્ષમાં ચારેક લેસનનું રેકોર્ડિંગ કરાવવા અમદાવાદ સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ સાથે જવાનું થયું. અહીં ડૉ. સુલભા દેશપાંડે અને ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિચય થયો અને બન્ને પાસેથી આજે પણ ‘પામવાનું’ સદ્ભાગ્ય વિજય માણે છે. શિક્ષણ ધૂરંધર ડૉ. દાઉદભાઈ ઘાંચીનું નામ બહુ સાંભળેલું. વિજય સેવકના પ્રિય પ્રા. હરેન્દ્રભાઈ પટેલના એ ગુરુ, બી.એડ્. કરતી વખતે દાઉદભાઈ ઘાંચીનું પુસ્તક વિજયને હરેન્દ્રભાઈએ ભેટ આપેલું, ઘાંચીસાહેબ સુરત આવ્યા ને વિજયે તેની સાથે ગોષ્ઠિ કરી અને તેનો લેખ પોતાની ‘ગુજરાત મિત્ર’ની કટારમાં લખ્યો ત્યારથી બન્ને વચ્ચે ગાઢ નાતો… આમ, ઠેરઠેરથી સારપ અને ઉત્કૃષ્ટતા ગજવે બાંધવાની ટેવ વિજય સેવકને.
લોકમાન્ય વિદ્યાલયની પહેલી નોકરીમાં જ વિજયે નાટકના નાના-મોટા પ્રયોગો કર્યા. એરિયા થિયેટર અને બેર સ્ટેજના પ્રયોગમાં સિંહાસન ખાલી છે’ નાટકનું દિગ્દર્શન કર્યું. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. સિમલા નૅશનલ ડ્રામા કૉમ્પીટીશનમાં જ્યોતિ વૈદ્યનું ‘બંધ દરવાજા’ અનુવાદ કરીને રજૂ કર્યું અને નૅશનલ ઍવૉર્ડ જીત્યો. ચિનુ મોદી, નિમેષ દેસાઈ, ઇન્દુ પુવારની શિબિરોમાં અભિનયને લઢવાની તક મળી. આ વાતાવરણથી પ્રેરાયને ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સહાયક નિયામકની ક્લાસ ટુ ગૅઝેટેડ પોસ્ટ પર જવાનું થયું. GPSC પસાર કરી. ઇન્ટરવ્યૂમાં માર્કન્ડ ભટ્ટ અને વનલતા મહેતાએ વિજયને પસંદ કરી વડોદરા વર્તુળનો હવાલો સોંપ્યો. સાડા ત્રણ વર્ષ ધ્રુવકુમાર શાસ્ત્રીની નિશ્રામાં વિયે કામ કર્યું. ધ્રુવભાઈ શાસ્ત્રીનાં સૂચનથી થીમ એક, એકાંકી અનેક’ની યોજના વિજ્યે અમલમાં મૂકી. જે આજે પણ એકાંકી રાજ્ય સ્પર્ધા તરીકે અમલમાં છે. પણ વહીવટ ઝાઝો ને સર્જનાત્મકતા ઓછી હતી એટલે વિજયનો જીવ રૂંધાયો. સાડા ત્રણ વર્ષમાં બે જ પુસ્તકો વાંચી શકનાર વિજયે રાજીનામું આપ્યું. બહુ સમજાવ્યો સૌએ કે ક્લાસ વનનું પ્રમોશન હમણાં જ મળી જશે. પણ ના, વિજય સેવકની અંદર ઊછળતો નાટકિયો શિક્ષક ન માન્યો ને એ આર. ડી. કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, સુરતમાં શિક્ષક થયા. અહીં રહીને ખૂબ લેખન કર્યું, ડૉક્ટરેટ કર્યું અને શિક્ષણ પ્રયોગો કર્યાં. ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. બે વર્ષ ‘ન્યૂફાઇન્ડર” નામની કટાર લખી, ‘એક હાદસા’ કૉલમ લખી બાર વર્ષ. પંજાબ કેસરી – પ્રતિનિધિપત્ર – દિવ્યભાસ્કરમાં પણ લખતા રહીને પોતાની આગવી ઓળખ ડૉ. વિજય સેવકે ઊભી કરી. ભગવતીકુમાર શર્માએ દર સોમવા૨ના અને પોતે વિદેશ હોય ત્યારના અગ્રલેખો / તંત્રીલેખો વિજય સેવક પાસે લખાવી કલમની ધાર કાઢી આપી.
રાજા રણછોડરાયના ધામ ડાકોરમાં લક્ષ્મીજીના મંદિર પાસે બોડાણાના ઘરની શેરીનું છેલ્લું મકાન પૂજાલાલ ચુનીલાલ સેવક(પાર્શદ)નું. ત્યાં ૧૯૫૭માં જન્મેલ વિજય કેશવલાલ સેવક ભક્તિભાવનાચગાન-સંગીત નૃત્ય-ભજન કીર્તન વચ્ચે ઉછરેલા દાદા પગથી હારમોનિયમ વગાડતા. પિતા સુંદર અભિનેતા. બુલંદ અવાજ. પિતા અને કાનાં નાટકોનાં હર્સલમાં જઈ વિજ્ય બેસે. ક્યારેક નાનો રોલ પણ કર્યું. ઘઉં સાનો આઠસો ઑપેરા આજે પણ છે. નાટકના આ સંસ્કારો સાથે ડૉ વિજ્ય સેવક ૧૯૯૬થી સુરતની વી ટી. ચોક્સી સાર્વજનિક બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે બરાબર ખીલ્યા છે. વર્ગખંડને રંગમંચમાં ફેરવ્યો છે. અંગ્રેજી અધ્યાપનને એણે અભિનય અને અભિવ્યક્તિના માર્ગે વાળેલ છે. વિવેટર ઇન એજ્યુકેશન’ની અતિ સફળ પ્રયોગ અમલમાં મૂક્યો છે. અનેક નાટ્યગ્રહીઓ સાથે મળી કેટકેટલાં નાટકો લખ્યાં – દિગ્દર્શિત કર્યાં – અભિનિત કર્યાં. રેડી, સ્ટેડી ઍન્ડ ગૉ’ અને ફન વીથ ઇંગ્લિશ’ પુસ્તકો લખ્યાં અને તેને વર્ગખંડમાં ભજવીને ભણાવ્યાં. ઍક્સેરિમેન્ટ તેનો સ્વભાવ છે. રૂઢિગત રિંગ અને ગમતું નથી. સેલ્ફ લર્નિંગની જબરી હિમાયત વિથ કરે છે. ગિજુભાઈ બધેકાની જેમ વિજ્ય સેવકનો વર્ગ મિિમડિયા હોય છે. વિયનું કેનવાસ વિશાળ છે. ટિચીંગ નહીં, એક્સપ્લેનેશન નહીં, પણ ઑરેશન, જૉયલ લર્નિંગ છાપાનાં કટિંગ, ડી, કાર્ટૂન, ચિત્રો ભાવિ શિક્ષકોને આપવાનાં અને તેના પરથી વિચારે ચડાવી તેનાં ઇમ્પ્રોવાઇડ્રેશન રજૂ કરાવવાનાં! સેલ્ફ લર્નિંગ ઇગ્લિશના ડૉ. વિજ્ય સેવકના પ્રથીગી આખા ગુજરાતમાં ફેલાવા, એટલું જ નહીં રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા NSD દ્વારા તેની નોંધ લેવામાં આવી અને થિયેટર ઇન ઍજ્યુકેશન’નો પ્રોજેક્ટ વિજ્ય સેવકને નૅશનલ રિસોર્સ પર્સન બનાવી સોંપવામાં આવ્યો હમણાં જ આ પ્રયોગમાં સુરતની ચાલીસેક સ્કૂલ્સના ચાલીસ શિક્ષકો, ચારસો વિદ્યાર્થીઓ અને હજાર જેટલાં માતાપિતા આ થિયેટરમાં તાલીમ પામ્યાં, રમતાં રમતાં ભણી શકાય તેવું સ્વીકારી શક્યા. NSDના રાષ્ટ્રીય તજ્ઞ તરીકેનું બહુમાન ગુજરાતને પ્રથમવાર મળે છે, કારણ ડૉ. વિજ્ય સેવક જેટલો ક્રિએટીવ ટાસ્ક બૅઇઝ લર્નિંગ કે પ્રોસેસ સેન્ટર્સ ડ્રામાનો ટીચર ઍજ્યુકેટર ગુજરાતમાં એક માત્ર છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ડૉ. વિજય સેવકનું પુસ્તક તમસો મા જ્યોર્તિગમય’ પુરસ્કૃત થવું છે, બાળનાટકો પર કામ કરી સિદ્ધાંતો – પ્રક્રિયા સ્થાપિત કરી થેરાપ્યુટિક યુઝ ઑફ ડ્રામા ઇન ઍજ્યુકેશન વિકસાવવાના અને તેનાં દ્વારા જ શિક્ષણ આપવાનાં સ્વપ્નાં વિજય સેવે છે, I dont teach. I make them learn’ કહેનાર ડૉ. વિજ્ય સેવક માને છે કે, “શિક્ષકનું કંદ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેવું હોવું અનિવાર્ય છે, જે શિષ્યને નિશામાંથી બેઠો કરી શકે!’
by Bhadrayu Vachhrajani | Oct 6, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાતમાંથી ત્રણ સર્જકો કચ્છના !! અરે, પુરસ્કૃત બે યુવાનો તો સોનીકામ કરે છે ને ઉત્તમ સર્જક છે !!
તાજેતરમાં અમદાવાદ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહમાં સાક્ષીભાવે જવાનું થયું. પ્રસંગ હતો ધૂમકેતુ નવલિકા-પુરસ્કાર પ્રદાન કરવાનો. જ્ઞાનપીઠ સર્જક શ્રી રઘુવીર ચૌધરીની વરિષ્ટ નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન ધૂમકેતુ પરિવાર અને ગુર્જર પરિવાર દ્વારા થયું. 2016 થી 2023 સુધીના સાત વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્યને મળેલ નવલિકાઓમાંથી વર્ષવાર ઉત્તમ નવલિકાઓને પુરસ્કૃત કરવામાં આવી. ધૂમકેતુ જી ના પુત્રી અને પૌત્રીની હાજરી સ્મરણ માર્ગે દોરી ગઈ. પ્રત્યેક સર્જકનો અને તેમની પુરસ્કૃત નવલિકાનો પરિચય પ્રખર વાર્તાકાર શ્રી કિરીટ દુધાતે આપેલ.
નોંધવા જેવી ત્રણ બાબતો અંગે ખાસ ધ્યાન દોરવું છે :
આ કાર્યક્રમના આયોજક ગુર્જર પરિવાર છે એટલે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે સન્માન પ્રાપ્ત નવલિકાઓના પ્રકાશકોમાં એક પણ પુસ્તક ગુર્જર પ્રકાશનનું નથી, તે સાદર નોંધવું રહે. સાહિત્યના ક્ષેત્રમાં પારદર્શકતા ગુર્જરે આચરી બતાવી, કારણ ગુર્જર સાહિત્ય પ્રકાશન ક્ષેત્રમાં શતાબ્દી વટાવી ગયેલ છે.
પુરસ્કૃત સાત સર્જકોમાંથી ત્રણ કચ્છના સર્જકો હતા. અંજારના અજય સોની (તેંત્રીસ વર્ષ), અંજારના જ જયંત રાઠોડ ( અઠઠાવન વર્ષ) અને ભુજ કચ્છના રાજેશ અંતાણી (પંચયોતેર વર્ષ). કચ્છમાંથી યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ એમ માનવજીવનની ત્રણેય અવસ્થાઓ ધૂમકેતુ પુરસ્કારથી નવાજવામાં આવી તે દર્શાવે છે કે સાહિત્ય સર્જનને ઉંમરનો કોઈ બાદ નથી.
સાતમાંથી બે સર્જકો વ્યવસાયે સોની કામ કરે છે અને તેઓ ઉત્તમ સર્જક તરીકે પુરસ્કૃત થયા છે. મૂળ અંજારના અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે વાર્તા, નિબંધ, કોલમ, નવલકથા અને સંપાદનો પણ કર્યાં છે. અમદાવાદના વિજય સોની ઇન્સ્ટ્રુમેન્ટશન એન્ડ કંટ્રોલમાં ઇજનેરીનો ડિપ્લો મેળવીને સોનાના દાગીના બનાવવાનો કૌટુંબિક વ્યવસાય કરે છે. સોનીકામ કરતાં કરતાં વિજયે વાર્તાઓ અને નવલિકાઓમાં અનેક પુરસ્કૃત પ્રદાન કરેલ છે. શ્રી રમણલાલ સોની ગુજરાતી સાહિત્યનું ગુરુવર્ય નામ પણ તેઓ વ્યવસાયે સોની ન હતા. સાહિત્ય સર્જનને વ્યવસાયના બંધનો રોકી શકતા નથી, તે આનું નામ.
સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્ય રણપ્રદેશનું સાહિત્ય કહેવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે.
ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌ પ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. આમ દરિયાઈ અને રણ પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે. અને આથી ઉપર ઉઠીને, વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. ડૉ. ધીરેન્દ્ર મહેતા અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. તો ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.
આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણય કથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે.
કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. ટૂંકી વાર્તામાં ડૉ. જયંત ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.
૨૦૦૧ માં થયેલા ભૂકંપ વિષયક સાહિત્ય પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની કે પાણીની કે અન્ય સમસ્યાની વાત ન કરી હોય. કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.
કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ પછી ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે. ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે.
બાલવાર્તા લેખનમાં તો મૂળ કચ્છના આજીવન શિક્ષક ઈશ્વર પરમારનું પ્રદાન દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પણ પોંખાયું છે અને હજુ પણ એ દ્વારિકાવાસી ઈશ્વર ઝીણું ઝીણું કાંત્યા જ કરે છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.
સાતમાંથી ત્રણ કચ્છી સર્જકો સનમાન પામ્યા તે જાણી ઉમળકો આવ્યો એટલે સાહિત્ય વિહાર કર્યો તો જાણવા મળ્યું કે, સાહિત્યમાં પણ કચ્છડો બારે માસ છે !!
by Bhadrayu Vachhrajani | Sep 30, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

રાજકોટમાં બોતેર કલાકમાં ચાલીશ ઇંચ વરસાદ પડ્યો, તે પાણી ગયું ક્યાં ??… અમેરિકાથી એક રાજકોટીયનનો પત્ર !!
શિકાગો, અમેરિકાથી રાજકોટના એક નિવૃત્ત અધ્યાપક શ્રી વિનોદ માંગુકિયાનો દીર્ઘ મેસેજ આવ્યો, તા. 28, ઓગસ્ટ, 2024 ના રોજ..જયારે રાજકોટ ધમધોકાર વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું અને તે ટનબંધ પાણી રસ્તા અને ગટરોમાં વેડફાઈ જઈ રહ્યું હતું !! એક સંનિષ્ટ અધ્યાપક દંપતી તરીકે રાજકોટમાં સાત્વિક જીવન જીવનાર વિનોદભાઈ અને શ્રીમતી સુદર્શન મંગુકિયા પોતાના હાર્ટ સર્જન તરીકે માતબર ખ્યાતિ પ્રાપ્ત દીકરાના ઘરે હાલ શિકાગો છે.
આવો, તેમના જ શબ્દો વાંચીએ…
“રાજકોટમાં પાંચ દિવસમાં અધધ–32 ઈંચ વરસાદ ! પાણી ક્યાં ગયું ? ગટરમાં ?
આ તો પાંચ દિવસમાં આટલો વરસાદ પડયો પણ આખી સીઝનનો જો 50 ઈંચ ગણીએ તો 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલાં રાજકોટ સીટી ઉપર પડેલા અધધધ વરસાદનું પાણી આખરે ગયું ક્યાં ? ગટરમાં ? રાજકોટની ગંધારી ગોબરી આજી નદીમાં ગયું ?
આકાશેથી વરસેલું અમૃત આખરે ગટરોમાં વહી ગયું ? આજી નદીમાં ભેગી થયેલી રાજકોટની ગંદી ગટરોની તમામ ગંદકી લઈને નદીને સાફ કરીને એ પાણી ક્યાં ગયું ? એ ગયું આજી ડેમ નંબર 2 માં. પણ આજીડેમ 2 નું પાણી તો પીવા લાયક નથી રહ્યું. તો એ પાણીનું શું થાય છે ? જે પાણી પીવાલાયક નથી તે પાછું ખેતીમાં વપરાય છે ?એ ઝેરી કેમિકલ સાથેનું અનેક પ્રકારનું પ્રદૂષિત પાણી પાછું શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને એ શાકભાજી પાછા રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે ! તે પાણીમાં ઊંધિયું બનાવીને ખાય છે,બોલો !
આટલો બધો વરસાદ થયો પણ પછી ઉનાળામાં પાણીના ટાંકા મગાવવાના ! ઘેર બેઠાં ગંગા જેવું અમૃત સમાન પાણી આપણે ગટરોમાં જવા દીધું અને હવે આજી,ભાદર અને ન્યારી ડેમનાં પાણી ફીલ્ટર કરી કરીને પીવાનાં. આજી,ભાદર અને ન્યારી ડેમમાં ભેગું થતું પાણી શુદ્ધ હોય છે, તેવું જો માનતા હો તો એ એક ભ્રમ છે.ગામેગામના ઉકરડાઓ, ગામેગામની ગટરો, ખેતરોમાં નાખેલાં રાસાયણિક ખાતરો અને પાકમાં છાંટેલી જંતુંનાશક દવાઓ, મરેલાં પ્રાણીઓ, પ્રાણીઓનાં છાણમૂતર અને બીજી અનેક ગંદકીઓ આવાં ડેમોમાં ભેગી થાય છે, તેથી હું આવા ડેમોને એક પ્રકારની કચરો સંગ્રહ કરતી કચરાપેટી કહું છું. કોઈ એમ કહે કે “ડેમનું પાણી એ વરસાદનું પાલર પાણી કહેવાય.તેમાં પ્રદૂષણ ન હોય.” તો તેમની એ માન્યતા ભૂલભરેલી છે. જો પાલિકાઓ ડેમનું પાણી ફીલ્ટર કરીને ન આપતી હોત તો તેવું પાણી આપણે પી શકતા હોત ? તેમ છતાં પાલિકાના નળનું ફીલ્ટર થયેલું પાણી આપણે જે ટાંકામાં ભરીએ છીએ તે ટાંકો છ મહિને એક વાર સાફ કરો ત્યારે તળિયેથી કેવો કદડો નીકળે છે ? કેટલી ધૂળ પાણીમાં મળેલી જોવા મળે છે ? આપણે હવે ઘરેઘરમાં R.O.પ્લાન્ટ એટલે જ ફીટ કરવા પડે છે. RO ની કેન્ડલ કેટલી ખરાબ થઈ જાય છે ? નહિતર પાલિકા તો ફીલ્ટર કરીને જ આપણને પાણી આપે છે, છતાં તે 100% શુદ્ધ થતું નથી.
હવે ROની મર્યાદા પણ જાણી લો.પશ્ચિમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે RO નાં પાણીમાંથી શરીરને ઉપયોગી એવા બે તત્વો મેગ્નેશ્યમ અને કેલ્શયમ બંને નીકળી જાય છે, જેથી ROનું પાણી પણ 100% પીવા લાયક ન ગણી શકાય.તો હવે પીવાનું શુદ્ધ પાણી મેળવવા શું કરવું જોઈએ ? શુદ્ધ પાણી મેળવવાનો રામબાણ ઈલાજ એક માત્ર વરસાદી પાણીનો સંગ્રહ છે.એ જ અમૃત છે અને એ જ ગંગાજળ છે એમ માનજો.
તમારી પાસે તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો તમે ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી લો.આખું વરસ અમૃત પીઓ અને આર.ઓ.ની જરૂર જ નહીં રહે ! મારાં જૂનાગઢનાં ઘરે 25000 લીટર અને રાજકોટનાં કરણ પાર્કમાં આવેલાં મકાનમાં 10,000 લીટરના વરસાદી પાણીના ટાંકા અમે બનાવ્યા હતા.
તમારી 10 બાય 10 ની નાની ટેરેસ હોય અને જો તમારા ગામમાં 12 ઈંચ વરસાદ પડે તો તમારી ટેરેસમાં કેટલું પાણી પડે ? તમારી ટેરેસ કુલ 100 ચોરસ ફૂટ થાય છે તો તેમાં એક ચોરસ ફૂટમાં 27 લીટર પાણી મળે અને 100 ચોરસફૂટે 27,00લીટર પાણી મળે જે પાંચ છ વ્યક્તિના એક પરિવારને માટે આખું વરસ પીવા માટે પૂરતું થાય છે. પણ કોઈ પણ મકાન ઉપર ફક્ત 100 ફૂટની ટેરેસ ન હોય. નાનું મકાન હોય તો પણ 500 ફૂટ ટેરેસ હોય તો ફક્ત 12 ઈંચ વરસાદે તમારા ભૂગર્ભ ટાંકામાં 13,500 લીટર પાણી હિલોળા લેતું થઇ જાય. તમે તો આખું વરસ પીવો અને બીજાને પણ પાવ તોય નહીં ખૂટે.
બીમાર માટે અમારા ઘરેથી વરસાદી પાણી લેવા ઘણા લોકો આવતા ત્યારે અમને પરબ માંડી હોય તેવો આનંદ થતો… હવે જુઓ ! રાજકોટમાં કેટલાં મકાનો હશે ? એ બધાં મકાનો ઉપર 50 ઈંચ લેખે કેટલું પાણી પડયું હશે ? એ પાણી ક્યાં ગયું ? ભારત દેશમાં સેંકડો નાનાં મોટાં નગરો અને લાખો ગામડાઓમાં કુદરત ઘેર બેઠાં ટેરેસ ઉપર સીધી અમૃતધારા વરસાવે છે, જેથી એ પાણી પ્રદૂષિત થયા વિના શુદ્ધ સ્વરૂપે જ આપણને મળે, પણ આપણે દેશભરના લોકો વરસાદનું અબજો અબજો લીટર પાણી ગટરોમાં વહેતું જોઈએ છીએ ! અને તાળીઓ પાડીએ છીએ !! મોટાં નગરોમાં ઘરઘરનું પાણી રોડ ઉપર આવી જાય છે અને ગટરો ચોકઅપ થઇ જાય છે. ગાડીઓ અને બાઈક ડૂબી જાય છે અને બસ અંડર બ્રીજમાં સલવાઇ જાય છે !! જો દેશનાં તમામ મકાનોના ટેરેસનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ઉતારી દેવામાં આવે તો રોડ ઉપર થતા જળભરાવની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ વિનામૂલ્યે થઇ જાય, પણ આવો વિચાર કરવો જ નથી, એટલે પ્રદૂષિત પાણી પીધાં વિના છૂટકો જ નથી.
આ વખતે તો કચ્છમાં પણ ધોધમાર પડયો છે.ત્યાં પણ વરસાદનું પાણી ઝીલીને ભૂગર્ભ ટાંકીઓમાં ભરી લેવાય તો દૂરદૂર સુધી પાણી ભરવાં બેડાં લઈને જવું ન પડે. બજારમાં 20 રૂપિયાની એક બોટલ મળે છે, જે એક લીટર હોય છે. તમારા ઘરે 10,000 લીટર વરસાદી પાણી ભરી લો તો તે 2,00,000 (બે લાખ રૂપિયા)નું થાય.એક જ ચોમાસે તમને કુદરત 20 લાખ રૂપિયાનું શુદ્ધ અમૃત જેવું પાણી સાવ મફત આપે છે અને પછી દર વર્ષે તમને 20 લાખનું શુદ્ધ પાણી સાવ મફતમાં મળશે અને તે પણ 50થી લઈને 100 વરસ સુધી ! ત્રણ ત્રણ પેઢી આ અમૃત પીશે, પણ કમનશીબી કે આપણે તેવું અમૃત નથી લેવું. વેચાતું લઈને પીવું છે !પૈસા હોય એટલે વેચાતું લઈશું.પણ વેચાતા ટેન્કરનું પાણી ક્યાંથી ભરી લાવે છે તે ક્યારેય તમે જોયું છે?
વરસાદી પાણીને પણ ટાંકા ઉપર કપડું મૂકીને ગાળીને ભરો. ઢાંકણું એરટાઈટ રાખશો તો પાણી બગડશે નહીં.અંદર કોઈ ટીકડીઓ નાખવાની જરૂર નથી, તેમ છતાં તમને એવું લાગે તો કપડાના એક ટૂકડામાં 50 ગ્રામ ચૂનો બાંધીને પોટલીને ટાંકાના તળિયે મૂકી દો.કોઈ જીવાત નહીં થાય. રાજકોટના મારા વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાનો એક લેખ લોકલ ન્યુઝ પેપરમાં વાંચીને તત્કાલીન મ્યુ.કમિશનર શ્રી વિજયકુમાર નેહરાએ મારા ઘરે મહાનગર પાલિકાના ત્રણ સીવીલ એન્જીનીયર્સને રૂબરૂ સીસ્ટમ જોવા મોકલ્યા હતા. તેઓએ સીસ્ટમના ફોટા પાડયા અને એક લીટર પાણીની બોટલ ભરી ગયા.એક સપ્તાહ પછી મને એક એન્જીયર રૂબરૂ આવીને લેબોરેટરીનો રીપોર્ટ આપી ગયા, જેમાં લખ્યું હતું કે, “100% શુદ્ધ પીવા લાયક પાણી “ મારી પાસે હજી એ લેટર છે.
આ તો અહીં અમેરિકામાં બેઠા બેઠા હું જોઉં છું કે રાજકોટ અને બીજા નાનાં મોટાં કેટલાં શહેરોનું અધધધ અબજો અબજો લીટર પાણી ગટરોમાં ચાલ્યું જાય છે, પછી ઉનાળામાં એક એક બેડાં માટે આપણે કેવાં હવાતિયાં મારીએ છીએ? અમે તો ઘણાં વરસ વરસાદનું પાણી પીધું છે, જેનો અમને ખૂબ સારો અનુભવ છે, પણ મારા જેવા નાના માણસની આ અતિ ઉપયોગી વાત સમજીને લોકો અપનાવે તો તો દેશની પ્રજા સુખી ન થઇ જાય ?
તેનાં બદલે જેમ સાલે (ચાલે ) એમ જ સાલશે (ચાલશે )! માતાજી સૌને સુખી રાખે !!
મારી આ લઘુલેખ જેવી વિગતો વાંચીને જો ફક્ત એક વ્યક્તિ પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવશે, તો મારી મહેનત લેખે લાગશે…”
કહે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે ત્યારે, આપણી સરકારો અને જળક્રાંતિ માટે જોર પૂર્વક લાગી પડેલા કાર્યકરો વિનોદભાઈની આ વાતને કાને ધરશે તો ‘મેરા ભારત મહાન’ તે વખતે આપણે કહી શકીને બચી જઈશું.
by Bhadrayu Vachhrajani | Sep 22, 2024 | અખંડ આનંદ |

ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્વ સંસ્થા UNO સુધી લઇ જનાર પ્રિય મોરારીબાપુની ત્યાંની માર્મિક વાતો સાંભળીને વિશ્વની વિજ્ઞાન સંસ્થા નાસા નું સ્મરણ થયું.
નાસાને વૈજ્ઞાનિક સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં અને વિજ્ઞાનની જટિલ પ્રક્રિયાઓમાં સંશોધન સતત કરી રહેલી સંસ્થા છે. નાસાને પોતાનું શિવ વિજ્ઞાન હોઈ શકે એમ કોઈ કહે તો તમને આશ્ચર્ય થાય ને ! પણ નાસાની ઘણી બધી શોધમાં શિવના અસ્તિત્વની ચર્ચા થઈ છે. જો કે આ અંગે નાસા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ થયેલ નથી. પરંતુ નાસાના ન્યુસ્ટાર નામના ન્યુક્લિયર સ્પ્રેક્ટોસ્કોપીક ટેલિસ્કોપે ૨૦૧૪ માં પૃથ્વીથી 17000 પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાનો એક ફોટો ઝડપેલો. વિજ્ઞાનની ભાષામાં આ નેબ્યુલા પલસર વિન્ટેજ નેબ્યુલા તરીકે ઓળખાય છે. પણ નાસાએ તેનું નામ the squad રાખ્યું. લોકોએ આ નેબ્યુલાની તસ્વીર નિહાળી તો તેમને આ નેબ્યુલા શિવના હાથના આકાર જેવું દેખાયું.!!
કહે છે કે ૨૦૧૭ માં હબલ ટેલિસ્કોપની મદદથી નાસાએ અલગ અલગ ફોટા પાડયા તેમાં તેમને વાદળોના તરેહતરેહના અસંખ્ય સમૂહો જણાયા. પરંતુ નાસા દ્વારા પ્રકાશિત થયેલી તસ્વીર ભગવાન શંકરના ત્રિશુલ તરીકે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ. ૨૦૧૭ માં જ નાસાએ હબલ ટેલિસ્કોપની મદદથી પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો ખુબ બધા ગેસોનો વિશાલ સમૂહ જોયો. નવજાત તારાઓના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા વિવિધ ગેસોને કારણે બનેલા આ નેબ્યુલાને નાસાએ ખેરીનાં નેબ્યુલા તરીકે ઓળખ્યો. પરંતુ નાસાએ બહાર પાડેલી તસ્વીરોમાં લોકોને જટાધારી શિવના દર્શન થયા. આજે પણ આ તસ્વીર સોશિયલ મીડિયામાં પ્રચલિત થઈ રહી છે. ખૂબી તો એ છે કે નાસાએ એક પ્રયોગમાં એવું તારવ્યું છે કે, પૃથ્વી પર રહેલું DNA શિવલિંગ સાથે હલાસ્કા ખાતે પ્રાપ્ત થયું. આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડ સાથે પૃથ્વી પર આવ્યું હશે તેવું સંસ્થાનું માનવું છે. આમ, નાસા જેવી વિજ્ઞાન સંશોધન સંસ્થાના પ્રયોગો સાથે લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા સંકળાયેલી છે. સત્ય તારવવું આવશ્યક છે.
સ્વીટરઝરલેન્ડના જિનીવા શહેર ( જ્યાં UNO નું એક મથક પણ છે.) પાસે CERL એવું ટૂંકાક્ષરી નામનું કુલ છ પાર્ટિકલ એક્સેલરેટર્સનું ગંજાવર સંકુલ છે. લીગ્સ બોઝોન પાર્ટિકલ માટેનો સફળ પ્રયોગ જ્યાં યોજાયો અને બ્રહ્માંડના જન્મ વખતના અન્ય કણો એટલે કે પાર્ટિકલ્સનો તાગ મેળવવાના અમુક પ્રયાસો જ્યાં સફળ થયા તે large hadron collider (LHC ) એક્સલેટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌ જાણે છે તેમ દસ અબજ ડોલરના ખર્ચે બનેલું LHC કાંઈ જેવું તેવું પાર્ટિકલ એક્સલરેટર નથી. પુરા ૨૭ કિમી ના પરિઘમાં ફેલાયેલું છે. સંકુલના મુખ્ય બે મકાનોની વચ્ચે તાંડવમુદ્રા દર્શાવતા નટરાજની બે મીટર ઊંચી પ્રતિમા છે. અહીં તેની હાજર સૂચક લાગે છે. ૧૮ જૂન, ૨૦૦૪ માં ભારત સરકારે CERN સંસ્થાને ભારત દેશ સાથેના વર્ષો જુના જોડાણની ખુશીમાં ભગવાન શંકરનું કોસ્મિક નૃત્ય દર્શાવતી નટરાજની આ આકર્ષક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ભારતીય સરકાર દ્વારા ભેટ સ્વરુપે આ દેવતાને એક રૂપક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે નટરાજનું નૃત્ય એ સબએથોમિક પાર્ટિકલ્સના કોસ્મિક નૃત્યના આધુનિક અભ્યાસ સાથે સુમેળ સાધે છે.
વિશ્વભરના ૮૫ દેશોના ૮૦૦૦ વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સૌ વૈજ્ઞાનિકો નટરાજના પ્રભાવ નીચે રહેલા બ્રહ્માંડના આદિ તથા અંત વિષે સંશોધન ચલાવી રહ્યા છે.યાદ રહે સંશોધન ૧૯૫૪ થી ચાલતું રહ્યું છે. પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી સેબ્રાએ નટરાજ સ્વરૂપના તાંડવ નૃત્યને પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે જોડેલ છે. આને લગતી વિસ્તૃત ચર્ચા તેમણે ૧૯૭૨ માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક “મેઈન કરન્ટ્સ ઓફ મોર્ડન થોટ” માં ‘ડાન્સ ઓફ શિવા’ જેવા શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણમાં કરી છે. આ સેબ્રાએ CERN ખાતે સ્થપાયેલ નટરાજની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. CERN ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એ લોકો જે પ્રયોગો કરી રહ્યા છે એ ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જેમ કે પહેલા સંહાર કરો, પછી નિર્માણ કરો. તે જ પ્રમાણે નાસા દ્વારા થતા પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર રાખવામાં આવ્યું છે. “The shiva project – સ્પેસ ફ્લાઈટ, હોલોગ્રાફી ઈન અ વર્ચ્યુઅલ એપેરેટ્સ.’ પ્રાચીન ભારતે પીરસેલી આધ્યાત્મિક જ્ઞાનની આ પ્રસાદી રમ્ય ઘોષા નદીની માફક ખળખળ વહે છે તે આનંદનો વિષય છે.
ભગવાન શિવને વિજ્ઞાન અને વિજ્ઞાનના સંશોઘનો સાથે બેશક જોડી આપવાની વાત એક અભ્યાસપૂર્ણ પુસ્તકમાં થઈ છે. શ્રીમતી હિમા વિપુલ યાજ્ઞિક વડોદરા ખાતેથી ગુજરાતી સાહિત્યમાં છાનુંછપનું પ્રદાન કરી રહ્યા છે. એમનું પ્રદાન સાહિત્યનું ગણવું કે સંશોધનાત્મક ગણવું કે પછી ધર્મ અને અધ્યાત્મને સ્પર્શતું ગણવું એ વિવેચકોનો વિષય છે પણ જ્યાં સુધી હિમા યાજ્ઞિકને સબંધ છે ત્યાં સુધી તેઓ આ સમગ્ર કાર્ય પોતાના હૃદયમાં જે ભાવ ઊગે છે તે ભાવને વાચા આપવા માટે કલમ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમના દ્વારા ભારતના ઋષિઓ ઉપરનું પણ એક સુંદર પુસ્તક પણ આપણને હમણાં જ મળ્યું છે. શ્રીમતી હિમા યાજ્ઞિક ગૃહિણી છે એમ કહેવાય છે પણ એવું લાગે છે તેઓ જેટલો સમય પોતાના ઘરના રસોડામાં વિતાવતા હશે તેનાથી વધુ સમય તેઓ પોતાના ઘરના એક અલગ ખૂણામાં રહેલા લેખન-મંદિર પાસે પણ વિતાવતા હોવા જોઈએ.
by Bhadrayu Vachhrajani | Sep 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.
ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે કે ?
મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો, આજે થોડી ગડમથલ કરીએ.
ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે, આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.
હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે જીવનભર એની શોધ કરીએ છીએ. એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.
આપણે પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે, કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે, ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.
એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .
મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’. બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.
હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.
જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.
પોતાની જાતને અલગ માનવી એ આપણાં જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને ગણતરીમાં લેતા નહીં.
એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’ પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે, હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી. એ વૃદ્ધને પ્રસ્યેનજીતે કહ્યું કે, ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’
બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના ચાલીસ સાલ સાગરની જેમ જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.
by Bhadrayu Vachhrajani | Sep 18, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

જે દાન આપે તેને આપણે ‘દાનવીર’ કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ છે ‘હા‘.
”માણસ તું તારા શુદ્ધાત્માને ઓળખ, પામ, તું તારા કર્મ અંગે જાગૃત થા, તું તારા વિચાર અંગે, તારા ચૈતન્ય સાથે સંવાદ કરી જરૂરી મેલને દૂર કર, તું તારા મૈત્રી ભાવનો વિસ્તાર કર, તું તારી પ્રમોદ ભાવના બળવાન કર, તારી કરુણામાં શંકા ભેળવી એને મલિન ના કર. એ માણસ, તું સર્વ શક્તિમાન છે, તને જગતના નાથે સર્વસ્વ આપ્યું છે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેને તું સતત ચિંતન કર”.
આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ અને સંઘ દ્વારા પ્રકાશિત ‘પ્રબુદ્ધ જીવન’ના દાન ધર્મ વિશેષાંક વિષે ભૂમિકા ગત લેખમાં બાંધી છે. આજે તે અંકની મદદ લઈને દાન મહિમાનું ગાન કરીએ.
અનુકંપા, દાન, સહકાર, સાથ અને હાથ લંબાવવાની ભાવના આપણામાં ઉઘડે એવી આ વાત આપણને સ્પર્શી જાય છે. એક સરસ મજાના ઉદ્યાનમાં હજારો કમળ ખીલતા હોય ત્યારે એ સુંદર દેખાય એ તો સ્વાભાવિક છે. પણ અમુક કમળ ખીલે અને અમુક ન ખીલે ત્યારે એનું પાલનપોષણ કરનારના મનમાં વિશાદ થાય. વિશાદ છવાઈ જાય અને મનુષ્યને ઘેરી વડે. અને એને સતત એવી ઈચ્છા થાય કે હું પણ કોઈ એવું કામ કરું કે મારી બાજુવાળું કમળ ખીલે. આ અન્યનો વિચાર કરવાની વૃત્તિ સાથે જ્યારે કરુણા ભળે છે ત્યારે દાન નો જન્મ થાય છે.
વીતરાગ જિનેશ્વર માનવના ઉદ્ધાર કરનાર જે ધર્મ કહે છે તેમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર છે. દાન અને તપ, શીલ અને ભાવની શ્રેણીમાં પહેલા સ્થાને મુકેલ છે. दान, शीलो, तपो, भवये. ખરેખર દાન વિશેના આપણા વિચારો વ્યક્તિએ વ્યક્તિએ જુદા છે. અને આ જુદા વિચારોને લઈને દાન કરતી વખતે આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ. સંસ્થાના પરિચય મેળવ્યા પછી કંઈક કરવું એવો નિર્ણય લેતા હોઈએ છીએ. વ્યક્તિને આજે દાન આપીશું અને કાલે એ યોગ્ય નહિ નીકળે તો ? એવો વિચાર કરીને આપણે અટકી જતા હોઈએ છીએ.
કહ્યું છે એવું કે, દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે. આપણે ત્યાં કહેવતોમાં વર્ષોથી કહેવામાં આવ્યું તે છે કે, જમણો હાથ આપે તેની ડાબા હાથને ખબર ન પડે. આપણને મનમાં ચોંટી ગયેલું આ વાક્ય છે. જગતના સર્વ ધર્મોમાં દાનની હુંફ વિશે લખ્યું છે. આપણા ગ્રંથોમાં દાનનો ઉદેશ્ય છે અને એના લક્ષણો પણ છે. આપણો સ્વાર્થ એટલે ‘મારે શું, અને મારું શું ?’ આ સ્વાર્થમાંથી મુક્તિ મળે એને દાન કહેવાય. આપણે ‘હું’ માટે જીવીએ છીએ. ‘મારું’, ‘મારા’ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા ‘હું’ ના કેન્દ્રને થોડું વિસ્તૃત કરવું અને વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવનામાં પ્રવૃત થવું એ દાન છે.
દાનનો હેતુ સદગતિનો છે. સદગતિના મૂળ વિચારમાં સદવિચાર, સદવર્તન, અને સદ હેતુ રહેલા છે. હેતુ પહેલા, પછી વિચાર, અને પછી વર્તન. ‘મારા થકી કોઈનું સારું કરવું,’ એવું નહીં પણ ‘મારા સુખમાં સૌને સમાવવું,’ એમ જ્યારે કહેવાય ત્યારે દાન દાન બને છે’. સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, શાસન પ્રત્યે મારી ફરજ છે. અને મને એ ફરજમાંથી ઋણ મુક્તિનો અવસર કોઈ આપતું હોય તો એ વહેંચતા રહેવાની, આપતા રહેવાની આવડત મને બધું આપે છે.
એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, દાનમાં મૌન ભાવનું આગવું મહત્વ છે. આપણને સૌને વ્હાલી એવી એક કથા આપણે વારંવાર સાંભળીએ છીએ અને કોઈને કહીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રીની એ અપ્રતિમ ઘટના છે. સુદામા અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવે, પરંતુ તેની ઈશ્વર સાથેની મૈત્રી અતૂટ. એ કોઈ દિવસ કશું માંગે નહિ. અને મિત્ર પાસે પોતાની જે સ્થિતિ છે એને છતી ન થવા દે. પણ પત્નીનાં આગ્રહથી દ્વારકા જવા માટે નીકળેલા સુદામા પત્નીએ આપેલા તાંદુલ લઈને સંતાડતા-સંતાડતા દ્વારકા પહોંચ્યા. સુદામા માંગી નથી શકતા અને શ્રી કૃષ્ણ એમને ભેટ સોગાદો આપી નથી શકતા !! સતત ભય રહે છે માંગનારને કે, માંગવું કે નહિ. અને સતત ભય રહે છે આપનારને કે, આપું ને મિત્રને ઓછું આવી જાય તો ? પરિણામે કૃષ્ણ એમને મુલાકાત દરમિયાન કશું આપતા નથી. પરંતુ ઘરે પહોંચે છે ત્યારે ઝૂંપડાની જગ્યાએ સમૃદ્ધિ ભરાઈ ગઇ છે. મિત્રપ્રેમ અને ખુમારીનાં સન્માનનું આ કેટલું અદ્ભૂત રૂપ છે !! પણ આપી દેવાનો તણખલા જેટલો ભાર મિત્રનાં ખભ્ભે ન લાગે તેની કેવી કાળજી છે !!
કહેવાય છે કે જે આપે છે તેને ચિંતામુક્ત અને રોગનાશક વરદાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપવાથી અન્યના ચહેરા ઉપર સુખ, સંતોષ જોઈને જે મળે છે તે અમૂલ્ય છે. જે માણસ પરોપકાર નથી કરી શકતો તેના હૃદયનું કરુણાનું ઝરણું સુકાઈ જાય છે અને તે જળ બની જાય છે. યાદ રાખવા જેવું છે કે માત્ર ધન એ દાન નથી. પરંતુ વિચાર, જ્ઞાન, સમય, સ્થાવર મિલકત, અન્ન, એમ અનેકાનેક રીતે દાન આપી શકાય. શાસ્ત્રોમાં આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન એવા ચાર પ્રકાર છે.
‘પ્રબુદ્ધ જીવન’ ના અંકમાં પોતાના વિચાર વ્યક્ત કરતાં માનદ તંત્રી શ્રી સેજલ શાહ કહે છે કે, આ સર્વેમાં ઉત્તમોત્તમ જ્ઞાન દાન છે.કારણ કે એ અજર, અમર અને ક્ષુધાથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. જ્ઞાન દાનથી આત્મ વિકાસ થાય છે અને આત્માના ગુણ ખીલવવાનું શક્ય બને છે. જ્ઞાન જીવનનું એક અત્યંત મહત્વનું સત્ય સમજાવે છે કે ‘જે છે તે સદાકાળ નથી. પોતે નષ્ટ થાય એ પહેલા તું સર્વમાં વહેંચીને સફળ બન. જે નથી તે તારું નથી એટલે તેના મોહમાં વ્યર્થ સમય બગાડવાને બદલે તે નથી તેના અભાવથી તું મુક્ત બન.‘ આ અભય દાનનું ઉદાહરણ છે
લક્ષ્મીની ત્રણ અવસ્થા છે : દાન, ભોગ, અને નાશ. એમાં છેલ્લી બે દુઃખદાયી છે. જયારે દાન એ ઉત્તમ અવસ્થા છે. એક પ્રશ્ન વિચારવા જેવો છે કે, જે દાન આપે તેને આપણે દાનવીર કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ ‘હા’ છે. આપણી પોતાની કમાયેલી સંપત્તિને આપવા માટે હૃદયની ઉદારતા જોઈએ, વૈશ્વિક વિસ્તૃતતા જોઈએ અને મનની તત્પરતા જોઈએ. જે મમત્વ, આસક્તિ, લોભ, લાલચ આદિ છોડીને નિર્લેપ બનીને પ્રસન્ન રહી જીવી શકે છે, આપ્યાના ભાર વગર આપી શકે છે, તે વીર છે. અને એ દ્રષ્ટિએ દાન આપનારો વીર કહેવાયો છે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ ભગવતગીતામાં દૈવી સંપત્તિ અને આંસુરી સંપત્તિની યાદી ભગવાને ગણાવી છે. અને એમાં દાનને પણ સ્થાન છે. સાત્વિક, રાજસિક, અને તામસિક, એવા દાનના ત્રણ પ્રકાર પડે છે. (1) ઉપકારનો બદલો વાળવા, અથવા ફળની આશાએ જો દાન આપો તો એને રાજસ દાન કહેવાય. (2) જ્યારે મનના ભાવ વિના પરાણે અપાતું દાન એને તામસ દાન કહેવાય. પરંતુ (3) કશું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશે વિચારીને અપાતું દાન એ સાત્વિક દાન ગણાય. આપણે કોઈનો ઉપકારનો બદલો નથી વાળવો, આપણે કોઈ ઉપર અહેસાન નથી કરતા, પરંતુ હકીકતમાં તો આપણી ઉપર લેનારો અહેસાન કરી રહ્યો છે કે ઈશ્વરે એને આપણી પાસે મોકલ્યો છે અને એ મોકલવામાંથી આપણે એને આપવા માટે યોગ્ય બન્યા છીએ.
પ્રબુદ્ધ જીવનનાં દાન વિશેષાંકમાં શ્રીમતી ભારતી દિપક મહેતાએ આપણો પરિચય એક સુપેરા દાનવીર શ્રેષ્ઠી સાથે કરાવ્યો છે. એ સુપેરા દાનવીર કે જેમણે પિતાની વિદાય પછી નવ જ વર્ષની વયે પેનની નિબ, ચોપડા વગેરે નાની-નાની વસ્તુ વેંચીને પોતાના ભણવાની ફી ભરી અને વીસમે વર્ષે એ ‘સોનેરૂ સપનું જોનાર યુવાન ઉદ્યોગપતિ’ બની ગયા. 45મે વર્ષે કેમિકલની દુનિયાનાં બેતાજ બાદશાહ બન્યા. પરંતુ ગુરુના પરિચયમાં આવ્યા. અને ગુરુના પરિચયમાં આવ્યા પછી મંગલ કાર્યો કરતા-કરતા એવા સ્થાન ઉપર તેઓ પહોંચ્યા કે એમણે ‘अहं करोमि’ એવું કહેવાને બદલે ‘मया क्रियते’ એવું હંમેશા કહેવાનું પસંદ કર્યું. ‘હું કરતો નથી, મારા વડે કરાય છે’ એવી વિભાવના મનમાં બેસે ત્યારે આપણને ગુરુદેવ તરફથી આશીર્વાદ મળે ‘करिष्ये वचनं तव’. એમણે એક વખત ગુરુદેવને પ્રશ્ન પૂછેલો. સાહેબજી, મુંબઈમાં સિગ્નલ આવે ત્યાં ભિક્ષુકોનો હાથ લંબાય. તો નાણું આપીને ભીખની એ ટેવને પોષવી જોઈએ કે નહિ? ગુરુ મહારાજે ઉત્તર આપેલો, ‘સી કે, (સી. કે. મહેતા) કોઈ હાથ લાંબો થાય ત્યારે તે ક્યારેય ખાલી પાછો જવા ન દેવો. એમ વિચાર કરવો કે, એક તો દાન દેવા મળે છે અને બીજું આપણો કરુણાભાવ પોષાય છે. વળી દાન દેતી વખતે યાદ રાખવું કે, આપણો હાથ ઊંધો રાખવો કે જેથી યાદ ન રહે કે, કેટલું આપ્યું છે.’ કદાચ એટલા માટે જ કહેવાય છે કે, દાન દેનારનો ચહેરો ન જોશો, દાન દેનારની સ્થિતિ જોશો.
આપણા શ્રી રામચરિત માનસને વિશ્વભરમાં ખૂણે-ખૂણે લઈ જનાર શ્રી મોરારીબાપુ જયારે સાંધ્ય ગોષ્ઠિમાં બેઠા હોય અને હિંડોળે હિંચકતા હોય ત્યારે કેટલાક આત્મીય લોકો સી.કે. મહેતાની જેમ જ એમને ઉદ્દભવતા પ્રશ્નો બાપુને પૂછી લેતા હોય છે. એક વખત આ સમયે હાજર રહેવાનો મને લ્હાવો મળ્યો ત્યારે, એક નિમિત્ત માત્ર યજમાને પૂછ્યું કે, ‘બાપુ અવિવેક ન થાય તો એક વાત આપને કહેવી છે.’ તરત જ સામેથી હકારાત્મક ઈશારો થયો અને એમણે કહ્યું કે, ‘બાપુ, આપ અહીંયા જે આપની પાસે આવે છે, એવા કેટલાક લોકોને એમની સ્થિતિને જોઈને કંઈકને કંઈક હાથમાં મૂકો છો, કોઈ ને કોઈ રકમ એના હાથમાં આપો છો, કોઈ ને કોઈ વસ્તુ એને પકડાવો છો, પણ બાપુ આપને ખ્યાલ છે કે એવા લોકો બહાર જઈને આપે આપેલા પૈસાથી નશો કરે છે ? વસ્તુ કે રકમનો સાચો ઉપયોગ નથી કરતા.’ થોડીવાર સુધી આકાશ સામું જોઈ રહેલા મોરારીબાપુએ જે જવાબ આપ્યો એ આજના લેખનું સમાપન કરવા માટે યથાયોગ્ય છે. ‘સાંભળો, તમારી વાત સાચી છે. એવું નથી કે, આની મને ખબર નથી. પણ એવું હું ધ્યાનમાં રાખીને આપતો નથી. જુઓ ભાઈ, આપણે તો કુદરત સામું જોવાનું. પ્રકૃતિ નક્કી કરીને હેત વરસાવે છે ?? એક વાદલડી વરસે ત્યારે એ જોવે છે કે નીચે મારું પાણી ખાબોચીયામાં જાય છે કે સરોવરમાં જાય છે? વાદલડીનું કામ વરસવાનું છે. જેવી જેની પાત્રતા તેવો તેનો ઉપયોગ.’
by Bhadrayu Vachhrajani | Sep 13, 2024 | જનકલ્યાણ |



ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંધા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે નીરખતાં? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણ વાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કેનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.
બાલમંદિરથી ધો૨ણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘ૨શાળા. દસ વર્ષના હતા ત્યા૨થી જ્યોતિભાઈને ન. પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની, પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વેલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પોસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું તોતોચાન.’ એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હ૨ભાઈ- માધવજીભાઈ પટેલ-જગુભાઈ શાહ. શિન-રિવ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહ્લાદ પારેખ ઘરશાળામાં, એટલે વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘ગુભાઈ સારા ચિત્રકાર – સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કૅમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…. જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે. પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હિરજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. જુગુપ્સા.’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે : ‘આ ચિત્ર ગંદું અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’
ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન. એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે
જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો ક૨વા મળતાં ભીંત પર. ધ્રાંગધ્રા કોંગેરા ભરાયેલી. તેની રાજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આતિભાસ પાક્કો બંધાવ્યો, વાતાવ૨ણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠ્યપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહ્લાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો ક૨વાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી.. ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે
એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ. એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન. એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે. પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું,’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયા૨ નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે. ૧૯૫૪માં નેહરુએ પાર્લામેન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશાં કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ’ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે. જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લૅન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ / ફેલોશિપ તથા વચ્ચે ટ્રાવેલ ગ્રાન્ટ. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયૉર્કમાં બેસી ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ એકૅડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.
ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એક વાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમા૨’, મનીષા’, ‘ક્ષિતિજમાં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની બિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમેજ ક્રિએટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફોટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંત૨૨ાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો એ.
જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : “આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપ ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્કાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટનાં સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શે૨ ક૨વામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?’·
by Santulan | Sep 13, 2024 | Gramsetu |
by Bhadrayu Vachhrajani | Sep 12, 2024 | Gramsetu |


ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે
ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!
ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.
મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!
વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,
અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’
by Bhadrayu Vachhrajani | Sep 8, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ પણ વક્તવ્ય આપી ચુક્યા છે !!
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ્ઞાન પ્રદાન કરવામાં અને ધર્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસારમાં મોખરે કામ કરતી લગભગ શતાબ્દીના આરે ઉભેલી સંસ્થા છે.
‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના 1929માં થઈ. પણ એનું પ્રદાન નોંધવા જેવું રહ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રતિમાસ ‘પ્રબુદ્ધ જીવન‘ નામથી એક અતિ ચીવટ પૂર્વક સંપાદિત થયેલ માસિક કે જેને ગ્રંથ કહીએ એટલી ઊંચાઈ ધરાવતું હોય, તેનું પ્રકાશન થાય છે. છેલ્લા 97 વર્ષથી ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નું માસિક ‘પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થઈ રહ્યું છે.
પ્રબુદ્ધ જીવનની સમૃદ્ધ ધારા સાથે જોડાયેલા વિદ્વાનોમાં પંડિત સુખલાલજી, મણિલાલ મૂકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનભાઈ ચકુભાઇ શાહ, ડો. રમણલાલ શાહ અને ડો. ધનવંત શાહને આપણે યાદ કરવા પડે. આ 97 વર્ષથી પ્રકાશિત થઈ રહેલા પ્રબુદ્ધ જીવનમાં અત્યાર સુધીમાં લગભગ દસ તંત્રી મહાશયો સેવા આપી ચુક્યા છે. અને હાલ 2016થી ‘પ્રબુદ્ધ જીવન’ નાં માનદ તંત્રી તરીકે મુંબઈના ગુજરાતીના અધ્યાપિકા, જૈન શાસ્ત્રનાં ઊંડા અભ્યાસી અને અનેક લોકો સાથે સહજતાથી અને મિઠાશથી નાતો બાંધનાર ડો. સેજલ શાહ છે. તેમણે હવે અધ્યાપકની કારકિર્દી માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી છે. એટલે એવું માની શકાય કે ‘પ્રબુદ્ધ જીવન’ ને એક લાંબા ગાળાના તંત્રી હવે મળી ગયા છે. દીર્ઘ દ્રષ્ટિવાન આ તંત્રીએ અનેક કર્યો કર્યા છે પણ એની વાત કરીએ તો એમને ગમશે નહિ. એટલે આપણે વાત કરીએ જૈન યુવક સંઘનાં પર્યુષણ વ્યાખ્યાન માળાની.
1929 માં સંઘની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૈચારિક પ્રવૃત્તિ થાય એવું આપણે કશું કરવું. અને એ ત્યારનાં સ્થાપક મહાનુભાવોનો વિચાર હતો. પરંતુ ધીમે ધીમે કરતાં આ વિચારને નક્કર આકાર આપવામાં આવ્યો 1931થી. જ્યારથી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાન માળનો પ્રારંભ થયો. એમાં એક પછી એક અનેક ક્ષેત્રના વક્તાઓ, મુનિશ્રીઓ, સંતો, મહંતો, ડિપ્લોમેટ્સ વગેરે આવતા રહ્યા અને પર્યુષણ વ્યાખ્યાન દરમિયાન જૈન અને જૈન શાસ્ત્રોની તથા જીવન અને કૌશલ્યને સ્પર્શતા અનેક વિષયો ઉપર પોતાની છણાવટ કરતાં રહ્યાં. આચાર્ય રજનીશ પણ અહીં વ્યાખ્યાન આપી ગયા છે. 1931થી આજે 2024 સુધી આ પર્યુષણ વ્યાખ્યાન માળા અવિરત ચાલે છે. એમાં એક સરસ મજાનું મોરપીંછ ઉમેરાયું.
સંઘને વિચાર આવ્યો અને એમણે અનુકંપા પ્રોજેક્ટ શરુ કર્યો. છેલ્લા 39 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘ ગુજરાત રાજ્યના પછાત વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને દર વર્ષે દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. બનતું હોય છે એવું કે, પર્યુષણ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ ઠેર-ઠેર દાન કરતા હોય છે. પણ એનું સારી રીતે વિતરણ ન થાય તો એ દાનનો ઉપયોગ યથાર્થ ન થાય તેની બદલે ‘શ્રી મુંબઈ જૈન યુવક મંડળ’ મધ્યસ્થી બન્યું અને એમણે આ છેલ્લા 39 વર્ષમાં દર વર્ષે એક-એક સંસ્થાની મુલાકાત લઈ, તેની સ્થિતિ જાણી, તેની આવશ્યકતાઓની નોંધ કરી, અને યથાર્થ વિગત પર્યુષણ વ્યાખ્યાન માળા પહેલા અને દરમ્યાન જૈનો સુધી પહોંચાડી અને તેમને વિનંતી કરી કે, આ વર્ષનું પર્યુષણ પર્વ દરમિયાનનું આપનું દાન આ અનુકંપા પ્રોજેક્ટમાં આપો. એની બહુ ધારી અસર થઈ. ઘણીવાર એવું બને છે કે, દાન આપવું હોય પણ ક્યાં આપવું, દાન પાત્ર કોણ છે, એ જાણવું મુશ્કેલ હોય છે. સહજતાથી જેણે જાજી પિષ્ટપિંજણમાં પડ્યા વગર દાન આપવું છે તેને કોઈ આંગળી ચીંધે કે આ રહી એ સંસ્થા, તો એ દાતાનો માર્ગ સરળ બની જાય છે. એમાં અનુકંપા પ્રોજેક્ટ બહુ જ ઉપયોગી નીવડ્યો. દર વર્ષે સંઘ દ્વારા આશરે 40 લાખ જેટલી માતબર રકમ સંસ્થાઓને પહોંચાડવામાં આવી. આજ સુધીમાં અંદાજ ગણીએ તો લગભગ 37 જેટલી સંસ્થાઓને આ સંઘ દ્વારા સાડા સાત કરોડની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે.
પ્રબુદ્ધ જીવન માનવીય જીવનનો સંવાદ છે, એવી એની ટેગ લાઈન કહે છે. એનો અર્થ એવો છે કે, એ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાં આ માસિકનો ઉદેશ્ય માનવ જીવનને સ્પર્શવાનો છે. માનવ જીવનનનાં ઉત્તમ પાસાઓને ઉજાગર કરવાનો છે. તો માનવ જીવનના તામસિક પાસાઓ તરફ આંગળી ચીંધીને તેને ધીમે-ધીમે ઘટાડવાનો છે. અને તેથી જ એની ટેગલાઈન ‘માનવીય જીવનનો સંવાદ‘ એવું આપવામાં આવ્યું છે. બહુ સહજ છે કે, તે અંકને કોઈ ને કોઈ જૈન અગ્રણી સૌજન્ય પૂરું પાડે છે અને પરિણામે આ પ્રબુદ્ધ જીવન દ્વારા અનેક વિશેષાંકો પણ થયા છે. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે, આજે જયારે દૈનિક પત્રો ચલાવવામાં પણ કસોટીનો સમય આવ્યો છે અને સામયિકો બંધ કરવા પડે અથવા સમાજની મદદ માંગવી પડે એવો સમય આવ્યો છે ત્યારે પ્રબુદ્ધ જીવન છેલ્લા 97 વર્ષથી અણનમ આપણી વચ્ચે આવી રહ્યું છે એ એક બહુ મોટી સિદ્ધિ છે અને સિદ્ધિની સમગ્ર સમાજે નોંધ લેવા જેવું છે.
આપણે ઘણીવાર ફરિયાદ કરતાં હોઈએ છીએ કે સાત્વિકતા ક્યાંય બચી નથી. મને એમ લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણા સૌ માં સાત્વિક્તાનાં ઝીણા-ઝીણા બીજ રોપવાની એક પ્રક્રિયા છે. પ્રબુદ્ધ જીવનનો દાન વિશેષાંક એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સંયુક્ત અંક છે અને એ પ્રબુદ્ધ જીવનનાં આ અંકનું ટાઇટલ છે, ‘માનવતાની મિશાલ દાન–ધર્મ‘. દાન એકત્ર કરીને અનુકંપા પ્રોજેક્ટ ચલાવ્યા પછી સેજલ અને તેની ટીમને એવો વિચાર આવ્યો કે, આ દાન વિશેની ગ્રંથસ્થ અને વ્યવહારસ્થ સ્પષ્ટતા લોકો સુધી પહોંચે તો ઘણું સારું અને એમાંથી જન્મ થયો આ ‘માનવતાની મિશાલ દાન-ધર્મનો’. આપણી પાસે આ અંક આવ્યો તે શ્રવણ સુદ 11 અને વીર સંવત 2550નો અંક, આપણને દાન ઉપરનાં એકદમ તળથી લઈને શીર્ષ સુધીના વિચારોને પ્રસ્તુત કરી આપે છે. ભગવતગીતા શું કહે છે, ઇસ્લામ ધર્મમાં દાન શું છે, ખ્રિસ્તી ધર્મમાં દાનની ભૂમિકા શું છે, ગૌતમ બુદ્ધનાં દાનના વિચારો ક્યા છે, આટલું જ નહિ પણ એવા કેટલાક માતબર દાનવીર લોકો કે જેણે પોતાનાં જીવનમાં આંખો મીંચીને દાન કર્યું છે એવા શ્રેષ્ઠીઓના જીવન વૃતાંતને નહિ પણ કર્તવ્યવૃતાંતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ એકસો પચાસ પાનાંનો અંક આપણને દાન વિશેનું તલસ્પર્શી જ્ઞાન આપે છે એમ કહું તો અતિશયોક્તિ નથી.
જૈન મુનિઓ, જૈન સાધ્વીઓ, અને જૈન અભ્યાસના ધુરંધરો પોતાના લેખ દ્વારા અને કેટલાક દાન-ધર્મ સાથે સીધા વર્ષોથી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા લગભગ 60 લેખ આ દાન વિશેષાંકમાં આપણને મળે છે. હું માનું છું કે, આ દાન વિશેષાંક ભલે પર્યુષણ પર્વમાં આપણી સામે આવ્યો પણ આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ આપણા મકર સંક્રાંતિ કે દિવાળી કે કોઈ તહેવાર ઉપર દાન કરીએ છીએ તે દાનની ભૂમિકા શું છે અને દાન કોને, ક્યારે, કેટલું, કેવી રીતે આપવું જોઈએ તેની ખુબ જ ઊંડાણથી માહિતી જાણવી હોય તો આ અંક બહુ ઉપયોગી નીવડશે. આપણે દાન વિશેના કેટલાક વિચારો પણ આ અંકમાંથી જાણવા છે પણ અત્યારે ઝડપથી પર્યુષણ પર્વ વીતી રહ્યું છે ત્યારે અને વરસાદ આપણી ઉપર હેતનું દાન કરી રહ્યો છે ત્યારે આપણા હૃદયની અંદર તેવા કોઈ અંકુરણ ફૂટે અને આપણે પણ દાન આપવામાં કંજુસાઈ ન કરીએ પણ આભ ફાટે એટલું દાન આપણે આપતા થઈએ એવી શુભ ભાવનાથી આ પરિચય અહીં મુક્યો છે.
by Bhadrayu Vachhrajani | Sep 6, 2024 | કોડિયું |
આપણે જ આપણા ગુરુ છીએ. ગીતાજી કહે છે કે : મારું શર, મારું કુટુમ્બ અને સમગ્ર અસ્તિત્વ મારા ગુરુઓ છે.
આપણે આપણી જાતને એક સાદો પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ શા માટે થયો છે ?
શું ખાલી પીલી જીવવા માટે ઈશ્વરે મોકલ્યા એટલે અહીં આવ્યા અને ઈશ્વર બોલાવશે એટલે પાછા ચાલ્યા જશો એટલું જ શું ? જીવવા માટે, ખાવા માટે, રળવા માટે, કુટુંબ માટે, પરણવા માટે, whatsapp પર ચેટ કરવા માટે ?? કઈ બાબત માટે આપણો જન્મ થયો છે ?? આ પ્રશ્નાર્થ છે જેનો આપણને સીધો જવાબ મળતો નથી. સીધો જવાબ જોઈતો હોય તો એવું કહી શકાય કે, આપણે સૌ જન્મીએ છીએ એટલે જીવીશું એટલે રોજબરોજની પ્રક્રિયામાંથી પસાર થઈશું, ઊંઘી જઈશું, સવારે ઉઠી જઈશું, બ્રશ કરીશું , નાસ્તો કરીશું, ભણવા જઈશું અથવા વાંચવા બેસીશું અથવા કોમ્પ્યુટર સામે બેસીશું અથવા 24 કલાક મોબાઈલ ઉપર બેઠા રહીશું !! અને બપોર પછીનો સમય ફરી એકવાર આખો દિવસ ઢળતો હોય ત્યારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈશું. આટલું બધું કરવા માટે જ શું આપણે જન્મ લીધો છે ? આપણા જન્મનો ઉદ્દેશ ગણો તો ખરેખર આટલો જ છે કે આપણે આનંદ અને મોજ કરવા માટે જ જન્મ લીધો છે. આપણે ભણ્યા, આપણે નોકરીએ લાગ્યા, આપણે પરણ્યા, આપણે સંતાનો થયા, આપણા સંતાનો મોટા થયા, એ સંતાનોને પરણાવ્યા, આ બધી પ્રક્રિયા એ આપણા જીવનનો એક ભાગ છે અને એ એક ભાગ એટલે જીવનને આનંદપૂર્વક વિતાવવા માટેની આ બધી કસરતો, બીજું કશું જ નહીં , આટલું જાણી લઈએ તો ખાતરી થાય કે હકીકતમાં જીવનનો ઉદ્દેશ જીવવું છે.
વિચારવા જેવો મુદ્દો એ છે કે, મિત્રો, આપણે લોકો જન્મ લઈએ છીએ પછી આપણને કોઈકે ઉછેરવું પડે છે. ગાયનું વાછરડું જન્મે તો એ થોડીવારમાં ચાર પગ ઉપર ઉભું થઈ જાય ને ચાલવા લાગે, પોતાની માતાને ચાટવા લાગે, થોડોક સરખો ચારો ખાવા લાગે છે ! પક્ષીનું કોઈ બચ્ચું હોય એ માળામાંથી નીકળે એક ડાળેથી બીજી ડાળે, બીજી ડાળેથી ત્રીજી ડાળે એમ ધીમે ધીમે આગળ વધતું જાય અને પછી એક દિવસ અનેક પક્ષીઓની જેમ આકાશમાં ઉડવા લાગે !! માણસના કિસ્સામાં આવું બનતું નથી. માણસની આજુબાજુ કશુંક જોઈએ છીએ. આપણે જન્મ લઈએ કે તરત જ આપણને ઈશ્વરે ચાલતા નથી કર્યા, કારણ કે આપણને જન્મ આપવો એ આપણા માતા-પિતાના જીવનનું એક બહુ મોટું સપનું હતું. એમાં એમનો ઉત્સાહ હતો. એમની સાંવેગિકતા જોડાયેલી હતી. એમની આશા હતી, અરમાન હતા કે, અમારા ઘરમાં એક બાળક અવતરશે તેની સાથે અમે એના જેવડા થઈ જઈશું. અને ફરીવાર અમને અમારું બાળપણ મળશે અને શક્ય છે કે અમારા બાળક દ્વારા અમારા જેવા જ એક માતા અથવા એક પિતાનું સર્જન થશે અને સૃષ્ટિનો ક્રમ જાળવવામાં અમારું પણ યોગદાન અમે આપી શકીશું… બસ, આ પ્રકૃતિમાંથી સર્જાયને અમારું સર્જન પણ ફરી એક સર્જન પ્રકૃતિને પરત કરશે અને પ્રકૃતિ ચક્ર ચાલતું રહેશે. આ જ તો જીવનનો ઉદેશ્ય છે અને એમાં જ તો આનંદ છે.
આપણે આજે વાત કરવી છે ગુરુપૂર્ણિમાની. આ ગુરુ શબ્દ આપણે નાના હતા ત્યારે પહેલીવાર આપણા કાનમાં પડ્યો, સાત વારના એક અઠવાડિયામાં ગુરુવારથી, ‘આજે ગુરુવાર છે’, એમ જ્યારે કોઈએ કહ્યું ત્યારે આપણે અઠવાડિયાનો એક દિવસ અને એનું કોઈકે પાડેલું નામ એટલે ગુરુવાર, એવું જાણ્યું પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણને સમજાતું ગયું કે ગુરુવાર સપ્તાહનો એક દિવસ ખરો, પણ એમાં વપરાયેલો શબ્દ ગુરુ ઘણો મોટો અર્થ ધરાવે છે અને એનું ઘણું બધું મહત્વ છે. એ આપણો પથદર્શક બની શકે એટલો શક્તિશાળી શબ્દ છે. આપણે શેરીમાં હતા, રમત રમતા હતા, એકબીજા મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા હતા, ત્યાં સુધી આપણને આ ગુરુ એ શબ્દથી કૈંક વધુ છે એવું સમજાયું, પણ જેવા આપણે ભણવા માટે બેઠા અને સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની વાત આવી અને એમાં સરસ્વતી માતાની છબી મૂકીને એમને આપણા ‘ગુરુ’ કહેવામાં આવ્યા ત્યારે આ ‘ગુરુ’ શબ્દ આપણને જરા વિશિષ્ટ લાગ્યો !
આમ જોઈએ તો જીવનના ચાર તબક્કાઓ છે અથવા તો એમ કહીએ કે, આપણે જીવનમાં ચાર વખત જન્મ લઈએ છીએ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ ચાર જન્મ ના આપણા ચાર ગુરુઓ હોઈ શકે. આમ તો ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ બહુ સીધોને સાદો છે, ગુ એટલે અંધારું અને રૂ એટલે દૂર કરે તે.. આપણા જીવનના કોઈપણ તબક્કે જ્યારે આપણે અંધારામાં ફસાઈ જઈએ ત્યારે, આપણને ત્યાંથી આંગળી પકડીને પ્રકાશ તરફ લઈ જાય તે આપણો ગુરુ છે. સીધી સાદી વાત તો આટલી જ, પરંતુ પ્રશ્ન એ થાય કે જે બાળક ધીમે ધીમે વિકાસના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યું હોય એમાં વળી એને અંધારું ક્યાં આવે ?? અને અંધારું આવે તો પ્રકાશ તરફ જવાની વાત આવે તેવી તેની સમાજ ક્યાં હોય ? આપણા ચાર જન્મમાંથી સૌથી પહેલો જન્મ એ ભરચક અંધારી કોટડી માંથી આપણે બહાર આવીએ એ પહેલા નો જન્મ છે. આપણે આપણી માતાના ગર્ભાશયની અંદર લગભગ લગભગ નવ મહિના કાળ કોટડી જેટલા અંધારામાં પડ્યા હોઈએ છીએ અને આપણી માના પોષણ દ્વારા આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ. એક નાનકડું ફલિત અંડ હતું અને તે વિકસતું વિકસતું અઢી ત્રણ કિલોનું બાળક થઈ ગયું, જેને અંગ છે, ઉપાંગો છે, જેના શરીરની અંદર તંત્રો છે, કોષો છે પેશીઓ છે, એવું બાળક જે નવ મહિના માતાના ગર્ભમાં ગાળે છે એ જન્મને આપણે કોષીય જન્મ અથવા તો સેલ્યુલર બર્થ કહીએ છીએ. પરંતુ આ કાળકોટડી કાયમની નથી રહેતી અને આપણને સમય થાય ત્યારે કોઈ બહારની આ દુનિયાના જીવન સાથે પરિચય કરાવે છે. આ પ્રક્રિયાની અંદર આપણે ગર્ભમાં આવ્યા એ માટે આપણા માતા-પિતા આપણા પહેલા ગુરુ છે. એમણે ધાર્યું, એમણે મનમાં એક સુંદર સર્જન માટે વિચાર્યું ત્યારે આપણે ગર્ભમાં જઈને સ્થિત થયા. આમ જીવનના પ્રથમ ગુરુ ગણીએ તો આપણા માતા-પિતા છે. ઉદાહરણ તરીકે આપણો કોષીય જન્મ પૂરો થયો. અંદર થવો જોઈએ તેટલો વિકાસ થયો અને આપણે હવે ભૌતિક જન્મ લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને આપણી માતા બહુ મોટી પીડા ભોગવીને પણ બહાર લઈ આવે છે અને એ સમયે ત્યાં આપણી સામે બે હાથ પહોળા કરીને સ્વાગત કરવા તત્પર બે સ્ત્રીઓ હાજર હોય છે. હકીકતમાં એ બે સ્ત્રીઓ આપણા ધરતી પરના અવતરણના પહેલા સાક્ષીઓ છે. એમણે આપણને પ્રકાશમાં પહેલો શ્વાસ લેતા કાર્ય છે. આપણને ખબર નથી કે એ કોણ હતાં ? આપણે એને જીવનમાં ક્યારેય યાદ કરતા નથી, સંભારતા નથી. મારી માતા એકલપંડે મને જન્મ ના આપી શકી હોત !! મારી માતાના અરમાનો ફળીભૂત થયા છે એને પરિણામે મારી માતાની આંખમાં એક તેજ પુંજ જોવા મળે છે. મને જોવા માટે તત્પર એવા મારા પિતાશ્રી બહુ મોટા અરમાનો સાથે મારું સ્વાગત કરે છે અને હવે મારો સાંવેગિક જન્મ શરૂ થાય છે. અનેક પ્રકારના લોકો દ્વારા ટેકો મળે છે અને ઘોડિયામાં સૂતો હોઉં તો મારી ઘોડિયાની ઝોળીને નાની બેન અથવા તો આજુબાજુની કોઈ દીકરી અથવા તો મારા પપ્પા પણ હિંચોળે છે, આ સૌ મારા ગુરુ છે, કારણ તેઓ મને કશુંક શીખવી રહ્યા છે. મને ધીમે ધીમે એવા લોકો મળતા જાય છે કે જે મને ઉછેરવામાં મદદ કરે છે તે લોકો પણ મારા થોડા ઘણા અંશે ગુરુ છે. હું રીખવા લાગું છું, ધીમે ધીમે દોડવા લાગું છું, ઘરમાંથી નીકળીને શેરીમાં જાઉં છું, શેરીમાં મિત્રોની વચ્ચે ભળી જાઉં છું અને જઈને સૌ સાથે રમું છું, આ દરેક વખતે કોઈ મારી બાજુમાં હોય જ છે. કોઈ મને ધક્કો મારી જાય તો મને એ શીખવા મળે છે કે, આપણને કોઈએ પછાડી દીધા હોય ત્યારે કોઈ બે ત્રણ જણા આપણને ઊભા કરવા પણ હાજર હોય છે આ સાંકેતિક ભાષા જેણે મને સમજાવી અને એક સંવેગ મારા મનમાં ઉમેર્યો , એ હકીકતની અંદર મારો ગુરુ છે.
સાંવેગિક જન્મમાં મારા સંવેગો અને મારી લાગણી ધીમે ધીમે ઘડાતી જાય છે આ સમય દરમિયાન કેટકેટલા લોકોને હું મળું છું અને મારી વાત એમને કહું છું, એમની વાત સાંભળું છું આ બધા લોકો મારામાં કશુંક મને ખ્યાલ ન આવે તેમ ઉમેરતા જાય છે. મારી કેટલીક શંકાઓને દૂર કરતા જાય છે. મને જગત અને જીવ હવે સમજાવવા લાગે છે. મારાં આ દરેક પગલાં પર જે જે લોકોએ, ઘટનાએ કે પરિસ્થિતિએ મને સાથ આપ્યો તે દરેકને મારે ગુરુ ગણવા જોઈએ.
મારો એક સીધો અને સાદો મુદ્દો છે કે, આજે હું તમારી સાથે એક વિષય ઉપર વાત કરી શકવાને સમર્થ બન્યો છું, એમાં હું એકલો જવાબદાર નથી. મારા ભૌતિક જન્મથી લઈને આજે આપની સાથે વાત કરી રહ્યો છું તે સામાજિક જન્મ સુધી મને ગણ્યા ગણાય નહીં એટલા મારા કુટુંબીઓએ, મારા શિક્ષકોએ, મારા મિત્રોએ, મારા વિરોધીઓએ, મને ઓળખનાર અને મને ન ઓળખનાર ઘણા બધા લોકોએ ટેકો કર્યો છે ત્યારે હું આજે અહીં ઉભો છું. આ બધા મારા ગુરુઓ છે. અને એ ગુરુઓને પ્રણામ કરવા માટે આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ છે. આપને કદાચ એમ થશે કે આટલા બધા ગુરુ હોઈ શકે ?? ના, હકીકતમાં આપણે એને ગુરુ ગણતા નથી, પણ ગણવાં જોઈએ એવું મનમાં બરાબર બેસે એટલા માટે મેં આટલી લાંબી વાત કરી છે. મારે જે જ્યારે કરવું જોઈએ ત્યારે તે કરવા માટે જેણે મને ટચલી આંગળીનો ટેકો દીધો હોય તે મારો ગુરુ છે, આવી મારી માન્યતા છે. એમ કહેવાય છે કે, ‘ચપટી ધૂળ જો આપણને મદદમાં આવી હોય તો આપણે તેનો આદર કરવો જોઈએ અને ક્યારેય પણ તેને વિસરવું ન જોઈએ’, કારણ કે એ ધૂળ આપણને ફરી ક્યારેય ધૂળમાં મેળવી દે અથવા તો શિખર પર ચડાવી દે એ નક્કી નથી. અસ્તિત્વની આખી યોજના એવી છે કે, આજે જે મળે છે એ કદાચ કાલે નહીં મળે અને શક્યતા એવી છે કે, જે નહીં મળે એવું ધારેલ હોય એ વ્યક્તિ સાથે તમારે આખું જીવન વિતાવવાનો વારો આવે. એકપણ વ્યક્તિને ભૂલી જવી એ ખોટનો ધંધો છે. આપણી સમક્ષ ગુરુ દત્તાત્રેયનું ઉદાહરણ છે, જેણે ચોવીસ ગુરુઓ કરેલા! આપણને આજે આશ્ચર્ય થાય કે ચોવીસ ચોવીસ ગુરુ ?? આપણને ગુરુ દતાત્રયજી એ શીખવ્યું છે કે, શિક્ષાગુરુ અનેક હોઈ શકે.
હું જરા જુદી રીતે આખા વર્ગીકરણને મૂકવા માગું છું:
આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપનાર આપણા માતા-પિતાને અને અજ્ઞાત એવી અનેક વ્યક્તિઓને કે જેમણે આપણને ભૌતિક જન્મ સુધી સાથ આપ્યો છે તે સૌને આપણે ‘ઉદ્ભવ ગુરુ’ કહીએ. આપણા ભૌતિક જન્મ દરમ્યાન જેણે આપણને અનેક રીતે ટચલી આંગળીનો ટેકો કર્યો છે અને આપણને તારૂણ્ય સુધી ચાલતા કર્યા છે તેને આપણે ‘ઉછેર ગુરુ’ કહીએ. જીવનના પ્રશ્નને સમજી તેમાંથી માર્ગ શોધતા જેમને આપણને કોઈએ શીખવ્યું. આપણી લાગણી, આપણી ઊર્મિઓ, આપણા ગમા અને અણગમા વગેરે ઘડવામાં જેણે આપણને સાચો માર્ગ દેખાડયો છે તેને આપણે ‘ઉદય ગુરુ’ કહીએ. આપણને ભણાવી ગણાવીને સમાજમાં અથવા તો જીવનમાં કુટુંબના એક અગ્રણી તરીકે જેણે સ્થાન આપ્યું છે એ પ્રત્યેકને આપણે આપણા ‘ઉમંગ ગુરુ’ ગણી શકીએ.
ઉદ્ભવ ગુરુ મને જન્મ આપે છે, ઉછેર ગુરુ મને પગ પર ઉભો થતા શીખવે છે,
ઉદય ગુરુ મારા જીવનના ઉદય માટે પરિશ્રમ કરે છે અને ઉમંગ ગુરુ મને સદાકાળ માનવ બની રહેવાનો ઉત્સાહ ભરી આપે છે.
શ્રીમદ ભગવત ગીતામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે, આપણે જન્મ લઈએ ત્યારે આપણી સાથે ત્રણ પ્રકારની સંસ્થાઓ જોડાયેલી હોય છે અને આ ત્રણ પ્રકારની સંસ્થાઓ માટે આપણે જીવીએ તેવી ભગવાન શ્રીકૃષ્ણની અપેક્ષા છે. પહેલી સંસ્થા એ શરીર છે. શરીરમાં વસેલા હાડકાઓ, સ્નાયુઓ, અંગ ઉપાંગો દરેકનું સંવર્ધન કરવું અને સુરક્ષા કરવી એ પહેલી આપણી ફરજ છે. બીજી સંસ્થા તરીકે શ્રીમદ્ ભગવત ગીતા આપણને કુટુંબની વાત કરે છે. અહીં કુટુંબ એટલે માત્ર મારું કુટુંબ નથી, પણ હું જેની જેની સાથે સંપર્કમાં આવું છું, મારા પાડોશી, મારા શેરીના મિત્રો, હું સ્કૂલે જાઉં ત્યારે મારા સ્કૂલના મિત્રો, સ્કૂલના શિક્ષકો… આ બધું કુટુંબ છે. કુટુંબ એટલે વસુધૈવ કુટુમ્બકમ એ સંકલ્પનાનું કુટુંબ છે. હું જેની સાથે શ્વસી રહ્યો છું તે પ્રત્યેક જીવ મારા કુટુંબનો સભ્ય છે આ કુટુંબના સભ્યોને સાચવી રાખવા, સંવર્ધિત કરવા અને તેની સુરક્ષા કરવી એ મારી બીજી ફરજ છે. શ્રીમદ ગીતા ત્રીજી સંસ્થા તરીકે સમગ્ર અસ્તિત્વને આપણી સાથે જોડી દે છે અને એવું કહે છે કે, જે અસ્તિત્વએ તમને ઘડયા છે, તમને મોટા કર્યા છે, એ પંચમહાભૂતમાંથી તમે ઘડાયા છો, એ તમારી ત્રીજી સંસ્થા છે, એને કોઈ પણ સંજોગોમાં નુકસાન ન થાય એ આપણી ફરજ છે. એને સાચવી રાખીને એને સંવર્ધિત કરવાનું અને એમાંથી આપણે જેટલું લીધું છે એના કરતાં અનેક ગણું પાછું આપવાનું કામ એ આપણી ત્રીજી સંસ્થા માટેનો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા પ્રમાણે આપણે માનીએ તો, આપણા ગુરુઓ ત્રણ પ્રકારના બની શકે. મને ખબર છે કે મારાથી શું ખવાય, શું ખાવાથી શું થાય, ન ખાવાથી તો શું થાય, કેટલું ચાલવું જોઈએ, કેટલું સૂવું જોઈએ ?? મારા શરીરની પૂરેપૂરી ઓળખ કેવળ મને છે એટલે મારું શરીર મારું ગુરુ છે. મારું કુટુંબના માતા પિતા કે મારો મિત્રો કે સંબંધીઓ માંથી કોઈ નાદુરસ્ત થશે તો મને અસર થશે અથવા તો હું નાદુરસ્ત હોઈશ તો આ બધા મળી કાળજી લેશે એટલે આ કુટુંબ પ્રત્યે મારે મારો સદભાવ જાળવી રાખવો જોઈએ. સદા એના માટે મારે મિત્રતાના ભાવથી તત્પર થવું જોઈએ. મારે મારી ફરજ વડીલો પ્રત્યે અદા કરવી જોઈએ, એ મારું કુટુંબ મારો ગુરુ છે. અને અસ્તિત્વની અંદર જે પંચ મહાભૂત છે એ ના હોય તો આપણે જીવી શકીએ ખરા ?? વિચાર કરો કે કાલ સવારથી ચાર પાંચ છ દિવસ સુધી સૂર્યદેવ દર્શન ના આપે તો આપણી શી હાલત થાય ? ધરતી પર અતિશય પાણી વરસવા લાગે અને અનરાધાર વરસાદ મહિનાઓ સુધી ચાલતો રહે તો આપણી શી સ્થિતિ થાય ? એ જ રીતે પવન થંભી જાય તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ ? વૃક્ષો છે એ ઓક્સિજન બહાર કાઢવાનું ભૂલી જાય તો આપણે જીવતા કેમ રહી શકીએ ? અસ્તિત્વના આ બધા ઘટકો સુપેરે કામ કરે છે એટલે આપણું જીવન ટકેલું છે, આમ અસ્તિત્વ આપણું સર્વોચ્ચ ગુરુ છે એવું આપણે માનવું જ પડે.
અનેક મહાપુરુષો ગુરુના જુદા જુદા પ્રકારો અને ગુરુ મહિમાને પ્રગટ કરવાની અનેક રીતો આપણી સમક્ષ રજુ કરતા હોય છે. પણ આપણે નાના માણસો છીએ એટલે બહુ ઊંડાણમાં જઈને આપણે ગહન રીતે વાતો નથી કરવી. પૂજ્ય શ્રી મોરારીબાપુ કહે છે કે, ગુરુના બે પ્રકાર છે : એક પૂર્ણ ગુરુ છે, અને એક શૂન્ય ગુરુ છે. આપણે જે વાત કરી તેમાં જે તબક્કે જેણે આપણને સાથ આપ્યો તે સ્વયં પૂર્ણ ન હોત તો આપણે સફળ ન થયા હોત. જે કોઈ આપણને મળ્યા અને આપણને માર્ગ ચીંધી ગયા તે પૂર્ણ હતા.. પણ એવું જરૂરી નથી કે દરેક ગુરુ પૂર્ણતાથી તમારી સાથે રહે. કેટલાક એવા વ્યક્તિત્વ છે કે, મારી તમારી નજર સામે નથી, કદાચ આજે જીવંત પણ નથી છતાં એ આપણને માર્ગદર્શન કરી રહ્યા છે. લોક ભારતી ની જ વાત કરીએ તો, નાના દાદા, દર્શક દાદા, બુચ દાદા અને મૂળશંકર દાદા ને આપણે ક્યાં કોઈએ જોયા છે ?? છતાં આપણને અને આપણી સંસ્થાને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. મોરારીબાપુ તો એમ કહે છે કે, શક્ય બને ત્યાં સુધી વધુને વધુ શૂન્યતા તરફ જાવ, મૌન તરફ જાવ, કદાચ એવું બને કે મૌનમાં તમને આજે જ સામે નથી તે બધા જ ગુરુઓ સામે આવીને ઉભા રહે. એ સૌ એ સમયનું કામ કરીને પછી આપણાથી વિમુક્ત થઈ જાય છે અને આપણને કદાચ આખા જીવનમાં ક્યારેય ફરી મળતા પણ નથી, એમણે આપણને જે શીખવવું હતું એ શીખવીને પોતાના માર્ગ ઉપર આગળ ચાલતા રહ્યા. એટલે આપણા જીવનમાં એનો કોઈ ભાર નથી.
ગુરુ અને સદગુરુ – આ બે શબ્દો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આવા અનેક ઉદાહરણો આપણને શાસ્ત્રોમાંથી, વિશિષ્ટ બુદ્ધ પુરુષોના જીવનમાંથી જોવા મળ્યા છે. એ ઉદાહરણની મદદથી આપણે આ બે શબ્દોને હંમેશા સરખાવવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. પણ, કહેવાનું તો એટલું જ થાય કે ગુરુ તો ગુરુ છે, અને સદગુરુ તો સદગુરુ જ છે. શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી શ્રી વિવેકાનંદના જીવનમાં બનેલી એક ઘટના આપણને એ સ્પષ્ટ કરે છે કે, સદગુરુ પોતાના શિષ્ય દ્વારા, પરમ શિષ્ય દ્વારા જો નાની સરખી પણ ભૂલ થાય તો પુરા પ્રયત્નથી તેને એ માર્ગેથી પાછો વાળે છે. એમને એવું લાગે કે આ માર્ગે મારો આ પરમ પ્રિય શિષ્ય હવે આગળ નહીં વધી શકે, તો પૂર્ણ વિરામ મૂકવાનું કામ પણ એ સદગુરુ જ કરે છે. વિવેકાનંદજીના જીવનમાં એક નાનકડો અનુભવ સમાધિ અંગેનો થયેલો તેનો ઉલ્લેખ છે. રામકૃષ્ણદેવના આશ્રમમાં દક્ષિણેશ્વરમાં કાલુ નામનો એક ગરીબ હતો, ગામડાનો હતો. પરંતુ એની ભક્તિ એવી હતી કે ભક્તિમાં અને ભક્તિમાં આખો દિવસ પસાર કરતો હતો. તેમણે પોતાના રૂમની અંદર લગભગ લગભગ બધા જ દેવ દેવતાઓની મૂર્તિઓ રાખી હતી. જ્યાંથી મૂર્તિ મળે એને સ્થાન આપે, અને દેવતાની મૂર્તિ રાખે. એનું પૂજન કરે. પોતાના રૂમમાં પોતાને સુવાની જગ્યા નહોતી, એટલી મૂર્તિઓ હતી. પોતે બહાર સૂતો. બધાની પૂજા કરે, ભાવથી પૂજા કરે. એવું ન હતું કે માત્ર વારો વદાડવા માટે પૂજા કરે, આરતી કરે, થાળ ઘરે અને આઠ દસ મિનિટમાં બધું આટોપી લે. ના, એમનો તો લગભગ આખો આખો દિવસ એમાં જતો. કારણ કે ભાવથી પૂજા કરતો હતો. એકે એક મુર્તિની પૂજા કરતો હતો. ક્યારેક તો પૂજા કરવામાં સાંજ પડી જાય, તો જ્યારે પૂજા પૂરી થાય ત્યારે એ બિચારો ભોજન કરે. વિવેકાનંદજી આ વસ્તુ જોવે અને તેને હસવું આવે કે, આ માણસ કેવો મૂર્ખ છે. એમણે ક્યારેક એને સમજાવ્યો પણ ખરો કે તારું આ પાગલપન છોડી દે, તો આ બધા પથ્થરોમાં કાંઈ નથી, પરંતુ કાલુની આંખમાં આ સાંભળીને આસું આવી જાય એટલે વિવેકાનંદજી પોતાની વાત આટોપી લે. પરંતુ એ કહે કે આ બધાને ગંગામા પધરાવી દે. તારી જાતને એકલીને બચાવી લે. પરંતુ કાલુને તો પ્રેમ હતો. એના રૂપને એ ગંગામાં ક્યાંથી ફેકે? સ્વામી શ્રી વિવેકાનંદજી ને રામકૃષ્ણ દેવે ધ્યાનની રીતિ આપી હતી કે જેથી કરીને સાક્ષી ભાવમાં તેઓ પોતાના વિચારો ને નિરખી શકે. તેઓ એક વખત આ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એવું બન્યું કે સાક્ષી ભાવમાં એને થોડી ઝલક દેખાણી અને વિચાર સમાપ્ત થઈ ગયો. પરંતુ નાનકડી એ ઝલકે જાણે પર્દાફાશ કર્યો. એક નવો ઝરૂખો ખોલી દીધો. એ કિરણ અંદર પ્રવેશી તત્ક્ષણ એને એવું લાગ્યું કે આ સમયે પોતે કાલુને જઈને વિચાર આપવો જોઈએ કે તારી બધી મૂર્તિઓ છે એને બાંધી પોટલીમાં અને ગંગા માં પધરાવી દે. એમને લાગ્યું કે સમાધિષ્ઠ વ્યક્તિનો વિચાર બહુ બલશાલી હોય છે. એટલે મારે અત્યારના મને જે દેખાયું તેને કહી દેવું જોઈએ. કાલુ તો ભક્ત હતો, પરમ ભક્ત હતો. એના અનુભવની એક દુનિયા હતી. એ ગદગદ હતો, આનંદિત હતો. રામકૃષ્ણદેવે એ અગાઉ એક બે વખત વિવેકાનંદજીને કહેલું કે આ કાળુ ને તારે છંછેડવાની જરૂર નથી. એ સીધો સાદો આદમી છે, પોતાની મસ્તીમાં મસ્ત છે. એનો પોતાનો એક માર્ગ છે માટે તર્ક-વિતર્ક ન કરવો, એનું નુકશાન ન કરવું. પરંતુ સ્વામીજી ને પણ પહેલો જ અનુભવ થયો. જરાક દ્વાર ખુલ્યું સમાધિનું અને તત્ક્ષણ વિચાર આવ્યો અને એનો ઉપયોગ કર્યો. બહાર નીકળીને કહ્યું કે કાળુ બાંધ પોટલી અને બધા દેવી-દેવતાઓને ગંગામાં પધરાવી દે. શ્રી રામકૃષ્ણદેવ બહાર પંચવટી માં બેઠા હતા. તેમણે જોયું કે, વિવેકાનંદ પોતાના રૂમમાંથી બહાર આવીને આવો વિચાર આપી રહ્યા છે. સહસા તેઓ ઉભા થયા અને ભાગ્યા. કાળુ પોતાના દેવદેવીઓની પોટલી બાંધીને ગંગા તરફ જતો હતો ત્યાં જઈને રોકી ને કહ્યું ક્યાં જાય છે? તેમણે કહ્યું, બધું બેકાર છે, કોઈ સાર નથી. આજે મને વાત સમજાણી છે કે વિવેકાનંદજી કહે છે કે ઠીક છે, એટલે હું તેને ફેંકી દઉં છું. શ્રી રામકૃષ્ણદેવે કહ્યું ઉભો રે, થોડી વાર ઉભો રે. આ તારો વિચાર નથી, આ તું નથી બોલી રહ્યો. તું ઉભો રે, હું તને હમણાં કહું છું. તેઓએ જઈને વિવેકાનંદજીના ખંડની બહાર દરવાજા ઉપર ટકોરા લગાવ્યા. દરવાજો ખુલ્યો અને વિવેકાનંદને કહ્યું કે આ તેં શું કર્યું? તે શા માટે કાળુ ને આવો વિચાર આપ્યો? સમાધિમાં આવેલો દરેક વિચાર સંપ્રેક્ષિત કરવાનો નથી. આ તો સમાધિનો ઉપયોગ થયો, દૂર-ઉપયોગ થયો. શ્રી રામકૃષ્ણદેવ નારાજ થયા અને એમણે એમ પણ કહ્યું કે, “તારી સમાધિ આનાથી આગળ નહિ વધે. એની ચાવી હું મારી પાસે રાખી લઉં છું.” તરત જ કાળુને સમજમાં આવ્યું. તેમનો વિચાર પોતાનો ન હતો. એ પૂજા કરી રહ્યો હતો, સરળ ચરિત આદમી હતો. એ દેવ દેવતાઓને લઈને ભીતર ઉપડી ગયો હતો. અને એને જોઈને વિવેકાનંદજીને જે વિચાર આવ્યો, એ એમને કહ્યો. વિવેકાનંદ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા. સદગુરુ ની વાતથી જ સ્વામીજીએ કહ્યું, “હું કાળુની ક્ષમા માંગી લઉં.” અને તેમને દિલથી ક્ષમા માંગી. વિવેકાનંદને એ શબ્દો મનમાં બરાબર રહ્યા કે, હવે તારું ધ્યાન અહીંયા રહેશે, આગળ નહીં વધે, તેની ચાવી હું મારી પાસે રાખું છું. કહેવાય છે કે વિવેકાનંદનું ધ્યાન ત્યાં અટકી ગયું. પોતાના મરવાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં એક પત્રમાં તેઓએ લખ્યું છે કે, ‘હે ભક્તો, હું સમાધિમાં અનુભવ નથી કરી શક્યો. આજ સુધી અનુભવ નથી કરી શક્યો. તે દિવસે રામકૃષ્ણ દેવે ચાવી રાખી લીધી હતી, તે ફરી પાછી નથી મળી. પછી ક્યાં ખોવાઈ ગઈ, એ ચાવી મને ખબર નથી. પરંતુ મેં દુરુપયોગ કર્યો હતો, એટલે તેની સજા સદગુરુ એ મને આપી છે.’ આ ઘટનાથી ગુરુ અને સદગુરુ વચ્ચેના નિકટમ આત્મીય દિવ્ય સંબંધોની પ્રસાદી આપણને મળે છે.
આપણને એકાદો નાનો વિવેક જે શીખવી જાય છે તે શિક્ષા ગુરુ છે, પરંતુ બધાના જીવન સરખી રીતે ચાલતા હોય એમાંથી કોઈ એક નવો માર્ગ પકડીને આપણે આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, ત્યારે જે ગુરુ આપણને પ્રાપ્ત થાય છે દીક્ષા ગ્રુપ છે. જે તમને વિશિષ્ટ કૌશલ્ય માટે સતત ઘડે છે અને તમને એ કૌશલ્યના માસ્ટર બનાવે છે તે તમારા દીક્ષા ગુરુ છે. આજે પણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દીક્ષા ગુરુની પરંપરા બરાબર ચાલે છે. ખૂબી એ છે કે આરંભે તમારું નામ ગુરુ સાથે જોડાઈ જાય અને એક સમય એવો આવે કે જ્યારે તમારું નામ લેવાતું થાય અને ગુરુ નામ મૌન થતું થાય.
અને છેલ્લી વાત, બહુ ટૂંકમાં કે..
જીવનને જીવતાં શીખવે તે ગુરુ.
જીવનને માણતાં શીખવે તે ગુરુ.
જીવનને આંનદ ને મૌજથી છલકાવી દે ગુરુ.
મને અને તમને કશુંક નવું શીખવે તે શિક્ષા ગુરુ,
પણ
મને અને તમને જીવનના કૌશલ્ય માટે કેળવે તે દીક્ષા ગુરુ.
(લોકભારતી, સણોસરા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે આપેલું વક્તવ્ય તા. 21-07-24)
by Bhadrayu Vachhrajani | Sep 1, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય– સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.
જયસિંહ સિધ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિધ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યા. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો ત્યાં જ એમાં ભોજરાજ વિરચિત ‘સરસ્વતીકંઠાભરણ’ નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછ્યું કે આ ગ્રંથનું મહત્તમ કેટલું ? તો જાણવા મળ્યું કે, પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજરાજનું આ વ્યાકરણ છે અને તે એના રાજ્યમાં ભણાવાય છે. પંડિતોએ ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસા કરી અને તેથી જયસિંહ સિધ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતાનું સ્મરણ થયું. એ સમર્થ રાજા હતા એટલે એમને થયું કે, રાજા ભોજ અને માળવા દેશ નથી, કિંતુ વિદવાનોના હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ તો છે.!!
રાજા સિધ્ધરાજને મંથનના અંતે વિચાર આવ્યો કે, તલવારથી મેળવેલા વિજય તો આજે છે અને કાલે ભૂંસાશે. પરંતુ વિદ્વત્તા તો વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. રાજાએ જાણ્યું કે, જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. આ જાણીને તો બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ જાણે ઝાંખો પડી ગયો. રાજાએ સંકલ્પ કર્યો કે, સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેતાં કરવાં.
વિ. સં. ૧૧૯૩માં સિધ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું અને સકારણ માનભેર કાર્ય સોંપતાં કહ્યું કે, “હે મુનિનાયક ! મને થશ મળશે અને આપને પ્રસિધ્ધિ અને પુણ્ય — બંને મળશે, તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.” જયસિંહ સિધ્ધરાજે ઠેર ઠેરથી રાજચિહ્ન સાથે પત્રો પાઠવીને હસ્તપ્રતો મંગાવી. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલી ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યા.
મહારાજ સિધ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. યુધ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા રાજાના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દૃષ્ટાંતો ગુંજવા લાગ્યાં. હવે રાજ્યોનો વિસ્તાર નહીં પણ વિદ્યાવિસ્તાર અંગેનું ચિંતન શરુ થયું. સમય મળે કે તરત મહારાજ સિધ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસે અને વિદ્યા- યજ્ઞમાં સામેલ થાય. સિધ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો.
હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિધ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે ‘સિધ્ધહેમશબ્દાનુશાસન‘ રાખવામાં આવ્યું. જયસિંહ સિધ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને “સિધ્ધહેમ’ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવાનું શરુ કર્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય– સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિધ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા… આ સમગ્ર પ્રસંગોનું નખશીખ વર્ણન જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન અને અભ્યાસુ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના લેખમાં સુપેરે કર્યું છે, તેની નોંધ સાદર લેતા ઉપકૃત છું.
અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિધ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતા હતા. આજે પહેલીવાર હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન‘ ગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિધ્ધરાજ ચાલતા હતા. આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતા. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.
જુઓ, મહાન ગ્રંથની રચના કરીને સંતોષ ન માનનાર રાજાએ રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન કરાવ્યું અને પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. શ્રી કુમારપાળ લખે છે કે, ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.
શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે
કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.
ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.
by Bhadrayu Vachhrajani | Aug 25, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

“તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે, તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો.”..જાબાલ ઉપનિષદ
હિન્દૂ અને મુસ્લિમ બંને જેને સાદર ભજે છે તે યોગીની લલ્લેશ્વરી કહે છે…
“તમે આમ અંધની જેમ બહાર લટાર શું મારો છો? જો તમે શાણા હો તો અંદરની યાત્રા શરૂ કરો. શિવા ત્યાં છે, બીજે ક્યાંય નથી. સીધા સાદા મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખો.”
આજના સમયમાં જે ખાના-ખરાબી, મુશ્કેલીઓ, માનવજાત માટે વધી રહી છે એના સામે ભૂતકાળમાંથી જો આપણી સમક્ષ શ્રદ્ધા, પ્રેમ, અને સૌહાર્દનો સંદેશો લઈને કોઈ આવ્યું હોય તો એ યોગીની લલ્લેશ્વરી છે.લોકો એને પ્રેમથી ‘લલ્લા’ કહેતા.
હકીકતમાં એ લાલ દેવી 14 મી સદીમાં કાશ્મીરમાં થયા. એ સમય હતો સંસ્કૃતિ અને માન્યતાઓના સંમિશ્રણનો. લલ્લાને મહાન મધ્યકાળના સુધારાવાદી સંતો પહેલાની પેઢીના ગણવામાં આવે છે. જેમ કે, રામાનંદ અને કબીરદાસ એ ભક્તિ પરંપરાના પૂર્વ અને પશ્ચિમ ભારતમાંથી 15મી સદીમાં થયા. લલ્લા એ ભગવાન શિવની આરાધક હતી. પરંતુ એ માત્ર પૂજા-અર્ચના કે આરાધનાનો વિષય નહોતો. એ સમયના ધાર્મિક દર્શનોની તેના ઉપર બહુ મોટી અસર હતી.
લલ્લાનું જે કથન છે અથવા લલ્લાના જે સુવિચારો છે તેમાં ભારતીય હિન્દુ ભક્તિ પરંપરા અને સુફીઝમનો એક સાથે સુમેળ જોવા મળે છે. આશ્ચર્યની અને આંનદની વાત એ છે કે, એ હિંદુ અને મુસ્લિમ બંનેની અંદર સમાન માન પ્રાપ્ત દેવી હતાં. હિંદુઓ તેને ‘લલ્લેશ્વરી’ અથવા ‘લલ્લાયોગીની’ કહેતા, અને મુસ્લિમો તેને ‘લાલ આરીફા’ કહેતા. એવું કહેવાય છે કે લલ્લાને કોઈ એક વિચારની શાખા સાથે જોડવી એ તેમના આધ્યાત્મિક સ્વભાવથી વિપરીત ગણાય. લલ્લાનો જન્મ શ્રીનગર પાસેના એક નાનકડા ગામમાં કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં થયો. જો કે તેમની જન્મ તારીખ માટે હજુ એકવાકયતા નથી સધાણી. પરંતુ જે અભ્યાસુઓ છે એ એવું માને છે કે, તે 1317 થી 1320 ની વચ્ચે જન્મ્યા હતા. બાળક તરીકે જ લલ્લાએ પોતે આધ્યાત્મિક અર્થો, શાસ્ત્રો, વગેરેનો સઘન અભ્યાસ કર્યો હતો. પોતાના પિતાના ઘરમાંથી જ તેણે કેટલાક ધાર્મિક ગ્રંથોમાંથી અધ્યયન કરેલું. એ સમયના જ્ઞાતિના રિવાજ પ્રમાણે 12 વર્ષની ઉંમરે લલ્લાનું લગ્ન સોનાભાટ એ દ્રંગબાલના એક બ્રાહ્મણ છોકરા સાથે થયું હતું. જોકે, આ લગ્ન પરિણય એટલો સુખદ નહોતો કારણ કે, એમના પતિ અને તેમના સાસુ એમને સારી રીતે સાચવતા નહોતા. એમના સાસુ એમની જમવાની થાળીમાં મોટો પથ્થર મૂકીને તેના ઉપર ભાતનું એક થર ચડાવીને જમવા આપતા હતા. લાગતું તો એવું કે, તેઓ ભાવપૂર્વક ભરચક થાળી લલ્લાને આપી રહ્યા છે.
લલ્લાએ એક વખત બરાબર નોંધ કરી કે, મને મારા પતિ અને કુટુંબ તરફથી જે કંઈ વાનગી આપવામાં આવે છે તેમાં સતત પથ્થર હોય છે. પરંતુ લલ્લાએ કોઈ દિવસ ફરિયાદ ન કરી. એમને બહુ જ હેરાન કરવામાં આવ્યા અને તેને અર્ધ ભૂખ્ય અવસ્થામાં જીવવું પડ્યું, પણ તો પણ તેમણે પ્રાર્થના, ધ્યાન અને એકાંતમાં પોતાની જાતનો ખોરાક પ્રાપ્ત કર્યો. એમનું આ મુશ્કેલી ભરેલું લગ્નજીવન એમને ભૌતિક જગતમાંથી દૂર કરવામાં કારણભૂત બન્યું. અને પરિણામે લલ્લા બહારની યાત્રા બંધ કરીને અંદર ઉતરવા લાગી. એમને પોતાના કુટુંબના એક ધર્મ પુરુષ દ્વારા અને એ સમયના બહુ જ મોટા સ્કોલર ‘સિદ્ધા શ્રીકાંતા’ દ્વારા કેટલીક આધ્યાત્મિક સાધના પદ્ધતિઓનો પરિચય મળ્યો અને એમાંથી તેની અંદરની ખોજ શરૂ થઈ. એમની શિખામણે એમનું જીવન બદલી નાખ્યું.
“મારા ગુરુએ એક વખત કહ્યું, ‘અંદર તરફ પાછી વળ… અંદર તરફ પાછી વળ’ અને આ લલ્લાનું કેવળ શિક્ષણ હતું કે, જેમાં એણે પોતાની નજરને પોતાની જાતની અંદર વાળવાની હતી. લલ્લા કહે છે કે, મેં જૂઠી માન્યતાઓને ફગવી દીધી અને મેં મારી અંદરના અવાજને એકલાને અનુસરવાનું નક્કી કર્યું. અંતે હું મારી જાતને મારી અંદર ઊંડાણથી જોતા અનુભવી રહી હતી. અને મને ખ્યાલ આવ્યો કે, એ તું છો, જે ઈશ્વર સર્વત્ર છે.” ત્યાર પછી લલ્લાની આખી યાત્રા આધ્યાત્મિક આત્મ સંશોધન માટે થઈ અને તે એકદમ ઝડપથી થઈ. એ પોતે કુટુંબી કુટુંબ તરીકે ન રહી શકી અનેક આધ્યાત્મિક પુરુષો સાથે તેમણે ઘરેલુ જીવનને આધ્યાત્મિક ક્રાંતિ માટેની સાધનામાં ફેરવી નાખ્યું. કહેવાય છે કે, જ્યારે તમારો નાતો બહારની દુનિયા સાથે કપાય છે ત્યારે તમે વધુ તેજસ્વી બનો છો. અને તેનામાં બહુ મોટો ફેરફાર થયો.
જેમ જાબાલા ઉપનિષદ કહે છે, કોઈએ એક ક્ષણે પોતાનું ઘર છોડી દેવું જોઈએ, જ્યારથી તેની અંદરના ભાગમાં નવો દિવસ ઉગવા લાગે. તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે, તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો. કોઈ એક નિશ્ચિત તમારું સ્થાનક હોતું નથી. લલ્લાએ ઘર છોડી દીધું એ ઉંમરે, લગભગ વીસેક વર્ષની હશે. તે એક સૂફી બિંદાસ્તની જેમ પોતાના વસ્ત્રો ત્યાગી દઈને નાચતી-કુદતી ફરવા લાગી, આ એના માટે સ્વાતંત્ર્ય હતું અને આશીર્વાદ સમાન સાચી ક્રાંતિ હતી. યોગિનીએ બરાબર જાણ્યું, પામ્યું કે, ભગવાન શિવ અને બીજા કોઈને સામાજિક માન્યતાના કોઈ રીતિરિવાજમાં પડવાની જરૂર નથી. આવી રીતે તે ભટકવા લાગી. પોતાના શરીરથી પૂર્ણત: અજાણ અને માત્ર ને માત્ર પોતાની અંદર રહેલા આત્મા સાથે જોડાણ સાધીને એણે ઘૂમવાનું શરૂ કર્યું. એમના રખડપટ્ટીના એ દિવસોમાં કવિતાઓ, સૂત્રો ને શ્લોકો એનામાંથી નીકળવા માંડ્યા, જેને લલ્લાના વાખ કહેવામાં આવ્યા. એ બહુ જ ઊંડાણ ભર્યા, વ્યક્તિગત, લગભગ પહેલા પુરુષમાં લખાયેલા અને પરંપરાની રીતે ચાર લીટીઓમાં હોય. આ સ્તોત્રોએ એમનો અનુભવ એકદમ આનંદપ્રદ ને એકદમ શાંતિપ્રદ બનાવી દીધો.
લલ્લાની જન્મ તારીખની જેમ જ તેમની વિદાયની તારીખ પણ સ્પષ્ટ જાણી શકાયેલ નથી. પરંતુ એમ કહેવાય છે કે, 1387 થી 1390 ની વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં આવેલ બિજબેહરા ગામ તે ગયેલ અને ત્યાં લલાએ સમાધિ લીધી. કહાની એવું કહે છે કે, હિંદુઓ તેના શરીરને અગ્નિદાહ આપવા માટે માંગણી કરી અને મુસ્લિમોએ તેના શરીરને દફનાવવા માંગણી કરી, પરંતુ લલ્લાનાં શરીરમાંથી એક જ્યોત પ્રગટી અને કોઈ કશું સમજે તે પહેલા તો એ જ્યોતિ અસ્તિત્વમાં વિલીન થઇ ગઈ !!
લલ્લાએ બહુ જ સઘન સાધના કરીને કાશ્મીરી સૈવીઝમ, તંત્ર, યોગ વગેરેનો બરાબર સ્વાધ્યાય કર્યો, અને પોતાના વાખની અંદર એને ઉતાર્યા. કહેવાય છે કે, આ વાખ કબીર અને રહીમના દોહાને મળતા આવે છે. તેમના વાખ વાંચીએ ત્યારે લાગે છે કે, એમને કોઈએ સીધું કંઈ શીખવ્યું હોય અને બહાર આવ્યું હોય એવું કશું નથી. પરંતુ એમની અંદર જાણે દિવ્ય આત્માએ કશુંક પ્રગટાવ્યું છે. “હું જે વાંચું છું તેને અમલમાં મુકું છું, અને શીખું છું જે શીખવાયું નથી. આ આખા જંગલમાંથી હું એક સિંહને નીચે લઈ આવું છું અને એક જંગલના એક શિયાળ તરીકે મારા મનને નીચે લઈ આવું છું. હું જે અનુભવ છું અને જે સાધું છું તે જ કહું છું અને એ ઉદ્દેશને પહોંચવા મથું છું.’ લલ્લા છે એ ‘ત્રિકા સ્કૂલ ઓફ કાશ્મીરી સૈવીઝમ’ ની માનવામાં આવતી હતી. આ સ્કૂલની માન્યતા એવું કહે છે કે, બધા જ સર્જનો એ હકીકતમાં આપણી સભાનતામાંથી એટલે કે શિવમાંથી થયા છે. માણસ માત્ર જો કે, એ સમજી નથી શકતો કે એક ભગવાન જે સ્વરૂપ, નામ, કે ઓળખથી પર છે તેના જુદા-જુદા સ્વરૂપમાં આપણે અટવાણા હોઈએ છીએ.
લલ્લેશ્વરી દેવીના એક વાખથી વિસ્તૃત લેખનું સમાપન કરીએ :
“Let them abuse me with a thousand mouths
In my heart there is no hurt nor pain
If a true devotee of Sankara I am
My mirror will not be stained by ashes.”
by Bhadrayu Vachhrajani | Aug 11, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની વાતો વિગતે જાણવા ‘કર્મનો સિદ્ધાંત’ આપણને સમજાવનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર‘માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.
પરમાત્મા વિશે સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, દ્વૈત-અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે.
વિનોબાજી એમ કહે છે કે, સગુણે નિર્ગુણ થવું પડે છે અને નિર્ગુણે સગુણ થવું પડે છે. તો સાકાર પણ નિરાકાર થયા વગર રહેતો નથી અને નિરાકાર પણ સાકાર થઈને જંપે છે.
છે શું ખરેખર? ઈશ્વરના મામલામાં વાત કરવા માટે આપણે નાના પડીએ પણ કેટલીક વાતો આપણને મૂંઝવ્યા કરતી હોય છે. એટલે વિચાર આવ્યા કરે અને એમાંથી પ્રશ્ન જન્મે. પ્રતિ વર્ષ ઈશ્વરનો જન્મ થાય અને જન્મનો ઉત્સવ આપણે મનાવીએ. એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનના જન્મ હમેશા દિવ્ય કેમ હોય? ઈશ્વર જે કર્મ કરે તે પણ દિવ્ય કર્મ કહેવાય એવું કેમ? આના કારણો શું છે ?
આમ જુઓ તો ભગવાન ગીતામાં કહે છે કે, હું અજન્મા, અવિનાશી, પરમાત્મા તથા તમામ દૂત માત્ર નો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાઘીન રાખીને, મારી શક્તિથી, સ્વેચ્છાથી સગુણ સાકાર સ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું. ગૌસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે. बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार। निज इच्छा निर्मित तनु माया गुन गो पार॥ એટલે કે માયા, માયાના ગુણો અને ગૌ એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ પોતે જ નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી. ભગવદ ગીતામાં કહે છે, जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । એમ કહે છે કે ત્રણ કારણો છે.
એક પહેલું તો એ કે હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉંધે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં, દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો.
બીજું – શુભ અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક હું મારા આગળના જન્મના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ, મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈપણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવસાત ગમે તેવું શરીર પકડાવે.
અને ત્રીજું કારણ મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ-દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा |
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते || ગૌસ્વામી તુલસીદાસજી પોતાનો ભાવ પ્રગટ કરતા કહે છે चिदानंदमय देह तुम्हारी। बिगत बिकार जान अधिकारी॥ नर तनु धरेहु संत सुर काजा। कहहु करहु जस प्राकृत राजा॥ શુદ્ધ ચૈતન્ય, પરાત્પર બ્રહ્મ જે નિર્ગુણ-નિરાકાર છે. તે માયાના ગુણોનો સ્વીકાર કરીને અથવા તેમાં માયાના ગુણો પ્રગટ થાય ત્યારે સગુણ નિરાકાર ઈશ્વર હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણા ને પ્રશ્નો છે કે, પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું? શ્રીરામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગોલોકનો ચાર્જ કોને આપ્યો હશે? ભગવાનને હાથ-પગને માથું ખરા? જેને જેનું જ્ઞાન ન હોય એવો બખવાસે ચડેલો માણસ ગમે તે બકે. પણ ભગવાનના અવતારની વાત ખરી છે.
દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્ય રૂપ અને બીજું વિશેષ રૂપ. એક નિર્વિશેષ રૂપ અથવા બીજું વિશેષ રૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્ય રૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષ રૂપ. દાખલા તરીકે અગ્નિ, વીજળી વગેરે… અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે, વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. અરણીના બે લાકડા ઘસાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. ચકમકના પથ્થર અથડાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. જે અગ્નિ પ્રગટે, નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ. અગ્નિ એક ઠેકાણે પ્રગટ થયો માટે બીજે ઠેકાણે નથી એમ કહેવાય નહિ. વળી દઝાડવાનું, દાહનું કામ સવિશેષ અગ્નિ કરે છે. તેવી રીતે સગુણ-સાકાર સ્વરૂપે પ્રગટેલા શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે જેઓનું કલ્યાણ કરે, દયા કરે, અનુગ્રહ કરે, વરદાન આપે, આશીર્વાદ આપે અને યોગ્ય લાગે તો સજા પણ કરે.
ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે, પરમાત્મા તો સર્વ વ્યાપક છે તો પછી, તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા, તેમાં તમે આટલું બધું રડો છો કેમ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો: શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ. શબરીને શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. જે સદ્દગતિ પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ, યોગીઓને અનેક વર્ષ તપશ્ચર્યા કરવી પડે, ઉપાસના વગેરે ક્રિયા સાધનો કરવા પડે. ત્યારે તે ક્રિયાસાધ્ય બને છે. અને એટલા માટે પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ કરતાં તેમના સગુણ સાકાર સ્વરૂપની ગોપીઓ અને શબરી જેવા પ્રેમી ભક્તો ઝંખના કરે છે. ભગવાન કહે છે કે, હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કંઈ રાવણ કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે કર્મનો સિદ્ધાંત આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.
by Bhadrayu Vachhrajani | Aug 4, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
સત્ય એ કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું નથી.
મુગલ સમ્રાટ શાહજહાં નો મોટો દીકરો એટલે દારાશિકોહ. દારાશિકોહને સનાતન હિંદુ ધર્મના ઉપનિષદો કેવી પ્રેરણા આપી ગયા છે, તે આપણે જાણ્યું છે. એમને જે ફકીરો મળ્યા, જે ગુરુઓ મળ્યા, એમાં અનેક ગુરુઓ પાસેથી એણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મિયા જીવ અને મુલ્લા શાહ આ બે મહાનુભાવોએ અથવા પ્રબુદ્ધ વ્યક્તિઓએ દારાશિકોહને એવું કહેતા ટાંક્યો છે કે, ઉપનિષદો ‘એસીર -ઇ-અકબર’ નામે ફારસી માં ભાષાંતર છે. અને એવું પણ કહેવામાં આવ્યું અને સમજાવ્યું કે, અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.
દારાશિકોહ પોતે જ લખે છે કે, એમનું હૃદય ઉપનિષદોમાં શમી ગયું છે. મુલ્લા શાહ ઉપરાંત હિન્દુ તત્વજ્ઞાનનું કેટલું રહસ્ય દારા એક બાબાલાલ નામના સાધુ પાસેથી પામેલો. બાબાલાલ પંજાબના હતા અને તેમને લાલ દયાળ પણ કહેતા હતા. આ લાલ દયાલ મિયા જીવના મિત્ર હતા. દારા એમને મળવા ઇચ્છતો હતો, એવામાં દયાલ પોતે લાહોર આવ્યા અને દારા અને તેમનો ભેટો થયો. દારાએ ‘હસરત-ઉલ-આરિફિન’ એ નામના પોતાના એક પુસ્તકમાં લાલ દયાળ વિશે સરસ ઉલ્લેખ કર્યો છે. બાબાલાલ એક આરૂઢ યોગી છે. એમના જેવો પ્રભાવશાળી અને ઉંચી કોટી નો બીજો કોઈ મહાત્મા મેં હિન્દુઓમાં જોયો નથી. બાબાનું કહેવું છે કે, દરેક ધર્મમાં ઊંચી કોટીના મહાત્માઓ છે, જેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે. લોક સમૂહના ઉપર ઉપકાર કરવા પ્રભુ સર્જે છે, એવું દારા માને છે. બાબાલાલ કયા પંથના હતા તે સ્પષ્ટ નથી. પરંતુ દારા પોતાના પુસ્તકમાં એમને કબીર પંથી માને છે. આ સમર્થ હિંદુ તપસ્વી માટે અંગ્રેજ લેખક બિનીયલ આ પ્રકારે શબ્દો ઉચચ્ચારે છે:: લાલ સ્વામી ક્ષત્રિય હતા. જહાંગીરના રાજ્ય સમયમાં તેઓ માળવામાં જન્મ્યા હતા. નાનપણમાં યોગ દીક્ષા પામી તેઓ પંજાબ ચાલ્યા ગયા અને સરહિંદ આગળ આશ્રમ સ્થાપી ગયા. તેમની પાસે મનુષ્યની ધારા ચાલી આવતી. તેમના અનેક શિષ્યો હતા. શાહજાદા દારાશિકોહ પણ તેમની પ્રતિભા અને યોગ શક્તિથી ખેંચાઈ તેમના શિષ્ય થયા હતા.
ઉપનિષદો ઉપરાંત દારાએ ઘણા પુસ્તકો રચ્યા અને રચાવ્યા. શ્રીમદ્ ભગવત ગીતાનું તથા યોગ વાશિષ્ટનું એમ બે ભાષાંતરો તેણે પોતે ફારસીમાં કરાવ્યા. કેટલાકના મતે ગીતાનું ભાષાંતર દારાએ પોતે જ કર્યું છે. ગીતાનું ભાષાંતર ઉપનિષદોના ભાષાંતરના સમયનું છે એટલે કે હિજરી સંવત 1067 ની આસપાસનું હોઈ શકે છે. દારાના ધાર્મિક વિચારોના સંબંધમાં ઘણો ઉહાપો થયો છે. એનું વલણ સૂફી મત તરફ હતું. અને મીયાં જીવ તથા મુલ્લા શાહના સંપર્ક પછી તે પાક્કો સૂફી બન્યો હતો. આ સમય હિજરી સંવત 1043 થી 1050 ની આસપાસ ગણી શકાય. એને બચપણમાં જે ધાર્મિક સંસ્કારો ચુસ્ત ઇસ્લામના મળેલાં તે વિશાળ વાંચન અને અનુભવના પરિણામે મોળા પડ્યા. અને તેની દૃષ્ટિ સંકુચિત અને સાંપ્રદાયિક મટી જઈને ઉદાર અને વ્યાપક બની ગઈ. આ ફેરફારનું માન મીયાં જીવ, મુલ્લા શાહ અને લાલ સ્વામીને ફાળે જાય છે. દારા પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે અને બીજા ધર્મોના અભ્યાસ તરફ વાળનાર મુલ્લા શાહની ‘ઉપનિખત’ નામના પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે સ્તુતિ કરે છે.
બાબા લાલના તત્વજ્ઞાન વિશેના એ પુસ્તકમાં તે ઉચ્ચારે છે કે, સત્ય એ કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું નથી. આ એક જ વાક્યથી દારા પોતાના જમાનાથી ઘણો આગળ ગયો સિદ્ધ થઇ શક્યો છે. એનું છેલ્લું અને પ્રસન્ન ગંભીર શૈલીનું પુસ્તક ‘મજંમ્બૂમબહરે’ એનો અર્થ બે સાગરોનું મિલન થાય છે. આ પુસ્તક હિજરી સંવત 1065 નું છે. દારાના અભ્યાસના પરિપાકનું એક ફળ છે. વિચારો એટલાં તો ગહન, વ્યાપક અને ઉન્નત છે કે દારાને આપણે ભારતના એક મહાન વિચારકની કક્ષામાં મૂકી શકીએ. દારા કહે છે કે, ‘ચેતનાની ઉન્નત અનુભૂતિના વિષયમાં સત્યના નિતાંત શુદ્ધ દર્શન પણ હિન્દુ ધર્મ અને ઇસ્લામ એક જ છે.’ જે યુગમાં તેણે આ સત્ય ઘોષણા કરી તે યુગનો કોઈ પણ હિન્દુ કે મુસલમાન વિચારક આ અવાજને સાખી શકે તેમ હતો નહિ. જમાનો ધર્મથી નહીં પણ ધર્મજનુનોથી ભરેલો હતો. દારાના અવાજથી પંડિત વર્ગ અને મુલ્લા વર્ગ બંને ખળભળ્યા. હિન્દુઓને તેના વિચારો વસમા લાગ્યા. મુસ્લિમોને પણ કારમાં લાગ્યા. કોઈની દ્રષ્ટિમાં સમન્વય તરફ એ સમયે સદ્ભાવ ન હતો. આ ભય તેની દ્રષ્ટિની બહાર ન હતો. દારા પુસ્તકમાં લખે છે કે, આ કિતાબ નથી હિન્દુ માટે કે નથી મુસ્લિમ માટે. આ કિતાબ મારા મિત્રો અને કુટુંબીજનો માટે છે. જનસમૂહની માન્યતાઓ સાથે મારે કશી લેવા દેવા નથી.
દારા આખર સુધી મુસલમાન હતો. તેણે ઇસ્લામમાં જ શાંતિ જોઈ હતી. અલ્લાહનું સ્મરણ શ્વાસેશ્વાસે કર્યા કરતો. પોતાના દરેક પુસ્તકમાં ઈશ્વર મહાન છે એ વાક્ય ને એ અગ્રે રાખતો. પયગંબર સાહેબને એ સૌથી આગળ મુકતો. ઇસ્લામમાં એણે કદી અશ્રદ્ધા ધરાવી ન હતી. એના કોઈપણ પુસ્તકમાં ઇસ્લામ છોડ્યાનો એક શબ્દ પણ લખાયેલો નથી. એટલું જ નહીં પરંતુ પોતે એ શુદ્ધ મુસલમાન છે એવા તેના એકરાર છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે, વેદો પણ પરમાત્માની વાણી છે. પોતાની શ્રદ્ધા કુરાનમાં જ હતી. તેણે તો ફક્ત એટલું જ કહ્યું કે, ‘વેદો કુરાનના વિરોધી નથી, સહાયક છે. કુરાન ઉપરના જાણે વિવરણો છે.’ આટલું કહેવાથી જ દારાની ગણના મુલ્લાઓએ જો કાફરમાં કરી હોય તો તેમાં ધર્મજનુન સિવાય બીજું કશું નહોતું. બ્રાહ્મણોએ માન્યું કે, દારા મ્લેચ્છ છે, માટે વેદો અભડાઈ ગયા. આ સંત પુરુષ લખે છે, પરમાત્માએ અત્યંત કરુણાથી વિશ્વનો ઉપકાર કરવા વેદોની વાણી ઉચ્ચારી છે. વેદને અનુસરનારો હિન્દુ ધર્મ એક અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વરને માનનારો છે. દારાશિકોહ જેવા મહાનુભાવને એ જમાના ના રાંક દેશોએ ગરદનથી માર્યો. એમ પણ કહી શકાય કે દારા શિકોહ પછી જમાનો લગભગ એક સૈકો આગળ વધી ગયો. રાગ-દ્વેષો ઘટ્યા. હિન્દૂ મુસલમાનોની આંતરિક એકતા મજબુત બનવા લાગી.
જો કે, ધર્મજનુન વિચિત્ર વસ્તુ છે. સૂફી સંત મન્સૂરનો વધ થયો. શાહબુદ્દીન સુરાવર્દી પણ વધ ને માંચડે ચડ્યો. એવી રીતે દરશિકોહ પણ દેહાંત પામ્યો. સાચી હકીકત એ છે કે દારાસિકોહનો કુનેહ ધર્માંધતાનો એટલો જ ઔરંગઝેબની ઈર્ષાનો ભોગ બન્યો. ઇસ્લામને નામે પોતાનો અર્થ સારવા ઔરંગઝેબે જે કર્યું તેવું આપણે નહિ કરીએ એવી કોઈ પણ વિચારકને પાક્કી ખાતરી નથી. અહિંસા, સત્યને એ બધા મહાન સિદ્ધાંતોના પાલનમાં જો જનુન ઉમેરાશે, સ્વતંત્ર વિચારને ગરદન મારવાની તામસી વૃત્તિ પ્રગટશે તો આપણા યુગની પણ આ દશા થશે. ઔરંગઝેબના જમાના કરતા આપણે બહુ આગળ છીએ તેવી આપણી માન્યતા સાચી પડે એવી આપણે પ્રાર્થના કરીએ.
by Bhadrayu Vachhrajani | Jul 28, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
સૌરાષ્ટ્રની ધારાસભાની એ છેલ્લી બેઠક. પ્રેક્ષક ગૅલરીમાં એક યાજ્ઞિક ઉપસ્થિત… બે પ્રસંગો આજે પણ એ યાજ્ઞિક આંખ બંધ કરે છે ત્યારે નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. (૧) ગિરાસદારી ઍબૉલિશન ઍક્ટ અંગે કશ્મકશ ટોચ પર હતી. બે કલાકની જબરી માથાકૂટ પછી ગરાસિયાઓ સાથે સમાધાન થયું ને શ્રી ઢેબરભાઈ હસતા હસતા ધારાસભામાં દાખલ થયા! (૨) સૌરાષ્ટ્રની ધારાસભાની છેલ્લી બેઠકમાં શ્રી બાબુભાઈ વૈદ્ય ઊભા થયા અને શાકુન્તલમાંથી શ્લોક બોલ્યા : શ્રેયમ્ યાતિ શકુંતલા.. આપણે જેને પાળી પોષીને મોટી કરી તે શકુંતલા જેવી આપણી સૌરાષ્ટ્ર ધારાસભા’ નામધારી કન્યાને આજે આપણે મુંબઈ રાજ્યને સોંપવાની છે. આ કન્યાવિદાયનો પ્રસંગ છે.’ સભાગૃહમાં સન્નાટો હતો અને પ્રેક્ષકગૃહમાં ઉપસ્થિત યાજ્ઞિકની આંખમાં પાણી… સ્વયં સ્પષ્ટ, મૃદુ પણ મક્કમ શ્રી કુલીનચંદ્ર યાશિક આજે ૮૭ વર્ષની ઉંમરે પણ આ વાતો વાગોળતાં લાગણીવશ થઈ જાય છે. લગાવ છે અકબંધ તેઓનો જિવાયેલી વિરલ યાદગાર પળ સાથેનો…
ગુજરાત જેમનું સદૈવ ઋણી છે અને રહેશે તે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના ચર્ચરાભાઈ શ્રી કુલીનચંદ્ર યાશિક, વતન નડિયાદ. જન્મ મોસાળ પેટલાદમાં. પિતાશ્રી અંગ્રેજી અને સંસ્કૃતના આદર્શ શિક્ષક, સરકારી મૉડલ હાઈસ્કૂલ ગોધરામાં. જિલ્લા દીઠ એક હાઈસ્કૂલ ત્યારે એટલે કલેક્ટરશ્રી પણ માન આપતા હાઈસ્કૂલના શિક્ષકને! પ્રાથમિકનાં છ વર્ષ ગોધરાની મિશનરીઓની સ્કૂલમાં કુલીનચંદ્ર ભણ્યા. માતૃભાષા અને સંસ્કૃત ત્યાં ઉત્તમ ભણાવે. વર્ગમાં બે જ સવર્ણ બાકી ખ્રિસ્તી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ છતાં ભેદભાવ લગીરે ભાસતો નહીં. રોજ સાંજે છેલ્લો પિરિયડ વાડીકામનો. દરેક વિદ્યાર્થીને ૪૪૪ની ક્યારી આપેલી તેમાં ઉગાડવાનું, લણવાનું! બળદગાડીમાં નિશાળે જવાનું ને ૧૯૩૩-૩૪માં રૂ. ૪૫માં ખરીદેલી હરક્યુલસ નાની સાઇકલ પર આંટા માર્યા કરવાના! હાઈસ્કૂલ નડિયાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ભણેલા તે સ્કૂલમાં. પિતાજી વલ્લભભાઈના વર્ગસાથી. પોતે મિડલ સ્કૂલથી પહેલો નંબર તે છેલ્લે સુધી… તેથી સ્કૉલરશિપ સળંગ મળતી રહી. રોજ છેલ્લો પિરિયડ ગેમ્સનો. અઠવાડિયે એક પિરિયડ એસ. આર. (સ્પેશિયલ રીડિંગ)નો અને અઠવાડિયે બે પિરિયડ ચિત્રકામના! (આજે આ બધા પિરિયડ ક્યાં ખોવાય ગયા છે? તેની શ્રી યાશિકને મૂંઝવણ છે.)
શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નથી, પણ આજે જીવન શાસ્ત્રરત છે, કારણ કુટુંબ અને ઉછેર અવૈધિક રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ! રોજની દિનચર્યા જ શાસ્ત્રમય. માતા જાગે ત્યારથી બુલંદ અવાજે અસ્ખલિત શ્લોકો બોલ્યા જ કરે અને રાત્રે જમ્યા પછી નવાં નવાં આખ્યાનો રોજ ગાય. પિતાજી સવારે પાઠશાળામાં સંસ્કૃત અધ્યયન કરે, બપોરે શાળામાં સંસ્કૃત ભણાવે અને જમતાં પહેલાં સંધ્યાટાણે છોકરાંઓ સાથે શ્લોકોનું પઠન કરે. અંધારાં પહેલાં ઘરમાં ઘૂસી જવાનું. મા રાંધે ત્યાં સુધીમાં ત્રણ ભાઈબહેન હીંચકા પર હીંચકે, પિતા પરસાળમાં આંટા મારે, એક શ્લોક હીંચકા પરથી તો સામે એક શ્લોક પરસાળમાંથી! આમ, અજાણતાં જ કેટલાય સુભાષિતો-શ્લોકો- આખ્યાનો કુલીનચંદ્ર યાજ્ઞિકને કંઠસ્થ છે. કુટુંબ ભાવના પ્રબળ. કાકાના દીકરાને ટાઇફૉઇડ થયો. કાકા ન્યાયાધીશ. શિક્ષક પિતાશ્રીએ કહ્યું, દર્દી દીકરાની સંભાળ લેવા હું રજા લઈશ કા૨ણ મારો પગાર ઓછો છે એટલે (ઓછો) પગાર કપાય તો કુટુંબને આર્થિક સંકટ ઓછું આવે. દીકરા માટે ‘ન્યાયાધીશ’ પિતાએ રજા ન લીધી, ‘શિક્ષક’ કાકાએ રજા લીધી. કાકીએ કહ્યું : ઘરમાં એક દીકરો કેરી નથી ખાય શકવાનો એટલે હું ય કેરી નહીં ખાઉં… જો કે, એ સિઝનમાં ઘરમાં કેરી આવી જ નહીં!! મોટાભાઈ લૉનું ભણ્યા ને નડિયાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ જામતાં વાર લાગે એટલે કુલીનચંદ્ર યાજ્ઞિકના પિતાશ્રીએ શિક્ષકની નોકરી લઈ લીધી. શૉ મસ્ટ ગૉ ઑન’ તો કુટુંબની ભાવનાએ શીખવ્યું.
એક વર્ષ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછી M.A. સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ભણવાનું થયું. ઑગસ્ટ ક્રાંતિની ચળવળ વખતે ગુજરાત કૉલેજમાં (સાક્ષરવર્ય) શ્રી ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી ફટકારેલી તે દૃશ્ય કૉલેજની અગાશીમાંથી યાજ્ઞિકજીએ જોયેલું. શહીદ કિનારીવાલાના ક્લાસમાં જ કુલીનચંદ્ર ભણતા. સરદાર પટેલનાં બે યાદગાર ભાષણો સાંભળ્યાનું પાક્કું સ્મરણ છે. જો કે, ગુજરાત કૉલેજમાં ત્યારે અશિસ્ત અને ટીખળ બહુ. કોઈને વર્ગમાં કોઈ સાંભળતું નહીં. એક શ્રી દાવ૨સાહેબના વ્યાખ્યાનમાં પિન ડ્રૉપ સાઇલન્સ. ગુજરાતીના પ્રખર પ્રાધ્યાપક અનંતરાય રાવળના વ્યાખ્યાનમાં પણ ઘોંઘાટ, વાતો, ઘાંટો પાડવા, ગોકીરો!! વિલ્સન કૉલેજ, મુંબઈમાં આનાથી સાવ જ ઊલટું. ત્યાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીને પ્રવેશ ન મળતો કારણ ચળવળિયાની છાપ! કુલીનભાઈને માંડ માંડ પ્રવેશ મળ્યો. ત્યાં પૂર્ણ શિસ્ત-શાંતિ-અભ્યાસનું વાતાવરણ… તે વખતે વૉકેશનલ ગાઇડન્સ જેવું કંઈ નહીં, અને પોતે સૅલ્ફ મોટિવેટેડ નહીં એટલે અવલંબનનો આધાર જરૂરી બને. સંસ્કૃતની સ્કૉલરશિપ જતી કરીને ઇકૉનૉમિક્સમાં આવ્યા. બસ, ઇકૉનૉમિક્સ હોય તો નોકરી જલ્દી મળે તેવો ભ્રમ! M.A. સાથે LL.B. કર્યું. બન્નેમાં ધ્યાન અપાયું નહીં. અધ્યાપકો ધૂરંધર સી. એન. વકીલ, જે. જે. અંજારીઆ, દાંતાવાલા. જુનિયરમાંથી સિનિયરમાં આવ્યા ત્યારે કુલીનચંદ્ર યાજ્ઞિકજીએ ડ્રામેટિક્સમાં ઝંપલાવ્યું. ‘કાકાની શશ’ નાટક કર્યું. કાકાનો રોલ કર્યો અને દિગ્દર્શન પણ. વિનોદ અધ્વર્યુ સાથે મળીને આ નાટકનો બીજો શૉ પણ કર્યો ને ફંડફાળો ઉઘરાવી વિલ્સન કૉલેજમાં લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ઉમેરી ત્યાં ગુજરાતી વિષય પણ દાખલ કરાવ્યો! ૧૯૫૦માં IASમાં બેઠા, પાસ પણ થયા પરંતુ M.A.ની પરીક્ષાના કારણે ઇન્ટરવ્યૂમાં નાપસંદ થયા. IASમાં ત્રણ વાર બેઠા. મેઇન્સમાં પાસ પણ થતા રહ્યા. બે વાર ઇન્ટરવ્યૂમાં સફળ ન થયા અને ત્રીજીવાર વધુ ઉંમરને કારણે બોલાવ્યા જ નહીં !
આમ છતાં કુલીનચંદ્ર યાજ્ઞિક IAS થયા. ૧૯૫૧માં મામલતદાર તરીકે જોડાયને કોઈ IAS થાય અને સેક્રેટરી કક્ષા સુધી પહોંચે એવું ભાગ્યે જ બને! જો કે પોતે તો આ બાબતને બહુ ગૌણ ગણે છે, સનદી સેવામાં આ કાંઈ બહુ મોટું પરાક્રમ નથી. સરકારમાં કાંઈ ભૂલ ન કરો તો પ્રમોશન મળ્યા જ કરે. ૧૯૫૧માં પ્રોબેશનરી મામલતદારનો બીજો જ બેચ હતો. ઉપર જગ્યા પડવા લાગી અને ૧૯૫૮માં ડેપ્યુટી કલેક્ટર થયો. નાની ઉંમર, પ્રમોશન, જગ્યાઓ વધુ પડવા લાગી તેથી ૧૯૬૮માં IASમાં બઢતી મળી. ૧૯૬૮માં ભરૂચમાં કલેક્ટર થયો. બે વર્ષ રહ્યો. ૧૯૭૦માં ૬.૫નો ધરતીકંપ થયો. મારી ડાંગ બદલી થઈ ગયેલી. ગવર્નરશ્રીએ ચાર્જ ન છોડવા કહ્યું અને ભરૂચમાં પુનઃસ્થાપનનું કામ કરી શક્યો. બે વર્ષ ડાંગ અને પછી ચાર વર્ષ વડોદરા. વડોદરાનો કાર્યકાળ સ્મરણીય. બે રાષ્ટ્રપતિશાસન, ત્રણ સરકાર, કટોકટીની ઘોષણા અને નવનિર્માણનું આંદોલન! જીવનની ક્રાઇસિસમાં અદ્ભુત શીખવાનું મળ્યું. વિદ્યાર્થીઓ બધી કોમના આગેવાનો-પદાધિકારીઓ સાથેના મારા માનવીય સંબંધોએ મને મદદ કરી. નવનિર્માણ આંદોલનમાં વડોદરા ઘણું મોડું જોડાયું, પ્રમાણમાં ઓછી ખાનાખરાબી થઈ. ગયા વર્ષે નવનિર્માણ સમયના પ્રોફેસરોનું સન્માન એ સમયના વિદ્યાર્થીઓએ કર્યું ત્યારે તે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને ખાસ આમંત્રણ હતું. કારણ એવું અપાયેલું કે એ વખતે વડોદરાના કલેક્ટર તરીકે શ્રી યાજ્ઞિકસાહેબ હતા એટલે બહુ ઓછી જાનહાનિ થઈ! અમદાવાદ પોળ સામેની દરગાહ કોમી રમખાણોમાં તૂટેલી તે ફરી બાંધવાનો આદેશ હતો. યાજ્ઞિકસાહેબે મેમણ અગ્રણી ગુલામ મહંમદને બોલાવી પૂછ્યું : દરગાહ ફરી બંધાશે તો તમે સાચવી શકશો ખરા? તેના બદલે ત્યાં ટ્રાફિક આઇલૅન્ડ કરી ફૅશનેબલ થોર વાવીએ તો? શ્રી યાજ્ઞિકસાહેબ કહે છે કે, મુસ્લિમો વતી ગુલામ મહંમદે અને હિન્દુઓ વતી મેયર ડૉ. ઠાકોરભાઈએ લીલી ઝંડી આપી અને અમે રાત્રે ૧૨થી સવારે ચારની વચ્ચે તે જગ્યા પર ટ્રાફિક આઇલૅન્ડ બનાવ્યો! વડોદરામાં પછી રમખાણો થયાં છે, પણ આ જગ્યાને લઈને નહીં.
ગવર્નરશ્રીના સેક્રેટરી અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી બન્ને પદે એક જ વ્યક્તિ રહી હોય તેવું ભાગ્યે જ બને. યાજ્ઞિકસાહેબે સુપેરે એ નિભાવ્યું. નિવૃત્તિ પછી બે વખત એક્સટેન્શન મળ્યું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઍક્ટનું ડ્રાફ્ટિંગનું પાયાનું કામ સંભાળ્યું. જિંદગીની મોટામાં મોટી ચૅલેન્જ તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું (પ્રથમ) કુલપતિપદ. જે બધું શીખેલા તે યાજ્ઞિકસાહેબે પાટણમાં ખર્યું. ગામડા જેવું શહેર અને ત્યારે લોકલ ખટપટ નહીં. અભણને પણ વિદ્યા માટે પ્રેમ! જમીન સરકારે આપવાની હતી, પણ પંચાયત પ્રમુખ કબજો ન આપે. યાજ્ઞિકસાહેબે માનવીય સંબંધોનો સેતુ જબરો રચેલો. તેમણે એલાન કર્યું લોકો સમક્ષ : યુનિવર્સિટીને જમીન નહીં મળે ત્યાં સુધી પાટણમાં રાંધેલી રસોઈ નહીં જમું!’ પાટણે હડતાલ પાડી. સજ્જડ બંધ. યુનિવર્સિટીના કર્મચારીઓને ચા પણ ન મળી, કારણ એક પણ રેંકડી ચાલુ નહીં. અસ૨ થઈ. જમીન મળી અને કલિકાલ સર્વજ્ઞની ચિર સ્મૃતિ બની. યાજ્ઞિકસાહેબે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ માટે બુધવારિયું’ શરૂ કર્યું. એમાં ચૌદ મહિના સુધી દર ગુરુવારે ગીતા વાચન કર્યું; વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષામાં જનરલ ઑપ્શન તમારું ભાવિ બગાડશે; ગુજરાતમાં બંધ થઈ ગયેલ યુવક મહોત્સવ શરૂ કરાવ્યા. કુલપતિ તરીકે વર્ષમાં એકવાર દરેક કૉલેજમાં ગયા, સમારંભ રાખીને નહીં. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને માત્ર મળવા, વાતો કરવા. યાજ્ઞિકસાહેબે એક જ કારકુનને સાથે રાખી યુનિવર્સિટીનું મુખપત્ર ઉદ્દીચ્ચ’ શરૂ કર્યું. પહેલા જ વર્ષે ઉદ્દીચ્ચ’ના બાવીસ અંકો તો સહકારી મંડળીઓએ સ્પોન્સર કર્યા. વહીવટ, શિક્ષણ અને શાસ્ત્રની ત્રિવેણીમાં આનંદથી જીવતા કુલીનચંદ્ર યાજ્ઞિક પાસેથી વિલ્સન કૉલેજ, મુંબઈના ગૃહપતિ ડૉ. ટેલરની સ્મૃતિઓ પેટભરીને સાંભળવી એક લહાવો છે!
by Bhadrayu Vachhrajani | Jul 27, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ લખે છે કે, “અદ્વૈતનું ખરું રહસ્ય મને ઉપનિષદોમાંથી સાંપડ્યું. મારું હૃદય ઉપનિષદોમાં સમી ગયું.”
શાહજહાંના મોટા દીકરાનું નામ દારા શીકોહ. એ બહુ મશહૂર હતો, પોતાના ઉદાર અને સ્વતંત્ર ધાર્મિક વિચારો માટે. કમનસીબે તેનું શિરચ્છેદ કરી એનું મૃત્યુ ઔરંગઝેબે કર્યું. પરંતુ આ દારાને વિશેષ વ્યક્તિત્વ તરીકે ઓળખવા જેવો છે.
દારાનો જન્મ અજમેરમાં થયો. બચપણથી જ તેનામાં તત્ત્વદ્રષ્ટિ હતી. લગભગ 17-18 વર્ષની ઉંમરે તે બહુ બીમાર પડ્યો હતો. અજમેરમાં તે વખતે એક મિયાં જીવ નામના મશહૂર ઓલિયા રહેતા હતા. શાહજહાં ખુદ પોતે પોતાના દીકરાને લઈ ઓલિયાની પાસે ગયા. કહે છે કે આ મુલાકાતના પરિણામે તેની બીમારી દૂર થઈ. આ વાત દારાએ પણ નોંધી છે. થોડા દિવસ પછી બાદશાહ પોતાના પુત્રને લઈને ઓલિયાની પાસે બીજી વાર ગયા. એ વખતે પિતા-પુત્ર બંને ખુલ્લા પગે ગયેલા અને અત્યંત વિનમ્ર ભાવે ગયેલા. ઓલીયા પોતાની મેડી ઉપર ખુદાની આરાધના કરતા મગ્ન થઈને બેઠા હતા. એ સંતના મોઢા ઉપર આધ્યાત્મિકતાની આભા પ્રકાશતી હતી. બાદશાહે અને શાહજાદાએ ઓલિયાની કદમબોસી કરી. ઓલિયાએ પોતે ચાવેલું એક લવિંગ જમીન ઉપર થૂંક્યું. દારાએ એ લવિંગ પોતાના મોઢામાં મૂકી દીધું. શાહજાદના હૃદયમાં આનંદનું એક અદ્ભૂત ઝરણું આ લવિંગ ખાધા પછી વહેવા લાગ્યું. એના અંગે અંગમાં અપૂર્વ ચેતના દોડવા લાગી. અને આ વિચિત્ર અનુભૂતિથી તે સદંતર પલટાઈ ગયો. તેનું હૃદય ઓલિયામય બની ગયું.એમના દર્શનની તૃષ્ણા એને રાત અને દિવસ રહેવા લાગી.
ત્રીજી વખત પોતે એકલો ગયો. આ મુલાકાતમાં મિયાં જીવે દારાના હૃદય ઉપર હાથ ફેરવ્યો. જોતજોતામાં શાહજાદો ચેતનાનાં મનોનિત પ્રદેશમાં જાણે કે ઉડવા લાગ્યો. એમને ઇન્દ્રિયાતીત વસ્તુની ઝાંખી થઈ. જયારે તેણે આંખો ખોલી ત્યારે પેલા સંત પુરુષ તેના તરફ કોમળ દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.
‘બેટા, મારું દિલ અને મારી નજર તેં કબજે કરી દીધા છે.’ ઓલિયાનાં શબ્દો સાંભળી દારાએ પોતાનું માથું એના ચરણમાં મૂકી દીધું અને આનંદના અશ્રુ ઓલિયાનાં ચરણે ઢાળ્યાં. આ બનાવ પછી શાહજાદો અભેદ માર્ગનો જાણે કે પ્રવાસી બની ગયો. ‘બાદશાહનામા’, અને ‘સકીનત ઉલ ઓલિયા’ એવા બે પુસ્તકોમાં હમણાં કહી તે વિગતો છે. ‘સકીનત ઉલ ઓલિયા’માં દારાના ગુરુ તથા પોતાના ગુરુબંધુ અને શિક્ષક મુલ્યાશાહનું વૃતાંત દારાએ આપ્યું છે. દારાને સુફી માર્ગનું, અને ઉપનિષદનું ગુઢ જ્ઞાન આપનાર આ મુલ્લાશાહ એક અદભુત વ્યક્તિ હતા. દારાની આધ્યાત્મિક દૃષ્ટિ માટે મુલ્લા શાહ પોતે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા હતા, તેનો ખ્યાલ મુલ્લાશાહે દારા માટે રચેલી ગઝલો ઉપરથી આવી શકે છે. દારા પોતે ગુરુ થઇ શકે એટલો આગળ વધ્યો હતો છતાં પોતાનો જરા પણ અધિકાર નથી એવું તે વિનમ્રતાપૂર્વક જણાવી કોઈને પણ સુફી મત નું શિક્ષણ આપવા તૈયાર થતો ન હતો.
એક સરસ પ્રસંગ છે. કોઈ એક પ્રસંગે દારા કાશ્મીર જતો હતો. ત્યારે મુલ્લાશાહે વિનંતી કરી કે, ‘યારોમાં જો કોઈ જ્ઞાની હોય તો તે તમે છો. તો યારો ને બોધ આપવો એ તમારી ફરજ છે.’ જવાબમાં દારા હસ્યો અને મુલ્લાશાહને એટલું કહ્યું, ‘મારી મુક્તિ માટે ખુદાતાલા ને વીનવજો’. યોગ માર્ગમાં દારા કેટલો આગળ વધ્યો હતો તેની જાણ દારાના સ્વમુખેથી એક હકીકત ઉપરથી થાય છે. આ હકીકત પ્રાણનિરોધની છે.
‘એકવાર મુલ્લાશાહે મને કહ્યું કે, આપણા કાદરી સંપ્રદાયમાં પ્રાણનિરોહ મુખ્ય વસ્તુ છે, ઇસ્લામનાં બીજા સંપ્રદાયોમાં આ વસ્તુ નથી. હું તમને પ્રાણનિરોધનું રહસ્ય સમજાવીશ’. અને દારા કહે છે કે, મુલ્લાશાહે મને પ્રાણનિરોધ શીખવ્યું. હું પ્રાણનિરોધ કરવા માંડ્યો, અને આરંભમાં ઘણી મુશ્કેલીઓ પડી. લાંબા સમયના અભ્યાસ પછી મને યાદ છે કે હું આખી રાત ફક્ત બે શ્વાસથી પુરી કરી શકતો. કેટલીક વાર મને એવી તો મુશ્કેલી પડતી કે જાણે મારી જિંદગીનો ચિરાગ બુજાઈ જશે. દારા એ પણ કહે છે કે, મુલ્લાશાહે પોતાને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી, અને સ્વપ્ન પછી પોતાને જ્ઞાનનો પ્રકાશ થયેલો.
દારાને ઉપનિષદો પ્રત્યે કેવી રીતે આકર્ષણ થયું એ વાત પણ રસિક છે. એમણે ઉપનિષદોનું ‘ સિર-ઈ-અકબર’ એ નામે ફારસી માં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર એવું તો સરળ અને રસથી છલકાતું છે કે ફારસી ગદ્યમાં તેનું સ્થાન બહું ઉંચુ છે. દારા એક તત્વ શોધક હતો. જીવનનું અંતિમ તત્વ, અંતિમ આધાર શું છે તેની શોધમાં તે રચ્યો પચ્યો રહેતો. તે લખે છે કે, બીજા અનેક ધર્મ પુસ્તકો પોતે વાંચી ગયો,પરંતુ આખરી તત્વ પામી શક્યો નહિ. અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું. તેનું હૃદય ઉપનિષદોમાં સમી ગયું. એ કાશ્મીરમાં પોતે હતો ત્યારથી મુલ્લાશાહની અસર હેઠળ આવેલો. કુરાને શરીફના ગુઢ રહસ્યો તેને મુલ્લાશાહે સમજાવેલા, અને સાથે સાથે ઉપનિષદના રહસ્યો પણ ઠસાવેલા. બાઈબલનાં બંને કરારોનો પોતે અભ્યાસ કરેલો. પરંતુ અદ્વૈત સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન ઉપનિષદોમાંથી પામ્યો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેણે હિન્દુ તત્વદર્શનનો અથ થી ઈતિ અભ્યાસ શરૂ કર્યો. વેદોની અંદરની ગુપ્ત વાતો તેણે ઉપનિષદ દ્વારા સમજી, જાણી અને આખરે પોતે ઉપનિષદોનું ફારસી ભાષાંતર કરવા લાગ્યો. ભાષાંતર કરવામાં તેણે ફારસીના પંડિતોની તથા સંન્યાસીઓની મદદ લિધી. દારા નોંધે છે, ‘આધ્યાત્મિક વસ્તુનાં અગમ્ય અંકોડાઓ મને ઉપનિષદોમાંથી જડ્યાં છે. એ અગમ્ય બાબતો મને કોઈ પણ બીજા ધર્મ પુસ્તકોમાંથી મળી નહિ. કુરાને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે. ઉપનિષદો કુરાનનું સમર્થન કરે છે. કુરાનનાં 56 માં પ્રકરણમાં 77, 78, 79 સૂત્રો જે ગુઢ પુસ્તકનો આડકતરો નિર્દેશ છે તે મારી સમજ પ્રમાણે ઉપનિષદને લગતો છે. ઉપનિષદો એ ગુઢ વિદ્યાઓ છે. અને કુરાનનો એકેશ્વરવાદ એમાં આદિથી અંત સુધી ભર્યો પડ્યો છે. તેથી હું માનું છું કે જે ગુઢ પુસ્તક ‘કિતાબે મકનુન’ બાબત કુરાનમાં ઉલ્લેખ છે, એ ગુઢ પુસ્તક એટલે ઉપનિષદ છે. આનું ભાષાંતર કરવામાં ખ્યાતિનો લોભ નથી પરંતુ જ્ઞાનના પ્રચારની તમન્ના છે. જેઓના હૃદયમાં મતમતાંતરની ધૂન નથી, જેઓને સાંપ્રદાયિક રાગ-દ્વેષો નથી, જેઓ માત્ર ઈશ્વરના દર્શનનાં જ ભૂખ્યા છે, તેવા મુમુક્ષોઓ અર્થે ઈશ્વરની વાણી સમાન આ પુસ્તકનો હું અનુવાદ કરું છું. તે જેના હૃદયમાં ઉતારશે તેના રાગ, ભય અને ક્રોધ એ તમામ દુશ્મનો તારાજ થઈ જશે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 24, 2024 | અખંડ આનંદ |

“બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ ગુજરાતીમાં ભણે તો મારું કેવું નીચાજોણું થાય, ખબર છે ?”
એક તાજુ દંપતી. મજાનો એક દીકરો. વ્હાલથી તેનો ઉછેર. હવે બાળક જનમ્યા પહેલાં મા-બાપને થતી ચિંતા તે બાળકને ભણેશ્રી બનાવવાની, આ દંપતીને પણ થઈ. દીકરો અવતર્યો ત્યારથી શોધ ચાલી કે કઈ સ્કૂલમાં ભણાવીશું ? મમ્મી બોલી: સ્કૂલ ગમે તે હોઈ શકે, પણ આપણે એને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં જ .. મમ્મીનું મમત પપ્પાને પરેશાન કરી રહ્યું હતું. પપ્પા નો વિચાર દીકરાને માતૃભાષાના માધ્યમથી ભણાવવાનો હતો. પપ્પાની સ્પષ્ટ તૈયારી હતી કે દીકરાને અંગ્રેજી એક ભાષા તરીકે સુંદર રીતે શીખવીશું પણ માધ્યમ તો માતૃભાષા જ રાખીશું. મમ્મીની મમત માથાકૂટમાં ફંટાવા લાગી. બંનેએ ઘણા લોકોની સલાહ લીધી. માતૃભાષા અભિયાનના નિષ્ણાતો અને તેની વિડીયો સંવાદની કેસેટ પણ બંનેએ સાથે બેસીને જોઈ કે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષા બાળકને ગર્ભાધાનના પહેલાં જ ડગલાથી વારસામાં મળેલી છે. તેના આધારે તો બાળકની ન્યુરો લિન્ગ્વીસ્ટીક સિસ્ટમ ઘડાયેલ છે.
શિક્ષણના માર્ગદર્શક તરીકે આ દ્વિધા અંગે મને મળવા આવતાં પહેલા બાળકના પપ્પાએ મને અંગત રીતે ફોન કર્યો: “સર, કુટુંબમાં બધાને વાત ગળે ઉતરી ગઈ છે કે માતૃભાષામાં જ ભણાવીશું, પણ મારી વાઇફ માનવા તૈયાર જ નથી. તમે પ્લીઝ એને સમજાવી દો ને !”
બંને સાથે બે કલાક સુધી દુનિયાભરની દલીલોથી સ્પષ્ટ કર્યું કે, જો માતૃભાષા સબળ શીખાશે તો વિશ્વની કોઇપણ ભાષા તમારો દીકરો ફટાફટ શીખી જશે. ગાંધીજી-ટાગોર-વિનોબાજી-અમર્ત્ય સેન અને વિદેશના કેટલાય મહાન ચિંતકોને મેં મદદે બોલાવ્યા, પણ નારી શક્તિ આગળ હું હાર્યો અને તેના પતિ દેવ થાકયા ! મમ્મીની એક જ દલીલ : “બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ ગુજરાતીમાં ભણે તો કેવું નીચાજોણું થાય ? મારો દકુ બધા વચ્ચે સારું ઈંગ્રેજી ન બોલી શકે તો મને કેટલી નાનપ લાગે?”.. મને એટલું સમજાયું કે મમ્મીઓ નહીં સમજે તો માતૃભાષા ટકશે નહીં એ નક્કી. સ્વીકારવામાં આકરું લાગે એવું કમનસીબ સત્ય એ છે કે આપણી નવી-સવી માતાઓ જ માતૃભાષાને ડૂબાડવા માટે નીકળી પડેલ છે. આ વાક્ય લખતાં કાંઈ રાજીપો નથી થતો પણ દર્દ થાય છે. જો કે આ કડવું છતાં ભારોભાર સત્ય છે અને આજે એ ન સ્વીકારવું એ આપણા સૌનો દંભ છે.
“ અમે તો ઈંગ્રેજીમાં નો ભણ્યા પણ બાળકને તો ભણાવીએ,” આ દલીલ આગળ હથિયાર હેઠા પડે છે. મારો અનુભવ એવું કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ધકેલાતા બાળકોમાંથી 90 ટકાથી વધુ તેની મમ્મીઓના હઠાગ્રહ કે હુંસાતુસીના કારણે અંગ્રેજી ડબ્બામાં પુરાય છે. પતિદેવ એટલે હાર સ્વીકારી લે છે કે એને કાયમી કચક્ચ ટાળવી છે એટલે એ સ્વીકારી લે છે કારણ કે બાળકને વધુ સમય તો મમ્મી સાથે જ કાઢવો છે ને, આપણે ક્યાં રોજેરોજ દીકરા દીકરીને ભણાવવા છે ? લાગશે કે આ દલીલ છે પણ આ હકીકત છે. પાછી આ જ માતાઓ ઘરમાં સદંતર ખોટ્ટું અંગ્રેજી બોલશે એટલે સંતાન નહીં રહે માતૃભાષાનું કે નહિ રહે અંગ્રેજીનું !!! હઠ મમ્મીની અને ખુવારી બાળકની ..
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે તો પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનું કહી દઈને રાજી થઇ ગયા છીએ, પણ અહીં વર્ણવી તેવી સ્થિતિમાં માતૃભાષામાં શિક્ષણ કેટલું છેટું પડશે તે વિચારવા જેવું છે.
અંગ્રેજી માધ્યમના અભરખાવાળી એક મમ્મી સવારના પહોર થી એની બેબીને “સ્પેરો” શબ્દનો સ્પેલિંગ પાકો કરાવવા મહેનત કરતી હતી. બેબલી ઠાગાઠૈયા કરતી હતી, ત્યાં જ અચાનક રૂમની બારીમાંથી એક ચકલી ઘરમાં ઘુસી ને ચીં ચીં કરવા લાગી. પેલી બેબી તેની પાછળ દોડીને બોલી : મમ્મી, જો જો ચકલી, ચકલી ! મમ્મી કહે : “અરે બેટા, હું તને સવારથી સ્પેરો શીખવું છું ને તે આ .. બેબીએ જવાબ આપ્યો: “અરે મમ્મી, તે ચકલી કહે ને તું શું સ્પેરો સ્પેરો કરે છે ? આ ચકલી તો મારી દોસ્ત છે !!”
નથી લાગતું કે આ જ મમ્મીઓ માતૃભાષાને જીવાડશે કે મારશે ??
by Bhadrayu Vachhrajani | Jul 21, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
નાથ પરંપરાના શિષ્ય નાથાલાલ ગોહિલનાં માતા–પિતાએ જીવતા સમાધિ લીધી !!
ઈ.સ. ૧૯૪૮માં તા.૧૫ ડિસેમ્બર સંવત ૨૦૦૫ માગશર સુદ પાંચમને રવિવાર સવારના આઠ કલાકે સિલોદર (તા.કેશોદ, જિ.જૂનાગઢ) ગામે મેઘવાળ-વણકર સમાજમાં પ્રજ્ઞાચક્ષુ પિતાશ્રી ઉકાભગત અને માતાશ્રી વીરબાઈમાને કૂખે નાથાલાલનો જન્મ થયો. ખોટનો દીકરો હોવાથી જન્મતાંની સાથે નાક વીંધી ખંડિત કરવામાં આવ્યું ને નામ ‘નાથો’ રાખવામાં આવ્યું.
ઈ.સ. ૧૯૫૧માં માત-પિતાના મુખેથી સાંભળેલું કે, ભાઈ ! તું વરસ સવા વરસનો થયો હતો, ત્યારે તાવ અને ઝાડાથી શરીર સાવ નંખાઈ ગયેલું, લગભગ બચવાની આશા જ નહોતી રહી, દેશી ઓસડિયાંથી જાણે કે થાકી-હારી ગ્યાં’તાં. ત્યારે અમારી આસ્થાનું થાનક હતું એના શરણે ગયાં’તાં. અમે બંને જૂનાગઢ-ગિરનાર સવરામંડપની જગ્યામાં નાથજોગી સેવાનાથ મહારાજ અને તેમના શિષ્ય વેજનાથ મહારાજ પાસે ગયાં. નાથજોગીને ચરણે ધૂણા પાસે તને મૂકીને કહ્યું : ‘જોગી આને જીવતો રાખો; ભલે એ નાથજોગી થતો હોય.” સેવાનાથ મહારાજ ઉભા થયા, ધૂણાની ભભૂતિ નાથાને લલાટે લગાડી દીધી. બોલ્યાં : “માઈ! આ નાથાનું રક્ષણ કાલભૈરવ કરશે.” ને આ બાળક એવા કોઈ અલખની આસ્થાના આશિષથી જીવી જાય છે.
ઈ.સ. ૧૯૫૪માં સિલોદર પ્રાથમિક શાળામાં પ્રવેશ, જ્યાં એમણે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે સમયે રતિભાઈ માસ્તર અને શ્રી બાલુભાઈ જોશી (જે હાલમાં ઈતિહાસવિદ, પુરાતત્ત્વવિદ તરીકે ખ્યાત છે અને સોમનાથ-પાટણમાં રહે છે.) જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણનો પાયો બંધાયો. ઈ.સ. ૧૯૫૬માં સંવત ૨૦૧૨ વૈશાખ સુદ અગિયારસને દિવસે નાથાભાઈના પિતા ઉકાભગતે સિલોદર મુકામે “સવરોમંડપ’ કર્યો. આ ધ લોકોત્સવ કે જે, તપ, શ્રદ્ધા અને ભારે જહેમત માગી લે છે. સવરામંડપ વિશે લેખકે તેમના “જ્યોતે ને પાટે પ્રગટયા અલખધણી’ પુસ્તકમાં વિગતે નોંધ મૂકી છે. તે સમયે મંડપની સ્થાપના એક મહિના અગાઉ કરવામાં આવતી હતી. તે સમયે મંડપમાં ગિરનાર જૂનાગઢ સવરામંડપના નાથજોગી વેજનાથ મહારાજ ધૂણો ચેતાવીને સિલોદર બેઠા હતાં.
જ્યોતપાટની ઉપાસના સમયે મોટેભાગે રાત્રિના બાર વાગ્યા પછી નાથજોગી ગાદીએ પધારતા હતા. આ તકનો લાભ લઈને ઉકાભગતે અને વિરબાઈમાએ આઠ વર્ષના દીકરાને નવડાવી, નવાં કપડાં પહેરાવી, હાથમાં નાળિયેર સાથે નાથજોગી વેજનાથ બાપુના ચરણમાં બેસી જવાનું કહ્યું. પઢાવ્યા પ્રમાણે નાથાએ તેમ કર્યું. આ સમયે, જ્યોતનું અજવાળે આવનારને શિષ્ય તરીકે સ્વીકારે આવી પરંપરા હતી. વેજનાથ મહારાજ નાથનાં માતા- પિતા સામે જોઈને હસ્યા ઃ ભલે.. વિધિવત્ નાળિયેર સ્વીકાર્યું. ને સવરામંડમાં પછીથી નાથપરંપરા પ્રમાણે નાથાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. પરંતુ, અહીં તેનો અર્થ એમ થતો નથી કે, તેમણે ભવિષ્યમાં નાથજોગી થાવું.
ઈ. સ. ૧૯૮૦માં માતાશ્રી વીરબાઈમાને ગર્ભાશયનું કેન્સર થયું. સિવિલ હોસ્પિટલ અને વી.એસ.-અમદાવાદમાં સારવાર લીધી, પતિ- પત્નીએ વીરબાઈમાની ખૂબ સેવા કરી, પણ નિષ્ફળતા જ હાથ લાગી.
દરમ્યાન વીરબાઈની હાલત દિવસે ને દિવસે બગડતી ચાલી. પિતા ઉકાભગતે સમાધિ લેવાની તૈયારી કરી. મરણપથારીએ સૂતેલી વિરબાઈમાએ આ જોયું. કોલેજથી દીકરો આવ્યો, એટલે તેને બોલાવી માએ પૂછ્યું : ‘દીકરા ! આ તારો બાપ શું કરે છે? દીકરાએ કહ્યું : “મા! મારા બાપનો અહીંનો સમય પૂરો થયો છે એટલે સમાધિની તૈયારી કરે છે ને આવતી કાલે સવારે એ સમાધિ લેવાના છે.” મા બોલી: ‘દીકરા ! તારા બાપને ના પાડી દે. એનાથી સમાધિ-બમાધિ કાંઈ લેવાશે નહીં, કારણ કે હું હજી જીવું છું.’ વીરબાઈમા પથારીમાંથી ઊઠ્યાં, આકાશ ભણી આંખ માંડી… અલખધણીનો આછેરો પણ મૂંગો સહજ આરાધ થઈ ગયો, ‘હે અલખના ધણી ! બારબીજના ધણી ! મેં સાચે દિલે તારા બારબીજના ઉપવાસ કર્યા હોય, મજૂરી કરીને સાધુ-સંતોને જમાડ્યા હોય, આંધળા ધણીને દેવ માનીને એને સેવ્યા હોય, તારા ધૂપ, દીવો, અગરબત્તી કર્યાં હોય, તો મારી માથે સૌભાગ્યની ચૂંદડી હોય, હું વિધવા બનીશ નહીં.” આ જાણી ઉકાભગતને થયું કે મારાથી સમાધિ લેવાશે નહીં… તેમની વિધિ અટકાવી દીધી.
નાથાભાઈએ ગીતાજીના પાઠ કર્યા. ઈ. સ. ૧૯૮૦માં તા.૧૨ જાન્યુઆરીના દિવસે શનિવારે માતાશ્રી વીરબાઈમાએ સાંજે દીકરાને હાથે પાણી પીને જીવતા સમાધિ સાથે દેહ છોડયો. ઈ. સ. ૧૯૮૦માં વીરબાઈમાના નિર્વાણ બાદ, બરોબર બે મહિને ઉકાભગતે કુટુંબ-પરિવારનાં સૌને બોલાવીને તા.૧૨ માર્ચના રોજ વહેલી સવારે જીવતા સમાધિ લઈ દેહ છોડયો.
આ અગમ દેશનો પથિક તે ગુજરાતીના ગહન અભ્યાસુ પ્રાધ્યાપક શ્રી નાથાલાલ ગોહિલ . ભજન સાહિત્ય અને સંત સાહિત્યમાં અનેક પરંપરાઓ વિષે ઊંડાણથી સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં અગમનો એક ખજાનો ઉમેરનાર શ્રી નાથાલાલ ગોહિલ વર્ષોથી જૂનાગઢ પાસેના એક નાનકડા ગામ કેશોદમાં પલાંઠી મારીને બેઠા છે.
by Bhadrayu Vachhrajani | Jul 15, 2024 | સ્વૈર વિહાર - મધુવન |



લોકભારતી ,સણોસરાને રૂપિયા એક કરોડ બાપુએ અર્પણ કર્યા!
ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પૂણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુ મહિમા આ દિવસે ગણાતો આવ્યો છે. હકીકતમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવાં માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મોરારીબાપુ ના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જો કે સાચું નથી. કારણ કે “બાપુ પોતે કહે છે કે હું ગુરુ નથી, સદગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી, હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી, વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં. નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું, પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.
મોરારી બાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. અને મોરારીબાપુ શું કરે છે અને શું નથી કરતા અથવા કેમ કરે છે, અને કેમ નથી કરતા, એના વિશે ચર્ચા સત્રો પણ ક્યાંક-ક્યાંક ખાનગીમાં યોજાતા હોય છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા બે પ્રસંગો બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને અહીં નોંધતા હું આનંદ અનુભવું છું.
નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાના ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં મારી આવશ્યકતા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો, અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂકતો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ. જ્યારે આ રકમ વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મુકવાનું શરૂ કર્યું. કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પણ આ આંકડો જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી. મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે. પરંતુ ઉદ્દેશ એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.
બાપુએ બે ઉદાહરણો વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કર્યાં ત્યારે એ ઉદાહરણોના ભાવકો એ સભાખંડની અંદર હાજર હતા. થોડા સમય પહેલા ધરમપુર પાસેના ખાંડા ગામે આદિવાસી વિસ્તાર માટેની પહેલી રામકથા નું આયોજન થયું અને એના મનોરથી પરિવાર તરીકે જગુમામા, મામી અને પુત્ર મહેશનો સમગ્ર પરિવાર હતો. તેઓ અમેરિકા વસે છે અને આ કથાનો મનોરથ એમણે બહુ સુપેરે પાર પાડ્યો. જગુમામાના દીકરાએ બાપુ પહેલી વખત ગાડીમાં બિરાજે એવી રીતે બાપુ ધરમપુર પધાર્યા ત્યારે એક નવી નકોર ગાડી લીધી, અને એ ગાડીમાં બાપુને લઈ આવવાનું કામ બારડોલીના સેવક નરેન્દ્રભાઈ પટેલ કરતા હતા. એ ગાડીની કિંમત લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા જેવી થતી હતી. એ કથાના દિવસો દરમિયાન બાપુએ એ રથ જેવી ગાડીમાં આવવા-જવાનું રાખ્યું. કથા પૂર્ણ થઈ પછી જગુમામા ના દીકરાએ મહેશભાઈએ સારથી નરેન્દ્રભાઈ ને કહ્યું કે, આ ગાડી તલગાજરડા મુકી આવો કારણ બાપુને એ ગાડી અમે એમણે અર્પણ કરીએ છીએ. બાપુએ તરત ના પાડી, પણ મનોરથી પરિવારનો અતિ આગ્રહ હતો તેથી બાપુએ કહ્યું કે, હું એક મહિનો વાપરું. પણ બાપુ પોતે એક મહિના દરમિયાન પણ અસુખ અનુભવતા હતા કે આ બોજો ખોટો છે. એટલે એમણે જગુમામા અને મહેશને પૂછીને કહ્યું કે મારે આ ગાડી નથી જોઈતી. તો એમણે કહ્યું, બાપુ આપને જે ઈચ્છા થાય તે ગાડીનું કરો. અને તરત જ બાપુએ એ ગાડી વેચવા કાઢી નાખી. બાપુએ પોતે બે-ત્રણ લોકોને કહ્યું કે, ભાઈ ગાડી આપણે ઝડપથી વેચી નાખીએ એટલે મારી ઉપરથી એક ભાર ઉતરી જાય. ખાંડાની કથાના આયોજનમાં રહેલ પરેશભાઈ ને જવાબદારી બાપુએ સોંપી કે આ મોંઘીદાટ ગાડી જેને જોઈએ તેને વહેંચી દો. પાંચ-પંદર લાખ ઓછા આવે તો ચિંતા ન કરશો. અને બાપુએ વ્યાસપીઠ ઉપરથી પૂછીને પરેશભાઈના ખુદના મોઢેથી બોલાવ્યું કે, 1 કરોડને 26 લાખમાં એ ગાડી વેચી દેવામાં આવી. તાત્કાલિક પ્રશ્ન થાય કે આટલા બધા પૈસા નું શું કર્યું હશે? પણ બીજી જ મિનિટે બાપુએ કહ્યું, 1 કરોડને 46 લાખમાંથી એક કરોડ રૂપિયા લોકભારતી સણોસરાની સંસ્થાને કે જેની સાથે મારો આત્માનો સંબંધ બંધાયેલો છે એને અર્પણ કર્યા, અને બાકીના પૈસા જરૂરિયાતમંદને વહેંચી દીધા.
એક બીજી ઘટના પણ બાપુએ સાથે જોડી. નોર્વેની કથા જે હોટેલમાં હતી તેના યુરોપિયન મેનેજર બાપુની હાજરીથી બહુ અભિભૂત છે. બાપુના આગમન પહેલાથી એ લોકો ‘જય સીયારામ’ બોલતા શીખી ગયા છે. એ લોકોના કાઉન્ટર ઉપર ‘સત્ય-પ્રેમ-કરુણા’ નોર્વેજયન ભાષામાં લખાઈ ગયેલું છે. એવા કેટલાક યુરોપિયન ભાઈઓ ને બહેનો બાપુને વંદન કરવા વ્યાસપીઠ સુધી આવ્યા અને બાપુને વંદન કરીને એમણે એક નાનકડી ડબ્બી ભેટ આપી. બાપુએ રામનામી આપીને એ સૌનું સન્માન અને આદર કર્યો. બાપુએ તરત જ પેલી નાનકડી ડબ્બી જે સવારના પ્રાર્થના સમયે એક બાજુ નિલેશભાઈએ મૂકી હતી તેને મંગાવી. એ ડબ્બી બધાની હાજરીમાં ખોલી, એની અંદરથી એક નાનકડી કોથળી, અને કોથળીની અંદર એક સૂર્યનું ચિન્હ સાથેનો બેઝ, જેને આપણે ટાઇ ઉપર લગાડી શકીએ એવું સુંદર મજાનું બેઝ નીકળ્યો. બાપુએ બે ક્ષણ માટે એને પોતાની રામનામી સાલ ઉપર બરાબર લગાડ્યો અને સૌને આનંદ થયો બાપુએ કંઈક તો સ્વીકાર કર્યું. પણ ત્યાં જ બાપુએ હાકલ પાડી, કે લાલો ક્યાં છે? લાલો એ સંગીતની દુનિયાનો સીધો સાદો કેમેરામેન છે. પણ બાપુ સૌને નામથી ઓળખે છે. દિલથી પ્રેમ કરે છે એટલે એણે લાલાને બોલાવ્યો, જે દૂર-દૂર કેમેરા ઉપર વ્યસ્ત હતો. એ દોડમદોડ વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે બાપુએ એના હાથમાં એ ડબ્બી મૂકીને કહ્યું, લે લાલા તારે ઘરે જઈને તારા દીકરાને આપી દેજે.,
આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બધા લોકો ગ્રહણ કરીને જ જીવતા હોય છે. પણ બાપુના કિસ્સામાં આ વાત સાચી નથી. આ બે ઉદાહરણો આપણને એવું કહી જાય છે કે બાપુ માટેની ઘણી બધી માન્યતાઓ આપણા મનમાં ભરાયેલી છે એ સાચી છે કે ખોટી એનો જરાક અભ્યાસ કરવા જેવો છે. આ વાત એટલા માટે નોંધવાનું થયું છે કે બાપુ કથા કરવાનાં, પધરામણી કરવાનાં, કે ભિક્ષા લેવા આવવાનાં કોઈ પ્રકારમાં કોઈ પણ રીતે કશું જ લેતા નથી. કોઈ કવર બાપુને આપવાનું થતું હોતું નથી, એટલે એ બાબતની વાત ફેલાવનાર લોકો માટે આ બે ઉદાહરણો પર્યાપ્ત ખજાનો પૂરો પાડે એમ છે એટલે મેં અહીં રજૂ કર્યા છે.
નોર્વેમાં ત્રોમસોમાં સમગ્ર કથા દરમિયાન હું સદેહે ઉપસ્થિત હતો અને આ ઘટના સંગીતની દુનિયાની ચેનલ ઉપર પણ ઝડપવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જે વ્યક્તિ સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, કલા, ગાયન અરે બોલો એટલી કલાનાં ઉપાસક રહ્યાં છે અને આ કલાઓ માટે યુનિવર્સિટીઓ ન કરી શકે એટલું પ્રદાન જેમણે કર્યું છે તે શ્રી મોરારી બાપુ પોતાના શ્રાવકો પાસેથી, પોતાનાં યજમાનો પાસેથી, પોતાનાં મનોરથીઓ પાસેથી ખરેખર કશું લેતા નથી. મળે તો પણ તે અર્પણ કરી દેતા હોય છે. એ વાત ભારત દેશ માટે નહિ, વિશ્વભરે નોંધવા જેવી છે. જય સિયારામ…
by Bhadrayu Vachhrajani | Jul 14, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
અંદરથી કોઈએ કહ્યું: ‘તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું લાગી જા.’ અને તેઓ લાગી ગયા !!!
ખુદને થયેલી દિલની વ્યથા સેવા તરફ માર્ગ ચીંધે છે. રાજકોટમાં એક સાત્વિક સમારંભ થયો. અને આ સમારંભના સાક્ષી બનવાનો લાભ મળ્યો ત્યારે ગદગદ થઈ જવાયું અને સમગ્ર સમારંભ દરમિયાન એવું લાગ્યું કે, જાણે કોઈ સત્કર્મના મસીહાની સામે આપણે બેઠા છીએ.
માણસ તો એ સાદો સીધો છે. ઓડિટર જનરલ ની ઓફિસમાં એ નિયમિત નોકરી કરે. પરંતુ તેમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે, જે પ્રસંગે એને માત્ર નોકરી પૂરતો ન રાખ્યો. આનું નિમિત્ત બની પોતાની દીકરી વ્હાલનો દરીયો. એવું નિદાન થાય છે કે, એના હૃદયમાં કાણું છે. નાની ઉંમર, બાલ્યાવસ્થા અને આવું મોટી વ્યાધિ !! , આ વાત 40-50 વર્ષ પહેલાની. એટલે એ વખતે તો તબીબી જગત એટલું આગળ વધેલું નોહ્તું એટલે વધુ ચિંતાનો વિષય હતો. પણ એ હોસ્પિટલ સુધી પહોંચે છે અને એક માંથી બીજી હોસ્પિટલ, એક ડોક્ટર થી બીજા ડોક્ટર, એમ એનાં ચક્કરો શરુ થાય છે. વ્યથા છે દિલની અંદર, કરુણા છે દીકરી પ્રત્યે, પણ ઈલાજ તો ઈશ્વર કરશે એવી એની શ્રદ્ધા પાકી છે. મુંબઈ સુધી જાય છે, પૈસાનો મેળ કરીને, મુંબઈમાંથી પણ જોઈએ એવું કોઈ નિદાન મળતું નથી. કોઈ સધિયારો મળતો નથી. અને ત્યારે એના મનમાં એવો વિચાર આવે છે કે, ઈશ્વર સહાય કરે તો હવે આમાં કશુંક ફળશે.
મુંબઈથી પાછા આવીને નિરાશ થઈને બેઠેલા એ નોકરિયાત સજ્જનને કોઈએ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ થવાનો છે અને એમાં મુંબઈના મોટા-મોટા ડોકટરો નિઃશુલ્ક નિદાન કરવાના છે. જેમ ડૂબતો માણસ તરણું શોધે, એમ એમણે પણ એ નિદાન યજ્ઞની અંદર પોતાની દીકરીનું નામ લખાવી નાખ્યું. ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના દીકરીનાં દર્દનું નિદાન અને તેના ઉપચાર માટે ભટકનારા એ સાદા, સીધા, સજ્જન નોકરીયાતને એવો ખ્યાલ આવ્યો કે, દીકરીના હૃદયમાં કાણું નથી.!! જે કંઈ થોડી અસર છે તેના માટે કોઈ સર્જરીની જરૂર પણ નથી. હાશકારો તો થયો, પણ પોતે જે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાયા, વિચિત્ર હોસ્પિટલોના ચિત્ર વિચિત્ર જવાબો સાંભળ્યા, કેટલાએ તબીબો દ્વારા એક નાના માણસને અવગણવાની જે દશાઓ અનુભવી તેણે તેમના અંતર આત્માને જગાડી મૂક્યો. અને એણે ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એ વિચાર્યું અને એમાંથી જવાબ મળ્યો કે, તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું લાગી જા. અને એ લાગી ગયા !!!
બે, પાંચ, દસ વર્ષ નહીં, પરંતુ લગભગ છેલ્લા છ દશકાથી સમગ્ર દર્દીઓની દુનિયામાં, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ગામે ગામના લોકોની જીભ ઉપર એનું નામ ચડી ગયું. માત્ર દર્દીઓ નહિ, પણ આ હોસ્પિટલના અનેક કાર્યકરો, તબીબો, લેબોરેટરી વગેરેના સૌ નોકરીયાતો, એ બધાના નામે એક જ નામ. કોઈ ડોક્ટર પાસે પેલાં ન જાય, પણ માંકડ સાહેબ પાસે પહેલા જાય. આ માંકડ સાહેબ એ હોસ્પિટલના કોઈ સાહેબ નહોતા, પણ આપણે જેનો પહેલેથી ઉલ્લેખ કર્યો છે તે માંકડ સાહેબ નોકરિયાત હતા સરકારનાં. પણ રોજ સવાર પડે અને નોકરી સિવાયનાં બધા કલાકો એ સિવિલ હોસ્પિટલમાં હોય. કામ તો પાયાથી શરુ કર્યું એમણે. દર્દીને સામાન્ય માહિતી આપવાથી અને ડોક્ટર સુધી ઝડપથી પહોંચાડવાનું શરુ કર્યું. કોઈ કેસ ઇમર્જન્સી છે અને એને જો હોસ્પિટલનું તંત્ર ઇમર્જન્સી ગણતું નથી તો એને ઇમર્જન્સી ગણાવીને ઝડપથી સારવાર તરફ પહોંચાડવું ત્યાંથી સેવાયજ્ઞ શરુ થયો. અને પછી તો ઘણી સેવાઓ સામે આવતી ગઈ. તબીબો દ્વારા જે દવા લખી આપવામાં આવે એ દવા લેવાના દર્દી પાસે પૈસા ન હોય, પણ એ માંકડ સાહેબ પાસે જાય ત્યારે માંકડ સાહેબ દવા મંગાવી આપે !! ક્યાંથી આવી છે એનો દર્દીને તેના સગાઓને ખ્યાલ ન હોય.
કેટલાક દર્દીઓ એવા હોય કે જેને સારવાર શરૂ થઈ ગઈ હોય પણ એને રોજ ખાવાના ફળ કે નાળિયેર પાણી એવું કશું ન મળતું હોય તો મૂંગે મોઢે માંકડભાઈ હોસ્પિટલના ખાટલે-ખાટલે માત્ર ઝીણી નજર કરીને ફરતા રહે અને નોંધતા રહે અને એકાદ કલાકની અંદર જે તે દર્દીના ખાટલા પાસે તેની જરૂરિયાત પહોંચતી થઈ ગઈ હોય. પણ હા, અનેકોના દર્દને શાંત્વના આપતા આ માંકડભાઈ એવા સોગિયા માણસ નથી. એક હસમુખા માણસ છે. તમે એની સાથે ઉભા હો તો દસ મિનિટમાં તમારું વાતાવરણ એકદમ જીવંત કરી શકે એવા માણસ છે. એમના લગભગ આઠમા દાયકાના આયુષ્યમા પણ તેઓ આવું સ્વાસ્થ્ય જાળવી શક્યા છે, એનું કારણ એ છે કે, તેઓએ અનેકના સ્વાસ્થ્યને ડૂબી જતું ઉગારી લીધું છે. એમને છેલ્લા પાંચેક વર્ષમાં રાજકોટે બહુ ઓળખ્યા છે. એમને કેટલાય સન્માનો મળ્યા છે. અને એ સન્માનો પણ એમણે એકદમ નિસ્પૃહી થઈને પરાણે સ્વીકાર્યા છે. ક્યારેય સ્ટેજ ઉપર આવીને બોલવું એને ફાવ્યું નથી. એટલે માંકડભાઈ દ્વારા લખાયેલી સુંદર મજાનું પુસ્તક ‘હરિને હાથ તાળી‘ જ્યારે લોકાર્પિત થયું, ત્યારે પણ માંકડભાઈ માત્ર બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે પોતાની વાત ટાપસી પુરાવતા રહ્યાં. એમણે ભાષણ ન કર્યું. એમને ભાષણ આવડતું નથી. કારણ કે જે ભાષણ કરે છે એ દર્દીના ખાટલા સુધી પહોંચી શકતા નથી. માંકડભાઈને તો એક-એક હમદર્દ સાથે પોતાની લાગણીઓ વહેંચવી હતી. કારણ કે નાનપણમાં તેમણે આવા જ દર્દી બનીને ખાટલે ખાટલે ભટકવાનો પ્રસંગ બન્યો હતો.
માંકડભાઈના દીકરી અને દીકરાએ આ સુંદર મજાનો પ્રસંગ યોજ્યો હતો. નાનો નમણો એવો સમૂહ એમની સાથે ભાવકોનો બેઠો હતો, અને એમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈને બ્લડ બેન્કના વ્યવસ્થાપક થી લઈને, નાનામાં નાના ફળની રેકડીવાળાથી લઈને, બધા લોકો આતુરતાપૂર્વક આ હિમાંશુ માંકડ દ્વારા લખાયેલું પુસ્તક ‘હરિને હાથ તાળી‘નું લોકાર્પણ નિહાળવા અને એમાં પોતાની તાળીના ગડગડાટ ઉમેરવા હાજર હતા.
પુસ્તક લખવું જોઈએ એવો એમને બહુ ખ્યાલ નોહ્તો. પણ પોતના બે સંતાનોએ બરાબર હામ ભીડી અને વિનંતી કરી કે, આપણે એવા પ્રસંગોથી પુસ્તક લખીએ કે જે પ્રસંગો તમે જીવનમાં અનુભવ્યા હોય, તમે કોઈને મદદ કરી હોય એ ન લખજો, પણ દર્દીઓને કેવી જરૂરિયાત પડે છે, માંદગી કેટલી બધી ખરાબ ચીજ છે, જ્યારે સ્વાસ્થ્યની સેવા ન મળે ત્યારે ગરીબ માણસ કેટલો વામણો બની જાય છે, આ બધું દર્શાવતા જે પ્રસંગો છે એ પ્રસંગોને તમે વર્ણવો, અને નાના નાના પ્રસંગોમાંથી એક સરસ પુસ્તક બનાવીએ, એને નામ આપીએ ‘હરિને હાથ તાળી‘. હિમાંશુભાઈ માંકડ નાગર ગૃહસ્થ છે. એ જ્ઞાતિમાં ‘ચ’ ભાઈના નામથી ઓળખાય છે. ‘ચ’ ભાઈ શા માટે કહેવાયું એની બહુ ભાળ ઝડપથી મળતી નથી. પણ એ નામ વહાલનો ટહુકો છે. હિમાંશુ માંકડને ‘ચ’ ભાઈ કહેવું લોકોને હૃદયથી ગમે છે. દુબળું પાતળું એક કાંઠીનું આ શરીર ‘ચ’ ભાઈ નામનાં પોતાના ઉપનામને હસતાં-હસતાં આવકારે છે. એમણે પોતાની પ્રસ્તાવના, પોતાની વાત, આ પુસ્તકમાં લખી છે. એમાં એમણે ખરેખર પોતાની વાત નથી લખી. પણ એમણે આ કાર્યોમાં જેનો સહકાર મળ્યો છે તે નાના-નાના લોકોની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઇષ્ટદેવ અને પોતાના ઇષ્ટ દેવીનો આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે દરિદ્ર નારાયણ સુધી પહોંચવામાં ઈશ્વરનો સાથ તો પહેલો જોઈએ ને !! એ.જી. ઓફિસના મિત્રો અને એ.જી. ઓફિસના સૌને તેઓએ યાદ કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરવાનું થયું ત્યારે સંપાદક શ્રી ને તેઓએ સ્પષ્ટ સૂચના આપી કે, આખા પુસ્તકમાં ક્યાંય હું, મેં, અથવા મારા દ્વારા, એવા કોઈ શબ્દો ન આવે એમ તમે જોજો. અને ખરેખર પુસ્તકની અંદર ‘અમારા’ દ્વારા, ‘અમને’ સમાચાર મળ્યા, ‘અમારી’ સંસ્થાને સંદેશો મળ્યો, આવા વાક્યો થી એમણે પોતાની જાતને અહમથી દૂર રાખી છે.
એમ કહેવાય છે કે આપણા બધા જ પ્રકારના જ્ઞાન, બધા જ પ્રકારના કૌશલ્યો, કે બધા જ પ્રકારની આપણી ક્ષમતાઓનો બરાબર નાશ કરનાર કોઈ શબ્દ હોય તો હું, મેં, મારું, છે. ‘ચ’ ભાઈએ કાળજી રાખીને આ વાત યાદ રાખીને ક્યાંય પણ મેં કર્યું છે, મારા દ્વારા થયું છે, એમ કહેવાને બદલે અમારા દ્વારા થયું, અમને મેસેજ મળ્યો, એ ઉપર આધાર રાખ્યો છે. નાના-નાના કેટલાય પ્રસંગો બહુ જ પ્રવાહી ભાષામાં, વાતચીતની ભાષામાં, તેઓએ અહીં રજૂ કર્યા છે. આવા 36 પ્રસંગોમાં કેટલીય વાત આવે છે. કોઈને લોહી જોઈએ તો શું, કોઈને પૈસા જોઈએ તો શું, તે બધું જ કામ તેઓ પોતે કેવી રીતે કરતા હતા, કોના સાથીદાર બનીને કરતા હતા, એ તેમણે વર્ણવ્યું છે. ક્યાંય આત્મશ્લાઘા કે ક્યાંય પોતાના કામને મોટું દેખાડવાનો પ્રયાસ નથી. સારું છે કે તેઓ સાહિત્યના માણસ નથી. સાહિત્યનો માણસ હોત તો કદાચ એણે વિશેષણોની ભરમાળ સર્જી નથી. આ પુસ્તક જે વાંચશે તે પોતાની જિંદગીમાં દાસ પંદર સારા સેવાકાર્યોમાં પોતે પ્રવૃત થવાનું નક્કી કરશે તેની હું ખાતરી આપી શકું.
પુસ્તકનાં છેલ્લાં ટાઇટલ પાન પર લખ્યું છે ::
આશ ધબકે એમના હો શ્વાસ બાકી, હરિને હાથતાળી,
દ્રોણાગિરીથી જીવંત પ્રાણ લાવી, હરિને હાથતાળી,
ચિત્રગુપ્તના ચોપડેથી નામ ફાડી, હરિને હાથતાળી,
જલારામ નરસૈયાને રણછોડદાસજી, હરિને હાથતાળી,
સેવા કરુણાથી સમર્પિત જાત થાતી, હરિને હાથતાળી,
હું ભૂલીને જનસેવામાં સૌની વારી, હરિને હાથતાળી
by Bhadrayu Vachhrajani | Jul 7, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
”અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”
આજે અષાઢી બીજ. આજે કચ્છી નવું વર્ષ.
કચ્છના નગર કુટુંબની વહુઓ આજે માથે ઓઢીને પોતાની સાસુજીના ચરણ વંદન કરે એવો પવિત્ર દિવસ. જ્યોતિષીને પૂછ્યા વગર શુભ કાર્યો આજે કરીએ તો મંગલ થાય તેવી પવિત્ર તિથિ તે અષાઢી બીજ.
આજે બે ‘ક’ યાદ આવ્યા વગર ન રહે..
‘ક’ કાલિદાસનો ‘ક’ અને ‘ક’ કચ્છનો ‘ક’….
મહાકવિ કાલિદાસનું સ્મરણ કરાવતી તિથિ. મેઘ રાજા હાર્યે વાત્યું માંડનાર સમર્થ કવિ !! તો કુદરતનો કોપ અને કુદરતની કૃપા બન્ને સાથે કચ્છડો બારે માસ !! આપણી દેવ ભાષા સંસ્કૃતની રુડી પેશકશ કરનાર કાલિદાસ, તો એવી જ મીઠડી બોલી તે ‘કચ્છી’…
સંસ્કૃત ઉચ્ચારીએ તો મોં ભર્યું ભર્યું લાગે, તો કચ્છી બોલી કાને પડે તો કાનમાં સળવળાટ થવા લાગે..
મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું,
મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત,
અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું !
લોક જીભે ચડેલી આ ઉક્તિ ગાગરમાં સાગર સમાવીને કચ્છની લાક્ષણિકતાઓ કહી જાય છે. અમારો કચ્છ મીઠડો, કારણ એના માણસો મીઠા,,અરે એની ગાળ્યું ય મીઠી અને એની પ્રીત પણ મીઠી !!
બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.
કચ્છમાં ય પાછું જિબો અમારું ભુજ્જજજ્જ.. ‘ભુજ’ બોલે ત્યાં તો કચ્છી માડું હરખઘેલા અને એટલે ‘ભુજ’ શબ્દ નહીં પણ સંગીત બનીને જજ્જજજ્જ ગળચટું લંબાણ ઉચ્ચારે .
અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું..
”અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”
આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.
ભુજનો ક્રમશ: નાકાં બહાર વિસ્તાર થતો ગયો.આજે આ શહેર ૫૬ કિમી.ના રસ્તા ધરાવે છે. ભુજ હકીકતમાં ૫૬ની છાતી ધરાવે છે એમ હવે ગૌરવપૂર્વક છાતી ઠોકીને કહી શકે તેમ છે. ૩૦૦ વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. (ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા) ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.
કચ્છી-કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો. પરદેશમાંથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી..
સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા પ્રસિદ્ધ છે.
ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયા હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.
લોકસાહિત્યમાં એવું બોલાય છે કે,
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.
બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એક હજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. કહેવાય છે કે, કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.
કચ્છની મુખ્ય બોલી એવી ભાષા છે કે જેની જુદી લિપિ નથી.. એટલે ભાષા જ કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.
દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્મા હોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં લોકગાયિકા ગીતાબેન રબારી હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે.
સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.
એક કથા એવી છે કે, કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે, આ ધરતીનો છેડો ક્યાં હશે ? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા એ દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ એ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.
કચ્છના દરિયાખેડુઓ આજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમ જ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે. દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.
વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે. આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.
ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લઈને વિશેષ ડોક્યુમેન્ટરી બનાવેલી છે, જે વિશ્વભરને કચ્છની ભાતીગળ ઓળખ આપી રહેલ છે. .માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.
આ 60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી. એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ તો એક માધાપર ગામની સાવ થોડીક વાત થઈ , અરે એવાં અનેક ક્ષેત્રો છે કે, જેમાં કચ્છ પાવરધું પુરવાર થયું છે. ‘કેસર કેરી તો તલાલ ગીરની જ ખવાય’ એવી અમારી કાઠીયાવાડીઓની માન્યતા હતી, આ માન્યાતાને કચ્છે તોડી નાખેલ છે અને હવે કચ્છી કેસર કેરીએ વિદેશો સુધી પોતાનો રસ પીવડાવાનું શરુ કર્યું છે. પીળી અને લાલ ખારેક તો લગભગ આખા ગુજરાતને કચ્છ જ ખવડાવે છે. અહીંનું સંગીત, કળા , સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અહીંના માડુઓ વિષે તો દસ દસ પાનાના એક એક લેખ કરવા પડે ત્યારે આખું કચ્છ વર્ણવી શકાય.
‘આપણા મલકના માયાળુ માનવી’ એ પંક્તિ આજે સમગ્ર ગુજરાતમાં કેવળ કચ્છને સર્વાંગ રીતે લાગુ પડે છે. એ માયાળુ માડુઓને આપણા સૌની જાજેરી વધાઈઉ..
by Bhadrayu Vachhrajani | Jun 30, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા હૃદયમાં મધુર પડઘો પાડે છે!
‘બંસી આજે પણ બજે છે’ ગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !! આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.
અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:
સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,
લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !
તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ
હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?
હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો આનંદ માણે છે?
બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.
જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!
આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !
ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।
બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !
બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?
હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.
સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.
અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા હૃદયમાં મધુર પડઘો પાડે છે!
૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?
હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!
મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !
તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)
આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત. ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.
હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો ‘બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની દુનિયા દિવ્ય છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ..
by Bhadrayu Vachhrajani | Jun 23, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
“સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
અવસર: દોલપૂર્ણિમા એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.
પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧
શીર્ષક : ગુરુની કેફિયત
સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.
આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે, મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :
यमेवैष वृणुते तेन लम्यः
तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।
( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)
૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિને ‘સવિકલ્પ સમાધિ‘ કહી છે.
એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !
છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ
“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”
“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”
“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”
હવે તો ઈન્દિરા સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !
જય રાધા ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
‘તમે એના થાઓ, પછી એ તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો થઈને જવાબ દેશે.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :…બંસી આજે પણ બજે છે…
દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ અઢિયા સ્મૃતિ પ્રકાશને.
પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે : ‘ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું એ સાંભળું છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.
સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,
“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો મંદિરમાં પ્રવેશ કર્યો.
મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ ! ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો ! થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’
પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!
હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’
એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે : ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’
પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.
એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !
બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.
ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: ‘મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો : ‘ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી એ તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો થઈને જવાબ દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 19, 2024 | અખંડ આનંદ |


તેઓના મનમાં ખટકો રહે છે કે, આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા.
એક એવું કુટુંબ પોતાનાં લગ્નની કંકોતરી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો એમ ત્રણ વ્યક્તિઓ હતી હતા!!!. આપણને તો ગજબનું આશ્ચર્ય થાય કારણ કે, આ ત્રણેય જણા સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. સ્વરાજ આશ્રમ, બારડોલીમાં સરદાર પટેલ કન્યા વિદ્યાધામના સંસ્થાપક શ્રી નિરંજનાબેન કલાર્થી બહુ આશ્ચર્ય ન થયું પણ હું તો ભારે વિસ્મય સાથે આ મા -બાપ-દીકરાની ત્રિપુટીને જોઈએ જ રહ્યો. મારુ મન પૂછતું રહ્યું કે આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે મૌન થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, નિરંજન બા ના આશીર્વાદ મેળવે તો તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.
એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમની સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે મેં કહ્યું કે આ તો દિલની બહુ મોટાઈ માંગે એવો મુદ્દો છે.
આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.
હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. ખુબ આનંદની વાત હતી કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર પણ કર્યો છે. આમ છાનું છપનું કશું જ નથી.
એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે પરણવા આવ્યા.!!
આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે વિધિવત પરણે છે અવશ્ય.
આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે અને પોતાના જીવનમાં આનંદ માણે છે.
આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.
by Bhadrayu Vachhrajani | Jun 9, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
“જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.”
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.
આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.
મારે વાત કરવી છે ‘વૈદિક તપોવન વચ્છનાદ‘ જે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે. મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.
વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.
પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.
ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. આ સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતા–પિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.
આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!
મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ કરે.