ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ભદ્રાયુ વછરાજાની  bhadrayu2@gmail.com 

‘સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાંથી છૂટી ઘરે તો જશે નહીં, તો પછી એમના આરામ ને આશ્રયનું શું ?’ એવું વિચારીને સરદાર પટેલે બારડોલીમાં સ્વરાજ આશ્રમનું નિર્માણ કર્યું.   જાણીને આશ્ચર્ય થશે કે સરદાર પટેલે સ્વખર્ચે અને સ્વેચ્છાએ સ્વરાજ આશ્રમ બનાવવાનું  કાર્ય કર્યું હતું. 

બારડોલી સત્યાગ્રહ વખતે સ્વરાજ આશ્રમના મંત્રી તરીકે ખુશાલભાઈ કાર્ય કરતા. ઓફિસનું કાર્ય એકદમ વધી ગયું. ખુશાલભાઈને મદદની જરૂર ઊભી થઈ. કોણ મદદ કરે ? એવો પ્રશ્ન થયો કે તરત જવાબ મળ્યો.  મૌન-અવિરત-કાર્યકર ઉત્તમચંદ શાહનું નામ સૂચવાયું.   

ઉત્તમચંદભાઈ સરભોણ છોડી બારડોલી આશ્રમમાં આવ્યા. ખુશાલભાઈ કહે, “ઉત્તમચંદ, તું તો વિદ્યાપીઠનો સ્નાતક. તારી લાયકાત તો ભાઈ બહુ મોટી. તારો તો પગાર પણ બહુ  મોટો હોય. બોલ શું લઈશ ?” ઉત્તમચંદભાઈ કહે, “રોટલો અને ઓટલો મળશે તો બસ. આપણે તો આઝાદી મેળવવી છે એ જ પગાર. તમે રૂ. ૪૦ લો છો તો મારે રૂ. ૩૫ લેવા.”

ખુશાલભાઈ તો ઉત્તમભાઈની રાષ્ટ્રભક્તિ જોઈને ખુશ થયા. સરદાર અને ગાંધીજી પાસે કેવા યુવકો આવી શકે છે તેનો  ઉત્તમ નમૂનો ઉત્તમચંદ શાહે  પૂરો પાડયો. તેઓએ સરદાર પટેલને કહેલું કે હું પચાસ વર્ષ સ્વરાજ આશ્રમને સાચવીશ. ઉત્તમચંદ શાહની આ ત્યાગભાવના અને નિષ્ઠાની પ્રતીતિ રૂપે બરાબર પચાસ વર્ષ પછી પોતાની ૯૯ વર્ષની ઉંમરે પરલોક સિધાવ્યા. 

અહીં આપણે સ્વરાજ આશ્રમ, સરદાર પટેલ અને ઉત્તમચંદ શાહને સાંકળતી ઘટનાઓને જાણવી છે અને તેની પાછળ રહેલી દેશપ્રેમની ખેવનાને આત્મસાત કરવી છે. 

@ ડ્રાફ્ટિંગની બાબતમાં ગાંધીજીની માસ્ટરી કહેવાય. બારડોલી વર્કિંગ કમિટી મળે. ગાંધીજી અને સરદારશ્રી સ્વરાજ અંગે વિચારણા કરવા ઘણી વિચારક વ્યક્તિઓને બોલાવે. ઉત્તમભાઈ વર્કિંગ કમિટીનું ડ્રાફ્ટિંગ કરે અને બાપુને બતાવે. જવાહરલાલજી બાપુની પાસે બેસે અને લખે. જવાહરલાલજી બહુ લાબું લખીને આવે. ગાંધીજી એમાં ફેરફાર સૂચવે. જવાહરલાલજી લેખક એટલે એમનાથી લાંબું  જ લખાઈ જાય. બાપુ ટૂંકું લખાણ કરાવે એટલે બહુ ગુસ્સે થાય. ગાંધીજી ઉત્તમચંદભાઈ પાસે ટૂંકું લખાવે. અંગ્રેજ સરકાર પાસે આ લખાણ જાય. ટૂંકું અને ભાષાના પ્રભુત્વવાળું લખાણ જોઈ સરકાર દંગ થઈ જતી ! જવાહરલાલજીને ટૂંકું કરેલું લખાણ પ્રથમ તો નહીં ગમતું,  પરંતુ લખાણની સફળતા જોતા ત્યારે ગાંધીજીને લખતા, ‘યુ આર રાઈટ.’

ગાંધીજીનું ડ્રાફ્ટિંગ કરી કરીને ભાષાનું પ્રભુત્વ ઉત્તમચંદભાઈએ અનાયાસે જ શીખી લીધું.

@ ગુજરાતના માજી શિક્ષણપ્રધાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોરધનદાસ ચોખાવાળા ઉત્તમભાઈના મિત્ર. તેમના લગ્નનો પ્રસંગ. સૌને ઉત્તમચંદભાઈ આ અંગે કહેતા. ગોરધનદાસ ચોખાવાળાએ પોતાના સમાજમાં (ન્યાતમાં) લગ્ન ન કરવા એવો નિર્ણય કર્યો હતો.

ગાંધીજી સાથે ચીમનભાઈ શાહ નામના સેવાગ્રામના કાર્યકરની દીકરી શારદાબહેન બારડોલી આવેલાં. ગાંધીજીએ એક વાર સવારે ઉત્તમચંદભાઈની હાજરીમાં જ કહ્યું કે, “શારદા, તું હવે લગ્ન કરી લે, કારણ કે બ્રિટિશ સરકાર અમારી ધરપકડ ક્યારે કરે એનું નક્કી નહીં, તેથી તારું શું થશે તેની મને ચિંતા થાય છે.” શારદાબહેને થોડી દલીલો પછી લગ્ન કરવાની ‘હા’ પાડી, જો ગાંધીજી છોકરો શોધી આપે તો.

બાપુની આ વાત ચાલતી હતી ત્યારે ઉત્તમભાઈ હાજર હતા. બાપુની વાત પૂરી થઈ એટલે ઉત્તમભાઈએ ગાંધીજીએ કહ્યું : ‘અહીં એક ગોરધનભાઈ કરીને સરસ કાર્યકર્તા છે. સારો છોકરો છે. તેમણે પોતાના સમાજમાં લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું છે. જો આપની સંમતિ હોય તો સુરત જઈ વાત કરું અને આપને મળવા લઇ આવું.”

ગાંધીજીએ સંમતિ આપી. ઉત્તમભાઈએ સુરત જઈ ગોરધનદાસભાઈને વાત કરી. ગોરધનભાઈ તૈયાર થયા. તે જ સાંજે ગોરધનભાઈને લઈને ઉત્તમભાઈ બારડોલી આવી પહોંચ્યા.

ગાંધીજીએ શારદાબહેન તથા ગોરધનભાઈને બેસીને વાત કરવાનો સમય આપ્યો. બંને લગ્ન કરવા સંમત થયાં. બીજે જ દિવસે શારદાબહેન અને ચોખાવાળાના ચાંલ્લા નક્કી થયા. સરદારસાહેબ અને ગાંધીજીએ આ વાત જાહેર કરી. ઉત્તમચંદભાઈ ગોળધાણા લઈ આવ્યા. બા ચોખા ને કંકુ લાવ્યાં. કસ્તૂરબાએ ચાંલ્લા કર્યા. સૌએ આશીર્વાદ આપવાના શરૂ કર્યા. પ્રથમ બાપુએ આશીર્વાદ આપ્યા. પછી બાએ, પછી સરદારસાહેબે.

આ સમારંભમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મિત્ર કેલનબૅક પણ હાજર હતા. કેલનબૅક કુંવારા હતા. એમણે ગોરધનભાઈના હાથ મજબૂત પકડી ખૂબ હાથ હલાવીને ખુશીમાં અભિનંદન આપ્યાં. સરદારસાહેબે કેલનબૅકની મશ્કરી કરતાં કહ્યું : “મિ. કેલનબૅક, તમે ગોરધનભાઈના હાથ કેમ બહુ હલાવ્યા ? મને લાગે છે કે તમે કુંવારા રહી ગયા છો, તેનો તમને અફસોસ છે.” કેલનબેકે પણ હસતાં હસતાં જ જવાબ ગાંધીજી તરફ જોઈને ઉત્તર આપ્યો કે, “હું કુંવારો રહી ગયો છું તે આ ગાંધીને પાપે.” બધા ખૂબ હસ્યા. ત્યાં તો ગાંધીજી બોલ્યા, “મારી ભૂલને કારણે તમે કુંવારા રહ્યા છો તેથી હવે આ બેને પરણાવી એ ભૂલનું પ્રાયશ્ચિત કરી લઉં છું.”

ઉત્તમભાઈ ઉપરનો પ્રસંગ વર્ણવતાં કહે છે કે, “ગાંધીજી દેશની સ્વતંત્રતાના આંદોલનનની સાથે સામાન્ય કાર્યકર્તાની સામાજિક વાતો પર પણ કેટલું બધું ધ્યાન રાખતા તે આવા પ્રસંગ પરથી સમજાય છે.”

@ બાપુના બારડોલી આવવાના કારણે ઉત્તમચંદભાઈને મહાત્મા ગાંધીજીને નજીકથી જોવાનું, સેવા કરવાનું અહોભાગ્ય સાંપડયું હતું. બાપુની ચોવીસ કલાકની દિનચર્યામાં ઉત્તમચંદભાઈ હાજર જ હોય. સરદારસાહેબની પાછી સૂચના કે, “બાપુને કોઈ વાતનું કષ્ટ ન પડે તેનું ઉત્તમચંદ બરાબર ધ્યાન રાખજે.”

ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ઉત્તમભાઈ બાપુને પૂછતાં કે, “આ શું બાપુ ? ખોરાક વજન કરીને ? વળી, એમાં મરચું નહીં, હળદર નહીં, ખાંડ નહીં.” ગાંધીજી પાસે ઉત્તર તો તૈયાર જ હતો, “તમે આડુંઅવળું ખાઈને જીભને બગાડી મૂકો છો. મને તો આમાં જ સ્વાદ આવે છે.”

@ બારડોલી આશ્રમમાં મહાત્મા ગાંધીજીનો મુકામ હતો. બારડોલીથી રોજ સાંજના પાંચ વાગ્યે ટપાલ નીકળી જાય. અગત્યની ટપાલ હોય તો પાંચ વાગ્યા પછી લેટ ફી ભરીને પત્રો સ્ટેશને પહોંચાડવા પડે. એક વખત બાપુનો કોઈ અગત્યનો પત્ર ટપાલમાં આપવો રહી ગયો. ટપાલ નીકળી ગયેલી. બારડોલી સ્ટેશને લેટ ફીવાળી ટપાલ પણ લેવાની ના પાડી. મહાદેવભાઈએ ઉત્તમભાઈને સુરત જઈ ટપાલ પોસ્ટ કરવાનું કહ્યું.

ઉત્તમભાઈએ પેલો પત્ર સાંજે ૫-૧૦ વાગ્યે લીધો. ૫-૨૦ વાગ્યે ગાડી આવે. ઉત્તમભાઈએ મહાદેવભાઇને કહ્યું, “માણસ મોકલીને ટપાલ સુરત નંખાવું છું.” આ વાત ચાલતી હતી ત્યાં જુગતરામભાઈ આવ્યા. કહે, “હું સુરત જાઉં છું, હું ટપાલ પોસ્ટ કરી આવીશ.” મહાદેવભાઈ બોલ્યા, “ઉત્તમભાઈ, પેલો પત્ર જુગતરામભાઈને આપો. તે સુરત સ્ટેશનેથી રવાના કરશે.”

બાપુ બાજુમાં બેઠેલા હતા. આ વ્યવસ્થા થતી હતી તે વાતો પૂ. બાપુ સાંભળતા હતા. જુગતરામભાઈ ટપાલ લઈ સુરત ગયા. સવારે પાછા આવ્યા. બાપુ ત્યારે માલિશ કરી સ્નાન કરવા બેસતા જ હતા. બાપુએ જુગતરામભાઈને પૂછ્યું, “કેમ, પેલો પત્ર રવાના કર્યો કે ?”

જુગતરામભાઈ તો વિમાસણમાં પડયા. કારણ કે તેઓ પત્ર પોસ્ટ કરવાનું ભૂલી ગયા હતા. બાપુ આ જોઈને ખડખડાટ હસ્યા અને બોલ્યા, “ઉત્તમચંદ, આવાં કામો કવિને ન સોંપાય. એમને એવું યાદ જ ન રહે.” પછી તરત જ બોલ્યા, “હવે આ પત્ર આજની ટપાલમાં રવાના કરજો.”