કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે,  ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.

સ્વામી શ્રી વિવેકાનંદજી સર્જિત આરાર્તિકમની પાંચમી પંક્તિમાં છેલ્લે એક શબ્દ પ્રયોગ છે ‘પ્રેમ પાથાર’. અને એનું ગુજરાતી આપણે સમજ્યા છીએ ‘પ્રેમનાં વારિધિરૂપ’. એમાં કહેવાયું છે કે,  તમે સદા ઉન્મત્ત પ્રેમનાં વારિધિરૂપ છો.  આ પ્રેમ પાથાર  એટલે કે રામકૃષ્ણ દેવનો પ્રેમ કેવા પ્રકારનો હતો  એનકવિધ પ્રસંગો  આપણને મળે છે, તેમાંથી બે-ત્રણ આપણે ટૂંકમાં જોઈએ.

16મી એપ્રિલ 1886, શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા. ગળામાં ભયાનક પીડા છે, શરીર અત્યંત ધૃષ્ટ થઇ ગયું છે, ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે, ભક્તો સાથે અતિ પરિશ્રમ પૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાના એક છે ગિરીશઘોષ. પ્રખ્યાત કવિ, નાટ્યકાર, જેઓ પોતે કહેતા કે, તેઓ અતિ પતિત હતા. પણ શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી ભક્ત બન્યા છે. ઘણા લોકો માને છે કે,  શિષ્યોમાં વિશેષરૂપે ગિરીશ ઘોષના પાપોના કર્મો પોતાના શરીર ઉપર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને આટલી પીડા  સહન કરવી પડી હતી. શ્રી મા શારદા દેવી પણ કહેતા કે, ગિરીશઘોષના પાપો પોતાના પર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને ગાળામાં કેન્સર થયું. આમ છતાં શ્રી રામકૃષ્ણ દેવનો પ્રેમ બધા પ્રત્યે અબાધિત રહેતો. કદાચ પતિતો અને દુઃખીઓ પ્રત્યે વધુ જોશથી પ્રેમ વહેતો. ગિરીશ ઘોષ ર તો ઠાકુરના પ્રેમ સાગરમાં મોટું મોજુ બનીને  આવ્યા ન હોય !?.

ગિરીશ ઘોષ સાથે સ્નેહપૂર્વક  વાતચીત કરે છે તેથી એમને સંતોષ મળે છે. અન્ય ભક્તોને તેમના માટે હુક્કો અને પાન લેવાનું કહ્યું. આથી પણ સંતોષ ન થયો તો થોડીવાર પછી અન્ય ભક્તને કહ્યું, ‘કંઇક ખાવાનું લાવી દે’. કોલકાતામાં વારા નગરમાં ફાગુની દુકાન પ્રખ્યાત. ત્યાંથી ગરમાગરમ કચોરી, પૂરી, અને બીજી મીઠાઈ આવી. શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપીને કહ્યું, ‘મજાની કચોરી છે ખા…’ ભક્તોએ તેમને જે માળાઓ પહેરાવી હતી તેમાંથી બે માળા કાઢીને ગિરીશના ગળામાં નાખી દીધી અને પ્રેમપૂર્વક ખાવાનું કહ્યું. હવે પીવાનું પાણી આપવાનું છે. શ્રી રામકૃષ્ણ દેવની પથારીને અગ્નિખૂણે કુંજામાં પાણી રહે છે. શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, તે કહે છે કે આમ મજાનું પાણી છે. હવે  ભક્તો આશ્ચર્યથી જોઈ રહ્યાં. જેઓ અતિ દુર્બળ, જેનામાં જરા ખસવાની શક્તિ નથી તેઓ બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતાં જાય છે પોતે પોતાના હાથે પાણી લેવા માટે.!!! ભક્તોનો શ્વાસ અધર થઈ ગયો. શ્રી રામકૃષ્ણ દેવે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાં  જરાક પાણી હાથમાં લઈને જોયું કે ઠંડુ છે કે નહીં. તેમણે જોયું કે, પાણી બહુ ઠંડુ નથી. પણ આખરે એથી વધુ ઠંડુ પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એમણે ગિરીશને એ પાણી પાયું.

શ્રી રામકૃષ્ણ દેવના ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવતા આવા અનેક પ્રસંગોને લઈને સ્વામી વિવેકાનંદે ‘પ્રેમ પાથાર’ એવો શબ્દ વાપર્યો છે. કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે,  ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.

દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ દેવ સાથેની પહેલી મુલાકાતનું વિસ્તૃત વર્ણન નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદે પોતે કર્યું છે. તેમના જ શબ્દોમાં અદભુત પ્રેમ પ્રસંગનું વર્ણન “શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ રસસભર કરેલ છે.  શ્રી રામકૃષ્ણ બોલ્યા કે,  ગીત તો ગાયું પણ એ પછી તરત જ તેઓ ઉભા થઈ ગયાં અને મારો હાથ પકડીને મને એમના ઓરડાની ઉત્તરે જે ઓસરી છે ત્યાં લઈ ગયા. વરંડામાં પેસતાની સાથે જ ઠાકુરે બારણું બંધ કરી દે, અમે વિચાર્યું કે લાગે છે મને એકાંતમાં કંઈક ઉપદેશ દેશૅ. પણ એમણે જે કહ્યું અને કર્યું તે તો તદ્દન જ કલ્પના બહારનું હતું. એકદમ મારો હાથ પકડીને દરદર ધારે આંસુએ રડવા લાગ્યા અને જાણે કે કેટલાય દિવસથી ઓળખતા હોય એમ મને પરમ સ્નેહથી સંબોધીને કહેવા લાગ્યા, આટલે દિવસે આવવાનું હોય? હું તારે માટે કેવી તો રાહ જોઈ રહ્યો છુ. તેનો એકવાર પણ વિચાર નહિ કરવાનો ? વિષયી માણસોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન ભૂંજાઈ જવા આવ્યા, દિલની વાત કોઈને ન કઈ શકવાથી મારું  પેટ ઢમઢોલ  થઈ ગયું, આવી આવી તો કેટલીએ વાતો કરતા જાય અને રડતા જાય. વળી બીજી જ ક્ષણે મારી સામે હાથ જોડીને ઉભા રહ્યાં. અને દેવતાની માફક મારી સામે આદર દાખવીને કહેવા લાગ્યાં, ‘જાણું છું પ્રભુ..જાણું છું હું પ્રભુ, તમે એક જ પુરાતન ઋષિ નરરૂપી નારાયણ જીવોની દુર્ગતિના નિવારણને કાજે ફરીવાર શરીર ધારણ કરેલું છે વગેરે વગેરે…’ હું તો તેમના આવા વર્તનથી એકદમ અવાચક  થઇ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે,  આ હું કોને જોઉં છું?, આ તો ઠર્યો પાગલ નહિ તો વિશ્વનાથ દત્તનો પુત્ર! મને વળી આ બધું શું કહે છે? પણ તેઓ હાથ ઝાલીને બોલ્યા, ‘તું જલ્દી મારી પાસે અહીંયા એકલો આવી જા’ એમની આગ્રહ ભરી વિનવણીને ઠેલી ન શકાતા ‘ના ઈલાજે આવીશ’ એમ હું બોલ્યો. રામકૃષ્ણ દેવ પહેલી જ મુલાકાતમાં નરેન્દ્રનાથ ને સાવ પોતીકા ગણવા લાગ્યા. કશાય  કારણ વગર એક જણ બીજા જણને એટલી હદે ચાહી શકે એની અમને આના પહેલાં  ખબર નહોતી એવું શારદ નંદજી કહે છે. નરેન્દ્રનાથ પ્રત્યે શ્રી રામકૃષ્ણના પ્રેમને જોઈને સમજી શક્યા છીએ કે, વખત જતાં દુનિયામાં એવો દિવસ ઉગશે કે, જ્યારે માણસ માણસની અંદર ઈશ્વરનો આવિષ્કાર અનુભવીને સાચેસાચ જ આવી રીતે અકારણ પ્રેમ પ્રસરાવી  કૃતકૃત્ય બનશે.

નરેન્દ્રનાથના પિતાના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ  થઈ ગઈ. ઘેર ખાવાના પણ સાંસાં  પડવા લાગ્યા. આટલા પ્રતિભાવાન નરેન્દ્રનાથને નોકરીની શોધ માટે દ્વારે-દ્વારે ભટકવું પડ્યું. શ્રી રામકૃષ્ણ દેવે એકવાર એક ભક્તને કહ્યું, ‘નરેન્દ્ર ની આ સ્થિતિમાં જો કોઈ તેની સહાયે આવી ચડે તો સારું.’ નરેન્દ્ર ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નારાજ થયા અને શ્રી રામકૃષ્ણ દેવને એમ જ ઠપકો આપ્યો. શ્રી રામકૃષ્ણ દેવે આંખમાં આંસુ લાવીને કહ્યું, ‘તારા માટે હું ઘેર-ઘેર ભીખ માંગવા તૈયાર છું.’

શ્રી રામકૃષ્ણદેવના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, તેઓ તો હતા LOVE PERSONIFIED  (પ્રેમનું મૃત સ્વરૂપ) સમસ્ત માનવ જાત માટે અને પ્રાણીઓ સુદ્ધા ઉપર પણ રામકૃષ્ણ દેવને પ્રેમ રહેતો. દક્ષિણેશ્વરમાં એક બિલાડીએ તેમના બીછાનામાં શરણ લીધું. જ્યાં સુધી તેને એક ભક્ત મહિલા લઈ ન ગયા ત્યાં સુધી તેઓ તેના વિશે ચિંતિત રહ્યા. ભક્ત મહિલાએ તેની સાર સંભાળ રાખવાનું વચન આપ્યું પછી એમને નિરાંત વળી. કામાર પુકુરમાં એકવાર તેઓ ચાલીને જતા હતા ત્યારે ક્યાંકથી એક માછલી આવીને એના પગ પાસે ફરવા લાગી. શ્રી રામકૃષ્ણદેવે તેને તરત જ તળાવમાં નાખવાનું  કહ્યું. અન્ય લોકો તો એને આરોગવાની ઈચ્છા ધરાવતા પણ શ્રી રામકૃષ્ણ દેવના પ્રેમ સામે કોનું ચાલે ? તેઓનું મન સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત રહેતું ત્યારે કોઈના ઘાસ પરથી ચાલવાથી પણ તેમને છાતીમાં પીડા  થતી.

શ્રી ઠાકુરની પ્રત્યેક અવસ્થાના લીલા સમાન પ્રસંગો બહુ જ ઝીણવટથી “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” (ભાગ એક)માં શ્રધ્ધેય શ્રી સારદાનંદજીએ વર્ણવેલ છે. આ ગ્રંથના ત્રણ ભાગોનું પ્રકાશન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૃતીય સંસ્કરણ રૂપે 2014 માં થયેલ છે. અભ્યાસુઓ માટે આ ત્રણેય ભાગ એક જ્ઞાન ભંડાર સમાન છે.

પ્રેમની પરાકાષ્ઠામાં પુષ્પોમાં પણ જીવંત ઈશ્વર દેખાતો હોવાથી તેમના માટે પુષ્પો ચૂંટવાનું કાર્ય અશક્ય બની જતું. દરરોજ સાંજે આરતીના સમયે તેઓ દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠીની અગાસી પર ચડીને રડતા રોતા પોકારીને કહેતા, ‘ક્યાં છો ભક્તો?, આવો, તમારા વગર હું રહી શકતો નથી.’ આ પ્રેમનો પોકાર વિફળ ન ગયો. એક પછી એક અનેક ભક્તો આવ્યા. નરેન, રાખાલ, યોગી, બાબુરામ, નિરંજન, તારક, શશી, કાલી, લાટુ, હરી, શારદા પ્રસંદ, ગંગાધર, સુબોધ, કેટલા નામ ગણાવી દઉં. અને તેઓના પ્રેમ પાસમાં સદાય માટે બંધાઈને કેટલા લોકો સન્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજાનંદ, શિવાનંદ, સારદાનંદ, રામકૃષ્ણાનંદ, અભેદાનંદ, અદભુતાનંદ્, સૂર્યાનંદ્દ, ત્રિગુણાતીતા નંદ, અખંડાનંદ, સુબોદાનંદ કેટલા નામ! અને કેટલા એના પ્રેમના સ્પર્શથી કૃતાર્થ થયા. પૂર્ણ ચંદ્રઘોષ, મથુરાનાથ વિશ્વાસ, શંભુ ચરણ મલિક, નાગમહાશય, બલરામ બસુ, લેખક શ્રીમ, અધરલાલ સેન, ગિરીશચંદ્ર ઘોષ, સુરેન્દ્રનાથ મિત્ર, આજે પણ શ્રી રામકૃષ્ણ દેવના આ સાદ પ્રેમનું આવાહન ચાલુ છે. આ બાબત ઉપરથી ખ્યાલ આવશે કે ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. શ્રી રામકૃષ્ણરૂપી આ પ્રેમ પાથાર એટલે કે પ્રેમ સાગર પાસે એકાદ લહેરનો સ્પર્શ પણ આપણને મળી જાય તો ધન્ય ધન્ય થઈ જવાય. (ક્રમશ:)