by Bhadrayu Vachhrajani | Jul 28, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
સૌરાષ્ટ્રની ધારાસભાની એ છેલ્લી બેઠક. પ્રેક્ષક ગૅલરીમાં એક યાજ્ઞિક ઉપસ્થિત… બે પ્રસંગો આજે પણ એ યાજ્ઞિક આંખ બંધ કરે છે ત્યારે નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. (૧) ગિરાસદારી ઍબૉલિશન ઍક્ટ અંગે કશ્મકશ ટોચ પર હતી. બે કલાકની જબરી માથાકૂટ પછી ગરાસિયાઓ સાથે સમાધાન થયું ને શ્રી ઢેબરભાઈ હસતા હસતા ધારાસભામાં દાખલ થયા! (૨) સૌરાષ્ટ્રની ધારાસભાની છેલ્લી બેઠકમાં શ્રી બાબુભાઈ વૈદ્ય ઊભા થયા અને શાકુન્તલમાંથી શ્લોક બોલ્યા : શ્રેયમ્ યાતિ શકુંતલા.. આપણે જેને પાળી પોષીને મોટી કરી તે શકુંતલા જેવી આપણી સૌરાષ્ટ્ર ધારાસભા’ નામધારી કન્યાને આજે આપણે મુંબઈ રાજ્યને સોંપવાની છે. આ કન્યાવિદાયનો પ્રસંગ છે.’ સભાગૃહમાં સન્નાટો હતો અને પ્રેક્ષકગૃહમાં ઉપસ્થિત યાજ્ઞિકની આંખમાં પાણી… સ્વયં સ્પષ્ટ, મૃદુ પણ મક્કમ શ્રી કુલીનચંદ્ર યાશિક આજે ૮૭ વર્ષની ઉંમરે પણ આ વાતો વાગોળતાં લાગણીવશ થઈ જાય છે. લગાવ છે અકબંધ તેઓનો જિવાયેલી વિરલ યાદગાર પળ સાથેનો…
ગુજરાત જેમનું સદૈવ ઋણી છે અને રહેશે તે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના ચર્ચરાભાઈ શ્રી કુલીનચંદ્ર યાશિક, વતન નડિયાદ. જન્મ મોસાળ પેટલાદમાં. પિતાશ્રી અંગ્રેજી અને સંસ્કૃતના આદર્શ શિક્ષક, સરકારી મૉડલ હાઈસ્કૂલ ગોધરામાં. જિલ્લા દીઠ એક હાઈસ્કૂલ ત્યારે એટલે કલેક્ટરશ્રી પણ માન આપતા હાઈસ્કૂલના શિક્ષકને! પ્રાથમિકનાં છ વર્ષ ગોધરાની મિશનરીઓની સ્કૂલમાં કુલીનચંદ્ર ભણ્યા. માતૃભાષા અને સંસ્કૃત ત્યાં ઉત્તમ ભણાવે. વર્ગમાં બે જ સવર્ણ બાકી ખ્રિસ્તી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ છતાં ભેદભાવ લગીરે ભાસતો નહીં. રોજ સાંજે છેલ્લો પિરિયડ વાડીકામનો. દરેક વિદ્યાર્થીને ૪૪૪ની ક્યારી આપેલી તેમાં ઉગાડવાનું, લણવાનું! બળદગાડીમાં નિશાળે જવાનું ને ૧૯૩૩-૩૪માં રૂ. ૪૫માં ખરીદેલી હરક્યુલસ નાની સાઇકલ પર આંટા માર્યા કરવાના! હાઈસ્કૂલ નડિયાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ભણેલા તે સ્કૂલમાં. પિતાજી વલ્લભભાઈના વર્ગસાથી. પોતે મિડલ સ્કૂલથી પહેલો નંબર તે છેલ્લે સુધી… તેથી સ્કૉલરશિપ સળંગ મળતી રહી. રોજ છેલ્લો પિરિયડ ગેમ્સનો. અઠવાડિયે એક પિરિયડ એસ. આર. (સ્પેશિયલ રીડિંગ)નો અને અઠવાડિયે બે પિરિયડ ચિત્રકામના! (આજે આ બધા પિરિયડ ક્યાં ખોવાય ગયા છે? તેની શ્રી યાશિકને મૂંઝવણ છે.)
શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નથી, પણ આજે જીવન શાસ્ત્રરત છે, કારણ કુટુંબ અને ઉછેર અવૈધિક રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ! રોજની દિનચર્યા જ શાસ્ત્રમય. માતા જાગે ત્યારથી બુલંદ અવાજે અસ્ખલિત શ્લોકો બોલ્યા જ કરે અને રાત્રે જમ્યા પછી નવાં નવાં આખ્યાનો રોજ ગાય. પિતાજી સવારે પાઠશાળામાં સંસ્કૃત અધ્યયન કરે, બપોરે શાળામાં સંસ્કૃત ભણાવે અને જમતાં પહેલાં સંધ્યાટાણે છોકરાંઓ સાથે શ્લોકોનું પઠન કરે. અંધારાં પહેલાં ઘરમાં ઘૂસી જવાનું. મા રાંધે ત્યાં સુધીમાં ત્રણ ભાઈબહેન હીંચકા પર હીંચકે, પિતા પરસાળમાં આંટા મારે, એક શ્લોક હીંચકા પરથી તો સામે એક શ્લોક પરસાળમાંથી! આમ, અજાણતાં જ કેટલાય સુભાષિતો-શ્લોકો- આખ્યાનો કુલીનચંદ્ર યાજ્ઞિકને કંઠસ્થ છે. કુટુંબ ભાવના પ્રબળ. કાકાના દીકરાને ટાઇફૉઇડ થયો. કાકા ન્યાયાધીશ. શિક્ષક પિતાશ્રીએ કહ્યું, દર્દી દીકરાની સંભાળ લેવા હું રજા લઈશ કા૨ણ મારો પગાર ઓછો છે એટલે (ઓછો) પગાર કપાય તો કુટુંબને આર્થિક સંકટ ઓછું આવે. દીકરા માટે ‘ન્યાયાધીશ’ પિતાએ રજા ન લીધી, ‘શિક્ષક’ કાકાએ રજા લીધી. કાકીએ કહ્યું : ઘરમાં એક દીકરો કેરી નથી ખાય શકવાનો એટલે હું ય કેરી નહીં ખાઉં… જો કે, એ સિઝનમાં ઘરમાં કેરી આવી જ નહીં!! મોટાભાઈ લૉનું ભણ્યા ને નડિયાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ જામતાં વાર લાગે એટલે કુલીનચંદ્ર યાજ્ઞિકના પિતાશ્રીએ શિક્ષકની નોકરી લઈ લીધી. શૉ મસ્ટ ગૉ ઑન’ તો કુટુંબની ભાવનાએ શીખવ્યું.
એક વર્ષ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછી M.A. સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ભણવાનું થયું. ઑગસ્ટ ક્રાંતિની ચળવળ વખતે ગુજરાત કૉલેજમાં (સાક્ષરવર્ય) શ્રી ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી ફટકારેલી તે દૃશ્ય કૉલેજની અગાશીમાંથી યાજ્ઞિકજીએ જોયેલું. શહીદ કિનારીવાલાના ક્લાસમાં જ કુલીનચંદ્ર ભણતા. સરદાર પટેલનાં બે યાદગાર ભાષણો સાંભળ્યાનું પાક્કું સ્મરણ છે. જો કે, ગુજરાત કૉલેજમાં ત્યારે અશિસ્ત અને ટીખળ બહુ. કોઈને વર્ગમાં કોઈ સાંભળતું નહીં. એક શ્રી દાવ૨સાહેબના વ્યાખ્યાનમાં પિન ડ્રૉપ સાઇલન્સ. ગુજરાતીના પ્રખર પ્રાધ્યાપક અનંતરાય રાવળના વ્યાખ્યાનમાં પણ ઘોંઘાટ, વાતો, ઘાંટો પાડવા, ગોકીરો!! વિલ્સન કૉલેજ, મુંબઈમાં આનાથી સાવ જ ઊલટું. ત્યાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીને પ્રવેશ ન મળતો કારણ ચળવળિયાની છાપ! કુલીનભાઈને માંડ માંડ પ્રવેશ મળ્યો. ત્યાં પૂર્ણ શિસ્ત-શાંતિ-અભ્યાસનું વાતાવરણ… તે વખતે વૉકેશનલ ગાઇડન્સ જેવું કંઈ નહીં, અને પોતે સૅલ્ફ મોટિવેટેડ નહીં એટલે અવલંબનનો આધાર જરૂરી બને. સંસ્કૃતની સ્કૉલરશિપ જતી કરીને ઇકૉનૉમિક્સમાં આવ્યા. બસ, ઇકૉનૉમિક્સ હોય તો નોકરી જલ્દી મળે તેવો ભ્રમ! M.A. સાથે LL.B. કર્યું. બન્નેમાં ધ્યાન અપાયું નહીં. અધ્યાપકો ધૂરંધર સી. એન. વકીલ, જે. જે. અંજારીઆ, દાંતાવાલા. જુનિયરમાંથી સિનિયરમાં આવ્યા ત્યારે કુલીનચંદ્ર યાજ્ઞિકજીએ ડ્રામેટિક્સમાં ઝંપલાવ્યું. ‘કાકાની શશ’ નાટક કર્યું. કાકાનો રોલ કર્યો અને દિગ્દર્શન પણ. વિનોદ અધ્વર્યુ સાથે મળીને આ નાટકનો બીજો શૉ પણ કર્યો ને ફંડફાળો ઉઘરાવી વિલ્સન કૉલેજમાં લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ઉમેરી ત્યાં ગુજરાતી વિષય પણ દાખલ કરાવ્યો! ૧૯૫૦માં IASમાં બેઠા, પાસ પણ થયા પરંતુ M.A.ની પરીક્ષાના કારણે ઇન્ટરવ્યૂમાં નાપસંદ થયા. IASમાં ત્રણ વાર બેઠા. મેઇન્સમાં પાસ પણ થતા રહ્યા. બે વાર ઇન્ટરવ્યૂમાં સફળ ન થયા અને ત્રીજીવાર વધુ ઉંમરને કારણે બોલાવ્યા જ નહીં !
આમ છતાં કુલીનચંદ્ર યાજ્ઞિક IAS થયા. ૧૯૫૧માં મામલતદાર તરીકે જોડાયને કોઈ IAS થાય અને સેક્રેટરી કક્ષા સુધી પહોંચે એવું ભાગ્યે જ બને! જો કે પોતે તો આ બાબતને બહુ ગૌણ ગણે છે, સનદી સેવામાં આ કાંઈ બહુ મોટું પરાક્રમ નથી. સરકારમાં કાંઈ ભૂલ ન કરો તો પ્રમોશન મળ્યા જ કરે. ૧૯૫૧માં પ્રોબેશનરી મામલતદારનો બીજો જ બેચ હતો. ઉપર જગ્યા પડવા લાગી અને ૧૯૫૮માં ડેપ્યુટી કલેક્ટર થયો. નાની ઉંમર, પ્રમોશન, જગ્યાઓ વધુ પડવા લાગી તેથી ૧૯૬૮માં IASમાં બઢતી મળી. ૧૯૬૮માં ભરૂચમાં કલેક્ટર થયો. બે વર્ષ રહ્યો. ૧૯૭૦માં ૬.૫નો ધરતીકંપ થયો. મારી ડાંગ બદલી થઈ ગયેલી. ગવર્નરશ્રીએ ચાર્જ ન છોડવા કહ્યું અને ભરૂચમાં પુનઃસ્થાપનનું કામ કરી શક્યો. બે વર્ષ ડાંગ અને પછી ચાર વર્ષ વડોદરા. વડોદરાનો કાર્યકાળ સ્મરણીય. બે રાષ્ટ્રપતિશાસન, ત્રણ સરકાર, કટોકટીની ઘોષણા અને નવનિર્માણનું આંદોલન! જીવનની ક્રાઇસિસમાં અદ્ભુત શીખવાનું મળ્યું. વિદ્યાર્થીઓ બધી કોમના આગેવાનો-પદાધિકારીઓ સાથેના મારા માનવીય સંબંધોએ મને મદદ કરી. નવનિર્માણ આંદોલનમાં વડોદરા ઘણું મોડું જોડાયું, પ્રમાણમાં ઓછી ખાનાખરાબી થઈ. ગયા વર્ષે નવનિર્માણ સમયના પ્રોફેસરોનું સન્માન એ સમયના વિદ્યાર્થીઓએ કર્યું ત્યારે તે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને ખાસ આમંત્રણ હતું. કારણ એવું અપાયેલું કે એ વખતે વડોદરાના કલેક્ટર તરીકે શ્રી યાજ્ઞિકસાહેબ હતા એટલે બહુ ઓછી જાનહાનિ થઈ! અમદાવાદ પોળ સામેની દરગાહ કોમી રમખાણોમાં તૂટેલી તે ફરી બાંધવાનો આદેશ હતો. યાજ્ઞિકસાહેબે મેમણ અગ્રણી ગુલામ મહંમદને બોલાવી પૂછ્યું : દરગાહ ફરી બંધાશે તો તમે સાચવી શકશો ખરા? તેના બદલે ત્યાં ટ્રાફિક આઇલૅન્ડ કરી ફૅશનેબલ થોર વાવીએ તો? શ્રી યાજ્ઞિકસાહેબ કહે છે કે, મુસ્લિમો વતી ગુલામ મહંમદે અને હિન્દુઓ વતી મેયર ડૉ. ઠાકોરભાઈએ લીલી ઝંડી આપી અને અમે રાત્રે ૧૨થી સવારે ચારની વચ્ચે તે જગ્યા પર ટ્રાફિક આઇલૅન્ડ બનાવ્યો! વડોદરામાં પછી રમખાણો થયાં છે, પણ આ જગ્યાને લઈને નહીં.
ગવર્નરશ્રીના સેક્રેટરી અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી બન્ને પદે એક જ વ્યક્તિ રહી હોય તેવું ભાગ્યે જ બને. યાજ્ઞિકસાહેબે સુપેરે એ નિભાવ્યું. નિવૃત્તિ પછી બે વખત એક્સટેન્શન મળ્યું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઍક્ટનું ડ્રાફ્ટિંગનું પાયાનું કામ સંભાળ્યું. જિંદગીની મોટામાં મોટી ચૅલેન્જ તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું (પ્રથમ) કુલપતિપદ. જે બધું શીખેલા તે યાજ્ઞિકસાહેબે પાટણમાં ખર્યું. ગામડા જેવું શહેર અને ત્યારે લોકલ ખટપટ નહીં. અભણને પણ વિદ્યા માટે પ્રેમ! જમીન સરકારે આપવાની હતી, પણ પંચાયત પ્રમુખ કબજો ન આપે. યાજ્ઞિકસાહેબે માનવીય સંબંધોનો સેતુ જબરો રચેલો. તેમણે એલાન કર્યું લોકો સમક્ષ : યુનિવર્સિટીને જમીન નહીં મળે ત્યાં સુધી પાટણમાં રાંધેલી રસોઈ નહીં જમું!’ પાટણે હડતાલ પાડી. સજ્જડ બંધ. યુનિવર્સિટીના કર્મચારીઓને ચા પણ ન મળી, કારણ એક પણ રેંકડી ચાલુ નહીં. અસ૨ થઈ. જમીન મળી અને કલિકાલ સર્વજ્ઞની ચિર સ્મૃતિ બની. યાજ્ઞિકસાહેબે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ માટે બુધવારિયું’ શરૂ કર્યું. એમાં ચૌદ મહિના સુધી દર ગુરુવારે ગીતા વાચન કર્યું; વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષામાં જનરલ ઑપ્શન તમારું ભાવિ બગાડશે; ગુજરાતમાં બંધ થઈ ગયેલ યુવક મહોત્સવ શરૂ કરાવ્યા. કુલપતિ તરીકે વર્ષમાં એકવાર દરેક કૉલેજમાં ગયા, સમારંભ રાખીને નહીં. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને માત્ર મળવા, વાતો કરવા. યાજ્ઞિકસાહેબે એક જ કારકુનને સાથે રાખી યુનિવર્સિટીનું મુખપત્ર ઉદ્દીચ્ચ’ શરૂ કર્યું. પહેલા જ વર્ષે ઉદ્દીચ્ચ’ના બાવીસ અંકો તો સહકારી મંડળીઓએ સ્પોન્સર કર્યા. વહીવટ, શિક્ષણ અને શાસ્ત્રની ત્રિવેણીમાં આનંદથી જીવતા કુલીનચંદ્ર યાજ્ઞિક પાસેથી વિલ્સન કૉલેજ, મુંબઈના ગૃહપતિ ડૉ. ટેલરની સ્મૃતિઓ પેટભરીને સાંભળવી એક લહાવો છે!
by Bhadrayu Vachhrajani | Jul 27, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ લખે છે કે, “અદ્વૈતનું ખરું રહસ્ય મને ઉપનિષદોમાંથી સાંપડ્યું. મારું હૃદય ઉપનિષદોમાં સમી ગયું.”
શાહજહાંના મોટા દીકરાનું નામ દારા શીકોહ. એ બહુ મશહૂર હતો, પોતાના ઉદાર અને સ્વતંત્ર ધાર્મિક વિચારો માટે. કમનસીબે તેનું શિરચ્છેદ કરી એનું મૃત્યુ ઔરંગઝેબે કર્યું. પરંતુ આ દારાને વિશેષ વ્યક્તિત્વ તરીકે ઓળખવા જેવો છે.
દારાનો જન્મ અજમેરમાં થયો. બચપણથી જ તેનામાં તત્ત્વદ્રષ્ટિ હતી. લગભગ 17-18 વર્ષની ઉંમરે તે બહુ બીમાર પડ્યો હતો. અજમેરમાં તે વખતે એક મિયાં જીવ નામના મશહૂર ઓલિયા રહેતા હતા. શાહજહાં ખુદ પોતે પોતાના દીકરાને લઈ ઓલિયાની પાસે ગયા. કહે છે કે આ મુલાકાતના પરિણામે તેની બીમારી દૂર થઈ. આ વાત દારાએ પણ નોંધી છે. થોડા દિવસ પછી બાદશાહ પોતાના પુત્રને લઈને ઓલિયાની પાસે બીજી વાર ગયા. એ વખતે પિતા-પુત્ર બંને ખુલ્લા પગે ગયેલા અને અત્યંત વિનમ્ર ભાવે ગયેલા. ઓલીયા પોતાની મેડી ઉપર ખુદાની આરાધના કરતા મગ્ન થઈને બેઠા હતા. એ સંતના મોઢા ઉપર આધ્યાત્મિકતાની આભા પ્રકાશતી હતી. બાદશાહે અને શાહજાદાએ ઓલિયાની કદમબોસી કરી. ઓલિયાએ પોતે ચાવેલું એક લવિંગ જમીન ઉપર થૂંક્યું. દારાએ એ લવિંગ પોતાના મોઢામાં મૂકી દીધું. શાહજાદના હૃદયમાં આનંદનું એક અદ્ભૂત ઝરણું આ લવિંગ ખાધા પછી વહેવા લાગ્યું. એના અંગે અંગમાં અપૂર્વ ચેતના દોડવા લાગી. અને આ વિચિત્ર અનુભૂતિથી તે સદંતર પલટાઈ ગયો. તેનું હૃદય ઓલિયામય બની ગયું.એમના દર્શનની તૃષ્ણા એને રાત અને દિવસ રહેવા લાગી.
ત્રીજી વખત પોતે એકલો ગયો. આ મુલાકાતમાં મિયાં જીવે દારાના હૃદય ઉપર હાથ ફેરવ્યો. જોતજોતામાં શાહજાદો ચેતનાનાં મનોનિત પ્રદેશમાં જાણે કે ઉડવા લાગ્યો. એમને ઇન્દ્રિયાતીત વસ્તુની ઝાંખી થઈ. જયારે તેણે આંખો ખોલી ત્યારે પેલા સંત પુરુષ તેના તરફ કોમળ દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.
‘બેટા, મારું દિલ અને મારી નજર તેં કબજે કરી દીધા છે.’ ઓલિયાનાં શબ્દો સાંભળી દારાએ પોતાનું માથું એના ચરણમાં મૂકી દીધું અને આનંદના અશ્રુ ઓલિયાનાં ચરણે ઢાળ્યાં. આ બનાવ પછી શાહજાદો અભેદ માર્ગનો જાણે કે પ્રવાસી બની ગયો. ‘બાદશાહનામા’, અને ‘સકીનત ઉલ ઓલિયા’ એવા બે પુસ્તકોમાં હમણાં કહી તે વિગતો છે. ‘સકીનત ઉલ ઓલિયા’માં દારાના ગુરુ તથા પોતાના ગુરુબંધુ અને શિક્ષક મુલ્યાશાહનું વૃતાંત દારાએ આપ્યું છે. દારાને સુફી માર્ગનું, અને ઉપનિષદનું ગુઢ જ્ઞાન આપનાર આ મુલ્લાશાહ એક અદભુત વ્યક્તિ હતા. દારાની આધ્યાત્મિક દૃષ્ટિ માટે મુલ્લા શાહ પોતે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા હતા, તેનો ખ્યાલ મુલ્લાશાહે દારા માટે રચેલી ગઝલો ઉપરથી આવી શકે છે. દારા પોતે ગુરુ થઇ શકે એટલો આગળ વધ્યો હતો છતાં પોતાનો જરા પણ અધિકાર નથી એવું તે વિનમ્રતાપૂર્વક જણાવી કોઈને પણ સુફી મત નું શિક્ષણ આપવા તૈયાર થતો ન હતો.
એક સરસ પ્રસંગ છે. કોઈ એક પ્રસંગે દારા કાશ્મીર જતો હતો. ત્યારે મુલ્લાશાહે વિનંતી કરી કે, ‘યારોમાં જો કોઈ જ્ઞાની હોય તો તે તમે છો. તો યારો ને બોધ આપવો એ તમારી ફરજ છે.’ જવાબમાં દારા હસ્યો અને મુલ્લાશાહને એટલું કહ્યું, ‘મારી મુક્તિ માટે ખુદાતાલા ને વીનવજો’. યોગ માર્ગમાં દારા કેટલો આગળ વધ્યો હતો તેની જાણ દારાના સ્વમુખેથી એક હકીકત ઉપરથી થાય છે. આ હકીકત પ્રાણનિરોધની છે.
‘એકવાર મુલ્લાશાહે મને કહ્યું કે, આપણા કાદરી સંપ્રદાયમાં પ્રાણનિરોહ મુખ્ય વસ્તુ છે, ઇસ્લામનાં બીજા સંપ્રદાયોમાં આ વસ્તુ નથી. હું તમને પ્રાણનિરોધનું રહસ્ય સમજાવીશ’. અને દારા કહે છે કે, મુલ્લાશાહે મને પ્રાણનિરોધ શીખવ્યું. હું પ્રાણનિરોધ કરવા માંડ્યો, અને આરંભમાં ઘણી મુશ્કેલીઓ પડી. લાંબા સમયના અભ્યાસ પછી મને યાદ છે કે હું આખી રાત ફક્ત બે શ્વાસથી પુરી કરી શકતો. કેટલીક વાર મને એવી તો મુશ્કેલી પડતી કે જાણે મારી જિંદગીનો ચિરાગ બુજાઈ જશે. દારા એ પણ કહે છે કે, મુલ્લાશાહે પોતાને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી, અને સ્વપ્ન પછી પોતાને જ્ઞાનનો પ્રકાશ થયેલો.
દારાને ઉપનિષદો પ્રત્યે કેવી રીતે આકર્ષણ થયું એ વાત પણ રસિક છે. એમણે ઉપનિષદોનું ‘ સિર-ઈ-અકબર’ એ નામે ફારસી માં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર એવું તો સરળ અને રસથી છલકાતું છે કે ફારસી ગદ્યમાં તેનું સ્થાન બહું ઉંચુ છે. દારા એક તત્વ શોધક હતો. જીવનનું અંતિમ તત્વ, અંતિમ આધાર શું છે તેની શોધમાં તે રચ્યો પચ્યો રહેતો. તે લખે છે કે, બીજા અનેક ધર્મ પુસ્તકો પોતે વાંચી ગયો,પરંતુ આખરી તત્વ પામી શક્યો નહિ. અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું. તેનું હૃદય ઉપનિષદોમાં સમી ગયું. એ કાશ્મીરમાં પોતે હતો ત્યારથી મુલ્લાશાહની અસર હેઠળ આવેલો. કુરાને શરીફના ગુઢ રહસ્યો તેને મુલ્લાશાહે સમજાવેલા, અને સાથે સાથે ઉપનિષદના રહસ્યો પણ ઠસાવેલા. બાઈબલનાં બંને કરારોનો પોતે અભ્યાસ કરેલો. પરંતુ અદ્વૈત સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન ઉપનિષદોમાંથી પામ્યો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેણે હિન્દુ તત્વદર્શનનો અથ થી ઈતિ અભ્યાસ શરૂ કર્યો. વેદોની અંદરની ગુપ્ત વાતો તેણે ઉપનિષદ દ્વારા સમજી, જાણી અને આખરે પોતે ઉપનિષદોનું ફારસી ભાષાંતર કરવા લાગ્યો. ભાષાંતર કરવામાં તેણે ફારસીના પંડિતોની તથા સંન્યાસીઓની મદદ લિધી. દારા નોંધે છે, ‘આધ્યાત્મિક વસ્તુનાં અગમ્ય અંકોડાઓ મને ઉપનિષદોમાંથી જડ્યાં છે. એ અગમ્ય બાબતો મને કોઈ પણ બીજા ધર્મ પુસ્તકોમાંથી મળી નહિ. કુરાને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે. ઉપનિષદો કુરાનનું સમર્થન કરે છે. કુરાનનાં 56 માં પ્રકરણમાં 77, 78, 79 સૂત્રો જે ગુઢ પુસ્તકનો આડકતરો નિર્દેશ છે તે મારી સમજ પ્રમાણે ઉપનિષદને લગતો છે. ઉપનિષદો એ ગુઢ વિદ્યાઓ છે. અને કુરાનનો એકેશ્વરવાદ એમાં આદિથી અંત સુધી ભર્યો પડ્યો છે. તેથી હું માનું છું કે જે ગુઢ પુસ્તક ‘કિતાબે મકનુન’ બાબત કુરાનમાં ઉલ્લેખ છે, એ ગુઢ પુસ્તક એટલે ઉપનિષદ છે. આનું ભાષાંતર કરવામાં ખ્યાતિનો લોભ નથી પરંતુ જ્ઞાનના પ્રચારની તમન્ના છે. જેઓના હૃદયમાં મતમતાંતરની ધૂન નથી, જેઓને સાંપ્રદાયિક રાગ-દ્વેષો નથી, જેઓ માત્ર ઈશ્વરના દર્શનનાં જ ભૂખ્યા છે, તેવા મુમુક્ષોઓ અર્થે ઈશ્વરની વાણી સમાન આ પુસ્તકનો હું અનુવાદ કરું છું. તે જેના હૃદયમાં ઉતારશે તેના રાગ, ભય અને ક્રોધ એ તમામ દુશ્મનો તારાજ થઈ જશે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 21, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
નાથ પરંપરાના શિષ્ય નાથાલાલ ગોહિલનાં માતા–પિતાએ જીવતા સમાધિ લીધી !!
ઈ.સ. ૧૯૪૮માં તા.૧૫ ડિસેમ્બર સંવત ૨૦૦૫ માગશર સુદ પાંચમને રવિવાર સવારના આઠ કલાકે સિલોદર (તા.કેશોદ, જિ.જૂનાગઢ) ગામે મેઘવાળ-વણકર સમાજમાં પ્રજ્ઞાચક્ષુ પિતાશ્રી ઉકાભગત અને માતાશ્રી વીરબાઈમાને કૂખે નાથાલાલનો જન્મ થયો. ખોટનો દીકરો હોવાથી જન્મતાંની સાથે નાક વીંધી ખંડિત કરવામાં આવ્યું ને નામ ‘નાથો’ રાખવામાં આવ્યું.
ઈ.સ. ૧૯૫૧માં માત-પિતાના મુખેથી સાંભળેલું કે, ભાઈ ! તું વરસ સવા વરસનો થયો હતો, ત્યારે તાવ અને ઝાડાથી શરીર સાવ નંખાઈ ગયેલું, લગભગ બચવાની આશા જ નહોતી રહી, દેશી ઓસડિયાંથી જાણે કે થાકી-હારી ગ્યાં’તાં. ત્યારે અમારી આસ્થાનું થાનક હતું એના શરણે ગયાં’તાં. અમે બંને જૂનાગઢ-ગિરનાર સવરામંડપની જગ્યામાં નાથજોગી સેવાનાથ મહારાજ અને તેમના શિષ્ય વેજનાથ મહારાજ પાસે ગયાં. નાથજોગીને ચરણે ધૂણા પાસે તને મૂકીને કહ્યું : ‘જોગી આને જીવતો રાખો; ભલે એ નાથજોગી થતો હોય.” સેવાનાથ મહારાજ ઉભા થયા, ધૂણાની ભભૂતિ નાથાને લલાટે લગાડી દીધી. બોલ્યાં : “માઈ! આ નાથાનું રક્ષણ કાલભૈરવ કરશે.” ને આ બાળક એવા કોઈ અલખની આસ્થાના આશિષથી જીવી જાય છે.
ઈ.સ. ૧૯૫૪માં સિલોદર પ્રાથમિક શાળામાં પ્રવેશ, જ્યાં એમણે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે સમયે રતિભાઈ માસ્તર અને શ્રી બાલુભાઈ જોશી (જે હાલમાં ઈતિહાસવિદ, પુરાતત્ત્વવિદ તરીકે ખ્યાત છે અને સોમનાથ-પાટણમાં રહે છે.) જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણનો પાયો બંધાયો. ઈ.સ. ૧૯૫૬માં સંવત ૨૦૧૨ વૈશાખ સુદ અગિયારસને દિવસે નાથાભાઈના પિતા ઉકાભગતે સિલોદર મુકામે “સવરોમંડપ’ કર્યો. આ ધ લોકોત્સવ કે જે, તપ, શ્રદ્ધા અને ભારે જહેમત માગી લે છે. સવરામંડપ વિશે લેખકે તેમના “જ્યોતે ને પાટે પ્રગટયા અલખધણી’ પુસ્તકમાં વિગતે નોંધ મૂકી છે. તે સમયે મંડપની સ્થાપના એક મહિના અગાઉ કરવામાં આવતી હતી. તે સમયે મંડપમાં ગિરનાર જૂનાગઢ સવરામંડપના નાથજોગી વેજનાથ મહારાજ ધૂણો ચેતાવીને સિલોદર બેઠા હતાં.
જ્યોતપાટની ઉપાસના સમયે મોટેભાગે રાત્રિના બાર વાગ્યા પછી નાથજોગી ગાદીએ પધારતા હતા. આ તકનો લાભ લઈને ઉકાભગતે અને વિરબાઈમાએ આઠ વર્ષના દીકરાને નવડાવી, નવાં કપડાં પહેરાવી, હાથમાં નાળિયેર સાથે નાથજોગી વેજનાથ બાપુના ચરણમાં બેસી જવાનું કહ્યું. પઢાવ્યા પ્રમાણે નાથાએ તેમ કર્યું. આ સમયે, જ્યોતનું અજવાળે આવનારને શિષ્ય તરીકે સ્વીકારે આવી પરંપરા હતી. વેજનાથ મહારાજ નાથનાં માતા- પિતા સામે જોઈને હસ્યા ઃ ભલે.. વિધિવત્ નાળિયેર સ્વીકાર્યું. ને સવરામંડમાં પછીથી નાથપરંપરા પ્રમાણે નાથાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. પરંતુ, અહીં તેનો અર્થ એમ થતો નથી કે, તેમણે ભવિષ્યમાં નાથજોગી થાવું.
ઈ. સ. ૧૯૮૦માં માતાશ્રી વીરબાઈમાને ગર્ભાશયનું કેન્સર થયું. સિવિલ હોસ્પિટલ અને વી.એસ.-અમદાવાદમાં સારવાર લીધી, પતિ- પત્નીએ વીરબાઈમાની ખૂબ સેવા કરી, પણ નિષ્ફળતા જ હાથ લાગી.
દરમ્યાન વીરબાઈની હાલત દિવસે ને દિવસે બગડતી ચાલી. પિતા ઉકાભગતે સમાધિ લેવાની તૈયારી કરી. મરણપથારીએ સૂતેલી વિરબાઈમાએ આ જોયું. કોલેજથી દીકરો આવ્યો, એટલે તેને બોલાવી માએ પૂછ્યું : ‘દીકરા ! આ તારો બાપ શું કરે છે? દીકરાએ કહ્યું : “મા! મારા બાપનો અહીંનો સમય પૂરો થયો છે એટલે સમાધિની તૈયારી કરે છે ને આવતી કાલે સવારે એ સમાધિ લેવાના છે.” મા બોલી: ‘દીકરા ! તારા બાપને ના પાડી દે. એનાથી સમાધિ-બમાધિ કાંઈ લેવાશે નહીં, કારણ કે હું હજી જીવું છું.’ વીરબાઈમા પથારીમાંથી ઊઠ્યાં, આકાશ ભણી આંખ માંડી… અલખધણીનો આછેરો પણ મૂંગો સહજ આરાધ થઈ ગયો, ‘હે અલખના ધણી ! બારબીજના ધણી ! મેં સાચે દિલે તારા બારબીજના ઉપવાસ કર્યા હોય, મજૂરી કરીને સાધુ-સંતોને જમાડ્યા હોય, આંધળા ધણીને દેવ માનીને એને સેવ્યા હોય, તારા ધૂપ, દીવો, અગરબત્તી કર્યાં હોય, તો મારી માથે સૌભાગ્યની ચૂંદડી હોય, હું વિધવા બનીશ નહીં.” આ જાણી ઉકાભગતને થયું કે મારાથી સમાધિ લેવાશે નહીં… તેમની વિધિ અટકાવી દીધી.
નાથાભાઈએ ગીતાજીના પાઠ કર્યા. ઈ. સ. ૧૯૮૦માં તા.૧૨ જાન્યુઆરીના દિવસે શનિવારે માતાશ્રી વીરબાઈમાએ સાંજે દીકરાને હાથે પાણી પીને જીવતા સમાધિ સાથે દેહ છોડયો. ઈ. સ. ૧૯૮૦માં વીરબાઈમાના નિર્વાણ બાદ, બરોબર બે મહિને ઉકાભગતે કુટુંબ-પરિવારનાં સૌને બોલાવીને તા.૧૨ માર્ચના રોજ વહેલી સવારે જીવતા સમાધિ લઈ દેહ છોડયો.
આ અગમ દેશનો પથિક તે ગુજરાતીના ગહન અભ્યાસુ પ્રાધ્યાપક શ્રી નાથાલાલ ગોહિલ . ભજન સાહિત્ય અને સંત સાહિત્યમાં અનેક પરંપરાઓ વિષે ઊંડાણથી સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં અગમનો એક ખજાનો ઉમેરનાર શ્રી નાથાલાલ ગોહિલ વર્ષોથી જૂનાગઢ પાસેના એક નાનકડા ગામ કેશોદમાં પલાંઠી મારીને બેઠા છે.
by Bhadrayu Vachhrajani | Jul 15, 2024 | સ્વૈર વિહાર - મધુવન |



લોકભારતી ,સણોસરાને રૂપિયા એક કરોડ બાપુએ અર્પણ કર્યા!
ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પૂણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુ મહિમા આ દિવસે ગણાતો આવ્યો છે. હકીકતમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવાં માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મોરારીબાપુ ના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જો કે સાચું નથી. કારણ કે “બાપુ પોતે કહે છે કે હું ગુરુ નથી, સદગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી, હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી, વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં. નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું, પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.
મોરારી બાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. અને મોરારીબાપુ શું કરે છે અને શું નથી કરતા અથવા કેમ કરે છે, અને કેમ નથી કરતા, એના વિશે ચર્ચા સત્રો પણ ક્યાંક-ક્યાંક ખાનગીમાં યોજાતા હોય છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા બે પ્રસંગો બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને અહીં નોંધતા હું આનંદ અનુભવું છું.
નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાના ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં મારી આવશ્યકતા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો, અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂકતો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ. જ્યારે આ રકમ વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મુકવાનું શરૂ કર્યું. કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પણ આ આંકડો જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી. મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે. પરંતુ ઉદ્દેશ એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.
બાપુએ બે ઉદાહરણો વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કર્યાં ત્યારે એ ઉદાહરણોના ભાવકો એ સભાખંડની અંદર હાજર હતા. થોડા સમય પહેલા ધરમપુર પાસેના ખાંડા ગામે આદિવાસી વિસ્તાર માટેની પહેલી રામકથા નું આયોજન થયું અને એના મનોરથી પરિવાર તરીકે જગુમામા, મામી અને પુત્ર મહેશનો સમગ્ર પરિવાર હતો. તેઓ અમેરિકા વસે છે અને આ કથાનો મનોરથ એમણે બહુ સુપેરે પાર પાડ્યો. જગુમામાના દીકરાએ બાપુ પહેલી વખત ગાડીમાં બિરાજે એવી રીતે બાપુ ધરમપુર પધાર્યા ત્યારે એક નવી નકોર ગાડી લીધી, અને એ ગાડીમાં બાપુને લઈ આવવાનું કામ બારડોલીના સેવક નરેન્દ્રભાઈ પટેલ કરતા હતા. એ ગાડીની કિંમત લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા જેવી થતી હતી. એ કથાના દિવસો દરમિયાન બાપુએ એ રથ જેવી ગાડીમાં આવવા-જવાનું રાખ્યું. કથા પૂર્ણ થઈ પછી જગુમામા ના દીકરાએ મહેશભાઈએ સારથી નરેન્દ્રભાઈ ને કહ્યું કે, આ ગાડી તલગાજરડા મુકી આવો કારણ બાપુને એ ગાડી અમે એમણે અર્પણ કરીએ છીએ. બાપુએ તરત ના પાડી, પણ મનોરથી પરિવારનો અતિ આગ્રહ હતો તેથી બાપુએ કહ્યું કે, હું એક મહિનો વાપરું. પણ બાપુ પોતે એક મહિના દરમિયાન પણ અસુખ અનુભવતા હતા કે આ બોજો ખોટો છે. એટલે એમણે જગુમામા અને મહેશને પૂછીને કહ્યું કે મારે આ ગાડી નથી જોઈતી. તો એમણે કહ્યું, બાપુ આપને જે ઈચ્છા થાય તે ગાડીનું કરો. અને તરત જ બાપુએ એ ગાડી વેચવા કાઢી નાખી. બાપુએ પોતે બે-ત્રણ લોકોને કહ્યું કે, ભાઈ ગાડી આપણે ઝડપથી વેચી નાખીએ એટલે મારી ઉપરથી એક ભાર ઉતરી જાય. ખાંડાની કથાના આયોજનમાં રહેલ પરેશભાઈ ને જવાબદારી બાપુએ સોંપી કે આ મોંઘીદાટ ગાડી જેને જોઈએ તેને વહેંચી દો. પાંચ-પંદર લાખ ઓછા આવે તો ચિંતા ન કરશો. અને બાપુએ વ્યાસપીઠ ઉપરથી પૂછીને પરેશભાઈના ખુદના મોઢેથી બોલાવ્યું કે, 1 કરોડને 26 લાખમાં એ ગાડી વેચી દેવામાં આવી. તાત્કાલિક પ્રશ્ન થાય કે આટલા બધા પૈસા નું શું કર્યું હશે? પણ બીજી જ મિનિટે બાપુએ કહ્યું, 1 કરોડને 46 લાખમાંથી એક કરોડ રૂપિયા લોકભારતી સણોસરાની સંસ્થાને કે જેની સાથે મારો આત્માનો સંબંધ બંધાયેલો છે એને અર્પણ કર્યા, અને બાકીના પૈસા જરૂરિયાતમંદને વહેંચી દીધા.
એક બીજી ઘટના પણ બાપુએ સાથે જોડી. નોર્વેની કથા જે હોટેલમાં હતી તેના યુરોપિયન મેનેજર બાપુની હાજરીથી બહુ અભિભૂત છે. બાપુના આગમન પહેલાથી એ લોકો ‘જય સીયારામ’ બોલતા શીખી ગયા છે. એ લોકોના કાઉન્ટર ઉપર ‘સત્ય-પ્રેમ-કરુણા’ નોર્વેજયન ભાષામાં લખાઈ ગયેલું છે. એવા કેટલાક યુરોપિયન ભાઈઓ ને બહેનો બાપુને વંદન કરવા વ્યાસપીઠ સુધી આવ્યા અને બાપુને વંદન કરીને એમણે એક નાનકડી ડબ્બી ભેટ આપી. બાપુએ રામનામી આપીને એ સૌનું સન્માન અને આદર કર્યો. બાપુએ તરત જ પેલી નાનકડી ડબ્બી જે સવારના પ્રાર્થના સમયે એક બાજુ નિલેશભાઈએ મૂકી હતી તેને મંગાવી. એ ડબ્બી બધાની હાજરીમાં ખોલી, એની અંદરથી એક નાનકડી કોથળી, અને કોથળીની અંદર એક સૂર્યનું ચિન્હ સાથેનો બેઝ, જેને આપણે ટાઇ ઉપર લગાડી શકીએ એવું સુંદર મજાનું બેઝ નીકળ્યો. બાપુએ બે ક્ષણ માટે એને પોતાની રામનામી સાલ ઉપર બરાબર લગાડ્યો અને સૌને આનંદ થયો બાપુએ કંઈક તો સ્વીકાર કર્યું. પણ ત્યાં જ બાપુએ હાકલ પાડી, કે લાલો ક્યાં છે? લાલો એ સંગીતની દુનિયાનો સીધો સાદો કેમેરામેન છે. પણ બાપુ સૌને નામથી ઓળખે છે. દિલથી પ્રેમ કરે છે એટલે એણે લાલાને બોલાવ્યો, જે દૂર-દૂર કેમેરા ઉપર વ્યસ્ત હતો. એ દોડમદોડ વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે બાપુએ એના હાથમાં એ ડબ્બી મૂકીને કહ્યું, લે લાલા તારે ઘરે જઈને તારા દીકરાને આપી દેજે.,
આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બધા લોકો ગ્રહણ કરીને જ જીવતા હોય છે. પણ બાપુના કિસ્સામાં આ વાત સાચી નથી. આ બે ઉદાહરણો આપણને એવું કહી જાય છે કે બાપુ માટેની ઘણી બધી માન્યતાઓ આપણા મનમાં ભરાયેલી છે એ સાચી છે કે ખોટી એનો જરાક અભ્યાસ કરવા જેવો છે. આ વાત એટલા માટે નોંધવાનું થયું છે કે બાપુ કથા કરવાનાં, પધરામણી કરવાનાં, કે ભિક્ષા લેવા આવવાનાં કોઈ પ્રકારમાં કોઈ પણ રીતે કશું જ લેતા નથી. કોઈ કવર બાપુને આપવાનું થતું હોતું નથી, એટલે એ બાબતની વાત ફેલાવનાર લોકો માટે આ બે ઉદાહરણો પર્યાપ્ત ખજાનો પૂરો પાડે એમ છે એટલે મેં અહીં રજૂ કર્યા છે.
નોર્વેમાં ત્રોમસોમાં સમગ્ર કથા દરમિયાન હું સદેહે ઉપસ્થિત હતો અને આ ઘટના સંગીતની દુનિયાની ચેનલ ઉપર પણ ઝડપવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જે વ્યક્તિ સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, કલા, ગાયન અરે બોલો એટલી કલાનાં ઉપાસક રહ્યાં છે અને આ કલાઓ માટે યુનિવર્સિટીઓ ન કરી શકે એટલું પ્રદાન જેમણે કર્યું છે તે શ્રી મોરારી બાપુ પોતાના શ્રાવકો પાસેથી, પોતાનાં યજમાનો પાસેથી, પોતાનાં મનોરથીઓ પાસેથી ખરેખર કશું લેતા નથી. મળે તો પણ તે અર્પણ કરી દેતા હોય છે. એ વાત ભારત દેશ માટે નહિ, વિશ્વભરે નોંધવા જેવી છે. જય સિયારામ…
by Bhadrayu Vachhrajani | Jul 14, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
અંદરથી કોઈએ કહ્યું: ‘તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું લાગી જા.’ અને તેઓ લાગી ગયા !!!
ખુદને થયેલી દિલની વ્યથા સેવા તરફ માર્ગ ચીંધે છે. રાજકોટમાં એક સાત્વિક સમારંભ થયો. અને આ સમારંભના સાક્ષી બનવાનો લાભ મળ્યો ત્યારે ગદગદ થઈ જવાયું અને સમગ્ર સમારંભ દરમિયાન એવું લાગ્યું કે, જાણે કોઈ સત્કર્મના મસીહાની સામે આપણે બેઠા છીએ.
માણસ તો એ સાદો સીધો છે. ઓડિટર જનરલ ની ઓફિસમાં એ નિયમિત નોકરી કરે. પરંતુ તેમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે, જે પ્રસંગે એને માત્ર નોકરી પૂરતો ન રાખ્યો. આનું નિમિત્ત બની પોતાની દીકરી વ્હાલનો દરીયો. એવું નિદાન થાય છે કે, એના હૃદયમાં કાણું છે. નાની ઉંમર, બાલ્યાવસ્થા અને આવું મોટી વ્યાધિ !! , આ વાત 40-50 વર્ષ પહેલાની. એટલે એ વખતે તો તબીબી જગત એટલું આગળ વધેલું નોહ્તું એટલે વધુ ચિંતાનો વિષય હતો. પણ એ હોસ્પિટલ સુધી પહોંચે છે અને એક માંથી બીજી હોસ્પિટલ, એક ડોક્ટર થી બીજા ડોક્ટર, એમ એનાં ચક્કરો શરુ થાય છે. વ્યથા છે દિલની અંદર, કરુણા છે દીકરી પ્રત્યે, પણ ઈલાજ તો ઈશ્વર કરશે એવી એની શ્રદ્ધા પાકી છે. મુંબઈ સુધી જાય છે, પૈસાનો મેળ કરીને, મુંબઈમાંથી પણ જોઈએ એવું કોઈ નિદાન મળતું નથી. કોઈ સધિયારો મળતો નથી. અને ત્યારે એના મનમાં એવો વિચાર આવે છે કે, ઈશ્વર સહાય કરે તો હવે આમાં કશુંક ફળશે.
મુંબઈથી પાછા આવીને નિરાશ થઈને બેઠેલા એ નોકરિયાત સજ્જનને કોઈએ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ થવાનો છે અને એમાં મુંબઈના મોટા-મોટા ડોકટરો નિઃશુલ્ક નિદાન કરવાના છે. જેમ ડૂબતો માણસ તરણું શોધે, એમ એમણે પણ એ નિદાન યજ્ઞની અંદર પોતાની દીકરીનું નામ લખાવી નાખ્યું. ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના દીકરીનાં દર્દનું નિદાન અને તેના ઉપચાર માટે ભટકનારા એ સાદા, સીધા, સજ્જન નોકરીયાતને એવો ખ્યાલ આવ્યો કે, દીકરીના હૃદયમાં કાણું નથી.!! જે કંઈ થોડી અસર છે તેના માટે કોઈ સર્જરીની જરૂર પણ નથી. હાશકારો તો થયો, પણ પોતે જે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાયા, વિચિત્ર હોસ્પિટલોના ચિત્ર વિચિત્ર જવાબો સાંભળ્યા, કેટલાએ તબીબો દ્વારા એક નાના માણસને અવગણવાની જે દશાઓ અનુભવી તેણે તેમના અંતર આત્માને જગાડી મૂક્યો. અને એણે ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એ વિચાર્યું અને એમાંથી જવાબ મળ્યો કે, તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું લાગી જા. અને એ લાગી ગયા !!!
બે, પાંચ, દસ વર્ષ નહીં, પરંતુ લગભગ છેલ્લા છ દશકાથી સમગ્ર દર્દીઓની દુનિયામાં, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ગામે ગામના લોકોની જીભ ઉપર એનું નામ ચડી ગયું. માત્ર દર્દીઓ નહિ, પણ આ હોસ્પિટલના અનેક કાર્યકરો, તબીબો, લેબોરેટરી વગેરેના સૌ નોકરીયાતો, એ બધાના નામે એક જ નામ. કોઈ ડોક્ટર પાસે પેલાં ન જાય, પણ માંકડ સાહેબ પાસે પહેલા જાય. આ માંકડ સાહેબ એ હોસ્પિટલના કોઈ સાહેબ નહોતા, પણ આપણે જેનો પહેલેથી ઉલ્લેખ કર્યો છે તે માંકડ સાહેબ નોકરિયાત હતા સરકારનાં. પણ રોજ સવાર પડે અને નોકરી સિવાયનાં બધા કલાકો એ સિવિલ હોસ્પિટલમાં હોય. કામ તો પાયાથી શરુ કર્યું એમણે. દર્દીને સામાન્ય માહિતી આપવાથી અને ડોક્ટર સુધી ઝડપથી પહોંચાડવાનું શરુ કર્યું. કોઈ કેસ ઇમર્જન્સી છે અને એને જો હોસ્પિટલનું તંત્ર ઇમર્જન્સી ગણતું નથી તો એને ઇમર્જન્સી ગણાવીને ઝડપથી સારવાર તરફ પહોંચાડવું ત્યાંથી સેવાયજ્ઞ શરુ થયો. અને પછી તો ઘણી સેવાઓ સામે આવતી ગઈ. તબીબો દ્વારા જે દવા લખી આપવામાં આવે એ દવા લેવાના દર્દી પાસે પૈસા ન હોય, પણ એ માંકડ સાહેબ પાસે જાય ત્યારે માંકડ સાહેબ દવા મંગાવી આપે !! ક્યાંથી આવી છે એનો દર્દીને તેના સગાઓને ખ્યાલ ન હોય.
કેટલાક દર્દીઓ એવા હોય કે જેને સારવાર શરૂ થઈ ગઈ હોય પણ એને રોજ ખાવાના ફળ કે નાળિયેર પાણી એવું કશું ન મળતું હોય તો મૂંગે મોઢે માંકડભાઈ હોસ્પિટલના ખાટલે-ખાટલે માત્ર ઝીણી નજર કરીને ફરતા રહે અને નોંધતા રહે અને એકાદ કલાકની અંદર જે તે દર્દીના ખાટલા પાસે તેની જરૂરિયાત પહોંચતી થઈ ગઈ હોય. પણ હા, અનેકોના દર્દને શાંત્વના આપતા આ માંકડભાઈ એવા સોગિયા માણસ નથી. એક હસમુખા માણસ છે. તમે એની સાથે ઉભા હો તો દસ મિનિટમાં તમારું વાતાવરણ એકદમ જીવંત કરી શકે એવા માણસ છે. એમના લગભગ આઠમા દાયકાના આયુષ્યમા પણ તેઓ આવું સ્વાસ્થ્ય જાળવી શક્યા છે, એનું કારણ એ છે કે, તેઓએ અનેકના સ્વાસ્થ્યને ડૂબી જતું ઉગારી લીધું છે. એમને છેલ્લા પાંચેક વર્ષમાં રાજકોટે બહુ ઓળખ્યા છે. એમને કેટલાય સન્માનો મળ્યા છે. અને એ સન્માનો પણ એમણે એકદમ નિસ્પૃહી થઈને પરાણે સ્વીકાર્યા છે. ક્યારેય સ્ટેજ ઉપર આવીને બોલવું એને ફાવ્યું નથી. એટલે માંકડભાઈ દ્વારા લખાયેલી સુંદર મજાનું પુસ્તક ‘હરિને હાથ તાળી‘ જ્યારે લોકાર્પિત થયું, ત્યારે પણ માંકડભાઈ માત્ર બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે પોતાની વાત ટાપસી પુરાવતા રહ્યાં. એમણે ભાષણ ન કર્યું. એમને ભાષણ આવડતું નથી. કારણ કે જે ભાષણ કરે છે એ દર્દીના ખાટલા સુધી પહોંચી શકતા નથી. માંકડભાઈને તો એક-એક હમદર્દ સાથે પોતાની લાગણીઓ વહેંચવી હતી. કારણ કે નાનપણમાં તેમણે આવા જ દર્દી બનીને ખાટલે ખાટલે ભટકવાનો પ્રસંગ બન્યો હતો.
માંકડભાઈના દીકરી અને દીકરાએ આ સુંદર મજાનો પ્રસંગ યોજ્યો હતો. નાનો નમણો એવો સમૂહ એમની સાથે ભાવકોનો બેઠો હતો, અને એમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈને બ્લડ બેન્કના વ્યવસ્થાપક થી લઈને, નાનામાં નાના ફળની રેકડીવાળાથી લઈને, બધા લોકો આતુરતાપૂર્વક આ હિમાંશુ માંકડ દ્વારા લખાયેલું પુસ્તક ‘હરિને હાથ તાળી‘નું લોકાર્પણ નિહાળવા અને એમાં પોતાની તાળીના ગડગડાટ ઉમેરવા હાજર હતા.
પુસ્તક લખવું જોઈએ એવો એમને બહુ ખ્યાલ નોહ્તો. પણ પોતના બે સંતાનોએ બરાબર હામ ભીડી અને વિનંતી કરી કે, આપણે એવા પ્રસંગોથી પુસ્તક લખીએ કે જે પ્રસંગો તમે જીવનમાં અનુભવ્યા હોય, તમે કોઈને મદદ કરી હોય એ ન લખજો, પણ દર્દીઓને કેવી જરૂરિયાત પડે છે, માંદગી કેટલી બધી ખરાબ ચીજ છે, જ્યારે સ્વાસ્થ્યની સેવા ન મળે ત્યારે ગરીબ માણસ કેટલો વામણો બની જાય છે, આ બધું દર્શાવતા જે પ્રસંગો છે એ પ્રસંગોને તમે વર્ણવો, અને નાના નાના પ્રસંગોમાંથી એક સરસ પુસ્તક બનાવીએ, એને નામ આપીએ ‘હરિને હાથ તાળી‘. હિમાંશુભાઈ માંકડ નાગર ગૃહસ્થ છે. એ જ્ઞાતિમાં ‘ચ’ ભાઈના નામથી ઓળખાય છે. ‘ચ’ ભાઈ શા માટે કહેવાયું એની બહુ ભાળ ઝડપથી મળતી નથી. પણ એ નામ વહાલનો ટહુકો છે. હિમાંશુ માંકડને ‘ચ’ ભાઈ કહેવું લોકોને હૃદયથી ગમે છે. દુબળું પાતળું એક કાંઠીનું આ શરીર ‘ચ’ ભાઈ નામનાં પોતાના ઉપનામને હસતાં-હસતાં આવકારે છે. એમણે પોતાની પ્રસ્તાવના, પોતાની વાત, આ પુસ્તકમાં લખી છે. એમાં એમણે ખરેખર પોતાની વાત નથી લખી. પણ એમણે આ કાર્યોમાં જેનો સહકાર મળ્યો છે તે નાના-નાના લોકોની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઇષ્ટદેવ અને પોતાના ઇષ્ટ દેવીનો આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે દરિદ્ર નારાયણ સુધી પહોંચવામાં ઈશ્વરનો સાથ તો પહેલો જોઈએ ને !! એ.જી. ઓફિસના મિત્રો અને એ.જી. ઓફિસના સૌને તેઓએ યાદ કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરવાનું થયું ત્યારે સંપાદક શ્રી ને તેઓએ સ્પષ્ટ સૂચના આપી કે, આખા પુસ્તકમાં ક્યાંય હું, મેં, અથવા મારા દ્વારા, એવા કોઈ શબ્દો ન આવે એમ તમે જોજો. અને ખરેખર પુસ્તકની અંદર ‘અમારા’ દ્વારા, ‘અમને’ સમાચાર મળ્યા, ‘અમારી’ સંસ્થાને સંદેશો મળ્યો, આવા વાક્યો થી એમણે પોતાની જાતને અહમથી દૂર રાખી છે.
એમ કહેવાય છે કે આપણા બધા જ પ્રકારના જ્ઞાન, બધા જ પ્રકારના કૌશલ્યો, કે બધા જ પ્રકારની આપણી ક્ષમતાઓનો બરાબર નાશ કરનાર કોઈ શબ્દ હોય તો હું, મેં, મારું, છે. ‘ચ’ ભાઈએ કાળજી રાખીને આ વાત યાદ રાખીને ક્યાંય પણ મેં કર્યું છે, મારા દ્વારા થયું છે, એમ કહેવાને બદલે અમારા દ્વારા થયું, અમને મેસેજ મળ્યો, એ ઉપર આધાર રાખ્યો છે. નાના-નાના કેટલાય પ્રસંગો બહુ જ પ્રવાહી ભાષામાં, વાતચીતની ભાષામાં, તેઓએ અહીં રજૂ કર્યા છે. આવા 36 પ્રસંગોમાં કેટલીય વાત આવે છે. કોઈને લોહી જોઈએ તો શું, કોઈને પૈસા જોઈએ તો શું, તે બધું જ કામ તેઓ પોતે કેવી રીતે કરતા હતા, કોના સાથીદાર બનીને કરતા હતા, એ તેમણે વર્ણવ્યું છે. ક્યાંય આત્મશ્લાઘા કે ક્યાંય પોતાના કામને મોટું દેખાડવાનો પ્રયાસ નથી. સારું છે કે તેઓ સાહિત્યના માણસ નથી. સાહિત્યનો માણસ હોત તો કદાચ એણે વિશેષણોની ભરમાળ સર્જી નથી. આ પુસ્તક જે વાંચશે તે પોતાની જિંદગીમાં દાસ પંદર સારા સેવાકાર્યોમાં પોતે પ્રવૃત થવાનું નક્કી કરશે તેની હું ખાતરી આપી શકું.
પુસ્તકનાં છેલ્લાં ટાઇટલ પાન પર લખ્યું છે ::
આશ ધબકે એમના હો શ્વાસ બાકી, હરિને હાથતાળી,
દ્રોણાગિરીથી જીવંત પ્રાણ લાવી, હરિને હાથતાળી,
ચિત્રગુપ્તના ચોપડેથી નામ ફાડી, હરિને હાથતાળી,
જલારામ નરસૈયાને રણછોડદાસજી, હરિને હાથતાળી,
સેવા કરુણાથી સમર્પિત જાત થાતી, હરિને હાથતાળી,
હું ભૂલીને જનસેવામાં સૌની વારી, હરિને હાથતાળી
by Bhadrayu Vachhrajani | Jul 7, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
”અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”
આજે અષાઢી બીજ. આજે કચ્છી નવું વર્ષ.
કચ્છના નગર કુટુંબની વહુઓ આજે માથે ઓઢીને પોતાની સાસુજીના ચરણ વંદન કરે એવો પવિત્ર દિવસ. જ્યોતિષીને પૂછ્યા વગર શુભ કાર્યો આજે કરીએ તો મંગલ થાય તેવી પવિત્ર તિથિ તે અષાઢી બીજ.
આજે બે ‘ક’ યાદ આવ્યા વગર ન રહે..
‘ક’ કાલિદાસનો ‘ક’ અને ‘ક’ કચ્છનો ‘ક’….
મહાકવિ કાલિદાસનું સ્મરણ કરાવતી તિથિ. મેઘ રાજા હાર્યે વાત્યું માંડનાર સમર્થ કવિ !! તો કુદરતનો કોપ અને કુદરતની કૃપા બન્ને સાથે કચ્છડો બારે માસ !! આપણી દેવ ભાષા સંસ્કૃતની રુડી પેશકશ કરનાર કાલિદાસ, તો એવી જ મીઠડી બોલી તે ‘કચ્છી’…
સંસ્કૃત ઉચ્ચારીએ તો મોં ભર્યું ભર્યું લાગે, તો કચ્છી બોલી કાને પડે તો કાનમાં સળવળાટ થવા લાગે..
મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું,
મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત,
અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું !
લોક જીભે ચડેલી આ ઉક્તિ ગાગરમાં સાગર સમાવીને કચ્છની લાક્ષણિકતાઓ કહી જાય છે. અમારો કચ્છ મીઠડો, કારણ એના માણસો મીઠા,,અરે એની ગાળ્યું ય મીઠી અને એની પ્રીત પણ મીઠી !!
બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.
કચ્છમાં ય પાછું જિબો અમારું ભુજ્જજજ્જ.. ‘ભુજ’ બોલે ત્યાં તો કચ્છી માડું હરખઘેલા અને એટલે ‘ભુજ’ શબ્દ નહીં પણ સંગીત બનીને જજ્જજજ્જ ગળચટું લંબાણ ઉચ્ચારે .
અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું..
”અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”
આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.
ભુજનો ક્રમશ: નાકાં બહાર વિસ્તાર થતો ગયો.આજે આ શહેર ૫૬ કિમી.ના રસ્તા ધરાવે છે. ભુજ હકીકતમાં ૫૬ની છાતી ધરાવે છે એમ હવે ગૌરવપૂર્વક છાતી ઠોકીને કહી શકે તેમ છે. ૩૦૦ વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. (ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા) ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.
કચ્છી-કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો. પરદેશમાંથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી..
સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા પ્રસિદ્ધ છે.
ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયા હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.
લોકસાહિત્યમાં એવું બોલાય છે કે,
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.
બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એક હજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. કહેવાય છે કે, કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.
કચ્છની મુખ્ય બોલી એવી ભાષા છે કે જેની જુદી લિપિ નથી.. એટલે ભાષા જ કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.
દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્મા હોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં લોકગાયિકા ગીતાબેન રબારી હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે.
સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.
એક કથા એવી છે કે, કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે, આ ધરતીનો છેડો ક્યાં હશે ? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા એ દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ એ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.
કચ્છના દરિયાખેડુઓ આજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમ જ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે. દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.
વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે. આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.
ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લઈને વિશેષ ડોક્યુમેન્ટરી બનાવેલી છે, જે વિશ્વભરને કચ્છની ભાતીગળ ઓળખ આપી રહેલ છે. .માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.
આ 60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી. એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ તો એક માધાપર ગામની સાવ થોડીક વાત થઈ , અરે એવાં અનેક ક્ષેત્રો છે કે, જેમાં કચ્છ પાવરધું પુરવાર થયું છે. ‘કેસર કેરી તો તલાલ ગીરની જ ખવાય’ એવી અમારી કાઠીયાવાડીઓની માન્યતા હતી, આ માન્યાતાને કચ્છે તોડી નાખેલ છે અને હવે કચ્છી કેસર કેરીએ વિદેશો સુધી પોતાનો રસ પીવડાવાનું શરુ કર્યું છે. પીળી અને લાલ ખારેક તો લગભગ આખા ગુજરાતને કચ્છ જ ખવડાવે છે. અહીંનું સંગીત, કળા , સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અહીંના માડુઓ વિષે તો દસ દસ પાનાના એક એક લેખ કરવા પડે ત્યારે આખું કચ્છ વર્ણવી શકાય.
‘આપણા મલકના માયાળુ માનવી’ એ પંક્તિ આજે સમગ્ર ગુજરાતમાં કેવળ કચ્છને સર્વાંગ રીતે લાગુ પડે છે. એ માયાળુ માડુઓને આપણા સૌની જાજેરી વધાઈઉ..
by Bhadrayu Vachhrajani | Jun 30, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા હૃદયમાં મધુર પડઘો પાડે છે!
‘બંસી આજે પણ બજે છે’ ગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !! આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.
અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:
સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,
લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !
તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ
હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?
હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો આનંદ માણે છે?
બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.
જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!
આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !
ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।
બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !
બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?
હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.
સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.
અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા હૃદયમાં મધુર પડઘો પાડે છે!
૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?
હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!
મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !
તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)
આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત. ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.
હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો ‘બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની દુનિયા દિવ્ય છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ..
by Bhadrayu Vachhrajani | Jun 23, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
“સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
અવસર: દોલપૂર્ણિમા એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.
પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧
શીર્ષક : ગુરુની કેફિયત
સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.
આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે, મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :
यमेवैष वृणुते तेन लम्यः
तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।
( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)
૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિને ‘સવિકલ્પ સમાધિ‘ કહી છે.
એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !
છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ
“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”
“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”
“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”
હવે તો ઈન્દિરા સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !
જય રાધા ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
‘તમે એના થાઓ, પછી એ તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો થઈને જવાબ દેશે.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :…બંસી આજે પણ બજે છે…
દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ અઢિયા સ્મૃતિ પ્રકાશને.
પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે : ‘ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું એ સાંભળું છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.
સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,
“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો મંદિરમાં પ્રવેશ કર્યો.
મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ ! ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો ! થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’
પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!
હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’
એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે : ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’
પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.
એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !
બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.
ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: ‘મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો : ‘ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી એ તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો થઈને જવાબ દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 9, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
“જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.”
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.
આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.
મારે વાત કરવી છે ‘વૈદિક તપોવન વચ્છનાદ‘ જે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે. મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.
વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.
પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.
ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. આ સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતા–પિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.
આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!
મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ કરે.
by Bhadrayu Vachhrajani | Jun 7, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે.
**********************************************************************************
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં વર્ષો જૂનાં એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ ‘અગમ–નિગમ‘ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!
જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથી’ એનો અર્થ શું?
એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે, આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.
આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’ ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.
ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.
આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે કરાવેલું. તેઓ કહેતા કે, “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી માટે વધુ બહેતર છે.” જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.
યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે. શ્રી યશોધર મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે. મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.
by Santulan | Jun 3, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં વર્ષો જૂનાં એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ ‘અગમ–નિગમ‘ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!
જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથી’ એનો અર્થ શું?
એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે, આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.
આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’ ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.
ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.
આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે કરાવેલું. તેઓ કહેતા કે, “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી માટે વધુ બહેતર છે.” જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.
યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે. શ્રી યશોધર મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે. મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.
by Santulan | May 27, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો–એક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા‘ , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘.
આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું પાકિસ્તાનનું આખું લશ્કર ભારત દેશના લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી. એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના સૈન્યને શરણે થતું હોય તે ઘટના કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!
પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું.
બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ ન કરવી એ આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની કરવામાં આવી અને કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.
આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ.
મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ આપી દીધા તે લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે. હું અઠવાડિયામાં એકવાર સોમવારે ભાત ન ખાવાની પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.
હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે. ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક સૈન્ય આખેઆખું ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી. આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.
પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું. ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.
પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.
by Santulan | May 19, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
મકબૂલ ફિદા હુસૈન,,, ‘એમ. એફ. હુસૈન’,,, તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. હુસૈન આધુનિક ચિત્રશૈલી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા. તેઓ સાથે ગાઢ નાતો હતો તેવા રંગકર્મી ગુજરાતના શ્રી અનિલ રેલીયાના સંપાદનમાં હુસૈનની જીવની આપણને મળી. હુસેને પોતે લખેલ પોતાની આત્મકથાનું ગુજરાતી થયું શ્રી જગદીશ સ્માર્ત દ્વારા. આપણને આકર્ષે તેવું તેનું શીર્ષક છે: દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો.. એમ.એફ.હુસેન વર્લ્ડ લેવલ સુધી પ્રખ્યાત થયા તેની સાથે જ ગુજરાતને તેમણે બહુ પ્રેમ કર્યો, અહીં ઘણું પ્રદાન પણ કર્યું અને અહીંથી તેઓની સામે વિવાદો પણ ઉભા થયા…એ હુસેનના જીવનની એક સ્મરણીય ઘટના તેઓના જ શબ્દોમાં આજે માણવી છે અને જાણવું છે કે એક જન્મજાત કલાકારના દિલમાં લાગણીઓનું પૂર કેવી રીતે વહેતું હોય છે ??
‘……ઓક્ટોબર મહિનો છે, માલવી ઘઉં ખેતરમાં ઊભાં છે, તડકો ગમવા લાગ્યો છે. સાંજ પડતાં દાદા છોકરાના ગળા પર ભૂરું મફલર લપેટી દેતા અને તે દોડતો ફળિયાની રામલીલા જોવા પહોંચી જતો. આ કોઈ નાટક કંપની નથી, જયાં ટિકિટ લેવી પડે.
એક પ્રાથમિક શાળાનું આંગણ. આમલીના ઝાડ નીચે માગી આણેલાં કેટલાંક ફાનસ અને ધોબણ પાસેથી લાવેલી સાડીઓનો ‘બેક ડ્રોપ’. થાળી-વેલણ વાગતાં જ ખેલ શરૂ થયો. પેલા પાનવાળા શંકરનો ભાઈ સ્કૂલના ડ્રીલ માસ્ટરની ચડ્ડી પહેરીને હનુમાન બની જતો, માત્ર મોઢા પર થોડી ધૂળ ચોળીને. હા, રાવણજી તો તે જાડો મીઠુ લાગે, જે ઘઉં દળવાની ઘંટી પર બેસે છે. કૈકેયી ક્યો છોકરો બન્યો તે ઓળખી ન શક્યો. એક તો સ્ત્રી બને ને ઉપરથી કાળા મોઢા પર રાખ ચોપડીને નખરાં કરે. કાસીમમિયાં, ઈન્દોર છાવણીના લગન-વિવાહના બેંડ માસ્ટર, પરંતુ રામલીલા માટે ઢોલ અને વાંસળીના સૂર બજવે છે.
આ રામલીલામાંથી પાછી ફરતી ભીડમાં ઘેરાયેલો છોકરો ચાલતાં ચાલતાં આ નાટકના કોઈ પણ એક પાત્રમાં પોતાની જાતને શોધે છે. ઘેર પહોંચવામાં જાણી જોઈને મોડું કરે છે, જેથી જેટલાં પાત્રો છે એની સાથે કાલ્પનિક મંચ પર થોડો થોડો અભિનય કરી લેવાય. પરંતુ આજે જયારે એ જ રામલીલા દિલ્હીના ઝગમગતા સ્ટેજ પર જુએ છે ત્યારે ઘેર પાછા ફરતી વેળાએ એને શંકર પાનવાળાનો ભાઈ, ઘંટીવાળો જાડો મીઠુ અને કાસિમ બેંડમાસ્ટર યાદ આવે છે.
ઈન્દોરની રામલીલાને જોઈ, ડોક્ટર રામમનોહર લોહિયાને મળી, આ છોકરો કેવી રીતે વાલ્મીકિ અને તુલસીદાસ સુધી પહોંચે છે! આ સમય છે, પાંચમા દસકાના અંત ભાગનો. હૈદરાબાદના ધનવાન પન્નાલાલ પિત્તીનું રાજભવનની બાજુમાં મોતીભવન. એમનો દીકરો બદરીવિશાલ, ભવનના ઉપરના માળે ગોળ તકિયા વચ્ચે વિરાજમાન. બપોરના ભોજન વખતે ડૉક્ટર રામમનોહર લોહિયાજીનું આગમન. ગોળ તકિયાની ચારે તરફ ખાદીધારીઓ બંડીઓ પર સમાજવાદી બિલ્લા લગાડી, અદબથી ઊભા છે. એ છોકરો બદરીવિશાલના કલમદાનમાંથી એક કલમ કાઢી આ દૃશ્યને રેખાંકિત કરે છે. ડોક્ટર લોહિયાનો સ્કેચ એમના અસ્તવ્યસ્ત ઊભા વાળથી શરૂ થઈને પટપટાવતી તોફાની આંખો શોધતો નસકોરાંથી બહુ જ નીચે હોઠો પર આવીને અટકે છે. લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.
એક સાંજે એ છોકરો લોહિયાજીને જામા મસ્જિદ પાસેની કરીમ હોટલમાં લઈ ગયો કારણકે એમને મુગલાઈ ખાણું, શીરમાલ વગેરે ખૂબ જ ભાવતું હતું. લોહિયાજીને જવાહરલાલ નહેરુનો એક પોર્ટ્રેટ યાદ આવી ગયો જે છોકરાએ નહેરુજીને ઘેર જઈને ચીતર્યો હતો. લોહિયાજીએ કુરમાની પ્લેટમાં ચમચાને હળવે હાથે રણકાવતાં છોકરા તરફ જોયું અને કહ્યું: ‘આ તને શું સૂઝયું કે નહેરુનું પોર્ટ્રેટ બનાવવા બેસી ગયો? હા, એક પોર્ટ્રેટ જે ‘ઈલસ્ટ્રેટેડ વિક્લી’માં છપાયું છે એ થોડુંક સારું લાગે છે કારણકે એમાં નહેરુ ડૂબતા દેખાય છે, જાણે પાણી ગળા સુધી ચડી ગયું છે.
‘લોહિયાજી’, છોકરાએ સ્મિત કરતાં જવાબ દીધો ‘મોડર્ન આર્ટનું મજાનું પેચીદું પાસું એ છે કે જોવાવાળાને પોતાની મરજી અને સ્વભાવ મુજબ ચિત્રને ઢાળવાનો હક્ક આપે છે, જયારે ફોટોગ્રાફીની સ્થિરતામાં કલ્પનાની વધારે ગુંજાઈશ નથી. એક રીતે મૉડર્ન આર્ટનો મિજાજ શાહી નહીં પરંતુ ડેમોક્રેટિક છે. જેવી રીતે જોવામાં વ્યક્તિત્વ શાહી હોય પરંતુ રેખાઓનો તનાવ સ્વાભિમાનને પ્રગટ કરતો હોય. રંગોનો ઉજાસ સ્વાભિમાનથી સંપૂર્ણ હોય.
લોહિયાજીએ છોકરાની પીઠ થાબડી જાણે કે શાબાશી આપી અને વિષય બદલતાં એને પૂછ્યું: ‘આ તું બિરલા અને ટાટાના ડ્રોઈંગરૂમમાં લટક્નારાં ચિત્રોમાં ઘેરાયેલો છે એમાંથી જરા બહાર નીકળ. રામાયણને ચીતર, જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે, ગામેગામ ગુંજતું ગીત છે, સંગીત છે. અને પછી એ ચિત્રોને ગામેગામ લઈ જા. શહેરના બંધ ઓરડાઓ, જેને આર્ટ ગેલેરી કહેવામાં આવે છે, જ્યાં લોકો માત્ર પાટલૂનના ખીસામાં હાથ નાંખીને ઊભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા.’
લોહિયાજીની આ વાત છોકરાને તીરની જેમ વાગી ગઈ અને વરસો સુધી એનો સણકો રહ્યો. છેલ્લે, લોહિયાજીના મૃત્યુ પછી તરત એમની યાદમાં રંગો અને કલમ લઈ બદરીવિશાલના મોતીભવનને ‘રામાયણ’નાં લગભગ દોઢસો ચિત્રોથી ભરી દીધું. દસ વરસ લાગ્યાં એ ચિત્રો કરતાં. એનો એક પણ પૈસો ન લીધો, ફક્ત લોહિયાજીના શબ્દોનું માન રાખ્યું….’ હાય રે કિસ્મત, કમનશીબી એ છે કે લોહિયાજીના શબ્દોનું માન રાખનાર આ શખ્સિયત સામે વિરોધનો વંટોળ અહીંથી શરુ થયો ત્યારે કોઈએ અહીં રજુ કરી તે વાત કદાચ વાંચવાની કે જાણવાની કોશિશ નહોતી કરી !!!!
by Santulan | May 12, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
બાપુની કોઈપણ વાતને કોઈ જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ધરમપુર તાલુકાનું અંતરિયાળ આદિવાસીઓનું ગામ તે ખાંડા. ત્યાં યોજાઈ ગઈ પ્રિય મોરારિબાપુ દ્વારા ગવાયેલ 934મી શ્રી રામ કથા. આપણે તે કથાને સંદર્ભ લઈને કથાના આયોજન અને વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છીએ. આવો, આગળ વધીએ.
ભોજન પ્રસાદની રોજની વ્યવસ્થામાં કેટલીક કાયમી વાનગીઓ હોય અથવા વસ્તુઓ હોય, દાખલા તરીકે પાણી, છાસ, રસોઈ માટે વપરાતું દહીં, વગેરે દૂર દૂરથી મંગાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અને એ એવા ઈન્સ્યુલેટેડ વાહનની અંદર આવે કે જેમાં એ યોગ્ય રીતે જળવાઈ રહે તેવું આયોજન થયું. ખાંડાની કથામાં જમવામાં સવારે અને સાંજે કથા શ્રાવકોને ઠંડી ભરપેટ છાશ પીવાનો લ્હાવો મળ્યો. આ છાશ અમરેલી પાસેના ‘શીતલ’ દ્વારા એવા વાહનની અંદર આવતી હતી કે જે ઠંડી રહી શકે. લગભગ-લગભગ દરેક વ્યક્તિએ નોંધ્યું કે, કથામાં આટલી ગરમી વચ્ચે આપણું અમૃત પીણું છાશ સૌને મળી રહે તે અતિ આનંદનો વિષય હતો. કથાના પુરા આયોજન દરમિયાન કેરીનો રસ વાનગી તરીકે પીરસવામાં આવ્યો, ઉપરાંત લાડુ, મોહનથાળ, બુંદી, વગેરે જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી. અને એ પણ દૂર દરાજથી સરસ રીતે બનીને અહીંયા આવે એવું આયોજન કરવામાં આવ્યું.
કથા સ્થળે બાપુનો ઉતારો એ ટ્રિકી વાત હતી. કારણ કે આ વિસ્તાર એ બહુ જ દૂરનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર સરીસૃપ વર્ગના પ્રાણીઓ બહુ નીકળે છે. કેટલાક ઝેરી સાપો પણ અહીંયા નીકળે છે. અહીંયા ક્યારેક જંગલી ભૂંડ પણ દોડી આવતા હોય છે અને હાની પહોંચાડતા હોય છે. એટલે એવો એક સલામત નાનકડો ભાગ શોધાયો અને ત્યાં બાપુ માટે સુંદર મજાની કુટીયા બનાવવામાં આવી. આ કુટીયા પણ સાદા નાનકડા સ્ટ્રક્ચર ઉપર એક પ્રીફ્રેબ સ્ટ્રક્ચર મૂકીને બનાવવામાં આવે. બાપુની કુટિયાની સાવ જ નજદીકમાં તેઓનું રસોઈ ઘર અને તેના સેવકોના નિવાસનું પણ નિર્માણ કરવામાં આવ્યું. ખાંડા ની કથાના મનોરથી પરિવાર તો યુ.એસ. રહે છે અને તેઓ કથા અર્થે અહીં વસેલા એટલે તેઓના નિવાસની વ્યવસ્થા પણ ખંડમાં જ કરવાનું યથાર્થ હતું. ત્યાંના એક શિક્ષકનું કે ખંડમાં તેનું ઘર રિનોવેટ થઇ રહ્યું હતું. તેમને વિનંતી કરવામાં આવી અને મનોરથી પરિવાર માટે ઉપર અને નીચે સુંદર બધી જ સગવડતા સાથેનું મકાન ચણીને તૈયાર કરવામાં આવ્યું. કથા દરમ્યાન મનોરથી પરિવાર માટે અને કથા પછી શિક્ષક પરિવાર માટે સુંદર સગવડતા ઉભી થઇ, કથા પ્રતાપે..!! વળી, બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુની ઈચ્છા હોય છે, આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે. એવું કહેવું પડે કે ખાંડા જેવા ખૂબ દૂરના વિસ્તારની અંદર આ બધી વ્યવસ્થા એટલી સુપેરે રહી અને ગામવાસીઓ દ્વારા એટલો સંતોષપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો કે બાપુએ વ્યાસપીઠ પરથી એવું કહેવું પડ્યું કે, જેને પીનડ્રોપ સાઈલેન્સ કહીએ એવા સાઈલેન્સથી કથાનું શ્રવણ સૌએ કર્યું. કોઈએ વચ્ચે કોઈ જ પ્રકારની અવ્યવસ્થા અથવા તો કોઈના માટે પ્રશ્ન ઉભો ન કર્યો. સૌ સહજ રીતે જોડાયા.
ભોજન ની લાઇનમાં ઊભા રહેવામાં આ આદિવાસી વિસ્તારના લોકોને કોઈ જ શરમ નહિ કે કોઈ ધક્કામુક્કી નહીં. એ ભોજન કરે ત્યારે જોઈએ તેટલું લે અને નહીંવત બગાડ કરે એ તેમની લાક્ષણિકતા હતી. પોતાની થાળીને એવી રીતે સાફ કરીને તે મૂકે કે જેને જુઓ તો એમ લાગે કે આ થાળીમાં જાણે કોઈ જમ્યું જ નથી. આ વિસ્તારના લોકોએ બાપુને પુષ્કળ પ્રેમ આપ્યો. બાપુ સવાર અને સાંજ જ્યારે કથામાં આવે અને જાય એ દરમિયાન રસ્તે પોતાને ત્યાં ઉગેલ ફળ, ફૂલ, કેટલી બધી વાનગી, મીઠાઈઓ લઈને બાપુને ધરવા માટે કતાર બંધ આદિતીર્થવાસીઓ ઊભા હોય. બાપુ પણ બહુ આદરપૂર્વક તેમને ન્યાય પણ આપતા જતા હોય. બાપુએ રોજ એક કરુણામય ઉપક્રમ રાખેલો. રોજ સાંજે એક- એક ફળિયામાં જવાનું, ત્યાં જઈને એમની વાતો સાંભળવાની અને એમણે પોતે બનાવેલી રસોઈમાંથી ભિક્ષા ગ્રહણ કરવાની. આ ઉપક્રમ તો એટલો બધો હૃદય સુધી પહોંચ્યો છે કે, ખાંડાના ગ્રામવાસીઓ હજુ પણ આ વાત કરતા-કરતા પોતે રડવા લાગે છે. એક નાનકડો માણસ હોય જેને એમ જ છે કે હું સાવ તુચ્છ વ્યક્તિ છું, એને જઈને બાપુ મળે છે અને પૂછે છે કે, બધું બરાબર છે ને ?? એ એટલું શાતાદાયક હોય છે કે, એના ભરોસે કે તેઓ ઘણું લાંબુ જીવન જીવી જાય છે. આ બહુ જ ઉમદા અને નાનામાં નાના માણસ સુધી પહોંચવાનું કામ ખાંડાની કથાએ કર્યું છે.
કથાનો કેન્દ્રસ્થ વિચાર ‘માનસ સંવત્સર’ હતો. એટલે એક વર્ષ એટલે એક સંવત્સર. પણ આ કથા એ એક વર્ષ સુધી તો પોતાની ઊંડી છાપ છોડી જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને એક વર્ષે પણ પૂર્ણ નહીં થાય કારણ કે, પ્રિય બાપુએ પ્રતિ વર્ષ આવા વિસ્તારોની અંદર દૂરદરાજમાં આવીને એક રામકથા ગાવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આવતા વર્ષની કથા સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં ગાવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે આદિતીર્થક્ષેત્રના વાસીઓ માટે વર્ષો-વર્ષ ઈશ્વરનો ભરોષો ઊભો થઈ ગયો છે.
એક કથાના બહાને અહીંયા બહારથી કેટલા લોકો આવ્યા, પત્રકારો આવ્યા, મીડિયાની બધી ટીમ આવી, કેટલીય બાબતોની નોંધ લેવાણી, અને એ નોંધ એટલી સુંદર રીતે લેવામાં આવી છે, કે આપણને એવું લાગે કે ઠેર-ઠેર સુધી ભારતના નકશામાં અને વિશ્વના લગભગ પોણા બસ્સો દેશના નકશામાં ખાંડા નામ આજે ગુંજતું થયું છે. ખરેખર કથા કરવી એ ખાંડાના ખેલ બરાબર છે, એ આ કથા પુરવાર કરી આપે છે. ત્યાંના લોકો સ્વયંસેવક તરીકે, કેટલાય કામની અંદર પીરસનાર તરીકે, માંગ્યો તેટલો સહયોગ નહીં પણ દિલમાં ઉગ્યો તેટલો સહયોગ આપતા રહ્યા છે. અને એમણે કથાને ચાર ચાંદ લગાવ્યા છે. શરૂઆતમાં જ એક કથા પાછળ થતા ખર્ચની વાત કરી છે, તે તો અંદાજ આપવા માટે કરી છે. એટલે બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’ કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ વારંવાર કહે છે. એ કહે ત્યારે આપણને વિચાર ન આવે કે, આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ સાંખ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાના મનોરથી અને તેનો પરિવાર અમેરિકા વસે છે, એમણે દૂર બેઠા-બેઠા બધી જ સત્તા, બધી જ જવાબદારી લોકલ ડો. પ્રજ્ઞાબેન કલાર્થી ને અને સુરત વસતા મૂળ મહુવાના યુવાન પરેશ ફાફડાવાળા ને સોંપી દીધી. બંનેની ટીમે રાત-દિવસ જોયા વગર લગભગ સળંગ સાઠ દિવસના સતત ત્યાંના નિવાસ પછી આ કથાનું આયોજન શક્ય બન્યું.
કથાના આયોજનની આટલી વિગતે કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે, આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.
ખાંડા ની કથા વખતે ગુજરાતભરમાં હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો ગરમી મંડપમાં પણ લાગતી હતી. પણ જ્યાં જનસામાન્ય બેસીને કથા સાંભળે એ કથામાં પંડાલની અંદર ઉપર નાનકડા નાનકડા પાઇપમાંથી ઠંડા પાણીનો છંટકાવ સતત થતો રહેતો હતો એ આપણે ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હતા. ગ્રામવાસીઓ માટે આ નવાઈ હતી કે, આપણને ઠંડક મળે એવી વ્યવસ્થા કોઈ કરી રહ્યું છે. કારણ કે તેઓ કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે જંગલમાં ફરીને પોતાની આજીવિકા રળતા હોય છે. એ ગ્રામવાસીઓને શીતળતા મળે, ઠંડક પ્રાપ્ત થાય અને તેના જીવનમાં આપણી સંસ્કૃતિના બીજ રોપાય, એની પરિકલ્પના માટે યોજાયેલી આ ખાંડાની રામકથા આ વિસ્તારના લોકો માટે અને ગુજરાતભર માટે માઈલસ્ટોન સાબિત થઇ છે. અ-હેતુ હેતથી થતી કથાને માણતાં બાપુએ અહીં કહ્યું કે, “આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”
આપણે પ્રાર્થના કરીએ કે આદીતીર્થવાસીઓ માટેની પ્રત્યેક કથાને આટલી જ સુંદર મજાની સફળતા અને સાર્થકતા પ્રાપ્ત થાય.
by Bhadrayu Vachhrajani | May 5, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું.
પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.
જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં ગણિકા માટેની કથા, કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા, લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે.
પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.
ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.
આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા અને છેલ્લા લગભગ છએક મહિનાથી આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું.
આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું, એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ.
આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી અને તેની ટીમે આ કામ બહુ જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)
by Santulan | Apr 28, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
ઈમોશનલ બર્થને જાળવી લે તેમનું પેરેન્ટીંગ એ ‘પરમાત્માનું પેરેન્ટીંગ’ છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
આપણે આપણા સંતાનોને ઘરના નાના નાના કામોમાં જોડતા શીખવાની જરૂર છે. આથી ઉલટું આપણે તો તેઓને કશું જાતે કરવા દેતા જ નથી. બીજા દેશની અંદર તમારાં કામો તમારે તમારી રીતે કરવા પડે, તમારે ત્યાં પ્લમ્બર ન આવે, તમારે ત્યાં માળી ન આવે, પ્લમ્બર ને બોલાવો તો મહિનાનો પગાર તેને દેવો પડે, એટલો કોસ્ટલી હોય. તો શું કરવાનું? Do it yourself. D.I.Y. આવું લખેલો મોટો-મોટો મોલ, મોલમાં જાઓ ત્યાં બધી જ વસ્તુ, લેતા જાઓ, કેમ કરવું તે વીડિયોમાં શીખતાં જાઓ, ઘરે જઈને ફિટિંગ કરી લેજો. પરિણામે,ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશની અંદર હાયર એજ્યુકેશનમાં કોઈ ભણવા જતું જ નથી સાહેબ, અને આપણે બિનજરૂરી બધાને હાયર એજ્યુકેશનમાં ધબેડયા જ કરીએ છીએ.
પણ ત્યાં કેમ નથી જતું? Skill is developed. કૌશલ્ય એવા વિકાસ પામે છે કે છોકરો દસમું, અગિયારમું પાસ કરે ત્યાં એને જોબ માટે કોઈ હાયર કરી જ લે. નવી શિક્ષણનીતિ 2020 માં આ જોગવાઈ છે. કૌશલ્ય આધારિત શિક્ષણની, પણ એ કૌશલ્ય સ્કૂલ કરાવશે તો નહિ થાય. આપણે ઘરમાં કરાવવું પડશે. ઘરમાં કરાવવામાં આટલું જ કરવાનું છે, જ્યાં તમે જે કામ કરો, ત્યાં બાળકને ભેગું થોડુંક કામ આપવાનું. તમે ભજીયા બનાવવાનું જેવું શરુ કરશે, એટલે સંતાન આવીને કહેશે, મને ખાવા આપ. તો તરત જ તમે કહો કે, એક કામ કર, આ બટેટા છે ને એ તારા હાથમાં જરાય ઇજા ન થાય એમ નાના-નાના સુધારી દે. ત્રણ સુધારી દે એટલે એક તને ખાવા આપું. તમને એમ થાય કે આતો મુશ્કેલ પડે, ભલે મુશ્કેલ પડે. એને છરી વાગી જાય તો વાગી જવા દો. એની મેળે વાગી જાય એવું થવા દો. એ પણ એક અનુભવ છે. એમાં તમારે રડવા જેવા થવાની જરૂર નથી, ‘હાય, બિચારાને વાગ્યું…’ તમે પોપલાં બનશો તો સંતાન પણ પોપડું જ થશે.
ઘણા મા-બાપ એવું કહે કે, સાહેબ આજની તારીખ સુધી અમે એને રડવા દીધું નથી. એ રડે ને તો કાં હું કે એના પપ્પા, દોડીએ સાહેબ. છોકરાને તે રડવા દેવાય? હવે આવા માતા પિતાને કેમ સમજાવાય? રડવું એ જન્મેલા બાળક માટે જરૂરી છે, તો જ એના ફેફસાં ડેવલપ થાય છે. નહીંતર ભવિષ્યમાં કોરોના આવશે ત્યારે પહેલો દા એનો લેશે. આપણી એવી કેટલીક માન્યતાઓ છે, જે માન્યતાએ આપણને ખોટા માર્ગે વાળ્યાં છે. મારું અને તમારું બાળક હકીકતમાં ચાર વખત જન્મ લે છે. આ થિયરી જરા સમજવા જેવી છે. હું પણ ચાર વખત જન્મ્યો છું, અને તમે પણ ચાર વખત જન્મ્યા છો. પહેલો જન્મ છે એ ‘સેલ’ માં થાય છે, ‘કોષ’ માં થાય છે, જેની મને ને તમને ખબર નથી હોતી, એવું આપણે કહીએ છીએ. પણ જરાક ઊંડા ઉતરીને, સ્વસ્થતાથી, પવિત્રતાથી તમારા જાતીય આવેગોને અમલમાં મુકતા તમે ઓબઝર્વ કરશો, તો તમને ખ્યાલ આવશે કે હવે મારે ત્યાં જન્મનારા બાળકનો સેલ્યુલર બર્થ થઇ રહ્યો છે.
ઈશ્વર અથવા અસ્તિત્વ દરેક વસ્તુનો હંમેશા સંકેત આપે છે. દરેક બાબતનો સંકેત આપે છે. ઓશો તો એવું કહે છે કે, જેમ જન્મતા પહેલા 9 મહિનાનો ગાળો છે. અને 9 મહિના પછી તમે જન્મો છો એમ મરતાં પહેલા પણ 9 મહિનાનો ગાળો હોય છે. જો તમે ઝીણવટથી નોંધ લો તો તમને ખબર પડી જાય કે, હવે મારે વિથડ્રો થવાનો સમય આવી રહ્યો છે. અને બરાબર નવ – સવાનવ મહિને તમારું ડેથ થાય. ઓશોએ પોતાના ઉપર આ પ્રયોગ કર્યો, અન્ય કેટલાયની વાતમાં સાચું પડ્યું. બસ, એમ જ તમને ખબર પડે કે my wife is going to conceive now. she is conceiving. એને ખબર પડે. ખબર પડે ત્યારથી તમારું વાતાવરણ બદલાવું જોઈએ. યાદ એ રાખવાનું છે કે એ સેલ્યુલર બર્થ છે. કોષ તરીકે બાળક જનમ્યું. પછી એનો વિકાસ થયો. પછી એ ફર્ટિલાઇઝડ એગ થયું. પછી પછી પછી સેકન્ડ એ તમારો ફિઝિકલ બર્થ. જયારે પ્રેગનન્સીનો પૂરો સમય થયો. અને ગાયનેકોલોજિસ્ટના હાથમાં બાળક જનમ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય. ત્રીજો જન્મ તે છે ઈમોશનલ બર્થ. શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય, સ્કૂલે જતું હોય, મિત્રોને મળતું હોય, સમ-વયસ્કો સાથે, પિયર્સ સાથે જયારે ટ્રાન્ઝેક્શન કરતું હોય ત્યારે એના ઈમોશન ઘડાય છે. જરા વિચારીએ કે આપણને ગાળો કોણ શીખવાડે છે? ગાળો બધાને થોડી વધુ આવડે તો છે જ. આ ક્યા સિલેબસ માં આવી? તો શીખવી કોણે? ઘરમાં કોઈએ લેશન આપ્યું? – નથી આપ્યું. સ્કૂલમાં તો આપે જ નહિ. તો પછી કોણ શીખવે છે? જવાબ છે, “ઈમોશનલ બર્થ”.. પણ એ જ ઈમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પણ પ્રવૃત થાય છે. મમ્મી સાથે ઝગડે છે, મમ્મી થોડોક લોટ આપ, શિરો બનાવ, ગલૂડિયાને આપવો છે. ઘરમાંથી એક શણીયું લઇ જાય છે, એને ટાઢ લાગે છે, ઓઢાડી દે છે. – આ પણ ઈમોશનલ બર્થ છે . એ વખતે આપણે જો કહીયે કે, શું કુતરા પાછળ પડ્યો છે? ઘરભેગો થા. તો આપણે એ ટાણે ટ્રેન ચુકી જઈએ છીએ. છે. એ ઈમોશનલ બર્થ આગળ વધે ત્યારે તમે કોઈના માટે ઉપયોગી બની શકો. રાજકોટમાં એક અનુપમ દોશી નામના માણસ છે. કોઈપણ ને કાંઈ તકલીફ હોય, વૃદ્ધાશ્રમ હોય, ગરીબ લોકો હોય, અનાથ હોય, અનાજ પહોંચાડવું હોય તો અનુપમ દોશી ને ફોન કરો એટલે તમારું કામ થઇ જાય. એમનો ઈમોશનલ બર્થ એટલો જોરદાર છે કે એને કોઈ પદ નથી જોઈતું, છતાં ઉપયોગી થવું જ છે, આ સોશિયલ બર્થ છે.
આપણા બાળક નો સેલ્યુલર બર્થ આપણ હાથમાં છે. ફિઝિકલ બર્થ તો ઓલરેડી આપણા હાથમાં જ છે. જો ઈશ્વરે કેવું કર્યું કે મહેનત પતિ અને પત્નીની. અને જન્મે બાળક કોઈના સહારે. કોઈનો હાથ આવે, ગાયનૅકોલૉજિસ્ટનો હાથ આવે, નર્સનો સપોર્ટ આવે. પહેલા જ પગલે થી ઈશ્વર કહેવા માંગે છે કે દોસ્ત, તારે આ દુનિયામાં જીવવું હોય ને તો અન્યના સહયોગથી જીવાશે. એકલા- એકલા નહિ જીવાય. ઈશ્વર સંકેત આપે છે, એ સંકેત ને ઉકેલવા કે સમજવા એ આપણી જવાબદારી. તો આ ચાર બર્થમાંથી આપણે જેને ન જાળવી શકીએ તેવો હોય તો એ છે ઈમોશનલ બર્થ છે. સંતાન સ્કૂલમાં જાય, જે શીખવા જેવું ના હોય તે પણ સહજતાથી ભલે શીખે. એ હું અને તમે નહિ શીખવી શકીએ. જરૂર પડે ત્યારે કોઈ નો કાંઠલો પકડવો પડે, – એ પણ સ્કૂલ જ શીખવશે. ચિંતા ન કરવી. પણ જો રોજ કોઈક ના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરુ કરવી કે ભવિષ્યના ટેરેરિસ્ટના લિસ્ટ માં આવે એવી શરૂઆત થઇ છે આની. આ સમજી જવું. પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું. ઘણાં મા-બાપ અભિમાન કરે છે અને કહે છે કે, “કોઈ સામે મળ્યો નથી કે બે જીકી દે, રાહ જ ન જોવે.” ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે ત્યારે પોતાના સંતાનનું વર્ણન આવું કરે છે : સાહેબ, બહુ જ જોરદાર છોકરો છે. એક વખત એણે ટીચરને કહી દીધું કે, “ટીચર, તમને શું ભાન પડે?” બહુ જોરદાર છોકરો છે….. હવે આપણે એને કહેવાય કે થોડોક સમય જાવા દે દોસ્ત, એ તને ય કહી દેશે કે, તમને શું ભાન પડે… બસ,આ ઈમોશનલ બર્થને આપણે જાળવી લઇ શકીએ તો આપણા બાળકનું પેરેન્ટીંગ એ પરમાત્માનું પેરેન્ટીંગ છે. (સંપૂર્ણ)
by Santulan | Apr 26, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
ગાગરમાં સાગર ભરીને અપાયેલ સાર્થક જીવન બોધ !
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
મહા પ્રતાપી શ્રી શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાંચે શ્લોક’નું મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્ર્લોકી કર્યું વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે એ.
બાર વર્ષોનું તપ હતું એમનું, કારણ કુલ ૨૦૫ શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકોના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતા ચાલ્યાં. કેટલાક તજજ્ઞો – સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રી મનના શ્ર્લોક.’
બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’ નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી…માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે : ‘મારું ગમન સદા રામ – પંથે જ થાય !’
ચતુર્વાણી મા શારદાને નમન હો
સદા રામ–પંથે જ મારું ગમન હો
મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ?
‘જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું,
અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’
મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ..બસ, એ જ અદાથી મન ને ઉદ્દેશીને કહે છે :
કદી સારી નીતિને ત્યાગો ન મનવા, હજો અંતરે સદ્દવિચારો જ મનવા.
હવે પાપસંકલ્પ ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા.
વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં.
‘મનુષ્ય ‘ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે અને એ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શા થી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે.
ન કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી.
મના એ બધાંને ન તો અંગિકારો, ન તો દંભ મત્સરને મોટો થવા દો.
સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો.
મુખે સર્વદા નમ્ર વાણી જ રે‘જો, મના સર્વને શાંતિ સંદેશ દેજો.
નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદભુત પ્રતીતિ આ ‘શ્રી મનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે.
પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી !
ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું.
સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો.
પડે કષ્ટ તેને જ સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું !
મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન – સંવાદ કરી આપ્યો છે.
આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણાં રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને !. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે.
by Santulan | Apr 21, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.
આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.
૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.
‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે. ‘જો બાળક…. જીવશે તો બાળક…શીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…
જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.
જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.
જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.
જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.
જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.
જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.
જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.
જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.
જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.
જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.
હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!
મહાત્મા ગાંધીએ પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, ‘અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)
by Santulan | Apr 14, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં જે કંઈપણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઈટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.
જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર તેને જ અનુસરવાનું. આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લઈ લેજે’,આમ કહેવું તે અસ્થાને કહેવાય. બાળક બધુ બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે , પાણી લઇ લેજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો- પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી. ઉભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે ત્રણ મિનિટ પછી એણે કીધું, પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય, અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી શકે, ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે? અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે બેય સાથે પીશું.’ જુઓ, પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી,એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે? બેસને બાલ્કનીમાં.’ બાળક આ વાત પણ ઓબઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં સાચું શું?
એક નાનકડી એક ટીપ ,, આપણે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખએ જરા. આ આપણે તુંકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં ક્યારે તુંકારામાથી ‘તારો બાપ ને મારો બાપ’ ઉપર આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’ That means it is a tradition of the family . એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. આ જેના પપ્પા કહ્યા વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઇ ને ક્યાં જવાનો હોય એ કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે, પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.
તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળી ને ઝઘડવું, રેસકોર્સની પાળી એ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો , ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં , પછી પાછા હસતાં-રમતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે.
ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું. Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જેને ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા,પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે. બાર વર્ષની ઉમર સુધીનો જે ગાળો છે, એ હીરોવર્શીપનો ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે. અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી સાહેબ, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી,તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે આપણે હજી બાકી છે.
બીજી એક વાત , દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતાં-રમતાં ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું,અત્યારે એને કોલ્ડસ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે આ દીકરી અહિયાંતો હેરાન થવાની, ત્યાં જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની,. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે, ત્રણ સીટી વગાડજે હો,’ કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit formation.તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય. ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય, આ બધી પ્રકિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો . ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’ અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઉભા રહો , તમે જો જો દીકરો તરત કહેશે કે, પપ્પા મને આપો ને , When you involve them, they are eager to work . જયારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે. ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’ આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું જોઈએ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે, એ એને એકવાર કરવા માટે આપો.કરતાં-કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય. (ક્રમશ:)
by Santulan | Apr 7, 2024 | Educational, સ્વૈર વિહાર - મધુવન |
અંદર બાળક જીવે છે. એ બહારની સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જ જોઈએ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા કુદવાના એને થોડા સીમિત કરવા.
રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં. તો આ બધી જ ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ ક્લિયર કરવા માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં હોઈએ છીએ. ‘પછી કહેતી નહીં હો’, ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this…
અંદર બાળક જીવે છે. એ બહારની સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય, ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે, આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે.
એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, ‘બાળક જે જીવે તે શીખે’. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’ બાળક શું શીખે છે? એ જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. ‘મનમાં ઉગેને કોળે એ કરે તે બાળક‘ એવી વ્યાખ્યા છે.
મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં એટલે કે 0 થી 12. ટીન એઈજ એટલે 13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે ‘તરુણાવસ્થા’ એટલે ‘એડોલેસન્સ’. આ સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ?? મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું બાળક બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે.
હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે, ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is able to feel the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા? એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે, ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે, પપ્પા નથી, એટલે એ કહેશે કે, ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે, આ લોકો મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)
by Santulan | Mar 31, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
એ કહેવું ન જ ગમે પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!!
આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે.
કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી. કારણ કે આપણને જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે. બહુ સ્પષ્ટ માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા, આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે.
કોઈ કહે કે, મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે અઘરો દાખલો તમને સોંપ્યો છે. શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને એમણે ખાસ પસંદ કર્યા છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે. કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે.
વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે જે એમકહે છે કે, પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’ એનો અર્થ એવો છે કે, માતા પિતાને ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે, તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના પેરેન્ટિંગના પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં આવે છે?’, ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને મજા આવી ખરી ? શાણો મહેમાન હોય તો એને ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા ઘરનું.
હવે જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે, બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું એટલે શું? જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’.
એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે પૂર્વ જન્મ, હવે આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે પૂર્વજન્મમાં નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)
by Santulan | Mar 24, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
“ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” પૂજ્ય શ્રી મોટા
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો.
પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ मनने ની સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની વિનંતી છે.”
“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે.
આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ સમજવાનો પ્રયાસ કરીએ:
ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:
ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કે‘વું ?
ત્હને કેટલી વાર કો રીત ટેવું ?
નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે–
નથી એટલુંયે અરે ! ભાન શાને ?..
આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે :
ચઢાશે ન બે ઘોડલે તુંથી બાપુ,
ત્હને તે વધારે કઈ શીખ આપું ?
અજાણ્યું અને ભોટ જો હોય સારું,
કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.
મ્હને છેતરી છેતરી જાય ઊંધું,
ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,
હતે બાળ તો આંગળી આપીને મ્હેં,
ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.
તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત !
હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે :
ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,
ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,
ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,
તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?
ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,
ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,
ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,
ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.
ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,
ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,
ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,
તણાયા કદી તો બૂરા હાલ આવે.
હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું કે તરત જ તું તો મને પછાડે છે. હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી.
કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,
બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું–
તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે–
પછાડી કરે ખોખરાં હાડકાં રે.
હુલાવી ફુલાવી લઉં કામ તોયે,
ન વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,
કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,
ન શાને શીખે તું, પડે છે છતાંયે?
જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,
વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,
પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,
ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?
શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે :
ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?
નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,
છતાં ચૂકવે કાં ન તું મ્હારું દાપું ?
ફજેતી થતાં લાજ આવે ન કાં શું ?
સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,
સદા સર્વને પ્રેમથી રીઝવી લે,
નકામા નકામા તરંગે ચઢ્યું તો,
ગુમાવીશ તું મેળવેલું – રળેલું.
મ્હને છોડશે તું, છતાં કેમ છોડું–
ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,
ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,
તદાકાર રે‘વા મથાવીશ, બાપ.
હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું લાગું એટલે કે મારું વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે, સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ.
છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ કરાવીશ.
by Santulan | Mar 17, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.
મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.
આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથી ‘મનને‘ એવી એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.
‘મનને’ શીર્ષકધારી આ નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.
ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે તારવ્યું. ‘ક્રિયા વીણ વાચાળતા છે નકામી‘ લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ‘ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે‘ લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વ–સ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વ–સ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.
ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.
અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે, ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જ જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.
‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.
by Santulan | Mar 10, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
મૂળ નામ નારાયણ ઠોસર. શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ સ્વામીનો !
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
‘શ્રી મનાચે શ્લોક’ અને તેના સમશ્લોકી અનુવાદનો લેખ અનેક વાચકોની જિજ્ઞાસાને જન્માવી ગયો અને આ સ્વામી સમર્થ રામદાસ વિષે વધુ જાણવાની માંગણી આવી. આવો, આજે સ્વામી સમર્થનના જીવનનું વિહંગાવલોકન કરીએ.
મનને આપણે બહુ વખોડયું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે, જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!
સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્રગુરુ’નું સન્માન પામ્યા.
સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી‘ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.
‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોને કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં જઈને સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું : “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ‘નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!
“મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’
“મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’
‘મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.”
by Santulan | Feb 25, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે.
ભદ્રાયુ વછરાજાની (66) bhadrayu2@gmail.com
આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું સારદોહન હૃદયસ્થ કરી લઈએ.:
સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે :
+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. + માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. + કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.
સત્તરમાં અધ્યાયનું સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :
+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.
અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર મળે છે કે :
+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. + ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. + ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. + હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. + હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ
(અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )
by Santulan | Feb 18, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.
ભદ્રાયુ વછરાજાની (65) bhadrayu2@gmail.com
આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન હૃદયસ્થ કરી લઈએ.:
તેરમાં અધ્યાયમાં કહેવાયું કે :
+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. + દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. + “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. + “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. + ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.
ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે :
+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. + મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. + ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.
પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે :
+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. + આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.
by Santulan | Feb 11, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
‘અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’
ભદ્રાયુ વછરાજાની (64) bhadrayu2@gmail.com
અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર..આપણને જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે.
સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશા એમ જ કહેશે કે, આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે જેને જીવનનું અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ? મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે.
પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે. અને મોક્ષ તને શોધતો-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, माते संगोध्व कर्मणि माहो राग अकर्ममा , અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘अहं त्वां सर्वपापेभ्यो मोक्ष ईष्यामि मा सुच: હું તને સર્વ પાપોથી છોડાવીશ, તુ નચિંત થઈજા. મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે, અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે.’
નિરપેક્ષ વૃતિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે, તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે. ‘સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છોકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે.આવી એ નીતિશૂન્ય અવસ્થા છે, આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધના ની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે.
આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદગાર છે ને! ‘આ વિશ્વમાં જે-જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતા ની અવસ્થા છે. જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને આખા જગતના દોષ પોતાની માથે લે છે. ત્રણે ભુવનના પાપથી પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શતો નથી.
આ ભાવાવસ્થા ની માફક જ્ઞાની પુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે,? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી, આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરાકાષ્ટાની દશામાં સંભવે છે.
આ જે અક્રિયા અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત માત્ર છું, કર્મનું કર્તુત્વ મારી પાસે નથી, એ મનન કરતા રહેવું. આ અકર્તુત્વ વાતની ભૂમિકા પહેલા નમ્ર પણે સ્વીકારવી. પછી પણ ય બધું એ કર્તુત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાની ની અવસ્થા પ્રાપ્ત થશે.
એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ, તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં, બધાય કર્મોને ભસ્મસાત કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકાશે.
અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધુ બરાબર સમજ્યો હોઈશ, હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર.’ ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે. ભગવદ ગીતાની આ વિશેષતા છે. પણ આ વિશેષતામાં પછી લાગણી ઉમેરાઈ ગઈ, એટલે એમને આપેલું ઈચ્છા નું સ્વાતંત્ર ભગવાને પાછું ખેંચી લીધું. અને ‘અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’ પોતાને શરણે આવવાનું કહી આપેલું ઈચ્છા સ્વાતંત્ર ભગવાને પાછું લઈ લીધું, એનો અર્થ સમજવા જેવો છે, કે ‘તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા જ ન દઈશ,’ પોતાની ઈચ્છા ચલાવવાની જ નથી, તેની જ ચલાવવાની છે, એવું કહેવાય.
અંતે શ્રી વિનોબાજીએ કરેલું ઉત્તમ સમાપન યાદ કરીએ : જેમ બકરું જીવતું હોય ત્યારે ‘મેં-મેં’ કરે, મરી ગયા પછી તેની તાંત પીંજણ ને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, ‘તુંહી…તુંહી…તુંહી…’ એટલે કે ‘તુંજ… તુંજ… તુંજ…’ એવું બોલે છે. અર્જુન છેલ્લે તારી અવસ્થા ‘તુંજ… તુંજ… તુંજ…’ ઉપર થાય, એવી મારી પ્રાર્થના છે. આવો, આપણે સૌ પણ ‘તું હી, તું હી’ નું નામ સ્મરણ કરતા કરતા જ અમર ગતિ પામીએ.
by Santulan | Feb 4, 2024 | Articles, Geeta, સ્વૈર વિહાર - મધુવન |
બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મને ‘ભયાવહક’ કહેવામાં આવ્યો છે.
ભદ્રાયુ વછરાજાની (63) bhadrayu2@gmail.com
શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે.
કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે ‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’
સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’ આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?
ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે
1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.
2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.
3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.
4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.
5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.
6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.
7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.
8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.
શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મને ‘ભયાવહક’ કહેવામાં આવ્યો છે.
સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.
સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની બદબો છૂટવા લાગશે.
કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે, આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે.
by Santulan | Jan 28, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે.
ભદ્રાયુ વછરાજાની (62) bhadrayu2@gmail.com
આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે.
ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે.
આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’
કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી કે, ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે.
હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’ એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.
આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી.
વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે.
ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.
એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”
સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.
by Santulan | Jan 21, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય.
ભદ્રાયુ વછરાજાની (61) bhadrayu2@gmail.com
ગીતાજીના સત્તરમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ મુજબ વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણે સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો આપણો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જ કહી શકીએ કે “હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે.” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી – સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ – સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે.
આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં. કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં, દાનથી સમાજમાં અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ સત્તરમાં અધ્યાયમાં દર્શાવેલ છે.
આપણા જન્મ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ માટે કશોક ભોગ પણ આપવાનો છે. ભોગ આપવો એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતા આહાર કહે છે. આ શરીરરૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો પડશે. દેહ ને આહાર આપીએ તો જ એ કામ કરે. આ બધી વાતોના મૂળમાં વળી શ્રધ્ધા જ હોય છે. બધી જ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે. પણ આપણે ક્રિયાઓ ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક હોય તો જ અર્પણ કરી શકીએ. આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાથે જ થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણને 14 માં અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું. 17માં અધ્યાયમાં ગીતા તે તત્વોનો અમલ શી રીતે કરવો તે બતાવે છે. આ સત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બે પ્રકારનો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. બંનેને માટે એક જ પ્રયત્ન, એક જ કર્મ છે. તેવું જે કર્મ કર્યું હોય, તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે.
કહેવાય છે કે યજ્ઞ સાત્વિક થાય તે માટે બે બાબતો જરૂરી છે. એક નિષ્ફળ પણાંનો અભાવ, અને બે, સકામ પણાંનો અભાવ. યજ્ઞમાં સકામ પણું હોય તો એ ‘રાજસુ યજ્ઞ’ બને છે. અને નિષ્ફળ પણું હોય તો ‘તામસ યજ્ઞ’ બને છે. સાથે-સાથે એ પણ યાદ રાખવું પડે કે, આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહિન કર્મ વ્યર્થ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. લેસ માત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય, એવું કામ લગભગ-લગભગ કરી શકાતું નથી. તેથી દિવસે-દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારેને વધારે નિસ્વાર્થ સેવા, આપણે હાથે થાય એવું ઈચ્છતા રહેવું જોઈએ. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ. ‘ઓમ-તત્સત’ એ વૈદિક નામ લઇ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે. પાપમાંથી નિસ્પાપતા તરફ લઈ જઈ શકે. જીવનની આસ્તે-આસ્તે શુદ્ધિ કરવી જોઈએ, પરમાત્મા જરૂર એમાં મદદ કરતો હોય છે. અને આપણી નિર્બળતામાં તે આપણો હાથ પકડતો હોય છે.
by Santulan | Jan 14, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.
ભદ્રાયુ વછરાજાની (60) bhadrayu2@gmail.com
સત્તરમાં અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે.
શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ?
આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા;
આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા;
અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે.
આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.
આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.
આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.
બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.
આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.
by Santulan | Jan 7, 2024 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ કે મોક્ષ નથી મળતો.
ભદ્રાયુ વછરાજાની (59) bhadrayu2@gmail.com
શ્રીમદ્ ભગવત ગીતાના 16 માં અધ્યાયના કુલ 24 શ્લોકોમાં આપણને દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. આપણને ગણાવવામાં આવ્યું છે કે દૈવી બાબતો કઈ અને આસુરી બાબતો કઈ છે? મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ જેવો એક સુંદર આયોજિત કાર્યક્રમ કર્યો હતો અને એ ગીતા શિક્ષણ દરમ્યાન તેમણે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા. એ મુદ્દાઓની નોંધમાંથી આપણને ઘણું બધું તથ્ય જાણવા મળે છે. એ સમયે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ દ્વારા એ શબ્દબદ્ધ જે વાત હતી તેનું પ્રકાશન કરવામાં આવ્યું. જેના સંપાદક હતા નરહરી દ્વારકાદાસ પરીખ. ગાંધીજી દરેક શ્લોકની સાથે પોતાની વિગત આપતા આપતા, તેઓ જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે, ત્યાં ત્યાં આ જીવનની કેટલીક બાબતોને વણી લઈને આપણને મુદ્દો સમજાવે છે.
‘આજે મેં આટલું મેળવ્યું, કાલે આટલું મેળવીશ,’ ‘આટલું તો મારી પાસે છે જ અને બીજું ધન પણ મારું જ થવાનું છે.’ ‘આ શત્રુને મેં માર્યો છે, બીજાને હવે હણવાનો છું.’ ‘હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું સુખી છું, જુઓ જુઓ હું કેટલો ધનવાન છું! કેટલા ઊંચા કુટુંબનો છું! મારા જેવો બીજો કોણ છે?’ ‘હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ માણીશ.’.. અજ્ઞાનથી આંધળા થયેલા માણસો આવી આવી વાતો કર્યા કરે છે. આમ કરીને માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે. યુધિષ્ઠિર પણ આવો સટ્ટો કરીને દ્રૌપદીને હારી ગયો હતો. પાંડવો અને કૌરવો કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા કોઈ દંભમાં અથવા તો મોહમાં આવી જતા હોઈએ છીએ. આપણે તો સૌ મિશ્રણથી ભરેલા છીએ. પણ ગમે તેમ કરીને ગીતા આપણને ઉર્ધ્વ ગતિ તરફ આગળ જવાનું સૂચવે છે. અનેક પ્રકારની વૃત્તિ મનમાં ઉછળ્યા જ કરે એટલે વિભ્રાન્ત થયેલા, મોહની જાળમાં વીંટળાયેલા, કામ ભોગમાં આસક્ત રહેલા અત્યંત અપવિત્ર એવા નરકમાં પડે છે. કેટલાક પોતાની બડાશ મારનારા હોય છે. અક્કલ , ધન, માન અને મદથી ઘેરાયેલા હોય છે, દંભથી વિધિ વિનાના, કેવળ નામના યજ્ઞ કર્યા કરે છે. યજ્ઞ કરવાનું નામ રાખે પણ ઈચ્છા તો પોતાનો સ્વાર્થ સાધવાનો આવી રીતે કેટલાક જીવો જીવતા હોય છે. ભગવાન ધ્યાન દોરે છે કે અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તથા બીજાઓમાં રહેલા હું નો તેઓ દ્વેષ કરનારા, એ પણ આસુરી શક્તિઓ અથવા સંપત્તિઓના પ્રતિનિધિઓ છે. આવી રીતે જે દ્વેષ કરે છે એવા ક્રૂર-નરાધમોને અને અશુભોને હું નિરંતર આસુરી યોની માં નાખી દઉં છું – એવું ભગવાન સ્પષ્ટ કરે છે. આવા મૂઢ માણસો જન્મો-જન્મ આસુરી યોનિને પામીને, મને મેળવ્યા વિના અધમ-યોનિમાં જતા રહે છે.
આત્માનો નાશ કરવાનું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે. એ ત્રણ છે – કામ, ક્રોધ અને લોભ. એટલા માટે આ ત્રણેયને ત્યજવાનું આપણને કહેવામાં આવ્યું છે. આવો માણસ પ્રેયને નથી આચરતો પણ શ્રેયને આચરે છે. કામ, ક્રોધ, લોભ – એ પ્રેય તરફ ખેંચી જાય છે. આ ત્રણેય તમોદ્વારથી વિમુક્ત થયેલો માણસ જ પોતાનું શ્રેય આચરીને પરાગતિને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ નથી મળતી, મોક્ષ નથી મળતો અને સુખ પણ નથી મળતું. એટલે જ કાર્ય અને અકાર્ય ઠરાવવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ માનીને શાસ્ત્રમાં ઠરાવેલા વિધિ જાણીને આપણે કર્મ કરવું જોઈએ, એવો બોધ આપણને આપવામાં આવ્યો છે.
આપણે આ વ્યવસ્થિતિમાં અંતરનાદને વશ થશું એમ કહેવું જોઈએ. પણ એમ તો રાવણ પણ કહે છે કે હું અંતરનાદને વશ હતો. જે માણસનું ચિત્ત શાસ્ત્ર જ્ઞાનથી સંસ્કારી થયેલું છે, તે જ માણસ આમ કહી શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર શું છે? વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણાદિ બધું જ શાસ્ત્ર છે. પણ એમાં ઘણી વાતો એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીજી નોંધે છે કે, ગીતા જેવાના પ્રતિ તેવા થવાનું કહે છે એમ કોઈએ નોંધ્યું છે અને પોતાના પ્રમાણમાં શેખ સાદીને ટાંકે છે, ‘જે નઠારા પ્રતિ જે સારો થશે તે સારા પ્રતિ નઠારો થવાનો.’ શાસ્ત્ર સત્ય-અહિંસા ને આધીન છે. શાસ્ત્ર રાજ્ય ચલાવે છે. અરાજકતા પાથરવાનું એમનું કામ નથી. પણ એ શાસ્ત્રનો આપણે વધુ વિચાર કરીને ઊંડાણથી એને અનુસરવું રહ્યું. ભગવત ગીતાના 16 માં અધ્યાયનું જો સાર તત્ત્વ આપણે મેળવવું હોય તો એ સાર તત્ત્વ બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવે છે. એમ કહેવાય છે કે હિંસા છે તો તેની સામે અહિંસાની એક સેના પણ છે. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ છે તો બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે, જેનું નામ છે અભય. 16 માં અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદગુણની કિંમત નથી. નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી થાય અને પાછલી બાજુથી છુપો હુમલો થવાનો સંભવ છે. સદ્ગુણોને આગળને મોરચે નિર્ભયતા પોતાનું થાણું જમાવીને ખડી છે, તો પાછળનો મોરચો નમ્રતા સાચવે છે. આવી બહુ સુંદર રચના થયેલી છે. એકંદરે જોઈએ તો બધા મળીને 26 ગુણો આ 16માં અધ્યાયમાં ગણાવ્યા છે. એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય, પણ એ વાતનો અહંકાર વળગ્યો, તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ નમ્રતા નામના સદ્દગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હાર માં પલટાઈ જશે.
by Santulan | Dec 31, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
કહે છે કે, ક્રોધમાં તેર સ્નાયુનો વ્યય થાય છે, હસવામાં નવનો વ્યય થાય છે.
ભદ્રાયુ વછરાજાની (58) bhadrayu2@gmail.com
શ્રીમદ્ ભાગવત ગીતાનો સોળ મો અધ્યાય આપણને એવું કહે છે કે, જીવનની ચડતી કળા એ દૈવી સંપત્તિનું નામ છે અને એના વિરુદ્ધની જે કોઈ અવસ્થા તે અસુરી સંપત્તિ કહેવાય છે. ખરેખર સોળ માં અધ્યાયમાં દૈવી અને આસુરી શક્તિનો ઝઘડો બરાબર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામ-સામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સોળ માં અધ્યાયમાં એકબીજાની સામે ઊભા કરી દીધા છે.
માનવીના મનમાં સત્ત પ્રવૃત્તિઓનો અને અસત્ત પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ રીતે રામ અને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહૂરમઝદને અહરી માનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ અને શૈતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇબ્લિસનો, આવા કેટલા ઝગડા ધર્મમાં દર્શાવેલા છે. ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવવામાં આવે છે. જાણવાનો મુદ્દો એ છે કે,સોળ માં અધ્યાયના પહેલા લગભગ ચાર શ્લોકોમાં જ આપણને એક યાદી ભગવાન આપી દે છે અને એ યાદીમાં કયા ગુણો દૈવી છે, અને કયા ગુણો આસુરી છે, તે આપણને સમજાવી દે છે. અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, ઈન્દ્રીય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તક,સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપયશુન (કોઈની ચાડી ન ખાવી), ભૂત દયા, અલોપલુપ્તા (લાલસાનો ત્યાગ), મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન… આટલા ગુણો તે દૈવી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે જે આ ગુણો લઈને જન્મ્યો હોય છે, તે દૈવી ગુણ તરફ આગળ ધપે છે. સત્વ સંશુદ્ધિ ( આત્મશુદ્ધિ અથવા તો આપણે જેને અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ), જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે કે સ્થિર જ્ઞાનની વ્યવસ્થિતિ, બધા કાળ માટે અનુભવ જ્ઞાનએ જ્ઞાન વ્યવસ્થિતિ. યોગ વ્યવસ્થિતિ એટલે સદાય ઈશ્વર જ્ઞાન અને ઈશ્વરનું તાદાત્મ. અહિંસામાં જ્ઞાનપૂર્વક દયાભાવથી કરેલી હિંસા પણ આવી જાય છે.
મહાત્મા ગાંધી પોતાના ગીતા શિક્ષણના પાઠમાં સુંદર રીતે નોંધે છે કે, ડોક્ટર નાનજી ઓપરેશન કરવાનું હોય તેને આગલે દિવસે ઉપવાસ કરતા. એ હેતુથી કે પોતાના ક્રોધ વગેરે વિકારોની દર્દી ઉપર કોઈ અસર ન થાય. ક્રોધ વિના મારનારો માસ્તર તો આંખમાંથી આંસુ પાડતો પાડતો મારશે. યુધિષ્ઠિરની ક્ષમા કેવી ? વિરાટ રાજાને ત્યાં વિરાટે તેને માર્યો ત્યારે તેણે નાકમાંથી ભૂમિ ઉપર લોહી ન પડવા દીધું. ક્ષમા એટલે અપકાર ઉપર ઉપકાર !! ક્ષમા આટલી તીવ્ર છે.. આ બધા દૈવી ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન એ આસુરી સંપત્તિ લઈને જન્મેલા હોય છે. અહીંયા સમજવાની જરૂર છે કે, દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો તે, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી તે, અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાકો રાખવો તે.. નારદજી એ કામદેવને હરાવ્યો ત્યારે તેણે અભિમાન કર્યું, અને એ અભિમાન થી તે પડ્યા. પારુષ્ય એટલે કઠોરતા.. દૈવી સંપત્તિ વાળો માણસ મોક્ષ તરફ ગતિ કરે છે, અને આસૂરી સંપત્તિ બંધનમાં નાખે છે. ભગવાન કહે છે, તારે શોક કરવાની જરૂર નથી. તું તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. આ જગતની અંદર લોકોના સ્વભાવ બે જાતના હોય, દૈવી અને આસુરી. દૈવી સ્વભાવ તો વિસ્તાર પૂર્વક આપણે જાણ્યો.હવે આપણે આસૂરી સ્વભાવ ની વિગત મેળવીએ.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવી એ આસુરી સંપત્તિ વાળા લોકો જાણતા નથી. તેઓ નથી જાણતા શૌચ, નથી જાણતા આચાર કે નથી જાણતા સત્ય, જેનામાં શૌચ નથી, સત્ય નથી, આચાર નથી, એ માંદા લોકો છે એવું ગાંધીજી કહે છે. માનસિક અને શારીરિક દોષ વિના માંદગી આવતી નથી. ચોવીસે કલાક જેનો આત્મા જાગ્રત રહે છે, તે તો નિરંતર પોતાનામાં તેજનો સંચાર માગે છે. કહેવાય છે કે લાધા મહારાજ કોઢ થી મુક્ત થયા. કેવી રીતે મુક્ત થયા? એ પોતાના કોઢ ઉપર બીલીપત્ર લગાડતા હતા ત્યારે તે પોતાનામાં તેજનો સંચાર માંગતા હતા. આપણે આપણા શરીરને વિકારવશ થતું ત્યારે જ અટકાવી શકીએ કે આપણે તેજનો સંચાર રોજ માગ્યા કરીએ. ગાંધીજી કહેતા કે, હું તો દરેક માંદા ને પૂછીશ કે તમારામાં રાગ-દ્વેષ છે કે નહીં? બહારથી આપણામાં શૌચ અને આચાર હોય પણ સત્ય ન હોય તો તે બહાર ઢોલ અને માહે પોલ જેવું છે. આપણે એ સત્ય કેળવવા માટે ગીતાનું પઠન કરી શકીએ છીએ. આવી આસૂરી પ્રકૃતિવાળા લોકો જગતને અસત્ય, આધાર વિનાનું, અને ઈશ્વર વિનાનું કહે છે. સ્ત્રી-પુરુષના મૈથુનથી જ ઉત્પન્ન થયેલું કહે છે. એમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય એવી પણ બડાશ મારે છે. આ દૃષ્ટિનો આશ્રય લઈને એ નષ્ટાત્માઓ મંદમતી અને ઉપગ્રહ કર્મ કરવાવાળા, જગતનું અહિત અને નાશ કરનારા બને છે. કોઈ દિવસ તૃપ્ત ન થાય એવા કામનો આશ્રય લઈને દંભ, માન અને મદવાળા, મોહથી ખરાબ નિશ્ચય કરીને, અશુચિ વ્રતો એટલે કે પાપી બુદ્ધિ વાળા આ જગતમાં કેટલાય લોકો પડ્યા છે. જેનું માપ ન થઈ શકે એવી અને પ્રલય સુધી પહોંચવા વાળી ચિંતા નો આશ્રય લેવાવાળા, કામ અને ઉપભોગમાં ચોંટી રહેલા, ભોગ એ જ સર્વસ્વ છે એવા નિશ્ચયવાળા, સેંકડો આશા-પાસ થી બંધાયેલા, કામ અને ક્રોધ કરવાવાળા, કામ ભોગ માટે અન્યાય વડે અર્થ સંચય કરવા ઈચ્છે છે. ક્રોધ થી જેટલી શક્તિઓનો વ્યય થાય છે તે આનંદથી જેટલી શક્તિનો વ્યય થાય તેના કરતાં અનેક ઘણો વધારે છે. ગજા ઉપરાંતની શક્તિનો વ્યય થાય છે, એટલે જગતમાં અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. કહેવાય છે કે ક્રોધમાં તેર સ્નાયુ નો વ્યય થાય છે. હસવામાં નવ નો વ્યય થાય છે. ભોગમાં મૃત્યુ છે, બ્રહ્મચર્યમાં અમરત્વ છે. એકવાર રાયચંદભાઈ (શ્રીમદ ) નું માથું દુખતું હતું, ત્યારે ગાંધીજીએ એમને પૂછ્યું, તમે ક્યાં નાટક જોવા ગયા હતા? રાયચંદભાઈ એ કહ્યું, હું રાત્રે ઘરમાં પડયો-પડ્યો નાટક જોતો હતો. મારું દુખતું માથું મટાડવા મારે મારી શક્તિ નથી વાપરવી. સારું છે એવું જુઓ છો, તેવો જ તમે મને જુઓ છો. ઈશ્વરના કાયદા કરતાં હું ઉતરતો છું. વિષય ઉપભોગ નું પરિણામ મૃત્યુ છે. વિષય ઉપભોગ કર્યા જ કરીએ તો જગતમાં ઈશ્વરનું રાજ્ય ન રહે પણ શૈતાન નું રાજ્ય આવીને ઊભું રહે.
by Santulan | Dec 24, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.
ભદ્રાયુ વછરાજાની (57) bhadrayu2@gmail.com
શ્રીમદ ગીતાના સોળમા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે. અહીં પ્રભુ અર્જુનને દૈવી અને આસુરી વૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે અને તે વૃત્તિઓ અંગે સાવધાન રહેવા અર્જુનને કહે છે.
શ્રીમદ ગીતા વિશેના અનેક ભાષ્યોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે કે જે આપણને આજે વિચારતા કરી મૂકે. ઉદાહરણ તરીકે, ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને અલિયાબાડાના મહર્ષિ ડૉ કાકા ( શ્રી ડોલરરાય માંકડ) ના મત મુજબ તો, ખરી ગીતા એટલે ગીતાનો કેવળ બીજો અધ્યાય. અને પછીનું બધું તો ઉમેરણ…જયારે વિનોબાજી તો પંદરમાં અધ્યાયને ગીતાનો છેલ્લો અધ્યાય કહે છે અને તેઓએ ગીતા પ્રવચનોમાં સોળ, સત્તર અને અઢાર અધ્યાયોને તો ‘પરિશિષ્ટ’ કહ્યા છે…આ આકલનને સાદર સ્વીકારીને પણ આપણે ગીતા યાત્રા આગળ ધપાવીએ.
ગીતાના પહેલા પાંચ અધ્યાયમાં જીવનની યોજના કેવી છે અને તેમાં આપણો જન્મ કેમ સફળ થાય તેની વાત થઈ તો છઠ્ઠા અધ્યાયથી તે અગિયારમાં અધ્યાય સુધી ભક્તિના વિવિધ રૂપોનો વિચાર થયો. બારમાં અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની તુલના થઈ અને કર્મ તથા ભક્તિ તત્ત્વોને જાણ્યા. તેર, ચૌદ અને પંદરમાં અધ્યાયમાં જ્ઞાનની વિશાળ છણાવટ થઇ. આત્માને દેહથી છુટ્ટો પાડવો અને તેમ કરીને ગુણોને જીતી લેવા અને કણેકણમાં અત્ર, તત્ર, સર્વત્ર પ્રભુના દર્શન કરવા તેવું કહીને જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર આપણે જાણ્યું અને દિલમાં ઉતાર્યું.
વિનોબાજી બહુ સ્પષ્ટ કહે છે કે, “કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે. જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ, અને કેવળ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું, કર્મ-ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઊતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોમાં મૂકું છું તે જ ક્ષણે એકીવખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું. ત્રણ ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફકત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરુષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારુ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.”
સોળમા અધ્યાયમાં સૂર્યોદય પહેલાની પ્રભા ફેલાયેલી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણથી પૂર્ણ થયેલ પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા લાગે છે. આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી કેટલી સદ્વૃત્તિ ઊંડી ઉતારી , આપણે કેટલા કેળવાયા, જીવન ખરેખર સેવામય બન્યું કે નહીં ?? તે બધું તપાસી લેવા માટે આ સોળમો અધ્યાય છે. જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.
ફરી વિનોબાજીનું સ્મરણ કરીએ. તેઓ કહે છે કે, “એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “હું શીખવનારો, બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરુ કોણ?” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા, “આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ,” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “પીઠ પર મારજો પણ પેટ પર મારશોમાં એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું . “આ ઘન મારું છે, અને પેલું પણ મારું થશે.” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને “સ્વરાજ જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો .” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે, જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.”
by Santulan | Dec 17, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ આ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે.
ભદ્રાયુ વછરાજાની (56) bhadrayu2@gmail.com
પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે, પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15, અને ચોથો અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ.
પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ આ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે. છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે.
શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે.
- આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે.
- જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે.
આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે.
પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે કે કોઈની અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.
by Santulan | Dec 10, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ.
ભદ્રાયુ વછરાજાની (55) bhadrayu2@gmail.com
શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે.
શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ન ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.
આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’
જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ.
આ પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવ–તત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે, હે અર્જુન, સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે? અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય જ પોતાના હ્રદયમાં સ્થિત આ આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું.
પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે. એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં છે, અને જે પ્રકાશ અગ્નિમાં સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે.
by Santulan | Dec 3, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
અશ્વસ્થ ને પાંદડે–પાંદડે વેદ લખેલા છે, એટલે પાંદડે–પાંદડે રામ નામ લખેલું છે.
ભદ્રાયુ વછરાજાની (54) bhadrayu2@gmail.com
આપણે પંદરમાં અધ્યાય પ્રારંભે વિનોબાજીને યાદ કરીએ.
પંદરમાં અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂર્ણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપે છે અને અધર્મો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર નામ આપ્યું છે. ‘અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું,’ – એમ ભગવાન છેવટે કહે છે.’… આ અધ્યાયમાં પરમાર્થની વાત પુરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. આવો આપણે બધાયે વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જતા અધ્યાય અંગે વિગતે સમજીએ.
આ અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે, પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15, અને ચોથો અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આ પંદરમાં અધ્યાય રૂપે આપણી સમક્ષ શ્રી ભગવાન બહુ મહત્વની વાત કરી રહ્યા છે મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના આધારે શ્રી નરહરી દ્વારકાદાસ પરીખે પુસ્તક તૈયાર કર્યું. જેમાં ગાંધીજીના પ્રવચનોની સદગત મહાદેવભાઇ દેસાઈએ લીધેલી નોંધ મૂકવામાં આવી છે. જેમાં તારીખ 24 ફેબ્રુઆરી 1926 થી તારીખ 27 નવેમ્બર 1926 સુધીની નોંધનો તેમાં સમાવેશ છે. “ગુજરાત વિદ્યાસભા અમદાવાદ” દ્વારા તે 1955 ની સાલમાં એટલે કે સંવત 2012માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ એવું એક પુસ્તક આપણા હાથમાં છે કે જેના સારરૂપે એમની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર વાત આપણને કરવામાં આવી છે, જે જરા જોઈ-જવી જરૂરી બને છે. ‘જે રાગ-દ્વેષ રૂપી વિષ ની પીડાથી ઉપજતા મોહથી રહિત છે, પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપાથી પ્રેરાયેલો છે, અને જે સર્વગુણોથી સંસ્કારમાં છે તેને સર્વદા નમસ્કાર છે.’ બાપુએ આરંભ કરતા એવું લખ્યું કે, ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણ માંથી મળી છે. એમાં એની વિનંતી પણ છે, અને ત્રાગું બંને પણ છે. જેનો અર્થ એવો થાય કે, ‘તું વિષ્ણુ હોય, ત્રિપુરારી શિવ હોય, ગમે તે હોય જો તું રાગ-દ્રેષાદીથી મુક્ત હોય તો તને નમસ્કાર છે.’ આ બહુ જ સિદ્ધ વાત છે કે ‘આપણા નમસ્કાર કોને થઈ શકે,? મહાભારત ઐતિહાસિક ગ્રંથ નથી, પણ ધર્મગ્રંથ છે. બનેલી વાતને કહેવાનું સામર્થ્ય કોનું છે,? એક પાણીનું બિંદુ જોયું તેનું વર્ણન આબેહૂબ આપવાનું માણસમાં સામર્થ્ય નથી. એવો પામર ઈશ્વરે મનુષ્યને બનાવી મૂક્યો છે. ત્યાં બનેલી ઘટનાનું પુરૂ વર્ણન તો કોણ આપી શકે ? તેમાં આ યુદ્ધમાં તો લડનારા ધર્મથી, વાયુથી, ઇન્દ્રથી, અશ્વિનીકુમારથી ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો અને એક સમયે ઉત્પન્ન થયેલા 100 પુત્રો વચ્ચે છે એવી વાત ક્યાંય સંભવિત જાણી છે?’ એવો પ્રશ્ન ગાંધી પૂછે છે.
દુર્યોધન અધર્મને રથે બેઠેલો હતો અને અર્જુન એ ધર્મને રથે ચડેલો હતો, એમ આ યુદ્ધ ધર્મ-અધર્મનું છે. સંજય ભક્ત હૃદય છે. યુદ્ધ તો દૂર થાય છે તે જોવાની તેની શક્તિ નથી. એટલે તે જોવાને વ્યાસ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પણ એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે, જે યુદ્ધ આપણા શરીરમાં રહેલા અનેક કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહ્યું છે તેનું જ વર્ણન આમાં છે. અનેક ગુણો અને અવગુણો મૂર્તિમંત થાય છે તે ગુણ-અવગુણો નું આ યુદ્ધ છે. હિંસા-અહિંસા નો પ્રશ્ન વેગળો રાખવો જોઈએ કારણ કે આ દ્વંદ્વ યુદ્ધમાં મનુષ્યનું કર્તવ્ય શું છે એ બતાવવા માટે આ ધર્મગ્રંથ લખવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. પંદર માં અધ્યાયના 20 શ્લોકના વિવરણમાં ઉતરતા પહેલા આપણે એટલું જાણી લઈએ કે કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા તૈયાર થયેલ ‘ગીતા ધ્વનિ’ માં સમશ્લોકી નાની પુસ્તિકા જે ગ્રંથ સમાન છે તેમાં એમનું ગુજરાતી અક્ષરસ: થયું છે, અને તે વધુ પાચ્ય બન્યું છે.
જાણવાનું એ છે કે શ્રી ભગવાન સૌ પ્રથમ અહીં અર્જુનને કહેવા માગે છે કે, સંસારરૂપી અશ્વસ્થવૃક્ષ નું સ્વરૂપ કેવું છે? સ્વ: એટલે આવતીકાલ, તેથી અશ્વસ્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, તેથી તે અશ્વસ્થ છે. આ સંસારનું જેને યથાર્થ જ્ઞાન છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે’, આવો પહેલા શ્લોકનો અર્થ થાય છે. પહેલા શ્લોકમાં સંસારને તરી જવાનું સાધન બતાવ્યું છે, તો બીજા શ્લોકમાં સંસારને દિવ્ય-દ્રષ્ટિ એ વર્ણવ્યો છે. અજ્ઞાની દૃષ્ટિ વાળું વર્ણન બીજા શ્લોકમાં છે.
આ જગતમાં કર્મ કરવા છતાં અલિપ્ત તો ત્યારે જ રહેવાના છીએ જ્યારે આ જગતને ઈશ્વરની લીલા ન સમજતાં તેને ભોગભૂમિ માની અસહયોગરૂપી શસ્ત્ર વડે મૂળમાંથી છેદી નાખીશું. એના મૂળ બીજી રીતે તો છેદી શકાય તેમ નથી, કારણ એ અનાદિ છે અને અનંત છે. એટલે અસહયોગનું શસ્ત્ર વાપરવાનું અહીં કહેવામાં આવ્યું છે. અશ્વસ્થ ને પાંદડે-પાંદડે વેદ લખેલા છે. એટલે પાંદડે-પાંદડે રામ નામ લખેલું છે. જગત ઈશ્વરની પ્રસાદી છે અને જગતરૂપી ઝાડ બ્રહ્માની નાભીમાંથી થયેલું છે. બીજું જગત એવું છે કે જેનું મૂળ નીચે છે, તેના પાંદડા વગેરે વિષયાદી છે એ જગત કામનામય છે. ‘પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જીવોને હું મારા તેજ વડે ધારણ કરું છું. સર્વ ઔષધિ , અન્ન, પાક માત્રને રસોનો ઉત્પન્ન કરવાવાળો સોમ થઈને હું પોષણ આપું છું.’
by Santulan | Nov 26, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
કોઈપણ ગુણ ત્યારે જ પ્રભાવી બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે.
ભદ્રાયુ વછરાજાની (53) bhadrayu2@gmail.com
ચૌદમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુણત્રયવિભાગયોગ શીર્ષક આપીને આપણને આપણા જીવનના મુખ્ય ત્રણ ગુણનો પરિચય કરાવે છે. તેનાથી શું શક્ય બને અને શું ન શક્ય બને તેની ટૂંકમાં વાત કરે છે અને ત્રણેય ગુણને સાથે મેળવીને કેવી રીતે એકબીજાને દબાવીને એક બીજાને બહાર લઇ આવવાના છે એની સ્પષ્ટતા કરે છે
હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તેઓ નિર્વિકાર જીવાત્માને દેહને સાથે બાંધે છે. કેવી રીતે બાંધે છે ? તેમાં..
1) સત્વગુણ સ્વ્ચ્છપણાને લીધે પ્રકાશક અને ઉપદ્રવથી રહિત છે. અનામય છે તે જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, સત્વગુણ છે એ જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. સત્વગુણ સુખમાં જોડે છે. રજોગુણ અને તમોગુણને દબાવી દઈને જયારે સત્વગુણ વૃદ્ધિ પામે છે ત્યારે સત્વગુણ પોતાના કાર્ય કરે છે. અહીંયા યાદ રાખવા જેવું એ છે કે રજોગુણ અને તમોગુણને દબાવવા પડે તો જ સત્વગુણ વૃદ્ધિ પામી શકે. જયારે આ દેહમાં બધી જ ઇન્દ્રિયો વિષે જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ માની શકાય છે. મહર્ષિઓ સાત્વિક કર્મનું ફળ સાત્વિક તથા નિર્મળ કહે છે. એટલે તમે સાત્વિક બનો તો નિર્મળ રહી શકો. સત્વગુણથી જ્ઞાન ઉત્પ્ન્ન થાય. સાત્વિક આચરણમાં રહેલા મનુષ્ય ઉંચા લોકને પામે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.
2)તૃષ્ણા અને સંઘને ઉત્પન્ન કરનારા રજોગુણને રાગરૂપ જાણવાનો છે. તે રજોગુણ જીવાત્માને કર્મસંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, રજોગુણ છે એ કર્મસંગથી બાંધે છે. રજોગુણ કર્મમાં જોડે છે. સત્વગુણને તથા તમોગુણને દબાવી દઈને જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે રજોગુણ પોતાના કાર્યને કરે છે. જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ તથા સ્પૃહા એવા ચિન્હો આપણને દેખાઈ આવે છે. મહર્ષિઓ રાજસ કર્મનું દુઃખનું ફળ કહે છે. એટલે તમે રાજસિક બનો તો કર્મનું દુઃખ તમને વળગી શકે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય. રાજસિક આચરણમાં રહેલા લોકો મનુષ્ય લોકમાં રહે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.
3) તમોગુણને અજ્ઞાનથી ઉત્પ્ન્ન થયેલો તથા સર્વ પ્રાણીઓનો મોહ ઉપજાવનારો તમારે જાણવાનો છે. તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ તથા નિદ્રા વડે બાંધે છે. તમોગુણ જ્ઞાનને આવૃત કરી એટલે કે ઢાંકી દઈને પ્રમાદમાં આળસ વાદી બાબતોમાં જોડી દે છે. સત્વગુણ અને રજોગુણને દબાવી દઈને જયારે તમોગુણ વૃદ્ધિ પામે ત્યારે તમોગુણ પોતાનું કાર્ય કરે છે. જયારે તમોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે અપ્રકાશ તેમજ અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ એ ચિન્હો ઉત્પન્ન થયેલા જોવા મળે છે . મહર્ષિઓ તામસ ક્રમનું અજ્ઞાનરૂપ ફળ કહે છે. એટલે તમે તામસિક બનો તો કર્મનું અજ્ઞાન તમને છેતરી જઈ શકે. તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. કનિષ્ઠ એટલે કે નીચું આચરણમાં રહેલા તમોગુણીઓ પશુ વગેરે મૂઢ યોનિઓમાં ફરે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.
અર્જુનને સતર્ક કરીને સતત એવું કહેવાયું એક આ ત્રણ ગુણથી તારે સાવધાન રહેવાનું છે. કોઈ પણ ગુણ ત્યારે જ પ્રભાવી બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે. તમારા અંતના સમયે તમારા ઉપર ક્યાં ગુણોનું આધિપત્ય છે તે પ્રમાણે તમે મૃત્યુ પછી કશીક પ્રાપ્તિ કરી રહ્યા છો. જયારે દ્રષ્ટા ગુણોથી ભિન્ન બીજા કર્તાને જોતો નથી. તે ગુણોથી આત્માને પર જાણે છે ત્યારે તે પૂર્ણત્વને પામે છે. આ જરા સમજવા જેવું છે. જેમ હાથી ઉપર બેઠેલો પુરુષ હાથીનું ગમન જુએ છે, પોતાનું ગમન જોતો નથી તેમ જે અધિકારી પુરુષ આંખ જુએ છે, કાન સાંભળે છે, મન મનન કરે છે, બુદ્દિ નિશ્ચય કરે છે, વાણી બોલે છે, ‘હું કઈ પણ કરતો નથી કેવળ તેમનો સાક્ષીરુપ છું’ એ જુએ છે તે બ્રહ્મભાવને પામી શકે છે.
આ ત્રણ ગુણોને ઓળંગી ગયેલો પુરુષ ક્યાં ચિન્હોથી જાણી શકાય ? એ કેવા આચરણ વાળો હોય ? ભગવાન કહે છે કે, હે પાંડવ, જ્ઞાની પુરુષ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણનું કાર્ય એવી પ્રવૃતિઓ અને તમોગુણનું કાર્ય એવા મોહની પરિસ્થિતિમાં પણ તેમનો દ્વેષ કરતો નથી અને વળી નિવૃત થાય તો તેમની આકાંક્ષા રાખતો નથી, એ ગુણાતીત છે.
ગુણાતીત શબ્દ અતિ મહત્વનો છે, તેથી ભગવાન આપણી સમક્ષ વારંવાર તેની સ્પષ્ટતા
કરે છે. આનો અર્થ એવો કે,
જે ઉદાસીન સાક્ષીવત રહીને ગુણોથી વિચલિત થતો નથી,
ગુણો જ વર્તે છે એવું જાણીને જે સ્થિર રહે છે ,
કોઈપણ સ્થિતિથી વિચલિત થતો નથી એ ગુણાતીત છે.
જે માન અને અપમાનમાં સમાન છે,
જે મિત્રપક્ષ અને શત્રુપક્ષમાં સમાન છે
તથા જેણે સર્વ આરંભોનો પરિત્યાગ કર્યો છે એ ગુણાતીત છે.
ગુણાતીત પુરુષના લક્ષણો મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સંપાદન કરવા જોઈએ. ભગવાન કહે છે કે, જે મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મભાવને પામવાને યોગ્ય થાય છે. એટલે કે એની પ્રગતિ થતી થતી છેક બ્રહ્મભાવ સુધી આગળ વધી રહી છે. મારી મારી ભક્તિ વડે મારો ભક્ત મોક્ષને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે અને તે યોગ્ય છે.
ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષ એટલે કે જે આ ગુણો જીતી લઇ શકે છે એવા ગુણાતીત પુરુષના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સ્વરૂપમાં સ્થિત સુખદુઃખમાં સમાન રહે, માટી, પથ્થર અને સોનુ બધું એક સરખું માને છે, એના માટે પ્રિય અને અપ્રિય બંને સમાન છે, નિંદા અને આત્મસ્તુતિ એ પણ એના માટે કોઈ અસરકારક પરિબળો નથી. તૃષ્ણા અને આસક્તિના જગતમાંથી પોતાને અલગ રાખીને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે એવું કહેવનો અહીં એક ભાવ છે. ભગવાન કહે છે કે, અનન્ય ભક્તિયોગ દ્વારા જે મારી સેવા એટલે કે ઉપાસના કરે છે તે આ ગુણોથી અતીત થઈને બ્રહ્મ બનવા માટે યોગ્ય બની જાય છે. આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે, સાધક સ્વયં બ્રહ્મ કઈ રીતે બની શકે ? જવાબ આપ્યો કે અમૃત, અવ્યય, શાશ્વત ધર્મ અને એકાંતિક અર્થાત પારમાર્થિક સુખસ્વરૂપ બ્રહ્મનો આશ્રય હું છું. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. બ્રહ્મ શબ્દથી સગુણ બ્રહ્મ કહેવામાં આવ્યું જેની પ્રતિષ્ઠા ઉપાધિરહિત બ્રહ્મ તરીકે હું કરું છું. નિર્વિકલ્પ, અમૃત, અવ્યય, અનિર્વચનીય આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. હું બ્રહ્મ છું તેથી તે સાધક બ્રહ્મ બની જાય છે એવો આપણને ઈશારો કરીને બ્રહ્મના માર્ગે વળવાનો બહુ મોટો રસ્તો અહીં બતાવવામાં આવ્યો છે.
વિનોબાજી આ અધ્યાયમાં છેવટની વાત સુંદર વાત લખે છે કે, તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લ્યો, ફળની આસક્તિ પણ છોડી દ્યો, છતાં જ્યાં સુધી આ દેહ વળગેલો છે ત્યાં સુધી વચ્ચે પેલા રજ અને તમ ના હુમલા થયા વગર રહેવાના નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગે છે, પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગૃત રહેવું પડશે. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતનું નિર્માણ થાય છે તેમ રજ અને તમના જોરદાર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતોનું નિર્માણ કરે છે તેથી જરાયે છિદ્ર ન રહેવું જોઈએ તેની કાળજી લેવી.
વિનોબાજી તો આદેશ આપે છે કે કડક પહેરો રાખજો અને ગમે તેટલા ખબરદાર રહેશો તો પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી તો કેવી રીતે બનશે ? અભ્યાસથી બનશે ? ના, એક જ ઉપાય છે અને એ ઉપાય છે હૃદયની અત્યંત ઊંડી લાગણીથી ખુબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો. રજ, તમ ગુણોને જીતી લેશો છતાં એટલાથી કામ સરશે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એવું નહીં બને. છેવટે તો પરમેશ્વરની કૃપા જોઈશે. તેવી કૃપા માટે અંતરની ઊંડી લાગણી વાળા ભક્તિપાત્ર બનવું પડશે. એ વિના બીજો કોઈ ઉપાય વિનોબાજી કહે છે કે મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે, અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર અને મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલી પાર જઈ શકે છે એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ લાગતું નથી. ભક્તિનો આ સહેલો ઉપાય છે અને આ એક જ માર્ગ છે.
by Santulan | Nov 19, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
ચૌદમાં અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે.
ભદ્રાયુ વછરાજાની (52) bhadrayu2@gmail.com
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૪, જેનું શીર્ષક છે, ગુણત્રયવિભાગયોગ. વિનોબાજી એમ કહે છે કે, આ ચૌદમો અધ્યાય એ પાછળના અધ્યાયની પૂર્તિ કરે છે. તેરમા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર થવી જોઈએ. સુખ દુઃખ વિદેશી છે, તે પારકાં છે. તેમનો આતમની સાથે જરા પણ સબંધ નથી, એવું સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું છે. દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમજ આનંદમય કેવી રીતે રહી શકાય તે ભગવાન ઈશુ બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ એકબાજુથી વિવેકનું છે, એવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. તુકારામ કહેતા કે, વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.
આ વિવેક અને વૈરાગ્ય એ બે બાબત સમજવા જેવી છે. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં આપણને નિગ્રહની દિશા બતાવી છે. હોડી ચલાવવાનું કામ તો હલેસા મારનારો કરે છે, પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસા અને સુકાન બંનેની જરૂર છે, એ જ પ્રમાણે દેહના સુખ દુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ એ બંનેની જરૂર આપણને રહે છે. મારી, તમારી, સર્વે જીવની બધાએ ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજ છે. વિનોબાજી સરસ સરખામણી કરે છે. તેઓ કહે છે, આયુર્વેદમાં જેમ વાત પિત્ત અને કફ છે, તેમ અહીં ગીતા આપણને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં મળેલા છે તેવું કહે છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદો થોડો, તો ક્યાંક એકાદ વધારે આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણ ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતા જીતતા મુખ્ય વસ્તુની પાસે આપણે પહોંચવાનું છે.
આ અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે. આપણને આ ત્રણ બાબતો માણવા જીવનના અનેક માર્ગો દેખાડવાનું કામ અહીં ભગવાન કરી રહ્યા છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી કહે છે કે, આ અગાઉના અધ્યાયમાં જીવનના અનુભવોની વિચિત્રતાનું કારણ આપણને સમજાવવામાં આવ્યું, પણ જરા ઉતાવળથી થયું. પુરુષ પ્રકૃતિમાં સ્થિત થઈને પ્રકૃતિજન્ય ગુણોનો ભોગ કરે છે, આ વિધાનમાં આ વિવિધતાનો વાસ્તવિક, વૈજ્ઞાનિક આધાર બતાવેલ છે, પણ એને સ્પષ્ટતા સંક્ષેપમાં છે. તેઓ ઉદાહરણ આપે છે કે ગંગાજળને જુદા આકારો અને રંગોની શીશીઓમાં રાખવામાં આવે તો એ જળ વિવિધ રંગોનું બનશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ રંગ અને આકારની વિવિધતા એ શીશીઓના કારણે છે, જળના કારણે નથી, કારણ કે ગંગાજળ તો બધા એક સરખું છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા જુદી જુદી ઉપાધિઓમાં જુદા જુદા જીવોના રૂપમાં પ્રગટ થાય છે. જો કે પ્રકૃતિના તત્વો સમાન છે, છતાં ભેદનું કારણ છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો. આ જે ગુણ શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે, તે બહુ સાંકેતિક છે. ગુણ શબ્દનો અર્થ કોઈ એક વસ્તુની વિશિષ્ટતાઓ એવો થતો નથી. એનો અર્થ થાય છે મનોવૃત્તિ. એના પ્રભાવથી મન કાર્ય કરે છે. દરેક જીવનનું આંતરિક વ્યક્તિત્વ ત્રણ ગુણો અથવા ત્રણ ભાવોથી પ્રભાવિત છે અને આ ત્રણ ગુણ એટલે સત્વ, રજ અને તમ. પોતાના જ અંતઃકરણમાં કાર્ય કરી રહેલા આ ત્રણેય ગુણોને ઓળખવાની કળા આપણને જ્ઞાત હોવી જોઈએ. સામાન્ય રીતે રોગીમાં દેખાતા લક્ષણોને જોઈને તેના રોગનું નિદાન કરવામાં આવે છે. ચિકિત્સા શાસ્ત્રમાં લક્ષણાત્મક ઉપચારની એક માન્યતા પ્રાપ્ત વિધિ છે. આ અધ્યાયમાં ગીતાના આચાર્યએ આ ગુણોના થોડા લક્ષણોનું થોડું વર્ણન કર્યું છે. જે તે ગુણની અધિક્તાના કોઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી ટકોર કરે છે કે, આ અધ્યાયનું સાવધાનીપૂર્વક અધ્યયન કરવાથી આપણને એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે કે, જેના દ્વારા પોતાની તે પ્રબળ પ્રવૃતિઓ જાણી શકીએ છીએ, જે આપણા માનસિક જીવનને સાહસિક કરે છે. જે ગુણોના વશમાં થઈને મનુષ્ય વારંવાર વિભિન્ન પ્રકારના વ્યવહાર કરે છે, તેમના પ્રત્યે જો તે જાગૃત થઇ જાય તો તે પોતાની દુષ્પ્રવૃત્તિ, અનૈતિક ઈચ્છાઓ અને હીન વાસનાઓને છોડીને આત્મસંયમ, સદાચાર અને પૂરું પૂરું શુદ્ધ જીવન જીવવામાં સમર્થ બની શકે છે.
આ અધ્યાય એક વિસ્તૃત માર્ગદર્શિકા છે, જે આપણને શરીરની કાર્યપ્રણાલીનો બોધ કરાવે છે. સાથે સાથે આપણને એવી સૂચના પણ આપે છે, જેના દ્વારા આપણે તે સમયે પોતાને સાવધાન કરી શકીએ છીએ. અત્યારે આપણી અંદરની રચના રૂંધાઈને સારી રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કારના યંત્રોના કાર્યો અને ગુણદોષથી તદ્દન અજાણ હોય તો તેની યાત્રા સુખદ ન હોય. કારણ કે જયારે એન્જીન કામ કરવાનું છોડી દે ત્યારે તો તે વ્યક્તિ એને સુધારી શકવાની નથી. જયારે ગાડીની બધી જ જાણકારી રાખનાર અનુભવી ચાલક આવી પરિસ્થિતિમાં ગાડીને રોકીને તેના યાંત્રિક દોષો દૂર કરીને ફરીથી પોતાના ગંતવ્ય તરફ આગળ વધી શકે છે. આપણને આપણા શરીર નામના વાહનની બધી યાંત્રિક સ્થિતિઓથી વાકેફ કરવાનો ખ્યાલ આ અધ્યાયમાં જોવા મળે છે.
ચૌદમા અધ્યયન પહેલા પાંચ શ્લોકો આ અધ્યાયનો માર્ગ નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે કે, ઉત્પત્તિ અને સર્જનનું કારણ એકમાત્ર હું છું. તેઓ અર્જુનને અનેક નામોથી સંબોધન કરીને એ સ્પષ્ટ કહે છે કે હું તને ફરીથી સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ જે જ્ઞાન છે તે કહેવાનો છું કે એને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે, એવું આ જ્ઞાન છે. હે અર્જુન, આ જ્ઞાનને આચરીને મારા સ્વરૂપને પામેલા સૃષ્ટિકાળમાં ઉત્પન્ન થતા નથી અને પ્રલયમાં વ્યથા પામતા નથી. હે ભારત, મૂળ પ્રકૃતિ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે તેમાં હું ગર્ભને મુકું છું, તેથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વયોનીઓમાં જે શરીરે ઉત્પન્ન થાય છે તેમની પ્રકૃતિ માતા છે અને હું ગર્ભાધાન કરનારો પિતા છું. આટલી સ્પષ્ટ વાત કર્યા પછી પાંચમા શ્લોક થી આપણામાં રહેલા ત્રણ ગુણો તેની વાત આપણે અગાઉ કરી તેના તરફ અંગુલી નિર્દેશ કરવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે કરતા એ ત્રણેય ગુણોના લક્ષણો અને તેના બાધ્ય અબાધ્ય સ્વરૂપો વિષે વિસ્તૃત પરિચય અને સૂચના અહીં આપવામાં આવે છે.
by Santulan | Nov 12, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
પરમેશ્વર અવિનાશી છે, પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે.
ભદ્રાયુ વછરાજાની (51) bhadrayu2@gmail.com
શ્રીમદ ગીતાના તેરમા અધ્યાય ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ માં વિવિધ વિભાગો તારવીને આપણે તેની સમજૂતી મેળવી રહ્યા છીએ. વિભાગ જ્ઞાનનું ફળ અઢારમો શ્લોક છે, જેમાં ભગવાન કહે છે કે મને ઓળખી રહેશે એનો નિવાસ મારી પાસે થવાનો છે.
વિભાગ પુરુષ અને પ્રકૃતિમાં ઓગણીસ, વીસ અને એકવીસમાં ક્રમના શ્લોકોનો સમાવેશ થાય છે. આપણે જાણવાના છે બે અનાદિને અને તે છે પ્રકૃતિ (જડ ) અને પુરુષ (ચૈતન્ય). આ બંને ઈશ્વરની મોટી શક્તિ છે, કારણ કે આ બંનેમાંથી તો સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. પુરુષ બે : ઈશ્વર અને પરમેશ્વર તો પ્રકૃતિ પણ બે : પરા અને અપરા. દેહ રૂપી નગરી એ પ્રકૃતિ અને તેમાં વસનાર એ પુરુષ. પ્રકૃતિ જ કાર્ય અને કારણનો હેતુ કહેવાય છે અને પુરુષ સુખ દુઃખના ભોગનો હેતુ મનાય છે. પુરુષ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે. આ ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ.
વિભાગ પરમાત્મામાં બાવીસ અને ત્રેવીસમો શ્લોક સમાવિષ્ટ છે. આપણા દેહની અંદર બીજો પુરુષ એ જીવાત્માથી પર છે અને બીજા પરમ પુરુષને પરમાત્મા કહે છે. જે ભોક્તા છે, ભર્તા છે, મહેશ્વર છે, અનુમંતા છે અને ઉપદ્રષ્ટા પણ છે. શ્રી ભગવાન અહીં અભય વચન ઉચ્ચારતાં કહે છે કે, અગાઉ કહ્યું તેમ પુરુષને તથા ગુણો સાથે રહેનારી પ્રકૃતિને બરાબર જે જાણે છે, તે ગમે તે પ્રકારે રહે, તો પણ તેને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.
ત્યારબાદ વિભાગ છે આત્મદર્શન અને ઉપાસના જેમાં ચોવીસ, પચ્ચીસ બંને શ્લોકનો સમાવેશ છે. પરમેશ્વર ચોતરફ છે પણ કેટલાક સાધકો જ્ઞાનયોગથી તેને જુએ છે તો કેટલાક સાધકો કર્મયોગથી ઈશ્વરને અનુભવે છે. ભગવાન અહીં અતિ સરળ થઈને કહે છે કે, જેઓ જ્ઞાન કે કર્મનો માર્ગ જાણતા નથી તેઓ અન્ય વિદ્વાનો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે અને તેમાં તલ્લીન થનાર પણ મૃત્યુને ઓળંગી જાય છે.
પછી આવે છે સમદર્શનનું ફળ, જેમાં છવ્વીસ, સત્યાવીસ, અઠ્ઠાવીસ એમ ત્રણ શ્લોક આવે છે.અહીં સમદર્શી બનવા માટેની અર્જુનને પ્રેરણા આપે છે. આ જગતની ઉત્પત્તિ જડ અને ચેતન મળવાથી થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જ બધું નિર્માણ કરે છે. પરમેશ્વર અવિનાશી છે પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે. જે સર્વમાં અને સર્વને સમભાવથી ઈશ્વરને જુએ છે, તે સ્વયં પરમ ગતિ મેળવે છે.
અકર્તા આત્મા વિભાગમાં ઓગણત્રીસ અને ત્રીસ બે શ્લોકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ દ્વારા જ બધા કામ થાય છે અને આત્મા તો અકર્તા છે તેમ માને છે તે સત્ય જુએ છે. સાધક તરીકે મારે એક જ આધારમાં પ્રાણીઓના ભેદને સ્થિત અને વિસ્તરેલ જોવાનો છે અને તો જ હું બ્રહ્મને પ્રાપ્ત કરીશ.
આત્માની નિર્લેપતા એ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ એ ત્રણ શ્લોકનો સમાવેશ કરે છે . કુન્તીપુત્રને ભગવાન યાદ અપાવે છે કે, હું અનાદિ છું, નિર્ગુણ છું અને તેથી અવિનાશી છું. તે શરીરમાં છે છતાં તે કશું કરતો નથી અને કોઈથી લિપ્ત થતો નથી.
પરમપદ-પ્રાપ્તિ એવા વિભાગમાં એક છેલ્લો ચોંત્રીસમો શ્લોક છે. અહીં પરબ્રહ્મને પામવાનો રાજમાર્ગ ફરી નિર્દિષ્ટ કર્યો છે. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષ્રેત્રજ્ઞ એ બે વચ્ચેના ભેદને તથા ભૂત, પ્રકૃતિ અને મોક્ષ આ બધું જ્ઞાન ચક્ષુથી જે જાણે છે એ પ્રમાણે પરમાત્માને જાણી શકે છે અને પરમગતિ પામે છે.
આમ વિભાગવાર શ્લોકોની વહેંચણી અને તેની સમજૂતી એ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ગીતાજ્ઞાન આપનાવાની એક રીત છે, જેનો આપણે રસાસ્વાદ કર્યો.
શ્રીમદ ભગવદ ગીતાના આ તેરમા અધ્યાયને શ્રી વિનોબાજીએ શીર્ષક આપ્યું છે ‘આત્મા વિવેક.’ આત્મા અને અનાત્મા આ બંને સમજવું અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આ તેરમો અધ્યાય છે, એવું વિનોબાજી કહી રહ્યા છે. શરીર એક ક્ષેત્ર છે અને જે શરીરને સાચવીને જાણી શકે છે એને ક્ષેત્રજ્ઞ કહ્યો. એમનો યોગ કરવા માટેની આ તેરમા અધ્યાયની જે મથામણ છે એમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે, જે એક પરમેશ્વર સિવાય બીજો કોઈ નથી એવા અનન્ય ભાવથી મારામાં જોડાયેલો રહે, જેને મારામાં પ્રેમ છે, ભક્તિ છે પણ તે સ્વાર્થવાળી નથી, ‘મારું અમુક કામ થશે તો હું તારા દર્શન કરવા આવીશ’ એવી ભક્તિ નહીં પરંતુ ‘તેં મને તારી ભક્તિ કરવા માટે જ જન્મ આપ્યો છે,’ એવી ભક્તિ ખપે છે. મા છોકરાને ઉછેરે છે, પોષે છે. છોકરાને ખબર નથી કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર એ તો મા કહે તેમ કરે,, તેમ જ ઈશ્વર આપણી મા છે અને એ જેમ કહે છે તેમ આપણે કરવાનું છે એ આપણી ભક્તિ છે.
સેવા કરવાની વાત આવે કે સેવવાની વાત આવે ત્યારે પવિત્ર એકાંત સ્થળની વ્યાખ્યા અહીં આપી છે. એકાંત એટલે બહારનું નહીં પણ માણસના દિલમાં રહેતું એકાંત. એકાંત માટે જંગલમાં જવું જરૂરી નહીં, આપણી પાસે અનેક માણસો બેઠા હોય, ખોટી વાતો કરતા હોય તો તે ન સાંભળવી અને સારી વાત જ સાંભળવી એ એકાંત છે. એક સુંદર દ્રષ્ટાંત ગાંધીજીના જીવનમાંથી શ્રી રવિશંકર મહારાજ ટાંકે છે. મદ્રાસમાં ગાંધીજીનું હજારો લોકો સ્વાગત કરવા આવ્યા હતા. ગાંધીજીને યંગ ઇન્ડિયાનો લેખ લખવાનો બાકી રહી ગયો હતો. ગાંધીજી બહાર આવ્યા અને કહ્યું કે, મારે લેખ લખવાનો બાકી રહી ગયો છે એટલે લખી નાખું છું, એમ કહીને એક બાજુ બેસીને લેખ લખવાનું શરૂ કરી દીધું. મહાદેવભાઈ દેસાઈએ એ લેખ વાંચીને કહ્યું કે, ગાંધીજીએ સુંદર લેખ લખી નાખ્યો હતો. ગાંધીજીએ એ લેખ લખવામાં લીન થવાનું નક્કી કર્યું હતું. લેખ લખવા સિવાય એ સમયે બીજી કોઈ ચીજ એના મનમાં નહોતી. આમ એક જ કામમાં લીન થઇ જવું એ એકાંત સેવવાની વાત છે.
અહીં જનસમૂહમાં ભળવાનો અણગમો એવું પણ આપણને કહ્યું છે, તો આપણને ચેતવ્યા છે. ટોળામાં પ્રેમ ન હોય. ટોળામાં ભળવું હોય તો પણ એકલા એકલા ભળવું. જે ધમાલિયા ટોળાં છે એની સાથે ક્યારેય સબંધ ન રાખવો. આનો ઉપાય શો ? તમે ટોળાને ન સુધારી શકો પણ એ ટોળાથી તમે તો દૂર થઇ શકો ને ? ભગવાન કહે છે કે, નિત્ય હંમેશા અધ્યાત્મ જ્ઞાનનો વિચાર કરવો. તત્વજ્ઞાનનો વિચાર કરવો એ જ જ્ઞાન છે આ બધાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. ગીતા આપણને કહે છે કે, સ્થિર નિષ્ઠા અંગેનું જીવાત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. આત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. જેને જાણવાથી જીવ અમરપણું પામે તે જ્ઞેય, તે અનાદિ પરમબ્રહ્મ, તેને સત અથવા અસત કઈ કહેવામાં આવતું નથી એવા જ્ઞેયની અહીં વાત કરી છે. અર્જુન, તને જ્ઞાનની વાત તો કરી પણ આ જ્ઞેય શું છે ? જાણવા જેવું છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ છે તે. તું જ્ઞેય ને જાણીશ તો તને અમૃત મળશે. એને તું જાણતો થઇ ગયો તો અમૃત જાણતો થઇ ગયો. ભગવાન એમ કહે છે કે તે જ્ઞેય આત્મા અવિભક્ત હોવા છતાં પણ ભૂત માત્રમાં વિભક્ત જેમ રહે છે. છૂટો ન પડી શકાય એવો છે, છતાં છૂટો જ હોય, એમ રહે છે. ભગવાન આપણને સીધા રસ્તા બતાવે છે. ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. બધાના હૃદયમાં છે જ તું શોધી કાઢ.
by Santulan | Nov 5, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે.
ભદ્રાયુ વછરાજાની (50) bhadrayu2@gmail.com
શ્રીમદ ગીતાના ૧૩ માં અધ્યાયમાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ’ એવા શીર્ષકથી આપણી સમક્ષ શ્રી ભગવાન ૩૪ શ્લોકોમાં એક વિશિષ્ટ વાત નિરૂપી રહ્યા છે.
આ અધ્યાયને શ્રી રવિશંકર મહારાજ કેટલાક નાના નાના વિભાગોમાં વહેંચે છે. આ તકે મને એ નોંધતા બહુ આનંદ થાય છે કે શ્રી રવિશંકર મહારાજ દ્વારા લખાયેલા ગીતાબોધવાણી એ મારા તમારા જેવા લોકોને સરળતાથી મગજમાં ઉતરી શકે તેવી રીતે લખાયેલું ભાષ્ય છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ તો એ ઘણું સારું કહેવાય
‘ક્ષેત્ર–ક્ષેત્રજ્ઞ–વિચાર’ આ પહેલા ક્ષેત્રમાં પહેલા બે શ્લોકનો સમાવેશ છે. અહીં વાત ક્ષેત્રની છે. બીજી વાત ક્ષેત્રજ્ઞની છે અને ત્રીજી વાત એ બંનેના યોગની છે. ક્ષેત્ર એટલે કે શરીર. ક્ષેત્ર એટલે ખેતર, ખેતર એટલે જેમાં વાવીએ એ, ઊગે જેવું વાવીએ તેવું ઊગે અને પછી એ આપણે ભોગવવું પડે. આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે આવી ચોખ્ખી અને સાદી વાત પહેલા શ્લોકમાં શ્રી ભગવાન કહે છે. હે ભારત ક્ષેત્રજ્ઞ એ કોણ એવો પ્રશ્ન થાય તો એના જવાબરૂપે સુંદર રીતે આપણને કહેવામાં આવ્યું કે સર્વક્ષેત્રોમાં બધા શરીરોમાં જે ચૈતન્ય છે એને તું ક્ષેત્રજ્ઞ જાણજે, જેને ક્ષેત્રજ્ઞ કહે છે તે હું પોતે છું માટે મેં ઓળખ. આ બધું મારાથી થાય છે. મારો અંશ તેમાં રહેલો છે તેનો મલિક હું છું. શરીર અને માલિકને ઓળખી જાય એનાથી કોઈ દિવસ પાપ ન થાય. આ બંનેને પુરેપુરા ઓળખી લે તેને જ્ઞાન કહેવામાં આવે. શરીરને સાચવવું જોઈએ શા માટે ? કારણકે કામ કરવા માટે એની જરૂર પડવાની છે અને કામ કરી શકે એટલે સાચવી રાખવું જોઈએ. શરીરને સાચવવું પડે એટલે શું ? જમવું પડે પણ શું ખાવું, શું ન ખાવું, કોની પાસે જમવું, કોની પાસે ન જમવું, એને કામ સોંપવું હોય તો કયું સોંપવું, કયું ન સોંપવું આ બધી બાબતો જે છે એને જાણે છે તેને યોગી કહ્યો છે.
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ જેમાં ત્રીજો અને ચોથો શ્લોક સમાયો છે. શરીર એક ક્ષેત્ર છે, પણ એ કેવું ક્ષેત્ર છે, ક્ષેત્ર એ કેવા વિકારવાળું છે, એનો પ્રભાવ શું છે, એની તાકાત કેટલી છે આ બધી જ બાબતોનું વર્ણન ભગવાન અહીં કરે છે. આખા શરીરની ઉત્પત્તિ, એના વિકારો અને શરીરના રહસ્યની વાતો હે અર્જુન, હું તને ટૂંકમાં કહું છું. વિકાર એટલે ફેરફાર. દૂધમાં દહીં છે એની ખબર નથી, દૂધમાં દહીં ભેળવવા થોડું નાખવાથી દૂધનું દહીં થાય જેને આપણે મેળવણ કહીએ છે. દહીંમાં માખણ છે અને ઘી પણ છે, એની ખબર નથી પરંતુ એને વલોવી નાખીએ એટલે માખણ થાય અને પછી એને બરાબર તાવીએ એટલે ઘી નીકળે તો એનો અર્થ એવો કે દૂધમાંથી દહીં, ઘી, માખણ થાય એ હકીકતમાં તો વિકાર કહેવાય. દૂધમાં થયેલો વિકાર. એક સુંદર ઉદાહરણ બહુ ટૂંકમાં નોંધીએ તો મુંબઈમાં એક પારસી સ્ત્રી હતી. એમના નોકરે દહીંમાંથી ઘી બનાવ્યું એ જાણીને તો એ ખુશ ખુશ થઇ ગઈ ! એ બધાને કહેવા લાગી કે, મારા નોકરે ઘી બનાવ્યું. એ બહેનને ખબર નહોતી કે, આ ઘી નોકરે બનાવ્યું નથી. ઘી દૂધમાં હતું જ, માખણ દૂધમાં હતું જ, દહીં દૂધમાં હતું જ, એમ આ ક્ષેત્રમાં ઘણા વિકાર છે. એમ જ આપણું શરીર વિકારવાળું છે.
ક્ષેત્રનું સ્વરૂપ જેમાં પાંચમો અને છઠ્ઠો શ્લોક આવે છે . જુદા જુદા પદોમાં તો દ્રષ્ટાંતો અને નિશ્ચિત દલીલો આપીને એનું વર્ણન થયું છે,… છતાં ભગવાન કહે છે કે, હું તને શરીર વિષે પહેલા થોડી વાતો કરું. પાંચ મહાભૂત છે પૃથ્વી, આકાશ, વાયુ, જળ(પાણી) અને પ્રકાશ (તેજ). હવે પ્રશ્ન થાય કે આ પંચમહાભૂત શેમાંથી બન્યા ? પરા પ્રકૃતિમાંથી તે ઉત્પન્ન થયા અને એમાંથી અહંકાર થયો. આ પાંચ મહાભુતો અને દસ ઇન્દ્રિયોને અહંકાર પોષણ પૂરું પાડી રહ્યો છે. દસ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂત અને એના પાંચ વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા મળીને વીસ થાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ ઉમેરીએ તો ચોવીસ થાય. ઇન્દ્રિયોને ચાલવાનો પણ એક માર્ગ હોય છે જેને ગોચર કહેવામાં આવે છે. જીભને ચાખવાનો રસ્તો, નાકને સૂંઘવાનો રસ્તો, કાનને સાંભળવાનો રસ્તો, આંખને જોવાનો રસ્તો, ચામડીને અડવાનો રસ્તો આ બધા રસ્તામાંથી વિકાર ઉત્પન્ન થાય, ઈચ્છા, દ્વેષ, સુખ, ધૃતિ, સંઘાત અને ચેતન શક્તિ આ વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે. શ્રી રવિશંકર મહારાજે સરસ કહ્યું છે કે, ઇન્દ્રિયો આપણા શરીરમાં ઈંદ્રિયોરૂપી ગોખલા છે, એમાં બહારથી આવેલા વિકારો ભરાય જાય એટલે આ ક્ષેત્ર વિકારવાળું કહેવાય.
જ્ઞાનનું સ્વરૂપ જેમાં સાત થી સત્તર શ્લોકોનો સમાવેશ થાય છે. જ્ઞાન તો અદ્રશ્ય છે તો જ્ઞાનને જાણીશું કઈ રીતે ? શરીરને ચલાવવું છે તો ચલાવવા માટે જ્ઞાન જોશે. બધામાં જ્ઞાન તો હોય છે, હવે જ્ઞાનની વ્યાખ્યા શી ? જ્ઞાન તો અદ્રશ્ય વસ્તુ છે પણ જ્ઞાનીનાં લક્ષણ પરથી એમ કહી શકાય કે, આને જ્ઞાન કહેવાય. મને ઘરમાં સંજવાળી કાઢતા કોઈ જોઈને કહી શકે કે મને ઘરમાં સંજવાળી કાઢવાનું જ્ઞાન છે. શું એવું છે કે બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ? ના ના એવું કશું નથી. જ્ઞાન સાચવવાના કેટલાક સાધનો છે. અને જ્ઞાન પ્રાપ્તિના કેટલાક સાધનો છે. જ્ઞાનના લક્ષણો અહીં શ્લોક સાત થી અગિયારમાં દર્શાવ્યા છે અને જ્ઞાનીનાં વીસ લક્ષણો પણ અહીં આપણી સમક્ષ ભગવાને મૂકી આપ્યા છે. સમજવા જેવી વાત એ છે કે કેટલાક શબ્દો જ આપણને લક્ષણોની સમજ આપે છે. દા.ત. શ્રેષ્ટતાના અભિમાનનો અભાવ (અમાનીપણું), દંભાચરણનો અભાવ (અદંભીપણું), પ્રાણી માત્રને કોઈપણ રીતે ન સતાવવું (અહિંસા), ક્ષમાભાવ, મનની વાણીની સરળતા, શ્રદ્ધા ભક્તિ સહિત ગુરુદેવની સેવા, બહાર ભીતરની શુદ્ધિ, અંત:કરણની સ્થિરતા અને મન તથા ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ …આ થયા જ્ઞાનના મૂળભૂત લક્ષણો. વળી, ઈદ્રિયોના વિષયમાં વૈરાગ્ય, અહંકાર ન કરવો, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિમાં દુઃખ કે દોષોનો વિચાર ન કરવો, અનાસક્તિ, સ્ત્રી-પુરુષમાં મમતા ન રાખવી, પ્રિય અને અપ્રિય બાબતોમાં સમભાવ રાખવો, ઈશ્વર પ્રતિ અનન્ય ભાવથી અટલ ભક્તિ, એકાંત દેશનું સેવન, જન સમૂહમાં જવાની અરુચિ, નિત્ય અધ્યાત્મજ્ઞાનનો અને તત્ત્વજ્ઞાનનો વિચાર કરવો …આ સઘળું જ્ઞાન છે અને આનાથી ઉલટું અજ્ઞાન છે. શ્રી ભગવાન કહે છે કે, જેને જાણવાથી અમરપણું પામી શકાય છે તે જ્ઞેય હું તને કહી રહ્યો છું. તે જ અનાદિ પરબ્રહ્મ છે. તે બધે વ્યાપી રહેલ છે. તેનામાં બધી ઇન્દ્રિયોનો આભાસ છે, છતાં તે ઇન્દ્રિયો રહિત છે. તે ગુણ રહિત છે, છતાં ગુણોનો ભોક્તા છે. આ કેવી રીતે શક્ય બને ? તેવો પ્રશ્ન આપણને થાય તે સ્વાભાવિક છે. યાદ કરો તે વેદનો મંત્ર : પૂર્ણ મદ: પૂર્ણ મિદં … “એ પૂર્ણ છે ને આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો શેષ રહેલું પણ પૂર્ણ હોય છે.” અરે ઉપનિષદમાં પણ એક મંત્રનો અર્થ એવો થાય છે કે, કેટલાક ખુબ દોડે છે પણ એ બેઠેલો છે, છતાં એ દોડનારથી આગળ છે.
બસ એમ જ અહીં અન્યોન્યથી વિપરિત દ્વન્દ્વો છે. તે ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે, તે સ્થિર છે અને તે ચલિત પણ છે, તે દૂર છે ને તે પાસે પણ છે. આ જ્ઞેય આત્મા અવિભક્ત છે, છતાં વિભક્ત જેમ ભૂત માત્ર માં રહે છે. અને સત્તરમાં શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે, તે જ્યોતિઓની જ્યોતિ છે, તે અંધકારથી પર છે, તે જ જ્ઞાન છે, તે જ જાણવા યોગ્ય છે , તે બધાના હૃદયમાં રહે છે.
by Santulan | Oct 29, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
બારમા અધ્યાયને અંતે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં …
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(49)
આપણે શ્રીમદ ભગવદ ગીતાના છાસઠ ટકા ભાગની સમજ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આવો, આપણે વિનોબાજીની દ્રષ્ટિએ અધ્યાય સાતથી અધ્યાય બાર સુધીનું વિહંગાવલોકન કરી લઈએ.
અધ્યાય સાત :
આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે જ એક જ છે. આમ હોવા છતાં
માણસ મોહમાં પડે છે. વાનગીઓ જોઈ આપણે વિવિધ પ્રકારના વિરોધી તેમ
જ સારા નરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ
અનુભવવી હોય તો વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને
ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ
ટાળવાનું બની શકે.
ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મની તુષ્ટિપુષ્ટિ
થતી નથી. સાચા આનંદનો પત્તો લાગ્યો નથી તેથી માણસ પડછાયાથી ભૂલીને
તેની પાછળ પડ્યો છે. સાચું સ્વરૂપ તમે જો સમજશો, તેનો આનંદ એકવાર
ચાખશો એટલે પછી બીજું બધું ફિકું લાગશે. એ ખરા આનંદને શોધી કાઢવાનો
ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે.
ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનારો (૨) નિષ્કામ
પણ એકાંગી ભક્તિ કરનારો (૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો.
નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારમાં ત્રણ પ્રકાર છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી..કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે. આર્ત (નિષ્કામ) ભક્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો. તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. જિજ્ઞાસુ (નિષ્કામ) ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય. તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. અર્થાર્થી (નિષ્કામ) ભક્ત હરેકેહરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે. તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે. જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ જ હશે. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષી બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે. એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે તેનો જ અભ્યાસ કરતાં કરતાં જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે.
અધ્યાય આઠ
જીવન એટલે સંસ્કારસંચય ! સંસ્કાર સારા-નરસા હોય છે અને બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે.
મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ?? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાતદિવસ ચાલતું હોય તે અંતઘડીએ સાથે રહે.
હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ, એવી હંમેશ મેહનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું.
સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહાઆનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે.
નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં. નામસ્મરણ તત્ત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ.
અધ્યાય : નવ
હરિનામ નો અપૂર્વ મહિમા નવમાં અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે.
વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો ? આપણું રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. “તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે…” નવમો અધ્યાય એવું કહે છે. ટૂંકમાં, બધાંય કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધભાવના થી કરેલું અને સેવા નું હોય તો તે યજ્ઞરૂપ જ છે.
નવમાં અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો.
ઈન્દ્રિયો પણ સાધન છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. ઈન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે તેથી હરેક ઈન્દ્રિય ઇશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે.
શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો એટલે બધું યે રુચિકર અને સુંદર બનશે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. છોકરાં પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓ ની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ??
સર્વે કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે, એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું.
અધ્યાય :દસ
દસમા અધ્યાયમાં ઇશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે નીચેના મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે:
અ) બાલબોધ રીત: પહેલાં મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ‘ક’ તેનો તે જ, પણ પહેલાં તે મોટો ને પછી તે જ નાનો. પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવા ને પછી ગૂંચવણભર્યા જોડાક્ષરો.
બ) માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલાં તો મા, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો..આ ક્રમમાં સ્વીકાર કરતાં જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય.
વિનોબાજીએ આપણને સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યાં :ü પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે. ü સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. ü પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. ü વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. ü અગ્નિ એ નારાયણ છે. કેવો હૂંફાળો ! કેવો તેજસ્વી !
વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવે છે : ü વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઉભા છે. ü ઘોડો, કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! ü સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. ü વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ, આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.
વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો.
આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો ને પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલાં પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાય વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવ્યાં :: સર્પમાં,,વાનરમાં,, મોરમાં,, કોકિલમાં,, કાગડામાં,, અને છેવટે દુષ્મનમાં પણ,,,!!
આમ, આપણે તો સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.
અધ્યાય :અગિયાર
આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે.
આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે.
ત્રણ કાળમાં અને ત્રણ ય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઇચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે.
જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થલાત્મક જગત આખુંય એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ, ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું છે.
અધ્યાય : બાર
અધ્યાય છ થી અધ્યાય અગિયાર એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે.
સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે. સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે. બંનેની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે.
સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે. સગુણ ઉપાસકને સારુ ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. ટૂંકમાં, બન્ને રીત ઇન્દ્રિયનિગ્રહની છે. ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો.
સગુણ પૂજા સહેલી છે. નિર્ગુણ પૂજા અઘરી છે. બાકી બન્નેનો અર્થ એક જ છે. નિર્ગુણ જ્ઞાનમય છે ને સગુણ પ્રેમમય-ભાવનામય છે. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વાવલંબન છે.
ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવા જોઈએ. ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી: (૧) વ્યક્તિનિષ્ઠા (૨) તત્ત્વનિષ્ઠા (૩) સંઘનિષ્ઠા.
નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો !! ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બન્નેનો અંતિમ અનુભવ એક જ છે. ટૂંકમાં, સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. છેવટે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં .
by Santulan | Oct 24, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
લક્ષ્મણની ભક્તિ સગુણ હતી, જયારે ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતા.
ભદ્રાયુ વછરાજાની (48) bhadrayu2@gmail.com
શ્રી ગીતાનો બારમો અધ્યાય ભક્ત અને ભક્તિને ચોતરફથી સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે, ‘ખરેખર યોગી પુરુષ કે ભક્ત પુરુષને કશું ભાન હોતું નથી.. તે બધા કર્મો મને સમર્પણ કરીને મારું ધ્યાન કરતા કરતા અનન્ય યોગથી મારી ઉપાસના કરે છે. તે મને ખુબ ગમે છે. માત્ર ભક્તિમાં લીન થઇ જવાનું. હે પાર્થ, મારામાં જ જેમનું ચિત્ત લાગેલું હોય છે તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરું છું.’
ભગવાનના ગુણ કેવા છે ? આપણામાંથી કોઈ એક ગુણ તમસ, રજસ, કે સત્વમાંથી ચળી જાય તો તેનું સંતુલન રહેતું નથી. ભગવાન કહે છે કે, “ મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને સ્થિર કર એમ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ એ બાબતમાં કોઈ સંદેહ રાખ નહીં.” એને ખબર છે કે અર્જુન સંદેહ કરનારો છે એટલે ખાસ આદેશાત્મક રીતે કહે છે, “હે ધનંજય, જો તું મારામાં તારું ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો મને અભ્યાસયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.” જે કંઈ કરીએ એ ભગવાનને માટે કરવાનું છે અને એમ કરશું તો એ પાપ નહીં થાય. એક વાત સતત ગીતામાં કહેવાણી છે કે, ‘કર્મ કરવું એ આપણો ધર્મ છે પણ એનું ફળ છોડતા રહેવું એ ધર્મ સાચો છે.’
ધીમે ધીમે કરતા એક એક શ્લોકની અંદર અર્જુનને અહેસાસ કરાવતા જાય છે કે ભક્તિયોગ શું છે ? ભક્ત કેમ બનાય ? કહે છે,
- સદા સંતુષ્ટ યોગનો અભ્યાસ કરનાર સંયમી અને દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે મારો ભક્ત મને પ્રિય છે.
પૂર્ણતઃ શરણે જવાની વાત અહીં ભગવાન કરે છે.
- જે મારો ભક્ત ઈચ્છા રહિત, પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથારહિત અને સકામ કર્મોનો આરંભ નહીં કરનારો છે એ મને પ્રિય છે.
- જે હર્ષ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી, જે શોક પણ કરતો નથી, કોઈની આશા કરતો નથી એ શુભ તથા અશુભ બંનેનો ત્યાગ કરે છે એવો જે ભક્તિમય છે તે મને પ્રિય છે.
- જે શત્રુ અને મિત્રની બાબતમાં, માન અને અપમાનની બાબતમાં સમભાવ રાખે છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખની બાબતમાં પણ સમભાવ ધારણ કરે છે જેને ભોગો ઉપર આસક્તિ નથી તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.
- જે સ્તુતિ અને નિંદાની બાબતમાં સમાન છે. જે મૌન ધારણ કરે છે, જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, જેને પોતાનું કોઈ સ્થાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે એવો જે ભક્તિમાન મનુષ્ય છે તે મને પ્રિય છે.
- ભગવાન છેલ્લે બહુ દ્રઢપણે કહે છે કે જે શ્રદ્ધા રાખનારા અને મને પરમ શ્રેષ્ઠ માનનારા ભક્તો અહીં ધર્મયુક્ત અમરજ્ઞાનનું સેવન કરે છે તે મને અત્યંત પ્રિય હોય છે.
ભક્તિયોગમાં પ્રવેશેલા અર્જુનને સતત રીતે ભક્તના એક પછી એક લક્ષણો જે ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યા છે એ આમ જોઈએ તો અગાઉના બધા જ બે થી અગિયાર અધ્યાય સુધીમાં કહેવાઈ ગયા છે. અહીં પ્રશ્ન બહુ બુદ્ધિપૂર્વક પુછાયો છે, એટલે એનો જવાબ વિસ્તૃત રીતે આપણને મળ્યો છે.
માછલી જેમ પાણીથી અળગી રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, સ્ટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે કે ? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારુ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી.
ભરત નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, “મારે રામને મળવું જોઈએ.” રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું, જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. “હે રામ, તમારું આ રાજય છે. તમે…” એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, “ભરત, તું જ રાજ ચલાવ.” ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે, “તમારી આજ્ઞા મને કબૂલ છે.” રામ કહે તે કબૂલ, તેણે બધું જ રામને સોંપી દીધું હતું.
પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજ જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડો ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું. બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી. એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. આમ, ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો, એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.
જગતમાં એક જ લક્ષ્યની સાધના કરવાના બે માર્ગ છે. કોઈ સાધક પરમાત્માના સગુણ સાકાર વ્યક્તરૂપની આરાધના ઉપાસના કરે છે, એને ખબર છે કે એક મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેની પૂજા કરે છે, તેને જમાડે છે, તેને સુવાડે, તેને ઉઠાડે છે,, જયારે બીજા સાધકો નિર્ગુણ નિરાકાર અવ્યક્તનું ધ્યાન કરે છે. એને મન કોઈ મૂર્તિની જરૂર નથી, એને મન કોઈ મંત્ર કે ભજનની જરૂર નથી, એ આંખ બંધ કરે છે, પોતાનામાં ઊંડા ઉતરે છે અને તેને જે શાંતિ પ્રાપ્ત થાય છે એના આધારે તે ઈશ્વરની પૂજા કરે છે. યાદ એ રાખવાનું છે કે બંને નિષ્ઠાવાળા છે અને પોતપોતાના માર્ગ પર આગળ વધે છે પણ અર્જુન અહીં પૂછે છે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ ? આપણે અગાઉ પણ કહેલું છે કે જયારે સરખામણી આવીને ઉભી રહે છે ત્યારે એ સરખામણી ઘણી બધી રીતે આપણને વ્યગ્ર કરે છે. ભગવાન વ્યગ્ર થયા વગર સતત એવું કહે છે કે, તમારે સાચા ભક્ત થવું હોય તો ત્રણ ગુણ જરૂરી છે. પરમ શ્રદ્ધા, ઉપાસનામાં સાતત્ય અને ધ્યેય સ્વરૂપમાં મનની એકાગ્રતા. આ યુકતતમ વાત સાથે બારમા અધ્યાયનું સમાપન થઇ રહ્યું છે.
by Santulan | Oct 15, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધાથી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે.
ભદ્રાયુ વછરાજાની (47) bhadrayu2@gmail.com
શ્રીમદ ભગવત ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ પર છે. અહીં કુલ ૨૦ શ્લોક છે અને ૨૦ શ્લોકમાંથી પહેલો શ્લોક અર્જુનના પ્રશ્નનો છે. અર્જુન એ પૂછવા માંગે છે કે જેમાં ભક્તિના સ્વરૂપોની અને ભક્તના પ્રકારોની વાત છે અને સતત ભક્તિમય રહેવા માટે ક્યાં માર્ગો સારા છે તેની ચર્ચાની અપેક્ષા છે. એમ કહી શકાય કે અર્જુનના એક પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બીજા ૧૯ શ્લોકનો ઉપયોગ કરે છે.
જાણવાનું એ રહે છે કે તપશ્ચર્યા શું છે ? સૌથી પહેલા તો અર્જુન જાણે કે આપણા મનનો પ્રશ્ન પૂછી નાખે છે, હે ભગવાન, જે ભક્તો તમારી નિરંતર સગુણ ઉપાસના કરે છે ને જેઓ તમારા નાશ ન પામે એવા અવ્યક્તરૂપની ઉપાસના કરે છે એમાં ઉત્તમ કોણ ? કેટલાક યોગીઓ ખુબ તપશ્ચર્યા કરે છે તેને ભક્તિ કહેવાય. અવ્યક્તની પૂજા કરીએ તો ધ્યાન વડે થાય અને વ્યક્તિની પૂજા કરવી હોય તો જેમાં પગ ચાપવાના, મંદિરમાં જવાનું, મૂર્તિની પૂજા કરવાની વગેરે બાબતો હોય. લક્ષ્મણ વ્યક્તિની પૂજા કરે છે અને ભરત અવ્યક્તની ભક્તિ કરે છે.
નિરાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે સાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે એ મને કહો એમ ખરેખર અર્જુનનો પૂછવાનો અર્થ છે. ઉપાસના એટલે ભગવાનની પાસે બેસવું. ગુરુ ઉપાસના એટલે ગુરુની પાસે બેસવું અને ગુરુમય થઇ જવું. ગુરુ જે કહે તે કરવું એ ઉપાસના છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને થોડીવાર એકબાજુ રાખીને એવું કહે છે કે, તું વ્યક્ત અવ્યક્તની વાત છોડ પણ પહેલા જાણી લે કે, શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધા (પરમ શ્રદ્ધા એટલે ખુબ શ્રદ્ધા, એવી શ્રદ્ધા કે આ જ મારો ઉદ્ધાર કરનારો છે એવી શ્રદ્ધા) થી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનના ગુણ કેવા છે ? ભગવાનની મૂર્તિને કોઈના પર આસક્તિ નથી, આરતી ઉતારીએ કે ન ઉતારીએ મૂર્તિને ખોટું ન લાગે. નૈવેદ્યમાં લાડુ મુકો કે ના મુકો તેમાં ફર્ક પડતો નથી. પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ પોતાના ભાષ્ય ગીતા બોધવાણીમાં કહે છે કે, જે ભગવાનના ગુણોમાં જે ગુણોમય થઇ ગયો છે, તન્મય થઇ ગયો છે એમ પુજનાર મારી પાસે આવે છે, ચોક્સી ઘરેણાં દેખાવ જોઈને નહીં લે, પણ તે સોનુ છે કે નહીં તે પહેલા જોશે. એવી રીતે મારામાં મન પરોવે છે પછી એ માટીનો ઢગલો હોય કે પથ્થર હોય બધામાં મને જોઈને પૂજા કરે છે. હું જ છું એમ માનીને પૂજા કરે છે એ ભક્ત મારા માટે શ્રેષ્ઠ છે, એટલે પૂજાની વિધિને અહીં ભગવાને પોતે , ભગવાનથી લઈને વ્યાપક જીવ સુધી વિસ્તૃત કરી આપી છે.
‘જે મનુષ્યો મારા અવ્યક્ત, અચિંત્ય, અવર્ણનીય, સર્વવ્યાપક, સર્વોપરી, સ્થિત, અચંચળ, સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે.’ ભેદ કોઈ પ્રકારનો પાડવા માટે ગીતા સમર્થ નથી, કારણ કે ગીતા સમન્વયવાદી છે એવું આપણે પાંચમા અધ્યાયમાં કહ્યું છે. જે બધા પ્રાણીઓનું હિત કરવામાં તત્પર છે, સર્વત્ર સમબુદ્ધિ રાખીને બધી ઇન્દ્રિયોનો સંયમ કરે છે, સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે એ બધા મને પ્રાપ્ત કરે છે. અહીં સ્પષ્ટ થયું છે કે, તમે સગુણની ભક્તિ કરો છો કે નિર્ગુણની, નિરાકારને ભજો છો કે સાકારને, મારી પાસે બેસીને પૂજા કરો છો કે નથી કરતા એને હું ભક્તિ ગણતો નથી. મને તો તે પ્રાપ્ત કરે છે કે, જે પોતાનું ઉપાસના કર્મ પૂર્ણભાવથી કરે છે, એકરૂપ થઈને કરે છે અને આ બધું કરવા માટે પોતે દશે ઇન્દ્રિયો ને મનને કાબુમાં લે છે, પરિણામે એ સમબુદ્ધિ થાય છે.
સમબુદ્ધિ એટલે બધાને સરખા ગણવા, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. આપણને ખ્યાલ છે કે ગાંધીજી પાણી પણ કરકસરથી વાપરતા. નાની લોટીમાં પાણી ભરે અને એમાંથી મોઢું ધોવે, કોગળા કરે આમ ગાંધીજી સર્વ ભૂતોના હિતમાં રત થઇ ગયેલા, રમમાણ થઇ ગયેલા હતા તેથી એ આપણા સૌ માટે આજે પણ સ્મરણીય બન્યા છે. હનુમાન રામના અનન્ય ભક્ત. રામે સુગ્રીવ, અંગદ , વિભીષણ વગેરે બધાને એમની સેવા બદલ રાજ્ય આપ્યું. હનુમાને રામની ઘણી સેવા કરી એટલે સીતા મા એ હનુમાનને પોતાનો કિંમતી હાર આપ્યો, તો હનુમાને તે હાર તોડી નાખ્યો. હનુમાનને હાર તોડવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે, આ હારમાં હું રામ જોતો હતો પરંતુ એક પણ મોતીમાં રામ ન દેખાયા. એટલે એક પછી એક મોતી તોડી નાખ્યા. ‘રામ વગરનો હાર મારે શું કામનો ?’ તેથી નાખી દીધી. જો એવો કિંમતી હાર લે તો એમાં આખો સંસાર આવી જાય અને પછી એ સંસારને સાચવવો પડે, એના માટે પેટી કરવી પડે, ઘર જોઈએ વગેરે વગેરે…હનુમાનજીએ એક જગ્યાએ શ્રી રામને સરસ કહ્યું છે કે, તમે જેમને તરછોડી એ તરે કે ડૂબે ? પથ્થર કેમ રામ લખ્યા પછી તરે છે ? ડૂબતા નથી ? ત્યારે બહુ સુંદર જવાબ મળે છે કે, ‘ભગવાન રામનું નામ જે પથ્થર ઉપર લખાય તે કદી ડૂબે ખરા ?’ આવી ભક્તિ જેનામાં છે એ સહેલાઈથી બધું પ્રાપ્ત કરી શકે.
by Santulan | Oct 8, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ
ભદ્રાયુ વછરાજાની (46) bhadrayu2@gmail.com
પોતાના નિત્ય નિરાળા ગીતા પ્રવચનોમાં શ્રી વિનોબાજી એક સરસ વાત કરે છે : “આરંભથી અંત સુધી ગીતા પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. બારમો અધ્યાય તો ખુબ જ પાવન તીર્થ સમાન છે. ખુદ ભગવાને તેને ‘અમૃતધાર’ કહેલ છે. અમૃત જેવો મીઠો છે, સંજીવની રૂપ છે કારણ આ અધ્યાયમાં ભગવાનના મુખેથી ભક્તિરસના મહિમાનું તત્ત્વ ગવાયેલું છે.”
આમ જોઈએ તો પાંચમા અધ્યાય પછીથી સતત ભક્તિયોગની જ વાત આવ્યા કરે છે પણ આ બારમાં અધ્યાયમાં ભક્તિરસની સમાપ્તિ કરવાની હોય તેમ લાગે છે.
પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ફરી નાના છતાં નક્કર પ્રશ્ન સાથે અર્જુન હાજર છે. શ્રીમદ ગીતાના બારમાં અધ્યાયના આરંભે અર્જુન પૂછે છે કે, “નિયુક્ત થઈને તમને ભજે તે અને અક્ષર-અવ્યક્ત થઇ તમને ભજે એ બંનેમાંથી કહો તો કે કોણ ચડે ??”
બસ, આ એક જ પ્રશ્નના જવાબમાં ભગવાન પુરા અધ્યાયને સમર્પિત કરે છે અને ઓગણીશ શ્લોકોમાં વિસ્તૃત જવાબ આપે છે. જેનો ટૂંકો સાર એટલો છે કે “મારામાં મન પરોવીને જે મને હમેશા સાથે રાખીને પરમ શ્રધ્ધાથી ભજે તે યોગીથી પણ ચડી જાય છે.”
અર્જુન પ્રશ્ન પૂછે છે કે, “કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”
ભગવાન શો જવાબ આપે? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આધીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય, માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શકતો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઇ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારુ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તો આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને સવાલ પૂછો તો તે શો જવાબ દેશે? તેને તમે કહો, “હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે.” મા શો જવાબ આપશે? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોળવા બેસશે? કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી મા કહેશે, “વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ.” નાનાને એણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનાનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો, એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ તેટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.
શ્રી વિનોબાજી એક ટકોર કરે છે જે આજના સમયમાં બહુ જ નિર્ણાયક નીવડે તેમ છે. તેઓ કહે છે, ‘ જુદાં જુદાં કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે. તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્ત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્ત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો – પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા દયનીય થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્ત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.’ આજે ગાંધી સંસ્થાઓ જે રીતે કંગાળ થતી જાય છે તેની પાછળ નું આ કારણ હોઈ શકે.
સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી નીકળી શંકરની જટામાંથી પણ નીકળી, ત્યાં જ રહી નથી. એણે જટા છોડી, હિમાલયનાં પેલા કોતરો ને ખીણો છોડયા, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાના હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી છૂટ્યો એ સાચું પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.
by Santulan | Oct 2, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
‘મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેને હું પ્રાપ્ત થાઉં છું.’
ભદ્રાયુ વછરાજાની (45) bhadrayu2@gmail.com
શ્રીમદ ભગવદ ગીતાનો અગિયારમોં અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન. તેના ચાલીસમાં શ્લોક સુધીમાં વિરાટરૂપ દર્શન કર્યા પછી અર્જુન પોતે પામી જાય છે કે જેને હું મારો બાળસખા ગણું છું તે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને તે દિવ્ય અનંતરૂપધારી છે, જેનું રૂપ વધતા વધતા એ કક્ષાએ પહોંચે છે કે હું અને ઋષિઓ અને સૌ માનવો ભયભીત થઇ જઈએ છીએ. ચાલીસમાં શ્લોકમાં તે ભગવાનને સર્વ દિશાઓમાંથી પોતાના નમસ્કાર પાઠવે છે.
શ્લોક ૪૧ અને ૪૨ એ બે શ્લોક વડે અર્જુન ભગવાનના મહાત્મ્યના અજ્ઞાનથી કરેલા અપરાધોની ક્ષમા માંગે છે અને કહે છે, “આપના વિરાટ સ્વરૂપ મહિમાને હું જાણતો ન હતો. આપને હું મારા સખા જ માનતો હતો. ચિત્તની ચંચળતાથી કે સ્નેહથી પણ હું તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું કહ્યા કરતો હતો, એ અનુચિત હતું એ મને હવે સમજાય છે એટલે તે સર્વ બાબતો માટે આપ મને ક્ષમા કરો. વળી હે અચ્યુત, આપણે વિનોદ કરતા હતા , રમતા હતા, સુતા હતા, બેસતા કે ખાતા હતા ત્યારે એકલા અથવા મિત્રોની સમક્ષ મારાથી આપનો જે અસત્કાર થયો હોય તેને માટે અચિંત પ્રભાવવાળા આપની હું ક્ષમા માંગુ છું.” આ જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે છે કે જે વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ તેની ઓળખ કરતાં તે અનેક ગણો મહાન નીકળે ત્યારે આપણે ક્ષમાભાવમાં આવી જતા હોઈએ છીએ. આગળના શ્લોકમાં હવે ભક્ત અર્જુન ભગવાનના અચિંત્ય પ્રભાવનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરે છે. એ કહે છે કે, ‘હે અપ્રતિમ પ્રભાવવાળા ભગવાન, આ સ્થાવર જંગમ લોકના આપ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો, સર્વ પ્રકારે અધિક ગૌરવવાળા છો. આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. ત્યારે આપના કરતા અધિક તો બીજો ક્યાંથી હોય ? તેથી નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું અને સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને એ પ્રસન્ન થાઓ એવી હું પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતાને પુત્રના અપરાધની, મિત્રને મિત્રના અપરાધની અને પતિને પત્નીના અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેમ આપને મારા અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેવું મને લાગે છે આપ મને ક્ષમા આપો.”
શ્લોક ૪૫ અને ૪૬ વડે ભક્ત અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનો ઉપસંહાર કરી સમેટી લઇ પૂર્વવત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થવા માટે હવે પ્રાર્થના કરે છે. એક સમયે જે ઉત્ક્ટતા હતી વિશ્વરૂપી જોવાની એનાથી પુરેપુરો સંતૃપ્ત થઈને અર્જુન હવે કહે છે કે, ‘પૂર્વે ન જોયેલા આ વિરાટ સ્વરૂપને જોઈને હું હર્ષ પામ્યો છું. તથા ભયથી મારું મન વ્યાકુળ થયું છે.’ બંને મિશ્રિત ભાવ એના મનમાં છે, એ હર્ષ પણ પામ્યો છે કે ઓહો હો હો આ વિરાટ સ્વરૂપ ! અને બીજી રીતે એને ભય પણ થાય છે કે શું વાત છે આ હા….હા.. આવું ભયભીત કરે એવું વિરાટ સ્વરૂપ ! એટલે પોતે સ્વીકારે છે કે બંને હું પામ્યો છું. મારું મન ભયથી વ્યાકુળ થયું છે માટે હે દેવ મારા પ્રાણના કરતા પણ પ્રિય આપનું પૂર્વનું સૌમ્યરૂપ હવે મને દેખાડો. ‘હે દેવેશ, હે જગન્નિવાસ, આપ હવે પ્રસન્ન થાઓ.. મને આપનું પૂર્વનું સૌમ્યરૂપ દેખાડવા યોગ્ય કૃપા કરો તો સારું’, એવું અર્જુન વિનવે છે. ‘હું આપને પહેલાની જેમ મુકુટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું, માટે હે સહસ્ત્ર બાહુ, હે વિશ્વમૂર્તિ આપ ચતુર્ભુજ રૂપ ધારણ કરો.’ આથી એ અર્થ સૂચિત કર્યો છે કે, ભક્ત અર્જુન સર્વ કાળે ભગવાનનું ચતુર્ભુજાદિસ્વરૂપ જોતો હતો એટલે એ સ્વરૂપ પાછું લઇ આવવાની તેણે વિનંતી કરી. ભક્ત અર્જુનને ભય પામેલો જોઈ હવે ભગવાન વિરાટ સ્વરૂપ સમેટી લઇ રહ્યા છે અને તેને આશ્વાસન આપતા ભગવાન કહે છે, ‘હે અર્જુન, હું પ્રસન્ન થયો છું. મારા અસાધારણ યોગ સામર્થ્યથી તને આ મારું તેજોમય, વિશ્વવ્યાપી , અનંત અને અનાદિ શ્રેષ્ઠ રૂપ મેં દેખાડ્યું છે જે મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વ જોયું નથી. તું પણ મને અત્યંત પ્રિય છે, તેથી તું આ વિશ્વરૂપ દર્શન રૂપી પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયો છે. મારી બાલ્યાવસ્થામાં યશોદા માતાએ, ગોકુળમાં અક્રૂરે તથા કૌરવ સભામાં ભીષ્મપિતા વગેરેએ મારા અનુગ્રહથી મારું જે સ્વરૂપ જોયું હતું તે તને બતાવેલા આ વિશ્વરૂપનું એક અવાંતર રૂપ જ હતું. તે મારું ઉત્તમ સ્વરૂપ ન હતું. જે આ સર્વોત્તમ સ્વરૂપ મેં તને બતાવ્યું છે તે તને તારા ભાગ્યથી એટલે કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. મારા વિશ્વરૂપ દર્શનથી તું કૃતાર્થ થયો છે.’ હવે ભગવાન વિશ્વરૂપ દર્શનથી દુર્લભતાનું પ્રતિપાદન કરે છે અને કહે છે કે, ‘હે કુળશ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય લોકમાં મારા વિરાટ સ્વરૂપને જોવા તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. મારા વિરાટ સ્વરૂપના દર્શન વેદાભ્યાસથી, યજ્ઞોથી, તુલાપુરુષ વગેરે દાનોથી, અગ્નિહોત્રી વગેરે સ્ત્રોત કર્મોથી કે ચાંદ્રાયણ વગેરે ઉગ્ર તપોથી કે બીજા સાધનોથી આ મનુષ્યલોકમાં શક્ય નથી. તું તો કેવળ મારા અનુગ્રહથી જ આ મારું વિરાટ સ્વરૂપ જોવા સમર્થ બન્યો છે.’
હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધીમે ધીમે સમેટી લઇ રહ્યા છે. અને એ કહે છે કે, ‘આ મારા ઘોર વિરાટ સ્વરૂપને જોઈને તને વ્યથા કે વ્યાકુળતા ન થાઓ અને તું ભયરહિત તથા પ્રસન્ન ચિત્તવાળો થા. મારા તે આ પૂર્વના રૂપને તું જોઈ શકે એટલે હવે હું મૂળ રૂપ પ્રાપ્ત કરી રહ્યો છું.’ હવે ભગવાને ભક્ત અર્જુનને પોતાનું પૂર્વ સ્વરૂપ દેખાડ્યું. એ સમયે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા કહે છે કે, ભગવાને ભક્ત અર્જુનને પુનઃ પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવ્યું અને પુનઃ સૌમ્ય શરીર ધારણ કરી મહાત્મા ભગવાને ભય પામેલ ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ભક્ત અર્જુન નિર્ભય થઇ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે, હે જનાર્દન, આપના આ સૌમ્ય માનુષી સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારી પ્રકૃતિને એટલે કે મૂળ સ્વભાવને હું પામ્યો છું.
હવે ચાર શ્લોકો વડે વિરાટ સ્વરૂપના દર્શનરૂપ અનુગ્રહની દુર્લભતાનું વર્ણન થઇ રહ્યું છે. ભગવાન બોલ્યા છે, ‘મારું જે વિરાટ રૂપ તે હમણાં જોયું તેનું દર્શન અત્યંત દુર્લભ છે. દેવ પણ એ જોવા નિરંતર ઈચ્છા કરે છે. મેં તને જે સ્વરૂપવાળો જોયો તે સ્વરૂપવાળો હું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોવાને શક્ય નથી. હે અર્જુન, જેમ અગ્નિ કાષ્ટ ને બાળીને ભસ્મ કરે છે તેમ મારી ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિ મને જે પ્રકારે વશ કરે છે તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ, કે ત્યાગ પણ મને વશ કરવા સમર્થ થતા નથી. હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું. મારે વિષે નિષ્ઠા પામેલી ભક્તિ ચાંડાળોને પણ જાતી દોષથી પવિત્ર કરે છે. આ સંસારમાં મારી ભક્તિ અત્યંત દુર્લભ છે કારણકે જો અંતઃકરણ વિષે મારી ભક્તિ ઉત્પ્ન્ન થાય તો તે અવશ્ય મુક્તિ આપનારી છે. આ અધ્યાયના સમાપનમાં સુંદર વાત કહી ને સમાપન તરફ જઈ રહ્યા છીએ.. ‘હે પાંડવ, મારે અર્થે કર્મ કરનારો મન જ પ્રાપ્ત માનનારો મારો ભક્ત જેણે સંગનો ત્યાગ કર્યો છે તે તથા સર્વભૂતોમાં જે વેર રહિત છે તે મને પામે છે. હું પ્રાર્થના કરું છું કે મારે અર્થે જે કર્મ કરે છે, મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેનું હું પ્રાપ્ત થાઉં છું.’
અર્જુનની વિનંતી ઉપરથી પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને ફરી અર્જુનની વિનંતી ઉપરથી મૂળ પોતા ચતુર્ભુજધારી રૂપને પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે આપણને ઉત્તમ સંદેશ આપે છે કે, ‘તમે મારી ભક્તિમાં રત રહો.’
by Santulan | Sep 24, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
“હે અનંત, આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો.”
ભદ્રાયુ વછરાજાની (44) bhadrayu2@gmail.com
અર્જુનની વિનંતીને ધ્યાનમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મૂળ સ્વરૂપ જે વિરાટ છે, જે વિશ્વ સ્વરૂપ છે એનું દર્શન અર્જુનને, ભગવાન તરફથી મળેલી દિવ્ય દ્રષ્ટિથી કરાવી રહ્યા છે.
અર્જુન શરૂઆતમાં પ્રભાવિત થઇ રહ્યો છે, આનંદિત થઇ રહ્યો છે પણ જેમ જેમ એ પ્રભુના વિરાટ દર્શનને પામતો જાય છે અને પ્રભુ પણ ધીમે ધીમે ધીમે કરતાં પોતાના રૂપના અનેક અધ્યાયો એક પછી એક અર્જુન સામે ખોલી રહ્યા છે ત્યારે અર્જુન પોતે પણ થોડો ભયભીત થઇ જાય છે. એને કલ્પના નહોતી કે મારો બાળસખા, મારો સારથી જેને હું કૃષ્ણ સમજુ છું એ આવો સ્વરૂપધારી એક મહામાનવ છે, મહાયોગેશ્વર છે. અને પરિણામે એનાથી બોલાય છે, ‘હે મહાબાહો, ઘણા મુખ અને આંખોવાળા, ઘણા હાથ, જાંઘ, પગ અને પેટવાળા અને ઘણી દાઢોથી ભયંકર એવા આપના વિશાળ વિશ્વરૂપને જોઈને પ્રાણીઓ ભયથી વ્યાકુળ થઇ ગયા છે તેમ જ હું પણ અત્યંત વ્યાકુળ થઇ ગયો છું.’
એનાથી બોલી જવાય છે કે, ‘ભગવાન અત્યાર સુધી તો ઠીક છે, હું દર્શન કરતો હતો પણ હવે હું ભય પામું છું અને થોડો થોડો વ્યાકુળ થઇ રહ્યો છું. હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા સ્વર્ગ સુધી વ્યાપ્ત સર્વરૂપી, પ્રજવલ્લિત, અનેક રંગવાળા, ઉઘાડા મુખવાળા અને તેજસ્વી નેત્રવાળા આપના વિરાટ સ્વરૂપને જોઈને મારું મન ભયથી વ્યાકુળ છે. હું દેહ ધારણ કરવાના સામર્થ્યને અને મનની શાંતિને, મનના સ્વાસ્થ્યને, મનની પ્રસન્નતાને પામતો નથી. આપના સ્વરૂપને જોઈ હું અત્યંત ચકિત થઇ ગયો છું.’ એ કહે છે કે, ‘મને આપનું સ્વરૂપ જોઈને મનની શાંતિ કે મનનું સ્વાસ્થ્ય કે મનની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી. હે વિષ્ણુ, હું તો એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો છું કે, હું કોને જોઈ રહ્યો છું ! એક પછી એક વર્ણન કરતા કરતા જયારે પોતાની વાત સામેના સ્વરૂપને જોઈને ટોચ ઉપર પહોંચે છે ત્યારે અર્જુન જુદી વાત કરી રહ્યો છે. વચ્ચે શ્રી ભગવાન પણ કહે છે,
“છું કાળ ઉઠ્યો જગનાશકારી, સંહારવા લોક અહીં પ્રવર્ત્યો;
તારા વિનાયે બચશે ન કોઈ, જે આ ખડા સૈનિક સામસામા.
તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;
પૂર્વે જ છે મેં હણેલ તેને, નિમિત્ત થા માત્ર તું સવ્યસાચી.
શું ભીષ્મ, કે દ્રૌણ, જયદ્રથેય, કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,-
મેં છે હણ્યાં, માર તું, છોડ શોક, તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ.”
ભગવાન તક ઝડપી લે છે અને તક ઝડપીને ભગવાન પાનો ચડાવતા એવું કહી દે છે કે, ‘તું ઉભો થા, આ બધાને હું અગાઉ મારી ચુક્યો છું, તારે કશું નવું કરવાનું નથી. તારે તો માત્ર મેં જે કાર્ય કર્યું છે એના માટે સાહસ કરવાનું છે. લોકોનો સંહાર કરનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો કાળ હું છું. લોકોને સંહાર કરવા પ્રવર્તેલો હું છું. આ શત્રુઓની સેનામાં જે શત્રુઓ ઉભા છે ને તે સર્વે તારા સિવાય, તું યુદ્ધ ન કરી શક તો પણ બચશે નહીં, એટલું તું બરાબર સમજી લે.’ પોતાના વિરાટ રૂપની સાથે પોતાની વિરાટ શક્તિનું વર્ણન ભગવાન કરી રહ્યા છે.
કાળનું સામર્થ્ય કેટલું છે, એ સામર્થ્ય વર્ણવવા માટે ભગવાન પોતાની વાત પોતાના દ્વારા કરી રહ્યા છે. અહીં ભગવાન એવો અંગુલી નિર્દેશ કરે છે કે સર્જનહાર તરીકે હું પોતે હણવા નીકળેલું વ્યક્તિત્વ છું. ‘શ્રીમદ ભગવદ ગીતા સંજીવની’ નામના ભાષ્યમાં એક સુંદર વાત કાળના સામર્થ્ય અંગે કરવામાં આવી છે… પંપા સરોવરમાં સ્નાન કરતી વખતે ભગવાન રામે સરોવરની બાજુમાં એક સ્થળે પોતાન ધનુષ્ય વગેરે દાટી રાખ્યા. સ્નાન કર્યા પછી લક્ષ્મણે ધનુષ્ય આદિ બહાર કાઢ્યા ત્યારે તે લોહીથી ખરડાયેલા હતા. આ જોઈને ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, જરૂર કોઈ જીવ માર્યો ગયો હશે.’ શ્રી લક્ષ્મણે થોડી માટી ખોદી જોયું તો એક મોટો દેડકો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો. ભગવાન રામે દેડકાને પૂછ્યું, ‘ધનુષ્ય દાટવામાં આવ્યું ત્યારે તેં બૂમ કેમ ન પાડી ? સાપ કરડે છે અથવા કોઈ પણ જાતનો ભય જણાય છે ત્યારે તો તું તત્કાલ મારા નામનો પોકાર કરે છે. તો પછી આ વેળા બિલકુલ શાંત રહેવાનું શું પ્રયોજન ? જો તેં ચીસ પાડી હોત તો હું તને જરૂર બચાવી લેત.’ દેડકાએ જવાબ આપ્યો તે કાન ખોલીને સાંભળવા જેવો છે, ફાટી આંખે વાંચવા જેવો છે. ‘હે પ્રભુ, સાપ કરડવા આવે કે ભય કે સંકટ સમયે આપને પોકારું એ સ્વાભાવિક છે, કારણકે આપ સમાન બીજો કોઈ રક્ષક નથી. પણ જયારે આપ જ મારવા પ્રવૃત થાઓ ત્યારે સહાય કે રક્ષણ માટે આપને પોકારવાનું શું પ્રયોજન ? કાળ જેનો ગ્રાસ કરવા પ્રવૃત થયો છે, તેનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ?’ આપણે પણ કેટલાય લોકોને માટે એવું કહીએ છીએ કે, હમણાં તો એની સાથે હું વાત કરતો હતો આટલી વારમાં એને શું થયું ? ચપટી વગાડતા જન્મ આપનારો મહાન વ્યક્તિ આપણને ઉઠાવી જનાર પણ બને છે, એ સત્ય અત્યારે અહીં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ રૂપથી દર્શિત થઇ રહ્યું છે.
ભગવાનનું આ વિરાટ રૂપ અને ભગવાનનો શાબ્દિક પડકાર કે, “ઉભો થા મેં જેને હણ્યાં છે એને તું શોક છોડીને મારવા ઉભો થા, તું જૂજવા માંડ. તું રણે સ્વશત્રુઓને જીતીશ એવી હું તને બાંહેધરી આપું છું.” આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ જયારે થોડો સમય રોકાય છે ત્યારે સંજય બે હાથ જોડીને એવું બોલે છે કે, ‘હે ભગવાન હું આપને વિનંતી કરું છું, ફરી ફરીને વંદન કરું છું, હું ડરી ગયો છું એટલે હું નમું છું, હું આપને નમન કરું છું અને હું મારા ગદગદ કંઠે આપને કહેવા માંગુ છું કે બરાબર હું આપની વાતને અનુસરી શકતો નથી, પરંતુ સમજી શકું છું. સમજવું મારા માટે સરળ છે પણ જયારે અનુસરણની વાત આવે છે તે હું કરી શકતો નથી.’ અર્જુને કહ્યું એ યોગ્ય છે કે, ‘આપના કીર્તનથી જગત અતિ હર્ષિત થાય છે. અને અનુરાગને પણ પ્રાપ્ત થાય છે. ભયભીત થયેલા રાક્ષસો સર્વદિશાઓમાં ભાગે છે અને સઘળા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરે છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સર્વશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ન કરે ? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસઃ આપ અવિનાશી છો જે વ્યક્ત અને અવ્યક્તથી પર છો. એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને બાબતોથી તમે પર છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી જ આ વિશ્વ પ્રાપ્ત થયું છે. આપ જ વાયુ છો, યમ છો, અગ્નિ છો, વરુણ છો, ચંદ્રમા છો, પ્રજાપતિ બ્રહ્મા છો અને પ્રપિતામહ બ્રહ્માજીના પણ કારણ છો. આપને હજારો વાર નમક્સર હો, નમસ્કાર હો… પુનઃ આપને નમસ્કાર કરું છું અને હું બહુ જ આનંદ પૂર્વક બહુ જ સંતોષપૂર્વક આપને અનુસરવા માટેની મારા જીવની તૈયારી માટે પ્રવૃત થઇ રહ્યો છું.’
by Santulan | Sep 17, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
‘આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે.’
ભદ્રાયુ વછરાજાની (43) bhadrayu2@gmail.com
અગિયારમો અધ્યાય વિરાટ રૂપ દર્શનનો અધ્યાય છે અને આપણે જોયું કે શ્રી અર્જુનની વિનંતીને લઈને આ વિશ્વરૂપ દર્શન મહાનાયક યોગેશ્વર કરાવી રહ્યા છે. વિચારવાનું એ છે કે, ત્રણ કાળમાં અને ત્રણ સ્થળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે અને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જ જોવાનો મળે અને પરમેશ્વરના તે રૂપનું દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે અને એ ઇચ્છામાંથી આ અગિયારમો પ્રગટ થયો છે.
ભગવાન આપણને ઈચ્છા, અપેક્ષા, કામ, વાસનાથી દૂર રહેવાનું કહે છે પણ તેઓ અર્જુનની એક સદ્ ઈચ્છાને અહીં માન આપીને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો એમ ભાષ્યકારો કહે છે. આ આખી વાત આપણને જાણવા, સમજવા, જોવા મળી એ સંજયને લઈને.. કારણકે સંજય પાસે અગાઉથી દિવ્ય દ્રષ્ટિ હતી અને સંજયનું પોતાનું કાર્ય ધૃતરાષ્ટ્રને રણમેદાનમાં શું બની રહ્યું છે, કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેનું જીવંત પ્રસારણથી માહિતી આપવાનું છે, જે ખરેખર ધૃતરાષ્ટ્રની સાથે આપણને સૌને પણ લાભાન્વિત કરે છે. સંજયે વાત કરી કે કેવા પ્રકારનું સ્વરૂપ ઘડાઈ રહ્યું છે, પણ સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે. સંજય કહે છે કે, પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક પ્રકારે વિભક્ત થયેલા સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થાન પર સ્થિત થયેલું જોયું છે. અનંત ભાતનું વિશ્વ આખુંયે એક ભાગમાં દેવાધિદેવના દેહે અર્જુને જોયું તે સંજય કહે છે,
પછી અર્જુન આશ્ચર્યે હર્ષ, રોમાન્ચ ગાત્રથી,
દેવને હાથ જોડીને નમાવી શિરને વદ્યો.
આ સ્વરૂપ જોયા પછી આશ્ચર્યચકિત થયેલો, રોમાંચિત થયેલો અર્જુન શ્રદ્ધા ભક્તિ સાથે વિશ્વરૂપ દેવને પોતાનું મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે અને હાથ જોડીને ઉભો રહીને બોલે છે,,,
‘હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવતાઓને તથા અનેક પ્રકારના પ્રાણીઓના સમુદાયોને અને કમળ જેવા આસાન પર સ્થિત સૃષ્ટિના સ્વામી બ્રહ્માજીને, ઋષિઓને, દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.’
‘હે વિશ્વેશ્વર, હું આપને અનેક બાહુ, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા બધી બાજુથી અનંતરૂપોવાળા જોઉં છું.’
‘હે વિશ્વરૂપ, હું ન આપના અંતને જોઉં છું અને ન મધ્યને અને ન આદિને. હું આપને મુગટધારી, ગદાધારી, ચક્રધારી તથા બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્ય જેવા પ્રકાશમય જોવામાં બહુ કઠિન અને અપ્રમેય સ્વરૂપ બધી બાજુથી જોઉં છું.’
અર્જુન ગદગદ થઈ રહ્યો છે. અર્જુન પોતાના શબ્દો શોધી રહ્યો છે. અને એ શબ્દો શોધીને તે ભગવાનના સ્વરૂપનું આપણને વર્ણન કરી રહ્યો છે.
‘આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો એવું મને લાગે છે. હું આપને આદિ, અંત અને મધ્યરહિત તથા અનંત સામર્થ્યથી ભરેલા અનંત બાહુઓવાળા તથા સૂર્ય, ચંદ્ર રૂપી નેત્રોવાળા અને પ્રજવલ્લિત અગ્નિમય મુખવાળા તથા પોતાના તેજથી આ વિશ્વને તપાવતા હોય તેવા આપને હું જોઈ રહ્યો છું.’
‘હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની મધ્યનું આ આકાશ તથા સમગ્ર દિશાઓ એક માત્ર આપથી જ વ્યાપ્ત છે. આપના આ અદભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક ભયભીત થઈ ગયા છે.’
વીસમાં શ્લોકમાં જે વાત અર્જુન કહે છે તે જ વાતને શ્રી વિનોબા ભાવે, વિનોબાજી જરા જુદી રીતે કહે છે. તેઓ એમ કહે છે કે, ‘ભગવાનના દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે, આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને જાજુ ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે રૂડું, રૂપાળું, નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી, પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે એનો એક કકડો છે અને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે, તેવું મને જરાય લાગતું નથી.’
વિનોબાજી આપણને સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે, જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરો પૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં માટીના એકાદ કણમાં પણ છે અને જરાય ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે જ એક ટીપામાં પણ છે. અમૂર્તનું નાનું સ્વરૂપ ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે.’ અને પરિણામે વિનોબાજી સતત સતત કહે છે કે, મને વિરાટરૂપ જોવામાં રસ પડે છે એના કરતા એના સૂક્ષ્મ એક કણ કે એક બિંદુમાં એ રૂપ જોવાનું વધુ ગમે છે. હર એક ચીજની સાથે પરમેશ્વરનો સબંધ બાંધવાનો છે. મારામાં પરમેશ્વર છે તે જ પેલી વસ્તુમાં છે. આવો આ સબંધ વધારવો તેનું જ નામ આનંદ. આનંદની બીજી ઉત્પત્તિ જ નથી. પ્રેમનો સબંધ બધે બાંધવા લાગીએ અને પછી જોઈએ કે, શું થાય છે પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુ વેણુમાં પણ દેખાશે.
એક વખત આ દ્રષ્ટિ કેળવાય પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળગણ પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જવી જોઈએ અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હર એક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ નજરે નહીં પડે. વિનોબાજી અર્જુનથી સાવ બીજા છેડા ઉપર રહીને આપણને કહે છે કે, ‘અર્જુને વિરાટ સ્વરૂપ માટે ભલે પ્રાર્થના કરી ને એણે જોયું, પણ હું અને તમે તો આખું વિરાટ સ્વરૂપ જોઈ શકીએ એવી આપણી શક્તિ જ નથી.’ સ્વામી સચ્ચિદાનંદજી તો એવું પણ કહે છે કે વિરાટ સ્વરૂપ જોવા જઈએ તો આપણે તો ભયભીત થઈ ઉઠીએ. એટલે આપણે તો અર્જુનની દિવ્ય દ્રષ્ટિથી જોવાયેલું અને સંજયની દિવ્ય દ્રષ્ટિથી વર્ણવાયેલું જે વિશ્વરૂપ દર્શન છે એને જ માન્ય ગણીને આગળ વધવાનું છે. એના જ દર્શનથી સંતૃપ્ત થવાનું છે.
ત્રણેય લોક ભયભીત છે એવું વીસમાં શ્લોકમાં કહેવામાં આવ્યું એ વાત સંદર્ભે સ્વામીશ્રી સચ્ચિદાનંદજી પણ કહે છે કે, આ સ્વરૂપ જાણ્યા પછી તો ત્રણેય લોકની અંદર એક ભય પ્રાપ્ત થયો છે કે આપણે જેને ભગવાન કૃષ્ણ કહીએ છીએ એનું આ વિરાટ સ્વરૂપ ? આવું ? એટલે અર્જુન કહે છે કે, સમસ્ત દેવતાના સમૂહો આપમાં જ પ્રવેશ કરી રહ્યા છે. અને બીજા કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમુદાયો ‘કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ’ એમ કહીને ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરે છે. અનેક દિવ્ય સમુદાયો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે.
એક પછી એક અર્જુન વિષરૂપ દર્શન કરતો જાય છે અને તેની સ્તુતિ કરતો જાય છે. અર્જુનની સ્થિતિ મોં ખોલતા પતાસું મળ્યા જેવી થઈ ગઈ છે.
by Santulan | Sep 10, 2023 | Geeta, સ્વૈર વિહાર - મધુવન |
‘હે ઈશ્વર, જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(42)
આ અગાઉ દસમા અધ્યાયમાં આપણને સમજાયું છે કે ,
‘પહેલાં સહેજે વર્તાઈ આવે એવો મોટો,,,પછી નાનો,,પહેલાં સાદો ને પછી ભેગવાળો,,,, એમ સર્વ વસ્તુઓમાં રહેલા પરમાત્માને જોવો,,તેનો સાક્ષાત્કાર કરવો,,, રાત અને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતા શીખવું.’
શ્રીમદ ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપદર્શનયોગ, સહજતાથી તેને વિરાટદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘હે ઈશ્વર, તમારું પેલું સંપૂર્ણ રૂપ જોઉં એમ મને થાય છે. જે રૂપમાં તમારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળે એવું કરો,’ આમ અર્જુને વિશ્વરૂપદર્શનની માંગણી કરી.
આપણું જગત એ વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. વિશ્વ સાથે સરખાવીને જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારું આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે, એમ જણાશે. આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે અને સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે,,આપણને ભલે તે વિશાળ લાગે. જગત જેનો નાનકો ભાગ છે તે વિશાળ વિશ્વનું દર્શન તો વિરાટ જ હોય ને ??
અહીં કુલ પંચાવન શ્લોકો છે, જેમાં ભગવાન, અર્જુન અને સંજય એમ ત્રિપદીમાં સંવાદ ચાલે છે. જેમાં શ્રી ભગવાન તો કેવળ દસ જ શ્લોક બોલ્યા છે. સંજયે દુભાષિયા પણું નીભવવા આઠ જ શ્લોકનો ઉપયોગ કર્યો છે, જયારે બાકીના સાડત્રીસ શ્લોક તો અર્જુન જ બોલે છે !! ભગવાનના વિરાટદર્શનમાં શું શું જોવું છે તેની કલ્પના કરીને અર્જુન ભગવાનને કહે છે કે, મારે તમારું આ અને પેલું અને તે અને અન્ય એવું રૂપ જોવું છે.
અહીં યાદ રાખીએ કે ભગવાન સમક્ષ માંગણી કરી ત્યારે શ્રી ભગવાન પોતાનું વિરાટદર્શન કરાવવા તૈયાર થાય છે.
પહેલા ચાર શ્લોકોમાં અર્જુન કહે છે ::
મારા અનુગ્રહ અર્થે જે તમે આધ્યત્મજ્ઞાનનું
પરં ગૂઢ઼ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો…1
ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા,
તેમ અક્ષય માહાત્મ્ય, તમારા મુખથી પ્રભુ !….2
નિજને વર્ણવો જેમ, તેવું જ, પરમેશ્વર !
ઈશ્વરી રૂપ જોવાને ઈચ્છું છું, પુરુષોત્તમ ! ….3
મારે તે રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !
તો, યોગેશ્વર, દેખાડો નિજ અવ્યય રૂપ તે…..4
એક અધિકારી શિષ્ય તરીકે અર્જુન સૌ પ્રથમ પોતાને શો લાભ અત્યાર સુધી થયો છે તે કહે છે અને પછી હળવેકથી વિનયપૂર્વક કહે છે કે, ‘જો આપને યોગ્ય લાગે તો મને આપનું અવ્યય રૂપ દેખાડો.’ દસ અધ્યાય સુધીમાં અર્જુન હવે નક્કી કરી શક્યો છે કે, યુદ્ધ તો લડવું પડશે અને મને આના માટે મારો સખા અને હાલનો મારો સારથી સલાહ આપે છે તે ભારે સક્ષમ વ્યક્તિત્વ તો છે જ..
ભગવાન વાતમાં થોડું મોણ નાખતાં આરંભે કહે છે કે,”મારા તો સેંકડો ને હજારો રૂપ છે. મારા રૂપના ઘણા પ્રકાર છે, આકાર છે અને વર્ણ પણ છે. અરે એમાં ઘણા આશ્ચર્યો પણ છે. તને ખ્યાલ છે કે મારા દેહમાં આજે અહીં એકસાથે સમગ્ર સચરાચર જગત આખું હાજર છે, પણ હા,,,એક શરત છે…”
મને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું
દિવ્ય દૃષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ…8
ભગવાને શરત એવી રીતે મૂકી કે અર્જુને તે સ્વીકારી એમ પણ ભગવાને માની લીધું. જો કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ વિરાટ રૂપને સર્વ દ્રશ્ય બનાવવા ઇચ્છતા ન હતા, એ લાભ તો કેવળ અને કેવળ સ્વયં સખા અર્જુનને જ મળે તે માટે તેઓએ અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ આપી. સંજય પાસે તો પહેલેથી દિવ્ય દ્રષ્ટિ હતી જ. એટલે એ રીતે ભગવાનનાં વિશ્વરૂપદર્શનનો સીધો લાભ અર્જુન અને સંજયને મળ્યો અને બાકી સૌને સંજયવાણીથી મળ્યો.
શ્રી વ્યાસજીએ અહીં જાણી જોઈને દિવ્ય દ્રષ્ટિવાળું ત્રીજું પાત્ર હાજર રાખ્યું છે. કારણ સંજય ધૃતરાષ્ટ્રને લાઈવ કોમેન્ટરી આપી રહ્યો છે અને તેના દ્વારા વ્યાસજી આપણને પણ વિરાટદર્શનથી લાભાન્વિત કરે છે. દિવ્ય ચક્ષુ આપ્યા પછીના છ શ્લોકમાં સંજય મારફતે આપણને ભગવાનના વિરાટ રૂપનું મોટું મોટું વર્ણન સાંભળવા મળે છે. સંજય આરંભે જ બે શબ્દો ઉચ્ચારે છે તેની આપણે નોંધ લેવી જોઈએ. મહાયોગેશ્વર અને ઈશ્વરી રૂપ. એટલે કે આ હવે કેવળ કૃષ્ણ નથી, પરંતુ એ મહાયોગેશ્વર છે અને તેનું રૂપ કોઈ રીતે સામાન્ય નથી પરંતુ એ ઈશ્વરી રૂપ છે. વળી, અર્જુનને પોતાના પક્ષના નામ પાર્થથી અહીં ઉચ્ચારાયો છે. સંજય કહે છે, “તેઓને ઘણા મોઢા છે, ઘણી આંખો છે, ઘણું અદભુત રૂપ છે. તેમણે દિવ્ય આભૂષણો પહેર્યા છે તો કેટલાય દિવ્ય આયુધોથી તેઓ સજ્જ છે. દિવ્ય માળા -વસ્ત્રો ધારણ કરેલ છે અને દિવ્ય ગંધની અર્ચા ઓથી સૌને આશ્ચ્ર્યમાં મૂકી દે તેવું વિશ્વવ્યાપક દેવનું પૂર્ણ સવરૂપ પાર્થની સમક્ષ છે, મહારાજ.”