ચારેય વેદો પરમેશ્વર છે, કારણ કે એ જ્ઞાનના ભંડાર છે

ૐકારનું સતત રટણ,ચિંતન,મનન કરનારા પાપમુક્ત થઈ  જતા હોય છે, તેથી તે પવિત્ર છે. 

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com

                                         (36)

શ્રીમદ ભાગવત ગીતાએ  એવું કહ્યું કે, મહાત્માઓ સતત કીર્તન કરતા રહે એ પ્રભુ સેવાનો એક માર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ પણ છે ? એવો જયારે પ્રશ્ન થયો ત્યારે એક નવી વાત લઈને ભગવત ગીતા આવે છે. કહે છે, ‘જ્ઞાનયજ્ઞ દ્વારા ઈશ્વરનું આહુતિઓ આપીને  યજન કરનારા છે. મારું મુખ પૂરું વિશ્વ છે એટલે કે  કોઈ મુખમાં મને ખવડાવે તો હું ખાઉં છું.’ આ યાજકોએ અગ્નિ મુખને જ મહત્વ આપી દીધું અને યજ્ઞ દ્વારા આહુતિઓ આપવામાં વ્યસ્ત બની ગયા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી યજ્ઞના બધા ઘટકોમાં ઈશ્વર તત્વ કેવી રીતે છે અને ગીતા શું દર્શાવે છે તેની વાત સ્પષ્ટ કરે  છે. દેવનું મુખ માત્ર અગ્નિ ન હતું, એના સિવાય દરિદ્ર મુખ, અનાથ મુખ, વિધવા મુખ, લાચાર મુખ તરફ પણ ધ્યાન જવાની જરૂર હતી. પણ આપણે માણસોએ અગ્નિ સિવાયના આ  બધા મુખને  આહુતિ વિનાના રાખી દીધા. કેટલાય યજ્ઞમાર્ગીઓની શક્તિ અગ્નિ તરફ વળી ગઈ. બધું ભવ્યાતિભવ્ય અગ્નિમાં હોમાતું રહ્યું પણ આપણા જગતમાં ગરીબ. નિર્ધન, કંગાળ તરફ એઠવાડનો કોળિયો પણ ન હોમાયો. પરિણામે દરિદ્રો વિદેશીઓ અને વિધર્મીઓ તરફ વળ્યાં. કારણ કે ત્યાં તેમને કોળિયો  મળતો હતો. કોળિયો એ તો જાણે મોટો ભગવાન મળ્યો. આ બંને માર્ગોની કચાશનો લાભ પેલા કોળિયાવાદીઓને મળ્યો અથવા તો મળી રહ્યો છે.

ભગવાન અહીં પોતાની વિશેષ ઓળખ આપે છે. એ કહે છે, આ જગતનો પિતા હું છું, માતા હું છું, ધાતા હું છું, પિતામહ હું છું, પવિત્ર ૐકાર હું છું, ઋગ્વેદ-યજુર્વેદ- સામવેદ પણ હું જ છું. પરમેશ્વર પોતાનું અસ્તિત્વ બધામાં બતાવે છે. તે એટલી હદે કે તે તે મહત્વની વસ્તુઓ જ પરમેશ્વર છે,એવું કહી દે છે.  પિતાનો પિતા એને પિતામહ કહેવામાં આવ્યો છે. પવિત્ર ૐકાર તત્વ પણ પરમેશ્વર છે, એવું સોળમા શ્લોકમાં કહ્યું છે. પવિત્ર ઓમકારની વ્યાખ્યા માંડુક્ય ઉપનિષદે કરી છે. ચારે વેદ તેનું વ્યાખ્યાન છે તેમાં બધું જ્ઞાન આવી જાય છે. અર્થાત જો ૐ કારને સારી રીતે  જાણવામાં આવે તો બધું જાણી શકાય. ૐકારના જપથી પાપી પણ પાપ મુક્ત થાય છે તેથી તેને પવિત્ર કહ્યો. પાપ જ અપવિત્ર તત્વ છે. પાપમાંથી મુક્ત કરાવે તેને પવિત્ર કહેવાય. ૐકારનું સતત રટણ, ચિંતન, મનન કરનારા પાપ મુક્ત થઇ જતા હોય છે તેથી તેને પવિત્ર કહ્યા છે. ચારેય  વેદો પરમેશ્વર છે,  કારણ કે એ જ્ઞાનના ભંડાર છે. જ્ઞાનબ્રહ્મ છે તેથી આ બધું જ બ્રહ્મમય છે. હજુ ભગવાન પોતાનું વધુ રૂપ બતાવી રહ્યા છે.

નવમાં અધ્યાયના  અઢારમાં શ્લોકમાં પરમેશ્વર એમ કહે છે કે,  ગતિ અને લક્ષ્યપ્રાપ્તિ હું છું, ભર્તા  હું છું, પ્રભુ હું છું, સાક્ષી હું છું, નિવાસ હું છું, શરણ હું છું, સુહૃદ  હું છું, પ્રભુત્વ હું છું,  પ્રલય હું છું, સ્થાન હું છું, નિધાન હું છું, બીજ હું છું અને અવ્યય પણ હું જ છું. આ બધા જ તત્વો પરમેશ્વરની વિશિષ્ટ વિભૂતિઓ છે તેમ માનવાનું અથવા તો તે બધા તત્વો પરમેશ્વરમય છે એમ માનવાનું આપણને કહેવામાં આવ્યું છે. ભગવાનના જુદા જુદા જે રૂપો દેખાડ્યા છે તેની થોડી સમજ આપણે મેળવી લઈએ.

ગતિ એટલે ગમન કરવું. ગતિના ત્રણ પ્રકાર. અધોગતિ, સ્થગતિ અને ઉર્ધ્વગતિ.. અધોગતિ એટલે જળને નીચે વહાવવા પ્રયત્ન ન કરવો પડે. તે આપોઆપ વહે છે. તેમ જીવાત્માને પણ ભોગસુખ તરફ વાળવો નથી પડતો તે આપોઆપ વળી જાય છે તેને અધોગતિ કહ્યું છે. સ્થગતિ એટલે જ્યાં છે ત્યાંને ત્યાં ટકી રહેવું તે સ્થગતિ છે. તેમાં પણ ખાસ મહેનત કરવી ન પડે. જયારે ઉર્ધ્વગતિ જ્યાં છે ત્યાંથી ઉપર ઉર્ધ્વ તરફ જવું તે ઉર્ધ્વગતિ છે. આ પ્રયત્ન સાધ્ય હોય છે, એટલે કે તે આપોઆપ થતું નથી.

ભગવાન કહે છે કે,  ભર્તા  હું છું. ભરે તેને ભર્તા કહેવાય છે. પતિ પત્નીને ભરે છે તેથી પતિને ભર્તા  કહેવામાં આવ્યો છે. પરમેશ્વર ભર્તા  છે બંને રીતે. તે પ્રકૃતિરૂપી પત્નીને સામગ્રીઓથી ભરી દે છે અને બીજ પ્રદાતા હોવાથી પણ તે ભર્તા  છે.

પ્રભુ એટલે સ્વામી શાસક, તે જગતનો શાસક છે, તેથી પ્રભુ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, બ્રહ્માંડ, અણુ અણુ તેના શાસનમાં શિસ્તબદ્ધ વર્તી રહ્યા છે તેથી તે પ્રભુ છે.

સાક્ષી એટલે જોનારું આપણું નાનું અથવા મોટું, ગુપ્ત અથવા જાહેર કશું જ એવું નથી જેનો ઈશ્વર સાક્ષી ન હોય.

નિવાસ એટલે રહેવાની જગ્યા. ગીતા કહે છે કે, ભક્ત માટે ભગવાન નિવાસરૂપ છે, ધામ છે, પરમધામ છે, જ્યાંથી કદી કોઈને જાકારો મળતો નથી.

શરણ એટલે રક્ષણ આપનારું,, રક્ષણ આપી શકે તેવો આશરો. પરમેશ્વર ભક્તો માટે શરણ સ્થળ છે. જેને કોઈનું શરણ ન હોય તે પરમેશ્વરના શરણે રક્ષિત રહી શકે છે.

સુહૃદ એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જેનું હૃદય સારું અને ભલું વિચારે તે. ભક્ત માટે ભગવાન સુહૃદ પણ છે. તે કદી પણ ભક્તનું અહિત ન કરે. ન ઈચ્છતાં પણ  ભલે ભક્ત ભૂલ કરે તો કરે, ભગવાન તો સુહૃદ જ રહે છે.

પ્રભવ એટલે વિશેષ સત્તાવાળો. અહીં અસ્તિત્વનું નામ સત્તા છે.

પ્રલય એટલે લીન થવું અથવા લીન થવાની જગ્યા. અંતમાં બધું ભગવાનમાં જ લીન થવાનું છે.

જ્યાં સ્થિર થવાય તેને સ્થાન કહેવાય. સાધુઓ પરસ્પર મળે છે ત્યારે પૂછે છે આપકા સ્થાન કહા હે ? જેને સ્થાન નથી હોતું તે વિચરતા રહે છે. વિચરતા રહેવાની ત્રણ કક્ષા છે. ૧) ભટકવું રખડવું, ૨) માંગતા ફરવું અને ૩) ભ્રમણ કરવું.

નિધાનમ એટલે નિધિ ખજાનો. ભક્ત માટે ભગવાન નિધિ છે. એવી જ રીતે બીજ એટલે ફરી ફરીને છોડ, વૃક્ષ, ખેતી, બાળક વગેરેને ઉત્પન્ન કરે છે તેવું વીર્ય એ બીજ છે. આ બધું જ કાર્ય એ ઈશ્વર કરી રહ્યા છે.

એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું, એ કીર્તન

ઈશ્વરની સત્તાના ત્રણ રૂપ છે: ૧) તે માત્ર નિરંજન નિરાકાર છે, ૨) તે સગુણ સાકાર જ છે, ૩) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે. 

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

                                                      (35)

સૃષ્ટિની ઉત્પત્તિ વિશે અહીં ત્રણ પ્રશ્નો કર્યા છે: ૧) સૃષ્ટિ શામાંથી થઇ ? ૨) ચેતન જીવાત્માઓ ક્યાંથી આવ્યા ? ૩) સૃષ્ટિ કોણે કરી ? ગીતા સૃષ્ટિ ઉત્પત્તિના વિષયને માત્ર ઈશ્વરની ઈચ્છા પર છોડી દેતું નથી. તે વિચાર કરે છે અને આપણને વિચાર કરવાની છૂટ આપે છે. પરમેશ્વર કહે છે કે, મારી દૈવી પ્રકૃતિ અર્થાત ઈશ્વરીય શક્તિમાં વિલીન થઈને રહેલા જીવાત્માઓને યથાયોગ્ય ક્રમપૂર્વક હું પ્રગટ કરું છું. જેમાંથી આ સંપૂર્ણ ભૂતગ્રામ રચના આપોઆપ ઉત્પન થાય છે અને પછી વિલીન થાય છે. એટલે કે પરમેશ્વરે પ્રકૃતિમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો છે. નવમા શ્લોકમાં  કર્મની વાત આવે છે કે આ બધા કર્મો પરમેશ્વરને બાંધતા નથી. કર્મ એટલે બંધન. પછી તે પાપ પુણ્ય ગમે તે હોય, કર્મનું બંધન હોય જ,  તે ન ભોગવો તો જ તે બંધનમાંથી છુટકારો થાય, આવી ધારણા આપણી છે તેને ગીતા નકારી કાઢે છે. કર્મનું બંધન જીવાત્માને હોય,  પરમાત્માને ન હોય. કારણ કે બંધનનું મૂળ રાગ અને  આસક્તિ હોય. પરમેશ્વર ઉદાસીન થઈને કર્મ કરે છે એટલે કે કર્મ, કર્મફળ વગેરે પ્રત્યે કોઈ રાગ તે રાખતો નથી. આપણને ખ્યાલ છે કે આપણો  ડ્રાઈવર ટ્રેન ચલાવતો હોય એમાં કદાચ નાનો મોટો જીવ ઝડપાઇ જાય તો તેની જવાબદારી બનતી નથી. ખેડૂત ખેતી કરે એમાં નાના મોટા જીવો મરી જાય તો તેની જવાબદારી ખેડૂતની થતી નથી. આ સહજ કર્તવ્ય કર્મ છે. ગીતા કહે છે, સૃષ્ટિની રચના એ પરમેશ્વરનું સહજ કર્મ  સ્વયંભૂ આપોઆપ થતું રહે છે. પરમેશ્વરને પરસેવો પાડવો પડતો નથી. તે તો ઉદાસીન જેવો અનાસક્ત થઈને આ કર્મ કરતો રહે છે. તેથી કર્મોના બંધનો તેને થતા નથી. 

પ્રકૃતિ સૃષ્ટિની જનેતા છે, જેના જનક પરમેશ્વર છે. અહીં તેના માટે શ્લોક ૧૦ માં ‘ અધ્યક્ષ’ શબ્દ વાપર્યો છે. જનક અને જનની વિના સૃષ્ટિ રચના થઇ શકે નહીં. તેથી પરમેશ્વર જનક છે અને પ્રકૃતિ જનની છે. અધ્યક્ષ એટલા માટે કે આ બે માં પરમેશ્વર ઉપરી છે. પ્રકૃતિ ઉપરી નથી. જેની સત્તા ચાલે તેને અધ્યક્ષ કહેવાય છે. આપણને ખ્યાલ છે કે, ઈશ્વર હંમેશા સજોડે હોય છે. શિવ – શક્તિ, લક્ષ્મી – નારાયણ વગેરે દંપતીઓ છે. તે સૌને સંદેશો આપે છે કે જીવન તો જોડામાં છે. એકાગી વીતરાગી ને જીવન હોતું નથી. અગિયારમા શ્લોકમાં ઈશ્વરની સત્તા વિશેની વાત કરી છે. અને ઈશ્વરની સત્તાનો સ્વીકાર કર્યા પછી તેના ત્રણ રૂપ દર્શાવ્યા છે. ૧) તે માત્ર નિરંજન નિરાકાર છે, ૨) તે સગુણ સાકાર જ છે ૩) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે. ભગવાન માનવીય દેહધારણ કરીને લોકોને માર્ગદર્શન આપે છે તેવી ધારણા એક યા  બીજી રીતે ઘણા ધર્મોમાં જોવા મળતી હોય છે. એ માન્યતાનો અહીં સ્વીકાર કર્યો છે. 

શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે નહીં માનનારા લોકોને ગીતા થોડો ફિટકાર પણ વરસાવે છે. એમ કહે છે કે આવા જે માનુષી ભગવાનને નથી માનનારા તે ખોટી આશાઓ ધરાવનારા છે, તેથી તે ખોટા કર્મો કરનારા છે, તેમનું જ્ઞાન ખોટું છે. તે ચિત્ત વિકારી થઈને મોહ પમાડનારી રાક્ષસી આસુરી પ્રકૃતિનો આધાર લઈને જીવન જીવતા હોય છે, એવું ગીતા એકધારું આપણને કહી બતાવે છે. તેરમા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જે દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને જીવે છે તે મહાત્મા છે. આવા મહાત્માઓ અનન્ય મનથી શ્રીકૃષ્ણ ભગવાનને અવિનાશી ભગવાન માનીને ભજતાં રહે છે. કેટલાક મહાત્માઓ સતત કીર્તન કરતા રહે છે. કીર્તનનો અર્થ એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું. આવું બોલતા બોલતા ભક્ત ભાવવિભોર અવસ્થાને પ્રાપ્ત થઇ જાય તો નાચવા કૂદવા લાગે તે સહજ વૃત્તિ કહેવાય. 

 આ અંગે નોખી માટીના સંત સ્વામીશ્રી સચ્ચિદાનંદજી કહે છે કે, પછી તો ભાવ હોય કે ન હોય, જોરજોરથી કીર્તન કરવું અને નાચવું કુદવું એ એક રિવાજ થઇ ગયો છે. આને  સાંપ્રદાયિક ચોકઠું કહેવાય, જે તેજહીન થઇ જાય, મૂળ પુરુષ તીવ્ર ત્યાગની અવસ્થામાં વસ્ત્રો ત્યાગી દે તે અવસ્થા કહેવાય. પણ પછી તેનો સંપ્રદાય બનાવી ફરજીયાત વસ્ત્રો ત્યાગી દેવડાવે તેને ચોકઠું કહેવાય. સંપ્રદાયો ચોકઠાં વિનાનાં નથી હોતા. પછી તો તે રિવાજ જ બની જાય છે આવો સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનો સ્પષ્ટ મત છે. કોઈ એક પતિવ્રતા સ્ત્રી તીવ્ર પતિપ્રેમમાં આત્મવિલોપન કરી દે તે તેની અવસ્થા કહેવાય. પણ પછી પ્રત્યેક સ્ત્રીએ આવું જ કરવું જોઈએ તે પ્રથા કે  ચોકઠું કહેવાય. ધર્મ ચોકઠાંથી મુક્ત હોય. સમ્પ્રદાય ચોકઠાંથી યુક્ત હોય. બંનેમાં આટલો ફર્ક સ્વામીશ્રી સચ્ચિદાનંદજી આપણને દર્શાવે છે. આવો ભક્ત સતત કીર્તન કરતો કરતો દ્રઢવ્રતધારી થઈને સાધના કરતો રહે છે. તે વારંવાર ભગવાનને નમસ્કાર કરતો કરતો ભગવાનની નિત્ય સમીપમાં રહીને ઉપાસના કરતો રહે છે.

અશુભોથી છૂટવું તે મોક્ષ છે

શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય.

ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

                        (34)

શ્રીમદ ભગવત ગીતાના નવમા અધ્યાયની એક વિશેષતા એ છે  કે તેના પ્રારંભમાં જ એક શરત મૂકી છે. જે કોઈની ઈર્ષા ન કરે તેને જ આ રહસ્ય જ્ઞાન પ્રાપ્ત થઇ શકે. તેમાં શબ્દ પ્રયોગ કર્યો છે અસૂયા. અસૂયા શબ્દ ઈર્ષાને મળતો તો છે, પણ થોડો જુદો છે. ઈર્ષા એટલે સ્પર્ધામાં આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષ થવો. પણ અસૂયા એટલે વિરોધીના સદગુણોમાં પણ દોષ દ્રષ્ટિ રાખવી તે. જે વ્યક્તિ ગુણોમાં પણ દોષ જુએ છે તે દોષોમાં તો દોષ જોવાનો જ છે. આ રીતે અસુયાવાળો તો ઈર્ષાળુ કરતા પણ હીન કહેવાય. આવી અસૂયાવૃત્તિ જેમાં નથી તેવા અર્જુનને આ રહસ્યજ્ઞાન પ્રાપ્તિનો અધિકારી માનવામાં આવ્યો છે. તેથી ગુહ્યતમ જ્ઞાનમ વિજ્ઞાન  સહિત આપવાની પ્રસ્તાવના ભગવાન કરે છે. 

સૌથી પહેલા શ્લોકમાં બીજી એક મહત્વની વાત પણ કરી છે કે મોક્ષ એટલે શું ? બહુ ટૂંકમાં કહીએ તો અશુભોથી છૂટવું તે મોક્ષ છે. અહીં જન્મ મરણના ચકકરની વાત કરી નથી. અશુભ એટલે શું ? જેનું પરિણામ દુઃખદાયી હોય તે અશુભ કહેવાય. આનાથી ઉલટું શુભ કહેવાય. જેનું પરિણામ સુખદાયી, કલ્યાણકારી તે શુભ. શુભથી સુખી થાય તો સુખ શાંતિદાયક બની શકે. અશુભથી કદાચ કોઈ સુખી થાય તો પણ તે શાંતિદાયક ન હોય. એટલે સંત પુરુષો કોઈને આશીર્વાદ આપે તો શુભમ ભવતુ એવું બોલે છે, કારણ કે શુભમાંથી જ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, અશુભથી નહીં. 

વિજ્ઞાન  સહિત  જ્ઞાનનો અર્થ થાય છે માત્ર ઉપરછલ્લું જ્ઞાન નહીં પણ જ્ઞાનના આગળ પાછળના ઊંડાણથી વિજ્ઞાન સહિતનું જ્ઞાન,  હે અર્જુન,  હું તને હવે કહી રહ્યો છું. પુરુષના જીવનને  ધન્ય જીવન પાંચ ઐશ્વર્યથી ગણ્યું છે. ધન ઐશ્વર્ય, રૂપ ઐશ્વર્ય, કંઠ ઐશ્વર્ય, મેધા ઐશ્વર્ય અને શ્રદ્ધા ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે જેનાથી પુરુષમાં ઈશ્વરભાવ અથવા તો શ્રેષ્ઠભાવ આવે તે ઐશ્વર્ય, જેમાં ધન વધુ  છે,  માન સન્માન ધનને લઈને બને છે તેને ધન ઐશ્વર્ય કહે છે. જેને રૂપ મળ્યું છે તેને રૂપ ઐશ્વર્ય કહ્યું છે, જેને મધુર કંઠ મળ્યો છે તેને કંઠ ઐશ્વર્ય કહ્યું છે.  જેને પ્રચંડ મેધા પ્રાપ્ત થઇ છે તે મેધા ઐશ્વર્ય છે અને શ્રદ્ધા ઐશ્વર્યમાં શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય. આ પાંચ ઐશ્વર્યોમાંથી જેને પાંચે પાંચ મળેલ  હોય તે તો ધન્ય ધન્ય કહેવાય,  પણ કદાચ પાંચ ન મળ્યા હોય અને એકાદું મળ્યું હોય તો પણ જીવન મૂલ્યવાન થઇ જાય. ગીતા કહે છે કે,  જે શ્રદ્ધા વિનાના છે તે દુર્ભાગી છે,  કારણ કે તે ઐશ્વર્ય વિનાના છે. જેમની પાસે હૃદયનું ઐશ્વર્ય નથી હોતું તેવા પુરુષો આ રાજવિદ્યાને પ્રાપ્ત કરી શકતા નથી,  તેથી ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ તે મૃત્યુ સંસારમાં ભટકતા રહે છે. 

પરમેશ્વર અવ્યક્ત નિરાકાર છે. તેણે જ આ વ્યક્ત થયેલા જગતની રચના કરી છે. તે વિશ્વવ્યાપી છે. નિરાકાર જ વ્યાપક થઇ શકે,  સાકાર હંમેશા એકદેશીય હોય, તે બધે ન હોય.  રાજા રાજધાનીમાં હોય,  પુરા રાજ્યમાં ન હોય.  પુરા રાજ્યમાં તો તેની સત્તા હોય,  તે પોતે ન હોય. પણ તેના નોકરો, તેના નોકરોની આધીનતા સાથેના કેટલાક લોકો અને અમલદારો હોય તો જ રાજ્ય શક્ય બને. પણ નિરાકાર ઈશ્વર સર્વત્ર હોય. તેની  પોતાની સત્તા હોય તેથી તેના નોકરો કે અમલદારોની જરૂર ન રહે,  એવો અવ્યક્ત ઈશ્વર સચરાચર વ્યાપક બધા બ્ર્હ્માંડોનો આધાર બને છે. ઈશ્વરી વ્યાપકતાનું ઉદાહરણ પણ નવમા અધ્યાયના પ્રાથમિક શ્લોકોમાં આપ્યું છે. પરમેશ્વર સૌનો આધાર છે તેવું વારંવાર કહેવાયું છે. તેને ઉદાહરણથી સમજાવીને કહે છે કે,  જેમ અનંત આકાશમા વાયુ વહેતો રહે છે, વાયુમાં ગતિ છે તેથી વહે છે. આકાશમાં ગતિ નથી તેથી સ્થિર છે. આવી જ રીતે પરમેશ્વર અનંત છે, તેનો છેડો નથી,  તેમાં અનંતકોટી બ્રહ્માંડો આવેલા છે, તેમાં બધા જીવાત્માઓ વહેતા રહે છે. 

સૌની પોતપોતાના કાર્યો  પ્રમાણે ગતિ થાય છે. સાતમા શ્લોકમાં જીવાત્માઓનું શું થશે એવો જયારે વિચાર કર્યો ત્યારે વિલીન શબ્દપ્રયોગ કર્યો છે. વિલીન એટલે નષ્ટ થઇ જવું નહીં. જેમ પાણીમાં મીઠું વિલીન થાય તો એ નષ્ટ નથી થયું પણ એ પાણીને ખારું બનાવી દે છે. તેનું  અસ્તિત્વ માત્ર સ્વતંત્ર રીતે દેખાતું નથી,  પણ હોય તો ખરું. આવા  કલ્પ ક્ષય એટલે પ્રલયકાળમાં બધા જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઇ જાય છે. અર્થાત સુષુપ્ત દશામાં રહે છે અને જયારે સૃષ્ટિ રચનાનો કાળ આવે ત્યારે તે બધા પ્રગટ થાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે જીવાત્મા નિત્ય છે. તે ઉત્પન કે નષ્ટ થતા નથી, પણ વિલીન અને પ્રગટ થાય છે.

રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુર મિશ્રણ

કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવા માટેનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                             (33)

તુકારામજી કહે છે કે, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આપનારો, દામાજીને ખાતર અંત્યજ  બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવા ખાંડવામાં હાથ દેનારો એવો એ ભગવાન સજન કસાઈને પણ એટલા જ પ્રેમથી મદદ કરતો જોવા મળે છે. ટૂંકમાં કૃત્યોનો સબંધ ઈશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નવમા અધ્યાયમાં આ જ વાત ખાસ છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો એ.. કર્મ એવી ખૂબીથી કરવાનું કે ફળની વાસના જ ન વળગે. અખરોટનું ઝાડ રોપવા જેવી આ વાત છે. અખરોટના ઝાડને ૨૫ વર્ષ પછી ફળ આવે. રોપનારને ફળ ચાખવાના ન હોય તો પણ ઝાડ રોપવું અને તેને  પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું અને તેના ફળની અપેક્ષા ન રાખવી તે... તો ભક્તિયોગ એટલે શું ? ભાવથી  ઈશ્વર સાથે  જોડાવું એનું નામ ભક્તિયોગ. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ બંને એકસાથે ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ + ભક્તિયોગનું મધુર મિશ્રણ એવી વ્યાખ્યા વિનોબાજી આપે છે અને તેની સાથે સંમત થયા વગર આપણે રહી શકતા નથી.

એવું માનવાને કારણ નથી કે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણએ જે કઈ કહ્યું તે અર્જુને સમજ્યા વગર સ્વીકારી લીધું છે. અહીં ભક્ત અને ભગવાનનો સબંધ તો છે જ પણ હકીકતમાં કૃષ્ણ અને અર્જુન સખા છે. અને આ સખ્યભાવમાં એ સંશય ઉભો કરીને પ્રશ્ન પૂછી શકે છે કે આવું કેમ છે. નવમા અધ્યાયમાં આવો ઉલ્લેખ આપણને સ્પષ્ટ જોવા મળે છે. જયારે શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે છે કે,  હે પાર્થ હું આત્મસ્વરૂપ છું અને મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ આખું જગત વિસ્તરેલું છે. પરંતુ  મારામાં  સર્વભૂતો છે પરંતુ તેઓમાં હું નથી. આ વાત સાંભળીને અર્જુનને પ્રશ્ન થયો છે અને પ્રશ્નનો જવાબ પણ ભગવાન શ્રીકૃષ્ણએ બરાબર આપ્યો. એક સુર્વણનું ઉદાહરણ પ્રચલિત છે.  જેમ પૃથ્વી વગેરે તમામ વસ્તુઓ આકાશમાં રહેલી છે,  પરંતુ આકાશ તેમાં નથી. જેમ તપાવેલા લાલ લોખંડની અંદર અગ્નિ હોય છે, પણ તે અગ્નિમાં લોખંડનો અંશ હોતો નથી. આ બેય વાતોનો આપણને અનુભવ છે. દાગીનામાંથી તમે સુવર્ણનો અંશ કાઢી લો તો પાછળ શું રહે ? બસ એ જ ન્યાયથી  દાગીનાઓમાં સુર્વણનો અંશ છે પણ સુવર્ણમાં દાગીના નથી, એ જેમ સમજી શકાય છે તેમ મારામાં સર્વભૂતો છે છતાં હું તેનામાં નથી એવા બે વિરોધી વિધાનો ભગવાન કરે છે અને તેને સમજાવવાનો ઈશારો  અર્જુન બહુ સ્પષ્ટ રીતે ઈશ્વરને કરે છે. 

કોઈ એક અંધ વ્યક્તિએ સાંભળ્યું  કે આ ઝાડમાં ભૂત છે અને તે ઘણું ખરાબ છે, બધાને ખાઈ  જાય છે. હવે આ વાત તેમણે બીજાને કહી, બીજાએ ત્રીજાને કહી અને થોડા સમયમાં તો બધા જ અંધ લોકોના કાને વાત પહોંચી ગઈ.  પરિણામે તેઓ ભયભીત થઇ ગયા.  આક્રોશ કરવા લાગ્યા. આ આક્રોશ સાંભળીને એક બુદ્ધિશાળીએ તેને સાંત્વન આપ્યું, ભાઈ,  આમાં ભૂત રહે છે તે તમારામાંથી કોઈએ જોયું છે ? આસપાસમાં એકબીજા બધાને પૂછવા મંડયા અને કહેવા લાગ્યા કે મને તો આમણે કહ્યું, બીજાએ કહ્યું મને તો આ ત્રીજાએ કહ્યું એમ કરતા કરતા જેણે સૌ પહેલા વાત કરી હતી એનો વારો આવ્યો. તેણે  કહ્યું,  મેં જોયું તો નથી કારણ  કે મારે તો આંખ જ નથી. પણ હું સંધ્યાકાળે રોજ આ ઝાડ નીચે વિશ્રાંતિ માટે બેઠો હોઉં તે વખતે કેટલાક છોકરાઓ ‘ જલ્દી નાસો નહીં તો આ ઝાડ નીચે ભૂત બેઠું છે એ બધાને પકડીને ખાઈ જશે’  એમ કહીને દોડવા લાગ્યા. હવે તેમનું સાંભળીને હું  પણ હાંફતા હાંફતા પાછળ પાછળ દોડવા લાગ્યો. પેલા છોકરાઓને એમ લાગ્યું કે ઝાડ નીચે બેઠેલું ભૂત ઉઠ્યું અને આપણી પાછળ દોડી રહ્યું છે. એ લોકો પથરા મારવા મંડયા એટલે હું તો મહામુસીબતે મારી પાછળ પડેલા કહેવાતા ભૂતના પંજામાંથી છટકીને અહીંયા પહોંચી ગયો. અહીં આવીને આ વાત બધાને કહી. આ વાત સાંભળીને અંધ પરંપરા ન્યાય શરૂ થયો. હકીકતમાં ત્યાં ભૂત વગેરે કઈ હતું જ નહીં. પરંતુ છોકરાઓ પેલા ઝાડ નીચે બેઠેલા અંધ વ્યક્તિને જ ભૂત સમજ્યા અને પેલો માણસ બીજું કોઈ ભૂત બેઠું હશે એમ માનીને દોડવા લાગ્યો. વાસ્તવિક રીતે જુઓ તો કોઈએ ભૂત જોયું જ નહોતું,  એટલે ભૂતની વાત સાવ ખોટી હતી એવું જયારે નક્કી થયું ત્યારે સૌનો સંશય દૂર થયો. 

‘સર્વ જગત શુદ્ધ,  હું ના અશુદ્ધ,  હું રૂપ સ્ફુરણના આધારે મારી અવ્યક્ત પ્રકૃતિ વડે વ્યાપેલું છે,’  એમ જયારે ભગવાન કહે છે ત્યારે તેમાં આ વાત સમાયેલી છે. હું એટલે શરીરધારી કૃષ્ણ નહીં, પરંતુ અનિર્વચનીય  એવો તે સ્વરૂપ છે એમ જાણવાનું છે. વેદ આને જ તત્ત્વમસિ  કહે છે. ‘તું તે છે’  એમ કહે છે. અહમ બ્રહ્માસ્મિ નો ઉદ્દેશ પણ આ ‘ હું બ્રહ્મ છું’  એમ કહેવાનો છે. અયમાત્મા  બ્ર્હ્મમ એ ‘ આત્મા જ બ્રહ્મ છે’, પ્રજ્ઞાનમ બ્રહ્મ ‘જ્ઞાન એ જ બ્રહ્મ છે’  એટલે જે જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે માટે જ્ઞાન એટલે જ આત્મા કે બ્રહ્મ છે. આ બધા મહા વાક્યો છે જે આ વાતને સમજાવે છે કે વ્યક્ત સ્વરૂપ અને અવ્યક્ત સ્વરુપ એ  કેવળ શ્રી ભગવાનનું છે.

 

કુલપતિ એ કુલગુરુ છે કે કહ્યાગરો કંથ ??

કુલપતિ ‘હોવું‘ અલગ વાત છે, કુલપતિ ‘બનવું‘ સદંતર નોખી વાત છે…

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com

 ‘કુલપતિ’ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અદકેરું મહત્વ છે, અને એ દ્રષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવજગતના વડા છે ! કુલપતિ હોવું એ હકીકતમાં to be અને to have વચ્ચેની કશ્મકશ છે. કુલપતિ ‘હોવું’ અલગ વાત છે, ને કુલપતિ ‘બનવું’ સદંતર નોખી વાત છે.  કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું. ત્યાં બેસી તો જવાય. સ્થાન પણ માભા અને મોભાનું; પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય; વળી નીચે તો ત્યારે જ ઊતરી શકાય કે જયારે હાથી નીચે બેસે !  સીધી ઉત્પાદકતા (Direct Productivity) કંઈ નહીં; ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં, છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે…  

વહીવટની પોથીઓમાં ‘શું કરવું’ તે લખ્યું હોય છે, પરંતુ તે ‘કેમ કરવું’ તે લખ્યું હોતું નથી. આ વણલખેલી વાતને વાંચી જનાર ‘to have’ માંથી ‘to be’ તરફ પ્રયાણ કરી શકે છે. વહીવટ શબ્દ જ વિચિત્ર છે. કુલસચિવ વહીવટ કરે એમાં ‘વહી ઓછી ને વટ ઝાઝો‘ હોય એમ બને, પણ ‘વહી ભરચક્ક ને વટ આપણા સૌનો‘ કરી જાણે તે કુલપતિ. વિશ્વકવિ ઉમાશંકર જોષી ગુજરાતના એકમાત્ર એવા કેળવણીવિદ્દ હતા કે જે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનના કુલપતિપદે બિરાજમાન હતા. તેઓ કહેતા : ‘જયારે બધા જ મકાનો ને ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સીટી‘  કુલપતિ તે જે હળેમળે અનેકને, સાંભળે સૌને, અમલમાં મૂકે શ્રેષ્ઠને, સ્વીકારે શ્રેષ્ઠત્વને, કામ સોંપે પ્રતિબધ્ધને, શાબાશી આપે સક્ષમને, ધ્રુજાવે અલિપ્તને, સાચવી લે ફેન્સ – સીટરને અને ડામી દે અકર્તાભાવકોને ! એમનાથી પદ શોભે, પદથી પોતે નહીં. જે છોડાવી તો શકે જ, પરંતુ પોતે સ્વયં છોડી દઈ શકે. હા, કોઈક વળી હિમ્મત કરીને કૂદકો મારીને હાથીની અંબાડીને ‘ બાય બાય’  કહી દે એવું બને. કુલપતિપદેથી ખસી જવાના ગૌરવપ્રદ કિસ્સાઓ ઘણા છે. પદની ચાહત છોડી શકે છે તે જ લોકોની ચાહના મેળવી શકે છે. એમનું ભણતર એમના આત્માની ઉંચાઈ છે.  સંસ્કૃતિની ઉપનિષદ કે જ્યાં વૃક્ષની ઘટાઓ હોય, એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં વિદ્યાવ્યાસંગ ચાલતો હોય તો વિશ્વવિદ્યાપીઠનો આત્મા એ તેનો કુલપતિ ! અહીં લક્ષ્મી ન હોય, તો ય નારાયણ તો હોય જ…!

કુલપતિનું પદ ખરેખર તો  ગૌરવશાળી પદ છે. પ્રોફેસર તરીકે excellent knowledge મેળવી લીધા બાદ એ knowledge ને અમલમાં મૂકી શ્રેષ્ટત્વ પ્રાપ્ત કરી શકે તેવા સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની કુલપતિ તરીકે  નિમણૂંક કરવામાં  આવતી  હતી….પણ સત્તામાં ચૂંટાઈને આવતા પક્ષોએ ખુદ એમના દ્વારા નિમાયેલ regulatory authority નાં ધોરણોને નેવે મૂકીને ‘સારા’ને બદલે ‘મારા’ વ્યક્તિઓને કુલપતિ બનાવી દેવાની ભૂંડી રમત શરુ કરી ત્યારથી ગુજરાતની રાજ્યાશ્રિત યુનિવર્સિટીઓની હાલત પ્રાથમિક શાળાઓ જેવી થઇ ગઈ છે, તેના આપણે સૌ સાક્ષી છીએ.  હાઈકોર્ટ ખખડાવીને કહે કે, ‘આ ખોટું છે’ તો પણ તેને ન ગણકારવાનો અવિવેક આજકાલ બહાદુરી ગણાવા લાગેલ છે. સરકાર અંગે ફરિયાદ કરવા જેવું નથી કારણ કે ગાંધી સ્થાપિત ભવ્ય સંસ્થામાં પણ ‘મારી વ્યક્તિ કુલપતિ બને’ તે માટે દાવપેચ ખેલાયા  અને ફલત: જે થયું તે આપણી  સમક્ષ છે. ધીરે ધીરે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટોચનાં સ્થાનો ઉપર પોતે જ સીધા પેરેશૂટથી જ મુખિયાઓ ઉતારવાનું નક્કી કરી રહી છે. તાજેતરમાં જાહેર થયું છે કે ડીમ્ડ યુનિવર્સિટીઓ કે જે 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે ત્યાં કુલાધિપતિ અને કુલપતિ બંને દિલ્હીથી જ નિમાશે. ગાંધી સંસ્થા ભલે કહેવાતા ગાંધીજનોનાં હાથમાં ના રહી પણ એ ગાંધી સંસ્થા ઉચ્ચ  શિક્ષણમાં ધરમૂળથી બદલાવ લાવવાનું નિમિત્ત  જરૂર બની, એટલો સંતોષ લઇ શકાય. જો કે હવે તો  પ્રાઈવેટ  યુનિવર્સિટીઓ વધી રહી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાત કુલ 58 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે ભારતમાં નંબર વન છે.!! હવે એમાં તો કુલપતિનું શું થતું હશે તે તો ભગવાન જાણે !! એક બાબત તો નક્કી કે ઉચ્ચ શિક્ષણમાં હવે વિદ્યાર્થી કોઈનું કેન્દ્રસ્થાન નથી, ક્યાંક પૈસા તો ક્યાંક સત્તા તો ક્યાંક વળી કહેવાતાં મૂલ્યોના વાઘાઓ કેન્દ્રમાં છે. જે પગાર આપે છે તેને આધિપત્ય ભોગવવું છે, પછી તે સરકાર હોય કે સંસ્થા હોય. પગાર દેનારો કુલપતિને તો પગારદાર જ ગણે છે એટલે તેને ‘કહ્યાગરા કંથ’ ની અપેક્ષા હોય છે.