શ્રી ઠાકુર પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની તેર મી અને ચૌદ મી પંક્તિઓમાં સ્વામી શ્રી વિવેકાનંદજી બહુ જ ગુઢાર્થ સાથે બે વાતો કહે છે.

निर्भय गतसंसय दृढ़निश्चय मानसवान निष्कारण भक्त शरण त्यजि जाती कुल मान.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદ્જી બે અર્થ કરી આપે છે,,,.

એક તો ‘હે પ્રભુ તમે નિર્ભય છો, તમે સંશય રહિત થઈ ગયા છો, તમે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવો છો, તમે કારણ રહીત છો, ભક્તોના શરણરૂપ છો, તમે જાતિ અને કુળ નું અભિમાન ફગાવી દીધું છે.’

બીજો અર્થ આવો પણ થઈ શકે, ‘હે પ્રભુ, તમે જાતિ-કુળનો ભેદભાવ રાખ્યા વગર વિના કારણે સૌ ભક્તોને શરણ આપો છો તેથી અમે નિર્ભય થઈ ગયા છીએ. અમારા સંશયો જતા રહ્યા  છે. અમે હવે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવતા થઈ ગયા છીએ.’

બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય જનકને કહે છે, ‘अभयं वई प्राप्तोसी जनक्य’ જનક, તમે અભયને પામ્યા છો. બસ, એમ જ નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ નીડર હતા. કામારપુકુર ગામના સ્મશાનમાં મધરાતે ઊંડા ધ્યાનમાં મગ્ન રહેતા, નીડરતાથી સત્યનું પાલન કરતા, ધનવાન  કે મોટા માણસો  એવી પરવાહ કરતા નહીં અને નીડરતાથી પોતાના સિદ્ધાંતો પ્રમાણે વર્તન કરતા હતા.

શ્રી રામકૃષ્ણ દેવનું મન નાનપણથી જ દૃઢ નિશ્ચયવાળું હતું. ઉપનયન વખતે એમણે જીદ લીધી કે પ્રથમ ભિક્ષા ધની લુહારણ પાસેથી જ લેશે. ઘણા લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, આવા ઉચ્ચ વંશીય બ્રાહ્મણ હોવા છતાં  નિમ્ન જાતિની સ્ત્રી પાસેથી જો તે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે તો બ્રાહ્મણ ધર્મ નષ્ટ પામશે. પણ નાના બાળક  ગદાઘરનો તર્ક હતો કે તેમણે ધની  લુહારણ ને વચન આપ્યું છે કે તેના હાથેથી જ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે. જો હવે તેઓ આ સત્યનું પાલન ન કરે તો બ્રાહ્મણનો મુખ્ય ધર્મ સત્ય પાલન નહીં સચવાય. તો પછી ઉપનયન સંસ્કારથી લાભ શું થશે?  છેવટે સગા-વ્હાલાઓએ  નમતું જોખવું પડ્યું.

તોતાપુરી પાસેથી અદ્વૈત વેદાંતની સાધના શીખવાની ભૈરવી બ્રાહ્મણીએ શ્રી રામકૃષ્ણ દેવને ના પાડી હતી. આથી તેના ભક્તિભાવને હાનિ પહોંચશે એવું માનીને તેમણે આમ કહેલું. પણ શ્રી રામકૃષ્ણ દેવ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. અદ્વૈત વેદાંતની ચરમસીમા નિર્વિકલ્પમાં આરૂઢ થયા. પોતાની ભક્તિને આંચ આવવા ન દીઘી એટલું જ નહીં, તોતાપુરીને પણ જગન માતાના ભક્ત  બનાવી દીધી. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘હું અને મારું એ જ અજ્ઞાન.’ કાચા આમી એટલે કાચો અહમ, અને પાકા આમી એટલે પાકો અહમ. કાચો આમી  કહે છે હું અમુક જાતિનો છું, અમુક કુળનો છું, હું આટલો બુદ્ધિમાન છું, મારી પાસે આટલું ધન છે, આવડો મોટો બંગલો છે, વગેરે વગેરે… પાકો અહમ કહે છે કે હું ઈશ્વરનો દાસ છું, સેવક છું, વગેરે વગેરે… પોતાના જીવન દ્વારા શ્રી રામકૃષ્ણ દેવે પ્રદર્શિત કર્યું કે મનુષ્ય કેટલી હદ સુધી નિરહંકારી રહી શકે અને કેવી રીતે અહમના સકંજામાંથી નીકળી શકે.  આવી અદભુત નિરહંકારીતા  વિશ્વના ઇતિહાસમાં અન્યત્ર જોવા મળતી નથી.

દક્ષિણેશ્વરના મંદિરની નજીક વસતા  ભંગીના ઘરમાં શ્રી રામકૃષ્ણ દેવ મધરાતે જતા. પોતાના માથાનાં લાંબા વાળથી તેનું આંગણું સાફ કરતા. અને સાથે-સાથે પ્રાર્થના કરતા ‘હે જગનમાતા,  મને ભંગીનોય નોકર બનાવી દે,  મને એ અનુભવ કરવા દે કે હું એ લોકોના કરતાંય ઉતરતો છું.’  ક્યારેક તો મંદિરના કર્મચારીઓના જાજરૂ પણ પોતાના લાંબા વાળથી સાફ કરતા. મંદિરમાં ભિખારીઓ જયારે જમીને  પરવારતા ત્યારે તેની એંઠી પાતરો પોતાના માથા પર લઈ જતા. આવી રીતે સાધના કરતા-કરતા એવી અવસ્થા આવી કે, તેમનામાં અહમ લેશમાત્ર રહ્યો નહીં.  પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા.  નામ યશની લેશમાત્ર સ્પૃહા  શ્રી રામકૃષ્ણ દેવના મનમાં ન હતી. બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન તેમના પરમ અનુયાયી હતા. તેમની પ્રશંસા પોતાના સામાયિકોમાં પ્રકાશિત કરતા. શ્રી રામકૃષ્ણ દેવને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આમ કરવાની ના પાડી. શ્રી કેશવચંદ્ર સેને જયારે કહ્યું કે આ બધી વાતો લોકોને ખબર પડવાથી તેઓનું કલ્યાણ થશે ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે ઉચ્ચ ભાવાવસ્થામાં આવીને કહ્યું, અહીનો એટલે કે મારો સંદેશો ફેલાવવાનો સમય હજી આવ્યો નથી. આ વિચારો પછીથી પોતાની મેળે જ સમસ્ત જગતમાં ફેલાશે, સેંકડો હિમાલયો પણ તે શક્તિને ખાળી શકશે નહિ. આટલું કહેતા તો તે દેવસમાધિમાં ચાલ્યા ગયા હતા.

શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી પ્રેમાનંદજી એકવાર દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવનાં ઓરડામાં સુતા હતા. મધરાતે તેમની ઊંઘ ઉડી ગઇ. જોયું તો રામકૃષ્ણ દેવ ઉન્માદની જેમ ઓરડામાં માથા મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, મા, આ કીર્તિનું પોટલું પાછું લઈ જા. મારે નામ, યશ નથી જોતા. દઈશ નહિ… દઈશ નહિ… માં હું એ પોટલાં ઉપર થુકું છું. એકવાર કૈલાશ ડોક્ટર દક્ષિણેશ્વરનાં મંદિરમાં આવ્યા. બગીચામાં ભાતભાતનાં ફૂલો જોઈ આનંદિત થયા. બગીચાની પાસે લટાર મારતો એક માણસ હતો. તેને માળી સમજી તેને બે-ચાર ફૂલો ચૂંટી આપવાનું કહ્યું. એ માળી જેવા માણસે નમ્રતા પૂર્વક ફૂલો આપ્યા.  થોડા દિવસ પછી પરમહંસ દેવનું નામ સાંભળી તેમના દર્શન કરવા આવ્યા ત્યારે તેઓ લજ્જિત થઈ ગયા. કારણ કે જેમની પાસેથી એમણે ફુલ માંગ્યા હતા તે અન્ય કોઈ નહીં પણ શ્રી રામકૃષ્ણ દેવ હતા.

એકવાર કોનનગરના એક પ્રસિદ્ધ ન્યયાયિક પંડિત દીનબંધુ શ્રી રામકૃષ્ણ દેવને મળવા આવ્યા. શ્રી રામકૃષ્ણ દેવે તેમને નમસ્કાર કર્યા. પંડિતજી એ નમસ્કાર કરવાને બદલે પૂછ્યું,  આપ શું અમારા પ્રણામને યોગ્ય છો? રામકૃષ્ણ દેવે કહ્યું, હું તો બધાનો દાસ છું.  મારા મતે સૌ પ્રણામ કરવાને યોગ્ય છે. પંડિતજી એ ફરી પૂછ્યું,  આપે મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. મારો પ્રશ્ન છે, આપ મારા પ્રણામને યોગ્ય છો કે નહિ?  શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, આ વિશ્વસૃષ્ટિમાં હું પોતાને સૌથી નાનો માનું છું. સૌનો દાસાનુદાસ છું.  મારા માટે સૌ પ્રણમ્ય છે. પંડિતજીએ નારાજગીથી કહ્યું,  મારો પ્રશ્ન હજી તમે સમજતા નથી. આપના ગળામાં યજ્ઞ પવિત નથી માટે આપ બ્રાહ્મણોના પ્રણમ્ય નથી. પણ જો આપ સંન્યાસી હોવ તો આપ પ્રણમ્ય છો. એટલે પૂછું છું કે શું આપ સંન્યાસી છો?  પણ શ્રી રામકૃષ્ણ દેવે ફરી એનો એ જ જવાબ આપ્યો,  હું સંન્યાસી છું એમ તેઓ કહી ન શક્યા. આમ અનેક પ્રકારના દુઃખોને નિર્ભય થઈને પડકારોની સામે અભય રહીને જીવન જીવનારા શ્રી રામકૃષ્ણ દેવ ની આરતી માં રામકૃષ્ણ દેવ માટે સ્વામી શ્રી વિવેકાનંદે निर्भय गतसंसय  એવો પ્રયોગ કર્યો છે.