જ્ઞાનાંજન-વિમલ-નયન, વીક્ષણે મોહ જાય (04)

 

 

 

 

 

 

શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની ઘટના  હતી.

શ્રી રામકૃષ્ણ દેવના અદ્વિતીય ગુણોનું વર્ણન કરતી આરતી સ્તવન ‘શ્રી રામકૃષ્ણ   આરાર્ત્રિ કમ’ સ્વામી શ્રી વિવેકાનંદે બંગાળીમાં લખી છે. એમની ચોથી પંક્તિમાં એક સુંદર વાત કહેવામાં આવી છે.

‘ग्नानांजल विमलनयन विक्षणेमोहजाय’  એટલે કે તમારા વિમલ નયનો જ્ઞાનરૂપી અંજન થી આંજેલા છે. જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. આખા એક વ્યક્તિત્વનું પૂર્ણપણે નયનમાં સમાઈ જવું એવો ભાવ આપણે  કરી શકીએ. આ વિમલનયનની જે વાત થઈ એના અંગે થોડું વિગત થી જાણવું પડે.

શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની વસ્તુ હતી. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ફોટા માનવ જાતને ઉપલબ્ધ છે એ આ યુગાવતારની વિશેષતા કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન કેમેરા દ્વારા તેમના ત્રણ ફોટા લેવામાં આવ્યા છે જે ઉપલબ્ધ છે. જો કે આ સિવાય તેમની મહા સમાધિ પછી તેમના દેહના બે ફોટા લેવાયા હતા, પણ ભક્તોની ભાવનાને માન આપીને તે પ્રકાશિત કરવામાં આવતા નથી.

પહેલાં  લેવાયેલા ત્રણ ફોટામાંથી પહેલો ફોટો 21 સપ્ટેમ્બર 1879 ના રોજ કોલકાતામાં શ્રી કેશવચંદ્ર સેનના ઘરમાં  લેવાયો. આ ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.

બીજો ફોટો 10 ડિસેમ્બર 1881 ના રોજ બેંગાલ ફોટોગ્રાફર્સના સ્ટુડિયોમાં લેવાયો હતો. જ્યાં તેઓ ફોટોગ્રાફી વિશે જાણવા ગયા હતા. આ ફોટામાં તેઓ એક સ્તંભ પર હાથ રાખીને સમાધી અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.

ત્રીજો ફોટો દક્ષિણેશ્વરમાં રાધાકાન્ત મંદિરની પરસાળમાં દેવ સમાધિ અવસ્થામાં બેઠેલા હતા ત્યારે લેવાયો છે, 1983માં અથવા તો 1984માં.  શ્રી રામકૃષ્ણ દેવમાં અહમ તો લેશમાત્ર નોહ્તો. તેઓ ફોટો પડાવવાનું પસંદ કરતા નહીં એટલે જ કદાચ બધા જ ફોટા જ્યારે તેઓ સમાધિસ્થ અવસ્થામાં હતા ત્યારે જ તેમની જાણ વગર લેવાયા હતા. તેમ છતાં ત્રીજો ફોટો જોઈ અને તેઓએ પોતે આ ફોટાની પૂજા કરીને ઉદગાર કાઢ્યો કે, “અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો છે. પછીથી એ ઘેર આની પૂજા થશે.”

ફ્રેન્ક ડોરેક એ હકીકતમાં ઑસ્ટ્રિયન ચિત્રકાર હતાં. અને એને સ્વપ્નલોકમાં  કોઈ ભારતીય સંત આવતા હતા. પરંતુ જ્યારે તેઓએ મેક્સમુલરનું  એક પુસ્તક ‘એક સાચા મહાત્મા’ વાંચ્યું ત્યારે એને શ્રી રામકૃષ્ણ દેવના દર્શન પ્રાપ્ત થયા. રામકૃષ્ણ દેવનો ફોટો જોઈને તેમને યાદ આવ્યું કે, મને સ્વપ્નમાં આવતા હતા તે ભારતીય સંત આ જ હતા. પછીથી તો તેઓ રામકૃષ્ણ દેવનાં ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. આ ફ્રેન્ક ડોરેક ને ત્રણે ફોટા મળ્યાં. તેમને પહેલો ફોટો અત્યંત પ્રભાવક લાગ્યો. તેમણે આ ફોટા પરથી ચિત્ર દોરવાનો પ્રારંભ કર્યો. તેમની ઈચ્છા શ્રી રામકૃષ્ણ દેવના ખુલ્લા નયનો દોરવાની હતી. પણ કદાચ ફોટાઓમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં હોવાથી તેમના નયનો અર્ધ બીડાયેલા હતા. ખુલ્લા નયનો કેવી રીતે દોરવા? આવી મૂંઝવણમાં ડોરેક દિવસો પસાર કરી રહ્યાં હતા ત્યાં આશ્ચર્યજનક ઘટના બની. તેઓ શ્રી રામકૃષ્ણ દેવના ગહન ધ્યાનમાં નિમગ્ન હતાં  ત્યારે તેમણે જોયું કે, શ્રી રામકૃષ્ણ દેવ તેમની સામે સાક્ષાત ઉપસ્થિત થઈ ગયા છે. બન્ને નયનો ઉઘડેલા હતાં અને તેમાંથી અદભુત કરુણા, પવિત્રતા, અને આનંદ નીતરતા હતા. તેઓ આનંદના અતિરેકમાં આવી ગયા અને તરત જ શ્રી રામકૃષ્ણ દેવના એ અદ્ભૂત નયનોના મનોહરકારી રૂપનું ચિત્ર દોરવાં લાગ્યા. આમ વિશ્વને પ્રાપ્ત થયું આ દિવ્ય દર્શનનાં પરિણામે શ્રી રામકૃષ્ણ દેવનું એક અનન્ય ચિત્ર.

થોડા વર્ષો પૂર્વે કોલકાતાના અદ્વૈત આશ્રમનાં વેચાણ વિભાગમાં એક દિવસ સવારે એક અમેરિકન યુવતી આવી. તેને શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો ખરીદવો હતો. ઘણા ફોટા દેખાડવામાં આવ્યા પણ તેને એકેય પસંદ ન આવ્યો.  છેવટે તેણે પોતાના ગજવામાંથી એક અમેરિકન સમાચાર પત્રનો કટકો કાઢ્યો, જેમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો છાપેલો. તેને આવો જ ફોટો જોઈતો હતો. એ ફોટો એ ઉઘાડા નયનો વાળો  ફ્રેન્ક ડોરેકે દોરેલ ચિત્ર નો ફોટો. શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે મુસલમાનની ચા ની  દુકાનમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો જોયો. તેમણે આશ્ચર્યથી આ વિષે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો,  ‘મને ખબર નથી કે આ કોનો ફોટો છે. જે કાગળ માં વસ્તુ વીંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. પણ તેમના અદભુત નયનોથી હું મુગ્ધ થઈ ગયો છું. મને લાગ્યું કે તેઓ અમારા પૈગંબર જેવા જ હોવા જોઈએ. એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.’

આપણે શરૂઆતમાં જે  ‘ग्नानांजल विमलनयन’ એવા શબ્દ પ્રયોગો સાંભળ્યા તેની આ પૂર્તતા  કરે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસ વ્રત ગ્રહણ કરી પરિવ્રાજકરૂપે  ભારતનું ભ્રમણ કરવા લાગ્યા. આ ભ્રમણ દરમિયાન તેઓ ગાઝીપુર આવ્યાં. તેમણે પરહરી બાબાની યોગશક્તિ વિશેની અદ્ભૂત વાતો સાંભળી. આ પહેલા એકવાર તેમની  મુલાકાત પણ લીધેલી. ત્યાં રહેતાં હતા ત્યારે તેમને  વિચાર આવ્યો હતો કે, શ્રી રામકૃષ્ણ દેવ સાથે આટલા વર્ષો રહ્યા છતાં આ દુર્બળ શરીરને સબળ બનાવવાનો કોઈ કીમિયો હાથ લાગ્યો નથી. તેમણે  પરહરી બાબા પાસેથી હઠયોગ શીખવાનો નિર્ણય કર્યો. જે દિવસે તેઓ દીક્ષા લેવાના હતા તેની આગલી રાત્રે બિછાનામાં પડ્યા-પાડ્યા વિચાર કરતા હતા. બરાબર એ વખતે તેમણે તેમની જમણી બાજુએ શ્રી રામકૃષ્ણ દેવની આકૃતિ ઉભેલી જોઈ. તેઓ જાણે કે શોકપૂર્ણ ભાવથી, અનિમેષ નયને તેમની તરફ જોઈ રહ્યા હતાં. તેમણે પણ તેમની સામે જોયા કર્યું. આમ બે થી ત્રણ કલાક પસાર થઈ ગયા પણ સ્વામીજીના મોઢામાંથી શબ્દ સરખો ન નીકળ્યો. આ ઘટના બે-ત્રણ વખત પુનરાવર્તિત થઈ.

સ્વામીજીએ પાછળથી એક કાવ્યની રચના કરી. ‘ગાઉ હું ગીત તમને જ સુનાવવાને’ તેઓ એક નિષ્કર્ષ  ઉપર પહોંચ્યા કે, જેટલી વાર તેઓ દીક્ષાનો નિશ્ચય કરે છે તેટલી વાર તેમને આ દર્શન થાય છે. તેથી આ દીક્ષાથી શુભ નહીં થાય પણ અશુભ થશે એ વિચારથી તેમણે દીક્ષા લેવાનો વિચાર સદંતર માંડી વાળ્યો. એક વિમલ નયનની આટલી પ્રગાઢ અસરને કારણે  કદાચ આપણને એવું લાગે કે આપણે રામકૃષ્ણ દેવને જ્ઞાની ગણીએ, ભક્ત ગણીએ, શું ગણીએ? કોઈ કહેશે શ્રી રામકૃષ્ણ ભલા જ્ઞાની ક્યાંથી? તેઓ તો અભણ હતાં ! ના..ના.. તેઓ સાચા અર્થમાં જ્ઞાની હતા. શાળાનું  ઔપચારિક શિક્ષણ ભલે ઝાઝુ પ્રાપ્ત ન કર્યું પણ અનૌપચારિક રીતે તેમણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું,  કેવી તીક્ષ્ણ તેની બુદ્ધિ, ! કેવી અદ્ભૂત  મેધાશક્તિ, ! પરાવિદ્યામાં તો પારંગત, અપરાવિદ્યામાં પણ ઓછા ન હતા. કોઈ કહેશે કે, તેઓ ભક્ત હતાં તો જ્ઞાની કેમ કહો છો? ત્યારે સ્વામી વિવેકાનંદ કહેતા, ‘શ્રી રામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા જ્યારે ભીતરમાં તે જ્ઞાનથી પૂર્ણ હતા. જયારે હું બહારથી જ્ઞાની દેખાઉં છું પણ ભીતરમાં હું ભક્ત છું.’ જાણવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, શ્રી રામકૃષ્ણ દેવની કૃપા દૃષ્ટિથી હજારો-હજારો  વિવેકાનંદ તૈયાર થઈ શકે છે. આવો છે એમના વિમલ નયનોનો અદ્ભૂત પ્રભાવ…(ક્રમશ:)

 

‘ચૈતન્ય થાઓ’ (03)

 

 

 

 

 

 

મા શારદાદેવી શ્રી ઠાકુરની  વિદાય પછી હાથમાંથી બંગડી  કાઢવા લાગ્યા  ત્યારે શ્રી ઠાકુરે દર્શન આપી ના પડી અને કહ્યું :  ‘હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’

સ્વામી શ્રી  વિવેકાનંદે જે  પદ લખ્યું છે અને સાંજની  આરતી તરીકે આજે પણ મઠ અને  મિશનના મંદિરોમાં ગુંજી રહ્યું છે, તેનો ગુઢાર્થ જાણવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.

ત્રીજી પંક્તિ અથવા ત્રીજું પદ કહે છે,

मोचन अगतृषण जगभूषण चितघनकाय’

હે પ્રભુ, તમે મનુષ્યને પાપ-દોષોથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રુપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.

સમજવાનો પ્રયાસ કરીએ. मोचन अगतृषण એટલે શું? પ્રસંગથી સમજીએ. 14 ડિસેમ્બર 1984 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ કોલકત્તા ના સ્ટાર થિયેટરમાં ‘પ્રહલાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા. નાટક પૂરું થયા પછી તેમને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષને ત્યાં વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું,  મા ના નામમાં શ્રદ્ધા રાખો એટલે બધું થઈ જશે. ગિરીશે કહ્યું,   હું તો પાપી છું. દેવ બોલ્યા, ‘એ આખો દિવસ હું પાપી છું… હું પાપી છું એવું વિચાર કર્યા કરે છે તે આખરે પાપી થઈ જાય છે.’  ગિરીશે કહ્યું, મહારાજ હું તો એવો પાપી છું કે જ્યાં બેસુ ત્યાંથી સાત હાથ જમીન ખોદી નાખવી પડત. શ્રી રામકૃષ્ણ દેવ થોડા ચિંતિત થઈને બોલે છે, ‘એવું શું બોલો છો? ઓરડામાં ભલેને હજાર વર્ષનો અંધકાર હોય છતાં દીવો કરતા જપટ દઈને અંધકાર જતો રહે છે. હજાર વર્ષનો અંધકાર છે તેથી તો કંઈ ધીમે ધીમે જતો નથી.’  શ્રી રામકૃષ્ણદેવના સુસ્પષ્ટ જવાબથી ગિરીશ ઘોષમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેની વાતો બહુ રસપ્રદ છે, વાંચવા જેવી છે.

ગિરીશ ઘોષ તો કહેતા કે,  ‘મેં દારૂની એટલી બધી બોટલો પીધી છે કે જો તે ઉપરા ઉપર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આંબી જાય.’  એક રાત્રે ગિરીશ દારૂ પી નશામાં મસ્ત  થઈ વારાંગનાઓને ત્યાં મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર આકર્ષણ થવા લાગ્યું અને તેમને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ દેવ. ગાડી કરીને આવી પહોંચ્યા સીધા દક્ષિણેશ્વર. રાત્રિનું ઘોર અંધારું, મંદિરનો ફાટક બંધ, ગિરીશનો અવાજ સાંભળતા જ રામકૃષ્ણ દેવે પોતે ફાટક ખોલ્યું. લથડિયાં ખાતા ગિરીશનો હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમના હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. નશો ઉતર્યો ત્યારે રામકૃષ્ણ દેવની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી ગિરીશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેમને લાગ્યું, ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ પતિતપાવન છે. મારા જેવા પતિત ને પણ આટલો પ્રેમ આપે છે !

એકવાર થિયેટરમાં ગિરીશ ઘોષ રામકૃષ્ણદેવને ક્રોધમાં ભાન ભૂલીને ફાવે તેમ ગાળો આપવા લાગેલા. ભક્ત્તો તો  વિચલિત થઈ ગયેલા પણ કરુણા મૂર્તિ રામકૃષ્ણ દેવે ચુપચાપ બધું સાંભળી લીધું અને દક્ષિણેશ્વર જવા રવાના થઈ ગયા. બધા ભક્તોએ રામકૃષ્ણદેવને સમજાવ્યા. ‘હવે આ દારૂડિયાની પાસે ના જશો હો…’ શ્રી રામકૃષ્ણ દેવે રામચંદ્ર દત્તને આ વિશે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે,  શ્રી ભગવાન કૃષ્ણ કાલીયા નાગને કહે છે કે, ”હે પ્રભુ, તમે જ મને ઝેર આપ્યું છે તો અમૃત ક્યાંથી લાવું? માટે ગિરીશનો વાંક નથી. શ્રી રામકૃષ્ણ દેવ આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું, ચાલો રામ, તમારી જ ગાડીમાં હમણાં જ ગિરીશ ને ત્યાં જઈએ. ધોમધખતાં તડકામાં શ્રી રામકૃષ્ણ દેવ ગિરીશ ઘોષના ઘરે આવી પહોંચ્યા અને કહ્યું, ‘ગિરીશ, હું આવી ગયો છું.’  ગિરીશ ત્યારે પશ્ચાતાપથી રડી રહ્યાં હતા. શ્રી રામકૃષ્ણદેવને આવેલા જોઈને સીધા ચરણમાં પડ્યા અને રડતા-રડતા બોલ્યા, ‘આજે જો તમે ન આવ્યા હોત ને તો હું માની લેત કે તમે પણ નિંદા સ્તુતિમાં સમાન નથી. તમે સાચા અર્થમાં પરમહંસ નથી પણ આજે હું ઓળખી ગયો કે તમે એ જ છો. હવે તમે મને છેતરી નહિ શકો. હવે તમારે મારો ભાર ઉપાડવો જ પડશે. કહેવાય છે કે ગિરીશ ઘોષે શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું, વકીલાત નામું આપ્યું, શ્રી રામકૃષ્ણ દેવે તેની સાધનાનો અને તેના પાપોનો ભાર ઉપાડવાની શરૂઆત કરી.  એમણે સ્વામી પ્રેમાનંદને કાશીથી એક પત્રમાં ખુદ રામકૃષ્ણ દેવે લખ્યું, ‘ગિરીશ બાબુ અહીં છે. અહાહા.. એમનો સ્વભાવ કેવો મધુર થઈ ગયો છે… જેવો ઉદારભાવ એવી જ શ્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા. અહંકાર તેમને મન તુચ્છ છે. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનુ બની ગયું છે. હું નજરે જોઈ રહ્યો છું. ગિરીશ ઘોષ પોતે પણ કહેતા  કે તમારે રામકૃષ્ણ દેવ નો મહિમા સમજવો હોય ને તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતા. એ તો શુદ્ધાત્મા બુદ્ધિશાળી કોલેજીયન. એટલે એને નરેનમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કરવું એ બહુ મોટો ચમત્કાર નથી. પણ મારા જેવા પતિતને ભક્ત બનાવી દેવો એ જ શ્રી રામકૃષ્ણ દેવનો અપાર મહિમા છે.

ગિરીશ ઘોષ સાથે સંકળાયેલ કેટલાક નટનટીઓ પતિતોના તારણહાર બન્યા હતા શ્રી રામકૃષ્ણદેવ. 21 સપ્ટેમ્બર 1884 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ગિરીશ ઘોષનું શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશેનું નાટક જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ભક્તોએ વાંધો ઉઠાવ્યો કારણ કે તે દિવસોમાં સમાજમાં અભિનય કરનારી સ્ત્રીઓનું સ્થાન હલકું હતું. તો પણ શ્રી રામકૃષ્ણ દેવ ગયા અને કહ્યું,  ‘હું તેઓને પણ મારી મા આનંદમયરૂપે જોઇશ’. નાટક પૂરું થયા પછી શ્રી રામકૃષ્ણ દેવે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું, અસલ નકલ એક લાગ્યું. આ પછી નટનટીઓએ એ રામકૃષ્ણ દેવના આશીર્વાદ મેળવ્યા. શ્રી ચૈતન્યના પાત્રનો અભિનય કરનાર વિખ્યાત એક્ટ્રેસ વિનોદીનીના મસ્તક પર પોતાના બંને હાથ રાખી આશીર્વાદ આપતાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું, ‘ચૈતન્ય થાઓ’. આ એક્ટ્રેસ વિનોદીનીએ પોતાની આત્મકથામાં લખ્યું કે, સંસારી લોકો મારા પાપમય જીવનને ઘૃણાથી જોવે એની હું પરવાહ કરતી નથી. મને શ્રી રામકૃષ્ણ દેવના આશીર્વાદ મળ્યા છે, એમનો પ્રેમમય આજ્ઞા પૂર્ણ સંદેશ મને ટકાવી રાખશે. વિનોદીનીના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે શ્રી રામકૃષ્ણ દેવની કાયમ માટે ભક્ત બની ગઈ.

દક્ષિણેશ્વર મંદિરમાં શ્રી  રામકૃષ્ણ જન્મોત્સવ વખતે કેટલીક ખરાબ ચરિત્ર વાળી સ્ત્રીઓ આવે.  આથી ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવા લાગ્યા. આ વિશે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈ શ્રી રામકૃષ્ણાનંદજીને  23 ઓગસ્ટ 1896 ના પત્રમાં અમેરિકાથી લખ્યું. આજે રામદયાળ બાબુનો પત્ર મળ્યો છે, તેઓ લખે છે કે, દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવના જન્મોત્સવ વખતે ઘણી વેશ્યાઓ પણ આવે છે. તેથી ઘણાને તેમાં જવું ગમતું નથી. વળી તેમના મતે એક દિવસ પુરુષો માટે રાખવો જોઈએ અને બીજો દિવસ સ્ત્રીઓ માટે. આ બાબતમાં મારો નિર્ણય આ પ્રમાણે છે. ‘જો દક્ષિણેશ્વર જેવા મહાન યાત્રાના સ્થળે વેશ્યાઓને જવા દેવામાં ન આવે તો બીજે ક્યાં જાય તેઓ? ઈશ્વર ખાસ તો પાપીઓ માટે જ પ્રગટ થાય છે નહીં કે પુણ્યશાળીઓ માટે. મંદિરમાં પણ જે લોકો એવા વિચાર કરે કે આ સ્ત્રી વૈશ્યા છે, આ તો ગરીબ છે, આ તદ્દન સામાન્ય છે, એવા જેમને તમે સજ્જનો કહો છો તેવા લોકો જેટલા ઓછા આવે ને એટલું વધું સારું. જેઓ ભક્તોની જ્ઞાતિ, લિંગ કે ધંધા વગેરેનો વિચાર કરે તેઓ આપણા પ્રભુ શ્રી રામકૃષ્ણદેવને શું સમજી શકવાના? હું તો ઈશ્વરને પ્રાર્થું છું કે સેકડો વેશ્યાઓ આવે અને તેમના ચરણોમાં પોતાનું માથું ઝુકાવે. સજ્જન એક પણ ન આવે તો તેનો કોઈ વાંધો નહીં. ગણિકાઓને આવવા દો, દારૂડિયાઓને આવવા દો, ચોર અને બીજા બધા આવી જાઓ પ્રભુના દરવાજા બધા માટે ખુલ્લા છે.’  આવી અનેક ઘટનાઓને લઈને ડો. આર્નોલ્ડ ટો. એન. બી., રોમા રોલા, પ્રો. મેક્સ મુલર, વગેરે સંસારના ઇતિહારકારો અને વિદ્વાનો  શ્રી રામકૃષ્ણ દેવને સમસ્ત જગતનાં આભૂષણ રૂપે આલેખે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી શ્રી મા શારદાદેવી જયારે હાથમાંના સોનાની બંગડીઓ કાઢી નાંખતા હતાં ત્યારે રામકૃષ્ણ દેવે દર્શન આપીને તેમને આમ કરતા અટકાવ્યા અને કહ્યું, ‘ હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’  આ પછી કેટલાય ને દર્શન થયાં છે, થઈ રહ્યાં છે.

ઈશ્વર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેનો સૂક્ષ્મ દેહ ચિન્મય હોય છે. તેમના ભૌતિક દેહમાં પણ અલૌકિક તત્વ હોય છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણ દેવનાં  દેહનાં અવશેષને જે તાંબાના પાત્રમાં સાચવી રાખેલા તેને આત્મારામનું પાત્ર કહેતા. આ પાત્રની સાચવણીની તેમણે ઘણીવાર પરીક્ષા કરી. તેને અનન્ય શ્રદ્ધાથી તેઓ જોતા. તેથી ત્રીજી પંક્તિમાં લખ્યું છે, ‘હે પ્રભુ, તમે મનુષ્યને પાપ દોષોથી મુક્ત કરનાર છો, જગતનાં ભૂષણરૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.’ (ક્રમશ:)

 

 

 

 

નિર્ગુણ છતાં તમે સગુણોના આશ્રયી છો. (02)

 

 

 

 

 

 

‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે.

શ્રી રામકૃષ્ણ આરતીની પહેલી પંક્તિમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ खंडन भवबंधन जगवंदन वन्दित्वोमाय  એવું લખીને પહેલી જ પંક્તિમાં કહ્યું કે, ‘હે ભવબંધનનું ખંડન કરનાર, જગતનાં વંદનીય હું આપને વંદન કરું છું’. કે ભવબંધનનું ખંડન કરે છે એમ કહેનાર સ્વામી વિવેકાનંદ્દ બહુ જ સમજપૂર્વક અથવા વિચક્ષણતાથી આ આરતીની બીજી પંક્તિમાં કહે છે, ‘निरंजन नररूपधर निर्गुण गुणमय’ એટલે કે તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં તમે સગુણોના આશ્રયી છો.

નિર્ગુણ, નિરાકાર સચ્ચિદાનંદ્દ બ્રહ્મ અનંત હોવા છતાં સમય, સ્થિતિ અને કાળની સીમાથી આવૃત થઈ ઈશ્વર થાય છે અને એ જ ઈશ્વર અવતરણ કરે છે, શ્રી રામરૂપે, શ્રીકૃષ્ણરૂપે, શ્રી રામકૃષ્ણરૂપે. નિરંજન હોવા છતાં નરરૂપ ધારણ કરે છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો આશ્રય લે છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણના આવિર્ભાવની જેમ શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો.

પિતા ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ગદાધર  વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ‘હું તારે ત્યાં જન્મ લઈશ.’ માતા ચંદ્રમણી દેવીને  જુગીના શિવમંદિરમાં વિચિત્ર દિવ્ય અનુભવ થયો. શિવલિંગમાંથી જ્યોતિ તેમના ઉદરમાં પ્રવેશી.  બાળક ગંગાધરની બાળલીલા શ્રી કૃષ્ણની વૃંદાવનલીલા જેટલી જ  મધુર, દિવ્ય અને અલૌકિક હતી. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજે  શ્રી રામકૃષ્ણદેવની દિવ્ય લીલા નું વર્ણન કરતા પહેલા જાતે હકીકતોની ચકાસણી કરી હતી તે નોંધવા જેવું છે. એમ કહેવાય છે કે ઈશ્વર જ્યારે અવતરે છે, મનુષ્ય લીલા કરે છે, ત્યારે એવો તો આબેહૂબ અભિનય કરે છે કે લોકો સંશયગ્રસ્ત થઈ જાય છે. ઈશ્વર જયારે નરરૂપ ધારણ કરે ત્યારે પોતે માયાનો આશરો તો લે છે, પણ માયાથી પ્રભાવિત થતા નથી. નિરંજન રહે છે. શ્રી રામકૃષ્ણદેવ સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવે છે.

સાપના મુખમાં ઝેર હોય છે. આથી અન્ય લોકો આ ઝેરથી પ્રભાવિત થાય છે. પણ સાપને પોતાને કંઈ થતું નથી. આ જ રીતે સાધારણ જીવ કર્મોના બંધનને લીધે જન્મ ગ્રહણ કરે છે.પણ ઈશ્વર કાર્માધ્યક્ષ હોવાથી બંધનોથી પ્રભાવિત થતા નથી અને નિરંજન રહે છે. નિર્ગુણ હોવા છતાં ત્રિગુણાત્મિકા માયાનો આશ્રય લે છે અને ગુણમય બને છે. શ્રી રામકૃષ્ણ દેવમાં કેટલા બધા દિવ્ય ગુણોનો વિકાસ થયો હતો તે ગણવા બેસીએ તો યાદી ટૂંકી પડે. શ્રી રામકૃષ્ણ દેવને બહુ ઓછા લોકો અવતારરૂપે જાણી શક્યા. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવનાં અનુયાયીઓ પાસે તેમને અવતાર રૂપે સ્વીકારવા જોઈએ એવો આગ્રહ રાખતા ન હતા.

એકવાર સ્વામીજીના એક શિષ્યે તેમને કહ્યું, કે ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી કે, રામકૃષ્ણ દેવ ઈશ્વરનો અવતાર છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે? અમારા પ્રભુનાં પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી. અને અવાર-નવાર શંકા અને નિરાશાથી અમારા મન ખળભળી ઉઠે છે. તો બીજાઓની આમ શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીર વાળો એક માણસ સાક્ષાત ઈશ્વર છે એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેને પૂર્ણ માનવ કે બ્રહ્મજ્ઞાની હદ સુધી જઈ શકીએ. ભલે, તમે તેને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો તેનો કશો વાંધો નથી. મારી પાસેથી એટલું જાણી લેજો કે શ્રી રામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી ઉપર કદી અવતર્યો નથી. જગતનાં ગાઢ અંધકારમાં આજના યુગ માટે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે. હવે તે પ્રકાશ વડે જ માનવ સંસાર સાગર તરી શકશે.’ સ્વામીજીની આ ઉક્તિ તેમની ગુરુ પ્રત્યેની અંધભક્તિનું દ્યોતક નથી. તેને વિભિન્ન રૂપે શ્રી રામકૃષ્ણ દેવની પરીક્ષા કરી હતી અને પછી જ તેમને સ્વીકાર્યા હતા.

શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સરનો રોગ થયો ત્યારે તેમને કોલકતાના કાશીપુરનાં બગીચામાં  સારવાર માટે લાવવામાં આવ્યા. 16 મી ઓગસ્ટ 1986 ના રોજ તેમણે આજ બગીચામાં મહાસમાધિ લીધી, તેના બે દિવસ પહેલાની વાત છે. કોલેજના કેટલાક યુવકો તેમની  રાત-દિવસ સેવા કરી રહ્યા હતા, તેમાંના એક હતા નરેન્દ્રનાથ. જેને પછીથી આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખ્યા. શ્રી રામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા ત્યારે એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો. લોકો તો શ્રી રામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આ અવ્યવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, હું ઈશ્વરનો અવતાર છું તો જ હું એને સાચો માનું. નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રી રામકૃષ્ણદેવ એમનાં તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા. ‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે અને એ પણ તારી વેદાંતની દૃષ્ટિથી નહીં.’ નરેન્દ્ર નાથ તો આ સાંભળીને  ભોંઠા પડી ગયા. અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા. એટલે જ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણની આરાર્તિક સ્તવનની બીજી પંક્તિમાં લખ્યું,.. ‘તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, અને નિર્ગુણ છતાં તમે સદગુણોના આશ્રયી છો’. (ક્રમશ:)

 

સ્વામી શ્રી વિવેકાનંદજીએ રચેલ શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન (01)

 

 

 

 

 

 

આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી  શકો.

વિશ્વભરના અનેક ઘર અને મંદિરોમાં પાવનકારી સંધ્યાની વેળાએ શ્રી રામકૃષ્ણ દેવની આરતીનો પ્રારંભ થાય છે. સૌ તેમાં તલ્લીન થઈને ગાય છે. જેને શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન કહેવામાં આવે છે.

આ અમર સ્તવનના રચયિતા બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદજી પોતે હતા. એમાં પારંપરિક સંગીતની ધ્રુવ શૈલી છે. અને પરિણામે આ સ્તવન લયબદ્ધ, અને તાલબદ્ધ બન્યું છે. વાત એવી છે કે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષે સ્વામીજીને રામકૃષ્ણ દેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. આ વાત સાંભળીને સ્વામીજી થોડા મુશ્કેલીમાં મુકાયા હોય એવી રીતે કંપિત સ્વરે કહેવા માંડ્યા કે, “ એ વાત મારાથી શક્ય નથી. તમે આગ્રહ કરો તો  હું સાગરને સુકવી નાખવાનું પસંદ કરું, તમે આગ્રહ કરો તો પર્વતોના ચુરે ચુરા કરી શકું, પણ શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. અરે,  ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ કેટલો?”   એમણે તો ત્યાં સુધી કહ્યું કે, “તમે શું એવું ઈચ્છો છો કે શિવની મૂર્તિ ઘડવાનું મને કહેવામાં આવે અને હું વાનરની મૂર્તિ ઘડી બેસું? ના ના.. મારાથી તો એ નહીં બને.”  થોડો સમય સન્નાટો છવાઈ ગયો. આપણે એમ માનીએ કે રામકૃષ્ણ દેવને સૌથી વધુ ઓળખનાર કોઈ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદ હોઈ શકે. અને એ વાત ખોટી ન હતી, એ વાત સાચી હતી.

અને ખરેખર સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પણ એમના મનની અંદર એવું રહેતું હશે કે, મારા ગુરુના જીવનને વર્ણવવાને બદલે ગુરુની શીર્ષસ્થ  પ્રતિભા અને બહુ મોટી દૈવી આભાને વર્ણન કરતું  હોય તેવું કશુંક હું રચું. એમ વિચારીને  તેમણે હકીકતમાં વિશ્વને જે પ્રદાન કર્યું તે શ્રી રામકૃષ્ણ મિશન ને મઠમાં સાંધ્ય કાળે ગવાતી આ આરતી છે.

શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન માં  સ્વામી શ્રી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવ વિષે લગભગ-લગભગ બધું કહી દીધું. આ સ્તવન અવતારવરિષ્ઠ શ્રી રામકૃષ્ણ દેવના સર્વ શ્રેષ્ઠ ભક્ત, શિષ્ય, સ્વામી વિવેકાનંદજીની તેમના પ્રત્યેની સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. આ સ્તવન શ્રી રામકૃષ્ણદેવના અનંત ભાવો ને અનંત ગુણોને, અનંત લીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે. અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. આ સ્તવનમાં ભાવ, સંગીત, લય, તાલ, બધું અનન્ય છે. સ્વામી શ્રી નિખીલેશ્વરનંદજી મહારાજ તો એવું કહે છે કે, “શ્રી રામકૃષ્ણ દેવનાં દિવ્ય ચરિત્રને તત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં છે. શ્રી રામકૃષ્ણ દેવના જીવન દર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.”

સમજવાનું એ છે કે,  સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા  અને સંપ્રદાયિકતાના વિરોધી હતા. રામકૃષ્ણ દેવ વિશે લખાયેલ હોવા છતાં આ સ્તવનમાં કોઈપણ જગ્યાએ રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી. આમ જાણે કે, આપણને એમ લાગે કે આ એક પરમ તત્વ માટેની સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે. કારણ કે એમણે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો એક અવતારને, ઈશ્વરના કોઈપણ રૂપને, આપણી સમક્ષ ખડું કરે છે. આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી  શકો.

કહેવાય છે કે આ સ્તવન જયારે પહેલી વાર ગવાયું ત્યારે એ સ્થળ હતું નીલાંબર મુખર્જીનું મકાન કે જ્યાં મઠની સ્થાપના થયેલી. ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલ બેલુર મઠની પાસે એટલે કહો કે તે પછી બેલુર મઠનો એક ભાગ બની ગઈ. અને પ્રસંગ હતો 22 ફેબ્રુઆરી 1898નો શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિનો. એ ભોગ આરતીનાં સમયે જયારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા હતા  ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે એ બધું કલ્પનાતીત લાગે છે.

આજે તો સંધ્યા આરતી ટાણે રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં અને દેવના  પ્રભાવ હેઠળ ચાલી રહેલ અનેક અનૌપચારિક કેન્દ્રોમાં, તો ક્યારેક ભક્તોના ઘરમાં સમૂહ સ્તવન ગવાય  છે. ક્યાંક હાર્મોનિયમનો ઉપયોગ થાય છે, ક્યાંક ઓરગનનો ઉપયોગ થાય છે, તો ક્યાંક વળી પ્રિ-રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ માટેના આ આરતી સ્તવનમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ એક પછી એક પંક્તિમાં રામકૃષ્ણ દેવની કેવી પ્રતિષ્ઠા કરી છે !!

દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે એ રીતે એમાં ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન  છે તેથી  આપણે  તેની એક એક પંક્તિને  સદૃષ્ટાંત સમજીશું. એ બહાને આપણે ઈશ ગુણોનું ચિંતન  કરી શકીશું. (ક્રમશ:)

 

 

પ્રોત્સાહન અને પ્રેરણા તરુણને આપશે આત્મવિશ્વાસ

 

 

 

 

 

તક આપો, ટક ટક નહીં;  જો રોકટોક તો સામે મળશે ધૂત્કાર….;જેવો ધ્વનિ  તેવો પડઘો; અને પરિણામે  જેવા મમ્મીપપ્પા, તેવું તેનું સંતાન !!

હવે એવા તબક્કાઓની વાત કરવાની છે કે જેમાં કેવળ માતા પિતાના વર્તન વ્યવહારો જ બાળકને ઘડશે અને ફલત: મમ્મી પપ્પાને એવું જ સંતાન મળશે જેવા તેઓ બંને હશે. જરા વધુ ગંભીરતાથી વિકાસમાં ઊંડા ઉતરીએ.

 સમવયસ્કો  તરફ ઝોક)

એને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે પણ એ માતા પિતા ને વડીલ ગણીને પૂછતો નથી. શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી, એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલેકે  Peer Group તરફ વળે છે. અનફોર્ચ્યુનેટલી સમવયસ્કો  પણ એના જેટલું જ ઓછું જાણે છે.

આપણી જવાબદારી ત્રણ ગણી )

તારુણ્યવસ્થાનો આ ગાળો જે બાર થી ઓગણીસ વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીનું બિહેવિયર થોડું વિચિત્ર લાગે છે. હવે તે સામા પ્રશ્નો વ્યક્ત કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે. તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો અને તેથી  આ સમયમાં આપણી જવાબદારી ત્રણ ગણી વધે છે

અહીં સાચવવું પડશે)

એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ છઠ્ઠો, સાતમો અને આઠમો તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે. જેની અંદર પૂર્વપુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્યપુખ્તાવસ્થા આવે છે. એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહન ઉપર છો. બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે.

તક આપો, ટક ટક નહીં)

આપણને પ્રશ્ન થાય કે આ વિકાસના આઠ તબક્કા તો જાણ્યા પણ એ દરમ્યાન માતા પિતા તરીકે અમારે વિશેષ કઈ કાળજી રાખવી ? ઉદાહરણ તરીકે વાત કરું, બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો. તમારું ધ્યેય એની ઉપર થોપી ન બેસાડો. નાના નાના task થી શરૂઆત કરો અને ત્યારબાદ લાંબા task માં આગળ વધો.

આપણે રોપનાર…)

આપણા બાળકમાં કેટલાક ગુણો અથવા કેટલાક દોષ આપણે પોતે રોપી રહ્યા છીએ. યાદ રાખવા જેવું છે કે આપણું જીવન, આપણા જીવનવ્યવ્હારો, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિઓ અને જીવનને હકારાત્મક કે નકારાત્મક લેવાની આપણી રીત આપણે આપણા બાળકને આપી રહ્યા છીએ.

જો રોકટોક તો ધૂત્કાર….)

જો આપણું બાળક રોકટોકમાં જીવશે તો તે સૌને ધૂત્કારતા શીખશે.

જો વિરોધ કે અવગણના તો લડાઈ કે ઝઘડા..)

જો આપણું બાળક સતત વિરોધ અને અવગણનાની વચ્ચે જીવશે તો તે સૌની સાથે, દરેક પ્રસંગે લડતા ઝઘડતા શીખવાનું છે.

મેણાંટોણાં શંકાશીલતા…)

જો બાળક મેણાં ટોણાંમાં જીવશે તો સદા શંકાશીલ બનશે. કોઈના માટે કશું બોલવું એ બાળકમાં એક પ્રકારની શંકાને જન્મ આપતું હોય છે.

શરમજનકની અસર દોષિતની લાગણી)

આપણે ઘરના લોકો એકબીજાને વારંવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકવા ટેવાયેલા હોઈએ તો આપણને જોઈને આપણું બાળક પોતાની જાતને દોષિત માનવા લાગશે.

 સહનશીલતા આપે ધીરજ)

જો બાળક સતત સહનશીલતાના વાતાવરણમાં ઉછરશે તો બાળક ધીમે ધીમે ધીરજ એટલે કે ધૈર્યવાન બનવા તરફ અવશ્ય પ્રયાણ કરશે.

 પ્રોત્સાહન + પ્રેરણા = આપશે આત્મવિશ્વાસ)

જો મમ્મી અને પપ્પા બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહે તો બાળકમાં આત્મવિશ્વાસ ખુબ વધશે.

 પ્રોત્સાહક ટેકો કરવાથી તે કદર સુધી…)

બાળક જો ઉત્તેજન વચ્ચે જીવશે તો તે પોતે પણ અન્યની કદર કરતા શીખશે.

 પ્રામાણિક વ્યવહારથી ન્યાય)

બાળક પ્રામાણિક વ્યવહારની વચ્ચે જીવશે તો તે પોતે પણ ધીમે ધીમે ન્યાય તરફ વળશે

સપોર્ટ અને કદરથી ભરોસો )

જો સંતાન સતત અનુમોદન/સપોર્ટ/કદર/અપ્રીશિએશનની વચ્ચે જીવતું હોય તો તે પોતાના ઉપર ભરોસો કરતા શીખી જશે.

મૈત્રી ને આવકાર..તો .. પ્રેમ )

સંતાન મૈત્રી અને આવકારના વાતાવરણમાં  સતત જીવતું રહે તો જગતને પ્રેમ કરતા શીખશે

જેવો ધ્વનિ  તેવો પડઘો)

તમે જેમ જીવવાના છો, તમે જે ધ્વનિ  આપવાના છો એનો જ પડઘો તમારું સંતાન કે વદ્યાર્થી તમને પાછો પાડી આપવાનો છે.

જેવા મમ્મીપપ્પા, તેવું તેનું સંતાન)

 મારું સંતાન કેવું થશે એ હું નક્કી કરીશ.

મારું સંતાન ભવિષ્યમાં કેમ વર્તન કરશે તે મારા વર્તન ઉપરથી નક્કી થશે.

ઈશ્વરના અંશનું હૃદયના પુરા ઉમળકાથી સ્વાગતસ્વીકારસત્કાર