

એકનાથ મહારાજને એક પ્રશ્ન પુછાયો: શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો એટલા અંદરથી પણ છો?
બે સ્પષ્ટતા કરવા જેવી છે. આપણે બે શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. ભૌતિક અસ્તિત્વ નથી. જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું, અથવા મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો. આ મન અને દિલ નામના જે બે શબ્દો આપણે બોલ્યા કરીએ છીએ. શું કોઈ મેડિકલ સર્જન એની સર્જરી કરીને આપણને એ બહાર કાઢીને આપી શકે? જવાબ મળશે ના… યાદ રાખીએ અહીંયા મન મગજ સાથે જોડાયેલ છે અને તેની સર્જરી કરવાની વાત છે. એવી રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે તો મગજ અને હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, transplant થાય, પણ મન કે દિલ તમને ક્યાંય જોવા ન મળે it’s not a physical substance… પણ એ physical substance ન હોવા છતાં આ મન અને દિલ એ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાય જાય, એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારની સંકલ્પના છે કે જે નથી છતાં છે. દિલ એ એવા પ્રકારની સંકલ્પના છે એક જે નથી છતાં છે. આપણે અક્ષાંશ-રેખાંશ માટે કહીએ છીએ કે, રેખાઓ છે પણ શોધવા જાઓ તો ક્યાંય રેખાઓ દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસ્સો વિચાર કરવો પડે. જે નથી છતાં છે.
આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ કે આપણે સુઈ ગયા હોઈએ તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. આપણે લોકો ધીમે-ધીમે કરતાં ડર અનુભવીએ છીએ એનું કારણ પણ આ મન છે જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો…, અકસ્માત થશે તો…, માનો કે પ્લેન તૂટી પડશે તો…, આ ત્રણ મણ ના ‘તો’ જેટલા છે એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે. અને એ પહેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એવે સમયે મન ઝંઝીર છે.
મન કેવી રીતે અસર કરે છે? એનો એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું… એકનાથ મહારાજ મહારાષ્ટ્રનું બહુ મોટું નામ, મોટા સાધુ. ભક્તિ, ધ્યાન અને ઉપાસનામાં ને સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે, ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું, મારે એક પ્રશ્ન પૂછવો છે તમે એક સિદ્ધહસ્ત વ્યક્તિ ને સાધુ છો. પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો એટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે, તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથના હાવભાવ કરતો હતો ને દોસ્ત એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું. તારી મૃત્યુની રેખા કહે છે કે, તારું મૃત્યુ નજદીક છે. સાત દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે. એટલે તારું ધ્યાન દોરું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કહે હવે મારે જવાબ નથી જોઈતો. મારે હવે અહિયાં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈક કહે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા-દેણા જેટલું હતું એ બધું પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમા યાચના કરી. સાત દિવસની મુદ્દતમાં ભવિષ્યનું થાય એટલું આયોજન કર્યું, પોતાની પત્ની, મા-બાપ સૌની ક્ષમા માંગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો…. અને સાતમા દિવસે મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં અમારો દીકરો સાતમે દિવસે જવાનો છે. પણ એકનાથજીએ કીધું કે તમે રડો નહિ, મને એમની પાસે લઈ જાઓ, એ ક્યાં છે? તો એ અંદર ખાટલા ઉપર સૂતો છે. એ બીમાર છે? ના પણ એ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સુતા-સુતા પ્રણામ કરે છે, અને કહે છે કે, પ્રશ્ન પૂછવામાં મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું, બેટા તું ઉભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી, સાત દિવસ બાકી છે એવું કહ્યું ત્યારે આ સાત દિવસમાં તેં કોઈ પાપ કર્યું છે? તેં કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તેં કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ શું કર્યું છે? છોકરાએ કહ્યું કે, કેવી વાત કરો છો? સાતમે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરે? એકનાથ મહારાજે કહ્યું કે, તેં તે દિવસે મને પૂછેલ પ્રશ્નનો જવાબ તારા આ છેલ્લા પ્રશ્નમાં આવી ગયો?? હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા જ આવ્યો છું. તેં કહ્યું એ જ તારો જવાબ છે. જો સાત દિવસ હોય અને તમે કાંઈ ખોટું ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહિ, કરુણા સિવાય કાંઈ નહિ તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉ છું એવો અંદર છું. સૌ સ્વજનો, મારે ને તમારે જીવવાની આ પ્રક્રિયા સમજી લેવાની જરૂરત છે.
