
નીતિ શતકમાં ધર્મનું નિરૂપણ છે, શૃંગાર શતકમાં અર્થ અને કામનું આલેખન છે, તો વૈરાગ્ય શતકમાં મોક્ષનું મહત્વ છે.
કાર્તિકી પૂર્ણિમા સંવત 2045 ની એક નોંધ છે, જોશીપુરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢના પ્રિન્સિપાલ મનસુખલાલ સાવલિયા, જેમણે આ ત્રણેય શતકો ના અનુવાદ ના પુસ્તકો બહાર પાડ્યા છે. તેમના નિવેદનમાં આપેલી વાત બહુ જ સહજતાથી આ ત્રણેય શતકો વિશે વિચારણા કરતા કરી મૂકે છે:
“આપણી સંસ્કૃતિ એ ચાર પુરુષાર્થોનું જીવનમાં મહત્વ સ્વીકાર્યું છે અને તેનું ગૌરવ કર્યું છે. આ ચાર પુરુષાર્થો માંથી અર્થ અને કામને એક ગણી લઈએ તો ત્રણ પુરુષાર્થ થાય, ધર્મ, અર્થ+કામ અને મોક્ષ. સંસ્કૃત સાહિત્યમાં રાજર્ષિ યોગેન્દ્ર ભર્તૃહરિના ત્રણ શતકો નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક આ ત્રણ પુરુષાર્થોનું પ્રતિબિંબ પાડે છે. નીતિશતકમાં ધર્મનું નિરૂપણ છે, શૃંગાર શતકમાં અર્થ અને કામ નો આલેખન છે, તો વૈરાગ્ય શતકમાં મોક્ષનું મહત્વ છે. અર્થ અને કામથી આ સરસ સંસારનું સર્જન અને સંચાલન થાય છે તો કામ આ સૃષ્ટિનું મૂળ છે, એ ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય અને જો સૃષ્ટિ જ ન હોય તો ધર્મનું પાલન અને મોક્ષની પ્રાપ્તિ કોણ કરે? માટે કામ અને તેની સર્વ લીલાઓ ઉપર શૃંગાર આવશ્યક છે, આ કારણે જ જેમણે ઇન્દ્રિયોને જીતી હતી તેવા મહાયોગી ભર્તૃહરિએ શૃંગાર શતકનું નિર્માણ કર્યું છે.
ભાવનગરના ચિંતક અને ન.ચ. ગાંધી વિદ્યા સંકુલના પ્રચાર્ય શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી સુંદર વાત લખે છે. તેઓએ પુસ્તકમાં પોતાના નિવેદન માં જણાવ્યું છે કે, ભર્તૃહરિના ત્રણેય શતકો સમયનદમાં વહેતા વહેતા સેંકડો વર્ષોથી પેઢી દર પેઢીનો આદર જીલતા રહ્યા છે અને મનુષ્ય જીવતો હશે ત્યાં સુધી આદર મેળવતા રહેશે, પણ એનું રહસ્ય શું હશે ? મનુષ્ય જીવનને ઘડવામાં જે અનુભવો ભાગ ભજવે છે તે અનુભવોને ભર્તૃહરિ એ પ્રસાદિક, સુગઠિત અને સંસ્કારી ભાષામાં રજૂ કર્યા છે. તેના કારણે કદાચ આજે પણ આ શબ્દકો લોકપ્રિય છે. આ બધા મુક્તકો આજે ભલે પ્રસ્તુત ન લાગે, સૌને પૂર્ણ ન લાગે, જીવનને સમજવામાં અને વિકસિત કરવામાં મહત્વનો ફાળો આપે છે માટે તો તેને સુભાષિત સંગ્રહમાં મળે જ સ્થાન મળે છે.
હાલ અમરેલીમાં જીવનના શતકની નજદીક પહોંચેલા પ્રકાંડ ચિંતક અને સંસ્કૃત સાહિત્યના નખશિખ પ્રાધ્યાપક ડો. વસંતભાઈ પરીખ શૃંગાર શતકને એક વિશિષ્ટ રૂપમાં મૂલવે છે. તેઓ કહે છે કે, “શૃંગાર શતક એ જાતીય શિક્ષણનું નરવું પાઠ્યપુસ્તક છે. તેઓના શબ્દોમાં માણીએ કે, મનુષ્યમાં કામલતા રૂપે વિકસે છે, જ્યારે એમાં યૌવનના પુષ્પ ખીલે છે ત્યારે અનાવિલ સૌંદર્યની અનુભૂતિ થાય છે. એ પુષ્પમાં રહેલ રસને શૃંગાર કહે છે. શૃંગારની પરિણતિ ‘પ્રેમ’ રૂપી ફળ માં આવે છે. આ શૃંગાર નર-નારી ના તન-મનમાં આશ્લેષમાં જીવંત રહે છે. આ સ્વાભાવિક જીવનધારા ને ‘સેક્સ’ જાતીય વૃત્તિ એવું નામ આપ્યા પછી સંસ્કાર-રક્ષાનો ગુરુ ધ્વજ સ્વ પ્રેરણાથી ઊંચકીને ફરનાર ઉન્નતભ્રુ પંડિતો તેને વર્જિત-જુગુપ્સિત ગણી, સમાજને- ખાસ કરીને યુવાનોને તેનાથી દૂર રાખવાનો અસ્વાભાવિક પ્રયત્ન કરે છે. તેનાથી વિપરીત પરિણામ આવે છે. અને યુવાનો સેક્સને કોઈ રહસ્ય સમજી તેને ગમે તે રીતે પાળવા પ્રયત્ન કરે છે, તેમાં વિજ્ઞાન ખોવાઈ જાય છે, કલા કરમાઈ જાય છે અને એક વિકૃત-રોગી મનોદશા ઉપજે છે. એટલે જ હવે જાતીય શિક્ષણની મહત્તા સ્વીકારાવા લાગી છે . અને જો એવું શિક્ષણ આપવું હોય તો ભર્તૃહરિ નું શૃંગાર શતક તે માટેના પ્રાથમિક જ્ઞાનનું એક આદર્શ પાઠ્યપુસ્તક બની શકે તેમ છે.”
શ્રી વસંતભાઈ પરીખ આગળ ઉમેરે છે કે, ભર્તૃહરિ એ સેક્સનો સહજ સ્વીકાર કર્યો છે. તે કહે છે કે પાંદડાં ખાનારા, પરાશર, વિશ્વામિત્ર જેવા વનવાસી ઋષિઓ પણ કામમુક્ત નથી રહ્યા તો ઘી દૂધના ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાનારા નાગરિકો પાસેથી કઈ આશા રાખો છો ?? અને પંડિતો પણ કમલ નયના રમણીને ન જુએ ત્યાં સુધી શાસ્ત્ર ચર્ચા કરે છે. તેથી આ સંસારમાં સુંદરીથી વિશેષ રમણીય બીજું કાંઈ નથી એમ સમજી જ લેવું, સાથે સાથે અમર્યાદ ભોગ કે પ્રેમભાવ વિનાના કામથી ચેતવાનું પણ સૂચવવામાં આવ્યું છે એટલે જ વેશ્યાગમનને તેણે વર્જ્ય ગણ્યું અને વળી,તન ની સાથે મનનો મેળ અનિવાર્ય માણ્યો. विरहोपि संगम: खलु, परस्परं संगतं मनयेषाम એમ કહીને કામ કરતાં પ્રેમના મહત્વને તેણે સ્પષ્ટ કર્યું છે.”
આ ત્રણેય શતકોનું ખૂબ શુદ્ધ ગુજરાતીમાં ભાષાંતર અનુવાદનું વાદ મૂળ શ્લોક સાથે રાખીને સમશ્લોકી મધુર પદ્યાનુવાદ તરીકે શ્રી મનસુખભાઈ સાવલિયાએ તૈયાર કરેલ છે અને તેને પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં સરળ અને કલાત્મક ગદ્ય અનુવાદ પણ આપેલો છે. આ પુસ્તકોમાં આરંભમાં ભર્તૃહરિનું જીવન કવનનો વિસ્તૃત પરિચય આપીને આ સંપાદનને વધુ સંતર્પક બનાવવાનો પ્રયાસ થયો છે. (ક્રમશ:)
