સ્વામીશ્રી વિવેકાનંદજીના ચિંતનનો વિષય હતો:: “ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ છે.”

શ્રી રામકૃષ્ણદેવ  અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ જોડાયેલું છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદજી ના જીવનમાં પણ એવું જ બન્યું છે. બધાના જીવનમાં વત્તા ઓછા  પ્રમાણમાં જ્ઞાન,ભક્તિ, સત્કર્મની ઈચ્છા અને નિરવ ધ્યાનની અભિપસા હોય છે.  સ્વામીજીએ આપેલા કર્મ માર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં કારણ  કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે,  પરંતુ સ્વામીજીના વ્યવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી કેમ કે,  તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે. ફળ ઉત્પન્ન થયા પહેલા પણ તે ભગવાનનું છે. મધ્યાવસ્થામાં પણ એ ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવજ્ઞાનથી જીવ સેવાની મૂળ વાત જ આ છે એમાં સ્વાર્થને કોઈ જ સ્થાન નથી.

સ્વામીજીની સંકલ્પના  મુજબનો નવસન્યાસી સંઘ વેદાંત અને શ્રી રામકૃષ્ણજીની વાણીનો  પ્રચાર તો અવશ્ય કરતો રહે,  પણ સાથે જ નરેન્દ્રના અંતરમનમાંથી એક અસ્ફૂટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો કે,  શ્રી રામકૃષ્ણદેવ  અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રસારિત કરશે.  “શું હતો આ સંદેશ ?” જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં આ પ્રજ્વલિત અગ્નિવહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે ઉત્તર ભારતથી શરૂ કરી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું.  તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા.  રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો.  ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના સોપાનો સર કર્યા અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે ભારતના અંતિમ કિનારે સમગ્ર ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

“યુગનાયક”માં લખાયું છે કે,  કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે.  એના પછી તરત ત્રણે દિશાઓમાં મોજા ઉછાળતો દરિયો, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં બેઠેલા છે, એ મૂર્તિ અત્યંત સુંદર દર્શન કરતાની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાના દર્શન કાજે બાળ ની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા.  દર્શન અને પૂજા પૂરા થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા.  એમના ચિંતનનો વિષય હતો ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ.  

ભારતનો ગૌરવભર્યા  અધ્યાત્મ મહિમાથી ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ દારિદ્રમાં ડૂબાડૂબ,  વીર્ય વિનાનો,  ગૌરવ ગુમાવી બેઠેલો,  અધ્યાત્મ સંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય !!  ભારતના અલુપ્ત ગૌરવને શું ફરી એકવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે ?? જો સંભવિત હોય તો તેનો ઉપાય શું?

સ્વામીજીએ ભાવિ  ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેકવિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તા રૂપે દીઠું.  એમને સમજાઈ ગયું કે,  ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનો મેરુદંડ છે.  એમના શાંત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં દિવ્ય  વાણી ગુંજી ઉઠી,  જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારત વર્ષમાં એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલન ક્ષેત્ર બની ઉઠેલું.  એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનો પુનરુત્થાન અને પુનઃ પ્રતિષ્ઠા સંભવિત છે.  ધર્મને પૂરેપૂરો અનુસરીને અને જીવનમાં એને ઉતારીને કોઈપણ જાતિ ક્યારેય અનદહ પતિત થાય નહીં,  ઉલટાનું ઇતિહાસની સાક્ષી લેતાં જણાય છે કે,  જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નીવડે  છે એ બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે.  એ દિવસે તેઓએ  એક પત્રમાં લખ્યું,  આ બધું જોઈને અને તેમાં ય  ખાસ કરીને દ્રારિદ્ર  અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી.  

એક વિચાર પાકો કર્યો કે,  કુમારિકા ભુશિર ઉપર મા કુમારિકાના મંદિરમાં બેસીને ભારતવર્ષની છેક છેવાડા ની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે,  આ જે આપણે આટલા બધા સન્યાસીઓ છીએ તે બધા રજળપાટ  કરતાં અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ,  લોકોને દર્શનશાસ્ત્ર શીખવાડીએ છીએ એ બધું પાગલપણું છે.  ખાલી પેટે ધર્મ ન થાય ગુરુદેવ કહેતા હતા: આ બધા ગરીબ ગુરબાં  જાનવરની જેમ જીવે રાખે છે,  એનું કારણ મૂર્ખતા છે. પાજી પુરોહિત બેટાઓ ચાર ચાર યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચડી રહેલા છે.  આપણી જાતિ પોતાનું હીર હારીને બેઠી છે.  નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. હિન્દુ, મુસ્લિમ,  ખ્રિસ્તી સૌએ એમને પગતળે કચડેલા છે અને એમની ઉઠીને ઊભા થવાની તાકાત આ પોતાની અંદરથી જ આણવી રહેશે. કટ્ટર હિન્દુઓએ જ આ કામ કરવું પડશે. (સંદર્ભ :: “યુગનાયક” પુસ્તકના પહેલા ભાગમાં 429 થી 431 ઉપરની વિગતનો આ સાર છે.)