આપણાકવિવર શ્રી રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે…..

કોરોના કરતા પણ કોઈ રોગ વધુ દર્દનાક અને જીવલેણ હોય તો તે છે કેન્સર !! વર્ષ 2022માં ભારતમાં કેન્સરના  દર્દીઓની સંખ્યા ચૌદ લાખ, એકસઠ  હઝાર ચારસોને સત્યાવીશ હતી , જેમાં સાત લાખ ઓગણપચાસ હઝાર બસો  એકાવન કેવળ સ્ત્રીઓ હતી !! અરે, 2025માં આ સંખ્યા વધીને પંદર લાખ સિતેર હઝાર થવાની સંભાવના છે. !!

આપણે કેન્સરના દર્દીને મીઠાં વચનો કહીએ, ‘કેન્સર એ કેન્સલ નથી’, તેવી હકારાત્મક વાતો કરીએ પણ વાસ્તવમાં કેન્સરના દર્દીઓ દસ ઘરમાંથી ચાર થી પાંચ ઘરમાં છે, તે હકીકત સ્વીકારવી પડે તેમ છે. તબીબી વિજ્ઞાન અનેક મથામણો કરી રહેલ છે, પરંતુ દિવસનો સુરજ આથમે ત્યારે પ્રત્યેક દર્દીને પોતાનો સુરજ આથમતો દેખાય છે,  એ મનોવ્યથાને કેમ અવગણી શકાય ?? ‘મને કેન્સર છે’, એવું જાણવાથી જ મને આજે નહિ તો કાલે દુઃખદ ટ્રીટમેન્ટનો રાજમાર્ગ દેખાવા લાગે છે અને સતત એક ભયની તલવાર લટકતી હોય છે કે, પ્રયાસ કરીએ પણ અંત તો આ કેન્સર લાવશે.!!

બહુ બધી શોધો થઇ રહી છે, કીમો થેરાપી હવે થોડીક સહ્ય બની છે, પણ સર્જરી-કીમો થેરાપી-એડવાન્સ્ડ થેરાપી-રેડિએશન- એમ એક પછી એક સારવારનો હુમલો તમારા પર તબીબી જગત કરે છે અને તમે તેના મૂક પ્રેક્ષક બની રહો છો..!! મધ્યમ વર્ગના માણસની જિંદગીભરની કમાણી  ધોવાય જાય એટલી મોંઘીદાટ સારવાર ભલભલાના હાંજા ગગડાવી નાખે છે. અરે, સમજદાર વ્યક્તિ તો આ દવાખાનાના વાતાવરણને જોઈને જ હારી  જાય છે.  અને એમાંય કોઈ ભણેલ ગણેલ સંગીત કે સાહિત્ય કે સંસ્કૃતિનો ચાહક કેન્સરના ખાટલે પડે પછી તો તેની દશા અસહ્ય બની જાય છે, અન્ય માટે જ નહિ પણ ખુદને માટે પણ…બસ, આ દશાને તાદ્રશ્ય કરતું  નાટક તે ‘કોશેટો’.

રાજકોટમાં ચાલીશ ટકા ખાલી બેઠકો વચ્ચે ભજવાયું નાટક ‘કોશેટો’. પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` હેમુ ગઢવી થિયેટરમાં ભજવાયું. આવા સંવેદના થી સભર વિષય પર કોઈ નાટક બનાવવાનું  વિચારે તે જ હું વિચારી નથી શકતો. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે ઉપસ્થિત પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને ઝીલ્યું.

કોઇ એક વ્યક્તિને કેન્સર ડીટેકટ થાય ત્યારથી લઈને એ વ્યક્તિ પોતાને કેન્સર છે એ સિવાયનું બધુ જ ભૂલી જાય પણ એને યાદ રહે, ફક્ત રમેશ પારેખની કવિતાઓ.! નાટકની શરૂઆતથી અંત સુધી જેમણે  રમેશ પારેખ તરીકે મંચ પર જોવા અને સાંભળવા ગમે એવું કાસ્ટીંગ એટલે અત્યંત અનુભવી છતાં ખૂબ સરળ અભિનેતા એવા દર્શન જરીવાલા. પ્રોફેસર પરિમીતી શાસ્ત્રીનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેત્રી સેજલ પોંદા પોતાના અભિનયથી પોતાની અને પ્રેક્ષકની આંખોમાં આંસુ અને હ્રદયમાં ભીનાશ મૂકી જાય છે.

રમેશ પારેખ કેવી હસ્તી હશે કે જેની કવિતાઓ કોઈ દર્દીને સધિયારો આપવામાં ઉપયોગ થઇ શકે તે આ નાટકમાં ફળીભૂત થયું. પ્રિય મોરારીબાપુ તો ર.પા.નેકશુંક ભાળી ગયેલો કવિકહેતા. બાપુનું આ કથન શબ્દે શબ્દે અને દ્રષ્યે દ્રષ્યે અનુભવાયું ‘કોશેટો’ નાટકમાં !! ઓપરેશન થિયેટર ના લીલા પડદા પર ર. પા. ના શબ્દો વંચાય અને પડદો ખુલે….

બંધ હોઠમાં સોળ  વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે,

લીલ્લો ધમ્મર નાગ જીવ ને અનરાધાર કરડે  રે, વરસાદ ભીંજવે !!

ગુજરાતી હો અને ગુજરાતી સાહિત્ય સાથે ટીપાં જેટલો નાતો હોય તો આપણને રમેશની કવિતા અચૂક ભીંજવે.  રમેશ પારેખની કવિતાના  શબ્દો દર્શન જરીવાલા કે જેને   છેલ્લે તો કેન્સરની  દર્દી પ્રા. ડો. પરિમિતા શાસ્ત્રીમાં પોતાની કાવ્યરાણી  ‘સોનલ’ દેખાય, ત્યારે હલી જવાય  !! કવિતાના શબ્દો  અને જીવાતું પાત્ર એકમેકમાં ભળી જાય ત્યારે સર્જાય એક એવું આકાશ કે, જેમાં કેન્સરના વિષાણુઓનું નૃત્ય દેખાય !!

કવિતાપ્રેમી  અધ્યાપક પરિમિતા શાસ્ત્રી કેન્સરની પેશન્ટ બને ત્યારે રમેશ પારેખની કવિતાઓ  તેને સતત લડી લેવાના મૂડમાં રાખે છે,,પણ જીવનને  અંતિમ વાસ્તવિકતાથી સહેજ પણ દૂર ખસેડી શકાતું  નથી. અને એ જ સત્ય  છે. મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે..આ સર્જનની ફિલસુફી તો કવિ અને કવિની સોનલ  જ  સમજી શકે. અનેક ટ્રિટ્મેન્ટ  અને અનેક ટ્રીટમેન્ટના નામે અખતરાઓથી કંટાળી જનાર દર્દીને જાણે  કંટાળી જવા તબીબી જગત પ્રેરતું હોય તે વાસ્તવિકતાને રંગમંચ પર બહુ જ સૂક્ષ્મતાથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. ડોક્ટરને મન તો પરિમિતા એના રિસર્ચનું એક પાત્ર છે અને કવિને મન જીવનનું એક જીવંત સર્જન. બંને વચ્ચેની વણકથી લડાઈ દર્દીને હંફાવી મૂકે છે ત્યારે રમેશ પારેખ પોતાની કવિતા એક અદભુત કંઠથી  બોલે છે…

આ થાશે, તે થાશે, શું થાશે ?

થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે

એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે

જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે…

થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે…

કવિશ્રી રમેશ પારેખની લગભગ દસ કવિતાઓનો સહારો લઇ જન્મ-જીવન-વેદના અને વિદાયની કેડી સર્જતું નાટક ‘કોશેટો’ દર્શકોને આંગળી  પકડીને વાસ્તવિકતાની કેડી પર દોરી જાય છે. તખ્તાનાં માહિર બે પાત્રો દર્શન જરીવાલા અને સેંજલ  પોનદા કોશેટોને તોડી બતાવવામાં સફળ રહે છે અને નાટકને મૌનના સાનિધ્યમાં મૂકી આપે છે. કોશેટો બહુ પોતીકું લાગ્યું કારણ કે, સભાખંડની આગલી હરોળમાં જ કવિ રમેશ પારેખના ધર્મપત્ની રસીલા પારેખ અને દીકરો નીરજ પારેખ ઉપસ્થિત હતાં. બોલો, આ ભાવાવરણમાં રમેશના ભણકારા જ વાગે ને !?!