પદ્મશ્રી શ્રી સુરેશ સોની આજે નથી, પણ “સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ”માં સેવાની જ્યોત આજે પણ પ્રજ્વળે છે.

શ્રી સુરેશ સોનીએ સંકલ્પ કર્યો હતો  કે તેઓને પંચોતેર વર્ષ  થયા ત્યારથી તેઓ પોતાનું સેવા-કેમ્પસ છોડીને ક્યાંય બહાર જશે નહીં… વાત માન્ય રાખ્યા સિવાય છૂટકો ન હતો, પણ અમારે તો “અસ્મિતા વિશેષ સંવાદ”માં તેમની સેવા-જીવન-યાત્રા અંગે સંવાદ કરવો જ હતો અને એટલે અમે તો કેમેરા-લાઇટ્સ લઈને ઉપડ્યા તેમનાં  નિવાસ કમ સેવાક્ષેત્રે… રક્તપિત્ત વાળા લોકોનું એક આખું નગર !! અદભુત કાર્યના દર્શન થવાના  હતા તેની તો ખાતરી જ હતી પણ અમે શ્રી  સુરેશભાઈ સાથેના સંવાદથી તો જાણે  અવાચક જ થઈ ગયા !! આવો એ દિવ્ય સંવાદના સાક્ષી બનીએ. ::

‘મારો જન્મ ૧૯૪૪ માં નર્મદા કિનારે સિનોર ગામમાં થયો. એ ગામથી એક બે કિમી આગળ માલસર ગામ પ્રસિદ્ધ છે, પૂજ્ય ડોંગરેજી મહારાજને કારણે. મારા પપ્પાને અમે મોટાભાઈ કહીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બોલાવતા  અને મારા માતુશ્રીને અમે બધા સાનીબા કહેતા. મારા દાદા વહેલા ગુજરી ગયેલા એટલે મારા પિતા શ્રી હરિલાલભાઈને ચૌદ પંદર વર્ષની ઉંમરે  ભણવાનું છોડી અને એમના બાપાની સોના ચાંદીની દુકાનમાં બેસવાનું થયું. એ દુકાનમાં બેઠા ધંધો ચાલવા મંડયો. બે એક વર્ષ પછી એક દિવસ એમને ઓચિંતો વિચાર આવ્યો, એ જમાનામાં એવું હતું કે,  તમે પાંચ ગ્રામ સોનુ આપો છો અને અમે તમે દાગીના પાછા આપીએ ત્યારે પાંચ ગ્રામ વજન કરીને આપવાનું.  તમારે મજૂરીના પૈસા આપવાના. પણ એકલા સોનાના દાગીના કોઈ દિવસ થાય નહીં એમાં તાંબુ તો ઉમેરવું જ પડે. એટલે પાંચ ગ્રામની સામે પાંચ ગ્રામ આપીએ એટલે જેટલું તાંબુ ઉમેરાયું એટલું સોનુ અમને મળ્યું !! એમના મનમાં વિચાર આવ્યો કે ભલે આખી દુનિયામાં આ બધું ચાલે અને તે  કાયદેસર પણ ગણાય છે પણ આ નૈતિક રીતે બરાબર નથી.  એટલે એમણે સંકલ્પ કર્યો કે હું આવું નહીં ચલાવી લઉં. અને એના કરતાં એમની મહાનતા એ છે કે જે થોડો ઘણો વારસો મારામાં આવ્યો એમણે જે નિર્ણય કર્યો તે અગાઉની તારીખથી અમલમાં મુક્યો, તે દિવસથી નહીં. તેમણે ગણતરી કરી કે હું દુકાનમાં બેઠો ત્યારથી આજ સુધી આવું હું કેટલું કમાયો એનો હિસાબ કર્યો. અને પછી ધીમે ધીમે એટલા પૈસા બચાવ્યા અને અમારા ઘરની નજીક રામજી મંદિર હતું ત્યાં આગળ દાગીના કરીને ભેટમાં આપી આવ્યા અને ત્યાર પછી એ બિલકુલ પ્રામાણિકતાથી જીવ્યા.

અમે સાત ભાઈ બહેનો,  એમાં હું સૌથી નાનો અને આજે મને ૭૮મું  વર્ષ (2025 ની સાલ, આ સંવાદ સમયે..) ચાલે છે એટલે તમે કલ્પના કરી શકો કે ક્યાં જમાનાની આ બધી વાતો છે. એમણે એ જમાનામાં નર્મદાની પગે ચાલીને પરિક્રમા કરેલી.  તે વખતે હું સિનોરમાં પ્રાથમિક શાળામાં, પણ પિતાશ્રી માંદા પડ્યા એટલે એમને થોડી મદદ થાય એ હિસાબે હું બે ત્રણ મહિના વડોદરા આવીને રહ્યો. ભાઈને ઘરે હું રહેવા આવ્યો અને તે વખતે એમને થોડી મદદ કરું, પણ એમણે તે વખતે મને ગણિત પાકું કરાવડાવ્યું એને કારણે છેવટે હું M.Sc. વિથ મેથેમેટિક્સ થયો અને વડોદરા યુનિવર્સીટીમાં મેથેમેટિક્સનો અધ્યાપક થયો.  અમારા ગણિત-શિક્ષકે  ભણાવતા ભણાવતા ક્યારેક ઈનડાયરેકટલી વાત કરી હશે કે,  આપણે માણસ છીએ તો આપણે માણસો માટે કશુંક તો કરવું જોઈએ.. અને ભગવાનની કૃપાથી આ વાત મારા મગજમાં ઉતરી ગઈ. કશું કરવું છે એ વિચાર કરવા મંડયો,  શું કરવું છે એ કશું સૂઝતું નહીં. એ જમાનાનું ઓલ્ડ એસ એસ સી થયો અને મેં નોકરી સ્વીકારી લીધી.  પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે, જયારે મારું  મનગમતું ક્ષેત્ર મળે ત્યારે નોકરી છોડી દેવી. શોધ ચાલુ હતી. આ ૧૯૬૬ ની વાત. ૧૯૬૬ થી ૧૯૭૦ નાના નાના કામો હું કરતો. દા.ત. વડોદરા એચસીજી હોસ્પિટલમાં અઠવાડિયામાં એક દિવસ જવાનું ને કોઈને કાગળ લખવો હોય તો લખી આપવાનો,  કોઈને ખાવું હોય તો લાવી આપવાનું, કોઈ બે ચાર મહિના હોસ્પિટલમાં જ રહેવાનું હોય તો એને મનગમતી ચોપડીઓ લાવીને વાંચવા આપવાની અને રજા પડે ત્યારે ચોપડી પાછી લઈ આવવાની. ૧૯૭૦ માં વડોદરામાં સરકારી લેપ્રેસી હોસ્પિટલ હતી. એનું નામ અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ.  એક જમાનામાં એવું કહેવાતું હતું કે, અત્રી  ઋષિને રક્તપિત્ત થયેલો ત્યારે અનસૂયા માએ  માટી લગાડીને એ રોગ મટાડેલો અને એ જે જગ્યાએ ત્યાં રહેલા એ નર્મદા કિનારે ગામનું નામ પણ અનસૂયા. અને માટીથી તો રોગ મટાડેલો એટલે એ જમાનામાં વડોદરાની ગાયકવાડ સરકારે ત્યાં લેપ્રેસી હોસ્પિટલ ઉભી કરેલી અને એનું નામ પાડેલું અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ. ત્યાં મારા મિત્રનો બનેવી કમ્પાઉન્ડર . અમે લોકો પંદર દિવસે ભેગા થઈએ ને  પિક્ચર જોવા જઈએ અને કોઈકને ઘરે જઈને ટોળા ટપ્પા મારીએ.  ૧૯૭૦ માં મને વિચાર આવ્યો કે,  આપણે એને ઘરે જઈએ છીએ જ્યાં હોસ્પિટલમાં એનું ક્વાર્ટર છે પણ હોસ્પિટલ આપણે તો જોઈ જ  નથી. એટલે થયું કે ચાલો હોસ્પિટલ જોઈએ. ૧૯૭૦ ની વાત ત્યારે મારી દીકરી પણ ત્રણ ચાર મહિનાની હતી. અમે હોસ્પિટલ જોઈ ખાટલે ખાટલે ફર્યા ત્યારે થયું કે આ કામ તો કરવા જેવું છે. હું કશું કામ શોધું છું તે આવું હોવું જોઈએ. એકાદ મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. અમદાવાદમાં સદવિચાર  પરિવાર નામની સંસ્થા અને એનો હું મેમ્બર હતો. એટલે એના હિસાબે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે રાખડી બાંધવા જતા એટલે એના પછી મને  વિચાર આવ્યો કે આ લેપ્રેસી હોસ્પિટલમાં આવવાવાળા એક વખત ઘર છોડે પછી પાછા ક્યાંય જતા નથી. મહિના પછી રક્ષાબંધન આવે છે તો આપણે ત્યાં જઈને રક્ષાબંધન કરીએ. એટલે અમે ગયા,  રાખડી બાંધી પછી મેં પૂછ્યું, હું તમને કેવી રીતે મદદરૂપ થાઉં ??. ત્યાં એક ભાઈ હતા એમણે કહ્યું કે સુરેશભાઈ તમારી મદદની જરૂર અહીં હોસ્પિટલમાં નથી અહીંથી આ લોકો પાછા  ઘરે જઈ શકવાના નથી.  બહાર નીકળીને એમણે  ભીખ માંગવી  ન પડે તેવું કશુંક કરો. શરીર પરના જખ્મ કરતાં દિલ પરના જખ્મ એમના વધારે હતાં. ત્યાં અમે  કામ શરૂ કર્યું. થોડા વખતમાં મારી પત્ની ઇન્દિરા પણ ત્યાં આવતી થઈ. લોકોનું માથું ઓળી આપે. કોઈ એમ કહે, મારે આજે શિરો ખાવો છે તો ઘરેથી લાવીને શિરો ખવડાવે.’

‘અને આમ, અમારો સેવા યજ્ઞ શરુ થયો અને મેં મેથ્સના પ્રોફેસરની નોકરી છોડી દીધી. આજે તો રક્તપિત્ત અને મંદ બુદ્ધિના લોકોનું એક આખું નગર અહીં અમે વસાવ્યું છે. અહીં સૌ સ્વતંત્ર છે અને છતાં સૌ સાથે છીએ…’

“અગાઉની એક વાત કહું. અહીં આવ્યા પહેલા અમે સિંધરોટ ગામ પાસે શ્રમ મંદિર સર્જેલું. એક ઉદ્યોગપતિ અમારું કામ જોઈને મળવા આવ્યા અને એમણે ટ્રસ્ટ બનાવ્યું કે હવે આપણે જમીન શોધીએ અને પછી આ લોકોને ત્યાં આગળ લઈ જઈએ. એમણે કહ્યું, સુરેશભાઈ, તમને ટ્રસ્ટી તરીકે લીધા છે અને તમે સેક્રેટરી અને એ પ્રેસિડેન્ટ. એટલે પછી જમીન શોધવાની. અને સરકારે છેવટે 1978માં વડોદરાથી 15 કિલોમીટર દૂર મહીસાગરના કિનારે કોતરોવાળી જમીન આપી. ઊંડા ઊંડા ઊંડા કોતરો.

કોતરો સરખા કરાવતા કરાવતા નાકે દમ આવી જાય. હવે ત્યાં આગળ મકાનો અમે બાંધવાનું ચાલુ કર્યું. ઉદ્યોગપતિ ઇન્દુભાઈ પટેલ, સયાજીવાળા. એમની જવાબદારી પૈસા ભેગા કરવાની, મારી જવાબદારી પૈસા વાપરવાની. ત્યાં બધાનો વહીવટ, કોને ક્યાં ઘર આપવાનું, શું કામ કરવાનું, માંદા પડે તો શું કરવાનું. એટલે એ વહીવટની જવાબદારી મળી ત્યાં આગળ. એટલે 1978માં મેં નોકરી છોડી દીધી. ધીમે ધીમે અમે લોકો પણ સિંધરોટ રહેવા ગયા આ લોકોની જોડે.

અમારે ત્યાં લેપ્રોસીવાળા બધા લોકો રહેતા હતા શ્રમ મંદિરમાં.  ત્યાં ઘણું સારું કામ થયું. નામ પણ ઘણું પહોંચ્યું. પ્રમુખ સાહેબ બહુ સારા, મજાના હતા. કુટુંબ જેવો સંબંધ હતો. પછી ભગવાનના મનમાં એમ થયું કે સુરેશ, અહીંયા બહુ કામ કર્યું, હવે તું બીજે. મને એક ગીત બહુ ગમે છે, “ઘાટે બંધાણી મારી હોડી, વછોડી જા, સાગરની સ્હેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજમાં આવે છે, આવે તેને હંકારી તું જા.” ભગવાનના મનમાં અહીંયા બહુ કર્યું, હવે બીજે. ત્યાં ટ્રસ્ટીઓ જોડે થોડા મુદ્દા ઊભા થયા એટલે છોડવાનું સ્વીકારી લીધું.

ફરી પ્રશ્ન આવ્યો કે, જવું ક્યાં? પૈસા તો હતા નહીં. હવે જમીન શોધવાનું ચાલુ કર્યું. પણ શ્રમ મંદિરમાં અથવા વડોદરા ઝૂંપડપટ્ટીમાં જેમના દ્વારા મેં ચરખાનું કામ ચાલુ કરેલું, એ મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં ખાદીની સંસ્થા, સર્વોદય આશ્રમ. એમને જેવી ખબર પડી કે હું જમીન શોધું છું, એટલે એમનો મારા પર સામેથી ફોન આવ્યો કે સુરેશભાઈ, હું તમને 31 એકર જમીન ભેટમાં આપવા તૈયાર છું. મારી કોઈ શરત નથી. ભગવાનની મોટામાં મોટી કૃપા. 31 એકર જમીન સામે ચાલીને.  તેમણે 10 વર્ષ પહેલાં પૈસા આપીને આ જમીન ખરીદેલી હતી. એટલે આમ જુઓ તો, 10 વર્ષથી જમીન અમારી રાહ જોઈને બેઠી હોય એવું. થોડાક મકાનો તૈયાર હતા. એ અહીંયા ખેતી કરતા હતા એટલે ખેતી માટે પાણીની સગવડ હતી. એટલે 1988માં 14મી સપ્ટેમ્બરે મારી જોડે ત્યાંથી જ રક્તપિત્તવાળા 20 અને એમનાં છ બાળકો, અમે અહીંયા બધા જોડે 1988માં 14મી સપ્ટેમ્બરે આવ્યા. આમ તિથિ પ્રમાણે સંવત 2045, ગણપતિ ચોથ.

હા. એટલે અત્યારે 33 વર્ષ અહીં પૂરાં થયાં, આ 34મું વર્ષ ચાલે છે. 20 રક્તપિત્તવાળા અને છ બાળકો એમ સંખ્યા 26થી શરૂ કરેલ. આજે અહીંયા 991 લોકો અહીંયા છે.

આ એક નવું ઊભું કરેલું ગામ છે. અહીંયા ઇલેક્શન બૂથ  છે, સ્મશાન પણ અહીંયા છે. હોસ્પિટલ પણ અહીંયા, સરકારી એકથી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા અહીંયા છે, આંગણવાડી પણ અહીંયા છે. 35 ઘરડી, વસૂકી ગયેલી ગાયો. અમે પાંજરાપોળ પણ ચલાવીએ છીએ. દૂધ આપે એવી ગાયો રાખતા જ નથી, લેતા પણ નથી.

એટલે નજીકનાં ગામોમાં જે કોઈની ગાય વસૂકી જાય, એની દશા ખરાબ ના થાય માટે અમે એને રાખીએ છીએ. તો એ 35 ગાયો છે. રક્તપિત્તવાળાથી કામ શરૂ કરેલું. આજે ભારતભરમાંથી અહીંયા આવેલા લોકો છે. આ એક મિની ઇન્ડિયા છે.

પછી બે-એક વર્ષ પછી ખબર પડી કે આખા ગુજરાતમાં મંદબુદ્ધિવાળા મોટી ઉંમરના ભાઈઓને રાખે એવી સંસ્થા એકેય નથી. ક્યાં  તો ડે-કેર સેન્ટર છે. મોટાને રાખે એવી કોઈ સંસ્થા નહોતી. અને મારા પર એક ભાઈનો કાગળ  આવ્યો કે એમનો ભાઈ મંદબુદ્ધિનો છે અને ક્યાં મુકવો  એ શોધે છે. એમને ખબર કે,  આ લેપ્રોસીનું કામ કરે છે તો ક્યાંકથી શોધી લાવશે. એમ  રક્તપિત્તવાળા આવ્યા, બાળકો ભણવા આવ્યા. પછી મેં કહ્યું તે પ્રમાણે 1992માં મંદબુદ્ધિ ભાઈઓનું ચાલુ કર્યું. ત્યાર પછી મંદબુદ્ધિ દીકરીઓ માટે પણ સંસ્થા શરૂ કરી. એ જમાનામાં કોઈ કોર્ટમાં ગયું ત્યારે લોકોને ખબર નહોતી કે મંદબુદ્ધિ અને માનસિક બીમાર બે જુદી વસ્તુ છે. એટલે અમદાવાદમાં શાહીબાગમાં હોસ્પિટલ છે સરકારની. ત્યાં આગળ બન્નેને રાખતા હતા. કોઈ સુપ્રીમ કોર્ટમાં ગયું કે આવું ના ચાલે. અને તરત ને તરત એમને કહેવામાં આવ્યું કે તમારા જે મંદબુદ્ધિવાળા હોય એને બીજે ક્યાંક વ્યવસ્થા કરો. એટલે એ લોકો પણ અહીંયા આવતા થયા. અને એને કારણે આજે પણ અમારો એમની જોડે સંબંધ સારો છે.

આજે મંદબુદ્ધિવાળા લગભગ 250 ભાઈઓ છે, 180ની આસપાસ બહેનો છે, રક્તપિત્તવાળા 200ની આસપાસ છે. પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી અમે નક્કી કર્યું, “જેનું નથી કોઈ, એનું છે સહયોગ. જેનું નથી કોઈ, એનું છે સહયોગ.” એટલે શારીરિક રીતે દિવ્યાંગ હોય, એચ.આઈ.વી.વાળા હોય, ઘરમાંથી કોઈ એકલા મૂકી ગયેલા હોય, પ્રજ્ઞાચક્ષુ હોય, કોઈ પણ હોય, માનસિક બીમાર ના હોય, તો એ બધાને અમે અહીંયા રાખવાનું શરૂ કર્યું. અને એને કારણે આજે 911 છે. કોરોનાને કારણે થોડાક નોર્મલ બાળકો ઘટ્યા છે, નહીં તો 1000 ઉપરાંત સંખ્યા થઈ ગયેલી હતી. એટલે આ એક આખું નવું ગામ છે. આ લોકોને તો પ્રેમ કરીએ છીએ અને કરીએ છીએ, સેવા નથી કરતા, પ્રેમ કરીએ છીએ.

નેશનલ હાઈવે પર અમારી  સંસ્થા આવેલી છે. એટલે એવો વિચાર કર્યો કે અહીંયા આપણે યાત્રી નિવાસ બનાવીએ. નેશનલ હાઈવે પર છીએ એટલે ઘણા લોકો લક્ઝરી બસમાં, પોતાની બસમાં ભાડે કરીને નીકળતા હોય છે. એમની પાસે ગેસનો બાટલો, રાંધવાનો સામાન, કાચું સીધું બધું જ હોય છે. એમને જોઈએ છે પાણી અને બે-ચાર કલાક રોકાવાની જગ્યા. એટલે અમે અહીંયા યાત્રી નિવાસ બનાવ્યા છે. લોકો અવારનવાર આવતા હોય છે. અમે એમને પાણીની સગવડ આપીએ છીએ. સંડાસ-બાથરૂમ જવું હોય તો ભાઈઓ માટેના સંડાસ-બાથરૂમ જુદા છે, બહેનો માટેના સંડાસ-બાથરૂમ જુદા છે. એટલે એ રીતે એનો પણ ઉપયોગ થાય છે. ભાદરવી પૂનમે અંબાજી ચાલતા લોકો જતા હોય છે, ત્યારે તમે અહીંયા આવીને જુઓ. કોરોનાના કારણે ઘટ્યું, નહીં તો અહીંયા તમે રાત્રે કોઈ દિવસ આવો તો અહીંયા ચાર-પાંચ હજાર લોકો સૂતેલા હોય.

ત્યાર પછી અમે કહ્યું કે આ તો દૂરના લોકો માટે કામ થયું, નજીકના લોકો માટે શું? એટલે ત્યારે અમે જોયું કે નજીકના ગામના લોકો બે-પાંચ કિલોમીટર દૂરથી મોટરસાયકલ પર, મોપેડ પર અહીંયા આવે. અને એમની જે નોકરીનો ટાઈમ હોય એ પ્રમાણે કોઈની રાતની હોય, કોઈની દિવસની હોય, 40-50 કિલોમીટર દૂર જવાનું હોય. ત્યારે મોપેડ, મોટરસાયકલ પર જાય નહીં અને અહીંયાથી બસ પકડીને જાય. પાછા નોકરી પૂરી થાય એટલે બસ અહીંયા, ત્યાંથી વાહનમાં જતા રહે. એ લોકોએ મને કહ્યું નથી, પણ મને વિચાર આવ્યો કે આ લોકો માટે પણ કશું કરવું જોઈએ. એટલે એમના માટે મેં પાર્કિંગ સ્ટેન્ડ બનાવ્યાં હતાં.

એમણે નહોતું કહ્યું, મને વિચાર આવ્યો માટે અમે અહીંયા કર્યું. અમે કોઈ પૈસો લેતા નથી. ત્યાં વાહન મૂકી જાય છે, એમની રીતે મૂકી જાય છે. સ્ટેન્ડ બનાવી આપ્યું છે, એમની રીતે જતા રહે છે. અહીંયા અમારા જૂના સાંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, બહુ મજાના માણસ, અહીંયા એક હોલ બનાવવા માટે અમને એ જમાનામાં ગ્રાન્ટ ફાળવે. મુંબઈના એક દાતા આવ્યા એટલે અમને એમ લાગ્યું કે આ હોલ થોડોક મોટો બનાવીએ આપણે. એટલે પછી પેલા દાતાએ પૈસા આપ્યા અને અમે 200 માણસ બેસી શકે એવો એ.સી. હોલ અહીંયા બનાવ્યો છે. એટલે એમાં જે કોઈ માણસ સારું કામ કરતા હોય, એને અહીંયા બધાને ભેગા કરવા હોય તો મીટિંગ માટે અમે હોલ વગર ભાડે આપીએ છીએ. કોઈ પણ સારું કામ કરતું હોય તો ભાડા લીધા વગર અમે આવી મીટિંગ અહીંયા રાખતા હોય છે. એ હોલને અમે ટ્રેનિંગ હોલ નામ પાડ્યું છે.

નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી આયુર્વેદના વિદ્યાર્થીઓ, નર્સિંગના સ્ટુડન્ટ્સ, હોમિયોપેથીના વિદ્યાર્થીઓ, ઇવન એમ.બી.બી.એસ.ના ઇન્ટર્ન્સ વિદ્યાર્થીઓ, એ બધા અહીંયા લેપ્રોસી શું છે, મંદબુદ્ધિ શું છે એ શીખવા માટે અહીં આવે છે, કે જેથી પ્રેક્ટિકલ પણ જોઈ શકે. એમાં બે પ્રકારના લોકો. એક રસ્તે રખડતા નિરાધાર ગાંડા લોકો, જેનું કોઈ છે જ નહીં, એવા લોકોને પણ રાખીશું. અને બીજું સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે. એમાં પણ લાંબો સમય સારવાર રાખવી પડે. એટલે જેના સગા છે અને સારવાર માટે અટકી ગયેલા છે, એવા લોકોને પણ અમે રાખીશું. તો આ અમારી નવી પ્રવૃત્તિ ટૂંક સમયમાં શરૂ થશે. અમારી બીજી મજાની વાત એ છે કે ભગવાનની અનહદ કૃપા છે. વર્ષે ત્રણ કરોડ ચોર્યાસી લાખ રૂપિયાનો ખર્ચો છે.

એટલે રોજના લાખ રૂપિયા, લાખ પાંચ હજાર. અમે સરકારી ગ્રાન્ટ લેતા નથી. ડોનેશન ભગવાનની કૃપાથી આવ્યા કરે છે. અમારે કંઈ લેવા જવું પડતું નથી. મારી દીકરી ધનસુરા કોલેજમાં પ્રોફેસર છે, પણ બાકીના ટાઈમમાં અહીંયા મદદ કરે છે. જમાઈ ફુલટાઈમ અહીંયા ઓનરરી છે. મારો દીકરો પહેલાં વડોદરા હતો. એ વડોદરાની એની પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી અને એ પણ અહીંયા આવી ગયો છે.  નવા મકાનનું બાંધકામ, અત્યારે ટેકનોલોજી વગર ચાલે નહીં. આખું અમારું કુટુંબ આમાં જોડાઈ ગયેલું છે.

અહીં મંદિર પણ તદ્દન નોખા પ્રકારનું  છે. આખું સહયોગ નોખું છે. આ મંદિરમાં આખી દુનિયાના ધર્મોના સિમ્બોલ્સ, માત્ર ભારતના નહીં, આખી દુનિયાના ધર્મોના સિમ્બોલ્સ એવા લગાડેલા છે. અને મને 32 મહાપુરુષો ગમે છે, જેમના જીવનમાંથી મને કશુંક મળ્યું છે. દાખલા તરીકે હેલન કેલર,ચુનીલાલ મહારાજ,  રક્તપિત્તવાળાની સેવા કરતા ગાંધીબાપુ, પરચુરે શાસ્ત્રી.

અહીંયા ઘરે ઘરે તુલસીક્યારા છે. અને રોજ સાંજે સાત પચ્ચીસે ઘંટ વાગે એટલે તુલસીક્યારે ભેગા થઈને ગ્રુપમાં પ્રાર્થના કરે. અને પ્રાર્થનામાં, “સહયોગ કો સહયોગ દેને, દિલાને, દેને દિલાને વાલે કો ભગવાન સુખી કરે. હમ જિન સબકો છોડ કે આયે હૈં…” કારણ કે લેપ્રોસી થયો, ઘર બધું છોડી દીધું. કેટલાક મંદબુદ્ધિવાળાના સગા ક્યારેય મળવા પણ આવતા નથી. “હમ જિન સબકો છોડ કે આયે, ભગવાન ઇનકો સુખી કરો ઔર ભગવાન હમકો સદબુદ્ધિ દો.” એટલે આવું નવું નવું ક્યાંકથી ને ક્યાંકથી સૂઝે છે.

અને રોજ સાંજે 5:30એ પ્રાર્થના થાય મંદિરમાં. 911 લોકો છે, એમાંથી 400 લોકો આવી શકે એવા છે. એ લોકો બધા અહીંયા આવે પ્રાર્થનામાં. બધી પ્રાર્થના તો થાય, રોજ કોઈને કોઈ  ભજન ગાય. મજાની વાત એ છે કે એક ચિઠ્ઠી ઉપાડીએ છીએ. અમે જે ચિઠ્ઠી નીકળે એને 10 રૂપિયા ઇનામ આપીએ છીએ. એટલે લોકોના મનમાં થાય કે ચાલો, મંદિરમાં તો જઈએ, આજે કોનું નામ નીકળશે?. પણ પછી પ્રાર્થના વખતે એમાં બે જણા આવી અને જોક (પ્રેઝન્ટેબલ) રજૂ કરે. એટલે માણસે હસવું બહુ જ જરૂરી છે, ગંભીર ડાચું કરીને બેસી રહેવાની જરૂર નથી. અને પછી આપણે પ્રાર્થનામાં છેલ્લે કરીએ છીએ, “શક્તિ સે કમ કામ કરના પાપ હૈ.” ભગવાને આપણને જેટલી શક્તિ આપી છે એટલે પૂરેપૂરું કામ આપણે કરવું જ જોઈએ. ત્યાં આગળ, “હમ રોજ કિસી અચ્છે કો, દૂસરે કામ મેં મદદ કરેંગે.” કોઈ પણ સારું કામ આપણે ના કરીએ, થોડીક મદદ કરીએ. “ભગવાન આપકા શુક્રિયા, સબકા શુક્રિયા.” એવી  રોજ પ્રાર્થના.

અહીંયા જે રહે છે એ 911 લોકો, એમ આપે  કહ્યું,  એમનું એક કોમન રસોડું હોય નથી.  એ લોકો પોતપોતાના કુટુંબ તરીકે રહે. એમાં ઓપ્શન એમની પાસે છે. એ લોકોએ રસોડે ખાવું હોય તો રસોડે ખાય, પોતાની જાતે રાંધવું હોય તો પોતાની જાતે રાંધે. અહીંયા એક ગવર્મેન્ટ ઓફિસર આવેલા અને એમણે કહ્યું, સુરેશભાઈ, તમને ખબર નથી, પણ લેપ્રોસી જેને થયો હોય અને એચ.આઈ.વી.વાળા જે હોય, એની આવક જોવાની નહીં. એને બબીલો પોવર્ટી લાઇન પ્રમાણે રેશન મળે. સરકારે, સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરેલો છે. અને ઓર્ડરની કોપી એમણે મને મોકલી. ત્યારે ગુજરાત સરકારને પણ ખબર નહોતી. એટલે ગુજરાત સરકારમાં મેં કાગળ મોકલ્યો અને ઘણા બધા લેપ્રોસીવાળાને એનો લાભ લેવામાં આવ્યો. એટલે અત્યારે ઓપ્શન એમની પાસે છે કે તમારે જાતે રાંધવું હોય તો રાંધો.

જે રક્તપિત્તવાળા જે લોકો છે અહીંયા, મોટા ભાગનાને રક્તપિત્ત મટી ગયો છે, પણ એમના ગામમાં કામ મળતું નથી, માટે આવ્યા છે. હવે સ્ટિગ્મા ઓછો છે. અત્યારે તો એવું છે કે કેટલાક લોકોના ગામમાં એમની મા કે બાપ એકલા છે, ત્યાં કોઈ રાખે એવું નથી. એમને લેપ્રોસી નથી, તો એમના ગામમાંથી એવા લોકોને પણ અહીંયા લાવે છે. જે સ્ટાફ છે, એમાં લગભગ લેપ્રોસી મટી ગયેલા 150 જણા અહીંયા કામ કરે છે. મંદબુદ્ધિવાળાને રાત્રે સાચવવા. કેટલાક તો મલ્ટિપલ હેન્ડિકેપ છે અને એમાં  ભાઈઓ, બહેનો બેય છે. 150 લગભગ ભાઈઓ, 180 લગભગ મંદબુદ્ધિ બહેનો.

આટલા બધા લોકોનું રાંધવાનું. ગેસ ને બધું છે જ, સગવડ હોય છે. રોટલીનો લોટ ગૂંથવાનું મશીન પણ છે. એટલે કેટલાક લોકો ચાર વાગ્યે સવારે જોડાય, એક વાગ્યે એમની નોકરી પૂરી થાય. એક વાગ્યે જોડાય, એ રાત્રે આઠ વાગ્યે પૂરું થાય. આ લેપ્રોસીવાળા જે સંસ્થાના રસોડેથી ખાય છે, એમને અમે જમવા માટે ત્યાં બોલાવતા નથી. લારી રાખી છે અને એમને ઘેર જઈને આપી દેવાનું. કારણ કે કોઈને આંગળાં ના હોય તો એને ખાતાં એક કલાક લાગે. અને આંગળાં હોય તો બોલો, ફટાફટ ખાઈ લે, તો સારું ના લાગે.

અહીંયા કેટલાક લોકો એવા છે જે કશું કામ કરી શકતા નથી. એ લોકોને અમે ખાવાનું, ચા-નાસ્તો, માંદા પડે તો અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ, ગમે ત્યારે ગમે ત્યારે લઈ જવાના, એ તો છે જ. પણ એ ઉપરાંત અમે દર મહિને એમને 220 રૂપિયા રોકડા આપીએ છીએ. અને કહીએ છોએ કે, તમને ત્રીજી વખત ચા પીવાનું મન થાય, તમારે જેમાં વાપરો એમાં વાપરવા. અમે તો બધું ફ્રી તો ખરું, અમે તો ઉપરથી પૈસા આપીએ છીએ કે તમારે તમારી રીતે વાપરો. એવું પણ કદાચ આ ગુજરાતમાં એક જ સેન્ટર.”

સુરેશ સોની ને હવે સૌ કોઈ ઓળખે  છે કારણ કે ગત  છવીશ, જાન્યુઆરીએ ભારત સરકાર તરફથી તેઓને “પદ્મશ્રી” સન્માન આપવાની ઘોષણા થઈ. આજે સુરેશભાઈ વિદ્યમાન નથી પરંતુ  આ સુરેશ સોનીનો અડીખમ ટેકો તે શ્રીમતી ઇન્દિરા સુરેશ સોની. પત્ની માટે વપરાતો એક ઉત્તમ શબ્દ તે “સહ ધર્મચારિણી”, આ શબ્દના અર્થને ચરિતાર્થ કરે છે શ્રીમતી ઈન્દિરા સોની. આપણે આ દંપતીનો પરિચય પછીથી મેળવીશું પણ આજે ઈન્દિરાબેન પાસેથી  એ જાણીએ કે, સેવાનો મારગ કેટલી કસોટીઓ કરે છે !!

“ઓગસ્ટ, ૧૯૯૫ થી અહીં વણાટનું કામ કરતા રક્તપિત્તગ્રસ્ત નટુ માંગલાએ સુરેશને કહ્યું કે ‘મહેનતાણું વધારો’, તેમણે કહ્યું કે, ‘ગણતરી કરીશું પછી સંસ્થા પ્રમુખશ્રી મુરબ્બી  ઈન્દુભાઈ સાથે ચર્ચા કરીશું,’ પણ તેને ધીરજ ન રહી. એક દિવસ  સવારે ઓફિસમાં, નીચે બેસી કામ કરતા સુરેશ પર, ચૂપચાપ આવી નટુએ એના પાકિટમાંથી પારિયું કાઢી કપાળ પર ઘા કર્યો, લોહીનો ફુવારો ઊડ્યો, ચશ્માં પડી ગયાં, કુદરતી રીતે સુરેશનો ડાબો હાથ ઊંચો થઈ ગયો. કોણી પર બીજો ફટકો મારી, પારિયું વીઝતો બહાર નીકળીને  બોલ્યો:  “સુરેશ સોની મરી ગયો.” આ સાંભળી બાજુની રૂમમાંથી સ્ટાફના મિત્રો દોડયા. નટુ તેઓને મારવા દોડયો. તેઓ ગભરાઈને ભાગ્યા. પટાવાળાએ ઘંટ વગાડવા માંડયો, લોકો પકડવા દોડયા, સ્ટાફના – મિત્રો ઓફિસમાં ગાદી પર પાથરેલી ચાદર કાઢી માથે હાથે લપેટવા માંડયા. ચાદર-કપડાં લોહીથી લથબથ હતાં.

એમ્બ્યુલન્સમાં સુરેશ જાતે બેઠા અને બધાને સ્પષ્ટ સૂચના આપી કે,  કોઈ તેને મારશો નહિ. ખેતરમાંથી નટુને પકડી લાવી રૂમમાં પૂરી દીધો, વડોદરા હોસ્પિટલમાં ઓળખીતા ડોક્ટર મળી ગયા. સુરેશને જોતાં જ સ્ટ્રેચર મંગાવી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા.

હું દીકરી પારૂલને મૂકવા વડોદરા સ્કૂલમાં ગઈ હતી. સુરેશે સ્ટાફનાં બહેનને કહ્યું, ઇન્દિરાને જણાવો. હું હોસ્પિટલમાં આવી. સ્ટ્રેચર પર સુરેશને સુવાડેલા – પાટા બાંધેલા જોયા, હું રડવા લાગી. “તમને કોણ માર્યા ?” તો હસીને કહે, “જો તને દાઢી નહોતી ગમતી ને ! માથાના – દાઢીના વાળ સફાચટ થઈ ગયા ને !”

સાંજના ૫ થી ૮ ઓપરેશન ચાલ્યું. લોહીના-ગ્લુકોઝના બોટલ ચાલુ હતા. કપાળમાં ૨૬ ટાંકા અને હાથમાં સળિયો નાખવો પડયો. ભાનમાં આવ્યા, એટલે સ્ટાફને શ્રમમંદિર મોકલી જાણ કરાવી કે,  ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. માટે સવારથી શરૂ કરેલી ધૂન બંધ કરાવી બધાને જમાડો, સવારથી કોઈએ કશું જ ખાધું નહોતું.

બીજા દિવસે સહયોગના દર્દીઓએ હઠ પકડી કે,  અમારે તો સુરેશભાઈને જોવા છે, જેથી વારાફરતી ટ્રેક્ટરમાં સમાય તેટલાને લાવવાનું શરૂ કર્યું. દરેક જણ પગે લાગી, માથે હાથ ફેરવી આંખમાં આંસુ સાથે આશીર્વાદ આપી વિદાય થતા. છાપામાં આ બનાવના સમાસાર વાંચીને કોઈ ફળા હાર, તો કોઈ નાળિયેર, કોઈ પૈસા લઈને આવતા જ ગયા, આવતા જ ગયા…ગામે ગામથી શુભેચ્છક મિત્રો, અનેકવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, ટેક્નોલોજી ફેકલ્ટીના ૧૨ વર્ષ દરમિયાન ભણાવેલ વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, આર્થિક મદદ માટે આગ્રહ કરતા હતા, હું બે હાથ જોડી સૌને કહેતી, “ટ્રસ્ટ બધો જ ખર્ચ કરે છે, જરૂર નથી.” જે પણ આવતા સૌની આંખમાંથી અમે અશ્રુરૂપે વહેતો પ્રેમ નિહાળ્યો છે. ખભે હાથ મૂકી આશ્વાસન, શુભેચ્છા પાઠવતા હતા.

અમારા ગુરુ પૂ. શ્રી સંતરામ મહારાજ, પૂ. શ્રી નારાયણદાસ મહારાજે પૈસા લઈને એમના ભક્તોને મોકલ્યા: વડોદરા સંતરામ મંદિરના પૂ. શ્રી ભરતદાસજી દરરોજ આવે. દૂધ, નાસ્તો, જમવાનું મોકલે. હું કહું કે “ટિફિન  સુરેશભાઈના ભાઈને ત્યાંથી આવે છે.” તો કહે, જે કોઈ પણ આવે, તેમને પ્રસાદરૂપે જમાડજો. નર્સો અને વોર્ડના દર્દીઓ પૂછે કે આ ભાઈ છે કોણ ? જે આવે તે એના  પગે પડે છે, રડે છે, પ્રાર્થના-ભજન-ધૂન ગાય છે. બધા અહોભાવથી જોતા રહે, નડિયાદ હરિ ૐ આશ્રમના પૂ. શ્રી નંદુભાઈએ પૈસા મોકલ્યા. સારા થયા પછી તેમને પગે લાગવા ગયા, પાછા આપ્યા, ત્યારે તેમની આંખમાંથી આંસુ આવ્યાં. “સુરેશભાઈ, તમે મારા પૈસા વાપર્યા નહિ ?” આ અમારા પ્રત્યેનો એમનો સ્નેહાદર. આ બનાવ ન બન્યો હોત તો આટલા બધા સંતો-સ્વજનો અમને લાગણીસભર હૃદયથી ચાહે છે તેની ખબર ન પડી હોત !

જીવનમાં જરાક છોડયું તો કેટલું બધું અમને મળ્યું ! સંતોના – ઈશ્વરના આશીવાઁદ સતત મળતા રહે છે. આજે પણ તે દિવસ યાદ કરું છું,  ત્યારે ભગવાન પરની શ્રદ્ધા વધતી જાય છે. દર્દીઓનો અઢળક પ્રેમ, તેમણે કરેલી સાચા હૃદયની પ્રાર્થનાએ જ સુરેશને નવું જીવન બક્ષ્યું છે.”

ખરો સમાજસેવક સમાજ માટે કામ કરતો હોવાથી વ્યક્તિગત સંપત્તિ ભેગી કરવા તરફ ધ્યાન આપતો નથી. બારડોલીની સુરુચિ સંસ્થાના સ્વ. મોહનભાઈ પરીખ કહેતા હતા કે,  “આપણે સમાજની એક વિશાળ બેંકમાં સેવા દ્વારા જે કંઈ ડિપોઝીટ કરીએ છીએ તેનું વળતર મળી જ રહેતું હોય છે. હા, તેટલી ધીરજ ધરવી પડે, શ્રદ્ધા રાખવી પડે.”