ગાંધી સમર્પિત શ્રી મણિલાલ સંઘવી કોંગ્રેસ અંગે જે કહી ગયા તે આજે પણ ગાંધી સંસ્થાઓના મુખિઓ વાંચે તો ??
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
લેખના આરંભમાં શ્રી મણિલાલ સંઘવીનો પરિચય આપવાની ઈચ્છા નથી, કારણ કે એમના જ બે પત્રો એમની ઓળખ સ્પષ્ટ કરે છે. હા, એટલું નક્કી કે આ પત્રો આપણને તેઓના શતાબ્દી ગ્રંથમાંથી મળ્યા છે કે જયારે ભારત સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષ ઉજવી રહ્યું છે. એ સમયના કાર્યકરો કેટલા સુસ્પષ્ટ હતા તેનો ચિતાર મેળવવા આવો, આજના લેખનો આરંભ તેઓશ્રીની એક કેફીયતથી કરીએ ::
“માણસને પોતાને પોતાનો જ ભય લાગતો હોય છે. મારું પણ એવું જ લાગે , જેટલી ભક્તિ અને શક્તિથી ગ્રામસ્વરાજ સંઘની જવાબદારી સંભાળી એટલી જ ભક્તિ અને શક્તિથી સાઠ વરસમાં ફતેગઢ – ખાદી કેન્દ્રની, ગઢસીસા-ખાદી કેન્દ્ર અને કચ્છ – ખાદીગ્રામોદ્યોગ સંઘની જવાબદારી સંભાળી. ભૂદાન – ગ્રામદાન પ્રવૃત્તિની અને બીજી કેટલીયે સંસ્થાઓની જવાબદારી સંભાળી. ક્યાંય પણ આસક્તિ ચીટકી ન શકી પણ ગ્રામસ્વરાજ સંઘ અંગે એવું કહેવાની સ્થિતિમાં હું આજે પણ નથી. એની આસક્તિ એટલે એનાં શુભકાર્યોની આસક્તિ મને હજુ પણ ચીટકી રહી છે. બીજા અનેક સ્વજનોની જેમ મને પણ લાગે છે કે છેલ્લાં વરસોમાં સંઘે ઉત્તમ રીતે પોતાની ફરજો બજાવી છે એ ફરજો બજાવવામાં ભૂલો પણ થઈ છે. પણ એ ભૂલો સહિત પણ સંઘે સરસ કામ કર્યું છે. પણ તોય મારા મનમાં કેટલીય બાબતો વિશે અસંતોષ કેમ રહે છે ? અનેક કાર્યોમાં, કાર્યોની શુદ્ધતા માટેની જાગૃતિનો અભાવ મને ઘણે ઠેકાણે દેખાય છે. એ પીડે છે. એમાં તટસ્થતા જળવાવી જોઈએ તે મન જાળવી શકતું નથી. આ વાત હવે સમજાય છે. એટલે એમાંથી નીકળી શકાશે એમ લાગે છે.”
(01)
ગામસ્વરાજ સંઘ … નીલપર
બાપુ શ્રાદ્ધ દિનઃ તા. 12-02-2003
પ્રિય ગોવિંદભાઈ તથા જેસંગભાઈ,
નઈ તાલીમ સંઘ – અમદાવાદ,
તા 24-2ના પરમ આદરણીય શ્રી ઝીણાભાઈની ઉપસ્થિતિમાં નઈ તાલીમમાં રસ લેતા મિત્રોનું મિલન કરી રહ્યા છો, તે જાણીને આનંદ થયો.
ઉંમરને કારણે પ્રવાસો ઉપર સહેજે મોટો કાપ મૂક્યો છે. એટલે આવી ન શકવા બદલ ક્ષમા કરશો.
પણ તમારી માંગણીથી આ સાથે મારા વિચારો ટૂંકમાં મૂકું છું .
(1) જે જમાનામાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય – રાષ્ટ્રીય સંસ્થા હતી. તે જમાનામાં ગાંધીજી કોંગ્રેસના સામાન્ય સભ્યપદેથી સન 1934માં મુક્ત થયા હતા.
(2) આઝાદી આવતાં કોમી – કટ્ટરતાએ બાપુનો ભોગ લીધો.
(3) વિનોબાએ બાપુનાં કામો સંભાળ્યાં, “બાપથી બેટા સવાયા” ની લોક-કહેવત વિનોબાની બાબતમાં સો ટકા ચરિતાર્થ થઈ. પણ આપણે ગાંધીવાળાઓ – ખાદી, નઈ તાલીમ વગેરે રચનાત્મક સંસ્થાઓ અને તેના કાર્યકર્તાઓ પૂરી શક્તિથી અને ભક્તિથી તેમાં લાગી શક્યા નહીં. તેનો મર્મ પકડી શક્યા નહીં. દિવસો–દિવસ સરકાર આધારિત મોહક રચનાત્મક કામોમાં ફસાતા ગયા, અને તેની ઝાક ઝમાળમાં અંજાતા ગયા. પરિણામે આપણું દૈવત્વ – સ્વત્વ ગુમાવતા ગયા. આજે આપણી જમાત, બિચારી બાપડી જેવી સ્થિતિમાં છે.
(4) જાગ્યા ત્યારથી સવાર ગણીએ. બધાના સહયોગને પ્રેમભાવે આવકારીએ. પણ રાજકીય પક્ષોનો કે રાજકીય સત્તાધારીઓનો આધાર સમજપૂર્વક છોડીએ. પાર્ટી પોલિટિક્સ કે પાવર પોલિટિક્સના આધારથી અને પ્રભાવથી સર્વથા મુક્ત રહીને આપણા નઈ તાલીમનાં અને બીજા બધાં રચનાત્મક કામો નવેસરથી ગોઠવીએ. નમ્રતાપૂર્વક બધાનાં સહયોગને આવકારીએ.
(5) એટલે મૂળ બાબત મોઢું બદલવાની – દિશા બદલવાની છે. એમાં આપણે સાફ થવું જોઈએ. મોઢું ફેરવવાનો નિર્ણય આપણે સમજપૂર્વક અને નિશ્ચયાત્મક રીતે લઈ શકીએ તો આપણું કરવું અને હળવું મન સહજ રીતે આગળનું સુઝાડશે.
(6) પરમ આદરણીય ઝીણાભાઈને તથા મિલનમાં આવેલ સર્વે ભાઈ-બહેનોને સ્નેહભાવે પ્રણામ.
સસ્નેહ ભાઈ
મણિલાલ સંઘવીનાં પ્રણામ.
(ગુજરાત નઈ તાલીમના સંવાહકો ગોવિંદભાઈ રાવલ તેમજ જેસંગભાઈ ડાભીને પત્ર)
(02)
ઉરુલી કાંચન (પુના, મહારાષ્ટ્ર)
તા. 10-12-1956
પ્રિય ભાઈશ્રી દયારામ તથા છગનભાઈ,
ભાઈ દયારામનો તા.05-12 નો લખેલો પત્ર મળ્યો. તેમાં આદિપરને અંબર-સેટ આપવાનું ત્યાં જ નક્કી કરી આવ્યા તે અંગેની વિગતો તથા ભાઈ મટાણી અને દસ્તુર આવનાર છે વ. હકીકતો વાંચી. તે બાબતમાં મારાં નમ્ર સૂચનો હું અહીં મૂકું છું
(1) તમે બંને મિત્રોએ એક ગાંઠ બાંધવી કે નિર્ણયો બંને સાથે વિચાર્યા એ નક્કી કર્યા પછી જ લેવાશે.
(2) જે બાબત બંનેનો મત ભિન્ન રહેતો હોય તે બાબત વધારે બાબત વધારે વિચારણા માટે મોકૂફ રાખવી. અને એ બાબતમાં બંનેનો એક વિચાર થાય ત્યારે જ તે અમલમાં લાવવી.
(3) વહીવટી કામની સરળતા માટે આપણે એટલે કે ટ્રસ્ટે ચાર ભાઈઓની એક સમિતિ બનાવી છે તેનો ઉપયોગ કરવો. દર માસે કે બે માસે કે તમને મિત્રોને જેટલું અંતર અનુકૂળ લાગે તેટલે અંતરે, પણ નિયમિત, તેની બેઠક મળે અને તેમાં તે સમય દરમિયાનના બધા પ્રશ્નો ચર્ચાય તેવું ખુલ્લું વાતાવરણ રાખવું. મને તો પૂરો ભરોસો છે કે એમ કરવાથી આપણા વહીવટીપ્રશ્નો ઘણા સરળ થઈ જશે.
(4) વહીવટી પ્રશ્નોને લાગેવળગે છે ત્યાં સુધી આપણે ટ્રસ્ટને વચ્ચે લાવવું જ ન જોઈએ. તેમાં આપણી ખામી જ દેખાય છે. પણ કોઈ વખતે આપણે ટ્રસ્ટને વચ્ચે લાવીએ તો તેને આપણી લાચારી અને આપણા પરસ્પરના સદ્ભાવની ખામી ગણીને આપણે વધારે સજાગ બનવું જોઈએ.
(5) ખાદી – ગ્રામોદ્યોગ અંગેનો રોજિંદો વહેવાર – વહીવટ, છગનભાઈ એમની શક્તિ, સમજ, સૂઝ અને હથોટી પ્રમાણે ગોઠવે તેમાં કેટલીક વસ્તુ દયારામભાઈને ન ગમે તેવી થતી હોય તોપણ તેની ટીકા ન કરે. તે તરફ અણગમો કે નફરત તો વ્યક્ત ન જ કરાય. સહ કે સમૂહજીવનમાં આ પાયાની વસ્તુનો આપણે જયાં સુધી પૂરો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી આપણાં બધાં કામો કાચાં અને પરિણામે નિર્વીર્ય પુરવાર થવાનાં જ છે.
મને તો હવે એ સ્પષ્ટ અનુભવ થતો જાય છે કે જ્યાં સુધી, સામી વ્યક્તિને આપણા તરફ સદ્ભાવ તથા આદરભાવ પેદા થયો નથી હોતો ત્યાં સુધી આપણે તેને પ્રેમપૂર્વક અને પૂરી સદૂભાવનાથી કરેલી વાતો પણ અસરકારક નીવડતી નથી. એટલું જ નહિ પણ વિપરીત પ્રત્યાઘાતો જન્માવે છે. ત્યાં મૌન જ એકમાત્ર સાચું સાધન છે. પણ તે મૌનમાં આંતરિક કચવાટ, બબડાટ કે ધિક્કારની લાગણી હોય તો તે પણ નકામું પુરવાર થશે. તે મૌનમાં પણ સામી વ્યક્તિ તરફ પ્રેમ અને સહાનુભૂતિ જ નીતરતી હોવી જોઈએ. તો તે મૌન યોગ્ય કાળે સામી વ્યક્તિ ઉપર અસર કરશે એમ મને ચોક્કસ લાગે છે. પણ યોગ્ય કાળનું કોઈ માપ આપણી પાસે નથી. માનસિક ભૂમિકામાં આંદોલનો ઊઠે છે અને આપણને ઘણી વખત ખબર ન પડે તે રીતે સામેની વ્યક્તિમાં જ નહીં પણ અરસપરસના મનમાં પણ અનુકૂળ ભાવનાઓ પેદા કરે છે.
લિ. તમારા ભાઈ
મણિલાલના પ્રણામ
(શ્રી દયારામભાઈ કેવરિયા અને છગનભાઈ ભીમની ખાદીગ્રામોદ્યોગ સંઘ, લીલપુરને સંયુક્ત પત્ર, સંસ્થાના વહીવટ સંદર્ભે)
****************************************************************
નઈ તાલીમની સંસ્થાઓની આજે જે હાલત છે તેને આ બંને પત્રો સીધા જ સ્પર્શે છે. વ્યક્તિગત અહમ અને મમત્વ સંસ્થાઓને કોરી રહ્યું છે તે સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. ગાંધીજીનો પાયાનો વિચાર આજે પક્ષાપક્ષીમાં એટલો ગરકાવ થયો છે કે દેશનું રાજકારણ તેની પાસે સારું લાગે !! શ્રી મણીલાલ ગાંધી જેવા પાયાના સમર્પિત કાર્યકરની ખોટ આજે એટલે વર્તાય છે કે આટલું સ્પષ્ટ કહેનાર અને તે પણ લખીને કહેનાર આજે છે જ ક્યાં ?? પંચોતેર વર્ષે ગાંધી-સંસ્થાઓએ આ મંથન પણ કરવા જેવું છે, તેમ નથી લાગતું ??
