આ જગતમાં આપણા માટે સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(03)
આપણે એવું જાણ્યું કે ગીતામાં દરેક શબ્દનો અર્થ આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલો છે. શબ્દનો અર્થ જાણીએ તો આપણને બહુ સ્પષ્ટ રીતે ગીતાનો સંદેશ પ્રાપ્ત થાય છે. જેમ ગીતામાં રહેલા શબ્દને વારંવાર વાંચવાથી અર્થ બદલાય છે એવું જ ગીતાના ખુદના કિસ્સામાં પણ છે.
મહાભારતમાં ગીતા એક નથી અનેક છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને જેવો વિષાદ થયો એવો વિષાદ મહાભારતમાં અન્ય પાત્રોને પણ વારંવાર થયો છે.
- યુદ્ધની પૂર્વ સંધ્યાએ રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચે જે સંવાદ થયો છે તેને ‘વિદુર ગીતા’ કહેવામાં આવે છે.
- મહાયુદ્ધ પૂરું થયા પછી શાંતિકાળની એ ક્ષણે અર્જુને પરમ સખા શ્રી કૃષ્ણને કહ્યું : કૃષ્ણ, તમે કુરુક્ષેત્રમાં મને પ્રબોધેલા શબ્દો મારે ફરીથી સાંભળવા છે. આ પ્રશ્નના જવાબમાં એના એ શબ્દો પોતે ફરીવાર સંભળાવી શકે એ વિષે શ્રીકૃષ્ણે અસમર્થતા દાખવી. એ સમયે પોતે યોગયુક્ત થયેલા અને એવી યોગયુક્તતા હવે સ્વૈછિક ધોરણે પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી, એટલે કુરુક્ષેત્રની રણભૂમિમાં જે કહેવાયું હતું એ પુનઃ તો કહી શકાય એમ નથી. પણ પ્રાચીનકાળમાં બનેલી એક ઘટનાનો આશરો લઇને એવી જ બીજી થોડીક વાતો કૃષ્ણે અર્જુનને સંભળાવી અને આ સંવાદ ‘અનુગીતા’ના નામથી ઓળખવામાં આવ્યો.
- શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ દ્વારા જે ગોપી પ્રેમની અનુભૂતિ વિષે કહેવાયું તે ‘ઉદ્ધવ ગીતા’ના નામે પ્રચલિત છે.
એમ કહેવાય છે કે ગીતાની સંરચના એ વિશ્વ સાહિત્યમા બહુ અજોડ છે. આમ તો ગીતાના ૭૦૦ શ્લોક શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ તરીકે છે. એમની વચ્ચે જે સંવાદ થઇ રહ્યો છે એ સંવાદ રણભૂમિથી દૂર હસ્તિનાપુર રાજમહેલમાં બેઠેલો સંજય જોઈ અને સાંભળી શકે છે અને રાજા ધૃતરાષ્ટ્ર જે આજીવન અંધ છે એમની સમક્ષ સંજય પોતે જે જોવે છે અને સાંભળે છે એનું વર્ણન કરી રહ્યો છે. જે ગીતાનું જ્ઞાન કૃષ્ણે ગુહ્યતમ કહ્યું છે અને પૂર્વે તો માત્ર સૂર્ય મન અને ઈશ્વાકુ જ જાણતા હતા એ જ્ઞાન ધૃતરાષ્ટ્ર જેવા મોહના આવરણથી વ્યાપ્ત અને અંધના અંતઃકરણ સમક્ષ પણ વ્યક્ત થાય એ કેવો યોગાનુયોગ ? ગીતાની આ લાક્ષણિકતા સમજાવતા સાક્ષરવર્ય શ્રી દિનકર જોશી કહે છે કે, આ ચાર વચ્ચે જે કંઈ બનતું રહ્યું એની સમગ્ર તસ્વીર મહર્ષિ વ્યાસે શબ્દબદ્ધ કરીને આપણને આપી. આમ ગીતાનું રચના કૌશલ્ય ભારે અભિભૂત કરે તેવું છે. ક્યાં અઢાર અક્ષૌણી વચ્ચે થઇ રહેલો સંવાદ, ક્યાં હસ્તિનાપુરના રાજમહેલમાં થતું એનું પુનરાવર્તન અને ક્યાં મહર્ષિ વ્યાસ દ્વારા શ્રી ગણેશની કલમે આલેખાઈને શબ્દબદ્ધ થયેલું કાવ્ય !! આપણે જયારે કાવ્ય શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને સાહિત્યની વાત અવશ્ય યાદ આવે છે. શું ગીતા એ કાવ્ય હતું ? કાવ્ય પાસે હકીકતમાં રસ અને ચોક્કસ સંદેશની અપેક્ષા રાખવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ગીતાનો ગ્રંથ એ કાવ્ય છે.
ગીતાના બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપણને આપવામાં આવ્યા છે.
૧) આત્મા અમર છે અને અખંડ છે.
૨) દેહ ક્ષુદ્ર છે, નાશવંત છે
અને
૩) સ્વધર્મ અબાધ્ય છે.
આ ત્રણમાં સ્વધર્મનો સિદ્ધાંત એ કર્તવ્યરુપ છે એટલે કે એને અમલમાં કે આચરણમાં મુકવાનો છે, જયારે બાકીના બે જાણવા માટેના છે.
સ્વધર્મ આપણને કુદરતી રીતે આવીને મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતા ઊભા થઇ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હતો, આપણા મા બાપ હતા, આપણા પાડોશી હતા. આ અસ્તિત્વના બધા જ તત્ત્વો હાજર હતા. આમ આપણો જન્મ ચાલુ પ્રવાહમાં થયો છે એટલે જે મા બાપને પેટ મેં જન્મ લીધો તેની સેવા કરવાનો ધર્મ જન્મથી મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ અને પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવીને મળ્યો છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે. ક્યારેક તો એવું લાગે કે તે આપણા જન્મની આગળથી આપણા માટે તૈયાર હોય છે. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. કોઈ નિયત હેતુ પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. વિનોબાજી સ્વધર્મને મા ની ઉપમા આપે છે. તેઓ કહે છે મારી મા ની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઇ ચુકી છે. સિદ્ધ છે. મા ગમે તેવી હોય મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણા માટે સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે. (ક્રમશ:)
