આપણે તેને આવકારીએ, હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું સ્વાગત કરીએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

‘દિવ્યાંગ’ કેટલો સુંદર શબ્દ છે આ…. વર્ષો પહેલા આપણે ‘ખોડખાપણ’ એવો શબ્દ વાપરતા પછી આપણે ‘વિકલાંગ’ એવો શબ્દ વાપરવા લાગ્યા અને હમણાં હમણાં છેલ્લા દશકથી આપણે ‘દિવ્યાંગ’ એવા શબ્દનો આવિષ્કાર કર્યો છે. બહુ જ ઉત્તમ શબ્દ છે આ અને એનો અર્થ બહુ સીધો છે :  જેમના અંગ વાંકાચૂકા નથી, જેમની માનસિકતા અલ્પ વિકસિત નથી, જેમની પ્રવૃતિઓ મુશ્કેલ લાગે તેવી નથી પરંતુ જેમના અંગો, જેમનું મન અને મનની પ્રક્રિયાઓ અને જેમની પ્રવૃતિઓ દિવ્ય અંગ દ્વારા થઈ રહેલ  છે એને દિવ્યાંગ કહેવાય. 

ઈશ્વરે વિશિષ્ઠ બાળક તરીકે મારા અને તમારા સંતાનને જન્મ આપ્યો હોય ત્યારે દિવ્યાંગ કહેવાય છે. આ તો બહુ સીધી વાત છે.  જેમ માણસનું ઘડતર થાય ત્યારે પરમાત્મા એકસરખી ક્ષમતા બધામાં મૂકે. પછી આપણામાંથી કોઈ એ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરે અને વિકાસ કરે અને કોઈ ક્ષમતાનો ડબ્બો ખોલે જ નહીં અને જેવા આવ્યા હતા એવા ને એવા પાછા જાય.  આ બે શક્યતાઓ છે. એવી જ રીતે ઈશ્વરે જે દિવ્યાંગ સર્જ્યા છે તેને પોતાના ખાસ આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ શા માટે ? ઈશ્વરે કહ્યું બીજા લોકોને તો મેં  બધું આપ્યું છે અને એ બધું કરવાના છે, કરી રહ્યા છે પણ લે મેં તને દિવ્ય અંગો આપ્યા અને દિવ્યાંગોની હાજરીથી હું તારી ભેગો રહીશ. હવે તું જગતને જીતી બતાવ. ચાલ, મારી આંગળી પકડ…. આ દિવ્યાંગ છે.

 

વિચારવાનું એ છે કે જો ઈશ્વરે આ પ્રકારનું સર્જન કર્યું તો આ દિવ્યાંગ સંતાનો મુશ્કેલી કેમ અનુભવે છે ? જે વસ્તુ આપણે લોકો નોર્મલી કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પ્રવૃત થઈ શકીએ છીએ તે આ દિવ્યાંગ કેમ નથી કરી શકતા ? કેમ નથી સમજી શકતા ? એ આપણને મૂંઝવતા  પ્રશ્નો  છે. સમજવા જેવી સરસ વાત એ પણ છે કે આપણા ઘરમાં દિવ્યાંગ બાળક આપીને ઈશ્વરે આપણને પણ એમના ઉત્તમ સર્જન સાથે જોડી આપ્યું છે. અને પરિણામે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે દિવસમાં ઘણી વખત ઈશ્વરને યાદ કરીએ છીએ,,,જયારે આપણા દિવ્યાંગ સંતાન સામે આપણી નજર પડે છે !!  કેવું વિચક્ષણ સર્જન છે ! જેને બધું આપ્યું છે છતાં બધા માટે એણે ખાસ મહેનત કરવાની છે. એને કોઈ વસ્તુ સરળ નથી, એને કોઈ વસ્તુ સામે નથી, સામે હોય તે તેના હાથમાં નથી, હાથમાં હોય તે તેના મોઢામાં નથી પરંતુ એ દરેક સ્થાને પહોંચાડવા માટે આ બાળકે  ખુબ મહેનત કરવાની છે. એ મહેનત કરાવનાર એના સાથીદાર તરીકે,  એના સારથી તરીકે ઈશ્વરે આપણને મૂક્યાં છે. બરાબર સમજી લઈએ.   માત્ર શારીરિક દિવ્યાંગ હોવું એ દિવ્યાંગતા નથી.  આપણા રોજબરોજના જીવનમાં આપણે  ભણેલા ગણેલા ને મોટું સ્થાન ધરાવતા હોય માનસિક દિવ્યાંગોને  જોયા છે. શક્તિ હોય તેનો અર્થ એવો નથી કે તે જોઈએ ત્યારે કામ લાગે. મહાન ધનુષવિધ અને મહાભારતનું કેન્દ્રનું પાત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણના શિષ્ય  અર્જુનને પણ જો માનસિક હતાશા શરીરના અંગોને લુલા બનાવી દે, પાંગળા બનાવી દે એવી સ્થિતિમાં મુકતા હોય તો મારું અને તમારું સંતાન અર્જુન છે એમ માનીને એનો આપણે સ્વીકાર કરવો પડે.

ત્રણ મુદ્દા આપણા દિવ્યાંગ સંતાન માટે આપણે બરાબર માનસપટ ઉપર કોતરી રાખવા જોઈએ. 

પહેલો મુદ્દો એ ઈશ્વરે આપેલી ભેટ છે. કહોને ઈશ્વરના એ ઓટોગ્રાફ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે,  ‘દરેક બાળક જન્મે છે એ એની સાબિતી આપે છે કે હજુ ઈશ્વરને આપણાંમાં શ્રદ્ધા છે પરિણામે એ પોતાનું સર્જન આપણા હાથમાં સોંપી દે છે.’ એટલે આપણે એનો સ્વીકાર કરવાનો છે. 

બીજો મુદ્દો એ એનો જેવો છે તેવો સ્વીકાર કરવાનો… અર્થ જ એ કે તેનું પુરા હૃદયના ઉમળકાથી સ્વાગત કરવાનું છે. દરેક પળે એ જયારે જયારે ઠેસ ખાય ત્યારે, એને જયારે જયારે ઠોકર વાગે ત્યારે, એ જયારે જયારે પ્રવૃત થઈને પ્રવુતિ ન કરી શકે ત્યારે શબ્દથી, લાગણીથી, હાવભાવથી, બોડીલેંગ્વેજથી આપણે એનું કાયમ સ્વાગત કરવાનું છે. એ એક ક્ષણ પણ હલે છે, ચલે છે કે આગળ વધે છે એ ઈશ્વર તરફનું એવું ડગલું છે એમ માનીને એનું સ્વાગત કરવાનું છે. 

અને ત્રીજો મુદ્દો ઈશ્વરે આ સંતાન આપણા ઘરમાં આપ્યું છે એટલે એણે પોતાના સભાગૃહના સદસ્ય તરીકે આપણને પસંદ કર્યા છે. એમ કહોને કે લોકસભામાં ૫૦૦ થી વધુ મેમ્બર બેઠા હોય એમાંથી વડાપ્રધાન આપણને કોઈ મંત્રીપદ આપે તો એણે વિશિષ્ઠ કેટેગરીમાં આપણને પસંદ કર્યા કહેવાય…એમ ઈશ્વરે પોતાના દરબારમાં આપણને વિશિષ્ઠ સ્થાન આપવા માટે આ બાળકને આપણે ત્યાં મોકલ્યું છે.  એટલે આપણે ત્યાં કાયમ માટે એનો સત્કાર કરવાનો છે. સત્કાર એટલે આવકાર માત્ર નહીં, એમના જીવનની એક દિશા પ્રાપ્ત થતી જાય એવી રીતે એની સાથે ને સાથે રહેવાનું છે.

દિવ્યાંગ બાળકોને ઉછેરવા સહેલાં  છે એવું હું કહેવા નથી લાગતો, કહી શકું પણ નહીં. પણ ઈશ્વરે આપણા માટે અઘરું પેપર કાઢ્યું છે.  એને  ખબર છે કે આ ઉકેલી શકે એવા મા-બાપ છે. ગણિતના અઘરા દાખલ ઉકેલવા માટે ટેવાયેલ મા બાપ છે એટલે અઘરું પેપર કાઢ્યું છે. એમાં પણ આ બાળક જયારે મોટું થતું જાય અને તારુણ્યની તાસીર અનુભવતું જાય ત્યારે આપણી સામે બહુ મોટો પડકાર આવે છે. આ પડકાર આપણને મૂંઝવે છે. આ પડકાર આપણને નિરાશ કરે છે, આ પડકાર આપણી સામે મોટો પ્રશ્નાર્થ રજૂ કરે છે કારણ આપણા એ દિવ્યાંગ તરુણ કે તરુણીને શું જોઈએ છીએ તે એ અભિવ્યક્ત નથી કરી શકતા. બીજું,  અભિવ્યક્ત કરે તો એને સમજી આપણે નથી શકતા,.ત્રીજું,  આપણે સમજી શકીએ તો એના જવાબરૂપે આપણે કશું નક્કર પરત નથી કરી શકતા. આ ત્રણ જે સ્પીડબ્રેકર્સ છે એ આપણા તરુણ કે તરુણી દિવ્યાંગ સામેના બહુ મોટા પ્રશ્નાર્થો છે, આપણી મૂંઝવણ છે, આપણી ચિંતા છે.

પણ મૂંઝવણને મૂંઝવણ તરીકે જોવાથી એ હલ નહીં થઈ જાય. આપણે ઘડાવું પડે, આપણે આપણી માનસિકતા, આપણી સાંવેગિકતા અને આપણી ચપળતા ત્રણ  વાતોને ભેગી જોડવી પડે. કેવી રીતે જોડી શકાય એ તમે સૌએ અનુભવ્યું પણ હશે. હું વિશેષ વાત કહીશ એવું કંઈ નથી પણ હું અને તમે જે કરી રહ્યા છીએ એની તરફ જોવાની આપણી એક દ્રષ્ટિને હું ચોખ્ખી કરવા માંગુ છું. શક્યતા છે કે આપણી આંખમાં ધીમે ધીમે મોતિયો આવ્યો હોય અને મોતિયાને લઈને આપણે  દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ  તો  એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.