
“આપે એક ટીમ એવી કેમ ન તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને મળે !!”
અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે, અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા એવી થવા લાગી કે, હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું, પરંતુ એમને એ યાદ નથી રહેતું કે, એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો કે, મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને ખુદને કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.
કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે, ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.
ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે. પરંતુ તેઓની નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ ત્યારે એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે, ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને હવે બધું પડી ને પાધર થઈ ગયું.’ આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું વિચારતા માણસને એક સહજ પ્રશ્ન થાય કે, ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’
ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે. રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો, પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા, જૂની કાંખ ધોડી જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે, પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે, ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’ કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય, પોતે સહી ન કરી શકતા હોય, એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને, એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!
આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો ઉલ્લેખ કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. આ લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી જ નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની પાછળની જેટલી વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે, ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કે, સ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કે, હવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં મને આનંદ થાય છે કે, ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.
