શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.

આરતી સ્તવનમાં કહ્યું છે કે, જગ જન  દુઃખ જાય. પણ આ કેવી રીતે તેની વિગતે વાત કરીએ.

મિસ્ટર વિલિયમ્સ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી હતા. સંભવતઃ ૧૮૭૬માં, ગુડ ફ્રાઈડેના દિવસે મિસ્ટર વિલિયમે શ્રી રામકૃષ્ણદેવની મુલાકાત લીધી અને શ્રી રામકૃષ્ણદેવમાં તેમણે ઈશુ ખ્રિસ્તના સાક્ષાત્ આવિર્ભાવ જોયો.

શ્રી મિશ્રાએ કહ્યું કે, “અત્યારે મને રામકૃષ્ણદેવમાં, તમે જુઓ છો તેથી ઉલટું પણ  તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. અત્યારે હું પોતાની આંખોથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને દિવ્ય દર્શનમાં પહેલાં જોયા જ હતા. મેં એક બગીચો જોયો, જેમાં એક ઊંચી જગ્યા પર તેઓ બેઠા હતા. નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી, પણ તે એટલી આગળ વધેલી ન હતી.”

વાતચીત કરતી વખતે શ્રી મિશ્રે પાટલુન  નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. પછી ઈશુ ખ્રિસ્તને પોતાના ઈષ્ટરૂપે સ્વીકારી ક્વેકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતા, જેમના લગ્ન થવાના હતા તે તથા તેમના બીજા એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે જ દિવસે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો.

થોડીવાર પછી શ્રી રામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં મિશ્રને કહ્યું, “તમે જેના માટે પ્રયત્ન કરો છો, તે અવશ્ય મળશે.” શ્રી મિશ્રે શ્રી રામકૃષ્ણદેવમાં પોતાના ઈષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું, “તમે લોકો તેમને ઓળખતા નથી, પરંતુ તેઓ જ ઈશુ ખ્રિસ્ત પોતે છે.”

પ્રખ્યાત ઇતિહાસકાર ડૉક્ટર આર્નોલ્ડ ટોયનબીના કથન પ્રમાણે, જો વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચવું હોય, તો તેણે ભારતીય આદર્શોને અપનાવવા જ પડશે. શ્રી રામકૃષ્ણદેવના જીવન દ્વારા પ્રતિપાદિત સર્વધર્મ સમન્વયનો સંદેશ અને મહાત્મા ગાંધી તથા સમ્રાટ અશોકના અહિંસાના સિદ્ધાંત અપનાવવા જ પડશે.

શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય પ્રેમથી આકર્ષિત થઈ વિભિન્ન ધર્મોના, વિભિન્ન સંપ્રદાયોના તથા વિભિન્ન દેશોના કેટલાય લોકો શ્રી રામકૃષ્ણદેવના પુસ્તકો વાંચી રહ્યા છે.

દેશ-વિદેશમાં તેમના સંદેશ **”શિવજ્ઞાને જીવસેવા“**ને વ્યવહારમાં મૂકવા અનેક કેન્દ્રોનો આરંભ થઈ રહ્યો છે.**”આત્મનો મોક્ષાર્થમ્ જગત  હિતાય ચ“**ના મંત્રથી પ્રેરિત થઈ લોકો આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છે. શ્રી રામકૃષ્ણદેવના પ્રેમના વિતરણનું માધ્યમ સૌ બની રહ્યા છે.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ પરના પુસ્તકમાં જણાવાયા મુજબ…૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રી રામકૃષ્ણદેવને સારવાર માટે કોલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સર થયું છે. ભયંકર પીડા થઈ રહી છે, છતાં બધું હસતે મોઢે સહન કરી રહ્યા છે.

વિષાદના સાગરમાં ડૂબેલા ભક્તોને સંબોધીને શ્રી રામકૃષ્ણદેવે કહ્યું,

“હું શું જોઉં છું, કહું? ઈશ્વર જ સર્વ કંઈ થઈ રહ્યો છે. મનુષ્ય અને બધા જીવો જે દેખાય છે, તે બધાં જાણે કે ચામડાથી મઢેલા છે. એની અંદરથી ઈશ્વર હાથ, પગ, માથું વગેરે હલાવી રહ્યો છે. જેમ એકવાર જોયું હતું કે જાણે કે મીણનું મકાન, મીણનો બગીચો, મીણનો રસ્તો, માણસો, જાનવરો — બધાં એક જ વસ્તુના બનેલા છે. હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન દેનાર થયો છે; એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે, ને એ જ બલિદાન દેવાનું શસ્ત્ર થઈને આવેલ છે.”

આ શબ્દો બોલતા બોલતા તેઓ ભાવમાં વિભોર થઈને બોલી ઊઠ્યા, “આહા! આહા! અરે વાહ!” અને ભાવસમાધિમાં ચાલ્યા ગયા.

ઋગ્વેદના પુરુષસૂક્તમાં વર્ણન આવે છે કે સૃષ્ટિ કરનાર પરમપુરુષે આ સૃષ્ટિ માટે કેવું બલિદાન આપ્યું છે. જગતના કલ્યાણ માટે વારંવાર જગતમાં અવતરણ કરી ઈશ્વર લોકોના દુઃખદર્દ પોતે સહન કરે છે અને પોતાના જીવનનું બલિદાન આપે છે.

શ્રી રામકૃષ્ણદેવે પોતે જ શ્રીમા શારદાદેવીને પોતાના રોગનું તાત્પર્ય સમજાવતાં કહ્યું હતું, “આ યાત્રા મેં જ ભોગવી લીધી. તમારે કોઈને એ ભોગવવી નહીં પડે. જગતના બધા લોકોના વતી મેં આ ભયંકર યાતના સહી લીધી છે.”

પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રી રામકૃષ્ણદેવ જગતના દુઃખો દૂર કરવામાં રત રહ્યા. તેમના તિરોધાન પછી પણ આ જગજનનાં દુઃખો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી. તે માટે શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદજી અને અન્ય શિષ્યોને આ મહાન કાર્ય માટે તૈયાર કરતા ગયા. રામકૃષ્ણ સંઘની પૃષ્ઠભૂમિ તેઓએ તૈયાર કરી.

એકવાર કાશીપુરના બગીચામાં શ્રી રામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીને કહ્યું, “જુઓ, કોલકાતાના લોકો કીડાઓની માફક અંધકારમાં સબડે  છે. તમે એને સંભાળજો.”

માતાજીએ દલીલ કરતાં કહ્યું, “હું તો સ્ત્રી છું. હું કેવી રીતે કરી શકું?”

શ્રી રામકૃષ્ણદેવે પોતાના તરફ આંગળી કરીને કહ્યું, ” આખરે આ શરીરે શું કર્યું? તમારે  આનાથી વધારે કરવું પડશે.”

શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.

અસંખ્ય લોકો દેશ-વિદેશથી “મા… મા…” કહીને તેમની પાસે દોડી આવતા. મનની શાંતિ પ્રાપ્ત કરતા, નવું જીવન પામતા. કેટલાય લોકો પોતાના પાપનો બોજો તેમના શ્રીચરણોમાં ઢાળી દેતા.

મંત્રદીક્ષા આપ્યા પછી અનેક વાર માતાજીને પગમાં ભયંકર બળતરા થતી. ગંગાજીમાં ચરણોને ડૂબાડી રાખવા પડતા. આમ છતાં, તેમના કૃપાના દ્વાર ક્યારેય  બંધ ન થયા.

સંસારમાં જેટલા પ્રકારના દુઃખ-કષ્ટો છે, તે બધાને પોતાના જીવનમાં ભોગવી સહનશક્તિનું અદભુત ઉદાહરણ શ્રીમાએ સંસાર સમક્ષ મૂકી ગયા છે.

સમષ્ટિ મુક્તિ માટે આહ્વાન કરતાં તેમણે કહ્યું હતું કે, “દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી રહેવાનો છે. બહુજન હિતાય, બહુજન સુખાય દુનિયાના શુરવીરોમાં શુરવીરને, શ્રેષ્ઠમાં એ સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે.”

જગતમાં દુઃખોથી વિચલિત થઈ ભગવાન બુદ્ધના કરુણાપૂર્ણ હૃદયે, સ્વામી વિવેકાનંદજીએ હાકલ કરી હતી,

“જાગો, ઓ મહાનુભાવો, જાગો! દુનિયા દુઃખમાં બળી રહી છે. તમારાથી સૂઈ કેમ રહેવાય? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવ જવાબ ન આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા કરજો. જીવનમાં બીજું વધારે શું છે?”