“Every child comes  with the message that

God is not yet discouraged by man.”

“પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે

ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી.”

“એક દિવસ મેં જોયું, તો મારા મોટા ભાઈ સોમેન્દ્રનાથ અને મારાથી ઉંમરમાં મોટો મારી ભાણેજ સત્ય નિશાળે જાય છે, પરંતુ મને નિશાળે જવાને યોગ્ય ગણવામાં આવ્યો નથી. મોટેથી રડવા સિવાય મારી યોગ્યતા જાહેર કરવાનો બીજો કોઈ ઉપાય મારા હાથમાં નહોતો. આ પહેલાં હું કદી ગાડીમાં યે બેઠો નહોતો, કે ઘરમાંથી બહાર પણ નીકળ્યો નહોતો; તેથી સત્ય જ્યારે નિશાળેથી આવીને નિશાળે જવાના રસ્તાનો પોતાનો ભ્રમણવૃત્તાંત લાંબોચોડો કરીને ભભકાદાર સ્વરૂપમાં રોજ મારી આગળ રજૂ કરવા લાગ્યો, ત્યારે મારું મન કેમે કરી ઘરમાં ટકવાની ના જ પાડવા લાગ્યું. મારા શિક્ષકે મારા મોહનો વિનાશ કરવા માટે પ્રબળ ચપેટાઘાત સાથે આ સારગર્ભવાણી ઉચ્ચારી હતી: ‘આજે તું નિશાળે જવા માટે રડે છે, પણ એક દિવસ નહીં જવા માટે તું આના કરતાં યે વધારે રડવાનો છે.”

સાતમી મે, ૨૦૧૧ વિશ્વના મહાન સાહિત્યકાર અને કેળવણીકાર તથા સમાજસુધારક શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની ૧૫૦મી જન્મજયંતી હતી.જવાહરલાલ નહેરુએ કહેલું:’રવીન્દ્રનાથ એ ભારતના ઋષિઓની પરંપરાના મહાપુરૂષ છે, એ માત્ર ભારતના નહીં પણ સમસ્ત માનવજાતના કવિવર છે.’ ગુરૂદેવ ટાગોરનાં વ્હાલાં નામથી ઓળખાતા શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની બે ઉત્તમોત્તમ લિખિત અભિવ્યક્તિ અહીં દર્શાવેલ છે.

એક બાળકના અવતરણ સાથે ઈશ્વરની અપાર શ્રદ્ધા અને તે પણ માનવજાતમાં વ્યક્ત કરીને માણસની જવાબદારી અમૂલ્ય બનાવી છે. પ્રકૃતિનું કૌમળતમ સર્જન તે પુષ્પ અને પુષ્પ સરીખું બાળક ! એ બાળકનું પૃથ્વી પરનું આગમન કેટલી દિવ્ય ઘટના છે!. અને એ દિવ્યતાને સંગોપવાનું કર્તવ્ય નિભાવવા મળે તે આપણા માટે લ્હાવો છે, પૂણ્યનું ભાથું છે અને ઉજાસનો સધિયારો છે. શ્રી ટાગોરે આ પંદર શબ્દોનાં એક જ વાક્ય માં સુંદરમ્ ની ઓળખ કરાવી દીધી છે. શ્રી ટાગોરનું આ જ તો લાઘવ છે ! પ્રત્યેક બાળક ઇશ્વરનો જ અંશ છે, એવું કહેવાને બદલે એક નવી જ વિભાવના આપણી સમક્ષ મુકનાર શ્રી રવીન્દ્રનાથ પછીનાં અવતરણોમાં પોતાનાં બાળપણની વાત માંડે છે, ત્યારે ટાગોરને મન બાળક, બાળપણ, શાળાના પાયાના ખ્યાલોની તસ્વીર મળે છે. પોતાનું બાળપણ અને તે સમયે બહાર જવા મળે, ગાડીમાં બેસવા મળે તે બ્હાને પણ શાળાએ જવાની પોતાની ઉત્કંઠા સાદી સીધી વાણીમાં અહીં વર્ણવેલી છે.. આગળ જતાં શાંતિનિકેતન માં દિવાલો વગરના ક્લાસરૂમ અને વૃક્ષનાં થડ નીચેના વર્ગખંડોની શિક્ષણ શૈલી સર્જનાર શ્રી રવીન્દ્રનાથના શિક્ષકની સારગર્ભ વાણીને ખોટી પાડવાની ઈચ્છા ફળીભૂત થાય છે. ‘આજે જે પામવા રડે છે તે પામીને પસ્તાશે, તેવો ઈશારો કરી ટાગોર આપણને જીવનની ક્ષણભંગૂરતાની યાદી અપાવે છે.

 પહેલાં અવતરણમાં નાની છતાં નક્કર વાતને કાવ્યાત્મક રીતે રજુ કરનાર શ્રી રવીન્દ્રનાથ પોતાનાં બાળપણની વાત નિરાળાં ગદ્યથી કેટલી સરળતાથી કરે છે! શ્રી ટાગોરની આ સિદ્ધ થયેલ હથોટી છે, તેથી તેઓએ હજારથી વધુ કાવ્યો અને બે હજારથી વધારે ગીતો ઉપરાંત સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ, નવલકથા, નાટકો તથા નિબંધો તેઓએ આપ્યાં. બંગાળી ભાષાના આ સર્વકાલીન સૌથી  મહાન લેખકનાં અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને ૧૯૧૩ માં નોબેલ પારિતોષિક અર્પણ થયું. આધુનિક ભારતની બધી ભાષાઓના સાહિત્ય ઉપર એમનો પ્રભાવ પડેલ છે. આજે પણ જગતના બધા ભાગોમાં સૌથી વધુ જાણીતા કોઈ ભારતીય લેખક હોય તો તે રવીન્દ્રનાથ. ગુજરાત તેનાં ત્રણ સમર્થ સાહિત્યકારોનાં જન્મ શતાબ્દિ વર્ષ ઉજવી ચૂક્યું છે, તે શ્રી ઉમાશંકર જોશી, શ્રી કૃષ્ણરાય શ્રીધરાણી અને શ્રી પ્રહલાદ પારેખનાં શબ્દસાધનાનાં મૂળીયાં શ્રી ટાગોરની ચૈતના ભેગાં ધરબાયેલાં છે.. આ એક દિવ્ય અનુસંધાન છે. શ્રીધરાણી અને શ્રી પ્રહલાદ પારેખનું શિક્ષણ ટાગૌર સાનિધ્યે, તો શ્રી ઉમાશંકર તો શાંતિનિકેતનના કુલગુરૂ પણ!..

શાશ્વતીના કવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોર વૈરાગ્યયુક્ત રાગને શોધનારા મનીષી હતા.. તેઓ લખે છે: “આમિ ચગ્ચલ હૈં, આમિ સુદૂરેર પિયાસી.. મારા જીવનનું એક ઉંડું સત્ય છે કે હું સદેવ સુદૂરનો પિયાસી રહ્યો છું.”.