ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ભદ્રાયુ વછરાજાની 

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

===========================================================

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા જ ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા. 

૧૮૯૩ના ૩૧ મી મે એ સ્વામી વિવેકાનંદ ૧૧–૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા. 

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા. 

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે’ એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, ‘જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ જ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના ‘હરિજન’માં તેઓએ નોંધ્યું કે, ‘દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ન ઉતારી શકીએ તે ધર્મ નથી. 

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ એ ધર્મ છે. 

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

‘ધર્મ વિનાનું રાજકારણ એ મડદું છે. એને તો બાળી  જ મૂકવું જોઈએ. 

‘મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ જ કરવાનો રહ્યો.’  

‘અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

‘આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન સધાય.’ 

‘આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, ‘અવિરત સેવા એ જ મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી જ શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  ક.બા. ગાંધી – કરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. આ તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, “મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને ન અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ ન શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે ન હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે ન થઇ શકે ? 

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી ક. બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય એ બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, ‘રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું એ મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે; 

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે. 

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ; 

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ. 

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી; 

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી. 

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના ‘યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

‘ધર્મ મંથન’ના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં એ અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

‘હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : ‘હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

‘ગાંધી:જીવન અને વિચાર’ નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. ‘જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર જ હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા એ મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, ‘મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા, ‘ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

સર્જકતાનો એક્સરે : સર્જકની દ્રષ્ટિએ

‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ પ્રદીપ ખાંડવાળા દ્વારા સંશોધન આધારિત પુસ્તક

 ભદ્રાયુ વછરાજાની 

પ્રદીપ ખાંડવાલા કહે છે કે, ‘મારા મતે સર્જકતા એ અભિગમ છે. જેમાં ઘણી ખરીવાર થોડીક રમતિયાળ શોધખોળ વર્તાઈ છે. જે એક ખુલા દિલનો કુતુહલશીલ, કલ્પનાશીલ, અખતરાબાજ માનવી અપનાવે છે અને જેના પરિશ્રમથી એવા ઉકેલો જડી આવે છે કે કાર્યો નિર્માણ થાય છે, જે આગવા પણ છે અને ઉપયોગી પણ છે’. તેઓ ઉમેરે છે કે, ‘સર્જન કેફી છે. સફળ સર્જન અતિ આનંદ બક્ષે છે. એટલે ફરી ફરી કરવાનો ઉમંગ થાય એ સ્વાભાવિક છે. સફળતા એ ક્ષમતાઓ અને વિચાર પદ્ધતિને પોષે છે, જેનાથી સફળતા પ્રાપ્ત થયેલી છે. આ રીતે જે જે ખાસિયતો અને ક્ષમતાઓ વડે સર્જનકાર્યમાં સફળતા પ્ર્રાપ્ત થઇ હોય એ વધુને ને વધુ દ્રઢ બનતી જાય છે.’

આપણે વાત કરી રહ્યા છીએ એક નાનાં પુસ્તકની, જેની અંદર એક બહુ મોટી સંકલ્પનાનો ભંડાર ભર્યો છે. કુલ ૪૮ પાનામાં વહેંચાયેલી આ પુસ્તકનું શીર્ષક છે, ‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ અને તેને આપણી સમક્ષ એકદમ સંશોધનીય અને વૈજ્ઞાનિક ઢબે મુકવાનો પ્રયાસ કર્યો છે IIM અમદાવાદના ભૂતપૂર્વ ડાયરેક્ટર, કવિ, સર્જક, સંગીત અને સંસ્કૃતિના ચાહક એવા આદરણીય ડો. પ્રદીપ ખાંડવાલાજી એ… કુલ ૧૧ ભાગમાં વહેંચાયેલ આ પુસ્તક  આપણને સર્જકતા શું છે, ક્યાં છે, કેમ છે, કેવી રીતે છે વગેરે દરેક પાસામાંથી પસાર કરે છે. કુલ ૧૧ પ્રકરણો છે અને આ ‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ના સર્જક પોતે જરા જુદી રીતે વિષયની માંડણી કરે છે. આપણને આશ્ચર્યમાં મૂકે એવી એક વાત આરંભમાં તેઓએ નોંધી છે. ‘જયારે મારે દીકરી કાલિની નાની હતી ત્યારે કોઈ વાર અમે બંને એક રમત રમતા હતા, એક બીજાને પૂછતાં કોઈ બીજાનું વિરુદ્ધ. દા.ત. એ મને પૂછતી ઠંડાનું ઊંધું શું ? અને હું જવાબ આપતો ગરમ. પછી હું પૂછતો સફેદનું ઊંધું શું ? અને એ જવાબ આપતી કાળું. પછી અમે રમતને વળાંક આપતા એ પૂછતી લાલનું ઊંધું શું ? કબાટનું ઊંધું શું ? પછી મથામણ ચાલતી. એકબીજા એકબીજા સાથે થોડા ચીડવાઈને વાતો કરવા લાગતા. દા.ત. એ મને કહેતી કબાટનું ઊંધું છે ચાંદલો. કેમ ? કેમ એવું ? જુઓ… એ જવાબ આપતી. ચાંદલામાં કશું હોતું નથી એ ગોળ છે, જયારે કબાટ તો લંબચોરસ છે. ચાંદલો રાતો હોય છે જયારે કબાટ સામાન્ય રીતે ભૂખરો કે ભૂરા રંગનો કે સફેદ હોય છે. ચાંદલો મુલાયમ નાનકડો, અને હલકો હોય છે જયારે કબાટ એનાથી મોટો સખત અને ભારે હોય છે વગેરે.. વગેરે..’ . નાનપણમાં  દીકરી સાથે વિતાવેલી આ આખી  રમતને આ પુસ્તકના આરંભમાં મૂકીને આપણી સૌ વચ્ચે ભુલાઈ ગયેલો એક વિચાર પ્રદીપજી  વધુ એકવાર ઉજાગર કરે છે. એમનું એવું કહેવાનું છે કે, એક ખાસ પ્રકારની વિચાર પ્રક્રિયા છે અને એ વિચાર પ્રક્રિયા ખરેખર આપણે ભણતરમાં, આપણા  જીવનમાં લાંબી ચલાવી નથી પરિણામે આપણને  સર્જકતા શું છે તેનો ખ્યાલ બહુ આવ્યો નથી. કબાટનું ઊંધું શું નો કોઈ એક સાચો જવાબ નથી અને જવાબ શોધતા મનમાં ખાસ્સી શોધખોળ કરવી પડે છે અને રમતના નિયમ પણ ઘડવા પડે. ‘જયારે કાલિનીએ મને પૂછ્યું લાલનું ઊંધું શું તો મારે વિચારવું પડ્યું કે લાલ કોનું ભૂષણકર પ્રતીક છે. અને પછી શોધવું પડ્યું કે વસ્તુઓ જે લાલને લગતી નથી મંગળગ્રહ, યુદ્ધ કે સૂર્યાસ્ત કે ગુલાબ વગેરેને યાદ કરીએ એટલે લાલ રંગ યાદ આવી જાય મારો જવાબ હતો આરસ. પણ બીજાઓ અવશ્ય આ જવાબ શોધી ન પણ શકે. આ એક આખી વિચાર પ્રક્રિયા છે જેને  જે.પી. ગિલફર્ડ નામના મનોવિજ્ઞાનીએ ‘વિકેન્દ્રગામી પદ્ધતિ’(divergent thinking) તરીકે ઓળખાવી છે. સર્જકતા આ divergent thinking માંથી શરૂ થાય છે, એવો આછેરો ખ્યાલ આ પ્રથમ પ્રકરણમાં આપણને આપે છે. ગિલફર્ડને ટાંકતા તેઓ કહે છે કે, વિચારની નીપજ માત્ર હાથવગી માહિતીથી નિશ્ચિત નથી થતી. વિકેન્દ્રગામી વિચારધારાનો ઉપયોગ હાથ ધરાય છે જયારે જયારે ‘પ્રયત્ન અને ત્રુટિવાળી પ્રક્રિયા’ (trial and error learning)  આવશ્યક બને છે. વધુ તો વિકેન્દ્રગામી  વિચારકાર્યમાં આપણે ભિન્ન ભિન્ન દિશાઓમાં મગજ દોડાવવું પડે છે. કદીક વૈવિધ્યપૂર્ણ તો કદીક શોધખોળ યુક્ત.. કેન્દ્ર ગામી વિચાર પદ્ધતિમાં ઉપલબ્ધ માહિતી એક જ સાચો જવાબ શોધી આપે છે કે જે સામાન્ય અભિપ્રાય પ્રમાણે સર્વ માનિત હોય અથવા રૂઢિગત હોય. એક સુંદર સારાંશ કાઢીને ડો. ખાંડવાલા કહે છે કે, ‘કેન્દ્રગામી વિચાર પદ્ધતિના પાયા છે તર્ક, વિશ્લેષણ, વર્ગીકરણ, સરખામણી, સમીકરણ, મૂલ્યાંકન નિયત કરેલા ધોરણોને આધારે વિકલ્પોમાંથી સર્વોચ્ચની ચૂંટણી.’ ખરેખર તો સર્જનમાં કેન્દ્રગામી અને વિકેન્દ્ર ગામી વિચાર પદ્ધતિઓને વારાફરતી ઉપયોગમાં લેવાનું જરૂરી બની શકે. આવો પ્રયત્ન થતો રહે તો ઉત્તમ સર્જન પરિણમવાની શક્યતા વધી જાય છે.

સર્જકતાની પાયાની ક્રિયાઓ તો આખી માનવ જાતને ઉપલબ્ધ છે. દરેક દિવસે અને રાત્રે દરેક જણ સર્જન કરતું હોય છે. આપણી વાતચીતમાં આપણી સર્જકતા દેખાય છે. કારણ આપણી યાદશક્તિમાં પડેલા હજારો શબ્દોમાંથી ઉચિત શબ્દો તરત ખોળી એમને ઉચિત રીતે જોડી આપણે દક્ષતાથી એને આપણી બોલીમાં વાપરીએ છીએ. આપણે એક જ દિવસમાં વાપરેલા જુદા જુદા વાક્યોનો સરવાળો કરીએ ને તો સંખ્યા સેંકડો કે હજારોની થાય. આપણી વાર્તાલાપની સર્જકતા કંઈ નાનીસૂની નથી. એક જ દિવસમાં આપણે કેટલા જુદા જુદા વેશ પૂર્વ તૈયારી વગર જુદી જુદી પરિસ્થિતિઓમાં ભજવતા હોઈએ છીએ. આપણા સ્વપ્નોમાં તો વિકેન્દ્ર ગામી વિચાર પદ્ધતિની ઘણી ખરી પ્રક્રિયાઓ મળતી આવે છે. આપણે જાણવાનું એ છે કે આપણું સ્વપ્ન આધુનિક, કલ્પનાશીલ, વાર્તાઓ જેવું બનવું જોઈએ.

સ્વપ્નો પરનું સંશોધન બતાવે છે કે, સરેરાશે દરેક રાત્રે પાંચ થી દસ ભિન્ન ભિન્ન સ્વપ્નો આપણે આંખોના ત્વરાથી ગોળ ગોળ ફરતા ચરણમાં આપણે સર્જતાં હોઈએ છીએ. એક રીતે કહીએ તો દરેક રાત્રે આપણે પાંચ થી દસ ભિન્ન ભિન્ન ફિલ્મોનું નિર્માણ કરતા હોઈએ છીએ. જગ્યાઓ જુદી જુદી પાત્રો જુદા જુદા. કદી કદી તો સ્વપ્નમાં કોયડાને હલ કરતા હોઈએ છીએ. જેક નિકલોસ અમેરિકી મશહૂર ગોલ્ફ  રમનારાને સ્વપ્નમાં વધુ દક્ષતાથી ગોલ્ફ  કેમ રમવું એ સૂઝ્યું હતું. બેન્ઝીન વલયના શોધક કેકયુલે ને સ્વપ્નમાં બે  સાપોને એક બીજાને ગોળ ગોળ ફરતે જોયા અને એને બેન્ઝીન વલયનું કેવું માળખું છે તેની આંતરસૂઝ થઇ. રોબર્ટ લુઇ સ્ટીવન્સનની મશહૂર કૃતિ ‘ડો જેકિલ એન્ડ મિસ્ટર  હાઇડ; નું કથાનક એને સ્વપ્નમાંથી જડી આવ્યું હતું. નિકોલા ટેસ્લાને વર્તુળમાં ફરતા લોહચુમ્બક્ના ક્ષેત્રના સિદ્ધાંતોનો સ્વપ્નમાં ખ્યાલ આવ્યો હતો. આવા અનેક ઉદાહરણો મૂકીને ડો. પ્રદીપજી આપણા ભીતરની સર્જકતામાં ડોકું કરાવે છે અને કહે છે કે, ‘આપણે બધા સર્જનહારના અંશ છીએ.’ એક વાત તેઓ જુદી રીતે કરે છે. જે જણ કોઈ નવી બારી બંધ કરવાની રીતે શોધી કાઢે છે કે નવું જ ગીત વિદ્યાલય માટે રચી આપે છે કે ગોદામમાં વસ્તુઓને ગોઠવવાની નવી જ રીતે શોધી કાઢે છે કે બગીચામાં વધુ સુંદર રીતે ફૂલોના ક્યારા સર્જી શકે છે એવા કાર્યો લાખો લોકો કરી બતાવે તો સમાજને એટલો જ ફાયદો કરાવે જે મોટી મોટી શોધોએ કરાવ્યો છે. આ વાત અંગે આપણે ઊંડાણથી વિચારવાની જરૂર છે.’ આખા જીવ જગતમાં સર્જકતા માત્ર માનવ જાતિને જ વરી છે. સંશોધને તો દેખાડ્યું છે કે અમેરિકાની માથાદીઠ GDP ના વધારામાં તકનીકી અને મેનેજમેન્ટને લગતા ઈનોવેશનોએ મૂડી રોકાણ કરતા ઘણો વધારે ફાળો આપ્યો છે. ભારતની વાત કરીએ તો એમાં પણ સર્જકતાનો બહુ મોટો બહોળો ઉપયોગ કરીને આપણે નવા ભારતનું નિર્માણ કર્યું છે અને કરી રહ્યા છીએ. સર્જકતાની વ્યાખ્યાઓમાં ઘણી બધી વિગતોને સામેલ કર્યા પછી શ્રી ખાંડવાલા સ્પષ્ટ કહે છે કે, ‘સર્જકતા એક અભિગમ છે.’ સર્જકતાના વૈવિધ્ય વિષે પ્રકાશ પાડતાં  એવું કહેવાયું છે કે, ‘સર્જકતા મનુષ્યના અરમાન જેટલી વિવિધ અને મનુષ્યની ક્ષમતા જેટલી ઓછી વત્તી હોય છે. સર્જનાત્મક શોધ એ હકીકતમાં સર્જકતાનું એક રૂપ છે. જે વિજ્ઞાનોમાં વિશેષરૂપે જોવા મળે છે તે એક રૂપ છે. જેમાં ઘણી બધી હકીકતોનો નિચોડ કાઢી અર્થ કે સાર કાઢી આગવી શોધ  કરાઈ છે. એને ‘અર્કલક્ષી સર્જકતા’ (essence creativity) તરીકે શ્રી ખાંડવાળા ઓળખાવે છે. ચિત્રકાર કે કવિ ‘અભિવ્યક્તિલક્ષી સર્જકતા’  (expressive creativity) માં વાત કરે છે, એ સર્જકતાનું બીજું રૂપ છે. નવલક્થાકારની કે સ્થપતિની કે ઈજનેરની કોઈ સાર કે નિયમો કે રૂપાંતરનું આગવું નિરૂપણ ‘વિસ્તારલક્ષી સર્જકતા’ (elaborative creativity) છે, જે સર્જકતાનું ત્રીજું રૂપ છે. નવા જ સાહસનું સર્જન કરવું હોય તો એ ‘સાહસલક્ષી સર્જકતા (entrepreneurial creativity)’, એ ચોથું સ્વરૂપ તેઓ ગણાવે છે. આપણી પોતાની જાતને આગવી રીતે ઘડવી એ પણ જીવનની જરૂરિયાત છે. કે જેથી કરીને આપણે અનુપમ બની રહીએ. આ પ્રક્રિયા એ સર્જકતાનું પાંચમું સ્વરૂપ છે જેને ‘સ્વલક્ષી સર્જકતા (existential creativity)’  કહીએ છીએ. આપણે કેટલાક વંચિતોનો કોઈ આગવી રીતે ઉત્કર્ષ કરીએ કે એમને શક્તિ પ્રદાન કરીએ એ સર્જકતાનું છઠ્ઠું રૂપ છે, જેને ‘શક્તિપાતીય સર્જકતા (empowerment creativity)’ કહી શકાય. આ જે છ રૂપ દેખાડ્યા છે એ માટે કહ્યું છે કે, દરેક સર્જનમાં એકથી વિશેષ રુપનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ. માની લો કે કોઈ સાહિત્યકારે નવલકથા લખી અને એનું આગવું કોઈ શીર્ષક આપવું છે તો માત્ર વિસ્તારલક્ષી સર્જકતાથી એ કામ નહીં થાય. પણ ત્યાં એમણે અર્કલક્ષી સર્જકતાનો પણ ઉપયોગ કરવો પડશે. ગાંધીજી પોતાનો આગવો વિકાસ કર્યા પછી જનસમુદાય માટે આગવા ઘડતરનું આયોજન કરે તો એ સ્વલક્ષી અને શક્તિપાતીય સ્ફળતાઓનો સફળ સર્જનાત્મક પ્રયોગ ગણાવી શકાય. એવી જ રીતે કોઈ કવિ પોતાની અંગત અને આગવી ફિલસુફીનો આધાર લઇ કાર્યો સર્જે તો એને આપણે અર્કલક્ષી અને અભિવ્યક્તિલક્ષી સર્જક્તાઓનો સંગમ ગણી શકીએ. આ છએય સર્જક્તાઓના રૂપોમાં ભિન્ન ભિન્ન દક્ષતાઓ જરૂરી છે. એ દરેક સર્જકતા માટે અલગ અલગ હોય શકે અને તેનું વર્ણન  આપણે કરી શકીએ. આ બધું કરવા માટે એક ગુંથણી કરવી પડે. અને ગૂંથણીને રસિક ગોઠવણીમાં ફેરવવી પડે. જેને અંગ્રેજીમાં  associative thinking કહે છે,  જેમાં એક વિચાર છે તે બીજાને પ્રેરે છે અને બધા વિચારોની ધીમે ધીમે યોગ્ય ગોઠવણી થાય છે. માસ્લોએ આને self actualization  અને self fulfillment કહ્યું છે. પોતાના ગુણો  અને શક્તિઓનો સતત અને આગવો વિકાસ આવશ્યક છે તેથી અપ્રતીમતા  આપણને સાંપડે છે. સર્જકતાના રૂપોને અને એના વૈવિધ્યને સર્જક ખાંડવાલા આ રીતે વર્ણવી રહ્યા છે.

સર્જકતાની ગુણવત્તા માપવી હોય તો કેમ માપવી, એવો પ્રશ્ન ઉઠાવીને ડો. પ્રદીપ ખાંડવાળા જુદા જુદા મંતવ્યો અહીં ટાંકે છે. એબ્રાહમ માસ્લોનું મંતવ્ય છે કે, બાળકનું પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતા દ્વારા થયેલું સર્જન દ્વિતીયક કે પુખ્ત સર્જક પ્રક્રિયાવાળી સર્જકતા કરતા ગૌણ હોય છે. ઐન્સ્વર્થ-લેન્ડે ચાર સ્તરની સર્જકતા વર્ણવી છે, જેમાં સૌથી ગૌણ છે વિસ્તારલક્ષી અને સૌથી ઉંચી છે પરિવર્તન ઉપજાવતી સર્જકતા. અરવિંદ ટેલરને મત સૌથી ઉંચી સર્જકતા છે નવા ક્રાંતિકારી સિદ્ધાંતોનું નિર્માણ, જેને લીધે આખા ક્ષેત્રમાં પરિવર્તન આવે અને એનો લાભ સૌને મળી શકે. બે બાબતો  છે… નાવીન્ય અને ઔચિત્ય. નાવીન્ય બહુ હોય અને ઔચિત્ય પણ બહુ હોય તો એ સર્જન ઊંચું ગણાય. બેમાંથી એક પણ નીચા હોય તો ગુણવત્તા લબડી પડે. સૌથી નીચું સર્જન છે જ્યાં બંને નીચા હોય જેમ કે સામાન્ય ઉત્પાદન. જો કોઈ પણ સર્જનની ગુણવત્તા વધારવી હોય તો એમાં નાવીન્યવર્ધક તત્વો ઉમેરવા જોઈએ. અને સાથે સાથે સર્જનનું ઔચિત્ય કે ઉપયોગીતા વધારવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સર્જનમાં કેન્દ્રગામી અને વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિઓનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. ઉંચા સર્જનથી ધન પ્રાપ્તિ કે લોકપ્રીતિ થાય એ હંમેશા આવશ્યક હોતું નથી. હા, ક્યારેક ક્યારેક અતિ જાણીતા થયેલા ચિત્રકારોના ચિત્રો લાખોમાં વેંચાય છે એવી  જ રીતે કીર્તિ પ્રાપ્ત પણ  થતી હોય એવું બને છે. નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે અને કીર્તિ મળે છે.

સર્જન એ પ્રજ્ઞાનું ક્ષેત્ર છે અને  તેથી સર્જનાત્મક પ્રજ્ઞાના કેટલાં  પાસાઓ પ્રવૃત છે જાણવું ઉપયુક્ત  બની રહેશે.

શ્રી પ્રદીપ ખાંડવાળા આપણને  આવા આઠ પાસાઓ ગણાવે  છે. પહેલું પાસું છે,  વિચાર ઉત્પાદનની સંખ્યા (Ideational fluency) કોઈને આપણે પૂછીએ કે ઈટના કેટલા ઉપયોગ, તો કોઈ બે ત્રણ ગણાવે પણ એવા પણ નીકળે કે જે ૧૫ – ૨૦ ઉપયોગો ગણાવી શકે.જયારે ઘણા બધા ઉપયોગ વિચારી શકાય તો ખુબ જ મૌલિક કે ઉપયોગી વિચાર મળી આવવાની શક્યતા વધી જાય છે. બીજું પ્રજ્ઞા પાસું છે પ્રશ્નને વિવિધ દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા (Mental flexibility) સમાજના ઘણા બધા પ્રશ્નો છે, પણ તેને જુદા જુદા દ્ર્ષ્ટિકોણોથી જોઈએ તો આપણને સંતોષકારક  નિવારણ કદાચ સાંપડી શકે. બાળકોના શિક્ષણમાં કેવો ફેરફાર લાવવો જોઈએ એ વિચારીએ અથવા રોજગાર કેમ વધારવો જોઈએ એ વિચારીએ. તો એમાં અનેક દ્રષ્ટિકોણ મળે. આવી પ્રજ્ઞાના વપરાશથી આગવો જુદા જુદા કોણવાળો  (multi faceted)  ઉકેલ મળવાની શક્યતા ગણી શકાય. સર્જકતાનું ત્રીજું પ્રજ્ઞા પાસું છે મૌલિકતા. Originality કોઈને ન સુઝ્યા હોય એવા ઉકેલો કે સર્જનો જે વારંવાર રજૂ કરતું હોય એનામાં મૌલિકતા વિશેષ છે એવું તમે કહી શકો. આર્થર ક્સલરે વિચાર પ્રસ્તુત કર્યો કે, જયારે બે ભિન્ન દૃષ્ટિકોણોનો સંગમ કરી કોઈ ત્રીજો દ્રષ્ટિકોણ રચી આપે તો એને મૌલિકતાની નીપજ કહેવું, આવી  યુક્તિઓ નવા નવા સંશોધન ક્ષેત્રને જન્મ આપે છે. એક ઉદાહરણ લઈએ કે, જીવવિજ્ઞાન  અને એન્જીનીયરીંગના સંયોગથી બાયોટેક્નોલોજી શરૂ થયું, રાજકારણનું વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના સમાગમથી પોલિટિકલ ઈકોનોમી ઉભું થયું. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના જોડાણથી સોશિયલ સાયકોલોજી ઉભું થયું. સાહિત્યમાં પણ અનેક દાખલા  મળી શકે છે. જ્યાં કવિએ બે ભિન્ન પ્રતીકોને જોડ્યા હોય તેને અપેક્ષિત મર્મ ઉજાગર થાય. જાપાનના એક હાઈકુનો દાખલો આપણને  પ્રદિપ ખાંડવાલાજી આપે છે. તુષાર બાષ્પ હોય છે

અને અમારું આખું જગત

તુષાર છે.,,,,કેટલું પ્રિય, કેટલું તાજું ? કેટલું સરકી જતું ?

આ હાઈકુની પ્રેરણા હતી કવિના નાના તુષારસમ બાળકનું મૃત્યુ. આ કાવ્યમાં તુષાર આંસુનું પ્રતીક છે અને નાનકડા જીવનની ક્ષણભંગુરતાનું પણ .  એ પ્રતીકોને જોડીને કવિએ અપાર વેદના દર્શાવી છે. ડો. ખાંડવાલા સર્જકતાનું ચોથું પ્રજ્ઞા પાસું  ગણાવે છે, વિસંગતતા સામાન્ય રીતે દેખાતી નથી ત્યાંથી વિસંગતતાને શોધી કાઢવી. જેને મનોવૈજ્ઞાનિકો ‘સમસ્યા સંવેદન ( problem sensitivity)’ કહીને ઓળખાવે છે. ઘણી વાર આપણે જે પરિસ્થિતિ છે એને વગર વિચાર્યે સ્વીકારી લઈએ છીએ. માર્ક્સ જેવો કોઈ આવી ચડે અને પૂછે કે સમાજમાં અઢળક સંપત્તિની વચ્ચે આટલી દરિદ્રતા કેમ ? તો એને માટે સંશોધન કરીને મૂડીવાદની વિસંગતતાઓ અને કારણો આપવાં પડે. ફ્રોઈડની પહેલા લોકો ગાંડા લાગતા લોકોને દવા આપી બેભાન સ્થિતિમાં રખાતા કે પુરી દેવામાં આવતા. ફ્રોઇડે વશીકરણની અસર હેઠળ દર્દીઓને બબડતા સાંભળેલા જે કોઈ ઊંડી માનસિક વ્યથાનો નિર્દેશ કરતી હતી. ફ્રોઇડે આવા દર્દીઓ જોડે અનેક પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે ઘણા માનસિક દર્દો પાછળ બાળપણમાં અનુભવેલી પણ મનમાં દબાવી દીધેલી યાતનાઓ છે. આ પ્રકારની સર્જકતા એ વિસંગતતાઓ વચ્ચેથી અવિસંગતતાઓને શોધી કાઢવાની છે. સર્જકતાનું પાંચમું પ્રજ્ઞા પાસું એમ કહે છે કે, કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચવું કે ‘ખરી’ સમસ્યા શું છે,તે શોધવું. જાપાનના ઈજનેરોએ આ પાસાનો ઉપયોગ કરીને  કોઈપણ સમસ્યાનું ઊંડું કે અગોચર કારણ શોધી કાઢવાની પદ્ધતિ શોધી જેને root cause analysis કહેવામાં આવે છે, સર્જકતાનું છઠ્ઠું પ્રજ્ઞા પાસું એ ઘટનાના લાંબાગાળાના પરિણામોને કલ્પવાનું છે. આ દ્રષ્ટા શક્તિ છે જેને વડે લાંબાગાળે શું આયોજન કરવું એની ભાળ આપણને અત્યારે મળે છે. સર્જકતાનું સાતમું પ્રજ્ઞા પાસું છે કોઈ પણ વિષયના જુદા જુદા પાસા  તૈયાર કરીને, તપાસીને વૈવિધ્યલક્ષી વિષય વિસ્તાર કરવો. અહીં સર્જક્તાનું વિસ્તારલક્ષી રૂપ ખુબ કામ આવે છે અને દ્રષ્ટા શક્તિ અને રૂટ કોઝ એનાલિસિસ પણ.  સર્જકતાનું આઠમું અને છેલ્લું પાસું તેઓ ગણાવે છે તર્કબુદ્ધિ જેનું જાણીતું માપ છે IQ. પ્રજ્ઞા પાસાઓ સમસ્યાના ઘણા બધા ઉકેલ શોધી આપે પણ એને પ્રમાણિત કરવા, ધ્યેયોને માપે વ્યાજબી ઠરાવવા અને એનું મૂલ્યવર્ધન કરવા તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. પ્રજ્ઞા પાસાની વાત કરતા કરતા છેલ્લે ડો ખાંડવાલા નોંધે છે કે, IQ અને સર્જકતાના સબંધ વિષે પણ ઘણું સંશોધન થયુ છે. નિષ્કર્ષ તો એવો નીકળ્યો છે કે, સામાન્ય રીતે ખાસ કોઈ સબંધ નથી પણ આપણને એવું જોવા મળ્યું છે કે ખુબ ઉંચા IQ વાળી વ્યક્તિ ઉત્તમ સર્જન ન કરી શકે, જયારે બીજા પ્રજ્ઞા પાસા  ખુબ નબળા હોય. આપણી બધી પ્રતિષ્ઠિત સંસ્થાઓ IIT, IIM માં જે પ્રવેશ કસોટીઓ છે તે તર્કકેન્દ્રી હોય છે પરિણામે ઉંચા IQ વાળા છાત્રો એમાં પસંદ થઇ જાય છે અને સર્જનાત્મક વિદ્યાર્થીઓ પસંદ થતા નથી. આને લીધે આવી સંસ્થાઓ એ ખરેખર તંત્રજ્ઞોને પેદા કરે છે, સર્જકો અને આગવી દ્રષ્ટિવાળા સાહસિકોને નહીં..

સર્જકતાના વ્યક્તિગત  કારકો કયાં છે ? એની ચર્ચા બહુ જ ટૂંકમાં છતાં વ્યવસ્થિત કરવાનું ડો. ખાંડવાલાએ પસંદ કર્યું છે. તેઓ  કહે છે કે, પોલ  ટોરન્સે  આ ક્ષેત્રમાં જે કામ કર્યું છે તે નોંધવા જેવું છે. ૧૯૬૦ ના દશકમાં એમણે  ૫૦ થી વધુ સંશોધનો કર્યા. એવી જ રીતે ડોન મેકકિનન, ફ્રેન્ક બેરન વગેરે મનોવિજ્ઞાનીઓએ પણ ઘણું સંશોધન કર્યું. જે કોઈ સંશોધનના પરિણામો આવ્યા એમાંથી મુખ્ય ખાસિયતો આ પ્રમાણે મળી આવી. એમાંથી કેટલીક નોંધીએ,

૧) સૌંદર્ય પ્રધાન વસ્તુઓમાં રસ (Taste )

૨), જોખમ વહોરવું  પણ ગણતરી સાથે ( Calculated risk taking )

૩) યથાપૂર્વ સ્થિતિ, રૂઢિઓ, પ્રથાઓ ઉપર પ્રશ્ન ઉઠાવવો, ઉચિત રીતે તેને બદલવાનો પ્રયાસ કરવો.

૪) ઉત્તેજિત કરતા વિચારો, ફિલસૂફીઓ વગેરે માટે આકર્ષણ હોવું .

૫) હાર્દની માન્યતાઓને ( core convictions )  વળગી રહેવું

૬) મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ક્ષમતા પર ભરોસો રાખવો.

૭) દરેક પરિસ્થિતિમાં ‘શા માટે આમ ?’ એવું પૂછવાની ટેવ પાડવી.

૮) બીજાના અભિપ્રાયો કરતા પોતાના નિષ્કર્ષો ઉપર વધુ ભરોસો રાખવો.

૯) પોતાના મંતવ્યોને સ્પષ્ટ રીતે રજૂ કરવાની વૃત્તિ કેળવવી અને

૧૦) કલ્પનાશીલ હોવું અને સાથે સાથે વાસ્તવિકતાની પુરી સમજ રાખવી.

સર્જકતાનો ચમકાર : એક ઝલક એવાં નાનાં પુસ્તકમાં અંતે સુંદર મજાનો પ્રશ્ન પુછાયો છે કે, ક્યાં પ્રકારના વાતાવરણમાં સર્જકતા ખીલે ? આ પ્રશ્ન અંગે સંશોધન પણ થયું અને તારણ નીકળ્યું કે વ્યક્તિના બાળપણ અને શાળાના વાતાવરણની બાળકની સર્જકતા ઉપર ગહેરી અસર થતી હોય છે. અમેરિકાના  શિકાગો સ્થિત ઉંચી કક્ષાની શાળાની વાત આમાં લેવામાં આવી છે. બે મનોવૈજ્ઞાનિક સંશોધકો ગેડઝેલ્સ અને જેક્સને શાળાના વિદ્યાર્થીઓની સર્જકતા અને IQ ની કસોટીઓને આધારે બે જૂથ બનાવ્યા, એક જૂથ સર્જનાત્મક વિદ્યાર્થીઓનું અને બીજું ઉંચા IQ વાળા. સંશોધકોને જોવું હતું કે વિદ્યાર્થીઓનું ઘરનું વાતાવરણ કેવું હોય છે અને આ બંને જૂથના કુટુંબોની રહેણી કરણી વચ્ચે કોઈ ફરક છે કે નહીં. તેઓ વિદ્યાર્થીઓને ઘરે ગયા. માતા પિતા સાથે વાતચીત કરી અને એમણે જોયું કે બંને જૂથોના વિદ્યાર્થીઓના ઘરના વાતાવરણમાં બહુ મોટો ફર્ક હતો. ઉંચા IQ વાળા વિદ્યાર્થીઓના માતા પિતા ભણવા પર અને પરીક્ષામાં ઉંચી સફળતા પર ખુબ ભાર મુકતા.. સર્જનાત્મક વિદ્યાર્થીઓના માતા પિતા ભણતરને અવગણતા નહોતા પણ એમના બાળકની સર્જનાત્મક પ્રવૃત્તિઓને અને નૈસર્ગીક સુપ્ત શક્તિઓને કેમ પોષવી એના ઉપર ધ્યાન આપતા હતા. બાળકને પોતાની અભિરૂચીઓને પોષવાની ત્યાં ઘણી સ્વતંત્રતા હતી. ભલે બીજાઓને એ વિચિત્ર કે નિરાળી લાગે.અને એને માટે માતા પિતા સાધનો ઉપર ખર્ચ પણ કરતા. તેઓ વિવિધ અભિરુચિવાળા અને જાણકારીવાળા મિત્રોને ઘરે આમંત્રણ આપતા જેથી પોતાનું બાળક ઉત્સાહી થાય. તેવી જ રીતે જુદા જુદા વિષયોવાળા પુસ્તકો અને સામાયિકો ઘરે વસાવતા. ઉંચા IQ વાળા વિદ્યાર્થીઓના  માતા પિતા ઉચ્ચ અભ્યાસ કરીને મોટી કમાણી અને મોટા માભાં વાળા વ્યવસાય માટે એમનું બાળક તૈયારી કરે એવો આગ્રહ રાખતા. જયારે સર્જનાત્મક વિદ્યાર્થીઓના માતા પિતા એમના બાળકને પોતાને રસ પડે, જેમાં સૌથી વધુ સંતોષ પ્રાપ્ત થાય એવો જ વ્યવસાય પસંદ કરવા માટે સ્વતંત્રતા આપતા. ઉંચા IQ વાળા માતા પિતા એમનું બાળક કહ્યાગરું રહે એનું ધ્યાન રાખતા, જ્યારે સર્જનાત્મક બાળકના માતા પિતા બાળક સાથે મિત્રતાનો સબંધ રાખતા જેથી બાળક એના માતા પિતા સાથે બહુ ખુલ્લી રીતે વાત કરતા અચકાતું નહીં અને તેઓ મતભેદો પણ વ્યક્ત કરી શકતા.

એલીસિયા પેગાનોએ શાળાના વર્ગોમાં સર્જક્તાગામી શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ એના માટે કેટલીક સૂચનાઓ આપી:

૧) ભણતરમાં વિદ્યાર્થીની ક્રિયાશીલ ભાગીદારી હોવી જોઈએ. બાંકડા  પર બેસીને શિક્ષકનું ભાષણ સાંભળ્યા કરે તો મૂઢતા આવવાનો ભય ઉભો થાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે અભાવ પણ ઉભો થઇ શકે છે. બાળકને સ્વધ્યાયની તક આપવી  જોઈએ જેમ કે એને પસંદિત  પરિયોજના ઉપર કામ કરવાનું કહેવું જોઈએ.

૨) શિક્ષકે ઉદાર મત અપનાવવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિઃસંકોચ પોતાના મંતવ્યો રજૂ કરી શકે.

૩) ભૂલ થઇ હોય તો વિદ્યાર્થીને એની ભૂલ સમજાવવી જોઈએ. ન કે એને વખોડી કાઢવી અને સફળતા માટે ઉચિત શાબાશી પણ આપવી  જોઈએ આનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે.

૪) વિદ્યાર્થીની પુખ્તતાને ધ્યાનમાં લઇ નવા નવા અનુભવો કરાવવા જોઈએ.

૫) કુતુહલતા અને અખતરાઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

૬) વિદ્યાર્થીઓ એક બીજા જોડે એકઠા થઈને પ્રવૃતિઓ કરે  એની જોગવાઈ કરવી જોઈએ જેમકે એને નાના જૂથોમાં વહેંચી દરેક જૂથને એક પરિયોજના સોંપવી જોઈએ

૭) વિદ્યાર્થીઓનો  સર્જકો સાથે મેળાપ કરાવવો જોઈએ. વર્ગમાં એમને પોતાની વાત કરવા માટે બોલાવવા જોઈએ.

અને ૮) એવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેમાં વિદ્યાર્થી વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિ વાપરી પોતે કશું શોધી કાઢે. આના  માટે વૈજ્ઞાનિક કે સામાજિક કોયડાઓનો ઉપયોગ કરવો જોઈએ.

બાળકને શિક્ષણ ઉપરાંત સર્જન માટે પણ તક મળવી જોઈએ. બાળકને જુદા જુદા મંતવ્યોની જાણ કરવી જોઈએ. બાળકને ઉચિત સ્વતંત્રતા આપવી  જોઈએ પણ સાથે સક્ષમ પ્રયાસની અપેક્ષા રાખવી જોઈએ, આપણી શાળાઓમાં આવું શિક્ષણ અપાઈ રહ્યું છે ખરું ? કે જે activity based હોય જે ગોખણપટ્ટીને  પ્રોત્સાહન ન આપતું હોય, જે માત્ર વ્યાખ્યાન ન કરતું હોય આ વિચારવા જેવો મુદ્દો આપણા સંશોધક આપણી સમક્ષ મૂકે છે.

છેલ્લા એક મુદ્દાને તેઓ સ્પર્શે છે કે, સર્જકતાનું વર્ધન કેવી રીતે થઇ શકે ? રચનાત્મક શુભસર્જકતાની આપણે વાત કરી રહ્યા છીએ. શુભ સર્જકતા  વધારી શકાય ખરી ? તો કહે, હા, વધારી શકાય. IIM ના પોતાના સર્જકતાના વર્ગના વિદ્યાર્થીઓનો દાખલો ડો પ્રદીપ ખાંડવાલા આપે છે,  ‘શરૂઆતમાં હું છાત્રોના પ્રજ્ઞા પાસાઓ અને એની સાથે એની સર્જનાત્મક ખાસિયતો અને સર્જનાત્મક જીવન જીવવાની એષણા માપી લેતો. વર્ગના અંતે આ જ પાસાઓ માપી લેતો. એના પરથી જાણવા મળ્યું કે સરેરાશે ૧૦૦ પ્રતિશત વધારો આ પાસાઓમાં થયો. આ એકવાર નહીં, પણ વારંવાર જોવા મળ્યું છે, એનો અર્થ એવો છે કે સર્જકતાનું વર્ધન થઇ શકે છે. તેઓએ એક પદ્ધતિનો પણ દાખલો આપ્યો છે. એક મોટી કાપડ અને રસાયણ  બનાવતી કંપની માં કેશફલો ની ખેંચ હતી. એમના મેન્જરોએ બધા જ સાથે  સામુહિક બ્રેઈનસ્ટોર્મિંગ કર્યું.  દસ કરોડ વધારાના રૂપિયા ત્રણ માસમાં કેમ કરીને ભેગા કરી શકાય એવો પ્રશ્ન પૂછ્યો. સૌએ માથું ખંજવાળ્યું. કલાકમાં લગભગ નેવું સૂચનો મળી શક્યા. જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી દરેક વર્ગના ત્રણ સૌથી લાભદાયક સૂચનો જાણવા મતદાન થયું. એ પછી દરેક વર્ગના સૌથી વધુ આકર્ષક સૂચનોને ભેગા કરી સંબંધિત ઉપરીઓની ટીમને સોંપી દેવાઈ. એમની ઉપયોગીતા વધારવા માટે.. આ પ્રયોગ પછી જાણવા મળ્યું કે ઉત્તમ સુચનોનું અમલીકરણ થયું હતું અને કંપનીએ પોતાનું ધ્યેય હાંસલ કર્યું હતું. આપણને ખ્યાલ છે કે પદ્ધતિસરની પ્રશ્નાવલીથી પણ આપણે સર્જકતાવર્ધન તરફ આગળ વધી શકીએ છીએ. અનેક પ્રકારની પદ્ધતિઓ બતાવીને ડો ખાંડવાલા એક ટ્રિબ્યુટ લિસ્ટિંગવાળી વાત પણ આપણી સમક્ષ નવી રીતે મૂકે છે. રોબર્ટ ક્રોફર્ડ આ પદ્ધતિનો સર્જક હતો. આ તક્નીકમાં જે વસ્તુ કે પરિસ્થિતિમાં ફેરફાર કરવો છે એની ખસિયતોની પહેલા યાદી બનાવવી જોઈએ. પછી એમાં ફેરફાર ન થઇ શકે એવી ખાસિયતોને  બાદ કરવી જોઈએ. પછી રહી ફેરફાર થઇ શકે એવી ખાસિયતો, એમાંથી વધુ મહત્વની હોય એવી ત્રણ ચાર ચૂંટી લેવાની ને બહુ શીઘ્ર સમયમાં અનેક વિકલ્પો નજર પડશે પછી એને જોડી દઈએ અને દરેક જોડાણ પર મતદાન કરીને બે ચાર વધુ અસરકારક વિકલ્પો શોધી લઈએ. જાણકાર વ્યક્તિઓને કે જૂથને વિશ્લેષણ કરી એની ઉપયોગીતાને વધારવાનો પ્રયાસ થવો જોઈએ આ પ્રયાસને અંતે અવશ્ય એવા ઉકેલો મળી આવે છે કે જેનાથી સર્જકતાની વર્ધનશીલતા આપણે મેળવી શકીએ છીએ. ડો ખાંડવાલાએ સર્જકતાના માનસિક રોધક બળોનો  પણ ચિતાર અહીં આપ્યો છે. ખાસ ભારતમાં સર્જકતા ક્યાં અને કેટલે અંશે પહોંચી છે તે નાનકડું પ્રકરણ મૂકીને તેઓએ પુસ્તકને પુરમ કરેલ છે. ભારતમાં પશ્ચિમ કે ચીન જેટલા ઇનોવેશન બહુ ઓછા થયા છે. ચીનનો દાખલો લઈએ તો નોંધવું પડે કે પૂર્વકાલીન અને મધ્યકાલીન ચીનમાં વેપાર, છાપખાના, તોપનો દારૂગોળો, ફટાકડા, ધનની નોટો, છત્રી દશાંશનું ગણિત, હાથગાડી, રોકેટ, બ્રાન્ડી, વીસ્કી, ચેસ, આધુનિક ખેતી પદ્ધતિ, વેધશાળા અને બીજા અનેક ઇનોવેશન થયા હતા. ભૌતિક ઇનોવેશનની દ્રષ્ટિએ ચીન ભારતથી ઘણું આગળ રહ્યું છે અને આજે પણ છે. ભૌતિક દ્રષ્ટિએ ભલે મોટા ઇનોવેશનો જૂજ હોય પણ IIM ના અધ્યાપક અનિલ ગુપ્તાએ અને તેમના સાથીઓએ લાખો નાના નાના સ્થાનિક ઇનોવેશન ગ્રાસરુટ ઇનોવેશન ભારતમાં ક્યાં છે એ શોધી કાઢ્યા છે. એમના અનેક નમૂનાઓ છે. શેરડીનો રસ કાઢવાનું મશીન, હાથથી ચલાવાતું ગાયના છાણમાંથી ઘડા બનાવવાનું મશીન, કુકડાઓને મુકવાની ઘોડીનું મશીન, સૂવર્ણ છાપ મારવાનું મશીન આવા અનેક સર્જનો થયા છે. આખા ભારતમાં ભલે આવા સર્જકો છુટા છવાયા હોય પણ સર્જનાત્મક સમાજનું નિર્માણ કરીએ તો સંખ્યા ઘણી વધી જાય અને જીવન ધોરણ ઘણું ઊંચું આવી જાય,

સર્જકતાનો ચમકાર એ બહુ જ ઉપયોગી નાની પુસ્તિકાના સર્જક લેખ ડો પ્રદીપ ખાંડવાલા IIM ને લઈને ઓળખાય એના કરતા એમની સંશોધન ક્ષમતા અને એમની પ્રજ્ઞાને લઈને વધુ ઓળખાય છે. ભારત દેશના વર્તમાન  વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે IIM ની અંદર ડો ખાંડવાલાના નેતૃત્વ હેઠળ એમણે  ખાસ આખી મિનિસ્ટ્રી અને IAS લોકોને IIM ટ્રેનિંગ પ્રોગ્રામ માટે બોલાવેલા. સરકારની કેટલીયે યોજનાઓનું ઘડતર પણ ડો ખાંડવાલાએ કરેલું. ડો પ્રદીપ ખાંડવાલા એ હકીકતમાં કવિ છે અને પોતાની  કવિતાઓને બાયલિંગ્યુઅલ એટલે કે અંગ્રેજી અને ગુજરાતીમાં તેઓએ પ્રકાશિત કરી છે અને સાહિત્ય જગતમાં તેઓનું જુદું સ્થાન છે.,

ઈન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હોય શકે ખરી ?

“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં, કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.” ….. ગાંધીગીતા

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ઉમાશંકર જોશીનું એક સુંદર મજાનું ગીત છે:

અમે ગીત ગગનના ગાશું રે, 

અમે ગીત મગનમાં ગાશું કલકલ કૂજલ સુણી પૂછશો 

તમે: અરે છે આ શું ?.. રે અમે ગીત ગગનના ગાશું.

એ ગીતની પહેલી પંક્તિ  આજના લેખના શીર્ષકને સમજવામાં મદદ કરે છે.

સૂર્યચંદ્રના દિયો હોલવી, ઠારો નવલખ તારા, 

હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા. 

અમે સૂરસરિતમાં ન્હાશું..  રે અમે ગીત ગગનના ગાશું. 

સૂરની સરિતામાં ન્હાવા માટે પ્રયાસ કરતો પામર જીવ એવી મોટી મહેચ્છા લઈને બેઠો છે કે જેમાં એમણે  સૂર્ય ચંદ્રને હોલવી નાખવાનું પસંદ કર્યું છે અને નવલખ તારાને એકબાજુ હડસેલી દેવાનું કહ્યું છે. તો સતત વરસતી વરસાદની જલધારાને હથેળી આડી રાખીને રોકી લેવાના મનોરથ પણ એણે કર્યા છે કારણ કે એને સૂર સરિતમાં નહાવું છે અને ગીત ગગનમાં ગાવું છે.

પૂર્વ ભૂમિકામાં આવી સાહિત્યિક વાત કરવાનું  કારણ એ છે કે આપણે જે વિષય તરફ જઈ રહ્યા છીએ તે વિષય છેલ્લા થોડા મહિનાઓથી ભારતમાં અને ઘણા વર્ષોથી વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને એક પ્રકારની આશંકા જાગી છે કે, શું થશે ? કુદરતી અથવા પ્રકૃતિ વિલીન થશે અને કૃત્રિમતા છવાઈ જશે ? લોકોને પ્રશ્ન છે કે, આપણે વિચારતા બંધ થઈ જશું અને આપણાં વતી મશીનો વિચારશે ? આપણે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ શું સીમિત થઇ જશે ? આપણે જેને ઇન્ટેલિજન્સ કહીએ છીએ એ તો મૌલિક હોય, વાસ્તવિક હોય, પ્રાકૃતિક હોય એ કૃત્રિમ કેવી રીતે હોય ? બુદ્ધિ એટલે શું અને પ્રજ્ઞા એટલે શું ? બુદ્ધિને કદાચ એવો વિચાર આવે કે ચાલો આપણે સૂર્યચંદ્રને હોલવી નાખીએ, પણ પ્રજ્ઞા તો તાત્કાલિક વચ્ચે આવીને કહી શકે કે, ‘રહેવા દેજે માનવ, આ કામ ન કરીશ, એ તારું નથી, તું ભલે ઈચ્છે કે વરસંતી જલધારાને હથેળી આડી રાખીને તું રોકી લે,  પણ ના દોસ્ત એ શક્ય નથી, એ બધું જ નિશ્ચિત છે, નિયતકાલીન છે, પ્રાકૃતિક છે, કુદરતી છે, મૌલિક છે. જે તે કાળચક્રના સમયે બનતી ઘટનાઓ છે. એને તું ઈચ્છે ત્યારે આ ધરતી ઉપર જન્મ નહીં આપી શકે. તું માનવ છો, તને જે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કર તો કશો વાંધો નથી. પણ બુદ્ધિની મદદથી પ્રજ્ઞાના સીમાડાઓ પાર કરવાનો તું પ્રયાસ ન કર. કારણકે એ બધું તારા મનોરથના વ્યાસની બહાર છે.!’

પહેલો પ્રશ્ન તો આપણી સામે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એવું જે ઉચ્ચારણ થાય છે ત્યારે બે વિરોધાભાસી શબ્દોને એકસાથે બેસાડી દીધા હોય એવું આપણને નથી લાગતું? એક બાજુ કુદરત માટેની સમજ છે, તો બીજી બાજુ કૃત્રિમતા  માટેની દુરિત દૃષ્ટિ છે. એ બંનેને એક સાથે કેમ મૂકી શકો  ? કૃત્રિમ વાત હોય એને ઇન્ટેલિજન્સ સાથે બેસાડવી,, આર્ટિફિશિયલ બનાવટી શબ્દને પ્રજ્ઞા સાથે જોવી,, એ મનમાં ઉતરે તેવી વાત નથી.

આપણે ઇન્ટેલિજન્સનું ગુજરાતી ‘બુદ્ધિમત્તા’ કરીએ છીએ. હકીકતમાં તો એ Artificial Brain હોય તો હાલ આપણે જે ‘કૃત્રિમ બુદ્ધિ’ કરીએ છીએ તે સાચું ગણાય. પણ આપણે તો Artificial સાથે Intelligence શબ્દ મૂકીએ છીએ,, અને એ જ સાચું ગણીએ તો તેનું ગુજરાતી ‘કૃત્રિમ પ્રજ્ઞા’ એવું થાય.  જો Intelligence શબ્દ વાપરવો હોય તો સાથે Artificial આવી જ ન શકે. પ્રજ્ઞા ક્યારેય કૃત્રિમ ન હોઈ શકે.  હા, બુદ્ધિ સાથે આર્ટિફિશિયલ આવી  શકે.  બસ, એની ચર્ચા આજે આપણે કરવી છે અને એ કહેવું છે કે ઇન્ટેલિજન્સ ક્યારેય આર્ટિફિશિયલ હોય ન શકે.

આપણે જરા વિગતે એ વાતને જાણીએ. બુદ્ધિ અને પ્રજ્ઞામાં તાત્વિક ભેદ છે. બુદ્ધિ અને બુદ્ધિમત્તા એ શબ્દ પણ એકબીજાથી અલગ પડે છે. સમજશક્તિ બુદ્ધિમાન હોવું, ડહાપણ, હોશિયારી, કુશળતા, જ્ઞાન આ બધા બુદ્ધિમત્તાના અર્થ છે. જયારે બુદ્ધિ પોતે એક વિશિષ્ટ શબ્દ છે. અહીંયા બુદ્ધિનો એક અર્થ ઈચ્છા, વૃત્તિ, મત, અભિપ્રાય કે વિચાર એવો પણ થાય  છે. આમ જોઈએ તો બુદ્ધિને એ ચોવીસ માંહેનો બારમો ગુણ છે. ગુણ ચોવીસ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. આ ન્યાય ચોવીસ માંહેનો બારમો ગુણ એ હકીકતમાં બુદ્ધિ છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ ઇન્દ્રિયોની  સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે. બુદ્ધિ વિષે એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે, વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ. આ બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે. અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્ય બુદ્ધિ પરમાત્માની અને અનિત્ય બુદ્ધિ જીવની એવું માનવામાં આવ્યું છે. પશ્ચિમના વિદ્વાનો  અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે. તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. આપણને ખ્યાલ છે આ એક પ્રાકૃતિક શક્તિ છે. બુદ્ધિ બે પ્રકારની છે. અનુભવ અને સ્મૃતિ. કેળવાયેલા માણસ પાસે એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે. એટલે કે બુદ્ધિ એક પ્રકારની વિદ્યા છે અથવા તો આ વિદ્યાનું હુન્નર જે જાણે છે તે બુદ્ધિ છે. પણ એનો એક અર્થ સાવધપણું અથવા સાવધાની એવો પણ રાખવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની હોશિયારી છે,  કુશળતા છે એટલે આપણે  ‘બુદ્ધિમત્તા’ કહીએ છીએ.

‘સ્વ’ એટલે ‘આત્મન એટલે ‘self’. ‘સ્વ’ બે રીતે અભિવ્યક્ત થાય : બાહ્ય સ્વ outer self અને અંત: સ્વ inner self. બાહ્ય સ્વમાં આવે શરીર એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યાયન.  અંત: સ્વ માં આવે મન/બુદ્ધિ  અને પ્રજ્ઞા. body , mind and intellect એટલે આપણો  સ્વ (self). પ્રજ્ઞા બુદ્ધિ સૌ પાસે ઢંકાયેલી છે પરંતુ પ્રજ્ઞાનો ઉપયોગ એ એક વિશિષ્ટ બુદ્ધિતત્વનો ઉપયોગ છે એટલે AI માં intelligence શબ્દ ખોટો મુકાયો છે, એવું મારુ કહેવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કહીએ છીએ ત્યારે તો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે પ્રજ્ઞા માટે ‘ગાંધી ગીતા’ સુંદર મજાની વ્યાખ્યા આપતું  એક પદ મૂકે છે. શુભને ના અભિનંદે, ના દ્વેષે જે અશુભને, જે સર્વત્ર સ્નેહસૂનો, તેહની પ્રજ્ઞા જ સુસ્થિર. અહીં સ્નેહસૂનો એટલે શું ? આસક્તિ નથી કોઈ સાથેની, શુભ સાથેની કે અશુભ સાથેની. અશુભ પ્રત્યે એને કોઈ દ્વેષ નથી અને શુભ પ્રત્યે વિશેષ લગાવ નથી એમની પ્રજ્ઞા સુસ્થિર  છે, એમ માનવું જોઈએ.

આપણે જેને intelact એટલે કે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ એકાગ્રતાનો એક બહુ મોટો પ્રર્યાય છે. એકાગ્રતા હોય તો જ તમે કોઈ પણ પ્રજ્ઞામય કાર્ય કરી શકો. એકાગ્રનો અર્થ અહીંયા સમજી લઈએ. એક અગ્ર ઉપર ધ્યાન કેન્દ્ર કરવું એને એકાગ્રતા કહેવાય છે. કેટલાક લોકો પ્રજ્ઞાનો અર્થ ત્રિકાલિક જ્ઞાન પણ કહે છે. એમ તો માણસની દશ માંહેની પાંચમી દશા એ પ્રજ્ઞા છે. એકતાલીસ થી પચાસ વર્ષ સુધીની માણસની સમજણવાળી અવસ્થાને પ્રજ્ઞા કહેવામાં આવે છે. એક અર્થ પ્રમાણે પ્રજ્ઞાને સરસ્વતી સાથે સરખાવવામાં આવેલ છે. આપણે બુદ્ધિ, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું વિશ્લેષણ એટલા માટે કર્યું છે કે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે કદાચ બુદ્ધિ આર્ટિફિશિયલ વાતને હાથ લાગી શકે. કારણ કે બુદ્ધિના ઇનપુટ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે. બુદ્ધિમાં જે સંદેશાઓ જાય છે તે આપણી પંચેન્દ્રિયોના અનુભવ દ્વારા જાય છે. જયારે પ્રજ્ઞા છે એ અંદર જતા અનુભવોને મનની સપાટીઓ પર લાગણી અને સંવેગોના ત્રાજવે તોલે છે અને પછી એમનું વિશ્લેષણ કરીને યથા યોગ્ય સુનિશ્ચિતતા હોય તો જ એ કામ કરવાની આપણે છુટ આપે છે. એ પ્રજ્ઞા છે. સ્વ તરીકે વ્યક્તિ જન્મે છે ત્યારે શરીર લઈને આવે છે શરીર body, mind and intellect ત્રણ વસ્તુ લઈને આવે છે. બધાને આ બધું  એકસરખી રીતે ભેટમાં મળે છે. શરીર ઉપરથી આપણે જાતિ  અને લક્ષણોને  ઓળખી શકીએ છીએ, બુદ્ધિ ઉપરથી આપણે સમજશક્તિને તારવી શકીએ  છીએ પરંતુ પ્રજ્ઞા ઉપરથી તેજસ્વીતાને આપણે જાણી શકીએ છીએ. હવે બુદ્ધિતત્વમાં તમે  વધારો કરી શકો, એમાં કોઈ આર્ટિફિશિયલ બાબતો ઉમેરી દઈ શકો, પણ પ્રજ્ઞાતત્વને આર્ટિફિશિયલ કૃત્રિમ વાત સાથે જોડવી એ અનર્થ સર્જે છે,  કારણ કે પ્રજ્ઞા એ બાહ્ય સંદેશાઓને ઝીલીને કાર્ય કરનારી કોઈ આપણી સંજ્ઞા નથી. પરંતુ એ મનમાં ગુપ્ત આવેલા સંદેશાઓને લાગણીમાં અથવા સંવેગોમાં ઢાળે છે અને  એના આધારે પ્રજ્ઞા એટલે કે intellect  ને એ વિભાજીત કરે છે, એનું  પૃથ્થકરણ કરે છે અને એના આધારે હવે શું કરવું તેનો કોઈ સંદેશો હોય તો  તે મનને આપે છે. આમ પ્રજ્ઞા એ higher level of instinct છે. પ્રજ્ઞા જેમાં સામેલ થતી નથી એ એક પ્રકારનું મિકેનિકલ કાર્ય છે. મિકેનિકલ નો અર્થ એવો કે જે કામ મશીન કરી શકે એ કામ આપણે આપણી બુદ્ધિમતા પાસેથી કરાવી રહ્યા છીએ. બુદ્ધિ કૃત્રિમ વાતને સ્વીકારે. બુદ્ધિને કૃત્રિમ અને વિચિત્ર પ્રકારના વિચારો આવે પણ પ્રજ્ઞાને અનેક વાયબ્રેશન્સ પછી સ્થિર થવાની ઘટના આવે છે જેનું વર્ણન ભગવાનશ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કરે છે.

લોકો અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એવું કહીને સમજાવે છે કે, આ એક એવી બુદ્ધિ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા પણ એ સ્પષ્ટતા કરીએ, માણસ બહાર બધું બનાવી શકે છે પણ શરીરની અંદર કશું બનાવી શકતો નથી એટલે કે જે બુદ્ધિ છે તેને મશીનો બનાવવામાં કે મિકેનિકલ કામમાં જો લગાડી દઈએ તો એ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણને સમજાયું છે. ગાડીઓ ડ્રાયવર વગર ચાલે છે, ઓટોમેટિક ચાલી શકે છે. ભારતની અંદર પણ આવી ગાડીઓના પ્રયોગો શરૂ થઇ ગયા છે. માણસની મજૂરીને ઘટાડવા માટે પણ રોબોટ બનાવવામા આવ્યા છે જે દસ માણસોના કામ કરી શકે જેથી કરીને મેન પાવરનો ખર્ચ બચી જાય છે. ગુગલ જેવા સર્ચ એન્જીનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઈ સાથે આપવા માટે પણ AI નો ઉપયોગ થાય છે. Netflix અને Youtube જેવા પ્લેટફોર્મ યુઝર્સની પસંદગીને સમજીને તેના પ્રમાણેના વિડીયો જોવા માટેનો ફીડબેક આપે છે. અરે, તમે વૉટ્સઅપની અંદર કોઈ સંદેશો લખવા જતા હો તો પહેલો શબ્દ type કર્યા પછી તમને નીચે ત્રણ ઓપશન આપવામાં આવે છે જે એના પછીનો શબ્દ હોઈ  શકે. એનો અર્થ એવો છે કે બીજો શબ્દ તમારે type કરવાની જરૂર નથી. સીધા એ ત્રણમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો એટલે એ શબ્દ  ત્યાંથી ઉપડીને તમારા વાક્યમાં જોડાઈ જશે. આ સમજ ક્યાંથી આવી ? આને તેઓ કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે. આ સાચી વાત કે તમે બુદ્ધિને એ પ્રમાણે ઘડી છે.  બુદ્ધિ જે કામ કરે છે એવું કામ તમે મશીન પાસેથી કરાવી રહ્યા છો. અને એટલા માટે આ આર્ટિફિશિયલ બ્રેઈન નો એક અર્થ એવો કર્યો કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મશીન મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આપણને  શોધી આપે. પણ અહીં માણસો દ્વારા સૂચવવામાં આવતા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. એટલે કે માણસનું જ્ઞાન, અનુભવ, વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના  રૂપમાં સંગ્રહિત થાય છે જેનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે તે મુજબ થતો રહે છે. તો સમજાણું એટલું કે એની અંદર શું જોઈએ છીએ ?, કેમ જોઈએ છીએ ?, ક્યારે જોઈએ છીએ ?, કેવું જોઈએ છીએ ? એ બધું તો માણસે જ વિચારવાનું છે અને માણસે પોતાની ભાષા નહીં પણ કોમ્પ્યુટરની ભાષામાં એને બદલીને ફીડ કરવાનું છે એટલે કે એમાં સંગ્રહિત કરવાનું છે. આ બધા માટેના સોફ્ટવેર બનાવવા પડે છે અને સોફ્ટવેર બનાવવાનું કામ માણસ સિવાય કોઈ કરતું નથી. પરિણામે પણ એક દાવો થઇ શકે કે ઇન્ટેલિજન્સ કે intelact એ ક્યારેય કૃત્રિમ ન હોય શકે. તમે એક વસ્તુ સમજી શકો કે માણસે બનાવેલી રોટલી અને મશીન દ્વારા બનાવેલી રોટલી એ બંનેના આઉટપુટ સરખા છે પણ તેમ છતાં જે મશીને કર્યું છે એમાં પણ માણસની પોતાની બુદ્ધિ કામે લાગી છે, અને રોટલી જાતે  બનાવવાને બદલે બની જાય એવું મશીન બનાવ્યું છે. એટલે તે પૂર્ણતઃ કૃત્રિમ એમ ન કહી શકાય. એક કુદરતી વ્યક્તિએ એમાં બધો ડેટા નાખ્યો છે.

સમાપનમાં ફરી ગાંધીગીતાનું સ્મરણ કરીએ જેમાં કહ્યું છે કે,

“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં,

કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.”

———————————————-

ફૂલછાબ જન્મદિવસ પૂર્તિ 

‘સત્ય એ શ્રી ઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’

બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

શ્રી ઠાકુરના ચરણમાં વંદન કરીને હું મારા કેટલાક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ
કરું છું. 
લગભગ છ એક મહિના પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત
માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રી રામને ખૂણે ખૂણે સુધી
પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રી રામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા
ત્યારથી રોમાંચિત હતો. એના બે કારણો હતા :  એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ
એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરના ચરણમાં જઈને સ્વામી અને
માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લ્હાવો ભાગ્યે મળતો હોય છે કે
તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો,  નિવાસ કરી શકો અને
આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને  એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી
મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રી રામ કથાનો  શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું
તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રી રામકથાનું ગાન
થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રી ઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ
કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રી વિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ
છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે
સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત
થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા
બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જુનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક
સરસ ગાડીમાં સ્વામી શ્રી વિવેકાનંદ અતિથિ  ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં
આવતા ત્રિપુટીના જુદા જુદા સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક

સંસ્કૃતિના દ્રશ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો
આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા
વિશાળ  પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક
પોલીસોએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ
ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠના દર્શને જઈ  રહ્યા હતા.
યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઉભી રાખવા
માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી
બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ
માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે,
આપણી  સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા
અનેક અનુભવ થયા છે,  પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા
જીવનની  એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો. ) સવારના પૂજ્ય બાપુએ
આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રી ઠાકુર, સ્વામી શ્રી
વિવેકાનંદજી અને શ્રી માતાજીના વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમના ધ્યાન મંદિરો
અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના  બહુ જ નિરાંતે દર્શન કર્યા.
અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા
હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો  હશે.  મને આનંદ એ
વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક
બેલુરમઠના શ્રી રામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રી ઠાકુરની પ્રભાવક પ્રતિમા
જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા
રાજકોટના શ્રી રામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું,  કારણ રાજકોટમાં મંદિર છે તે
બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે. 
ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રી રામકૃષ્ણ
મઠ મિશનના સ્વામીઓ, અધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ
ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયો પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે
હોય એના પછી શ્રી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદબોધન કર્યું અને એમણે
એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય
મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ
પરિસરમાં  જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સીટીનું  પ્રાંગણ છે, જ્યાં  બહુ મોટી સ્કૂલ પણ
છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ
સાત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક

દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા
સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે  જેથી કરીને
સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિતે કથા પાન કરી શકે. ઉદ્ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ
અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રી ઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી
શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ
એ બે કાર્યો  ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું
હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ
માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા
જુદા સ્વામીઓ સતત કથા પાન કરવા આવતા હતા.
શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા,  કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ
શ્રી રામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતા કરતા ને આંખો  ભીની કરતા મેં
પોતે જોયા છે. એ બાપુએ આજે  શ્રી ઠાકુરના ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત
કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા
વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રી ઠાકુરના ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ
વિનયપત્રિકાના  એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલા એણે
કહ્યું કે,  સવારના હું આખા પરિસરમાં નિરાંતે  બહુ શાંતિથી ફર્યો છું.  હજુ પણ મુખ્ય
મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને  એવું લાગે છે કે,  આ જે ત્રિપુટી
છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી
પણ મને લાગે છે કે,  યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતા એવું પણ
કહ્યું,  વૈસે કહો તો  યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને
પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું. 
કથા આરંભ પહેલા શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા  મુજબ રામચરિત માનસની
ગાથાનું ગાન કરતા કરતા દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ
કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું
કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રી રામચરિત માનસની કોઈ
ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે.
બેલુર માથાની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો. 
સગુનુ ખીરુ અવગુન જલુ તાતા I    મિલઈ રચઈ પરપંચુ બિધાતા II
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા I      જનમિ કીન્હ ગુન દોષ બિભાગા II  

વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો
અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુ સંગ,  આ ચાર
દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુ સંગનો અર્થ સાધુ સંગમ અથવા તો સત્સંગ.
બાપુનો એક નિષ્કર્ષ હતો કે,  ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું
છે. આ વાતની  પુષ્ટિ કરતાં  તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ
વિષે હંમેશા એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા  કે નરેન
ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રી મા પૂછતાં કે,.. પણ તેથી શું ? ઠાકુર કહેતા
કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’  આ
વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ
આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન  કર્યા  એમણે કહ્યું
કે,  સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર
પડે છે, જયારે શુદ્ધિ સદગુરુથી કૃપાથી જ શક્ય બને છે. સ્વામી શ્રી વિવેકાનંદની પૂર્ણ
શુદ્ધિનો શ્રેય તેમના સદગુરુ શ્રીરામકૃષ્ણ દેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની
વ્યાખ્યા કઈ ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ.
 બાપુએ ઉમેર્યું કે,  ‘પૂણ્ય એટલે શું ?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’  અને ‘પાપ એટલે શું
?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’  બાપુએ પંચદેવની પૂજાની વાત કરી
કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક,
પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ આપણામાં ઉતરે એવું આહવાન
કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવના લક્ષણો એ આપણા ગુરુના લક્ષણો છે. 
બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે,  સામર્થ્ય હો
ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ . સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ
સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું
અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ  કહ્યું કે,  પરમતત્વ કૌતુકી
હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ
છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની
ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે
જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રી ઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ
શ્રી માતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે  વો રાતકો સન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ
જ્ઞાનકો ખીચ લાતા હૈ.  તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત
કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો.
શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને

ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે.
કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય
છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ
આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર  કહેતા કે, શ્રી કૃષ્ણ કે દર્શન મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ.  આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ
મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે
મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ  મુદ્રાનો આકાર
છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ  વગર કહ્યું કે, શ્રી કૃષ્ણકે દર્શનમેં  મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ. 
ત્રીજા દિવસે ફરી એકવાર શ્રી ઠાકુર, સ્વામી અને શ્રી મા ને તેઓએ વિવેક સાથે જોડીને
કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની  એવા ત્રણ સૂત્રો પણ સાથે
જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રી ઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય
તે પરમહંસ છે. સ્વામી શ્રી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે.
અને શ્રી મા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ
છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા
કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત
કરીને એવું પણ કહ્યું કે,  મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ
મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચારમેં આતા હે તો વહ સાકાર હો જાતા
હૈ.. 
બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો
દ્વારા થાય છે. ૧) મા ની આંખ ૨) બાપની આંખ અને ૩) ગુરુની આંખ. વિચાર
નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે
રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દ્રઢીભૂત
દ્રષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દ્રષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ
પોતાના આહલાદક સ્વભાવમાં સુંદર મજાના શેર ટાંક્યા કે, 
સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે 
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ  હમારે ઓર હમ હે તુમ્હારે. 
તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતા બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત
સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ.  મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી

મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર  નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા :  ન
આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ
એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે
ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ
રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદભુત હો, જો અનુભૂત હો ઓર જો
અવધૂત હો વો પરમહંસ હૈ . શ્રી રામકૃષ્ણ દેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને
કેન્દ્રવર્તી વિચારની વાત કરતા કરતા બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત
માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની
વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને
બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવિચમાં રહેલા
બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવિચનો
સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ  એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ  એ
શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે
જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને
જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમ માર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ
ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ :  ૧) અન્યત્ર મોહ ૨) કેવલ દુષિત
સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં  ઓર પ્રેમ
માર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ  કિ  યહ  સબ ક્યા હો રહા હે ?
પ્રેમ માર્ગની વાત કરતા એક સુંદર સુત્રપાત બાપુએ કર્યો કે, શ્રી રામકથા પ્રસન્નતા કી નવ
દિવસીય શિબિર હૈ . શ્રી રામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત કરવા
માટે  બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી
આપવામાં આવે છે. એક અંગુલી નિર્દેશ પણ થયો  કે,  મોહ અને સંદેહનો નાશ કરવા
માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે. 
ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને
ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે
અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નીરોધઃ’
એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં.  પતંજલિએ
નિરોધની વાત કરી  એમના ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા
માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં
પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ
પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧ % વાંચો, ૨ % વિચારો,

૪% આચરણમાં મુકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬ % પ્રસન્નતામાં ફેરવો જો આટલું
થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને
શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ  છે. બાપુએ
ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ
ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી
જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ
એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર
હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે રામ આવશે અને ખરેખર ભગવાન રામે
તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતા તેઓએ
કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી
આવે છે અને બુદ્ધિ તત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે
ગુરુદેવના ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ
અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને
હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે,
ભૂતકાળનો શોક હોય શકે, વર્તમાનમાં સંશય હોય શકે અને ભવિષ્ય માટે ચિંતા હોય શકે.
પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાના લક્ષણોની વાત કરી અને શ્રોતાના લક્ષણો
વર્ણવતા તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો  આપણી સમક્ષ
વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. ૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા ૨)
લોકેશણા અને ૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી
આકાંક્ષાઓ, તરસ હોય છે કે,  મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય
અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસના બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ
વર્ણવીને શ્રી ઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશા
સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે.એના લક્ષણો જો આપણે શોધવા હોય
તો શાસ્ત્ર એમ કહે છે કે, ૧) આત્મસાક્ષી ૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ ૩) પૂર્ણ
૪) એકો ૫) મુક્તચિત્ત  ૬) ક્રિયા ૭) અરુંગો ૮) વિસ્પૃહ ૯) શાંતો ૧૦) બ્રમાત ૧૧)
સંસારવાનિવ ૧૨) કુટસ્થ.  હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય
આભાસો”. શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા
બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી
પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક

લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને
અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ
આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુરમઠમાં ઠાકુરનું  જે પુરા કદનું ચિત્ર દેખાય છે એમાં
તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત
કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવ સમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં
ઘુમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે  પાગલની સરસ વ્યાખ્યા આપી. જો
ગલ કો પા લે વહ પાગલ હૈ . શ્રી ઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ
જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક
ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે,  બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય
હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવ
સમાધિમાં ગરકાવ થઇ જાય અને મૌન થઇ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર
મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું
નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના
ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ  આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ
ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે  ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ
સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી
વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે.  સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી. 
છઠ્ઠા દિવસની કથાના આરંભે સુત્રપાત થયો,  વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા
બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા
શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને
વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી
થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજા બાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ
ટાંક્યું. એક બહુ જ અમીર  કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને
રાજા બાપુ સવારના પહોરમાં  ઉભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી
રહ્યા હતા. અને એ દરમિયાન રાજા બાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત
સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને
પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સુર પહોંચે છે ક્યાં છે એ ?? અને એ 
તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો
એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજા બાબુ તુમ જાગો જાગો
જાગો અને એમને એ જ ક્ષણે વીજળીનો ચમકારો મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું  કે,
“આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સા ને

ઠસ્સામાં  તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજા બાબુ જાગો.”
કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું મને કહેવાયું એમ
ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજા બાબુને લાગી અને રાજા
બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યો
ભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજા બાબુ જાગો.. યાદ
રાખવા જેવું છે કે, સંત હંમેશા સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત
કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં
પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ
પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું
નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવલ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ
કેટલીક વખત તમારી ઉપર વરસી  જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન
થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને
અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજા બાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ
કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા
એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ
બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ
કરનારો હોય. પરમપ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ
રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે. 
સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સુત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે,
“મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર
સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે ? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા,
આનંદ આતા હૈ વહી કાફી હૈ.’  ‘યદિ  આંખમેં  એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધી
હૈ .’  ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્વિકતા આ રહી હૈ,
પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ  હમ દેહ, પ્રાણ ઓર મનસે
વિચલિત હોતે રહતે હૈં . દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન
માટે શોક અને મોહ આપણને રૂંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં,  હમારે પ્રત્યક્ષ
કાર્યકા કોઈ તો સાક્ષી હૈ  હી.’  આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર
આપણા  સાક્ષી છે. કદાચ આ કથા મંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી
મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી શ્રી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને
મા તો હરહંમેશ અહીં હાજર હોય કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્યકા કોઈ તો સાક્ષી હે હી વો

સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયાકા  જો સાક્ષી હૈ  વહ પરમહંસ હૈ . જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી
બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”  
આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે ?  એવું
કોઈ શ્રાવકે પૂછ્યું.  જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતા બાપુએ કહ્યું કે,  કૃપા ક્યારેય
કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે.
તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂઓ છો કે જાગો છો, ખાઓ છો, પીઓ છો,
દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ
કૃપાને તમે જીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ
નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે
સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય ? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ
કરવું જ છે,  તો આપણું સત્ય હંમેશા ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન
હૈ , કહા હુઆ સમજના કઠિન હૈ  ઓર સમજા  હુઆ કરના ઓર કઠિન હૈ . “કચ્ચા
જ્ઞાન બોઝ હૈ  ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ .” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઉતરવું
જોઈએ અને ઊંડા ઉતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો
સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ
દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસમેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશા
કોઈની સાથે સુંદર રીતે આત્મસાત થવા તત્પર હોય છે. 
નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રી રામકથાને વિરામ આપતા સમાપન કર્યું કે, 
નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને
બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત
માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી
ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી
શ્રી તુલસીકૃત શ્રી રામચરિત માનસને  વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે.
બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રી
રામકૃષ્ણ મિશન અને મઠનો  જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો
ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે,  હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય
સ્થળ પર ભી આતા હૈ  ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ,  હંસ છે
જળચર પણ ક્યારેક તટસ્થ થઇ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક
ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને
એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય,
પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી શ્રી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે.

પ્રતાપ સૂર્ય પ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું
વક્તવ્ય સ્વામીના શબ્દોથી વધુ નજીક બની શકે. 
આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રી રામકૃષ્ણ કથામૃતમાંથી
ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક
રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી
પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર
વ્યવસ્થા બેલુરમઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર
યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના
પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચુક્યા હતા. તેઓ કથા
સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદિય પ્રક્રિયા કરતા અને
સવાર સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યા ટાણે
યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમ ગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ
ગાન સાંજને સુરમાયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને
તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ  આપતા રહ્યા હતા. સમાપન સમયે
ફરી એકવાર સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા
અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખુબ મોટો રાજીપો વ્યક્ત
કર્યો અને ફરી એકવાર તરત જ બેલુરમઠમાં કથા ગાન કરવા માટે આવજો એવું દિલનું
નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને
તેઓએ કલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુરમઠના એક સભાખંડની અંદર એક
પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ  કરીને એ પ્રસંગને તેઓએ
વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથા ગાન કરવાનો લ્હાવો અત્યારે મળ્યો એ આનંદ
વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા
અધિકમાસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.
શ્રી રામ ચરિત માનસનું પરમ સત્ય બેલુરમઠની ધરતી પર ગવાય  અને એમાં પણ
ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રી ઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો  એ
લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે  મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે 
મારી સાથે શ્રી ઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા
અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.
જય ઠાકુર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.

ધોરણ ૬ :: ગુજરાતી (પ્રથમ ભાષા) નું  અજમાયશી પુસ્તક “પલાશ”

પહેલી વખત કેવળ સાહિત્ય નહીં, પણ ગુજરાતી ભાષા શીખવતું  પુસ્તક તૈયાર થયું છે. 

 ભદ્રાયુ વછરાજાની 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો,
ખાસ કરીને માતૃભાષાના શિક્ષણ સાથે નિસબત  ધરાવનાર સૌ સ્વજનો,
નમસ્કાર.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ ને લઈને સમગ્ર દેશમાં ૨૦૨૦ થી છેક ૨૦૩૦ અથવા ૨૦૩૫ સુધી
બદલાવનો માહોલ બનતો રહેવાનો છે. ધીમે ધીમે કરતાં ઘણું બધું બદલાશે અને બદલાતાં
બદલાતાં આપણને જે કોઠે પડશે એ અંતે આપણી નીતિનો અમલ ગણાશે.
આ વાતને જો ધ્યાનમાં લઈએ તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬ ના ગુજરાતી પ્રથમ
ભાષાના અજમાયશી પુસ્તક “પલાશ” અંગે હાલ અભ્યાસ થઈ રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે
ત્યારે  કેટલાક શિક્ષક મિત્રો દ્વારા આ અંગે પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે અને તેથી કેટલાક
નીતિ નિર્ધારકો પણ આ અંગે અવઢવમાં છે -એવી વાતો સાંભળવા મળે છે, ત્યારે કેટલાંક બહુ
સ્પષ્ટ મંતવ્યો આ સાથે હું પેશ કરું છું.
1) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નો અમલ કરવો સૌ માટે ફરજિયાત છે એટલે કે એના 

સંદર્ભમાં જે કોઈ ફેરફારો થાય તે ફેરફારો આપણે સ્વીકારવાના છે, હૃદયપૂર્વક સ્વીકારવાના છે અને એને
અમલમાં મૂકીને ધીમે ધીમે આપણી જાતને એમાં ટેવ પાડવાની છે. એ દૃષ્ટિએ આ અજમાયશી પુસ્તક
આપણે સ્વીકારવાનું છે. .
૨) અજમાયશી પુસ્તક ‘પલાશ’ એ અગાઉ કરતાં  જુદું બન્યું છે. આપણા વિદ્યાર્થીઓ તો બીજા ધોરણથી
"પલાશ" જેવી સંરચનાવાદી અધ્યયન પદ્ધતિ અનુસાર તૈયાર થયેલાં પાઠ્યપુસ્તકો: 'કલ્લોલ' 'કલશોર'

'કુહૂ', કેકારવ'થી જ  ભણી રહ્યા છે. માત્ર ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને નવાં  લાગે છે. ધોરણ ૬-૭-૮ માટે
અત્યાર સુધી આવું પુસ્તક બન્યું નથી. 
આ ગુજરાતી ભાષાનું પુસ્તક છે. અત્યાર સુધી આપણને સાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.  તેમાં કોઈની
બેઠેબેઠી કવિતા હોય, કોઈ પાઠ, કોઈ વાર્તા હોય અને આપણે એનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા
આવ્યા છીએ. એ અભ્યાસથી કૃતિઓનો, કે રચનાઓનો પરિચય અને આનુસંગિક ભાવાત્મક પાસાંઓનો
પરિચય અવશ્ય થાય છે. પણ આપણે ગુજરાતી ભાષા શીખી શકીએ એવું એમાંથી બહુ ઓછું બન્યું છે,
એવું આ પુસ્તકને ઝીણી નઝરે જોયા  પછી ચોક્કસ લાગે છે. જે શિક્ષકમિત્રોને આ મુદ્દા અંગે શંકા હોય
તે અગાઉના ગુજરાતીના પુસ્તકો ઉપાડે અને આ પુસ્તક સાથે સરખાવે તો એને ખ્યાલ આવશે. એ
પુસ્તકોની અંદર કવિતા બોલી જવાની હોય અથવા ગાવાની હોય, પાઠ વાંચી વાંચીને સમજાવવાનો હોય
અને જે સમજાય એને આનુસંગિક પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે આપણું એ પુસ્તક પૂરું થયું.
એ તો  સાહિત્ય અંગેનું પુસ્તક હતું એમાં આપણે પૂછતા હતા કે,  "કવિ શું કહેવા માંગે છે,  લેખક આમાં
ક્યાં અલગ  પડે છે" વગરે…વગેરે… અહીંયા એવું નથી કારણકે અહીંયા આપણે વિદ્યાર્થીને ગુજરાતી
નામના વિષયના માધ્યમથી એક પ્રકારની ભાષા શીખવવી છે. ગુજરાતી ભાષાથી એને અવગત કરાવવા
ભાષા સાથે વિદ્યાર્થીના સ્વને જોડીને બૌદ્ધિક અને ભાવાત્મક પ્રક્રિયા ઊભી કરવી છે. એટલે એ દૃષ્ટિએ
આ પુસ્તક અવશ્ય જુદું પડે છે એટલે ઝડપથી આપણાં મનમાં નહીં બેસે, પણ હું માનું છું કે આ બદલાવ
અતિ આવશ્યક છે અને આ બદલાવ ક્રમશઃ ધોરણ ૭,૮,૯,૧૦ માં પણ જળવાઈ રહે તે જોવાની નીતિ
નિર્ધારકોની ફરજ બને છે,

૩) આ પુસ્તક અજમાયશી પુસ્તક છે, એનો અર્થ એવો છે કે જૂન મહિનાથી તેનો અમલ થયો છે. હજુ
આપણી પાસે આખું વર્ષ છે એ દરમ્યાન આપણને જ્યાં તકલીફો પડતી 
હોય તે તકલીફો માટે આ પુસ્તકમાં લખેલા નિષ્ણાતો કે લેખકો અને અન્ય શિક્ષણશાસ્ત્રીઓ છે એની
સાથે ગોષ્ઠિઓ ગોઠવી  શકાય કે એમનો કહેવાનો ભાવાર્થ શું છે તે સમજી શકાય તેવો પૂરો અવકાશ છે.
અને એ અવકાશને યોજવાની જવાબદારી પાઠ્યપુસ્તક મંડળ કે GCERT કે સરકારનું કોઈ પણ તંત્ર કરી
શકશે એમાં મને કોઈ શંકા નથી.
૪) શિક્ષક તરીકે આપણે નવીનતાનો આવકાર કરવો જોઈએ. ઠેર ઠેર જયારે વિશ્વમાં છેક આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ સુધીની વાતો ચાલતી હોય ત્યારે આપણ ઘરેડબદ્ધ જ પુસ્તકો ભણાવવા માટે ટેવાઈ
જઈએ અને બદલાવનો સ્વીકાર ન કરીએ તે યોગ્ય નથી. શિક્ષક તો એ છે કે જેને રોજ કંઈક બદલાવ
જોઈએ છીએ. અને બદલાવને એ પડકાર તરીકે સહન કરે છે અને સહન કર્યા પછી એ પુરા હૃદયથી એનો
સ્વીકાર કરી અને પોતે માધ્યમ બનીને વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડે છે. એ દૃષ્ટિએ આ પુસ્તક સૌએ
સ્વીકારવું જોઈએ  તેવું મને લાગે છે.

૫) ગુજરાતના વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું છે એવી વાતમાં પૂરું તથ્ય છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં
આપણાં લગભગ અઢી કે ત્રણ લાખ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. એનું કારણ કે
આપણે ગુજરાતીના પુસ્તકો ગુજરાતી સાહિત્યના પુસ્તકો તરીકે જ અમલમાં મુક્યા છે. આપણે પ્રાથમિક
કક્ષાએ ભાષા સજ્જતાના વિકાસને બદલે સાહિત્ય પ્રકારોમાં અટવાઈ ગયા છીએ. આપણે એવું માનીએ
છીએ કે નરસિંહ મહેતાનું નાનું પદ કોઈ વર્ગના પાઠ્યપુસ્તકમાં  મૂકી દઈએ એટલે બાળક તે સમજી જશે.
આપણે એને કહીએ કે આ મંદાક્રાંતા છંદ છે એટલે એ સ્વીકારી લેશે કે આ મંદાક્રાંતા છે. અત્યાર સુધીના
પુસ્તકો સારા હતા પણ એની અંદર તો કહેવાય તે સ્વીકારવું એવા  પ્રકારનું ચલણ હતું.  હવે તો જે તમે
સમજો છો એ તમે લખો, તે તમે અભિવ્યક્ત કરો અને અભિવ્યક્તિથી તમે સમજો કે મેં જે લખ્યું તે શું
છે 

એવો  એક વિશિષ્ટ અભિગમ અમલમાં આવ્યો છે. શિક્ષક ભાષા સાથે શું કરે છે તે અગત્યનું નથી; પરંતુ
બાળક ભાષા સાથે કેવી કેવી પ્રક્રિયાઓ કરીને ભાષાને અંતર્ગત કરે છે તે અગત્યનું છે. ત્યારે આ નવી
તરાહનું આપણે બહુ જ ઉમળકાથી સ્વાગત કરવું જોઈએ અને એમાં કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની
નિખાલસ સંવાદ કે ચર્ચા કરીને એના વિશેની સ્પષ્ટતા મેળવવી જોઈએ. 
મનોવિજ્ઞાન એવું નોંધે છે કે, જેમની ભાષા સમૃદ્ધ હોય તે પોતાના અનુભવો (જીવવાના, શીખવાના
અને વિચારવાના)ને સુપેરે આગળ વધારી શકે છે. કિશોરાવસ્થા સુધીમાં બાળકોનું વિકસી રહેલું મગજ
ભાષાના વાયરિંગથી શક્તિશાળી બનતું હોય છે. તેથી પ્રાથમિક શાળામાં બાળકોને ભાષા-પોષણ આપવાના
સભાન પ્રયાસો અનિવાર્ય છે. કેટલાક વિચારણીય મુદ્દાઓ અત્રે ટાંકુ છું :: 
@ મજા આવવી – એ ભાષા શીખવાની પૂર્વશરત છે.
@ જે ભાષામાં ગાતાં, લલકારતાં, વાર્તા કહેતાં, ગપ્પાં મારતાં, જાતભાતના વિષયો પર વાતચીત કરતાં
આવડે તે ભાષા પછીથી લખતાં અને વાંચતાં પણ આવડે.
 @ ભાષા શીખવા માટે બે કે તેથી વધુ માનવ ભેગા થાય  એટલે ભાષા આવડવા માંડે. તેથી આ પુસ્તકમાં
અનેક જૂથ પ્રવૃત્તિઓ તેમજ જોડી પ્રવૃત્તિઓ મૂકી છે.
@ વર્ગમાં વિદ્યાર્થીઓ ઊભાં થાય, થોડાં હાથ-પગ-જીભ હલાવે, થોડી કૂદાકૂદ કરે તે વિદ્યાર્થીઓ માટે
મજેદાર હોય છે. તેનાથી ખલેલ પહોંચે એવું લાગે  તો પણ  વિદ્યાર્થીના મગજના વિકાસ માટે સમયાંતરે
થતી શારીરિક ક્રિયાઓ ખૂબ જરૂરી છે, તેવું સ્વીકારવું .
@ માહિતી → અર્થગ્રહણ → સમજ → ઉપયોગ ——— સર્જન એવી નિસરણી દ્વારા
આપણે કલ્પનાશીલ બનીએ છીએ. આ પુસ્તકમાં કવિતાઓ, વાર્તાઓ, પ્રસંગો એવી રીતે રજૂ કર્યાં છે કે
જેથી વિદ્યાર્થીઓના અનુભવ, પૂર્વજ્ઞાન અને કલ્પનાશક્તિ અધ્યયનમાં જોતરાય. 

@ પાઠ્યપુસ્તકમાં ઇરાદાપૂર્વક પીરસવામાં આવેલી ભાષા અને વિદ્યાર્થીઓએ ઘર-કુટુંબ-શેરી-મહોલ્લા-
પાર્ટીમાંથી ગ્રહણ કરેલી ભાષાનો સંગમ કરવામાં આવ્યો છે. 
@ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુખર રીતે બહુભાષિતાને પ્રોત્સાહન આપે છે. N.C.F. (National
Curriculum Framework)  અને રા.શિ.ની. 2020ને અનુસરીને આ પાઠ્યપુસ્તકમાં અન્ય
ભારતીય ભાષાઓને ગુજરાતી ભાષા સાથે પ્રગટ રીતે સાંકળવામાં આવી છે.
@ આ પાઠ્યપુસ્તકની સંરચનામાં કેટલીક ખાસ થિયરી અને સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
તેની વિગતો પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ સ્પષ્ટ કરેલી છે. 
@ ‘પલાશ’ એવું પુસ્તક બન્યું છે કે જેમાં શિક્ષકનો રોલ એક મિત્ર બની રહેવાનો છે, કારણ બાળક
પોતાની જાતે વાંચન કરી સૂચના મુજબ પ્રવૃત્તિ કરતો રહે તેવું તેનું ફોર્મેટ છે. કદાચ એવું પણ બને કે થોડા
હોશિયાર બાળક તો શિક્ષક કરતા આગળનાં પાનાંઓમાં ગતિ કરવા લાગશે. 
@ ‘શું’ નામના પાઠ્યપુસ્તકની સફળતા ‘કેવી રીતે’ નામના વર્ગકાર્ય દ્વારા સિદ્ધ થાય છે – તે
સુવિચારના વિચારવિસ્તાર તરીકે અમે આ પુસ્તકને ‘મેનુ ડ્રિવન’ એટલે કે ‘જુઓ અને કરો’ ટાઇપનું
બનાવ્યું છે. લર્નિંગ મૅન્યુઅલ જેવા આ પુસ્તકને કોઈ પણ સજાગ શિક્ષક વિદ્યાર્થીઓની સક્રિયતામાં
પલટી શકશે.
એક સાથે સમૂહમાં કોઈ બાબતને  સોશ્યલ મીડિયા કે શિક્ષક સમૂહોમાં વખોડી કાઢવાથી આપણું ભવિષ્ય
પાછળ ઠેલાશે  એ આપણે ભૂલવું ન જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં બધું જ ચાવી ચાવીને
આપણે ગળે ઉતારવાની જે પ્રક્રિયા આવી છે ત્યારે આપણાં મગજને ભલે થોડી કસરત ચોક્કસ થાય.
‘પલાશ’ પુસ્તક આપણને થોડીક ક્ષણ માટે પ્રશ્નાર્થ બનીને ઉભું રહેલું લાગે તો પણ તેના ઊંડાણમાં
જઈને વિચારવા જેવું આ પુસ્તક છે એવું  હું સ્પષ્ટ રીતે માનું છું.

હું આ પુસ્તકના સૌ મિત્રોને, એમના લેખકોને, સલાહકારને અને સંસ્થાઓને GCERT 
અને પાઠ્યપુતકમંડળ ને અભિનંદન આપું છું અને આમાં કોઈ ટેક્નિકલ વાતો આપણને 
અજમાયશ દરમિયાન મળે તેનો સુધારો કરીને બાકીનું as it is આગળ ધપાવવા માટે વિનંતી કરું છું.

 ભદ્રાયુ વછરાજાની (PhD in Education)  
9898920333  

email : bhadrayu2@gmail.com 
YouTube: https://www.youtube.com/@bhadrayuvachhrajani 
Facebook: https://www.facebook.com/bhadrayu.vachhrajani
Blog: https://bhadrayu.wordpress.com/ 
Instagram: https://www.instagram.com/bhadrayuvachhrajani/