શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(34)
શ્રીમદ ભગવત ગીતાના નવમા અધ્યાયની એક વિશેષતા એ છે કે તેના પ્રારંભમાં જ એક શરત મૂકી છે. જે કોઈની ઈર્ષા ન કરે તેને જ આ રહસ્ય જ્ઞાન પ્રાપ્ત થઇ શકે. તેમાં શબ્દ પ્રયોગ કર્યો છે અસૂયા. અસૂયા શબ્દ ઈર્ષાને મળતો તો છે, પણ થોડો જુદો છે. ઈર્ષા એટલે સ્પર્ધામાં આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષ થવો. પણ અસૂયા એટલે વિરોધીના સદગુણોમાં પણ દોષ દ્રષ્ટિ રાખવી તે. જે વ્યક્તિ ગુણોમાં પણ દોષ જુએ છે તે દોષોમાં તો દોષ જોવાનો જ છે. આ રીતે અસુયાવાળો તો ઈર્ષાળુ કરતા પણ હીન કહેવાય. આવી અસૂયાવૃત્તિ જેમાં નથી તેવા અર્જુનને આ રહસ્યજ્ઞાન પ્રાપ્તિનો અધિકારી માનવામાં આવ્યો છે. તેથી ગુહ્યતમ જ્ઞાનમ વિજ્ઞાન સહિત આપવાની પ્રસ્તાવના ભગવાન કરે છે.
સૌથી પહેલા શ્લોકમાં બીજી એક મહત્વની વાત પણ કરી છે કે મોક્ષ એટલે શું ? બહુ ટૂંકમાં કહીએ તો અશુભોથી છૂટવું તે મોક્ષ છે. અહીં જન્મ મરણના ચકકરની વાત કરી નથી. અશુભ એટલે શું ? જેનું પરિણામ દુઃખદાયી હોય તે અશુભ કહેવાય. આનાથી ઉલટું શુભ કહેવાય. જેનું પરિણામ સુખદાયી, કલ્યાણકારી તે શુભ. શુભથી સુખી થાય તો સુખ શાંતિદાયક બની શકે. અશુભથી કદાચ કોઈ સુખી થાય તો પણ તે શાંતિદાયક ન હોય. એટલે સંત પુરુષો કોઈને આશીર્વાદ આપે તો શુભમ ભવતુ એવું બોલે છે, કારણ કે શુભમાંથી જ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, અશુભથી નહીં.
વિજ્ઞાન સહિત જ્ઞાનનો અર્થ થાય છે માત્ર ઉપરછલ્લું જ્ઞાન નહીં પણ જ્ઞાનના આગળ પાછળના ઊંડાણથી વિજ્ઞાન સહિતનું જ્ઞાન, હે અર્જુન, હું તને હવે કહી રહ્યો છું. પુરુષના જીવનને ધન્ય જીવન પાંચ ઐશ્વર્યથી ગણ્યું છે. ધન ઐશ્વર્ય, રૂપ ઐશ્વર્ય, કંઠ ઐશ્વર્ય, મેધા ઐશ્વર્ય અને શ્રદ્ધા ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે જેનાથી પુરુષમાં ઈશ્વરભાવ અથવા તો શ્રેષ્ઠભાવ આવે તે ઐશ્વર્ય, જેમાં ધન વધુ છે, માન સન્માન ધનને લઈને બને છે તેને ધન ઐશ્વર્ય કહે છે. જેને રૂપ મળ્યું છે તેને રૂપ ઐશ્વર્ય કહ્યું છે, જેને મધુર કંઠ મળ્યો છે તેને કંઠ ઐશ્વર્ય કહ્યું છે. જેને પ્રચંડ મેધા પ્રાપ્ત થઇ છે તે મેધા ઐશ્વર્ય છે અને શ્રદ્ધા ઐશ્વર્યમાં શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ, માત્ર વિશ્વાસ નહીં. વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય. આ પાંચ ઐશ્વર્યોમાંથી જેને પાંચે પાંચ મળેલ હોય તે તો ધન્ય ધન્ય કહેવાય, પણ કદાચ પાંચ ન મળ્યા હોય અને એકાદું મળ્યું હોય તો પણ જીવન મૂલ્યવાન થઇ જાય. ગીતા કહે છે કે, જે શ્રદ્ધા વિનાના છે તે દુર્ભાગી છે, કારણ કે તે ઐશ્વર્ય વિનાના છે. જેમની પાસે હૃદયનું ઐશ્વર્ય નથી હોતું તેવા પુરુષો આ રાજવિદ્યાને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ તે મૃત્યુ સંસારમાં ભટકતા રહે છે.
પરમેશ્વર અવ્યક્ત નિરાકાર છે. તેણે જ આ વ્યક્ત થયેલા જગતની રચના કરી છે. તે વિશ્વવ્યાપી છે. નિરાકાર જ વ્યાપક થઇ શકે, સાકાર હંમેશા એકદેશીય હોય, તે બધે ન હોય. રાજા રાજધાનીમાં હોય, પુરા રાજ્યમાં ન હોય. પુરા રાજ્યમાં તો તેની સત્તા હોય, તે પોતે ન હોય. પણ તેના નોકરો, તેના નોકરોની આધીનતા સાથેના કેટલાક લોકો અને અમલદારો હોય તો જ રાજ્ય શક્ય બને. પણ નિરાકાર ઈશ્વર સર્વત્ર હોય. તેની પોતાની સત્તા હોય તેથી તેના નોકરો કે અમલદારોની જરૂર ન રહે, એવો અવ્યક્ત ઈશ્વર સચરાચર વ્યાપક બધા બ્ર્હ્માંડોનો આધાર બને છે. ઈશ્વરી વ્યાપકતાનું ઉદાહરણ પણ નવમા અધ્યાયના પ્રાથમિક શ્લોકોમાં આપ્યું છે. પરમેશ્વર સૌનો આધાર છે તેવું વારંવાર કહેવાયું છે. તેને ઉદાહરણથી સમજાવીને કહે છે કે, જેમ અનંત આકાશમા વાયુ વહેતો રહે છે, વાયુમાં ગતિ છે તેથી વહે છે. આકાશમાં ગતિ નથી તેથી સ્થિર છે. આવી જ રીતે પરમેશ્વર અનંત છે, તેનો છેડો નથી, તેમાં અનંતકોટી બ્રહ્માંડો આવેલા છે, તેમાં બધા જીવાત્માઓ વહેતા રહે છે.
સૌની પોતપોતાના કાર્યો પ્રમાણે ગતિ થાય છે. સાતમા શ્લોકમાં જીવાત્માઓનું શું થશે એવો જયારે વિચાર કર્યો ત્યારે વિલીન શબ્દપ્રયોગ કર્યો છે. વિલીન એટલે નષ્ટ થઇ જવું નહીં. જેમ પાણીમાં મીઠું વિલીન થાય તો એ નષ્ટ નથી થયું પણ એ પાણીને ખારું બનાવી દે છે. તેનું અસ્તિત્વ માત્ર સ્વતંત્ર રીતે દેખાતું નથી, પણ હોય તો ખરું. આવા કલ્પ ક્ષય એટલે પ્રલયકાળમાં બધા જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઇ જાય છે. અર્થાત સુષુપ્ત દશામાં રહે છે અને જયારે સૃષ્ટિ રચનાનો કાળ આવે ત્યારે તે બધા પ્રગટ થાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે જીવાત્મા નિત્ય છે. તે ઉત્પન કે નષ્ટ થતા નથી, પણ વિલીન અને પ્રગટ થાય છે.
