મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ?
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શિક્ષણમાં ધર્મના કોઈ પણ તત્વોને દાખલ કરતા પહેલા બહુ ઊંડો વિચાર કરવાની જરૂર રહે છે. આ ઊંડાણથી વિચાર કર્યા વગર જો કેવળ ભાવાત્મકતાથી કોઈ બાબત અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે તો તે મુદ્દો ભવિષ્યમાં બૂમરેંગ થાય તેવી પૂરી શક્યતાઓ છે.
કહે છે કે આપણા શિક્ષણ કાર્યમાં શ્રીમદ ભગવદ્દ ગીતાને સ્થાન આપવામાં આવશે. જ્યાં સુધી શ્રીમદ ભાગવત ગીતાને સબંધ છે ત્યાં સુધી એ કોઈ ધર્મનો ગ્રંથ નથી, પરંતુ એ વૈશ્વિક વ્યવસ્થાપન માટેની આચારસંહિતા નક્કી કરતો ગ્રંથ છે એટલે ભગવદ્દ ગીતાના અભ્યાસમાં દાખલ થવા અંગે કોઈ વિવાદી વાત કરવાની આવશ્યકતા કોઈ તરફથી રહેતી નથી. આપણે જો પંચતંત્રની વાર્તાઓ ભણાવીને અથવા બૌદ્ધ કથાઓ ભણાવીને તેમાંથી મૂલ્ય પ્રતિસ્થાપન કરી શકતા હોઈએ તો તે જ રીતે શ્રીમદ ભગવદ્દ ગીતામાં વૈશ્વિક સ્તરને સ્પર્શે તેવું જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને માધ્યમ બનાવીને આપણને આપવામાં આવ્યું છે તેનો વ્યાપક ફેલાવો શિક્ષણના નાના વર્ગથી થાય તે સર્વથા આવકાર્ય છે.
ધોરણ ૬ થી ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાનો પ્રસ્તાવ છે . અલબત્ત આ પ્રસ્તાવ મુકનાર અને તે અંગે અનુકાર્ય કરનાર ખૂબ સજાગ લોકો જ હશે. મહાભારત મહાગ્રંથના એક પર્વમાંથી ૭૦૦ શ્લોક એ ભગવદ્દ ગીતા છે. પણ ૧૮ અધ્યાયમાં વહેંચાયેલ આ ૭૦૦ શ્લોક મૂળ સંસ્કૃતમાં વાંચવા કે ઉચ્ચરિત કરવા એ પણ બહુ આવડત માંગે છે. એ માટે સજ્જતા જોઈએ અને એ સજ્જતા કેળવાય તેના માટે સક્ષમ શિક્ષકો જોઈએ. આપણી પાસે આ બંને નથી, તે સહજ સ્વીકારવામાં વાંધો નથી. મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ? વળી, છઠ્ઠા ધોરણથી ભગવદ્દ ગીતાના સંસ્કૃતના શ્લોકોને માત્ર ગોખાવી નાખવા અથવા તેના અર્થઘટનને જ ગોખાવીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એમ માની લેવું તે આપણી જાત સાથેની છેતરપિંડી બની રહેશે ત્યારે ભગવદ્દ ગીતાને સરળતાથી વિદ્યાર્થીઓના હૃદય સુધી કેમ પહોંચાડી શકાય એ વિચાર માંગે તેવો મુદ્દો છે. આ અંગે નીતિ નિર્ણાયકો ખૂબ ઊંડો અભ્યાસ કરી રહ્યા હશે એ નક્કી.
શ્રીમદ ભગવદ્દ ગીતા ઉપરના અનેકાનેક ભાષ્યો આપણી પાસે ઉપલબ્ધ છે. જો ગુજરાતની અને ગુજરાતીની વાત કરીએ તો આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ :
(૧) શ્રીમદ ભગવદ્દ ગીતાના ૧૮ અધ્યાયને ધોરણ ૬ થી લઈને ધોરણ ૧૨ સુધીમાં એમ જ વહેંચી દઈને ભણાવવાનું આપણને અઘરું પડશે, કારણકે મૂળ શ્લોકો બહુ જ તૈયારી માંગે છે અને તૈયારી છતાં સ્પષ્ટ સમજ ન થઇ શકે તેવા એ શ્લોકો છે.
(૨) આ મુશ્કેલીનો સરળ રસ્તો છે. ગુજરાતમાં કેટલાક સમર્થ ગુજરાતીઓએ શ્રીમદ ભગવદ્દ ગીતાનું સમશ્લોકી ભાષાંતર કરેલું છે. એ સમશ્લોકી ભાષાંતરમાં સૌથી પહેલું અને પ્રખ્યાત નામ શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાલાનું આવે. જેમણે અતિ સુંદર રીતે સહજતાથી સમજાય જાય તે રીતે સમગ્ર ગીતાના ૭૦૦ શ્લોકોનું સમશ્લોકી ગુજરાતી એવી રીતે કર્યું છે કે જાણે તમે એ વાંચતા જાઓ અને તમને તેનો અર્થ સમજાતો જાય. ઉદાહરણ તરીકે નીચેના શ્લોકો જોઈએ જે અધ્યાય બીજામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં કહેવામાં આવેલ છે.
“સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?
બોલે, રહે, ફરે, કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો.”
‘ક્રોધથી મૂઢતા આવે ને મૂઢતા સ્મૃતિને હરે
સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશે વિનાશ છે.’
આ બે શ્લોક વાંચીશું તો તાત્કાલિક એના અર્થ કોઈ ન સમજાવે તો પણ આપણને સમજાઈ જશે. આ સમશ્લોકી ‘ગીતા ધ્વનિ’ના નામથી આજે ઉપલબ્ધ છે.
(૩) પોતાના સહજભાવથી જેમણે ભગવદ્દ ગીતાને સ્મશ્લોકીમાં સુંદર રીતે ઉતારી આપ્યું તે શ્રી પૂજ્ય મોટા છે. પૂજ્ય મોટા દ્વારા ‘જીવનગીતા’ નામે સમશ્લોકી ગીતા આપણને મળે છે.
અધ્યાય બીજાના કેટલાક શ્લોકો જે સમશ્લોકી પૂજ્ય મોટાએ તારવ્યા છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલા સરળતાથી એમાં હાર્દરૂપ વાત કહેવામાં આવી છે.
“કૈંક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો;
“આવો મોહ તને ક્યાંથી ? અરે, અર્જુન ! કાં ડગ્યો ?”
‘દેહ ને દેહમાં રહેતા આત્માનો ભેદ કાં ભુલ્યો ?
મરે છે, આત્મા તો કદી નાશ ન પામતો .’
જો આપણે ‘જીવનગીતા’માંથી ગીતાગાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે સંસ્કૃતની કેટલીક આપણા પક્ષની મર્યાદાઓને ઉવેખીને આપણા સુધી ભગવદ્દ ગીતાને પહોંચાડવાનું કામ આ સમશ્લોકી ગીતા કરાવી શકે એમ છે. (ક્રમશ:)
