સન્યાસ એટલે અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ અને કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(38)
આપણને હંમેશ એવી મૂંઝવણ હોય છે કે ભગવાન પાસે તો બધું છે, તેને વળી આપણે શું અર્પણ કરી શકીએ ? ભગવાન આપણી મૂંઝવણનો ઉકેલ આપે છે. મનુષ્ય જે કોઈ સ્થૂળ પદાર્થો અર્પણ કરે તેનું વિશ્વપતિને કોઈ મહત્વ નથી ; પરંતુ તે અર્પણ પાછળ રહેલા પ્રેમ અને ભક્તિને જ ઈશ્વર સ્વીકારે છે, પછી ભલે પત્ર, ફળ, ફૂલ, સોનાનું મંદિર કઈ પણ હોય તેનું મહત્વ નથી. ભગવાન બહુ સ્પષ્ટ છે કે, “શુદ્ધ અંત:કરણવાળા ભક્ત ધ્વરા ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવેલી ભેટનો હું સ્વીકાર છું. તેથી હે કુંતી પુત્ર, તમે જે કંઈ કર્મ કરો છો, જે કંઈ કહો છો, જે કંઈ હવન કરો છો, જે કંઈ દાન આપો છો અને જે કંઈ તપ કરો છો, તે બધું તમે મને અર્પણ કરો. તમે આ પ્રમાણે કરશો તો કર્મના બંધનોથી મુક્ત થઇ જશો અને સન્યાસયોગથી સભર અંત:કરણવાળા બનીને તમે પ્રાપ્ત થઇ જશો,” અહીં સન્યાસ શબ્દની ગીતા વ્યાખ્યા સમજી લેવા જેવી છે. સન્યાસ એટલે સંસાર છોડવાનો નથી પણ, (1) અહંકાર પ્રેરિત સાર કર્મોનો ત્યાગ કરવાનો છે અને (2) કર્મફળની સાથે આસક્તિનો ત્યાગ કરવાનો છે.
આ તકે વિનોબાજીએ ટાંકેલ એક પ્રસંગ જાણવા જેવો છે:
“નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, “આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે.” ગીતામાંનો ‘देशे काले च पात्रे च’ દેશ, કાળ ને પાત્ર જોઈ, એ શ્લોક પણ મે ટાંકી બતાવ્યો. માએ કહ્યું, “જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે.” માના આ ઉત્તરનો જવાબ હજી મને સુઝુયો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત-ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારું માનવો? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું?”
વિનોબાજીના ગીતા પ્રવચનો તો અદભુત છે એવું આપણે અગાઉ પણ કહી ચુક્યા છીએ, પરંતુ તેઓના કેટલાક અવલોકનો તો કાબિલેદાદ છે. તેઓ કહે છે : થોડું પણ મીઠાશભર્યું .અને પછી ઉમેરે છે : “पत्रं पुष्पं फलं तोयम – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ સવાલ નથી, કઈ ભાવનાથી આપો છો એ મહત્વનું છે. એકવાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસર કહ્યું, “અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરું છે.” તો પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણનું કામ કરું છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, “અઢાર વરસ સુધી બળદ ઘાણીમાં ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ?” યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. જે સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો અનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફેસરે ડંફાશ મારી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ ડંફાશથી કંઈ સત્ય સાબિત થાય છે? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્ત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્ત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.”.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાધકને થાય ત્યારે એ સ્વીકારી શકે કે, ઈશ્વર સમસ્ત પ્રાણીઓમાં સમાન છે, ઈશ્વરને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. જે ભગવાનને ભક્તિપૂર્વક ભજે છે તેઓ ઈશ્વરમાં છે અને ઈશ્વર તેઓમાં છે. શ્રીકૃષ્ણ તો છેક અંતિમ પર જઈને ચોખવટ કરે છે કે, “તે ભલે દુરાચારી રહ્યો હોય, દુષ્ટ અને ઘાતકી હોય, સ્વચ્છંદી અને કંઈ હોય પણ જે ક્ષણે તે ભક્તિપૂર્વક આત્મચિંતન ના માર્ગે પ્રથમ ચરણ મૂકે છે તે જ ક્ષણથી તે સાધુ માનવ યોગ્ય છે.” ભગવાનની આ વાત પર અર્જુન પ્રશ્નાર્થ દર્શાવે છે ત્યારે ફરી સ્પષ્ટતા સાથે ભગવાન આવે છે અને કહે છે કે, હે કુંતી પુત્ર, મને ભજનાર દુરાચારી હોય તો પણ શીઘ્ર ધર્માત્મા બની જાય છે અને તે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. તું મારા વચનમાં શ્રદ્ધા રાખ કારણ કે મારો કોઈ ભક્ત કદી નષ્ટ થતો જ નથી. અરે પાર્થ, સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર કે કોઈ પાપીયોનિ વાળા વ્યક્તિ મને શરણે આવીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે.” અહીં ‘સ્ત્રી’ એટલે ભાવુક પ્રકૃતિના સ્ત્રી જેવા મન વાળા, વૈશ્ય એટલે મનની વૈશ્યવૃત્તિવાળા ( ગણતરીબાજ) અને શુદ્ર એટલે આળસ, નિદ્રા અને પ્રમાદ જેવી મનની વૃતિવાળા. મનની અશુદ્ધિઓ અથવા નબળાઈઓને અહીં “સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રા:” શબ્દો દ્વારા સૂચિત કરવામાં આવી છે તેવો મત સ્વામીશ્રી ચિન્મયાનંદજીએ ગીતા ભાષ્યમાં દર્શાવેલ છે.
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે આ અનિત્ય અને સુખરહિત લોકને પ્રાપ્ત થઈને હવે તેણે નિત્ય અને આનંદસ્વરૂપ આત્માની પૂજામાં પ્રવૃત્ત થવું જોઈએ. અર્જુન ફરી ગૂંચવાયો છે એટલે પૂછી નાખે છે કે, હે મારા પ્રભુ, જયારે મારે યુદ્ધભૂમિમાં શત્રુઓનો સામનો કરવાનો હોય, ત્યારે હું આપની પૂજા કઈ રીતે કરું ? ભગવાન અર્જુનને તરત આશ્વાસન આપે છે કે, ‘તમે મને પરમ લક્ષ્ય તરીકે સ્વીકારી લેશો ત્યારે તમે મને પ્રાપ્ત થઇ જશો.’
કેવળ અર્જુનને નહીં પરંતુ આપણને સારતત્વ કહીને નવમાં અધ્યાયનું સમાપન કરે છે કે, ‘તમે મારા ભક્ત થઇ જાઓ, મારામાં માનવાળા થઇ જાઓ, મારું પૂજન કરવાવાળા બનો અને મને નમસ્કાર કરો. આ રીતે ચિત્તને મારામાં જોડીને મારા પરાયણ થઈને તમે મને જ પ્રાપ્ત થશો.’ આ નવમાં અધ્યાયને રાજવિદ્યા કહેલ છે, તે યથાર્થ છે, કારણ કે જેના પ્રકાશમાં બીજી બધી અપરા વિદ્યા કે વૃતિજ્ઞાન સંભવ છે. મુંડકોપનિષદ તો ત્યાં સુધી કહે છે કે, સર્વવિદ્યાનું અહીં પ્રતિષ્ઠાન થયું છે તેથી એને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.
