‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે.  પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’

મહેન્દ્રનાથ ગુપ્ત જેવો માસ્ટર મહાશય ‘મ’ તરીકે ઓળખાતા. તેમનો જન્મ જાણે શ્રી રામકૃષ્ણ કથામૃત લખવા માટે જ થયો હતો. આ કથામૃતની અમીધારાને  કેટલાએ નવજીવન આપ્યું છે. છઠ્ઠી જુન 1932 ના રોજ ફલહારીણી કાલી પૂજાને દિવસે માસ્ટર મહાશયે રાત્રે  9:00 વાગ્યા સુધી કથામૃતના પાંચમા અને છેલ્લા ભાગનું પ્રુફ જોયું. પ્રૂફ જોતા-જોતા જ તેમના હાથમાં સ્નાયુ શૂળની પીડા શરૂ થઈ. અને બીજે દિવસે સવારે માં, ગુરુદેવ, મને ખોળામાં લઈ લ્યો એવું કહેતા તેઓ ચીર નિંદ્રામાં પોઢી ગયા.

શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી  મંત્રદીક્ષા મેળવેલ ગૌરી મા વિષે સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે, ગૌરી મા ક્યાં છે? હજારો ગૌરી મા ની આવશ્યકતા છે. જેમનામાં મહાન ચેતનદાયીની શક્તિ હોય તેમનું મહાપ્રયાણ પણ અદભુત હતું. 28 ફેબ્રુઆરી 1938ના રોજ શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ઠાકુર દોરી ખેંચી રહ્યા છે. એ જ દિવસે બપોરે તેમણે આશ્રમની વિદ્યાર્થીનીઓને કહ્યું, મને સારી રીતે સજાવી દો. જુઓ, મારા માટે રથ આવી રહ્યો છે. અંતિમ રાત્રે તેમણે પોતાના આરાધ્ય દામોદરને મંગાવ્યા, તેમને અપલક નેત્રે જોતા રહ્યા, પછી થોડો સમય છાતી સરસા ચાંપ્યા, બીજે દિવસે પહેલી માર્ચે  તેઓ પોતાની પ્રિય મૂર્તિને દુર્ગાદેવીને સોંપી નિશ્ચિત થઈ ગયા. આખો દિવસ પ્રસન્નતાથી તેઓ શ્રી રામકૃષ્ણ દેવ વિશે વાતો કરતા રહ્યા. સાંજે તેઓ ત્રણ વાર ‘શ્રી રામકૃષ્ણ’ એમ બોલ્યા અને રાત્રે 8:15 વાગ્યે મંત્રનો જાપ કરતાં-કરતાં તેમણે મહાપ્રયાણ કર્યું. તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કોલકાતાના એ કાશીપુર સ્મશાન ઘાટમાં જ કરવામાં આવ્યો જ્યાં શ્રી રામકૃષ્ણ દેવના પાર્થિવ દેહનો કરવામાં આવ્યો હતો.

4થી જુલાઈ 1902 ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદજીએ  બેલુરમઠમાં મહાસમાધિમાં પોતાનો દેહ છોડ્યો. તે દિવસે સવારના 8 થી 11 વાગ્યા સુધી તેઓ મંદિરમાં ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. મંદિરમાંથી તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજી ને અસ્પષ્ટ વાણી સંભળાઈ. ‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે.  પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’ તે પછી સ્વામી સિદ્ધાનંદજીને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ પાશ્ય સાથે ભણાવ્યો. બપોર પછી બ્રહ્મચારીઓના સંસ્કૃત પાઠમાં ભાગ લીધો. સાંજે તેઓ સ્વામી શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથે બેલુર બજાર સુધી ફરવા ગયા. માર્ગમાં તેમણે વેદ વિદ્યાલય સ્થાપવાની ઈચ્છા પ્રગટ કરી કે જે ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ છે. પાછા ફરીને મઠમાં બધાના ક્ષેમકુશળ પૂછ્યા અને પછી પોતાના ઓરડામાં જઈ સેવક પાસેથી જપમાળા લીધી અને તેને બહાર જવા કહ્યું. પછી માં ગંગા તરફ મુખ રાખીને તેઓ ધ્યાનમગ્ન બની ગયા. એમના જીવનની આ અંતિમ પળો હતી. ખાલી દેહપિંજર પડી ગયું. ધ્યાનની આ પાંખો પર સવાર થઈ તેમના આત્માએ અનંતયાત્રા પ્રારંભ કરી. પોતાના સંન્યાસી શિષ્ય સેવકને તેમણે કહેલા અંતિમ શબ્દો હતા, ‘wait and meditate the i call you.’ થોડાક થોભો અને હું પુકારું  ત્યાં સુધી તમે ધ્યાન ધરો.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં મુખ્ય મથક બૈલુર મઠમાં થોડા વર્ષો પહેલા એક હજામ રહેતો હતો. નામ એનું ‘મુરત રામ’ ઉત્તર પ્રદેશનો પણ તેના બાપ- દાદા કોલકત્તા આવીને વસેલા. 16-17 વર્ષની ઉંમરથી જ તેણે બૈલુર મઠ આવવાનું શરુ કરેલું. લગભગ 50 વર્ષો સુધી તેણે બૈલુર મઠમાં પોતાની સેવા આપી અનેક વરિષ્ઠ સંન્યાસીઓનો તે કૃપાપાત્ર બન્યા. બધા સાધુ-સંન્યાસીઓને મુંડન કરાવવા, હજામત કરાવવા, તેની પાસે લાઈન લગાવવી પડતી. મુંડન કરવામાં એટલો બધો પાવરફુલ હતો કે એકાદ કલાકમાં તો 50-60 બ્રહ્મચારીઓનું મુંડન કરી શકતો.  શ્રી રામકૃષ્ણ દેવનો તે અનન્ય ભક્ત હતો. નાની વયમાં જ તેણે શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનનાં છઠ્ઠા પાર્માધ્યક્ષ અને શ્રી મા શારદા દેવીનાં શિષ્ય સ્વામી શ્રી વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા મેળવી. એ દીક્ષા વિશેની વાત પણ રસપ્રદ છે. મંત્ર દીક્ષા મેળવ્યા પછી પ્રેસિડેન્ટ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યા પછી તે મંત્ર ભૂલી ગયો. મંત્ર ભૂલી ગયો એટલે રડવા લાગ્યો. પ્રેસિડેન્ટ મહારાજે કરુણાવશ થઈ તેને પાછો બોલાવ્યો, ફરી મંત્ર આપ્યો. મુરતરામ નિયમિતરૂપે સવારના દરરોજ ચાર વાગ્યે સ્નાન કરતો. જયારે તેનો દેહ જીર્ણ થઈ ગયો ત્યારે 15મી મે 1983 ના રોજ લગભગ 70 વર્ષની ઉંમરે તે પોતાને ગામડે ચાલ્યો ગયો. તેનું ગામ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં હતું. ત્યાં પણ તે દરરોજ નિયમિત જપ કરતો. 1986માં સપ્ટેમ્બરના મહિનામાં તેણે મહાપ્રયાણ કર્યું. ત્યાં સુધી તે આમ દરરોજ નિયમિત જપ કરતો. મૃત્યુ પહેલા તેણે પોતાના પુત્રને સરયૂ નદીના તીરે લઈ જવાનું કહ્યું. નદીમાં સ્નાન કર્યા પછી પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરતા-કરતા તે પોતાના ઇષ્ટદેવમાં વિલીન થઈ ગયો.

શ્રી રામકૃષ્ણદેવની અનેક સાથે જોડાયેલા એમના ભક્તોની આવી અનેક કથાઓ છે કે જેમાં આપણને એવો સંદેશ મળે છે કે રામકૃષ્ણ દેવ એ પ્રેમર્પણનું સમદર્શન કરનાર વ્યક્તિ વિશેષ હતા. અમારે તો સ્વામી વિવેકાનંદજી જે કહે છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી છે. ‘संपद तवश्री पद भव गौश्पद वारियथाय’. હે પ્રભુ કૃપા કરો જેથી આ વાત પર શ્રદ્ધા રાખી તમારા શ્રી પદનો આશ્રય લઈ સરળતાથી ભવસાગર તરી જઈ શકાય.

 સ્વામી વિવેકાનંદજી રાજસ્થાનના ખેતડી માં આવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજીતસિંહ એ એક દિવસ એક સંગીત સભા નું આયોજન કર્યું. એક ગાનારી બાઈને પણ એમાં બોલાવી. સ્વામીજી સંગીતના શોખીન છે,  એમ જાણીને મહારાજાએ તેમને પણ મહેફિલ માં આવવા માટે સંદેશો મોકલાવ્યો, પણ સ્વામીજીએ જવાબ મોકલાવ્યો કે,  એક સન્યાસી માટે આવા ઉત્સવ માં જોડાવું યોગ્ય નથી. ગાયિકાને આ સાંભળીને આઘાત લાગ્યો.  તેણે દુઃખી થઈ અત્યંત દર્દ ભર્યા કંઠે સૂરદાસનું સુપ્રસિદ્ધ ભજન ગાવાનું શરૂ કર્યું.. પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો, સમદર્શી હે નામ તિહારો ચાહે તો પાર કરો,  હે પ્રભુ મારા દોષ તરફ ધ્યાન ન આપશો. તારું નામ તો સમદર્શી  છે. મારો ઉદ્ધાર કરજે.. સ્વામીજીએ દૂરથી દર્દ ભર્યું ગીત સાંભળ્યું અને મનોમન પોતાને ધિક્કારવા લાગ્યા. શું હું સાચો  સંન્યાસી છું ? સન્યાસી હોવા છતાં પણ મેં મારી અને સ્ત્રી વચ્ચે ભેદ કેમ જોયો ? એમની આંખો ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે,  ભેદદ્રષ્ટિ અજ્ઞાનથી, માયાથી જ થાય છે.  બધામાં પેલી  એક સત્તા વિરાજમાન છે, તેથી તેઓ કોઇની ઘૃણા  કરી શકે નહીં તે જ ક્ષણે,  સ્વામીજી સંગીતની મહેફિલમાં હાજર થઈ ગયા.  ગીત પૂરું થયા પછી ગયાનારી બાઈ ને  માતાનું સંબોધન કરીને તેમણે તેની પાસેથી ક્ષમા માંગી.  સ્વામીજીને ત્યારે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ અવશ્ય યાદ આવ્યા હશે કારણ  પાછળથી તેમણે શ્રી રામકૃષ્ણ દેવની આરાત્રિકમ ની રચના કરી ત્યારે આઠમા પદમાં લખ્યું..

“પ્રેમાર્પણ સમદરશન  જગજન દુખ જાય”.

એક સંવાદમાં શ્રી રામકૃષ્ણદેવે કહેલું કે, “ એક રામ, તેના હઝાર નામ, ખ્રિસ્તીઓ તેને ગોડ કહે છે, તેને જ હિંદુઓ રામ, કૃષ્મ, ઈશ્વર અને અન્ય નામોથી બોલાવે છે.”